વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : દ્યો દરિશન મહારાજ
શબ્દો બોલીએ કે સાંભળીએ, એ વૈખરી. શબ્દોની સાથે અર્થનું અનુસંધાન થાય, એ મધ્યમા. ધ્યાનની પૃષ્ઠભૂ પર મૂળ રચનાકારના શબ્દો જોવામાં આવે, એ પશ્યન્તિ. અને પરા ની અંદર માત્ર ભાવ આપવામાં આવે છે; એ ભાવના આધારે શબ્દોની રચના આ પરાવાણીને ઝીલનાર પોતે કરે છે.
વાસિત હૈ જિનગુણ મુજ દિલકો – જો તમારા હૃદયને, તમારા મનને, તમારા અસ્તિત્વને પ્રભુના ગુણોએ કબજે કરી લીધું છે, તો પછી ઓર વાસના લગે ન તાકો – બીજો કોઈ રંગ એ મન ઉપર, એ હૃદય ઉપર ચડી શકતો નથી.
પ્રભુ દર્શન આપવા તૈયાર છે. પણ પ્રભુના દર્શનને ઝીલવા માટે આપણે તૈયાર ખરા? ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નીરખવા… ચિત્ત, મન અને આંખ – આ ત્રણેય પ્રભુ માટે અત્યંત લાલાયિત બનેલા હોય, તો પ્રભુનું દરિશન એ જ ક્ષણે થઇ જાય.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩
પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
પરાવાણી એટલે શું? એક મજાની ઘટના એના સંદર્ભમાં યાદ આવે, પાટણમાં પૂજ્યપાદ સાધના મહર્ષિ ગુરુદેવ ભદ્રંકરવિજયજી મ.સા. બિરાજમાન હતા. મારું ચાતુર્માસ અમદાવાદ હતું અને એ પછી મારે પાલનપુર જવાનું હતું. પણ ખાસ ગુરુદેવના દર્શન માટે હું પાટણ ગયો, પાટણમાં સાહેબજી પંચાસરા દેરાસરની સામે નગીનભાઈ પૌષધશાળામાં હતા. પંન્યાસ વજ્રસેનવિજય મ.સા ને મેં પૂછ્યું, કે સાહેબજી ના ચરણોમાં, એમની ઉર્જામાં થોડીવાર બેસવું છે, સાહેબજી ને ક્યારે અનુકૂળતા રહે? સ્વાસ્થ્ય એ વખતે નાજુક હતું, મને એમણે કહ્યું બપોરે ૪ વાગે તમે ઉપર આવો સાહેબજી ના રૂમમાં, હું બપોરે ૪ વાગે સાહેબજીના રૂમમાં ગયો, સાહેબજી સુતેલા હતા, બાબુભાઈ કડીવાલા થોડે દૂર બેઠેલા અને “સાર કર, સાર કર સ્વામી શંખેશ્વરા”, ગાઈ રહ્યા હતા. હું વંદન કરીને દૂર બેસી ગયો. માત્ર સાહેબજીની ઉર્જામાં મારે બેસવું હતું.
શબ્દ કરતાં સદ્દગુરુનું શરીરની ભાષા સૂક્ષ્મ છે. એના કરતાં પણ સદ્દગુરુનું facial expression – ચહેરા પરનો હાવ – ભાવ એ સૂક્ષ્મમાં જશે. અને સૌથી સૂક્ષ્મમાં જશે ઉર્જા. એ પવિત્ર દેહમાંથી જે ઉર્જા વહી રહી હોય બસ તમે neutral થઈને બેસો, ખાલી થઈને બેસો; એ ઉર્જા તમને ભરી કાઢે. બીજું કાંઈ જ કરવાનું નહિ. મહાપુરુષો પાસે ગયા, બેસી જવાનું આંખો બંધ કરીને.. હું એ રીતે બેઠેલો, અચાનક ગુરુદેવની આંખ ખુલી. એમની નજર મારા ઉપર પડી. સાહેબજીએ ઈશારો કર્યો, હાથથી નજીક આવવાનો, હું નજીક ગયો, એ વખતે ગુરુદેવને ગળાની તકલીફ હતી અને એટલે એ બોલી શકતા નહોતા, પણ કેટલી કરૂણા એમની!! એમણે ગળા પાસે આંગળી અડાડી અને ઈશારાથી કહ્યું કે બોલી શકાતું નથી. મેં કહ્યું ગુરુદેવ! આપે બહુ શબ્દો આપ્યા છે, આપે તો અમને ન્યાલ કરી નાંખ્યા છે.
પંન્યાસજી ભગવંતના શબ્દોને હું આપણા માટેનું આગમ કહું છું. મારા કોઈ પણ પુસ્તકમાં કોઈ પણ રેફરન્સ મારે લેવો હોય તો હું સીધેસીધો રેફરન્સ લેતો નથી. એક લેખકે લખ્યું આચારાંગ સૂત્રમાં આમ લખાયેલું છે. હું એ રેફરન્સ લઇ લઉં, હું આચારાંગ સૂત્ર મૂળમાં જોઇશ, અને એ રેફરન્સ એ રીતે લાગશે, તો જ મારા પુસ્તકમાં લઈશ. પણ પંન્યાસજી ભગવતનું વચન એટલે મારા માટે આગમ. સાહેબજીએ લખ્યું હોય કે આ રીતે શાસ્ત્રમાં આમ છે એટલે મારા માટે આગમ થઇ જાય. મેં કહ્યું ગુરુદેવ! આપે ખુબ આપ્યું છે, આપ ખુબ વરસ્યા છો, હવે આપના શબ્દોની અપેક્ષા છે પણ નહિ, માત્ર આપની ઉર્જામાં બેસવા માટે જ હું આવેલો છું. આપની અનુકૂળતા હોય ત્યાં સુધી આપની ઉર્જામાં બેસીશ પછી ચુપકે ચુપકે ચાલ્યો જઈશ. પણ કેવી કરુણા એમની! એક વાક્ય તો સાહેબજી એ વખતે બોલ્યા જ. ગળાની તકલીફ, હું કહું છું, સાહેબ શબ્દોની જરૂર નથી. પણ એમની કરુણા! એક વાક્ય એમને મને કહ્યું: કે ‘પરા’ તરફ જજે. એક જ વાક્ય…
આપણે ત્યાં ચાર ભાષા. વૈખરી, મધ્યમા, પશ્યન્તિ અને પરા. તો સાહેબજી એ મને કહ્યું: પરા તરફ જજે. મારા માટે એ એક મંત્ર બની ગયો. એક શક્તિપાત, અને એ શક્તિપાતને કારણે પરામાં જવું એકદમ આસાન બની ગયું. શબ્દો બોલીએ કે સાંભળીએ એ વૈખરી. શબ્દોની સાથે અર્થનું અનુસંધાન થાય તો મધ્યમા. ચૈત્યવંદન કર્યું નમુત્થુણં બોલ્યા પણ એના અર્થનો વિચાર નહોતો આવ્યો. તો માત્ર વૈખરી થઇ. મધ્યમા નહિ આવે. પણ એક – એક વિશેષણ નમુત્થુણંનું બોલતા જાવ અને આંખમાંથી આંસુ ટપકતાં હોય, આવા મારા ભગવાન! અભયદયાણં! ચક્ખુદયાણં! મગ્ગદયાણં! ચક્ખુદયાણં – પ્રભુને જોવાની, પ્રભુના માર્ગને જોવાની ચક્ષુ આપનાર પણ પ્રભુ છે. તો શબ્દની સાથે અર્થનો અનુસંધાન થયું; એ મધ્યમા.
પશ્યન્તિ બહુ જ મજાની ભાષા છે, આપણે ત્યાં ઘણા બધા ગ્રંથો છે. જે પશ્યન્તિના લયમાં ઉતરી આવ્યા છે. યોગસાર. જે દેવશ્રમણવિજય વ્યાખ્યાનમાં વાંચે છે. પણ એ યોગસારના કર્તા કોણ? કોઈ નામ નથી. હૃદય પ્રદીપ્તષડત્રિંશિકા અદ્ભુત ગ્રંથ.. પણ એના રચયિતા કોણ? કોઈ નામ નથી. તો એ ગ્રંથો પશ્યન્તિના લયમાં ઉતરીને આવ્યા છે. પશ્યન્તિ એટલે શું? એનો શબ્દાર્થ થાય- જોતી ભાષા.
એવું બને છે, એક આચાર્ય ભગવંત હોય, એમને પગની તકલીફ છે, વર્ષો સુધી એક ઉપાશ્રયમાં એમને રહેવાનું થયું છે. એક ગ્રંથ એમણે સેંકડો વાર શિષ્યોને આપ્યો છે. હવે આચાર્ય ભગવંત ગયા, એમની ચિર વિદાય થઇ, એમની પાસેથી જે લોકો એ ગ્રંથ ભણેલા, એ પણ ગયા, અને એટલે પરંપરામાં એ ગ્રંથ લુપ્ત થઇ જાય છે. પણ પછી શું બને છે, કોઈ મરમી સાધક એ ઉપાશ્રયમાં જાય, રાત્રે એ ધ્યાન કરતો હોય, અને ધ્યાનની અંદર સીધા જ એને શબ્દો દેખાવા ચાલુ થઇ ગયા. આખો ને આખો ગ્રંથ ભીંત ઉપર લખાયેલો એને દેખાય, એ પછી કાગળમાં લખી લે, પણ લખનાર માણસ રચયિતા તરીકે પોતાનું નામ થોડી લખે? એ તો લહિયો છે… તો એને પણ ખબર નથી કે મૂળ રચયિતા કોણ છે… તો પશ્યન્તિ ભાષા આ રીતે આવે છે.
