વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યો
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યોમાં બે theme છે : શુદ્ધિ અને પુષ્ટિ. ચિત્તનું શુદ્ધ થવું એટલે નિર્મળ થવું અને ચિત્તનું પુષ્ટ થવું એટલે ગુણોથી યુક્ત બનવું. ત્યાં પુષ્ટિની અંદર કોમળભાવ નો ગુણ લીધો.
પહેલાં બે કર્તવ્યો કોમળભાવને ઊભારવા માટેના છે: અમારિપ્રવર્તના અને સાધર્મિક ભક્તિ. તમને તમારી જાત જેટલી વહાલી લાગે છે, એવાં જ બીજા બધા જ વહાલા લાગે – આત્મૌપમ્ય – તો તમારું મન અહિંસાથી, કોમળભાવથી સભર થયું કહેવાય.
કોમળભાવ આવી ગયો, કઠોરભાવ ગયો; હૃદય નિર્મળ, નિર્મળ બની ગયું. એ હૃદયને વધુ નિર્મળ બનાવવા માટે પછીના ત્રણ કર્તવ્યો: ચૈત્યપરિપાટીમાં પ્રભુના દર્શનથી આંખમાંથી આંસુની જે ધાર વરસે, એ તમારા હૃદયને નિર્મળ બનાવે. અટ્ઠમના તપથી પણ નિર્મળતા. ક્ષમાપનાથી પણ નિર્મળતા.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૫
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પર્યુષણા મહાપર્વનો માંગલિક પ્રારંભ.
પર્યુષણા શબ્દનો એક અર્થ બહુ જ મજાનો છે. સંપૂર્ણતયા મૌનમાં રહેવું એનું નામ પર્યુષણા. પરિત: પશના ઇતિ પર્યુષણા. આઠ દિવસો આપણને મળ્યા છે, સ્વની અનુભૂતિ માટેના, આપણી કોઈ પણ સાધના શરૂ થાય અહોભાવથી, પણ એ પર્યવસિત શેમાં થાય? સ્વાનુભૂતિમાં. ભક્તિ માટે ગયા, ભક્તિની પ્રારંભ દશામાં ભીનાશ.. પ્રભુને જોતા આંખોમાંથી આંસુની ધારા વહે, પ્રભુ! તું મને મળી ગયો. ભક્તિયોગાચાર્ય પણ જેના દર્શનને દુર્લભ કહે છે, એવું તારું દર્શન મને મળી ગયું. ભક્તિની પ્રારંભની ક્ષણોમાં ભીનાશ જ ભીનાશ હોય છે. પણ એ ભાક્તિની ધારા આગળ વધે, એમ શું થાય… તમે પ્રભુની વીતરાગદશાને જોવો. એ વીતરાગદશા, મારી ભીતર છે, એનું અનુપ્રેક્ષણ કરો. અને એ વીતરાગદશાની આંશિક અનુભૂતિ તમે કરો.
કેટલી મજાની પરંપરા આપણે ત્યાં અપાયેલી છે. સ્વની એક અનુભૂતિની એક મજાની પરંપરાની આજે વાત કરું… એ પ્રક્રિયા છે આંતરિક મેરૂ અભિષેકની. સ્નાત્રપૂજામાં વીરવિજય મ.સા. કહે છે કે ‘ધન્ના જેહિં દિટ્ઠોસિ’ પ્રભુ તારો મેરૂ અભિષેક કર્યો હશે એ તો ધન્યાતિધન્ય છે. પણ એ મેરૂ અભિષેક જેમણે જોયો હશે એ પણ ધન્ય છે. યાદ આવે છે કંઈ એવું? મેરૂ અભિષેકની ક્ષણોમાં તમે ત્યારે હાજર હતા, યાદ આવે છે? ઇન્દ્ર તરીકે નહિ, દેવ તરીકે હતા… આજે આપણે એક આંતરિક મેરૂ અભિષેકની વાત કરવી છે. એનો દુહો પ્રચલિત છે. પણ એની વિભાવનાથી તમે અપરિચિત છો. દુહો બહુ જ પરિચિત છે. “જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા, કર્મ થયા ચકચૂર” આ આંતરિક મેરૂ અભિષેકની પ્રક્રિયાની વાત છે, જે તમે પૌષધમાં પણ કરી શકો, સામાયિકમાં પણ કરી શકો… મેરૂ પર્વત કયો? હવે બહાર ક્યાંય મેરૂપર્વતની ખોજમાં જવાનું નથી. ભીતર જ જવાનું છે. આપણી કરોડરજ્જુ, spinal cord એને યોગિક ભાષામાં મેરૂદંડ કહેવાય છે. આ મેરૂ પર્વત.. એ મેરૂ પર્વત ઉપર પાંડુંકવનની શિલા કઈ જ્યાં પ્રભુને પધરાવીને અભિષેક કરવામાં આવે છે? એ શિલાનું નામ છે સહસ્રાર. બરોબર ચોટીના ભાગની નીચે સહસ્રાર છે. સહસ્રાર એટલે હજાર પાંખડીવાળું કમળ. જે અગણિત જન્મોથી બિડાયેલું જ હોય છે. એ ત્રણ રીતે ખીલે છે. એક તો કુંડલિની શક્તિ, નીચેથી ઉપર જાય, સહસ્રાર સુધી… ત્યારે એ હજાર પાંખડીવાળું કમળ ખીલી જાય, ખુલી જાય. બીજું સદ્ગુરુનો આશીર્વાદ બરોબર ત્યાં આગળ જાય, વાસક્ષેપ ત્યાં આગળ પડે, અને એના કારણે પણ સહસ્રાર ખીલી ઉઠે. ત્રીજી વાત છે, ગુરુ મંત્ર લેવાની પ્રક્રિયા. પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા ઘણીવાર ભણાવાતી હોય છે. એમાં કમઠ અને પાર્શ્વકુમારના સંવાદમાં બહુ જ સરસ યોગની વાતો આવે છે. “તેરા ગુરુ કોન હૈ બડા, જિને યોગ દિલાયા” પાર્શ્વકુમાર પૂછે છે તારા ગુરુ કોણ હતા, જેને તને યોગ આપ્યો. યોગી કહે છે એ વખતે “યોગી કે ઘર હૈ બડે”. પાર્શ્વકુમાર તમને આ પૂછવાનો કોઈ અધિકાર નથી. અને એ વખતે યોગી કહે છે, “ક્યાં કાન ફૂંકાયા”. પાર્શ્વકુમાર તમે કયા ગુરુ પાસે કાન ફૂંકાયા એમ તો કહો. કાન ફુંકાવવા એ મીડિયમ છે. બહુ મજાનો પ્રયોગ છે. સદ્ગુરુ પોતાના મુખને તમારા કાન પાસે લાવે, અને તમને મંત્ર દીક્ષા આપે. એ વખતે એ શબ્દો એક કાનમાંથી બીજા કાનમાં જતાં નથી. એ કાન માર્ગે થઇ સીધા ઉપર જાય છે અને સહસ્રારને ખોલે છે.
પહેલાંની એક પરંપરા હતી. દીકરો છ કે સાત વર્ષનો થાય, તમે એને વાજતે – ગાજતે ગુરુ મહારાજ પાસે લાવો, અને ગુરુ મહારાજ એને મંત્ર દીક્ષા રૂપે નમસ્કાર મહામંત્ર આપે. પછી એને કહી દેવાય કે ભાઈ! અત્યારે તને આપું છું પણ જ્યાં સુધી તું ઉપધાન તપ નહિ કરે, ત્યાં સુધી તારો આ નમસ્કાર મહામંત્ર fully certified નહિ થાય. તો મેરૂ પર્વત અંદર, પાંડુંકવનની શિલા પણ અંદર, પ્રભુની મૂર્તિને અહીંયા કલ્પવાની. હવે અભિષેક શરૂ કરો. એ અભિષેકમાં આઠ જાતિના કળશ જોઈતા નથી કે ક્ષીરસાગરનું પાણી જોઈતું નથી. કળશ પણ અલગ છે, અંદરનું પાણી પણ અલગ છે. “જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર” પર્યુષણ મહાપર્વના આગળના ૩ દિવસોની text નાનકડી.. અને એટલે જ text ની બહાર અમે પણ જઈ શકીએ છીએ. Text પૂરી કરવાની છે, પણ text નાનકડી છે. ચોથા દિવસથી પવિત્ર કલ્પસૂત્ર શરૂ થશે. પછી અમને text બહાર જવાનો સમય નહિ મળે. તો અત્યારે જ થોડી સાધના વિષયક વાતો કરીશું, ત્રણે દિવસ. રોજ નવી કરીશું. Text આવી જવાની પૂરી પણ text ની બહાર પણ ઘણું બધું જે છે સાધનાનું પોષક, એની વાતો કરવી છે.
એક ભાઈએ એકવાર મને પૂછેલું, કે સાહેબજી દર વર્ષે કલ્પસૂત્ર કેમ સંભળાવો છો? મેં એને કહ્યું તારો પ્રશ્ન જ ખોટો છે, જવાબ શું આપું… પ્રશ્ન એ જોઈએ કે ગુરુદેવ દર અઠવાડિયે કલ્પસૂત્ર કેમ સંભળાવતાં નથી. આવું કલ્પસૂત્ર જ્યાં સાધુ ભગવંતોના આચારની વાત છે, પરમાત્માના જીવનના પરમ પાવન પ્રસંગોની વાત છે, એ વાતો દર અઠવાડિયે તમે કેમ નથી કહેતાં. કલ્પસૂત્ર કાનના સ્તર પર સાંભળવાની વાત નથી ન તો એને conscious mind ના સ્તર ઉપર ઝીલવું. નહીતર તમે બધા ઘણીવાર સાંભળી ચુકેલા છે, હવે આના પછી આ આવશે, આના પછી આ આવશે. આના પછી આ… એક તીવ્ર અહોભાવના સ્તર ઉપર પ્રભુના આ પ્રસંગોને સાંભળવા છે.
એક પ્રસંગ કલ્પસૂત્રનો વચ્ચે તમને કહું. text માં આવવાનો જ છે, દેવાનંદા માતાની કુક્ષિમાં પરમાત્મા છે, ૮૨ દિવસ થયેલા છે, સૌધર્મેન્દ્ર પોતાના અવધિજ્ઞાનથી જંબુદ્વીપને જોઈ રહ્યા છે, અને એમાં બ્રાહ્મણ સૂચક (?? ૧૩:૧૫) નામ આવ્યું, અને માતાની કુક્ષિમાં રહેલા પ્રભુને ઇન્દ્ર મહારાજાએ જોયા, એ જોતાની સાથે જે ભાવ ઉમટ્યો છે, મારા પ્રભુ, મારા તારણહાર. વિચાર તો કરો, ૮૨ દિવસનો ગર્ભકાળ થયેલો, અંગોપાંગો પણ પરિપુષ્ટ થયેલા નથી, પણ ભક્તની દ્રષ્ટિ ભગવાનને કઈ રીતે જોવે એની આ વાત છે. એ ભગવાનને જોતા હર્ષનો કોઈ પાર નથી, સિંહાસન પરથી નીચે ઉતરી ગયા, રત્નમય મોજડીને બાજુમાં ફેંકી દીધી. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં ૭ – ૮ ડગલાં જાય અને નમુત્થુણં ની સ્તવના કરે, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, પ્રભુ તમે તરી ગયા છો, અમને તારો..સાક્ષાત્ પરમાત્મા આપણી સામે છે, અને આપણને જે ભાવદશા નથી થતી, એ ઇન્દ્ર મહારાજને માતાની કુક્ષિમાં રહેલા પ્રભુને જોતા થાય છે. એટલે પ્રભુના દર્શન માટે પ્રભુ જોઈએ એ વાત બાજુમાં છે… ભકતની દ્રષ્ટિ જોઇશે.
શેક્સપિયર નું પ્રસિદ્ધ નાટક રોમિયો એન્ડ જુલિએટ. રોમિયો રાજઘરાનાનો નબીરો છે. અને જુલીએટ નામની છોકરીના પ્રેમમાં પડેલો છે. રોમિયોના પિતા રાજાને કહે છે, સમ્રાટને, કે મારા દીકરાને તમે સમજાવો. આપણે તો આપણા ઘરાનાની દીકરી જ કામ આવે, સામાન્ય ઘરાનાની દીકરી આપણને કામ કેમ આવે. રાજાએ રોમિયોને બોલાવ્યો. રોમિયો પ્રબુદ્ધ માણસ. રાજાએ સમજાવ્યું, રોમિયો કહે છે નહિ મહારાજ! તમે કહેશો એ બધી વાત માનીશ, આ વાત હું નહિ માનું, યા તો જુલીએટ, યા તો કોઈ નહિ. ત્યારે સમ્રાટ ને થયું એકવાર જુલીએટને જોઈ લઉં. જુલીએટને બોલાવી. રાજાને પોતાને એકદમ સાદી છોકરી લાગી. ફરી રોમિયોને બોલાવ્યો કે ભાઈ! જુલીએટમાં તો કંઈ દેખાતું નથી. એ વખતે રોમિયોએ કહ્યું, મહારાજ! જુલીએટને જોવી હોય તો રોમિયોની આંખો જોઈશે, તમારી આંખોથી જુલીએટ નહિ દેખાય.
ઇન્દ્રમહારાજાનું કલ્પસૂત્રમાં આવતું આ વર્ણન કહે છે કે પ્રભુને જોવા હશે તો ભક્તની આંખો જોઈશે. આમ દેરાસરમાં પ્રવેશો, અને આંસુની ધારા ચાલુ થઇ જાય છે… આ મારા પ્રભુ મને નરક અને નિગોદમાંથી ઉચકીને લાવનાર આ મારા પ્રભુ, એ પ્રભુને જોતા આંખમાંથી આંસુની ધાર ન વહે તો બીજું શું વહે?
આંતરિક મેરૂ અભિષેક. “જ્ઞાન કળશ ભરી આત્મા, સમતારસ ભરપૂર” જ્ઞાનને સાધકની પરિભાષામાં જ્ઞાતાભાવ અથવા જ્ઞાયકભાવ કહેવામાં આવ્યો છે. મહોપાધ્યાય યશોવિજયજી સવાસો ગાથાના સ્તવનમાં કહે છે, “જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે” એક જ્ઞાતાભાવ તમારી પાસે આવી ગયો, તમે સુખી બની ગયા. અત્યાર સુધી શું થયું, તમે પદાર્થોને જાણતા રહ્યા, જાણીને વર્ગીકરણ કરતાં રહ્યા, આ પદાર્થ સારો, આ પદાર્થ ખરાબ… પછી સારા પ્રત્યે રાગ થયો, ખરાબ પ્રત્યે દ્વેષ થયો. અને એ રીતે કર્મબંધ તો કર્યો. પણ રતિ અને અરતિના ચક્કરમાં તમે પડ્યા. તમે પણ દુનિયાને જાણો છો, હું પણ દુનિયાને જાણું છું. હું રોજ આજના newspaper વાંચું છું. મારા સાધુઓને વાંચવાની ના પાડું છું, પણ હું વાંચું છું. હું પણ દુનિયાને જાણું છું, પણ કંઈ રીતે જાણું છું, જ્ઞાતાભાવથી… જે તે ઘટના ઘટી રહી છે, એ અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનમાં જોવાયેલી ઘટના છે, અને એ ઘટના જે છે એ ઘટિત થવાની છે. ન કોઈ ઘટના સારી છે, ન કોઈ ઘટના ખરાબ છે.
તમે લોકો છે ને સ્ટીકરનો જત્થો રાખો છો, સારું, ખરાબ, સારું ખરાબ… લટકાયે જવાનું પાછું… કોઈના ઝબ્ભાની પાછળ સ્ટીકર લટકાવતા નથી કદાચ તમે, પણ એના કપાળ ઉપર તો લગાડી જ દો છો. આ માણસ ખરાબ. કેમ મનુષ્યોનું વર્ગીકરણ તમે કંઈ રીતે કર્યું? તમારા અહં ને પંપાળે એ સારો માણસ. તમારા અહં ને ખોતરે તે ખરાબ માણસ. જ્ઞાતાભાવ એટલી મજાની દ્રષ્ટિ છે એ જો તમને મળી જાય, તમે મજામાં જ મજામાં…કશું ખરાબ નથી, કશું સારું નથી. સારું અને ખરાબ એ તમારા મનના માત્ર અને માત્ર projections છે. માત્ર તમારી ભ્રમણાઓ છે.
ભારતમાં જન્મેલુ માણસ એ કહેશે કડક મીઠી ચા સારી. જે વ્યક્તિ ચાઈનામાં જન્મેલુ હશે, એ કહેશે, salt અંદર નાંખો, મીઠું નાંખો, ચા tasty થાય, tasty ચા ની વ્યાખ્યા શું? હકીકતમાં સમાજે તમારા મનને ????? (૨૦:૨૪) છે એક શબ્દ વાપરું તો તમારા ઉપર માસ હિપ્નોટીઝમ થયેલું છે. એથી કરીને બધાએ જેમ કહ્યું, society એ કહ્યું એ દ્રષ્ટિ બિંદુ તમારું છે. 2BHKનો flat નાનો ગણાય, 5BHK નો સારો ગણાય. હવે એક જ દીકરો છે, 2BHK નો flat તમારા માટે પર્યાપ્ત છે. મહેમાન આવે તો હોલમાં રહી શકે, પણ society એમ કહે છે કે જેમ મોટું flat, જેમ luxurious flat એમ સારું… તમારી મહેનત તમારા માટે કેટલી અને society માટે કેટલી, બોલો… અને એમાંય society માટે… society ને રહેવા, કે society ને દેખાડવા? દેખાડવા જ ને?
૧૨ વાગે એક ભાઈ ઓફિસેથી ઘરે આવેલા, એકદમ luxurious apartment માં એ લોકો રહેતા હતા. Dustbin ઠેકઠેકાણે, ક્યાંય કચરો ન મળે, staircase અને lobby બધું જ કર્મચારીઓ સતત સાફ કર્યા કરે, અને એમાં એના flat ના દરવાજા પાસે કેરીના ગોટલા ને છોતરા ખુલ્લા પડેલા. એનો પિત્તો ગયો, મારા flat ના દરવાજે આ કોણે નાંખ્યું, સારું થયું કે થોડી જરા બુદ્ધિ આવી.. ઘરે જરા પૂછી લઉં અંદર, અંદર ગયો, શ્રાવિકાને પૂછ્યું, કેરીના ગોટલાં અને છોતરા કોણે નાંખ્યા? એણે કહ્યું મેં નાખ્યા. પણ તને કંઈ ખબર પડે છે આટલા luxurious apartment માં આપણે રહીએ અને આ રીતે નખાય નંખાય ખુલ્લામાં… પેલી કહે, તમે ઓફીસના મામલે ભલે હોશિયાર હોવ ઘરના મામલે ઢબૂ ના ઢ જેવા છો. આજે સીઝનની પહેલી કેરી આપણે ત્યાં આવી છે. રસ – પુરી આપણે ખાવાના છીએ, બીજાને ખબર શું પડે… પાડોશીને ગોટલાં ને છોતરા જ આવે ને? એકવાર મેં કહેલું કે સીઝનની પહેલી કેરી આવે એટલે પહેલા તો કરંડિયું દેરાસરે ને? કે કેરી દેરાસરે? કેરી… પછી રસ કાઢેલો હોય, ટાઈમ થયેલો હોય, ફ્રીજમાં ન મુકેલો હોય, સાહેબ પધારે તો લાભ પણ મળી જાય, પહેલા નંબરે પ્રભુ, બીજા નંબરે ગુરુદેવ, ત્રીજા નંબરે તમારા સાધર્મિક, અને ચોથા નંબરે તમે, બરોબર? ત્રણ થઇ ગયું… ત્રીજા નંબરે કોણ? એક ભાઈએ મારા પ્રવચનમાં મે આ વાત કરી, એનું મોઢું હસે, સાહેબ બરોબર તમે કહો છો એમ જ ત્રીજા નંબરે સાધર્મિક. મેં કીધું કંઈ રીતે… મને કહે મારા ઘરના સાધર્મિક જ છે ને બધા… એણે કહેલું એ તો હસતાં હસતાં કહેલું, પણ પંચસૂત્ર ગ્રંથમાં હરીભદ્રાચાર્યજી એ વાત કરી છે, એ વાત એ બોલ્યો, હરીભદ્રસૂરિ મહારાજ કહે છે, કે શ્રાવક માટે એના પત્ની અને દીકરાઓ માત્ર પત્ની કે માત્ર સંતાન રૂપે નથી, એ કલ્યાણમિત્ર રૂપે છે.
તો જીવનને નિર્મળ બનાવવું છે, જ્ઞાતાભાવ આવી ગયો એટલે શું થયું, જાણ્યું ઘણું, તમે ક્યાંય લેપાતા નથી. તમે કેટલા ફ્લેટ જોયા હશે, સાચું કહેજો… આખી જિંદગીમાં….. અને સાધુને પૂછજો, કેટલા ફ્લેટ જોયા. અમારા બે મહાત્મા World One ચોમાસું હતા, ત્યાં નવમાં માળથી શરૂઆત થાય છે, ત્યાં સુધી પાર્કિંગ છે. એ નાના મહાત્મા મને કહે સાહેબ આજે તો ૫૧માં માળે જઈ આવ્યો, એ ભાઈની બહુ જ ઈચ્છા હતી તો ૫૧માં માળે જઈને આવ્યો, અને ભાઈને એટલો બધો આનંદ થયો, મને પણ આનંદ થયો, કે વાહ… હું નિર્દોષ ગોચરી માટે ઠેટ ત્યાં સુધી પહોંચી ગયો. તો તો અમારા સાધુએ કેટલા ફ્લેટ જોયા, પણ તમે પૂછો સાહેબ કયો ફ્લેટ બહુ સારો લાગ્યો…જાણવાનું ખરું, લેપાવાનું નહિ, એ જ્ઞાતાભાવ.
એ જ્ઞાતાભાવનો કળશ આવે, એમાં સમભાવનો રસ પૂરો. અને એનાથી અભિષેક શરૂ કરો, આખું જ તમારું અસ્તિત્વ સમભાવમય બની ગયું, હવે કર્મ ક્યાં રહેશે. આજના દિવસની text માં પર્યુષણ પર્વના ૧૨ કર્તવ્યોની વાત આવે છે… હરીભદ્રસૂરિ મ.સા. એ ધર્મની વ્યાખ્યા આપી. અદ્ભુત વ્યાખ્યા: ‘પુષ્ટિશુદ્ધિમત્ ચિત્તં ધર્મ:’ એમણે ધર્મની ગંગોત્રી તરીકે મન કલ્પ્યું છે. તમારું મન દોષોથી રહિત બને, એટલે કે નિર્મળ બને, શુદ્ધ બને, અને ગુણોથી યુક્ત બને, એટલે કે પુષ્ટ બને, તો એ તમારું મન એ જ ધર્મ. મનની અંદર કોમળ ભાવ આવી ગયો, પછી એ ચરવળા દ્વારા અભિવ્યક્ત થાય છે, અભિવ્યક્તિ કાયા દ્વારા છે પણ અનુભૂતિ મનની અંદર છે. અભવ્યના આત્માની પાસે જયણાની અનુભૂતિ નથી, કોમળ ભાવની અનુભૂતિ નથી, એ માત્ર આમ આમ અભિવ્યક્તિ કરે છે, તો એની અભિવ્યક્તિ નકામી છે. અનુભૂતિપૂર્વકની અભિવ્યક્તિ. તો ચિત્તનું શુદ્ધ થવું એટલે કે નિર્મળ થવું. અને ચિત્તનું પુષ્ટ થવું, એટલે ગુણોથી યુક્ત બનવું.
તો પર્યુષણપર્વના પાંચ કર્તવ્યોમાં બે theme પકડાઈ. શુદ્ધિની અને પુષ્ટિની. પુષ્ટિની અંદર કયો ગુણ લીધો… કોમળભાવનો. હૃદય જ્યાં સુધી કોમળ ના બને ત્યાં સુધી નિર્મળ કેમ બને, એટલે પહેલાં બે કર્તવ્યો કોમળ ભાવના છે. પાછળના ૩ કર્તવ્યો નિર્મળતા ના છે. હૃદય કોમળ બનવું જોઈએ.
પહેલું કર્તવ્ય અમારિપ્રવર્તના – તમે તો અહિંસા પાળો છો, પણ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પણ અહિંસાની પ્રવૃત્તિ તમે શરૂ કરાવો. અહિંસા માટે યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાએ એક બહુ પ્યારો શબ્દ આપ્યો, ‘આત્મૌપમ્ય’ અહિંસા એટલે શું? ‘આત્મૌપમ્ય’ તમને તમારી જાત જેટલી વ્હાલી લાગે છે, એવી જ બીજા બધા જ પ્રાણીઓની જાત વ્હાલી લાગે, તો તમારું મન અહિંસાથી, કોમળભાવથી સભર થયું એમ કહેવાય.
રમણ મહર્ષિના જીવનની એક ઘટના છે. રમણમહર્ષિના આશ્રમમાં રાત્રે ચોરો ચોરી કરવા માટે આવેલા, ત્રણ – ચાર ચોરો હતા, સહેજ અવાજ થયો, રંગેલા હાથે પકડાઈ ગયા. દર્શનાર્થી ભક્તો ઘણા આવેલા, એ ભક્તોના ખ્યાલમાં આવી ગયું એમણે ચોરોને પકડી લીધા, પકડ્યા તો ખરા પણ એમનું શું કરવું એ તો ગુરુ જ નક્કી કરી શકે. Guru is the supreme boss. શિષ્યો અને ભક્તો ગુરુદેવ પાસે ગયા, ગુરુએ ચોરોના ચહેરા સામે જોયું, નિર્દોષ innocent ચહેરા છે, એકદમ કોમળ છે, ધંધાકીય ચોર નથી, એકદમ અજાણ્યા જ છે, કોઈ તકલીફના માર્યા આવી ગયેલા, ગુરુએ કહ્યું આ લોકોને છોડી મુકો, ચારેયને છોડી મુક્યા. શિષ્યોના મનમાં કોઈ વિકલ્પ નથી આવતો. શિષ્ય એ છે જેને ગુરુની એક પણ આજ્ઞા ઉપર ક્યારેય પણ કોઈ વિચાર નથી. તો શિષ્યો માટે વિચાર કરવાની કોઈ ગુંજાઇશ જ નહોતી, પણ ભક્તો હતા ને તમારા જેવા. એમણે કહ્યું સાહેબ આ તો કેમ ચાલે… આવા માણસો આપણે એમને છોડી દઈએ, તો સમાજની અંદર ચોરીને પ્રોત્સાહન મળે. આવું કેમ કરી શકાય… રમણ મહર્ષિ તો બહુ જ ઉંચી કક્ષાના સંત હતા, એમણે કહ્યું ભાઈ તમારા પ્રશ્નોનો જવાબ પછી આપું. પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો. તમે જમતાં હોવ અને તમારા દાંતોની તળે તમારી જીભ સહેજ કચડાઈ ગઈ. તમારા દાંતોએ તમારી જીભને કચડી તો દાંત ને તમે સજા શું કરશો… ડેંટીસ્ટ પાસે જવાના? બધા દાંત તોડાવી નાંખવાના… શું કરવાના… પેલા કહે, સાહેબ એમાં તો શું થાય, દાંત પણ અમારા, જીભ પણ અમારી.. શું કરીએ… એ વખતે રમણ મહર્ષિએ એ લોકોને લબડધક્કે લીધા, કે આ લોકો ચોર બન્યા, એમાં તમારી ઉદાસીનતા કારણરૂપ નથી? પૂછ્યું પેલા લોકોને બોલો ભાઈ કેમ ચોરી કરવા નીકળેલા? બાપજી દુષ્કાળ છે… ખાવાનું મળતું નથી. કોઈ નોકરી નથી આપતું, પહેલાં તો જંગલમાં જઈ લાકડાં કાપી આવતાં, હવે લાકડાએ રહ્યા નથી. શું કરીએ અમે… આવા ઘણા લોકોને પ્રાર્થના કરી, અમને કોઈ પણ કામ આપે, અમારે મજુરી કરીને કામવવાનું… કોઈ મજુરી આપવા તૈયાર નહિ. સાહેબ અમે તો ભૂખ્યા રહીએ, ઘરે નાના બચ્ચાઓને કેમ ભૂખ્યા રાખીએ અને એટલે થયું કે સંતોનો આશ્રમ એ સલામત જગ્યા કહેવાય. એટલે બાપજી અમે તમારા ત્યાં આવ્યા. પહેલી વાર જીવનમાં ચોરી કરવા આવ્યા છીએ, અને તમારે ત્યાં આવ્યા છીએ. પણ મહર્ષિ કહે મારા ત્યાં આવ્યા, welcome તમે મારા મહેમાન છો, પેલા ભક્તોને કહ્યું આ એક – એક જણાને પાંચ – પાંચ હજાર રૂપિયા આપીને વિદાય કરો. શું હતું? ચોરો પ્રત્યે પણ આ ભાવ.
આપણે ત્યાં સુવ્રતશ્રેષ્ઠીની વાત આવી જ છે. અગિયારસના પૌષધશાળામાં પૌષધ કર્યો, પૌષધશાળા એટલે બંગલાની બહાર જ, કમ્પાઉન્ડ ની અંદર જ. રાત્રે ચોર આવ્યા એમને ખબર કે આ દિવસે બધા જ શેઠ અને દીકરા બધા જ પૌષધશાળામાં હોય, બંગલામાં કોઈ હોય નહિ. ખાતર (??? ૩૪:૨૦) પાડ્યું, અંદર ગયા, ખબર પડી ગઈ, શેઠ અને દીકરાઓને, પણ એમને ખ્યાલ છે કે પૌષધની પ્રતિજ્ઞામાં “અવ્વાવાર પોષહં” આવે છે, અને એટલે સંસારની કોઈ પણ વિચારણા – ચિંતા અમે કરી શકતા નથી. ચોરોએ પોટકા બાંધ્યા. સોના – ચાંદીની થાળીઓ રગળતી હતી, પોટકે પોટકા બંધી દીધા, માથા ઉપર મૂકી દીધા. સુવ્રત શ્રેષ્ઠીને ખ્યાલ છે, દીકરાઓને ખ્યાલ છે, પણ કોઈ કશી જ પ્રતિક્રિયા કરવા તૈયાર નથી, કારણ અમે પૌષધની અંદર છીએ. સાધુ જીવનમાં જવાય ને… અને નજીકના શાસનદેવ જાગૃત બન્યા, ચારેય ચોરોના પગ થંભાઈ ગયા, સવારે ૫ વાગે પહોંચતાં (???? ૩૫:૧૦) બંગલાની પાછળ ખાતર પડ્યું, અરે આ શેઠના બંગલામાં ખાતર… અંદર ઘુસ્યો, ચાર ચોર માથે પોટકા, પગ થંભાઈ ગયેલા લોકો ચાલો ભાઈ ચાલો કીધું એટલે દેવે એમના પગ છુટા કરી નાંખ્યા, જેલમાં પૂરાઈ ગયા, અને સવારે ૧૦ વાગે રાજાની સભા ભરાય એટલે એમને લાવવાના, અને રાજા કહે એ સજા કરવાની. સુવ્રત શ્રેષ્ઠી શું કરે છે? પૌષધ પાર્યો, પ્રભુની પૂજા કરી અને સોનામહોરનો થાળ ભરી રાજાને ત્યાં સભા ભરાઈ ગયેલી, ચાર ચોરો આવી ગયેલા. સુવ્રતશ્રેષ્ઠી આવ્યા, સોનામહોરનો થાળ રાજાના ચરણે ભેટ કર્યો, રાજા કહે છે શેઠ તમારે આવવાની જરૂર નહોતી. તમારા જેવા ધર્મીને ત્યાં ચોરી કરવા આવેલા આ માણસો હતા, એમને તો બરોબરની સજા આપી દેવી જોઈએ. સાહેબ એના માટે નથી આવ્યો, એ મારા ત્યાં આવેલા મહેમાન છે, મહેમાનને મારે ઘરે લઇ જવા છે, એમને મારે જમાડવા છે, ભોજન આપવું છે, અને એમને પહેરામણી આપી અને માનભેર છુટા કરવા છે. એ મારા મહેમાન છે, અને મહેમાનને લેવા માટે હું આવ્યો છું, કોઈ જ સજા આપ ન કરો એવી વિનંતી કરવા માટે હું આવ્યો છું. કેટલી કરૂણા… મારે તમને પૂછવું છે, સામાયિક છે તમારી પાસે, પૌષધ તમારી પાસે છે, પ્રભુની પૂજા તમારી પાસે છે, આ કરુણા તમારી પાસે છે? કોઈ પણ દુઃખીને જુઓ તમારી આંખો આંસુથી છલકાઈ જાય એવી કરુણા તમારી પાસે છે…
સુવ્રત શ્રેષ્ઠી પોતાને ત્યાં લાવ્યા મહેમાનોને, પોતાને પારણું બાકી છે, શીરો અને રાબડી એ ચોરોને ખવડાવ્યા, અને કહ્યું ભાઈ કેમ ચોરી કરો છો? સાહેબ દુષ્કાળ છે, કામ મળતું નથી, ખેતી વાડીની જમીન હતી એ પણ વહેંચાઇ ગઈ, હવે કશું જ રહ્યું નથી, શું કરીએ અમે… ચાલો તમને કેટલા પૈસા આપું તમે ધંધો કરી શકો… સાહેબ દસ – દસ હજાર. લઇ જાવ દસ – દસ હજાર. અને ખૂટે જ્યારે ત્યારે ફરી પાછા મારી પાસે આવજો. પણ ચોરી કરતાં નહિ. આ પહેલું કર્તવ્ય જેમાં હૃદયનો કોમળભાવ પરિપુષ્ટ બને છે, માત્ર જીવદયામાં ૧૦,૦૦૦ લખાવી નાંખ્યા, એટલે કર્તવ્ય પૂર્ણ થયું એવું નહિ માનતા, પૈસા જોડે ધર્મને કોઈ સંબંધ નથી. ધર્મને સંબંધ તમારા ચિત્તની શુદ્ધિ જોડે છે. તમારા હૃદયમાં કોમળભાવ કેટલો…
બીજું કર્તવ્ય સાધર્મિકભક્તિ – મુંબઈમાં જ બનેલી એક ઘટના તમને કહું. લગભગ ૧૦૦ વર્ષ પહેલાની ઘટના. માણેકલાલ ચુનીલાલ એ સમયના કરોડોપતિ. વાલકેશ્વરમાં એમનો બંગલો. વિશાળ compound. મુખ્ય ગેટ ખુલે એટલે એક બાજુ દેરાસરે જવાય, પોતાનું સરસ દેરાસર. અને બીજી બાજુ એમનો બંગલો આવેલો. મુખ્ય ગેટના વોચમેનને કહેલું; કોઈ પણ વ્યક્તિને દર્શન – પૂજા કરવા જવું હોય આરામથી જઈ શકે છે. કોઈની પણ નોંધ કરવાની નથી. હા, એને બંગલામાં આવવું હોય ત્યારે બીજો ગેટ હતો, ત્યાં જે ગેટમેન છે એ પૂછપરછ કરીને અને પરિચિત હોય તો જ અંદર દાખલ થવા દે.. પણ દેરાસરે તો કોઈ પણ જઈ શકે… એકવાર બપોરના લગભગ સાડા અગિયાર, પોણા બારનો સમય. એક વ્યક્તિ લાલ કપડાં પૂજાના પહેરેલા, હાથમાં એક થેલી, ફૂલ કે કંઈક હશે અંદર…. અને એ દેરાસર તરફ જાય છે. પૂજાના કપડાં પહેરેલા એટલે એને રોકવાનો તો હતો નહિ… જૈન હતો એ… અંદર ગયા પછી મૂળનાયક દાદાની પૂજા કરી, બાજુના દાદાની પૂજા કરી, એ જ વખતે માણેકલાલ શેઠ પણ ત્યાં હતા, માણેકલાલ શેઠ પણ ગભારામાં મૂળનાયક દાદાની પૂજા કરી રહ્યા છે, બીજું કોઈ જ નહોતું, બે જ જણા હતા. જમણી બાજુ પૂજા કરી, આ ભાઈ ડાબી બાજુ ગયા, ડાબી બાજુ પૂજા કરે છે, શેઠ જમણી બાજુ પૂજા કરે છે, જમણી બાજુ પૂજા કરીને ડાબી ગયા. પેલો માણસ ભગવાનની મૂર્તિને ચોરવા માટે આવે છે, પહેલાં એ જોઈ આવ્યો, રેકી કરેલી, એક ભગવાન એને સોનાના જેવા લાગ્યા, જ્યાં શેઠ જમણી બાજુથી ડાબી બાજુ ગયા, એને થયું અત્યારે બે મિનિટનો મોકો છે. શેઠ પૂજા કરીને ત્યાં મંડપમાં જશે, પછી તો બધા ભગવાન એમને દેખાવાના… ત્યારે તો કંઈ ચોરી કરી શકાશે નહિ, શેઠ ડાબી બાજુ ગયા, જમણી બાજુના ભગવાન લઇ લીધા, જમણી બાજુના ભગવાન, આટલા મોટા, ધાતુના કે સોનાના… થેલીમાં લઈને ઘરે રવાના થયો, શેઠ ડાબી બાજુ પૂજા કરતાં હતા, પણ અચાનક.. આપણી છટ્ઠી ઇન્દ્રિય… શેઠને અચાનક એમ થયું, છટ્ઠી ઇન્દ્રિય જાગૃત બની, કે જમણી બાજુના ભગવાન જાય ક્યાં? જમણી બાજુ નજર કરી. ભગવાન છે નહીં. એક જ વ્યક્તિ હતી, લાલ ધોતી અને લાલ ખેસ પહેરેલો અને હાથમાં બ્લુ કલરની થેલી હતી, ભગવાન હતા ને… બીજું કંઈ ચોરીને ગયો હોટ ને તો શેઠને કઈ પડી જ ન હતી. પણ ભગવાન… તરત જ એ દેરાસરની બહાર ગયા, અને સીધો જ એમણે ફોન લગાવ્યો, મુખ્ય ગેટ ઉપર… કે આવો એક માણસ હમણાં આવશે, એના હાથમાં આવી થેલી છે, તમે એને ખૂબ આદર પૂર્વક તમારી રૂમમાં રાખી એને કહેજો શેઠ હમણાં આવે છે પા કલાકમાં, તમારે શેઠની જોડે આજે જમવાનું છે, આમેય શેઠ રોજ એક સાધાર્મિકને લઇ જતા હતા જમવા માટે… પેલા ભાઈ દરવાજે પહોંચ્યા અને ફોન આવી ગયો. વોચમેન એ કહ્યું કે સાહેબ અહીં બેસી જાવ, આ ખુરશીમાં. પેલાના મનમાં તો પાપ છે, થેલીમાં ભગવાન છે. ના, ના, ના, મારો દીકરો માંદો છે, આમ છે, તેમ છે, એને હોસ્પિટલાઈઝ કરવાનો છે, આ તો એને હોસ્પિટલાઈઝ કરતાં પહેલા પ્રભુના આશીર્વાદ લેવા માટે આવ્યો. મારે જલ્દી જવું પડે એમ છે. પેલો કહે જુઓ સાહેબ હું તમારો નોકર નથી, હું મારા શેઠનો નોકર છું. મારા શેઠના સમાચાર આવેલા છે, કે એ ન આવે ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે. તમારે એમની જોડે જમવા માટે જવાનું છે. તમે ગમે એટલા ઊંચા – નીચા થાવ તમને જવા નહિ દઈએ. બીજો કોઈ ઉપાય હતો નહિ એટલે બેસી ગયો. શેઠ પા કલાકમાં આવ્યા, એટલા જ પ્રેમથી આવકાર આપે, જય જીનેન્દ્ર, પ્રણામ, ચાલો આપ સાધર્મિક છો, મારે ત્યાં જમવા માટે પધારો. ખબર છે પ્રભુની મૂર્તિ એની પાસે છે. પેલો ધ્રુજે, થેલી હાથમાં છે, ભગવાન અંદર છે. ખબર પડી જશે તો… સીધા ત્યાં ગયા, શેઠે કીધું મારા કપડાં તમે બદલી નાંખો. પોતાના કીમતી કપડાં પહેરવા માટે આપ્યા, જમવા માટે જોડે બેસાડ્યા, ખુબ પ્રેમથી જમાડ્યા, પછી શેઠ એમને પોતાના બેડરૂમમાં લઇ ગયા. બેડરૂમમાં લઇ ગયા પછી રૂમ અંદરથી બંધ કરી દીધો. શેઠે કહ્યું: તમે જૈન છો, સાધર્મિક છો. મારા પ્રભુનો ભક્ત ચોરી કરે નહિ, અને ભગવાનની ચોરી તો never. એના માટે impossible છે. પણ મને લાગે છે કે તમે એવા સંયોગોમાં આવી ગયા હશો, તમારા માટે કોઈ છૂટકો નહિ હોય ત્યારે તમે આ રસ્તો લીધો. હવે તમે માંને તમારી મુશ્કેલીની વાત કરો, કોઈ ચિંતા નહિ કરતાં, ભગવાનની મૂર્તિ થેલીમાં છે મને ખબર છે. આજે જ ૧૮ અભિષેકની વિધિ કરાવી દઈશ. પ્રભુ પાછા પૂજનીય બની જશે, અને એનો પણ કોઈ વાંધો નથી. પણ તમે શા માટે કર્યું એ મને શું ખબર, તમે મારા સાધર્મિક છો. યાદ રાખજો હું તમને પોલીસમાં આપવાનો નથી. હું સાધર્મિક તરીકે તમારી ભક્તિ કરવાનો છું. એ વખતે પેલા ભાઈની આંખોમાં આંસુ… એણે કહ્યું સાહેબ નોકરી કરું છું. બીજું તો મને આવડતું નથી. મુનીમગિરિ ફાવે છે. નામું વિગેરે લખું છું. એ જમાનામાં પગાર કેટલો, ૫૦ – ૬૦ – ૭૦ નો, માંડ માંડ ઘરનું ચાલે, ભાડાનું ઘર, ચાલીમાં આવેલું, પડું પડું થાય એવી આખી ચાલી, છતાં સાહેબ ગાડું ગબડાવું. પણ દસ દિવસ પહેલા શેઠે કહી દીધું મારે નવો મુનીમ આવી ગયો છે, તમારી જરૂર નથી, તમે જતાં રહેજો. દસ દિવસથી મહેનત કરું છું, અહીંયા, અહીંયા, અહીંયા… રોજ પાંચ જગ્યાએ ફરું છું. ક્યાંય નોકરી મળતી નથી, એક દીકરી જુવાન જ્યોત છે, સગપણ સારા ઘરે થયેલું છે, કારણ કે હું આમ છું ખાનદાન. સારા ઘરે ગયેલો છું, હવે એ લોકો લગ્નની ઉતાવળ કરે છે, દસ – વીસ હજાર રૂપિયા ન હોય તો લગ્ન હું કેમ કરું…. એટલે મારા માટે તો પરિસ્થિતિ એવી છે કે જો હું લગ્ન લેવાની ના પાડું, પેલો સગપણ થોક કરે, મારૂ તો નાક કપાય, મારી દીકરીનું ભવિષ્ય અંધાધુંધી માં જતું રહે, છેવટે મને લાગ્યું કે આના સિવાય કોઈ માર્ગ નથી. શેઠ! ત્રણ દિવસ હું ઊંઘ્યો નથી. મારા ભગવાનની હું ચોરી કરીશ? અને ચોરી કર્યા પછી શું… મારા ઘરે રાખવાનું નહીં. સોની ને કે કોક ને આપીશ… પૈસા લઈને…. એ સોની શું કરશે? મારા ભગવાનને ગાળી નાંખશે, ગરમ ગરમ આગમાં… મારા ભગવાનની આ આશાતના થાય? પણ શેઠ શું કરું? મારી પાસે કોઈ માર્ગ નહોતો… શેઠે કહ્યું થઇ ગયું તે થઇ ગયું, આજથી તમે મારે ત્યાં મુનીમ તરીકે આવવાનું. તમારો પગાર આજથી મહિને ૧૦૦૦ રૂપિયા, અને દીકરીના લગ્ન માટે કેટલુ જોઈએ બોલો… ૨૦,૦૦૦, ૩૦,૦૦૦, ૪૦,૦૦૦, ૫૦,૦૦૦ તમે કહો એટલા આપી દઉં. સાહેબ ૨૦ હજારમાં પતી જાય, અરે ૫૦૦૦૦ આપું છું, લઇ જાવ, અને જ્યારે પણ વધારે પૈસા જોઈતા હોય તો મારી પાસે આવવાનું… અને આજથી તમારી નોકરી ચાલુ. અને હા, લગ્ન વિગેરેનું કામ છે. તમે એકલા છો, મારો પગાર ચાલુ, તમારે મારે ત્યાં આવવું જરૂરી નથી. મહિના સુધી તમે ન આવો તો પણ તમારો પગાર તમારે દર મહીને લઇ જવાનો. આ શું હતું? કેવી કોમળતા? મારે તમને પૂછવું છે, એક સાધર્મિકને તમે ૧૦૦ આપો, કે ૫૦૦ ની નોટ આપો, મને એની જોડે વાંધો નથી. પણ એ ૫૦૦ની નોટ તમારી આંખના આંસુ સાથે આપો. કે મારો સાધર્મિક અને તું આવી હાલતમાં, હું વધારે ભલે આપી શકતો નથી. ૫૦૦ આપું કે ૫૦૦૦ આપું… પણ મારી શુભકામના એ છે કે તું પણ મારા જેવો જલ્દી જલ્દી જલ્દી ઉંચે આવે….. એટલે પહેલા બે કર્તવ્યો કોમળભાવને ઉગારવા માટેના છે. એ કોમળભાવ આવી ગયો, કઠોરભાવ નીકળી ગયો, હૃદય એકદમ નિર્મળ, નિર્મળ, નિર્મળ… બની ગયું. એ હૃદયને વધુને વધુ નિર્મળ બનાવવા માટે પાછળના ત્રણ કર્તવ્યો છે એની વાત આપણે થોડીવાર પછી આપણે જોઈશું.
સ્વમાં રહેવાનું પર્વ, આંતરશુદ્ધિનું પર્વ, આઠ દિવસમાં એકદમ નિર્મળતા પ્રાપ્ત કરવી છે, અનુપ્રેક્ષણ અને આત્મસંશોધન આ ક્રમ છે. રોજ જેટલો સમય મળે, પોતાના દોષો વિશે, અનુપ્રેક્ષા કરવી. યોગશતક ગ્રંથમાં બહુ જ મજાની વાત હરિભદ્રસૂરિ મ.સા. એ કરી, કે કોઈ પણ સાધક હોય એને આંતરશોધનની પ્રક્રિયા વિના ચાલી શકે નહિ. દરેક સાધકે અનુપ્રેક્ષા એ કરવી છે, કે મારી સાધનામાં અવરોધ શેના કારણે થાય છે, અહંકાર વધારે છે, એના કારણે મારી સાધનામાં ક્યાંક અવરોધ આવે છે? કે રાગ વધારે છે એના કારણે મારી સાધના ખોળંગાય છે, અથવા તો મારામાં દ્વેષબુદ્ધિ વધુ છે. સાંવત્સરિક પ્રતિક્રમણની પૂર્વે એક ચિંતન તો જરૂર કરી લેવાનું છે કે એ પ્રતિક્રમણ મારું શુદ્ધ ત્યારે જ બને, જ્યારે મિચ્છામી દુક્કડમ્ વાસ્તવિક બને ત્યારે. એ પ્રતિક્રમણ કરો ત્યારે તમારી આંખો ભીની હોય, વર્ષ દરમિયાન જેની જેની સાથે સહેજ પણ માનસિક તિરસ્કાર થયો છે, કે સહેજ પણ દ્વેષનું કારણ બનેલું છે, એ બધાની જોડે વ્યક્તિગત જઈને ક્ષમાયાચના.
જેની જેની સાથે વધારે પડતું દ્વેષનું કારણ બની ગયું, તે – તે વ્યક્તિની પાસે જાવ, એના ચરણમાં પડો, અને કહી દો, કે મારી આ આરાધના સફળ ત્યારે જ થવાની છે, જ્યારે તમે મને માફી આપી. કલ્પસૂત્ર એટલે કે બારસાસૂત્રનું નવમું પ્રવચન જે અર્થ સાથે તમને આપવામાં નથી આવતું, પણ સંવત્સરીક મહાપર્વના દિવસે એ સંભળાવવામાં આવે છે. એમાં પ્રભુને પૂછવામાં આવ્યું, કે પ્રભુ! તમે આરાધક કોને કહો છો? પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું; “જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા, જો ન ઉવસમઈ તસ્સ નત્થિ આરાહણા” જે ક્ષમા માંગી શકે છે, અને ક્ષમા આપી શકે છે, એ જ આરાધક છે. ૩૬૦ દિવસ બંને વખત પ્રતિક્રમણ તમે કર્યા, રોજના પાંચ સામાયિક કર્યા, પ્રભુને તમે પૂછો, કે પ્રભુ હું આરાધક ખરો કે નહિ, પ્રભુ એક જ વાત કહેશે, તું બીજાને ક્ષમા આપી શકે છે… અને તું બીજા બધાની પાસે ક્ષમા માંગી શકે છે, જવાબ જો હા માં હોય તો જ તું આરાધક. નહીતર આરાધક નહિ. મતલબ એ થયો, પ્રભુને પણ આરાધકતા નો સંદર્ભ તમારા નિર્મલ હૃદય સાથે છે. એટલે માત્ર ક્રિયા કરીને સંતુષ્ટ બનવાનું નથી. ક્રિયા કરવાની એટલે કરવાની જ. અમૃત ક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ વ્યવહાર ક્રિયાનો છેદ ઉડાડે ને તો મક્કમ શબ્દોમાં પ્રતિકાર કરજો કે અમારા ભગવાને કહેલી એક – એક ક્રિયા અમૃત ક્રિયા છે. પણ આપણે એ અમૃત ક્રિયાને properly અને perfectly કરીએ. ‘ખામેમિ સવ્વજીવે’ ક્યારે બોલી શકીએ આપણે? એ ‘ખામેમિ સવ્વજીવે’ આપણે બોલતા પણ હોઈએ, અને પેલી વ્યક્તિ જોડેથી ગાંઠ તો મારે તોડવી જ નથી, આવું તમારા મનમાં હોય, તો તમે એ બોલ્યા એ વાસ્તવિક થયું ખરું? તો પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું; “જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા, જો ન ઉવસમઈ તસ્સ નત્થિ આરાહણા” તમે જો ક્ષમા માંગી શકો છો બીજાની, અને બીજાને ક્ષમા આપી પણ શકો છો, તો જ તમે આરાધક છો, નહીતર તમે આરાધક નથી. પ્રભુની ચાદર અમે પહેરેલી છે, પણ અમારી પાસે પણ જો દ્વેષ રહેલો હોય તો પ્રભુ અમને પણ આરાધક નહિ કહે.
દ્વેષમાં એક વાત સમજવી છે, વ્યક્તિ આધારિત દ્વેષ અને કાર્ય આધારિત દ્વેષ. તમારા કોઈ નોકરે કામ બરોબર નહિ કર્યું, તમને સહેજ ગુસ્સો આવ્યો, પણ એ ગુસ્સો વ્યક્તિ આધારિત નથી, કાર્ય આધારિત છે. જરૂર ગુસ્સો ન આવે તો વધારે સારું. તમે એને પણ પ્રેમથી કહી શકો કે ભાઈ! આ કામ આ રીતે નહિ, આ રીતે કરવું હો… તો વધારે સારું. પણ કદાચ ગુસ્સો આવ્યો, તો પણ એ કાર્ય આધારિત. થોડીવાર પછી તમારા મનમાંથી એ દ્વેષબુદ્ધિ નીકળી જાય છે. પણ જો વ્યક્તિ આધારિત દ્વેષ શરૂ થયો તો કેટલા જન્મો સુધી એ વેરની પરંપરા ચાલશે આપણને ખ્યાલ નહિ આવે. જન્મોના જન્મો એ વેરની પરંપરા ચાલુ રહેશે. સમરાદિત્ય મહાકથામાં આપણે એ જ જોઈએ છે, કે વેરનો અનુબંધ કેટલા જન્મો સુધી ચાલ્યો… તો આપણે નિર્મળ બની જવું છે.
એક સવાલ હું ઘણીવાર કરતો હોઉં છું. તમે ક્યાંક તીર્થયાત્રાએ ગયેલા, અને ખિસ્સું કપાઈ ગયું, કે પાકીટ ક્યાંક ખોવાઈ ગયું, તાત્કાલિક ૫૦,૦૦૦ હજારની તમારે જરૂરિયાત છે. તમે કહો એની પાસેથી ૫૦,૦૦૦ હજાર લઇ શકો, ભાઈ ૫૦,૦૦૦ આપી દે ને… તમે એકદમ ખાનદાન માણસ છો. પેલાએ ૫૦,૦૦૦ હજાર આપ્યા, પણ તમને અનખન છે કે ક્યારે એને પાછા આપી દઉં, તમે ઘરે પહોંચ્યા, પહેલું જ કાર્ય એ કર્યું કે વ્યાજ સાથે એને એ પૈસા આપી દીધા. હવે પેલો માણસ જે છે એ ક્યાંક મળે એટલે યાદ કરાવે ભાઈ પેલા પૈસા ક્યારે આપવાના છે? તમે શું કહો? ભાઈ વ્યાજ સાથે તને અપાઈ ગયા, હવે શેના તું માંગે છે, બરોબર ને… પર્યુષણ પર્વની અંદર ધારો કે સ્વપ્ન ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે, ભીડ જોરદાર છે, બેસવાની જગ્યા નથી, કોઈનો ધક્કો લાગી ગયો. સહેજ ગુસ્સો પણ આવી ગયો, બે – ચાર શબ્દો બોલાઈ પણ ગયા, પણ સાંવત્સરિક પ્રતિક્રમણ થઇ ગયું એટલે હિસાબ થઇ ગયો close. બરોબર… પછી કોઈ યાદ કરાવે તે પેલા દિવસે શું કરેલું, અરે ભાઈ પણ હિસાબ close થઇ ગયો પછી તું કેવી રીતે યાદ કરાવે. એટલે આ વખતે નક્કી ને કે ચોથની સાંજે પ્રતિક્રમણ થાય એટલે ચોથની સાંજના ૫ વાગ્યા સુધીનો બધો જ હિસાબ close. પછી તમે યાદ કરાવો કોઈને કે તે મને આમ કીધું હતું. અરે ભાઈ કીધું હતું પણ હિસાબ close થઇ ગયો ને. એટલે ક્ષમાપના આપણી સાચી છે? સાચી હોય તો હિસાબ close થઇ ગયો. ક્ષમાપના મિત્રની નથી માંગવી, જેની સાથે અણબનાવ થયો છે એની પહેલાં માંગવી છે. ઘણીવાર તો હાથ લાંબો ઠેટ ખૂણા સુધી જાય, કે આ ફ્રેન્ડ છે. પણ બાજુમાં બેઠો છે એની જોડે તું બોલતો નથી ત્યાં કર ને… ના, ત્યાં તો આમ જ રાખવાનું… આ વખતે ક્ષમાપના પર્વ એવી રીતે ઉજવો તમારી આંખો આંસુથી છલોછલ હોય. પ્રભુની આજ્ઞા હતી કે દરેક જીવો સાથે તું પ્રેમ કર. એ પ્રભુની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું. તમે ક્રોધ કર્યો એમ નથી કહેતો, પ્રભુની આજ્ઞાનું તમે ઉલ્લંઘન કર્યું. બોલો એક વાત પૂછું, પ્રભુ તમને ગમે? પ્રભુ ગમે? શું હા… ઉપવાસ છે ખબર છે મને… પ્રભુ ગમે? આજે પચ્ચક્ખાણ શેનું લીધું છે? ઉપવાસનું કે અટ્ઠાઈનું… અહીંયા છે ને રીટેલ અને હોલસેલમાં ઘણો ફરક પડે છે હો? આજથી અટ્ઠાઈનું પચ્ચક્ખાણ લીધું ને તો આજથી જ ગુણાંકન ચાલુ થઇ ગયું તમારું. પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમે એ પણ બધા તમને ગમે… હવે બોલો… ફરી પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમે એ બધા તમને ગમે? કેટલો સરસ મજાનો point છે… મારા ભગવાને ત્રણ – ત્રણ જન્મ સુધી એક ભાવના કરી, સવિ જીવ કરું શાસન રસી. હું બધાને એટલા ચાહું, એટલા ચાહું, અને સીધા જ મોક્ષમાં મોકલી આપું. આપણા પ્રભુને એક પણ વ્યક્તિ અણગમતી હતી ખરી? બોલો… આપણા ભગવાનને બધા જ પ્રિય હતા ને… તો ભગવાનને જે પ્રિય હોય એ તમને પ્રિય કે અપ્રિય… બોલો હવે… સંબંધ કઈ રીતે બદલાય ખબર છે… એક માણસ તમને રોજ રસ્તામાં મળતો હોય, ખાલી ઓળખતો હોય કે જવાહરનગરમાં રહે છે, પ્રણામ, જય જિનેન્દ્ર. પણ એના દીકરા જોડે તમારી દીકરી આપી એટલે વેવાઈ થઇ ગયો, પછી શું થાય.. પછી મળે ત્યારે… સંબંધમાં ઘનિષ્ટતા આવી ગઈ. કેમ? મારો વેવાઈ બન્યો. બરોબર? એમ પહેલા તો તમે બધાને આ રીતે આમ પ્રેમ નહોતા કરતાં, હા નહોતો કરતો, કારણ… કે મારે એની જોડે સંબંધ નહોતો. પણ હું વ્યાખ્યાનમાં ગયો, અને મને ખ્યાલ આવી ગયો સાહેબના પ્રવચનથી કે મારા ભગવાન તો બધાને ચાહતા હતા. તો મારા ભગવાન જેને જેને ચાહતા હોય એને હું ન ચાહું એવું તો બની જ કેમ શકે… એટલે આ એક પ્રવચન થયું અને બધાને હું ચાહવા મંડી પડ્યો… બરોબર?
આ પ્રવચન ક્યાં સુધી જાય છે? કાન સુધી. Conscious mind સુધી. અસ્તિત્વના સ્તર સુધી પ્રભુના શબ્દો જાય છે? કોઈ તમને પૂછે અરે મને તો નવાઈ લાગી, દસ વર્ષથી તમારે એની જોડે અબોલા હતા, અને તમારા અબોલા સકારણ હતા, એ તમારો partner ૫૦ લાખ રાતોરાત ઠોકીને નીકળી ગયેલો. અને પછી મને ખબર છે, કે ૫૦ લાખમાંથી એક રૂપિયો એને મુદ્દલ પણ આપી નથી. એટલે તમારે અને એને અબોલા હતા, અબોલા તો હોય જ, પણ કાલે મેં જોયું party માં તમે જોડે – જોડે બેઠેલા, તમે એને પ્રેમથી ખવડાવતાં હતા, એ તમને પ્રેમથી ખવડાવતો હતો. વાહ! શું થયું આ? ત્યારે તમે શું કહો… કે અણબનાવ હતો એ વાત નક્કી પણ અણબનાવ કોના કારણે હતો… મારા પૈસા એ લઇ ગયો છે એના કારણે… પણ હવે મને થયું કે પૈસા મોટા કે પ્રભુ મોટા… મારા પ્રભુ એને ચાહે છે, તો હું એને ન ચાહું આવું બની જ કેમ શકે. બોલો આવું તમારા જીવનમાં બને કે નહિ.. બને કે નહિ? એટલે જ હું વારંવાર કહું છું કે સાધનાને ત્યાં પહોંચાડવી છે જ્યાં રાગ છે, જ્યાં દ્વેષ છે, જ્યાં અહંકાર છે… નહીતર સાધના થયા કરશે, રાગ, દ્વેષ અને અહંકાર એવા ને એવા રહેશે.
મસ્જિદમાં હોજ હતો. મુસ્લિમ ભક્તોને શું હોય કે નમાજ પઢતા પહેલા વજુ કરવું પડે, એટલે હાથ, પગ અને મોઢું એ લોકો ધોઈ દે. હવે એવું બન્યું કે રાત્રે હોજ ખુલ્લો હતો, એક કુતરું પાણી પીવા આવ્યું ને કોણ જાણે લપસી ગયું, ને અંદર પડી ગયું, બહાર નીકળી શક્યું નહિ અને કુતરું મરી ગયું. સવારે ભક્તો આવ્યા, જોયું હોજમાંથી દુર્ગંધ આવે છે, જોયું કુતરું મરી ગયું છે. હવે આ પાણી વજુ માટે વપરાય કે નહિ એ તો મૌલવીને જ ખબર પડે. મૌલવીને પૂછવા ગયા, મૌલવી સમજ્યા કે કુતરું તો કાઢી નાંખે… મડદું તો કાઢી નાંખે, પણ હોજ છે નાનકડો, એટલે દુર્ગંધ યુક્ત પરમાણુઓ તો અંદર રહેવાના… એટલે મૌલવીએ કહ્યું એક કામ કરો ૧૦૦ બાલ્ટી પાણી અંદરથી બહાર કાઢીને ફેંકી દો, એટલે શું થાય હોજનું પાણી આમ આમ થઇ જાય એટલે પેલા પરમાણુઓ નીકળી જાય. ભક્તો તો મંડી પડ્યા… ૧૦૦ ને બદલે ૨૦૦ બાલ્ટી પાણી કાઢી નાંખ્યું… ત્યાં મૌલવી આવ્યા. ગંધ તો એટલી જ.. આમ નાકે ડૂચો લગાવવો પડે. શું કર્યું? અરે સાહેબ તમે કહ્યું હતું ૧૦૦ બાલ્ટી, અમે ૨૦૦ બાલ્ટી કાઢ્યું. પણ કુતરું તો અંદર છે.. સાહેબ! તમે એ ક્યાં કાઢવાનું કીધું હતું…
રાગ અને દ્વેષનું કુતરું અંદર છે, તમે કહો મેં પ્રતિક્રમણ કરી લીધું. કેમ ભાઈ પેલાની જોડે બોલવાનું? અરે હોય બોલવાનું… એની જોડે તો આમ… તો પ્રતિક્રમણ શાનું કર્યું પછી… સકલ જીવરાશિ જોડે મિચ્છામી દુક્કડમ્ કરવું છે… તમે કોની જોડે? સકલ સંઘ સાથે અને સકલ જીવરાશિ સાથે? તો એ જીવ નથી એ? એટલે ક્ષમાપના એવી કરો જે તમારા અંતરને વિશુદ્ધ કરી નાંખે. તમે એમ કહી શકો કે ચોથની સાંજે પ્રતિક્રમણ કર્યું, મારા મનના ખૂણાની અંદર એક વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર નથી, નથી, અને નથી. આ ક્ષમાપના પર્યુષણ પર્વનું કર્તવ્ય અને એ નિર્મળતા આપે.
ચોથું કર્તવ્ય અટ્ઠમ. અટ્ઠમ અહીં તપશ્ચર્યા રૂપે નથી. દંડ રૂપે છે. વિચાર તો કરો, એક વર્ષની અંદર અજાણતા જે પણ પાપ થયું હોય એનો દંડ કેટલો? અટ્ઠમનો તપ. સાહેબ અટ્ઠમ નથી થતો, ત્રણ છુટા ઉપવાસ કર, સાહેબ ઉપવાસ નથી થતાં, છ આયંબિલ કર, ૧૨ એકાસણા, ૨૪ બેસણા, છેવટે ૬૦ નવકારવાળી પણ ગમે તેમ કરીને પણ અટ્ઠમનો તપ પૂરો કરવાનો. તો અહીંયા અટ્ઠમ તપશ્ચર્યા રૂપે નથી દંડરૂપે છે. કે વાર્ષિક જે ભૂલો થઇ ગઈ અજાણતા, એની માફી, એનું પ્રાયશ્ચિત અટ્ઠમના તપથી થઇ જાય. જાણી જોઇને જે પાપ થયું એ તમારે લેવાનું હોય છે, એકવાર ભવઆલોચના લઇ લો, પછી દર વર્ષે તમારે પ્રાયશ્ચિત લેવાનું હોય. પણ અજાણતા જે પાપ થયું એ બધું જ પાપ આ અટ્ઠમના દંડથી તમારું વિસર્જિત થઇ શકે.
અને છેલ્લું કર્તવ્ય છે ચૈત્યપરિપાટી. આપણા દેરાસરે તો રોજ આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ. સંઘની સાથે કોઈ તીર્થમાં, કોઈ સરસ મજાના દેરાસરે જઈએ, સમુહમાં જઈએ, સમુહમાં ભક્તિ કરીએ, અને ખાસ તો કૃતજ્ઞતા નિવેદન છે, જે પ્રભુની કૃપાથી પર્યુષણ મહાપર્વની આરાધના સરસ રીતે થઇ એ પ્રભુના ચરણોની અંદર એ સાધનાનું પુષ્પ સમર્પિત કરવા માટે અને આપની કૃપાથી આ સાધના થઇ એનો અભાર માનવા માટે આપણે એ રીતે પ્રભુના દર્શન માટે જઈએ એ ચૈત્યપરિપાટી.
એટલે પાંચ કર્તવ્યોમાં બે વાત ઉપર ભાર મુક્યો. કોમળતા અને નિર્મળતા. ચૈત્યપરિપાટીમાં પ્રભુની પાસે ગયા, અને એ પ્રભુનું દર્શન કરો, આંખમાંથી આંસુની ધાર વરસે, અને એ આંસુની ધાર તમારા હૃદયને નિર્મળ બનાવે. અટ્ઠમના તપથી પણ નિર્મળતા, ક્ષમાપનાથી પણ નિર્મળતા. અને ચૈત્યપરિપાટી દ્વારા પણ નિર્મળતા. અને અમારિપ્રવર્તના અને સાધર્મિક ભક્તિ દ્વારા હૃદયની કોમળતા. તો હૃદયને કોમળ કોમળ બનાવી દઈએ. હૃદયને નિર્મળ નિર્મળ બનાવી દઈએ. પ્રભુના ચરણોમાં પ્રાર્થના મુકીએ કે પ્રભુ તારી કૃપાથી અમારું હૃદય કોમળ બને. અમારું હૃદય નિર્મળ બને.