Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 34

36 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: નિરાધાર ભયે પાર

ભક્તની એક મજાની સજ્જતા છે : અસહાયદશા. જે લોકોએ પોતાની જાત પર આધાર ન રાખ્યો, એ બધા ભવસાગરને પેલે પાર પહોંચી ગયા અને જેમણે જેમણે પોતાની જાત પર આધાર રાખ્યો, એ ડૂબી ગયા!

ઈશ્વરના જગત-કર્તૃત્વ જોડે જૈન દર્શનને વાંધો છે; સાધના-કર્તૃત્વ જોડે નહિ. આપણી સાધનાના કર્તા માત્ર અને માત્ર પ્રભુ છે. સાધનામાર્ગમાં એક ઇંચ કે એક સેન્ટિમીટર પણ આપણે ચાલી શકીએ, તો માત્ર ની કૃપાથી.

આનંદઘનજી ભગવંતે લીલા અને કૃપા આ બે શબ્દો થકી જૈનદર્શનનું આ સૈદ્ધાંતિક હાર્દ રજૂ કર્યું. ઈશ્વર લીલા ન કરે, પણ કૃપા જરૂર કરે!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૪

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુના પરમપ્રેમમાં ડૂબી જવું છે, એ પરમપ્રેમમાં જે લોકો ડૂબેલા છે, એમનો કેફ કેવો હોય… ભક્ત કવિ સુરદાસજી. આંખોની રોશની ચુકાઈ ગયેલી પણ પોતાના ગામની આજુબાજુમાં પરિચિત ક્ષેત્રમાં એકલા એ ફરતાં. એક સવારે એ રીતે ફરવા નીકળ્યા. સાંજના સમયે, ગઈ સાંજના સમયે કોકે મોટો ખાડો કરેલો, ગટર વિગેરેના માટે, ખ્યાલ હતો નહિ, રોજની પરિચિત જગ્યા છે, એમ માનીને ચાલવા ગયા, પડ્યા સીધા ખાડામાં… ખાડામાં તો પડ્યા, પણ એ પડ્યા પછી સૌથી પહેલી યાદ કોની આવે છે? મને સંસારના ખાડામાંથી જે બહાર કાઢે એ મારા ભગવાન મને આ ખાડામાંથી બહાર કાઢશે. બીજા કોઈની સહાય મારે જોઈતી નથી. જે પ્રભુ મને સંસારના ખાડામાંથી બહાર કાઢે, એ પ્રભુ માટે આ નાનકડા ખાડામાંથી મને બહાર કાઢવો એ વળી કઈ વિસાતમાં .

સુરદાસજીએ પ્રભુને પ્રાર્થના કરી, એમના ઉપાસ્ય બાલ કૃષ્ણ છે. નાનકડા કૃષ્ણ. પ્રાર્થના કરી, સીધો જ અનુભવ થયો, નાનકડી બે હથેળીઓ પણ સુદ્દૃઢ, મજબુત એમાં સુરદાસજી ઉચકાયા… બહાર આવી ગયા. બહાર સુરદાસજી આવી ગયા. શ્રી કૃષ્ણના હાથ દૂર થઇ ગયા, અદ્રશ્ય થઇ ગયા. એ વખતે સુરદાસજીએ કહ્યું: ‘હાથ છુડાકર જાત હો, નિર્બલ જાની મોહી’. તમે મને નિર્બલ માનો છો પ્રભુ અને એથી મારા હાથને છોડાવીને તમે જતા રહ્યા. હવે થોડીવાર તો મારી પાસે ઉભા રહેવું હતું. ‘હાથ છુડાકર જાત હો, નિર્બલ જાની મોહી’ પણ પછી કહે છે ‘હૃદય છુડાકર જાઓ તો, મરદ વખારું તોહી’ હાથ છોડાવીને તમે જતાં રહ્યા, મારા હૃદયમાંથી જાવ તો તમને હું મરદ માણસ કહું… છે તમારી તાકાત કે મારા હૃદયમાંથી તમે જઈ શકો… એવો પરમપ્રેમ હ્રદયમાં હતો, અસ્તિત્વમાં હતો, કે સુરદાસજી કહે છે, ગમે તેવી ઘટના ઘટે, પ્રભુ મારા હૃદયમાંથી જઈ શકે જ નહિ. ભક્તની એક મજાની સજ્જતા છે. અસહાયદશા… ભક્તને પ્રભુની સહાય મળે જ છે… પણ કેમ મળે છે? કારણ એક જ છે, ભક્ત અસહાય છે. કબીરજીએ કહ્યું ‘નિરાધાર ભયે પાર’ જે લોકોએ પોતાની જાત પર આધાર ન રાખ્યો, એ બધા ભવસાગરને પેલે પાર પહોંચી ગયા. અને જેમણે જેમણે પોતાની જાત પર આધાર રાખ્યો, એ ડૂબી ગયા. કેવી પોતાની દશા માટેનું under estimation સુરદાસજી પાસે હતું, આપણે તો સાંભળીને છક થઇ જઈએ. આટલા મોટા ભક્ત. એક પદમાં સુરદાસજી કહે છે, ‘મેં પતિતન મેં ટીકો’ પ્રભુ પતિતોની દુનિયમાં અગ્રણી કોઈ હોય તો હું છું. પોતાની જાતને અસહાય માનવી, પોતાની સાધના અને પોતાની ભક્તિને under estimate કરવી એ ભક્તના લક્ષણો છે. ‘મેં પતિતન મેં ટીકો’ પ્રભુ પતિતોની દુનિયામાં હું અગ્રણી છું.

એકવાર સુરદાસજી મંદિરે ગયા છે, એક ભક્ત પ્રભુને પ્રાર્થના કરે છે, અને એમાં કહે છે, ‘હે પતિતપાવન!’ સુરદાસજી એ વખતે પ્રભુને કહે છે, “પ્રભુ! મારાથી બદતર પતિત તને કયો મળ્યો? કે જેને તારીને તે પતિતપાવનનું બિરુદ ધારણ કર્યું? મારાથી વધારે પતિત દુનિયામાં કોઈ છે નહિ…” આ under estimation. અને બીજા પદમાં કહે છે, “મો સમ કૌન કુટિલ ખલ કામી” શું શબ્દો વાપર્યા છે, “મો સમ કૌન કુટિલ ખલ કામી, જિન તનુ કિયો સોહી બિસરાયો, એસો નિમક હરામી” પોતાના માટે કહે છે સુરદાસજી મારા જેવો કુટિલ, દુષ્ટ અને સેક્સી માણસ કોણ હશે? અને એ પછી કહે છે એ તો ઠીક છે, પણ હું નિમક હરામી છું. “જિન તનુ કિયો સોહી બિસરાયો, એસો નિમક હરામી” જે પ્રભુએ આ શરીર આપીને મને આ પૃથ્વીલોકમાં મોકલ્યો, એની ભક્તિ કરવા માટે એને જ હું ભુલી ગયો, મારા જેવો નિમક હરામી કોણ હોઈ શકે… ભક્તનો મતલબ જ આ છે. તમે નામશેષ થઇ ગયા. તમે રહ્યા જ નહિ, ૧ + ૧ = ૧. પ્રભુ + ભક્ત = પ્રભુ. ભક્ત ગયો. અને ગુરુ + શિષ્ય = ગુરુ. શિષ્ય ગયો. છું થઇ ગયો. આપણે ત્યાં કેટલીક બહુ મજાની સ્તવનાઓ છે…

આજે એક સ્તવનાની થોડીક પંક્તિઓ તમારી સામે મુકું. ભક્ત કઈ કઈ રીતે પ્રભુની સાથે સંવાદ સાધી શકે… ભક્ત કહે છે “તારે રાજ નથી કોઈ એકે, ચૌદ રાજ છે મારે” પ્રભુને કહે છે પ્રભુ! તું તો સિદ્ધશિલા ઉપર જઈને બેસી ગયો, તારે હવે એકેય રાજલોકમાં ફરવાનું નથી. મારી પાસે ચૌદ રાજલોક ફરવા માટે છે. “તારે રાજ નથી કોઈ એકે, ચૌદ રાજ છે મારે” પછીની એક પંક્તિ છે, “તું નિર્ગુણ હું તો ગુણધારી” હવે સામાન્ય લોકોને આ વાત પલ્લે પડે નહિ. પદ સુધારી નાંખે, હું નિર્ગુણ, તું તો ગુણધારી – પણ ના.  પદ આ જ છે… “તું નિર્ગુણ હું તો ગુણધારી” ત્યાં ગુણની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણ નથી લીધા… ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં સત્વ, રજસ અને તમસ આ ૩ ગુણોની ચર્ચા વારંવાર થાય છે. ત્યાં ગુણનો અર્થ વિકાર કર્યો છે. તો અનંતકાળથી આ ૩ ગુણો આપણને મળેલા છે. રજો ગુણ એટલે દ્વેષ. ૩ ગુણ છે રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ. રજો ગુણ એટલે રાગ. તમો ગુણ એટલે દ્વેષ, પણ સત્વ ગુણ જે છે ને એ બહુ જ ઊંડો છે. એકવાર રાગ અને દ્વેષને સમજી પણ શકાય. એને ખોટા માની પણ શકાય. અને ખોટા માનીએ તો એ નીકળી પણ જાય. સત્વ ગુણ કાઢવો બહુ અઘરો છે. સત્વ ગુણનો અર્થ એ છે, કે સારા કાર્યો તમારા હાથે થતાં હોય અને એ વખતે પણ તમને સૂક્ષ્મ અહંકાર ન આવવો જોઈએ. જો સૂક્ષ્મ અહંકાર આવી ગયો તો સત્વ ગુણ તમારી પાસે આવી ગયો. સારા કાર્યો કરવાના, એક નહિ અનેક. તમારી શક્તિ હોય એટલા… પણ એક પણ સારા કાર્યનું કર્તૃત્વ તમારી પાસે નહિ રાખવાનું. હું આનો કર્તા જે ક્ષણે માન્યું, અહંકાર દાખલ થઇ ગયો. આપણી પરંપરામાં કર્તૃત્વમુક્ત કાર્યની ચર્ચા છે.

તમારી સાધના, તમારી ભક્તિ, તમારા સરસ કાર્યો, પણ એ બધા જ કાર્યો કર્તૃત્વ મુક્ત છે. આનંદધનજી ભગવંતે આપણને બે શબ્દો આપ્યા, લીલા અને કૃપા. પહેલાં સ્તવનમાં એમણે લીલા શબ્દ આપ્યો, ચોથા સ્તવનમાં સાહેબે કૃપા શબ્દ આપ્યો. જૈન દર્શનનું એક સૈદ્ધાંતિક હાર્દ સાહેબે અહીં રજુ કર્યું. ઈશ્વર લીલા ન કરે, કૃપા જરૂર કરે. આ જૈન દર્શનની વાત છે. ઈશ્વર જગતના કર્તા નથી. પણ સાધના જગતના કર્તા જરૂર છે. ૧૫૦ વર્ષ સુધીના સ્તવનોની અંદર પ્રભુ જ બધું કરે છે, સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટિમીટર એની કૃપાથી જ જવાય છે, આ વાતોની ભરમાર પડેલી છે, અને છતાં છેલ્લા ૧૫૦ વર્ષમાં આપણી પરંપરા એવી થઇ ગઈ જેમાં ઈશ્વરના સાધના કર્તૃત્વનો પણ છેદ ઉડી ગયો. આપણે ત્યાં કહ્યું ને, સૂકા ભેગું લીલું પણ બળી જાય. જ્યાં સળગાવે એ સુકું… પણ એમાં લીલું પણ ભેગું મળી જાય. એમ ઈશ્વરના જગત કર્તૃત્વ જોડે જૈન દર્શનને વાંધો છે. સાધના કર્તૃત્વ જોડે નહિ જ… આપણી સાધનાના કર્તા માત્ર અને માત્ર પ્રભુ છે. અને એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું; “તું ગતિ, તું મતિ, આશરો તું આલંબન મુજ પ્યારો રે” તું ગતિ, પ્રભુ સાધનામાર્ગમાં મારી ગતિ હોય તો તું જ છે. એક ઇંચ કે એક સેન્ટિમીટર સાધનામાર્ગમાં હું ચાલી શકું માત્ર તારી કૃપાથી…તો આપણે ઋણી છીએ કે આપણા યુગમાં પંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના જેમણે પ્રભુની સાધનાકર્તૃત્વની વાતોને ખૂલીને કરી.

જંબુવિજય મ.સા. પહેલા દર્શનાચાર્ય હતા, દાર્શનિક બાબતોના નિષ્ણાંત, અને એમાં દર્શન શાસ્ત્રમાં આ જ વાત આવે, જૈન દર્શનમાં કે ઈશ્વર જગતના કર્તા નથી. હિન્દુ દર્શન માને કે ઈશ્વર જ જગતના કર્તા છે. જંબુવિજય મ.સા. મહારાષ્ટ્રમાં આવેલા, યાત્રા માટે…. એક પ્રોફેસર એમને મળવા માટે જાય છે, ખ્યાલ આવ્યો કે જંબુવિજયજી આ ગામમાં આવેલા છે. પ્રોફેસર એમને મળવા માટે ગયા, કારણ દાર્શનિક જગતમાં જંબુવિજયજીનું નામ મોટું હતું. દાર્શનિક ચર્ચા થઇ અને એમાં વચ્ચે જંબુવિજય મહારાજે ઈશ્વરના કર્તૃત્વનું ખંડન કર્યું. કારણ ત્યાં સુધી જંબુવિજય મહારાજ ભક્ત નહોતા, માત્ર દર્શનાચાર્ય હતા.  તો એમણે કહ્યું: ઈશ્વર તો કંઈ કરતા જ નથી. એ પ્રોફેસર, હિંદુ, ઈશ્વર કર્તૃત્વમાં સંપૂર્ણતયા માનનારા, એમણે એટલું જ કહ્યું: “મહારાજજી ઈશ્વર ન તો મંડન કી ચીજ હૈ, ન ખંડન કી ચીજ હૈ. ઈશ્વર અનુભૂતિ કી ચીજ હૈ.” એ પ્રોફેસરે કહ્યું હમારે જૈસે છોટે આદમી ઈશ્વર કા ખંડન કર દેંગે, ઈશ્વર નહિ હૈ તો ઈશ્વર કા કયા બિગડને વાલા હૈ… ઈશ્વરક ક્યાં કમ હો જાયેગા? ઓર હમ કહેંગે ઈશ્વર હૈ, ઈશ્વર એસા કરતે હૈ, તો ઈશ્વર કો મિલનેવાલા ક્યાં હૈ? ન ઈશ્વર ખંડન કે લિયે હૈ, ન ઈશ્વર મંડન કે લિયે હૈ, ઈશ્વર સિર્ફ અનુભૂતિ કે લિયે હૈ…”

વર્ષો પછી જંબુવિજય મ.સા. શંખેશ્વરમાં મળેલા. મને કહે યશોવિજય એ મહારાષ્ટ્રીયન પ્રોફેસરના શબ્દો આજે પણ મને યાદ આવે છે, ઈશ્વર સિર્ફ અનુભૂતિ કે લિયે હી હૈ. આજે હું ઈશ્વરનો અનુભવ કરું છું. એ ભકત બન્યા તો કેવા ભક્ત બન્યા… એક પુસ્તક નવું લખાઈ ગયું, પ્રેસમાં એને મોકલવાનું છે. શું કરે એ? આખું જ પ્રેસ મેટર લઇને દેરાસરે જાય એ પોતે, શંખેશ્વરમાં, પૂજારીને આપે, કે પ્રભુની પલોઠીમાં આને મુકો. અને એ વખતે કહે પ્રભુ! તારા ચરણોની અંદર આ પુષ્પને હું મુકું છું. અને એ ગ્રંથ પુષ્પ દ્વારા તારી હું પૂજા કરું છું. એ પછી એ ગ્રંથ છપાવવા માટે પ્રેસમાં જાય. એ સામૈયામાં હોય, કોઈ માણસ બહારથી આવે, અને અગત્યની ટપાલ એમને આપે, ઉપર લખેલુ હોય અરજન્ટ, most urgent પણ એવા એ ભક્ત થઇ ગયા, કે પત્રને એ ખોલશે નહિ, પત્ર મૂકી દેશે બેગમાં, સામૈયું પૂરું થાય, પોતાના આસન પર બેસે, શંખેશ્વર પાર્શ્વનાથદાદાનો ફોટો અને ગુરુ મહારાજનો ફોટો આ બંનેને એ પત્ર touch કરે, અર્પણ કરે, અને પછી એ પત્ર ખોલે.

તો આનંદઘનજી ભગવંતે લીલાની ના પાડી, “કોઈ કહે લીલા રે અલખ અલખતણી, લખ પૂરે મન આશ, દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ” ઈશ્વર જગતનું કર્તૃત્વ કરતાં નથી. એ કર્મ જે છે એ જ જગતનું કર્તા છે. પણ ચોથા સ્તવનમાં કહ્યું “દરિશન દુર્લભ, સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ” પ્રભુ હું તારું દર્શન કરવા જાઉં, અસત્ય ઘટના છે, કઈ રીતે હું તારું દર્શન કરું? પણ તારી કૃપા ઉતરે તો જ હું તારું દર્શન કરી શકું. એટલે લીલા ની ના પાડી, કૃપાની હા પાડી. તો ફલિતાર્થ એ થયો કે ઈશ્વર જગતના કર્તા નથી એવું જૈન દર્શન માને છે, પણ એની સાથે સાથે ઈશ્વર સાધના જગતના સંપૂર્ણતયા કર્તા છે. એટલે આપણને સત્વ ગુણને પાર જવામાં વાંધો નહિ આવે. સાધના કરી, પ્રભુના ચરણોમાં અર્પણ કરો.  શક્રસ્તવમાં છેડે એક સરસ વાત આવે છે, “ગૃહાણાસ્મત્ કૃતં જપમ્” શક્રસ્તવમાં છેડે “ૐ હ્રીં શ્રીં અર્હં નમ:” આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાનો હોય છે. એ જાપ કર્યા પછી ભક્ત કહે છે, “ગૃહાણાસ્મત્ કૃતં જપમ્” પ્રભુ! મેં જે આ જાપ કર્યો એને તું સ્વીકારી લે. જપનું ફળ ભલે મારી પાસે રહે, નિર્જરા ભલે મારી પાસે રહે, પણ એ જાપનું કર્તૃત્વ એનો અહંકાર મારી પાસે ન રહે. આપણો અહંકાર કેવો છે ખબર છે…

મહારાષ્ટ્રીયન કવિ કરંડીકર ની એક રચના છે, થોડા ફેરફાર સાથે એ રચના મુકું, કરંડીકર કહે છે હું દરિયાને કાંઠે ગયો, મારા હાથમાં પાણી ભરેલો ગ્લાસ હતો, મેં એ પાણીને દરિયામાં નાંખ્યું. અને પછી અડધો કલાક સુધી દરિયાને કિનારે ઉભો રહ્યો, એ જોવા માટે કે મેં નાંખેલ પાણીને કારણે દરિયામાં વર્ધી કેટલી આવે છે, આપણો અહંકાર… એક ગ્લાસભર પાણી નાંખ્યું છે અને એનાથી દરિયામાં ભરતી આવશે એવું માને છે. કેટલા બધા કૃત્યો થઇ રહ્યા છે, કેટલા બધા સારા કૃત્યો, કેટલી બધી વ્યક્તિઓ કરી રહી છે. તમે એકાદ સારું કૃત્ય કર્યું તો શું થયું? દરિયામાં એક ગ્લાસ તમે પાણી નાંખ્યું. પણ એનાથી ભરતી આવશે એવું માનો છો… તો આપણી પરંપરામાં કર્તૃત્વ મુક્ત કાર્યની વાત છે. કાર્ય રહે કર્તૃત્વ ન રહે.

સંપ્રતિ મહારાજાના પૂર્વ જન્મનો તમને ખ્યાલ છે, ભિક્ષુક તરીકે એ ઘરે – ઘરે ફરે છે, કંઈ મળતું નથી, એ વખતે બે મુનિ ભગવંતોને એક ઘરમાંથી બહાર નીકળતા જોયા, મુનિઓને વિનંતી કરી, મને ખાવાનું આપો, એ વખતે મુનિવરો ના પાડતાં નથી હો… તમે હોય તો શું કરો… અમારા પાત્રામાં આવી ગયુ. એ મુનિવરોએ શું કહ્યું, ભાઈ! અમે તો ગોચરીને collect કરનારા છીએ, ભેગી કરનારા… આ ભિક્ષા ઉપર અધિકાર અમારા ગુરુનો છે. શું થયું આ… એક કલાક ભયંકર ગરમીની અંદર વહોરીને જે ભિક્ષા લઇ જવાની છે, એ એક કલાકનું કાર્ય, પણ એના કર્તા ગુરુ, ઉપાશ્રય જઈને ગુરુના ચરણોમાં એ કૃત્ય સોંપી દેવાનું. પછી એ ભિક્ષાની વહેંચણી કેમ કરવી એ ગુરુદેવ જાણે. મુનિઓએ કહ્યું: અમે તો માત્ર ભિક્ષાને ભેગી કરનારા છીએ, એના ઉપર અધિકાર અમારા ગુરૂદેવનો છે, ચલો આ લોકો ના પાડતાં નથી, આમના ગુરુ તો ઓર કરૂણામય હશે. પાછળ પાછળ ચાલ્યો, ઉપાશ્રયમાં આવ્યો, જોયું પાટ ઉપર મોટા ગુરુ બેઠેલા, પહોંચી ગયો ત્યાં… મને ખાવાનું આપો, ગુરુદેવે જ્ઞાનથી જોઈ લીધું… ભવિષ્યનો સંપ્રતિ, ગુરુદેવે કહ્યું વિધિ કરવી પડશે. જે વિધિ કરવી હોય કરો, મને ખાવાનું આપો. ફટાફટ દીક્ષા આપી દીધી. પ્રભુના દર્શન કરાવ્યા, પચ્ચક્ખાણ પરાવ્યું, વાપરવા બેસાડી દીધો. મને એ સંઘોની ઈર્ષ્યા આવે છે. સાધુ – સાધ્વીજી મ.સા. માટે તો આપણે માની લઈએ, કે ગુરુ પ્રત્યે એમની અગાધ શ્રદ્ધા હોય, અને એટલે એક પણ સાધુને, કે એક પણ સાધ્વીને વિચાર ન આવે કે જેને નવકાર મંત્ર પણ આવડતો નથી, એ ભિખારીને દીક્ષા આપી શકાય? હોશિયાર સાધુ હોય ને એ બધું શાસ્ત્રમાંથી વાંચીને આવેલો હોય, દીક્ષા આને જ અપાય, દીક્ષાને યોગ્ય આ કહેવાય. તો સાહેબે આને દીક્ષા કેમ આપી… પણ એ યુગ શ્રદ્ધાનો, સમર્પણનો યુગ હતો, એક સાધુના મનમાં, એક સાધ્વીના મનમાં શંકા નથી થતી. ગુરુદેવે આને દીક્ષા આપી…. ત્યાં સુધી તો સમજ્યા, ૧૨ – ૧૨.૩૦ વાગે તો આખી નગરીમાં સમાચાર મળી ગયા, કે જે ભિખારી આપણે ત્યાં રોજ ભીખ માંગવા આવતો હતો એને ગુરુદેવે દીક્ષા આપી. એક શ્રાવકના મનમાં, એક શ્રાવિકાના મનમાં વિચાર નથી આવતો, કે ગુરુદેવ આવી રીતે દીક્ષા કેમ આપી શકે… શ્રદ્ધા, સમર્પણ.. એ સંઘોની મને ઈર્ષ્યા આવે છે, અને હું ઈચ્છું કે એવા આજે પણ હોય. સમર્પિત. હું એટલે વારંવાર કહું છું કે તમને જે ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, પણ એ ગુરુના ચરણોમાં પૂરું જીવન સોંપી દો. There should be the totality. Partially કંઈ કરતાં નહિ, totally કરજો.

અને એ પછીની વાત સાંજના પ્રતિક્રમણ વખતે કરોડોપતિ શ્રેષ્ઠીઓ આવ્યા છે, અને એમને સમાચાર મળ્યા કે ભિક્ષુક મ.સા. ને પેટમાં દુઃખે છે. કેટલી સમર્પિતતા… એક શ્રાવકને વિચાર નથી થતો, આવા ભિખારીને દીક્ષા આપી, એને તો ખાવા માટે દીક્ષા લીધી. ઠોકીને ખાધું હશે અને પેટમાં દુખ્યું. વિચાર નથી આવતો, કમેંટની વાત તો નહિ, વિચાર પણ નથી આવતો. એ કરોડોપતિ શ્રેષ્ઠીઓ હીરાનો હાર જેમના ગળામાં ઝૂલે છે, એ ભિક્ષુક મ.સા.ના પગ દબાવે છે. કોઈ હાથ દબાવે છે, અને કહે છે સાહેબ તમે તો તરી ગયા, તમારા ઉપર ગુરુદેવની આવી અમીદ્રષ્ટિ પડી ગઈ. દેવોને  પણ દુર્લભ પરમાત્માનો વેશ તમને મળી ગયો. અમને નથી મળ્યો, તમને મળ્યો. એ વખતે એ શ્રાવકોએ કહેલું સાહેબ તમને જે રીતે દીક્ષા આપી ને એમ પણ અમને આપી દીધી હોત ને અમારી ઈચ્છા હોય કે ન હોય, તો પણ અમે રાજી થાત. પણ ગુરુદેવની અમીદ્રષ્ટિ અમારા ઉપર પડી નહિ, તમારા ઉપર પડી. એ ભિક્ષુકે ૧૨ – ૧૨.૩૦ એ દીક્ષા લીધી, વાપર્યું, વધારે વપરાઈ ગયું, સૂઈ ગયા થોડીવાર, આરામ કર્યો, પડિલેહણ કર્યું, એ પછી પણ એવો કંઈ વિચારવાનો સમય મળ્યો નથી. પડિલેહણ કર્યું, પ્રતિક્રમણ થયું, પણ આ શ્રાવકોએ જ્યારે કહ્યું કે આપ તો બડભાગી છો, તમને આ વેશ મળી ગયો, એ વખતે એ ભિક્ષુકને થાય જેમના બંગલામાં હું પ્રવેશી શકતો નહોતો, જેમના ચરણને સ્પર્શ કરવો એ પણ મારા બસની વાત નહોતી, એ લોકો મારા ચરણને દબાવે છે, હું તો એનો એ જ છું. આ માત્ર વેશ મળ્યો એનો આટલો બધો પ્રભાવ. એ વેશ પર તીવ્ર અહોભાવ. એ વેશના દાતા સદ્ગુરુ પ્રત્યે તીવ્ર અહોભાવ. રાત્રે તો કાળધર્મ પામે છે, મુનિરાજ… કેટલા કલાક અહોભાવ રહ્યો, ૩ થી ૪ કલાક…  એ ૪ કલાકનો અહોભાવ કેટલો અસ્તિત્વના સ્તર પર ઉતરી ગયો, જન્મ બદલાઈ ગયો, સંપ્રતિ તરીકે જન્મ, નાની વયમાં રાજ્ય મળી ગયું, રથયાત્રામાં ગુરુદેવને જોયા, તરત જ જાતિસ્મરણજ્ઞાન. ૪ કલાકનો પરિચય ગુરૂદેવનો અસ્તિત્વના સ્તર પર ઉતર્યો, કેમ એક માત્ર અહોભાવની તીવ્રતાને કારણે. એ અહોભાવની તીવ્રતા આપણને મળવી જોઈએ. પર્યુષણ પહેલાંની વાચના શ્રેણી આજે સમાપ્ત થઇ રહી છે…

આમ સામાન્યતયા છે ને પર્યુષણ સુધી હું શું કરતો હોઉં છું, તમને પકડવા માટે તમારી જોડે આવવું પડે છે, અને મારી ધારા બરોબર પકડાઈ જાય પછી, પર્યુષણ પછીની વાચના શ્રેણીમાં, હું તમને મારી ધારામાં ખેંચી જાઉં છું. અત્યાર સુધી માત્ર અને માત્ર એક જ શબ્દની આસપાસ આપણે ઘૂમ્યા, પરમપ્રેમ. પણ એ પરમપ્રેમના કેટલા બધા પ્રકારો છે. પ્રભુની એક નાનકડી આજ્ઞાનું પાલન એ પણ પરમપ્રેમ છે. પ્રભુએ કહેલી સાધના કરીએ તો પણ એ પરમપ્રેમ છે. ગોવાલિયા ટેંકની સવારની વાચના શ્રેણીમાં અને માટુંગાની પણ સવારની વાચના શ્રેણીમાં ધ્યાન અને કાયોત્સર્ગ theoretically અને practically શિખવાડેલા.

એટલા બધા લોકો પાછળથી મારી પાસે આવ્યા કારણ કે મુંબઈના પ્રબુદ્ધ લોકો હતા, એટલી બધી યોગ પરંપરામાં જઈને આવેલા, એ કહે કે સાહેબ આપણે ત્યાં પ્રભુએ આપેલી આટલી સરસ ધ્યાનની પરંપરા છે, તો પછી અમે બહાર શા માટે જઈએ… બસ ગુરુદેવ પ્રભુએ આપેલી ધ્યાનની પરંપરામાં અમને આગળ વધારો..

એટલે પહેલી વાચના શ્રેણી પ્રભુની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા ઉપરની… આખી જ સાધના અંતરંગ સ્તર ઉપર ચાલે છે. પ્રભુએ ખરેખર શું કર્યું?  કાયોત્સર્ગ ધ્યાન કર્યું, ધ્યાન કર્યું, પણ ખરેખર પ્રભુએ શું કર્યું? એ નાના નાના પ્રસંગો થયા, એ વખતનો પ્રભુનો દ્રષ્ટાભાવ કેવો, પ્રભુનો સાક્ષીભાવ કેવો… આ બધી જ વાતો આચારાંગ સૂત્રમાં આપેલી છે, એના આધારે આપણે કહીશું. એ પૂરી થાય એટલે ધ્યાન અને કાયોત્સર્ગનું theoretically અને practical performance આવશે. વચ્ચે – વચ્ચે સુધીરભાઈએ હમણાં કહ્યું તેમ ૩ – ૩ દિવસની શિબિરો પણ આવશે. સંપૂર્ણ મૌન શિબિરો.. સવારથી સાંજ સુધી workshop ના રૂપમાં આખી જ સાધના ચાલ્યા કરશે, અત્યારે તો outdoor patient ને? કલાક આવ્યા ને પાછા ભાગી ગયા, પેલામાં સવારથી સાંજ સુધી અમારી સાથે રોકાવાનું, અને workshop ના રૂપમાં તમને સાધના આપવાની કોશિશ કરીશું.

એટલે પ્રભુની જે સાધનાને તમે જાણી નથી, એને જાણવી છે. મારી દ્રષ્ટિએ પ્રભુની સાધનાને ન જાણીએ અને ન કરીએ એ આપણો સૌથી મોટો અપરાધ ગુનોછે. પ્રતિક્રમણમાં ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ કહીએ. સ્થાન એટલે શું? કાયગુપ્તિ, એ તમારા ખ્યાલમાં છે. કાયાને અડોલ રાખવી.  મોણેણં એટલે? સંપૂર્ણ મૌન. અને ઝાણેણં એટલે વિચારોને પણ પેલે પાર જવાનું. તો આ ત્રણ ગુપ્તિ એ જ આપણું ધ્યાન છે. તો એ ધ્યાનને આપણે સમજ્યા નથી. એક વાત તમને કહું આજે. આજે વિશ્વમાં ૭૦૦ સાધના પદ્ધતિઓ already જીવંત છે, અને મેં ઘણી બધી સાધના પદ્ધતિઓનો theoretically, વિપશ્યના જેવી હોય તો practically અભ્યાસ પણ કરી લીધો છે. પણ તમને કહું કે ધ્યાન બધી જ પરંપરા પાસે છે, ૭૦૦ માંથી એક પણ પરંપરા એવી નથી જેની પાસે ધ્યાન ન હોય, પણ એ ૭૦૦ માંથી એક પણ પરંપરા એવી નથી જેની પાસે કાયોત્સર્ગ હોય. ધ્યાન છે, કાયોત્સર્ગ નથી. કાયોત્સર્ગ આપણી માત્ર જૈનોની જ મોનોપોલી છે. તો એ ધ્યાન શું, એ કાયોત્સર્ગ શું, ધ્યાન માટે બહાર જવાની જરૂર નથી કયાંય… ધ્યાન પ્રભુએ આપેલું એ જ આપણે શીખવાનું છે, અને એ ધ્યાનમાં ઊંડા ઉતરવું છે. Stress age માં તમે જીવો છો. ધ્યાન તમને જો ફાવી જાય ને, તમે tension free age માં આવી જાવ, કોઈ તણાવ નથી, કોઈ ખેંચાણ નથી, પરમ શાંતિમાં તમે છો. તો આ બધી વાતો પર્યુષણા મહાપર્વ પછીની વાચના શ્રેણીમાં શરૂ થશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *