વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : જાગૃતિ
મન માત્ર પ્રભુમય રહે, પર તરફ જાય નહિ – એના માટેની સાધના કઈ? જાગૃતિ. સાધકની વ્યાખ્યા આ જ છે: જેની પાસે ક્ષણ–ક્ષણની જાગૃતિ છે, એ સાધક. જેની પાસે ક્ષણ–ક્ષણનું પ્રભુનું સ્મરણ છે, એ ભક્ત.
આતમદર્શી કું વસતી, કેવલ આતમ શુદ્ધ. આત્મદ્રષ્ટા સાધક ન તો વનમાં રહે છે, ન તો નગરમાં. સાધક માત્ર પોતાના આત્મામાં જ રહે છે. ભક્ત પ્રભુમાં રહે અને સાધક પોતાના આત્મામાં રહે.
જ્યાં સુધી અનુભૂતિના સ્તર પર એક સ્પષ્ટીકરણ, એક clarification નહિ થાય કે રાગ-દ્વેષ-અહંકારથી માત્ર પીડા જ થાય, ત્યાં સુધી રાગ-દ્વેષ-અહંકાર જવાના નથી. વૈરાગ્યની, ક્ષમાની, નિરહંકાર દશાની અનુભૂતિ તમે કરો, પછી રાગ-દ્વેષ-અહંકાર છોડવા નહિ પડે; છૂટી જશે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૮
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુના પરમપ્રેમમાં જ્યારે આપણે ડૂબીએ છીએ; આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણું ચિત્ત પ્રભુમય બની જાય છે. મન માત્ર પ્રભુમય રહે પર તરફ જાય નહિ, એના માટેની સાધના કઈ? જાગૃતિ. આમ પણ છે ને સાધકની વ્યાખ્યા આ જ છે: જેની પાસે ક્ષણ – ક્ષણની જાગૃતિ છે; એ સાધક છે અને જેની પાસે ક્ષણ – ક્ષણનું પ્રભુનું સ્મરણ છે; એ ભક્ત છે. એક ક્ષણ – ક્ષણની જાગૃતિ જોઇશે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રની વાત આવે છે, અત્યંત શ્રીમંતને ત્યાં એનો જન્મ થાય છે, Silver spoon born. અત્યંત ભોગોની વચ્ચે રહેવા છતાં જન્માન્તરીય વૈરાગ્યની ધારાનું પ્રગટીકરણ થાય છે. એ વૈરાગ્ય તીવ્ર અને તીવ્ર બનતો જ જાય છે. માત – પિતાને મૃગાપુત્રએ કહ્યું, એક ક્ષણ હું સંસારમાં નહિ રહી શકું… મને પ્રભુના માર્ગે જવા દો. માત – પિતાને પણ લાગ્યું કે જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું વ્યક્તિત્વ છે. માત – પિતાએ રજા આપી. મૃગાપુત્ર દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે…
એ ક્ષણોનું બહુ જ મજાનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આવ્યું,”रेणुयं व पडे लग्गं, निझुणित्ताण निग्गओ” કપડાં પર પડેલી ધૂળને ખંખેરીને કોઈ ચાલે એમ મૃગાપુત્ર તમામ વિભાવોને ખંખેરીને ચાલી નીકળ્યો.
હું ઘણીવાર મુમુક્ષુઓને કહેતો હોઉં છું કે આવા તૈયાર થઈને તમે આવો ને તો મને જલસો પડી જાય. વિભાવો છું થઇ ગયેલા હોય, પછી એ સાધકને સ્વભાવની ધારામાં મૂકી દેવો કેટલું તો સરળ છે. એક જાગૃતિ, સતત જાગૃતિ; અને પરમાંથી આપણી મુક્તિ. રાગ અને દ્વેષ શું આપે તમને… બોલો..? ચલો તમને ક્ષમાનો અનુભવ નથી, માની લો… ક્રોધનો અનુભવ છે ને..? ક્રોધ કરો, ગુસ્સો ઠાલવી નાંખ્યો પા કલાક સુધી એથી શું થયું….? માથું દુઃખવા આવ્યું કાંઈ…? રાગ અને દ્વેષ કયું સુખ તમને આપી શકે…? મારી દ્રષ્ટિએ એક માત્ર જાગૃતિ તમારી પાસે છે, તમે ન રાગમાં જાવ, ન દ્વેષમાં, ન અહંકારમાં… જમણવારમાં દૂધપાક – પુરી હતા, ૧૦૦ – ૧૫૦ જણાએ એ દૂધપાક ખાધો. દૂધપાકમાં food poison થઇ ગયેલું, જેટલા જેટલાએ દૂધપાક ખાધો એ બધા હોસ્પિટલ ભેગા થઇ ગયા, એ ખબર મળ્યા પછી, તમારે ત્યાં જ જમવા જવાનું હોય તો તમે જાવ ખરા..? અને એ દૂધપાકને પીવો ખરા?
રાગ અને દ્વેષ જીવનમાં ઘૂંટીને નરકની યાત્રાએ ગયેલા કેટલાય વ્યક્તિત્વોના જીવનચરિત્રો તમે સાંભળ્યા અને છતાં તમે હોંશે હોંશે રાગ અને દ્વેષની ધારામાં જાવ! મને તો સવાલ એ થાય કે તમારી બૌદ્ધિકતા ક્યાં જતી રહી છે એ વખતે…! એક વાત તમને કહું બૌદ્ધિક સ્તર પર અત્યારે તમને હું તમને સ્પષ્ટ કરી આપું કે રાગ, દ્વેષ અહંકાર નકામા જ છે… પણ તકલીફ ક્યાં છે તમને સમજાવું… અસ્તિત્વના સ્તર પર રાગ, દ્વેષ અને અહંકાર બેઠેલા છે. એટલે માત્ર બૌદ્ધિક સ્તર પર આપણે apply કરશું, કે રાગ – દ્વેષ – અહંકાર ખોટા છે એનાથી કામ થવાનું નથી. જ્યાં સુધી અનુભૂતિના સ્તર પર એક સ્પષ્ટીકરણ, એક clarification નહિ થાય કે રાગ – દ્વેષ અહંકારથી પીડા જ થાય… ત્યાં સુધી રાગ – દ્વેષ અહંકાર જવાના નથી. એટલે વૈરાગ્યની અનુભૂતિ, ક્ષમાની અનુભૂતિ, નિર્હંકારદશાની અનુભૂતિ, એ અનુભૂતિ કરો રાગ – દ્વેષ અહંકાર છોડવા નહિ પડે, છૂટી જશે. મૃગાપુત્રની જેમ તમે પણ ખંખેરી નાંખશો.
જાગૃતિની એક બહુ મજાની વાત કરું: પાલનપુરમાં એક શ્રાવક રહે, ચુસ્ત ધર્મ નિષ્ઠ, એમના એક સંબંધી મુંબઈમાં હતા, એ સંબંધીના દીકરાએ સોળભત્તું કરેલું, સોળભત્તાનું પારણું, પારણા પાંચમે હતું. પત્રિકા આવી ગઈ પણ એ ભાઈ ચોસઠ પ્રહરી પૌષધમાં હતા, પત્રિકા જોઈ લીધી, પાંચમના પારણું હતું, એ ભાઈ સંઘના અગ્રણી હતા, એટલે પારણાની જવાબદારી, વરઘોડાની જવાબદારી, તપસ્વીઓના બહુમાનનો કાર્યક્રમ, ચૈત્યપરિપાટી… પાંચ – સાત દિવસ સુધી બધા જ કાર્યક્રમો ગોઠવાયેલા હતા, એટલે વિચાર્યું કે અઠવાડિયા પછી મુંબઈ જઈ અને પેલાની શાતા પૂછી આવીશ. પર્યુષણ પછી.
અઠવાડિયા પછી મુંબઈ એ ભાઈ આવે છે. હમણાની બનેલી આ ઘટના છે, રાત્રે ૯.૩૦ – ૯.૪૫ વાગે મુંબઈ સેન્ટર પર ઉતર્યા. બાજુમાં જ પેલા ભાઈનું ઘર હતું. ત્યાં પહોંચી ગયા, પેલો યુવાન જેને સોળભત્તું કરેલું એ routine life માં આવી ગયેલો, job પર જવાનું ચાલુ થઇ ગયેલું, દસ વાગે પેલા ભાઈ એના ઘરમાં enter થાય અને એ વખતે પેલો યુવાન ૯.૪૫ વાગે આવેલો job ઉપરથી… હાથ – પગ ધોઈ dining table પર બેસી ભાખરી અને શાક ખાઈ રહ્યો છે. પેલો આવ્યો છે, આની સોળભત્તાની શાતા પૂછવા, અને પેલો રાત્રે દસ વાગે ભાખરી અને શાક ખાઈ રહ્યો છે. શું થાય feeling? સામાન્ય feeling શું થાય? ભાઈ સોળભત્તું તે કર્યું કે લજ્વ્યું…? સોળ ભત્તા પછી કમસેકમ સોળ દિવસ તો રાત્રિભોજન છોડવું હતું. પણ આ પાલનપુરવાળાએ જે કર્યું ને અદ્ભુત! તમને લાગશે કે જાગૃતિ એટલે શું… એ literally પેલાના પગમાં પડ્યો. ભાખરી અને શાક રાત્રે ૧૦ વાગે જે યુવાન ખાઈ રહ્યો છે એના પગમાં પડે છે! આંખમાં આંસુ છે!
જમીને બધા બેઠા, ત્યારે પાલનપુરવાળા શ્રેષ્ઠીએ કહ્યું, ખરેખર શું પ્રભુ શાસનની બલિહારી છે! શું ગુરુદેવોના પચ્ચક્ખાણની બલિહારી છે! તમે સોળભત્તું કર્યું! એ કહે છે; તમે સવારે નાસ્તો કર્યો હશે, ૧૦ વાગે નીકળ્યા હશો ટીફીનમાં રોટલી, શાક બધું લઈને નીકળ્યા હશો. ૧૨ વાગે તમે જમ્યા હશો, ૩ વાગે તમે ચા પીધી હશે, ૫ વાગે snacks – fruits લીધા હશે, પછી છતાં તમારે રાત્રે ૧૦ વાગે જમવું પડે છે અને એ તમે સોળભત્તું કર્યું! વાહ! અદ્ભુત…! આ પ્રભુશાસનની જ કરામત છે. પ્રભુની કૃપા, સદ્ગુરુદેવોનું પચ્ચક્ખાણ, તમારું સોળભત્તું થઇ ગયું. એ કહે છે કે અમારા જેવા લોકો હોય, કે ભાઈ ચેન્નાઈ જવાનું છે તો બે દિવસ થશે. ચાલો ચૌવિહારો અટ્ઠમ. અટ્ઠમ અને અટ્ઠાઈ અમે લોકો વાત – વાતમાં કરતા હોઈએ… એના માટે સોળભત્તું કે માસક્ષમણ મહત્વની ઘટના નથી, પણ તમારા તો ભાઈ આ સોળભત્તું અત્યંત મહત્વની ઘટના છે, હું ફરી, ફરી, ફરી તમારા ચરણોમાં નમસ્કાર કરું છું.
આ શું હતું? તમને ખ્યાલ છે, ગુલાબ અને કાંટા બેય ભેગા જ હોય છે. બેય ભેગા જ હોય છે. હવે તમે કાંટામાં ગુલાબ જોવો તો શું થાય? અને ગુલાબમાં કાંટા જોવો તો શું થાય…? તમે ગુલાબમાં કાંટાને જુઓ તો શું થાય…? કે આટલા કોમળ ગુલાબ… એની કોમળ કોમળ પાંદડીઓ અને એને કાંટા વીંધી રહ્યા છે. પણ કાંટામાં ગુલાબ જોવો તો…? વાહ! સર્જનહારની કેવી લીલા…! તીક્ષ્ણ કાંટાની અંદર કોમળ કોમળ ગુલાબને ઉત્પન્ન કર્યા છે! કાંટા અને ગુલાબ બેઉ સાથે જ છે. તમારે શું જોવું એ તમારા ઉપર નિર્ભર થયું કે નહિ કે બોલો? છે બેઉ સાથે અને બેઉ સાથે રહેવાના છે. હવે કાંટામાં ગુલાબ જોવા કે ગુલાબમાં કાંટા જોવા એ તમારી દ્રષ્ટિ ઉપર આધારિત છે ને? પ્રભુ શાસન જેને મળ્યું છે એને શું દેખાય? કાંટામાં ગુલાબ દેખાય. તમે અને સોળભત્તું કર્યું! ક્યારે પણ કોઈની પણ ધર્મ ક્રિયા જોવો ત્યારે અનુમોદનાના ભાવથી ઝુકી જજો…
એક વાત તમને કહું અનુમોદના અઘરામાં અઘરી છે. Toughest.. ધર્મ કરવો સહેલો, ધર્મ કરાવવો સહેલો, પણ બીજાના ધર્મની અનુમોદના કરવી બહુ જ અઘરું. તમે ધર્મ કરશો, કરો જ છો, ધર્મ તમે કરાવો પણ છો. હું તો માનું છું દરેક શ્રીમંત ની ડાયરીમાં ૨૫ થી ૫૦ સાધર્મિકોના નામ હોવા જોઈએ. એવા સાધર્મિકો જે માત્ર ને માત્ર ધર્મરૂચિવાળા છે. એ શ્રીમંત સાધર્મિકોને કહી દે કે તમારે કોઈ મહેનત કરવાની નથી. કોઈને પણ ખબર ન પડે એ રીતે દર મહીને પાછળના બારણેથી તમારા ત્યાં બધું આવી જશે. તમે ધર્મ કરો એનો મને આનંદ છે. તમે સામાયિક ન કરી શકો, સામાયિક કરાવો છો કેટલાને બોલો…? દરેક શ્રીમંતની ડાયરીમાં આવા ૨૫ કે ૫૦ સાધર્મિકોનું list હોવું જોઈએ.
તો ધર્મ કરવો સહેલો, કરાવવો પણ સહેલો… પણ બીજાના ધર્મની અનુમોદના કરવી બહુ જ અઘરું છે. કારણ? એમાં તમારે તમારો અહંકાર તોડવાનો છે. અત્યાર સુધી અનંતા જન્મોથી એક જ વાત આપણી પાસે હતી, દુનિયાની અંદર superior માં superior તો હું છું, બરોબર ને…? દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો તમે… અને સારા કયા? જે તમારા હું ને પંપાળે એ સારા… તમે આખી દુનિયાને બે માં વિભાજિત કરી નાંખી. સારા માણસો, ખરાબ માણસો… શ્રેષ્ઠ તો હું જ, એમાં તો કોઈ અપવાદ નહિ… કેમ બરોબર ને…? પણ સારા કોણ? મારા હું ને જે પંપાળે, મને જે સારો કહે તે સારા, મને જે ખરાબ કહે તે ખરાબ… હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં કે દુનિયાનું કેન્દ્રબિંદુ તમે બની ગયા! કે તમારે આધારે આખી દુનિયાના લોકોનું division થઇ શકે!
અનુમોદના અઘરી કેમ છે…? તમે ઉપધાન કરાવ્યા હતા, ૫૦૦ આરાધકો હતા. તમારા જ નજીકમાં રહેલા એક પુણ્યવાને ઉપધાન કરાવ્યા, ૨૦૦૦ આરાધકો… એકદમ શ્રેષ્ઠ વ્યવસ્થા… અને કોઈ આવીને તમારી પાસે કહે કે ઉપધાન તપ આણે કરાવી રહ્યા છે. શું વ્યવસ્થા છે! ૨૦૦૦ આરાધકો અને છતાં નીવિ એક જ ટાઈમે, એટલો વિશાળ ભોજનમંડપ! રેહવા માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસ્થા. અને એવી ભક્તિ કરે છે જેની કોઈ સીમા નહિ. આ સાંભળીને તમને શું થાય…? તમે જો ત્યાં ગયેલા હોય, અને નાનકડો minus point જોયેલો હોય ને તો તમે ટપકું મુક્યા વગર ન રહો. હા, એ બધું ઠીક પણ એમાં આ બરોબર નથી. બીજાની અનુમોદના કરવી કે બીજાની અનુમોદના સાંભળવી અઘરામાં અઘરું છે.
પણ એક વાત તમને કહું, અનુમોદના toughest જરૂર પણ અનુમોદનાને કોઈ limitations નથી. No limitations. કરણને limitations છે. તમે એક દિવસમાં તપશ્ચર્યા વધુમાં વધુ કેટલી કરી શકો? ચૌવિહારો ઉપવાસ. વધુમાં વધુ કેટલી કરો…? એક ભાગ્યશાળી હોય એ કહી દે, સિદ્ધિતપની આરાધના આખી મારા તરફથી… બધા બેઠેલાનો લાભ મને મળવો જોઈએ. સંઘ ઉદારતાથી હા પણ પાડી દે, તો એ વ્યક્તિ ૨૦૦ આરાધકોને કદાચ સિદ્ધિતપ કરાવે, પણ ૨૦૦. limitations આવી ગઈ. અનુમોદનામાં કોઈ જ limitations નથી. એ અસીમ છે. મહાવિદેહમાં રહેલા કરોડો સાધુ ભગવંતો, કરોડો સાધ્વીજી ભગવતીઓ એમના સંયમની અનુમોદના તમે અહીં બેઠા બેઠા કરી શકો.
પંચસૂત્રમાં એક બહુ જ સરસ પ્રાર્થના આવે છે. અદ્ભુત… પહેલું પંચસૂત્ર દરેક સાધકે રોજ પાઠમાં લેવું જોઈએ, રોજ એનો સ્વાધ્યાય કરવો જોઈએ. એ પહેલા પંચસૂત્રમાં એક મજાની પ્રાર્થના આવે છે: “होउ मे – एसा अणु – मोअणा, जीणाण मणुभावओ” પ્રભુની કૃપાથી મને અનુમોદના ધર્મ મળો. બહુ અઘરી છે અનુમોદના… મારા હું ને તોડી નાંખવો એટલે સહેલું કામ નથી. અઘરું કામ છે પણ પ્રભુ તારી કૃપાથી એ અનુમોદના ધર્મ મને મળો. અને પછી આગળ તો એથી પણ આગળની વાત કરી ‘होउ मे एसा सुपत्थाणा’ મને અનુમોદના થાવ એવી પ્રાર્થના પણ તારી કૃપાથી હું કરું શક્યો! પ્રાર્થના પણ હું નહિ કરી શકું…! કારણ? મારા હું ને છીનવવાની વાત છે. એક વાત તમને કહું, તમે તમારા હું ને છોડી નથી શકતા બોલો, માની લીધું. હું આજે offer આપું, હું તમારા હું ને પડાવી લઉં, બોલો તૈયાર છો…? એકદમ સરળ પેપર કરી આપું… તમે તમારું હું ન આપો તો કાંઈ નહિ, હું તમારા હું ને પડાવી લઉં… સદ્ગુરુની કામ કરવાની ટેકનીક્સ બહુ મજાની હોય છે.
૨૦૦૦ વર્ષ પહેલાંની ઘટના: માઈકલ એંજેલો સશક્ત શિલ્પી, અને સશક્ત ચિત્રકાર. એનું એક શિલ્પ છે પિએટા. આજે પણ વિશ્વભરના શ્રેષ્ઠ શિલ્પોમાં એનો નંબર આગળ છે. એ શિલ્પ એવું છે કે માં મેરી બેઠેલી છે, અને એના ખોળામાં વધસ્તંભ ઉતારાયેલા ઇસુનો મૃતદેહ પડેલો છે, પણ ભાવવિદ્યાસની દ્રષ્ટિએ – facial expression ની દ્રષ્ટિએ વિશ્વનું એ અજોડ શિલ્પ છે. માં મેરીના ચહેરા ઉપર જે કરુણાના ભાવો મુક્યા છે! ઈસુના ચહેરા ઉપર જે કરુણાના ભાવો મુક્યા છે! આપણને લાગે કે પત્થરની અંદર આટલા ભાવો કંડારી શકાય ખરા…! એ વખતે પણ જ્યારે એ શિલ્પ ખુલ્લું મુકાયું ત્યારે માઈકલના પ્રશંસકોએ માઈકલને પૂછેલું કે આટલું શ્રેષ્ઠ શિલ્પ તમે કઈ રીતે કરી શક્યા…? ત્યારે માઈકલ એંજેલો એ કહ્યું શિલ્પ તો પત્થરમાં તૈયાર જ હતું. શિલ્પ તૈયાર જ હતું… કારણ કે મારા મનની અંદર કેટલાય સમયથી આવું શિલ્પ કોરવું એ નક્કી થયેલું હતું. એટલે મારા મનની અંદર શિલ્પ નક્કી થયેલું જ હતું. માત્ર મારે એવો પત્થર જોઈતો હતો. એમાં એક આરસના વેપારીના ગોડાઉન પાસેથી હું નીકળ્યો, આવો જ આરસનો ટુકડો મારે જોઈએ એવો ત્યાં પડેલો, ભાવતાલ કર્યો, મેં એને ખરીદ્યો, મારા studio માં એને લાવ્યો, હવે મારે શું કરવાનું હતું… હવે શિલ્પ તૈયાર છે. મારે બિનજરૂરી આરસને તોડવાનો હતો, છીણી અને હથોડી લઈને હું બેસી ગયો, બિનજરૂરી આરસને મેં તોડી નાંખ્યો, શિલ્પ અંદર હતું જ.
બોલો તમે સિદ્ધશિલાએ જવાના, ત્યારે શું થવાનું…? બહારનો પોશન તૂટી જવાનો, અંદરથી તમે આનંદઘન છો જ. મારી નજરે તમે બધા જ અત્યારે આનંદઘન છો. હું તમને સિદ્ધત્વના ભવિષ્યના પર્યાય તરીકે જોઈ શકું છું. તમારો ભવિષ્યનો પર્યાય સિદ્ધત્વનો જ ખુલવાનો છે, એટલે અત્યારે નમો સિદ્ધાણં માં હું તમને પણ નમસ્કાર કરી શકું છું. તમારા શુદ્ધ આત્માને… તો હવે બોલો, તમે એટલે કોણ? એક જાતને સવાલ હું કોણ? તમે કોણ? માત – પિતાથી જેને જન્મ મળ્યો, અને રાખમાં આજે ઠોકાય જવાનું, બદલાઈ જવાનું, એ શરીર એ તમે છો? કે beyond the body, beyond the mind, beyond the name, તમે છો…? who are you? તમે કોણ છો? તમે કોણ છો? એકવાર તમને ખ્યાલ આવી જાય કે હું આનંદઘન છું. પછી એક પણ ઘટનાની અસર કઈ રીતે થાય! કોઈ ઘટનાની અસર થવાની જ નથી. ઘટના શરીર જોડે સંબદ્ધ છે, મન જોડે સંબદ્ધ છે, તમારે અને ઘટનાને શું લાગે વળગે…?
રાબિયા બહુ મોટા સંત થયા, પ્રભુના પરમ ભક્ત. એક વાત તમને કહું, આ પ્રભુની ભક્તિ જ્યારે હૃદયમાં આવી જાય છે, એક – એક ક્ષણ આનંદમય હોય છે. આવતી ક્ષણે શું કરવાનું? પ્રભુ જાણે, સદ્ગુરુ જાણે; આપણે નિશ્ચિત. જેની જેની પાસે પ્રભુની ભક્તિ છે એ નિર્ભાર છે.
એક આચાર્ય ભગવંત વિહારયાત્રામાં હતા, વયોવૃદ્ધ હતા સાહેબજી, ડોળીમાં બિરાજમાન હતા, એક ગામને પાદરેથી એ ડોળી પસાર થઇ, સાહેબજીને આગળ જવાનું છે. એ ગામને પાદરે બે દીકરા રમી રહ્યા હતા. એક છ વર્ષનો, એક આઠ વર્ષનો. સંસ્કારો એટલા સરસ હતા, બંને દીકરાઓ દોડતાં સાહેબજી પાસે ગયા, ચરણ સ્પર્શ કર્યો. ડોળી આગળ ચાલી, એ વખતે છ વર્ષના નાના ભાઈએ મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ! આ બે જણા ડોળીવાળા સાહેબને ઊંચકીને દોડતા હતા, તો એમને વજન ન લાગે, ભાર ન લાગે? છ વર્ષના દીકરાને આ સવાલ થઇ શકે, પણ આઠ વર્ષના દીકરાએ જે જવાબ આપ્યો છે! લાગે કે ગળથૂથીમાંથી આપણી સંસ્કૃતિ જેને પીધી હોય, એના હોઠમાંથી જ આ જવાબ નીકળે..
આઠ વર્ષના દીકરાએ કહ્યું કે ભાઈ! ડોળીમાં બેઠેલા મ.સા. હતા, મ.સા. ના હૃદયમાં ભગવાન હોય, અને જેના હૃદયમાં ભગવાન હોય એનો ભાર હોય જ નહિ; એ નિર્ભાર…. એ stress free.. ટેન્શન free. એ આઠ વર્ષના દીકરાએ આગળ કહ્યું કે એ ડોળીવાળા તો ૫૦ અને ૫૫ ના લાગતા હતા, આપણે છ અને આઠના છીએ, આપણે ડોળી ઉચકીએ ને તો પણ આપણને ભાર ન લાગે. કારણ કે મ.સા. નો ભાર હોય જ નહિ. નિર્ભાર હોય. જેના હૃદયમાં ભગવાન એ નિર્ભાર.
આજના યુગને મનોવૈજ્ઞાનિકો stress age કહે છે, તણાવનો યુગ. તમે લોકો તણાવમાં જીવી રહ્યા છો. પણ જ્યાં પ્રભુના શાસનમાં આવ્યા, પ્રભુની ભક્તિ તમારા હૃદયમાં આવી; તમે stress free થઇ ગયા. એક જૈન stress age માં કે stress free age માં? બોલો.. તમે ક્યાં…? તમે stress age માં હોઈ જ ન શકો… stress free age માં – તણાવમુક્તિ યુગમાં તમે છો.
તો રાબિયા પ્રભુના ભક્ત હતા, અને એટલે નિશ્ચિત. કોઈ ચિંતા નથી. એકવાર એક શ્રીમંતે આ સંતનું નામ સાંભળ્યું કે રાબિયા બહુ મોટા સંત છે. અને પ્રભુના બહુ મોટા ભક્ત છે. એ શ્રીમંત રાબિયાને ત્યાં આવે છે, એને હતું કે આટલા મોટા પ્રતિષ્ઠિત ગુરુ છે તો મોટો આશ્રમ હશે, five star આશ્રમ. એને બદલે એક ઝુંપડી, એ પણ તૂટેલી ફૂટેલી… પછી આગળ વધીને જોયું, પલંગ એનો એક પાયો તૂટેલો અને ત્યાં પત્થર મુકેલો, એક માટલી હતી એમાં અધવચ્ચે કાણું, બે લોટાથી વધારે પાણી નાંખો તો પાણી over flow થઇ જાય… તમે તો આવું જુઓ ને તમને ત્યાગની પરંપરા ગળથુંથીમાંથી મળી છે, એક પણ ત્યાગી મહાત્માને જુઓ તમે ખુશ ખુશ થઇ જાવ. કેવા ત્યાગી…! ત્યાગ જ ગમે ને તમને…? ત્યાગ ગમે ને….? ત્યાગ ગમે…? ત્યાગ જોવો ગમે? આચરવો પણ ગમે…!
એક જણાએ એક કાકાને પૂછેલું કે કાકા! ચા પીવી સારી કે ખરાબ? કાકા જમાનાના ખાધેલા હતા, એટલે કહે જો કોઈ આપણને પીવડાવતો હોય ને તો ચા પી લેવી, ચા સારી જ હોય. પણ આપણે આપણા પૈસે કોકને પીવડાવવી પડે એમ હોય ને તો ભાષણ ઠોકી દેવું ચા પીવાય જ નહિ.
ત્યાગ સારો? ભગવાન પ્રત્યે મને ખુબ આદર છે… આવું મેં પહેલા પણ કહ્યું હતું… એકદમ positive attitude પ્રભુએ મને આપેલો છે, અને એક પણ સાધકમાં ક્યારે પણ કોઈ દોષ મને દેખાતો જ નથી. તમારી આંખોમાં માત્ર અહોભાવ, માત્ર શ્રદ્ધા, માત્ર ભક્તિ મને દેખાય છે. સવાલ એટલા માટે કરું છું, કે ત્યાગ જો ગમી ગયો ને તો તમે જ્યાં છો ત્યાં તમને સુખ લાગશે. ત્યાગ નહિ ગમ્યો હોય તો તમારાથી જે ઉંચે ગયેલો છે, આગળ વધેલો છે એની ઈર્ષ્યા આવશે. અને હું પણ આવો ક્યારે બનું એવી ઈચ્છા થશે. પણ ત્યાગ ગમેલો હશે, અરે! સરસ મજાનો આપણો flat છે, સારા એપાર્ટમેન્ટમાં રહીએ છીએ, સરસ રીતે, પ્રતિષ્ઠિત રીતે જીવન જીવાય રહ્યું છે તો આપણે વધારાની જરૂર શું છે…! ત્યાગ ગમેલો હશે તો તમે જ્યાં પણ છો ત્યાં સુખી હશો. નહીતર આની પાસે આટલા અને મારી પાસે આટલા… આની પાસે આટલા બધા થયા ને મારી પાસે આટલા જ.. આ ગણતરી તમે કરતા જશો. પણ એકવાર ત્યાગ ગમી ગયો; પછી તમે જ્યાં છો ત્યાં સુખી જ રહેવાના.
પેલો શ્રીમંત રાબિયાની જોડે સત્સંગ પણ કરે છે, પછી વિનંતી કરે છે ભક્ત તરીકે કે સાહેબ મારી ઈચ્છા તો એવી છે કે ઝુંપડી ને બદલે સરસ મજાનું મકાન બનાવી દઉં, નવો પલંગ મૂકી દઉં, આ માટલી નવી મૂકી દઉં… આપ ખાલી રજા આપો… રાબિયાએ ના પડી. નહિ… લાગ્યું કે પરમ ત્યાગી છે. એમના તૂટેલા – ફૂટેલા ઝુંપડામાં જ એ સુખી છે. એમને ઝુંપડા જોડે કંઈ લેવા – દેવા પણ નથી. ઝુંપડામાં તો એમનો દેહ રહેતો હતો. એ ક્યાં રહેતા હતા? પ્રભુમાં… ભક્ત પ્રભુમાં રહે, સાધક પોતાના આત્મામાં રહે.
સમાધિશતકમાં એક મજાની કડી આવે છે, “વાસ નગર વન કે વિષે, માને દુવિધ અબુધ” કોઈ કહે હું નગરમાં રહું છું, કોઈ કહે જંગલમાં રહું છું; બે વાત ખોટી છે. “આતમ દર્શિકું વસતિ, કેવલ આતમ શુદ્ધ” જે આત્મદ્રષ્ટા સાધક છે; એ માત્ર આત્મામાં જ રહે છે. અને એટલે જ ગમે ત્યારે પૂછો સાહેબ! શાતામાં? દેવ – ગુરુ પસાય… પરમ શાતા…
શ્રીમંતને લાગ્યું કે ઝુંપડી અને પલંગ માટે તો પરવાનગી નહિ મળે, સાહેબ બીજું કાંઈ નહિ આ એક માટલી નવી મને મુકવા દો ને…? ના પાડી… કાણું છે માટલીમાં! નવી માટલી મુકવા દો…? ના પાડે છે… સાહેબ કેમ ના પાડો છો…? એ વખતે રાબિયાએ જે જવાબ આપ્યો છે, એ જૈન નથી, અને ઈશ્વર કર્તૃત્વમાં બધું માને છે તો રાબિયાએ કહ્યું, પહેલા માર બે પ્રશ્નોના જવાબ તમે આપો. પહેલો પ્રશ્ન – પ્રભુ બધું જાણે છે? Is he all knowing? પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ બધું જાણે છે એવું તમે માનો છો? પેલો શ્રીમંત કહે છે, હા માનું છું. અચ્છા તો મારી માટલીમાં કાણું છે એ પ્રભુને ખ્યાલ નહિ હોય…! બીજી વાત: પ્રભુ સર્વશક્તિમાન ખરા કે નહિ? Is he almighty? તો કહે કે હા, પ્રભુ સર્વશક્તિમાન છે. તો એમણે મારી માટલીને કેમ ન બદલી, તારે બદલવા આવવું પડ્યું…! એ પછી રાબિયા ઘૂંટડીએ પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડે છે, અને ડૂસકાંમાંથી ચળાઈને આવતાં એમના શબ્દો હતા, કે પ્રભુ! કેવી તારી કૃપા કે મારી નિઃસ્પૃહતા ને વધુ ખીલવવા માટે તે માટલીમાં કાણું રહેવા દીધું છે. તારો આભાર! મારો પલંગ એક પાયા વગરનો છે તારો આભાર! મારી ઝુંપડી તૂટેલી અને ફૂટેલી છે તારો આભાર…! કારણ? તું મારા ત્યાગને, તું મારી નિઃસ્પૃહતાને વધુ ને વધુ ખીલવી રહ્યો છે.
આપણી વાત જાગૃતિની છે. મનને પ્રભુમય બનાવવા માટે, પહેલા બે tracks આપણે જોયેલા, અને ત્રીજો track આ છે જાગૃતિનો… હું ઘણીવાર મારી વાચનામાં સાધુઓ અને સાધ્વીજીઓને એક મજાની વાત કરતો હોઉં છું. હું એમને કહું કે તમારા કોઈ શિષ્ય હોય કે ન હોય… શિષ્ય ન કરવા હોય તો પણ વાંધો નહિ, બહુ સારું better. પણ હું એક શિષ્યની ભેટ આપું, એને કાયમ જોડે રાખવાનો. જાગરણ નામનો શિષ્ય. અને આ લોકો બધાને જાગૃતિ નામની શિષ્યા આપી દઉં છું. આપેલી છે ને મેં…? રાખી છે? કે આમ પછી…
૨૪ કલાક જાગૃતિ જેની પાસે છે એ સાધક છે. પછી ક્યાં છે રાગ! અને ક્યાં છે દ્વેષ…! દ્વેષ કેમ થાય, ગુસ્સો કેમ આવે…? તમારા અહંકાર ઉપર સહેજ હુમલો થાય એટલે ગુસ્સો આવે જ… ગુસ્સો તમારું મૂળ કારણ તમારા હું ઉપર હુમલો છે… બરોબર… હવે આપણે એ હું ને જ replace કરી નાંખીએ તો ગુસ્સો ક્યાં છે…! ફરીથી પૂછું? હું એટલે આ લાગે છે…?
એક ઝેન સ્કુલ હતી, જૈન નહિ, ZEN. બૌદ્ધોનો એક વિભાગ છે ઝેન, ધ્યાન ઉપરથી ઝેન શબ્દ ચાઈનાની – જાપાનની પરંપરામાં આવ્યો છે. તો એક ઝેન સ્કુલ હતી, ઝેન સ્કુલમાં એ શીખવાડવામાં આવે કે તમે એટલે શરીર નથી. You are bodyless experience. You are mindless experience. તો એ સ્કુલમાં એક સમારોહ હતો. અત્યારે કોઈ પણ સ્કુલમાં છોકરાઓના શર્ટ ઉપર badge હોય, એમાં સ્કુલનું નામ અને છોકરાઓનું નામ હોય. પણ આ સ્કુલ એવી હતી, જેને હું ને ભૂંસવાનું હતું. એટલે badge હતો, બે જ વસ્તુ લખેલું, mindless, nameless, choiceless. badgeમાં આ રીતે લખેલું: mindless, bodyless, nameless, choiceless.
સમારોહમાં મહેમાનો આવેલા, ઘણા બધા મહેમાનો badge જોઇને ખુશ થઇ ગયા, કે વાહ! સ્કુલ જેવી છે એવો જ badge પસંદ કરાયો… પછી એક મહેમાન નીકળી રહ્યા છે, પાછળ હતા, એમાં એક student ઉપર એમની નજર પડી, એને badge નહોતો.. એટલે મહેમાને પૂછ્યું કે where is your badge? ત્યારે એને ખિસ્સામાંથી એક પડીકી કાઢી. એને કહ્યું sir badge ખોવાઈ ગયો છે, પણ આ badge તરીકે જ છે મારી પાસે, પડીકી હતી નાનકડી… તો કહે કે આ પડીકીમાં શું છે? ખોલી.. અંદર રખિયા હતી.. કહે કે હું રખિયામાં ફેરવાવાનો છું, આ મારા ખિસ્સામાં રાખેલું છે. મારા હૃદયમાં મેં રાખેલું છે. હું bodyless છું, nameless છું, આવું જ્યાં તમે નક્કી કર્યું ગુસ્સો ક્યાં આવવાનો? કઈ રીતે આવશે…? પ્રવેશવાનું દ્વાર બંધ થઇ ગયું… કોઈ કહે તમારું નામ લઈને કે કુણાલભાઈએ આમ કર્યું… તમે હસતાં હોવ કુણાલ હોવ તો… હું ક્યાં કુણાલ છું! I am nameless experience. તમે કુણાલ છો જ નહિ, તો કોઈએ કુણાલ માટે કહ્યું તમને શું લાગે વળગે…?
તો એક જાગૃતિ આવે, તમે bodyless, nameless, અને mindless experience માં આવી શકો.