વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : હું
સદ્ગુરુના તમારી તરફ ખુલતાં બે જ કાર્યો છે. જો તમને પ્રભુમિલનની પ્યાસ નથી જાગી, તો પ્યાસ જગવી દેવી – એ પહેલું કાર્ય. અને બીજું કાર્ય એ કે જો તમને પ્યાસ જાગેલી છે, તો પ્રભુનું મિલન કરાવી આપવું; વચ્ચે જે તમારો હું નડતો હોય, એને છીનવી લેવો!
તમારો હું બહુ વજનદાર છે. પણ એ હું ની ઈમારતનો પાયો શું એ તો મને કહો? ગંદકીથી ઊભરાતું એક ગંદુ શરીર અને રાગ-દ્વેષથી ઊભરાતું એક ગંદુ મન – આ પાયા ઉપર ઈમારત ખડી કરવાની?! પાયામાં છે જ નહિ કાંઈ અને એના ઉપર તમારે હું ની ઈમારત ઊભી રાખવી છે! પાયા પૂરજો, હોં ભાઈ!
બીજામાં રહેલો અહંકાર, બીજામાં રહેલો ગુસ્સો, દ્વેષ તમને ખ્યાલમાં આવી જાય છે. માત્ર તમારામાં હોય, ત્યારે જ ખ્યાલ ન આવે! તમારી પ્રબુદ્ધતા ત્યાં થોડી ઓછી પડે છે; તમારો હું તમારામાં રહેલા દોષો તમને જોવા દેતો નથી.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૩
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
એક યાત્રા કરવાનું આમંત્રણ પૂજ્યપાદ આનંદઘન ભગવંતનું છે. એમણે કહ્યું હું પ્રભુના પરમપ્રેમમાં ડૂબી ગયો છુ. કહો કે પ્રભુએ મને ડુબાડ્યો છે. તમે પણ પરમપ્રેમની યાત્રા શરૂ કરો. એ યાત્રા એટલી મજાની છે કે એક ડગલું તમારે ભરવાનું. એક ડગલું તમે ભર્યું. પ્રભુ તમને બાહોમાં સમાવી લે છે. તમારી journey પૂરી. તમે પરમ પ્રેમમાં ડૂબી જશો. ક્યારેક એવું બને કે એક ડગલું આપણા તરફથી ભરાયું ન હોય અને એ વરસી પડે અને પરમ પ્રેમમાં ડુબાડી દે.
એક ઘટના મારા જીવનની કહું. અગ્યાર વરસની વયે દીક્ષા લીધી ત્યાં સુધી આબુ તીર્થની યાત્રા થયેલી ન હતી. દીક્ષા પછી પણ વીસેક વરસ નીકળી ગયા અને પ્રભુએ બોલાવ્યો. આબુની નજીકમાં એક જગ્યાએ મહોત્સવ હતો. ગુરુદેવે કહ્યું તારે જવાનું છે. અને તું આબુ તીર્થની યાત્રા પણ કરી આવજે. અમે ત્રણ જણા ગયેલા. દેલવાડાના ઉપાશ્રયમાં સવારે આઠ વાગે પહોચી ગયા. ખ્યાલ હતો કે બાર વાગ્યા સુધી એક પણ Visitor ને અંદર પ્રવેશ મળતો નથી. એટલે બાર વાગ્યા સુધી આરામથી ભક્તિ કરી શકાય. સાંજે છ પછી પણ આરામથી ભક્તિ કરી શકાય.
આઠ વાગે ઉપાશ્રયે ગયા, શિષ્યો કાજો લેતા હતા. મેં એમને કહ્યું તમે પાણી લઇ આવો, મારા માટે નવકારશી લઇ આવો, હું પા કલાકમાં પહેલા દેરાસરે દર્શન કરીને આવું. બેઉ ને એકાસણા હતા. મેં કીધું ફટાફટ નવકારશી વાપરી મારે જે દવા લેવાની છે એ લઇ અને આપણે જઈએ તો બાર વાગ્યા સુધી પ્રભુના દરબારમાં. મને એમ ચૈત્યવંદન કરીને આવવું છે. ત્રણ પ્રદક્ષિણા અને ચૈત્યવંદન, પા કલાકમાં પાછો આવી જાઉં. દેરાસર સામે જ હતું. લગભગ ત્રીસ-પાંત્રીસ વરસ પહેલાની આ ઘટના… આજે પણ રીતસર બંધ આંખ કરું તો મારી આંખોની સામે એ ઘટના ફીલ્માયેલી છે.
વિમલ-વસહીમાં ગયો. પ્રદક્ષિણાપથમાં ફરવાનું હતું. પહેલી દેરી એ ગયો. શું અદ્ભુત્ત પરમાત્મા! આંખો સ્તબ્ધ. પગ ચીટકી ગયા. પગ ચાલવાનું નામ ન લે. માંડ-માંડ ચલાવું બીજી દેરીએ, ત્રીજી દેરીએ. બરોબર મને યાદ છે… એક પ્રદક્ષિણા પથ મને ફરતા પોણો કલાક લાગેલો. પછી ની બે પ્રદક્ષિણા તો નજીકમાં ફરી લીધી. ચૈત્યવંદન કર્યું. આઠ વાગે દેરાસરમાં દાખલ થયેલો હું નવ વાગે બહાર નીકળ્યો. ઉપાશ્રયમાં પેલા લોકો મારી રાહ જુવે. શું થયું સાહેબને? નવ વાગે હું ગયો. મને કહે શું થયું હતું? આટલી બધી વાર? હું જવાબ આપી શકું એમ હતો નહિ. આંખોમાંથી આંસુ ઝરતા હતા. ગળે ડૂમો ભરાયેલો હતો. મેં એટલુ જ કહ્યું, અદ્ભુત્ત ઘટના ઘટી ગઈ. Beyond the words, beyond the expectations. શબ્દોની પેલે પારની એ ઘટના… કલ્પના ની પેલે પારની એ ઘટના….
માત્ર ચૈત્યવંદન કરવાની ઈચ્છાથી ગયેલો હું; પ્રભુ મને એના પરમપ્રેમમાં ડુબાડી દે છે. એ પછી એક અઠવાડિયું દેલવાડામાં રોકાયા. પૂરું અઠવાડિયું પ્રભુના પરમપ્રેમમાં ડૂબવાનું થયું. એક અઠવાડિયા સુધી દેલવાડાની વિશ્વવિખ્યાત કોતરણી ને મેં જોઈ નહિ. જે કોતરણી ને જોવા માટે વિશ્વ ભરમાંથી લોકો આવે છે એ કોતરણી તરફ મારી નજર પડી જ નહોતી. માત્ર ને માત્ર પ્રભુને જ જોવાનું થયા કર્યું. કહો કે પ્રભુમાં ડૂબવાનું થયા કર્યું. પ્રભુ ડુબાડે. આપણી તો કઈ હેસિયત કે આપણે પ્રભુમાં ડૂબીએ? એક માત્ર એમાં ડૂબવાની ઈચ્છા; એ તમને ડુબાડી દે છે. અને એના માટે fee મેં કેટલી માંગેલી કાલે…? ખાલી તમારું ‘હું’ આપી દો; પ્રભુ તમને આપી દઉં.
એક બહુ પ્યારી ઘટના પરંપરામાં આવે છે. એક ભક્ત એને પ્રભુ મિલનની અત્યંત તડપન. તીવ્રપ્યાસ. આપણી પાસે દર્શન છે. પ્યાસ ક્યાં છે? પ્યાસ વિના દર્શન કેવું? પૂરું અસ્તિત્વ પ્યાસમય બની જાય. ક્યારે પ્રભુ મળે? ક્યારે પ્રભુ મળે? ક્યારે પ્રભુ મળે? અને એ પ્યાસ પછી પ્રભુ મળે. ડૂબવાનું અનાયાસ થઈ જાય. મીરાંને પ્રભુ મળેલાં. પણ એ પ્રભુ માટે કેટલું તડપેલી. મીરાંએ કહેલું પ્રભુ! કેટલું તડપાવીશ તું મને? મીરાં ના શબ્દો છે, “તડપ-તડપ જીવ જાશી”. “તડપ-તડપ જીવ જાશી”. પ્રભુ તડપી-તડપીને મારા પ્રાણ ચાલ્યા જશે. તું મને ક્યારે મળીશ? આ હદની તડપન. આ હદની પ્યાસ હોય; પ્રભુ આ રહ્યા..
અમારે ત્યાં કવિ સમયમાં ચાતક પંખીની વાત આવે છે. ચાતક પંખીને ગળા પાસે કાણું હોય છે એટલે એ ચાંચ વાટે પાણી પીવે પણ ગળાના કાણા વાટે બહાર પાણી નીકળી જાય. તો તરસ્યું થયેલું ચાતક શું કરે? માત્ર વરસાદની રાહ જોતું બેસી રહે. વરસાદ નવલખ ધારે તૂટી પડે ત્યારે એ પોતાની ચાંચોને પસારી નાંખે અને વર્ષાના બુંદ-બુંદ ને પોતાના અસ્તિત્વમાં સમાવી લે છે. એમ કહે છે કે ચાતકની પ્યાસ ને કારણે વરસાદ વરસે છે. વરસાદ બીજા કોઈના માટે વરસતો નથી. ચાતકની પ્યાસ જયારે સઘન બની જાય છે ત્યારે વરસાદને વરસવું પડે છે. તમારી પ્યાસ સઘન બની જાય, પ્રભુને વરસવું જ પડે.
એક ભક્તની પાસે તડપન હતી. એ એક સદ્ગુરુ પાસે જાય છે. સદ્ગુરુના ચરણોમાં આળોટે છે. અને કહે છે કે ગુરુદેવ! પ્રભુ જોઈએ.. આ જન્મ માત્ર અને માત્ર પ્રભુ માટે છે મને પ્રભુ આપો. તમને ખ્યાલ છે તમારાં તરફ ખુલતાં કોઈ પણ સદ્ગુરુના કેટલા કાર્યોં? બે જ કાર્યો. સદ્ગુરુનું પોતાના તરફનું કાર્ય તો અલગ છે. એ માત્ર ભીતર ડૂબી જાય છે. પણ તમારા તરફના સદ્ગુરુના બે જ કાર્યો છે. તમને પ્રભુની પ્યાસ નથી જાગી. તો પ્યાસ જગવી દેવી એ સદ્ગુરુનું કાર્ય. અને પ્યાસ જાગેલી છે તો પ્રભુનું મિલન કરાવી આપવું એ સદ્ગુરુનું કાર્ય છે.
Management ના લેવલના કોઈ પણ કાર્યો હોય, અમારો એ વિષય નથી. તમે ઉપધાન કરાવતા હોવ અને મને પૂછવા આવો. સાહેબ ભાઈઓને ક્યાં રાખવા, ને બહેનોને ક્યાં રાખવી ને, નિવી મંડપ ક્યાં રાખવાનો? તો હું કહી દઉં આ મારો વિષય નથી. મારું કાર્ય તો ત્યારે શરૂ થશે જયારે ઉપધાનના આરાધકો ચરવળો અને મુહપત્તિ લઇ અને પ્રભુ સમક્ષ પ્રદક્ષિણા દેશે ત્યારથી મારું કામ શરુ થશે. એ પહેલા મારે કશું જ કરવાનું નથી. એ લોકોને પ્રભુની પ્યાસ જગવી આપવી એ મારું કામ. પ્યાસ જાગી ગઈ હોય તો પ્રભુ આપવા એ મારું કામ. બાકીનું કોઈ કામ મારું નથી.
મૌનસાધના શિબિરો શરૂ કરવાનો વિચાર માટુંગા ચોમાસા પછી કેટલાક ભક્તોને આવ્યો. એમણે મારી પાસે વાત કરી. મેં એમને સ્પષ્ટ કહ્યું કે હું management ના લેવલનો માણસ નથી. એ બધુ જ મેં છોડી દીધું છે. તમારી એટલી તૈયારી હોય કે A to Z તમે કરવાના હોવ. મારે માત્ર સુધર્મા પીઠ ઉપર બેસી અને પ્રવચનો આપવાના હોય તો હું તૈયાર. બાકી management નું એકપણ કામ કરવાનું હોય, હું તૈયાર નથી. તમારી પૂર્ણ તૈયારી હોય તો તમે કરો. હું માત્ર પ્રવચન આપીશ. બાકીનું કોઈ જ કામ મારું નથી. સદ્ગુરુના તમારી તરફ ખુલતાં બે જ કાર્યોં. પ્યાસ જાગી ગઈ છે. જાગી ગઈ..? તો પ્રભુ મિલન કરાવી દઈએ. ખાલી વચ્ચે ‘હું’ નડતો હોય તો ‘હું’ ને લઇ લઈએ…
પેલો ભક્ત ગુરુના ચરણોમાં ગયો, એક જ વાત ગુરુદેવ! પ્રભુ વિના ચાલે એમ નથી. આ વેદનાને આનંદઘનજી ભગવંતે કેવી ઘૂંટી છે? એક પદમાં આનંદઘનજી ભગવંત કહે છે “આનંદઘન બિન પ્રાણ ન રહે છિન, કોટિ જતન કરી લીજીએ”. પ્રભુ કરોડો પ્રયત્નો કરું તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. પ્રભુ જ જોઈએ. એક વાત તમને કહું, પ્રભુ જ જોઈએ આ વાત જ્યારે તમારી પાસે આવશે ને ત્યારે પ્રભુ તમારાથી દુર નહિ જાય. આ જન્મ માત્ર અને માત્ર પ્રભુમિલન માટે જ છે. કેટલા ગુરુદેવ પાસે તમે ગયા? કેટલા ગુરુદેવ પાસે જઈને ચોધાર આંસુએ રડ્યા? કે ગુરુદેવ! જીવન તો વહેવા માંડ્યું છે. કેટલું મારું જીવન છે મને ખબર નથી? શું આ જીવનમાં પરમાત્માના મિલન વગર હું ચાલ્યો જઈશ? શું સમ્યગ્દર્શન વિના હું અહીંથી ચાલ્યો જઈશ? ગુરુદેવ કૃપા કરો. કેટલા સદ્ગુરુઓ પાસે જઈને તમારી વેદનાને તમે પ્રગટ કરી? તીવ્ર વેદના, તીવ્ર વિરહની વેદના; મિલન આ રહ્યું. વિરહની તીવ્ર અવસ્થા અને મિલનનું પ્રારંભ બિંદુ બાજુ-બાજુમાં છે. જે ક્ષણે વિરહની તીવ્ર અવસ્થા આવી જશે, એની બીજીની ક્ષણે પ્રભુનું મિલન થઈ જશે.
પ્રભુ વિના ન ફાવે, ન ગમે, બેચેન રહો એવું બને? તમારાં ઘરે કોક આવે અને તમે આમ સૂનમૂન બેઠેલા હોય ને કોઈ પૂછે શું થયું? ત્યારે આવો જવાબ મળે તમારી પાસેથી, શું પૂછે છે ભાઈ તું, આ જન્મ પ્રભુની પ્રાપ્તિ માટેનો છે, પ્રભુ હજુ સુધી મળ્યા નથી. બેચેન ન હોવ તો શું હોય? તમારી બેચેનીનું કારણ શું? શું કારણ? સંસારમાં ક્યાંક તકલીફ છે એ.
પેલો ભક્ત એની વિરહ વ્યથા તીવ્રતા પર પહોંચી છે. પ્રભુ જોઈએ. એણે ગુરુદેવને કહ્યું ગુરુદેવ! પ્રભુનું મિલન કરાવી આપો. ગુરુ કેવી ટેકનીકથી કામ કરે છે. ગુરુને એટલું જ જોવું છે કે આનો ‘હું’ કેટલું ક્ષીણ થયેલું છે. જો ‘હું’ નષ્ટ થયેલો છે તો પ્રભુ મિલનમાં વાર લાગવાની નથી. ગુરુએ પહેલો સવાલ એને પૂછ્યો, કે તું મારા આશ્રમમાં-ઉપાશ્રયમાં આવ્યો. પુરા નગરને વીંધીને તું આવ્યો. નગરમાં તે શું જોયું? બોલો મુંબઈમાં તમે શું જોવો? મુંબઈને ખરેખર સાધકો કઈ રીતે જુવે? એનો જવાબ આ સાધકના જવાબમાંથી મળે છે. ગુરુ પૂછે છે પુરા નગરને વીંધીને તું આવ્યો, શું જોયું તે નગરમાં? એક જ વાક્યમાં એ કહે છે, ગુરુદેવ! માટીના પુતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું. બરોબર..
એ વખતે મુંબઈ નહોતું પણ આપણે મુંબઈની વાત કરીએ. તમે શું કરો છો? પહેલા કહેલું સંસારમાં છો, આવશ્યક સંપત્તિ જોઈએ. પણ આવશ્યક એટલે કેટલી નક્કી કર્યું? તમારી આવશ્યકતાનો base જ અલગ છે. તમારી આવશ્યકતા એટલે શું? સોસાયટીમાં પહેલા નંબરે હું થઈ જાઉં. આ તમારી આવશ્યકતા. મારું અને મારા પરિવારનું આરામથી જીવન ચાલે એ તમારી આવશ્યકતા હોત ને તો તો તમે પચાસ વર્ષે ફ્રી થઈ ગયા હોત. પણ તમારી આવશ્યકતા બદલાઈ ગઈ. કેમ? સોસાયટીમાં નંબર વન આવવું છે. શાસ્ત્રોએ ત્યાં સુધી કહ્યું કે શ્રાવકની વિચારસરણી એવી ક્યારેય ન જોઈએ કે પૈસા કમાઉ, ખુબ કમાઉ પહેલા અને પછી ધર્મમાં ખર્ચું. સ્પષ્ટ કહ્યું કે તમારાં એવા પૈસાની અમારે જરૂર નથી. એવા તમારાં ઉપધાનની અમારે જરૂરિયાત નથી. એવા સંઘની અમારે જરૂરિયાત નથી. તમારું જીવન પવિત્ર હોય એ અમારા માટે જરૂરી વસ્તુ છે. પાપથી પૈસા કમાયા. અમે ઉપધાનની અને સંઘની હા કેમ પાડીએ છીએ? એ પણ તમને સમજાવું. તમને ચળ ઉપડેલી હોય. તો માણસને ચળ ઉપડે, ખણ ઉપડે એમ પૈસા કમાવવાની ચળ ઉપડી હોય. ખુબ કમાઈ નાંખ્યું, ખુબ ભેગા કરી નાંખ્યા, પછી ગભરામણ થઈ આટલા બધા ભેગા થઈ ગયા! અને અમારી પાસે આવે તો અમે રસ્તો એને બતાવીએ. બાકી કોઈ કહે કે સાહેબ જીવન આરામથી ગુજારું એવી પરિસ્થિતિ છે અને ઉપધાન કરવું છે. હું એને ના પાડું તું તારે ઉપધાનની કોઈ જરૂરિયાત નથી. તું ઉપધાન કરજે ખરો, તારે કરાવવાની કોઈ જરૂરિયાત જ નથી. આવશ્યકતા કેટલી નક્કી કરો? પછી તમને પણ મજા આવશે.
રણની journey હોય ને માણસ થાકી જાય, કેમ કોઈ સ્ટેશન જ નથી. ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. પણ અહિયાં તમારું લક્ષ્ય હોય કે વાલકેશ્વર જવું છે. પહોંચ્યા બસ, મંઝીલ આવી ગઈ. તો પૈસાની અંદર તમારી મંઝીલ કેટલી? કે મંઝીલ રાખી જ નથી. અને media વાળા છે ને બધાના આંકડા ગણાયા કરે. મુકેશ અંબાણીના આટલા ને પેલાના આટલા ને. એટલે આજનો માણસ વિચાર કરે કે ઓહોહો આટલા લાખ કરોડ. આપણે સાલું પાંચ દશ કરોડ છે. આ તો લાખ કરોડ… પછી એની સામે નજર જાય એટલે શું થાય? આપણી journey બહુ લાંબી છે. ભાઈ એ journey કરવા તું આવ્યો છે કે પ્રભુને મેળવવાની યાત્રા કરવા તું આવ્યો છે. તું શા માટે આવ્યો છે?
મેં પહેલા તમને કહેલું કે તમે કરોડપતિ બનો તે તો ઠીક છે એ તો બની ગયા છો. અબજોપતિ બનો કે ખર્વ-નિખર્વ રૂપિયા તમારી પાસે આવે, તમે સંતુષ્ટ થવાના નથી. તમે તૃપ્ત થવાના નથી. કારણ એક જ છે કે અગણિત જન્મોથી પ્રભુને મેળવવાની પ્યાસ લઈને આપણે નીકળેલ છીએ, તમને હજુ પ્યાસ નો પત્તો નથી. પ્યાસ છે પ્રભુ મિલનની તમે પૈસા ભેગા કરવા મંડી પડયા છો. મીઠા પાણીની પ્યાસ હોય મીઠા પાણીથી છીપે, તમે ખારું પાણી પીવા માટે જશો… તો શું થાય? તો જ્યાં સુધી પરમાત્મા નહિ મળે; તૃપ્તિ થવાની નથી. આ બધાને પૂછો. આ white and white ચાદર વાળા બધાને પૂછી જુઓ, કેમ છો, શાતામાં? એ કહેશે પરમશાતામાં. એમના ચહેરા ઉપર તમને તૃપ્તિ દેખાશે. અને આ તૃપ્તિ દેખાયા પછી વિચાર આવ્યો કે સાલું હું ક્યાંક ભુલાવામાં છું. જેની પાસે કાંઈ નથી એ પરમ તૃપ્ત છે અને મારી પાસે આટલા બધા છે ને અતૃપ્ત છું ને તો કાંઈ ગરબડ તો થતી નથી? આવ્યો વિચાર પણ આવ્યો ખરો?
શ્રેણિક મહારાજા ને અનાથી મુનિ ને જોઇને વિચાર આવ્યો કે સાલું કંઇક ગરબડ છે. આ માણસ અનાથીમુનિ રાજકુમાર હતા અને ચહેરા ઉપર રાજ તેજ હતું. દેદીપ્યમાન કાયા, યુવાન વય અને છતાંય ચહેરા ઉપર જે શાંતિ. શ્રેણિક મહારાજને થયું, આમની પાસે બેસવા જેવું છે. તમે કેટલા મહાત્મા પાસે આ રીતે બેઠા? શ્રેણિક મહારાજા સમકિતી બન્યા એની પાછળ મુખ્ય કારણ અનાથી મુનિનો સમાગમ. તો વિચારમાં પડી ગયા શ્રેણિક મહારાજા. આટલી બધી તૃપ્તિ? પૂછ્યું તો ખબર પડી કે નાનકડા રાજ્યના રાજકુમાર હતા. હું તો મગધનો સમ્રાટ છું તો પણ મારી પાસે તૃપ્તિ નથી, એ તૃપ્તિ આમની પાસે છે! અને પાછુ કહે છે મેં તો બધું છોડી દીધું છે. અરે, નાનકડું રાજ્ય હતું એ પણ છોડી દીધું તો પણ આટલી મજામાં. કારણ શું મારે જાણવું છે. એ કારણ શ્રેણિક મહારાજને બહુ મોટી ઉંમરે જાણવા મળ્યું. તમને તો ગળથુંથીમાંથી આ વાત મળી છે. કે આપણા મુનિવરો સુખી હોય કેમ? ત્યાગી છે માટે. અને જ્યાં ત્યાગ ત્યાં સુખ, બરોબરને….? હવે બોલો.. જ્યાં ત્યાગ ત્યાં સુખ. ના એ તો મ.સા. માટે છે. મારાં માટે તો જેમ પૈસા વધારે એમ સુખ વધે. ક્યારેક વિચાર કરો. તરત જ તમારી ભૂલ પકડાઈ જશે.
આખા નગરને વીંધીને આવેલો પેલો ભક્ત એક જ વાક્યની અંદર પુરા નગરની ગતિવિધિની વાત કરે છે કે માટીના પુતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું. આ સાધકનો દ્રષ્ટિકોણ. ગુરુને લાગ્યું કે ઠીક છે, પરના રસમાંથી એ મુક્ત થયેલો છે. કારણ? તમે પરસંગમાંથી મુક્ત હોવ, પરના રસમાંથી મુક્ત હોવ તો જ તમે પરમનો સંગ કરી શકો. એટલે ગુરુને લાગ્યું કે પરના રસમાંથી મુક્ત થયેલો છે. પણ ગુરુને ખ્યાલ હતો કે એક જગ્યાએ માણસ ચુકી જતો હોય છે. ક્યાં ચુકી જાય? પોતાની બાબતમાં. તમે પણ હોશિયાર માણસો છો. કોઈ અહંકારી હોય, તમારા સમાજમાં અને એને મળવાની વાત હોય તમે શું કહી દો. શું જાય એની પાસે? અહંકારનું પુતળું છે સાલું.. વાત કોઈ સંભાળવા તૈયાર હોતો નથી. આમ સાવ નવરો બેઠેલો હોય પણ આપણે જઈએ એટલે કામનો ઢોંગ કરીને બેસી જાય. અહંકારનું પુતળું છે એની જોડે કોણ જાય? એટલે બીજામાં રહેલો અહંકાર તમારે ખ્યાલમાં આવી જાય, બીજામાં ગુસ્સો છે તમને ખ્યાલ આવી જાય. માત્ર તમારામાં હોય ત્યારે જ ખ્યાલ ન આવે! તમારી પ્રબુદ્ધતા થોડી ઓછી પડી. તમારી પ્રબુદ્ધતા દ્વારા તમે બીજામાં અહંકાર છે તે જોઈ લીધો, બીજામાં દ્વેષ છે એ જોઈ લીધો પણ તમારામાં છે એ જોઈ શક્યા નહિ.
એક philosopher બહુ જ સરસ વાત કરી. એણે લખ્યું કે, આજના માણસ પાસે પારસમણી હોય એમ લાગે છે. પારસમણી હોય તો શું થાય? લોઢું સોનામાં ફેરવાઈ જાય. એટલે લોઢા જેવા જે દોષો બીજામાં હોય ત્યારે લોઢા જેવા જ હોય એની પાસે આવે ત્યારે સોના જેવા થઈ જાય, છે ને આવું કંઈક… છે આવો પારસમણી તમારી પાસે કે બીજાનો અહંકાર એને દુર્ગતિમાં લઇ જાય, મારો અહંકાર મને દુર્ગતિમાં લઈ જ ન જાય, છે કોઈ વ્યવસ્થા આવી? છે કોઈ? અહંકાર કોઈની પણ પાસે હોય એ દુર્ગતિમાં લઇ જ જાય.
અધ્યાત્મકલ્પધ્રુમ ના યતિશિક્ષા અધિકારમાં અમારા માટે ફટકા પડેલા છે. એક ફટકો એવો લગાવ્યો મુનિસુંદરસૂરિ મહારાજે કે એક સાધુ હોય, વક્તા હોય. એની સભામાં હજારો લોકો આવતા હોય અને એ અહંકારથી અંદર લુપ્ત હોય. અમે પ્રવચન આપવા માટે સજ્જ ક્યારે ગણાઈએ? લાયક ક્યારે ગણાઈએ? સુધર્મા પીઠ પરથી ઉતરીએ ત્યારે અમારી આંખમાં આંસુ આવે. અને અમારી આંખના આંસુ પ્રભુને કહે કે પ્રભુ! તારી કેવી કૃપા! તારી પાસે અગણિત sound systems હતી અને છતાં તું મારા જેવા નાચીજ માણસ ની sound system થી પ્રગટ થયો! પ્રભુ બોલ્યા. મારે ક્યાં બોલવાનું છે? પણ જે વક્તા, અમારા માટે પણ કહે છે. હજારોની સભામાં બોલે છે અને પોતાના અહંકારને ઉદ્દીપ્ત કરે છે. જેના મનની અંદર, જેના હૃદયમાં સંપૂર્ણતયા પ્રભુની આજ્ઞા ફેલાયેલી નથી એ, વિસ્તરાયેલી નથી, માત્ર લોકસંજ્ઞામાં જ એ ડૂબેલો છે. એ સાધુ કાળધર્મ પામે એની પાલખીમાં હજારો લોકો હોય, એ પાલખીયાત્રા પાછળ ચાલતી હોય અને એ આત્મા, એ સાધુનો આત્મા નરકમાં પહોંચી અને નરકની વેદનાને ભોગવવાનું કામ ચાલુ કરી રહ્યો… અહંકાર અમને પણ છોડતો નથી, તમને ક્યાંથી છોડશે?
એટલે ભગવાને આચારાંગ સૂત્રમાં એક લાલ લીટી દોરીને કહ્યું, “णो लोगस्सेसणं वये” ભગવાનને ખ્યાલ હતો. સંસાર છોડ્યો છે આને, એટલે પદાર્થો પર, વ્યક્તિઓ પર રાગ ઓછો છે એને, રાગ ઓછો હોય તો દ્વેષ પણ ઓછો હોય પણ એના ‘હું’ નું શું? પ્રભુએ પણ અમારા ‘હું’ ની ચિંતા કરી. અને એટલે પ્રભુએ કહ્યું “णो लोगस्सेसणं वये” બેટા તારે લોકસંજ્ઞામાં જવાનું નથી. તારે લોકોને રિઝવવાના નથી. અમારું mission એકદમ સ્પષ્ટ છે. ‘રિઝવવો એક સાંઈ’ એક પ્રભુને રિઝવવા છે.
કેટલાક માણસો આવ્યા, સાહેબ! અમને ગમે એવી વાત કરો ને. ભાઈ તમને ગમે એવું બોલવા માટે અમે અહીં બેઠા નથી. પ્રભુને ગમે એવું જ બોલવા માટે અમે અહી બેઠા છીએ. તમને ગમે તો સ્વીકારો, ન ગમે તો ન સ્વીકારો, એની સાથે અમારે કોઈ સંબંધ નથી. અમે અહિયાં એ જ બોલવાના જે અમારા પ્રભુની આજ્ઞાને સંબંધ છે. તો અમારા ‘હું’ ને તોડવા માટે પણ પ્રભુએ આટલી મહેનત કરી.
પેલા ગુરુ જોવા માંગે છે કે બીજાઓ માટેનો આનો દ્રષ્ટિકોણ બિલકુલ clear છે. એક vision માં clarification આવી ગયું છે. પણ એના પોતાના માટેનું vision કેવું છે? સાધનાના દરેક તબક્કામાં એક સૌથી મોટું અવરોધ છે અને એ છે overestimation નો. overestimation. તમે તમારી સાધના જે પડાવે હોય એના કરતા બહુ આગળના પડાવે માની બેસો છો. જો ખરેખર તમારે સાધના કરવી હોય તો તમારે તળિયેથી શરૂઆત કરવી પડશે. તમને શ્રાવક કહીએ અમે, પણ વ્યવહારની ભાષા છે. પાંચમું ગુણઠાણું સહેલું નથી. સમ્યગ્દર્શન ચોથા ગુણઠાણે એ પણ બહુ જ, બહુ જ ટફ છે. તો શ્રાવકપણું તો એના પછીની વાત છે. ખરેખર સાધના કરવી છે. તો પહેલી દ્રષ્ટિથી વાત ને ઉપાડો. તમારે ત્યાં બારે મહિના ગુરુદેવો પધારતા હોય છે. ગુરુદેવને કહો સાહેબ “યોગ્દ્રષ્ટિ સમુચ્ચય” જેવા ગ્રંથોની વાત અમને કરો. અમારે પહેલા પહેલી દ્રષ્ટિમાં આવી જવું છે. પહેલી દ્રષ્ટિમાં મૈત્રીભાવ આવે અને પહેલી દ્રષ્ટિમાં ગુણાનુરાગ આવે. ચરવળો અને મુહપત્તિ પકડાઈ ગયા, ગુરુની કરુણા છે. અમને પણ ઓઘો મળ્યો, સદ્ગુરુની કરુણા છે. અમારી સજ્જતાને એ વખતે ગુરુએ તપાસી હોત તો કદાચ ઓઘો અમને ન મળત. તમને બધાને રજોહરણ મળ્યું એ તમારી સજ્જતા નથી. યાદ રાખજો. સદ્ગુરુની કરુણા ને કારણે મળ્યું છે. પણ એ સદ્ગુરુની જે કરુણા છે એ કરુણા ને બરાબર વફાદાર રહેવાનું છે. તો ગુણાનુરાગ આવ્યો છે?
કોઈ પણ પંચમહાવ્રતધારી મહાત્મા છે એની નિંદા ક્યારેય પણ નહિ કરવી, કર્યુ છે નક્કી? એ નિંદા સાંભળવી નહિ, કર્યું છે નક્કી? કોઈ વાત કરતુ હોય. પેલા મ.સા. પાસે ગયો. સારી વાત કરે ત્યાં સુધી કાન ખુલ્લાં, સહેજ નબળી વાત આવે તરત કહી દેવાનું, please મારે નિયમ છે કોઈ પણ પંચમહાવ્રતધારી મહાત્માની નિંદા હું સાંભળવા માંગતો નથી. એ નિંદા સાંભળી તમે કરવાના શું? ઉંચી કક્ષાના મહાપુરુષ છે, આચાર્ય ભગવંત છે બની શકે એમને ગુસ્સો આવતો હોય. તો તમે એના ગુસ્સાને જોઇને કરવાના શું? તમે તમારો બચાવ કરવાના. આટલા મોટા જ્ઞાની ગુરુ એમને ગુસ્સો આવે, શિષ્યો ઉપર ગુસ્સે થઈ જાય છે તો આપણને ગુસ્સો આવે એમાં નવાઈ શું? તો કર્યું શું તમે? આ બીજાના દોષો જોઇને તમે કર્યું શું?
તો સાધનામાં સૌથી મોટું ભયસ્થાન overestimation નું છે. કે તમારી સાધનાને તમે બહુ જ ઉંચી કરીને જોઈ છે. અને એટલે જ સદ્ગુરુ પાસે આવો અને પૂછો કે સાહેબ વાસ્તવિક સ્તર ઉપર હું ક્યાં છું? હું જ્યારે યોગદ્રષ્ટિ ગ્રંથ વંચાવું ત્યારે આ બધા સાધુ-સાધ્વીઓ એમની આંખમાં આંસુ આવે છે કે સાહેબજી અમે પહેલી દ્રષ્ટિમાં નથી. છઠ્ઠી દ્રષ્ટિમાં વ્યવહારથી કહેવાઈએ પણ ખરેખર પહેલી દ્રષ્ટિમાં અમે નથી.
ગુરુ જોવા માંગે છે કે આનું પોતાના માટેનું overestimation નથી ને. એટલે ગુરુએ એવું પૂછ્યું કે આ ખંડમાં અત્યારે શું થઈ રહ્યું છે? એ પોતાના માટે શું શબ્દ વાપરે છે એ જોવું છે. એ વખતે એને કહ્યું કે એક માટીનું પુતળું ગુરુની પાસે જ્ઞાન લેવા માટે અહિયાં બેઠું છે. આ એક જ વાક્ય ગુરુએ એને સ્વીકારી લીધો. આ રીતના.
એને એમ કહ્યું હોત એક ભક્ત ગુરુ પાસે બેઠેલો છે. ગુરુ એને reject કરી દેત. તું ભક્ત ક્યાંથી? ભક્તિ એટલે શું ખબર છે? તમને ખબર છે? ભક્તિ એટલે શું? ભક્તિનો એક અર્થ થાય ભાગાકાર. સોળની રકમ ચારથી ભાગો. એક કરણ ઉપર ચાર, બીજા કરણ ઉપર ચાર. સોળની રકમ બની શૂન્ય. સોળની રકમે તમે. એક બાજુ પ્રભુ, એક બાજુ ગુરુ, તમે બન્યા શૂન્ય. જે શૂન્ય બની જાય. ‘હું’ થી શૂન્ય બની જાય એ ભક્ત. અને એને જો કહ્યું હોય કે એક ભક્ત ગુરુ પાસે પ્રભુની વાતો જાણવા માટે બેઠો છે. ગુરુ એને reject કરી દેત. જા ભાગી જા અહીંથી. પણ એણે કહ્યું સાહેબ! એક માટીનું પુતળું ગુરુની પાસે જ્ઞાનની અપેક્ષાએ બેઠું છે. ગુરુએ એને accept કરી દીધો. સ્વીકારી લીધો. કારણ? એનો ‘હું’ શિથિલ બનેલું છે.
એટલે તમારાં માટેનું જે overestimation તમારાં મનમાં છે એ તો પહેલા તબક્કે તમે કાઢી નાંખો. આખા ‘હું’ ને ન છોડો તો વાંધો નહિ પણ પહેલા ‘હું’ માટેનું overestimation છે એને તો કાઢી નાંખો. તમે ‘હું’ ની ઈમારત કયા પાયા ઉપર ચણી છે? પાયો તમારો શું? હું… હું… વજનદાર છે. હું આમ કરું ને હું આમ કરું, પણ ‘હું’ ની ઈમારત એનો પાયો શું? એ તો મને કહો. એક ગંદુ શરીર. ગંદકીથી ઉભરાતું. એક ગંદુ મન, રાગ-દ્વેષથી ઉભરાતું. તમારી પાસે છે શું? પાયો શું છે? આ પાયા ઉપર ઈમારત ખડી કરવાની? હું… પાયા પૂરજો હો ભાઈ… પાયામાં છે જ નહિ કાંઈ. ખાલી કપડાના ડૂચા ભર્યા છે એના ઉપર તારે ઈમારત ઉભી રાખવી છે! એક ‘હું’ આપી દો.
કાલે કહ્યું હતું… આજે તૈયાર થઈને આવ્યા છો ‘હું’ આપવા….
સીધી વાત છે ‘હું’ આપો; પ્રભુ મેળવો..
તૈયાર..?
તૈયાર…?