Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 27

35 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : योगक्षेमं वहाम्यहम्

તમે અનંતા જન્મો કોને સોંપ્યા? જે મોહ, જે રાગ અને દ્વેષ તમને નરક અને નિગોદમાં લઇ ગયા, જેણે તમને અપાર વેદનાઓ આપી, એને તમે અનંતા જન્મો સોંપ્યા!

આવું અનંતા જન્મોનું ભવભ્રમણ જે સદ્ગુરુ દૂર કરી આપે, એ સદ્ગુરુની આજ્ઞા માનવી એ કોઈ મોટી વસ્તુ છે?! એક જીવન કદાચ સદ્ગુરુને સમર્પિત કરી દીધું એ કોઈ મોટી વાત છે?! અનંતા જન્મો મોહને હવાલે કર્યાં; એક જન્મ પ્રભુને, ગુરુને સમર્પિત ન કરી શકો?!

સદ્ગુરુ ચેતના આજે તમને કૉલ આપી શકે છે કે જો તું સંપૂર્ણતયા પ્રભુને, સદ્ગુરુને સમર્પિત થઇ ગયો, તો મોક્ષ સુધી તને લઇ જવાની જવાબદારી મારી. You have not to do anything absolutely. માત્ર તમારી પાસે એક સમર્પણ છે; તો સદ્ગુરુ કહી દે છે કે મોક્ષે તને પહોંચાડવાની જવાબદારી મારી છે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૭

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુના પરમપ્રેમમાં ડૂબી જવું છે, આ જન્મ મળ્યો છે માત્ર અને માત્ર એક જ હેતુથી કે પ્રભુના પરમપ્રેમમાં આપણે ડૂબી જઈએ. Journey આમ લાંબી, આમ કેટલી ટૂંકી…! એક ડગલું તમે ભરો; પ્રભુ તમને બાહોમાં સમાવી લે, journey પુરી. એક ડગલું પણ તમારે ક્યાં ભરવું છે? સદ્ગુરુ ભરાવરાવે!

કાલે રાત્રે વિચારતો હતો. અતિતની યાત્રામાં કેટલા બધા સદ્ગુરુઓએ આપણા ઉપર કરુણાની વર્ષા વરસાવી. બેટા! વધુ નહિ એક ડગ તો આગળ માંડ. એક જ ડગ તારે પરમપ્રેમની દુનિયા તરફ લગાવવાનું છે. એ પછી પ્રભુ તને ઉચકી લેશે. અનેક સદ્ગુરુઓની કરુણા આપણા ઉપર વરસી. આપણે એને ઝીલી ન શક્યા. આંખો છલછલાઈ આવે. આટલા બધા સદ્ગુરુઓની કરુણા અને એને આપણે ઝીલી નહિ…

સદ્ગુરુની કરુણા કઈ રીતે ઝીલાય એની મજાની એક ઘટના કહું, શાસન સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત નેમિસૂરીશ્વરજી મહારાજા. અજોડ શાસન પ્રભાવક, અનેક શિષ્યો એમની જોડે, વિહારમાં પણ બધા જ શિષ્યોને પોતાની જોડે જ રાખવાના, અને સતત યોગક્ષેમ કર્યા કરવાનું. સદ્ગુરુ ચેતનાનું તમારા તરફ call છે – ‘’योगक्षेमं वहाम्यहम्’ યોગ અને ક્ષેમ હર પળે તારું કરવા માટે હું તૈયાર છું. સદ્ગુરુ તૈયાર… તમે તૈયાર?

અર્જુને કહેલું, શ્રી કૃષ્ણને – ગુરુ ચેતનાને; ‘करिष्ये वचनं तव’ હે ગુરુદેવ! આપનું જે વચન એ જ મારા માટે જીવન મંત્ર. અનેક સદ્ગુરુ ચેતનાએ સામે call આપ્યો, ‘’योगक्षेमं वहाम्यहम्’ તારી એક – એક ક્ષણની જવાબદારી મારી. સદ્ગુરુ આજે ચેતના તમને call આપી શકે કે જો તું સંપૂર્ણતયા પ્રભુને, સદ્ગુરુને સમર્પિત થઇ ગયો તો મોક્ષ સુધી તને લઇ જવાની જવાબદારી મારી. You have not to do anything absolutely. માત્ર તમારી પાસે સમર્પણ છે; સદ્ગુરુ કહી દે છે કે મોક્ષે તને પહોંચાડવાની જવાબદારી મારી છે. નેમિસૂરીશ્વરજી મ.સા. એકવાર શાસનના, તીર્થોના અનેક કાર્યોમાં ગુંથાવું પડ્યું. સદ્ગુરુઓ છે ને બહારથી તમને લાગે, ઘણી બધી પ્રક્રિયાઓમાં ગૂંથાયેલા છે, પણ ભીતરથી એમની પ્રક્રિયા એક જ હોય છે અને એ છે પોતાની ભીતર ઉતરવાનું.

સદ્ગુરુનું પોતાનું કામ એક જ છે, એ માત્ર અને માત્ર ભીતર ઉતર્યા કરે છે. અને એટલે જ એવા સદ્ગુરુના ચરણોમાં બેસીએ; આપણે ખાલી થઈને જઈએ, ભરાઈને આવીએ. જયઘોષસૂરિ દાદાની પાસે આપણે જતાં. ખાલી થઈને જઈએ; એ ગુરુ આપણને ભરી દે. ગુરુ તૈયાર છે…

આ એક વાતને આજે ફરીથી વિચારજો, જ્યારે પણ સમય મળે ત્યારે. એક ડગ પ્રભુપ્રેમની દિશામાં ભરાવા માટે અગણિત સદ્ગુરુ ચેતનાએ આપણા ઉપર અપાર કરુણા વરસાવી. ભલે અતિતની યાત્રામાં એ કરુણાને આપણે ઝીલી ન શક્યા, આ જન્મમાં એ કરુણાને ઝીલવી છે એટલું નહિ કહું, આ ક્ષણે. now and here. એક સદ્ગુરુની કરુણા ઝીલાઈ ગઈ, એક ડગ ભરાઈ ગયું, પ્રભુ આવી ગયા, પ્રભુએ બાહોમાં સમાવી લીધો, તમારી પ્રભુના પરમપ્રેમની journey પુરી થઇ ગઈ.

તો એ સદ્ગુરુ એક બાજુ પોતાની ભીતર સતત ઉતરતા હતા, અને બીજી બાજુ શિષ્યોનું યોગક્ષેમ પણ એટલું કરતા હતા. પદ્મવિજય મ.સા. એ નવપદપૂજામાં આ વાત કહી છે, “સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજઘર હો” એક ગુરુ સેંકડો શિષ્યો એમની પાસે છે, યોગ ક્ષેમ કરશે. કો’ક શિષ્યને પ્રેમથી યાદ કરાવશે કે બેટા! આજનો તારો સ્વાધ્યાય થઇ ગયો… કો’ક શિષ્યને ના પાડશે, તારે આ કામ નથી કરવાનું. એવું બની શકે- એકવાર નહિ, બેવાર નહિ, ત્રણવાર ના પાડી… અને છતાં એ શિષ્ય ગુરુને સમર્પિત નથી. ચોથીવાર તે અકાર્ય કરવા જઈ રહ્યો છે, ગુરુ એને પ્રેમથી ના પાડશે. ગુરુને ક્યારે પણ એમ નહિ થાય કે ત્રણ ત્રણવાર એને ના પાડી, છતાંય આ અકાર્ય કરવા માટે તૈયાર થાય છે, નહિ ગુરુની કરુણા અસીમ છે! યાદ કરાવે પ્રેમથી, ના પાડે પણ પ્રેમથી પણ પોતાની ભીતર રહેવાનું ચાલુ છે. મને લાગે છે કે તમારે પણ આ જ રીતે રહેવું જોઈએ.

અમારી સભામાં આમ તો over ૫૦, over ૬૦ લોકો જ આવતાં હોય અને અહીંયા સરસ વર્ગ દેખાય છે, પણ જ્યારે over ૫૦, અને over ૬૦ લોકો હોય ત્યારે હું એમને એક મંત્ર આપું છું. Stay at home as a guest. Stay at home as a guest. મહેમાનની જેમ રહો, દીકરાને business ભળાવી દો, દીકરાની વહુને તિજોરીની ચાવી સોંપી દો. કહી દો બેટા! બે ટાઈમ રોટલી, એક ટાઈમ ચા મને આપી દેજે, બાકી હું મારામાં છું.

મેં એક ભાઈને જોયેલા, નાનકડું town. એ જમાનાના કરોડોપતિ, બહુ મોટો બંગલો, પણ ધર્મ એટલો પરિણત થયેલો, ૫૦ વર્ષની ઉંમર થઇ, ચારેય દીકરાઓને બોલાવીને કહી દીધું, હવે ધંધો તમારે સંભાળવાનો છે, એ ધંધાની વાત પણ મને ક્યારેય કરવાની નહિ. સવારે કે સાંજે તમે પિતૃભક્ત છો, માતૃભક્ત છો અમારા રૂમમાં આવશો, ચરણ સ્પર્શ કરીને બહાર નીકળી જજો, તમારા ધંધાની કોઈ વાત તમારે અમારી પાસે કરવાની નહિ. અમે totally resign થઇ રહ્યા છીએ. અને પુત્રવધુને કહી દીધું, બધી જ ઘરની ચાવી તારી પાસે… આ એક રૂમમાં અમે રહીશું, અંદર જ ઘર દેરાસર છે, અમે ભક્તિ કરશું અમારે ક્યાંય બહાર આવવું નથી. જમવાની થાળી અહીં મોકલી આપજો. બંગલો આખો તમારો, અમારા માટેનો માત્ર આ એક રૂમ. એક ભાઈ મને મળેલા, કેટલા તો આનંદમાં હતા, કે સાહેબ! ખરેખર સદ્ગુરુઓની કૃપાને અત્યારે હું માણી રહ્યો છું.

તો અમે લોકો એકદમ મજામાં… શિષ્ય ન માને તો એના તરફ ખુલતી વાત છે, અમને કાંઈ ન થાય. કાલ રાતની સંગોષ્ઠીમાં મેં આજ વાત કરેલી, મેં કહ્યું અમને કોઈ જ અસર ન થાય. કેમ ન થાય? અસર થવાનું કારણ ‘હું’ હોય છે. એ ‘હું’ જ જ્યાં નથી, ત્યાં અસર શું થવાની…?! મારું કહ્યું ન માન્યું, આ વાત હોય તો તકલીફ થાય. પણ ‘હું’ જ નથી, તો મારું ક્યાં રહ્યું..?!. સદ્ગુરુની કરુણા… બસ આ જન્મ એના માટે જ છે. એક ડગ ભરાઈ ગયો, પછી પ્રભુમાં ડૂબી જવાનું છે.

નેમિસૂરિ મ.સા. રાત્રે પ્રતિક્રમણ પછી સંથારી ગયા છે, શરીર થાકી ગયું છે, conscious mind થાકી ગયું છે. ઊંઘે કોણ? થાકે તે ઊંઘે. શરીર ઊંઘે, conscious mind સૂઈ જાય, આપણે સુવાનું નહિ. એટલે એવા મહાપુરુષો માટે એક બહુ સરસ શબ્દ વપરાતો, સાહેબ સૂઈ ગયા છે, એવું આપણી પરિભાષામાં નહોતું આવતું, સાહેબજી યોગનિદ્રામાં છે. અને એના માટેનો જ આજની યોગિક દુનિયાનો શબ્દ છે – conscious sleep.

તો નેમિસૂરિ દાદા સુવાની તૈયારીમાં છે. ત્યાં એમને યાદ આવ્યું કે ઉદયવિજયને આવતી કાલે સવારે ૬ વાગે પેલો ગ્રંથ શરૂ કરાવાનો છે, હવે એના માટે એણે તૈયારી કરવી પડે. ઉદયસૂરિ મ.સા. જે પહેલા મુનિ અવસ્થામાં હતા, ગુરુદેવના પરમ ભક્ત, ગુરુદેવની બાજુમાં જ એમનું આસન હોય. ગુરુદેવે બૂમ મારી, ઉદય! અને એ વિનીત શિષ્ય હાથમાં દંડાસન લઇ પૂજતાં પૂજતાં ગુરુદેવના પાટ પાસે આવ્યા. ગુરુદેવ એટલા શ્રમિક થયેલા છે, શરીર એટલું શ્રમિક થયેલું છે કે બુમ મારી, સૂઈ ગયા. ઉદયવિજય મ.સા. આવ્યા, જોયું સાહેબજી યોગનિદ્રામાં પહોંચી ગયા છે. અમારે ત્યાં નિયમ છે – ગુરુ બોલાવે પછી પાછા ફરવાનું અમારા હાથમાં નથી હોતું. પછી ગુરુ કહે ત્યારે જ પાછા ફરી શકાય.

તમે લોકો તો કલ્પસૂત્ર ધ્યાનથી સાંભળો ને તો પણ તમારી life style બદલાઈ જાય. દેવાનંદા માતાને સ્વપ્નો આવ્યા, બરોબર… અને એ બ્રાહ્મણ પાસે જાય, પતિ પાસે જાય, ગયા પછી શું કરે? ઉઠો, ઉઠો, ઉઠો… જગાડવાની પણ કેટલી પ્રેમભરી રીત હતી..! એકદમ ધીમા અવાજે સ્વામિનાથનો જય થાઓ! આ વખતે બરોબર સાંભળજો…

એકવાર એક અંજનશલાકાના પ્રસંગમાં, મુંબઈના હાઈ – ફાઈ વિસ્તારમાં અંજનશલાકા હતી. અને માતા – પિતાનું પાત્ર યુવાન અને યુવતીએ લીધેલું, એમાં જ્યારે એ મહારાણી પતિને કહે છે સ્વામિનાથ! ત્યારે પેલો યુવાન એટલો રાજી થાય છે, સંગીતકારને સોનાનો હાર પહેરાવે છે, પેલો સંગીતકાર કહે શું થયું? અરે શું ન થયું, એમ પૂછ? આ મારી ઘરવાળી મને સ્વામિનાથ કહે છે! તો કેટલા પ્રેમથી જગાડે! સ્વામિનાથનો જય થાઓ! અને પંડિત ઉઠી જાય, એ મહાદેવી ઉભા ને ઉભા જ છે, પતિ આસન ઉપર બરોબર વ્યવસ્થિત બેસે, પણ જ્યાં સુધી પતિ ન કહે કે આસન ગ્રહણ કરો ત્યાં સુધી પત્નીથી બેસાય નહિ. જ્યારે પતિએ કહ્યું હવે તમે બેસો, ત્યારે બેઠા. ખુશ ખુશ થઇ ગયા ને….!?

ઉદયવિજય મ.સા. ૩ એક કલાક સુધી ત્યાં ઉભા રહ્યા છે પણ ઉભા કઈ રીતે રહ્યા છે…? ગુરુદેવની સન્મુખ ઉભા રહેવાનું છે. બેસવાનું તો છે નહિ, કારણ કે ગુરુદેવ ન કહે ત્યાં સુધી બેસી શકાય નહિ. ઉભા જ રહેવાનું છે, પણ ઉભા કઈ રીતે રહેવાનું? હાથ જોડીને અને ઝૂકીને… આમ ન ઉભા રહેવાય. આમ… વિચાર તો કરો, ૩ કલાક આ રીતે ઝૂકીને ઉભા રહેવું સહેલું છે…? એ ૩ કલાક પૂરા થયા, યોગનિદ્રા હતી. સાહેબજીનો તો ખાલી શરીરનો શ્રમ હતો એ દૂર થવાનો હતો, શરીરનો શ્રમ દૂર થયો, આંખ ખુલી ગઈ. આંખ ખુલી, ચંદ્રમાંનું અજવાળું ઉપાશ્રયમાં આવે, જુવે, ઉદયવિજય ઉભેલ છે. તરત જ ખ્યાલ આવી ગયો, હા.. મેં એને બોલાવેલો હતો, ઉદય ક્યારનો તું આવ્યો? સાહેબજી આપે મને બોલાવ્યો હતો ત્યારે આવ્યો. ગુરુદેવને એ પણ ખ્યાલ છે કે ૩ કલાક મારી ઊંઘ ચાલી છે. અરે! ૩ કલાક સુધી તું આ રીતે ઉભો રહ્યો?! એ ગુરુની કરુણા કેવી એ વખતે વરસી હશે! અને ઉદયવિજય મહારાજે કેવી રીતે એ કરુણાને ઝીલી હશે! જ્યારે યોગનિદ્રા તમારી પાસે છે ને ત્યારે તમે જાગતાં હોવ છો. અને એને કારણે રાતના પણ તમારી ઊંઘ ખુલે, તમને ખ્યાલ આવી જાય કે કેટલા વાગેલા છે. અમે લોકો જાગીએ ઘડિયાળ તરત જોવી ન પડે અમારે, ખ્યાલ આવી જાય- આટલા વાગેલા છે.

રાધનપુરમાં અમે હતા, અમને ભણાવવા માટે પંડિતજી આવતાં, હરગોવનદાસ પંડિતજી. એમને આંખો નહોતી, પણ એમના સૂત્રો એટલા કંઠસ્થ, કડકડાટ બધું, બધું જ મોઢે ભણાવવાનું. પણ એ જીવંત ઘડિયાળ હતા, એમની અંદર biological watch સતત ચાલતી હતી. પંડિતજી આવે ને પૂછીએ પંડિતજી કેટલા વાગ્યા? એ બપોરે આવ્યા હોય તો કહી દે, ચાર ઉપર દસ મિનિટ ને પંદર સેકંડ. અમે કહીએ પંડિતજી અમારી ઘડિયાળમાં ચાર અને નવ છે. તો કહે તમારી ઘડિયાળ સુધારી નાંખો. એટલો self confidence. આજે શું થયું… જેમ જેમ સાધનો વધ્યા, એમ માણસની શક્તિ ઘટવા માંડી.

વર્ષો પહેલાં લગભગ ૩૦ એક વર્ષ પહેલાં પાલીતાણાથી શંખેશ્વર જવાનું હતું, રાણપુરચુડા. ચુડામાં એક બહુ સારા વૈદ્ય હતા, મને થયું કે હું એમને બતાવી દઉં, શરદીની તકલીફ બહુ હતી એ વખતે, હવે આપણને ખ્યાલ હોય કે વૈદ્ય પાસે જવું હોય તો નયણાકોઠે જવું પડે. એટલે હું નવકારશી પાળ્યા વગર વૈદ્યને ત્યાં ગયો, ૯ વાગે. એ બેઠેલા હતા, ખુરશીમાં. એમની બાજુની ખુરશી પર માં હું બેસી ગયો. મને કહે નહિ મ.સા. તમારે અહીં નથી બેસવાનું, સામી ભીંતે ખુરશી છે ને ત્યાં તમારે બેસવાનું. હું નાડી વૈદ્ય નથી. મારે તમારો હાથ પકડવાનો નથી. હું દુઃખ વૈદ્ય છું. માત્ર તમારા ચહેરાને જોઇને; મારે તમારા દર્દનું ડાયગ્નોસીસ કરવાનું છે. ૧૦ ફૂટ દૂર એનાથી હું બેઠો. મારા ચહેરાને એ વાંચતાં ગયા. હવે એમને કહ્યું, કે સાત વર્ષની વયે તમને ટાયફોઈડ થયો. એ વખતે મારી ઉંમર ૩૦ વર્ષની, મને કહે છે સાત વર્ષની ઉંમરે તમને ટાયફોઈડ થયેલો, બહુ જ ગરમ દવા તમને આપવામાં આવી છે. એ ગરમીના કારણે આ શરદી થયેલી છે. મેં કહ્યું આની દવા શું? મને કહે કોઈ દવા નથી કરવાની તમારે, સવારે અને સાંજે ઠંડા પાણીથી માથા ઉપર સીધી ધારા કરવાની. અને એટલું કરશો એટલે તમારી શરદી ગાયબ થઇ જશે. હવે એને નાડી પણ જોવી નથી. Report  જોવાની તો કોઈ વાત જ ન રહી! પણ જેમ જેમ સાધનો વધ્યા, એમ શક્તિ ઘટી.

તો એ દિવસે ઉદયવિજય મ.સા. એ ગુરુની કરુણાને કેવી તો ઝીલી હશે! આ જન્મ શેના માટે આવ્યો બોલો…? શેના માટે..?સદ્ગુરુની કરુણાને ઝીલીને એક ડગ પ્રભુના પરમ પ્રેમની દુનિયા તરફ માણવો છે. અને એક ડગ મંડાય જાય પ્રભુ આપણને બાહોમાં લઇ લે, આપણી journey પુરી થઇ જાય.

ગઈકાલે આપણે એ વાત કરતાં હતા કે સદ્ગુરુ એક ડગ તો ભરાવે છે, પણ કઈ રીતે ભરાવે છે…? there are four ways. શબ્દ દ્વારા પણ સદ્ગુરુ આપણને એક ડગ આગળ લઇ જઈ શકે, શરીરની નાનકડી ચેષ્ટા દ્વારા પણ સદ્ગુરુ આપણને પ્રભુની દિશામાં લઇ જઈ શકે, ચહેરા પરના હાવભાવ વડે પણ સદ્ગુરુ આપણને પ્રભુની દિશામાં લઇ જઈ શકે અને પોતાની ઉર્જા દ્વારા પણ સદ્ગુરુ પ્રભુની દિશામાં લઇ જઈ શકે.

સદ્ગુરુની કરુણા અપાર રીતે વરસી છે, માત્ર એને ઝીલવી છે. પ્રેમસૂરિદાદાના શિષ્ય યશોદેવસૂરિ મહારાજ, એમના શિષ્ય ત્રિલોચનવિજય મહારાજ. રોજ ગુરુદેવ પાસે આવે અને કહી દે, ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી. તમે પણ આમ જ બોલો… કે સપલિમેન્ટરીમાં કહો સાહેબજી એકાસણું, સાહેબજી આયંબિલ… એમની પાસે સપલિમેન્ટરી નહોતી. કોરી સ્લેટ. ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી. કયો આદેશ આપવો એ ગુરુ નક્કી કરે. કારણ? પચ્ચક્ખાણ આજની સાધના, અને સાધના ગુરુદત્ત જ જોઈએ. તમે તમારી સાધનાને તમારી મેળે ક્યારેય પણ નક્કી કરી શકતા નથી. સદ્ગુરુ જ તમારી સાધનાને નક્કી કરે.

તો પચ્ચક્ખાણ માટે આદેશ માંગ્યો. રોજ ગુરુદેવ એકાસણાનું પચ્ચક્ખાણ આપતાં. કાંઈ પૂછ્યું નહિ, ગાંછ્યું નહિ, સીધું ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ. ગુરુ આપી શક્યા. આ યોગક્ષેમ હતું. પણ એ યોગક્ષેમ કેમ કરી શક્યા? શિષ્ય સમર્પિત હતો માટે… તમે ચિંતા નહિ કરતાં હો…! અને એ દિવસે એમને જે આનંદ થયો છે…! ત્રિલોચન વિજય મહારાજને, શું સદ્ગુરુની કરુણા…! એકાસણા પચ્ચક્ખાણ બદલે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ આપ્યું! ગુરુદેવે મને ન્યાલ કરી નાંખ્યો! એ ૧૬ દિવસ સુધી એક અહોભાવની ધારા! સદ્ગુરુની કરુણા કે હું આ કરી શકું છું! હું નથી કરતો, સદ્ગુરુ કરાવરાવે છે. ૧૬માં દિવસે રાત્રે પ્રતિક્રમણ પૂરું થયું, એક ભાઈ એમના પગ દબાવે છે, પૂછે છે સાહેબજી કાલે તો પારણું ને? સોળભત્તું છે આપને… આજ સોળમો દિવસ… કાલે પારણું ને…? ત્યારે એમને શું કહ્યું; પારણું સદ્ગુરુના હાથમાં… મારા હાથમાં નહિ…

એક શિષ્ય.. એક શિષ્યા.. જેણે જીવન પ્રભુને સોંપી દીધું. જીવન સદ્ગુરુને સોંપી દીધું. એ નાનકડી બાબતમાં પોતાની ઈચ્છા રાખી શકે ખરી?! પૂરું જીવન તમે સદ્ગુરુને સોંપી દીધું. અને નાની નાની ઈચ્છા તમારે તમારા ઉપર રાખવાની કે સદ્ગુરુ ઉપર…? કોરી સ્લેટ થઇ જાવ બસ… કોઈ જ ઈચ્છા નહિ. મને છે ને કોરી સ્લેટ ઉપર મજા આવે લખવાની. તમે તો કેવું કામ કરો… એક કલાક અહીંયા ને ૨૩ કલાક બહાર. સ્લેટ ચીતરી – ચીતરીને ને લાવો, duster મારતાં જ અડધો કલાક થઇ જાય. લખવાનો ટાઈમ આવે તો મારી નજર જાય કે ભાઈ ૮ વાગવા આવ્યા. અને તમે ચીતરામણ કર્યા વગર આવો તો શું થાય, માંગલિક થયું ને સીધું જ હું લખવા મંડી પડું. કોરી  સ્લેટ.

સત્તરમાં દિવસે સવારે ત્રિલોચનવિજય મ.સા. ગુરુ પાસે ગયા, એ જ દ્વાદશાવર્ત વંદન, એ જ આદેશ… ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી. ગુરુ પૂછતાં નથી કેમ છે તને…? આપું આગળ પચ્ચક્ખાણ…? સીધું જ ૧૪ ઉપવાસનું પચ્ચક્ખાણ આપી દીધું. માસક્ષમણ કરાવી દીધું.

હું ઘણીવાર એક વાત કહેતો હોઉં છું, સાધુ – સાધ્વીજીઓની વાચનામાં, કે ગુરુએ પૂછવું પડે, એ તમારી અસજ્જતા છે. ગુરુ શા માટે પૂછે તમને! તારાથી થશે કે નહિ થાય…? ગુરુને શક્તિપાત કરવો છે. જા, થઇ ગયું. તમારે શક્તિપાતને ઝીલવાનો છે. એમાં બીજું કાંઈ વચ્ચે આવતું જ નથી. અને એટલે જ ગુરુએ શિષ્યની ઈચ્છા જાણવી જરૂરી નથી. ગુરુ શક્તિપાત કરે છે, અને એ શક્તિપાત થયો, એટલે શિષ્ય આરામથી સાધના કરવાનો છે.

૫૦૦ વર્ષ પહેલાંની એક મજાની ઘટના છે. ગુરુ નાનક એમના આસન ઉપર બેઠેલા, એક સાધક આવ્યો, જે ગુરુને સમર્પિત હતો, એને વંદન કર્યું અને પછી વિનંતી કરી ગુરુદેવ! કંઈક કાર્ય સેવા? તો ગુરુએ કહ્યું પેલી જગ્યા દેખાય છે ત્યાં એક ધ્યાન માટેની કુટીર બનાવવાની છે, પેલાએ કહ્યું, તહત્તિ. એ ૯ – ૧૦ વાગે ગુરુ પાસે ગયેલો, ઉનાળાનો સમય, ધોમધખતો તડકો ૧૦ વાગે શરૂ થઇ ગયેલો. પત્થર લઇ આવ્યો, માટી લઇ આવ્યો, પાણી લઇ આવ્યો, અને એણે ભીંત ચણવાની શરૂ કરી. બપોરે ભોજન નહિ કર્યું. સાંજના ૬ – ૬.૩૦, ૭ સુધી પ્રકાશ રહ્યો ત્યાં સુધી, એણે ગુરુનું એ કાર્ય કરવા જ માંડ્યું, કરવા માંડ્યું… ભીંતો ચણવા જ માંડી. પાયો પણ ખોદયો, પાયો ભર્યો, ભીંત ચણવા માંડી. અને ભીંત અહીં સુધીની ચણાઈ પણ ગઈ. અને સાંજે ગુરુ પાસે ગયો, અને ગુરુના ચરણોમાં જઈને કહ્યું ગુરુદેવ! આટલી ભીંત ચણાઈ ગઈ છે. આટલી ભીંત ચણાઈ ગઈ છે, અને એ ગુરુ પાસે બેઠેલો, ત્યાં બીજો એક સાધક આવ્યો, એને પૂછ્યું સાહેબ કંઈ કામકાજ – સેવા…? તો કહે કે હા, પેલી ભીંત દેખાય ને એને તોડી પાડવાની છે. તમને ભૂલે ચુકે કામ ભળાવ્યું હોય અને હું આવું કરું તો થાય શું…? બીજો સાધક ગયો ઘણ લઈને એ ભીંતને એને જમીનદોસ્ત કરી નાંખી. આ સાધક ત્યાં જ બેઠો છે એના મનમાં કોઈ વિચાર નથી આવતો. એક મહત્વની વાત એ છે કે કાર્ય એને આટલું પૂરું કર્યું પછી ગુરુ પાસે ગયો અને ગુરુ પાસે જઈને કહ્યું સાહેબ! આટલું કામ મેં કર્યું, મતલબ એ થયો, કે એ કાર્ય એને ગુરુના ચરણોમાં મૂકી દીધું. હવે એની માલીકીયત જ ક્યાં છે? તમે કોઈને ૧૦૦ રૂપિયા આપ્યા, હવે માલીકીયત પેલાની છે તમારી ક્યાં માલીકીયત છે…?

આ જ વાત કલ્પસૂત્રમાં આવે છે, હરિણીગમિષી દેવને ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે ગર્ભનું પરાવર્તન કરી આવો.. તો ઇન્દ્ર મહારાજે આજ્ઞા આપી. ગર્ભ પરાવર્તન થઇ ગયું. તો સીધા પોતાના વિમાનમાં જાય કે નહિ હરિણીગમિષી. ઇન્દ્ર મહારાજ તો અવધિજ્ઞાની છે, જ્ઞાનથી એ બધું જોઈ રહ્યા છે, પણ ક્યાં જાય, સીધા ઇન્દ્ર મહારાજ પાસે, હાથ જોડીને, વંદન કરીને કહે સાહેબ આપે કહેલું કાર્ય મેં પૂરું કર્યું છે. આનો આશય એ હતો કે એ કાર્ય પરની માલીકીયત હવે મારી રહેતી નથી, હવે તમારી છે.

ગુરુએ કહ્યું, તોડી નાંખ ભીંત… તૂટી ગઈ. બીજી સવારે પેલો સાધક આવ્યો. સાહેબજી કામ કાજ? ગુરુ કહે કે હા, પેલી કુટીર ચણવાની છે… મજાની વાત તો એ છે કે ગુરુ કોઈ કારણ પણ આપતાં નથી. આપવું પડે કારણ..? આપવું પડે? કે તારી પાસે ભીંતને ચણાવરાવી. અને પછી મને થયું કે આ તો વચ્ચે નડશે, એટલે પેલાની પાસે તોડાવી નાંખી. પણ રાત્રે પાછો મને વિચાર આવ્યો કે ના, બીજી તો કોઈ appropriate જગ્યા છે જ નહિ, ત્યાં જ બનાવી પડશે. એટલે હું તને કહું છું આવું ગુરુએ કહેવું પડે, આજે તો…? કહેવું પડે ને…? કોઈ reason નહિ, કશું જ કહેવાનું નહિ, કુટીર ચણવાની છે. ફરી ભીંત ચણી એટલા જ ઉત્સાહથી… અને એ પાછો ગુરુ પાસે આવ્યો સાંજે, સાહેબજી આટલું કામ કર્યું. બીજો સાધક બેઠેલો, સાહેબ કામકાજ…? પેલી ભીંત તોડ, કહે છે. આવા શિષ્યો ગુરુની કરુણાને ઝીલી શકે છે.

હવે આમ જુઓ અનંતા જન્મોનું ભવભ્રમણ… જે સદ્ગુરુ દૂર કરી આપે, એ સદ્ગુરુની આટલી આજ્ઞા માનવી એ કોઈ મોટી વસ્તુ છે…?! એક જીવન કદાચ સદ્ગુરુને સમર્પિત કરી દીધું એ કોઈ મોટી વાત છે?! તમે અનંતા જન્મો કોના હવાલે કરેલા છે? મોહને હવાલે… એક જન્મ તમે પ્રભુને, ગુરુને સમર્પિત કરી શકો કે નહિ…?

એક મુંબઈનો ઝવેરી એક દરિયાકાંઠે જતો દૂરના, જ્યાં મોતી દરિયામાં ઘણા મળતાં, અને વેપારી તો કઈ અંદર ઉતરી શકે નહિ, અને ત્યાંના ખલાસીઓ હોય એ ડૂબકી લગાવતાં હોય, તો એક ખલાસીને કહ્યું કે તું ડૂબકી લગાવ. ડૂબક પોશાક પહેરીને ઊંડે ઊંડે જા. મોતી મળે તો મારા, ન મળે તો પણ તને એક ફેરા દીઠ ૧૦૦૦ રૂપિયા આપી દઈશ. દસ મિનિટ અંદર રહ્યો, હજાર રૂપિયા થતાં હતા. એવી રીતે એ વર્ષોથી ત્યાં જતો. એકવાર એ ત્યાં ગયો છે, અને એનો એકદમ પરિચિત થયેલો ખલાસી વેપારીએ કહ્યું કેમ ભાઈ ઉતરવું છે હા સાહેબ તૈયાર… કારણ કે ૧૦૦૦ રૂપિયા તો રોકડાં મળવાના જ છે. મોતી મળે તો શેઠનું.. એટલું ન મળે તો ૧૦૦૦ રૂપિયા તો પાક્યા જ છે. એને ડૂબક પોશાક પહેર્યો, પછી એની નળી ઓક્સિજનની કોઠી જોડે હતી, અને ઓક્સિજન કોઠી ઉપર એક માણસ બેઠેલો જે સપ્લાય કર્યા કરે. આ ખલાસીએ ડૂબક પોશાક પહેર્યો, બધું જ તૈયાર થઇ ગયું, અને અચાનક એને પોશાક કાઢી નાંખ્યો. સાહેબ, મારે જવું નથી દરિયામાં. શું થયું પણ? ત્યારે એને કહ્યું સાહેબ, ઓક્સિજનની કોઠી ઉપર જે બેઠો છે ને માણસ એની જોડે કાલે મારે બહુ ઝઘડો થઇ ગયેલો… હવે એ માણસ મારો દુશ્મન, ઓક્સિજનની કોઠી ઉપર બેઠેલો છે, હું જાઉં અંદર, મારું જીવન એના હાથમાં અને ઓક્સિજનનો સપ્લાય બંધ કરી દે, હું તો ગૂંગળાઈને મારી જાઉં, એટલે મારા દુશ્મનના હાથમાં મારું જીવન હોય ત્યાં સુધી અંદર કેવી રીતે જઈ શકું…? એ માણસને બદલવામાં આવ્યો, પછી પેલો ગયો પણ ખરો…

તમે અનંતા જન્મો કોને સોંપ્યા? કોને…? દુશ્મનને… જે મોહ, જે રાગ અને દ્વેષ તમને નરક અને નિગોદમાં લઇ ગયા, જેણે તમને અપાર વેદનાઓ આપી, એને તમે અનંતા જન્મો સોંપ્યા! અને જે સદ્ગુરુ તમને ભવપાર કરાવવા તૈયાર છે એમને એક જન્મ સોંપવો છે. તૈયાર…? તૈયાર…?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *