વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : નિમિત્ત
અસ્તિત્વને પ્રભુમય બનાવવા માટેનો track જાગૃતિ. તમારી પાસે જન્માન્તરીય જાગૃતિ પણ હોઈ શકે. સદ્ગુરુ તમારી એ જાગૃતિને જોઈ શકે છે. જન્મ બદલાય, ત્યારે થોડીક વિસ્મૃતિની રખિયા એ જાગૃતિ ઉપર ફરી વળતી હોય છે. સદ્ગુરુનું કામ માત્ર એ રખિયાને દૂર કરી દેવાનું!
દર છ મહિને તમારે સાધના-ગુરુ પાસે જવાનું અને છ મહિનાની અંદર ભીતર કેટલું પરિવર્તન આવ્યું, રાગ-દ્વેષ-અહંકાર કેટલાં શિથિલ થયાં – એની વાત કરવાની. એના આધારે એ સદ્ગુરુ તમને સાધનામાં ફેરફાર કરવા જેવું લાગે, તે કરી આપશે.
પ્રભુ આપણને નિમિત્ત બનાવે છે. એક આપણા કર્તૃત્વને કારણે, આપણા અહંકારને કારણે અગણિત જન્મોની આપણી સાધનાનું result આપણને ન મળ્યું. એ કર્તૃત્વ જાય, આપણે નિમિત્તરૂપ બનીને પ્રભુ અને સદ્ગુરુના ચરણોમાં ઝૂકી જઈએ, સમર્પિત થઇ જઈએ, એટલે સાધનાનું પૂરું result આપણને મળી રહે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૯
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
એકવાર પ્રભુના પરમપ્રેમમાં આપણે ડૂબી ગયા, તમને દુનિયાની કોઈ ચીજમાં આસ્વાદ આવી શકે નહિ. પરમ આસ્વાદ છે પ્રભુના પરમ પ્રેમમાં. ઇન્દ્રિયો, મન અને ચિત્ત પ્રભુમય બની જાય. અગણિત જન્મોની અંદર જે ઘટના નથી ઘટી, એ ઘટના પ્રભુની કૃપાથી આ જન્મમાં ઘટિત થાય એવી ઈચ્છા છે.
ઇન્દ્રિયો, મન, ચિત્ત, પૂરું અસ્તિત્વ પ્રભુમય બની જાય. મનને પરમાંથી કાઢી પરમમાં કેમ મોકલવું એના માટેના tracks આપણે જોતા હતા. એક track હતો અજપાજપ. બીજો track હતો મનનું diversion. તમે જમી રહ્યા છો, એક ક્રિયા કરી રહ્યા છો, અને એ વખતે મનને તમે કોઈ સ્તવના આદિમાં મૂકી દો, ત્રીજો track છે જાગૃતિ. તમારી પાસે જન્માન્તરીય જાગૃતિ પણ હોઈ શકે. સદ્ગુરુ તમારી એ જાગૃતિને જોઈ શકે છે, જન્મ બદલાય ને એટલે થોડીક વિસ્મૃતિની રખિયા ઉપર ફરી વળતી હોય છે. અમારું કામ બહુ જ નાનકડું છે. એ રખિયાને દૂર કરી દઈએ; અંદર જાગૃતિનો અંગારો ધબકી રહ્યો છે,
લીચી એક યુવાન, પહેલી જ વાર એક સદ્ગુરુની પાસે ગયો, સદ્ગુરુના ચરણોમાં ઝૂક્યો. સદ્ગુરુ face reading ના master હતા, જોઈ લીધું કે જન્માન્તરીય મજાની જાગૃતિની ધારામાં વહીને આવેલું વ્યક્તિત્વ છે. વૈરાગ્ય અદ્ભુત જન્માન્તરીય એની પાસે છે. પહેલી જ વાર ગુરુની પાસે એ યુવાન આવેલો છે, અને ગુરુ એને પૂછે છે કે દોક્ષા ક્યારે લેવી છે…? અને એ વખતે લીચી કહે છે, ગુરુદેવ! દીક્ષા લેવી જ છે, પણ કોની પાસે લેવી, ક્યારે લેવી, ક્યાં લેવી એની અવઢવમાં છું. સદ્ગુરુ શું કામ કરી છે…! માત્ર રખિયાને ઉડાડવાની છે… તમારા માટે પણ આવું જ છે હો… એક પ્રવચનમાં બિલકુલ તમે સાવધાન હોવ, એકાદ વાક્ય તમારા અસ્તિત્વને સ્પર્શી જાય; તમારી રખિયા દૂર, તમારો અંગારો બહાર… અમારું કામ બહુ સરળ છે. કારણ? તમે બધા બહુ મજાના મજાના છો.
એ વખતે ગુરુએ કહ્યું લીચીને કે વાહ! તું ખરો માણસ! તારી જે બુદ્ધિએ અનંતા જન્મોની અંદર નરક અને નિગોદમાં તને રખડાવ્યો એ બુદ્ધિને તું પૂછવા જાય છે કે કોની પાસે દીક્ષા લઉં? ક્યારે દીક્ષા લઉં? વાહ! તું ખરો માણસ! આટલા જ શબ્દો! રખિયા બાજુમાં જતી રહી; અંગારો બહાર આવી ગયો. એ જ ક્ષણે લીચી સદ્ગુરુના ચરણોમાં પડ્યો. અને એણે કહ્યું ગુરુદેવ! યોગ્ય લાગતો હોઉં તો આપ અત્યારે પણ મને દીક્ષા આપી શકો છો. ગુરુએ થોડા શબ્દો કહ્યા પણ master stroke હતો! તારી જે બુદ્ધિએ તને અનંતા જન્મોમાં નરક અને નિગોદમાં રખડાવ્યો, એ બુદ્ધિને તું પૂછવા જાય છે! કોની પાસે દીક્ષા લઉં…!
મેં ગઈ કાલે પણ કહેલું, સદ્ગુરુના ચરણોમાં તમે ઝુકી જશો, સમર્પિત થઇ જશો; વચ્ચે બુદ્ધિ નહિ આવે. અને જો બુદ્ધિ લઈને આવ્યા તો સમર્પણ શક્ય નથી. એક માત્ર સમર્પણના અભાવે અનંતા જન્મોની આપણી સાધના નિષ્ફળ ગઈ. મેં અને તમે કેટલી સાધના કરી…! પ્રભુનું શાસન મને અને તમને પહેલીવાર મળ્યું છે? કેટલી વાર મળ્યું…! મેં અને તમે અતિતની યાત્રામાં દીક્ષા પણ લીધેલી, પ્રભુની સાધના કરી, પ્રભુનું શ્રામણ્ય પાળ્યું, પણ એ બધું નિષ્ફળ ગયું, મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો, કારણ શું…?
એક વાત આ મહત્વની છે, સાધના કરી, result નહિ મળ્યું. શ્રામણ્ય પાળ્યું, result નહિ મળ્યું, તો આપણે ઊંડાણથી જોવું પડશે કે આ જન્મની મારી સાધના ગત જન્મોની સાધના જેવી તો નથી ને..? અને જો ગયા જન્મોની સાધના જેવી જ આ જન્મની સાધના હશે તો એનું result શું મળશે? શ્રામણ્ય આ જન્મમાં મળ્યું છે પણ એ શ્રામણ્ય ગત જન્મોના શ્રામણ્ય જેવું થવું ન જોઈએ. મેરૂ જેટલા ઓઘા થઇ ગયા, એમાં એકનો ઉમેરો આપણે કરવાનો નથી. આ રજોહરણ અસ્તિત્વના સ્તર પર જવું જોઈએ. અને એટલે જ દિક્ષાના સમયે રજોહરણ જ્યારે આપું છું, ત્યારે મુમુક્ષુને હું કહેતો હોઉં છું, કે બેટા! તારા હાથમાં આ રજોહરણ હું તને નથી આપતો, આ પરમાત્માનો સ્પર્શ છે, અને એ માત્ર હાથમાં નહિ, તારા રોમે રોમે પરમ સ્પર્શ થવો જોઈએ. એક રુવાળું એવું ન હોય સાડા ત્રણ કરોડ રૂવાળામાંથી કે જે પરમસ્પર્શ વગરનું હોય. એક દીક્ષા; મોક્ષ આ રહ્યો. ક્યાં દૂર છે!
તો આપણે જોવું પડશે કે આપણી સાધનામાં ભૂતકાળમાં ક્યાં ખામી રહી ગઈ હતી… વેપારી છો ને…? એક વેપારમાં, બીજા વેપારમાં, ત્રીજા વેપારમાં loss જ loss. Profit છે જ નહિ, અને તમે ધંધો ચાલુ જ રાખવાના કે અટકવાના…? તમે વિચારશો કે where is my fault? હું ક્યાં ચૂકું છું….? તમને ખ્યાલ ન આવે, અમને પૂછો કે સાહેબજી મારી સાધનામાં કયું તત્વ ખુટી રહ્યું છે? એક સમર્પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનું મળી જાય, વાત પુરી થઇ ગઈ.
એક બહુ મજાની પરંપરા આપણે ત્યાં છે, ગીતાર્થ ગુરુ જે છે એ પ્રભુની આજ્ઞામાં, પ્રભુની આજ્ઞાને ચુસ્ત રીતે વફાદાર, એ ગીતાર્થ ગુરુની આજ્ઞામાં આચાર્યો છે, પંન્યાસો છે, એ બધા ગીતાર્થ ગુરુને વફાદાર.. એ પંન્યાસો અને આચાર્યોના જે શિષ્યો છે, એ પોતાના ગુરુને વફાદાર. અને એ કોઈને દીક્ષા આપે, એ નવદીક્ષિત શિષ્ય પોતાના ગુરુને વફાદાર. વફાદારીની લીંક એવી ચાલી કે નવ દીક્ષિત મુનિનો હાર પ્રભુને touch થાય. વાયા.. વાયા… એ નવ દીક્ષિત મુનિ પોતાના ગુરુને સમર્પિત, એના ગુરુ પોતાના પંન્યાસ કે આચાર્ય ગુરુને સમર્પિત, એ પંન્યાસ કે આચાર્ય ગુરુ ગીતાર્થ ગુરુને સમર્પિત, અને ગીતાર્થ ગુરુ પ્રભુને સમર્પિત. એક સમર્પણ આવી ગયું. Then you have not to do anything absolutely.
તમે બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં admit થઇ ગયા, પછી તમારે કેટલો વિચાર કરવાનો રહે? મારે આ દવા લેવી કે પેલી દવા લેવી…? ભાઈ હોસ્પિટલનું તંત્ર જ એ જે છે કે મેડીકલ સુપરવિઝન એ બધું કરશે. તારે તો બેડમાં સૂઈ જવાનું છે. બોલો અમારી આ offer છે… ત્યાં મેડીકલ સુપરવિઝન ને તમે લોકો બિલકુલ follow up કરો છો, એ જ રીતે અહીંયા સદ્ગુરુની આજ્ઞાને બિલકુલ તમારે ઝીલી લેવાની છે.
અમારે ત્યાં બે ગુરુની વાત છે, નિશ્ચય ગુરુ અને વ્યવહાર ગુરુ. ગીતાર્થ ગુરુ જે છે એ નિશ્ચય ગુરુ છે. એ નિશ્ચય ગુરુ એ તમારી જન્માન્તરીય સાધનાને જોવે, અને આ જન્મમાં તમને કઈ સાધનામાં દોડાવવાના છે એ નક્કી કરે… વ્યવહાર ગુરુ માત્ર નિશ્ચય ગુરુએ આપેલી સાધનાને follow up કરે. મારો શિષ્ય હોય, અને એની પાસે કોઈ દીક્ષા લેતું હોય તો હું મારા શિષ્યને કહું, કે તું વ્યવહાર ગુરુ છે, નિશ્ચય ગુરુ નથી. એની સાધનાને કયો આકાર આપવો એ કામ તારું નથી, એ કામ મારું છે. હું તને એનો આખો સાધનાનો graph આપી દઈશ એ પ્રમાણે તારે કામ કરવાનું છે. બિલકુલ હોસ્પિટલમાં ચાલે છે, એ જ રીતે અહીં કામ ચાલતું હોય. મોટા ડોકટર visit માં આવે, નર્સો નો કાફલો જોડે હોય, ડોક્ટર એક જગ્યાએ ઉભા રહે, જોઈ લે, દવામાં સુધારો – વધારો કરી આપે, પાછળનું તંત્ર જે છે, એ ૨૪ કલાક ડોક્ટરની આજ્ઞાને follow up કરે છે, એ જ વાત અમારે ત્યાં છે. શું પ્રભુનું શાસન છે! માત્ર તમારે એ શાસનની મર્યાદામાં, એની પરંપરામાં આવી જવાનું છે. બીજું કાંઈ જ કરવાનું નથી. તો એકમાત્ર સમર્પણ ન હોવાને કારણે અગણિત જન્મોની મારી અને તમારી સાધના નિષ્ફળ ગઈ. હવે આ જન્મમાં શું કરવું છે, બોલો…?
તમે જે સાધના કરો છો એ ગુરુદત્ત સાધના છે? બે ફરક પડે… સાધુ કે સાધ્વી હશે તો એની ૨૪ કલાકનું જે સાધના છે એને સુરેખ આકાર ગુરુ આપી દેશે. તમને ૩ – ૪ – ૫ કલાક મળે છે, તો તમે જે પણ સદ્ગુરુ પ્રત્યે તમારી શ્રદ્ધા છે, નાનપણથી તમે જે ગુરુના ચરણોમાં આળોટેલા છો, એ સદ્ગુરુ પાસે જાવ અને કહો કે ગુરુદેવ! રોજના ૩ – ૪ કે ૫ કલાક મને મળે છે, એમાં મારે સાધના શી રીતે કરવી…? પછી એ સદ્ગુરુ તમને બતાવશે… કે પ્રભુની ભક્તિમાં કેટલો સમય? સામાયિક અને સ્વાધ્યાયમાં કેટલો સમય? જાપમાં કેટલો સમય, જાપ કયો કરવો આ બધું જ detailથી સદ્ગુરુ તમને આપશે.
કોઈ પેશન્ટ પોતાના હાથે દવા લેવા માંગે ખરી? તમારો મેડીકલ સ્ટોર હોય તો પણ શું થઇ ગયું, હાથે દવા લેવા મંડી પડો…? ડોક્ટર prescribe કરે એ જ દવા તમે લઇ શકો. અત્યારે તમે તમારી સાધના તમારી ઈચ્છાથી કર્યા કરો છો. કાલે પાંચમ હતી, ચાલો આયંબિલ કરી લઉં… આજે આ સ્વાધ્યાય કરી લઉં, આજે આ કરી લઉં… અને એટલે તમારી સાધનાનો એક સુરેખ આકાર પકડાતો નથી.
એના માટે આપણે ત્યાં પરંપરા એ છે, કે એક સાધના ગુરુ આપણા જોઈએ. દર છ મહીને એ સાધના ગુરુ પાસે જવાનું, અને છ મહિનાની અંદર ભીતર કેટલું પરિવર્તન આવ્યું, એની વાત તમારે કરવાની… તમારો ગુસ્સો કેટલો શાંત પડ્યો એ તમારે અમને કહેવાનું… તમારો અહંકાર કેટલો delete થયો એની વાત તમારે સદ્ગુરુને કહેવાની, અને નથી થયો કદાચ તો એવું તો એ વાત પણ કહેવાની… પછી સદ્ગુરુ એના આધારે તમને સાધનામાં ફેરફાર કરવા જેવું લાગશે તો ફેરફાર કરીને આપશે.
મેં પહેલા પણ કહેલું કે અમે લોકો committed છીએ. અમે તમને ગેરંટી કાર્ડ આપવા તૈયાર છીએ. તમે કોઈ પણ સદ્ગુરુની આજ્ઞામાં હોવ અને એ સદ્ગુરુ કહે એ પ્રમાણે સાધનાને તમે આકાર આપતા હોવ તો એ સદ્ગુરુ તમને ગેરંટી કાર્ડ આપશે કે પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં તારી સાધના આ મુકામે આવીને ઉભી રહી હશે. કારણ કે ગુરુ છે, નિષ્ણાંત સદ્ગુરુ છે. એ તમારા અંદરના ભાવોને પણ જોઈ શકે છે. અને એ રીતે સાધના આપે છે કે તમારો રાગ, દ્વેષ, અહંકાર ધીરે ધીરે નિર્મૂળ થતો જાય. સદ્ગુરુને પુરેપુરો ખ્યાલ છે.
એટલે હવે એક કામ કરો, પ્રવચન બધા જ મહાત્માઓનું સાંભળવાનું. વંદન તો દરેક મહાત્માઓને કરો જ છો, સવાલ જ નથી…પંચ મહાવ્રતધારી દરેક ગુરુ આપણા છે, પણ સાધના ગુરુ એક. એથી શું થશે.. ગુરુને પણ તમારો ખ્યાલ રહેશે… કે આની ધારા આ છે, અને આને આ ધારામાં મારે મુકવાનો છે. તો તમને સતત બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ સુધી કઈ ધારામાં દોડાવવા એ સદ્ગુરુ નક્કી કરશે. અને result મળે જ. મળે એમ નથી કહેતો, મળે જ. કેમ ના મળે…? proper મેડીસીન છે. Properly લેવાય છે, તો એની અસર થવાની જ છે. પણ કદાચ એ બહારની મેડીસીન નકલી પણ હોઈ શકે. અને એની અસર ન પણ થાય એવું બને. કંપનીનું ખાલી પેકિંગ હોય, અને અંદરનો માલ અલગ હોય એવું ત્યાં બની શકે… અહીંયા તો પ્રભુએ આપેલી સાધના છે. અને એટલે એ સાધના ચોક્કસ અસર કરે જ.
તો આ રીતે આપણે આપણી સાધનાને આગળ વધારવી છે. સદ્ગુરુ વિના તો ચાલી શકતું જ નથી. આપણા ત્યાંની બહુ જ પ્રસિદ્ધ કથા, સિદ્ધસેનદિવાકરસૂરિની. રાજાએ બહુ જ આગ્રહ કર્યો, તમે મારા ગુરુ છો, તમે ચાલીને રાજસભામાં આવો એ મને ગમતું નથી, હું પાલખી મીક્લોશ, પાલખી ઉપાડનારા માણસો પણ હશે, આપ પાલખીમાં બેસીને આવો. એક દાક્ષીણ્ય ના, ન પાડી શક્યા. પાલખીમાં બેસીને જવા લાગ્યા. ગુરુ વૃદ્ધવાદીસૂરિ દૂર છે, સમાચાર મળ્યા, ગુરુ ચિંતામાં પડી ગયો, મારો શિષ્ય! નાડીને, માણીને, ચકાસીને લીધેલો એ રાજાના કહેવામાં આવી જાય! એ સુખશિલીયો બની જાય! અરે ભાઈ! તારે રાજાને ત્યાં જવાની જરૂર શું છે…! રાજાને જરૂર હશે તો તારા ઉપાશ્રયમાં આવશે…
એ ગુરુતત્વ સક્રિય બને છે, ગુરુની કરૂણા કેવી હોય છે! ગુરુ પોતે આવે છે, આપણને ખ્યાલ છે કથાનો… પાલખી ઉપાડે છે, હલાવે છે, અને સિદ્ધસેનજીને ખ્યાલ આવી ગયો કે મારા ગુરુ છે… નીચે ઉતરી ગયા, ગુરુના ચરણોમાં પડ્યા, આંખમાં આંસુની ધાર… ગુરુદેવ આપ! એ વખતે ગુરુએ પોતાની લાક્ષણીકતાઓનો ઉપયોગ કર્યો છે. ગુરુની બે લાક્ષણીકતા – પહેલી લાક્ષણીકતા એ: તમને નજીક બોલાવે, બુચકારે, પુચકારે… નજીક બોલાવે… અને જ્યાં નજીક આવે એટલે એક ઠોકી દીધી, આ બીજી લાક્ષણીકતા.
તો ગુરુએ પહેલા કહ્યું, ભાઈ તું તો રાજાનો ગુરુ બની ગયો મારે આવવું પડે ને… અને પછી જે તમાચ લગાવી છે, શબ્દોની.. એક જ વાક્ય છે, કારણ કે સામે સિદ્ધસેન દિવાકર છે, જ્ઞાની પુરુષ છે, એને વધારે કહેવાની જરૂર નથી. એક જ વાક્ય કહ્યું છે – હિંડઈ કાંઈ વણાવું વણું… દેશ્ય ગુજરાતીમાં છે, ગુરુ કહે છે તને સંસારના કીચડમાંથી, જંગલમાંથી મેં બહાર કાઢ્યો, હવે તારે પ્રશંસાના કીચડમાં જવું છે…! રાજા તારી પ્રશંસા કરે એના માટે કલાકો સુધી રાજસભામાં તારે બેસી રહેવાનું… શિષ્યોને જોડે લઇ જવાના… શિષ્યોનો સ્વાધ્યાય ન થાય એની જવાબદારી કોની? ગુરુનું ત્રીજું નેત્ર ખુલ્યું, ગુરુએ કહ્યું, પાછો ફર, જા ઉપાશ્રયમાં. રાજાને જરૂર હશે તો ઉપાશ્રયમાં આવશે. તારે ક્યારેય રાજસભામાં જવાનું નથી.
અને એ સિદ્ધસેનજી એ દિવસે એટલા બધા રાજી થયા છે, મન મુકીને ગુરુના ચરણોની અંદર એ ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે, કે ગુરુદેવ! આપની કરૂણા ન હોય તો હું કેટલો નીચો પડી જાત.
એક સદ્ગુરુ તમને ક્યાંથી ક્યાં ઊંચકી લે, એટલે જ તો હું કહું છું, સદ્ગુરુ તૈયાર.. શક્તિપાત કરી દઈએ, સેકંડોમાં કામ પૂરું… પણ તમે તૈયાર…?
પરંપરામાં એક સરસ ઘટના આવે છે. બહુ મજાની, એક ગામની અંદર એક હિંદુ આગેવાન, માત્ર ગામના જ આગેવાન એમ નહિ, એમની પુરી જ્ઞાતિના અગ્રણી, એટલે એમની જ્ઞાતિના કોઈ પણ ગામમાં કંઈ પણ કામ કરવું હોય તો આ માણસની સલાહ લેવા લોકો આવે છે, નાતની વાડી બનાવવી છે કે કોઈનો અરસ – પરસનો કજીયો છે… આ માણસ વિના ચાલે નહિ. હવે વાત એવી છે સમાજમાં તમે અગ્રણી બનો, અને અહંકાર તમારી પાસે ન હોય, એ બહુ અઘરું છે.
ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું, ‘सेवा धर्म परम गहनो योगिनामप्यगम्यः।’ સેવા ધર્મ એટલો બધો ગહન છે, એટલો બધો અઘરો છે, કે યોગીઓ માટે પણ એ કદાચ અગમ્ય છે. યોગીઓ પ્રાણાયામની સાધના કરી શકે, પણ સેવા ધર્મની સાધના કરવી એ અઘરી છે. કારણ? દોરડાં પર નાચવું, અને balancing રાખવું એના જેવી વાત છે. સેવા કરવી સમાજની, લોકો પ્રશંસા કરે ત્યારે અલિપ્ત રહેવું અઘરું કામ છે. આપણી પરંપરા આપણને આ શીખવાડે… કે તારા હાથે જે પણ સારું કાર્ય થાય છે એમાં તું નિમિત્ત છે, પ્રભુની કૃપાથી બધું થાય છે. આપણા પૂર્વોમાં જે કેટલાક અદ્ભુત શબ્દો છે, જે પશ્ચિમ પાસે નથી, એ પૈકીનો એક શબ્દ છે નિમિત્ત. Oxford dictionary એ પણ એક કામ કર્યું, અમુક શબ્દો જે યુરોપિયન પરિભાષામાં હતા જ નહિ, માત્ર ભારતીય પરિભાષામાં જ હતા, એને એના એ સ્વરૂપમાં લઇ લીધા છે, Oxford dictionary એ…
તો નિમિત્ત શબ્દ એવો શબ્દ છે, જે માત્ર પૂર્વની એટલે કે ભારતની જગતને દેણ છે. કોઈ પણ સારું કાર્ય થયું; તમે નિમિત્ત છો. અમે લોકો યોગોદ્વહન કરાવીએ, અમારા શિષ્યને, સાધ્વીજીઓને અમે સૂત્ર આપીએ, ત્યારે શું કહીએ… એક આચાર્ય ભગવંત, જ્ઞાની આચાર્ય ભગવંત શિષ્યને સૂત્ર આપે છે પણ એ વખતે હું તને સૂત્ર આપું છું એમ નથી કહેતાં, ક્ષમાસમણાણ હત્થેણં મુનિવરોની, ગુરુઓની પરંપરા તને આ સૂત્ર આપે છે. કારણ? ગણધર ભગવંતે સાડા ૨૫૫૦ વર્ષ પહેલાં એ સૂત્રની રચના કરેલી, ગુરુ પરંપરા દ્વારા એ સૂત્ર માણસ સુધી આવ્યું છે. એટલે ગુરુ પરંપરાનો હું ઋણી છું. સંઘ કાઢવાનો, વાંધો નહિ, ઉપધાન કરાવવાના, કરાવવા જ જોઈએ, પણ ક્યાંય તમે કર્તા ન થઇ જાવ, એની સાવધાની રાખવાની… તમારે માત્ર નિમિત્ત તરીકે રહેવાનુ છે.
એક બહુ પ્યારી કથા આપણી પરંપરામાં આવે છે. એક શ્રીમંત છે, ખુબ દાન આપે છે, પણ નીચી નજરે આપે, રોજના હજારો રૂપિયાનું દાન, પણ નીચી નજરે, કોણ સામે લઇ જાય છે, એ ખબર પડે નહિ, એકવાર એ શ્રીમંતના મિત્રો ભેગા થયા, વિચારે છે કે આપણો મિત્ર દાન તો સરસ આપે છે, પણ નીચી નજરે કેમ આપે છે…? એ વિચાર કરે છે ત્યાં જ પેલો શ્રીમંત આવ્યો, બધાએ કહ્યું આવો, આવો… તમારી જ વાત કરતા જ હતા… તમે નીચી નજરે દાન કેમ આપો છો? એ વખતે એ શ્રીમંતે જે વાત કરી ને અદ્ભુત…! એણે કહ્યું મને શરમ આવે છે માટે નીચી નજરે દાન આપું છું. અરે! દાન આપતાં શરમ આવે? તો કહે કે હા. સંપત્તિ પ્રભુએ આપી છે, તમારી સંપત્તિ કોની? હું પ્રભુ તારો, પછી તમે પ્રભુના, તો તમારું છે એ કોનું રહ્યું, પછી બોલો… જુના જમાનામાં બહેનો લગ્ન કરીને આવે ને ત્યારે પતિને કહેતી હું તમારી, પણ અગ્નિની સાક્ષીએ હું તમારી થઇ, પણ હું પિયરથી લઈને આવી છું ને એ મારું, એ તમારું નહિ… એમ હું પ્રભુ તારો પણ…
તો તમને મળ્યું, તમે કહેશો પુણ્યથી, પુણ્યના માલિક પ્રભુ છે, તો એ શ્રીમંત જે છે એ સંપત્તિ પ્રભુએ આપી, પછી એ સંપત્તિ બીજાને આપવાનો ભાવ પણ પ્રભુએ આપ્યો. લલિત વિસ્તરાની પંજિકામાં એક બહુ પ્યારી વાત આવે છે, “એકોSપિ શુભોભાવ: તીર્થકર પ્રદત્ત એવ” એક પણ સારો વિચાર તમને આવ્યો, એક પણ સારો ભાવ તમને સ્પર્શ્યો, એ પ્રભુની કૃપા. પ્રભુએ શાસન સ્થાપ્યું, એ શાસન આપણને મળ્યું, અને સારા વિચારો આપણને મળ્યા તો એ સારા વિચારો પરની માલિકીયત કોની? પ્રભુની…
તો એ શ્રીમંત કહે છે, સંપત્તિ પ્રભુએ આપી, સંપત્તિ બીજાને આપવાનો ભાવ પ્રભુએ આપ્યો, અને પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવે છે. એટલે આ તો ખાલી નિમિત્ત છે.. આનું કંઈ કર્તૃત્વ નથી. સંપત્તિ મારી નથી, સંપત્તિને બીજાને આપવાનો ભાવ પણ મારો નથી. એ પણ પ્રભુએ મને આપ્યો છે. પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવે છે, લોકો કહે છે કે આ ભાઈ દાન આપે છે, તો મને શરમ આવે છે, હું ક્યાં દાન આપું છું!
સારા કાર્યો કરવાના, પણ નિમિત્ત રૂપ બનીને, કર્તા રૂપ બનીને નહિ. હિન્દીમાં એક સરસ કહેવત છે, ‘નેકી કર ઓર કુએ મેં ડાલ’ ‘નેકી કર ઓર કુએ મેં ડાલ’- સારું કામ કર પછી એને મૂકી દે… એટલે જ પંચસૂત્ર ટીકામાં એક સ્પષ્ટતા કરી કે અનુમોદના એટલે શું? તો કહે કે બીજાએ કરેલ સુકૃતોની અનુમોદના. તમે કરેલ સુકૃતોની અનુમોદનાની વાત ત્યાં નથી. એમાં અહંકાર ભળી જશે. ઘણા એવા હોય ને કે ૨૦ વર્ષ પહેલાં સંઘ કાઢેલો હોય, અને ૨૦ વર્ષે પણ એમનું પેલું ટેપ રેકોર્ડીંગ ચાલતું હોય! મારો સંઘ, મેં સંઘ એવો કઢાયેલો ને લોકો મોંમાં આંગળી નાંખી ગયા. નિમિત્ત રૂપ બનીને કરો, સારા કર્યો થાય એટલા કરો, પણ ક્યારેય પણ એના કર્તા નહિ બનો. તમે જે ક્ષણે કર્તા બન્યા, અહંકાર આવી ગયો તો સારા કાર્યનો લાભ તમને તો નહિ જ થાય, બીજાને ભલે થાય. એમાં જે લોકો જોડાય એને લાભ મળી જાય, પણ તમને શું લાભ મળ્યો?
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત આવતી, કે કમાલ કરતા ઉલાળો ભારે… હવે ના લોકોને તો ખબર ય ના પડે. ઉલાળ એટલે શું…. અંદરથી દરવાજો બંધ હોય, બહારથી કોઈને ખોલવો હોય તો તમારા જેવી વ્યવસ્થા પહેલાં નહોતી. કોલબેલ દબાવો, અને તમે બારણું અંદરથી ખોલો, પેલો બહારથી ખોલી શકે એવી વ્યવસ્થા હતી. અને એના માટે ઉલાળો રહેતો, એ ફીટ થઇ જાય, બારણાની પાછળ અને તમે આમ કરો, એટલે ઉચકાઈ જાય અને બારણું ખુલી જાય. તો ગુજરાતીમાં કહેવત હતી, ‘કમાલ કરતા ઉલાળો ભારે’ ઉલાળાનું વજન એટલું બધું હોય કે કમાલ કરતાં એનું વજન વધી જાય. એમ સાધના હોય આટલી અને અહંકાર હોય આટલો….
જેમ જેમ સાધના વધતી જાય, તેમ તેમ નમ્રતા વધતી જાય. પ્રભુની કૃપા… બસ એક જ વાત, પ્રભુની કૃપા.. અને પ્રભુની કૃપાથી જ થઇ રહ્યું છે. બાકી મારી કઈ તાકાત..!
ચંપા મહાશ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા. અકબર બાદશાહે સરઘસ જોયું કે આ શેનું સરઘસ? તો કહે કે બેને છ મહિનાના ઉપવાસ કર્યા, તો કહે કે ઉપવાસ એટલે શું? તો કહે કે રોઝા. દિવસે પણ નહિ ખાવાનું, રાત્રે પણ નહિ ખાવાનું… અકબર કહે કે impossible. હોય જ નહિ, રમજાન આવે, આખી રાત ઠોકી – ઠોકીને ખાઉં તો યે દિવસે ભૂખ્યો રહી શકતો નથી. રાત્રે પણ નહિ ખાવાનું, દિવસે પણ નહિ ખાવાનું… અને બે – ચાર દિવસ નહિ, છ મહિના સુધી… બને જ નહિ… કહે છે… ચંપા શ્રાવિકાને પોતાને ત્યાં લાવી. બરોબર પરીક્ષા કરી, લાગ્યું કે ના, ઉપવાસ સાચા છે, પૂછ્યું કે તારામાં આટલી તાકાત ક્યાંથી? એ વખતે જે ચંપાનો જવાબ હતો કે પ્રભુ શાસનની પરંપરા પ્રમાણે હું આ કરું છું. અને એના કારણે અકબર હીરસૂરિમહારાજના ચરણોમાં બેઠો. ચંપાએ એમ ન કહ્યું કે મહારાજ અમે તો જૈનો અમને તો ઉપવાસ સદી ગયેલો, કોઠે પડી ગયેલો. એક જ વાત કરી, મહારાજ મારી તાકાત નથી, એક ઉપવાસ કરવાની મારી તાકાત નથી, માત્ર મારા પ્રભુ અને મારા ગુરુની કૃપાથી હું આ કરું છું.
તો અકબર મુસલમાન છે. પ્રભુ એટલે અલ્લાહ એ તો બરોબર… તારા ગુરુ કોણ છે? તો કહે કે હીરવિજયસૂરિ ગુરુ છે, ગુજરાતમાં બિરાજમાન છે. તો એ વખતે અકબર બાદશાહને થયું કે આના ગુરુનો એકવાર મારે સત્સંગ કરવો છે, જે ગુરુ ગુજરાતમાં રહ્યા રહ્યા આને આટલી બધી શક્તિનો પુરવઠો પાડે છે. એ ગુરુ કેવા હશે… તો તપશ્ચર્યા તમારે કરવાની નથી, કોને કરવાની… પ્રભુ કરાવે, સદ્ગુરુ કરાવે… માસક્ષમણની ભાવનાથી ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે, અને બધાને એક જ વાત કહું, કે તમારે ઉપવાસ કરવાનો નથી, પ્રભુની કૃપા બસ, કૃપા ઉપર છોડી દો, આપણી તાકાત નથી કે એકાસણું કે આયંબિલ પણ આપણે કરી શકીએ. એકમાત્ર પ્રભુની કૃપાથી જ બધું થઇ રહ્યું છે.
તો આજે મારે એ વાત કહેવી છે, કે પ્રભુ આપણને નિમિત્ત બનાવે છે, એક આપણા કર્તૃત્વને કારણે, એક આપણા અહંકારને કારણે અગણિત જન્મોની આપણી સાધના જે છે એનું result આપણને નહિ મળે, એ કર્તૃત્વ જાય, આપણે નિમિત્ત રૂપ આવીએ, અને પ્રભુ અને સદ્ગુરુના ચરણોમાં ઝુકી જઈએ, સમર્પિત થઇ જઈએ, એટલે સાધનાનું પૂરું result આપણને મળી રહે. એટલે આપણી સાધનામાં ખૂટતું તત્વ એક જ હતું સમર્પણ. પ્રભુનું સમર્પણ. અને એક વાત તમે સમજો, પ્રભુની આજ્ઞા તમારી પાસે શી રીતે આવશે.. શાસ્ત્રો દ્વારા નહિ, ગુરુ દ્વારા…
અંગ્રેજી ભણેલો માણસ હોય, અને medical colitis વાંચી અને દવા કરવા મંડી પડે એ ચાલે નહિ. એમ એક સાધુ હોય, વિદ્વાન હોય, ગ્રંથો ભણીને અને પ્રભુની આજ્ઞા આ છે, અને હું કરવા મંડી પડું એમ કરે તો ચાલે નહિ, એના માટેની proper આજ્ઞા માત્ર સદ્ગુરુ દ્વારા જ મળે છે. તમારા માટેની આજ્ઞા જુદી હોય, આમના માટેની આજ્ઞા જુદી હોય, એક શરદીવાળો છે, તો એકને ગરમીનો કોઠો છે, બેયની દવા એક હોય કંઈ…!
તો પ્રભુની આજ્ઞા વાયા ગુરુ તમારી પાસે આવે, એ ગુરુના ચરણોમાં તમે સમર્પિત થયા, પછી તમારી સાધનાની જવાબદારી સદ્ગુરુની.
એટલે આ જન્મને આપણે એ રીતે સફળ કરવો છે કે આ જન્મમાં એવી સાધના થાય કે જન્મોના જન્મો સુધી એ રીતે ચાલે અને એ સાધના આપણને મોક્ષમાં લઇ જાય.