પરાની અંદર માત્ર મહાપુરુષો દ્વારા ભાવ આપવામાં આવે છે, શબ્દ એના પોતાના હોય છે. પશ્યન્તિ અને પરામાં આ ફરક પડે. પશ્યન્તિમાં શબ્દો એના એ આવ્યા, જે મૂળ રચનાકારના હતા. પરાની અંદર માત્ર ભાવ આપવામાં આવે છે. એ ભાવના આધારે શબ્દોની રચના, આ પરાવાણીને ઝીલનાર પોતે કરે છે. આપણે ત્યાં પરંપરાથી એવું મનાય છે કે પંચસૂત્ર ગ્રંથ ચિરંતનાચાર્ય કૃત છે, પણ હમણાં હમણાં જે આધારો મળ્યા, એના પરથી સ્પષ્ટ થયું, કે પંચસૂત્ર મૂળ પણ હરિભદ્રસૂરિ મ.સા. ની જ કૃતિ છે. ઉપાધ્યાય યશોવિજય મહારાજે ધર્મપરીક્ષામાં રેફરન્સ આપ્યો, કે પંચસૂત્રમાં હરિભદ્રસૂરિએ આમ કહ્યું છે. હવે પંચસૂત્ર મૂળના શબ્દો કોટ કર્યા છે. એટલે આનાથી વધારે સશકત પુરાવો કોઈ જોઈએ નહિ. પણ છતાં પરંપરાની અંદર હરિભદ્રસૂરિનું નામ ન આવ્યું, ચિરંતનાચાર્યનું નામ આવ્યું. કારણ શું… ?કારણ એક જ હતું. કે હરિભદ્રસૂરિ મહારાજે પરાની અંદર એ ગ્રંથ લીધેલો.
પંચસૂત્રનું પહેલું સૂત્ર અને એની સાધના ત્રિપદી અદ્ભુત… દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના, શરણ સ્વીકાર. આ ત્રણ તમારી પાસે આવી જાય તો અહંકારના ચૂરેચૂરા થઇ જાય. તો એ સાધના ત્રિપદી એમને આપવામાં આવી એટલે કે તત્કાલીન મહાપુરુષોએ એનો વિચાર કરેલો. એ વિચારના પરમાણુઓ એમના સુધી આવ્યા, એમણે એ પરમાણુઓને ગ્રહણ કર્યા. અને એ ભાવોને આધારે એમણે શબ્દોની રચના કરી. માટે એ પરામાં આવેલો ગ્રંથ કહેવાય. તો આનંદઘનજી ભગવંતની આ રચના પણ પરાવાણી છે. એમણે તત્કાલીન મહાપુરુષોએ અથવા નજીકના ભૂતકાળમાં થયેલા મહાપુરુષોએ જે ભાવો આપેલા, જે વિચારો આપેલા, અને એ વિચારોને ઝીલીને એમણે આ રચના કરી છે.
એવું બને એક મહાપુરુષ એક ઉપાશ્રયમાં વર્ષો સુધી રહ્યા છે. એમને એક વિચારોને, એક ભાવધારાને સઘન બનાવી છે. જેમ કે, પંન્યાસજી ભગવંત લુણાવા અને બેડા માં ઘણો સમય રહ્યા તો મારા જેવા માટે તો લુણાવા અને બેડા તીર્થ છે. ત્યાંના ઉપાશ્રયમાં હું જાઉં અને ધ્યાનદશામાં બેસું તો પંન્યાસજી ભગવંત જે ભાવદશામાં હતા એ ભાવદશા બેઠી ને બેઠી મને મળી શકે.
કેટલું બધું આપણી પાસે છે આપણને એનો ખ્યાલ જ નથી. તો તત્કાલીન મહાપુરુષોએ અને આનંદઘનજી ભગવંતથી ૧૦૦ – ૨૦૦ વર્ષ પહેલા થયેલા મહપુરુષોએ જે ભાવો ભાવિત કરેલા, એ ભાવો આનંદધનજી ભગવંતને મળ્યા, અને એ ભાવને આધારે આ સ્તવના શરૂ થઇ. અને એટલે આપણે કહીએ છીએ, કે આનંદધનજી ભગવંતની વાણી પરાવાણી છે. “
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે” પ્રભુ મારા પરમપ્રિય છે. પ્રભુ પરમપ્રિય બને ત્યારે શું થાય… આપણું મન, આપણું હૃદય, આપણું અસ્તિત્વ પૂરેપૂરું પ્રભુના ચરણોમાં સમર્પિત થયેલું હોય. મહોપાધ્યાય યશોવિજય મહારાજે પ્રભુનો પરમ પ્રેમ મળે, ત્યારે કઈ ભાવદશા થાય એની વાત સ્તવનામાં કરી, ‘વાસિત હૈ જિનગુણ મુજ દિલકો, જૈસે સુરતરુ બાગ, ઓર વાસના લગે ન તાકો, જસ કહે તું બડભાગી’ એમણે પોતાની કેફિયત કહી….. આવા મહાપુરુષો પોતાની અનુભૂતિની વાત કરે આપણા માટે જલસો ન થઇ જાય? સામાન્ય તયા જેમણે પણ અનુભૂતિ થઇ હોય, એ શબ્દોમાં મુકતા હોતા નથી પણ ક્યારેક ક્યારેક leakage થઇ જાય ને શબ્દોમાં આવી જાય ત્યારે આપણા માટે જલસો થઇ જાય.
તો શું કહે છે, “વાસિત હૈ જિનગુણ મુજ દિલકો” મારા હૃદયે, મારા મનને, મારા અસ્તિત્વને પ્રભુના ગુણોએ કબજે કરી લીધું છે. “ઓર વાસના લગે ન તાકો” હવે બીજો કોઈ રંગ આ મન ઉપર, આ હૃદય ઉપર ચડી શકે એમ નથી. એટલે જ પ્રભુના સાધુને કે પ્રભુની સાધ્વીને, સાધના આ છે. એનું મન સંપૂર્ણ તયા પ્રભુને, પ્રભુની આજ્ઞાને સમર્પિત થઇ ગયું. ભોજન કરે છે તો શરીર ભોજન કરે છે. મન નહિ. તમારે પણ એ કક્ષામાં આવવું છે ને…? ઘણીવાર એવું ન બને કે જમવા બેસવાની તૈયારી હોય તો કોઈ ફોન આવે, ફોન જરા ચિંતાજનક છે… શેર બજારમાં ઉથલ પાથલ થઇ ગઈ છે અને તમારા ૧૦ – ૨૦ લાખ સંડોવાઈ ગયા છે. હવે તમે જમવા બેસો… જમી પણ લો, કોઈ પૂછે પાછળથી, શાક શેનું હતું? અરે પૂછ શ્રાવિકાને, મને ક્યાં ખબર છે! હું તો 20 લાખની મોકાણમાં હતો. એક સામાન્ય ઘટના તમારા મનને કબજે કરી લે, પ્રભુ તમારા મનને કબજે ન કરી લે…! તો અમને જે મજા છે, અમારી પાસે જે આનંદ છે, એનું કારણ આ છે કે અમારું મન હવે પ્રભુનું છે. જ્યાં સુધી અમારું મન અમારું હોય ત્યાં સુધી અમે પણ મજામાં ન હોઈએ… તો અમે પણ અશાતામાં હોઈ શકીએ… તો જે ક્ષણે અમારું મન અમારું ન રહ્યું, પ્રભુનું થઇ ગયું, એ ક્ષણે મજા જ મજા.
તો હવે આપણે પ્રભુને પોતાના કરવા છે. એના માટેની એક મજાની સાધના મોહનવિજય મ.સા એ સ્તવનામાં આપી, આપણી સ્તવનાઓ તો ભક્તિ અને સાધનાની મજાની જુગલબંધીથી ભરાયેલા છે. એક બાજુ ભક્તિ ખુલતી હોય, બીજી બાજુ સાધના ખુલતી હોય. એટલી મજાની કડી છે, ‘ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નીરખવા, દ્યો દરિશન મહારાજ’ એ ભક્તિયોગાચાર્ય એ પ્રભુને કહી રહ્યા છે, કે પ્રભુ તમારું દર્શન મને આપો. દ્યો દરિશન મહારાજ… પછી ખબર છે કે પ્રભુ તો દર્શન આપવા તૈયાર છે. પ્રભુ દર્શન આપવા તૈયાર છે, તમે એ પ્રભુના દર્શનને ઝીલવા માટે તૈયાર ખરા? તો એન માટેની સજ્જતા કઈ? ત્રણ સજજતાની વાત કરી, ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નીરખવા, દ્યો દરિશન મહારાજ – આંખો પ્રભુને જોવા માટે એકદમ તડપેલી હોય, કેવી તડપન હોય…? પ્રભુને જોવા માટેની તડપન કેવી હોય…?
સુરદાસજીની એક મજાની પ્રાર્થના છે, મારી દ્રષ્ટિએ પ્રાર્થના જગતની એ શિરમોર પ્રાર્થના છે, સુરદાસજીની આંખો ગઈ અને એ પહેલા સ્વસ્થ આંખો જ્યારે એમની હતી, અને પ્રભુના દર્શન કરવા ગયેલા, એ વખતે એમણે પ્રભુને કહ્યું કે પ્રભુ! તું છે રૂપનો રાશી, રૂપનો extreme point મારે તારું દર્શન કરવું છે, મારી પાસે માત્ર બે આંખો છે અને એ આંખો પણ વારંવાર મીંચાય તેવી… પ્રભુ! બે આંખોથી તારું દર્શન હું શી રીતે કરું….? અને એ વખતે એમણે જે પ્રાર્થના કરી છે. અદ્ભુત.. એ કહે છે ‘લોચન રોમ રોમ પ્રતિ માંગું’ પ્રભુ! હું માંગું છું, કે મારા એક – એક રૂંવાળે એક એક આંખ ઉગી જાય. ‘લોચન રોમ રોમ પ્રતિ માંગું’ એક – એક રૂંવાળે આંખ ઉગી જાય. બસ, પછી તને જોયા જ કરું…. જોયા જ કરું…. જોયા જ કરું…
આવી જ એક પ્રાર્થના મહોપાધ્યાય યશોવિજયજીની છે. અભિનંદન પ્રભુની સ્તવનામાં છેલ્લે એમણે કહ્યું, કે પ્રભુ! બીજી કોઈ ઈચ્છા નથી મારી… એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે? ‘તેરે નયનકી મેરે નયન મેં, જસ કહે દિયો છબી અવતારી’ પ્રભુ! તારી આંખમાં જે છે, એ મારી આંખમાં આવી જાય. તેરે નયનકી મેરે નયન મેં, જસ કહે દિયો છબી અવતારી – શું બાકી રાખ્યું? પ્રભુની આંખોમાં જે પરમ નિર્વિકાર દશા છે, પ્રભુની આંખોમાં જે જગત મિત્રતા છે, પ્રભુની આંખોની અંદર જે પરમ વિતરાગદશા છે. એ બધું જ માંગી લીધું એકસાથે… માંગતા પણ આવડવું જોઈએ ને..? આવું માંગીએ આપણે પણ…
આપણે ત્યાં એક લોક કથા છે, એક માણસ જન્મથી આંધળો, પૈસા પણ એની પાસે નહિ, માત – પિતા વિગેરે નાની વયમાં ગુજરી ગયેલા, જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે. ગામ બહાર નાનકડી ઝુંપડીમાં રહે. એકવાર એને થયું કે આ તો કંઈ મારું જીવન છે… ત્યાં એને ખ્યાલ આવ્યો, કે એક દેવ છે જંગલમાં, અને ત્યાં જઈને સાધના કરીએ અને દેવ રીઝી જાય તો આપણું કામ પતી જાય. એ તો કહે એમ પણ અત્યારે મારા જીવનમાં છે શું… ગયો ત્યાં જંગલમાં, દેવના મંદિરે બેસી ગયો, એક દિવસ ન ખાધું, ન પીધું… બીજો દિવસ, ત્રીજો દિવસ… દેવ પ્રસન્ન થયો. કહ્યો કે માંગ માંગ તું માંગે તે આપું. પેલો હોશિયાર બહુ હતો… એણે વિચાર કર્યો કે સૌથી પહેલા તો મારે મારી આંખો માંગવી જોઈએ. અને દેવ વરદાન આપશે…માંગ… માંગે તે આપું. હું કહી દઉં આંખો આપી દો… તો આંખો મળી પણ પૈસા ન મળે તો શું કરવાનું..? પછી એની એ ઝુંપડી અને એની એ જ રામકહાની… પૈસા જોઈએ, તો પૈસા પણ આવી જાય પણ પ્રતિષ્ઠા ન હોય તો શું કરવાનું…? એટલે એણે જે માંગ્યું છે ને.. એણે કહ્યું દેવ! મારા દીકરાના દીકરાની વહુને મારા સાત માળની હવેલીને સાતમા માળ ઉપર સોનાની ગોળીથી છાશ વલોવતી જોવી છે. આંખ માંગી, સંપત્તિ માંગી, પરિવાર માંગ્યો, આયુષ્ય માંગી લીધું.
આ એક જ પ્રાર્થના, તેરે નયનકી મેરે નયન મેં, જસ કહે દિયો છબી અવતારી – પ્રભુ તારી આંખમાં જે છે એ મારી આંખમાં આવી જાઓ.
હવે બોલો, પ્રભુ તૈયાર નથી કે તમે તૈયાર નથી…? તો અમને પ્રભુ આપે અને તમને ન આપે! પ્રભુને કંઈ ભેદભાવ છે..? એટલે ભેદભાવ રાખે તો પ્રભુ કહેવાય ખરા? તો પ્રભુ તમને આપવા તૈયાર છે, તમે લેવા તૈયાર નથી.
તો એ લેવાની સજ્જતાની વાત કરે છે. ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નીરખવા. આંખ, મન અને ચિત્ત આ ત્રણેય પ્રભુ માટે અત્યંત લાલાયિત બનેલા હોય, તો પ્રભુનું દરિશન એ જ ક્ષણે થઇ જાય. ચિત્ત અને મન બંને ને છુટા પાડવા છે.
આપણી પરંપરામાં બે પરંપરાઓ છે, એક પરંપરા એવી છે જેમાં મન અને ચિત્ત એકબીજાના પર્યાય છે. એટલે મન માટે ચિત્ત વાપરો, અને ચિત્ત માટે મન શબ્દ વાપરો. પણ બીજી પરંપરા એવી છે, જેમાં બંનેનો અર્થ અલગ છે. મન એટલે શું? જે મનન કર્યા કરે, માત્ર વિચારો કર્યા કરે એ મન. અને ચીતિ શક્તિ જોડે, આત્મશક્તિ સાથે જોડાયેલું જે છે એ ચિત્ત.
મનની વ્યાખ્યા શું થઇ? જે વિચાર્યા કરે, મનન કર્યા કરે એ મન. તમારા વિચારોની ફેકટરી છે ને, રાત – દિવસ ચાલુ ને…? એક વાત તમને પૂછું? કદાચ તમારી કોઈની ફેકટરી હોય, તો એમાં તમે production કેટલું કરો…? જેટલું sell થાય એટલું જ ને… આ તમારી મનની ફેકટરી, વિચારોનું production કર્યા જ કરે, લેનાર કેટલા? રાત અને દિવસ તમારી મનની ફેકટરી ધમધમતી… એ વિચારોને લેનાર કોણ? sell તો છે નહિ, production શેના માટે…! બહુ મજાની વાત તો એ છે કે તમે તમારા ઘરે બેઠેલા હોય, એકદમ આમ ચિંતનના મુદ્રામાં, કોઈ તમારો મિત્ર આવેલો હોય, તમને આવેલો છે એ પણ ખબર ન હોય. પેલો મિત્ર જતો પણ રહે. અઠવાડિયા પછી ફરી એ મિત્ર મળે ત્યારે પૂછે કે યાર અઠવાડિયા પહેલાં તારા ઘરે આવેલો, તું બેઠેલો દિવાનખંડમાં, પણ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયેલો… હું દસ મિનિટ તારી સામે બેઠો તને ખબર પણ ન પડી. શું વિચારમાં મશગુલ હતો? એ વખતે તમને ખ્યાલમાં નહિ આવે, કે તમે એ વખતે કયા વિચારમાં હતા!
અઠવાડિયા પહેલા જે વિચારે તમારા કલાકો ખાઈ નાંખેલા એ વિચાર શું હતો, આજે તમને ખ્યાલ નહિ હોય, અને એ વિચારોની પાછળ તમારી કેટલી energy ખતમ થાય, તમારો કેટલો સમય ખતમ થાય, તમે વિચારો છો ને, એમાં તમારી આત્મશક્તિ ખતમ થાય છે. ઉપયોગ, આત્મશક્તિ એ જ્યાં સુધી સક્રિય ન બને, ત્યાં સુધી વિચારનું તંત્ર સક્રિય બની શકતું નથી. તો રાખ અને ધૂળ જેવા વિચારો માટે આપણે આપણા ઉપયોગને સક્રિય બનાવીએ…?!
વિનોબાજી એક સરસ વાત કરતાં, વિનોબાજી કહેતાં એક ખેડૂત હતો, એને બે જ ખેતર હતા, થોડે થોડે દૂર, એકમાં રાઈ વાવેલી, એકમાં શેરડી વાવેલી… કૂવો એક જ, પાઈપલાઈન બે ખેતરમાં જતી હતી, એ જ કૂવાનું પાણી ખેડૂત જ્યારે રાઈના ખેતરમાં છોડે, ત્યારે એ પાણી રાઈની તીખાશને ઉભારે, અને એ જ કૂવાનું પાણી જયારે શેરડીના ખેતરમાં નાંખે ત્યારે શેરડીની મીઠાશને ઉભારે. પાણી એ જ. એમ તમારો ઉપયોગ તમે શુભમાં પણ લઇ જઈ શકો, અશુભમાં પણ લઇ જઈ શકો. એટલે આજે એક વાત તમને કરું, કે તમારા વિચારોના માલિક તમે બની જાવ. અત્યારે મન તમારું માલિક છે ને…? કે તમે મનના માલિક…? અત્યારે કોણ માલિક…? મન તમારું માલિક. હવે તમારા મનના માલિક બનવું છે…
એના માટે એક સરસ વાત છે. આપણે ત્યાં એક કહેવત છે, ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ એ કહેવતની પાછળ એક મજાની કથા છે. એક માજી હતા. નાનકડા ગામમાં ઝુંપડામાં રહેતા. દીકરો એકદમ ટેલેન્ટેડ હતો. એને એના સંબંધીનો આશ્રય મળ્યો. શહેરમાં ગયો, સારું ભણ્યો, સારી બીઝનેસની લાઈન મળી ગઈ, કરોડોપતિ દીકરો બની ગયો. શહેરમાં એનો મજાનો flat, કાર આ તે બધું જ… હવે એને થાય કે મારી માં ગામડે છે એ બરોબર નથી. માં ને રોજ ફોન ઉપર કહે કે માં હું તને લેવા આવું છું, તારે અમારી જોડે જ રહેવાનું છે. માં કહે કે નહિ, મને તો તમારા શહેરમાં નહિ ફાવે, આખી જિંદગી ગામડામાં કાઢી, હવે અહીંયા જ મરવાનું છે. છોકરાએ ઘણી મહેનત કરી પણ માં કબૂલ ન થઇ. ત્યારે વિચાર કર્યો કે માં ઝુંપડીમાં રહે એ તો કેમ ચાલે? માં જો આવવાની જ નથી તો અહીંયા જ બંગલો બનાવી નાંખું.
ઝુંપડાની બાજુમાં એક જગ્યા લીધી, પ્લોટ લીધો, કે કોન્ટ્રાક્ટર ને order આપી દીધો, બંગલો બની ગયો, અને આવી ગયો દીકરો, કે માં આ આપણો બંગલો છે તારે ત્યાં રહેવાનું છે. હવે માજી બંગલામાં રહે છે, એક રાત્રે માજી ઉઠેલા, જોયું એની ઝુંપડીમાં આગ લાગે છે. ઝુંપડીમાં કંઈ સાજુ તો હતું જ નહિ. એને રાખેલું પણ નહોતું. અને ગામડાનું ગામ એટલે આગબંબાવાળા કંઈ આવવાના નહોતા, ડોશીમાં કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. દેરાસરે જાય, મંદિરે જાય, પણ પૈસો છૂટે નહિ. આજે અચાનક ટ્યુબલાઈટ થઇ કે આ ઝુંપડું બળી રહ્યું છે, આમેય મારા હાથમાં નથી તો કૃષ્ણ ભગવાનને આપી દઉં આ. એટલે હે કૃષ્ણ ભગવાન આ બળતું ઘર તને અર્પણ…
એવું તમે કરો ને પણ… મન મારા હાથમાં નથી. પ્રભુ મારા મનને તું લઇ લે. સમર્પણ અઘરું કેમ પડે છે…?
એક બહુ મજાની વાત આજે તમને કહું, ચિત્ત અને મન એ વાત તો આપણી ચાલુ જ છે, એમાં થોડાક ઊંડાણથી આપણે જવું છે… વચ્ચે એક વાત કરું… કે આપણી પરંપરા કેટલી મજાની હતી… તમારે ત્યાં પણ સમર્પણની પરંપરા હતી. ૫૦ કે ૫૫ વર્ષનો દીકરો હોય, બે દીકરા કે ત્રણ દીકરાનો બાપ હોય, પણ એનો બાપ લાલ આંખ કરે ને તો ૫૫ વર્ષનો દીકરો એને પરસેવો છૂટી જાય. આ એક સમર્પણની ધારા તમારે ત્યાં હતી. અને એ સમર્પણની ધારા ત્યાં હતી ત્યાં સુધી અમને પણ જલસો હતો. કારણ કે આ લોકો બધા આવે સમર્પણની ધારામાંથી જ આવે, ત્યારે અમારે વધારે સમર્પણ એમને શીખવવું પડે નહિ.
૧૦૦ એક વર્ષ પહેલાની એક ઘટના કહું, દક્ષિણ ભારતમાં એક કવિ થયા, થિરુવલ્લુવર એમનું નામ. કાવ્ય રચ્યા જ કરે, અને એમાંથી આજીવિકા પણ મજાથી ચાલ્યા જ કરે.. લગ્ન થયા, લગ્નના પહેલાં દિવસે એમને પોતાની પત્નીને કહ્યું, કે હું જમવા માટે બેસું ત્યારે તું બીજી તો સુવિધા કરીશ જ. પાટલો પાથરીશ, થાળી મુકીશ, વાટકી મુકીશ, પાણી માટે ગ્લાસ મુકીશ. ભાત અને દાળ તું નાંખીશ થાળીમાં, પણ એ બધાની સાથે એક સોયો પાટલા ઉપર તારે રોજ મુકવાનો. દક્ષિણ ભારતમાં દાળ – ભાતનો ખોરાક. સવારે ૧૦ વાગે દાળ – ભાત. સાંજે ૫ વાગે દાળ – ભાત. તો થાળી તો જોઈએ, કારણ? ભાત એમાં નાંખવાના, વાટકી જોઈએ દાળ એમાં નાંખવાની. ગ્લાસ જોઈએ પાણી ભરવા માટે, અને સોયો પણ મૂકી દેવાનો. પત્ની જોડે બેસીને જમાડે છે. અઠવાડિયું, મહિનો, બે મહિના સોયાનો ઉપયોગ ક્યારેય થતો નથી. પણ ઉપયોગ થાય કે ન થાય પાટલા ઉપર મુકો ત્યારે એને ગરમ પાણીમાં ધોઈને મુકવો પડે, ફરી પાટલા ઉપર મુકો ત્યારે ગરમ પાણીમાં ઉકાળવો પડે. ફરી સાંજે એ જ કડાકૂટ. મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા, આજે હોય તો શું થાય? આજે પતિની હિંમત છે આવું કહી શકે…! અને કહે તો જવાબ શું મળે…? પણ કહો તો ખરા શેના માટે મુકું.. તમારે તો ઠીક છે બોલી નાંખવું છે. સકરભાઈ જીભ જસરભાઈના ટાટીયા. કામ તો મારે કરવું પડે ને…
લગ્ન જીવનના ૫૦ વર્ષ પુરા થયા, એકેય વાર સોયાનો ઉપયોગ થયો નથી, પત્નીએ પૂછ્યું નથી એમ નહિ, પત્નીના મનમાં આ સોયો શા માટે મુકાવે છે, એનો વિચાર આવ્યો નથી. આ સમર્પણ. લગ્નજીવનને ૫૦ વર્ષ પુરા થયા, ૫૧મું વર્ષ ચાલુ થવાનું હતું, એ દિવસે કવિ પોતાની પત્નીને પૂછે છે કે હું સોયો મુકાવું છું, ઉપયોગ થતો નથી, તારે રોજ સવાર – સાંજ કડાકૂટ કરવી પડે છે, તને વિચાર નથી આવતો કે શા માટે સોયો મુકાવું છું, ત્યારે એ પત્ની કહે છે વિચાર શું કરવાનો એમાં.. તમે કહ્યું એટલે કરવાનું હોય. અમારે ત્યાં આજે પણ આ વાત છે, ‘આજ્ઞા ગુરુણામ્ ન વિચારણીય’ સદ્દગુરુની આજ્ઞા આવી વિચાર નહિ કરવાનો. ગુરુની આજ્ઞા આવ્યા પછી વિચાર કરે કે મને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, અને અનુકૂળ છે એનો સ્વીકાર કરે તો એ શિષ્ય, એની પાસે શિષ્યત્વ નથી.
પત્ની કહે છે એમાં વિચાર શું આવે! તમે કહેલું માટે કરવાનું.. તમને વિચાર થયો હશે કેમ બોલ્યા… પતિ કહે છે કે આપણે બ્રાહ્મણ છીએ, આપણી જમવાની જગ્યા ગારથી લીપેલી હોય. મને વિચાર એ આવ્યો, કે ભાતનો એક કણીયો પણ નીચે પડી જાય તો આપણા માટે અન્ન એ દેવ છે, અને એટલે એ દેવનું અપમાન થાય નહિ, દેવને તો માથે જ ચડવાના હોય, તો હવે એ ચોખાનો દાણો ગાર ઉપર પડી ગયો, લીંપણ ઉપર, એને હાથથી લઉં તો હાથ કદાચ સહેજ ધૂળથી ખરડાય અને નીચે તો રખાય નહિ, તો મેં વિચાર કર્યો કે સોયો રાખવો કે સોયામાં એ ભાતનો દાણો પરોવી દેવો.. પાણીના ગ્લાસમાં નાંખી એ ભાતના દાણાને સ્વચ્છ કરી મોઢામાં મૂકી દેવો. પણ ૫૦ વર્ષમાં એકેવાર ભાતનો દાણો નીચે પડ્યો નહિ. આ શક્ય છે, તમને જમતા આવડે,એક દાણો નીચે ન પડે એ શક્ય છે. પણ ૫૦ વર્ષ સુધી રોજ સવારે અને સાંજે સોયો ઉકાળી ઉકાળીને મુકવો. અને છતાં મનમાં એક પણ વિચાર ન આવે. આ સમર્પણ કેટલું મજાનું છે.
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે” આ સમર્પણની ધારા છે, નહિ અચાહ, નહિ ચાહના, ચરનન લય લીના રે, બસ પ્રભુની ઈચ્છા, પ્રભુની આજ્ઞા.
એક હિંદુ સંતની વાત આવે છે, બહુ જ પ્રતિષ્ઠિત સંત એ પ્રદેશના, એકવાર નદીના કાંઠે ગયા, હોડીવાળો પણ ઓળખી ગયો. ઓહો આ તો આપણા પ્રદેશના મોટામાં મોટા સંત… બાપજી પધારો, બાપજી સામે કાંઠે જવું છે…. મારી હોડીમાં બેસો, પવિત્ર કરો. સંત એની હોડીમાં બેઠા. નદી મોટી હતી, અધવચ્ચે હોડી ગઈ ત્યાં સહેજ હોડીનું કાપડ જર્જરી એક કાણું પડ્યું… કાણું પડ્યું એટલે પાણી અંદર આવવા લાગ્યું. એટલે નાવિક બે કામ કરે છે, એક બાજુ હલેસાં મારે છે, બીજા હાથે અંદર આવેલું પાણી બહાર ફેંકે છે. એ વખતે સંતે શું કર્યું? આપણી કલ્પનામાં ન આવે, છત્રી હતી તો છત્રીના ગોદાથી એમને બીજી બાજુ કાણું પાડ્યું. એક કાણું તો પડેલું હતું બીજું કાણું પાડ્યું. વધારે પાણી આવવા માંડ્યું. પણ નાવિકના મનમાં કોઈ વિચાર નથી આવતો. એક બાજુ હલેસાં મારે છે એક હાથે, બીજા હાથે પાણી ઉલેચે છે. અને એમાં નદી એકદમ કિનારા તરફ આવી ગઈ, હોડી કિનારા તરફ લંગરવા લાગી ત્યારે સંતે પેલાના હાથમાંથી વાટકી લીધી અને પોતે ગ્લાસ લઇ અને પાણી ઉલેચવા માંડે છે. હોડી તો કિનારે પહોચી ગઈ.
સંત ઉતર્યા, બાંકડો હતો ત્યાં બેઠા, નાવિક એમના ચરણોમાં પડ્યો. કે સાહેબ આપે મારી હોડીને પાવન કરી. આપ બહુ મહાન સંત છો મને ખ્યાલ છે, આપ જે પણ કરો એની પાછળ ઊંડું ઉદ્દેશ હોય જ, મારે એ જાણવું છે કે એક કાણું પડ્યું એની પાછળ આપે બીજું કાણું કેમ પાડ્યું? અને છેલ્લે છેલ્લે મારો ગ્લાસ લઇ તમે પાણી ઉલેચવા કેમ મંડ્યા…? એ સંતે જે જવાબ આપ્યો એ યાદ રાખજો. એ સંતે કહ્યું, કે હોડીમાં કાણું પડ્યું ત્યારે મને લાગ્યું કે પ્રભુની ઈચ્છા ડુબાડવાની છે, અને પ્રભુની ઈચ્છા ડુબાડવાની હોય તો તરનાર આપણે હોય? અને પ્રભુની ઈચ્છા હોય તો પ્રભુની ઈચ્છા જલ્દી સાકાર બનવી જોઈએ. એટલે બીજી બાજુ કાણું પાડ્યું, જલ્દી નાવડી ડૂબે. પણ હોડી કિનારા સુધી આવી ગઈ ત્યારે થયું કે ના, પ્રભુની ઈચ્છા તો અમને કાંઠે લઇ જવાની છે, તો પ્રભુની ઈચ્છા કાંઠે લઇ જવાની હોય, તો અમે ડૂબનારા કોણ? એટલે ગ્લાસ લઇને પાણી બહાર કાઢવા મંડી પડ્યો. આ સમર્પણ.
આ સમર્પણ આનંદધનજી ભગવંત પાસે હતું. આપણે એમના ચરણોમાં પડીને માંગીએ, કે હે આનંદઘન પ્રભુ! તમારી પાસે જે પ્રભુ પ્રત્યેનું સમર્પણ હતું, એનો નાનકડો અંશ અપને પણ આપો.