Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 28

45 Views
26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ઊર્જાતીર્થ

સિદ્ધિસૂરિ દાદા જેવા સદ્ગુરુ ૧૦૫ વર્ષની વયે માંગલિક પણ કદાચ તમને ન સંભળાવી શકે, વાસક્ષેપ પણ તમને ન આપી શકે; છતાં તમારી કોશિશ હોય કે એ ગુરુનો ચરણસ્પર્શ મળી જાય, તો હું બડભાગી થઇ જાઉં.

આવા ગુરુના ચરણનો સ્પર્શ થાય, એ વખતે તમે એ ગુરુના ચરણમાંથી જે ઊર્જા નીકળે છે, એ ઊર્જાને પ્રાપ્ત કરો છો. ગુરુ શરીરના સ્તરે તમારી ઉપર કોઈ કામ કરતાં નથી. ન માંગલિક, ન વાસક્ષેપ – કશું જ નહિ; માત્ર પોતાનામાં ડૂબેલા છે. પણ એમના દેહમાંથી જે ઊર્જા નીકળી રહી છે, એ ઊર્જાનો સ્પર્શ તમને મળે છે.

આવા ગુરુએ વર્ષો સુધી જ્યાં સાધના કરી હોય, તે સ્થળ ઊર્જાતીર્થ બની જાય, સમાધિતીર્થ બની જાય. ગુરુની વિદાય પછી પણ ઊર્જાનો પ્રવાહ ત્યાં ચાલુ જ હોય. જીવંત ગુરુ પાસેથી જે ઊર્જા મળી શકે, એ જ સમાધિતીર્થોમાંથી પણ મળી શકે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૮

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

આનંદઘનજી ભગવંત પ્રભુના પરમપ્રેમમાં ડૂબી ગયા છે અને આપણને સૌને આમંત્રણ આપે છે કે તમે બધા પણ પ્રભુના પરમપ્રેમમાં ડૂબવા માટે આવી જાવ. મારું એક સદ્ભાગ્ય રહ્યું કે પરમપ્રેમમાં ડૂબેલા ઘણા બધા મહાપુરુષોના સાનિધ્યમાં રહેવાનું મળ્યું.

ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમે લોકો આબુ દેલવાડા હતા. એક સવારે લગભગ ૮ એક વાગે દર્શન કરી, અને હું ઉપાશ્રય આવ્યો. ગુરુદેવને દ્વાદશાવર્ત વંદન કર્યું. પૂછ્યું સાહેબજી શાતામાં? એટલી પ્રસન્નતા ચહેરા ઉપર બે હાથને લંબાવીને કહે પરમ શાતામાં. હું મારી રૂમમાં ગયો, અને આપણા ૩૧ ઉપવાસના તપસ્વી નમનયશ વિજય મારી રૂમમાં આવ્યા, મને કહે સાહેબ આપ તો દેરાસરે ગયેલા, દાદાને કોણ જાણે પગમાંથી એટલું બધું લોહી નીકળ્યું, ખ્યાલ જ નહિ આવ્યો, કઈ રીતે શું ઘસાઈ ગયું, ખ્યાલ નહિ આવ્યો, બહુ જ લોહી નીકળ્યું, બધા જ કપડાં લોહીવાળા થઇ ગયેલા, dressing કરી દીધું, કપડાં બદલી નાંખ્યા, પણ સાહેબજી આટલું બધું લોહી કેમ નીકળ્યું ખ્યાલ નહિ આવ્યો. હું તરત દોડતો સાહેબની રૂમમાં ગયો, સાહેબ એટલા જ સ્વસ્થ બેઠેલા. મેં કહ્યું ગુરુદેવ! શું થયું? bleeding થયું આટલું બધું…? હસતાં હસતાં મને કહે શરીર છે તો બધું થયા કરે, એમાં વિચાર બહુ કરવાનો ન હોય. મને કહે ઉપયોગને સ્વમાં રાખવાનો, પરમાં નહિ રાખવાનો. લાગે કે સતત ૨૪ કલાક પ્રભુના પ્રેમમાં એ ડૂબેલા રહેતા.

આવા એક મહાત્માને જોયેલા, પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મોક્ષરત્નવિજય મ.સા. પહેલી વાર રાજસ્થાન મારે જવાનું થયું, ત્યારે બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ છે ત્યાં સાહેબ સાથે મને એમનો મેળાપ થયો. જોતાં જ લાગ્યું કે જન્મોની સાધના લઈને આવેલુ આ વ્યક્તિત્વ છે. સતત સ્મિત વેર્યા કરતું મુખ, પ્રભુની આજ્ઞાપાલનનો એટલો તો આનંદ જાણે કે હૃદયમાં એને સમાવી ન શકતા હોય, ગુરુદેવે એમને સ્વાધ્યાયયોગ આપ્યો છે. એક ખૂણામાં બેઠા – બેઠા સવારથી સાંજ સુધી પુસ્તકો વાંચ્યા કરતાં હોય. મારી પાસે આવ્યા, મને એમણે પૂછ્યું કે સાહેબ આટલા ગ્રંથો વંચાઈ ગયા છે, હવે હું શું વાંચું? મેં જોયું, હરિભદ્રસૂરિ મ.સા. ના, ઉપાધ્યાયજી ભગવંતના, અને બીજા બધા જ ગ્રંથો એમને વંચાઈ ગયા હતા. મેં એમને કહ્યું, કે તમારા ગુરુદેવ જો તમને રજા આપે તો ૪૫ આગમ સટીક તમે વાંચી લો, તમારે યોગોદ્વાહ્ન આગળના થયા નથી, પણ સદ્ગુરુ અનુમતિ આપે, પછી કોઈ વાંધો હોતો જ નથી. ૩ વર્ષ પછી ફરી મેળાપ થયો, મને કહે કે સાહેબ ગુરુદેવે અનુમતિ આપી, ૪૫ આગમ સટીક વંચાઈ ગયા. હવે શું વાંચું…? મેં કહ્યું, હવે આચારાંગ ડૂબો તમે… પણ એમ લાગે…કે પરમપ્રેમમાં ડૂબેલું વ્યક્તિત્વ કેવું હોય..

આજે જે મહાપુરુષનો ૧૬૭મો જન્મદિવસ છે એ પૂજ્યપાદ સિદ્ધિસૂરિદાદા પરમ પ્રેમમાં ડૂબેલા મહાપુરુષ હતા. એમનો પરમ પ્રેમ કેવો…? પરમ પ્રેમ તો અદ્ભુત…! પણ એની સ્મૃતિ પણ કેટલી અદ્ભુત હોય છે! ગત જન્મોની અંદર પરમપ્રેમને માણીને આવેલા એ મહાપુરુષ. એક નિમિત્ત મળ્યું પૂર્વ જન્મના સંસ્કારો ખુલ્યા, અને ગત જન્મની પરમપ્રેમની ધારા ચાલુ થઇ. આપણી સાધના જન્મોના ખંડો ઉપર તરતી સાધના છે. તમે રાત્રે પત્ર લખવા માટે બેઠા, 5 લીટી લખાઈ, light off થયી, વિચાર્યું, કાલે સવારે લખશું. સવારે તમે પત્રને હાથમાં લો છો. ૫ લીટી લખાઈ ગયેલી છે રાત્રે, સવારે તમે છટ્ઠી લીટીથી શરૂઆત કરશો. આ જ લયમાં જન્મોના ખંડો ઉપર સાધના તરતી હોય છે. અસ્તિત્વના સ્તરની જો તમારી સાધના થઇ તો આ જન્મમાં જેટલી સાધના તમે ઘૂંટી, આવતાં જન્મમાં એને ફરીથી નહિ ઘૂંટવી પડે. આગળ ચાલો, એનાથી બીજા જન્મમાં એનાથી આગળ ચાલો. પણ આ શક્યતા ક્યારે છે…? તમારી સાધના અસ્તિત્વના સ્તર પર ગયેલી હોય. રાગ અને દ્વેષ, અહંકાર ક્યાં છે? અસ્તિત્વના સ્તર પર. રાગ અને દ્વેષ conscious mind ની નીપજ નથી. એ ઊંડે ઊંડે અસ્તિત્વના સ્તર સુધી પેસેલા છે. તો જ્યાં રાગ અને દ્વેષ છે, જ્યાં અહંકાર છે, ત્યાં સાધના જવી જોઈશે. જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશ જવો જોઇશે.

દાદા ગુરુદેવને શું થયું, માત્ર એક નિમિત્ત મળ્યું, અને ગત જન્મના પરમ પ્રેમની સ્મૃતિ, સ્મૃતિની સાથે એ પરમપ્રેમની ધારામાં વહેવાનું ચાલુ થયું. શું થયું પછી, પરમ વૈરાગ્ય. લગ્ન થયેલા છે, દીક્ષા માટે ઘરનું વાતાવરણ બિલકુલ પ્રતિકૂળ છે.  પિતાજી એટલા કડક સ્વભાવના… કયો સાધુ મારા દીકરાને દીક્ષા આપે છે, એ જોઉં. કોઈ મહાત્માની હિંમત નહિ કે દીક્ષા આપીએ… દીક્ષા આપીએ અને પાછળથી એનો બાપ આવે અને ઝઘડો કરે તો જિનશાસનની ગરિમા નંદવાય. આટલા પ્રતિકૂળ સંયોગોમાં પરમપ્રેમ શું કરે… લાગ્યું કે કોઈ મહાત્મા મને દીક્ષા નહિ આપે. પણ મારે પ્રભુના પ્રેમમાં જ ડૂબવાનું છે, મારે પરમાં જવાનું જ નથી. આ જન્મ માત્ર અને માત્ર પરમપ્રેમ માટે જ મને મળ્યો છે. તમારો જન્મ શેના માટે…? તમારો આ જન્મ શેના માટે…? સંસારમાં છો, સંપત્તિ જોઈએ, પરિવારનું પોષણ કરવાનું છે, એ બધું જ ખરું… પણ હું અહીં આવ્યો છું શા માટે…?  આ બધી બાજુની વાતો છે, મુખ્ય વાત એક જ છે કે હું માત્ર અને માત્ર પરમપ્રેમમાં ડૂબવા માટે આ જન્મમાં આવ્યો છું.

એક તમારો સંકલ્પ પાકો થયો, પરમપ્રેમમાં ડૂબવું એ કંઈ મોટી ઘટના નથી, આસાન ઘટના છે. અને હું તો કહીશ it is so easy. એનો રંગ એકવાર લાગી જવો જોઈએ. એક દિવસ મુંડન કરાવીને ઘરે આવ્યા, થેલીમાં ચોલપટ્ટો, કપડો વિગેરે કાપડ ઉપકરણ ભંડારમાંથી ખરીદીને લાવેલા એ હતું, રૂમમાં પેસી ગયા, કપડાં પહેરી લીધા. ૨ – ૪ કલાક થયા, રૂમનું બારણું ખુલતું નથી, ભાઈ જમવા માટે ચાલો. એક જ વાત જ્યાં સુધી દીક્ષાની પરવાનગી પૂરા પરિવાર તરફથી નહિ મળે ત્યાં સુધી આ બારણું નહિ ખુલે. પણ પિતા તો કડક સ્વભાવના જોઈએ કેટલો ભૂખ્યો રહે છે, પાણી પણ નથી અંદર. એક ઉપવાસ ચોવિહારો, બીજો ઉપવાસ ચોવિહારો, ત્રીજો ઉપવાસ ચોવિહારો. આ તાકાત પરમપ્રેમની સ્મૃતિની છે. બોલો… એક ગયા જન્મનો પરમપ્રેમ યાદ આવે…

ગુણસારની વાતમાં આપણે ત્યાં આવે છે કે એને મુનિરાજને જોતાં ગયા જન્મની પોતાની દીક્ષાની સ્મૃતિ થઇ. અને દીક્ષામાં જે આનંદ માણેલો, એની સ્મૃતિએ એમના મનને એકદમ જગજોર બનાવી નાંખ્યું. નક્કી કર્યું કે દીક્ષા જ લેવી છે. આઠ – આઠ કન્યાઓ જોડે સગપણ થઇ ગયેલું છે. દીક્ષા લેવી છે, માં એ ખોળો પાથર્યો બેટા! અમારી ઈજ્જતનો તો તો કંઈ ખ્યાલ રાખ. આઠ સારા ઘરની દીકરીઓ એની જોડે તારું સગપણ થયેલું છે. લગ્ન કરી લે, લગ્ન કર્યા પછી તું અમારા તરફથી સ્વતંત્ર. અમારા તરફથી રજા. ખ્યાલ હતો, આઠ દીકરીઓ આવશે એ જ રોકી રાખશે. પણ આનો વૈરાગ્ય.. લગ્નનો વરઘોડો નીકળ્યો અને મનમાં શું ચાલે છે? ખરી મજા તો આવતી કાલે છે. આવતી કાલે રજોહરણ મને મળશે. સજ્ઝાયમાં લખ્યું, ઘોડા ઉપર લગ્નના વરઘોડામાં બેઠેલા ગુણસાર વિચાર કરી રહ્યા છે ‘શ્રુત ભણશું સુખકારી રે’ આવતી કાલથી બસ ગુરુના ચરણોની અંદર લીટી બનવાનું. સ્વાધ્યાયની મજા, ભક્તિની મજા. આ અમારા સાધુઓને પૂછો તો ખરા કેવી મજા આવે? અને એ લગ્નનો વરઘોડો ચોરીમાં ફેરવાય, અને ચોરીમાં કેવલજ્ઞાન!

ત્રણ – ત્રણ દિવસ ચોવિહારો અટ્ઠમ થઇ ગયો. પરમપ્રેમ. મારો જન્મ પરમપ્રેમને માટે જ છે. એની આજ્ઞામાં મારે ડૂબવાનું છે. છેવટે પિતા પણ ઢીલા પડ્યા, રજા મળી ગઈ, દીક્ષા થઇ પણ ગઈ. પરમપ્રેમે જેમ એક બાજુ પરમ વૈરાગ્ય આપ્યો, એમ એ જ પરમ પ્રેમે બીજી બાજુ ‘હું’ ને છીનવી લીધું.

હું વારંવાર કહું છું, એક ગુરુ શું કરે, પરમ પ્રેમ તરફનું ડગ તમને ભરાવે. મતલબ કે તમારા ‘હું’ ને છીનવી લે, પણ ગત જન્મના પરમપ્રેમે એ જ પરમપ્રેમની સ્મૃતિએ ‘હું’ ને નામશેષ કરી નાંખ્યું. દીક્ષાને થોડાક મહિના થયા છે, એવા સદ્ગુરુ મળ્યા છે, મણિવિજયદાદા એ વખતે તપાગચ્છની એક અજોડ વિભૂતિ, અને એમના ચરણોમાં રહીને સંયમી જીવનની ટ્રેનીગ લેવાની છે, એમની સેવા કરવાની છે, અને એમના ચરણોની અંદર રહીને સંયમ યોગોમાં આગળ વધવું છે. અને એ ગુરુ એકવાર બોલાવે સિદ્ધિવિજય અહીં આવ, ગુરુ પાસે આવ્યા, સાહેબજી ફરમાવો, ગુરુદેવ કહે છે, સુરત પાસે રાંદેરમાં ખડતલગચ્છના એક મુનિ છે, રત્નસાગરજી… અને એમની સેવામાં તારે જવાનું છે. ઇચ્છાઓને ઘરે મુકીને આવેલા, ‘હું’ ને ઘરે મુકીને આવેલા, શું ગુરુ સમર્પણ! તહત્તિ ગુરુદેવ.

હું સમર્પણની વાત કરું ને ત્યારે મને ગુરુ ગૌતમ અનાયાસ યાદ આવે. શું એમનું સમર્પણ! ૫૦,૦૦૦ હજાર કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ, અને પ્રભુ કહે છે પેલા બ્રાહ્મણને જરા ધર્મ સંભળાવી આવો ને, તહત્તિ ગુરુદેવ. હું ઘણીવાર કહું, કે મારા શિષ્યો હોય ને, અને કોઈ શ્રાવક આવે સાહેબજી! એક ભાઈને પુણ્યપ્રકાશનું સંભળાવાનું છે, મહાત્માને મોકલો. મારે વિચાર કરવો પડે, એકદમ સ્વાધ્યાયશીલ મહાત્મા હોય અને એને કહી દઉં બેટા! જઈ આવ ત્યાં. જઈ તો આવે, પણ એના મનમાં થાય, પેલા મહાત્મા સામે નવકારવાળી ગણ્યા કરે છે ભણતા નથી, એમને મોકલાય ને આમાં. મારા જેવાને મોકલતું હશે!? અને એ ગુરુ ગૌતમ ૫૦,૦૦૦ હજાર કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ સ્વપ્ને પણ એમને ખ્યાલ નથી આવ્યો કે હું ગુરુ છું! ૨૪ કલાક એક જ ધારા હતી, હું મારા પ્રભુનો શિષ્ય છું. ગુરુદેવની આજ્ઞા એક સેકંડનો વિચાર નથી કર્યો. આજ્ઞા એટલે આજ્ઞા. મારે સમર્પિત જ થવાનું હોય. પણ એ, એમનું સમર્પણ આ જન્મની અંદર એમને પરમપ્રેમમાં અત્યંત રીતે ડુબાડી દે છે.

આપણા યુગના એક શ્રેષ્ઠ ભક્ત, શ્રેષ્ઠ સાધક અને શ્રેષ્ઠ યોગી તરીકે એમની આજે પ્રખ્યાતી છે. અને એમના જીવનની એક મહત્વની ઘટના એ થઇ કે છેલ્લા ૩૦ – ૪૦ વર્ષ સુધી સાહેબજીને પગની તકલીફને કારણે અમદાવાદમાં વિદ્યાશાળામાં રહેવાનું થયું. અને એટલે એ વિધાશાળા ઉર્જાતીર્થ બની ગયું. ૪૦ – ૪૦ વર્ષ સુધી પ્રભુપ્રેમમાં ડૂબેલા આવા મહાપુરુષ એક જગ્યાએ રહે, એમની ઉર્જા એ સ્થાનમાં પથરાયેલી હોય, એ સ્થાન આપણા માટે તો તીર્થ જ છે.

હમણાંની બનેલી એક સરસ ઘટનાની વાત કરું, ૫૦ એક વર્ષ પહેલાંની વાત છે, જર્મનીમાં એક મહિલા પ્રોફેસર, બૌદ્ધ ગ્રંથોના બહુ જ મોટા વિદુષી, યુનીવર્સીટીમાં એ બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતા, હવે યુનીવર્સીટી લેવલે જે વ્યક્તિ ભણાવતી હોય એનો અભ્યાસ કેટલો હોય! લગભગ તમામ પ્રમુખ બૌદ્ધ ગ્રંથો એમને વાંચી લીધેલા. અને એમાં એક ગુરુના શબ્દો ઉપર એ પ્રોફેસર સંમોહિત થઇ ગયેલા, હું ઘણીવાર કહું કે હું પણ હરિભદ્રસૂરિ મહારાજના શબ્દોના સંમોહનમાં પડેલો માણસ છું. પહેલી વાર હરિભદ્ર સૂરિ મહારાજને વાંચ્યા, અર્થના ઊંડાણમાં ગયો નહોતો, પણ એમના શબ્દો એટલા પ્રાંજલ, એટલા મધુર કે હું એમના શબ્દોના પ્રેમમાં પડી ગયો.

આ પ્રોફેસર એક બૌદ્ધ ગુરુના શબ્દોથી, ગ્રંથોથી અત્યંત પ્રભાવિત. એ ગુરુના તમામ ગ્રંથો, જેટલા મળતા હતા બધા એમને વાંચી લીધેલા. એકવાર એ પ્રોફેસરને વિચાર આવ્યો, કે ૪૦૦ વર્ષ પહેલાં આ ગુરુ થયા છે, ખરેખર હું ૪૦૦ વર્ષ હું મોડી  જન્મી છું. હું જો ૪૦૦ વર્ષ પહેલાં જન્મી હોત તો આવા સદ્ગુરુના ચરણોમાં મને બેસવાનું મળ્યું હોત. અને એ વિચાર કરે છે, કે જેમના શબ્દોમાં આટલી તાકાત છે, કે સામાન્યમાં સામાન્ય માણસને સાધનાના માર્ગે દોડતો કરી દે, જેમના શબ્દોમાં આટલી તાકાત છે, એમના ભાવો કેટલા તો પવિત્ર અને સશકત હશે. એમના ચરણોમાં બેસીએ અને એમના દેહમાંથી જે ઉર્જા નીકળે, એ ઉર્જા કેટલી સશક્ત હશે! ખરેખર હું ૪૦૦ વર્ષ મોડી જન્મી છું. નહીતર એ સદ્ગુરુના ચરણોમાં હું બેઠેલી હોત… પણ એ પ્રોફેસર આટલું વિચારીને બેસી ન રહ્યા, એ તંત્રશાસ્ત્રના પણ નિષ્ણાંત હતા, ઉર્જા શાસ્ત્રના પણ નિષ્ણાંત હતા. તો એમણે વિચાર કર્યો, કે આ ગુરુ જે આશ્રમમાં રહેતા હોય અને એ આશ્રમ રિનોવેટ ન થયો હોય, મૂળ સ્વરૂપમાં રહેલો હોય, અને મને ત્યાં જવાનું મળે, તો ચોક્કસ એ ગુરુની ઉર્જા મને મળે. ખુબ મહેનત કરી તો ખ્યાલ આવ્યો કે તિબેટની અંદર એક મઠ છે અને એમાં એ ગુરુ આખી જિંદગી રહેલા, એક વાત તો મળી ગઈ, બીજી વાત એ જોવી હતી કે રીનોવેશન થયું નથી ને…?

આપણે ત્યાં એક બહુ મોટી ભૂલ ચાલી આવી છે. ૧૦૦ વર્ષ પહેલાંનું દેરાસર, ૨૦૦ વર્ષ પહેલાનું દેરાસર, દેવદ્રવ્યના પૈસા છૂટથી મળે છે, તોડી નાંખો, નવું બનાવો. ન તોડી શકાય. ૨૦૦ વર્ષની ઉર્જા એની અંદર જામેલી છે, તમે ઉર્જાને કેમ તોડી શકો..?! તોડાય જ નહિ. એ મંદિરને રિનોવેટ પણ તમારે કરવું હોય તો એના માટે પણ અભ્યાસ કરવો પડે. કે એનું મૂળ સ્ટ્રક્ચર અખંડિત રહે અને એને સપોર્ટ આપી શકાય. બૌદ્ધોની પાસે આજે આ પરંપરા છે, તમે કોઈ પણ બૌદ્ધ મઠમાં જાવ, રીનોવેશન થયેલું હશે તો પણ મૂળ સ્ટ્રક્ચર અખંડિત હશે. એટલો બધો ત્યાં નિયમો છે, કે મઠને આશ્રમને કલર પણ અમુક જ કરી શકાય. જે ૪૦૦ વર્ષ પહેલાં જે ચાલુ હતા એ… નવા રંગો પણ તમે લગાડી શકતા નથી. એ મઠમાં શિષ્યોને ભણવા માટેની, બેસવા માટેની વ્યવસ્થા પણ બધી જ પ્રાચીન છે. તો આપણા દેરાસર ૧૦૦ વર્ષના, ૨૦૦ વર્ષના, ૪૦૦ વર્ષના તૂટે એવા નથી હોતા, અત્યારે તમે બનાવો એના કરતા જુના દેરાસરો વધુ મજબુત હોય છે. પહેલાંના યુગમાં ૪ – ૪ ફીટની, ૫ – ૫ ફીટની ભીંત ચણતા. અત્યારે તો તમારે અડધો ફૂટ ને પોણો ફૂટમાં વાત પતી ગઈ. બે બાજુ આરસ લગાડ્યા, આરસ નીકળી જાય, ભીંત તૂટી જાય.

તો એ જર્મન પ્રોફેસર ઉર્જા શાસ્ત્રના નિષ્ણાંત હતા, તો મઠ રિનોવેટ પણ નથી થયો, હવે વાત એ હતી કે પોતે ક્રિશ્ચયન છે, ક્રિશ્ચયનને એ મઠમાં પ્રવેશ મળે કે કેમ..? લાગવગ લગાડી, એના માટે પણ રજા મળી ગઈ. પોતાની યુનીવર્સીટીમાં એક મહિનાની રજા મૂકી. અને પ્રોફેસર તિબેટ ગયા. લાસા એરપોર્ટ પર ઉતર્યા, હોટેલમાં બુકિંગ કરાવેલું ત્યાં પહોંચી ગયા, અને નક્કી કરેલું કે રોજ ૨ – ૪ કલાક એ મઠમાં જઈને ધ્યાન કરવું. અને એમ કરતાં પણ ગુરુની ઉર્જાને પકડવી. એક દિવસ , બે દિવસ, ત્રણ દિવસ અલગ – અલગ ખંડમાં જઈને ધ્યાન કર્યું, પણ એ ગુરુની ઉર્જા પકડાતી નથી. કારણ કે હવે તો એકદમ પરિચિત થઇ ગયા છે, શબ્દોથી એટલા બધા પરિચિત થઇ ગયા છે કે એમની વિચારસરણી આ જ હોય, એમના ભાવ આ જ હોય.

પછી વિચાર્યું કે બરોબર પૂછી લઉં આ જ મઠમાં ગુરુ રહેલા ને? પૂછ્યું જવાબ મળ્યો હા, આ જ મઠમાં રહેલા. તો કયા રૂમમાં રહ્યા હશે…! એક દિવસ એમને ધ્યાન નહિ કર્યું, આખા મઠને જોયો… બહુ મોટો મઠ હતો. એમાં છેવાડે એક રૂમ હતી, રૂમ બિલકુલ બંધ, તાળું મારેલું એટલું નહિ, ઉપર સીલ લગાવેલું… અને લખેલું આ સીલ કોઈનાથી તોડી શકાશે નહિ. અને ટ્રસ્ટીઓની બધાની સહી હતી. ગુરુની પણ સહી હતી. હવે પ્રોફેસરને થયું કે આ ઓરડીમાં જ કદાચ ગુરુ બેસતાં હોય તો… બહારથી situation જોઈ. તો એ રૂમની એક બાજુની બારી પહાડ તરફ પડતી હતી. થયું કે નક્કી આ રૂમ છેવાડાની છે, સામે પહાડો છે, તો ગુરુ આ જ રૂમમાં જ બેસતાં હોવા જોઈએ. છતાં પ્રાયઃ કરીને બીજા બધા ખંડોમાં ધ્યાન કરી જોયું પણ unsuccess ગયા. હવે આ રૂમ ખોલાવવો છે. પૂછ્યું જવાબ મળ્યો, આ રૂમ તો કોઈ હિસાબે નહિ ખુલી શકે. મોટા ગુરુ સહી કરીને ગયા છે, આ રૂમ ખોલવાનો નહિ. એટલે વધારે શ્રદ્ધા બેસી કે આ લોકોએ એ ગુરુની ઉર્જાને સાચવવા માટે રૂમને pack કરી રાખી નાંખી છે. એટલે એક બાજુ તો આનંદ થયો, કે વર્ષોથી આ ખંડ પેક છે, એટલે ગુરુની ઉર્જા આની અંદર હજુ હશે. પણ રૂમ ખોલાવવો શી રીતે? ઘણી મહેનત કરી, પણ  ક્યાંયથી કોઈ જવાબ મળતો નથી.

છેવટે એ પોતાની યુનીવર્સીટીના ચાન્સેલરનો સંપર્ક કરે છે. અને કહે છે કે સર હું અહીંયા આના માટે જ આવેલી છું. અને આ રૂમ ન ખુલે અને એ ગુરુની ઉર્જા હું પ્રાપ્ત ન કરું તો મારી આખી આ મહેનત પાણીમાં જાય એમ છે. તમે કોઈ પણ રીતે લાગવગ લગાડો. ચાન્સેલર પ્રભાવશાળી હતો, એને જર્મનીના એક પ્રધાન જોડે સંબંધ હતો, એ પ્રધાન જોડે લાગવગ લગાડી. પ્રધાને મુખ્યપ્રધાન જોડે, મુખ્યપ્રધાને તિબેટના સત્તાવાળા જોડે, અને એમ કરીને આ રૂમને ખોલવાની permission મળી. એ રૂમ ખોલવામાં આવ્યો, અને એ પ્રોફેસર બહેન જ્યાં ખંડમાં પ્રવેશે છે, અદ્ભુત!

એ જ ઉર્જા ગુરુની મળી ગઈ. પછી તો રોજ કલાકો સુધી એ ઉર્જાને માણવા માટે બેસી જાય. આમ તો પહેલાં ૨ – ૪ કલાક ધ્યાન કરતાં. હવે તો સવારે નાસ્તો કરીને આવી જાય. સાંજ સુધી ત્યાં જ. ખાવાનું નહિ, પીવાનું નહિ. માત્ર ઉર્જાને માણવાની. દસ દિવસ સુધીની પરવાનગી મળી. અગિયારમાં દિવસે પાછો રૂમ બંધ કરી દેવાનો જ હતો. અને પ્રોફસર એમાં પણ રાજી હતા કે આ રૂમ વધુ ખુલ્લો ન રહેવો જોઈએ. કારણ? નહીતર ઉર્જા પાછી નીકળી જશે અને મારા પછી કોઈ આવે તો એને પણ ઉર્જા મળવી જોઈએ. એ દસ દિવસની ઉર્જા મેળવીને ગયા, એમના કલીક પ્રોફેસરે પૂછ્યું, શું રહ્યો તમારો અનુભવ? ત્યારે એમના શબ્દો હતા, કે જે ગુરુ ઉપર મને અત્યંત બહુમાન હતું, એ ગુરુના ચરણોમાં દસ દિવસ હું રહીને આવી.

મેં પહેલા પણ તમને કહેલું, સદ્ગુરુ છે સિદ્ધિસૂરિ દાદા જેવા, ૧૦૫ વર્ષનું આયુષ્ય છે. માંગલિક પણ કદાચ તમને ન સંભળાવી શકે, વાસક્ષેપ પણ તમને ન આપી શકે. પણ તમારી કોશિશ હોય, કે એ ગુરુનો ચરણ સ્પર્શ મળી જાય તો હું બડભાગી થઇ જાઉં. તો એ વખતે તમે શું કરો છો? એ ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જાને પ્રાપ્ત કરો છો. ગુરુ શરીરના સ્તર ઉપર કોઈ કામ કરતાં નથી. ન માંગલિક તમને આપ્યું, ન વાસક્ષેપ તમને આપ્યો, કશું જ નહિ, એ પોતાનામાં ડૂબેલા છે. પણ એમના દેહમાંથી જે ઉર્જા નીકળી રહી છે, એ ઉર્જાનો સ્પર્શ તમને મળે છે. તો ગુરુ ગયા, સમાધિતીર્થ રચાયું, ઉર્જાનો પ્રવાહ ચાલુ છે, તમે બેસી જાવ. જીવંત ગુરુ પાસેથી જે ઉર્જા મળી શકે, એ જ સમાધિ તીર્થોમાંથી પણ મળી શકે.

મોરારજીભાઈ દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન જ્યારે હતા, ત્યારે એકવાર એમને અરુણાચલમ્ જવાનું થયું. તો એમને પોતાની સેક્રેટર ને બોલાવીને કહ્યું કે અરુણાચલમની મારી મુલાકાત એ રીતે ગોઠવજો કે કાર્યક્રમ એ રીતે ગોઠવજો કે રમણ મહર્ષિ જોડે હું એક થી બે કલાક બેસી શકું. અરુણાચલમની ગુફામાં રમણ મહર્ષિ એ વખતે વિદ્યમાન હતા. મોરારજીભાઈનો કાર્યક્રમ નક્કી થઇ ગયો, એ દિવસે સાંજે ૫ વાગે એ આશ્રમમાં આવવાના હતા અને ૬ – ૬.૩૦ વાગે પાછા નીકળી જવાના હતા. હવે મુખ્યમંત્રી આવવાના હોય, તો આગળના દિવસે પોલીસ આવી જાય, સિક્યુરીટી મેન આવી જાય. આશ્રમમાં ચહલ પહલ ચાલુ થઇ. શિષ્યોને પણ ખ્યાલ આવી ગયો કે મુખ્યમંત્રી આવી રહ્યા છે. પણ એ બધા એવા ગુરુના શિષ્યો હતા, જેમને મુખ્યમંત્રીની કોઈ કિંમત નથી. તમને કોની કિંમત? સત્તાધીશ આવવાનો છે, અરે સત્તાધીશ હોય તો એના ઘરે… તમારે શું…?!

અમે વાલકેશ્વર મુંબઈમાં ચોમાસું હતું, એક ભાઈ મને કહે સાહેબ! મહારાષ્ટ્ર રાજ્યના બધા પ્રધાનો આ ટેકરી ઉપર જ છે, વાલકેશ્વરની… મારે બધા જોડે સંબંધ છે, તમે કહો એ પ્રધાનને તમારી સભામાં લઇ આવું, મેં કહ્યું કે મારે એકેય પ્રધાન જોઈએ જ નહિ. શ્રાવક તરીકે કોઈને આવીને જાજમ ઉપર બેસવું હોય તો આવી જાય. બાકી એના માટે ખુરશી રાખવાની હોય, અને એને હાર – તોરા કરાવવાના હોય, એવો પ્રધાન મારી સભામાં જોઈએ જ નહિ, મેં કીધું.

રમણ મહર્ષિને ખ્યાલ આવ્યો કે મોરારજી આવવાના છે તો આવે, સંતોની પાસે બધા આવે. પણ આ મુખ્મંત્રી હતા એટલે ક્યાંક કાર્યક્રમમાં થોડું ડીલે થઇ જ જાય. પાંચ ને બદલે છ વાગે આવ્યા. છ વાગે આવ્યા. રોજના નિયમ પ્રમાણે રમણ મહર્ષિ ધ્યાનમાં જતાં રહ્યા. મુખ્યમંત્રી હોય તો એના ઘરનો. એમાં સંતને શું…! સત્તાની જોડે કે સંપત્તિની જોડે અમારું વળગણ બિલકુલ નહિ. કદાચ કોઈની અમે પ્રશંસા કે ઉપબૃંહણા કરીએ, તો પણ એણે પૈસા છોડ્યા એની, એના ત્યાગની ઉપબૃંહણા કરીએ, નહિ કે એની પાસે પૈસા છે એની…  કરોડ રૂપિયા તમે સાધર્મિક ભક્તિમાં ખર્ચો, અને હું ઉપબૃંહણા કરું, પણ એ તમારા ત્યાગની ઉપબૃંહણા થઇ, તમારી સંપત્તિની નહિ. તમારી સંપત્તિ જોડે, તમારી સત્તા જોડે અમારે કોઈ નિસબત નથી. અમારે નિસબત માત્ર પ્રભુ જોડે છે.

રમણ મહર્ષિ ધ્યાનમાં જતા રહ્યા, એક શિષ્ય કહેતો નથી હો કે સાહેબ! મુખ્યમંત્રી આવ્યા. કોઈને કંઈ પડી નથી. ત્યાં આશ્રમમાં.. સવા છ વાગે મોરારજીભાઈ આવ્યા. એ પણ આમ તો આધ્યાત્મિક તત્વના જાણકાર હતા. મહર્ષિની પાસે લઇ જવામાં આવ્યા, એક નાનકડી ગુફામાં મહર્ષિ હતા, અને મોરારજીભાઈ ત્યાં બેસી ગયા. પ્રોગ્રામ તો નક્કી હતો કલાક – દોઢ કલાક રોકાવાનું. વધારે નહિ… પૂછ્યું બહાર, કે ધ્યાન ક્યારે પૂરું થશે? કે એ કોઈને ખ્યાલ ન આવે. કલાક ચાલે, બે કલાક ચાલે, અને પાંચ કલાક પણ ચાલે. ગુરુ ધ્યાનમાં જાય પછી બહાર આવવાનો સમય નક્કી નહિ, બરોબર. તમે પૂજા કરવા જાવ એટલે? return ticket લઈને જાવ એમ ને…? કોઈને કહી દો પાછા… હું ૭.૩૦ જાઉં છું ને ૮.૩૦ આવી જઈશ બરોબર… તમને ભગવાન ખેંચીને નથી રાખતા ક્યારે આમ, રોકીને…?

મોરારજીભાઈ બેઠા, એક કલાક થઇ, મહર્ષિ ધ્યાનમાં જ છે, પણ એ ઉર્જાની એટલી અસર થઇ મોરારજીભાઈ ઉપર, એમણે ચિટ્ઠી લખી પોતાના સેક્રેટરી ઉપર અને બહાર મોકલાવી, કે આજની રાતના તમામ કાર્યક્રમો રદ. આજે માત્ર અને માત્ર મહર્ષિના ચરણોમાં જ રહેવાનું છે. અને આવતી કાલે પણ ક્યારે અહીંથી નીકળશું એ નક્કી નથી, એટલે આવતી કાલનો કોઈ કાર્યક્રમ જાહેર કરતાં નહિ. મોરારજીભાઈ જ્યારે આવ્યા ને ત્યારે એક વાત મનમાં લઈને આવ્યા, કારણ રમણ મહર્ષિ બહુ જ પ્રખ્યાત હતા, કોઈએ રમણ મહર્ષિની પાસે એક સંદેશ લઈને આવવાના હતા કે આપ અરુણાચલમ્ ની ગુફામાં જ કેમ બેઠા છો?  હું રાજ્ય સરકાર તરફથી બધી સગવડો તમને આપું, મોટરોલા નો કાફલો આપું, તમે આખા ભારતમાં ભ્રમણ કરો અને લોકોને તમે તત્વજ્ઞાન આપો. આ કહેવા માટે આવેલા, કલાક એમની ઉર્જામાં બેઠા, બધું હવા થઇ ગયું.

બે કલાકે સંતે આંખ ખોલી. મોરારજીભાઈ એમના ચરણોમાં પડ્યા, પછી વાત તો કરી તોય, સાહેબ તમે ગુફામાં બેઠેલા છો અને એના માટે નહિ તમે ભારતમાં ભ્રમણ કરો, લોકોને જ્ઞાન આપો, સરકાર તરફથી તમને બધી વ્યવસ્થા આપું, રમણ મહર્ષિ હસ્યા. શબ્દો..? શબ્દોથી શું થાય…? શબ્દો.. શબ્દોથી શું થાય.? મોરારજીભાઈને ખ્યાલ આવી ગયો. આજે રમણ મહર્ષિ નથી પણ એ અરુણાચલમની ગુફામાં યાત્રા કરવા જનાર સેંકડો હજારો લોકો આવે છે, વિદેશીઓ પણ આવે છે, આવે, ગુફામાં બેસે, અને રમણ મહર્ષિની ઉર્જાને લઈને પાવન થઇ જાય.

તો જેમનો જન્મદિવસ છે એ બાપજી મ.સા. વિધાશાળામાં ૩૦ થી ૪૦ વર્ષ એકધારા રહ્યા, અને વિદ્યાશાળાને એમને ઉર્જાતીર્થમાં ફેરવી નાંખ્યું. આજે પણ ત્યાં જઈને બેસીએ એમની મૂર્તિની પાસે તો આપણને લાગે કે રીતસર એ મૂર્તિમાંથી પણ ઉર્જા આપણને મળી રહી છે. તો આપણે બડભાગી છીએ કે આવા પ્રભુપ્રેમમાં ડૂબેલા મહાપુરુષોનું દર્શન પણ આપણને થયેલું છે અને એ જ દર્શન પ્રભુપ્રેમના સ્પર્શ સુધી આપણને મળે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *