વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : आणाए धम्मो
surrender ની સામે care. જેટલું તમારું સમર્પણ, એટલી જ પ્રભુની care વધુ. તમને થશે કે શું પ્રભુ ભેદભાવ કરે?! સમર્પિત થાય એને બધું આપે; અસમર્પિત કે ઓછો સમર્પિત હોય, એને ન આપે કે ઓછુ આપે?!
ના. પ્રભુની બાજુ કોઈ જ ભેદભાવ નથી. અને એવી એક ક્ષણ કે એવો એક ક્ષણાર્ધ નથી કે જ્યારે પ્રભુની કૃપા ન વરસતી હોય. પરંતુ તમે જ્યાં સુધી પૂરેપૂરા સમર્પિત થતા નથી, ત્યાં સુધી પ્રભુની એ કૃપાને ઝીલી શકતા નથી.
સમર્પણ માટેનું practical સૂત્ર પ્રભુએ આપ્યું: आणाए धम्मो. આજ્ઞામાં જ ધર્મ. એક સૂત્ર આપીને અનંતા જન્મોની ઈચ્છાઓને પ્રભુએ છીનવી લીધી. ઈચ્છાઓ છીનવાઈ ગઈ; ભેગો અહંકાર પણ છીનવાઈ ગયો. સમર્પણ આવી ગયું!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૧
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
આનંદઘનજી ભગવંતનું આપણને આમંત્રણ છે કે એકવાર તમે પણ પ્રભુના પરમ પ્રેમમાં ડૂબો. એક જાગૃતિ તમારી પાસે, પરભાવને અલવિદા કરી દો, પરમ પ્રેમમાં તમે ડૂબી જાવ.
અમને લોકોને જાગૃતિ આપવા માટે અને અમારી જાગૃતિ અખંડ રહે એના માટે પ્રભુએ જે personal care અમારી લીધી છે. એને વિચારતા આંખો છલછલાઈ આવે. કેટલી પ્રભુની કૃપા! પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહ્યું, “मुणिणो सया जागरंति”. એ સૂત્ર વાંચતા આંખોમાંથી આંસુની ધાર નીકળે. પ્રભુની અમારા પરની શ્રદ્ધા ત્યાં મુખરિત બની છે. પ્રભુ કહે છે, મારા મુનિઓ, મારી સાધ્વીજીઓ સતત જાગૃત હોય છે. “मुणिणो सया जागरंति” પ્રભુની અમારા પરની આ શ્રદ્ધા, આંખો જ નહિ, પૂરું અસ્તિત્વ ભીનું બની જાય. અને એમ લાગે અમને કે આ પ્રભુની શ્રદ્ધાનો વિચાર કરીએ અને એ શ્રદ્ધા શક્તિપાતના રૂપમાં ફેરવાઈ જાય અને પ્રભુ જે જાગૃતિ અમને આપવા માંગે છે. તે તત્ક્ષણ અમને મળી જાય.
કેવી પ્રભુની કરુણા! પ્રભુએ માત્ર theorical form માં જ સાધના નહિ આપી, એ સાધનાને practical form માં પણ આપી. ““मुणिणो सया जागरंति”. આ થયું સાધનાનું theorical form. સૈદ્ધાંતિક રૂપ. એ પછી આ સાધના અમારા અસ્તિત્વની અંદર ઉતરે, અમે એ સાધના ને આત્મસાત કરી શકીએ એના માટે પ્રયોગિક રૂપની સાધના પણ પ્રભુએ આપી.
એક સૂત્ર અમને આપ્યું પ્રભુએ; “आणाए धम्मो”. આજ્ઞામાં જ ધર્મ. એક સૂત્ર આપીને અનંતા જન્મોની અમારી ઈચ્છાઓને પ્રભુએ છીનવી લીધી. જે ઈચ્છાઓ અનંતા જન્મોથી અમને હેરાન અને પરેશાન કરતી હતી. એ ઈચ્છાઓને પ્રભુએ છીનવી લીધી. કારણ? ઈચ્છાઓના કેન્દ્રમાં હું હતું. મને આ ગમે, મને આ ફાવે, હું આ કરું, હું આ ના કરું. તમારી દરેક ઈચ્છાની પાછળ તમારું હું પડેલું છે. પ્રભુએ બધી જ ઈચ્છાઓ છીનવી લીધી અને ઈચ્છાઓ છીનવી લીધી એટલે હું પણ છીનવાઈ ગયો.
તમે ફરિયાદ કરશો કે સાહેબ પ્રભુ તમારી આટલી personal care લે તો અમારી કેમ નહિ? બરોબર ને? એના માટે એક સૂત્ર છે. surrender ની સામે care. જેટલું તમારું સમર્પણ એટલી જ પ્રભુની care વધુ. તમને થશે કે શું પ્રભુમાં કોઈ ભેદભાવ હોય છે? સમર્પિત થાય એને બધું આપે, અસમર્પિત હોય કે ઓછો સમર્પિત હોય એને ન આપે કે ઓછુ આપે તો પ્રભુને કોઈ ભેદભાવ હોય છે? ના. પ્રભુની બાજુ કોઈ જ ભેદભાવ નથી, પણ તમે જ્યાં સુધી સમર્પિત પુરેપુરા થતા નથી ત્યાં સુધી પ્રભુની એ કૃપાને તમે ઝીલી શકતા નથી. તમારી વાત ક્યાં કરું, મારી પણ વાત કરું.
અનંત તીર્થંકર ભગવંતોની કરુણા અગણિત સમયથી વહ્યા કરતી હતી. એવી એક ક્ષણ નહોતી. એવું એક ક્ષણાર્ધ નહોતું કે પ્રભુની કૃપા ન વરસતી હોય. હું પણ એ કૃપાધારાથી વંચિત રહેલો, નહિતર હું ક્યારનોય મોક્ષમાં પહોંચી ગયેલો હોત. મારી પાસે પણ સમર્પણ નહોતું અને એથી પ્રભુની એ અનરાધાર કૃપાને હું ઝીલી શક્યો નહોતો. આ જન્મમાં પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. પ્રભુ જે કાંઈ છે એ બધું તારું છે. અને પ્રભુની કૃપાને ક્ષણે ક્ષણે માણી રહ્યા છીએ. એટલે તો વારંવાર કહું છુ. અમારી ઈર્ષ્યા આવે છે કે નહિ? પ્રભુએ personal care લીધી. એવું એક સુરક્ષાચક્ર અમને આપ્યું કે એક સેકન્ડ માટે અમે વિભાવમાં ન જઈ શકીએ. પણ અમારા માટે પણ આ condition છે જ. અમે દ્રવ્યથી આ ચાદર ઓઢીને બેઠા હોઈએ. ભાવથી પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર અમારી પાસે ન હોય, તીવ્ર સમર્પણ અમારું પાસે ન હોય તો બની શકે કે અમને પણ પ્રભુનું સુરક્ષાચક્ર ન મળે.
આ વાત વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ કરી છે. વિતરાગ સ્તોત્રમાં બે statement આવ્યા. પહેલી નજરે પરસ્પર વિરોધી લાગે એવા statement છે. પહેલું statement આવ્યું: “भवत्प्रसादेनैवाहमियती प्रापितो भुवम्” પ્રભુ તારી કૃપાથી જ હું અહી સુધી આવ્યો છુ. મનુષ્યત્વ ની પગથાર સુધી, સાધનાની ધારા સુધી, ભક્તિના પ્રવાહ સુધી માત્ર અને માત્ર તારી કૃપાથી જ હું આવ્યો છુ. બીજું statement આવે છે. “रत्नत्रयं मे हियते”. પ્રભુ તારી કૃપા મળી, તારું શાસન મળ્યું, તારું શ્રામણ્ય પણ મળી ગયું. તારી ચાદર ઓઢી લીધી. અને છતાં રાગ અને દ્વેષ ના ચોરટાઓ ધોળે દિવસે મારી રત્નત્રયીનું અપહરણ કરી રહ્યા છે. એ વખતે કલિકાલ સર્વજ્ઞની આંખમાં આંસુ છે અને કહે છે કે પ્રભુ જે તારો વરદાયી હાથ નરક અને નિગોદમાંથી મને બહાર કાઢનારો હતો એ હાથ આજે ક્યાં અદ્રશ્ય થઈ ગયો? જે તારો હાથ નરક અને નિગોદમાંથી ઊંચકીને મને અહી સુધી લઇ આવ્યો, આજે ધોળા દિવસે મારી રત્નત્રયીનું અપહરણ રાગ અને દ્વેષ કરી રહ્યા છે ત્યારે તારો આ કૃપામય હાથ ક્યાં ગયો? આખા એ વિતરાગ સ્તોત્રમાં શબ્દની અંદર આનો જવાબ આપ્યો નથી. માત્ર અશબ્દમાં જવાબ છે.
હું ઘણીવાર સાધુ-સાધ્વીજીઓની વાચનાઓમાં કહું કે શાસ્ત્રોના શબ્દોને તો તમે ખોલી નાખશો પણ શબ્દ-શબ્દની વચ્ચે, પંક્તિ-પંક્તિ ની વચ્ચે જે અશબ્દ છે એને તમે ખોલી નહિ શકો. BETWEEN THE LINES, BETWEEN THE WORDS જે છે એને સદગુરુ ખોલી શકે છે. એટલે યોગશતકમાં એક સરસ વાત કરી તીર્થ શ્રવણ. અદ્ભુત્ત એ વાત છે. એમાં લખ્યું કે કોઈપણ સાધના ગ્રંથ કે ભક્તિ ગ્રંથ બે વાર- ચાર વાર તમે વાંચી લો. પણ તમે વાંચશો તો શબ્દોને ખોલશો. હરિભદ્રસૂરી જેવા દિગ્ગજ આચાર્યોને જે કહેવું છે એ ઝીલવાની તાકાત શબ્દોમાં ક્યાં છે? શબ્દો તો તમને એક ખેંચવાનું બહાનું છે. યાદ રાખજો કોઈ પણ મહાપુરુષને સાંભળવા માટે, પીવા માટે જાવ ત્યારે શબ્દો ઉપર બહુ નજર નહિ રાખતા. શબ્દો છુટી જાય તો વાંધો નથી. Between the lines, between the words જે છે તે મહાપુરુષોના ચહેરા ઉપર હશે. અને એ વખતે એમના ચહેરાને જોવાનું ભૂલતા નહિ.
એકવાર પાલીતાણામાં કલાપૂર્ણસૂરિની વાચના ચાલતી હતી. દાદાને કોકે પૂછ્યું કે દાદા! આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કરેલો છે, પ્રભુ ક્યાં છે? એ વખતે દાદાએ પોતાની કોમળ આંગળીઓ હવામાં ઝુલાવી અને કહ્યું, પ્રભુ! આ રહ્યા. પ્રભુ! આ રહ્યા. એ જ સાંજે મારી વાચના વાવપથકમાં હતી. મારી વાચનામાં મેં એ શ્રોતાઓને પૂછ્યું કે આપણે બધા સવારે સાહેબજીની વાચનામાં હતા. સાહેબજીને જયારે પૂછવામાં આવ્યું કે ગુરુદેવ! પ્રભુ ક્યાં છે? ત્યારે ગુરુદેવે હવામાં હાથ લંબાવેલો, કોમળ આંગળીઓ ને એમણે ફેલાવેલ. મેં સામે રહેલાં શ્રોતાઓને પૂછ્યું કે એ વખતે તમે શું જોતા હતા? જો તમે એ વખતે સાહેબજીની માત્ર આંગળીઓ જોતા હોત ને તો તમે ચુકી ગયેલા. એ વખતે સાહેબજીની આંગળી જોવાની ન હતી, સાહેબજીના ચહેરાને, સાહેબજીની આંખોને જોવાની હતી. અને એ આંખોની અંદર તમને પ્રભુ દેખાઈ જાત. સદ્ગુરુ ઈશારો આપતા હોય છે પણ એ ઇશારાને decode કેમ કરવો એ આપણે નક્કી કરવું પડે છે.
પૂનમની રાત હતી. રાત્રે બાર વાગે ગુરુ ઉઠ્યા ચાંદનીનો પ્રકાશ, અને એ કુદરતી પ્રકાશ સહજ રીતે અનાયાસ સદ્ગુરુની સાધના ઉંચકાવા લાગી. ઉપાશ્રય એકદમ નિર્જન જગ્યાએ. કોઈ અવાજ નહિ. રાતના બાર વાગેલા. નિરવ શાંતિ. અને ચંદ્રમાનો પ્રકાશ. ગુરુની સાધના ઉંચકાવા લાગી. પણ ગુરુને એક જ એકલ પેટા હોય નહિ, ગુરુએ શિષ્યને જગાડ્યો. શિષ્ય જાગ્યો. ગુરુએ ચંદ્ર તરફ આંગળીઓ લંબાવી એટલે શિષ્ય ગુરુની આંગળીઓ જોવા લાગ્યો કે સાહેબ તમારી આંગળીઓ બહુ ચમકે છે. ગુરુ કહે ડફોળ રાત્રે બાર વાગે મારી આંગળીઓ જોવા માટે તને બોલાવ્યો છે? મારી આંગળી જે દિશામાં તકાય છે એ દિશા સામું જો. ચંદ્ર ને જો. હું ઘણી વાર કહું છુ. કોઈ સદ્ગુરુ, એમની પાસે શબ્દોનું સંમોહન હોય, અને તમે એ શબ્દોના સંમોહનમાં રહી જાઓ તો એ સદ્ગુરુ ને નહિ ગમે. એ શબ્દો તો માત્ર ઈશારો છે. તમારે એ શબ્દો સામે તાકવાનું નથી. એ શબ્દો જે દિશામાં તકાઈ રહ્યા છે એ દિશા તરફ તાકવાનું છે. મારા શબ્દો તરફ નહિ, પ્રભુ તરફ તમારે જોવાનું છે.
તો પૂરા વિતરાગ સ્તોત્રમાં શબ્દોની અંદર આનો જવાબ નથી. અશબ્દની અંદર જવાબ છે. અને જવાબ એ છે કે બેટા! તું નરક અને નિગોદમાં હતો ત્યારે મેં તારી આંગળી પકડેલી અને હું તને ઊંચકીને લાવેલો પણ જયારે-જયારે સમજી લે તારું સમર્પણ ઓછુ થશે, ત્યારે મારી આંગળી છુટી જવાની છે. તારી સાધના પ્રત્યે તને self confidence થાય, હું સાધના કરું છુ અને એ અહંકાર તને આવ્યો સમજજે મારી આંગળી છુટી ગઈ. એટલે એક ક્ષણ પણ અહંકારમાં ન જઈએ, માત્ર સમર્પિતતાની ધારામાં રહીએ તો પ્રભુ સત્તાનો કોલ છે કે હું તારી આંગળી ને એક ક્ષણ માટે છોડીશ નહિ.
મેળાની અંદર માઁ અને દીકરો ગયેલા. માઁ એ કહેલું બેટા! મારી આંગળી પકડી લે. તું ક્યાંક છુટી જાય તો… દીકરો કહે છે નહિ માઁ તું મારી આંગળી પકડ. કેમ પણ, એમાં શું ફરક પડે છે? અરે, કોઈ સારી જગ્યાએ જોવાનું કંઈક હોય અને હું એમાં તલ્લીન બની જાઉં અને મારી આંગળી છુટી જાય તો? તો તું મારી આંગળી પકડીશ તો આંગળી છુટશે નહિ. પ્રભુને આજે કહી દઈએ મારી આંગળી તું પકડી રાખજે. તો પ્રભુ સામે પૂછશે તું મને સંપૂર્ણતયા સમર્પિત છે? Surrender ની સામે care.
તો પ્રભુને એવું નથી કે સમર્પિતની ઉપર જ કરુણાને વરસાવવી, પણ એ પ્રભુની કરુણા ને જે સમર્પિત છે એ ઝીલી શકે છે. વરસાદ તો વરસે પણ તમારી પાસે જે પાત્ર હોય એ પાત્રમાં તમે પાણી ઝીલી શકો. ગ્લાસ હોય તો ગ્લાસમાં, પીપ હોય તો પીપમાં. એમ પ્રભુની કૃપાને ઝીલવા માટેની પાત્રતા કઈ? આ સમર્પણ.
તો theorical form માં પ્રભુએ અમને કહ્યું “મુણિણો સયા જાગ્રન્તી”. મારા મુનિઓ, મારી સાધ્વીજીઓ સતત જાગૃત છે. વિભાવોથી પર છે. અને practical form માં પ્રભુએ આ કહ્યું કે ઈચ્છાઓ ને છીનવી લીધી, ઈચ્છાઓ છીનવાઈ ગઈ, અહંકાર ભેગો છીનવાઈ ગયો. એ પછી કેટલું-કેટલું પ્રભુ care કરે છે! પ્રભુ ચેતનાએ-ગુરુ ચેતનાને કહ્યું. કે હવે આના ઉપર સતત ધ્યાન રાખજો પાછા. આ અનંતા જન્મોની સંજ્ઞાવાળો માણસ છે. ક્યાંકથી પાછો ઈચ્છાનું પોટકું લઈને ન આવે.
એક વાત તમને કહું if we are totally CHOICELESS, We are ever fresh, ever green. સંપૂર્ણતયા આપણે ઈચ્છારહિત હોઈએ. Choicelessness અમારી પાસે આવી ગઈ. આનંદ જ આનંદ. અને તમારે શું કરવાનું? ઈચ્છાઓ ઓછી કરવાની. બરાબર. અમારે totally CHOICELESS રહેવાનું છે તમારે ઈચ્છાઓ બહુ ઓછી રાખવાની. સંસારમાં છો. સંસાર ચલાવવાનો છે. જે business તમે કરો છો. તે business નો તમારાં માટેનો યોગ્ય part તમે જોઈ લીધો. બીજા business તમારે જોવો પણ નથી. એટલે શાસ્ત્રોએ તમારા માટે બે શબ્દો આપ્યા. આવશ્યક પર અને અનાવશ્યક પર. શ્રાવકોએ પણ બિનજરૂરી પરમાં જવાનું નથી.
પેલો મુખ્યમંત્રી બન્યો ને પેલો આમ બન્યો ને પેલો આમ બન્યો. અને મહારાષ્ટ્રમાં મંત્રી હવે કોણ બનશે? અરે! તારે શું પંચાત! તને કોઈ મંત્રી બનાવવાનું નથી. બિનજરૂરી પર જે છે એના ઉપર ચોકડી લગાઈ દો અને જરૂરી પર જે છે એમાં પણ સાવધાની સાથે જાઓ. કે જેથી વધુ પડતા રાગ-દ્વેષ માં આપણે લિપ્ત ન થઈએ. તો કેટલી મજાની પરંપરા પ્રભુએ આપણને આપી છે. આપણે પ્રભુ પ્રત્યે ઓવારી જઈએ. આટલી મજાની પરંપરા!
નાનપણ માં દીક્ષા લીધી હોય ત્યારે હું rationalist હતો – બુદ્ધિવાદી. પણ પ્રભુએ એક તમાચ ઠોકી. ઈચ્છા, બુદ્ધિ, અહંકાર બધું ખરી પડ્યું. આજે હું traditionalist અને emotionalist. Rationalist હવે નથી. Traditionalist – સંપૂર્ણ પરંપરાવાદી. Emotionalist – સંપૂર્ણ સંવેદનશીલ.
રાજસ્થાનમાં સિરોહી જીલ્લામાં પાડીવમાં મારું ચોમાસું હતું. ત્યાં સાંવત્સરિક મહાપર્વના દિવસે એક ચડાવો બોલાયો કે આવતીકાલે દ્વાર ઉદ્ઘાટન છે. અને ચડાવો બોલો. ચડાવો બોલાઈ ગયો. હું પરંપરાવાદી માણસ. કોઈ પણ પરંપરા ચાલતી હોય એને સમજવાની કોશિશ કરવાની. ઉખાળવાનું પાપ ક્યારેય પણ કરવાનું નહિ. આ એક વાત બરાબર યાદ રાખજો. જે પણ પરંપરા હોય સદીઓથી ચાલી આવી છે એને સમજજો, એના ઊંડાણમાં જજો પણ ક્યારેય તમારી બુદ્ધિ એને ન સમજી શકે એટલે પરંપરા ને તોડવાનું પાપ નહિ કરતા. હું તો ચુસ્ત traditionalist હતો. મેં બપોરે અગ્રણી શ્રાવકને પૂછ્યું કે ગુજરાતની અંદર આવો ચડાવો નથી હોતો તમારે રાજસ્થાનમાં આ પરંપરા છે. કેટલા વરસથી છે? એ જાણકાર હતા. મને કહે સાહેબ ૬૦-૭૦ વરસના ચોપડા મળે છે ત્યાં સુધી તો આ ચડાવો લખાયેલો છે.
પછી મેં પૂછ્યું એનું કારણ કાંઈ સમજાય? મને કહે કે સાહેબ કારણ તો તમને ખબર પડે અમને ક્યાંથી ખબર પડે. મેં શોધી કાઢ્યું પછી. પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વારોદ્ઘાટન નો મહિમા, શા માટે મહિમા? પ્રતિષ્ઠા ના દિવસે હજારો લોકો પ્રભુના દર્શન માટે ગયેલા હોય છે. જે માણસ સામાન્ય રીતે જતો પણ ન હોય તે માણસ પણ પ્રતિષ્ઠા ના દિવસે તો જાય જ છે. અને હજારો લોકોએ પોતાનું શ્રદ્ધાસુમન પોતાના હૃદયની અત્યંત ભક્તિ અને શ્રદ્ધા પ્રભુના ચરણોમાં મૂકી હોય છે. પછી રાત્રે વિધિવત્ દેરાસર માંગલિક થાય. હવે આખી રાત એક પ્રક્રિયા ચાલે. કઈ પ્રક્રિયા? પ્રભુની body માંથી નીકળતી ઉર્જા અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા. તમારી શ્રદ્ધા જે ભાવાત્મક છે અને એ પણ પૌદ્ગલીક છે અને એથી કરીને એના તરંગો, તો બેઉ તરંગો જે છે એ અરસ-પરસ ગૂંથાઈ ગયા. પરમાત્મા દેહમાંથી જે અગણિત ઉર્જા નીકળી રહી છે અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા એ પણ ત્યાં ઘુમરાઈ રહી છે. સવારે દરવાજો ખોલાય. ઘણી વાતો છે ને વિધિકારક ને પણ ખ્યાલ નથી હોતો. વિધિકારક અમને પણ કહી દે. મહારાજ સાહેબ પહેલા નહિ જાય, કોઈ સંઘવાળા પહેલા નહિ જાય. પહેલા લાભ લીધો છે એ જ પરિવાર જશે. અને એ કાજો કાઢશે પછી બધા જશે. પણ એનું મૂળ કારણ એ છે કે લાભ લેનાર જે છે એ પરિવાર સૌથી પહેલા જાય એટલે એ જે પરમાણુઓ આખી રાત એકઠા થયેલા છે એ સીધા એને સ્પર્શવા માટે મળી જાય.
એટલે કોઈપણ પરંપરાના મૂળમાં ઉતારવાની કોશિશ કરજો, પણ ક્યારેય પણ કોઈપણ પરંપરાને તોડવાની કોશિશ કરતા નહિ. આપણી બુદ્ધિ નાનકડી અને આપણે શાસ્ત્રોની વાતો કરીએ!
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્પષ્ટ કહ્યું આઠ દ્રષ્ટિ ની સજ્જયમાં “શાસ્ત્ર ઘણા મતિ થોડલી શિસ્ત કહે તે પ્રમાણ”. શાસ્ત્રો ઘણા બધા છે. અને ક્યારેક તમને વિસંવાદ પણ લાગશે. અમુક અપેક્ષાએ આમાં કહેલું હોય, બીજી અપેક્ષા એ બીજા શાસ્ત્રમાં કહેલું હોય, તમને દેખીતી રીતે બે statement વિરોધી લાગે. પણ એ વખતે તમારે તમારી બુદ્ધિથી એ શાસ્ત્રોમાં જવાનું નથી. સદ્ગુરુઓ તમને જે કહે એને તમારે તહત્તિ કરી અને સ્વીકારવાનું છે. તમારી બુદ્ધિ અહીંયા કામ આવે? એ બુદ્ધિથી શું મળે બોલો? બુદ્ધિથી પૈસા મળે, બહારની કોઈ ચીજો મળે, બાકી અહીંયા તો શ્રદ્ધા સિવાય કાંઈ છે જ નહિ. બુદ્ધિની કિંમત અહીંયા છે જ નહિ. બુદ્ધિને બહાર મુકીને જ આવવાનું છે. મેધા હોય તો વાંધો નહિ જે શ્રદ્ધાની સાથે છે. શ્રદ્ધા સાથેની વિચારસરણી એ મેધા. અને અહંકાર સાથેની વિચારસરણી એ બુદ્ધિ. બુદ્ધિ નહિ. ઝેન આશ્રમમાં તો તકતી લગાવેલી હોય. no mind please. તમારી બુદ્ધિને લઈને આવતા નહિ.
એક રેલ્વેના કમ્પાર્ટમેન્ટ માં એક પ્રોફેસર જેવા માણસ બેઠેલાં. અને એક ગામડિયો આવ્યો. કમ્પાર્ટમેન્ટમાં બે જ જણા. Journey લાંબી હતી. તો ગામડિયો હોશિયાર હતો. એને પ્રોફેસર ને કહ્યું સાહેબ તમે લાગો છો તો પ્રોફેસર જેવા હો.. પ્રોફેસર છો? તો કહે હા. તો આપણે કંઇક ઉખાણાં-બુખાણા પૂછીએ, કંઇક વાતો કરીએ. ટાઇમ તો પાસ થાય કહે. તમારે ટાઇમ પાસ કરવો પડે કે આમ ટાઇમ ઓછો રહે, શું થાય? ટાઇમ પાસ કરવો પડે? આજનો માણસ જેટમાં ઉડે. ઝડપી ફ્લાઈટમાં. ત્યાં પહોચીને પછી કહે ટાઇમ બહુ વધ્યો છે શું કરું? ક્લબમાં જઈ આવું રમવા. તો આટલી ઝડપી તું ઉડ્યો શું કરવા પણ? મારા ગુરુદેવ હતા – દાદા ગુરુદેવ. રાત્રે ૯ વાગે કહીએ કે સાહેબજી હવે તો સંથારી જાઓ. તો કહે આટલી માળા હજુ મારે બાકી છે. એમને સમય જ ઓછો પડતો.
તો ગામડિયાએ કહ્યું સાહેબ આપણે ટાઇમ પાસ કરીએ. પ્રોફેસર કહે બરોબર. પછી કહે સાહેબ એવું કરીએ કંઇક હાર-જીત નો સોદો રાખીએ ને તો કંઇક મજા આવે એમ. પ્રોફેસર કહે બોલો. સાહેબ જુઓ તમે બહુ જ જ્ઞાની છો. મારા કરતા હજાર ઘણું જ્ઞાન તમારી પાસે હશે. પ્રોફેસર પણ અહંકારી તો હતો જ. એ તો હોય જ ને કહે છે. મનમાં કહે તારા જેવો ગામડિયો, રોંચો એનામાં વળી જ્ઞાન શું હોય? કહે એક કામ કરીએ તમે પૂછો અને મને ન આવડે મારે તમને ૧૦ રૂપિયા આપવાના. હું પુછુ અને તમને ન આવડે તમારે ૧૦૦ રૂપિયા આપવાના. પ્રોફેસરે એ કહ્યું ok.
પહેલો સવાલ આને પૂછ્યો, ગામડિયાએ. સાહેબ એક પંખી છે, એને 3 પગ છે, ૨ ચાંચ છે, વાદળી એની કલગી છે. આ પંખી કયું છે? તો બે પગવાળા પંખી તો ઘણા હોય. 3 પગ વાળું પંખી? અને ૨ ચાંચ? આપણે ત્યાં પક્ષી વિદોમાં dr. શાલીમ અને એનું નામ બહુ જ પ્રખ્યાત છે. એમનું bird encyclopedia બહુ જ પ્રસિદ્ધ છે. પ્રોફેસરને પક્ષી શાસ્ત્રનો રસ પણ હતો. એ શાલીમ અલીના bird encyclopedia ને કેટલીય વાર એમને ફેરવી નાખ્યું હતું. સચિત્ર encyclopedia. જેમાં દરેક પક્ષીનું ચિત્ર આપેલું હોય. આમ મેમરીને ફેંદી નાંખી. એકપણ પક્ષી એવું ન મળ્યું કે એના 3 પગ હોય. દસ મિનિટ થઈ. પ્રોફેસરે કહ્યું લે આ ૧૦૦ રૂપિયા. મને ખબર પડતી નથી. પેલાએ ફટ દઈ ૧૦૦ રૂપિયા ખીસામાં મૂકી દીધા.
સાહેબ પૂછો હવે તમે. પ્રોફેસર કહે બીજું કાંઈ નહિ આ પંખી કયું એ તું કહી દે… પેલો કહે સાહેબ મને આવડતું નથી લો આ ૧૦ રૂપિયા. પ્રોફેસર કહે હવે આની જોડે હાર-જીત નો ધંધો ન કરાય, ૯૦ રૂપિયા ઠોકી ગયો. બુદ્ધિથી સંપતિ મળે. બુદ્ધિથી પ્રભુ ન મળે. બુદ્ધિથી સદ્ગુરુ ન મળે. આ બધાને સદ્ગુરુ મળ્યા. કેમ મળ્યા? સમર્પણ હતું માટે મળ્યાં. અને સમર્પણ છે ત્યાં સુધી જ સદ્ગુરુ રહેવાના. Surrender ની સામે care. સૂત્ર બરાબર યાદ રાખજો. જ્યાં સદ્ગુરુના સમર્પણની છત્રીની બહાર તમે…. ત્યાં કોઈ કાળજી તમારી પછી નહિ. તમે વિભાવમાં પટકાઈ શકો છો.
અરણિક મુનિ વેશ્યાને ત્યાં કેમ પહોંચી ગયા? એ સદ્ગુરુનું surrender એમની પાસે ન રહ્યું. કેટલી ઊંડી વાત છે. અરણિક મુનિ કેટલા જ્ઞાની? કેટલા તપસ્વી? કેટલા ધ્યાની! તો એ ગુરુ ને સમર્પિત નહોતા, એ કંઈ રીતે કહેવાય? કેવી રીતે કહેવાય? એક જ વાત એમના મનમાં હતી કે સાધના નક્કી મારે કરવાની, સાધના કરવાની મારે ગુરુ તો ખાલી સાક્ષી છે. મારે છટ્ઠ કરવો છે, સાહેબજી છટ્ઠનું પચ્ચક્ખાણ આપી દો, મારે અઠ્ઠમ કરવો છે સાહેબ અઠ્ઠમ નું પચ્ચક્ખાણ આપી દો. નક્કી મારે કરવાનું, કરવાનું મારે, ખાલી પચ્ચક્ખાણ આપવાનું કામ ગુરુનું છે. એટલે સાધના જગતનો જે સાક્ષી હતો, એ કર્તા બની ગયો. અને સાધના જગતના કર્તા જે ગુરુ હતા, એને સાક્ષી બનાઈ નાંખ્યા. તમે ગુરુને સાક્ષી બનાઈ નાંખો સાધના જગતના? જે કર્તા છે. આ જ ભૂલ. એને સાધના પ્રત્યેનો self confidence આવી ગયો. આત્મવિશ્વાસ. હું જ સાધના કરું છુ. વેશ્યાને ત્યાં જવાનું એમના માટે વરદાનરૂપ બન્યું છે. વેશ્યાને ત્યાં ગયા અને જયારે પાછા આવે છે ત્યારે થયું કે મારી સાધના ઉપર મેં આત્મવિશ્વાસ રાખ્યો એના કારણે હું ચુકી ગયો. સદ્ગુરુના ચરણો વિના સાધના ક્યારેય પણ કલ્પી શકે નહિ.
આપણી ભાષામાં એક મજાનું સૂત્ર આવે છે. સુભાષિત છે. “દૂધ આહારી પર ઘર ચિત્ત. નાગા ચાહે લકડા લિપ્ત, મૌની ચાહે મિત્રકી આશ, બિન ગુરુ ગોદડી નહિ વિશ્વાસ.” હિંદુ પરંપરામાં કેટલાક સાધકો દુગ્ધાહારી હોય – માત્ર દૂધ પીવે. પણ સદ્ગુરુનું સમર્પણ એની પાસે નથી, તો સદગુરુની care પણ એની પાસે નથી. હવે એ માણસ એકદમ વિભાવમાં સરેલો હોય. પછી એ પંચાતમાં પડેલો હોય કેમ ભાઈ પેલા પટેલના ત્યાંથી કેટલું દૂધ લાવ્યું, કેટલા લીટર આવ્યું? કારણ કે આખો દિવસ દૂધ પીવાનું છે. પેલા કાનજી પટેલને ત્યાંથી કેટલું દૂધ આવ્યું આજે? અડધો લીટર કે પોણો લીટર? દૂધ આહારી પર ઘર ચિત્ત. એનું ચિત્ત બીજાના ઘરમાં જ હોય.
નાગા ચાહે લકડા લિપ્ત. પંચાગ્નિ તપાવી અને જે સાધના કરતો હોય એને લાકડા સતત જોઈએ. ૨૪ કલાક એની અગ્નિ ચાલુ રહેવી જોઈએ. હકીકત આખી ઉંધી છે. બહારની અગ્નિ પેટાવવાની નથી; ભીતરની અગ્નિ પેટાવવાની છે. તમારી ભીતર જળ તત્વ પણ છે, ભીતર અગ્નિ તત્વ પણ છે, એનું પ્રગટીકરણ કરવાનું હોય છે. અત્યારે એવા યોગીઓ છે કે ભયંકર ઠંડીમાં, હિમાલયમાં એકપણ ચાદર ઓઢ્યા વગર રહી શકે. કેમ? એ લોકો અગ્નિ બીજની ઉપાસના કરે. અંદર એટલી ગરમી હોય કે બહારની ઠંડી લાગે જ નહિ. ઉનાળાની ભયંકર ગરમીની અંદર જળબીજની ઉપાસના કરે છે અંદર ઠંડક જ ઠંડક. તો પેલો બહાર ૨૪ કલાક આગને પેટાવીને રાખે છે. એટલે હવે શું થાય? નાગા ચાહે લકડા લિપ્ત. એ જોવે લાકડાં કેટલા બાકી રહ્યા હવે? હજુ આગ કેમ ચાલુ રાખું… એટલે એની નજર લાકડામાં જ હોય.
મૌની ચાહે મિત્રકી આશ. એક મૌન વાળો છે. હકીકતમાં છે ને શબ્દોનું મૌન એ તો initial સ્ટેજનું મૌન છે, જે શબ્દોનું મૌન વિચારોના મૌનમાં પલટાઈ ન શકે એ શબ્દોનું મૌન બીજાના માટે કાર્યકર ખરું તમારાં માટે નહી. સમજ્યા? એ શબ્દોનું મૌન તમે કરેલું હોય. કડવા શબ્દો તમે ન બોલો; બીજો રાજી થાય. બીજાનું કલ્યાણ થઈ જાય. પણ તમારાં મનમાં વિચારોના ઘોડાપૂર એવા ને એવા જ ચાલતા હોય. તો અહીંયા તાળું લગાવેલું હોય અને અહિયાં ઘોડાપૂર ચાલતું હોય. શબ્દોનું મૌન સાચું ત્યારે જયારે વિચારોના મૌનમાં પલટે. પણ આને તો ગુરુ સમર્પણ નથી. એમને એમ કરી નાંખે છે સાધના. મૌન રહેવું. તો હવે શું થાય? મૌની ચાહે મિત્રકી આશ. એને તો બોલવાનું નથી. પણ શબ્દો વિના એને ચાલતું નથી. કોઈ આવે ને વાતોડિયો અને વાતો કરે તો સાંભળું તો ખરો હું. અને છેલ્લું ચરણ બહુ મહત્વનું આવ્યું. બિન ગુરુ ગોદડી નહિ વિશ્વાસ. હિંદુ પરંપરામાં ગુરુની ગાદી કહેવાય – ગોદડી. ગુરુ ન હોય પણ ગુરુનું આસન હોય ને તો પણ એટલું જ મહત્વનું હોય છે. આપણે ત્યાં જુના ઉપાશ્રયોમાં ગોડજીઓની ગાદી રહેતી અને એ ઉપાશ્રયો પણ બહુ જ પવિત્ર વાયુમંડળવાળા રહેતા.
એકવાર હું વણોદ ગયેલો. વણોદ ગયો એ પહેલા મને આનંદ હતો. કારણ કે ઈતિહાસને હું જાણતો હતો. ૧૧૦૦ વર્ષ પહેલા શીલગુણસૂરિ નામના આચાર્ય થયા અને એ વણોદમાં રહેતા હતા. તો મને થયું કે એ જે ઉપાશ્રયમાં રહેતા હતા એ ઉપાશ્રય જો અકબંધ હોય, તો મને જલસો પડી જાય. એ ઉપાશ્રય માં બેસી અને હું ધ્યાન કરું. વણોદ ગયા. નવો ઉપાશ્રયમાં ઉતર્યા પણ ખરા. દર્શન કર્યા, નવકારશી કરી. પછી મેં પૂછ્યું કે શીલગુણસૂરિ વાળો ઉપાશ્રય કયો? સાહેબ પેલો, દેરાસરની બાજુમાં. હું ત્યાં ગયો. પણ આંખો રિનોવેટ કરી નાંખેલો. નવો બનાવી નાંખેલો. હું નિરાશ થઈ ગયો. એક મકાન તમે તોડી નાંખો છો ત્યારે તમે માત્ર મકાન તોડતા નથી એમાં રહેલાં પરમાણુઓને નષ્ટ કરી નાંખો છો.
હું એક ગામમાં ગયેલો. ભોંયરામાં દેરાસર. હું અંદર ગયો. એટલાં સરસ પરમાણુઓ. હું તો નવકારશી કરીને ફરી બે કલાક માટે દેરાસર ગયો. બપોરે સંઘના અગ્રણીઓ મારી પાસે આવ્યા અને એમણે કહ્યું કે સાહેબ! આ ભોંયરું જુનું થઈ ગયું છે એને તોડી નાંખવું છે અને નવું મંદિર અમારે બનાવવું છે. આપનું માર્ગદર્શન. મેં કીધું જો મારું માર્ગદર્શન પૂછતા હોવ તો આ ભોંયરું કોઈ સંયોગોમાં તોડી ન શકાય. મેં કીધું તમારે ત્યાં બાજુનો પ્લોટ મળી શકે એમ છે. તેણે ખરીદી લો. નવું મંદિર બનાવવું છે ત્યાં બનાવી લો પણ આ ભોંયરાનું મંદિર એ તો એવું ને એવું અને એવું જ રહેવું જોઈએ. મેં કીધું જો આ ભોંયરું તોડશો, બહુ મોટું પાપ કરશો. મેં કીધું કેટલા વરસનું આ ભોંયરું. મને કહે ૪૦૦ વરસનું છે એવું તો અમારા વડવાઓ કહેતા. મેં કીધું ૪૦૦ વરસથી પ્રભુના દેહમાંથી નીકળેલી ઉર્જા એ ભોંયરામાં ઘુમરાયેલી છે કેટલાયે મહાન પુરુષો આવેલા એમની શ્રદ્ધાની ઉર્જા એ ભોંયરામાં રહેલી છે તમે બધાને તોડી નાંખશો મેં કીધું…. એ કેમ ચાલે.? મેં કીધું મારું માનો તો તમે બાજુનો પ્લોટ ખરીદો ત્યાં નવું દેરાસર બનાવો. આ દેરાસરને એમને એમ મૂકી રાખો.
આપણે ત્યાં ટ્રસ્ટીઓ ને પણ ખ્યાલ નથી હોતો. ન પણ હોય. ખ્યાલ ન હોય એનો વાંધો નથી પણ કમસેકમ ટ્રસ્ટીઓએ પૂછવું જોઈએ. તમે નવું દેરાસર બનાવવાના હોવ. માત્ર તમે સોમપુરા પાસે જશો. સોમપુરા ને તો એ જ રસ છે કે વધારેમાં વધારે આરસ કેમ વપરાય? વધારે ઘનફૂટ કેમ વપરાય? એનું કમીશન મને વધારે મળે. અમારી પાસે આવશો તો અમે તમને બરોબર proper advice આપશું.
એક જગ્યાએ દેરાસરનો પ્લાન લઈને આવ્યા મારી પાસે. જમીન ઉપરનું દેરાસર. અને બારીઓને બારણા એટલાં ખડકી નાંખેલા, ઘર જેટલો પ્રકાશ. મેં કીધું આટલો પ્રકાશ દેરાસરમાં હોય! ૧૦૦ વરસ પહેલાનું એક દેરાસર મને બતાવો જ્યાં બારી હોય. દાદા શત્રુંજયની પાસે જાઓ. ઋષભદેવ દાદાનો ગૂઢ મંડપ અંધારું કેટલું, ગભારામાં કેટલું અંધારું. મેં કીધું આ મંદિર બનાવો છો કે ઘર બનાવો છો તમે? આટલો પ્રકાશ? મેં કીધું ન ચાલે. પછી મેં કીધું તમારી પાસે આટલી જગ્યા છે ભોંયરું તો એક બનાવો. ૫ કરોડના ખર્ચે તમારાં માટે ભલે મંદિર બનાવો. કેટલાક સાધકો માટે ૫૦ લાખનો ખર્ચ વધારે કરો. એક ભોંયરું બનાવો. જ્યાં બિલકુલ અંધારું હોય. એક ભગવાનની મૂર્તિ માત્ર હોય ત્યાં એ લોકો સાધના કરે. ધ્યાન કરે. પરંપરાઓને સમજીશું. તો જ આપણે આગળ વધીશું.