Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 26

82 Views
27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુની techniques

અત્યાર સુધીની આપણી અતીતની યાત્રામાં ભૌતિક દુનિયાની અંદર આપણે અગણિત પગલાંઓની દોટ મારી પણ પ્રભુની તરફ એક ડગલું ન ભર્યા, તો ન જ ભર્યા. એ દિશામાં પહેલું ડગ આપણને સદ્ગુરુ ભરાવે.

સદ્ગુરુ ચાર રીતે આપણને પહેલું ડગ ભરાવે છે. ગુરુ શબ્દ દ્વારા કામ કરે, શરીરની નાનકડી ચેષ્ટાઓ દ્વારા કામ કરે, ચહેરા પરના હાવભાવ વડે કામ કરે અને છેલ્લે પોતાની ઊર્જા વડે પણ કામ કરે.

શબ્દો દ્વારા સદ્ગુરુએ તમારા અહંકારને ખંખેરવા ઘણી મહેનત કરી. તમે અહોભાવની ધારામાં વહ્યા અને થોડી વાર માટે તમે સદ્ગુરુને અહંકાર આપી પણ દીધો. પણ જ્યાં બહાર ગયા – ઑરા ફિલ્ડની બહાર – પાછા તમે અહંકારી થઇ ગયા!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૬

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુના પરમપ્રેમમાં આનંઘનજી ભગવંત ડૂબી ગયા, અને એ સદ્ગુરુની ઈચ્છા છે કે આપણે બધા પણ પ્રભુના પરમ પ્રેમમાં ડૂબી જઈએ. બહુ જ સરળ તો જલ્દી છે, એક ડગલું ચાલો; પ્રભુ તમને બાહોમાં સમાવી લે. એક ડગલું પણ સદ્ગુરુ આપણને ભરાવે. આપણે તો બેઠેલા જ છીએ અનંતા જન્મોથી… સદ્ગુરુ આપણને પરમપ્રેમ માટે લાલાયિત કરે, પરમપ્રેમની તડપન આપણી ભીતર ઉભી કરે, એક ડગ આગળ ભરાવે, અહંકારને ખંખેરવો હોય તો ગુરુ ખંખેરી નાંખે. રાગ અને દ્વેષને ખંખેરવા છે તો સદ્ગુરુ ખંખેરી નાંખે, પણ એક ડગલુ ભરાવે જ.

બહુ પ્યારી વાત કરું, સદ્ગુરુ ચાર રીતે આપણને પહેલું ડગ ભરાવે છે. કેવી કરુણા, આ નહિ તો આ, આ નહિ તો આ… કોઈ પણ technic અજમાવો, પણ એક ડગલું તો આને ભરાવો જ. ગુરુ શબ્દ દ્વારા ય કામ કરે, શરીરની એ નાનકડી ચેષ્ટાઓ દ્વારા એ કામ કરે, ચહેરા પરના હાવભાવ મળે એ કામ કરે અને છેલ્લે પોતાની ઉર્જા વડે પણ એ કામ કરે. કોઈ પણ technic ગુરુને વાંધો નથી. ગુરુને કામ કરવું છે, આપણે નથી કરવું… આ વખતે મારી સામે છો, આમ તો સામે નહિ ને, સાથે ને…? બેઠા છો ભલે સામે, પણ આમ તો મારી સાથે ને… તમે મારી સાથે આવી જાવ, મારું કામ શરૂ અને પૂરું… એક ડગ તમને ભરાવી દઉં…

પણ અત્યાર સુધીની આપણી અતિતની યાત્રાની વાત એક જ છે કે સદ્ગુરુને આ કામ કરાવવું હતું, આપણે કરવું જ નહોતું, અને એથી ભૌતિક દુનિયાની અંદર આપણે અગણિત પગલાંઓની દોટ મારી, પ્રભુની તરફ એક ડગલું ન ભર્યા તો ન જ ભર્યા. સદ્ગુરુએ ગમે એટલું કર્યું તો પણ એક ડગલું નહિ ભરાયું. આ જનમમાં નક્કી છે ને હવે…? હવે સદ્ગુરુને રાહ જોવડાવવાની નથી બરોબર ને..? અગણિત જન્મોથી સદ્ગુરુ તમારી રાહ જોઈ રહ્યા છે, dual action કરી રહ્યા છે, તમને સમજાવે, પટાવે, મનાવે, કે ભઈલા ખાલી એક ડગ ભરવાનું છે, પછી ની journey તો પ્રભુ કરાવશે, અને પ્રભુના પરમપ્રેમમાં તું ડૂબી જઈ શકે, અગણિત જન્મોથી ગુરુ ચેતનાએ આપણા ઉપર આ કામ કર્યું. આપણે ગુરુ ચેતનાને હાથ નહિ આપ્યો. આ જન્મમાં તમારો હાથ ગુરુ ચેતનાને આપી દો. કે સાહેબ! જે તમારી ઈચ્છા હું તૈયાર છું. શબ્દ દ્વારા ગુરુ તમારા અહંકારની રજને ખેરવી નાંખે, રાગ અને દ્વેષની રજને ઠેરવી નાંખે, એક ડગ પ્રભુની દિશામાં ભરાય તમારી journey પુરી.

પરંપરાએ એક મજાની કથા છે, બાયજિદ નામના એક યોગી હતા, યોગી પણ માત્ર બાહ્ય યોગી, આંતર યોગી નહિ, મંત્ર અને તંત્રની સિદ્ધિ ઘણી બધી એમની પાસે હતી, પણ એ સિદ્ધિને કારણે અહંકાર પણ એટલો જ પેદા થયેલો.

કલાપૂર્ણસૂરિ દાદાને પાલીતાણાના ચોમાસામાં પીધેલા, મન ભરીને પીધેલા, દાદા એક વાત ખાસ કહેતાં, કે તમે લોકો યોગ સાધના કરો કે ધ્યાન સાધના કરો, નિર્મલ હૃદય જો તમારી પાસે નથી તો તમારી પાસે માત્ર પ્રાણાયામની ક્રિયા છે. માત્ર તમે શ્વાસને બહાર ફેંકો છો, અને લો છો. જ્યાં સુધી નિર્મલ હૃદય તમારી પાસે નથી, ત્યાં સુધી નથી યોગ તમારી પાસે, નથી ધ્યાન તમારી પાસે…

આજના ઘણા બધા મહાપુરુષો અપાર શક્તિ આપનારા… એ કલાપૂર્ણસૂરિ દાદા હતા, એ જયઘોષસૂરિ દાદા હતા…. કે બીજા દાદા હતા… એ દાદાની પાસે જઈએ કોઈ પણ આપણે સમસ્યાની વાત કરીએ, ખાલી આશીર્વાદ આપે જા, સારું થઇ જશે. સારું થઇ જ જાય, પણ એની પાછળનું બળ એ મહાપુરુષનું નિર્મળ હૃદયનું છે. એક નિર્મળ હૃદય એ મોટામાં મોટી સાધના છે, ઉત્તરાધ્યયનસૂત્રમાં તો પ્રભુએ પોતે કહ્યું કે જો તારું હૃદય નિર્મળ છે, તો હું તારા હૃદયમાં આવવા તૈયાર છું. તમે એક ડગલું ના ભરો તો પણ, નિર્મળ હૃદય આવ્યું એટલે એક ડગ ભરાઈ ગયું… પ્રભુ જેવા પ્રભુ કહે છે કે જો તારી પાસે નિર્મળ હૃદય છે, તો હું તારા હ્રદયમાં આવી જઈશ. પ્રભુનો call, પરમચેતનાનું વચન.

તો બાયજિદ યોગી હતા, મંત્ર અને તંત્રની સિદ્ધિ એમની પાસે હતી પણ અહંકાર ઘણો બધો… એકવાર એવું બને છે એ જંગલમાંથી પસાર થઇ રહ્યા છે, એ વખતે એ જંગલમાં એક વૃક્ષ નીચે એક યોગિની બેઠેલા હતા, એ એકદમ નિર્મળ હૃદયની સાધ્વીજી… અત્યંત નિર્મળ હૃદય એમની પાસે છે. અને સિદ્ધિઓ પણ અપાર છે. બાયજિત ને ખાલી જતાં જોયા, જોતાંની સાથે જોઈ લીધું કે અહંકારી માણસ છે. સિદ્ધિ ઘણી છે એની પાસે પણ અહંકારી માણસ છે, ગુરુની કરુણા મુખરિત બની અને યોગિનીને થયું લાવ આજે આના અહંકારને ખંખેરી નાંખું…

તમારા ઉપર ઘણી બધી ગુરુ ચેતનાઓએ આવું કામ કર્યું છે. પણ તમે મોકો જ નથી આપ્યો ને… “ગુરુ મોહે મારે શબ્દકી લાઠી” એ તો ભલે ને લાકડી મારે, બનિયાન, શર્ટ, સ્વેટર, કોટ, બ્લેન્કેટ બધું ઠઠાયેલું છે, ગુરુની લાકડી પડે તો બ્લેન્કેટ પર… મને શું…

એ યોગિનીએ બાયજિત ને જતાં જોયા, બૂમ મારી, બાયજિદ અહીં આવ, નામ ઉપાડ્યું, નામ પોતાની સિદ્ધિથી જાણી ગયા, પહેલી જ વાર મળે છે, બાયજિદ અહીં આવ… પેલો અહંકારી માણસ અને આ બાઈ સાવ સાદી લાગતી હતી… કોઈ પણ સદ્ગુરુને તમે એની આંખમાં ન ઝાંકો ત્યાં સુધી ઓળખાણ પડતી નથી. આંખથી આંખ મિલાવો ત્યારે ખબર પડે કે સદ્ગુરુ કેટલે ઊંડે ઉતરેલા છે, બાકી તો શરીર તમારા જેવું જ છે. બાયજિદ અહંકારી માણસ. એમ કોઈ કહે ને જાય…! પણ એ યોગિનીનું આજ્ઞાચક્ર એટલું સતેજ હતું, કે બાયજિદને ખેંચાઈને આવવું પડ્યું. ગારુડીક મંત્ર બોલે, સાપને ખેંચાઈને આવવું પડે એમ બાયજિદને ખેંચાઈને આવવું પડ્યું.

આપણે ત્યાં ભારતીય ગુરુ પરંપરામાં બે જાતના સદ્ગુરુઓ થયા. એક  સદ્ગુરુઓ એવા થયા કે જેમણે પોતાના આજ્ઞાચક્રને સતેજ બનાવ્યું. અને બીજી કક્ષાના સદ્ગુરુઓ રહ્યા જેમણે આજ્ઞાચક્રને સતેજ નહિ બનાવ્યું કિન્તુ સહસ્રારને સતેજ બનાવ્યું. જે ગુરુઓને શિષ્યો ઉપર કામ કરવાનું હતું, 50-100 શિષ્યોને ભેગા કર્યા, યોગક્ષેમ કરવું એ ગુરુની ફરજ છે. કોઈ પણ શિષ્ય ગુરુ સ્વીકારે પછી એનું યોગ અને ક્ષેમ કરવું એ ગુરુની ફરજ છે. હા, શિષ્ય સમર્પિત હોય તો, નહીતર સદ્ગુરુ યોગ અને ક્ષેમ કરશે છતાં શિષ્ય એને ઝીલી નહિ શકે.

તમે દીક્ષા ઘણીવાર લીધેલી છે, યાદ આવે છે આમ….? દીક્ષા લીધેલી યાદ આવે…? તમે પણ આવા શિષ્ય હતા કે શિષ્યા બની ગયેલા અને સદ્ગુરુઓએ તમારા ઉપર યોગ અને ક્ષેમ કર્યો. અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ કરાવવી એ યોગ. પ્રાપ્ત ગુણોનું સંરક્ષણ, અને સંવર્ધન કરાવવું એ ક્ષેમ. દરેક સદ્ગુરુએ તમારા ઉપર આ કામ કરેલું પણ વાત એ છે કે સદ્ગુરની એ કરુણા તમે ઝીલી ક્યારેય? તમારી પાસે પાત્રતા જોઈએ… એક સમર્પણની પાત્રતા તમારી પાસે આવી ગઈ; તમે સદ્ગુરુની કરુણાને ઝીલી લીધી. કેટલું બધું આપણે ગુમાવ્યું વિચાર તો કરો… કેટલું બધું ગુમાવ્યું…! અગણિત સદ્ગુરુઓની કરુણાથી આપણે વંચિત રહી ગયા. અગણિત સદ્ગુરુઓએ આપણા ઉપર અપાર કૃપા વરસાવી. અને છતાં આપણે કોરા ને કોરા રહી ગયા. આ જન્મમાં શું હવે બોલો… આ જન્મમાં શું….? આ જન્મમાં એક જ વાત સદ્ગુરુઓની કરુણાને બરોબર ઝીલવી છે, એ કરુણાનું એક ટીપું પણ બહાર ન જતું રહે એની બરોબર સાવધાની રાખવી છે.

તો જે સદ્ગુરુઓએ શિષ્યો ઉપર કામ કરવાનું હોય, એમનું આજ્ઞાચક્ર સતેજ હોય. આજ્ઞાચક્ર સતેજ હોય એટલે શું થાય… તમારે એમની વાત માનવી જ પડે. તમારું સમર્પણ ભલે ઓછું છે, છતાં એ સદ્ગુરુનું આજ્ઞાચક્ર એટલું powerful છે કે તમારે એ સદ્ગુરુની વાત સ્વીકારવી જ પડે એકમાત્ર. એટલે કમસેકમ એ ગુરુના ઓરા ફિલ્ડમાં છો ત્યાં સુધી તમારે સ્વીકારવું પડે… ઓરા ફિલ્ડની બહાર ગયા, તો પાછા તમે કોરા થઇ ગયા,

બાયજિદને કહ્યું યોગિનીએ, બાયજિદ અહીં આવ, આવવું પડ્યું, ઝૂકવું પડ્યું, અને યોગિની કહે છે, આ પોટકું પૂર્વ દિશામાં પેલો આશ્રમ છે, પાંચ કિલોમીટર દૂર ત્યાં જઈને આપી આવ. આવો સિદ્ધ માણસ એને મજૂરનું કામ ભળાવે, પણ એ ગુરુના ઓરા ફિલ્ડમાં અત્યારે છે, ના પાડી શકતો નથી, પોટકું લઇ લીધું. પણ જ્યાં થોડા ડગ આગળ ગયો, અને ગુરુના ઓરા ફિલ્ડમાંથી બહાર નીકળ્યો, અહંકાર ટટ્ટાર થઇ ગયું પાછું… હું..! પોટકું મુકવા માટે જાઉં એમ…! મજૂર છું હું…! પણ પોટકું ફેંકી દેવાની તાકાત હજુ નથી. ગુરુની અસર એટલી છે હજુ કે એ પોટકાને કંઈ ફેંકી શકતો નથી. શું કરે છે, એ વખતે એક વાઘ ત્યાંથી જતો હોય છે, જંગલમાં આમ ધોળા દિવસે વાઘ ફરતાં હોય છે, એ વાઘને પોતાની શક્તિથી બોલાવ્યો, મંત્રશક્તિ હતી એની પાસે. વાઘને બોલાવ્યો, વશીકરણ કર્યું. વાઘ આવી ગયો, પાળેલા કૂતરાની જેમ ઉભો રહ્યો. બાયજિદે પેલું પોટકું એની પીઠ ઉપર મુક્યું, દોરીથી બાંધી દીધું. જંગલમાં વેલડીઓ ઘણી હોય, બાંધી દીધું. અને ઈશારો કર્યો, આવા કપડાં, આ દિશામાં આપી આવ. વાઘ ચાલ્યો.

એ વખતે પેલી યોગિનીએ ફરીથી બાયજિદને બોલાવ્યો, ઈશારો કર્યો, અત્યારે તો શબ્દનો પ્રયોગ પણ ઈશારો… બાયજિદ પાછો ખેંચાઈને આવ્યો, અને એ વખતે એ યોગિનીએ એવો એક શબ્દ શક્તિપાત કર્યો છે કે એક જન્મનું નહિ, અનંતા જન્મોનો અહંકાર બાયજિદનો એ વખતે ખરી પડ્યો. એ યોગિનીએ કહ્યું; તારા જેવો નાલાયક, હરામ હાડકાંનો માણસ જીંદગીમાં પહેલી વાર જોયો છે. કોને કહે છે! તારા જેવો નાલાયક હરામ હાડકાંનો માણસ જિંદગીમાં પહેલીવાર જોયો છે, બાયજિત સમજી ગયો આ શું કહે છે… નાલાયક… આવા સદ્ગુરુની સામે પોતે પોતાની વિદ્યાનું પ્રદર્શન કર્યું. એ નાલાયક જ ગણાય. અને બીજું હરામહાડકાંનો, તારા ટાટીયાં ચાલતા નહોતા તે વાઘને હેરાન કર્યો તે… હરામ હાડકાનો છે તું… એક શબ્દ શક્તિપાત, એક વાક્ય અને બાયજિદનો અહંકાર ખરી પડ્યો. અને એ બાયજિદ એ યોગિનીના ચરણોમાં ઝુકી પડ્યો, પહેલા એને ઝૂકવું પડેલું, હવે ભીતરથી ઝુકી ગયો. તમે સદ્ગુરુને ઝૂકો છો, એ પરંપરાથી કે ભાવથી? તમે સદ્ગુરુને ઝૂકો છો, રોજ વંદન કરો છો પણ એ પરંપરાને કારણે કે એમનું શ્રામણ્ય તમને એ હદે ગમી ગયું છે, કે ગુરુદેવ! તમારું શ્રામણ્ય મને જલ્દી જલ્દી મળી જાય માટે હું વંદન કર્યું છું એ ભાવથી કરો છો…?

જાપાનનો સમ્રાટ ગુરુ પાસે ગયો, આખા જાપાન દેશનો સમ્રાટ, એને પણ ગુરુ હતા, ગુરુ નગરમાં પધાર્યા, મોટો આશ્રમ હતો, તો જાપાનનો સમ્રાટ ગુરુ પાસે જાય છે, ગુરુને વંદન કરે છે, તો ગુરુ પ્રેમથી પૂછે છે કે બેટા! તે વંદન તો કર્યું પણ બહારથી કર્યું કે ભીતરથી કર્યું…? તારું શરીર ઝૂક્યું કે તારું મન ઝૂક્યું, તારું અસ્તિત્વ ઝૂક્યું… ઝૂક્યું શું? કેવો એ સમ્રાટ..! કેવો એ ભક્ત..! એને એમ ન કહ્યું કે ગુરુદેવ! તમારા ચરણોમાં તો હું ભાવથી ઝૂક્યો છું. એવું ન કહ્યું… કારણ? પહેલા મેં કહ્યું હતું એમ… કોઈ પણ સાધક પાસે પોતાની સાધનાનું over estimation ન જ જોઈએ. તમારી સાધનાએ તમારે under estimate કરીને જ જોવાની છે.

એ જાપાનનો સમ્રાટ કહે છે ગુરુદેવ! આપ જ કહી શકો, હું તો નિપટ અજ્ઞાની છું, મને શું ખબર પડે, હું બહારથી ઝૂક્યો કે ભીતરથી…? સદ્ગુરુને ખ્યાલ છે કઈ રીતે ઝૂક્યો, પણ એ સદ્ગુરુ બીજા લોકોને બતાવવા માંગે છે, કે ભીતરથી ઝૂકવું એટલે શું? અને એ વખતે ગુરુએ કહ્યું હું તારી પરીક્ષા કરીશ, અને પરીક્ષામાં તું કેવો પાસ થાય છે એ જોઈએ. શું પરીક્ષા આપે છે, જાપાનનો સમ્રાટ છે, જાપાન દેશ એટલે કેટલો મોટો, એનો સમ્રાટ. ગુરુ એને કહે છે, તારા જૂત્તાને તારા હાથમાં ઉપાડ, અહીંથી ચાલતો ચાલતો, દોડતો દોડતો, ખુલ્લા પગે દોડતો તારા રાજમહેલને આટો મારી અને પાછો અહીં આવ. અને એ વખતે હાથમાં રહેલા એના જૂત્તાથી કપાળને કૂટતા જવાનું. કપાળમાં જોડાં ઠોકતા જવાના, ખુલ્લા પગે દોડવાનું. કોણ કહે છે? સદ્ગુરુ કહે છે. બુદ્ધિ અને અહંકાર બાજુમાં મુકીને આવ્યો છે, અને એટલે સદ્ગુરુની વાત સ્વીકારવામાં એને કોઈ વાંધો નથી. નહીતર એ વિચાર કરે કે હું જાપાનનો સમ્રાટ અને આ રીતે ખુલ્લા પગે દોડું, લોકો માને શું…! પણ નહિ સદ્ગુરુ કહે છે સદ્ગુરુની આજ્ઞા પાળવી જ છે…

તમારા માટે આવો કોઈ પ્રયોગ કરું તો શું થાય…? અરે આવું તો બનતું હશે…! તમારા ઉપર કરું તો…? એક બુદ્ધિ અને એક અહંકાર બેય આવી ગયા, હું..! મારા માટે લોકો શું કહે! અરે તારે લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે કે પ્રભુ અને ગુરુનું જોઈએ છે… બોલો તમારે કોનું જોઈએ છે?  સર્ટિફિકેટ કોનું જોઈએ ભાઈ…? અમારે તો નક્કી કરી નાંખ્યું છે હો … રીઝવવો એક સાંઈ. એક અમારા પ્રભુને રીઝવવાના છે, એક અમારા સદ્ગુરુને રીઝવવાના છે, દુનિયાને રીઝવવાની નથી, તમે દુનિયાને રીઝવી રીઝવીને થાકી ગયા. અનુભવ શું થયો બોલો તો? દુનિયા ક્યારે રીઝાતી નથી. મારી દ્રષ્ટિએ shortcut અમારો, longcut તમારો. એક society માં પ્રમુખ તરીકે આવવું હોય તો કેટલાને રાજી કરવા પડે? એમ ને એમ lobby બની જાય તમારી fieldની, ટાંટિયો ખેંચે અને તમે નીચે. અને અમારો કેવો shortcut! એક પ્રભુને રીઝવવાના.

એક સદ્ગુરુ કહે છે કે મારે તારી પરીક્ષા કરવી છે, જાપાનનો સમ્રાટ તૈયાર છે, અને પછી બનેલી ઘટના: જૂત્તા હાથમાં લઇ લીધા, અને ખુલ્લી સડક પર ચાલવા માંડ્યો, દોડવા માંડ્યો. મંત્રીઓને સમાચાર મળ્યા, ખબર પડી કે શું થયું, આ સમ્રાટ મખમલના જૂત્તા પહેરેલા હોય, હીરા જડેલા, અને એ રથમાં જ બેઠેલો હોય, મહેલમાં આવે તો પણ રેડ કારપેટ વિના એ એક ડગલું ન ભરે. અને એ માણસ ખુલ્લા પગે આ રીતે દોડી રહ્યો છે! જાપાનના સમ્રાટનો સોનાનો રથ હતો. એ રથ લઈને મંત્રીઓ પાછળ આવ્યા, મહારાજ શું કરો છો તમે! બેસી જાવ રથમાં… ક્યાં જવું છે તમારે… બોલે એ હરામ… સદ્ગુરુની આજ્ઞા છે, અને એ વખતે અણસમજુ લોકો, નાના બાળકો, અરે આપણો રાજા ગાંડો થઇ ગયો છે, પાગલ થઇ ગયો છે. આ બધું સાંભળે છે ને દોડે છે, ન મંત્રીઓની સાંભળી, ન લોકોની સાંભળી. માત્ર એક જ ગુરુ.

અને એ પાંચ કિલોમીટર એ છે ફરી ગુરુની પાસે આવ્યો. કપાળને જૂત્તાથી કૂટ્યું છે, એકદમ કોમળ કપાળ, લોહી ઝરી રહ્યું છે, લોહી ગાલ પર દદરી રહ્યું છે, એ ગુરુના ચરણોમાં ઝૂક્યો, ગુરુદેવે આપે બહુ કૃપા કરી… કદાચ મારા મનમાં થોડું એક ગણિત હતું કે હું મારા ગુરુને વાસ્તવિક રૂપે ઝુકું છું. પણ આજે આપે મારા અહંકારને ચીરી નાંખ્યો. કારણ? આપની આજ્ઞા હતી પછી મારા મનમાં બીજો વિચાર આવો જોઈતો જ નહોતો. પણ છતાં મંત્રીઓ મારી પાછળ દોડતાં હતાં એ મને ખ્યાલ આવ્યો, છોકરાઓ બોલતાં હતા, રાજા પાગલ થઇ ગયો, એ પણ મને વિચાર આવતો, અને મારા મનમાં સહેજ થતું કે લોકોના મન પર મારી કેવી અસર થશે. એટલે આટલું ‘હું’ મારી ભીતર આવી ગયેલું ગુરુદેવ આપે મને બતાવ્યું કે મારો ‘હું’ મારી ભીતર હજી સાબૂત છે.

આ ગુરુની કૃપા! આ  ગુરુની કરુણા! અગણિત જન્મોથી એ કરુણા મારા અને તમારા ઉપર વહી પણ ડામરના રોડ ઉપર પાણી વહે ને ગટરમાં જતું રહે બરોબર ને. હવે એ કરુણાને આત્મસાત્ કરવી છે. એક સદ્ગુરુની કરુણાને તમે આત્મસાત્ કરી લો. ‘હું’ ગાયબ.

એક સદ્ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ આવી ગયો, મોક્ષ આ રહ્યો. શાસ્ત્રવચન ‘આયઓ ગુરુબહુમાણો’ સદ્ગુરુ પ્રત્યેની ભક્તિ, સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન; મોક્ષ આ રહ્યો. તો કેટલી કેટલી કરુણા! સદ્ગુરુ ચેતનાએ આપણા ઉપર કરી! શબ્દ દ્વારા, બાયજિદની જેમ આપણા અહંકારને નાબુદ કરવાની કોશિશ. આપણે એ વખતે તો surrender થઇ પણ ગયા. થઇ જાવ ને થોડી વાર માટે…? અમારે છે ને શબ્દોનું સંમોહન આના માટે જ રાખવું પડે છે, તમને પકડવા માટે પાંજરું મોટું જોઈએ ને… તમને પકડવા…

તો શબ્દો દ્વારા સદ્ગુરુએ તમારા અહંકારને ખંખેરવા ઘણી મહેનત કરી. થોડી વાર માટે તમે સદ્ગુરુને અહંકાર આપી પણ દીધો. અહોભાવની ધારામાં વહ્યા, જ્યાં બહાર ગયા, ઓરા ફિલ્ડની બહાર પાછા અહંકારી થઇ ગયા. પછી સદ્ગુરુ બીજી technic અજમાવે છે, એ છે ઈશારાની… ક્યારેક શબ્દો કામ ન આવે, ઈશારો કામ આવી શકે. પણ એ ઇશારાને decode કરતાં આવડે તો, ખોલતાં આવડે તો…

બે હિંદુ સંતો વિહાર કરતાં હતા, રસ્તામાં મળ્યાં. બંનેનું શિષ્યવૃંદ મોટું હતું, ગુરુ આગળ ચાલતા, શિષ્યો પાછળ… તો બે ગુરુ રસ્તામાં ભેગા થયા, બંને એટલા પહોંચેલા હતા કે એમને શબ્દોની જરૂરિયાત હતી નહિ, માત્ર ઈશારામાં વાત કરીને આગળ વધવાનું હતું. તો પહેલા ગુરુએ પોતાનો પગ હવામાં ફોરવ્યો છે, ઉંચો કર્યો… બીજા ગુરુએ સામેથી ફૂંક મારી, વાર્તાલાપ પૂરો, એક ગુરુ આમ ને એક ગુરુ આમ. ગુરુઓ તો બેય બરોબર સમજી ગયા. તકલીફ શિષ્યોને થઇ, પહેલાં ગુરુના શિષ્યો કહે; આપણા ગુરુ કેટલા જોરદાર! પેલા ગુરુ આવ્યા ને સીધો આમ પગ મુકાવ્યો, એક પાટું મારીશ ને તારું ઠેકાણું થઇ જશે. એટલા આપણા ગુરુ જોરદાર..! અહંકારી આ જ કામ કરે ને… અને બીજા ગુરુના શિષ્યો કહે છે આપણા ગુરુ કેવા કે પેલાએ, પેલા ગુરુએ પગ ઉંચો કર્યો, પાટું મારીને અને આપણા ગુરુએ ખાલી ફૂંક મારી, કે એક ફૂંક મારીને હવામાં ઉડાડી દે.

ઝઘડા જે છે આપણે ત્યાં પણ એ અનુયાયીઓને કારણે, વાત સમજાય નહિ એટલે આપણે પકડી લઈએ. હું તો સ્પષ્ટ કહેતો કે, કોઈ પણ તિથિની આરાધના કરો. તમે આરાધક તો છો જ. કારણ? આપણી પાસે અત્યારે મહાવિદેહમાં જઈ શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. અહીંયા કોઈ શાસનદેવ નથી, કે ત્યાં જઈને પૂછીને આપણને જવાબ આપે. ગ્રંથો જે છે એ જ આપણી પાસે છે, શસ્ત્રો. શાસ્ત્રનું અર્થઘટન બેય રીતે થઇ રહ્યું છે… તો અત્યારે શું થાય? મારા ગુરુએ કહ્યું છે એ પ્રમાણે હું આચરણા કરું. બીજા ગુરુ ભગવંતો હોય એમના ગુરુએ કહ્યું એ પ્રમાણે આચરણા કરે. એમાં ઝઘડા જેવું કાંઈ છે જ નહિ. અને તમે તિથીના નામે ઝઘડો કરો ત્યાં તમે પ્રભુની આજ્ઞાની બહાર ગયા. રાગ – દ્વેષ અને અહંકાર કરો એટલે પ્રભુની આજ્ઞાથી બહાર ગયા. કારણ? મારી પાસે પણ કોઈ અત્યારે એવું સાધન છે નહિ, કે હું મહાવિદેહમાં કોઈ પણ રીતે પહોંચી શકું. અથવા તો આપણે દેવને મોકલી શકીએ… દેવ છે નથી… શાસ્ત્ર એ જ મારી પાસે છે, તો શાસ્ત્રોનું અર્થઘટન જે છે એ બે રીતે થઇ રહ્યું છે, અને બંને બાજુના મહાત્માઓ અત્યંત ભવભીરુ છે. અને આ શાસ્ત્રો ઉપર દરેકને અત્યંત પ્રેમ છે. એવું નથી કે મને પ્રેમ છે અને બે તિથિવાળા મહાત્માને પ્રેમ નથી. બધાને એટલો પ્રેમ છે. કારણ? એ શાસ્ત્રોને આધારે તો તમે પ્રભુની સાધના કરો છો, આ કાળમાં કોઈ જ્ઞાની નથી. માત્ર અમે દીક્ષા લીધી એની પાછળનું કારણ શું? આ પૂજનીય શાસ્ત્રો.

તો એ શાસ્ત્રોનું અર્થઘટન એ રીતે થઇ રહ્યું છે. હવે એમાં એક મતિ થતી નથી. એ કાળનો પ્રભાવ. એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ મહાપુરુષ ઉપર ક્યારેય પણ દોષોનો ટોપલો ઢોળવો નહિ, કાળ ઉપર દોષનો ટોપલો ઢોળવો. કાળ એવો ખરાબ આવ્યો છે કે જેના કારણે આજે ઝઘડા ચાલે છે. કોઈ મહાપુરુષ ફૂટ પાડે છે એવું જોવાની કોશિશ કરવાની જ નહિ. બધા મહાપુરુષો અત્યંત ગુણવાન છે, અને આ પૂજનીય શાસ્ત્રોને જીવન માનીને ચાલવાનું. શાસ્ત્ર અમારું જીવન છે. અને બધા જ શાસ્ત્રોને જીવન માનીને ચાલીએ છીએ. એટલે અનુયાયીએ કોઈએ ઝઘડા કરવાની જરૂર નથી.

મને એકવાર પૂછવામાં આવ્યું કે બંને પક્ષના શ્રાવકોએ. કે મારી તો સભા જ એવી હોય કે બે પક્ષના આવે એમ નહિ, સ્થાનકવાસી પણ આવે, તેરાપંથી આવે, સ્થાનકવાસી મહાસતીઓ બેઠેલી હોય, ઘણીવાર મારી બાજુમાં, મારી જોડે બધા આવે અને હું એકદમ freely બોલતો હોઉં, ક્યાંય કોઈ પક્ષપાત છે નહિ. તો મને પૂછવામાં આવ્યું કે ચોમાસામાં પાલીતાણા જવાય કે નહિ…? તો મેં કહ્યું તમારા માથે ગુરુ ખરા કે નહિ? તમારા માથે ગુરુ હોય તો ગુરુ કહે એમ કરવાનું. તમારી બુદ્ધિને ચાલવાની જરૂર નથી. કોઈ ગુરુ કહે ન જવાય તો નહિ જવાનું. કોઈ ગુરુ કહે તો જવાય, તો જવાનું. આમાં તમારી બુદ્ધિનો કોઈ અવકાશ છે નહિ. એક સદ્ગુરુ તમે નક્કી કરો એના ઉપર તમારી શ્રદ્ધા છે. પછી એ સદ્ગુરુને જીવન સોંપી દો. બસ તમે તરી ગયા.

તો પેલા બંને ગુરુઓ વિદાય થયા, પછી જ્યારે એમણે સાંભળ્યું, કે શિષ્યોએ અર્થઘટન આ કર્યું, ત્યારે પેટ પકડીને બેઉ હસ્યાં. અને એક ગુરુએ કહ્યું કે મેં પગ ઉંચો કર્યો એનો મતલબ એ હતો કે એક પગ ઉંચો કર્યો છે, બીજો પગ ઉંચો થશે કે નહિ મને ખબર નથી. કારણ જીવન ક્ષણભંગુર છે અને એવું માનીને હું જીવન પૂરું કરું છું. અને એટલો હું અપ્રમત્ત છું. બીજા ગુરુએ શું કર્યું? ફૂંક મારી, એટલે શ્વાસ બહાર ગયો, અંદર લઇ શકીશ કે નહિ, મને ખબર નથી. બોલો કેટલી મજાની વાત…! ગુરુઓને પૂછો તોય વાંધો ના આવે.

એટલે આ કાળની અંદર આપણે બચી જવું છે. આવું ખાસ જોજો. નિર્મળ હૃદય તમારા દરેકની પાસે હોવું જોઈએ. કોઈની પણ નિંદા ન કરાય. તો પંચ મહાવ્રતધારીની નિંદા આપણે કેમ કરી શકીએ…! how it is possible?

આપણા યુગના શ્રેષ્ઠ સાધક ગુરુદેવ પંન્યાસ ભદ્રંકરવિજય મ.સા. પાસે કોઈ પણ વ્યક્તિ નમસ્કાર મહામંત્ર લેવા માટે આવે ત્યારે એ ગુરુદેવ કહેતા કે પહેલા તું નિયમ લે કે કોઈ પણ પંચ મહાવ્રતધારીની હું નિંદા નહિ કરું. પછી હું તને નવકાર મંત્ર આપીશ. કારણ? તું એક બાજુ નિંદા કરતો હોઈશ, સાધુ – સાધ્વીની અને નમસ્કાર મહામંત્રમાં બોલીશ ‘નમો લોએ સવ્વસાહૂણં’ આ તારો નમસ્કાર ક્યાં પહોંચવાનો…? તારું મન સાધુ – સાધ્વીઓની નિંદામાં છે. આ આવા ને આવા ને આ આવા… આ કાળની અંદર તમે જેને શિથિલાચારી કહો છો ને એવો સાધુ પણ કેટલા મહાવ્રતો પાળે છે! કેટલા વ્રતો ને નિયમો પાળે છે! અને એમાં કદાચ તમને શિથિલાચાર ક્યાંય દેખાય તો તમે પ્રેમથી એના ગુરુને વાત કરો. શ્રાવકોને સાધુઓના માં – બાપ કહ્યા છે ખબર છે…? એટલે માં – બાપને ખોટું લાગતું હોય કે દીકરો જુગારના અડ્ડામાં જતો હોય અને જાહેરમાં ભંભેરો કરે! મારો દીકરો જુગારીયો થઇ ગયો! કે પ્રેમથી એને ખાનગીમાં સમજાવે? એટલે તમારી ભૂમિકા શું? એ મહાત્માને પ્રેમથી સમજાવો અરે કેટલા ભાગ્યશાળી આપ, કે આપને આ પંચમહાવ્રત મળ્યા, અમને તો મળ્યા નથી. આટલું સરસ મળ્યું છે, આપનું આચરણ એકદમ પ્રભુની આજ્ઞાને સંમત જ હોવું જોઈએ. એમાં અમને કોઈ વિસંવાદ લાગે છે એ વિસંવાદ ટળી જાય તો સારું. એમના ગુરુને પ્રેમથી કહી શકાય. જાહેરમાં તો કહેવાય જ નહિ. એટલે તમારે પણ આદર્શ શ્રાવકની ભૂમિકા ઉપર આવી જવાનું. હું મારા મુનિઓને કહું કે તમારી પાસે એક role model જોઈએ. કે તમારા શ્રામણ્યને તમારે ક્યાં સુધી લઇ જવું છે…

મેઘકુમાર પહોંચ્યા હતા ત્યાં સુધી, મેઘકુમાર મુનિ ખ્યાલ છે તમને… કેટલો શરીર પરનો રાગ દીક્ષા લીધા પછી હતો.. કે સંથારો ધૂળથી ભરાયો અને થયું કે હું દીક્ષા છોડીને જતો રહું… એ જ મેઘકુમાર મુનિ, પ્રભુએ જ્યારે સ્થિર કર્યા ત્યારે પ્રભુની પાસે અભિગ્રહ લે છે, કે પ્રભુ! એક આંખ જીવદયા માટેનું સાધન છે. એટલે આંખમાં કંઈક રોગ વિગેરે થાય એની ચિકિત્સા કરવાની છૂટ આપો, બાકી શરીરના કોઈ પણ અંગમાં, કોઈ પણ વ્યાધિ થાય એની ચિકિત્સા, એની દવા ક્યારેય પણ ન કરાવું… સાહેબજી મને નિયમ આપી દો.

હું મારા મુનિઓને પૂછતો હોઉં છું કે આ મેધકુમાર એ તમારું role model છે? તમારું role model કોણ છે…તમે? અનેક સામાયિક કરતાં હોવ, પણ તમારા સામાયિકનું role model શું? આપણે જે એક ડગ આગળ ભરવું છે ને એક ડગ આ રીતે ભરાય. તમે અત્યારે જે રીતે સાધના કરી રહ્યા છો ને… એમાં એક આત્મસંતુષ્ટિ આવી ગઈ છે અને એ બહુ ખતરનાક છે.

કોઈ ભૌતિક રીતે કોઈ માણસ ઝુંપડામાં રહેતો હોય, રોટલી દાળ ખાતો હોય તો બસ, હવે પૂરું થઇ ગયું, રોટલી – દાળ મળે એટલે.. પણ ના ભૌતિક રૂપે એની વાત બરોબર નથી, એક સંન્યાસી હોય તો બરોબર… એમ તમે પણ આત્મસંતુષ્ટ બની ગયા, ૨  – ૩ સામાયિક સાંભળીએ, વ્યાખ્યાન સાંભળીએ, આ કરીએ, તે કરીએ, તિથીએ આયંબિલ અને ઉપવાસ કરીએ, એટલે એથી તમે આત્મસંતુષ્ટ બની ગયા.

તમારી સાધના દ્વારા તમને result શું મળ્યું, એ જુઓ. અને result નથી  મળ્યું તો તમારી સાધનામાં તમારે શું સુધારો – વધારો કરવો જોઈએ એ સદ્ગુરુને પૂછી લો, આ એક ડગ આગળ વધવાનું છે.. બરોબર છે… 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *