Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 32

96 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: પૂરન મન પૂરન સબ દિસે

પરમપ્રેમ તમને પણ અપેક્ષાએ પરમેષ્ઠી બનાવી દે! परमे तिष्ठति इति परमेष्ठी. જેનું મન, જેનું હૃદય, જેનું અસ્તિત્વ સદાને માટે પરમને વિશે હોય, એ પરમેષ્ઠી. આવો પરમપ્રેમ તમારી ચેતનામાં પ્રગટે, તમારું મન પૂર્ણ બની જાય, પછી તમને બધું જ પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ લાગે છે.

નહિ દુવિધા કો લાગ. પછી કોઈ ફરિયાદ ન રહે. એક અપ્રિય ઘટના ઘટી. એ વખતે તમે વિચારો કે આ ઘટનાને અનંત કેવળી ભગવંતોએ પોતાના જ્ઞાનમાં ઘટિત થતી જોયેલી છે. તો અનંત કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જે જોયેલું હોય, એ ન બને એવું શી રીતે બને?!

Actually કોઈ પણ ઘટના તમને પીડિત કરી શકતી નથી. ઘટનામાં એ તાકાત જ નથી કે તમને પીડિત કરી શકે. પણ એ ઘટના અંગેના તમારા વિચારો જે છે ને, એ તમને પીડિત કરે છે. વિચારો ઉપર તમારું નિયંત્રણ આવી જાય, તો પછી પીડા ક્યાં છે!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૨

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

એકવાર પરમાત્માના પરમ પ્રેમમાં ડૂબી જઈએ; આનંદ જ આનંદ. મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમાત્માનો પરમપ્રેમ આપણી ચેતનામાં પ્રગટે એ પછી આપણી ભાવદશા કેવી હોય એની મજાની વાત કરી છે: ‘પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ’ જે ક્ષણે પરમપ્રેમ પ્રગટ્યો. શું થયું? ‘પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ’ તમારું મન પૂર્ણ બની ગયું અને એથી તમને બધું જ પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ લાગે છે.

બહુ મજાનો મનોવૈજ્ઞાનિક આયામ સાહેબે આપ્યો. આજના માણસને ફરિયાદ છે. એને બધે જ ઉણપ લાગ્યાં કરે છે. આનામાં આ નથી, આનામાં આ નથી, આનામાં આ નથી. પણ એ ઉણપ લાગવાનું કારણ શું? એ કારણ છે આપણી પોતાની અપૂર્ણતા. જ્યાં સુધી આપણું Vision clear નહિ થાય, આપણને પૂરી દુનિયા ઉણપવાળી, અધૂરપવાળી, દોષોથી છલકાતી લાગવાની.

મેં પહેલા પણ કહેલું, મારાં ચશ્માંના ગ્લાસમાં ડાઘ છે તો મને તમારાં કપડાં ઉપર ડાઘ દેખાવના જ છે. પણ એના માટે process કઈ કરવાની ભાઈ? મારે એક જ process કરવી છે. મારાં ચશ્માંના glass ને મારે લુછી લેવા છે. ‘પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ’ પરમાત્માનો પરમપ્રેમ તમારાં મનને પૂર્ણ-પૂર્ણ બનાવી દે છે. પછી તમને આખી દુનિયા મજાની-મજાની લાગે છે. જે ક્ષણે પ્રભુ મને મળ્યાં મારી બધી જ ફરિયાદો પ્રભુએ લઇ લીધી. પ્રભુએ એવું તો positive attitude મને આપ્યો કે એક પણ વ્યક્તિમાં દોષ મને ક્યારેય દેખાય નહિ. જરૂર ગુરુની ભૂમિકા ઉપર છું એટલે યોગક્ષેમ કરવાની દ્રષ્ટિએ શિષ્યોમાં રહેલ દોષોને જોઈ શકું છું. એને પ્રેમથી સુચના આપી શકું છું. પણ એ દોષને કારણે મને કોઈ અકળામણ થતી નથી. ‘પૂરન મન પૂરન સબ દિશે’

પૂજ્યપાદ જયઘોષસૂરિ દાદા સવારના પટ ગણવા માટે તૈયાર થયેલાં. સામે પટ પથરાઈ ગયેલો. નવકારવાળી સાહેબજીના હાથમાં. ગણવાની શરૂઆત ગુરુદેવ કરી રહ્યાં છે. એ જ વખતે એક મુનિરાજ સાહેબના ખંડમાં આવ્યાં. સાહેબ તો મહાગીતાર્થ હતાં. એ શિષ્ય ખંડમાં પ્રવેશ્યો, સાહેબજીને ખ્યાલ આવી ગયો કે કંઇક પૂછવા માટે એ આવી રહ્યો છે. શિષ્યે વંદન કર્યું ગુરુદેવે કહ્યું; બોલ શું પૂછવું છે તારે? સાહેબજી આપ પટ ગણી લો પછી હું આવું છું. ગુરુદેવે કહ્યું, નહિ પહેલા તું બોલ. પહેલાં તારા પ્રશ્નનો જવાબ પછી મારું ગણવાનું શરૂ થશે. અને એ વખતે એ મહાગુરુએ જે શબ્દો ઉચ્ચારેલા આપણને લાગે કે કઈ વિભૂતિ એ હતાં! સાહેબજી એ કહ્યું; તું પંચ પરમેષ્ઠીની અંદર સ્થાન મેળવી ચૂકેલ વ્યક્તિ છે. તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીની આશાતના કરીને હું આ પટ ગણવા માંડું ને તો મારા પટમાં ચિતરાયેલા પરમેષ્ઠી અદ્રશ્ય થઈ જાય. એક મહાગીતાર્થ ગુરુ એક સામાન્ય સાધુને કઈ દ્રષ્ટીએ જુવે છે! તું જીવંત પરમેષ્ઠી છે! અને એ જીવંત પરમેષ્ઠીની આશાતના કરીને હું પટ શી રીતે ગણી શકું? પ્રભુનો પરમપ્રેમ કેવી રીતે આપણી દ્રષ્ટિને બદલે એનાં માટે સાહેબજીના આ શબ્દો કાયમ માટે યાદ રાખજો- “જીવંત પરમેષ્ઠી”.

કેટલાં બડભાગી આપણે છીએ કે અરિહંત પરમાત્માનું દર્શન, જીવંત પરમેષ્ઠી રૂપે આપણી પાસે નથી. સિદ્ધ પરમાત્મા તો સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે. પણ ત્રણ જીવંત પરમેષ્ઠીનું દર્શન આપણને આજે પણ ઉપલબ્ધ છે. આચાર્ય પરમેષ્ઠી, ઉપાધ્યાય પરમેષ્ઠી, સાધુ પરમેષ્ઠી. ત્રણ જીવંત પરમેષ્ઠીનું દર્શન આપણને થાય છે. પરમેષ્ઠી શબ્દનો અર્થ ખ્યાલમાં ખરો? પરમે ઇષ્ઠતિ ઇતિ; પરમેષ્ઠી. જેનું મન, જેનું હૃદય, જેનું અસ્તિત્વ સદાને માટે પરમને વિશે હોય એ પરમેષ્ઠી. આવાં જીવંત પરમેષ્ઠીનું દર્શન થાય એ વખતે તમારી ભાવદશા કેવી હોય? તમને તો થઈ જ જાય ને કે મારે પણ જીવંત પરમેષ્ઠી બની જવું છે, બરોબરને? કેટલી મજા.. સદાને માટે પરમમાં રહેવાનું, સદા પરમમાં ડૂબેલા રહેવાનું, શું મસ્તી! શું કેફ!

તમારે માટે discount માં આ વાત કરી આપું. હવે તો વાંધો નહિ ને? શરીર તમારું કદાચ આરંભ-સમારંભ માં હોય, વિરાધાનામાં હોય અને એથી પરમમાં-પરમ ની આજ્ઞામાં ન હોય. પણ તમે તમારાં મનને સતત પરમમાં રાખી શકો. કેટલી સરળ વાત છે! જયારે-જયારે શરીર દ્વારા વિરાધના થતી હોય એ વખતે વિરાધનાનું દર્દ તમારાં મનને કોરી ખાતું હોય તો એ વખતે તમે એ મન પરમમાં રાખ્યું જ છે એમ કહી શકાય. ચોવીસ કલાક તમે તમારાં મનને પરમમાં રાખી શકો છો. You can do this but if you desire. આજે વિચાર થાય છે? એક કલ્પના તો કરો તમે દેરાસરમાં ગયા. શરીર દેરાસરમાં ગયું એમ નથી કહેતો, તમે દેરાસરમાં ગયા અને તમારું મન પ્રભુમય બની ગયું. અને એ વખતે તમને જે આનંદ મળ્યો એ આનંદ ૨૪ કલાક તમને મળતો હોય, તમે ગુમાવો ખરા? જ્યાં છો ત્યાં જ તમે રહી શકો અને છતાં તમે પણ અપેક્ષાએ પરમેષ્ઠી બની જાઓ.

બોલો તમને ખ્યાલ છે? અમે લોકો રોજ તમને નમસ્કાર કરીએ છીએ, ખબર છે? હું આચાર્ય પદ ઉપર છું, આ બધા મુનિ પદ ઉપર છે. આ બધી સાધ્વીજીઓ છે. હું એ બધાને રોજ નમસ્કાર કરું છુ બરોબરને? “નમો લોએ સવ્વસાહુણં”. એટલે આ બધાને નમસ્કાર મારું થઈ ગયું. તમને પણ નમસ્કાર કરું છું. કઈ રીતે? “નમો સિદ્ધાણં”. હું એવું નથી કહેતો કે ભૂતકાળમાં સિદ્ધ ભગવંત થયા એને જ મારો નમસ્કાર છે. હું એવું નથી કહેતો કે વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાંથી જે સિદ્ધિપદને પામે એને જ મારો નમસ્કાર છે. જે ભવિષ્યમાં સિદ્ધ બનવાના છે એને પણ મારો નમસ્કાર છે. તો મારો તમને નમસ્કાર થઈ ગયો કે નહિ? જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતી ણાગએ કાલે. એમાં તમે આવી ગયા. જે ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના છે. શું કહ્યું? સવ્વે તિવિહેણ વંદામિ. એ બધાને મન વચન અને કાયાથી હું ઝુકું છું. એમને નમસ્કાર કરું છું. તો અપેક્ષાએ તમે પણ પરમેષ્ઠી બની ગયા. પણ એ અપેક્ષા એ છે કે ભવિષ્યમાં તમે સિદ્ધ થવાનાં છો એ તમારાં ભવિષ્યનાં પર્યાયને હું ઝુકું છું. પણ મારે તમને વર્તમાનમાં પરમેષ્ઠી બનાવવાં છે. સાધુ બની જાઓ, સાધ્વીજી બની જાઓ તો તો બહુ સરસ. જીવંત પરમેષ્ઠી બની જ ગયા. ન બની શકો તો પણ મારે તમને જીવંત પરમેષ્ઠી રૂપે પ્રસ્થાપિત કરવાં છે. તૈયાર? બોલો. હવે આમાં તો કોઈ વાંધો નથી ને? તૈયાર ને? મનને ૨૪ કલાક પરમમાં મૂકી દેવાનું. તમે પણ પરમેષ્ઠી બની ગયા. વ્યાખ્યા આ જ છે. પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી. જે પરમમાં રહે છે એ પરમેષ્ઠી છે. તમે મનથી પરમમાં છો તો એ અપેક્ષાએ તમે પરમેષ્ઠી બની ગયા.

કેવું આ જિનશાસન છે વિચારો….‘પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ’ કોઈ ફરિયાદ ન રહે. જે ક્ષણે આપણી ચેતનામાં પ્રભુ પધાર્યા બસ, પૂર્ણતા જ પૂર્ણતા. બધું જ મજાનું- મજાનું છે. એ વખતે તમારી પાસે એક પ્રભુની સાધનાનો મજાનો દ્રષ્ટિ કોણ આવે કે જે ક્ષણે જે ઘટના ઘટવાની છે, એ ઘટવાની જ છે. તમારાં જીવનમાં આજે કોઈ ઘટના ઘટે, ભલે સાંજે ઘટવાની છે. તમને ખ્યાલ નથી પણ અનંત કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં એ ઘટનાને ઘટિત થતી જોયેલી ખરી કે નહિ? હવે એ ઘટના ઘટે, ભલે તમારાં માટે અપ્રિય ઘટના હોય પણ એક મજાનો angle તમે એવો સરસ લાવી શકો કે અપ્રિય ઘટના અપ્રિય ન રહે.

આ બહેનો કારેલાનું શાક બનાવે ને પણ ગળચટ્ટુ બનાવે. એટલું હોઠે લાગે કે તમે ખાધા જ કરો. શાક કારેલાનું છે. એમને એમ કડવું-કડવું આપે તમે એક ચીરી ખાધી ન ખાધી ને ફેંકી દો. પણ મજાથી બનાવાયેલું શાક છે તમે હોંશે હોંશે ખાશો. એમ અપ્રિય લાગતી ઘટનાને પણ પ્રિય બનાવવી છે? તો ધારો, કે આજે ચાર વાગે એક અપ્રિય ઘટના ઘટી. એ વખતે તમે વિચારો કે આ ઘટનાને અનંત કેવલી ભગવંતોએ પોતાના જ્ઞાનમાં ઘટિત થતી જોયેલી છે. તો અનંત કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જે જોયેલું હોય એ તો બને જ. એ ન બને એવું શી રીતે બને? શક્ય જ નથી. પણ એમ થાય કે આ અપ્રિય ઘટના મારા જીવનમાં અત્યારે ઘટી એ અપ્રિય ઘટનાને અનંત કેવળજ્ઞાની ભગવંતો એ જોયેલી છે. એટલે કે આ અપ્રિય ઘટના ઉપર અનંત કેવળજ્ઞાની ભગવંતોની દ્રષ્ટિ પડેલી છે, અરે વાહ! મારા ઉપર અનંત કેવળજ્ઞાની ભગવંતોની દ્રષ્ટિ પડે તો હું ન્યાલ થઈ જાઉં! તો મારા જીવનની ઘટના અને એના ઉપર અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનની નજર પડે તો હું તો ન્યાલ જ થઈ ગયો ને! બોલો કારેલાનું શાક ભાવે એવું થઈ ગ્યું હોત! ‘પૂરન મન પૂરન સબ દિશે’ બધુ જ મજાનું મજાનું મજાનું છે. જો તમને જોતા આવડે તો.

એટલે તમારે દુનિયાને બદલવાની જરૂર નથી, તમારી જાતને જ બદલવાની છે. પરિસ્થિતિ ને આપણે ક્યારેય બદલી શકતા નથી. હું પણ બદલી શકતો નથી. પણ મન:સ્થિતિ ને આપણે જરૂર બદલી શકીએ. તો સહેલું શું બોલો? આખી દુનિયાને સુધારી નાંખવી એ સહેલુ? કે આપણી જાતને twist કરી દેવી એ સહેલું? સહેલું શું? એટલે હવે શું કરવાના…? સહેલું-સહેલું કરવાના? કે અઘરું-અઘરું કરવાના…? ઘટના ઘટ્યા કરે. હવે છે ને એક પણ અપ્રિય ઘટના ઘટે, એક જ વિચાર લાવવાનો: આ મારી ઘટના મને અપ્રિય લાગે છે પણ એ ઘટના ઉપર અનંત કેવળજ્ઞાનીઓની દ્રષ્ટિ પડી છે. અરે ભાઈ! એક મહાપુરુષની નજર પડે ને તોપણ આપણું કલ્યાણ થઈ જાય. અનંત કેવળજ્ઞાનીઓની નજર આ ઘટના ઉપર પડી છે અને હવે એ ઘટના અપ્રિય હોઈ શકે ખરી?! અનંત કેવળજ્ઞાનીઓની દ્રષ્ટિ જેના ઉપર પડે એ ઘટના અપ્રિય કેમ હોઈ શકે?! મારો તમને સવાલ છે. Convince થઈ ગયા મારી જોડે. એ તો અત્યારે.. બહાર જઈને?

આપણા યુગના મહાન સાધના પુરુષ પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના ગૃહસ્થ શિષ્યો ઘણાં બધા હતાં. અને એમાં એક હતા ઋષભદાસ. જે ચેન્નાઈમાં રહેતા હતા. એકવાર ઋષભદાસજી દશેક વાગે પોતાના ઘરેથી પોતાની ફેક્ટરી તરફ જઈ રહ્યાં છે. બધું કામ દીકરાઓ સંભાળે છે. ખાલી ક્યારેક પોતે જોવા માટે જાય. તો એ નીકળ્યા. ચેન્નઈની બહાર ફેક્ટરી છે. શહેરની બહાર નીકળ્યા. એક વૃક્ષ નીચે એક સંતને, હિંદુ સંતને બેઠેલાં જોયા. ઋષભદાસજી ત્યાં ગયા. પ્રણામ કર્યા. શાતા પૂછી. અને એ વખતે એ સંત કહે છે, હમ તો બડે મજામે હૈ, પરમ શાતામાં. અમે બધા શાતામાં નહિ હો, પરમ શાતામાં…

દશવૈકાલિક સૂત્રમાં લખ્યું, “संजया सुसमाहिया ” સમાહિયા નહિ પણ સુસમાહિયા. એટલે પ્રભુનો સાધુ, પ્રભુની સાધ્વી માત્ર શાતામાં નહિ પરમ શાતામાં… કેવી પરમ શાતા? જેણે જોઇને તમને ઈર્ષ્યા થાય એવી..

ઋષભદાસની પાસે ટીફીનમાં ભોજન હતું. થોડું સંતને વહોરાવ્યું. પછી તો રોજ જાય. રોજ સંત જોડે બેસે. પાંચ-દશ મિનિટ સત્સંગ કરે. એમાં ઋષભદાસજીને ખ્યાલ આવ્યો કે નજીકમાં રક્તપિત્તયાઓનો આશ્રમ છે. કોઢિયાઓનો. ત્યાં સંત સેવા માટે જાય છે. ઋષભદાસજીને ખ્યાલ આવ્યો. એમણે કહ્યું, બાબા ઐસા નહિ કરના ચાહિયે. યે તો રક્તપિત્ત કા દર્દ હૈ, આપકો લગ જાયેગા તો? આપ વહાં ન જાઓ. સંત પ્રેમથી હસ્યા કરે છે. કોઈ જવાબ આપતાં નથી.

એમાં ઋષભદાસજીને બહાર જવાનું થયું, પંદર દિવસ. સોળમે દિવસે ઘરથી ફેક્ટરી જાય છે. એ જ વૃક્ષ આવ્યું. એ જ સંત બેઠેલાં. પણ શરીર બિલકુલ ધોળું- ધબ થઈ ગયેલું. કોઢનો રોગ લાગુ પડી ગયેલો. લોહી અને પરુ શરીરમાંથી બહાર આવે. ઋષભદાસજી ગયા. પ્રેમથી કહ્યું, બાબા, મૈને આપસે વિનંતી કી થી વહાઁ નહિ જાના, યે ક્યાં હો ગયા દેખો તો. અને એ વખતે એ સંત કહે છે, તું ક્યાં સમજતા હૈ? અરે યે તો પ્રભુકી બડી કૃપા હૈ! ઘટનાને કઈ રીતે જોવી એનો આ એક મજાનો angle છે. “યે તો પ્રભુકી બડી કૃપા હો ગઈ મુજ પર.” મેં ભી પ્રવચન મેં કહતા થા, કી શરીર મેં ક્યા હૈ? શરીર મેં સિર્ફ ગંદગી હૈ. ઓર વો ગંદગી બહાર નિકલ જાએ તો એક આદમી દુસરે કે પાસ બેઠેગા નહિ. મેં પ્રવચન મેં ઐસી બાતે કરતા થા લેકિન ફિરભી મેરે પાસ body attachment થા. આ સંત જ હોય જે નિખાલસતાથી પોતાના દોષોની પણ કબુલાત કરી શકે. મેં કહતા થા કી body attachment નહિ રહના ચાહિયે લેકિન મેરે પાસ body attachment થા. શરીર પર રાગ મેરે પાસ થા. યે પ્રભુને કિતની બડી કૃપા કી. જો અંદર થા વો બહાર લા દિયા! અબ જો થોડા ભી body attachment થા વો તૂટ ગયા. ઓહ યે તો કિતની બડી પ્રભુકી કૃપા હો ગઈ! ઋષભદાસજીએ માત્ર હાથ જોડ્યા, કહે કે બાબા આપકી બાત તો સચ્ચી હી હૈ. બે – એક દિવસ પછી સંત ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં. ક્યાં ગયા હશે? હવાનો પત્તો લાગે તો સંતનો પત્તો લાગે.

અમારી જે નિર્બંધ વિહાર યાત્રા હોય છે ને એનો અનુભવ ક્યારેક લો ને તો મજા આવે. વિહારમાં સંપૂર્ણ અનિશ્ચિતતા હોય છે. ૪૦ વરસ પહેલાની વાત કરું. ઉનાળાનો સમય હોય. નાનકડાં ગામોમાં ટેલીફોનની કોઈ વ્યવસ્થા હતી નહિ, બસના પણ કોઈ ઠેકાણાં ન હોય. અમે લોકો ઉનાળાની અંદર નવકારશીના ટાઇમે, કે એથી પણ પા-કલાક પછી સામે ગામ પહોચીએ. લોકો ભાવુક હોય. સાહેબ પધાર્યા, બહુ સરસ. અમે દેરાસરે જઈએ. પછી પાણી ઉકાળવાનું કામ એ લોકોનું શરૂ થાય. અડધો- પોણો કલાક પછી ગરમ-ગરમ પાણીને લાવીએ. તરસ લાગેલી હોય. એ ગામડાં ગામમાં થાળ પણ પૂરતા ન હોય. અમારા પાત્રાની અંદર પાણી અમે ઘણીવાર ઠારેલું છે.

પણ એ વખતે જે વિહારની મજા હતી એ ખરેખર મજા હતી. જેટલી પ્રતિકુળતા વધારે એટલો અમને આનંદ વધારે આવે. એ ઉનાળાના સમયમાં નવ અને સાડા નવ વાગે પાણી મળે. અને છતાં એ આનંદ આવતો. સૂત્રપોરસીમાં લાગી જતાં. પ્રભુની ભક્તિ કરી, અને સીધો સ્વાધ્યાયમાં લાગી જતા. પાણી વાપર્યું, ન વાપર્યું ફરી સૂત્રપોરસી ચાલુ. એકાસણું હોય. બપોરે વહોરવા જવું છે. આજે પણ મને એ સમય યાદ આવે છે કે એટલી પ્રતિકુળતા વચ્ચે જે આનંદ માણેલો છે. હું મારા શિષ્યોને ઘણી વાર કહું, તમે તો બધાં silver spoon born છો, silver spoon born. સામે ગામ ગયા, સમાચાર મળી ગયેલા છે, પાણી તૈયાર, ઠંડું, બધું જ… પણ જ્યાં સુધી પ્રતિકૂળતાનો આનંદ ન મળે ત્યાં સુધી શ્રમણ જીવનનો આનંદ હોતો નથી.

એટલે જ દશવૈકાલિક સૂત્રએ કહ્યું કે સાધુ પરમ શાતામાં કેમ…? ગ્રીષ્મઋતુમાં એ આતાપના લે છે, ઉનાળો છે, અને બપોરે ૧૨ વાગે ખુલ્લામાં – તડકામાં બેસે છે, હવે એને ઉપાશ્રયમાં ગરમી ક્યાં લાગવાની છે…! એર – કંડીશન ભગવાને આપી દીધું અમને… શિયાળાની અંદર પેક મકાનમાં રહેવું નથી, ખુલ્લી પરસાળમાં જઈ અને કાયોત્સર્ગ ધ્યાન કરવું છે. આવા શ્રમણને , આવી શ્રમણીને કઈ પરિસ્થિતિ પીડિત કરી શકે? એક પરિસ્થિતિ એવી નથી જે એમને પીડિત કરી શકે…! અને એટલે મજામાં… તમારી તકલીફ એ છે, કે તમે એક – એક પરિસ્થિતિ અપ્રિય હોય છે ત્યારે, એક – એક ઘટના અપ્રિય હોય છે ત્યારે, તમારા મનને બગાડી નાંખો છો. પરિસ્થિતિ, પરિસ્થિતિ છે, ઘટના, ઘટના છે, તમે, તમે છો. ઘટના જોડે આટલો બધો સંબંધ રચીને કેમ બેઠા છો? Actually કોઈ પણ ઘટના તમને પીડિત કરી શકતી નથી. એક પણ ઘટનામાં એ તાકાત નથી કે તમને પીડિત કરી શકે. પણ એ ઘટના અંગેના વિચારો જે છે ને એ તમને પીડિત કરે છે. એટલે બોલો પીડિત કરનાર કોણ? પેલી ઘટના કે તમે પોતે…?

અઠવાડિયા પછી ઘટના ઘટી પણ ગઈ, લગભગ વિસરાઈ પણ ગઈ, કો’ક વ્યક્તિ આવી અને એણે ઘટનાની યાદ દેવડાવી, તમે પીડિત થાવ છો, કારણ શું…? એ ઘટના તો ઘટી ગઈ. ભુલી પણ ગયો હતો, પણ મનમાં ફરીથી ઘટના તાજી થઇ. એટલે એ મનના વિચારોએ તમને પીડિત કર્યા. હવે વિચારો ઉપર તમારું નિયંત્રણ આવી જાય તો…? અમારી સાધના એવી કક્ષાએ પહોંચે છે કે જ્યારે અમારી પાસે વિચાર નથી હોતા. અમારા વિચાર અમને પીડા ન કરે એ વાત નથી, We are thoughtless persons, વિચાર જ નથી આવતાં.

રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે બ્રાહ્મણો જમવા માટે ભેગા થયેલા હોય, લાડુ, ભજીયા, દાળ પીરસાતા હોય, અવાજ, અવાજ, અવાજ હોય, ભોજનશાળામાં. પણ જ્યાં હર હર મહાદેવ બોલાય અને ભોજન શરૂ થાય પછી ચુપ્પી. પછી કોઈ અવાજ નહિ. એમ અનુભૂતિ જ્યાં શરૂ થઇ ગઈ, ત્યાં વિચારોનો ઘોંઘાટ ક્યાં છે! અમે લોકો અનુભૂતિમાં છીએ અને તમને પણ અનુભૂતિમાં અમારે લઇ જવા છે. એક સ્વની અનુભૂતિ થઇ ગઈ, આનંદ જ આનંદ. પહેલાં પણ મેં કહેલું તમે આનંદઘન છો. તમે બધા કોણ છો..? આનંદઘન. તો કેમ પીડાઘન બની જાવ છો?! આ આમ લમણે હાથ દઈને બેઠા હોવ! અરે! પણ તું તો આનંદઘન છે.

થોડા દિવસો પછી ઋષભદાસજીને ચેન્નાઈથી મુંબઈ જવાનું થાય છે. એક્સપ્રેસ ટ્રેનમાં સવારી છે, એ એક્સપ્રેસ ટ્રેન એક નાનકડા flag સ્ટેશને ઉભી રહે છે. બધા પેસેન્જર નવાઈમાં પડી ગયા. એક ખાલી પાટિયું છે અને પ્લેટફોર્મ છે. આટલા નાના flag સ્ટેશન ઉપર આ એક્સપ્રેસ ગાડી રોકાઈ કેમ? ખાલી બે કે ત્રણ સ્ટોપેજ છે વચ્ચે… ઋષભદાસજીને પણ વિચાર થયો, શું થયું…? ચાલો પગ છૂટો કરી દઈએ… એ નીચે ઉતર્યા. નીચે ઉતર્યા, સામે જ વૃક્ષ. અને વૃક્ષ નીચે પેલા સંત બેઠેલા. દોડતા ઋષભદાસજી ત્યાં ગયા, એમના ચરણોમાં પડ્યા.

એ વખતે એ સંત કહે છે, ઋષભદાસ તું આ ગયા ના, અચ્છા હુઆ! શું કહે છે એ સંત… આજ ઇસ ચોલે કો ફેંક દેનેકા હૈ.. ચોલા શબ્દ વાપરે છે, હિન્દીમાં ચોલા એટલે વસ્ત્ર. આજ ઇસ ચોલે કો ફેંક દેનેકા હૈ ઓર ઇસ ચોલે પર ઋષભદાસ કા કાફી ઉપકાર હૈ, તુને મુજે ખિલાયા હૈ, તો સોચા થા કી ઋષભદાસ મિલ જાયે તો અચ્છા.. અચ્છા તું આ ગયા! બસ અબ તું જા, તેરી ગાડી અબ ઉપડને વાલી હૈ. ઋષભદાસજી દોડતાં ગાડી તરફ ગયા અને એ ગાડીમાં બેઠા અને ગાડી start થઇ.

પાછળથી એમને તપાસ કરી કે નાનકડા સ્ટેશને ગાડી કેમ ઉભી રહી હતી…? ઘણા લોકોએ ડ્રાઈવરને પૂછ્યું, ડ્રાઈવરે એક જ વાત કરી, કે મશીનમાં ક્યાંય કોઈ ગરબડ નહોતી. પૈડા જ અચાનક ત્યાં આગળ થોભી ગયા. કોશિશ ઘણી કરી, પણ ગાડી ચાલે જ નહિ, મને પણ સમજાતું નથી, ડ્રાઈવર કહે છે કે ગાડી થોભી કેમ… અને પાંચ મિનિટ થઇ અને ગાડી ઓટોમેટીક ચાલવા માંડી. ઋષભદાસજી સાંભળતા હતા, એ હસ્યા કે મને ખબર છે એ ગાડી કેમ થોભાઈ. એક સંતની ઈચ્છા કે ઋષભદાસ મળી જાય તો સારું. અને ગાડીને ત્યાં આગળ થોભવું પડ્યું.

પણ આવી જેમની પ્રબળ ઈચ્છાશક્તિ હતી, એ સંતે પણ પોતાનો કોઢનો રોગ જાય એવી ઈચ્છા વ્યક્ત નહિ કરી. કેમ…? ‘પૂરન મન પૂરન સબ દિશે’ શરીર સ્વસ્થ હતું, એ પરિસ્થિતિનો પણ સ્વીકાર હતો. શરીરમાં કોઢ છે તો એ પરિસ્થિતિનો પણ સ્વીકાર છે. એક પણ પરિસ્થિતિનો અસ્વીકાર ન કરે એ સંત. બરોબર…?

બરોબર..? એક પણ પરિસ્થિતિનો જે અસ્વીકાર ન કરે. એનો સ્વીકાર કરી લે, એ પ્રભુનો સાધુ. એ પ્રભુની સાધ્વી.

‘પૂરન મન પૂરન સબ દિશે’

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *