Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 30

110 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરમપ્રેમ

ધ્યાનમાં એક ત્રિકોણ હોય છે. ધ્યાન કરનાર ધ્યાતા, ધ્યાન માટેનું આલંબન ધ્યેય અને ધ્યાન – આ ત્રિપદી હોય છે. એટલે કે ધ્યાનની અંદર પણ ધ્યાતા – આપણો હું – હાજર રહેતો હોય છે. આપણે એવી ભક્તિ જોઈએ છે જેમાં હું બિલકુલ ન હોય. પરમપ્રેમ માટેની સીધી શરત આ છે : તમે ન હોવ અને પ્રભુ હોય; પરમપ્રેમ મળી જાય.

અનંત જન્મોથી આપણી પાસે જીવન પ્રત્યેનો પ્રેમ, દેહ પ્રત્યેનો રાગ હતો. પરમપ્રેમમાં જવાને કારણે જીવન પ્રત્યેનો એ પ્રેમ એકદમ ખતમ થઇ ગયો. પ્રભુ પ્રત્યેનો પરમપ્રેમ ભીતર એક એવી આનંદની ધારા દોડાવે છે કે પછી શરીરમાં ગમે તે રોગ હોય, એની અસર પણ ન થાય.

શરીરમાં પીડા ન હોય તો પણ ૨૪ કલાક તણાવમાં તમે જીવો છો. stress age છે આ. હરિફાઈનો યુગ. આમાં stress-free થવું હોય, તો પરમપ્રેમ. પ્રભુને બધું સોંપી દો પછી આવતી ક્ષણનો વિચાર પણ તમારે કરવાનો નથી. જીવન પ્રભુને સોંપી દીધું પછી આવતી ક્ષણ પ્રભુ જેવી પણ આપશે એનો સ્વીકાર છે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૦

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુના પરમ પ્રેમમાં આનંદઘનજી ભગવંત ડૂબી ગયા, અને એમને આપણને આમંત્રણ આપ્યું કે તમે પણ આવો, પ્રભુના પરમ પ્રેમમાં ડૂબો.

ભક્તિમતી મીરાંએ પ્રભુના આ પરમપ્રેમ માટેની યાચના કરેલી. મીરાંએ કહેલું, “સદા સેવા કરતી હું, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું, ભક્તિમાર્ગ દાસી કો દીખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાવો” કડીના પૂર્વાર્ધમાં મીરાં પોતાની વર્તમાન સાધના સ્થિતિનું બયાન કરી રહી છે. સદા સેવા કરતી હું – પ્રભુ તારી સેવા શરીરના સ્તર પર સતત હું કરી રહી છું, શું કહે છે મીરાં – સદા સેવા કરતી હું. અડધો કલાક કે કલાક નહિ, ૨૪ કલાક.. પ્રભુ શરીરના સ્તર પર તારી સેવા મારી ચાલુ છે. સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું, મેં મારું મન, મેં મારું ચિત્ત પ્રભુ તને સમર્પિત કરી દીધું છે. તારા સ્મરણમાં સતત હું રહેતી હોઉં છું. સ્મરણ એકદમ ગાઢ બને ત્યારે એ ધ્યાનમાં ફેરવાઈ જાય છે. ધ્યાન પાખું બને છે એ વખતે સ્મરણની યાત્રા મારી ચાલુ થઇ જાય છે. સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું. આ પોતાની વર્તમાન સાધનાની સ્થિતિ ઉપર મીરાંની પ્રાર્થના શરૂ થાય છે. “ભક્તિમાર્ગ દાસી કો દિખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ.” પ્રભુ હવે તારો ભક્તિમાર્ગ તું મને આપ. તમે કહેશો, બાકી શું રહ્યું…? શરીર પ્રભુને આપી દીધું. મન અને ચિત્ત પ્રભુને આપી દીધા. બાકી શું રહ્યું…? બાકી રહ્યું અસ્તિત્વનું સ્તર. અને અસ્તિત્વના સ્તરની એક ભક્તિ મીરાં પ્રભુની પાસે માંગે છે.

ધ્યાનમાં શું હોય છે: એક ત્રિકોણ હોય છે, ત્રિપદી. એક ધ્યાન કરનાર હોય, એક ધ્યાન માટેનું આલંબન હોય, ધ્યેય, અને એ ધ્યેય સુધીનું જવા માટેનું પૂર એ ધ્યાન. તો ધ્યાનની અંદર પણ ધ્યાતા, આપણો હું હાજર તો રહેતો હોય છે. મીરાંને એવી ભક્તિ જોઈએ છે જેમાં ‘હું’ બિલકુલ ન હોય. પરમ પ્રેમ માટેની સીધી શરત આ છે, તમે ન હોવ, અને પ્રભુ હોય; પરમપ્રેમ મળી જાય. અર્થશાસ્ત્રનો નિયમ છે, જેમ વસ્તુ કિમતી એમ મૂલ્ય વધારે ચુકવવું પડે.

ચોમાસાનો સમય નજીક આવેલો, ગામડા ગામનો એક માણસ, છત્રી તૂટી ગયેલી, વિચાર્યું શહેરમાં જઈ નવી છત્રી લઇ આવું, એ શહેર તરફ ચાલી રહ્યો છે, રસ્તામાં એનો મિત્ર મળ્યો, ક્યાં જાય છે? શહેરમાં. કેમ? છત્રી લેવા માટે. પેલો એનો મિત્ર કહે છે, શહેરવાળા તને છેતરી નાંખશે. આ કહે, મને છેતરનારા મળી ગયા છે. મને વળી કોણ છેતરે. શહેરમાં ગયો, છત્રીવાળાની દુકાને… પેલાએ હમણાં જ દુકાન ખોલેલી, બોણી નો ઘરાક… જવા દેવાય?

અમારો ઉપાશ્રય. ચૌદસનો દિવસ, સવારે ૫ વાગે તમે આવો, બોણી તો થઇ ગઈ ને… પછી કહી દઉં કે ભઈલા તું પહેલો આવ્યો છે, આજે આયંબિલનું પચ્ચક્ખાણ આપી દઉં તને… બીજા દિવસે દેખાય જ નહિ. બોણી નો ઘરાક. છત્રીવાળાએ પૂછ્યું; શું જોઈએ? છત્રી. એણે છત્રી એક બતાવી, શું કિંમત? ૧૦૦ રૂપિયા. આને સીધું ૫૦% discount માંગ્યું… ૫૦ માં આપવી છે? હવે બોણીનો ઘરાક છોડવો નથી. પણ ૧૦૦ ની છત્રી ૫૦માં અપાય શી રીતે? બીજી છત્રી બતાવી, આ ૫૦માં આપું. પેલાએ એમાં ય ૫૦% discount માંગ્યું, ૨૫માં આપવી છે આ? પેલીની વાત ૫૦ની હતી. આ તો ૨૫માં આપવી હોય તો વાત કર. વેપારી મનમાં ગુસ્સે થયો. મારા બેટાને છતરું જોઈએ છે, સળિયા ને કાપડ પણ ૨૫માં ન મળે. અને આને છતરું ૨૫માં જોઈએ છે. એટલે એણે કહ્યું ભઈલા મફતમાં આપું…? એને કહ્યું; હા, પણ બે આપો તો… છત્રી મફતમાં ન મળે, તમારે શું જોઈએ છે? પ્રભુનો પરમ પ્રેમ.

આજે સમજી ગયા ને? તમારો ‘હું’ totally ભૂંસી નાંખવા માટે તમે તૈયાર હોવ, પરમ પ્રેમ અત્યારે આપી દઉં બોલો…

મીરાંના જીવનની ઘટના છે: સમી સાંજનો સમય, મીરાં ગુરુના આશ્રમે ગયેલી, દરવાજે ટકોરા માર્યા, અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાંએ કહ્યું; હું મીરાં – પ્રભુના ચરણોની દાસી. કેટલી સરસ રીતે મીરાંએ પોતાને introduce કરી! હું મીરાં – પ્રભુના ચરણોની દાસી. દ્વાર ખુલ્યું, મીરાં અંદર ગઈ. ગુરુના ચરણોમાં શાષ્ટાંગ દંડવત્ થઈને ઝુકી પડી. બેઠી. એ વખતે ગુરુએ કહ્યું, બેટા! તે હમણાં કહ્યું; હું મીરાં પ્રભુના ચરણોની દાસી. પણ બેટા! મારે તને પૂછવું છે આ બે સાથે કઈ રીતે હોઈ શકે? કે તું મીરાં પણ હોય અને પ્રભુના ચરણોની દાસી પણ હોય? મીરાંને ખ્યાલ નહિ આવ્યો કે ગુરુ શું કહી રહ્યા છે.

એણે કહ્યું ગુરુદેવ! આપ શું કહો છો? ગુરુએ કહ્યું; તું જો પ્રભુના ચરણોની દાસી છે તો સમજી લે, કે પ્રભુના ચરણોની દાસી બનવું એટલે શું: ગુરુ કહે છે કે પ્રભુના સમુદ્રના અંદર તારા જીવનનું બુંદ mix up થઇ જાય. વિલીન થઇ જાય, ભળી જાય. એનું નામ પ્રભુનું દાસીપણું છે. વરસાદનું એક ટીપું હવામાં તરી રહ્યું છે. એ ધૂળમાં પડે તો શું થાય? શોષાય જાય, ચૂસાય જાય, ખતમ થઇ જાય. એ જ બિંદુ દરિયા પર પડે તો? શાશ્વતીના લયમાં ફેરવાઈ જાય. આપણા જીવનનું બિંદુ સંસારની રેત પર અગણિત વાર પડ્યું, પડ્યું, ચુસાઈ ગયું, સુકાઈ ગયું, ખતમ થઇ ગયું. આ એક અવસર છે કે જીવનના બુંદને પરમના સમુંદરમાં આપણે વિલીન કરી દઈએ.

તો ગુરુએ કહ્યું, કે જો, એ બિંદુ સમુદ્રમાં મળી જાય, એને શાશ્વતીનો લય તો મળી ગયો. પણ કોઈ કહે કે એ બિંદુને છુટું પાડીને બહાર લાવો, તો લાવી શકાય ખરું? એ બિંદુ સમુદ્રમાં ગયું; identity less થઇ ગયું. એની ઓળખને એ ગુમાવી ચુક્યું છે. ગુરુ કહે છે કે જો તું તારા જીવનના બિંદુને પરમના સમુદ્રમાં વિલીન કરી ચુકી હોય તો તારું નામ ક્યાંથી રહ્યું?! તું મીરાં તરીકે કઈ રીતે રહી શકી?! મીરાંને એ વાત એટલી તો અપેલીંગ લાગી કે એ જ ક્ષણે એણે નક્કી કર્યું કે મીરાં કેન્દ્રમાંથી હટી રહી છે, અને કેન્દ્રમાં પ્રભુ આવી રહ્યા છે.

પ્રભુનું અવતરણ તમારા હૃદયમાં કરાવવું છે ને…? તૈયાર…? તો બીજું કંઈ કરવાનું નથી, identity less થઇ જવાનું, nameless experience તમારી પાસે હોવો જોઈએ. તમારું ‘હું’ જે ક્ષણે કેન્દ્રમાંથી ગયું; એ જ ક્ષણે તમારા કેન્દ્રમાં પ્રભુ આવી ગયા. એટલે ભક્તિ શાસ્ત્રનું એક નિગૂઢ તત્વ એ છે કે પ્રભુ તમારી ભીતર અવતરવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. He is waiting for you. Dharmanath dada is waiting for you. અને એટલે જ એ પરમ ચેતના ગુરુચેતનાને કહે છે કે મારે આના હૃદયમાં અવતરિત થવું છે. એ initial સ્ટેજનું કામ તમે કરી દો. એટલે સદ્ગુરુ ચેતનાએ તમારા ઉપર કામ શરૂ કર્યું. ક્યારથી? ક્યારથી શરૂ કર્યું? અગણિત જન્મો પહેલાંના તમારા એક જન્મથી સદ્ગુરુ ચેતનાએ તમારા ઉપર કામ ચાલુ કરી દે છે. હજુ સુધી સદ્ગુરુ ચેતનાને તમે જીવન સમર્પિત કર્યું નહિ, આ એક જીવન તમારી પાસે છે, જો એ સમર્પિત થઇ ગયું, સદ્ગુરુ તમને મોક્ષ આપવા તૈયાર છે. મોક્ષ આ રહ્યો.. ક્યાં દૂર છે! એક માત્ર તમારું સમર્પણ જોઈએ. પ્રભુની આજ્ઞાને પુરેપુરા સમર્પિત થઇ જવું છે.

અને બે વાત કરું… મોક્ષ તો મળે જ, સવાલ જ નથી. પણ આ જન્મમાં જે આનંદ મળે છે… અદ્ભુત! અમારી પાસે જે આનંદ છે એ આનંદ માત્ર અને માત્ર સમર્પણનો છે. જેટલા અંશે અમારું સમર્પણ; એટલા અંશે અમારો આનંદ. અમે જો સંપૂર્ણતયા પ્રભુને સમર્પિત થઇ ગયા, તો અમારો આનંદ કેવો હોય..!

પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતિએ એની વાત કરી; “नैवास्ति राजराजस्य, तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधौ” ચક્રવર્તી પાસે, કે દેવેન્દ્ર પાસે જે સુખ નથી. એ સુખ મુનિની પાસે છે. કારણ એ મુનિ, એ પ્રભુની સાધ્વી, પ્રભુને સંપૂર્ણ તયા સમર્પિત થયેલી છે. કચરો આપવાનો, સોનું લેવાનું. આપવાનું શું…?

તમે ‘હું’ નું સ્ટીકર શેના ઉપર લગાડેલું? ‘હું’ નું સ્ટીકર શેના ઉપર લગાડેલું છે… આ ગંદા શરીર ઉપર, રાગ – દ્વેષથી ખરડાયેલા મન ઉપર, તમારા નામ પર, નામ તો તમને society એ આપ્યું એક વ્યવસ્થા માટે, પણ તમે હોસ્પીટલમાં જાવ તો નામમાંથી નંબરમાં ફેરવાઈ જાવ. પેશન્ટ નંબર ૪૧ ને લાવો. નામ અને નંબર એ તો વ્યવસ્થાનો હિસ્સો છે, તમારી પાસે શું છે? એક ગંદુ શરીર, એક ગંદુ મન, પણ એટલી બધી આપણી ચિંતાજનક હાલત છે, કે અનંતા જન્મોમાં અનંતા સદ્ગુરુઓ મળ્યા, પ્રેમથી એમને સમજાવ્યું, કે બેટા! આ આપી દે, પ્રભુ તને મોક્ષ આપશે. અનંતાનંત જન્મો થઇ ગયા, સમર્પણ થયું નથી. આ જન્મમાં શું કરવું છે બોલો…?

એક માત્ર સમર્પણ અને સામે મોક્ષ. તમે ચૂકો…? આમ કોમર્શીયલ mind ખરું કે નહિ….. તમારી જોડે… કોમર્શીયલ mindવાળા તો ખરા ને… આટલું આપવાનું અને આટલું બધું મળે… તમે ચૂકો…? હું પણ અનંતા જન્મોની અંદર એ સમર્પણ નથી કરી શક્યો. અને એના કારણે મારો પણ સંસાર ચાલુ રહ્યો છે. જે ક્ષણે સમર્પણ; મોક્ષ આ રહ્યો.

મીરાંને એ વાત એટલી અપેલીંગ લાગી, એ જ ક્ષણે એણે નક્કી કર્યું કે મીરાં કેન્દ્રમાંથી હટી રહી છે. બસ કેન્દ્રમાંથી મીરાં હટી ગઈ, કેન્દ્રમાંથી ‘હું’ હટી ગયું; કેન્દ્રમાં પ્રભુ આવી ગયા. આટલી જ નાનકડી હા. એક તમારા ‘હું’ ને કેન્દ્રમાંથી પરિઘમાં લાવી દો; કેન્દ્રમાં પ્રભુ આવી જશે. ત્યાં સુધી મીરાંએ જે ભજનો રચ્યા, એમાં મીરાં છેલ્લે લખતી, મીરાં કે ગિરિધર ગોપાલ. પણ આ ઘટના ઘટી. મીરાં અદ્રશ્ય થઇ ગઈ. પછી જે ભજનો રચાયા એમાં માત્ર પ્રભુની દાસી રહી છે. મીરાં ગઈ, મીરાં અદ્રશ્ય થઇ ગઈ.

પરમ પ્રેમ. એ પરપ્રેમમાં જ્યારે આપણે પાગલ બનીએ ત્યારે આપણી હાલત કેવી હોય… એની એક મજાની ઘટના આજે કહું: સૌધર્મેન્દ્ર પોતાના ઇન્દ્રાસન પર બેઠેલા, ઇન્દ્રાસન પર બેસતાં પહેલાં સૌધર્મેન્દ્ર શું કરે છે.. વિરતિધરોને પ્રણામ કરી, અને પછી પોતાના સિંહાસન પર બેસે છે. વીરવિજય મહારાજે ૧૨ વ્રતની પૂજામાં લખ્યું; વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે. એક role model એની સામે છે. કે હું દેવ છું, વિરતિને સ્વીકારી શકતો નથી. પણ સ્વીકારવા જેવું કંઈ પણ હોય તો વિરતિધર્મ છે. એ સૌધર્મેન્દ્ર સિંહાસન પર બેઠા, અને પછી ભરતક્ષેત્રમાં રહેલા એક મહાત્માની સાધનાની વાતો કરે છે, તમે આમ ૫ – ૧૦ મિત્રો ભેગા થયેલા હોય ત્યારે વાત શેની નીકળે… બોલો તો ખરા…? ઇન્દ્ર પોતે ઇન્દ્રાસન પર બેસીને કહે છે કે હે દેવો! તમે સાંભળો. અત્યારે પૃથ્વીતર ઉપર એક એવા મહાત્મા વિચરી રહ્યા છે, જે પ્રભુના પરમ પ્રેમમાં ડૂબેલા છે. એવો પ્રભુનો પરમ પ્રેમ એમની પાસે છે કે પ્રભુની આજ્ઞાને માટે એ પોતાનું જીવન પણ સમર્પિત કરી દેવા માટે તૈયાર છે. જીવન પ્રત્યેનો પ્રેમ અનંત જન્મોનો જે હતો પરમ પ્રેમમાં જવાને કારણે, જીવન પ્રત્યેનો પ્રેમ એકદમ ખતમ થઇ ગયો. આજ્ઞા પ્રત્યેનો પરમ પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ અમારી ભીતર એક એવી એક આનંદની ધારા દોડાવે છે કે શરીરમાં ગમે તે હોય અમને એની અસર પણ ન થાય. આમાં એક નહિ, ઘણા બધા મહાત્માઓને જોયા છે.

૩૦૦ વર્ષ પહેલાં એક મહાત્મા થયા, મણીઉદ્યોતજી એમનું નામ. એમને પીઠમાં પાઠું પડેલું, પાઠું પડેલું હોય એટલે જીવડાં ખદબદતા હોય, અને એ જીવડાં માંસને ખાધા કરે. હવે એ માંસ ખોર્યા કરે કેટલી પીડા થાય? સંસારી માણસ હોય એ શું કરે, લોટના ગોળા અંદર નાંખ્યા કરે એટલે કીડા લોટ ખાધા કરે, પણ આ તો મુનિરાજ હતા, પીડાનો ખ્યાલ શુદ્ધા એમને નથી! ઘણીવાર આપણને લાગે કે આવી પીડા એ કઈ રીતે સહન કરતાં હશે? પણ actually એમની પીડા હોતી જ નથી.

એક વાત તમને પણ સમજાવું, તમારા શરીરમાં પીડા છે, ક્યાંક દર્દ છે માટે તમને પીડા થાય છે એ વાત નથી. તમારું મન, તમારો ઉપયોગ, એ પીડામાં જાય છે માટે તમને પીડાનો બોધ થાય છે.

એક માણસ હોય, બોડીએક છે, હેડેક છે, ભયંકર દુખાવો ચાલુ છે, ટેબલેટ લીધી પણ અસર થતી નથી. એ વખતે એને સમાચાર મળે, એક કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ છે. તાવ અંદર છે, દુખાવો અંદર છે પણ એનું મન કરોડ રૂપિયામાં ગયું. એનો ઉપયોગ કરોડ રૂપિયામાં ગયો. અને એના કારણે એ એકદમ મજામાં. ઓહો! કરોડ રૂપિયા મળવાના! Tax ના બાદ કરીએ તો પણ ૬૦ – ૬૫ લાખ તો કોરા આપણને મળી જવાના. આમ કરશું ને આમ કરશું. પીડા છે પણ મન પીડા તરફ નથી. આ મહાત્મા માટે એ હતું. પીડા શરીરમાં હતી, મનમાં નહોતી. આપણે આવું division પાડી શકીએ?

ગોરેગાંવ જવાહરનગરનો આ સંઘ, કેટલા બધા મહાત્માઓ પધારે, દરેક મહાત્મા પાસે આ division હોય જ. શરીર છે, શરીરમાં રોગ ચાલ્યા કરે, મનમાં એકદમ આનંદ હોય, ચહેરો હસતો હોય, તમે શરીરે અડો, ચરણ સ્પર્શ કરો ત્યારે ખબર પડે. અરે! શરીર તો ઘગી રહ્યું છે, ૪ – ૫ ડીગ્રી તાવ હશે, પણ તમે સ્પર્શ ન કરો ત્યાં સુધી ચહેરા પરથી તમને ખ્યાલ ન આવે. એ ચહેરો અત્યંત પ્રસન્ન હોય. તો division પાડી નાંખ્યું. શરીર આમ, મન આમ… મન પ્રભુને સોંપાઈ ગયું, અને પ્રભુને સોંપાઈ ગયું એટલે આનંદ જ આનંદ.

એ મુનિરાજ ૨૪ કલાક પીડામાં એમ આપણને લાગે, એ ૨૪ કલાક આનંદમાં હતા. એક દેવ એમની સાધનાથી ખેંચાઈને પૃથ્વીલોક પર આવે છે, અને દેવ કહે છે કે સાહેબજી! મને રજા આપો ખાલી, આપના દર્દને દૂર કરી દઉં. દેવ પણ સમજે છે કે મુનિ છે. મુનિની આજ્ઞા વિના કંઈ થઇ શકે નહિ. આપ મને આજ્ઞા આપો, હું આપના દર્દને કાઢી નાંખું. મુનિરાજે ના પાડી. નહિ. સાહેબ પણ મને લાભ મળશે આપની સેવાનો, ના કેમ પાડો છો? આપના માટે કોઈ ફરક નથી, પણ મને લાભ મળે છે ને, એ વખતે મુનિરાજે કહ્યું કે તને લાભ તો એમનેમ મળી જશે, સેવાનો વિચાર કર્યો કે લાભ મળી ગયો તને. પણ મને ગેરલાભ થાય એનું શું? મારું આ દર્દ દૂર થઇ જાય, અને કદાચ રાત્રે હું સૂઈ જાઉં ૨ – ૪ કલાક, તો એ ૪ કલાક મારા ઊંઘમાં જાઉં, અને સાધનામાં ત્રુટી આવે, એ ગેરલાભ થાય એવું મારે શું કરવું છે…! અત્યારે ૨૪ કલાક  સાધનાજ સાધના ચાલે છે, સુવાનું થતું જ નથી. પણ કદાચ શરીરમાં દર્દ ન હોય, અને સુવાનું થઇ જાય તો ગેરલાભ કોને થાય…? શું ગણિત હતું…!

આ પરમ પ્રેમ જોઈએ છે? જોઈએ….? એક મહિનાથી તમને લલચાવું છું. તમારી ઝંખના તીવ્ર બની ગઈ આમ…? કે બસ આ જ જોઈએ. બીજું કાંઈ નહિ. આ જન્મનું અવતાર કૃત્ય હોય તો એક જ છે, પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવું.

ઇન્દ્ર મહારાજે ઇન્દ્રાસન ઉપર બેસીને પેલા મહાત્માની સાધનાની એકાગ્રતાની વાત કરી. કે એવા તો એ પરમ પ્રેમમાં ડૂબી ગયા છે પ્રભુના, કે જીવન જાય તો પણ એમને કોઈ પરવા નથી. એક મિથ્યાત્વી દેવ સભામાં બેઠેલો, એને મનમાં વિચારો કર્યો, ભાઈ કે આ તો મોટા માણસ છે ઇન્દ્ર મહારાજા… હાંકવું હોય એ હાંકે… કોણ એમને ના પાડવાનું હતું…! અલ્યા ભાઈ! માણસનું મગતરું એની વળી સહનશીલતા કેટલી! ચાલો હું જઈને એની પરિક્ષા કરું… એ દેવ મિથ્યાત્વી દેવ પૃથ્વીલોક ઉપર આવ્યો. મુનિરાજને એણે જોયા.

હરિભદ્રસૂરિ મ.સા. મુનિની કાયા માટે, એક સાધ્વીજીની કાયા માટે એક શબ્દ આપે છે, ધર્મકાયા. એવું શરીર જે ૨૪ કલાક સાધનામાં ડૂબેલું હોય. આપણી બધાની કાયા ધર્મકાયા છે, ૨૪ કલાક શરીરથી અને મનથી સાધનામાં ડૂબેલા આપણે રહેવાનું છે.

હું ઘણીવાર તમારી વાત કરતો હોઉં છું કે શ્રી સંઘ VVIP ટ્રીટમેન્ટ અમને આપે છે. તમારી ભક્તિનો ખરેખર કોઈ પાર નથી. મેં દુનિયાની તમામ સામાજિક સંરચનાઓ અને એ પછી ડંકાની ચોટ પર અધિકારી વિદ્વાનના રૂપે હું એક statement આપી શકું. કે જૈનોની પાસે જે પોતાના ગુરુઓ માટેની  શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ છે, એવું કદાચ બીજે મળવું મુશ્કેલ છે. તમારી કેવી તો VVIP treatment અમારા માટે છે. સાહેબ લાભ આપો , સાહેબ લાભ આપો એક જ વાત… તો એ તમારી લાભ લેવાની વૃત્તિ અમારા તરફ કઈ રીતે ખુલે છે? તમારી VVIP treatment અમને ૨૪ કલાક સાધનામાં ડુબાડી દે. શરીર માટે જે જોઈએ તમે આપવા માટે તૈયાર છો. ભોજનથી માંડીને દવા. જે પણ જોઈએ, શ્રી સંઘ તૈયાર છે. એટલે અમે તમારી VVIP treatment ને લઈને ૨૪ કલાક સાધનામાં ડૂબેલા હોય. અને એનો જે કેફ છે beyond the words, beyond the expectation.

લગભગ ૪૦ વર્ષનું મારું વય અને ગુરુદેવે અચાનક કાળધર્મ પામ્યા, એટલે સીધું મારે સુધર્મા પીઠ ઉપર આવવું પડ્યું. પણ સાધનામાં ડૂબવાનું એટલું બધું ગમી ગયેલું, કે શરૂઆતના વર્ષોમાં હું સંઘ જોડે commitment કરતો, કે એક કલાક તમને પ્રવચન આપીશ. બહુ, બહુ તો વધારામાં બીજો એક કલાક વાચનાનો આપીશ. પણ ૨૨ કલાક નિતાંત મારા જ રહેવા જોઈએ. પછી સાધના એવી પ્રગાઢ બની કે આજે એકાંત કે ભીડ કોઈ ફરક રહેતો નથી. એકાંતમાં ૩૦ વર્ષ સાધના સાધી. આજે ભીડની વચ્ચે પણ એ જ સાધનાનો આનંદ માણી રહ્યો છું.

કબીરજી એકવાર બજારમાં જઈને બેઠા, “કબીરા બેઠા બાજાર મેં, લિયે લકુટી હાથ” લાકડી હાથમાં લીધી, શેના માટે? “જો ઘર બારે આપના, વો ચલે સંગ હમાર” કબીરજી કહે છે ચાલો ભાઈ મારી જોડે કોને આવવું છે? હું મારા હાથનો ટેકો આપીશ, આ લાકડી પણ તમને આપીશ, મારી સાથે ચાલો. પણ મારી સાથે કોણ આવી શકે…? “જો ઘર બારે આપના, વો ચલે સંગ હમાર” વિભાવના ઘરને, રાગ અને દ્વેષના ઘરને જો છોડવા માટે તૈયાર હોય એ મારી સાથે આવી શકે.

તો ૨૪ કલાક અમે લોકો સાધનામાં ડૂબેલા હોઈએ, કેટલો તો આનંદ અમારી પાસે હોય. તમારી પાસે કોઈ calculator એવું નથી કે એમાં તમે અમારા આનંદ ને માપી શકો. એ આનંદને હું કહી શકું એમ પણ નથી. I can’t say it. પણ એક રસ્તો છે, you can experience it. હું એને કહી શકતો નથી પણ તમે એનો અનુભવ જરૂર કરી શકો. કરવો છે અનુભવ? તમારામાંથી એકેય આવ્યું નહિ, વ્યાખ્યાન પછી બીજા માળે ઉપર.. સાહેબ શું પરમપ્રેમ, પરમપ્રેમ એક મહિનાથી કર્યા કરો છો. આપી દો ને પરમપ્રેમ… કેમ ભાઈ…? સાહેબ પાસે પરમપ્રેમ છે તો આપણે અનુમોદના કરશું… તમે બધા અનુમોદના વાળા છો ને… સંસારમાં અનુમોદના એ અટકી જાવ..? પેલાનો બંગલો સારો છે તો સારો છે. મારે જોઈએ તો આવે. ત્યાં શું થાય…? અને અહીંયા ઈચ્છા ન થાય?!

એ મુનિરાજ કાઉસ્સગ ધ્યાનમાં છે, દેવ આવ્યો, એને શું કર્યું, હાથીનું રૂપ વિકુર્વ્યું, અને પોતાની સુંઢમાં મુનિના દેહને પકડ્યો, અને પછી ફૂટબોલનો દડો ઉછાળે એવી રીતે મુનિના શરીરને ઉંચે આકાશમાં ઊછળ્યું. હવે મિથ્યાત્વી દેવ છે એની પાસે વિભંગજ્ઞાન છે, સમ્યગ્દ્રષ્ટિ પાસે અવધિજ્ઞાન હોય, આની પાસે વિભંગજ્ઞાન. પણ મનના વિચારોને મોટા મોટા એ જાણી શકે. હવે એને એ જોવું છે, કે આ દેહ જ્યારે ઉપરથી નીચે પટકાય છે ત્યારે મુનિનો વિચાર શું હોય છે: સાંભળીને નવાઈ લાગશે તમને, એ મુનિરાજનો દેહ નીચે પટકાઈ રહ્યો છે, અને એ વખતે મુનિરાજને થાય છે, કે મારું શરીર અપ્રતિલેખિત જમીનમાં પડશે આમ તો ક્યાંય પણ બેસું તો તરત જ ઓઘાથી પડીલેહણ કરી લઉં, સૂક્ષ્મ જંતુઓ હોય તો એની પણ વિરાધના ન થાય. આ મારો દેહ આટલી ઉંચેથી પટકાશે જમીન ઉપર પણ એ જમીન અપ્રતિલેખિત છે. એમાં સૂક્ષ્મ જંતુઓ પણ હોય, અને કદાચ કીડી – મંકોડા જેવા જંતુઓ પણ હોય, મારું શરીર જોરથી પટકાશે, ત્યારે એ પ્રાણીઓની કેવી વિરાધના થશે… આ પરમપ્રેમ સર્વ જીવો પ્રત્યેના પ્રેમમાં પલટાયો. પરમપ્રેમ પરમની આજ્ઞા પરનો પ્રેમ અને પરમની આજ્ઞા પરનો પ્રેમ એટલે સર્વ જીવો પરનો પ્રેમ.

એટલે ઉંચેથી દેહ પછડાયો, લોહીના ફુવારા ઉડ્યા છે, હાડકાં ના ફુરચે – ફુરચા ઉડ્યા છે, પણ મુનિરાજના વિચારમાં એક જ વાત છે કે પેલા જીવોનું શું? મારા પ્રભુએ મને કહ્યું છે, કે તારે જીવવાનું છે પણ કોઈ પણ જીવનના ભોગે નહિ, કોઈ પણ જીવની વિરાધના તારે કરવાની નથી. પણ અત્યારે મારા શરીર દ્વારા આ શરીર પછડાયું છે ત્યારે કેટલા બધા જીવોની વિરાધના થઇ હશે, એ દેવ આશ્ચર્યચકિત બન્યો, પણ એને પણ હતું જ્ઞાન, પરીક્ષા કરવી તો પુરી જ કરવી. લોહી – લુહાણ દેહને ફરીથી સૂંઢમાં પકડ્યો, ફરીથી ઉંચે ઉછાળ્યો, ફરી એ દેહ નીચે પટકાય છે, વેદના કેટલી હશે વિચાર કરો… પણ એ વેદના શરીરમાં હતી, મનમાં પરમપ્રેમ છે.

કોઈ પણ સંતની પાસે જાવ, એ સંત ઉચકાયેલા હોય તો આ division એમની પાસે હોય જ. શરીર, શરીરનું કામ કરે, હું મારું કામ કરું. શરીર રોગોનું ઘર છે, રોગો આવશે ને જશે. અને રોગો આવશે; મારું કર્મ ક્ષીણ થશે. નિર્જરી જશે. પણ રોગ આવે ન આવે, શરીરમાં વેદના હોય, ન હોય, મનમાં તો માત્ર ને માત્ર આનંદ છે.

આ ભૂમિકા મળી શકે છે આજે, મેળવવી છે? Stress age માં તમે જીવો છો. શરીરમાં પીડા નથી, પણ ૨૪ કલાક તણાવમાં તમે જીવો છો. હરીફાઈનો યુગ છે, stress જ stress છે. ૨૪ કલાક તણાવમાં તમે રહો છો. એ stress free થવું હોય તો આ પરમપ્રેમ. પ્રભુને બધું સોંપી દીધું. મારે ક્યાં પછી વિચારવાનું છે! આવતી ક્ષણનો વિચાર તમારે કરવાનો નથી. જીવન પ્રભુને સોંપી દીધું. આવતી ક્ષણ પ્રભુ જેવી પણ આપશે એવી ક્ષણનો સ્વીકાર છે.

તમે છે ને acceptance અને rejection બેય કરો છો, સ્વીકાર અને અસ્વીકાર. મનગમતાનો સ્વીકાર અને અણગમતાનો અસ્વીકાર. અને મુનિ પાસે સર્વસ્વીકાર છે. એ દેહ બીજી વાર પછડાય વિચારમાં કોઈ ફરક નહિ, એ દેવનું મિથ્યાત્વ ખતમ થયું. એ દેવ મુનિને નમ્યો. અને એણે કહ્યું આવી પણ સાધના હોઈ શકે! આવો પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોઈ શકે! એવું મારી કલ્પનામાં પણ નહોતું. આપ એને જીવી રહ્યા છો, આપને મારા ખુબ ખુબ વંદન.

તો એ જ પરમ પ્રેમ આપણને સૌને મળે, એવી એક પ્રાર્થના.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *