વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: સ્વસ્થ
પૂરન મન પૂરન સબ દિસે. જ્યાં પ્રભુનો પરમપ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત થયો, તમારું મન પૂર્ણ બની ગયું. અને એ પૂર્ણ મન દ્વારા તમે દુનિયાને જુઓ છો, ત્યારે તમને બધું જ પૂર્ણ-પૂર્ણ લાગે છે.
નહિ દુવિધા કો લાગ. જાણે કે એક જાદુઈ લાકડી મળી જાય. બધું જ પૂર્ણ. બધું જ મજાનું મજાનું. ક્યાંય કોઈ ફરિયાદ ન રહે. કોઈ પણ સ્થળ માટે, કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ ઘટના માટે તમારો દ્રષ્ટિકોણ એક જ રહે; બધું જ મજાનું મજાનું મજાનું હતું!
સ્વસ્થ. આપણી ભાષાનો બહુ પ્યારો શબ્દ. અંગ્રેજીમાં health એટલે આરોગ્ય. આપણી ભાષાનો શબ્દ સ્વસ્થ બનવું. સ્વ એટલે આત્મા. આત્મામાં રહેવું, આત્મામાં પ્રવિષ્ટ થવું – એટલે સ્વસ્થ બનવું!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૩
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પરમાત્માના પરમપ્રેમમાં ડૂબી જવું છે, મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું કે જે ક્ષણે ભક્ત પ્રભુના પરમ પ્રેમમાં ડૂબે છે એ ક્ષણે એની ભાવદશા પૂરીની પૂરી બદલાઈ જાય છે.
“પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” જ્યાં પ્રભુનો પરમપ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત થયો તમારું મન પૂર્ણ બની ગયું. અને એ પૂર્ણ મન દ્વારા તમે દુનિયાને જુઓ છો ત્યારે તમને બધું જ પૂર્ણ પૂર્ણ લાગે છે.
શ્રીપાળ મહારાજા પાસે આ vision હતું, અને એને કારણે એમને ધવલશેઠ પણ પૂર્ણ લાગ્યા છે. ધવલશેઠને એમણે અનંત ગુણોથી પૂર્ણ હોય એ રીતે જોયા છે. કારણ એમનું પોતાનું vision સ્પષ્ટ થઇ ગયું. દરેક વ્યક્તિ ભવિષ્યની સિદ્ધ પરમાત્મા છે. અને એ રીતે શ્રીપાળ મહારાજાએ ધવલશેઠને પણ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા રૂપે જોયા છે.
“પૂરન મન પૂરન સબ દિશે”… એક જાદૂઈ લાકડી મળી જાય, બધું જ પૂર્ણ. બધું જ મજાનું મજાનું… ક્યાંય કોઈ ફરિયાદ ન રહે. ત્યાં ગયેલા કેવું હતું? અરે! બહુ મજાનું, બહુ મજાનું…એક પણ સ્થળ માટે, એક પણ વ્યક્તિ માટે, એક પણ ઘટના માટે, તમારો દ્રષ્ટિકોણ એક જ રહે, બધું મજાનું મજાનું મજાનું હતું.
જગત્ ગુરુ હીરવિજયસૂરિ મહારાજના જીવનની એક ઘટના કહું, સાહેબજીનું છેલ્લું ચાતુર્માસ ઉનામાં, સૌરાષ્ટ્રમાં… ઉંમર પૂરી… શરીર થોડુંક લથડ્યું… શ્રાવકો અપાર ભક્તિથી યુક્ત નિષ્ણાંત વૈદ્યને લઈને આવ્યા. વૈદ્યે સાહેબજીને જોયા, અને કહ્યું રોજ, ત્રણ ટાઈમ, હું આપું છું એ દવા, દૂધ સાથે આપો. ૧૫ દિવસમાં સાહેબજી એકદમ સ્વસ્થ બની જશે. સાહેબજી મનમાં હસતાં હતા, કે હું તો સ્વસ્થ જ છું પણ!
આપણી ભાષાનો આ બહુ પ્યારો શબ્દ. અંગ્રેજીમાં health – આરોગ્ય. આપણી ભાષાનો આ મજાનો શબ્દ સ્વસ્થ બનવું. સ્વસ્થ બનવું એટલે શું ભાઈ…? સ્વ એટલે આત્મા, આત્મામાં રહેવું, આત્મામાં પ્રવિષ્ટ થવું, એનું નામ સ્વસ્થ બનવું. તો ગુરુદેવ સ્વસ્થ જ હતા. સ્વમાં ડૂબેલા હતા.
સાહેબજી રોજ એકાસણું કરતાં. અને બધા જ સાધુ ભગવંતો ને એકાસણું છે. બીજી સવારે સાહેબજીને દવા દૂધ સાથે આપવાની છે. એટલે એક સાધુ ભગવંત તરપણીનું પ્રતિલેખન કરી, વહોરવા માટે જવા તૈયાર થયા. સાહેબજીએ જોયું, ખ્યાલ આવી ગયો, મારા માટે દૂધ લેવા જાય છે. ઈશારો કર્યો, એ મુનિ ભગવંતને નજીક બોલાવ્યા, ક્યાં જાય છે તું…? આપના માટે દૂધ લાવવાનું છે એ વહોરવા માટે જાઉં છું. ગુરુદેવે કહ્યું; દૂધ નથી લાવવાનું. તું બેસી જા સ્વાધ્યાય કરવા. guru is the supreme boss. સદ્દગુરુ બોલ્યા પછી અમારે વિચારવાનું હોતું નથી. એમનો એક શબ્દ અમારા માટે જીવનમંત્ર બની જાય છે. ગુરુદેવે કહ્યું: બેસી જા, વહોરવા નથી જવાનું.
બે મજાના એંગલ અહીંયા દેખાશે. શિષ્યોનું – ભક્તોનું એક મજાનો એંગલ હોય કે ગુરુદેવનું હોવું એ જ અમારા માટે મહત્વપૂર્ણ છે. ગુરુદેવ પ્રવચન ન આપી શકે, કોઈ વાંધો નથી, માંગલિક પણ ન સંભળાવી શકે, કોઈ વાંધો નથી, ગુરુદેવ વાસક્ષેપ પણ ન આપી શકે, વાંધો નથી પણ એમનું હોવું નિતાંત જરૂરી છે. એમના દેહમાંથી જે ઉર્જા નીકળે છે, એ ઉર્જા જ અમારી સાધનાને uplifted કરે છે. એ ઉર્જા જયારે નહિ મળે ત્યારે અમે અમારી સાધનાને uplifted કેવી રીતે કરશું…? એટલે ગુરુદેવનું હોવું અમારા માટે જરૂરી છે, અમારી સાધનાનો પ્રાણ સદ્દગુરુદેવ છે. જે ક્ષણે સદ્દગુરુદેવ નહિ હોય, અમારી સાધનાનો પ્રાણ કયાંથી રહેશે!?!? એટલે સાહેબજી દવા લે, સાહેબજી વધુ સમય અહીંયા રહી શકે, અને અમારી સાધનાને સપ્રાણ બનાવે, એવી ઈચ્છા શિષ્યોની અને ભક્તોની હતી.
સામી બાજુ ગુરુદેવનો પણ એક મજાનો એંગલ હતો. ગુરુદેવને ખ્યાલ આવી ગયો, કે ઉંમરને કારણે શરીર શિથિલ બન્યું છે અને આ દીપ હવે બુઝાઈ જવાનો છે, તો હું જવાનો જ છું, અને કોઈ અસમાધિ છે જ નહિ, તો દવા હું શા માટે લઉં…?
બેય બાજુ બેઉ એંગલ હતા, બેઉ મજાના હતા. કારણ, જિનશાસન જ મજાનું છે. એ જિનશાસનમાં જે પણ વ્યક્તિત્વ આવ્યું, એની પાસે મજાના મજાના વિચારો જ હોય. શિષ્યોની ખુબ ઈચ્છા કે સાહેબજી દવા લે તો સારું… એક નિમિત્ત છે દવા, પણ એના કારણે ખાંસી, શરદી, મટી જાય અને સાહેબજી સ્વસ્થ બની જાય. બે વાત હતી, ભક્તિ પણ હતી, સ્વાર્થ પણ હતો. નિતાંત ભક્તિ હતી, ગુરુદેવ શરીરથી સ્વસ્થ હોય; એમની સાધનાને સરસ રીતે કરી શકે. બીજી બાજુ સ્વાર્થ હતો, કે ગુરુદેવનું અસ્તિત્વ એ અમારી સાધનાનો પ્રાણ છે માટે ગુરુદેવ જેટલો વધુ સમય રહે એટલું સારું.
પેલા શિષ્ય તો બેસી ગયા. સવારનો સમય, સૂર્યોદય પછી લગભગ સવા બે કલાકનો, એ અમારે ત્યાં સૂત્રપોરસીનો છે. એ વખતે બધા જ મુનિ ભગવંતો સૂત્રોને ગોખે. ગોખવાનું કઈ રીતે? એ જે સૂત્ર છે એનો અવાજ, એનો ધ્વની, પોતાના કાન પર અથડાવવું જોઈએ. એક મજાની વાત કરું. ધ્વની બહુ જ મહત્વની વાત છે. આપણે લોકો સૂત્રો બોલીએ છીએ, પણ એમાં ધ્વનીનું perfection હોતું નથી. કોઈને શાંતિનું, લઘુશાંતિનું એક ચરણ બોલાવીએ, “ઇતિ પૂર્વ સૂરિ દર્શિત:” તમે કઈ રીતે બોલશો – “ઇતિ પુર્વ સુરિ દર્શિત” – ગલત! સાચું ઉચ્ચારણ શું થાય – “ઇતિ પૂર્વ સૂરિ દર્શિત:” ‘પૂ’ માં ‘ઊ’ મોટું છે, ‘સૂ’ માં ‘ઊ’ મોટું છે. હ્રસ્વ અને દીર્ઘનો ઉચ્ચાર એ રીતે થવો જોઈએ. બ્રાહ્મી લિપિ પ્રભુ ઋષભદેવના વખતની હતી. અને છતાં પ્રભુ મહાવીરદેવના શાસનમાં સૂત્રો, આગમગ્રંથો માત્ર ગુરુ મુખે જ લેવાની પરંપરા હતી. એ આગમગ્રંથો લખાયા નહિ. કેમ? ખ્યાલ હતો જે વખતે લખાશે એ વખતે ધ્વની ખોવાઈ જશે. ગુરુના મુખથી તમે લો છો, ત્યારે ધ્વની બરોબર તમને મળે છે, પણ જયારે ૧૨ વર્ષનો દુષ્કાળ પડ્યો, અને ઘણા બધા મુનિઓ આગમગ્રંથોના પાઠોના પાઠો ભુલી ગયા ત્યારે વલભીપુરની અંદર ૫૦૦ આચાર્ય ભગવંતો ભેગા થયા, અને એમણે વિચાર્યું કે ભવિષ્યની પેઢી માટે આ આગમ ગ્રંથો રહેવા જ જોઈએ.
તો હવે લખાવવાની શરૂઆત કરીએ. પણ ત્યાં સુધી એક આગ્રહ હતો કે ગ્રંથો લખાય જ નહિ! ગુરુના મુખેથી જ લેવાય! એક સવાલ તમને કરું… તમે “ઋષિ” શબ્દ બોલો છો, કોઈ “ઋષિ” બોલે, કોઈ “રીશી” બોલે… બેય ઉચ્ચાર ગલત છે. ‘ઋષિ’માં જે સ્વરની ‘રિ’ છે એનો ઉચ્ચાર માત્ર ‘રિ’ કરવાનો હોય, તો ‘ર’ ની બારખડીમાં ‘ર’ ને હ્રસ્વ ‘રિ’, ‘ર’ ને દીર્ઘ ‘રી’… બેય ‘રિ’ આપણી પાસે હતી. સ્વરની ‘ઋ’ શા માટે આવી? જો તમારે ‘રૂ’જ ઉચ્ચાર કરવાનો હતો, તો ‘ર’ ની બારાખડીમાં ‘ર’ને હ્રસ્વ ‘ઉ’, ‘ર’ ને દીર્ઘ ‘ઊ’ બેઉ ‘ઉ’ હતા, સ્વરની ‘ઋ’ શા માટે આવી…? તો ‘રિ’ અને ‘રૂ’ ની વચ્ચે અલગ થડકાવ, અલગ કંપન સાથેનું એ ધ્વની છે. પણ એ ધ્વની ખોવાઈ ગઈ. આજે આપણી પાસે ‘ઋષિ’ ના ‘ઋ’ ધ્વની સાચો છે નહિ. અને એટલે જ ‘ર’ ની બારાખડીમાં રહેલા ‘રિ’ કે ‘રૂ’ નું ઉચ્ચારણ આપણે કરીએ છીએ.
હમણાં અમદાવાદમાં વેદ ઇન્સ્ટીટ્યુટે એક મજાનો કાર્યક્રમ કર્યો. વેદો માટે પણ આ જ પરંપરા હતી. કે વેદો ગુરુના મુખેથી જ લેવાય. પુસ્તકમાંથી નહિ. અને એમાં તો એ લોકોએ એવી વ્યવસ્થા કરેલી કે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત જેવું ઉચ્ચારણ હોય, એવો હાથ ફર્યા કરતો હોય. એટલે હથેળીની સાથે, આ વિભાગ સાથે, એ લોકો હ્રસ્વ, દીર્ઘ અને વધુ દીર્ઘ એને જોડી નાંખતા. તો વેદ ઇન્સ્ટીટ્યુટે એક કામ કર્યું કે જે બ્રાહ્મણ દીકરાઓએ માત્ર અને માત્ર ગુરુ પાસેથી, મુખેથી વેદોને લીધા હોય, એવા દીકરાઓને ભેગા કર્યા. જે લોકો જીંદગીમાં વેદના પુસ્તકને અડ્યા નથી, માત્ર ગુરુએ ધ્વનિ આપ્યો. એ ધ્વનીને એમણે બરોબર લીધો છે. એવા દીકરાઓમાંથી પણ જેમનું perfection બહુ સરસ લાગ્યું, એવા દીકરાઓ પાસે વેદ મંત્રોનું ગાન કરાવ્યું, રેકોર્ડ કરાવી લીધું. કારણ ભવિષ્યમાં કદાચ આવા students નહિ મળે.
તો ધ્વનિ જે છે એ બે કામ કરે છે, એક તો તમારા વિકલ્પોને તોડે, અને બીજું તમારી સાધનાને base આપે. ક્યારે પણ વિચારો ઘણા આવતાં હોય ને એક પ્રયોગ કરજો. અર્હમ મંત્ર અથવા ‘નમો અરિહંતાણં’, કોઈ પણ મંત્ર એનો ભાષ્ય જાપ કરવાનો. સહેજ loudly બોલવાનું, તમારા કાન પર એ શબ્દો અથડાય એ રીતે, ભાષ્ય જાપ વિચારો માટે speed breaker છે. વિચારોની સ્પીડને એ તોડી જ નાંખે. તો ધ્વનિમાં એ તાકાત છે કે એ ધ્વનિ વિચારોને તોડી નાંખે. અને તમારી સાધનાને ઉચકે. તો અમારે ત્યાં સૂર્યોદય પછી સવા બે કલાક સુધી સુત્રોનો ઘોષ ચાલ્યા કરે.
હીરસૂરિદાદાએ પેલા શિષ્યને ના પાડી વહોરવા જવાની, દસેક મિનિટ થઇ, અને ઉપાશ્રયમાં સ્વાધ્યાયનો અવાજ આવતો બંધ થઇ ગયો. ૫૦ મુનિઓ સ્વાધ્યાય કરતાં હતા, અને એનો જે મજાનો ઘોષ આવતો હતો, અવાજ બંધ થઇ ગયો. ગુરુદેવે નજીકમાં રહેલા એક શિષ્યને બોલાવ્યો, ઈશારાથી પૂછ્ય, “કેમ? સ્વાધ્યાય કેમ બંધ થયો?” ત્યારે એ શિષ્યે કહ્યું, “સાહેબજી અસ્વાધ્યાય છે.” ગુરુએ કહ્યું, “અસ્વાધ્યાય અત્યારે ક્યાંથી?” તો કહ્યું, “બાજુના શ્રાવકોના ઘરોમાં નાના દીકરાઓ રડી રહ્યા છે. એ રડવાનો અવાજ અમારા કાન પર આવે છે માટે સુત્રો ગોખવાનું બંધ કર્યું.” નાનકડા દીકરાઓનો રડવાનો અવાજ આવતો હોયને, તો અસ્વાધ્યાય થઇ જાય. એ વખતે સાધુએ આ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ નહિ. એક બાજુ પેલા દીકરા રડી રહ્યા છે અને તમે જોર – શોરથી સ્વાધ્યાય કરો! ના પાડી છે… ગુરુદેવે આગળ પૂછ્યું, “કેમ? દીકરાઓ રડે છે કેમ?” તો કહે કે, સાહેબજી એ દીકરાઓની માતાઓ એમને દૂધ આપતી નથી માટે… અરે માં દીકરાને દૂધ ન આપે!?! કેમ ન આપે? તો કહે કે એ બધી જ ભક્ત શ્રાવિકાઓ છે. બધાને ખ્યાલ હતો કે આપને દૂધ સાથે દવા લેવાની છે. આપે દૂધ વહોરવા જવાની ના પાડી, આજુબાજુના બધા જ શ્રાવકોના ઘરમાં ખ્યાલ આવી ગયો એ શ્રાવિકાઓ બીજું તો શું કરી શકે ગુરુદેવ?! આપ ગુરુ છો, સાર્વભૌમ આચાર્ય છો, બીજું તો શું કરી શકાય!?! એમના મનમાં એટલું અપાર દુઃખ છે કે અમારા ગુરુદેવ દવા નહિ લે?! ના, એમને દવા લેવી જ જોઈએ. એના માટે એમણે પોતાના દીકરાઓને દૂધ આપવાનું બંધ કર્યું છે. અને એ ગુરુદેવ કેટલા તો કોમળ! અચ્છા આવું છે! તો ચાલો મારા માટે લઇ આવો દૂધ.
ગીતાર્થ મહાપુરુષોમાં rigidness ક્યારે પણ હોતી નથી. જેવા સમયે જે કરવાનું ઉચિત લાગે, એ મહાપુરુષો કરી લેતા હોય છે. દવા શરૂ થઇ ગઈ, શિષ્યોના આનંદનો કોઈ પાર ન રહ્યો પણ ગુરુદેવને ખ્યાલ છે કે હવે મારું આયુષ્ય મહિના – દોઢ મહિનાથી વધુ નથી. અને આ જ ચોમાસામાં મારો દેહ વિલય થવાનો છે. હકીકતમાં એવા જ્ઞાની મહાપુરુષ હતા કે જો એમણે પહેલાથી ઉપયોગ મુક્યો હોત, તો એમને પહેલેથી ખ્યાલ આવત. પણ આવા મહાપુરુષો શરીર ઉપર ક્યારેય ઉપયોગ મુકે ખરા? પરમપ્રેમમાં ડૂબેલા મહાપુરુષો, જેમનું મન, જેમનું ચિત્ત સતત પ્રભુમય હોય એ શરીર ઉપર ઉપયોગ મૂકી શકે ખરા?
હવે સાહેબજીને થયું, ઉપયોગ મુક્યા પછી, કે આ જ ચોમાસામાં દેહ વિલય થવાનો છે. એમના પટ્ટધર શિષ્ય વિજયસેન સૂરીજી આગ્રા ચોમાસું છે, ગુરુને લાગ્યું અમુક મંત્રો, અમુક પરંપરાઓ એવી છે જે મારે જ મારા મુખે મારા એ ઉત્તરાધિકારીને અપાવી જોઈએ. તો ચોમાસમાં પણ હું એને બોલાવી લઉં. ગુરુદેવે પોતાના શિષ્ય ઉપર પત્ર લખ્યો, કે આ પત્ર મળતાંની સાથે તું વિહાર કરી અને મારી પાસે આવ.
એ જમાનામાં સાંઢણીઓ બહુ જ ઝડપી રહેતી, એક દિવસમાં ૫૦ ગાઉ. ૬૦ ગાઉં કાપી નાંખે. એવી સાંઢણી ઉપર એક સવારને બેસાડીને ચિટ્ઠી એને આપી. આગ્રા પહોંચી ગયો એ, વ્યાખ્યાન ચાલતું હતું એ માણસ અંદર આવ્યો. એક નાના મહારાજને ચિટ્ઠી આપી. નાના મહારાજે જોયું, “અરે! આ તો મોટા ગુરુદેવના અક્ષર!” તરત વ્યાખ્યાન ચાલતું હતું, ગુરુ પાસે ગયા, પત્ર આપ્યો, વ્યાખ્યાન અટકાવી દીધું. ગુરૂદેવનો પત્ર! શું એ ભક્તિ હશે! “ચિટ્ઠી આવી છે, વ્યાખ્યાન પૂરું કરીએ, પછી વાંચશું, લઇ લો.” મારા ગુરુદેવ! અરે આમ ચિટ્ઠી હાથમાં લેતાં આંખમાં આંસુની ધાર ચાલુ થઇ જાય છે. આ મારા ગુરુદેવ, કેટલું યોગ અને ક્ષેમ એમને મારું કર્યું છે! એ ગુરુ ન હોય તો હું ન હોત. પત્ર ખોલ્યો, લખેલું હતું, “આ પત્ર મળતાંની સાથે તારો વિહાર ચાલુ થઇ જવો જોઈએ.” સંઘ આખો બેઠેલો હતો, સંઘને કહ્યું, “ભાઈ ગુરુદેવનો આ સંદેશો છે દસ જ મિનિટમાં અમે લોકો વિહાર કરીને અમે લોકો અહીંથી નીકળીએ છીએ. તમારા આરાધના માટે ૨ -૩ સાધુ ભગવંતોને હું મૂકી જાઉં છું, બાકી અમે બધા જ ગુરુદેવની પાસે જઈએ છીએ.”
કેવો એ સમર્પિત સંઘ, મને તો એવા સંઘોની ઈર્ષ્યા આવે છે. એક વ્યક્તિના મનમાં સવાલ નથી થતો કે સાહેબ, ચોમાસામાં વિહાર થાય!? કારણ એ બધા જ શ્રાવકો બુદ્ધિને અને અહંકારને ઉપાશ્રયની બહાર મુકીને આવતાં. માત્ર શ્રદ્ધા, માત્ર ભક્તિ એમની પાસે રહેતી. સાહેબ, આપના ગુરુનો આદેશ છે, અમે શું કહીએ આમાં,પધારો પણ અમને યાદ રાખજો ફરી ક્યારેક પાછા ચાતુર્માસનો લાભ અમને આપજો. દસ જ મિનિટમાં બધા જ શિષ્યો તૈયાર, વિહાર ચાલુ.
એ સેનસૂરિ મ.સા. વિહાર કરતાં કરતાં આગ્રાથી ઠેક પાટણ સુધી આવી ગયા. રોજનો વિહાર કેટલો, આપણા કિલોમીટરમાં જોઈએ તો સવારે ૨૦ – ૨૫ કિલોમીટર કાપે, સાંજે પણ ૧૦ – ૧૫ – ૨૦ કિલોમીટર કાપવાના. પાટણમાં લગભગ સવારે ૧૦ – ૧૦.૩૦ વાગે પ્રવેશ થાય છે, એ વખતે ઉપાશ્રયમાં સંઘ ભેગો થયેલો, અને દેવવંદનની વિધિ ચાલે, ભાદરવા સુદી અગિયારસ ના દિવસે દાદાએ દેહ છોડી દીધો. અને બારસના દિવસે પાટણમાં સેનસૂરિ મ.સા. નો પ્રવેશ. એ જમાનામાં સમાચાર તો તરત મળે નહિ, રાત સુધીમાં સમાચાર મળ્યા, અને સવારે આખો સંઘ ભેગો થયેલો, દેવવંદન માટે. ધ્રાસકો પડ્યો! દેવવંદન!? આજે શેના!? જે મુનિવરો ત્યાં બિરાજમાન હતા, એમની આંખમાં આંસુ, હજારો શ્રાવકો અને શ્રાવિકાઓની આંખોમાં આંસુ. ગુરુદેવ ગયા. બોલી શકતા નથી, ગળે ડૂમો ભરાણો છે. ગુરુદેવ ગયા! અમારો પ્રાણ ગયો! પછી સેનસૂરિ મ.સા. ને લાગ્યું કે ગુરુદેવ ગયા, હવે ઉના જવાનો કોઈ અર્થ નથી. એટલે પાટણ ચોમાસું પૂરું કર્યું.
પણ ગુરુદેવ હીરસૂરિદાદા સેનસૂરિમ.સા. ને જે આપવા માંગતા હતા એ આપી શક્યા નહિ. અને એના કારણે આપણા તપાગચ્છમાં એક de-linking ત્યાંથી શરૂ થયુ. ત્યાં સુધી એક જ સાર્વભૌમ આચાર્ય, એક જ તપાગચ્છાધિપતિ એક, એમની જ નિશ્રામાં સેંકડો આચાર્યો અને હજારો મુનિવરો. પણ સાર્વભૌમ ગીતાર્થ આચાર્ય એક. આ જે પરંપરા હતી, અને એ પરંપરા જે વિજયસેનસૂરિજીને આપવાની હતી એ ગુરુદેવ આપી ન શક્યા, આખું જ de-linking થઇ ગયું. આખી છે ને કેટલી મજાની પરંપરા છે; પ્રભવસ્વામી, એમને જ્યારે લાગ્યું કે હવે મારું શરીર કથળ્યું છે, મારે મારો ઉત્તરાધિકારી નક્કી કરી દેવો જોઈએ, શ્રુતનો ઉપયોગ મુક્યો, સેંકડો હજારો શિષ્યો હતા, તપસ્વી, જ્ઞાની બધી જ રીતે ઊંડા ઉતરેલા પણ પોતાની ઉત્તરાધિકારીતા માટે એક શિષ્ય એમને યોગ્ય લાગતો નથી. આ છે ને આખી શક્તિપાતની પરંપરા હતી.
પટ્ટ પરંપરા શરૂ કઈ રીતે થાય… પ્રભુ મહાવીર દેવ પછી સુધર્માસ્વામી; ગૌતમસ્વામી ભગવાન નહિ, કારણ શક્તિપાત સુધર્માસ્વામીમાં થયો. એ શક્તિ એમણે જે મળી… એ શક્તિ એમણે જંબુસ્વામીને આપી, એ એમણે પ્રભવસ્વામીને આપી. અને એ શક્તિ જે પ્રભુ દ્વારા મળેલી હતી, એનું હસ્તાંતરણ કરવાનું છે. જ્ઞાન કોઈને પણ આપી શકાય, તપ કોઈને પણ કરાવી શકાય. પણ આ શક્તિ જેને ને તેને આપી શકાતી નથી. આ પટ્ટ પરંપરા એક અદ્ભુત પરંપરા હતી કે પ્રભુનું જ તેજ, પ્રભુની જ શક્તિ સુધર્માસ્વામીમાં, અને એ જ શક્તિ જંબુસ્વામીમાં, એ જ શક્તિ પ્રભવસ્વામીમાં! હવે પ્રભવસ્વામીને એ શક્તિ કોઈનામાં આરોપિત કરવી છે. હજારો શિષ્યો પોતાના, એક પણ શિષ્ય આ શક્તિ ઝીલી શકે એવો લાગ્યો નહિ. પછી પોતાના વિશિષ્ટ શ્રુતનો ઉપયોગ મુક્યો અને સ્વયંભવ પંડિત બ્રાહ્મણ યજ્ઞ – યાજ્ઞ કરાવી રહ્યો છે, એના ઉપર નજર પડી, એ વ્યક્તિ એને પ્રતિબુદ્ધ કરવામાં આવે, એ દીક્ષિત થાય એને હું આ શક્તિ આપું. વિચાર કરો, શું આ પરંપરા હતી! અને એટલે જ આપણી પરંપરાએ કહ્યું, “તિત્થયર સમોસૂરિ” – આચાર્ય તીર્થંકર જેવા છે. કેમ? તીર્થંકરની શક્તિ એમને મળી છે. અને સ્વયંભવ બ્રાહ્મણને પ્રતિબુદ્ધ કર્યા, દીક્ષિત કર્યા, અને એણે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની શક્તિ, એમને આપી. કેટલી મજાની પરંપરા છે! આ પરંપરા તરફ હું તો શિર ઝુકાવીને બેઠેલો માણસ છું. એટલી અદ્ભુત પરંપરા મળી છે!
મેં પહેલા કહેલું એક વ્યક્તિ, એક ૧૫ વર્ષનો યુવાન આજે દીક્ષા લે છે, એ એના ગુરુ કોઈ મુનિ છે એને સમર્પિત હોય, એ મુનિ પોતાના ગુરુ પંન્યાસ છે એને સમર્પિત હોય, એ પંન્યાસ ગુરુ પોતાના આચાર્ય ગુરુને સમર્પિત હોય. એ આચાર્ય ગુરુ ગીતાર્થ ગુરુને સમર્પિત હોય. અને ગીતાર્થ ગુરુ પ્રભુને સમર્પિત છે.
એક ૧૫ વર્ષનો દીકરો આજે દીક્ષા લે છે, આજે એના હાથમાં રજોહરણ તો આવે છે, પણ એનો હાથ, એનું પૂરું અસ્તિત્વ, પ્રભુ સાથે જોડાઈ જાય છે. વાયા વાયા એક લિન્કિંગ થઇ ગયું – ‘સમર્પણનું લિન્કિંગ’. એ એના ગુરુને સમર્પિત, એના ગુરુ એના ગુરુને સમર્પિત, અને ગીતાર્થ ગુરુ પ્રભુને સમર્પિત. એક સમર્પણ, લિન્કિંગ આવી ગયું. અને એટલે જ મારો ભાર માત્ર અને માત્ર સમર્પણ ઉપર. એક સમર્પણ તમારી પાસે આવી ગયું.
total surrender. Then you have not to do anything absolutely. તમારે કાંઈ જ કરવું નથી. પછી જે પણ કરવાનું છે એ પ્રભુ શક્તિ અને ગુરુ ચેતના કરશે.
આ પરમ પ્રેમ તમને મળી જાય.