Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 20

103 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુની કરુણા

સૌથી મોટી ચુંગાલ તમારા હું ની છે. એ હું સાધનામાર્ગમાં, ભક્તિમાર્ગમાં પ્રબળ અવરોધક બને છે. પોતાનાથી થયેલા દુષ્કૃતોની ગર્હા, અન્યોના સુકૃતોની અનુમોદના અને ચતુ:શરણ સ્વીકાર – પ્રથમ પંચસૂત્રની આ સાધના ત્રિપદી માત્ર અને માત્ર અહંકારના શિથિલીકરણ માટે છે.

જે ક્ષણે તમને તમારો અહંકાર ખટક્યો અને તમે પ્રભુને, સદ્ગુરુને સમર્પિત થઇ ગયા; પછી દોષમુક્ત થવાની જવાબદારી તમારી નથી! પછી તો તમને દોષમુક્ત પ્રભુ કરશે, સદ્ગુરુ કરશે.

એક સદ્ગુરુને ધ્યાનમાંથી કે ઊંડી સાધનામાંથી બહાર આવવું પાલવતું નથી. પણ છતાં કરુણાને વશ અને પ્રભુની આજ્ઞાને વશ સદ્ગુરુઓ બહાર આવે છે અને તમારા સુધી એમની કરુણાને લંબાવે છે. અનંત જન્મોથી સદ્ગુરુચેતનાએ તમારા પર જે અપાર કરુણા વરસાવી છે, એ ગુરુચેતનાની કરુણાનો સ્પર્શ તમને થાય છે?!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૦

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુના પરમપ્રેમમાં ડૂબવું છે. એકમાત્ર જાગૃતિ. પ્રબળ જાગૃતિ આપણી પાસે આવી ગઈ, પ્રભુના પરમ પ્રેમમાં ડૂબાઈ જવાય. જાગૃતિ વિના પરની ઝંજાળમાંથી છટકવું મુશ્કેલ છે. સૌથી મોટી ચુંગાળ હું ની છે, એ હું સાધનામાર્ગમાં, ભક્તિમાર્ગમાં પ્રબળ અવરોધક બને છે.

બડભાગી છીએ આપણે કે આપણા હું ને લેવા માટે મહાપુરુષોએ મજાની વ્યવસ્થા ગોઠવી છે. પ્રથમ પંચસૂત્રની સાધના ત્રિપદી માત્ર અને માત્ર અહંકારના વીગલન માટે છે. દુષ્કૃત ગર્હા, અતિતની યાત્રામાં આપણા હાથે જે દુષ્કૃતો થયા, એની નિંદા આપણે કરીએ… શું થશે… તમારો હું શિથિલ બનશે. મેં આટલા બધા અકાર્યો કર્યા છે…! એ સાથે બીજાના સુકૃતોની અનુમોદના કરતો; તમારો હું ઓર શિથિલ બનશે. અને સૌથી મોટી વાત છે, ચતુ:શરણ સ્વીકાર… પ્રભુને આપણે સમર્પિત થઇ ગયા, સદ્ગુરુને આપણે સમર્પિત થઇ ગયા, દોષ મુક્ત થવાની જવાબદારી આપણી નથી, દોષ મુક્ત પ્રભુ આપણને કરશે, સદ્ગુરુ આપણને કરશે. એક સમર્પણ તમારું પ્રભુ તૈયાર… સદ્ગુરુ તૈયાર…

આજે મને સદ્ગુરુની કરુણાની વાત યાદ આવે છે, સદ્ગુરુની કરુણા મારા ઉપર ન ઉતરી હોત, તો હું શું હોત એની કલ્પના કરતાં હું ધ્રુજી જાઉં છું. ૩૦ વર્ષનું મારું વય, પૂર્વનું અને પશ્ચિમનું અઢળક વાંચ્યા કરતો. મારા ટેબલ ઉપર પુસ્તકોનો ખડકલો સદાયને માટે હોય જ. પુસ્તકો વાંચ્યા કરતો, અહંકારને વધાર્યા કરતો. ગુરુદેવ મારી એ પરિસ્થિતિને જોઈ ગયા કે સ્વાધ્યાય જેમ જેમ કરે છે વધારે તેમ તેમ એનો અહંકાર વધે છે. કોઈ પણ સદ્ગુરુ પાસે જાવ ને એમની પાસે ટાંકણીઓનો મોટો જથ્થો હોય, મારી પાસે પણ છે હો… ગમે એટલા અહંકારનો ફુગ્ગો ફુલાવીને આવે, એક ટાંકણી ઘોચી દે, કામ પૂરું. ગુરુદેવે જોયું કે સ્વાધ્યાય આના માટે ખરેખર સ્વાધ્યાય બન્યો નથી.

સમતાશતકમાં ઉપાધ્યાય યશોવિજયજી ભગવંતે એક બહુ પ્યારો શબ્દ આપ્યો, શ્રુતાન્ધકાર… પહેલીવાર એ શબ્દને વાંચ્યો, મને થયું કંઈક mistake છે, અજ્ઞાન અંધકાર હોય, જ્ઞાન અંધકાર હોય…? એમણે શ્રુતાન્ધકાર શબ્દ વાપર્યો… પછી આખી કડી વાંચી ત્યારે ખ્યાલ આવી ગયો કે સાહેબ શું કહેવા માંગે છે. એમણે કહ્યું, કે જે શબ્દો દ્વારા તમારો અહંકાર સઘન બને એ જ શ્રુતાન્ધકાર છે. ભલે શબ્દો રહ્યા, ભલે પ્રભુના પ્યારા શબ્દો રહ્યા પણ એના દ્વારા તમે કર્યું શું? તમારા અહંકારને વિસ્તાર્યો. તો ગુરુદેવની કરુણા મુખરિત બની. ગુરુદેવને થયું કે આ મારો શિષ્ય, મારે એનું યોગક્ષેમ કરવાનું છે. એને અહંકારની ધારામાંથી હું બહાર કાઢું.. લાગે કે શું મજાની પરંપરા આપણને મળી છે…

આજ પરંપરામાં એક ઘટના યાદ આવે.. ગાંધીજી round table conference માટે લંડન ગયેલા, કેટલાક ગાંધી ભક્તો પણ એમની સાથે હતા, લંડનમાં એ સમયે ઘણા બધા વિદ્વાન, પણ એમાં સૌથી મોટું નામ Bertrand Russell નું હતું, બહુ જ મોટા સાહિત્યકાર, બહુ જ મોટા ઇતિહાસના લેખક. એક ગાંધી ભક્ત Bertrand Russell પાસે ગયો અને એને Russell ને પૂછ્યું કે ગાંધીજીને.. મહાત્મા ગાંધીજીને તમે એકદમ નજીકથી આ વખતે જોયા, તમને પણ લાગ્યું હશે કે મહાત્મા ગાંધીજી ખરેખર શ્રેષ્ઠ પુરુષ છે… Bertrand Russell એ કહ્યું કે હા, ગાંધીજી ખરેખર મહાપુરુષ છે. અને એમને હું બીજા નંબર ઉપર જરૂર સ્થાન આપીશ. પેલા ગાંધી ભક્તે વિચાર કર્યો, કે Bertrand Russell ખ્રિસ્તી હતો, ખિસ્તી. એના પોતાના ભગવાન ઇસુ ખ્રિસ્ત ને પહેલા નંબરે માનતો હોય, અને બીજા નંબરે મહાત્મા ગાંધીજીને માને તો મહાત્મા ગાંધી માટે બહુ મોટું સન્માન કહેવાય. પણ એનાથી પૂછ્યા વિના રહેવાયું નહિ, એને પૂછ્યું પહેલા નંબરે કોણ છે? Bertrand Russell એ એ વખતે કહ્યું, પહેલો નંબર હું મારા માટે જ રાખું છું બીજા નંબરથી શરૂઆત કરું છું.

તમારી વાત આવી નથી ને પાછી…? પણ તમારી વાત આવી હોય તો વાંધો નથી… કારણ? તમે સદ્ગુરુની નિશ્રામાં છો. અને તમે જો સદ્ગુરુને સમર્પિત થયા, તો તમને અહં મુક્ત બનાવવાની જવાબદારી સદ્ગુરુની છે. વાત એ છે કે તમને તમારો અહંકાર ખટકવો જોઈએ. જે ક્ષણે ખટક્યો સદ્ગુરુના ચરણોમાં તમે આવ્યા, અહંકારથી મુક્ત બન્યા. વાર કેટલી લાગે…! અમારું કામ તો સેકંડોનું જ છે. તમને તૈયાર કરતા અમને ભલે કલાકો લાગતા હોય, વર્ષો લાગતા હોય, કે જન્મો લાગતા હોય પણ ખરેખર શક્તિપાત કરતાં સેકંડો જ અમને લાગવાની.

તો એવી મજાની પરંપરા આપણને મળી સદ્ગુરુ આપણા માથે છે. એવા સદ્ગુરુ કે જેમણે તમારી પાસેથી કશું જ જોઈતું નથી. અને પોતાની પાસે જે કાંઈ છે એ બધું તમને આપી દે છે. તમે નિઃસ્પૃહ હોય એ જુદી વાત છે. સદ્ગુરુને તમારી પાસેથી કશું જ જોઈતું નથી, અને પોતાની પાસે જે છે એ બધું જ તમને આપવું છે. સદ્ગુરુ પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે વસ્તુ છે એ પ્રભુ. અને એ પ્રભુ તમને આપવા માટે સદ્ગુરુ તૈયાર છે, મારે તો તમને તૈયાર કરવા છે, જે ક્ષણે તમને લાગે કે ગુરુદેવ! પ્રભુ વિના એક ક્ષણ નહિ રહેવાય. બસ પ્રભુ જ જોઈએ, આ એક ભૂમિકા તમારી ઉભી થઇ જાય… એ ક્ષણે પ્રભુ તમને આપી દઉં. તો દોષમુક્ત આપણને કરવાની જવાબદારી પણ સદ્ગુરુની છે. પ્રભુ આપણને આપવાની જવાબદારી પણ સદ્ગુરુની છે. પ્રભુ મેળવવા માટે તમને સજ્જ બનાવવા માટેની જવાબદારી પણ સદ્ગુરુની છે. ગુરુ બધું જ કરવા તૈયાર છે.

કબીરજીએ બહુ જ પ્યારી વાત કરી, “ગુરુ કુમ્હાર, શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ” ગુરુ તમારા માટે બધું જ બનવા તૈયાર છે. ગુરુ કુમ્હાર, તમે જો ઘડો છો માટીનો તો ગુરુ એને ઘડવા માટે કુંભાર બનવા માટે તૈયાર છે. ગુરુ કુમ્હાર, શિષ્ય કુંભ હૈ… પછી શું કરે, ઘડી ઘડી કાઢે ખોટ, હવે એને આકાર આપવાનો છે. અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ… સદ્ગુરુ dual action કરે છે, એકલા જો ટપલા માર માર કરે ને માટીનો લોંદો.. અને ખાલી પંપાળ પંપાળ કરે તો ઘડાને આકાર મળે નહિ.. એટલે સદ્ગુરુ dual action કરે… શું કરે…? અંદર હાથ સંવાર દે, ઘડાની અંદર… બહારથી જ્યાં ટપલા મારવાના છે… ત્યાં હાથથી પકડી રાખે… એટલે માટીનો લોંદો નીકળી ન જાય. અને ઉપરથી ટપલા ઠોકે. એટલે ઘડાને સુરેખ આકાર મળી જાય. પણ માટીનો લોંદો નીકળી ન જાય. અમારે બે રીતે કામ કરવાના સમજ્યા… તમને બુચકારવાના પણ ખરા… પ્રેમથી નજીક બોલાવવાના પણ ખરા, અને ટપલું ઠોકી પણ દેવાનું… સદ્ગુરુની કરુણા તમને ખ્યાલ આવે છે…?

અનંતા જન્મોની અંદર સદ્ગુરુ ચેતનાએ મારી અને તમારી જે care લીધી છે એની પાછળ સદ્ગુરુ ચેતનાની જે કરુણા હતી… એ કરુણાનો સ્પર્શ અત્યારે ખ્યાલ આવે છે…? કોઈ સ્વાર્થ નહિ, માત્ર એક જ વાત, પ્રભુએ મને આપ્યું છે, મારે બીજાને આપવાનું છે. કલાપૂર્ણસૂરિ દાદાને છેલ્લે વંદન કરવાનું થયું, રાજસ્થાનમાં, એ વખતે મેં જોયું, સવારથી સાંજ સુધી એ નાનકડા ગામમાં ગાડીઓની વણઝાર આવ્યા કરી, સાહેબ બધાને આશીર્વાદ આપતાં રહ્યા. હિતશિક્ષા માંગી એને હિતશિક્ષા પણ આપતાં રહ્યા. સાંજે હું સાહેબના ચરણોમાં બેઠેલો, મેં પૂછ્યું કે સાહેબજી! આટલા બધા લોકો આવે, અને એ બધા હિતશિક્ષાની ઈચ્છા રાખે, એક ટુકડી ગઈ ને બીજી આવી, બીજી ગઈ ને ત્રીજી આવી. બધાની ઈચ્છા કે સાહેબજી હિતશિક્ષા આપો, અને આપ થોડું થોડું આપ્યા કરો, થાક ન લાગે આપને…?

એ વખતે આપણા યુગની એ શ્રેષ્ઠ વિભૂતિએ કહેલું કે યશોવિજય! મને મારા પ્રભુએ અને મારા ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ conditionally આપેલું છે, શરતથી આપેલું છે. હું જો બીજાને આ જ્ઞાન ન આપું તો મારા પ્રભુનો અને મારા ગુરુનો હું અપરાધી છું. આ ગુરુ ચેતનાએ મારા અને તમારા ઉપર અનંતા જન્મોની અંદર કરૂણાની ધારા વરસાવી છે. એક જ વાત હતી, આ આત્માનું કલ્યાણ થાય. કોઈ સ્વાર્થ નહિ, કોઈ બીજો વિચાર નહિ, માત્ર એક જ વિચાર પ્રભુએ મને ઉચક્યો છે, મારે બીજાને ઉચકવા છે. એક સદ્ગુરુ નહિ, અનેક સદ્ગુરુ આપણને મળ્યા અને એ અનેક સદ્ગુરુઓએ અપાર કરુણા આપણા ઉપર વરસાવી. એ કરુણાનો સ્પર્શ અત્યારે અનુભવવો છો…?

હું અત્યારે મારા ગુરુદેવની કરુણાનો સ્પર્શ અનુભવી રહ્યો છું. ગુરુદેવે જોયું કે યશોવિજય સ્વાધ્યાય કરે છે અને અહંકાર વધારે છે… મને બોલાવ્યો, અહીં આવ… હું ગુરુદેવના ચરણોમાં ગયો, મેં વંદન કર્યું. મને સાહેબજીએ પૂછ્યું, તું આટલું બધું વાંચે છે, તે હરિભદ્રસૂરીને મ.સા. ને તે વાંચ્યા? મેં કહ્યું સાહેબજી વાંચ્યા નથી. મને કહે સૌથી પહેલાં હવે એમને વાંચ. મેં કીધું, તહત્તિ ગુરુદેવ. પછી મેં પૂછ્યું કે ગુરુદેવ! એમના ઘણા બધા ગ્રંથો છે, સૌથી પહેલો કયો ગ્રંથ હું વાંચું? મને એમણે કહ્યું; તું યોગબિંદુ વાંચ. મેં કહ્યું તહત્તિ. એ યોગબિંદુ મેં શરૂ કર્યો, એમાં એક શ્લોક આવ્યો, મને લાગ્યું કે મારા અહંકારના કેન્દ્રને તોડી – ફોડી અને નષ્ટ કરી નાંખે એવો એ શ્લોક હતો. ગુરુની લાકડી કેવી હોય, ખબર છે? ખાધી છે ક્યારેય…? મેં તો પ્રભુની તમાચ પણ ખાધી છે, અને અનુભવથી કહું કે મીઠી મીઠી લાગે. પ્રભુ હાથ પસવારે એ તો મીઠો મીઠો લાગે, પ્રભુની તમાચ પણ મીઠી લાગે.

આપણે ત્યાં બે શબ્દો છે, અનુગ્રહ કૃપા અને નિગ્રહ કૃપા. પ્રભુ કૃપા બે રીતે વરસાવે, અનુગ્રહની ધારાથી, અને નિગ્રહની ધારાથી. ક્યારેક આપણે શુભ ભાવોમાં હોઈએ ત્યારે આપણને ઉચકી લે પ્રભુ, અને ક્યારેક અશુભની ધારામાં ગયા તો સીધી જ તમાચ ઠોકી દે. મેં પ્રભુની તમાચ ખાધી છે, અને એટલે જ કહું કે એ મીઠી મીઠી લાગે.

એક ઘટના યાદ આવે, હું જુના ડીસામાં હતો, ચોમાસું… ઉત્તરગુજરાતમાં ચાતુર્માસમાં શ્રી સંઘે નક્કી કર્યું કે ઉત્તરગુજરાતના ધાર્મિક શિક્ષકોનું સંમેલન બોલાવવું… એ રીતે એમને આમંત્રણો મોકલ્યા, જે દિવસે સંમેલન શરૂ થવાનું હતું, આગળના દિવસે મેં જોયું, માત્ર ઉત્તર ગુજરાતના નહિ, મુંબઈ, દિલ્લી, ચેન્નાઈ, બેંગલુરૂથી પણ ધાર્મિક અધ્યાપકો પંડિતો આવેલા. એટલે શું થયું, યશોવિજયને અહંકાર આવ્યો. મને થયું કે મારું નામ કેટલું મોટું થઇ ગયું છે… ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોનું સંમેલન શ્રી સંઘ બોલાવે અને ભારતભરના ટોચના પંડિતો મને સાંભળવા માટે આવે! પણ શું પ્રભુની કરુણા! સાંજે અહંકાર આવ્યો, રાત્રે એ અહંકારની ધારામાં સુઈ ગયો હું, સવારે ઉઠ્યો, ગળું ઠપ્પ. એટલી હદે ગળું ઠપ્પ કે મારાથી એક ફૂટ દૂર રહેલો માણસ હોય એ પણ મારા અવાજને સાંભળી ન શકે. પણ એ વખતે મને થયું કે વાહ! શું પ્રભુએ કરુણા કરી! કેવી પ્રભુની કૃપા! કે અહીંયા અહંકાર આવ્યો, ફુગ્ગો ફૂલ્યો અને ટાંકણી ઘોંચી ભગવાને… એ દિવસે હું પ્રવચન ન આપી શક્યો… પણ એટલો બધો આનંદ, એટલો બધો આનંદ… કે પ્રભુ આટલી હદે મારી care કરે છે! આટલી હદે…! અહંકારનો ફુગ્ગો સાંજે ફૂલ્યો, સવારે પ્રભુએ ફોડી નાંખ્યો. ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મારા જેવા એક નાચીજ માણસની આટલી બધી ખબર લે..! એ દિવસે આખો આંખોમાંથી આંસુની ધાર વહે, બીજી સવારે ગળું એકદમ ચોખ્ખું! નિગ્રહ કૃપા પણ કરી પ્રભુએ, અનુગ્રહ કૃપા પણ કરી.

હરિભદ્રસૂરિ મહારાજે સીધો જ દંડો ઉગામ્યો, નિગ્રહ કૃપા. બહુ જ પ્યારો શ્લોક હતો, યોગબિંદુ વાંચ્યું છે…? એના જે શ્લોકે મારા અહંકારના ચૂરેચૂરા કર્યા, આજે આશીર્વાદ આપું કે એ શ્લોક તમારા બધાના અહંકારના ચૂરેચૂરા કરી નાંખે. એ શ્લોક હતો: વિદુષામ્ શાસ્ત્રસંસાર સદ્વ્યોગ રહિતાત્માનામ્” યોગનું ચક્ષુ તમારું ખુલ્યું નથી તો તમારા માટે શાસ્ત્રોનો પણ સંસાર છે. ચોંકી ગયો. સામાન્ય વ્યક્તિઓ પાસે પદાર્થોનો, સંપત્તિનો સંસાર છે, જે વિદ્વાન પાસે યોગનું નેત્ર ખુલ્યું નથી, એના માટે શાસ્ત્રોનો પણ સંસાર છે.

સંસાર એટલે સંસાર. જે પરિભ્રમણ જ કરાવે. મને થયું બરોબર મારા અહંકારના કેન્દ્ર ઉપર આ લાકડી લાગી છે. ભણતો, શાસ્ત્રો વાંચતો, અહંકારને પુષ્ટ કરતો. હરીભદ્રસૂરિ મહારાજે કહ્યું; કે તારી પાસે શાસ્ત્રો નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી, શાસ્ત્રોનો સંસાર છે. આનંદઘનજી ભગવંતે કહ્યું, “ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધી ની નાઠી” ગુરુની એક શબ્દ લાકડી પડે, અને આપણા વિભાવની ધૂળ ખંખેરાઈ જાય. એ જ ક્ષણે ગુરુની કરુણાનો અનુભવ થયો, અહંકારની રજ ધીરે ધીરે ધીરે ખરવા લાગી.

પછી ગુરુદેવે મને કહ્યું કે હરિભદ્રસૂરિ મહારાજ તારા ગ્રંથ ગુરુ છે, આપણે ત્યાં એક મજાની પરંપરા છે. એક જીવંત ગુરુ, એક ગ્રંથ ગુરુ. ક્યારેક જીવંત ગુરુને લાગે કે હું એના ઉપર કામ નથી કરી શકતો, ત્યારે એ આપણને ગ્રંથ ગુરુ આપે છે કે તારા ગ્રંથ ગુરુ આ છે એમની આજ્ઞામાં તારે રહેવાનું છે. ગુરુદેવે મને કહ્યું; હરિભદ્રસૂરિ મહારાજ તારા ગ્રંથ ગુરુ છે. શું એ ગુરુની કરુણા! એ ગુરુદેવના વચન પછી વર્ષો સુધી, દાયકા સુધી, હરિભદ્રસૂરિ મહારાજના વચનોને લઈને પ્રભુની સાધના પદ્ધતિના હાર્દમાં જવાનું થયું.

સાધુ – સાધ્વીજીઓની વાચનામાં હું વારંવાર કહેતો હોઉં છું કે હરિભદ્રસૂરિ મ.સા ને તમે ઊંડાણથી ન વાંચો ત્યાં સુધી પ્રભુની સાધનાનું હાર્દ તમે નહિ પકડી શકો. તમને એક sample આપું, હરિભદ્રસૂરિ મ.સા એક સૂત્ર આપે છે, “ધર્મશ્ચિત્તપ્રભવ:” ધર્મની ગંગાનું ગંગોત્રી point કયું? તમે વારાણસી પાસે ગંગાને જુઓ, ગંગાના વિશાળ પટને જુઓ, પણ એ ગંગાનું મૂળ point ઉદગમ બિંદુ, ગંગોત્રી point ક્યાં? તો કહે કે હિમાલયમાં. એમ હરિભદ્રસૂરિ મ.સા કહે છે ધર્મનું ઉદગમબિંદુ કયું, પ્રારબ્ધ બિંદુ કયું? બહુ પ્યારું સૂત્ર આપ્યું “ધર્મશ્ચિત્તપ્રભવ:” ધર્મનું પ્રારંભ બિંદુ ચિત્ત છે, મન છે. શરીર પર તો એ ગંગા પાછળથી લહેરાય. પણ ગંગોત્રી જ ન હોય તો ગંગા ક્યાંથી આવે! ધર્મ, સાધના એનું ઉદગમ બિંદુ કયું…? મન, ચિત્ત.

તો શરીરના સ્તર પર જયણા છે. અમારી પાસે રજોહરણ છે, બેસતાં – ઉઠતાં રજોહરણ દ્વારા અમે કાયાને, આસનને પુંજીશું. તમે પૌષધમાં છો, ચરવળા દ્વારા એ જ રીતે પૂંજના – પ્રમાર્જના કરશો. જયણા શરીરના સ્તર પર આવી, પણ એ ગંગા છે, ગંગોત્રી point કયું? હૃદયમાં રહેલી કોમળતા. હૃદયમાં કોમળતા નથી, અને બહાર જયણા છે તો એનો કોઈ અર્થ નથી.

અભવિનો આત્મા બહારથી જયણા કેવી પાળે..? મારા કરતાં વધારે સારી. એની પૂંજના અને પ્રમાર્જના તમને કેવી દેખાય? મારા કરતાં વધારે સરસ દેખાય. પણ એ ગંગા છે બહારથી દેખાતી.. ગંગોત્રી point છે બીજું. આ વાત તમારે બરોબર સમજવી છે. કોઈ પણ સાધના એનું ગંગોત્રી point, પ્રારંભ બિંદુ માત્ર અને માત્ર તમારું મન છે. મન જ્યાં સુધી શુદ્ધ ન બને, ત્યાં સુધી કાયાની સ્તરની શુદ્ધિનો કોઈ અર્થ નથી. અને પછી કહ્યું, કે “ધર્મશ્ચિત્તપ્રભવ:” ચિત્તમાં ધર્મ ઉગે, પણ એ ધર્મ આવે ચિત્તમાં ત્યારે ચિત્તની પરિસ્થિતિ કેવી હોય? ત્યારે એમણે બીજું સૂત્ર આપ્યું; “પુષ્ટિશુદ્ધિમચિત્તં ધર્મ:” એ ચિત્ત જે ધર્મથી વાસિત થયું છે, પ્રભુની સાધનાથી યુક્ત છે, એમાં બે વસ્તુ આવશે. દોષોની મુક્તિ હશે, ગુણોની પુષ્ટિ હશે. હવે તમે તમારી જાતે પણ તમારી સાધનાને check કરી શકો કે આટલા વર્ષોથી તમે સાધના કરો છો, તો એ તમારી સાધના કરતાં કરતાં કયા દોષો તમારા ઓછા થયા, અને કયા ગુણો તમને મળ્યા. કોમર્શીયલ લાઈન તો છે જ ને… loss અને profit એ તો જોવાની જ છે. હું તમને પૂછું આટલા વર્ષોથી સાધના કરો છો, what’s your achievement? what’s your achievement? પ્રાપ્તિ શું થઇ? કેટલું મળ્યું તમને?

હું આબુ દેલવાડામાં હતો, પ્રભુની ભક્તિ માટે રહેલો, એ વખતે મને સમાચાર મળ્યા કે માઉન્ટ આબુમાં એક બંગલામાં એક સાધક છે, એકાંતમાં અને સંપૂર્ણ મૌનમાં રહે છે. નાનપણથી સાધકો જ્યાં પણ મળે ત્યાં એમના સત્સંગની ઈચ્છા રહેતી, આ ખ્યાલ આવ્યો તરત જ વિચાર્યું કે મારે એ સાધકનો સત્સંગ કરવો જોઈએ. સવારે દેલવાડામાં દર્શન કરી અને નવકારશી કરી અને અમે લોકો નીકળ્યા માઉન્ટ આબુ જવા, ૩ એક કિલોમીટર થાય, એટલી તૈયારી સાથે ગયેલા, પાણીનો ઘડો લઈને કે સાંજ સુધી કદાચ એ ન મળે, તો સાંજ સુધી ત્યાં રોકાવું પણ એમને મળીને આવવું.

માઉન્ટમાં ગયા, બંગલો પણ શોધી કાઢ્યો, બંગલાનો વોચમેન એને પૂછ્યું કે સાધકને અમારે મળવું છે. તો એણે કહ્યું; એ સાધક પેલા રૂમમાં રહે છે અને રૂમનું બારણું અંદરથી બંધ હોય છે. એ કોઈને મળતાં નથી પણ તમે સાધક તરીકે આવ્યા હોવ, તો એમને મળવામાં કોઈ વાંધો પણ નથી. તમે એક કામ કરી શકો – તમારું નામ, તમે શેના માટે મળવા માંગો છો, એની સ્લીપ બનાવો, એ સ્લીપ આપણે બારણા નીચેથી સરકાવીએ, એ સંત જો ધ્યાનમાં નહિ હોય અને ચિટ્ઠી વાંચશે તો દ્વાર ખોલશે. બાકી મને ખ્યાલ છે, વોચમેને કહ્યું કે માત્ર સવાર – સાંજ એક – એક લીટર દૂધ એ લે છે. સવારે ૮ વાગે હું એમને દૂધ આપવા માટે જાઉં… ઘણીવાર એવું બને દરવાજા બંધ હોય, ૧૨ વાગે, ૨ વાગે, ૪ વાગ્યા સુધી દરવાજા બંધ જ હોય, એ ધ્યાનમાં હોય, દૂધ મારા લોટામાં જ રહી જ જાય. એ ધ્યાનમાં રહી જાય. એટલે એ ધ્યાનમાં હશે તો હું કહી શકતો નથી કે કેટલા કલાકે એ દરવાજો ખોલે, પણ એ ધ્યાનમાં નહિ હોય તો તરત દરવાજો ખોલશે.

અમે સ્લીપ નાંખી કે અમે શ્વેતાંબર જૈન મુનિઓ છીએ, અને અમારે માત્ર સાધનાકીય વાતો કરવી છે, કોઈ વાદ – વિવાદ, કોઈ ચર્ચા કરવાની નથી. અમારું સદ્ભાગ્ય કે એ ધ્યાનમાં નહોતા, સ્લીપ વાંચી તરત દ્વાર ખોલ્યો. અમે બધા અંદર ગયા, ફરી દ્વાર બંધ થઇ ગયું. અમારે પૂછવાનું હતું, એ તો મૌનમાં હતા, એટલે નોટમાં લખીને આપતાં જવાબ. મારે એમની સાધનાને બરોબર રીતે જાણવી હતી. ઘણા બધા પ્રશ્નો કર્યા, અને બહુ જ નિખાલસતાથી એમને જવાબ આપ્યો. છેલ્લે મેં આ સવાલ પૂછ્યો; what’s your achievement? પ્રાપ્તિ આપકો ક્યાં હુઈ? આત્માનુભૂતિ હો ગઈ? કેટલી નિખાલસતા એ સાધકની એમને લખીને આપ્યું કે ‘અભિ તક કુછ ભી પ્રાપ્ત નહિ હુઆ હૈ’ વર્ષોથી જે સાધક એકાંતમાં રહે છે, મૌનમાં રહે છે, એ મને લખીને આપે છે, “અભિ તક કુછ ભી પ્રાપ્ત નહિ હુઆ હૈ લેકિન મુઝે લગતા હૈ કી મેં ઉપલબ્ધિકી કગાર પર હું, મેં પ્રાપ્તિ કી નજદીક હું, ઓર જબ ભી પ્રાપ્તિ હો જાયેગી, દ્વાર ખુલ જાયેંગે, મેં બહાર આ જાઉંગા” અને પછી મેં સાંભળ્યું કે બે એક વર્ષ પછી એ બહાર આવી ગયા, એમને ઉપલબ્ધિ થઇ ગયેલી.

તો ઉપલબ્ધિ પ્રાપ્તિ એમને એમ થતી નથી. આ સાધકને આટલી મથામણ કરવી પડી, તો મારો તમને પણ આ જ પ્રશ્ન છે, what’s your achievement? આટલા વર્ષોની સાધના પછી શું મળ્યું? તો એના માટે આપણે હરિભદ્રસૂરિ મહારાજને બરોબર પકડીએ. કે “પુષ્ટિશુદ્ધિમચિત્તં ધર્મ:” કેટલા મેં માસક્ષમણ કર્યા, એ પ્રાપ્તિ ખરી, પણ એ માસક્ષમણમાં અભ્યંતર તપ તરફ જવાયું હોય તો…. ઉપાધ્યાય યશોવિજય મહારાજે જ્ઞાનસારમાં સ્પષ્ટ કહ્યું “बाह्यं तदुपबृंहकम्” બાહ્ય તપ એ અભ્યંતર તપનો ઉદ્દીપક છે.

તો મારે તમને પૂછવું છે, કે તમારી સાધના કયા મુકામ સુધી પહોંચી છે? મારે તમને આગળ લઇ જવા છે. તમે તળેટીએ હોય તો પણ મને વાંધો નથી. કારણ કે મેં પહેલા કહેલું ગુરુની એક ફેરી ની સર્વિસ ચાલે છે, તળેટીએ આવવાનું, ૨ – ૪ જણાને આંગળીએ વળગાળીને ઉપર લઇ જવાના, એ ૨ -૪ જણાને તો ઉપર મુકવાના પણ ગુરુને ઉપર રહેવાનું મળતું નથી. પભુ કહી દે ભાઈ! તું નીચે ઉતર પાછો, બીજા  ૨ – ૪ ને લઈને પાછો આવ. એટલે સદ્ગુરુની સર્વિસ ફેરી સર્વિસ ચાલુ જ છે. મને એટલું જ કહો કે where are you? તમે ક્યાં છો? તમારી સાધના અત્યારે ક્યાં આવીને ઉભી છે. તળેટીએ તમે હોવ તો પણ નસીબદાર. રાગ અને દ્વેષમાં જ આપણું મન ગરકાવ હોય, તો આપણે ખીણમાં છીએ એમ કહેવાય. વૈરાગ્ય અને ક્ષમાની તીવ્ર અનુભૂતિ કરતાં હોઈએ તો આપણે શિખર ઉપર છીએ એમ મનાય. અને રાગ – દ્વેષની અનુભૂતિ શિથિલ બની છે તો આપણે તળેટીએ આવ્યા છીએ એમ કહેવાઈએ. બરોબર…

તો તમે ક્યાં? એ તમે જોઈ લો, અને કોઈ ચિંતા કરતાં નહિ, ચિંતા કોઈ કરતાં નહિ. ખીણમાં કોઈ હોય તો અમે ખીણમાં ઉતરશું તમારા માટે.. અમે તૈયાર… માત્ર એટલું જ પૂછવું છે… are you ready? તમે તૈયાર ખરા…

તો અનંત જન્મોથી સદ્ગુરુ ચેતનાએ આપણા પર અપાર કરુણા વરસાવી છે. એક જ સવાલ આજની વાચનાનો છે કે એ ગુરુ ચેતનાની કરુણાનો સ્પર્શ તમને થાય છે? કેટકેટલા ગુરુઓએ તમને ઉચકવા માટે કેટલી મહેનત કરી હશે, કેટલી… એમણે પોતાની સાધનાને બાજુમાં મુકીને તમારા માટે કામ કર્યું. એક સદ્ગુરુને ધ્યાનમાંથી કે ઊંડી સાધનામાંથી બહાર આવવું પાલવતું નથી. પણ છતાં કરુણાને વશ અને પ્રભુની આજ્ઞાને વશ સદ્ગુરુઓ બહાર આવે છે, તમારા સુધી એમની કરુણાને લંબાવે છે. તો એ સદ્ગુરુની કરુણાનો સ્પર્શ તમને જલ્દી જલ્દી થઇ જાય એવા આશિષ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *