વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: વાર્ષિક અગિયાર કર્તવ્યો
પ્રભુએ અદ્ભુત સાધના આપી, અને સદ્ગુરુએ એ સાધનાના માર્ગ પર મને ચાલતો કરી દીધો. – પ્રભુના, સદ્ગુરુના આ ઋણમાંથી મુક્ત થવા માટે અગિયાર કર્તવ્યો આવ્યા. વર્ષ દરમિયાન જે અગિયાર કર્તવ્યો કરવાની વાત છે, એ ઋણમુક્તિના સ્તર ઉપર છે.
સ્નાત્રપૂજામાં બે પૂજા મહત્વની છે : અભિષેક પૂજા અને પુષ્પ પૂજા. અભિષેક પૂજામાં અભિષેક હું પ્રભુનો કરું અને નિર્મળ મારી જાત બને! અને પ્રભુના ચરણોની અંદર પુષ્પ મૂકું અને મારી જાત કોમળ બને! આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
ભાગવતી સાધનાના ત્રણ આયામો છે. સ્વાધ્યાય એ લંબાઈ, અનુષ્ઠાન એ પહોળાઈ અને અનુભૂતિ એ ઊંડાણ. સામાયિકના સૂત્રોનો અર્થ ઊંડાણથી જાણવો – એ સાધનાની લંબાઈ. સામાયિક લેવાની વિધિ તમે properly અને perfectly કરો – એ સાધનાની પહોળાઈ. સામાયિકની સાધનાનું ઊંડાણ એટલે સમભાવની અનુભૂતિ.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૬
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
ભાગવતી સાધનાના ત્રણ આયામો છે: લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. સ્વાધ્યાય એ લંબાઈ છે, અનુષ્ઠાન એ પહોળાઈ છે અને અનુભૂતિ એ ઊંડાણ છે. સામાયિકની ક્રિયા તમે કરી રહ્યા છો. એ પવિત્ર ક્રિયામાં જે સૂત્રો બોલવાના હોય છે, એ સૂત્રોનો અર્થ ઊંડાણથી તમે જાણેલો છે, તો સાધનાની લંબાઈ તમને મળી જશે. સામાયિક લેવાની વિધિ તમે properly અને perfectly કરો છો, તો સાધનાની પહોળાઈ પણ તમને મળી જશે. કાયોત્સર્ગ વિધિપૂર્વક કરો, મુહપત્તિ ૫૦ બોલ પૂર્વક પલેવો, એક – એક ખમાસમણ સત્તર સંડાસા પૂંજવા પૂર્વક આપો. તો તમારી સાધનાની પહોળાઈ તમને મળે. પણ where is the death? ઊંડાણ ક્યાં છે? ઊંડાણ એટલે સમભાવની અનુભૂતિ. એ ૪૮ મિનિટ તમારો ઉપયોગ સમભાવમાં એવો ડૂબી ગયેલો હોય, કે સામાયિક પારવાની ક્રિયા પણ થઇ જાય, તમે ઘર તરફ પણ ચાલો, ઘરે પહોંચી પણ જાવ, પણ એ જે સમભાવની અનુભૂતિ તમે માણી છે…. એ ઘરે ગયા પછી પણ તાત્કાલિક છૂટી ન જાય, તો આપણા સાધનાની લંબાઈ ને પહોળાઈ કદાચ તમારી પાસે છે. પણ ઊંડાણ વિના નહિ ચાલે. પૂજા કરવા તમે ગયા, વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી. ચૈત્યવંદન સૂત્રોનો અર્થ ઊંડાણથી તમે જાણેલો છે, તો લંબાઈ અને પહોળાઈ બે આયામ મળી ગયા. But where is the death? ઊંડાણ ક્યાં? પ્રભુની વિતરાગદશાની આંશિક અનુભૂતિ તમને થાય… તો જ તમે કહી શકો કે મારી પૂજા અનુભૂતિથી સભર બની છે. અનુભૂતિને ધીરે ધીરે ધીરે ભીતર કેમ પ્રસરાવવી, એના માટે ઘણી બધી રીતો મહાપુરુષોએ આપણને આપી છે. એક નાનકડી વાત લઈએ, અને એના પર અનુભૂતિનો સ્પર્શ કઈ રીતે થાય છે એ જોઈએ…
મહાવિદેહક્ષેત્રમાં સીમંધર દાદા આદિ વિચરી રહ્યા છે, તીવ્ર ઝંખના થાય કે એ દાદાનું દર્શન મને મળી જાય. એ દાદાના સમવસરણમાં પહોચી જાવ, એમની દેશનાને પણ સાંભળી લો.
આ એક જે ઝંખના છે, એ ઝંખનાની પૂર્તિ માટે ત્રણ મહાપુરુષોએ ત્રણ માર્ગ બતાવ્યા. અને એક પછી એક માર્ગ ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ થતો ગયો. પહેલા માર્ગ એ બતાવ્યો. કે પ્રભુ તારી સેવામાં કરોડો કરોડો દેવો છે, એક દેવને મારી પાસે મોકલ. હું મહાવિદેહ મારી શક્તિથી આવી શકું એમ નથી. પણ તું એક દેવને મોકલ પ્રભુ… એ દેવ મને ત્યાં લઇ જાય, તારું દર્શન અને તારી દેશનાનું શ્રવણ મને થઇ જાય. આ પહેલો માર્ગ.
બીજો માર્ગ ભક્તિયોગાચાર્ય માનવિજય મહારાજે બતાવ્યો. એમણે માત્ર થોડી એક્ષપાન્ડ કરી, એ કહે કે પ્રભુ હું ત્યાં આગળ આવું તો એકલાને મને તારું દર્શન થાય. પ્રભુ તું જ ભરતક્ષેત્રમાં આવી જા ને. બધાને તારું દર્શન થઇ જાય. “શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો, કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો”
ત્રીજો માર્ગ જ્ઞાનવિમલસૂરિ મહારાજે બતાવ્યો. એમની વિભાવના એટલી તો મજાની છે, કે સાંભળતા જ આપણે ખુશ થઇ જઈએ. એમણે કહ્યું જ્યાં મહાવિદેહ છે, જ્યાં પુંડરીકગિરિ આદિ નગરીઓ છે, ત્યાં પ્રભુ બિરાજે છે. બરોબર? તો મારી અંદર મહાવિદેહ ખડું કરી દઉં, મારી અંદર વિજય નામનો પ્રદેશ ખડો કરી દઉં, અને મારી ભીતર પુંડરીકગિરિ આદિ નગરીઓ ખડી કરી દઉં. પછી પ્રભુને ૨૪ કલાક મારી અંદર રહેવું પડે.
બહુ પ્યારી કડી એમને આપી, ‘વિજય છે શુદ્ધ મુજ ચેતના, ભક્તિ નગરી નિરુપાધિ; તિહાં વસે છે મુજ સાહિબો, જિહાં સુખ છે સહજ સમાધિ…’ તિહા વસે છે મુજ સાહિબો – જ્યાં મહાવિદેહ, જ્યાં વિજય નામનો પ્રદેશ, જ્યાં પુંડરીક ગિરિ આદિ નગરીઓ, ત્યાં પ્રભુ બિરાજમાન. મારી અંદર મહાવિદેહ છે. મારી અંદર વિજય નામનો પ્રદેશ છે, મારી અંદર પુંડરીકગિરિ આદિ નગરીઓ છે. પછી તિહા વસે છે મુજ સાહિબો. પ્રભુ જ્યાં વસે છે, અને પ્રભુ આવે એટલે શું થાય? જિહા સુખ છે સહજ સમાધિ – પ્રભુ ભીતર આવ્યા એટલે પ્રસન્નતા જ પ્રસન્નતા. આનંદ જ આનંદ.
સમાધિ શબ્દનો અર્થ એ કે ચિત્ત આનંદપૂર્વક જે પરિસ્થિતિમાં રહે એ પરિસ્થિતિનું નામ સમાધિ. પ્રભુ અંદર આવી ગયા, હવે ૨૪ કલાક સમાધિ. પણ એ સમાધિને એક વિશેષણ લગાડ્યું, સહજ સમાધિ. સહજ સાથે જન્મે. તમારી નિર્મળ સત્તા કેવી છે? સહજ. અત્યારે કર્મોનું આવરણ ઉપર આવ્યું છે, બાકી કોઈ પણ જ્ઞાની પુરુષ તમને જોશે ને ત્યારે તમારી નિર્મળ ચેતનાને જોવે છે.
જ્ઞાનસારના પહેલા શ્લોકમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ લખે છે, “સચ્ચિદાનંદપૂર્ણેન, પૂર્ણમ્ જગદવેક્ષ્યતે” સિદ્ધ પરમાત્મા જે પૂર્ણ બનેલા છે, અરિહંત પ્રભુ જે પૂર્ણ બનેલા છે, એ આપણને બધાને પૂર્ણ તરીકે જોવે છે. સિદ્ધ ભગવંત તમને કઈ રીતે જોવે છે? આ દેહધારી તરીકે તમને જોતા નથી, તમારા દેહમાં રહેલ જે નિર્મળ ચેતના છે એને સિદ્ધ ભગવંતો જોવે છે. એક મજાનું conclusion નીકળ્યું છે, કે પૂર્ણ આત્મા હોય એ બધાને પૂર્ણ તરીકે જોવે છે. આપણે અપૂર્ણ છીએ એટલે આપણે બધાને અધૂરા તરીકે જોઈએ છે. તમને કોઈ પૂર્ણ લાગે ખરું? આનામાં તો ગુસ્સો બહુ છે, આનામાં અહંકાર બહુ છે, આનામાં આ છે. તિહા વસે છે મુજ સાહિબો, જિહા સુખ છે સહજ સમાધિ – હવે બોલો જ્ઞાનવિમલસૂરિ મહારાજે તો પોતાની ભીતરી દશાને મહાવિદેહમાં ફેરવી નાંખી. વિજય નામના પ્રદેશમાં પણ ફેરવી નાંખી. અને પુંડરીકગિરિ આદિ નગરીની દશામાં પણ ફેરવી નાંખી. તમારો શું વિચાર છે બોલો… છે ઈચ્છા?
મહાવિદેહમાં જવું, આમ તો રાડો પાડો હો.. આઠ વર્ષમાં નાની વયમાં સંયમ લેવું સ્વામી કને, અત્યારે મહાવિદેહ આપી દઉં… છો તૈયાર? એક ભાઈ મળેલો, સીમંધરદાદા મૂળનાયક તરીકે અને એને આજ સ્તુતિ લલકારી, પ્રભુ કૃપા કર, આવતાં જનમમાં મહાવિદેહમાં જન્મ, આઠ વર્ષની નાની વયમાં સંયમ લેવું સ્વામી કને, અને પછી ઘાતી – અઘાતિ કર્મોનો નાશ કરી અને મોક્ષે ચાલ્યો જાઉં. એ ભાઈ બહાર નીકળ્યો, હું પણ દેરાસરમાંથી બહાર નીકળ્યો. મેં કહ્યું; તમારું future planning તો બહુ સારું છે, આવતાં જન્મનું planning તો બહુ સારું છે. આ જન્મમાં શું મેં કીધું… આવતાં જન્મનું planning તો નક્કી કરી નાંખ્યું, મહાવિદેહમાં અવતાર, આઠ વર્ષની વયમાં દીક્ષા, અને નાની જ વયમાં કેવલજ્ઞાન ને મોક્ષ. Future planning તમારું મને ગમી ગયું મે કીધું, પણ આ જન્મમાં શું? મને કહે આ જન્મમાં દીક્ષા એ નહિ અને કાંઈ નહિ… મેં કીધું કે કેમ એમ? મને કહે હું હોલસેલનો વેપારી છું, તમારી પાસે દીક્ષા લઉં તમે કેવલજ્ઞાનની ખાતરી આપો છો અત્યારે મને?… મારે રીટેલ ન જોઈએ, હોલસેલ, દીક્ષા, કેવલજ્ઞાન ને મોક્ષ. તમારે શું જોઈએ બોલો…
તો ભીતર મહાવિદેહ ખડું કર્યું, બહુ મોટી બાબત નથી, દેહમાં રહેવા છતાં ઉપયોગ, મન શરીરમાં ન રહે, પ્રભુમાં રહે. રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર હતું, શિષ્યોએ કહ્યું ગુરુદેવ! આપ તો એવા ભક્ત છો, કે પ્રભુની પાસે પ્રાર્થના કરો, એટલે પ્રભુ એ પ્રાર્થનાને સ્વીકારે જ. આપના માટે લાંબુ જીવવું આવશ્યક નથી, પણ અમારા માટે તમારું ઉપનિષદ જરૂરી છે. આપ માત્ર હશો, આપના દેહમાંથી જે ઉર્જા નીકળશે એ અમને purify બનાવશે. અને એટલે આપ પ્રભુની પાસે પ્રાર્થના કરો કે કેન્સર મટી જાય. પરમહંસ હસ્યા. બે દિવસ પછી ફરી શિષ્યોએ પૂછ્યું, સાહેબ! પ્રભુને પાર્થના કરી, એ વખતે એમણે કહ્યું, કે મેં મારું મન પ્રભુમાં એ હદે લીન કરી નાંખ્યું છે, કે એને ત્યાંથી ખેંચીને, ત્યાંથી ઉપાડીને નાનકડા શરીર ઉપર focus કઈ રીતે કરવો. દેહમાં રહેવા છતાં એ દેહાધ્યાસથી પર હતા.
Living with the Himalayan masters માં સ્વામી રામ એક સરસ વાત લખે છે, આજના યુગના પ્રસિદ્ધ હિંદુ યોગી નીમ કરોલી બાબાની સાથે એમને રહેવાનું થયું. સત્સંગ માટે. એ નોંધે છે કે બપોરે ૧૨ વાગે એક ભક્ત આવ્યો, રોટી, શાક, મીઠાઈ, બધું લઈને આવ્યો, બાબા! “યે પ્રસાદી ગ્રહણ કરો”, બાબાએ ભોજન લીધું, ૧૫ એક મિનિટ થઇ હશે, બીજો ભક્ત આવ્યો, બાબા યે પ્રસાદ? યે ગુલાબજાંબુ. બાબા કહે લાવો, બાબાએ ખાઈ લીધું, ફરી ૧૫ મિનિટ થઇ અને બીજો એક ભક્ત આવ્યો, બાબા યે રસગુલ્લે? લાવો… એ વખતે સ્વામી રામ બાબાના કાનમાં કહે છે, બાબા તો ભોજન હો ગયા, રોટી, શાક, મિષ્ટાન સબ આપને લે લિયા, બાદ મેં ગુલાબજાંબુ ભી લે લીયા આપને… અચ્છા અચ્છા એસા હૈ? ભોજન હો ગયા હૈ આજ કા? તો ચાલો, અબ નાહી ચાહિયે. લે જાઓ. હમણાં એમને ભોજન કયું છે, એમને ખ્યાલ નથી મેં ખાધું કે ન ખાધું… એવા પરમહંસો આજે છે. જેમને ખવડાવવામાં આવે, તો દિવસમાં ૧૦ વાર ખાઈ લે છે. કોઈ ખાવાનું ના આપે તો અઠવાડિયા સુધી એમને ખાવાનું યાદ નથી આવતું.
ઉપવાસની એક બહુ સરસ વ્યાખ્યા કરાઈ છે, ભોજનની યાદ જ્યાં ન આવે એ ઉપવાસ. ખાવાનું જ ભુલી જાવ. પ્રભુની ભક્તિમાં એવા ડૂબી જાવ, ખાવાનું જ ભુલી જાવ એ ઉપવાસ.
મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિદાદા. સાહેબના જીવનની એક ઘટના કહું, કે એ પણ કેવા દેહાતીત હતા, સાહેબની વય લગભગ ૯૦ વર્ષની, એ વખતે અમે ભોયણી તીર્થે ગયેલા. સાંજના સમયે સાહેબજીના નખ કાપવામાં આવ્યા, નેલ કટરથી. સહેજ અંધારું થઇ ગયેલું, નેલ કટર ત્યાં એમની કોમળ ચામડીને લાગી પણ ગયું હશે. કોઈ ખબર અમને નહિ, સવારે ૬ વાગે ગુરુદેવના પડીલેહણ માટે ગયા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઇને નવાઈમાં પડી ગયા. સાહેબજીનો એક પગ, જમણો પગ પગની પાનીથી ઢીંચણ સુધી એકદમ કાળો થઇ ગયેલો, black. પહેલા તો ખ્યાલ નહિ આવ્યો કાળો કેમ થઇ ગયો… આ તો સાહેબજી તો ધોળા વર્ણના હતા, પછી પ્રકાશ વિગેરેથી બરોબર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે હજારો કીડીઓ પગે જામી ગયેલી, કદાચ લાખો હશે, એ નેલ કટરથી જે કાપવામાં આવેલો નખ, એમાં ક્યાંક નેલ કટર લાગી ગયું, એ ભાગ પાછળથી ક્યારેક દબાયો, સહેજ લોહી નીકળ્યું, લોહીની ગંધે ગંધે આ કીડીઓ આવી ગયેલી. એક કીડી ડંખ મારે વેદના થાય છે આપણને, હજારો કીડીઓ…! સાહેબજીને કહ્યું, સાહેબજી! આપને કોઈ પીડા ન થઇ…? પહેલાં તો તરત જ જયણાપૂર્વક બધી જ કીડીઓને ધીરે ધીરે ધીરે કાઢી લીધી. Dressing વિગેરે કરી લીધું. પછી કહ્યું સાહેબજી! આપે અમને જગાડ્યા કેમ નહિ?
એ વખતે ગુરુદેવે કહ્યું કે હું ૧૨ વાગે રોજ જાગું છું રાતે, ૧૨ વાગે ઉઠ્યો ત્યારે સહેજ પીડા જેવું લાગતું હતું, પણ મને પેલો અળસિયો વા એટલે એ વા ગમે ત્યારે ફરતો હોય અને ગમે ત્યાં ડંખ મારતો હોય, એટલે મને એમ કે અળસિયા વા ને કારણે થોડી તકલીફ થાય છે. પણ એ પછી હું તો જાપમાં બેસી ગયો, સૂરિમંત્રના, જાપ પૂરો થયો ૪ – ૪.૩૦ એ પછી પ્રતિક્રમણ માં બેઠો, અને એ ક્રિયામાં મારું મન હોય ત્યારે મને ખ્યાલ ક્યાંથી આવે કે કીડીઓ ડંખ મારે છે…?! ઉપયોગ જ્યારે જપમાં છે, ઉપયોગ જ્યારે ક્રિયામાં છે, ત્યારે એ ઉપયોગ શરીરમાં કઈ રીતે focus થઇ શકે…?
આપણી એક પણ ક્રિયામાં આપણે totally ઉપયોગ હાજર રાખી શકીએ છીએ….? એક મચ્છર કરડે તો ય… ચરવળો આમ આમ થઇ જાય. દેહમાં રહેવા છતાં, દેહની પરવા જેટલી બને એટલી ઓછી કરો. આ દેહ છે ને.. હું પણ થોડો થોડો એને ખોરાક આપી દઉં છું. હું પણ દવા લઇ લઉં છું પણ શા માટે…? એક મુનિનો ઉદ્દેશ છે કે શરીર દ્વારા જેટલી બને એટલી વધુ સાધના કરે, એટલે મુનિનું ભોજન એ નિર્જરા માટે છે. વર્ષીતપવાળો વર્ષીતપ કરે, સાંજે ૪ વાગે બેઠેલો હોય, શીરો, ભાખરી ને શાક, બધું લઈને… અત્યારે શું માંડ્યું પણ આ, મારે વર્ષીતપ છે, આવતી કાલથી છટ્ઠ લેવાનો છે, હાથ જોડાય જાય? એનું ભોજન પણ ઉપવાસ જોડે સંબદ્ધ છે. તો મુનિની ભોજનની ક્રિયા, વાપરવાની ક્રિયા એ પણ નિર્જરાની છે.
તમારે મહાવિદેહમાં રહેવું છે બોલો…? દેહની થોડી શુશ્રુતા કરવાની છૂટ આપી, પણ દેહ તે હું આ માન્યતા રહે નહિ, હું એટલે કોણ? રાત્રે ૧૨ વાગે આમ ઊંઘમાંથી જગાડે પૂછે કોણ? હું નીરજ, હું વિરાંશ.. શું પણ…! આ તો તારા શરીરની identity છે, તારી પોતાની identity ની વાત કર ને… તું કોણ છે? એક બહુ મજાનો સવાલ તમને કરું, આપણી કોઈ પણ સાધના શેના માટે થાય છે? આપણી દરેક સાધનાનો હેતુ એક જ છે, આત્માનું નીર્મલીકરણ. મારો આત્મા કર્મના ભારથી મલિન બનેલો છે મારે એને નિર્મળ બનાવવો છે. હવે હું એટલે શરીર, હું એટલે આત્મા, તમારા dictionary માં છે જ નહિ તો સાધના કોના માટે કરો છો? હું એટલે આત્મા. મારો આત્મા સત્તા રૂપે નિર્મલ છે. પણ અત્યારે રાગ – દ્વેષથી ઘેરાયેલો છે. કર્મોથી ઘેરાયેલો છે. એ કર્મોની જાળને મારે તોડવી છે, માટે હું સાધના કરું છું. એટલે હું એટલે આનંદઘન આત્મા. આ જ્યાં સુધી નક્કી ન થાય, ત્યાં સુધી સાધના સપ્રાણ નહિ બને.
કોઈ માણસ છ’રી પાલિત સંઘમાં ચાલતો હોય, લખ્યું હોય ૧૫ કિલોમીટર. ૧૨ કિલોમીટર કપાઈ ગયા ને શું લાગે, હવે ૩ કિલોમીટર રહે, પછી બે કિલોમીટર કપાઈ ગયા, હવે એક જ રહ્યું, ત્યાં પેલું તંબુવાળું નગર એને દેખાવા માંડે. એની મંઝિલ શું હતી, એ તંબુઓનું નગર. એમ તમારી મંઝિલ શું છે…? સાધનાનો માર્ગ, પણ એ માર્ગ દ્વારા પામવાનું શું છે? આત્માની નિર્મળતાને પામવાની છે. તો હું એટલે આત્મા આ જ જો નક્કી ન થાય તો નિર્મલ કોને બનાવવાનો…? તો પહેલું મહાવિદેહ. દેહમાં રહો, દેહની ખબર ઓછી રાખો. આ ૬૪ પ્રહરી પૌષધમાં આવી ગયા, એટલે શું થયું… ‘શરીર સક્કાર પોષહં’ શરીરનો કોઈ સત્કાર કરવાનો નહિ, દેહને ભુલી જવાનો, શરીરને ભુલી જવાનું. માત્ર હું એટલે આત્મા એ પાકું કરીને જવાનું. અને આઠ દિવસમાં એવું પાકું થાય ને તો પછી કોઈ પૂછે ને શું નામ? નામ ભુલી ગયા હોવ તમે… હું, હું કોણ? હું આનંદઘન આત્મા. શરીર આ જન્મમાં મળ્યું, નામ પાછળથી society એ આપ્યું. એ નામ સાથે આટલી બધી ઘનિષ્ટતા! હું એટલે આ. હું એટલે આ… હું એટલે આ… હવે આ ખોટું ગોખેલું છે ને…? એને મારે સુધારવાનું છે. આમ છે ને નવું ભણાવવું બહુ સહેલું.. તસ્સ ઉત્તરી, વિગેરે સુત્રો… ખોટું ગોખીને આવ્યા હોય ને એને સુધારવા બહુ મુશ્કેલ. આ તમારું ખોટું ગોખાઈ ગયું, હું એટલે આ… ભાઈ હું એટલે આ નહિ, હું એટલે આ.
હવે મહાવિદેહ પછી વિજય નામનો પ્રદેશ, જ્યાં આવે ભારત રાજ્ય એમાં ગુજરાત, મહારાષ્ટ્ર… તો વિજય નામનો પ્રદેશ અંદર કયો? વિજય તે શુદ્ધ મુજ ચેતના. મારી શુદ્ધ ચેતના જે એકદમ નિર્મલ છે, તમે એકદમ નિર્મલ છો, અને એ જ તમારી નિર્મલતાને અમે જોઈએ છીએ.
શ્રીપાળ મહારાજાએ પણ ધવલમાં શું જોયેલું, ધવલશેઠની એ નિર્મલતાને જોઈ. સમ્યગ્દર્શન થાય, આત્માનુભૂતિ થઇ ગઈ, એટલે શ્રીપાળ ધવલશેઠમાં રહેલ નિર્મલ ચૈતન્યને જોવે… અને જ્યાં નિર્મલ ચૈતન્ય ત્યાં મારો પ્રેમ. તો વિજય છે શુદ્ધ મુજ ચેતના. અને પછી બહુ મજાનું combination આપ્યું. આપણી આખી સાધના સમર્પણ અને સાક્ષીભાવથી બનેલી છે. આપણી સાધનાનું composition શું? સાક્ષીભાવ + સમર્પણ. એકલો સાક્ષીભાવ હશે તો કોરો પડી જશે. એ સાક્ષીભાવ સાક્ષીભાવ કરતો રહેશે અને હું સાક્ષીભાવની ટોચ ઉપર પહોંચ્યો, એવો અહંકાર પાછલા બારણેથી ઉભો કરશે. એટલે સાક્ષીભાવમાં સમર્પણ ઉમેરાવું જોઈએ. સમર્પણ આવ્યું પ્રભુના ચરણોમાં એ ઝુકી ગયો, પ્રભુ તે જ બધું મને આપ્યું છે. મારું કંઈ કર્તૃત્વ છે નહિ, એટલે અહંકાર આવવાની કોઈ શક્યતા નહિ. સમર્પણ જે છે એમાં સાક્ષીભાવને ઉમેરવો છે. કારણ કે એકલો સમર્પણ તમે માનતા હોવ સમર્પણ પણ એ તમારી અપેક્ષાજન્ય સમર્પણ હોય. ગુરુ દ્વારા તમારી અપેક્ષા પુરી થતી હોય, ગુરુ તમને કહેતાં હોય કે વાહ બહુ સરસ, તમારી સાધના બહુ સરસ ચાલે છે. તમે બહુ સરસ સેવા કરો છો. અને એના કારણે તમે રાજી થઇ જાવ… તો એ સમર્પણ સાચું સમર્પણ નથી. એ તો ગુરુએ પંપાળ્યા, એટલે ગુરુ પ્રત્યે પ્રેમ આવે. જ્યાં અપેક્ષા પૂર્તિનો પ્રેમ છે. નહિ કે સમર્પણ. એટલે સાક્ષીભાવ જો આવેલો હોય, પોતાની જાત પ્રત્યેની નિર્અહંકાર દશા આવેલી હોય તો સમર્પણ સાચું.
તો અહીંયા પણ કહે છે, કે ‘ભક્તિ નગરી નિરૂપાધિ’ હવે પુંડરીકગિરિ આદિ નગરીઓ કઈ…? તો નિરૂપાધિ ભક્તિ એ નગરી. ભક્તિને વિશેષણ આપ્યું – નિરૂપાધિ. Devotion for devotion. ભક્તિ માટે ભક્તિ. ત્યાં સુધી કહ્યું કે મોક્ષ માટે પણ ભક્તિ ભક્તને જોઈતી નથી. પ્રભુ મારો મોક્ષ થાય માટે તારી ભક્તિ કરું… તો મોક્ષ મારો નંબર એક પર થયો, તારી ભક્તિ નંબર બે ઉપર આવી. પ્રભુ આવો મોક્ષ મને મંજુર નથી. એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે, ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું, “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગો” મુક્તિ કરતાં પણ તારી ભક્તિ મને વધુ ગમી ગઈ છે. અને ભક્તિ છે તો મોક્ષ મળવાનો જ છે મને… મારે મોક્ષ માટે બીજી કોઈ મહેનત કરવાની જરૂર નથી.
તો દેહથી પર બન્યા એટલે મહાવિદેહ અંદર ખડું થયું. હું એટલે નિર્મલ ચૈતન્ય, હું એટલે આનંદઘન ચૈતન્ય. આવી સ્પષ્ટ સમજુતી – અનુભૂતિ એ વિજય નામનો પ્રદેશ અને ભક્તિ માટેની ભક્તિ. માત્ર ભક્તિ કરવી છે. તો એ ભક્તિ માટેની ભક્તિ નિરૂપાધિક ભક્તિ એ છે પુંડરીકગિરિ આદિ નગરી. બોલો આ બધું અંદર થાય કે ન થાય…? અઘરું છે આમાં કંઈ? It is so easy. બહુ સરળ છે. You can do this if you desire. તમારી સંકલ્પશક્તિ હોય તો આ કંઈ અઘરું નથી.
તો આપણી સાધનાને ઊંડાણ આપવા માટે મહાપુરુષોએ કેટલી બધી મહેનત કરી છે. આવતી કાલે પણ સાધનાના ઊંડાણ માટેનો એક નવો જ એંગલ આપણે ચર્ચીશું. હવે આ સાધનાનું ઊંડાણ. જે પ્રભુએ આપણને આપ્યું, જે સદ્ગુરુએ આપણને આપ્યું, સતત એક ભાવ થાય કે એમના ઋણમાંથી મુક્ત કેમ થવું… કેવા આપણા નિર્ગ્રંથ ગુરુઓ છે. જેમને તમારી પાસેથી કાંઈ જ જોઈતું નથી. અને તમે કહો તો કલાક, તમે કહો તો બે કલાક, તમે કહો તો ત્રણ કલાક પ્રવચન આપે છે. આજે એવા motivators છે, motivation ના orators કે જે શિવખેરા જેવા એક લેક્ચર ના ૧૦ = ૧૦ લાખ રૂપિયા લે છે. એક વ્યક્તિ. દોઢ કલાકનું પ્રવચન સીધા જ ૧૦ લાખ રૂપિયા. અને આપણા સદ્ગુરુઓ હજારો ગ્રંથો વાંચીને એનો અર્ક તમને એકદમ સરળ ભાષામાં આપી દે, એટલે મફત મળે છે એની કિંમત ઓછી થઇ ગઈ, એવું છે…? ચોથના આરાધના આપણી ટોચ પર જશે, પાંચમથી પછી આરાધનાને આપણે નીચે નથી જવાની હો, તમને ખાલી ચાર દિવસનો આરામ આપવાનો છે, થાકી ગયા હોવ તો, ૫મી સપ્ટેમ્બરથી આપણે સાધનાના સઘન ઊંડા આયામો માં પ્રવેશ કરવાનો છે. અત્યાર સુધીના પ્રવચનો, ૩૬ પ્રવચનો માત્ર અને માત્ર એક પરમપ્રેમ શબ્દ ઉપર થયા. પણ એ પ્રભુનો પરમપ્રેમ જ્યારે આવે, ત્યારે પરમપ્રેમમાં ડૂબેલો ભક્ત કઈ દશામાં હોય, એ સાધનાના કયા stage પર હોય, એની વાતો પર્યુષણ પછીની વાચનાઓમાં શરૂ થશે.
કોશિશ એ છે કે જે તમે ક્યારેય પણ સાંભળ્યું ન હોય. એ તમને સંભળાવવું. એટલા માટે કે મારે છે ને ઘણી બધી કોશિશ ભેગી કરવાની હોય છે. તમારા કાનને પકડવા, તમારા conscious mind ને પકડવું, અને તમારા unconscious માં ઉતરવુ. મારે ત્રણ કામ એક સાથે કરવાના. અને કાન અને conscious mind બે ને પકડવા હોય ને તો મારે એકદમ નવી નવી વાતો કરવી પડે. સહેજ પણ જૂની વાતો આવી તો જોઈએ લો, કલ્પસૂત્રના પ્રવચનમાં જોજો, પોપચા ઢળી જવાના, સમાધિ આવી ગઈ. એટલે હું ૩ કોશિશ સાથે કરું છું. તમારા કાનને નવીનતા મળે, તમારા મનને એકદમ નવીનતા મળે, અને સાથે એ પ્રભુના પ્યારા શબ્દો તમારા અસ્તિત્વના સ્તર પર unconscious mind ના લેવલ પર ઉતરે. આવી એક કોશિશ કરવાની છે.
હું ઘણીવાર કહું કે અર્જુને રાધાવેદ કર્યો ને એના કરતાં અમારું કામ અઘરું. રાધાવેદમાં શું હોય તમને ખબર… રાધા નામની પુતળી હોય લાકડાની, એ આમ ચક્કર ચક્કર ફરતી હોય, હવે એની આંખ વીંધવી એ સહેલું કામ છે પણ એની નીચે ૪ – ૫ ચક્કર હોય છે. એક આમ ફરે, બીજું આમ ફરે. એક ઝડપથી ફરે, એક ધીમેથી ફરે. નીચે પાણીનો હોજ છે, હોજમાં નજર રાખવાની, એવી એક appropriate સેકંડ આવવી જોઈએ, કે જે સેકંડે બધા ચક્રોને સમાંતર એ પુતળીની આંખ આવેલી હોય. એ સેકંડે એ પ્રતિ સેકંડ ને પકડો એ જ ક્ષણે બાણ છૂટે, અને બધા જ ચક્રોને સમાંતર એ રાધાની આંખને વીંધી નાંખે. પણ અમારું કામ તો બહુ અઘરું, ત્યાં તો ૪ – ૫ ચક્રો હતા, અહીં તો કેટલા બધા ચક્રો – conscious, subconscious, અને conscious ના અને subconscious, અને unconscious ના કેટલા જ પેટા ભેદો પાછા… એક મન ઘરે ગયેલું ને, એક ઓફિસે ગયેલું હોય, ત્રીજું મહેમાનને ત્યાં ગયેલું હોય, ને ચોથું વેવાઈને ત્યાં ગયેલું હોય. સાચું કહેજો, એક – દોઢ કલાકના પ્રવચનમાં તમે સંપૂર્ણતયા હાજર હોવ એવી ક્ષણો કેટલી હોય…? બહુ ઓછી.
તો આ સાધના જે સદ્ગુરુએ આપણને આપી છે, જે પ્રભુએ આપણને આપી છે, એના ઋણમાંથી મુક્ત કેમ થવું… આ વિચાર સાધકના મનમાં સતત ચાલતો હોય. અને એટલે વર્ષ દરમિયાન જે અગિયાર કર્તવ્યો કરવાની વાત છે, એ ઋણમુક્તિના સ્તર ઉપર છે. મારા પ્રભુએ મને આટલી અદ્ભુત સાધના આપી, મારા સદ્ગુરુએ એ સાધનાના માર્ગ પર મને ચાલતો કરી દીધો… આ પ્રભુના, આ સદ્ગુરુના આ શ્રી સંઘના ઋણમાંથી હું મુક્ત કઈ રીતે થઈશ… સતત ઋણમુક્તિની વાતનું એક ઘમ્મર વલોણું અંદર ચાલતું હોય, અને એના કારણે આ ૧૧ કર્તવ્યો આવ્યા. આ ૧૧ કર્તવ્યોને માત્ર શરીરના સ્તર પર કરવાના નથી. માત્ર પૈસાના સ્તર પર કરવાના નથી. સાધર્મિક ભક્તિમાં ૫૦૦૦ હજાર લખાવી દો. કર્તવ્ય પૂરું આપણું… એ વાત નથી આ. પૈસાની જોડે હું સંબંધ ક્યારેય પણ સ્થાપિત કરવા નથી માંગતો. તમારી પાસે ભાવ થયો… તમે તમારા સાધર્મિકને તમારી પાસે હોય એ પ્રમાણમાંથી કંઈક આપો. પણ એ વખતે તમારો ભાવ કેવો…? તમારી આંખમાં આંસુ કેટલા છે…? મારે સંબંધ એની જોડે છે, પૈસા જોડે સંબંધ નથી. તો ૧૧ એ ૧૧ કર્તવ્યો ઋણમુક્તિના સ્તર ઉપર છે.
પહેલું કર્તવ્ય સંઘ ભક્તિ. સાધુ ભગવંતો, અને સાધ્વીજી ભગવતીઓ, એ તો પરમ પૂજનીય આપણા માટે છે જ, પણ આ શ્રી સંઘ એ પણ કેટલો ગુણકારી છે, એક નાનકડું ગામ સમજો, એમાં એક જ જૈન નું ઘર છે, અને એ માણસ કદાચ કલ્પસૂત્રો વાંચી પણ લે, ગુજરાતી ભાષામાં, અષ્ટાન્હિકા પ્રવચનો વાંચી પણ લે, એના ઘરના ૪ – ૫ જણા પ્રતિક્રમણ કરી લે, એનો જે ઉલ્લાસ આવે અને તમે હજારો લોકોની વચ્ચે કરો અને ઉત્સાહ આવે, એ ઉત્સાહમાં જે ફરક પડ્યો, એ ફરકનું કારણ આ સંઘ છે. તો તમારી સાધના uplifted બની એનું મૂળ કારણ આ શ્રી સંઘ છે. એ સંઘની ભક્તિ કરવી છે, ભક્તિ શેનાથી કરવી એની વાત નથી થતી. તમે કંઈ પણ આપો, તમારો ભાવ, એ શ્રી સંઘને તમારો ભાવ અને એ શ્રી સંઘના દરેક સભ્યોને તમે એક શ્રેષ્ઠ ભાવ તમે આપેલો હોય, એ શ્રી સંઘના એક પણ સભ્ય જોડે તમારે ક્યારેય બોલાચાલી થઇ શકે ખરી? કોઈ મહાત્મા જોડે તમે ઝઘડો એવું દેખાય… સપને પણ આપણે કલ્પી ન શકીએ… કે કોઈ શ્રાવક કોઈ મહાત્મા જોડે ઝઘડવા ગયો હોય, એમ તમે શ્રી સંઘના કોઈ સભ્ય સાથે ક્યારેય પણ ઝઘડો એ વાત પણ સંભવિત ખરી? અને એ વાત સંભવિત હોય, તો સંઘભક્તિ કઈ? એ ન કરીએ… તમે છ’રી પાલિત સંઘ કઢાવો કે ઉપધાન કરાવો, એક જ વાત છે, આ જે ગુણકારી સંઘ છે એની ભક્તિ હું કોઈ પણ રીતે કરી શકતો હોઉં તો મારે કરવી.
તમે સંઘ કાઢો ને તો તમને એક title આપવામાં આવે, સંઘપતિ. તમે શું સમજો? હું સંઘનો પતિ થયો એમ? માલિક…? ના વ્યાખ્યા આખી અલગ છે, સંઘ જેના સ્વામી બને છે, એવું વ્યક્તિત્વ એ સંઘપતિત્વ. સંઘ: પતિ: યસ્ય સ સંઘપતિ. આપણે ત્યાં છે ને પ્રમુખ અને ઉપપ્રમુખની પદ્ધતિ અત્યારે નીકળી છે… એક અંગ્રેજી બંધારણના કારણો. આપણે ત્યાંની પદ્ધતિ કઈ હતી? ૩૦૦ વર્ષ પહેલાંનું અમદાવાદના નગરશેઠનો કોઈ પત્ર તમે જુઓ, લિ. સંઘસેવક ફલાણા, ફલાણા. પ્રમુખ તરીકેનો હોદ્દો આપણા સંઘોમાં હોય જ નહિ, વિશિષ્ટ સંઘસેવક. સામાન્ય સંઘસેવક. તમે સંઘના સેવક છો. આ ગુણકારી સંઘની સેવા કરવાનો લાભ તમને મળ્યો. એટલે ટ્રસ્ટીઓની આંખો સતત અહોભાવથી છલકાતી હોય, કે આવો ગુણકારી સંઘ અને એ સંઘે અમને નીમ્યા છે, કે અમે સરસ રીતે સુચાલીત રીતે સંઘનો વહીવટ ચલાવીએ. કેટલી મજાની આપણી પરંપરા છે! અહીં કોઈ સત્તાની સાઠમારી હોઈ જ ન શકે. અહીં તો માત્ર ને માત્ર સેવાની વાત છે.
બીજું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ. પર્વ કૃત્યમાં પણ એ હતું, અને વાર્ષિક કર્તવ્યોમાં એ છે. મને એક ઘટના યાદ આવે છે, ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ પાલીતાણા. આચાર્ય રત્નસુંદરસૂરિજી પણ એ ચોમાસામાં અમારી સાથે હતા, આવતી સાલ સુરતમાં પણ હું અને રત્નસુંદરસૂરિ બેઉ સાથે ચોમાસું છીએ. તો એ ચોમાસામાં પર્યુષણ પર્વમાં સાધર્મિક ભક્તિનું બહુ મોટું ફંડ થયું, આયોજકોએ જાહેરાત કરેલી કે કારતકી પૂનમ પહેલા એક – એક પૈસો વપરાઈ જાય, અમારે એક પણ આનો રાખવાનો નથી, અને તમને વહીવટ આખો બતાવી દેવામાં આવશે, લાખો રૂપિયા થયા, પછી કુમારપાળભાઈ વી શાહને બોલાવ્યા કે કઈ રીતે સાધર્મિક ભક્તિ કરવી… એમણે કહ્યું પહેલા આપણે વિહારના ક્ષેત્રો લઈએ, કોઈ વિહારના ક્ષેત્રમાં ૨ – ૪ ઘરો ટકેલા હોય, તો એને આપણે એવી સહાય આપીએ, જેને કારણે ગામડામાં ટકી રહે, તો સાધર્મિક ભક્તિ પણ થાય અને વિહાર ક્ષેત્રની અંદર મહાત્મા પધારે તો એમની ભક્તિનો પણ લાભ મળે.
એટલે આયોજક તરફી જયંતિલાલ વડેચા અને કુમારપાળભાઈ વી શાહ બે જણા નીકળ્યા. પહેલા એ લોકોએ પાલીતાણા – અમદાવાદનો રૂટ લીધો. ધંધુકા ગયા, ધંધુકા ગામમાં આજે પણ ઘણા ઘરો છે. ધંધુકામાં કુમારપાળભાઈએ આગેવાનોને પૂછ્યું; કે અમારે ગુપ્ત રીતે સાધર્મિક ભક્તિ કરવી છે તો તમે નામ બતાવો… તો અગ્રણીઓએ કહ્યું, પેલો સામો તમને મેડો દેખાય એના ઉપર એક બેન રહે છે, પૂજવા યોગ્ય બાઈ છે, એકની એક જ છે. પતિ expired થયેલા છે, સંતાન છે નહિ, વ્યાજની આવક ધીરે ધીરે ઓછી થઇ રહી છે, પણ એ ખુમારીથી એ બાઈ આરાધના કરી રહી છે. અત્યારે પર્યુષણ પછીના દિવસોમાં એમને સિદ્ધિતપ ચાલે છે. અમારી બધાની ઈચ્છા કે અમે પારણા માટે ઉત્તરપારણા અમારા ઘરે એમને નિમંત્રિત કરીએ, કોઈનું આમંત્રણ સ્વીકારવા એ તૈયાર નહિ, પ્રભાવના વિગેરે તરીકે પણ ક્યારેક કોઈ મીઠાઈ વિગેરે મોકલીએ તો પણ એનો સ્વીકાર થતો નહિ. તો એ બાઈ એટલે મહાન સાધર્મિક. સાંજના ૪ વાગેલા, બેઉ જણા ઉપર ગયેલા, ઘરની હાલત જોઈએ તો પડું પડું થાય એવી… બેનને સિદ્ધિતપનું અત્તરવાયણું હતું, બેસણું કરવા માટે બેઠેલા, ભાણા પર નજર ગઈ, રોટલી અને મગની દાળ બે વસ્તુ હતી. બીજું કોઈ વાસણ પણ નહોતું. કે ત્રીજી કોઈ વસ્તુ પણ પહેલાં ખાધેલી હોય. બેન કુમારપાળભાઈને ઓળખી ગયા, સાહેબ બેસો હું વાપરીને આવું, બેસણું કરીને ઉભા થયા, બેઠા.
કુમારપાળભાઈએ પૂછ્યું, તમારે સિદ્ધિતપ ચાલે છે? આજે કંઈ બારી હતી? એટલે ખબર પડી ગઈ કે જાણીને આવ્યા છે, ખોટું તો બોલાય નહિ, કે આજે મારે ૬ ઉપવાસ પૂરા થયેલા, કાલથી સાતમી બારી લેવાની. તમે શું જમ્યા અત્યારે? રોટલી અને મગની દાળ. સવારે બેસણામાં શું જમેલા, ચા અને ખાખરો. હવે કુમારપાળભાઈ કહે છે, ચા અને ખાખરા ઉપર, રોટલી અને દાળ ઉપર સિદ્ધિતપ થાય?! એ બેન એટલી તત્વજ્ઞાનની જાણકાર… એ કહે કુમારપાળભાઈ તમે આ બોલો છો? ભુવનભાનુસૂરિ મ.સા. ના ચરણોમાં આળોટનારા તમે, તમે એમ કહો છો કે રોટલી અને દાળથી સિદ્ધિતપ થાય … તો ગુંદરપાકથી થાય મારે તમને એ પૂછવું છે…સિદ્ધિતપ તો પ્રભુ અને ગુરુની કૃપાથી થાય. એ પ્રભુ અને ગુરુની કૃપા મારા માથા ઉપર છે. તમે રોટલી-દાળને કેમ જોવો છો…. પ્રભુની કૃપાને જોવો… શું ખુમારી…! બેઉની આંખમાં આંસુ, આવા મારા સાધર્મિકો! અને લાગ્યું કે સિદ્ધિતપમાં જે રોટલી અને દાળ ખાઈને ચલાવે છે. એ અમે સાદા દિવસોમાં તો એક ટાઈમ મળ્યું તો યે શું… ન મળ્યું તો ય શું… એ ખુમારીથી જીવનાર. હવે એ આપણા પૈસા લે ખરી? પણ અચાનક સુયોગ થયો, એ બેને કહ્યું બીજું તો કંઈ નહિ, હું એમ નહિ કહુ કે ચા બનાવીને લાવું કારણ કે દૂધ જ નથી મારી પાસે, પણ કમસેકમ સાકરનું પાણી તો તમને આપું, અને સાકર એ નહિ હોય તો ગોળનું પાણી આપી દઉં. પણ તમે બેસો, તમારી ભક્તિ કર્યા વગર તમને જવા નહિ દઉં. એ બેન અંદર ઓરડામાં ગયા, મોકો મળી ગયો, બે જણાએ જેટલા નોટોના બંડલ પોતાની પાસે હતા એ બધા ત્યાં નાંખી દીધા. અને કુમારપાળભાઈએ પેલા ભાઈએ ઈશારો કર્યો, નાસો અહીંથી…કહે છે આ જો બેન આવી ગયા, તો… ફટાફટ ચુપકેથી દાદર ઉતરી ગયા, ગાડી તૈયાર હતી, driver ને કીધું ભગાવ…. speedથી ભગાવી.જો આ બેન આવી ગયા તો પૈસા પાછા આપવા.
આવી ખુમારી આપણા સાધર્મિકોમાં હોય. અને એટલે જ આપણે ત્યાં સાધર્મિક સહાય શબ્દ છે નહિ… સાધર્મિક ભક્તિ શબ્દ. ભક્તિ કોની કરાય? પૂજનીય છે એની. જે પ્રભુનો હું ભક્ત છું, એ જ પ્રભુનો એ ભક્ત છે. એ મારો સાધર્મિક અને એની મારે ભક્તિ કરવી છે. એક – એક શ્રીમંત જો નક્કી કરે કે બે – ચાર પરિવારોને મારે ઉચકવા છે, તો શું થાય? હું ઘણીવાર કહું છું, કે ખીણ જરૂર આપણે ત્યાં છે, ખીણ છે, ભક્તિના પાત્ર લોકો છે. પણ એની સામે શિખરો પણ એટલા ઊંચા છે. કે શિખરનો થોડો ભાગ ટોપર કરીએ, ગબડાવીએ તો ખીણો ભરાય જાય એમ છે. તમારો pocket એક્ષ્પેન્સ રવિવારનો અને એક સાધર્મિકનું પેટ ભરાય જાય.
બીજી એક ઘટના યાદ આવે મારા જીવનની, શંખેશ્વરથી ભોયણી જઈએ short cut થી, તો વણોદ નામનું ગામ આવે, એ વખતે ત્યાં બે જ જૈનોના ઘરો, બાકી ગામમાં મુસલમાનો જ ઘણા, હિંદુઓ પણ ઓછા, દેરાસર બહુ સરસ, ઉપાશ્રય સરસ. અમે ૩ એક જણા વિહાર કરતાં શંખેશ્વરથી વણોદ આવ્યા. જ્યાં દેરાસરે ગયા પહેલા, દર્શન કરીને બહાર નીકળ્યા, શ્રાવકજી હાજર હતા, સાહેબજી અહીંયા ઉતારો આપ્યો છે ઉપાશ્રયમાં અને પાણી પણ તૈયાર છે, નવકારશીની ગોચરી પણ તૈયાર છે મહાત્માને મોકલો. મારી જોડે ભાગ્યેશવિજય, મહાયશવિજય હતા, એક પાણી વહોરવા ગયા, એક વહોરવા ગયા. ભાગ્યેશવિજય વહોરીને આવ્યા, મને કે સાહેબ અહીં તો બે ઘર નથી ૨૦૦ ઘર છે. શું ભાવના છે આ લોકોની! પાત્રું મુક્યું નથી ને કે ભર્યું નથી. ખાખરાનું પાત્રું મુક્યું હોય તો થોકડો ખાખરો, બીજું પાત્રું મુક્યું તો પુરી વિગેરે જે નમકીન બધું ભરી કાઢ્યું. તરપણી માં દૂધ – ચા વિગેરે ભરી કાઢ્યા.
નવકારશી વાપરી, ફરી અમે લોકો ૯ વાગે દેરાસરે ગયા, એ વખતે દશેક સાધ્વીજી ભગવતીઓ અમદાવાદથી વિહાર કરી અને વણોદ આવ્યા. શ્રાવકજી પૂજા કરવા આવેલા. તરત જ સાધ્વીજી ભગવતીને કહ્યું, સાહેબ પાણી તૈયાર છે, ગોચરી તૈયાર છે, મારી જોડે મોકલો કોઈને… પાંચ ડોળીવવાળી હતી. ડોળીવાળી ને કહે ચાલો મારી જોડે, ચાલો તમને નાસ્તો કરાવી દઉં… બપોરે ૧૧.૩૦ વાગે ભાઈ મારી પાસે આવ્યા, મને કહે સાહેબ તમે પગલાં કરશો? મેં કહ્યું તમારા ત્યાં નહિ કરું તો ક્યાં કરીશ…! તમારી આટલી ભક્તિ… હું ગયો, વહોરવા માટે ભાગ્યેશવિજય પાત્રા લઈને આવ્યા. ગામડામાં હોય છે તેમ આગળ દુકાન, અંદર ઘર. એ કહે કે મારી આ દુકાન. ખુલ્લી દુકાન એક માણસ બેઠેલો, દુકાનમાં નજર નાંખી, ૧૫ થી ૨૦ હજારનો સમાન હતો, તો થયું કે આમાં આ માણસ ખાય શું, ખવડાવે શું…! આઠ મહિનાનો વિહાર ચાલુ હોય, જ્યાં અંદર ગયા ચિત્ર આખું બદલાઈ ગયું, ગહૂલી થઇ, માંગલિક સાંભળ્યું, વાસક્ષેપ લીધો, વહોરાવાની વાત આવી, રોટલીનો થપ્પો સીધો. અને સવારે એટલું વ્હોરાવ્યું છે એ રોટલીના થપ્પામાંથી રોટલીઓ ઓછી કરાવતાં નાકે દમ આવી ગયો, બે ઘરે એ હાલત.
હું વાપરી રહ્યો, મારી જોડે cyclist હતો. મેં એને પૂછ્યું; કે ભાઈ તમારે જમવાનું કેમ રહ્યું, મારે જાણવું હતું, કે આ ભાઈની ભક્તિ અમારા માટે તો બહુ જ છે, એ વખતે એ સાયકલિસ્ટે કહ્યું કે સાહેબ! આજે મને મારી માં યાદ આવી. મેં કહ્યું કે શું થયું? મને કહે કે સાહેબ અમે શ્રમજીવી માણસો, મજુરી મળે ત્યારે મજુરી કરીએ નહીતર ઘરે જઈએ, ઘરે જઈએ ત્યારે અમારી માં શું ખવડાવે, રોટલી, દાળ બહુ, બહુ તો ગોળ હોય. પણ એ જોડે બેસીને પ્રેમથી ખવડાવે. આ માં એ એટલા જ પ્રેમથી અમને જમાડ્યા. એ રોટલી, દાળ, મીઠાઈ, શીરો, એટલા પ્રેમથી જમાડ્યા, આમ બબ્બે રોટલી નાંખતા જ જાય. અરે તમે તો શ્રમજીવી માણસો છો, તમારે તો ખાવા જોઈએ જ, શરમમાં નહિ રહેવાનું અહીંયા…
અઢી – ત્રણ વાગે ફરી પાછા એ ભાઈ આવ્યા, સાહેબ ચા નો ખપ…? મેં કીધું ચા નો તો ખપ નથી. પણ મેં કીધું એક કામ છે, મને કહે બોલો સાહેબ, આમ અમારા સંસારી સમાજનું એ ગામ. એટલે પરિચિત તો હોય જ એ ભાઈ… સાહેબ શું કામ ફરમાવો…. મેં કહ્યું આઠે મહિના વિહાર ચાલુ, બરોબર… મને કહે ચાલુ… મેં કહ્યું આજે જ જોયું અમે ત્રણેય ઠાણા, સાધ્વીજી ભગવતી દસ, છ – સાત મજૂરો, મને કહે રોજ આવું ચાલે, મને કહે હા. ક્યારેક ૨૫ ઠાણા આવે, ક્યારેક ૫૦ ઠાણા આવે. મેં એમને કહ્યું તમે તો પ્રેમથી વહોરાવો અને વહોરાવાના છો, પણ તમે એક કામ જો કરી શકો, કે જેટલા માણસો, કર્મચારીઓ અમારી જોડે આવે છે, પુજારીને ત્યાં અથવા બીજે પર હેડ નક્કી કરી લો, એ લોકોને એકદમ સારામાં સારું ખાવાનું મળે, એ રીતે પર હેડ ૧૦૦ – ૧૫૦ – ૨૦૦ જેટલા નક્કી કરવા હોય એટલા નક્કી કરી લો. શહેરોમાં એવા ઘણા બધા લોકો છે જેમને આ રીતે લાભ લેવો હોય છે, અમારો શાલિભદ્ર સાતમા માળે રહેતો. હમણાં ૫૧માં માળે રહેનાર છે અને ૬૫માં માળે પણ રહેનાર છે. તો આવા લોકોની ઈચ્છા હોય છે કે મારે ભક્તિમાં નિમિત્તરૂપ બનવું, તો એવા લોકોને લાભ મળે.
તો મને કહે સાહેબ આ તો તમે મને લાભ આપ્યો કે મારો લાભ ખૂંચવી લીધો…? મેં એટલું જ કહ્યું કે જેટલું ૧૨ મહીને થાય, એનું બિલિંગ આવી જશે. સીધું અગાઉથી, પાછળથી… તમે કહો એ રીતે… પણ લાભ બીજાને લેવા દો…એ કહે કે સાહેબ આ તો ધર્મ કરતાં તમે ધાડ પાડી. કહે છે. તમારી ભક્તિ કરૂ હું અને તમારી જે લોકો ભક્તિ કરે છે, એમની ભક્તિથી તમારે મને વંચિત રાખવો છે… શું એના શબ્દો હતા! એ કહે આ તમારી જોડે રહેલા કર્મચારીઓ શિયાળામાં જોયું, ઉપાશ્રયમાં નાની જગ્યા હોય, તમે ઉપાશ્રયમાં હોવ, એ બહાર ઓટલા પર સુતેલા હોય, સંઘની વ્યવસ્થા હોય અને એ પથારી વિગેરે મળે તો ઠીક, ન મળે તો ખુલ્લામાં સુઈ જતાં હોય છે. એ તમારી ભક્તિ કરનારા એની ભક્તિથી મને વંચિત કેમ રાખ્યો? એ વખતે મારી આંખ ભીની થઇ, કે વાહ શું અમારા આ સાધર્મિકો…! શું આ ગુરુભક્તો છે! તો ઋણમુક્તિ માટે આ ૧૧ કર્તવ્યો અને એમાં બીજું કર્તવ્ય આવ્યું સાધર્મિક ભક્તિનું… પછીના આપણે થોડીવાર પછી જોઈએ…
આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજી. એકવાર એમણે પોતાની સાધનાના આનંદની કેફિયત વર્ણવતાં કહેલું કે એક ખમાસમણ આપું છું, અને એટલો તો આનંદ ભીતર છલકાય છે કે મારું નાનકડું હૃદય એ આનંદને, એ આવેગને સહન કરી શકશે કે કેમ… એની મને વિમાસણ થાય. એ પછી એમણે બહુ સરસ કહ્યું કે હું પ્રભુના ચરણોમાં એટલા માટે ગયેલો, કે પ્રભુએ જે મને અપાર વિરાસત આપી છે, એના ઋણમાંથી હું મુક્ત થાઉં. ગયો તો ઋણમુક્ત થવા, પ્રભુએ એટલા બધા આનંદથી મને ભરી દીધો કે મને લાગે છે કે હું ઋણ વધારીને આવ્યો. એક પણ ક્રિયા તમે કરો, તમારો આનંદ એવો તો છલકાઈ ઉઠશે કે તમે કહેશો કે ઋણમુક્તિ માટે કરેલું આ અનુષ્ઠાન, ઋણને વધારવા માટે થયું. પ્રભુનું ઋણ કેટલું બધું અપાર છે આપણા ઉપર. પ્રભુએ કેટલા બધા ચાહ્યા છે આપણને…
વિતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય કહે છે, ત્વં અકારણવત્સલ. પ્રભુ દુનિયાની અંદર કોઈ પણ સંબંધ હોય, એની આધાર શિલા સ્વાર્થ હોય છે. એક તારી પાસે એવું વાત્સલ્ય છે એવો પ્રેમ છે કે તું કોઈ કારણ વિના બસ અમારા ઉપર સતત વરસી જ રહ્યો છે. આપણે નરક અને નિગોદમાં હતા, કોઈ સુઝબુઝ આપણી પાસે નહોતી, પ્રભુ એટલે શું? આપણને ખ્યાલ નહોતો, અને એ વખતે એની કરુણા આપણા માટે સુરક્ષાચક્રનું કામ કરતી હતી. એ પ્રભુના ઋણમાંથી મુક્ત કઈ રીતે થવું? આજે તો સ્વદ્રવ્યથી જિનાલય બનાવનાર વ્યક્તિઓની એક લાંબી હારમાળા છે, અમારા જેવા દરેક આચાર્યો પાસે ૫ – ૭ – ૧૦ નામો હોય છે કે જેમને, સ્વદ્રવ્યથી જિનાલય બનાવવું છે. કરોડ થાય, બે કરોડ થાય, કે પાંચ કરોડ થાય..
. અને એક બીજી વાત કહું, આજના યુગમાં આપણે ભૂતકાળના ઇતિહાસની થોડી ઝાંખી પણ કરીએ, આપણા જ યુગમાં એક – એક વ્યક્તિ ૨૦૦ – ૨૦૦ કરોડ, ૫૦૦ – ૫૦૦ કરોડના ખર્ચે તીર્થો સ્થાપે. એક વ્યક્તિ..! લાગે કે પૂર્વના ઈતિહાસની એક નાનકડી ઝલક આજે આપણને જોવા મળી. પ્રભુ પ્રત્યેની ભક્તિ ખરેખર તમારી અપાર છે. આજે તો બિન જૈનોને પણ ખ્યાલ આવી ગયો છે કે જૈનો ભગવાનની પાસે રહેવા માટે ચોરસ ફૂટે ૧૦૦ – ૨૦૦ – ૫૦૦ રૂપિયા વધારે આપી દે. ઘણા બિલ્ડર કહે છે, સાહેબ દેરાસર બનાવનાર તો ઘણા મળે છે પણ અમે દેરાસર બનાવીએ ને તો પણ અમે નફામાં જ જાય છે. દેરાસર બનાવ્યું નથી ભાવ વધ્યો નથી. એ જે ભક્તિ તમારી પાસે છે, અદ્ભુત!
રાજસ્થાન પાવાપુરી તીર્થમાં ગુરુદેવ અરવિંદસૂરિદાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ. કે.પી. સંઘવી પરિવાર આયોજિત જ હતું. ૧૦૦૦ એક સાધકો હતા, રોજ સવારે કે.પી. સંઘવી ટ્રસ્ટના પ્રમુખ એ વખતના બાબુભાઈ, મારી રૂમમાં સામાયિક કરવા આવે, એમનો એક અલગ નિયમ, એક સામાયિક તો કરવાની જ, ગમે ત્યાં ફોરેનમાં ગયા હોય, સવારે ઉઠ્યા પહેલું જ કામ સામાયિક કરવાનું… ક્યારેક વ્યાખ્યાનમાં એમને સમય ન પણ રહે તો પણ સવારે સામાયિક તો કરવાનું જ. મારી રૂમમાં આવીને કરે.
એકવાર મેં એમને પૂછ્યું કે બાબુભાઈ આજે જૈન સમાજમાં પૈસાદારોનો કોઈ તોટો નથી, ઘણા બધા છે, પણ તમે જે સહેલાઈથી પૈસાને છોડી શકો છો, એ સહેલાઈથી છોડનારા ઓછા હોય છે. એમની સીધી યોજના હતી, કે ક્યાંય પાંજરાપોળ બનાવવી છે લઇ જાવ પાંચ લાખ રૂપિયા… દેરાસર બનાવવું છે, લઇ જાવ, ઉપાશ્રય બનાવવો છે, સાધારણમાંથી લઇ જાવ. મેં કહ્યું કોઈ આવ્યું નથી તમે એને આપ્યું નથી. આવે અને આપે ત્યાં સુધી ઠીક છે, દર વર્ષે મેળાવડો કરતાં ટ્રસ્ટીઓનો આવો તમે મારી પાસે લેવા માટે… અને પછી એ એક એક વખતે પાંચ – પાંચ કરોડ, દસ – દસ કરોડ, પંદર કરોડનું દાન જાહેર કરે. મેં પૂછ્યું કે આટલી સહેલાઈથી તમે દાન કેમ કરી શકો, એમનો જવાબ એક જ હતો સાહેબ પ્રભુની કૃપા ને આપના જેવા સંતોની કૃપા. બાકી હું તો લોભિયો માણસ જ છું. એમના શબ્દો આ હતા, કે હું તો લોભિયો જ છું, પણ પર્સન્ટેજ નક્કી કરેલા છે. કે કમાવું એમાંથી દર વર્ષે પ્રભુભક્તિમાં આટલા, સાધારણ માં આટલા, જીવદયામાં આટલા, સાધર્મિકમાં આટલા… મને ખ્યાલ છે દર વર્ષે કેટલા કમાવું છું, એટલે એના ઉપરથી અધિકાર મારો નીકળી ગયો. એટલે એ મારા છે જ નહિ એ હું બીજાને આપું છું. કેટલું મજાનું ગણિત હતું, સાહેબ પર્સટેન્જ નક્કી કરી નાંખ્યા એટલે મારા રહ્યા જ નહિ એ, એટલે હવે તો એક જ મારા મનમાં ધૂન હોય, કે જલ્દીમાં જલ્દી આ પૈસા ઠેકાણે પડી જાય, એટલે હું દેવામાંથી મુક્ત થઇ જાઉં.
ત્રીજું કર્તવ્ય પ્રભુભક્તિનું છે. આબુ દેલવાડામાં વસ્તુપાળ – તેજપાલે લૂણી – વસહી નામનું દેરાસર બનાવ્યું, લૂણી એમના મોટા ભાઈ હતા, મોટા ભાઈની ઈચ્છા હતી દેરાસરની તો એમના નામે ભવ્ય દેરાસર બનાવ્યું. અનુપમાજી એ બધો જ વહીવટ કરતાં. એ કારીગરોને એટલી સગવડ આપતાં, એક – એક કારીગરને સાચવવા માટે એક કર્મચારી. રાત્રે એના હાથ – પગ દબાવી આપે, કારીગરને માલીસ કરી આપે. કોતરકામ બહુ જ થઇ ગયું ઊંડું, કારીગરો કહે કે બસ બેન, ના, હવે અમારી પાસે આગળ કોઈ કળા નથી. એ વખતે અનુપમા દેવીએ કહ્યું, હવે કોતરકામ કરો, જેટલી આરસની કરચ નીકળે એટલું સોનું તમને આપીશ. આ ભાવના! કારીગરોને એકવાર થયું કે આ અનુપમા માં એ અમને ખરેખર માં ની જેમ સાચવ્યા છીએ. ખરેખર એમના દીકરા હોઈએ, એ જ ભાવથી એમને અમને સાચવ્યા છે. તો અમે એમના માટે શું કરી શકીએ? અગ્રણી કારીગરોએ વિચાર કર્યો, કે માં ગયા છે બહાર, મહિને – દોઢ મહિને આવશે, ત્યાં સુધીમાં એક માં નું શિલ્પ કોરી નાંખીએ. અનુપમા દેવીનું… એ હશે તો હા નહિ પાડે, એમની ગેર હાજરીમાં લાભ લઇ લો. અને થઇ ગયા પછી તો ના નહિ પાડે… કારણ કે આપણી આંખના આંસુ પણ જોશે ને એ…
અનુપમાદેવીનું શિલ્પ બનાવ્યું, એવું શિલ્પ કે એ દેરાસર જઈ રહ્યા છે, હાથમાં ફૂલની છાબડી છે, અને શિલ્પ અધૂરું હતું, ત્યાં અનુપમા દેવીને આવવાનું થયું, આ શિલ્પ નવું હતું, જોયું, ચહેરો જોઇને ખ્યાલ આવી ગયો, કે ભાઈ આમ કેમ કર્યું, મને પૂછ્યા વિના મારું શિલ્પ કેમ બનાવ્યું, આ ભગવાનનો દરબાર છે… આમાં તો ભક્તો જ હોય, હું ન હોઉં… અનુપમા દેવી જેવી મહાભક્તા કહે છે અહીંયા ભક્તોનું સ્થાન હોય, મારું સ્થાન ન હોય. પણ કારીગરોની આંખમાં આંસુ, કહે કે નહિ માં અમે અમારી ભક્તિથી કર્યું છે એટલે રહેવા દો. ઠીક છે ચાલો રહેવા દઈએ, આ છાબ મારા હાથમાં છે, અત્યારે ખાલી છે, એમાં કંઈક મુકવાના હશો ને તમે… શું મુકવાના છો? તો સાહેબ તમે દેરાસરે જઈ રહ્યા છો, એવી કલ્પના છે, તમારા હાથમાં છાબડી છે, સામાન્ય સાધક કે ભક્ત હોય એની છાબડીમાં ફૂલ હોય, તમારી છાબડીમાં ફૂલની સાથે સોનાના અને હીરાના અલંકારો મૂકશું. જે તમે પ્રભુને ચડાવવાના છો. અનુપમા દેવીએ કહ્યું કે જો, તમારી એટલી વાત કબૂલ રાખું, કે તમે મારું શિલ્પ કોર્યું બરોબર… પણ છાબડીમાં શું મુકવાનું એ હવે હું નક્કી કરીશ. એ તમારે નક્કી નહિ કરવાનું. બોલો માં… તો કહે છાબડીમાં એક ચોખો ખાલી મુકવાનો છે. ચોખાનો એક દાણો. કેમ માં…? ત્યારે અનુપમા દેવીની આંખમાં આંસુ આવે છે, એ કહે છે કે અમારી સંપત્તિમાંથી એક ચોખા જેટલું દાન પ્રભુના ચરણોમાં નથી થયું, એ બતાવવા માટે આ ચોખાનો દાણો મુકવાનો. કેટલા કંજૂસ, કેટલા લોભિયા છીએ અમે, કે સોનાનું મંદિર અમે બનાવ્યું નથી, હીરાજડિત મંદિર અમે બનાવ્યું નથી, અમારી સંપત્તિમાંથી એક ચોખાના દાણા જેટલો હિસ્સો અમે આ દેરાસરમાં વાપર્યો છે. લોકોને આનો ખ્યાલ આવે માટે છાબડીમાં માત્ર એક ચોખાનો દાણો મુકવાનો.
સાધના આવા લોકો કરી શકે. ભક્તિ આવા લોકો કરી શકે. હમણાં જીરાવલાજીમાં અટ્ઠમ તપ હતા, એક ભાઈએ બહુ જ ભક્તિ પૂર્વક અટ્ઠમ તપની આરાધના કરાવી. ત્યાંના વ્યવસ્થાપકોને લાગ્યું કે દસ – દસ વર્ષથી અટ્ઠમ થાય છે, પણ આમાં જે ભક્તિ થઇ એ ભક્તિ તો super most. પેઢીવાળાએ છેલ્લા દિવસે કહ્યું કે અમારે તમને બહુમાન પત્ર આપવાનું છે. આ ભાઈએ ના પાડી. બહુમાન વળી શેનું?! મેં શું કર્યું છે…! સાચું બોલો તમને કયો ભાવ આવે…? પ્રભુનું હતું ને પ્રભુને આપ્યું. ધરાહર પેઢીવાળાએ બહુમાન કર્યું પેલા ભાઈની આંખમાં આંસુ, એ ભાઈએ એટલું જ કહ્યું, કે તમે શેનું બહુમાન કરો છો…? મારા જેવા લોભિયા માણસનું…! મારા જેવા કંજૂસ માણસનું…! તમે કહો છો મેં બહુ ભક્તિ કરી… મારી જે સંપત્તિ છે, એનો એક લાખમો ભાગ પણ મેં અહીં વાપર્યો નહિ.
મેં એક જગ્યાએ પ્રતિષ્ઠા કરાવેલી, કરોડોની ઉપજ થઇ, ટ્રસ્ટી મંડળ એકદમ જાગૃત. તો એમને વિચાર કર્યો, કે દેવદ્રવ્યની રકમ છૂટથી આપવી છે. પણ એવી રીતે આપીએ કે આપણે નજરે જોઈ જોઇને આપીએ. એક જગ્યાએ ગયા, ૫૦ લાખ રૂપિયાના અભાવે કામ બંધ રહ્યું, ૫૦ લાખ સીધા આપી દીધા. કામ પૂરું થઇ ગયું. ક્યાંક ૨૫ લાખ ના અભાવે કામ અટક્યું છે, ૨૫ લાખ આપી દીધા. એકવાર એ સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા, મને કહે સાહેબ મારે રાજીનામું આપી દેવું છે, મેં કહ્યું શું થયું? સામાન્ય તયા આપણને શું થાય કે કોઈની સાથે કંઈક બોલાચાલી થઇ… મેં કહ્યું શું થયું…? મને કહે સાહેબ ૫૦ લાખ કે કરોડ રૂપિયાનું દાન અમે આપતાં જઈએ, પણ એ તો પ્રભુના પૈસા છે પ્રભુને અમે આપીએ, પછી લોકો અમને સન્માન માટે ઉભા કરે… અમારે તો નિયમ છે, સન્માન નહિ જ લેવાનું… પણ ઘણી જગ્યાએ સંઘની આણ આપે કે તિલક તો અમે કરીશું પરાણે… ભલે શ્રીફળ ન લો તો… હાર પણ ન પહેરો તો… એ ભાઈ કહે છે મારે રાજીનામું આપવું છે પ્રમુખ તરીકે.. પ્રભુના પૈસા પ્રભુને જાય છે, એમાં અમારું સન્માન કંઈ રીતે હોય…? અમે તો વચ્ચે છીએ જ નહિ. અમારો એક પૈસો આમાં નથી. પ્રભુના પૈસા છે. આવી ઉદાત્ત ભાવનાઓ આજે પણ! એટલે મજાની પરંપરા આપણને મળેલી, અને એ જ પરંપરામાં આપણે આગળ વધવું છે. સુકૃત કરીએ ન કરીએ એ બે નંબરની વાત છે. તો સુકૃત કોઈ પણ કરીએ ક્યારે પણ અહંકાર ન જ આવે, એ તો પ્રભુની પાસે પહેલા માંગવાનું. કે પ્રભુ આ સુકૃત માત્ર અને માત્ર તારી કૃપાથી થવાનું છે, આમાં મારું યોગદાન બિલકુલ છે જ નહિ, અને એથી કરીને સંપૂર્ણ કર્તૃત્વ તું લેતો હોય તો જ હું આ કાર્ય કરું, મારા માથે કર્તૃત્વ બિલકુલ ન આવે. હું ખાલી નિમિત્ત રૂપ છે.
ત્રીજું કર્તવ્ય છે યાત્રાત્રિક. યાત્રા, પ્રવાસ અને યાત્રા… શું ફરક પડે…? તમે સંસારને સામે રાખીને ચાલો એ પ્રવાસ. પ્રભુને સામે રાખીને ચાલો એ યાત્રા. તો ૩ યાત્રામાં: એક છે રથયાત્રા. અહીંયા તો ઘણા સંઘોની રથયાત્રા ભેગી નીકળવાની… પછી રથયાત્રામાં ભગવાન ઠેકથી ઠેક સુધી ફરે ને…? કે ચાલે ભગવાન ન હોય તો…? ભગવાન ઠેકથી ઠેક સુધી… મ.સા. ઠેકથી ઠેક સુધી છે. તમારે ગલીના નાકે દર્શન કરી લેવાના… એટલે રથયાત્રા પ્રભુની, તમારી તો નહિ ને, રથયાત્રા કોની…? રથયાત્રામાં સાથે ચાલવાનું… એ બે કલાક, અઢી કલાક, ત્રણ કલાક, ચાલે. ખુલ્લા પગે, માથે પાઘડી – બાઘડી લગાવીને પ્રભુના શ્રાવક તરીકે ખેસ – બેસ પહેરી અને વટથી ચાલવાનું… એક – એક અનુષ્ઠાન જે છે ને એ અનુષ્ઠાન ભવ્ય લાગવું જોઈએ. ઉપાશ્રયમાં તો સંખ્યા ઉભરાય બરોબર… હવે એ રથયાત્રા નીકળે થોડા મ.સા. હોય, ૧૦૦ એક શ્રાવકો હોય, શ્રાવિકાઓ હોય, અને તમે સાજન – માજન મોટું રાખેલું હોય, દસ – બાર બગીઓ ને બે – ચાર રથો ને શોભશે ખરું? તમારાથી જ રથયાત્રાની શોભા છે. વર્ષમાં એકવાર રથયાત્રા. જગન્નાથની રથયાત્રા જોવો, કેટલા કિલોમીટર લાંબી હોય છે. એ પ્રભુ પ્રત્યેનો ભાવ ક્યાંથી થાય. મારા પ્રભુની સાથે મારે ફરવું છે. મારા સદ્ગુરુની જોડે મારે ફરવું છે.
બીજું અષ્ટાન્હિકા યાત્રા. જિનભક્તિનો મહોત્સવ ઉજવેલો અને તીર્થયાત્રા. યાત્રા તમે કરો અથવા તો સંઘને પણ તમે કરાવી શકો… છ’રી પાલિત સંઘયાત્રા છે ને ખરેખર એક અદ્ભુત ઘટના છે. સવારથી સાંજ સુધી એક જ ભક્તિધારામાં ઝૂમવાનું. એ પાલીતાણા આપણે જતા હોઈએ, ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે…
એકવાર કદંબગિરિથી પાલીતાણાનો સંઘ હતો, વિશા પોરવાળ સમાજનો. હું તો જુના ડીસા ચોમાસું હતો, ખાસ તમારા સંઘ માટે પાલીતાણા આવેલો. તો કદંબગિરિથી સંઘ start થયો, પહેલો દિવસ, બપોરે પ્રવચન ચાલુ, મારું મંગલાચરણ થયું એટલે ઉદ્ઘોષક ભાઈ ઉભા થયા, એટલે બધાના મોબાઈલ switch off કરી દીધા. વ્યાખ્યાન મારું ચાલુ થયું. કોકનો ને કોકનો મોબાઈલનો રીંગટોન વાગી ઉઠે. લોકો અકળાઈ જાય, હું એકદમ ફ્લેક્ષીબલ માણસ. મેં કહ્યું લોકોને તમે અકળાવો શું કામ પણ… પાલીતાણાની યાત્રાએ નીકળેલો માણસ, વ્યાખ્યાનમાં બેઠેલો છે, ફોન આવ્યો હશે તો આદેશ્વર દાદાનો આવ્યો હશે.
બીજી સવારે હું ચાલતો હતો, એક ભાઈ આવ્યા, મને કહે સાહેબ કાલના વ્યાખ્યાનની આ વાત મને બહુ ગમી ગઈ. કે ભગવાનનો ફોન અમારા ઉપર આવે. મારા ફોનમાં તો ફોન નથી આવ્યો પણ મારે પ્રભુને ફોન લગાડવો છે, મને નંબર આપો. મેં કહ્યું નંબર તો આપું, પણ તારા મોબાઈલના બધા નંબર પહેલા તારે delete કરવા પડે. તો કહે કે જે ફોનથી તું પ્રભુ જોડે વાત કરે એ ફોનથી તું આલ્યા-માલ્યા જોડે વાત કરે ચાલે..!. પણ હોશિયાર ખોપરી હતી, મને કહે સાહેબ! નંબર delete કરવા તો પાલવે નહિ, આખો ધંધો મોબાઈલ ઉપર જ ચાલે છે. પણ નવો મોબાઈલ આજે જ લઇ આવું… અને એમાં પ્રભુનો જ નંબર save કરી દઉં. નંબર મને આપો. મેં કહ્યું નંબર આપી દઉં, અને નંબર યાદ રાખવો પણ એકદમ સહેલો છે, મેં કીધું લગાડવો બહુ મુશ્કેલ છે, મને કહે આપો તો ખરા… શું નંબર? મેં કહ્યું TEN TIME ZERO ભગવાનનો નંબર આટલો જ છે. TEN TIME ZERO, ZERO, ZERO, યાદ રહી ગયું ને? પણ લગાડવો જ બહુ અઘરું થઇ જાય. પહેલી જ વાત body less. Body experience ZERO થઇ જવું જોઈએ. દેહમાં રહેવા છતાં હું શરીર છું એ ભાવ મટી જવો જોઈએ. પછી nameless experience એ મળવો જોઈએ. અને એ પણ એક બીજો zero આવે. એમ zero, zero, zero, zero, બધા જ વિભાવોથી.. રાગથી , દ્વેષથી, અહંકારથી, ઈર્ષ્યાથી બધાથી જો zero થઇ જાય, તો પ્રભુ નો નંબર લાગી જાય. સંઘયાત્રા એ પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે…
કુમારપાળ મહારાજાએ પાટણથી પાલીતાણાની છ’રી પાલિત સંઘયાત્રા ગુરુદેવ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નિશ્રામાં કાઢેલી. પાટણથી પાલીતાણા ૪૫ દિવસના થયા. પણ એ દિવસોમાં ગુરુની પાસે ૨૪ કલાક રહેવાને કારણે જે પ્રભુ મિલનની તડપન કુમારપાળને ઉભરાઈ છે, પ્રબંધકારો લખે છે, કે જે દિવસે પાલીતાણા પહોંચાયું એ જ દિવસે કુમારપાળ રાજા, પ્રભુને ભેટવા માટે દોડીને ગયા છે. લખે છે પ્રબંધકાર, કે નાનકડું બાળક એની માં ને ભેટવા માટે દોડે, એમ કુમારપાળ રાજા દોડી રહ્યા છે. વિચાર્યું નથી, અઢાર દેશનો સમ્રાટ, મને લોકો દોડતો જોશે તો શું વિચારશે. એમની સામે એક પણ વ્યક્તિ નથી કોઈ લોકો નથી, માત્ર પ્રભુ છે. એ પ્રભુ પાસે ગયા અને શું સ્તુતિ કરી છે, ‘ત્વછાસરસ્ય ભીક્ષુત્વં, દેહિ મેં પરમેશ્વરં’ પ્રભુ ૧૮ દેશના સામ્રાજ્યથી થાકી ગયો, કંટાળી ગયો, હવે તારા શાસનનું સામ્રાજ્ય તું મને આપ.
ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ. તમે સ્નાત્ર ભણાવો, ગુજરાતીભાષામાં સ્નાત્રપૂજા છે. વીરવિજય મહારાજે બનાવેલી… એમાં એક પદ વારંવાર repeat થાય છે, ‘આતમ નિર્મલ હુઈ સુકુમાલી’ સ્નાત્રપૂજામાં બે પૂજા મહત્વની છે, અભિષેક પૂજા અને પુષ્પ પૂજા. અભિષેક પૂજાથી શું થાય, ‘આતમ નિર્મલ હોય’ પ્રભુને હું નવરાવું, પ્રભુનો અભિષેક કરું, અને નિર્મળ મારી જાત બને, અને પ્રભુના ચરણોની અંદર પુષ્પ મુકું અને મારી જાત કોમળ બને. ‘આતમ નિર્મલ હુઈ સુકુમાલી’
અમદાવાદમાં મારું ચાતુર્માસ. એક ભાઈ રોજ પ્રવચનમાં આવે, પર્યુષણ પછી એક દિવસ બપોરે મને મળવા માટે આવ્યા, ચહેરા પરથી મને ખ્યાલ આવી ગયો કે રોજ પ્રવચનમાં આવનારા. એ બેઠા વંદન કરીને, એમણે કહ્યું કે સાહેબ હું સ્થાનકવાસી છું. પણ આપના પ્રવચનમાં રોજ આવું છું. એમણે કહ્યું સાહેબ એક સવાલ છે, આપને સાંભળ્યા એમ લાગ્યું આપ એકદમ ફ્લેક્ષીબલ છો, એટલે આપની પાસે જવાબ મળશે એ મને સંતોષકારક હશે. મારો સવાલ એ છે કે પ્રભુની પુષ્પપૂજા કેમ કહી…? ફૂલ સચિત છે, એને પ્રભુના ચરણોમાં મુકવાનો શું અર્થ?
મેં એમને સમજાવ્યું, કે અમારે ત્યાં પુષ્પપૂજા કોમળભાવની પ્રાપ્તિ માટે છે. પુષ્પપૂજા કરનાર શ્રાવક પ્રભુને કહે છે પ્રભુ આ પુષ્પ જેવું કોમળ છે, એવું મારું હૃદય કોમળ બની જાય. પછી મેં કહ્યું, અમારે ત્યાં પણ ઉપધાન કોઈ શ્રાવક કરે, તો ૪૭ દિવસ સુધી એ પુષ્પપૂજા નહિ કરે. કારણ કે કોમળભાવ એની પાસે આવી ગયો. એ કયાંય બેસશે, ઉઠશે, ચરવળા અને મુહપત્તિ થી પૂંજના – પ્રમાર્જના કરશે…. કોમળભાવ મળી ગયો, તો પુષ્પપૂજાની જરૂરિયાત નહિ. મેં એ ભાઈને કહ્યું કે તમારા માટે આપણે એક વસ્તુ કરી શકીએ, શ્રાવિકાએ તમને કહ્યું, શાક સમારી નાંખ, એ ભીંડો તમારા હાથમાં, બીજા હાથમાં ચપ્પુ, અને તમને ધ્રુજારી થાય, આ ભીંડો એકેન્દ્રિય, એને કાપી શકાય…?! એ વખતે ચપ્પુ તમારા હાથમાંથી પડી જાય, તમારે પુષ્પપૂજાની જરૂરિયાત નહિ. એ ભાઈને એટલી strike થઇ એ કહે સાહેબ મારે તો ખરેખર વિચારવું પડશે. ભીંડા, તુરિયા કોઈ પણ શાક બિલકુલ સમારી નાંખું છું હું… કાચી કાકડીને સમારી અને ઉપર મીઠું, મરચું, કાચું નાંખી ખાઈ જાઉં છું. ટામેટાને સીધા કાચા ને કાચા કાપી ઉપર કાચું મીઠું ભભરાવીને ખાઈ જાઉં છું. ત્યાં મને એકેય એકેન્દ્રિય યાદ નથી આવતી. સાહેબ ખરેખર મારી દ્રષ્ટિ આજે ખુલી ગઈ. પુષ્પપૂજા માત્ર કોમળભાવ માટે. સામાયિકમાં આવી ગયો કોઈ સાધક, હવે દેરાસર ગયો હશે, પૌષધમાં પણ દેરાસરે જવાનું, તો મારા વતી ફૂલ ચડાવી દો, ભાઈ મારે ફૂલને અડાય જ નહિ, કોમળભાવ.
પાલનપુરમાં એક સ્થાનકવાસી બહેન હતા, વર્ષો પહેલાં, જૈન ધર્મના બહુ જ જાણકાર. સાધુ – સાધ્વીજીઓ પણ એમની પાસે ભણવા માટે આવતાં, એમનો દીકરો યોગેશ, જે આજે શ્રેષ્ઠ સાધક છે, એ લગભગ આબુ, કાં તો ઇડર ગઢ કે એવી રીતે હિમાલયમાં સાધના કરવા માટે જ જાય, ક્યારેક જ ઘરે આવે, પાલનપુર. એકવાર વસુબેન મારી જોડે બેઠેલા, મને કહે કે મારો દીકરો ઘરે આવેલો હોય ત્યારે અમે લીલું શાક ન કરીએ. મેં કહ્યું કે કેમ…? મને કહે કે સાહેબ પહેલી જ વાર એવું બન્યું કે એ રોજ એકાસણા કરે છે, એ આવ્યો, ઘણા વખતે, ૨ – ૩ વર્ષે આવ્યો. એ આવ્યો મારી જોડે બેઠેલો, સાડા દશ, અગિયાર થયેલા હું ભીંડા સમારતી હતી, એ ઉઠી ગયો તરત જ ત્યાંથી… એની રૂમમાં ગયો, મેં રસોઈ તૈયાર કરી, બેટા! ચાલ એકાસણું કરવા, તો કહે કે નહિ મમ્મા મારે આજે ઉપવાસ છે. એ વખતે એવી કોઈ તિથી પણ નહોતી. પણ વસુબેન પણ વિચક્ષણ હતા, એમને ખ્યાલ આવી ગયો કે એની હાજરીમાં આ ભીંડો કપાયો એની કરુણા એટલી બધી ઉછળી કે આ મારે ખાવાનું…! આ એકેન્દ્રિય જીવની કેટલી વિરાધના થઇ, અને એ મારે પેટમાં નાંખવાનું..! ઉપવાસ કરી લીધો. અને એ બેન કહેતાં, એ દીકરો જ્યારે ઘરે આવે ત્યારે લીલું શાક ક્યારેય બનાવાનું નહિ, રોટલી દાળથી અમે ચલાવીએ…
‘આતમ નિર્મલ હુઈ સુકુમાલી’ અભિષેક પૂજા કરો, તમારી જાત નિર્મળ બને. પુષ્પ પૂજા કરો તમારી જાત કોમળ કોમળ બની જાય.
થોડાક કર્તવ્યો બાકી છે અને પૌષધ પર્વ એની વાતો આવતી કાલે…