Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 17

120 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુમય મન

મનને પ્રભુમય બનાવવાની એક technique અજપાજાપ. આવશ્યક ક્રિયા સિવાયના સમયમાં તમે સદ્ગુરુએ આપેલ મંત્રને અંદર સતત જપ્યા કરો – એ અજપાજાપ.

જો અજપાજાપ તમારી પાસે નથી, તો પણ અંદર એક division પાડીને મનને બીજે વાળી દો – આ બીજી technique. ક્રોધ એક મનમાં થાય, પણ બીજું મન એ ક્રોધને જુએ. અને જે ક્ષણે તમે ક્રોધને જોશો, એ ક્ષણે ક્રોધ રહેશે જ નહિ!

ત્રીજી technique છે જાગૃતિ. જો સતત જાગૃતિ તમારી પાસે હોય, તો તમારું મન પરમાં જશે નહિ; માત્ર ને માત્ર પ્રભુમાં રહેશે. પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ! ચોવીસ કલાકમાં એક મિનિટ, એક સેકંડ પણ એવી ન આવે કે જેમાં હું તારા વગરનો હોઉં.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૭

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પરમાત્માના પરમ પ્રેમમાં એકવાર જ્યારે ડૂબાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આવો આસ્વાદ તો દુનિયામાં ક્યાંય ક્યારે મેળવ્યો નથી.

પ્રભુના પરમપ્રેમમાં ડૂબવાનો આનંદ કેવો હોય એની મજાની પ્રસ્તુતિ મહોપાધ્યાય યશોવિજય મહારાજે એક પદમાં આપી. બહુ જ પ્યારું પદ છે, “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા” પરસંગત્યાગ – પરના સંગને છોડીને પરમના પ્રેમમાં ડૂબો. એ પરમનો પ્રેમ કેવો છે…? આનંદ વેલી અંકુરા – આનંદની વેલડી, જે પાછળથી પ્રગટ થવાની છે એના માટે એ અંકુર સમાન છે. પછી એ અંકુર વેલડીમાં ફેરવાઈ જાય, પછી જે મજા આવે… નિજ અનુભવ રસ લાગે મીઠા – હા, મીઠો તો ખરો, મધુરો તો ખરો, પરમપ્રેમનો રસ… પણ કેવો મીઠો..? તો મજાની ઉપમા આપી… જિમ ઘેબર મેં છુરા – ઘેબરને કાપવા માટે છરી વપરાય… મોટું ઘેબર હોય, એને કાપવા માટે છરી વપરાય… એ છરી ચાસણીથી કેવી તરબતર બની જાય, એ જ રીતે જયારે તમે પરમપ્રેમમાં ડૂબો છો ત્યારે તમારું પૂરું અસ્તિત્વ એ પરમરસથી તરબતર થઇ જાય છે. કેવી મજા આવે બોલો…?

તમારી પાસે તો કાંઈ નથી, એ જે પરમપ્રેમનો આનંદ છે, એ આનંદની તુલનાએ તમારી દુનિયામાં કોઈ જ આનંદ નથી. તમારી દુનિયામાં સુખાભાસ છે. અને અહીંયા આવી જાવ તો પરમ આનંદ છે. Now choice is yours. ગઈ કાલે આપણે જોતા હતા કે મનને પ્રભુમય શી રીતે બનાવવું, ગઈ કાલે બે ટેકનીક આપણે જોઈ… આપણે જોયેલી કહું કે મેં જોયેલી કહું… યાદ છે…? બે ટેકનીક ગઈ કાલે આપણે જોયેલી, કે મનને પ્રભુમય શી રીતે બનાવવું… પહેલી ટેકનીક એ હતી, અજપાજપ… એક નાનકડો મંત્ર ગુરુદેવે તમને આપ્યો, આવશ્યક ક્રિયા સિવાયના સમયમાં ખાતી વખતે, પીતી વખતે, કોઈ પણ ક્રિયા કરતી વખતે તમે એ જાપને અંદર સતત જપ્યા કરો. એ અર્હમ મંત્ર ગુરુદેવે તમને આપ્યો છે, તો તમારા માટે એ અર્હમ એટલે ૨૪ કલાકનો ઓચ્છવ. તો મનને પ્રભુમય બનાવવાની પહેલી ટેકનીક આ હતી.

બીજી ટેકનીક એ હતી, અજપાજપ તમારી પાસે નથી તો પણ ખાતી વખતે, પીતી વખતે એક division પાડી દો, શરીર ખાઈ રહ્યું છે, મન કોઈ સ્તવનની કડીમાં ઊંડાણથી પહોંચી ગયું છે, તો શું થશે… શરીર ખાશે પણ એ આસક્તિમાં મન નહિ જાય. મન પ્રભુની ધારામાં હશે.

આજે ત્રીજો એક track બતાવું, અને એ track છે જાગૃતિનો. સતત જાગૃતિ. સતત જાગૃતિ તમારી પાસે હોય, તો તમારું મન પરમાં જશે નહિ, માત્ર ને માત્ર પ્રભુમાં રહેશે. એક જાગૃત પુરુષની વાત કરું, એ હિંદુ ગુરુ હતા, પ્રભાવસંપન્ન પણ હતા, અને જાગૃત પણ હતા,  આપણે ત્યાં આ એક મજાની પરંપરા ચાલી આવી છે. સદ્ગુરુઓની… આપણા બધા જ સદ્ગુરુઓ પ્રભાવસંપન્ન. પણ માત્ર પ્રભાવકતા આપણા સદ્ગુરુઓને ખપતી નથી. પ્રભાવકતા ત્યારે જ ખપે જ્યારે જાગૃતિ પુરેપુરી પોતાની પાસે હોય, એકવાર પ્રભાવકતા ન હોય તો પણ ચાલે, જાગૃતિ તો જોઈએ જ…

આપણી પરંપરામાં સદીઓ પહેલાં એક આચાર્ય ભગવંત થયા, ધર્મઘોષસૂરિ મહારાજ એમનું નામ. બહુ જ જ્ઞાની આચારસંપન્ન, પ્રભાવસંપન્ન અને જાગૃતિયુક્ત. એકવાર એવું બન્યું એ મહાપુરુષ રાત્રે સંથારી ગયેલા, એક સાપ અંધારામાં આવ્યો અને એ સાપે સાહેબજીના પગ ઉપર ડંખ માર્યો… મહાન જાગૃત પુરુષ હતા, શરીર જ સુતેલું હતું, એ તો સુતેલા હતા નહિ, તમારે આવું થાય છે કે નહિ આમ…? હવે છે ને આપણે division પાડવાનું છે, શરીર ખાય, તમે દ્રષ્ટા હોવ…

ચિદાનંદજી મહારાજે એક મજાની સાધના આપી છે, બહુ મજાની… “રહત વિકાર સ્વરૂપ નિહારી” બહુ મજાની આ સાધના છે. રૂપસ્થ ધ્યાનની સાધના આપે છે, પણ એ સાધના આપતા કહે છે – “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય” ચાર ધ્યાન આપણે ત્યાં છે, રૂપસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, અને રૂપાતીત ધ્યાન. તો રૂપસ્થ ધ્યાન શી રીતે થાય? એની એક મજાની વાત કરે છે, “રહત વિકાર સ્વરૂપ નિહારી – બહુ મજાનો લય આપ્યો, કે ભાઈ! પ્રભુનું દર્શન કદાચ તને અઘરું પડતું હશે, પણ તારી અંદર વિકારો ઉઠે એને તું જોઈ શકે..?

ચા પી રહ્યા છો, ગરમાગરમ ચા છે, તમારા ટેસ્ટને અનુરૂપ ચા છે, તમે પી રહ્યા છો, આસક્તિ થઇ રહી છે, હવે એ આસક્તિને જુઓ… મનના બે ભાગ પડ્યા… એક મન આસક્તિમાં જાય છે, બીજું મન આસક્તિને જોવે છે. આ જ વાત ક્રોધ માટે પણ કહી શકાય, એક મન ક્રોધ કરે છે, બીજું મન ક્રોધ અંદર ઉછળે એને જોવે છે. તમે કોણ? તમે ક્રોધ કરનાર નહિ, ક્રોધને જોનાર… ક્રોધને કરનાર અનાદિની સંજ્ઞાથી યુક્ત મન છે, તમે ક્રોધને જોનાર છો, એર – કંડીશનર ઓફીસ તમારી હોય, ગ્લાસ લગાવેલા છે, જેઠ મહીને આંધી કદાચ આવી, તમે જોઈ રહ્યા છો, ધૂળના ગોટા આવી રહ્યા છે, અને ક્યારેક રજકણો તમારી બારીના ગ્લાસની બહારની દીવાલે ટકરાઈ રહ્યા છે, પણ તમારી એર – કંડીશનર ઓફીસમાં એ રજકણો આવી શકશે ખરા…? તમારું ચિત્ત, તમારું અસ્તિત્વ, એ આ એર – કંડીશનર ઓફીસ છે. ક્રોધ આવ્યો મનમાં, તમારામાં નહિ… તમે તો રાગ અને દ્વેષથી પર છો. મારી અને તમારી શુદ્ધ સત્તા અને પ્રભુની સત્તા; there is no difference. કોઈ ફરક નથી. આપણી મૂળભૂત સત્તા નિર્મળ જ છે. અને એ નિર્મળતાને આપણે પ્રાપ્ત કરવાની છે. તો રાગ અને દ્વેષમાં જવું એ તમારો સ્વભાવ નથી. અનાદિની સંજ્ઞાને વશ તમે જાવ છો… તો હવે આપણે આ કામ શરૂ કરીએ.. આસક્તિ એક મનમાં થાય છે, બીજું મન એ આસક્તિને જોવે છે. ક્રોધ એક મનમાં થાય છે, બીજું મન એ ક્રોધને જોવે છે. અને જે ક્ષણે તમે ક્રોધને જોશો એ ક્ષણે ક્રોધ રહેશે પણ નહિ.

સ્વામી રામ બહાર ગયેલા, આશ્રમમાં આવ્યા, એકદમ મજામાં હતા. સ્વામી રામ પોતાના માટે હું શબ્દનો પ્રયોગ કરતાં, અને આ શરીર માટે રામ શબ્દનો પ્રયોગ કરતાં. હું એટલે નિર્મળ ચેતના, આ શરીર જે છે એને નામ અપાયું છે રામ, હસી રહ્યા છે, કોકે પૂછ્યું શું થયું? તો કહે આજે તો તો મજા આવી ગઈ… એક જણો રામને ગાળો આપતો હતો, હું એને જોતો હતો. એક ત્રિકોણ ખડો કર્યો, એક ગાળ આપનાર, એક ગાળ ખાનાર, એક ગાળને જોનાર. ચાર મહિનાના પ્રવચનો આપી મારે તમને જોનાર તરીકે પ્રતિષ્ઠિત કરવા છે.

વિનોબાજી છેલ્લા સમયમાં પોતાના માટે હું શબ્દનો પ્રયોગ નહિ કરતાં. હિન્દીમાં સંતને બાબા કહેવાય. તો એ પ્રવચન આપે ત્યારે કહેતાં, આજ સુબહ બાબાને એસા સોચા થા, મૈને સોચા થા નહિ. આજ સુબહ બાબાને એસા સોચા થા….

તમારો હું ક્યારે કાઢવાનો છે? મને આપો ને…? મારે બીજું કંઈ ભેટમાં જોઈતું નથી. આપણે ત્યાં ગુરુદક્ષિણાનો રીવાજ છે ને.. ગુરુદક્ષિણામાં મારે માત્ર તમારો ‘હું’ જોઈએ, ‘હું’ આપી દો, અને તમે ‘હું’ આપશો ને, તમારું ગંદુ ‘હું’, હું પછી એકદમ મજાનું ‘હું’, હું તમને આપીશ.. આવી discount offer કોઈએ નહિ કરી હોય. તમારૂ ગંદુ મન, તમારું ગંદુ ‘હું’ આપી દો, શુદ્ધ મન, શુદ્ધ ‘હું’ તમને આપી દઈએ… mind transplantation ના operation હું કરું છું. Heart transplantation operation તો ક્યારેક ક્યારેક થાય છે. Mind transplantation ના operation ક્યારેય થતાં નથી. હું કરું છું. તમારે મન બદલવું હોય, replace કરવું હોય તો આવી જજો, કે સાહેબ મારે આના જેવું મન જોઈએ, પવિત્ર.. આપી દઈએ ચાલો…

ફરી કહું it is sooo easy… બહુ સરળ છે.

અઘરું એટલા માટે લાગે છે કે તમે એ દિશામાં કોઈ વિચાર જ કર્યો નથી. માત્ર પ્રવચન શ્રવણ એ તો initial stage નું કામ છે, પછીનું કામ તમારે કરવાનું છે… અને એ છે ચિંતન, thinking, અનુપ્રેક્ષા. તમે પોતે વિચારો કે આ તમારા હું થી તમે થાકેલા છો કે નહિ…? તમને સતત પીડા આપનાર હોય તો કોણ બોલો..?. મને પેલાએ આમ કીધું તમે દુઃખી થઇ ગયા. દુઃખી કરનાર સામી વ્યક્તિ કે તમારું હું, બોલો? કોણ દુઃખી કરે છે? તમારૂ હું… મારી સાથે કેમ આમ થયું…! અરે! તારી સાથે કાંઈ નથી થયું. તું આ છે જ નહિ.

એકવાર મારો એક શિષ્ય મારી પાસે આવ્યો, મને કહે કે સાહેબ! પેલા મહાત્માએ થોડુક રફ્લી મને કંઈક કહ્યું. મેં કહ્યું; હું એને કહી દઈશ, સાધુથી રફ્લી બોલાય જ નહિ. પણ પછી મેં એને કહ્યું, કે હવે મને તારી ચિંતા થાય છે… મેં કહ્યું તું મિથ્યાદ્રષ્ટિ બની ગયો. મિથ્યાત્વી થઇ ગયો…. એ તો ચમક્યો… હું…! મિથ્યાત્વી…! મેં કહ્યું, હા. મને કહે શી રીતે સાહેબ…? મેં કહ્યું, તે મને શું કહ્યું… મને પેલા મહાત્માએ આમ રફ્લી કહ્યું… એટલે તે હું શબ્દનો પ્રયોગ આ શરીર માટે કર્યો ને? શરીર એટલે હું એવું જે માને એ સમકિતી કે મિથ્યાત્વી? પરમાં પોતાપણાની બુદ્ધિ એ મિથ્યાત્વ. મિથ્યાત્વની સરળમાં સરળ વ્યાખ્યા આ… પરની અંદર પોતાપણાની બુદ્ધિ. પણ શરીરમાં તે તારાપણાની બુદ્ધિ કરી તો તું મિથ્યાત્વી થઇ ગયો. હવે મારે તારું મિથ્યાત્વ પડાવું પડશે પાછું…

આજે વિચાર કરજો અને તમને લાગે કે તમારા ‘હું’ થી તમે બહુ જ પીડિત છો, તો કાલે ‘હું’ મને આપવા આવી જજો. હું તૈયાર છું હો, તમારે જેટલાને આપવું હોય એટલાને… dustbin મોટી રાખી છે વાંધો નથી… તમે પ્રબુદ્ધ લોકો છો, ખરેખર પ્રબુદ્ધ છો, આટલા રસથી તમે સાંભળી રહ્યા છો, એ તમારી પહેલી પ્રબુદ્ધતાનો પરિચય છે. પણ મારે એ પ્રબુદ્ધતાને અહીં સુધી જ રાખવી નથી. તમને પોતાને કોઈ benefit થવો જોઈએ. અનુપ્રેક્ષા કરશો તરત જ સમજાશે.

આચાર્ય ભગવંત, રાતનો સમય, સાપ કરડે છે, ડંખ મારે છે, સાહેબજી તરત જાગૃત થઇ ગયા. ખ્યાલ આવી ગયો કે સાપે ડંખ માર્યો છે, સવારે તો પગ સુજીને દડા જેવો થઇ ગયો, ચરણ સ્પર્શ કરવા શિષ્યો આવ્યા, જોયું ગભરાઈ ગયા, ગુરુદેવ શું થયું…? સાહેબજીએ કહ્યું, સાપે ડંખ મારેલો છે. શ્રાવકો આવી ગયા, દોડાદોડી શરૂ થઇ ગઈ… કોને બોલાવવો… સાપનું ઝેર કોનાથી ઉતરે..? આચાર્ય ભગવંત પરમ જ્ઞાની છે, વિશિષ્ટ શ્રુત જ્ઞાની છે. એમને શ્રાવકોને કહ્યું, કોઈ દોડાદોડ કરતાં નહિ, આ ઝેર એક જ વસ્તુથી સમાપ્ત થાય એમ છે. આજે સવારે ૧૧ – ૧૧.૩૦ વાગે નગરના પૂર્વ દિશાના દરવાજે તમારે ઉભા રહેવાનું… એક કઠિયારણ આવશે લાકડાનો ભારો લઈને, એના લાકડાનો ભારો એની ઈંઢોણી સાથે તમારે ખરીદી લેવાનો. એ ઈંઢોણી જે છે એ એને જંગલની વેલડીમાંથી જ બનાવેલી છે. અને એ વેલડી બીજી કોઈ નહિ સર્પ હર વનની છે. એ તમે લઇ આવો, એ જે વેલડી છે, એને સહેજ ઘૂંટી ડંખની જગ્યાએ લગાડશો એટલે એ ડંખનું ઝેર ચૂસી લેશે.

એ પ્રમાણે થયું. બરોબર ૧૧.૩૦ વાગે કઠિયારણ આવી. લાકડાનો ભારો અને ઈંઢોણી બેઉ લઇ લીધા, ખરીદી લીધા. અને એ વેલડી જે હતી લીલી… એને ઘસી અને જે લેપ તૈયાર થયો, એ સાહેબજીને પગે લગાડ્યો, થોડી વારમાં ધીરે ધીરે ઝેર ચુસાવા લાગ્યું, સોજો ઉતરવા માંડ્યો. સાહેબજી સ્વસ્થ થઇ ગયા. આમ જુઓ તો આટલા મોટા આચાર્ય ભગવંત એમના માટે આટલી દવા કે આટલી વિરાધના એ બહુ મોટી વાત નહોતી. કારણ? એ શરીરને બચાવવું પણ જરૂરી છે ક્યારેક… એ શરીર દ્વારા આરાધના થવાની છે. અને આચાર્ય ભગવંતનું શરીર એ તો કેટલું પુણ્યવાન! કેટલું ઉર્જાવાન! પણ પછીની જે ઘટના છે, આપણું હૃદય ઝુકી જાય, કે કેવી પરંપરા આપણને મળી છે… વનસ્પતિકાયની આટલી વિરાધના થઇ એ વિરાધનાનું પ્રાયશ્ચિત આચાર્યે ભગવંતે શું કર્યું ખ્યાલ છે…? યાવજ્જજીવન છ વિગઈનો ત્યાગ. વનસ્પતિકાયની વિરાધના છે અને એ પણ એકદમ અપવાદિક કારણોસર કરવી પડી છે, ન છૂટકે, દુખાતા હૈયે છતાં પોતે એનું પ્રાયશ્ચિત લે છે… યાવજ્જજીવન છ વિગઈનો ત્યાગ.  તો એક મજાની પરંપરા આપણી પાસે હતી. પ્રભાવસંપન્ન અને જાગૃતિથી સભર મહાપુરુષ.

હું પેલા હિંદુ ગુરુની વાત કરતો હતો, એ ગુરુને પણ શિષ્યો ઘણા હતા, બહુ જ પ્રભાવસંપન્ન. જ્યાં પણ જાય ત્યાં હજારોની મેદની એમને સાંભળવા માટે એકઠી થઇ જાય. એ ગુરુ પાસે એક ઝોળી હતી કપડાંની, અને એ ઝોળી પોતે જ ઊંચકતા, શિષ્યો ભક્તિવાળા, શિષ્યો ગુરુનું આસન, આ, તે બધું ઊંચકતા પણ ગુરુએ કહેલું આ ઝોળી એને કોઈએ હાથ પણ લગાવવાનો નહિ, ગુરુની આજ્ઞા વાત પુરી થઇ ગઈ. કોઈ શિષ્યને જિજ્ઞાસા પણ થતી નથી, કે ઝોળીમાં એવું તો શું છે કે ગુરુ મહારાજ એને અડવાની ના પાડે છે.

તમે શિષ્ય બનો ને, દીક્ષા લો ને, તો પહેલો benefit શું થાય ખબર છે? તમારું મન ગુરુના ચરણે અર્પિત થઇ જાય. એક પણ શિષ્યને, એક પણ શિષ્યાને ક્યારેય વિકલ્પ ન હોય. હવે વિચાર આવે ક્યાંય…! તારે શું કરવાનું છે, એનો વિચાર તને આવે…? ગુરુદેવ જાણે… મારે શું વિચારવાનું હોય…! અમારે ત્યાં તથાકાર સામાચારી એવી છે, ગુરુદેવ કહે એટલે તહત્તિ. ગુરુ કંઈ ન કહે ત્યાં સુધી એ મનનો ઉપયોગ ઈચ્છા તરફ કરતો નથી. એ મનનો ઉપયોગ માત્ર શાસ્ત્રોને સમજવા માટે કરે છે. એટલે જૈન દીક્ષા લેવાઈ ગઈ, તમે શિષ્ય કે શિષ્યા બની ગયા; મજા જ મજા. હું ઘણીવાર કહું કે શિષ્યને મજા જ હોય. ગુરુને કદાચ સજા હોય પણ મારા જેવા ગુરુને નહિ, કારણ? મેં બધું પ્રભુને સોંપી દીધું છે. હું પણ આવતી ક્ષણની કોઈ ચિંતા કરતો નથી, હું પણ મારા શિષ્યોની જેમ કોરો છું. Totally blank. આવતી ક્ષણનો કોઈ વિચાર મારી પાસે નથી. શિષ્ય એ જેની પાસે આવતી ક્ષણનો વિચાર નથી. બરોબર…? શિષ્યા એ જેને આવતી ક્ષણનો વિચાર નથી. આવતી ક્ષણે શું કરવાનું…? ગુરુદેવ જાણે… મારે કંઈ વિચારવાનું હોતું નથી. તમારે છે ને નિરૂપદ્રવી થવાનું નથી. કે સાહેબને ક્યાં આટલી બધી ચિંતા આપવી…! થોડી અમે પણ કરી લઈએ…

હું ઘણીવાર કહેતો હોઉં છું કે પ્રભુને બધું સોંપી દો, સદ્ગુરુને સોંપી દો, તમે નિર્ભાર. એક ભાઈ હતા, ખેતરેથી ઘરે આવતાં હતા, ઘરે પણ ગાય, ભેંસ વિગેરે હતી. એના માટે ઘાસ લઇ જવાનું હતું. ખેતરેથી પાંચ મણ ઘાસનો પૂળો બાંધ્યો.. પોતે ઘોડા ઉપર બેસી ગયા, ઘરે જવું છે, અને પોતાના માથા ઉપર ભારો ઉચક્યો. પોતે ઘોડા ઉપર, અને ઘાસનો ભારો પોતાના માથા ઉપર. જે પણ સામે મળે એ પૂછે, કેમ ભારો તમે કેમ ઉચક્યો છે? એટલે એ કહે કે નહિ કેમ? બધો ભાર કંઈ ઘોડો ઉચકે…? મારી પાંચ મણની કાયા એનો ભાર પણ ઘોડો ઊંચકે, અને ઘાસનો ભાર પણ ઘોડો ઊંચકે! અરે! પણ તું ઘોડા ઉપર ચડેલો છે, તારા માથા ઉપર તું નાંખે તો પણ ભાર જવાનો ક્યાં…! એમ, પ્રભુ! ક્ષણે ક્ષણે તમારું યોગ અને ક્ષેમ કરે છે, સદ્ગુરુ ક્ષણે ક્ષણે તમારું યોગ અને ક્ષેમ કરે છે. તમારે તમારી ચિંતા કરવાની જરૂર ખરી..? અને એનું ઉદાહરણ આ સાધુ ભગવંત અને આ સાધ્વીજી ભગવતીઓ છે. એ કહી દેશે હવેથી…. આવતી ક્ષણની ચિંતા અમારા ઉપર હવે નથી…બરોબર ને? આજની વાચના success ક્યારે માનું તમારા માટે? કે આજથી તમારો વિચાર ફરી જાય, તમારી ભાષા બદલાઈ જાય. શું કરવાનું? ગુરુદેવ જાણે, અમારે કાંઈ નહિ…

ગુરુએ સુચના કરી કે આ ઝોળીને કોઈએ અડકવાનું નહિ, પદયાત્રા કરીશું ત્યારે પણ એ ઝોળીને હું જ ઉંચકીશ. કોઈએ હાથ લગાવવાનો નહિ. ગુરુની આજ્ઞા! પછી કોઈ વિચાર નહિ… પછી એવું બને છે કે એક પદયાત્રાની અંદર ઘણા બધા ગ્રહસ્થો જોડાયા છે, ને ગુરુ પ્રભાવસંપન્ન હતા. ગામે ગામ એમની સ્વાગતયાત્રા, ગામેગામ પ્રવચનો, ગામેગામ હજારો લોકોની વૃંદ, તો થોડાક ભક્તો પદયાત્રામાં જોડાયા. એમાં એક ભક્તે એકવાર કહ્યું કે સાહેબ! આ તમે ઉંચકો છો ઝોળી, મને જરાક ઊંચકવાનો લાભ આપો ને…? ત્યારે બાજુમાં રહેલા શિષ્યએ કહ્યું કે ગુરુદેવની ના છે, એ ઝોળી કોઈએ અડકવાની પણ નથી, એ ઝોળી કોઈએ ઉપાડવાની પણ નથી. બધા જ ભક્તોને કહી દીધું. કે એ ઝોળીને હાથ ક્યારેય કોઈ લગાવતાં નહિ. એમાં એવું બન્યું, એકવાર ગુરુ કોઈના ત્યાં પગલાં કરવા માટે ગયા, બધા શિષ્યો જોડે ગયેલા, ભક્તો પણ લગભગ જોડે ગયેલા, એક ભક્ત રહી ગયેલો, ઉપાશ્રયમાં – આશ્રમમાં, એણે કુતુહલ જબરું કે આ ઝોળીમાં છે શું?

મન છે ને એ મન તમારા નિયંત્રણમાં નથી. મારે કામ એ કરવું છે કે મન તમારા નિયંત્રણમાં આવી જાય… આપણી પરંપરા કેટલી મજાની છે! પરંપરા એટલી અદ્ભુત મળી છે! સવારે નવકારશીનું પચ્ચક્ખાણ આવે, અને ક્યારે પચ્ચક્ખાણ આવે અને ક્યારે બ્રશ કરીને ચા પીવું, એવી તલપવાળા માણસો માસક્ષમણ કરી શકે છે એ પ્રભુ શાસનની પરંપરાની બલિહારી વાત છે. આજથી અટ્ઠમ તપ શરૂ. અને અટ્ઠમનું પારણું ન થાય એના ઉપર ૯ અટ્ઠમ કરી લઈએ એટલે માસક્ષમણ. ખાલી ૧૦ અટ્ઠમ જ કરવાના વધારે નહિ… અટ્ઠમ પછી બીજો અટ્ઠમ… ખાલી અટ્ઠમ જ કરવાનો… દસ અટ્ઠમ કરો એટલે માસક્ષમણ પૂરું… શું મજાની પરંપરા છે! છ વર્ષની દીકરી સિદ્ધિતપ કરે! સાત વર્ષની દીકરી સોળભત્તું કરી લે! કોની તાકાત…? આ પ્રભુની તાકાત છે..

હું ઘણીવાર કહું છું કે જુના જમાનામાં ફોટોગ્રાફરો કહેતાં, smile please, હસતું મોઢું રાખો, બાકી બધું હું સંભાળી લઈશ. આજે તમે બધા ફોટોગ્રાફર બની ગયા, મોબાઈલવાળા… પણ જુના જમાનામાં ફોટોગ્રાફરો બહુ જ ઓછા હતા. તો ફોટો પડાવવા લોકો જાય તો ફોટોગ્રાફર એક જ વાક્ય કહે smile please, હસતું મોઢું રાખો, બાકીનું બધું હું સંભાળી લઈશ. મારે પણ એટલું જ કહેવું છે માસક્ષમણની ઈચ્છા કરી લો, બાકીનું બધું પ્રભુ અને ગુરુ સંભાળી લેશે. પ્રભુની શક્તિ, વાસક્ષેપ સદ્ગુરુનો, પચ્ચક્ખાણ સદ્ગુરુનું અને ગાડી ચાલી… તો મનને નિયંત્રિત કરવા માટે આ તપશ્ચર્યાની પરંપરા કેટલી મજાની આપણને મળેલી છે. પર્વ આવે એટલે ઈચ્છા થઇ જ જાય. આજે આયંબિલ કરવું, આજે ઉપવાસ કરું… આજ તો જેટલાની શક્તિ હોય અટ્ઠમના પચ્ચક્ખાણમાં આવી જજો, અને પારણું કર્યા પહેલા મને પુછજો. સારું હોય તો આપણે બીજા અટ્ઠમમાં જઈશું. બરોબર…?

પેલાનું મન નિયંત્રિત ન રહ્યું, ઝોળીમાં છે શું…? એને ઝોળી ખોલી…! જોતા એ ચોકી ગયો, મરેલા માણસની ખોપરી એમાં હતી. અને તાંત્રિક લોકો હોય મેલી વિદ્યાવાળા, એ માણસની ખોપરી રાખે, આ તો એકદમ સદ્ગુરુ છે. સાત્વિક ક્રિયાવાળા છે. એમની ઝોળીમાં મરેલા માણસની ખોપરી…! એ તો વિચારમાં પડી ગયો. કે ગુરુ કેવા? સાચા કે ખોટા…? હું ઘણીવાર કહું માણસો છે ને પોતાની બુદ્ધિથી ગુરુને શોધવા માટે નીકળે, પછી શું થાય… બુદ્ધિની ફ્રેમ હોય નાનકડી, ગુરુનું ચિત્ર હોય મોટું, તો કહે ચિત્ર કાપી નાંખો. મારી ફ્રેમમાં આવવું જોઈએ કહે છે. બુદ્ધિથી ક્યારેય સદ્ગુરુ પાસે આપણે જઈ શકીએ નહિ. માત્ર અને માત્ર શ્રદ્ધાથી જ સદ્ગુરુ પાસે જઈ શકાય. બુદ્ધિથી ગુરુ મળે ક્યારે….? પેલો ચોંકી ગયો… અને ગંભીર તો હતો નહિ કે સીધી ગુરુને વાત કરે… એને તો બધા ભક્તોને વાત કરી, બાપજી ઝોળીને અડવા દેતાં નથી ને, મેં જોઈ લીધી આજે, મરેલા માણસની ખોપરી રાખે છે…. પેલા ભક્તો પણ ચમકી ગયા, ભક્તોએ શિષ્યોને વાત કરી.

શિષ્યોએ ગુરુને વાત કરી, ગુરુ સમજી ગયા કે બધાને ખ્યાલ આવી ગયો, વાંધો નહિ. બધાને ભેગા કર્યા, એમણે કહ્યું મારે આ કહેવાનું નહોતું, પણ તમને ખ્યાલ આવી ગયો એટલે કહી દઉં… વાત એ છે કે દરેક સાધકે જાગૃત રહેવું જોઈએ. હું પ્રભાવસંપન્ન છું, પણ પ્રભાવસંપન્નતા જોડે મને બહુ લેવા – દેવા નથી. એ તો પુણ્યનો ઉદય છે. મને થયું કે હજારો લોકો મારી પ્રશંસા કરતાં હોય ત્યારે ક્યારેક મને અહંકાર આવી જાય તો? મારે અહંકારને નિર્મૂળ બનાવવો જોઈએ… અને કોઈ પણ પ્રસંગે એ અહંકાર સહેજ પણ ઉઠે નહિ… એનું ધ્યાન રાખવું જોઈએ… એટલા માટે શું કરવું એનો વિચાર કરતો રહ્યો, એમાં એક સમી સાંજનો સમય થોડું અંધારું થયેલું, અને દેહચિંતા માટે હું બહાર ગયેલો, આવું છું પાછો એક સ્મશાનમાં થઈને, ત્યારે મારા પગમાં કંઈક અટવાયું, અથડાયું… સહેજ અજવાળું હતું, મેં જોયું, શું છે આ..? તો એક માણસ મરી ગયેલો, એને સળગાવી દીધેલો, અને એની ખોપરી સહેજ આમ આવી ગયેલી, અને એ ગુરુના પગમાં આવી…

ત્યારે મને વિચાર થયો, કે મારા અહંકારને નિર્મૂળ કરવા માટે અને ક્યારેય પણ અહંકાર ઉદ્દીપ્ત ન થાય એટલા માટે આ એક બહુ સરસ વસ્તુ છે… મારી ઝોળીમાં આને રાખું… જ્યારે પણ અહંકાર આવે, ત્યારે ઝોળી ખોલીને જોઈ લેવાનું કે ભાઈ! તારી દશા આવી થવાની છે. એટલે આ ઝોળીની અંદર મેં એટલા માટે મરેલા માણસની ખોપરી રાખી છે કે મારું ભવિષ્ય શું એ મને ખ્યાલ આવે. ભાઈ! આજે લાખો લોકો તારી પ્રશંસા કરતાં હોય, તારો શ્વાસ જે ક્ષણે પૂરો થશે, એ ક્ષણે તારા શરીરને પણ બાળી નાંખવામાં આવશે. આ શરીર પણ અને આ શરીર સાથે જોડાયેલી કોઈ લબ્ધિઓ પર તારો અહંકાર છે…! કેટલી મજાની જાગૃતિ…!

એક વાત તમને કહું, જેટલો સાધક ઉંચે જાય એટલી એની જાગૃતિ વધારે જોઈએ… પાલીતાણામાં તમે ગયા, રસ્તા ઉપર ચાલો છો અને પડી ગયા, તો ઢીંચણ છોલાશે, પણ ગિરિરાજ ઉપર ગયા, અડધો પોણો ભાગ ચડી ગયા, જોરદાર હવા છે અને પગથિયાંની ધાર પર તમે ચાલતા હોવ તો રેલિંગ ન હોય ત્યારે કેટલી સાવધાની રાખવી પડે…? કારણ? નીચે હતા અને પડત તો માત્ર ઢીંચણ છોલાત, ઉપરથી તમે પડો તો હાડકાં ચકનાચૂર થઇ જાય.

એમ અમે લોકો જેમ સાધનાપથમાં વધારે આગળ જઈએ તેમ અમારી જાગૃતિને અમારે મુખરિત કરવાની હોય છે. પ્રભુની પાસે અમારી એક જ પ્રાર્થના હોય છે કે પ્રભુ ૨૪ કલાકમાં એક મિનિટ નહિ, એક સેકંડ પણ મારી જાગૃતિ ઓછી ન થાય એવું વરદાન તું અમને આપજે.

તમે પણ આ પ્રાર્થના પ્રભુને કરી શકો કે પ્રભુ ૨૪ કલાકમાં એક મિનિટ, એક સેકંડ એવી ન આવે કે જેમાં હું તારા વગરનો હોઉં…

હંમેશા પ્રભુની સાથે, પ્રભુના પરમ પ્રેમમાં આગળ વધુ…..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *