Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 25

100 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુ દિયો બતાય

કેવી મજાની journey! એક ડગ આપણે ભરીએ અને journey પૂરી! પહેલા જ ડગલે પ્રભુ આપણને બાહોમાં સમાવી લે છે. પણ એ પહેલા ડગલાનું શું? એ પહેલું ડગ કેવી રીતે ભરવું?

ભક્ત તો પ્રભુને કહી દેશે કે મારે કાંઈ જ કરવું નથી; તારે કરવું હોય તો કર! મુજ સરીખા મેવાસીને પ્રભુ! જો તું તારે, તારક તો જાણું ખરો, જૂઠું બિરુદ શું ધારે?! જે સંપૂર્ણતયા પ્રભુના ચરણોમાં ઢળી ગયો – તે ભક્ત.

અસ્તિત્વના સ્તરથી ભક્તની પ્રાર્થના થાય અને પ્રભુ જવાબ આપે જ. પહેલું ડગ તમને ભરાવવા માટે પ્રભુ તમારા સદ્ગુરુ તમને નક્કી કરી આપે અને એ સદ્ગુરુના ચરણોમાં તમને ઝૂકાવી પણ દે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૫

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુના પરમપ્રેમમાં ડૂબી જવું છે. કેવી મજાની journey એક ડગ આપણે ભર્યું; journey પૂરી. પહેલા જ ડગલે પ્રભુ આપણને બાહોમાં સમાઈ લે છે. પણ પહેલા ડગલાનું શું? પહેલું ડગ ગુરુ ભરાવે.

બહુ જ મજાની પ્રસ્તુતિ ભક્તિમતિ મીરાંની છે. મીરાએ કહ્યું, “ઊંચા ઊંચા મહલ પિયા કા મ્હાશું ચડા ન જાય, પિયા દૂર પંથ મારો ઝીણો, સુરત ઝકોરા ખાય” મીરાં કહે છે પ્રભુને મળવું છે. પ્રભુ મિલન એ જ આ જન્મનો એક માત્ર હેતુ છે. પણ પ્રભુને મળવું શી રીતે?

ત્રણ અવરોધોની ચર્ચા મીરાં કરે છે. પિયા દૂર, પંથ મારો ઝીણો, સુરત ઝકોરા ખાય.

પહેલો અવરોધ: પિયા દૂર. પ્રભુ દુર-દુર-દુર છે. સાત રાજલોક દુર. એ પ્રભુને મળવું શી રીતે? ચાલો પ્રભુ મિલનના માર્ગ ઉપર ચાલીએ. તો બીજો અવરોધ એ આવશે. પંથ મારો ઝીણો છે. પ્રભુ મિલનનો માર્ગ બહુ જ અઘરો છે. માર્ગની એ દુર્ગમતાની ચર્ચા આનંદઘનજી ભગવંતે પણ ચૌદમાં સ્તવનના પ્રારંભમાં કરી છે. “ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમાં જિન તણી ચરણ સેવા” તલવારની ધાર પર ચાલવું સહેલું પણ પ્રભુની સેવા કરવી અઘરી, પ્રભુના માર્ગ ઉપર ચાલવું અઘરું. કેમ? કઈ રીતે? એમને કહ્યું, તલવારની ધાર ઉપર તમે ચાલો શું થાય? પગમાંથી લોહીના ફુવારા ઉડે, કદાચ આંગળીઓ તૂટી જાય, પણ પ્રભુના માર્ગ ઉપર તમારે ચાલવું હોય તો તમારે તમારા પુરા ને પુરા ‘હું’ ની તોડફોડ કરવી પડે. તલવારની ધાર પર ચાલવું સહેલું છે. પ્રભુના માર્ગ ઉપર ચાલવું અઘરું છે. અને ત્રીજો અવરોધ બતાવે છે. સુરત ઝકોરા ખાય. માર્ગ દુર્ગમ. અંધારું ઘેરાતું આવતું હોય અને એ વખતે દીપ પણ બુઝાઈ જાય તો? પ્રભુના સ્મરણ નો દીપ લબુક-ઝબુક થઈ રહ્યો છે. પ્રભુ હું તારી પાસે આવું… તો શી રીતે આવું?! “ઊંચા ઊંચા મહલ પિયા કા મ્હાશું ચડા ન જાય, પિયા દૂર પંથ મારો ઝીણો સુરત ઝકોરા ખાય.” પ્રભુએ મીરાંની પ્રાર્થના સાંભળી. તમારી એ સાંભળે હો…

ક્યારેય લાગ્યું કે પ્રભુએ તમારી પ્રાર્થનાનો literally answer આપ્યો હોય. literally. પ્રભુની કોર્ટમાં પ્રશ્નનો બોલ ફેંકી દો, પ્રભુ એનો જવાબ આપે એમ નથી કહેતો, આપે જ. મીરાંના અસ્તિત્વના સ્તરનો આ સવાલ હતો. પ્રભુને મળવું જ છે પણ મળવું તો શી રીતે મળવું? ત્રણ-ત્રણ અવરોધો મારી પાસે છે. પ્રભુ દૂર, એના માર્ગ ઉપર ચાલવું કપરું અને અંધારું ઘેરાઈ વળેલું હોય ત્યારે પ્રભુના સ્મરણનો દીપ લબુક-ઝબુક થઈને બુઝાઈ જાય. હું ચાલુ તો શી રીતે ચાલુ? પ્રભુને મળવું છે પણ શી રીતે મળું? તમારી પણ અસ્તિત્વના સ્તરની પ્રાર્થના હોય, આજે તમને કહું છું, પ્રભુ તમને જવાબ આપે જ.

મીરાંમાં શું થયું? મીરાં એ પોતે મજાની કેફિયત વર્ણવી કે પ્રભુએ શું કહ્યું? “મીરાં કે પ્રભુ ગિરિધર નાગર સદ્ગુરુ દીયો બતાય, જુગન જુગન સે બિછડી મીરાં કો લીની ઘરમેં આય.” પ્રભુએ શું કર્યું? મીરાંને એના સદ્ગુરુ બતાવી દીધા. આ તારા સદ્ગુરુ,  એની પાસે જા. એ બધું જ solution તને આપશે. મીરાંને શ્રદ્ધા હતી. પ્રશ્ન મારો છે એટલે જવાબ એનો જ હોય. એને આપવો જ પડે કેમ ન આપે! તમને વિશ્વાસ છે?

જયવીયરાય સૂત્ર ગણધર ભગવંતે રચેલું છે. તમને શ્રદ્ધા ખરી કે પ્રભુ જ મને સદ્ગુરુ આપે, પ્રભુ જ મને સદ્ગુરુના ચરણોમાં સમર્પિત કરી આપે. ગણધર ભગવંતે જય વીયરાય સૂત્રમાં કહ્યું પ્રભુ સદ્ગુરુ યોગ આપે છે. સુહગુરુ જોગો. આટલા વર્ષોથી જયવીયરાય સૂત્ર બોલો છો. એક તમારી શ્રદ્ધા ખરી કે આજે નહિ તો કાલે પ્રભુનું કામ છે આ મારું કામ નથી. હું મારા ‘હું’ ને ફેંકી ન પણ શકું. તો શું થયું?! પ્રભુની જવાબદારી છે. પ્રભુએ સદ્ગુરુ મને આપવાના છે અને એ સદ્ગુરુના ચરણોમાં મને ઝુકાવવાનો છે. છે આ શ્રદ્ધા તમારી પાસે? ક્યારે અમારી પાસે આવ્યા રડતી આંખે? કે ગુરુદેવ વર્ષોથી પ્રભુને કહું છુ સુહગુરુજોગો… સુહગુરુજોગો… પ્રભુ સદ્ગુરુના ચરણોમાં તું મને ઝુકાવી આપ. કેમ પ્રભુ મને સદ્ગુરુના ચરણોમાં ઝુકાવતા નથી?

મીરાંની પાસે શ્રદ્ધા હતી, પ્રભુની કોર્ટમાં બોલ ઉછાળું, પ્રભુ એનું મઝાનું reaction મને આપવાના જ છે. આ શ્રદ્ધા તમારી હોય; પ્રભુ તમારાં માટેના સદ્ગુરુ નક્કી કરીને તમને આપે અને એ સદ્ગુરુના ચરણોમાં તમને ઝુકાવી દે પ્રભુ. પ્રભુનું કામ છે. પ્રભુ તૈયાર છે. તમે ક્યાં તૈયાર છો! મીરા કે પ્રભુ ગિરિધર નાગર, સદ્ગુરુ દિયો બતાય. પ્રભુએ કહ્યું આ તારા સદ્ગુરુ છે મીરાં, એના ચરણોમાં ઝુકી જા. અને માત્ર સદ્ગુરુ બતાવીને, માત્ર મીરાંને સદ્ગુરુના ચરણોમાં ઝુકાવીને, શું કર્યું પ્રભુએ? મીરાં પોતે કહે છે – “જુગન જુગન સે બિછડી મીરાં કો લીની ઘર મેં આય” જે મીરાં યુગોથી પ્રભુથી વિખુટી પડેલી હતી એને પ્રભુએ પોતાના ઘરમાં લઇ લીધી.

તો પ્રભુએ સદ્ગુરુ બતાવ્યા. મીરાં સદ્ગુરુના ચરણોમાં ઝુકી ગઈ અને કહ્યું ગુરુદેવ પ્રભુને મારે મળવું છે શું કરું? આ ત્રણ-ત્રણ અવરોધ વચ્ચે છે. હવે પહેલું ડગલું ગુરુએ ભરાવવાનું છે. ગુરુએ કહ્યું, તું કહે છે પ્રભુ દૂર, પ્રભુ દુર ક્યાં છે? પ્રભુ તો અંતર્યામી છે. પ્રભુ તો તારા હૃદયમાં છે. પ્રભુ ન હોય તો તું હોઈ ન શકે. તારા અસ્તિત્વમાં પ્રભુ બેઠેલા છે. પ્રભુ દૂર નથી, પ્રભુ તારા હૃદયમાં છે. માનવિજય મ.સા. એ કહ્યું, “સાત રાજ અળગા જઈ બેઠા પણ ભક્તે અમ મનમાંહી પેઠા” આ શ્રદ્ધા માનવિજય મ.સા. ને હતી. પ્રભુ ગમે એટલાં દૂર હોય. સાત રાજલોક દૂર. મારી ભક્તિમાં એ તાકાત છે કે પ્રભુને મારા હૃદયમાં આવવું જ પડે. તમારી ભક્તિમાં પણ એ તાકાત છે. તમે પુકારો અને એ ન આવે એવું બની શકે ખરું?

માઁ રસોડામાં રસોઈ કરતી હોય. નાનકડો દીકરો બેડરૂમમાં છે અને એ આઠ મહિનાનું બાળક રડે એનો અવાજ માઁ ના કાન પર આવે છે. રસોડામાં ઘોંઘાટ છે. આઠ મહિનાના બાળકનો અવાજ કેટલો ક્ષીણ હોય છતાં માઁ ના કાન એને સાંભળી શકે છે. એ માઁ બાળક તરફ કદમ ભરવા જાય. એનો પતિ કહે છે ક્યાં જાય છે? કારણ કે પિતાના કાન પર અવાજ આવતો નથી. એ માઁ છે. જેના કાનમાં પોતાના દીકરાનો, નાનકડા દીકરાનો ક્ષીણ અવાજ પણ સંભળાય છે. પ્રભુ આપણી માઁ છે. તો આપણો અવાજ એને ન સંભળાય? પુકારો.

ગુરુએ કહ્યું, મીરાં પ્રભુ દૂર ક્યાં છે? પ્રભુ તારા હૃદયમાં છે. અને પ્રભુ તારા હૃદયમાં છે પછી માર્ગ અઘરો હોય છે કે સહેલો એની ચિંતા જ ક્યાં રહી? હવે માર્ગ પર ચાલવું જ ક્યાં છે તારે? હવે માર્ગ પર ચાલવું નથી તો અંધારું છે અને દીપક બુઝાઈ ગયો એની પણ ચિંતા ક્યા છે? Solution મળી ગયું, એક ડગ ગુરુએ ભરાવ્યું. પ્રભુએ બાહોમાં લીધી, મીરાં પ્રભુને પામી ગઈ. તમે કેમ ન પામો?!

એક મજાની વાત કરું. છ મહિનાનું બાળક – સાત મહિનાનું બાળક માંદુ પડ્યું છે. માઁ રાત-પરોઢિયા કરે છે. માઁ ના માટે સીધી વાત છે. મારું બાળક છે. એ છ મહિનાના બાળકની સજ્જતા કઈ છે એ તમારાં ખ્યાલમાં છે? છ મહિનાના એ બાળકની સજ્જતા એક જ છે અને એ છે, એની દુનિયા માત્ર માઁ થી છવાયેલી છે. એને ભૂખ લાગી એ માઁ ની સામે જોઇને રડે છે. એના પેટમાં દુખવા આવ્યું એ માઁ ની સામે જોઇને રડે છે. એની પથારી ભીની બની એ માઁ ની સામે જુએ છે. છ મહિનાના બાળકની એક સજ્જતા કઈ? કે એના માટે પૂરી દુનિયા એટલે માઁ. બરોબર.? આપણે પ્રભુ રૂપી માઁ ના બાળક બનવું છે. બરોબર. તો એના માટેની સજ્જતા એક જ. માત્ર અને માત્ર એના સામે જોવાનું. કોઈપણ તકલીફ આવી એને કહી દેવાની.

હિંદુ મહાભારતની એક બહુ જ પ્યારી ઘટના છે. મહાસતિ દ્રૌપદીના વસ્ત્રનું હરણ દુ:શાસન કરી રહ્યો છે, ભર સભાની અંદર. એ વખતે દ્રૌપદી ને થયું કે ભીષ્મ પિતામહ મારા દાદા એ સભામાં બેઠેલા છે એ શું પોતાની દીકરીની લાજ જતી બચાવશે નહિ? નહિ. પણ ભીષ્મ પિતામહ વિચારમાં પડી ગયા કે યુધિષ્ઠિરે જુગારના દાવમાં દ્રૌપદીને મૂકી દીધી અને યુધિષ્ઠિર હારી ગયો છે. શું કરવું? ભીષ્મ પિતામહ નીચી નજર કરીના બેસી ગયા. એ વખતે દ્રૌપદીને થયું મારે પાંચ-પાંચ તો પતિઓ છે. એક-એક પતિ કેટલો સમર્થ. એક ભીમના હાથમાં ગદા આવે હજારો શત્રુ કેમ નથી? ખતમ થઈ જાય. એક અર્જુનના હાથમાં ધનુષ્ય અને બાણ આવે, લાખો માણસો ખતમ થઈ શકે છે. એવા સમર્થ પાંચ-પાંચ પતિઓ મારા છે. એ લોકો પોતાની પત્નીની લાજ જતી નહિ બચાવે? પણ ભીમ અને અર્જુન મોઢું નીચું કરીને બેસી ગયા; મોટા ભાઈ હારી ગયા, અમે શું કરીએ?

એ વખતે દ્રૌપદીને થયું કે ચાલો કોઈ નહિ આટલી મોટી સભા છે કોઈ તો માઈનો લાલ આવશે. મહાભારતકાર લખે છે આખી સભા સ્તબ્ધ બની ગઈ છે. ચિતરાયેલી હોય એવી. કોઈને સૂઝતું નથી, શું કરી શકાય? પણ એ વખતે દ્રૌપદીને થયું. છેલ્લી લડાઈ છે મારે મારા બળબુતા ઉપર એ લડાઈને ખેલી લેવી છે. અને એણે સાડીનો ડૂચો હાથમાં લગાવ્યો, મોઢામાં લગાવ્યો. એક દુ:શાસન નો આંચકો આવ્યો, સાડીનો છેડો નીકળી ગયો મોઢામાંથી. બીજો આંચકો હાથમાંથી નીકળી જવાની તૈયારી છે. એ વખતે દ્રૌપદી પ્રભુને યાદ કરે છે. પ્રભુ મારી વારે આવો. પરમ ચેતના સક્રિય બને છે. પછીની વાત આપણા ખ્યાલમાં છે. દુ:શાસન. જેણે સાડી ખેંચવી હતી એને બે હાથ છે. પુરનારને હજારો હાથ છે. દ્રૌપદીની લાજ રહી ગઈ.

પણ એના અનુસંધાનમાં એક બહુ પ્યારી લોકકથા આવે છે. આના જ અનુસંધાનમાં. નારદજી વેશપલટો કરી એકવાર ફરવા નીકળ્યા છે. સારું થયું વેશપલટો કરીને નીકળ્યા છે. એક ગામમાં ગયા, બપોરનો ટાઇમ એક માજી ઓટલા ઉપર બેઠેલા. જોયું, અજાણ્યો માણસ છે. અરે ભાઈ આવ આવ અંદર જમવાનો ટાઇમ છે જમી લે. જમાડ્યો. માજી ઘરમાં એકલા. લગભગ ૭૫ થી ૮૦ વરસની ઉંમર. અને દિવાનખંડમાં ત્રણ તલવાર ખૂલી લટકે મ્યાન વગર.

નારદઋષિએ પૂછ્યું, માઁ આ તલવાર કોના માટે રાખી છે?  એટલે માઁ એ કહ્યું, ત્રણ જણા માટે ત્રણ તલવાર રાખી છે. આવે એટલે ડોકું ઉડાડી દઉં. એંસી વર્ષની ઉંમર. પણ કોણ-કોણ? પહેલો તો અર્જુન કહે છે. અર્જુને શું કર્યું? અર્જુને શું કર્યું એમ તું પૂછે છે? મારા કૃષ્ણ ભગવાન એમને ઘોડા હાંકવા માટે રાખ્યા છે. રથનો સારથી બનાવીને, કેમ મારા ભગવાન તારા ઘોડા હાંકે! અર્જુન આવે એટલી વાર છે. પહેલી તલવારથી એનું માથું ઉડાડી દઉં. સારું, બીજી તલવાર કોના માટે? એ પેલી દ્રૌપદી માટે. અરે! દ્રૌપદી તો મહાસતિ હતી, મહાભક્ત હતી. શેની ભગત! એને વળી ભક્તિનું પુંછડું કહેવાતું હશે? માઁ કહે છે. કેમ? મારા ભગવાનને છેલ્લે યાદ કેમ કર્યા? પહેલા એના ભીષ્મ પિતામહ ને યાદ કર્યા, પછી એના પતિઓને યાદ કર્યા, પછી સભામાં બેઠેલા માણસોને યાદ કર્યા. છેલ્લે પોતા ઉપર આવી. પોતાનાથી ના થયું ત્યારે ભગવાનને યાદ કર્યા. મારા ભગવાનનું આટલું અપમાન?  છેલ્લે યાદ કર્યા એ દ્રૌપદી આવે એટલે એક તલવારથી એનું માથું ઉડાડી દઉં. સારું, માઁ આ ત્રીજી તલવાર કોના માટે છે? એ પેલા નારદ માટે છે. નારદ કહે મરી ગયા. પણ વેશપલટો કરીને આવ્યા હતા નારદ એટલે વાંધો નહોતો. માજીએ ઓળખ્યા નહોતા, માઁ નારદે તમારું શું બગાડ્યું? અરે, શું બગાડ્યું એમ પૂછે છે. મારા ભગવાનને ઊંઘવા જ નથી દેતો કે છે. રાત્રે-પરોઢિયે ગમે ત્યારે પહોંચે, ભગવાન આનું શું? ભગવાન આનુ શું? અરે, ભગવાનને જપવા તો દે પણ. માજી પાસે જ્ઞાન નહોતું. ભક્તિ કેવી  હતી! મારા ભગવાન!

હું ઘણી વાર કહું છું. પંડિત કરતા ભક્ત જલ્દી તરી જાય છે. પંડિત પાસે થોડું પણ અહંકાર હોય છે. હું જાણું છું! ભક્ત એ છે જેણે અહંકારને સંપૂર્ણતયા પ્રભુના ચરણોમાં મૂકી દીધો. એટલે આપણે ત્યાં બે શબ્દો આવ્યા. ભક્ત અને સાધક. ભક્તિ અને સાધના. ભક્તિ કરે તે ભક્ત. સાધના કરે તે સાધક. સાધક કોણ? જેની પાસે એવી માન્યતા છે કે ૯૯% પ્રભુ જ બધું કરવાના છે ૧% પ્રતિશત હું કરું. થોડુક હું ચાલુ થોડીક હું સાધના કરું. આવું જે માને એ સાધક. અને જે સંપૂર્ણતયા પ્રભુના ચરણોમાં ઢળી ગયો તે ભક્ત. એ કહેશે મારે કાંઈ જ કરવું નથી. તારે કરવું હોય તો કર, નહી તો સંસારમાં બેઠો રહે.

એવા એક ભક્તે ગાયું “મુજ સરિખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો જુઠું બિરુદ શું ધારે”. ભગવાન તે રેવતીજી ને તાર્યા, સુલસાજી ને તાર્યા. એ તો તરે એવા જ હતા તો તે શું કર્યું? મારા જેવા પથ્થર ને તું તારે તો હું માનું કે ખરેખરો તું તારક છે. ભક્ત કહે છે. મારે કશું જ કરવાનું નથી એને જે કરવું હોય એ કરે.

માઁ અને દીકરો ક્યાંક ગયા. માઁ એ કહ્યું બેટા! ચાલો હવે આપણે નીકળીએ. માઁ એ આમ આંગળી બતાવી. બચ્ચાને ચાલવું નથી. એ કહે છે કે આમ. ઉપાડ.. મને ઉંચકવો હોય તો ઊંચક નહીતર અહીં બેઠો છું. આ ભક્ત. આપણે સાધક હોઈએ તો વાંધો નથી, ભક્ત હોઈએ તો ય વાંધો નથી.

ગઈકાલે આપણે એક કથા જોયેલી હમણાંની બનેલી જ ઘટના છે આ. કે પ્રવૃતિમાં રચ્યો-પચ્યો રહેલો સમાજનો અગ્રણી એક સદ્ગુરુની ઉર્જામાં બેસે. એ ઉર્જા એને એવી ગમી જાય એને લાગે જો મને આ ઉર્જામાં રહેવાનું મને મળે તો મારું કલ્યાણ થઈ જાય. મારે કશું જ કરવું ન પડે. આ સદ્ગુરુની ઉર્જા મને ઊંચકી લે. અને એણે ગુરુદેવને કહ્યું સાહેબ! તમે જો મારા ગુરુ બનતા હોવ તો મારે દીક્ષા લેવી છે. ગુરુએ હા પાડી, લોકો બધા સ્તબ્ધ થઈ ગયા. આ માણસ, પંચાવન વરસની વયે સમાજનો અગ્રણી, પૂરી જ્ઞાતિનો અગ્રણી, દીક્ષા લેવા નીકળ્યો છે? એની દીક્ષા થઇ. દીક્ષા વખતે ગુરુએ બહુ મજાનું નામ આપ્યું.

તમે આખી દીક્ષાની વિધિ ઘણીવાર જોઈ છે. પણ એના રહસ્યો તમારાં ખ્યાલમાં નથી. મુંડન નૂતન દીક્ષિતનું થયેલું હોય. લોચની વેળા આવે ત્યારે દીકરો હોય તો આચાર્ય ભગવંત પોતે પોતાના હસ્તે બ્રહ્મરંદ્રમાંથી વાળોને ખેંચે. તમારાં શરીરના બે મહત્વપૂર્ણ portion છે. આત્મતત્વની વાત તો હવે સમજશો. પણ તમારાં શરીરને સમજો. તમારાં શરીરના બે મહત્વપૂર્ણ  પોરશન. એક છે કરોડરજ્જુ. જેને અમારી યૌગિક ભાષામાં અમે મેરુદંડ કહીએ છીએ. મેરુ ક્યારેય ઝુકે નહિ, એમ આ કરોડરજ્જુ ક્યારેય ઝુકવી ન જોઈએ. આમ નહિ બેસવાનું ક્યારેય પણ, આમ જ બેસવાનું. યોગશાસ્ત્રમાં ઘણા બધા postures – આસનો આપ્યા છે. સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસન. પગની સ્થિતિમાં ફેરફાર થાય.અહિયાં કોઈ OPTION નથી. અહીં તો કરોડરજ્જુ ટટ્ટાર જ જોઈએ. કારણ? ગઈકાલે કહ્યું હતું એમ. કુંડલીની શક્તિ જયારે મૂલાધારમાંથી ઉપર જાય છે. ત્યારે પાછળથી કરોડરજ્જુમાં થઈ અને ઉપર જાય છે. એટલે કરોડરજ્જુ તમારું ટટ્ટાર જોઈએ.

બીજુ તમારાં શરીરનો મહત્વપૂર્ણ portion છે- ચોટીનો ભાગ. પહેલાના શ્રાવકો છે ને ચોટી રાખતાં. અને વિધિકારકો ને તો ચોટી રાખવી જ પડે. એવું શાસ્ત્રોમાં કહ્યું છે. ચોટીને હું એન્ટેના કે એરિઅલ કહું છું. વૈશ્વિક ચેતનાને, પરમ ચેતનાને ખેંચવા માટે એ ચોટલી હતી એ એન્ટેના નું કામ કરતી હતી. એ ચોટલીની નીચેનો ભાગ એ બ્રહ્મરંદ્ર. એને કહેવાય છે બ્રહ્મરંદ્ર. બ્રહ્મ એટલે પરમાત્મા, ભગવાન. અને એમના માટેનું દ્વાર એટલે બ્રહ્મરંદ્ર. એક હિંદુ ફિલોસોફરે બહુ મજાની વાત લખેલી કે ભગવાને માણસને તો બનાવી દીધો. પછી ભગવાનને થયું કે મારો બનાવેલો માણસ મને પ્રવેશવા માટે જગ્યા રાખશે કે નહિ રાખે? એટલે ભગવાને પોતાના માટે special door અહીં આગળ મુક્યું.

તો સદ્ગુરુ એ કેશલૂંચનની વિધિ વખતે એ બ્રહ્મરંદ્રને ખુલ્લુ કરે છે. અને એ બ્રહ્મરંદ્ર ને ખુલ્લુ કર્યા પછી જ કરેમિ ભંતે આપે છે. એટલે કરેમિ ભંતે એ માત્ર કાનથી લેવાની વસ્તુ નથી. પુરા અસ્તિત્વથી એને સ્વીકારવાની વાત છે. એ જે બ્રહ્મરંદ્ર છે એની નીચે સહસ્ત્રાર છે. હજાર પાંખડી વાળું કમળ. જે જન્મો જન્મોથી મૂરઝાયેલું, બીડાયેલું પડેલું છે. એ ત્રણ રીતે ખીલે છે. કુંડલીની શક્તિ મૂલાધાર માંથી ઉપર જાય અને એ કમળ ખીલે, ગુરુનો આશીર્વાદ મળે અને એ કમળ ખીલે, અને ત્રીજી વાત એ હતી કે ગુરુ મંત્રદીક્ષા આપે અને એ સહસ્ત્રાર ખીલે. મંત્ર દીક્ષાની વિધિ એવી હતી કે આઠ વર્ષે તમે તમારાં દીકરાને તમે ગુરુ પાસે લાવો. કે છ વર્ષે લાવો. ગુરુ એના કાનમાં મંત્ર આપે. નમસ્કાર મહામંત્ર. ગુરુ આપે ત્યારે શું થાય? એ કાનમાંથી બીજા કાનમાં ન જાય. એ કાનમાંથી સીધું ઉપર જાય. એક ખટાકો બોલે અને સહસ્ત્રાર ખૂલી જાય.

એટલે જ પંચકલ્યાણક પૂજામાં કમઠ અને પાર્શ્વનાથ પ્રભુના સંવાદમાં એક પંક્તિ આવી “તેરા ગુરુ કોન હૈ બડા, ક્યાં કાન ફૂંકાયા”. ક્યાં ગુરુ પાસે તે કાન ફૂંકાયો છે. એટલે ગુરુ તમારાં કાનમાં મંત્ર ફૂંકે અને આ વિધિ તમે સૂરિમંત્ર આપતી વખતે જોઈ હશે. ગુરુ શિષ્યના કાન પાસે મુખ લઇ જાય અને મંત્ર જે છે એને ફૂંકે. તો એ મંત્ર સીધો ઉપર જાય અને સહસ્ત્રાર ખૂલી જાય.

તો દીક્ષાની વિધિમાં લૂંચન, પછી કરેમિ ભંતે, અને પછી નામન્યાસ. શિષ્યનું નામ ગુરુ આપે એ શક્તિપાત છે. ષોડશકમાં હરીભદ્રસૂરિ મહારાજે લખ્યું, નામન્યાસ એવ શક્તિપાત:. ગમે એવો ક્રોધનો અવતાર હોય. દુર્વાશા મુનિ જેવો. ગુરુને યોગ્ય લાગી ગયો. દીક્ષા આપી. નામ આપ્યું પ્રશમરતિવિજય. પછી ક્રોધ કરે? તાકાત છે એની કરી શકે? ગુરુએ અહીંયા આ જ કામ કર્યું. એને નામ આપ્યું. નિવૃત્તિનાથ. એક જ ઝાટકે બધી પ્રવૃત્તિઓનો રસ ઉડાડી દીધો. એ નિવૃત્તિનાથ આશ્રમમાં બેઠેલા. સંપૂર્ણ મૌનમાં આવી ગયા, પહેલા જ દિવસે. બોર્ડ લગાવી દીધું પોતાની જગ્યા પાસે હું સંપૂર્ણ મૌનમાં છું કોઈએ મારી પાસે આવી વાત કરવાની નહિ. બે દિવસ થયા. ગુરુને થોડાક દિવસો ત્યાં રોકાવાનું હતું. ગુરુની કેવી કરુણા? ગુરુને થયું. બે દિવસ, ચાર દિવસ બરોબર છે. કદાચ વધારે રોકાવાનું થાય અને આ માણસ પાછો માયામાં લપેટાઈ જાય તો? એને દુર ઊંચકીને ફેંકી દઈએ. ગુરુએ એને બોલાવ્યો. નિવૃત્તિનાથ અહીં આવો. એક વૃદ્ધ મુનિની સેવા માટે તમારે ત્યાં જવાનું છે. પેલા ગામ. તહત્તિ ગુરુદેવ. હવે એને ખ્યાલ આવી ગયો કે ગુરુની આજ્ઞાથી ગમે તેટલો દૂર જાઉં, ગુરુની ઉર્જા મારી જોડે જ છે.

ભૌગોલિક રૂપે, ભૌતિક રૂપે તમે ગુરુથી ગમે તેટલા દુર હોય કોઈ ચિંતા નથી. તમે ગુરુની આજ્ઞામાં છો. તમે નજીક જ છો. સાહેબ ક્યારે જવાનું? સવારે જવાનું. સવારે એવા ગામમાં મોકલે છે કે જે એમની જ્ઞાતિનું ગામ નથી. કોઈ આ મહારાજને ઓળખતું નથી. ત્યાં ગયા. એવું ગામ. લોકો ભક્તિવાળા પણ કોઈ મઠમાં આવે બાવે નહી. કારણ કે એક જ સંત હતા એટલે વ્યાખ્યાન આપતા નહિ. આ નવા મહારાજને વ્યાખ્યાન આપવાનું હતું નહી. ગોચરી જઈ આવે, ભિક્ષા લઇ આવે બાકી કોઈ મઠમાં આવે કે જાય? એવું એકાંત મળ્યું.

ધીરે ધીરે ધીરે નિવૃત્તિનાથ અંદર ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા. પહેલા દર પંદર દિવસે એક ચિઠ્ઠી ગુરુને લખતા. પોતાનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો એ ભૂલની વાતો, પોતાની સાધનની વાતો. કારણ? ગુરુને બધુ જ જણાવવું જોઈએ. તો દર પંદર દિવસે કાગળ આવતો. ખાલી ત્રણ મહિના થયા. અને એક દિવસ એવી અનોખી ઘટના ઘટી. ગુરુ પણ રાજી થઈ ગયા એવું બન્યું ત્રણેક મહિના પછી. એક પત્ર આવ્યો ગુરુ ઉપર. સમજજો પત્ર આવેલો. ઉપર લખેલું. શ્રીગુરુ ચરણેશું. અક્ષર પરથી ગુરુને ખ્યાલ આવી ગયો કે આ નિવૃત્તિનાથનો પત્ર છે. પરબીડિયું ગુરુએ ખોલ્યું. આખો કાગળ કોરો. TOTALLY BLANK. ગુરુ રાજી થઈ ગયા. નિવૃત્તિનાથ સાચો નિવૃત્તિનાથ આજે બની ગયો કહે છે. હવે એ એટલો અંદર જતો રહ્યો છે કે એને બહાર આવવાનું કોઈ પ્રયોજન રહ્યું નથી. એ કોરો કાગળ હાથમાં હતો. ગુરુને એટલો આનંદ થયો કે વાહ મેં તો ખાલી સામાન્ય મહેનત કરી છે. પણ આ જીવનું ઉપાદાન કેવું કે આ માણસ આટલો ઊંડો ઉતરી ગયો?!

આપણે ત્યાં બે શબ્દો છે. નિમિત્ત અને ઉપાદાન. કેટલી મજાની આપણી પરંપરા છે. હું પ્રવચન આપું છું. તમે સાંભળો છો. હું જયારે આપું છું ત્યારે હું મારા નિમિત્તો ઉપર ક્યારેય પણ પ્રાધાન્ય નહિ આપું. હું તો એમ જ કહીશ પ્રભુની આજ્ઞા છે, હું સ્વાધ્યાય કરું છું. અને તમારામાં સુધારો દેખાશે ત્યારે તમારાં ઉપાદાનને હું credit આપીશ. કે વાહ! એનું ઉપાદાન એટલું નિર્મળ, એનું હૃદય એટલું નિર્મળ કે પ્રભુની વાણી એણે ઝીલી લીધી. પણ સામે શ્રોતા જે છે એ નિમિત્ત ને પ્રાધાન્ય આપશે. એ કહેશે કે વાહ! સદ્ગુરુએ એક કલાક મને આપ્યો? મારા જેવા માણસને આવા મોટા સદ્ગુરુ એ આટલો બધો સમય આપ્યો ખરેખર હું ગુરુનો ઋણી છું. આ આપણી શ્વેતાંબરીય પરંપરા છે.

કેટલીક નિશ્ચયાભાસવાળી પરંપરા છે એમાં એ લોકો નિમિત્ત ને ઉડાડી નાંખે છે કે નિમિત્ત ની કોઈ જરૂરીયાત જ નથી. ન મૂર્તિ, ન પૂજા ન કાંઈ નહિ. પણ આપણી પરંપરા એટલી મજાની છે કે જ્યાં નિમિત્ત અને ઉપાદાન બેઉને અરસ-પરસ પ્રાધાન્ય છે.

તો ગુરુ જ્યારે માને કે એનું ઉપાદાન નિર્મળ હતું અને એને પ્રભુની વાત ઝીલી લીધી. ત્યારે પ્રવચનકારને ક્યારેય પણ અહંકાર નહિ આવે. અને શ્રોતા જયારે માનશે કે સદ્ગુરુએ એમનો કીમતી સમય મને આપ્યો ત્યારે એનું ઉપાદાન ઓર નિર્મળ થશે. એની આંખોમાંથી આંસુ વહેશે. અને એના આંસુ એના ઉપાદાનને વધુ નિર્મળ બનાવશે. તો બહુ જ મજાની પરંપરા આપણને મળી છે એ પરંપરામાં ડૂબીએ અને પ્રભુના પરમપ્રેમ સુધી પહોંચીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *