વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: પરમ પુરુષથી રાગતા, એક્ત્વતા હો દાખી ગુણગેહ
પરમપ્રેમ એટલે એકત્વતા. અભેદાનુભૂતિ. આ અભેદાનુભૂતિ બે જાતની હોય : એક શાશ્વતીના લયની અને બીજી થોડા સમય માટેની.
આપણે બધા સિદ્ધશિલા ઉપર જઈશું, વીતરાગ બની જઈશું ત્યારે પ્રભુ સાથેની અભેદાનુભૂતિ આપણી શાશ્વતીના લયની. પ્રભુની જેવી નિર્મળ સત્તા છે, એવી જ નિર્મળ સત્તા આપણી.
અત્યારે એ અભેદ અનુભૂતિ માણવાનો ઉપાય શું? જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત. પ્રભુ જ્યોતિર્મય છે. તમે જ્યોતિર્મય બનો, તો પ્રભુનો અભેદ અનુભવ તમને થાય. તમે ક્ષમાભાવમાં કે સમભાવમાં હોવ, તો થોડી ક્ષણોની એ ધારા તમને સમતાના સાગર એવા પ્રભુ સાથેની અભેદ અનુભૂતિ આપે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૧
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુ પ્રત્યેનો એક પરમ પ્રેમ.
૧૫૦ વરસ પહેલાં એક મહાપુરુષ થયા. જેમનું પૂરું અસ્તિત્વ પ્રભુનાં પરમ પ્રેમથી ભરાયેલું હતું. એ હતા પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ. સાહેબના જીવનની એક મજાની ઘટના આવે છે. સૌધર્મેન્દ્ર મહાવિદેહમાં ગયા છે. પ્રભુ સીમંધર દાદાના ચરણોમાં પડીને ઈન્દ્ર ભગવંતે પૂછ્યું કે પ્રભુ ભરતક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ છે? અને એ વખતે પ્રભુએ દેવચંદ્રજી મહારાજનું નામ આપ્યું. ઈન્દ્રને ઈચ્છા થઈ, એ મહાપુરુષના દર્શન કરવાની. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઈન્દ્ર મહારાજ ગુરુદેવ પાસે આવે છે. એ વખતે સાહેબજી દેશના આપી રહ્યાં છે. સૌધર્મેન્દ્ર ઠેઠ પાછળ બેસી જાય છે. પાછળ આવેલા પાછળ બેસી ગયા પણ દેવચંદ્રજી મહારાજે પોતાના વિશિષ્ટ શ્રુતબળથી નક્કી કર્યું કે આ સૌધર્મેન્દ્ર છે. ત્યાં સુધી તો બરોબર.
પછીની ઘટના બહુ મજાની છે. સૌધર્મેન્દ્ર પોતાની સભામાં આવેલ છે એ સૌધર્મેન્દ્રને પ્રભાવિત કરું આવો લેશમાત્ર વિચાર દેવચંદ્રજી મ.સા.ના હૃદયમાં આવ્યો નથી. સૌધર્મેન્દ્ર આવ્યાં અને બેઠાં. એ પછી આખું પ્રવચન hi-fi કરી નાખું આ વાત નથી. જેવી રીતે પ્રવચન ચાલતું હતું એ જ રીતે પ્રવચન ચાલુ રાખ્યું. પરમપ્રેમનો મતલબ એ છે કે તમે તમારાં વ્યક્તિત્વને પૂરેપૂરું પ્રભુથી એટલું પ્રભાવિત કરી દીધું કે હવે બીજી કોઈ વ્યક્તિ તમને ક્યારેય પણ પ્રભાવિત કરી ન શકે.
બે વાત છે. આવા મહાપુરુષ બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા રાખતાં નથી અને એ પોતે કોઈનાથી પ્રભાવિત થતાં નથી. પ્રભુથી એ હદે એ પ્રભાવિત થઈ ગયેલા કે કોઈ સામાન્ય વ્યક્તિ એમને પ્રભાવિત શી રીતે કરે?! એક પ્રભુનો મુનિ, એક પ્રભુની સાધ્વી નિઃસ્પૃહતા એની પાસે છે અને એટલે એ કોઈનાથી પ્રભાવિત થાય જ નહિ. હા, એક શ્રાવક પાસે પણ ગુણો હશે તો એ ગુણોનો અનુરાગ અમે જરૂર કરીશું. પણ તમારી કોઈ બાહ્ય વિભૂતિથી અમે ક્યારેય પણ પ્રભાવિત બની શકીએ નહિ.
હિંમતભાઈ બેડાવાળાની સાધનાની અનુમોદના આ જ સુધર્માપીઠ ઉપર બેસીને કેટલીય વાર કરી છે. એ હિંમતભાઈ બેડા ગામના. બેડાથી ત્રણેક કિલોમીટર દુર દાદા પાર્શ્વનાથ નામનું તીર્થ છે. એક બહુ મજાની રાજસ્થાની ટ્રેડીશનની વાત કરું. શિરોહી, ઝાલોર અને પાલી જીલ્લા જૈનોથી ભરચક હતા. તમે તો યાત્રા કરવા જાઓ, રાણકપુર અને દિયાણા પણ એક – એક ગામમાં જે અદ્ભુત્ત દેરાસરો છે. અને બીજી પરંપરા આ હતી, કે મોટું ગામ હોય તો બે-ત્રણ કિલોમીટર દુર એક તીર્થ હોવું જ જોઈએ. અમે ગમે ત્યારે કોઈ પણ ગામમાં જઈએ ને, સાહેબ આપ તો અહી પધાર્યા છે અમને લાભ આપો. જેટલું આપ રોકાઈ શકો એટલો લાભ આપો. પણ પછી એક દિવસ આપણે સાથે ચૈત્યપરીપાર્ટી કરી અને આપણા તીર્થે જઈશું. બધા સાથે આવે. આખો દિવસ પ્રભુની ભક્તિ કરે. તો બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ. હિંમતભાઈ ને લગભગ આયંબિલ ચાલતા હોય. એકવાર આયંબિલ કરી બપોરે ત્રણ-ચાર વાગે દાદા પાર્શ્વનાથ તીર્થમાં આવ્યાં. તીર્થનું દેરાસર ખુલ્લું હોય. અંદર ગયા. અષ્ટપ્રકારી પૂજા કરી. પ્રભુની ભક્તિ કરી. અને સાંજના છ – સાડા છ વાગે કાયોત્સર્ગ ધ્યાન એમણે શરૂ કર્યું. પુજારી સાત વાગે આવ્યો. દેરાસરમાં અંધારું. ભગવાન પાસે દીપક ટિમટિમાયેલ. થાંભલાની પછવાડે હિંમતભાઈ ઉભેલા પુજારીને ખ્યાલ નહિ આવ્યો. એણે દેરાસર માંગલિક કરી દીધું આરતી ઉતારીને.
હવે, આમ તો ગામનું દેરાસર હોય ને સવારે પાંચ – સાડાપાંચે ખૂલી જાય. આ તો જંગલમાં આવેલું દેરાસર હતું. કોઈ યાત્રિક હોય તો વહેલા ખૂલે. બાકી દસ-અગિયાર વાગે સાયકલ ઉપર બેસીને પુજારી આવે અને પૂજા કરીને જતો રહે. એ પુજારી અગિયાર વાગે દાદા પાર્શ્વનાથ તીર્થમાં આવ્યો. દેરાસર ખોલ્યું, હિંમતભાઈ અંદર. પેલા સંઘના અને દાદા પાર્શ્વનાથ તીર્થના અગ્રણી ટ્રસ્ટી હિંમતભાઈ. શ્રીમંત પણ એટલાં હતા. પુજારી ગભરાઈ ગયો. સાહેબ અંદર હતા. અને મેં દેરાસર કાલે માંગલિક કરી નાખ્યું. એ સાહેબના પગમાં પડ્યો. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. ત્યારે એ હિંમતભાઈ કહે છે, “તે તો મને જલસો કરાવી આપ્યો. પૂજા થઈ ગઈ. પ્રતિક્રમણ કર્યું, સવાર અને સાંજનું અને પછી જે કાયોત્સર્ગ ધ્યાનની મજા આવી છે. આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં. સવારે પ્રતિક્રમણ કરી ફરી પાછુ કાયોત્સર્ગ ધ્યાન. એમની કાયા જયારે બરોબર નહોતી. ચાલવામાં પણ એમને તકલીફ પડતી હતી. એ વખતે પણ જયારે કાયોત્સર્ગ ધ્યાનમાં જાય એટલે દસ-બાર કલાક ઉભા રહી શકે. એટલે શરીરને એ રીતે એમણે habituated કરી નાખેલું.
તો અમે કોઈનાથી પ્રભાવિત થઈએ નહિ. દેવચંદ્રજી મહારાજને ખ્યાલ છે. સૌધર્મેન્દ્ર છે. છે તો છે. મેં પહેલા કહેલું. તમારી નજર અમારા ઉપર હોય એનો વાંધો નથી. અમારી નજર તમારા ઉપર હોય જ નહિ. માત્ર ગુણાનુરાગના સંદર્ભમાં તમારા ગુણોને અમે અવશ્ય જોઈ શકીએ. બાકી કંઈ જોઈતું જ નથી. પ્રભુએ એટલું બધું આપી દીધું છે, આ પ્રભુની ચાદર, એ ચાદર પહેરીને જૈનોના ઘરમાં ગયા ત્યાં તો પાત્રા અમારા ભરાયા, જે ગામોમાં જૈનોનું એક પણ ઘર નથી, હિંદુઓના ઘરો છે, એટલા જ પ્રેમથી અમને વહોરાવે છે.
વચ્ચે કચ્છના રણ પાસે સૂઇગામમાં અમારું ચોમાસું. આપણા લોકો તો બધી – વધીને કદાચ પ્રવચનમાં ૧૫૦ થાય, વધી – વધીને…. ૮૦૦ હિંદુ ભાઇઓથી રોજ પ્રવચન મંડપ ખીચોખીચ ભરાયેલો હોય, અને શું એમનું શિસ્ત! પ્રવચન પૂરું થાય, સર્વમંગલ થઇ ગયું, જાહેરાતો થઇ ગઈ, હું રેમ્પ ઉપરથી પસાર થાઉં ત્યારે બધા હિંદુ ભાઈઓ હાથ જોડીને ઉભા હોય. હું મંડપને છોડું પછી એ લોકો મંડપની બહાર નીકળે. અને હું મંડપમાં આવું એ પહેલાં આખો મંડપ ભરાયેલો હોય.
એ પછી ચોમાસું ઉતરતાં મેં એ લોકોના ઘરે પગલાં કર્યા, ત્યારે ખ્યાલ આવ્યો, કોક હિંદુ ભાઈનું ઘર બે કિલોમીટર દૂર ખેતરમાં, કોકનું ૪ કિલોમીટર દૂર ખેતરમાં, અને ૮ વાગે હાજર થઇ જતા ગામમાં, એ લોકો કહેતાં કે મારી ઘરવાળીઓ સવારે ૭ વાગ્યાથી ધમાધમ કરે, ચાલો જલ્દી તૈયાર થાવ, કથામાં જવાનું છે. તમારો ભક્તિભાવ એ તો અજોડ છે જ. એટલે આ એક ચાદર પ્રભુએ અમને આપી, અમારી ચાદર plus કશું ન જોઈએ.
પ્રભુએ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું; લગ્નત: આર્હન્તે એ હેતુથી…. તારી પાસે માત્ર મારી ચાદર રહેવી જોઈએ. અને એ ચાદર ઉપર તારું જીવન તું પૂરું કર. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં અમને કહ્યું, મારી ચાદર plus કશું જ નહિ. મારું પ્રવચન બહુ સારું છે, અને લોકોને હું ભેગા કરું, ભગવાને ના પાડી. ભગવાને એટલું કહ્યું, કે મારી આજ્ઞા છે કે સ્વાધ્યાય કરવાનો, સ્વાધ્યાય કરી લેવાનો, પણ આ ચાદરને ૨૪ કલાક સુધી સામે રાખવાની, આ ચાદરને એક ક્ષણ માટે પણ ભૂલવાની નહિ. શું પ્રભુની કૃપા અમારા ઉપર વરસી છે! તમારા ઉપર પણ વરસે હો…
એ દેવચંદ્રજી મ.સા. એ ચોવીશી રચી છે, પહેલા સ્તવનમાં પરમપ્રેમની વ્યાખ્યા એમણે આપી. કે પરમપ્રેમ એટલે શું? બહુ મજાની પંક્તિ છે, “પરમ પુરુષથી રાગતા, એક્ત્વતા હો દાખી ગુણગેહ”, પરમપ્રેમ એટલે અભેદાનુભૂતિ. આ વ્યાખ્યા સાહેબે આપી, આ અભેદાનુભૂતિ બે જાતની હોય, એક શાશ્વતીના લયની, એક થોડા સમય માટેની… આપણે બધા સિદ્ધશિલા ઉપર જઈશું. વિતરાગ બની જઈશું ત્યારે પ્રભુ સાથેની અભેદાનુભૂતિ આપણી શાશ્વતીના લયની. જે પ્રભુની નિર્મલ સત્તા છે એવી જ નિર્મલ સત્તા આપણી. અભેદઅનુભૂતિ. પણ અત્યારે એ અભેદ અનુભૂતિ માણી શકાય ખરી? તો કહે કે હા, કઈ રીતે માણી શકાય..? એના માટેનું એક સૂત્ર મહોપાધ્યાય યશોવિજય મહારાજે શીતલનાથ પ્રભુના સ્તવનમાં આપ્યું, “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” પહેલાં કહ્યું શીતલ જિન મોહે પ્યારા, મને ભગવાન બહુ ગમે છે, બહુ ગમે છે, અને એ ભગવાનથી વિખુટા પડવું એ તો ગમે જ નહિ.
મીરાંએ એક ફરિયાદ પભુને કરી, ભક્તની ફરિયાદ પણ કેવી હોય!? મીરાંની ફરિયાદ કઈ હતી? મીરાં કહે છે પ્રભુને ‘જબ સે તુમસે બીછુરી પ્રભુ, તબ સે ન પાયો ચેન’ પ્રભુ અનાદિની ધારાએ હું આવી ગઈ અને તારો સંયોગ તૂટી ગયો બસ એ ક્ષણથી મને ચેન પડતું નથી. એક ભક્તની ફરિયાદ આ હોય, સાધકની ફરિયાદ શું હોય? હિંમતભાઈ બેડાવાલા જેવા સાધક હોય એમની ફરિયાદ શું હોય, ખબર છે…
આવા જ એક સાધક, એક ભાઈની ઈચ્છા કે મારે ત્યાં આ સાધક અઠવાડિયું રહે, અઠવાડિયું રહે, સાધના કરે તો એમની ઉર્જાથી મારું ઘર આખું જે છે તે રંગાઈ જાય. તો એ સાધકને વિનંતી કરી, સાધક હા – ના કરતાં હતા. છેવટે બહુ જ આગ્રહ હતો, હા પાડી. એ સાધક પેલા ભાઈના ઘરે આવ્યા, હવે પેલા ભાઈની ઈચ્છા શું હોય, કે આટલા મોટા સાધક છે અને એમને સાધના અહીંયા કરવાની છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમને સુવિધા આપું. તો સરસ મજાનો પલંગ, ઉપર મચ્છરદાની નાંખેલી, રૂમ પણ એમનો સરસ, કે ઠંડીના સમયમાં કાચની બારીઓ ન માખી અંદર આવે, ન મચ્છર અંદર આવે, આરામથી સાધના કરી શકાય. ખાવા – પીવામાં પણ બધું જ સરસ. બીજો દિવસ થયો, આમ અઠવાડિયું રોકાવાની ગણતરી હતી, બીજો દિવસ થયો, અને એ સાધકે કહ્યું પેલા ભાઈને, હું જાઉં છું.
પેલો વિચારમાં પડી ગયો, મારી શું ભૂલ થઇ ગઈ? સાહેબને શું ઓછું આવ્યું? તમે તો એ જ રીતે જોવો ને… એ સાધક હોય કે કોઈ મુનિ હોય, અમને વળી ઓછું લાગે…! એવુ બને ક્યારે! અમને તો તમારો ભાવ એટલો બધો લાગે છે કે ઓછો લાગવાની કોઈ સંભાવના જ નથી રહેતી. તો પેલાએ કહ્યું સાહેબ! અઠવાડિયું રોકાવાનું હતું, આપ કેમ નીકળી રહ્યા છો, તો એ સાધકે કહ્યું આટલી બધી સુવિધા મને ચાલે નહિ, હું આટલી સુવિધાથી ટેવાયેલો નથી. આવો સરસ રૂમ, જ્યાં માખી ન હોય, મચ્છર ન હોય, છતાં પાછો પલંગ, પલંગ ઉપર પાછી મચ્છરદાની. આ બધું મને ફાવે નહિ. થોડા મચ્છર હોય રાત્રે, દિવસે થોડી માખીઓ હોય, અને કાયોત્સર્ગ ધ્યાન કરવાની મજા આવે, કેમ બરોબર ને…?
એક માખી આવે ધ્યાન ક્યાં જાય? ૪૦ લોગસ્સનો કાઉસ્સગ હોય, અને મચ્છર આવે, શું કરો? શું કરો… અન્નત્થ સૂત્ર તમારા ખ્યાલમાં છે, એ જે આગાર આપ્યા છે, એમાં કોઈ આવો આગાર નથી કે મચ્છર આવે તો ચરવળાથી આમ – આમ કરવાનું. કાયોત્સર્ગ કેટલી તો અદ્ભુત વાત છે.
આપણે પર્યુષણ પછીની વાચના શ્રેણીમાં ૨ – ૩ બાબતો લેવાની ગણતરી છે, એક તો પ્રભુની સાડા બાર વર્ષની સાધના. કલ્પસૂત્રમાં આપણે સાંભળીએ છીએ, પણ એ બહિરંગ સાધનાનો source છે. અંતરંગ સાધનાનો source આચારાંગ સૂત્રમાં છે. એ આપણે જોવું છે. અને આપણું ધ્યાન અને આપણો કાયોત્સર્ગ એને આપણે ઊંડાણથી સમજવા છે.
એક નાનકડી વાત કરું, તસ્સ ઉત્તરી સૂત્રમાં આપણે એ વાત કરીએ છીએ કે કાયોત્સર્ગથી શું થાય… બે વાત છેલ્લે કરી, વિસોહી કરણેણં, વિસલ્લી કરણેણં. વિસોહી કરણ એટલે વિશુદ્ધિકરણ. વિશુદ્ધિકરણ એટલે conscious mind ની અંદર જે રાગ – દ્વેષ અહંકારનો કચરો છે એને સાફ કરવો છે. અને વિસલ્લીકરણ, વિસલ્લીકરણ એટલે શું? Unconscious mind માં અસ્તિત્વના સ્તર સુધી જે રાગ – દ્વેષ અને અહંકાર જામી પડેલા છે એને પણ ખેંચીને ખતમ કરી દેવા. એક તસ્સ ઉત્તરી જિન શાસનનો સાર.
દેવવંદન કરતાં હોવ, સવ્વલોએ અરિહંત ચેઇઆણં… એક નવકારનો કાઉસ્સગ થયો, કાઉસ્સગ કેટલા નવકારનો? એક નવકારનો.. એની પાસેથી તમે કામ શું મેળવવા માંગો છો? સવ્વલોએ અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગં, વંદણ વત્તિઆએ, પુઅણ વત્તિઆએ, સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ. ગોરેગાંવમાં રહેલા ધર્મનાથ નહિ, ત્રણે લોકમાં રહેલા બધા જ જિનબિંબો એનું વંદન, પૂજન, સત્કાર, સન્માન એ બધાનો લાભ મળે, મને નિરૂપસર્ગવર્તીતા અને સમાધિ મળે, મને બોધીલાભ મળે. એના માટે હું કાઉસ્સગ કરું છું. વિચાર કરો, એક નવકારનો કાઉસ્સગ, કેટલી સેકંડ થાય…? એ સેકંડ આટલું બધું કાર્ય આપી શકે! આટલી સેકંડ…! અને એનું કારણ છે, base કાયોત્સર્ગનો છે. તમે તમારી ચિત્તવૃત્તિઓને શાંત કરીને એકદમ અંતરાત્મદશાની અંદર પહોંચી ગયા છો. અને એ અંતરાત્મદશામાં પહોંચ્યા છો, માટે તમે આટલું ફળ મેળવી શકો છો.
તો ઉપાધ્યાયજી ભગવંતે અભેદ અનુભૂતિનું સૂત્ર આપ્યું, આપણા માટેની અભેદ અનુભૂતિ. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” પ્રભુ જ્યોતિર્મય છે, બરોબર… જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિતરાગદશા આ બધા ગુણોથી પ્રભુ સભર છે. પ્રભુ જ્યોતિર્મય છે. એ જ્યોતિર્મય પ્રભુનું ધ્યાન તમે શી રીતે કરો? તમે જ્યોતિર્મય બનો, તો જ એ પ્રભુનું અભેદ અનુભવ તમને થાય. હવે બોલો શબ્દ એ પૌદ્ગલિક ઘટના કે જયોતિર્મય ઘટના. જે તમારી પોતાની ઘટના હોય ને એ જ જ્યોતિર્મય ઘટના. તમે જ્યોતિર્મય છો, એટલે તમારી જે ઘટના એ જ્યોતિર્મય ઘટના. તો વાત એ છે કે પ્રભુ જ્યોતિર્મય, શબ્દ કેવો? પૌદ્ગલિક એટલે અજ્યોતિર્મય. વિચાર કેવો…? પૌદ્ગલિક; અજ્યોતિર્મય. એટલે ન શબ્દોથી પ્રભુ સાથે આપણે જોડાઈ શકીએ, ન વિચારોથી પ્રભુ સાથે આપણે જોડાઈ શકીએ…
તો કઈ રીતે જોડાઈ શકીએ…? આપણે પોતે જ્યોતિર્મય બનીએ, તો જ એ જ્યોતિર્મય સાથેનું અનુસંધાન આપણું થાય. પ્રભુ સમત્વનું શિખર છે, સમતાનું સાગર છે, હવે આપણી ચિત્તવૃત્તિમાં સમભાવની અનુભૂતિની ધારા પ્રગટે, ભલે નાનકડી જ અનુભૂતિની ધારા હોય, એકમાત્ર ઝરણા જેવી, પણ ઝરણું દરિયામાં પડે તો શું થાય? ઓગળી જાય. તમે પત્થર દરિયામાં નાંખો તો શું થાય? શબ્દ અને વિચાર એ પત્થર. તમારી અનુભુતિ એ ઝરણું અને એ ઝરણું પ્રભુની અનુભૂતિના સમુદ્રની અંદર mix up થઇ જાય. એટલે થોડીક ક્ષણો માટે ક્ષમાભવમાં તમે હોવ, સમતાની ધારામાં તમે હોવ એટલે શું થયું… પ્રભુની સાથે અભેદ અનુભૂતિ તમારી થઇ ગઈ. કેટલું shortcut છે બોલો… આમાં કંઈ અઘરું છે…? નથી શોપિંગ કરવા જવાનું, નથી ક્યાંય બહાર જવાનું, ખાલી બેસી રહેવાનું છે દસ મિનિટમાં અભેદ અનુભૂતિ.
તો દેવચંદ્રજી મ.સા. પાસે આ અભેદ અનુભુતિ હતી. એ સતત પ્રભુના ગુણોની ધારામાં રમી રહ્યા હતા. હું ઘણીવાર કહું છું, સેંકડો હજારો સાધના ગ્રંથોનો સાર એક જ વાક્યમાં આવી જાય, અને એ એક વાક્ય એ છે કે જે તમારા મનને, તમારા ઉપયોગને સ્વમાં મૂકી દે, અનંત જન્મોથી તમારો ઉપયોગ પરમાં છે, એને સ્વમાં મૂકી દો. એટલે આમ જુઓ તો practice છે તમને… પરમાં ઉપયોગને સ્થિર કરવાની practice તો છે. હવે ખાલી આમથી આમ બદલાવાનું છે.
એ દેવચંદ્રજી મ.સા. એકવાર પ્રવચન આપતાં હતા, નાના ગામનો ઉપાશ્રય, પાછળ એક ઝાડી હતી, પ્રવચન ચાલુ, એક સાપ જંગલમાંથી ઉપાશ્રયમાં આવે છે, ઘણા બધા લોકો હતા, પણ સાપને પણ ગુરુનું સંમોહન લાગ્યું. એક વાત તમને પૂછું તમે રહો છો સંસારમાં મને ખ્યાલ છે, પણ ત્યાં રહ્યા રહ્યા તમે સંમોહનમાં કોના? પ્રભુના સંમોહનમાં? કદાચ સંસારમાં રહેવું પડે છે, પણ ત્યાં રહો છો તો પણ શરીર કદાચ આરંભ – સમારંભ કરે છે, મન તમે પ્રભુને આપવા માટે તૈયાર ખરા? અનિવાર્ય રૂપે તમારા બીસનેસ માટે જેટલું મન તમારે રાખવું પડતું હોય એટલું રાખો. ૫% – ૧૦% પણ ૯૦% મન પ્રભુને આપશો…?
હમણાં એક પ્રયોગ થયો, કે માણસ પોતાની જિંદગીમાં મગજના જે આમ લાખો નહિ, કરોડો નહિ ખર્વ – નિખર્વ સેલ્સ છે, એનો ઉપયોગ કેટલો કરે છે, આઈનસ્ટાઇન જેવા પ્રબુદ્ધ મનુષ્યનું ખોપરીનું અધ્યયન કરીને, નિષ્કર્ષ એ નીકળ્યો કે આઈનસ્ટાઈને પણ પોતાની મગજ શક્તિના ૧૦માં ભાગનો જ ઉપયોગ કરેલો, બાકીની મોટા ભાગે એ શક્તિ સુષુપ્તપણે પડી રહે. તો જે શક્તિ સુષુપ્ત પડી જ રહેવાની છે પ્રભુને સોંપી દો. તમે વાપરી – વાપરીને કેટલું મગજ વાપરશો. વધારાનું ભગવાનનું. રહેવાનું ત્યાં, સંમોહન કોનું? પ્રભુનું…
સાગરમાં એક શ્રીંગી નામનું મત્સ્ય આવે છે, એ રહે છે સાગરમાં પણ એને મીઠું પાણી પીવું હોય છે. રહેવું હોય દરિયામાં અને પાણી મીઠું પીવું હોય છે. એણે યુક્તિ શોધી કાઢી. એ ગંગા જેવી મોટી નદીઓ જ્યાં દરિયાને ભેગી થતી હોય, ત્યાં પહોંચી જવાનું, દરિયાનો દરિયો અને મીઠું પાણી. કેટલી મજાની સીસ્ટમ! સંસારનો સંસાર અને મન પ્રભુનું!
એ સાપને પણ સદ્ગુરુનું સંમોહન લાગ્યું, સેંકડો લોકો બેઠેલા, કોઈના સામે નહિ, ગુરુની સામે જ ગયો. તમે દેરાસરમાં હોવ, અડધો કલાક, એવું નક્કી ખરું, કે એ ૩૦ એ ૩૦ મિનિટમાં તમે માત્ર ને માત્ર પ્રભુને જોતાં હોવ? તમે બહાર આવ્યા, કોકે પૂછ્યું, પેલું પૂજન ભણાતું હતું, કેટલા માણસો હતા ખબર છે? એ વખતે તમારો જવાબ હોય, હું તો પગથિયાં ચડ્યો, મેં દાદાને જોયા, દાદામાં મારું મન ઓગળી ગયું. ૩૦ મિનિટ સુધી હું દાદામય રહ્યો. અને પછી નીકળી ગયો, મને કોઈ ખબર નથી. દેરાસરમાં કોણ હતું ને કોણ નહિ, બને આવું…? આ આજુબાજુવાળાનો ખ્યાલ રાખવા ગયા ને એટલે પ્રભુનો ખ્યાલ નીકળી ગયો, પ્રભુનું દર્શન ક્યારે થાય…? આજુબાજુવાળાનું દર્શન છૂટે તો ને…
એ સાપ પાટ ઉપર ચડ્યો, પછી ગુરુના પગ ઉપર ચડ્યો, આ કથા મેં વાંચી ને ત્યારે મને થયું પહેલી વિચારે કે સેંકડો શ્રોતાઓ સામે હતા, કોઈને ખ્યાલ નથી આવ્યો, કે સાપ પાટ ઉપર ચડ્યો અને ગુરુની પલોઠી ઉપર ચડ્યો છે, શું કારણ? બધા શ્રાવકો માત્ર અને માત્ર સદ્ગુરુની સામે મુખ રાખીને બેઠેલા. સદ્ગુરુને જ મન ભરીને, પેટ ભરીને જોઈ રહ્યા હતા, એમાં સાપને જોવાની વાત ક્યાં આવે?! ખાલી ચહેરો જ ગુરુનો દેખાય છે, ક્યારેક તો માત્ર ગુરુની આંખો દેખાય છે, અને એ આંખોમાંથી વહેતી કરુણા જે છે એનો સ્પર્શ થાય છે, ત્યારે આજુબાજુની ઘટનાનો ખ્યાલ આવે ખરો…? આવું એક વ્યાખ્યાન સંભળાય ને તમે ક્લીન બોલ્ડ થઇ જાવ.
મેઘકુમારે પ્રભુની દેશના એક જ વાર સાંભળી, very first time. પ્રભુની દેશનામાં ગયો, ક્લીન બોલ્ડ થઈને ઘરે આવ્યા. ઘરે આવીને ધારિણી માં ને કહ્યું;માં હું પ્રભુ વિના એક ક્ષણ હવે નહિ રહી શકું. એવું તો ઘેલું, એવું સંમોહન પ્રભુનું લાગ્યું છે, કે પ્રભુ વિના એક ક્ષણ હું નહિ રહી શકું. તમે કદાચ કહી દો કે સાહેબ એ તો સમવસરણમાં બેઠેલા પ્રભુ હતા, એટલે એમનો તો અતિશય હોય જ ને, પણ હું અને તમે સમવસરણમાં કેટલી વાર જઈ આવ્યા! સમવસરણમાં ગયા પછી પણ આપણી નજર ક્યાં હતી? જો પેલા ચામર વીંઝાય છે! હવા નાંખે છે. અલા એને જોવા તું આવ્યો! આ ૬૪ ઇન્દ્રો પ્રભુના પગમાં પડ્યા છે! અરે! ભાઈ એ નથી જોવાનું. જેના ચરણોમાં ઇન્દ્રો આળોટે છે, એ પ્રભુને તું જો. એટલે કેટલીય વાર સમવસરણમાં આપણે ગયા, માત્ર પ્રભુની બાહ્ય રીતિ જોઇને પાછા ફર્યા. એ પ્રભુના મુખ ઉપરની ઉદાસીનદશાને આપણે જોઈ નહિ. પણ અત્યારે શું થાય? હવે ચાલો.
જિનવિજય મહારાજે કહ્યું… ‘મારી તો સુષમાથી દુષમો, અવસર પુણ્ય નિધાનજી’ સુષમ કાળ કરતાં આ દુષમ કાળ પાંચમો આરો મારા માટે સારો છે, એ સુષમ કાળમાં ચોથા આરામાં પ્રભુનું દર્શન શક્ય હતું, પણ મારું ઉપાદાન બરોબર નહોતું. મારું હૃદય નિર્મળ થયેલું નહોતું. એટલે હું સમવસરણમાં જઈને પણ ખાલી બાહ્ય રીતિ જોઇને હું પાછો ફરેલો. આજે મારી આંખો નિર્મળ બની છે. મારું હ્રદય નિર્મળ બનેલું છે તો ભલે સાક્ષાત્ પ્રભુ નથી એ પ્રભુની મૂર્તિ છે, પણ એ પ્રભુના મુખ ઉપર રહેલી ઉદાસીનતાની ધારાને જોઇને હું ઉદાસીનતાની ધારામાં વહ્યો જઈશ.
એક સૂત્ર યાદ રાખો પ્રભુ પાસે ખાલી હાથે જવાય નહિ, બરોબર ને? હું મુકું ચપટી ચોખા, કંઈક તો લઈને જાઉં, એ સૂત્રનો પૂર્વાર્ધ છે, એનો ઉત્તરાર્ધ શું છે… પૂર્વાર્ધ એ કે ખાલી હાથે દેરાસરમાં જવાય નહિ, ઉત્તરાર્ધ એ છે કે ખાલી હૈયે દેરાસરમાંથી પાછા ફરાય નહિ! પ્રભુ પાસેથી એક પણ નાનકડો ગુણ ન મળે, ત્યાં સુધી બેઠા જ રહેવાનું. તું આપ નહીતર બેઠેલો જ છું.
પેલા એક શેઠ કંજૂસ હતા, ક્યારેય કોઈને પૈસો ન આપે, ૧૦૦ વર્ષ પહેલાંની ઘટના, એ જમાનામાં પૈસો એટલે મોટી વસ્તુ. રૂપિયો તો જોવા ન મળે. તો એક માંગણ આવ્યો, સાહેબ મને કંઈક આપો, શેઠ મને કંઈક આપો. શેઠને થયું કે આ વળી ક્યાં લપ આવી ગયો…! આ લપ ક્યાંથી આવી? હું કોઈને ક્યારેય આપતો નથી, આને વળી ક્યાંથી આપવાનો હતો..! શેઠ કામ શોધીને ક્યાંક જતા રહ્યા, પેલાને ભગાડે છૂટકો કર્યો. એકવાર એવું બન્યું શેઠને ઉઘરાણીએ જવાનું હતું, સવારે ૫ વાગે ઉઠીને નીકળવાનું હતું. તો શ્રાવિકાને કહેલું કે સાડા ચારે જગાડજે.
બરોબર સાડા ચારે શ્રાવિકાએ એમણે જગાડ્યા, ઉઠો, ઉઠો.. શેઠ તો ઉઠ્યા, ઉઠીને એટલા રાજી થઇ ગયા, અને બહુ સરસ બહુ સરસ તે બરોબર appropriate time મને ઉઠાડી દીધો કહે છે બહુ સરસ કર્યું બહુ સરસ… શેઠાણીએ કહ્યું એમાં મેં શું સરસ કર્યું, તમે કહેલું સાડા ચારે મને ઉઠાડજે, મેં ઉઠાડી દીધા. અરે ના, ના વાત એવી છે કે મને સપનું ચાલ્યું, અને સપનામાં એક ભિખારી પાછળ પડી ગયો, અને તકલીફ એ થઇ કે ઘરાકોને આવવાનો ટાઈમ, જો આ લપને કાઢું નહિ તો મારા ઘરાકો પાછા વળી જાય, એટલે વિચારમાં પડી ગયો, શું કરવું… આખી જિંદગી કોઈને કંઈ આપ્યું નથી, તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય, એક પૈસો ય આપું તો, પણ છેવટે લાગ્યું કે મોટો લાભ ઘરાક ગુમાવવાનો છે, તો એક પૈસો આપી દઈએ, એટલે સપનાની અંદર એક પૈસો કાઢવા માટે મેં ખિસ્સામાં હાથ નાંખેલો, અને ત્યાં તે મને જગાડી દીધો. બહુ સરસ કર્યું કહે છે..! શેઠાણીને સામે પૂછ્યું, અલા સપનામાં એક પૈસો આપી દીધો હોત તો તમારે ક્યાં ઓછો થવાનો હતો..? કેટલી ફિલોસોફીની વાત શેઠ કરે છે કે કોઈ જ્ઞાની ગુરુ ભગવંત હોય, અને એમને મોહ ઉપર દ્રષ્ટાંત આપવું હોય, તો મારું આપી શકે કે આ માણસે સપનામાં પણ કોઈને એક પૈસો નથી આપ્યો, સપનામાં આપી દીધો હોય તો મારો નિયમ આજે તૂટી જાત.
એ શ્રોતાઓ કેવા એકચિત્ત હશે, ગુરુદેવની વાત તો ન્યારી હતી, એ તો જોવે છે, સાપ કરડે તો ભલે કરડે. એટલો બધો પ્રેમ હતો, બધા ઉપર અને એટલો વિશ્વાસ કે એક પણ જંતુ પોતાને નુકશાન કરે જ નહિ.
આજે એવા માણસો છે કે જે સેંકડો જાતના વીંછીઓને પાળે છે, અને વીંછીઓ એના શરીર ઉપર ફરતાં હોય, એક પણ વીંછી એને કરડે નહિ. એ કહે વીંછી ને પણ મેં પાલતું બનાવી દીધા છે. પ્રેમ આપીને…
સાપ પલોઠી ઉપર બેઠો થોડીવાર, ગુરુની દેશના સાંભળવા માટે, અને પછી નીચે ઉતરી અને આરામથી જતો રહ્યો, પણ એક પણ શ્રોતાને ખ્યાલ ના આવ્યો. બરોબર..?
આવા શ્રોતા બની જવાનું છે આવતી કાલથી… બરોબર…?