વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સુહગુરુજોગો
સદ્ગુરુની ઈચ્છા શિષ્યને બિલકુલ અપેક્ષામુક્ત બનાવવાની છે. જ્યાં અપેક્ષા, ત્યાં અહંકાર. ઘણીવાર તમને અપેક્ષા સારી લાગતી હોય, જેમ કે ગુરુની સેવાની ઈચ્છા છે – પણ તમે ઊંડાણમાં જુઓ ત્યારે ખબર પડે કે એ અપેક્ષાની પાછળ, એ ઈચ્છાની પાછળ તમારો અહંકાર જ બેઠેલો હોય છે.
રાગ અને દ્વેષથી ખરડાયેલું, અહંકારથી લિપ્ત થયેલું તમારું હું તમારે આપવાનું અને સદ્ગુરુ સામે તમને પ્રભુ આપી દે. બસ આ એક જ ડગ આપણે પરમપ્રિયની દિશામાં ભરીએ, એના માટે ગુરુચેતના અગણિત જન્મોથી આપણા પર કામ કરી રહી છે. ગુરુચેતનાને હજી કેટલી રાહ જોવડાવવાની છે?!
જયવીયરાય સૂત્રમાં તમે સુહગુરુજોગો માંગો છો. સદ્ગુરુ માંગતા નથી; સદ્ગુરુયોગ માંગો છો. પ્રભુ મને સદ્ગુરુ આપી દે – એવી તમારી પ્રાર્થના નથી. પ્રભુ સદ્ગુરુના ચરણોમાં મને ઝૂકાવી દે, એ સદ્ગુરુ જોડે મારો ભાવાત્મક સંબંધ તું સ્થાપી દે – આવી પ્રાર્થના છે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૨
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પરમાત્મા પ્રત્યેનો પરમપ્રેમ. એ પરમપ્રેમની યાત્રામાં એક જ ડગલું આપણે ચાલવાનું છે, તો પછી શું થાય? એક જ ડગલું આપણે ભરીએ, જલ્દી પૂરું.. કંઈ રીતે…?
ભગવદ્દગીતામાં બે પરસ્પર વિરોધી લાગે એવા statements છે. એક જગ્યાએ શ્રી કૃષ્ણ કહે છે, ‘उद्धरेत् आत्मना आत्मानं’ તારી જાતે જ તારે તારો ઉદ્ધાર કરવાનો છે. બીજી જગ્યાએ શ્રીકૃષ્ણએ કહ્યું, ‘तेषामहं समुद्धर्ता’ હું તમને બધાને પેલે પાર લઇ જનારો છું. એક બાજુ કહ્યું, ભાઈ! તારે તારી જાતે બહાર નીકળવાનું છે. બીજી બાજુ કહે છે, હું જ તને પેલે પાર લઇ જઈશ.
વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ મજાનો નિષ્કર્ષ આપણને આપ્યો. વિનોબાજી કહે છે, उद्धरेत् आत्मना आत्मानं એ સૂત્રનો અર્થ એવો કરવો છે… કે એક ડગલું પરમપ્રિયની દિશામાં આપણે ભરવું છે. એક ડગ તમે એની દિશામાં ભરો, એ સામે આવશે તમને બાહોમાં સમાવી લેશે. એક જ ડગ આપણે ભરવાનું છે, પરમપ્રિય સામેથી આવશે, આપણને બાહોમાં સમાવી લેશે. અને એ આપણને ઉચકીને journey પુરી કરશે.
આ જ લયમાં હું વારંવાર કહું છું, ૯૯%grass, ૧%effort. એક પ્રતિશત તમારો પ્રયત્ન, પ્રભુ તૈયાર.. શું કરવાનું છે તમારે… ‘હું’ આપી દો પ્રભુને… તમને ખ્યાલ છે, આપણને એક ડગ ભરાવવા માટે ગુરુ ચેતનાએ અગણિત જન્મોની અંદર કેટકેટલો પરિશ્રમ કર્યો છે! ગુરુ ચેતનાને ખ્યાલ હતો કે એક જ ડગ આને ભરવાનો છે. પછી તો પ્રભુ આવી જવાના છે. એક ડગ આપણે પરમપ્રિયની દિશામાં ભરીએ એના માટે ગુરુ ચેતના અગણિત જન્મોથી આપણા પર કામ કરી રહી છે. એટલે જ ઘણીવાર હું કહું છું કે ગુરુ ચેતનાને કેટલી રાહ જોવડાવાની છે? કેટલીવાર….! અગણિત જન્મોથી ગુરુ ચેતના તમારી રાહ જોઈ રહી છે, એક ડગ આ ભરીને બસ એની journey પુરી થઇ ગઈ.
અને મેં પહેલા તમને કહેલું, પરમ ચેતના પરમસક્રિય અને ગુરુ ચેતના પરમનિષ્ક્રિય. સદ્ગુરુએ, કોઈ પણ સદ્ગુરુએ પોતાની ઇચ્છાથી કશું જ કરવાનું નથી. We have not to do anything absolutely. અમારે તો એ જ કરવાનું છે જે અમારા પ્રભુ કહે છે. પ્રભુએ ગુરુ ચેતનાને કહ્યું છે, એક ડગ આની પાસે તું ભરાવી દે, એની journey પુરી થઇ જાય. ગુરુ ચેતના પ્રભુ ચેતનાના એ સંદેશને અનુસરીને આપણી પાછળ લાગી જાય છે. એકમાત્ર તમારે તમારું ‘હું’ આપવાનું, સદ્ગુરુ તમને પ્રભુ આપવા તૈયાર… બોલો, તૈયાર હવે? તમારે તમારું ગંદુ ‘હું’ આપી દેવાનું… રાગ અને દ્વેષથી ખરડાયેલું, અહંકારથી લિપ્ત થયેલું, તમારું ‘હું’ તમારે આપવાનું છે, સદ્ગુરુ સામે તમને પ્રભુ આપી દેશે. કચરો આપવાનો; સોનું મેળવવાનું.
એ એક ડગ આપણે ભરીએ એના માટે સદ્ગુરુ ચેતનાએ જે પરિશ્રમ કર્યો છે! એક મજાની ઘટના આપણી પરંપરાની છે. એક બહુ મોટા આચાર્ય ભગવંત, ગીતાર્થ સદ્ગુરુ, સેંકડો શિષ્યો એમના, બીજા બધા શિષ્યોને કોઈ કારણ હોય ત્યારે ચાતુર્માસ માટે અથવા બીજા કોઈ કારણે બહાર મોકલે. એક શિષ્યને તો પોતાની પાસે જ રાખે. સદ્ગુરુને લાગ્યું કે આ critical patient છે, અને એ મારા super vision માં જ રહેવો જોઈએ. સદ્ગુરુ એ શિષ્યને પોતાની પાસે ને પાસે રાખે. શા માટે…? એના ‘હું’ ને છોલવા માટે… પેલાએ શું કર્યું? આપે કહ્યું હતું એવું… સદ્ગુરુ પોતાને સતત જોડે રાખે છે, એને એણે પોતાનું status symbol બનાવી દીધું. એના દ્વારા એણે પોતાના અહંકાર વધારી નાંખ્યો! એકવાર એના સંબંધીઓ આવેલા હશે, એ શિષ્ય વાત કરતો હતો, શું ગુરુદેવની કૃપા ગુરુદેવ બીજા બધાને બહાર મોકલે, મને તો પોતાની જોડે જ રાખે. બોલે ત્યારે તો માણસ નમ્રતાથી જ બોલે. ગુરુદેવની કૃપા! એ મને પોતાની જોડે જ રાખે છે. પણ ગુરુ એ વખતે ત્યાંથી નીકળ્યા. ગુરુ એ શબ્દો સાંભળી ગયા, મુખપટ્ટાની પેલે પારનો ભાવ એ હતો કે ગુરુને મારા વિના તો ચાલે જ નહિ. સાંજે એ શિષ્ય વંદન કરવા માટે ગયો, એકલો હતો, ગુરુએ એને પૂછ્યું, તું બપોરે શું શેખી વઘારતો હતો? કે ગુરુદેવ મને ક્યાંય બહાર મોકલે જ નહિ, તને ક્યાં બહાર મોકલાય એવો છે…! તું critical patient છે, તને medical super vision વિના એક મિનિટ પણ રાખી શકાય એમ નથી. કેટલી સદ્ગુરુની કરુણા..! એના ‘હું’ ને તોડવાની… પણ એ જ કરુણાનો એણે દુરૂપયોગ કર્યો, એ કરુણા દ્વારા એણે પોતાના ‘હું’ ને પુષ્ટ કર્યો.
એક મજાની પરંપરા અમને મળી, તમને પણ મળી, અતિચારમાં તમે પણ બોલો, ગુરુ વચન તહત્તિ કરી પડીવજ્યું નહિ, કેટલી મજાની આ પરંપરા હતી, સદ્ગુરુ અમને કહી દે કે બેટા! તારે આમ કરવાનું છે પછી કોઈ વિચાર નહિ, કોઈ પ્રતિક્રિયા નહિ; માત્ર સ્વીકાર. શાસ્ત્રોએ કહ્યું કે સદ્ગુરુએ આજ્ઞા આપી, એક સેકંડ શિષ્ય વિચાર કર્યો… આ આજ્ઞા… મારે ત્યાં જવાનું છે, જ્યાં જવાનું છે એ જગ્યા સારી છે, રસ્તામાં પણ બધી અનુકૂળતા છે, સાહેબ તહત્તિ. શાસ્ત્રોએ કહ્યું એની તહત્તિ ખોટી. એણે પોતાની અનુકૂળતાની તહત્તિ કરી.
ગઈકાલે મેં કહેલું, એક સૂત્ર પ્રભુએ આપ્યું, ‘આણાએ ધમ્મો’ આજ્ઞામાં જ ધર્મ. અને એની સામેનું સૂત્ર છે ‘ઈચ્છાએ અધમ્મ’ ઈચ્છામાં અધર્મ. એક સાધુ, એક સાધ્વી છે, એમની ઈચ્છાથી એ કશું જ કરી શકતા નથી. ૯૮મી ઓળી શરૂ કરવી છે, શુભ ઈચ્છા ખરી કે નહિ…? પણ એ શુભ ઈચ્છા એ ગુરુના ચરણોમાં મૂકી શકો. સદ્ગુરુ હા પાડે તો જ ઓળીની શરૂઆત થાય. સદ્ગુરુ ના પાડે તો ગુરુની ના નો પણ પ્રેમથી સ્વીકાર કરવાનો.
મને એકલવ્ય ઘણીવાર યાદ આવે. ભીલનો દીકરો, જંગલમાં ઝુંપડી બાંધીને રહેનારો, એ જંગલમાં ગુરુ દ્રૌણ અર્જુન વગેરે રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શીખવવા માટે આવ્યા, છાવણીઓ નંખાઈ ગઈ, રાજકુમારો દરેક શસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. ભીલનો એ દીકરો ગુરુ પાસે આવ્યો. ગુરુના ચરણોમાં ઝૂક્યો અને એણે કહ્યું, ગુરુદેવ! મને પણ શસ્ત્રવિદ્યા શીખવાડો ને.. ગુરુએ ના પાડી… ગુરુની ના નો એકલવ્ય સ્વીકાર કરે છે. તમે ગુરુને પ્રાર્થના કરો, હા કહેવી કે ના કહેવી એ ગુરુના હાથમાં છે. ગુરુએ ના કીધી, તને નહિ ભણાવું. એ ગુરુની ના નો એણે સ્વીકાર કર્યો. આપણે હોઈએ તો શું થાય….? ભાઈ! ગુરુ આને શાના ભણાવે, એ રાજકુમારો છે એમને ભણાવે તો પ્રતિષ્ઠા મળે, સંપત્તિ મળે, મારા જેવો ભીલનો દીકરો મને ભણાવે તો એમને મળે શું…? મેં પહેલા પણ કહેલું, કોઈ પણ સદ્ગુરુ હોય તમે તમારી બુદ્ધિની ફૂટપટ્ટીથી જ એમને માપવાના છો. અને આ ભૂલ મોટામાં મોટી અગણિત જન્મોથી આપણી ચાલુ રહી છે. ગુરુ, સદ્ગુરુ બુદ્ધિ દ્વારા મળે કે શ્રદ્ધા દ્વારા મળે…?
હીરવિજય મહારજે ૯૯ પ્રકારની પૂજામાં કહ્યું, ‘શ્રદ્ધા વિણ કુણ ઇહાં આવે રે” શ્રદ્ધા ન હોય તો, ન સિદ્ધગિરિ પર જઈ શકાય, ન પ્રભુના શાસનમાં પ્રવેશી શકાય. અને કદાચ કોઈ આવી ગયો શ્રદ્ધા વગર તો? ત્યારે એમણે કહ્યું, “લઘુ જળમાં કિમ તે નાવે રે” બુદ્ધિના ખાબોચિયામાં કેમ કરીને નાહી શકે?
મને એ એકલવ્યની, ભીલના દીકરાની ઈર્ષ્યા આવે છે! ગુરુની ના નો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો મતલબ ગુરુ પ્રત્યેનું બહુમાન એનું સહેજ પણ ઓછું થયું નથી. એક વાત by the way તમને પૂછું, તમને ગુમડું થયું છે, ઓપરેશન કરવું પડે એવું છે, તમે એના માટે તૈયાર નથી, પણ રસ્તા ઉપર ચાલતા હોવ, કેળાંની છાલ નીચે આવી, તમે પડી ગયા, ગુમડું ફૂટી ગયું, તમે રાજી કે નારાજ? તમારી ઈચ્છાનું ગુમડું તમે ભલે એને પંપાળવા રાજી હોવ, પણ ગુરુ એને ચીરી નાંખે, તો તમે રાજી ખરા કે નહિ… મારે પૂછવું છે… તમારા અહંકારને અમારે થાબડવાનો કે ચીરવાનો? સાચું બોલજો… સદ્ગુરુ તરીકે અમારે શું કરવાનું? ઉપનિષદો એ તો કહ્યું, ‘આચાર્યો હિ મૃત્યુ:’ સદ્ગુરુ એટલે મૃત્યુ. તમારા હું માટે…
એક મજાની વાત કરું, અગણિત જન્મોથી ગુરુ ચેતના તમારા ‘હું’ ને લેવા માટે કોશિશ કરે છે, તમે ‘હું’ આપતાં નથી. તો પણ એટલા પ્રેમથી તમને બોલાવે છે… કે બેટા! કાંઈ નહિ, અતિતની યાત્રામાં તે તારા ‘હું’ ને નહિ આપ્યું… આજે આપીશ? ભાઈ તૈયાર? કચરો જ આપવાનો છે. આ બુદ્ધિ અને અહંકાર આપણી પાસે રહ્યા અને સાધના આપણે કરી… બધી સાધના શૂન્યમાં પરિણમી. સાધના થોડી હતી, અહંકાર વધારે હતો. મેં સાધના કરી… સાધના નાનકડી અહંકાર ઘણો. જે અહંકારે, જે તમારા હું એ અનંતા જન્મોની તમારી સાધનાને ખતમ કરી છે, એ ‘હું’ આપવા તૈયાર? બોલો હવે…
એકલવ્યની જન્માન્તરીય ધારા કેવી હશે કે એનો ‘હું’ સહેજ પણ ઊછળતો નથી. ગુરુ પ્રત્યેનું બહુમાન એવું ને એવું છે! પોતાની ઝુંપડીએ ગયો, માટીની ગુરુ દ્રૌણની મૂર્તિ બનાવી. રોજ એક ફૂલ તાજું લાવીને ગુરુના ચરણોમાં મુકે. અને પછી હાથ જોડે ગુરુદેવ! આપ આશીર્વાદ આપો કે હું શસ્ત્રવિદ્યા શીખું. ઘટના એવી છે કે એકમાત્ર ગુરુ પ્રત્યેના બહુમાનથી એકલવ્ય અજોડ ધનુર્ધર બન્યો, ૧૦૫ રાજકુમારો… પાંડવોના અને કૌરવોના. એમાં અર્જુન શ્રેષ્ઠ. એ અર્જુન એકવાર ફરવા નીકળ્યો છે. એવું એક નિશાન વિંધાયેલું જોયું ચોંકી ગયો એ… આ નિશાન મારા કોઈ ભાઈ વીંધી શકે એમ નથી. મેં વીંધ્યું નથી, તો આને વીંધે કોણ? એને ગુરુને પૂછ્યું, ગુરુને ખ્યાલ છે, ગુરુએ કહ્યું એકલવ્યએ વીંધ્યું છે.
તમે છે ને આ કથા કદાચ સાંભળેલી છે પણ કથાની પાછળની બાજુ સાંભળી નથી. ગુરુએ ના કેમ પાડી…? ગુરુ દ્રૌણ કોઈ સામાન્ય ગુરુ નથી, અસાધારણ ગુરુ છે, જ્ઞાની ગુરુ છે, ગુણવાન ગુરુ છે, એ ના કેમ પાડે! ના પાડવાનો એમનો બહુ જ મજાનો ઉદ્દેશ્ય હતો, એ એમ કહેવા માંગતા હતા, કે સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન શું કામ કરે છે! જીવંત ગુરુ પાસે અર્જુન રહ્યો, છતાં એને જે ન આવડ્યું એના કરતાં માટીના દ્રૌણ પાસેથી એકલવ્ય વધુ શીખી ગયો. અર્જુન ક્યાં હતો? જીવંત ગુરુ પાસે, એકલવ્ય ક્યાં છે? માટીના દ્રૌણ પાસે… પણ જીવંત ગુરુ પાસેથી અર્જુન જે ન મેળવી શક્યો એ માટીના ગુરુ પાસેથી એકલવ્ય મેળવી શક્યો. મતલબ એ થયો કે સદ્ગુરુ તો વરસવા સતત તૈયાર છે, તમારી receptivity કેટલી છે? એકલવ્યની receptivity એટલી જોરદાર…. માત્ર માટીના ગુરુ છે પણ એ ગુરુ પ્રત્યેનું બહુમાન અને એ બહુમાનથી એ આગળ ને આગળ નીકળી જાય. સદ્ગુરુના ચરણોમાં તમે છો? કે દૂર છો? એ મહત્વની ઘટના નથી, તમે સદ્ગુરુના ચરણોમાં છો કે દૂર છો, ભૌતિક રૂપે… એ કોઈ પ્રશ્ન નથી, તમે સદ્ગુરુના આજ્ઞા દેહના સાનિધ્યમાં છો કે કેમ… એ સવાલ છે. એક શિષ્ય સદ્ગુરુની પાસે રહીને પણ સદ્ગુરુ પ્રત્યેના બહુમાનથી વંચિત હોય, તો સદ્ગુરુથી દૂર છે. અને ૨૦૦ કિલોમીટર દૂર ગુરુની આજ્ઞાથી ગયેલો શિષ્ય ગુરુની નજીકમાં છે.
એ પછીની ઘટના કેટલી મજાની છે: એકવાર ગુરુ દ્રૌણ એકલવ્યને ત્યાં આવ્યા, એકલવ્ય તો રાજીનો રેડ થઇ ગયો, ઓહ! ગુરુદેવ! મારા આંગણે! એક લાકડાના આસન ઉપર ગુરુને બિરાજમાન કર્યા, ધ્રુસકે ધ્રુસકે રડે છે.. ગુરુદેવ! તમે મારી ઝુંપડીને પાવન કરી! તમારાથી જ હું છું. તમે કેટલું બધું મને શીખવ્યું….! અહંકાર હોત તો બોલી શકાત આ…? ગુરુએ શું કર્યું…? ગુરુએ તો જાકારો આપ્યો તો.. હું ભણું છું! આમાં જ આપણે રહી ગયા. આપણને તો એવા સદ્ગુરુઓ મળ્યા અતિતમાં હરિભદ્રાચાર્ય જેવા, હેમચંદ્રાચાર્ય જેવા, હીરસૂરિ દાદા જેવા સદ્ગુરુઓ અતિતની યાત્રામાં આપણને મળ્યા, પણ આપણા હાથ આમ આવી ગયા, તમારા હાથ થયા; કામ પૂરું…
અને એટલે જ મેં કહેલું કે જય વીયરાય સૂત્રમાં તમે ‘સુહગુરુજોગો’ તમે માંગો છો… સદ્ગુરુ માંગતા નથી. પ્રભુ મને સદ્ગુરુ આપી દે એવી તમારી પ્રાર્થના નથી. પ્રભુ સદ્ગુરુના ચરણોમાં મને ઝુકાવી દે, એ સદ્ગુરુ જોડે મારો ભાવાત્મક સંબંધ તું સ્થાપી દે, આવું આપણે પ્રભુને કહીએ છીએ. એ જય વીયરાય કેટલા વર્ષોથી બોલો છો. ક્યારેય પ્રભુને કહ્યું, કે પ્રભુ! આટલા વર્ષોની મારી પ્રાર્થના સદ્ગુરુના ચરણોમાં તું મને ઝુકાવી દે, તું કેમ મને ઝુકાવતો નથી…?! પૂછ્યું ભગવાનને…? તમારી પ્રાર્થના heartly છે કે wordly છે? શબ્દિક કે ભાવાત્મક છે? તમારી પ્રાર્થના કઈ છે? એ ‘સુહગુરુજોગો’ બોલો અને આંખમાંથી આંસુની ધાર ન પડે….! પ્રભુ! તારી કૃપા! કેટલા બધા સદ્ગુરુઓ આજે પણ વિદ્યમાન છે. પણ પ્રભુ તું મને ઝુકાવતો કેમ નથી! પૂછો પ્રભુને… પ્રભુ તું મને ઝુકાવી દે…! સમર્પિત કરી દે. અનંત જન્મો થયા હું તો સમર્પિત થઇ શક્યો નથી. હવે પ્રભુ તું ઓર કૃપા કર, મને સમર્પિત પણ કરી દે. કહ્યું કોઈ વાર…?
ગુરુ દ્રૌણ આવ્યા ઘરે, એકલવ્ય પૂછે છે સાહેબ! આપના ચરણોમાં શું સમર્પિત કરું…? એ વખતે ગુરુએ એનો જમણા હાથનો અંગુઠો માંગ્યો. હવે અંગુઠો જાય એટલે શું થાય… ધનુર્ધર તરીકે મૃત્યુ. આમ જે પકડવાનું છે એ અંગુઠો જ ગયો. એક સેકંડનો વિચાર નથી કર્યો! not a second.. ભીલનો દીકરો હતો, છરી લટકતી કેડે, સીધી હાથમાં લીધી, અંગુઠો આપી દીધો ગુરુને… તમે એક જ બાજુથી કથા જુઓ, તમને લાગે કે ગુરુ દ્રૌણ આવા…! અને આપણા મનમાં સીધી વાત કંઈ આવે કે અર્જુનને નંબર વન બનાવવો છે એકલવ્યને નંબર ટુ બનાવવો છે માટે ગુરુએ આ કામ કર્યું, બુદ્ધિ છે ને… તમારી બુદ્ધિ ગુરુમાં પણ આ જ જોવાની… અને એ જ આપણે જોયુ છે… actually ગુરુ દ્રૌણનો ઉપદેશ કયો છે… બહુ મજાનો ઉપદેશ છે… ગુરુ દ્રૌણ એ વિચાર્યું, કે આનું ગુરુ બહુમાન ઉચકાયેલું છે એ તો મેં જોયું, એ ધનુર વિદ્યામાં આગળ વધ્યો એ મેં જોયું. અર્જુનનો કદાચ ખ્યાલ આવ્યો, આખી દુનિયાને આનો ખ્યાલ આવવો જોઈએ. અંગુઠો કપાઈ ગયો અને છતાં ધનુર્ધર તરીકે એ પહેલો આવ્યો, અર્જુનથી પણ આગળ ગયો! એટલે ગુરુએ આખી દુનિયાને એ બોધ પાઠ આપ્યો કે એક ગુરુ બહુમાન તમારી પાસે હોય તો તમે જંગ જીતી જાવ.
ચોથા પંચસૂત્રમાં હરિભદ્રસૂરિ મ.સા એ કહ્યું, ‘આયઓ ગુરુબહુમાણો’ સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન; મોક્ષ આ રહ્યો. પણ એ બહુમાન એટલે શું ખબર છે? એ બહુમાનની મારી એક પરિભાષા છે: ૧ + ૧ = ૧. તમારા ગણિતમાં શું થાય? ૧ + ૧ = ૨ અમારે ત્યાનું ગણિત આ છે: ૧ + ૧ = ૧. ગુરુ હતા, શિષ્ય એમના ચરણોમાં ગયો. ૧ + ૧ તમે સમજો છો, ત્યાં બે નથી; ગુરુ એક જ છે, શિષ્ય ઓગળી ગયો.. શિષ્ય પીગળી ગયો.. શિષ્ય ગુરુમય બની ગયો.. શિષ્યની વ્યાખ્યા જ એ કે જે ખરેખર નથી. જેનું ‘હું’ છીનવાઈ ગયું; એ શિષ્ય. ૧ + ૧ = ૧. કેટલી મજા આવે પછી! તમે હોવ એની પીડા કેટલી છે બોલો…? અત્યારે પીડા છે પણ શેની છે? હું આમ કરું, હું આમ કરું, મારે આમ કરવું છે… અને એમાં frustration આવ્યું એટલે ધડામ કરતાં પડ્યા. તમે છો, તમારું ‘હું’ છે, એની પીડા છે… ‘હું’ ને ગુરુના ચરણોમાં આપી દો; પીડા છું થઇ ગઈ. એક ડગલું તમારે ચાલવાનું છે, પ્રભુની દિશામાં, પછી પ્રભુ તમને બાહોમાં લઇ લેશે.
૧૦૦ વર્ષ પહેલાંની એક ઘટના છે: મુક્તિવિજય મહારાજ, મૂળનામ મૂળચંદ્રજી. સ્થાનકવાસી પરંપરામાંથી અહીંયા આવેલા, અત્યંત જ્ઞાની ભગવંત… એ મુક્તિવિજય મ.સા. છાણીમાં ચોમાસું હતા, એ વખતે છાણી ધર્મની પીઠ કહેવાતી. અને એમના શિષ્ય વિનોદવિજય મહારાજ એ ૨ – ૪ શિષ્યો જોડે વડોદરા જાનીશેરીના ઉપાશ્રયે ચોમાસું હતા. પર્યુષણ પછી ભાદરવા વદમાં એક દિવસે છાણીમાં વ્યાખ્યાન પૂરું થયું. દસ, સવા દસે… એક ભાઈએ ગુરુદેવને પૂછ્યું… સાહેબ! વડોદરા જાઉં છું, કંઈ કામકાજ…? ખ્યાલ હતો કે વડોદરા સાહેબના શિષ્ય છે. તો ગુરુ મહારાજે કહ્યું, વિનોદવિજયને કહેજો કે ગુર મહારાજ તને યાદ કરે છે. પેલા ભાઈ ઘરે ગયા, જમ્યા, પહોંચ્યા વડોદરા, અગ્યાર – સવા અગ્યારે… પહેલા જ ઉપાશ્રયે ગયા, ગુરુ મહારાજનું કામ તો પહેલા કરવાનું હોય ને…
સદ્ગુરુ તમને નાનકડું પણ કામ ભળાવે, કેટલા રાજી થાવ…! કેટલા…! કહ્યું કે સાહેબ ગુરુ મહારાજ આપને યાદ કરે છે, સવા અગ્યાર થયેલા, સાઢપોરસી પચ્ચક્ખાણ પારવાની તૈયારી કરતા હતા, પણ ગુરુ મહારાજનો સંદેશ આવ્યો, હવે પચ્ચક્ખાણ પરાય નહિ… એક શિષ્યને લઈને ભાદરવાના એ તડકામાં સવા અગ્યાર વાગે એ નીકળ્યા, લગભગ નવ થી દસ કિલોમીટર, સાડા બાર – પોણો વાગે એ છાણી પહોંચ્યા… ધોમધખતા તડકામાં, ત્યાં ગયા, ગુરુદેવના ચરણોમાં… દ્વાદશાવર્ત વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું. હવે પુરિમુટ્ઠ એકાસણાનું… ગુરુદેવે કહ્યું, પચ્ચક્ખાણ પારી લે, પચ્ચક્ખાણ પાર્યુ, પાણી વાપર્યું, ગોચરી વપરાઈ ગઈ, પડીલેહણ થઇ ગયું, ગુરુ મહારાજની વાચના હતી બપોરે, એ પણ થઇ ગઈ. વાચના પુરી થઇ ને ૪ વાગેલા, તો ગુરુ મહારાજે એ વખતે કહ્યું, વિનોદવિજયને હવે તું જા. હવે તું જા, તારે પણ પાછું ત્યાં બધું સંભાળવાનું છે. ધોમધખતા તડકામાં શિષ્યને બોલાવ્યો છે, કોઈ કામ ભળાવતાં નથી, હવે તું જા. અને એ શિષ્ય કેવો કોરી સ્લેટ જેવો હશે, ગુરુની આજ્ઞા. ગુરુએ બોલાવ્યો; હાજર થયો. ગુરુ કહે જા, તો જવાનું… અઠવાડિયા પછી ફરી બીજીવાર, વ્યાખ્યાન ઉઠ્યું છાણીમાં, એક ભાઈએ પૂછ્યું સાહેબ! વડોદરા જાઉં છું, કંઈ કામકાજ…? તો કહે કે હા, મારા શિષ્યને કહેજો કે ગુરુ મહારાજ યાદ કરે. ફરી અઠવાડિયા પછી બીજીવાર એ જ રીતે બોલાવ્યા, એ જ રીતે બપોરે ૪ વાગ્યા, ગુરુએ કહ્યું, હવે તું જા. કોઈ કામ ભળાવવાની વાત નહિ.
આપણને ખ્યાલ આવે કે સદ્ગુરુ આપણા ઉપર કઈ રીતે કામ કરી રહ્યા છે… સદ્ગુરુની ઈચ્છા શિષ્યને બિલકુલ અપેક્ષા મુક્ત બનાવવાની છે. બીજી તો કોઈ નહિ એક નાનકડી અપેક્ષા લઈને આવે કે ગુરુ મહારાજ મને કોઈ સેવાનું કામ ભળાવે. અરે એ પણ અપેક્ષા તું શા માટે રાખે છે…? તમારે બિલકુલ નિરપેક્ષ બનવાનું છે. જ્યાં અપેક્ષા ત્યાં અહંકાર. યાદ રાખજો. અપેક્ષા છે ને તમને સારી લાગતી હોય ઘણીવાર, ગુરુની સેવાની ઈચ્છા છે… પણ તમે જુઓ ત્યારે ખબર પડે કે એ અપેક્ષાની પાછળ, એ ઈચ્છાની પાછળ તમારો અહંકાર જ બેઠેલો હોય છે.
બીજીવાર પણ કહ્યું, જા, ગયા. અઠવાડિયા પછી ત્રીજી વાર બોલાવ્યો, આ વખતે શિષ્યની ભૂલ થઇ ગઈ, શિષ્યના મનમાં થયું કે કંઈક કામ ભારે હોવું જોઈએ… અને એથી ગુરુ મહારાજ વિચાર કરતાં હશે, પણ આજે એમનો વિચાર નક્કી થઇ ગયો હશે અને મને સેવાનું કામ આપશે. એક અપેક્ષા નાનકડી મનમાં જન્મી કે આજ તો ગુર મહારાજ મને કામ જરૂર આપશે. રોજના નિયમ પ્રમાણે ગુરુએ કહ્યું ૪ વાગ્યા ને કહ્યું હવે તું જા. બે વખતે અપેક્ષા નહોતી, નીકળી ગયેલા, આજે અપેક્ષા છે. તમારી અપેક્ષા જે છે ને એ જ તમને ચુકવે… આ શિષ્યની સજ્જતા તો બહુ ઉંચી છે. અમારા જેવા માણસો પણ એના પેંગળામાં પગ ન મૂકી શકે એટલી ઉંચી છે. પણ આપણે એમાંથી જોવું એ છે કે એક શુભ ઈચ્છા છે કે ગુરુ મને કોઈ સેવાનું કામ આપે. ખોટી ઈચ્છા છે… પણ ગુરુ એ કહેવા માંગે છે કે તારી પાસે કોઈ અપેક્ષા જ નથી. તું બિલકુલ કોરી સ્લેટ જેવો હોય, મારી પણ ઈચ્છા એવી તમે બધા કોરી સ્લેટ જેવા હોવ.
આપણા સુરતના કવિ ભગવતીપ્રસાદની એક સરસ કવિતા છે, એનું મુખડું છે – હરિ લખે તે અક્ષર હોય, હરિ લખે તે અક્ષર હોય. પ્રભુ જેને લખે, ગુરુ જેને લખે તે અક્ષર એ શાશ્વત થઇ ગયો. અક્ષર શબ્દના બે અર્થ – એક તો અક્ષર એટલે અ, આ, ઇ, ઈ…. બીજો અક્ષરનો અર્થ છે જે ખરે નહિ, જે નાશવંત હોય નહિ, જે શાશ્વતીના લયમાં રહે તે અક્ષર. હરિ લખે તે અક્ષર હોય. ગુરુ લખે તે અક્ષર હોય.
ઉપધાન યોજાય ને ત્યારે આયોજકોની ઈચ્છા એવી હોય કે માળવાળા વધારે આવે, આયોજકનો ભાવ શું હોય…. કે પાત્રીસાવાળા કે અટ્ઠાવીસાવાળા તો નીકળી જવાના, છેલ્લી જે ઠાઠમાઠ આવે એ માળવાળાથી આવે. હું પણ માળવાળાઓને પ્રીફર કરું પણ મારો ઉદ્દેશ શીખો. મારો ઉદ્દેશ એટલો જ કે કોરી સ્લેટ મને મળશે. અને એ કોરી સ્લેટ ઉપર મારે જે લખવું છે એ હું લખી શકું.
તમને ખ્યાલ છે કે તમારા મનની સ્લેટ ઉપર કેટલા ડાઘા – ડોઘી કરીને તમે આવો છો કે દસ્ટર મારી – મારીને અમારા હાથ દુઃખવા આવે. સ્કુલની અંદર ચોકસ્ટીક કોની પાસે હોય ભાઈ…? શિક્ષક પાસે ને… વિદ્યાર્થીના હાથમાં ચોકસ્ટીક આવે તો? ઉંદર ને બિલાડું ચીતરી નાખે પાટિયા ઉપર. તમારા હાથમાં ચોકસ્ટીક હોય? મારે પૂછવું છે… મન તમારું પણ વિચારો તમારે સતત કર્યા કરવાના…! એટલા માટે સવ્વસ્સવિ સૂત્ર આવ્યું, સાંજે તમે બોલશો. સવ્વસ્સવિ દેવસિઅ, દુચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચિટ્ઠીઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ગુરુદેવ! દિવસ દરમ્યાન ખોટું વિચારાઈ ગયું, ખોટું બોલાઈ ગયું, ખોટું કરાઈ ગયું, શું કરું? ત્યારે ગુરુદેવ કહેશે, પાછો ફરી જા. અતિક્રમણ તે કર્યું છે, પ્રતિક્રમણ કરી લે.
તો હરિ લખે તે અક્ષર હોય. આવા શિષ્યો મળવા ને એ ગુરુ માટે પણ એક સૌભાગ્યની નિશાની કહેવાય છે. આપણી પરંપરામાં કહેવાયું કે બુદ્ધ જેવો શિષ્ય કોઈ ગુરુને મળે ને, તો ગુરુ બડભાગી. કેમ? બુદ્ધ સંપૂર્ણતયા, follow up કરનારા માણસ હતા. એક ગુરુ પાસે ગયા મને result આપો. ગુરુ કહે મહિનાના ઉપવાસ- પાણી વગરના, ok તૈયાર. હવે આનાંથી આગળ કંઈ છે…? મને આત્માનુભૂતિ ન થઇ. ગુરુ કહે મારી પાસે આટલું જ છે. બીજા ગુરુ પાસે, તમે કહો એ રીતે કરું… તમને સંપૂર્ણ તયા obey થઇ જઉં. Result મને આપો. એ ગુરુએ કહ્યું આતાપના લે… ઉનાળામાં સવારે ૯ થી સાંજના ૪ સુધી તડકામાં બેઠો રહે; તડકામાં બેસી રહું. result મળવું જોઈએ. એની એક પરિણામની ઈચ્છા, બુદ્ધે તો કંઈ પહેલા ગુરુ નક્કી કર્યા નહોતા, જે – જે ગુરુ પાસે ગયા, જે જે ગુરુએ જે કહ્યું એ બધું જ એમણે કર્યું.
અને એ લયમાં હું ઘણીવાર હું કહું કે અમને લોકોને નિરુપદ્રવી શિષ્યો મળ્યા, ઉપદ્રવ ક્યારે થાય…? તમે સાંભળો, એ પ્રમાણે કરો, કરો એટલે તકલીફ થવાની, સાલું આ તો કંઈ બેસતું નથી. ગુરુ પાસે પૂછવા આવ્યા, પણ આપણે તો ઊંઘી જ જવાનું છે. નિરુપદ્રવી શિષ્ય થઇ ગયા છો.
ત્રીજીવાર પણ અપેક્ષામુક્ત બનીને આવવાનું હતું. સૂક્ષ્મ અપેક્ષા છે. આજે ગુરુ મહારાજ મને એક કામ કહેશે. ગુરુએ ૪ વાગે કહ્યું તું જા. એ વખતે એમને ગુરુના ચરણોમાં પડીને કહ્યું, ગુરુદેવ! આપ મને બોલાવો છો, ૩ વાર નહિ ૩૩ વાર આપ બોલાવો. આપ ગુરુ છો. હું તૈયાર છું, પણ મને લાગે છે સાહેબ! આપ કોઈક કામ માટે મને બોલાવો છો એ કામની વાત કરો ને, મને કંઈ સેવા આપો. ગુરુએ એટલું જ કહ્યું કે આજે તું નાપાસ થયો. આજે તું નાપાસ થયો. ગુરુ કહે છે, ચોમાસા પછી અમદાવાદ જવાની ઈચ્છા હતી, અને અમદાવાદમાં ભગવતી સૂત્રના યોગ તને કરાવવાના હતા, તને ગણિ પદવી આપવાની હતી, તું એક જ યોગ્ય છે. મેં નક્કી કર્યું કે આ પરીક્ષા કરું, હવે પરીક્ષામાં પાસ થાય વિનોદવિજય તો એને ભગવતીના યોગ કરાવું તું નાપાસ થયો, હવે જા. એવી ગુરુઓની કરુણા હતી અમારા ઉપર! ગણિપદ આપવાનું છે, આચાર્ય પદ નહિ. આટલી કડક પરીક્ષા! પણ એ શિષ્ય ખરેખર શિષ્ય કહેવાય. એના મનમાં કોઈ ગ્લાની નથી. એના મનમાં ગ્લાની એક જ છે કે મેં અપેક્ષા કેમ રાખી…! ગુરુએ આમ કેમ કર્યું એ વાત તો છે જ નહિ.
હું ઘણીવાર મારા શિષ્યોને કહું કે ગુરુએ આમ કરવું જોઈતું નહોતું, ગુરુ મહારાજે આમ કેમ કર્યું, આવું જે માને ને એ શિષ્યને હું પરમગુરુની પદવી આપું છું. ગુરૂનો એ ગુરુ. મારા ગુરુ મહારાજ હતા, અરવિંદસૂરિ દાદા, ૐકારસૂરિ દાદા એ કહેતા કે યશોવિજય તારે આમ કરવાનું. જયઘોષ સૂરિ દાદા પણ મારા ગુરુ તરીકે જ હતા. એમનો એટલો બધો મારા ઉપર પ્રેમ હતો કે જે પ્રેમને હું સાર્વજનિક અત્યારે કહી શકું નહિ, અંતરંગ પ્રેમ મારા ઉપર જયઘોષસૂરિ દાદાનો હતો. તો એટલા બધા સદ્ગુરુઓનો પ્રેમ મને મળ્યો છે કે એ રીતે પણ હું ન્યાલ થયેલો માણસ છું. તો એ શિષ્ય એટલી સજ્જતાવાળો છે કે એના મનમાં ગ્લાની એક જ છે, ગુરુથી આવું કરાતું હશે…! આવી કડક પરીક્ષા! અરે પદવી આપવી હોય તો આપો, ન આપવી હોય તો કાંઈ નહિ – આવો વિચાર શુદ્ધા નથી આવતો.
અમદાવાદથી ડેલ્હાનાં ઉપાશ્રયના ટ્રસ્ટીઓ સાહેબને વિનંતી કરવા છાણી આવ્યા, એમને પણ ખ્યાલ હતો કે સાહેબે કહેલું કે કદાચ વર્તમાનયોગ હશે, ક્ષેત્ર સ્પર્શના હશે, તો ચોમાસા પછી અમે અમદાવાદ આવશું. અને ભગવતીના યોગ – જોગ કરાવીશ તો છ મહિના રોકાવવાનું પણ થશે. ટ્રસ્ટીઓ ઉમંગ લઈને આવેલા, સાહેબે સ્પષ્ટ વાત કરી, ભગવતીના યોગ વિનોદવિજયને કરાવવાના હતા એના માટે આ પરીક્ષા નક્કી કરેલી, ત્રીજી પરીક્ષામાં fail ગયો એટલે હવે અમદાવાદ આવવાનું નથી. એ શિષ્યો પછી છાણીથી વડોદરા ગયા, વિનોદવિજય મહારાજ પાસે અને એક જ વાત કરી, ગુરુદેવ પધારવાના હતા હવે નહિ પધારે. એ વખતે એ આગેવાન શ્રાવકોની આગળ પણ એ વિનોદવિજયજી કોઈ સફાઈ પોતાની આપવા માટે તૈયાર નથી કે ગુરુ મહારાજને આવું કરાતું હશે… કેટલું ગુરુ પ્રત્યેનું બહુમાન હશે. ગુરુ તમારા હું ને લેવા માટે કેટલી – કેટલી કોશિશ કરે છે, એની આ વાત છે. એક સૂક્ષ્મ અપેક્ષા હતી, સૂક્ષ્મ અપેક્ષા.. પણ એની પાછળ હું રહેલો હતું, ગુરુએ એને reject કરી દીધા.
આ ગુરુની કરુણા…! એના સ્પર્શમાં આજે રહો, આવતી કાલે ‘હું’ આપી દેવાનું બરોબર…