Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 37

97 Views
45 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: વાર્ષિક અગિયાર કર્તવ્યો

ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. આ જીવન પૂરેપૂરું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દઈએ, તો પણ એની ઋણમુક્તિ થઈ ન શકે. પણ એમ થાય કે સંપૂર્ણ ઋણમુક્તિ ભલે ન થઇ શકે, આંશિક ઋણમુક્તિ તો હું કરું! અને એ માટે અગિયાર વાર્ષિક કર્તવ્યો.

આપણી સાધનાને ઊંડાણમાં લઇ જવા માટે એક નવો આયામ : સ્થળ, સમય અને સાધકનો અહોભાવ – આ ત્રિપદી. પ્રભુના કલ્યાણકના દિવસે, કલ્યાણક સ્થળે તમે હોવ અને એમાં તમારી ચેતના સૂક્ષ્મ રીતે ભળે, તો આ ત્રિપદી ભેગી થઈને તમારી સાધના એકદમ ઊંડાણમાં જઈ શકે.

જેના બધા જ કામ પૂરા થઈ ગયા હોય અને એટલે જે સાક્ષીભાવમાં આવેલો હોય, એ સાધક સિદ્ધાર્થ. અને ત્રિશલા એટલે કે ત્રિશલ્યાતીતા – ત્રણ શલ્યોથી રહિત ચેતના. જો ત્રણે શલ્યથી તમે રહિત હોવ અને સાક્ષીભાવમાં તમારી ચેતના બિરાજેલી હોય, તો એવી ચેતનામાં મહાવીર પ્રભુનો જન્મ થઈ જાય!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૭

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુ પ્રત્યેનો એક પરમપ્રેમ. દોઢસો વરસ પહેલાં એક મહાપુરુષ થયાં. જેમનું પૂરું અસ્તિત્વ પ્રભુનાં પરમપ્રેમથી ભરાયેલું હતું. એ હતા પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ. સાહેબના જીવનની એક મજાની ઘટના આવે છે. સૌધર્મેન્દ્ર મહાવિદેહમાં ગયા છે. પ્રભુ સીમંધરદાદાના ચરણોમાં પડીને ઈન્દ્ર ભગવંતે પૂછ્યું કે પ્રભુ ભરતક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ જ્ઞાનીપુરુષ કોણ છે? અને એ વખતે પ્રભુએ દેવચંદ્રજી મહારાજનું નામ આપ્યું. ઇન્દ્રને ઈચ્છા થઈ, એ મહાપુરુષ ના દર્શન કરવાની.

કેટલા બડભાગી આપણે છીએ કે પ્રભુની આ સાધના પદ્ધતિ આપણને મળી ગઈ. પણ એ સાધનાના ઊંડાણમાં આપણે ન જઈએ તો આપણે પ્રભુના અપરાધી બનીએ છીએ. પહેલા મેં કહેલું, આજે વિશ્વમાં સાતસો સાધના પદ્ધતિઓ જીવંતરૂપે ચાલુ છે. કેટલીક સાધનાપદ્ધતિમાં સેંકડો કે હજારો સાધકો છે. વિપશ્યના જેવી સાધનાના Follower લાખો-કરોડો છે. પણ સાતસો સાધના પદ્ધતિઓ જીવંતરૂપે આજે વિશ્વમાં ચાલી રહી છે. એક પણ સાધના પદ્ધતિ એવી નથી જેની પાસે ધ્યાન ન હોય. મેડીટેશન વિના, ધ્યાન વિના કોઈપણ સાધના ચાલી જ ન શકે. એટલે સાતસો એ સાતસો સાધના પદ્ધતિ પાસે ધ્યાન છે. ભલે વ્યાખ્યામાં-વિભાવનામાં ફરક પડે. પણ કાયોત્સર્ગ તો માત્ર અને માત્ર આપણી પાસે છે. એ કાયોત્સર્ગ રોજ પ્રતિક્રમણમાં આપણે કરવાનો હોય છે, છતાં એ કાયોત્સર્ગને આપણે સમજ્યા નથી.

એટલે પર્યુષણા પછીની એક વાચનાશ્રેણી પ્રભુની સાડાબાર વરસની સાધના પદ્ધતિ ઉપર છે. બીજી વાચનાશ્રેણી ધ્યાન અને કાયોત્સર્ગ ઉપર છે. આ કાયોત્સર્ગને આપણે સમજીએ નહિ. એનું યથાતત પાલન આપણે કરી શકીએ નહિ. આપણે પ્રભુના અપરાધી છીએ. અમે તમને આ શિક્ષણ ન આપીએ તો અમે પણ પ્રભુના અપરાધી છીએ. મેં વિશ્વની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ છે અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપર મારો અહોભાવ એટલો બધો વધી ગયો છે. મને એમ લાગ્યું કે હું તો ન્યાલ થઈ ગયેલો માણસ છું. આ પ્રભુની સાધના પદ્ધતિ મને મળી ગઈ. અહિયાં જે વ્યવહાર અને નિશ્ચયનું balancing છે. એની વાત પણ મારે તમને કરવાની છે. વ્યવહારથી આપણી બધી જ સાધના શરૂ થાય છે. અને બધી જ સાધના આપણને નિશ્ચય સુધી પહોંચાડે છે.

મહોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે સવાસો ગાથાના સ્તવનની અંદર પ્રભુની આ સાધનાના મહાત્મ્યની વાત કરી. ‘નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી ભવસમુદ્રનો પાર.’ સંસારનો સાગર. સાગર ક્યાં સુધી? પ્રભુની કૃપા ન મળે ત્યાં સુધી. મીરાંએ કહેલું, “ભવસાગર અબ સુખ ગયો હૈ ફિકર નહિ મોહી તરનન કી.” સાગર જ સુકાઈ ગયો પછી તરવાની ચિંતા કેવી? ભવસાગર અબ સુખ ગયો હૈ ફિકર નહિ મોહી તરનન કી. કોકે પૂછ્યું, મીરાં આ ચમત્કાર શી રીતે થયો? ત્યારે મીરાએ કહ્યું, “મોહી લાગી લગન પ્રભુ ચરણકી” આ પ્રભુના ચરણોમાં, આ સદ્ગુરુના ચરણોમાં હું આળોટી. અને એટલે મને હવે ભવસાગર સુકાઈ ગયેલો લાગે છે. અહોભાવ મીરાંનો એટલો બધો વધી ગયો કે એક પદમાં એ લખે છે ‘ચરનન લિપટ રહુંગી’ કોકે પૂછ્યું, મીરાં તારું અવતાર કૃત્ય શું? તારું life mission શું? અને એ વખતે મીરાંએ કહ્યું, ચરનન લિપટ રહુંગી. માત્ર ને માત્ર પ્રભુના ચરણોને વળગીને હું રહીશ. આ જ મારું અવતાર કૃત્ય.

તો અદ્ભુત્ત સાધનાપદ્ધતિ આપણને મળી. તમે ખરેખર બડભાગી છો કે આ સાધના તમને મળી ગઈ છે. પણ મેં ગઈકાલે કહ્યું હતું એમ, લંબાઈ અને પહોળાઈ સાધનાની તમારી પાસે છે; you have no depth. ઊંડાણ નથી. કદાચ તમને ખ્યાલ હશે. અત્યારના ચિત્ર જગતમાં મોનાલિસાનું ચિત્ર વિશ્વ પ્રસિદ્ધ છે. એની કિંમત લાખો ડોલરમાં નથી. કરોડો ડોલરમાં છે. ચિત્ર કેટલું છે? આટલું જ છે. પણ એની કિંમત આટલી બધી કઈ રીતે થઈ? ચિત્રકારે જે depth આપ્યું. એ depth ના કારણે એની કિંમત વધી ગઈ. એ મોનાલિસા ચિત્ર, લિયોનાર્દો દ વિન્ચી એ ચીતર્યું છે. લિયોનાર્દો પોતાના ઘરે બેઠાં-બેઠાં સ્ટુડીઓમાં એ મોનાલિસાને ચિતરી રહ્યા હતા. ખાલી bust જ છે. મોઢું ચિતરાઈ ગયું, વાળ ચીતરાઈ ગયા, શરીરનો ભાગ ચિતરાઈ ગયો. સામાન્ય માણસની દ્રષ્ટિએ ચિત્ર પૂરું થઈ ગયું. એ વખતે એક મિત્ર. Close friend. લિયોનાર્દો ના ઘરે આવેલો, એણે જોયું વાહ! ચિત્ર બહુ સરસ છે! ત્રણ વરસ પછી એ મિત્ર ફરી પાછો લિયોનાર્દોના ત્યાં આવે છે અને એ વખતે લિયોનાર્દો મોનાલિસા ઉપર જ કામ કરી રહ્યો છે. મિત્રને નવાઈ લાગી. તમે ત્રણ વરસ પહેલાં આ જ ચિત્ર ચીતરતાં હતા ને? તો કહે, હા. એ તો પૂરું થઈ ગયેલું. એટલે વચ્ચે બીજા ચિત્રો ચીતરી અને હમણાં પાછું આ ચિત્ર લીધું? લિયોનાર્દો કહે છે ના એ ત્રણ વરસથી સતત આ ચિત્ર ઉપર જ કામ કરું છું. પેલો કહે પણ પૂરું થઈ ગયું હતું ચિત્ર. ત્રણ વરસમાં તમે કર્યું શું? ત્યારે કહે છે, આ facial expression છે ને બરોબર નહોતું. એની થોડી રેખાઓ બદલી, આ eyebrow બરોબર નહોતી તો eyebrow ની રેખાઓ થોડી બદલી. આ forehead બરોબર નહોતું તો forehead ને બરોબર કર્યું. ખાલી એક દિવસમાં એક પીંછીનો લસરકો થાય. પણ એ પાંચ કલાક, છ કલાક વિચારે કે આમાં depth લાવવા માટે હવે શું કરી શકાય? એ ચિત્ર ન લાગે, એ વ્યક્તિ જીવંત લાગે એના માટે મારે શું કરવું છે? એક ચિત્રમાં ઊંડાણ લાવવા માટે એક ચિત્રકાર વર્ષો સુધી મચી પડે. આપણે આપણી સાધનાને ઊંડાણમાં લઇ જવા માટે શું કરીએ છીએ?

આજે એક નવો આયામ આપવો છે. સાધનાના ઊંડાણ માટેનો. એ આયામ છે, એક ત્રિપદી. એક ત્રિપદી સાધનાની જો તમને મળી જાય તો તમારી સાધના ઊંડાણમાં પહોંચે. સ્થળ, સમય અને સાધકનો અહોભાવ. આ એક ત્રિપદી છે. આ ત્રિપદી જો ભેગી થાય તો તમારી સાધના એકદમ ઊંડાણમાં જાય.

એક યાત્રિક મારી પાસે આવેલો. સમેતશિખરની યાત્રાએ એ જતો હતો. મારી પાસે એણે હિતશિક્ષા માંગી. મેં એને કહ્યું કે સમેતશિખર અને પાવાપુરીમાં તો તમે લોકો રોકાશો. પણ જો ઋજુવાલિકા નદીના કિનારે બે-ત્રણ કલાક રહેવાનો scope મળે તો ઋજુવાલિકાના કિનારે આંખો બંધ કરીને ધ્યાનમાં સરવાની તું કોશિશ કરજે. પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો ત્યાં spread out થયેલા છે તે આંદોલનોને આજે ઝીલી શકાય.

એક વાત તમારે ખ્યાલમાં છે? દરેક તીર્થંકર ભગવાનની દીક્ષા અને કેવલજ્ઞાન વૃક્ષની નીચે જ થાય. કેમ? વૃક્ષની ઉર્જાની receptivity સઘન છે. પૃથ્વીની પણ receptivity છે. પણ એ નંબર ટુ ઉપર આવે છે. વૃક્ષની પાસે એવી receptivity છે, કે એ વખતે જે ઉર્જા એકઠી થઈ એ ઉર્જાને સીધી એ પી લે છે. અને પછી તમે એ વૃક્ષની નીચે આવો અને ધ્યાનદશામાં બેસો તો એ ઉર્જાને તમે લઇ શકો. એટલે ઉર્જા સર્ક્યુલેટ થયા કરે. સિદ્ધગિરિ ઉપર આપણે જઈએ. દેરાસર નવા થયેલા છે. ભરતચક્રવર્તી એ પહેલાં બનાવ્યું હતું. કે ગિરિરાજ ઉપર કાંઈ જ નથી. સામાન્ય લોકોને એમ થશે કે ભગવાનનું દેરાસર તો છે નહિ, જઈને શું કરવાનું? એક સિદ્ધગિરિરાજ એવો છે કે જ્યાં જિનાલયોની કોઈ મહત્તા નથી, જ્યાં માત્ર ગિરિની પોતાની મહત્તા છે. એ ગિરિરાજના કોઈ પણ spot પર તમે બેસી જાઓ. ધ્યાનની કક્ષામાં. કાંકરે-કાંકરે અનંત આત્માઓ સિદ્ધિપદને ત્યાંથી પામેલા છે. એ વખતની ઉર્જા ત્યાં વિખરાયેલી છે એ ઉર્જાને તમે માણી શકશો. પણ સૌથી મહત્વનું spot હોય તો રાયણવૃક્ષ. દાદા ઋષભદેવ પૂર્વ નવ્વાણુંવાર ત્યાં સમવસર્યા. કેવળજ્ઞાન પહેલા પ્રભુ જેટલી વાર ત્યાં આવ્યાં અને પ્રભુએ ધ્યાન એ રાયણવૃક્ષની નીચે કર્યું. પ્રભુના ધ્યાનની ઉર્જા એ રાયણવૃક્ષે પીધેલી છે. તમે એ રાયણવૃક્ષ પાસે બેસીને ધ્યાન કરો તો પ્રભુના ધ્યાનની ઉર્જા સાથે તમે જોડાઈ શકો.

મેં પેલા યાત્રિકને કહેલું કે સાડા પચ્ચીસો વરસનો ગાળો, એ કાળના મહાસાગરમાં એક tinniest portion છે. એક નાનકડી ચમચી. એટલે ભૂતકાળમાં જવું ધ્યાન દ્વારા, બહુ સરલ છે. ભવિષ્યકાળમાં પણ જઈ શકાય. ભૂતકાળમાં પણ જઈ શકાય. તો એ ઋજુવાલિકા નદીના કિનારે તમે ધ્યાન કરો. સ્થળ powerful અને એમાંય વૈશાખ સુદ દશમનો દિવસ મળી જાય. સમય એકદમ appropriate આવ્યો. પ્રભુના કેવલજ્ઞાન કલ્યાણકનો. સ્થળ અને સમય બેઉ મહત્વનાં. સ્થળ એટલાં માટે કે ત્યાંથી vibration સતત વહી રહ્યા છે. સમય એટલાં માટે મહત્વનો છે કે એ પ્રભુના કલ્યાણક વખતે જે atmosphere આકાશનું અને ધરતીનું હતું એ દર વરસે repeat થાય છે.

આપણું જે પંચાંગ છે ને – calender. એ સૌર-ચાંદ્ર કેલેન્ડર કહેવાય. ખ્રિસ્તીઓનું જે કેલેન્ડર છે એ સૌરવર્ષ. એમને માત્ર સૂર્ય જોડે સંબંધ. મુસ્લિમોનું જે છે એ ચાંદ્રવર્ષ. એમને માત્ર ચંદ્રમાં જોડે સંબંધ. આપણું પંચાંગ એવું છે જેમાં સૂર્ય અને ચંદ્ર બેનું મિલન થયેલું છે. કે પૂનમ આવે ત્યારે આકાશમાં ચંદ્ર પૂર્ણ ઉગેલો જ હોય. એટલે જ સાહેબ વૃદ્ધિ વિગેરે કરી અને વ્યવસ્થિત રીતે આખું પંચાંગ નિષ્પન્ન થતું હોય છે. તો પ્રભુના કલ્યાણકના એ દિવસે આકાશના ગ્રહોની જે સ્થિતિ હતી એવી સ્થિતિ આ દિવસે હોય છે. અને એના કારણે આખું atmosphere લગભગ એ સમય જેવું થઈ જાય છે. સ્થળમાંથી vibrations મળે, સમયમાંથી તમને atmosphere મળે.

આપણા યુગના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આઈનસ્ટાઇન. એમણે એક નવો શબ્દ આપ્યો. Speciotime. એમણે space અને time ને એક કરી નાખ્યાં. એ કહે કે સ્થળ અને સમય બંને એકાકાર થયેલી જ ઘટના છે, એ બેને છૂટી ન પાડી શકાય. તો હવે સ્થળ મળ્યું, સમય મળ્યો, હવે ત્રિપદીમાં ત્રીજું પદ કયું આવ્યું? સાધકનો તીવ્ર અહોભાવ. તમે એકદમ ધ્યાનમાં બેસી જાવ અને ધ્યાનમાં બેસીને એ ઉર્જાને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. પોષી દશમ હોય. તમે વારાણસીમાં હોવ કે શંખેશ્વરમાં હોવ. વારાણસી vibrations થી જેમ છલકાતું છે, પ્રભુનું જન્મકલ્યાણક ત્યાં થયુ માટે. તો શંખેશ્વર પણ એવા જ vibrations થી છલકાતું છે.

આપણે ત્યાં બે ચૈતન્ય છે. મૂર્તિ ચૈતન્ય અને મંત્ર ચૈતન્ય. મૂર્તિ ચૈતન્યના જે તજજ્ઞો છે. તે લોકો કહે છે, કે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, ગિરનારના નેમનાથ પ્રભુ અને અંતરીક્ષજી પાર્શ્વનાથ દાદા આ ત્રણનું મૂર્તિચૈતન્ય અત્યંત પાવરફુલ છે. તમને રીતસર ખેંચે. તમે ખાલી neutral થઈને બેસો તો એ મૂર્તિચૈતન્ય તમને ખેંચશે. પ્રભુ વિતરાગ. પ્રભુ વિતરાગ છે. પણ એ જે પરમ સત્યનું અવતરણ જે આચાર્ય ભગવંતે કર્યું તે એવી રીતે કર્યું કે મૂર્તિચૈતન્ય એકદમ સશક્ત બની જાય. મૂર્તિમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ અને મંત્રમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ.

તો તમે પોષીદશમી ના દિવસે શંખેશ્વરમાં છો. સ્થળ સરસ મળી ગયું, સમય પણ એ જ મળી ગયો. જન્મકલ્યાણકનો દિવસ. તમે ચૂકો છો ક્યાં, એ બતાવું તમને. કલ્પસૂત્રમાં કેટલીય વાર તમે સાંભળ્યું. મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. પાર્શ્વનાથ પ્રભુનું જીવનચરિત્ર આવશે ત્યાં પણ એ જ આવશે. ઉપરક્તા વરક્ત કાલેણ. મધ્યરાત્રિના સમયે પ્રભુનો જન્મ થયો. હવે શંખેશ્વરમાં જાઓ, પોષીદશમ નો અઠ્ઠમ કરો, આખો દિવસ માળા ફેરવો, રાત્રે બાર વાગે ઊંઘી જાઓ. એટલે જે appropriate time હતો એ appropriate time ને તમે ચુકી ગયા. કલ્પસૂત્ર શરુ થશે ને શરૂઆતમાં જ આ આવશે, “तेणं कालेणं तेणं समएणं”. તે કાળે અને તે સમયે. કાળ એટલે સમયનો બૃહતખંડ. અવસર્પિણી, ઉત્સર્પિણી. બહુ જ મોટો ખંડ. અને સમય એટલે એક perticular time.

એક બહુ મજાની વાત તમને કહું કે આપણે ત્યાં કયા વર્ષમાં, કઈ ઘટના ઘટી એવો કોઈ ઉલ્લેખ નથી આવતો. આવે છે? કયા વર્ષમાં? પણ તિથી, બરોબર એનું નક્ષત્ર, એની બરોબર વાત કરશે. કારણ? સંબંધ એની જોડે જ છે. કે માગસર વદ દશમ. આપણે કહીએ પોષવદ દશમ. એ દશમ આવવી જોઈએ. કયા વરસની એની જોડે સંબંધ નથી હવે, કોઈ પણ વરસની હોય. એ દિવસ, એ સમય આવવો જોઈએ. એ સ્થળ હોય અને એમાં તમારી ચેતના સુક્ષ્મ રીતે ભળે એટલે ત્રિપદી ભેગી થઈ જાય.

 તો સ્થળ મજાનું, સમય મજાનો. હવે ત્રિપદીનું ત્રીજું પદ શું રહ્યું? તમારી ચેતનાને એકાકાર કરો. એના માટે પણ કેટલાં બધા સશક્ત સંકેતો આપ્યા. પાર્શ્વનાથ પ્રભુનો જન્મ વારાણસી નગરીમાં… ઈંગિત એ છે કે મનની વારાણસીમાં આજે પ્રભુનું અવતરણ થાય. આજે… પણ મનની વારાણસીમાં. તો તમારાં મનને તમે વારાણસી બનાવી શકો?

પંચકલ્યાણકની પૂજા ઘણી વખત ભણાવી. એમાં સરસ લખે છે. “વારણા ને અસી દોય વચમાં વસી નગરી વારાણસી.” એ જમાનામાં વારાણસી-કાશી જે આપણે કહીએ, તો તેની બે બાજુમાં બે નદી વહેતી હતી. એક નદી વારણા, બીજી અસી. બે નદીના નામ પરથી વારાણસી નામ પાડ્યું. તો મનની વારાણસી. મનની એક બાજુ વારણા, એક બાજુ અસી નદી. અસી એટલે શું? તલવાર. મન ક્યાંય વિભાવમાં જવા તૈયાર થાય, રાગ કે દ્વેષમાં જવા તૈયાર થાય તો તલવાર ખુલ્લી તમારી પાસે હોય. બરોબર? અને સાધક થોડો તૈયાર થયેલો હોય તો વારણા. મન વિભાવમાં જવા તૈયાર થયું હોય, એ ના પાડી દેશે; મન જશે નહિ. તો મનની વારાણસી બનાઈ દો. એ મનની વારાણસીમાં પ્રભુનું અવતરણ થાય.

એકમના દિવસે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકનુ વાંચન થશે. જન્મકલ્યાણક તો ચૈત્ર સુદ તેરસનો છે. પણ પ્રભુનાં જીવનચરિત્રમાં ગુરુદેવોના મુખે આપણે સાંભળીશું કે ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રિએ આ રીતે પ્રભુનો જન્મ થયો. અને લાખો જૈનો ઉછળી પડશે. એમના આનંદનો કોઈ ઓરછોર નહિ હોય. આ આનંદ એ પણ એક મહત્વનું પરિબળ છે. તો હવે આપણે વિચારીએ કે ચૈત્રસુદ તેરસ હોય એ પણ મહત્વનું છે અને ભાદરવાસુદ એકમ પણ મહત્વની. ભલે જન્મકલ્યાણક નથી એ દિવસે, જન્મકલ્યાણકનું વાંચન છે. પણ ઉત્સાહ એટલો છે કે જન્મકલ્યાણક જેટલો છે. એટલે સમય appropriate, સ્થળ પણ આપણી પાસે મજાનું છે. હવે શું કરવું પડે? તમારી ચેતનાને તમારે સક્રિય બનાવવી પડે.

તો હવે આપણે ત્યાં શું થયું. સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા મહારાણી. એમના ત્યાં વર્ધમાન કુમારનો જન્મ. તમારી ચેતનાને સિદ્ધાર્થ બનાવી દો. સિદ્ધાર્થનો અર્થ શું થાય, ખબર છે? જેના બધા જ કામ પુરા થઈ ગયા હોય એ સિદ્ધાર્થ. એટલે સાક્ષીભાવમાં આવેલો સાધક હોય એ સિદ્ધાર્થ. અમે લોકો છીએ. તો અમારો logo છે. We have not to do anything absolutely. Doing totally ગયું, being ની જ ધારા છે. હવે ક્યાંય પણ વિચરીએ, ક્યાંય પણ જઈએ, કોઈ હેતુ નથી રહ્યો બાહ્ય. પ્રભુએ કહ્યું છે વિહાર યાત્રા કરવાની, કરવાની. તો સિદ્ધાર્થ એટલે સાક્ષીભાવમાં આવેલો સાધક.

અને ત્રિશલા એટલે શું? તમારી ચેતનાને ત્રિશલ્યાતીતા બનાવવાની. ત્રણ શલ્ય છે. મન શલ્ય, વચન શલ્ય અને કાય શલ્ય. મનથી બીજાને પીડા આપી તો મન:શલ્ય, વચન દ્વારા બીજાને દુભવ્યો તો વચનશલ્ય અને કાયા દ્વારા ઈર્યા વગર ચાલ્યાં, પુંજયા-પ્રમાર્જ્યા વગર બેઠા-ઉઠ્યા અને કોઈ સુક્ષ્મ જીવોની વિરાધના કરી તો એ કાયાશલ્ય. આ ત્રણે શલ્યથી તમે અતિત હોવ અને સાક્ષીભાવમાં તમારી ચેતના બિરાજેલી હોય તો તમારી ચેતનામાં પ્રભુનો જન્મ થઈ જાય. નેમિનાથ પ્રભુ. તો શિવાદેવી માતા, સમુદ્રવિજય પિતા. સમુદ્ર. ખળભળતો દરિયો. ઇન્દ્રિયોની અંદર વાસનાઓ ભળે એટલે એ ઇન્દ્રિયો કેવો થઈ જાય? ખળભળતા સમુદ્ર જેવો. આ જોઈએ, આ જોઇએ, આ જોઈએ. એ ઇન્દ્રિયોના સ્તર ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો એ સમુદ્રવિજય. તમે ઇન્દ્રિયવિજેતા બન્યાં તો સમુદ્રવિજય બન્યાં. અને તમારું મન શિવ; એટલે કલ્યાણકારી બની ગયુ. બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા તમારા મનમાં આવી ગઈ તો તમારી ચિત્તવૃત્તિ શિવા બની ગઈ. તો આવી ચેતના તમારી બની તો પ્રભુનું અવતરણ થાય.

મરુદેવા માતા- નાભિરાયા. ઋષભદેવ પ્રભુનો જન્મ. બહુ જ યોગની ઊંડી વાત છે. કુંડલીની શક્તિ નાભિની નીચે મુલાધારમાં સ્થિર થઈને બેઠેલી છે. કોઈ સદ્ગુરુ મળી જાય ત્યારે જ એ કુંડલીની શક્તિ ઉપર ચડે છે અને ઉપર ચડી અને સીધી સહસ્ત્રાર સુધી જાય. સહસ્ત્રાર એટલે મેં કહેલું હજાર પાંખડીવાળું ફૂલ. તો નાભિરાયા એટલે ઈંગિત એ થયું કે મુલાધારમાં રહેલી કુંડલી. મરુદેવા, મરુભૂમિના રણમાં દેવની પ્રતિષ્ઠા કોને મળે? ફૂલને. જ્યાં રેત અને કાંકરા સિવાય કાંઈ મળે જ નહિ. ત્યાં ફુલ દેખાય તો ઓચ્છવ જ લાગે ને. મરુદેવા એટલે મરુભૂમિમાં ઉગેલું ફૂલ. અને ફૂલ એટલે આ સહસ્ત્રાર. તો તમારી કુંડલીની યાત્રા મૂલાધારથી ઉઠીને સહસ્ત્રાર સુધી જાય ત્યારે તમારી ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. તો કેટલી મજાની આ ત્રિપદી છે!

પર્યુષણા પર્વ. સમય કેટલો મજાનો! લાખો ભાવિકો આ સમયે સાધના કરતા હોય છે. એક જ સમય નક્કી કર્યો. એક જ સમય. કે આ સમયે બધા સાધકો સાધના કરતા હોય. તમને ખ્યાલ છે તમે એકલા સાધના કરો અને એક લાખ સાધકો સાધના કરતા હોય અને એ વખતે તમે સાધના કરો તો એ લાખ સાધકોની સાધનાનું બળ તમને મળે છે. આપણે ત્યાં જેમ કહ્યું, કે બ્રાહ્મમુહુર્તમાં યોગસાધના કરવી જોઈએ. સૂર્યોદયની પહેલાંના લગભગ સવા બે કલાક એ બ્રાહ્મમુહુર્ત છે. એટલે ચાર થી છ – સાડા છ નો ગાળો. એ સમયે તમે ધ્યાન કરો. તો એ ધ્યાનની efficiency વધી જાય. કેમ વધી જાય? એનું કારણ એક જ. એક તો તમે ઊંઘીને ઊઠેલા છો એટલે તમારું મન શાંત છે. વાતાવરણ પણ શાંત છે. અને એ શાંત વાતાવરણમાં લાખો યોગીઓ જે યોગસાધના કરી રહ્યા છે એનાં vibrations atmosphere માં ઘુમરાય છે અને એ vibrations તમને મળે છે. દિવસે તમે યોગસાધના કરશો પણ એ તમારે તમારાં બળ ઉપર કરવી પડશે. તમને atmosphere ની પૂર્વભૂમિકા નહિ મળે. જયારે બ્રાહ્મમુહુર્તમાં લાખો યોગીઓની યોગસાધનાનું બળ તમને મળશે.

એ જ રીતે આ પર્યુષણા મહાપર્વ. એક સાથે લાખો સાધકોની સાધનાનું પુષ્ટબળ તમને મળી રહ્યું છે. આ સ્થળ પણ મજાનું છે, જ્યાં બારે મહિના સાધનાની ગંગા અવિરત ચાલ્યા કરે છે. હવે તમારી મનોવૃત્તિ એકદમ એકાગ્ર બની જાય. આ આઠ દિવસોમાં માત્ર ને માત્ર મન પ્રભુને સોંપી દેવાનું. શું તમારી શ્રધ્ધા છે! નાના નાના દીકરાઓને -દીકરીઓને લઈને મા-બાપ આવે. સાહેબ આજ ત્રીજો ઉપવાસ. વાસક્ષેપ આપો, અઠ્ઠાઈ થઈ જાય. એ માતપિતા કેવા! આવા માતપિતા પણ મહાપુણ્યના ઉદય વિના મળતાં નથી. એમની ઈચ્છા છે. મારો આ નાનકડો દીકરો-નાનકડી દીકરી અઠ્ઠાઈની સાધના કરે. તો બહુ મજાની શ્રધ્ધા તમારી પાસે છે. તમારી શ્રધ્ધાને હું જેટલી બિરદાવું એટલી ઓછી છે. હું ઘણીવાર કહું છું, તમારી એ શ્રધ્ધાને જોઇને અમારી આંખો ભીની બને છે. એવી શ્રધ્ધા તમારી પાસે છે. પણ, હવે મને માત્ર આનાથી સંતોષ નથી. મને જોઈએ છે તમારી સાધનાનું ઊંડાણ. There should be the depth. ઊંડાણ. અને એ ઊંડાણમાં આપણે જવું જ છે. હું તૈયાર હો.. બે હાથે તાળી વાગશે. હું તૈયાર, તમે પણ તૈયાર હશો. પ્રભુની સાધનાને કમસેકમ ઊંડાણથી સમજી તો લઈએ. અને નક્કી વાત છે કે તમે એને ઊંડાણથી સમજશો, તમે એને આચર્યા વગર રહી જ નહિ શકો. આટલી સરસ સાધના! પ્રભુની સાધના માટે હું ઘણીવાર કહેતો હોઉં. કે minimum effort maximum result.

અર્થશાસ્ત્રનું આ સૂત્ર છે કે પ્રયત્ન તમારો નાનામાં નાનો હોય અને તમને પરિણામ તમને મોટામાં મોટું મળે.. એ સાધના પ્રભુએ આપી. Maximum result. પ્રયત્ન બહુ નાનકડો. એક સામાયિક કરો, કેટલું ફળ બતાવ્યું છે? નવકારશીના પચ્ચક્ખાણે, ઘણા જાગતા જ હોય અને એ તમે ઈચ્છાપૂર્વક મનની ભાવનાપૂર્વક નવકારશીનું પચક્ખાણ કરો, એનું ફળ કેટલું બતાવ્યું છે! પણ ધ્યાન અને સાધનામાં તમે જાઓ. ત્યારે તો એક – એક સેકન્ડમાં અપૂર્વ નિર્જરા છે.

નવપદ પૂજામાં કહ્યું, જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેદ. હવે આમાં છે ને શબ્દ જ્ઞાની પણ ધ્યાની સમજવાનો છે. આ પદ્મવિજયજી મહારાજની પૂજામાં આવેલી કડી છે, જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેદ. અજ્ઞાની પૂર્વકોટિ વરસમાં જે કર્મનો ક્ષય ન કરી શકે એ જ્ઞાની એક શ્વાસોશ્વાસની અંદર કરે. પણ એનું મૂળ છે શીરીશીરીવારકહા. અને શીરીશીરીવારકહા ના શબ્દો છે, નાણી તીહિમ ગુત્તો. એટલે અનુવાદની અંદર “તીહીમ ગુત્તોનો” અનુવાદ આવી શક્યો નથી. જ્ઞાની ત્રણ ગુપ્તિથી યુક્ત હોય. એ એક ક્ષણમાં એક શ્વાસોશ્વાસમાં આટલા કર્મોનો ક્ષય કરે છે. તો ત્રણ ગુપ્તિથી યુક્ત જ્ઞાની એટલે ધ્યાની થઈ ગયો. ગુપ્તિ એટલે ધ્યાન. ગુપ્તિ એટલે જ કાયોત્સર્ગ. તમે પૌષધ પણ કરો, ઉપધાન પણ કરો. બોલો ને. ગમણાગમણે તો બોલવું જ પડે ને? પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ ખંડના વિરાધના થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. હું ઘણીવાર કહું, કે ભાઈ ધરતીકંપનો આંચકો આવે. ચાર-પાંચ – છ સ્કેલનો તો પાકા મકાનમાંએ કદાચ તિરાડ આવે. કાચું મકાન હોય તો તૂટી પણ જાય. પણ ફૂટપાથ ઉપર તંબુ તાણીને કોઈ રહ્યો હોય એના તંબુમાં શું થાય? અને તંબુ એ ન હોય અને ખાલી ફૂટપાથ પર બેઠો હોય તો શું થાય? એમ ખંડણા અને વિરાધના ક્યારે? તમે પાંચ સમિતિ પાળતા હોવ, ત્રણ ગુપ્તિ પાળતા હોવ અને ક્યાંક ભૂલચૂક થઈ જાય તો ખંડણા – વિરાધના… મકાન જ નથી તિરાડ ક્યાંથી પડવાની? ગુપ્તિને તો સમજ્યા પણ નથી તમે. તો એ ગુપ્તિને આપણે સમજવી છે. અષ્ટપ્રવચનમાતા ને ન સમજીએ ચાલશે.

પંચસુત્રમાં એક સરસ સવાલ કરવામાં આવ્યો. કે સાહેબ તમે અષ્ટપ્રવચનમાતા કહો છો. એક બાળક હોય ને એ પણ ત્રણ – ચાર વરસનું થાય ને એટલે માં ની આંગળી છોડી દે. અમારે અષ્ટપ્રવચનમાતાની આંગળી ક્યારે છોડવાની? પ્રશ્ન કરે. અમે પણ મોટા તો થઈએ ને કહે. ત્યારે જવાબ આપ્યો, “પિયસ્તિ અત્થકેવલી”. તમે કેવલજ્ઞાની બનો ત્યારે પુખ્ત બન્યા. પછી અષ્ટપ્રવચનમાતાની જરૂરિયાત નથી. ત્યાં સુધી તમારે અષ્ટપ્રવચનમાતા વગર ચાલે નહિ. તો આ ત્રિપદી કેટલી મજાની છે. Appropriate સ્થળ, appropriate સમય અને એ સમયે તમારી ભાવદશા એકદમ તીક્ષ્ણ બને તો તમારી સાધના ઊંડાણમાં જાય.

આપણે ગઈકાલે કહેલું કે વાર્ષિક અગિયાર કર્તવ્યો એ ઋણમુક્તિના આધારસ્તર ઉપર છે. જે પ્રભુએ મને આટલું બધું આપ્યું. જે સદ્ગુરુએ, જે પ્રભુશાસને મને આટલું બધું આપ્યું એ પ્રભુને, એ સદ્ગુરુને, એ પ્રભુશાસનને હું શું આપી શકું? અને એ ખોજમાંથી આ વાર્ષિક કર્તવ્યો આવ્યા. પાંચમું કર્તવ્ય છે, દેવદ્રવ્યની વૃદ્ધિ. મારાં પ્રભુની ભક્તિ એવી રીતે કરું. આજે દેવદ્રવ્ય બહુ જરૂરી છે. આપણા દેરાસરો ઘણા સમૃદ્ધ બન્યા છે તેનું કારણ શું? આ દેવદ્રવ્ય. એક તીર્થનું દેરાસર છે. કદાચ પાંચસો વરસ થઈ ગયા કે  હજાર વરસ થઈ ગયા. સામાન્ય રિપેરિંગ કરાવવું છે. પાંચસો કરોડ લાગે એમ છે. આપણને ચિંતા નથી. દેવદ્રવ્ય છે. પાંચસો કરોડ મળી જાય છે. આપણા દેરાસરોનો ભવ્ય વારસો જે ઘણા સમૃદ્ધ આપણી પાસે આવ્યો છે તેની પાછળ આ દેવદ્રવ્યની વૃદ્ધિ એક કારણરૂપ છે.

પરમદિવસે સ્વપ્નોની બોલી બોલાવાશે. કેટલો બધો અહોભાવ હશે તમારી પાસે. પ્રભુની માં ને જે સ્વપ્નો આવ્યાં તે સ્વપ્ન ને હું આકાશમાંથી નીચે ઉતારું. એ સ્વપ્નનું દર્શન સકળ સંઘને કરાવું. એના માટે લાખો અને કરોડોની બોલી એક દિવસમાં થઈ જશે. કેવો ભાવ! કેવો અહોભાવ! તમે એમ બહુ હોશિયાર છો. ઉપધાનની માળ પહેલી આવી કે પાંચમી આવી કે દશમી આવી ફરક શું પડે છે. પાંચ મિનીટ પછી પહેરશુ. પણ એ વખતે જે અહોભાવ આવે છે એ અહોભાવ એ છે કે મારી દીકરીએ કે મારી માએ ઉપધાન કર્યા છે તો એને પહેલી માળ હું કેમ ન પહેરું? અને એમાંય તમે દેવદ્રવ્યની વૃદ્ધિ કરી રહ્યા હોવ છો. તો દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી અને એની સુરક્ષા કરવી. કાળ એટલો કપરો આવી રહ્યો છે કે સત્તાધીશોની નજર આ પૈસા ઉપર પડેલી છે. અને એટલે ક્યારે એક કાયદાની કલમે એ લોકો પૈસા લઇ લેશે આપણને ખબર પણ નહિ પડે. આપણો કોઈ વિરોધ ત્યાં કામ પણ નહિ આવી શકે. એટલે સારામાં સારી વસ્તુ તો એટલી છે કે જે સંઘો એકદમ પ્રતિષ્ઠિત છે અને જે સંઘોમાં દેવદ્રવ્યની જરૂરિયાત પોતાને ત્યાં નથી એ લોકો દર વર્ષે જેટલી ઉપજ થાય બહાર આપી દે. જીર્ણોદ્ધારમાં આપો. અને બીજા નંબરે જ્યાં જૈન કોલોનીસ બની રહી છે. સો ઘર, બસો ઘર બની રહ્યા છે. અને એ લોકો લોઅર – મિડલ ક્લાસના છે. એ લોકો દેરાસર બનાવી શકે એમ નથી. તો ત્યાં દેરાસર અચૂક બનવું જોઈએ. ત્યાં બનાવેલું દેરાસર એ જૈનત્વની એમના માટેની identity બની જાય છે.

હું ગાંધીનગરમાં એક સેક્ટરમાં ગયેલો. બાવીસ સેક્ટરમાં તો આપણું મોટું દેરાસર છે ભવ્ય. પણ ત્રીસ સેક્ટરમાં કે બીજા કોઈ સેક્ટરમાં હું ગયેલો. ત્યાં દેરાસર હમણાં જ થયેલું, છ મહિના પહેલા. ત્યાં મારે થોડા કલાક રહેવાનું થયું. લોકો મળ્યા. એક જ વાત એ લોકોએ કરી કે સાહેબ છ મહિના પહેલા પ્રતિષ્ઠા થઈ એ પહેલા સો ઘર આજુબાજુમાં રહેતા હતા. અમારી બાજુના ફ્લેટમાં જૈન રહેતો હતો પણ અમે એને ઓળખતા નહોતા. કારણ કે identity માટેનો કોઈ મંચ જ અમારી પાસે નહોતો. પણ દેરાસર થયું અને બધા મળવા લાગ્યાં. ઓહોહો, તમે જૈન છે. તમને તો હું ઓળખું, તમે તો મારી બાજુના જ ફ્લેટમાં છો. એટલે કે જીર્ણોદ્ધારમાં, તીર્થોદ્ધારમાં અને આવા મંદિરોમાં દેવદ્રવ્યનો ઉપયોગ થાય અને એ રીતે એ બધા લોકો પ્રભુની નજીક જાય એનો લાભ આપણને મળે. તો ,માત્ર અને માત્ર ઋણમુક્તિનો આખો સવાલ છે. પછીના પણ કર્તવ્યો એવા જ છે.

એક કર્તવ્ય શ્રુતપૂજાનો છે. જ્ઞાનની પૂજા. આજે કલ્પસૂત્રના ચડાવા બોલાશે. કાલે એનું પૂજન પણ થશે. તમે પૂજન કઈ રીતે કરો? સો ની નોટ મુકો, પાંચસો ની નોટ મુકો બરોબર. પણ કલ્પસૂત્ર કદાચ ન વાંચો પણ બીજા જે ગ્રંથો તમે વાંચી શકો એવા છો. એવા કેટલા ગ્રંથો વાંચ્યા? ખરું ગ્રંથ પૂજન આ છે. અતિચારમાં બોલશો આજે. અકાળે ભણ્યાં-કાળે ભણ્યાં નહિ. સ્વાધ્યાય માટેના જે વિકાર periods છે એમાં ન ભણાય. પણ સ્વાધ્યાય માટેનો યોગ્ય સમય છે એ વખતે ભણવું જ જોઈએ. રોજ ન ભણો તો રોજ જ્ઞાનનો અતિચાર તમને લાગે. જ્ઞાનદ્રવ્યના પૈસા આજે બહુ સારી રીતે ખર્ચાઈ રહ્યા છે.

એક બહુ સરસ કામ આપણા યુગમાં એ થઈ રહ્યું છે કે હસ્તપ્રતોને આપણે ફરીથી લખાવી રહ્યા છીએ. જૂની હસ્તપ્રતો આપણી પાસે છે. નવી હસ્તપ્રતો લખાઈ રહી છે. જે વર્ષો પછી જૂની થશે અને એની પણ એન્ટીક વેલ્યુ થશે. આજે તમને ખ્યાલ નહિ હોય. એક કલ્પસૂત્ર હોય. Black અક્ષરમાં લખાયું. સુવર્ણ અક્ષરે નહિ, black અક્ષરમાં. માત્ર ૨૫ થી ચાલીશ ચિત્રો એની અંદર હોય તો આજે એની માર્કેટ વેલ્યુ ૧૦ થી ૧૫ લાખની છે. સુવર્ણ અક્ષરે કલ્પસૂત્ર હોય સચિત્ર તો એક કરોડની આજુબાજુ એની એન્ટીક વેલ્યુ છે. આપણું ઘણું બધું શ્રુત આપણે જયારે પરતંત્ર હતા ત્યારે england પહોંચી ગયું. આજે ત્યાંના museum માં જેટલી હસ્તપ્રતો આપણને મળશે એટલી કદાચ ભારતમાં આપણા એક પણ museum માં નહિ હોય. એટલું બધું એ લોકો ઉછેટીને લઇ ગયા છે. પણ છતાં હજુ ઘણું બધું રહ્યું છે. કારણ કે આપણા પૂર્વાચાર્યોએ ખુબ લખાવડાવ્યું, ખુબ લખ્યું.

હમણાં એક પુસ્તક બહાર આવ્યું છે. L.d. institute એ બહાર પાડ્યું છે. Tressures of the jain bhandar. તો એમાં જૈનભંડારો ઉપર કેમેરા ફેરવી અને મજાના સ્નેપ્સ લીધા છે. હું એ પુસ્તક જોતો હતો. છેલ્લાં પાને, એક પ્રતના છેલ્લા પાનાંનો ફોટો છાપેલો હતો. અને એનું લખાણ વાંચતા ખરેખર અહોભાવમાં આવી ગયેલો. એમાં લખેલું, “લિખિતં ઇદં વસ્તુપાલેન ગુજરાત મહામાત્યેન” આ પ્રત ગુજરાતના મહામંત્રી વસ્તુપાળે પોતે લખી છે. લખાવડાવી એમ નહિ; લખી છે. મન્નહ જીણાણં આણં બોલો ને તમે…? છત્રીસ કર્તવ્યો આવે છે એમાં પુત્થયલિહેણં એક આવે છે. પુસ્તક લખવું નહીતર લખાવવું.

પાટણમાં જયારે કુમારપાળ પછી અજયપાળનું શાસન આવ્યું. અજયપાળે એક જ નક્કી કર્યું કુમારપાળનું નામોનિશાન ન રહે. કુમારપાળે નામ બે જ જગ્યાએ રાખેલા. દેરાસરોમાં. ભવ્ય દેરાસરોમાં અને ભવ્ય જ્ઞાનમંદિરોમાં. દેરાસરો તોડ્યા, જ્ઞાન મંદિરો બાળ્યા. એ રાજ્યની ક્રાંતિના સમયમાં આપણા પૂર્વજોએ, એ શ્રેષ્ઠીઓએ પોતાની કીમતી વસ્તુઓની સુરક્ષાનો વિચાર નથી કર્યો. આ રાજા કાલે એક કલમના ગોદે બધું, કરોડોની સંપત્તિ લઇ લેશે તો? જૈનોનો દ્વેષી હતો. એ વખતે એમણે પોતાની સંપત્તિની દરકાર નથી કરી. પાટણમાં રહેલાં ગ્રંથોને ઠેઠ રાજસ્થાનની સરહદ ઉપર જેસલમેરમાં મોકલ્યા. આજે જેસલમેરમાં ભંડાર છે એ પાટણથી ગયેલો છે. ઝડપી જે સાંઢણીઓ હતી, એની ઉપર પુસ્તકો ભરી-ભરી અને મોકલતા જ ગયા. અને પાછું રાજાને ખબર પડે તો સીધી જ સજા થાય. રાતના સમયે ક્યાંક ગામ બહાર પોથીઓને લઇ જાય. ઊંટ ઉપર મૂકી મૂકી ઠેઠ જેસલમેર પહોંચાડવાની. આ કાર્ય આપણા પૂર્વજોએ કરેલું. એ પૂર્વજોની નશોમાં લોહી નહોતું દોડતું, શાસનભક્તિ દોડતી હતી. તમારી પાસે પણ એ જ શાસનભક્તિ છે. અને એ જ શાસનભક્તિની ધારામાં આપણે આગળ વધવું છે. બાકીના કર્તવ્યોની વાત ચડાવાની પછી…

અમારી અને તમારી બધી જ સાધના એક માત્ર ઋણમુક્તિ માટેની છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજા સ્તવનમાં કહે છે “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો”. પ્રભુ નરક અને નિગોદમાં હું રખડતો હતો. તારી કૃપા મને ઊંચકીને મનુષ્યત્વના દ્વાર સુધી સાધનાની પગથાર સુધી, ભક્તિની ભૂમિકા સુધી લઇ આવી. પ્રભુ મારું જીવન પૂરેપૂરું તારા ચરણોમાં સમર્પિત કરું તો પણ તારી ઋણમુક્તિ હું ક્યારેય પણ કરી શકું નહિ. પણ એમ થાય કે સંપૂર્ણ ઋણમુક્તિ ભલે ન થઇ શકે આંશિક ઋણમુક્તિ તો હું કરું! અને એ માટે આ અગિયાર કર્તવ્યોની વાત કરે છે. એ કર્તવ્ય જ્યારે કરો ત્યારે હૃદયમાં ઋણમુક્તિનો એક ભાવ હોવો જોઈએ.

એક કર્તવ્ય છે મહાપૂજા. શાંતિ સ્નાત્ર વિગેરે પૂજનો ભણાવાય. એક રાધનપુરવાળા ભાઈએ મને કહેલું, કે રાધનપુર ધર્મનું મથક ગણાતું, અને શાંતિ સ્નાત્ર બે – ત્રણ વર્ષે થતું. શાંતિ સ્નાત્ર કરવું હોય એટલે તો બહુ મોટી ઘટના. પણ એ શાંતિ સ્નાત્રનો દિવસ હોય ત્યારે આજુબાજુના ૨૫ – ૫૦ ગામોમાં આમંત્રણ મોકલાય. લોકો ગાડાં, ઘોડા, ઊંટ ઉપર બેસી – બેસીને સેંકડોની સંખ્યામાં આવે. શાંતિ સ્નાત્રનો એક મંત્ર સાંભળવા માટે, તો એ યુગની અંદર એક શાંતિ સ્નાત્ર અને એનો એક મંત્ર સંભળાયો, માણસ ન્યાલ થઇ જતો. કે વાહ! મારું જીવન ધન્ય બની ગયું! કલ્પસૂત્ર વિગેરે ઘરે લઇ ગયા હોવ અને રાત્રે ભાવના વિગેરે કરો એ પણ ઋણમુક્તિનું કાર્યક્રમ છે.

ઉદ્યાપન-ઉજમણું, કોઈ પણ તપ કરો એને છેડે ઉજમણું થાય, જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની બધી જ વસ્તુઓ મુકાય. અને એ બધાને પછી ભેટમાં અપાય.

શાસન પ્રભાવના. પ્રભુ શાસનની પ્રભાવના કરવી જ છે. પણ કઈ રીતે કરવી…? મારી પાસે તો એક જ રસ્તો છે, પ્રભુ શાસનથી પ્રભાવિત બન્યા, એટલે વાત પુરી. આપણે પ્રભુ શાસનના પ્રભાવક બનવું જ નથી, મારે પણ નથી બનવાનું. હું પણ પ્રભુ શાસનથી પ્રભાવિત છું. તમારે પણ પ્રભુ શાસનથી પ્રભાવિત બનવું છે. આજના યુગમાં શાસન પ્રભાવના માટે થોડું થોડું બદલવું જરૂરી હોય છે. જે શરૂ પણ થઇ ગયું છે. પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક આપણે તો લાડવા ખાઈએ જ છીએ, પણ લાડવા અને પેંડાના થાળ લઈને નીકળો તમારી market માં, ક્યાંક હોસ્પિટલમાં, ક્યાંક સ્કુલોમાં આજે અમારા ભગવાનનો જન્મ છે, લો પેંડો લો, લાડુ લો. પ્રભુના જન્મના સમાચારમાં એ બધાને તમે સહભાગી બનાવો. ઘણીવાર પ્રભાવના હોય ને તો આપણા આપડાવાળાને આપી દે. પેલા છોકરાઓ બહાર ઉભા હોય એ એમનેમ ટળવળતાં હોય. નહિ, પહેલાં એ લોકોને આપો, ખરી શાસન પ્રભાવના એ છે, આપણે તો લડવા આમેય ખાઈએ જ છીએ. બીજાને ખવડાવો હવે…

અને છેલ્લું કર્તવ્ય છે આલોચના. ભવ આલોચના તો તમે દરેકે લીધેલી હોય… એ પછી પણ દર વર્ષે જે મોટા – મોટા પાપો થયા, એની આલોચના સદ્ગુરુ પાસે લઇ લેવી જોઈએ. અને એ રીતે તમારા જીવનની સ્લેટને તમારે એકદમ કોરી કરી કાઢવી જોઈએ. આ ૧૧ કર્તવ્યો પછી પર્વ કૃત્યમાં પૌષધની વાત આવે છે, “પુષ્ટીં ધત્તે ધર્મસ્ય ઇતિ પૌષધ:” જે ધર્મને નિર્જરા ધર્મને, સંવેગ ધર્મને, અત્યંત રીતે પુષ્ટ કરે એ પૌષધ. ૨૪ કલાક સાધુ ભગવંતની જેમ આનંદમાં રહેવાનું.

મારું ગામ ઝીંઝુવાડા. નાનકડું ગામ. એ વખતે ૬૦ – ૭૦ ઘર જૈનોના હતા. આજે તો ૬ – ૭ પણ નથી. દેરાસર સરસ, ઉપાશ્રય ભવ્ય. ખાસ તો ગામના સંસ્કારો એવા કે પર્યુષણ પર્વના દિવસો આવે ત્યારે ૭ – ૮ વર્ષથી ઉપરનો કોઈ પણ દીકરો પૌષધ વગરનો ન હોય… ૭ વર્ષનો દીકરો થયો એટલે પર્યુષણમાં એના ૬૪ પ્રહરી પૌષધ નક્કી થઇ ગયા. તો મારો પહેલો ૬૪ પ્રહરી પૌષધ, સવારે બધી ક્રિયા થઇ ગઈ, પછી વ્યાખ્યાન ચાલે, વ્યાખ્યાનમાં તો કંઈ સમજ પડે નહિ… નીચે વ્યાખ્યાન ચાલે, તો છોકરા બધા ઉપર જઈને ધમાચકડી મચાવે, અમારામાં એક છોકરો હોશિયાર હતો, તો એક જણાએ એને પૂછ્યું; કે આ ૬૪ પ્રહરી પૌષધ એટલે શું? હવે એને પણ ખબર નહોતી. પણ હતો હોશિયાર… અને એને એમ થયું કે હું જવાબ ન આપું, તો મારી પદવી જતી જાય… એને એક ઉત્તર શોધી કાઢ્યો, એ કહે ૬૪ પુરી પૌષધ. એટલે ૮ દિવસમાં ૬૪ પુરી ખાવાની. એ કહે આપણે નાનકડા છોકરા છીએ, આપણે કંઈ સંવત્સરી નો ઉપવાસ કરી શકીએ નહિ, એટલે છેલ્લા દિવસે આપણે એકાસણું જ હોય, એટલે ૮ દિવસમાં ૬૪ પુરી આપણે ખાઈ લેવાની. બધાને ઘેડ બેસી ગઈ, ૬૪ પુરી, પુરી કરે એટલે ૬૪ પુરી… બરોબર.

પહેલો જ દિવસ, ભૂખ લાગી ગયેલી, છોકરાઓને સાઢપોરસીએ પચ્ચક્ખાણ પરાવી દીધું. બાજુમાં જ જમવાનું હતું ત્યાં મોકલી દીધા. હું ગયો બધી વિધિ કરીને બેઠો, પહેલું જ ચા અને પુરી મંગાયા, અને ચા અને પુરી ખાવા માંડ્યો. બાપુજી ને ઉપવાસ હતો, એ પણ પૌષધમાં હતા, એ ખાલી જોવા આવ્યા, કે છોકરો બરોબર ખાય છે કે નહિ… મારા ભાણામાં ચા અને પુરી જોયું, ચમક્યા… કેમ પહેલાં પુરી અને ચા કેમ ખાય છે? પહેલા રોટલી, દાળ, શીરો, મીઠાઈ એ બધું ખાઈ લેવાનું, પછી જગ્યા વધે ને ત્યાં ચા અને પુરી તો પેસી જાય પાછળથી… તારે તો ૨૪ કલાક ચલાવાનું છે પાછું કોટા… મેં કહ્યું વાત તો ખરી… પણ આ કોટા પૂરો કરવો એનું શું? એટલે મને કહે કયો કોટા પૂરો કરવો? મેં કહ્યું આઠ દિવસમાં ૬૪ પુરી તો ખાવી જ પડે ને? તો જ ૬૪ પોરી પૌષધ કહેવાય. એટલે રીજની ૧૦ – ૧૨. ૧૦ – ૧૨ ખાતો જાઉં, તો એકાદ દિવસ ન ખવાય તો પણ વાંધો નહિ, stock કરતો જાઉં, એ હસી પડ્યા, ગાંડાભાઈ આવું કોણે સમજાવ્યું? પ્રહર એટલે ૩ કલાક, એક દિવસના ૮ પ્રહર થાય, ૮ દિવસના ૬૪ થાય. એટલે ૮ દિવસનો પૌષધ કહો કે ૬૪ પ્રહરનો પૌષધ કહો આમાં પુરી ક્યાં આવી…! પણ ૬૪ પ્રહરી પૌષધ એટલે શું? એ ખબર નહોતી ત્યારે અમારો પૌષધ ચાલુ થઇ ગયો. અને એ પૌષધમાંથી જ આ રજોહરણ મળ્યું. એ ચરવળામાંથી જ આ ઓઘો મળ્યો. પૌષધ તો ૭ વર્ષની ઉંમરે, તો પ્રતિક્રમણ તો ૬ વર્ષની ઉંમરે ચાલુ થઇ જાય.

આ નાના ગામમાં કોઈ ટાઈમ તો fix હોય નહિ, સાંજે પ્રતિક્રમણનો, પેલા ભાઈ આવ્યા, તો કહે કે ના નથી આવ્યા, થોડી રાહ જુઓ કહે છે, એ આવી ગયા, હવે કોણ બાકી રહ્યું…? હવે પેલા ભાઈ બાકી રહ્યા… તો પાંચ મિનિટ રાહ જોઈએ… એમ ઉપાશ્રયમાં અંધારું થઇ જાય, પછી સામાયિક લેવાય… હું સામાયિક લીધા પહેલા જ clean bold થઇને સૂઈ જાઉં. એટલે સામાયિક પરાવવાનું હોય જ નહિ મને પછી… પ્રતિક્રમણ પૂરું થાય બાપુજીનું, સામાયિક પારે પછી મને ઉચકીને ઘરે લઇ જાય. ઘર થોડું દૂર હતું, ઉપાશ્રયથી… તો બધા પ્રતિક્રમણવાળા કહે જયંતિભાઈ! આ છોકરો રોજ ઊંઘી જાય છે, સામાયિક પણ લેતો નથી, તમે એને ઉચકીને લઇ જાવ છો, તો શું કરવા રોજ લાવો છો. ત્યારે પિતાજીએ કહેલું, કે એના અજ્ઞાત મનમાં એક સંસ્કાર પડે કે આ કરવા જેવું છે, માટે હું એને લાવું છું. અને ૫ વર્ષની વયે મારી અષ્ટપ્રકારી પૂજા ચાલુ થઇ ગઈ. જૈન કૂળ જે આપણે માંગીએ છીએ, સંસ્કારી માત – પિતા માંગીએ છીએ, એ આના માટે… એ સંસ્કારી માત – પિતા પ્રભુ શાસનમાં આપણો પ્રવેશ કરાવે.

મુંબઈ ખરેખર બડભાગી છે, પ્રવેશ પહેલાં એક મહિનો ફર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એક – એક ઉપનગરમાં કેટલા નાના સંઘો છે. પાંચ – પાંચ મિનિટના walking distance પર બહુ મજાના સંઘો છે. ખરેખર આ વ્યવસ્થાને કારણે સદ્ગુરુઓના ૧૨ એ મહિનાના આગમનને કારણે આ ધર્મ સંસ્કારો આટલા સરસ તમારામાં ટક્યા છે. બાકી મહારાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશમાંથી લોકો આવે છે, એમની આંખમાં આંસુ હોય છે, કે સાહેબ દસ – પંદર વર્ષે પણ એક ચોમાસું અમારા ત્યાં થતું નથી. અમારા ત્રણ સાધુ ભગવંતો અને લગભગ બાર એક સાધ્વીજીઓ વારસી છે, મહારાષ્ટના એ સાધુ – સાધ્વીજીઓની ટપાલ આવે છે, કે સાહેબ એટલો બધો ભાવ અહીંયા છે, એ ખરેખર આપે, દર વર્ષે આ બાજુ ટુકડી મુકવી જોઈએ, લોકો એટલા ભૂખ્યા છે, કે સાધુનું દર્શન કરી, અને અહોભાવથી યુક્ત બની જાય. તો તમે ખરેખર બડભાગી છો કે આમ ઘરની બહાર નીકળો અને સાધુ ભગવંત દેખાય! ઘરમાં બેઠેલા હોય ને ધર્મલાભનો અવાજ સંભળાય.

તો મહાપુણ્યે પ્રભુ શાસન મળી ગયું. મહાપુણ્યે આટલી સરસ વ્યવસ્થા મળી ગઈ. અને મને એનો આનંદ પણ છે. માત્ર એક વાત તમારી જોડે કરવી છે. તમારા મૂળિયાં પ્રભુશાસનમાં છે, પણ નવી જનરેશન જે છે એના મૂળિયાં નથી. તો એ નવી જનરેશન શાસન પ્રતિબદ્ધ બને એના માટે તમે શું કર્યું?

સુરતમાં અમે લોકો હોઈએ ને કોઈ પણ ઉપાશ્રયમાં હોઈએ, ૨૫ – ૫૦  છોકરાઓ અમને ઘેરી વળતાં હોય રોજ, મુંબઈમાં એ દેખાય નહિ. એટલે નવી જનરેશનમાં પણ આ એક મૂળિયાં જામવા જોઈએ. હું માટુંગા ચોમાસું હતો ત્યારે યુવાનોને મેં કહેલું કે હું એવું નથી કહેતો કે તમે એક કલાક વ્યાખ્યાનમાં આવો, નહિ આવો તો ચાલશે વ્યાખ્યાનમાં. માત્ર ૫ મિનિટ ઉપાશ્રય ખુલ્લો હોય ત્યારે સાહેબને વંદન કરવા જવાનું. અને એ પાંચ મિનિટ તમારા જીવનમાં changes ને લાવનારી બની જશે. એટલે તમારા નાના – નાના દીકરાઓ દેરાસરે જતાં થાય, ઉપાશ્રયે જતાં થાય. એના માટે મહેનત તમારે પણ કરવી પડે. સ્કુલના શિક્ષણનું બોજ એટલું બધું દીકરાઓ ઉપર છે, શિક્ષણ, ટ્યુશન અને ટી.વી. આ ત્રણમાંથી જ એ free પડતો જ નથી. પણ તમે એને કોઈ પણ રીતે ધાર્મિક અભ્યાસમાં અને આ રીતે ધાર્મિક સ્રોતો તરફ મોકલો. એની birthday આવે છે. તમારે આમેય એને કંઈક આપવાનું છે, gift. તમે એને કહી દો, તારું વંદિતું થઇ ગયેલું છે, તું વંદિતું આજે પ્રતિક્રમણમાં બોલી લે, મ.સા. ને હું આજે પુછી લઈશ, મ.સા. સર્ટિફાઈ કરશે તો તારી આ ગીફ્ટ પાકી. આમેય આપવાની છે, આ રીતે આપો ને… તું બે પ્રતિક્રમણ પુરા કરી લે, તારા માટે આ ગીફ્ટ તૈયાર છે. એક તમારી ધગસ એ નાનકડા દીકરાની અંદર બોધિબીજ આરોપી દે છે. કદાચ એવો એક દીકરો તમારા ત્યાં આવેલો હોય કે જે ૯ વર્ષની ઉંમરે કદાચ દીક્ષા લેવાની સંભાવનાવાળો હોય પણ સંભાવનાને ખીલવવી એ કામ તમારું છે. બાળક તો પોંક ના ઝાડ જેવો છે, એનામાં સંભાવના ઘણી છે, પણ એ સંભાવનાઓને કેમ ખીલવવી એની શરૂઆતનું કામ તમારું છે. પછી અમે સંભાળી લઈશું. પણ શરૂઆતનું કામ તમારું છે.

તો ૩ દિવસોના પ્રવચનો આપણા પરિપૂર્ણ થયા, એક જ વાત હતી, જે મળ્યું છે એ અદ્ભુત મળ્યું છે, પણ આપણને એમાંથી કેટલું આત્મસાત્ થયું. અને એટલે જ એક વાત ગાઈ – બજાવીને કીધી કે સાધનાને ઊંડાણમાં લઇ જવી છે. માત્ર લંબાઈ અને માત્ર પહોળાઈ નહિ ચાલે, there should be the depth.

આવતી કાલથી પરમપાવન કલ્પસૂત્રનું શ્રવણ થશે. એક અદ્ભુત ક્ષણો એ હોય છે, કે કોશિશ કરીશું કે એમાં પણ કંઈક નવું તમને મળ્યા કરે, અહોભાવની ધારામાં તમે ઝૂમ્યા કરો, અને એ કલ્પસૂત્ર સંભળાય. સતત આંખો ભીની હોય. ‘ઈસ્સત્ત વારં નીસુણંત્તિ ભવ્વા, ભવન્નવ્વ ગોવં તે તરન્તિ’ પ્રભુ મહાવીર દેવે કહ્યું કે હે ગૌતમ! એકવીસ વાર જે કલ્પસૂત્રનું શ્રવણ કરે એ નિયમા મોક્ષે જાય. પણ એ શ્રવણ માત્ર કાનનું નહિ, માત્ર conscious mind ના સ્તરનું નહિ, અસ્તિત્વના સ્તરનું… ઓહોહો મારા ભગવાન..! આમ ભગવાનના ઉપસર્ગોની વાત આવે, સાધનાની કથાની વાત આવે, ઓહોહો મારા ભગવાનના કાનમાં ખીલા ઠોકાય! અને મારા ભગવાનની આંખમાં આંસુ આવે! આ મારા ભગવાન હતા! એ એ મારા ભગવાન એ છે મનમાં વિચારે છે, કે કાનમાં ખીલા ઠોકનારો મારો ઉપકારી છે, મારો મિત્ર છે, મારા કર્મોને ખેરવી રહ્યો છે. પણ અત્યારે ખરાબ વિચારો કરી એ શું દુર્ગતિમાં જશે? કાનમાં ખીલા ઠોકનાર ઉપરની કરુણા એ પ્રભુની કરુણાનો સ્પર્શ એકવાર કલ્પસૂત્ર સાંભળતા થઇ જાય. તમારો એ કલ્પસૂત્ર તમારા માટે સફળ.

આ વખતે આશીર્વાદ આપું, કે આ વખતે કલ્પસૂત્ર સાંભળતા પ્રભુની પરમ પરમ કરુણાનો સ્પર્શ આપણને સૌનેથઇ જાય.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *