Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 38

43 Views
27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: પ્રભુ મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધના

પ્રભુની ભક્તિ એટલે શું? પ્રભુએ જે સાધના પોતાના જીવનમાં આચરીને બતાવી, એનું નાનકડું edition આપણા જીવનમાં પણ ઊતરે – એ પ્રભુની ભક્તિ!

માતાપિતા વિદેહ થયા પછી પણ ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગૃહસ્થપણામાં વધુ રોકાયા, ત્યારે પ્રભુએ – એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિ, અને જ્ઞાતા–દ્રષ્ટાભાવનું ઊંડાણ – આ સાધના ત્રિપદી ઘૂંટી છે.

એક્ત્વાનુભૂતિ એટલે આત્માનુભૂતિ. સ્વાનુભૂતિ. જો વિચારો ઉપર નિયંત્રણ કરતા આપણને આવડે, તો આપણે આપણા ઉપયોગને પરમાંથી સ્વમાં મૂકી શકીએ. એટલે સ્વાનુભૂતિ માટે સૌથી પહેલી સાધના છે – નિર્વિકલ્પદશાનો અભ્યાસ.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૮

આજથી એક મધુરી યાત્રાનો પ્રારંભ.

પ્રભુ મહાવીરદેવની સાધનાની આંતરકથા – પરમપાવન આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં પ્રભુની સાધના યાત્રાનું સુરેખ વર્ણન ભગવાન સુધર્મા સ્વામીજીએ આપ્યું છે. અને એ સૂત્રોને સામે રાખીને એક મજાની યાત્રા આપણે આજથી શરૂ કરીએ છીએ.

પ્રભુના માતાજી અને પિતાજી વિદેહ થયા, પ્રભુએ મોટા ભાઈ નંદીવર્ધન પાસે દીક્ષાની અનુમતિ માંગી. નંદીવર્ધન કહે છે ભાઈ! માતાજી ગયા, પિતાજી ગયા, અત્યંત શોકાકુલ દશામાં હું છું અને ત્યારે તું જવાની વાત કરે છે! ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગ્રહસ્થપણામાં વધુ રોકાયા. એ બે વર્ષમાં પ્રભુએ જે સાધના કરી, એનું મજાનું વર્ણન આચારાંગ સૂત્રમાં આવ્યું.

બે વર્ષમાં પ્રભુએ એક સાધનાની ત્રિપદીને ઘૂંટી છે. બહુ પ્યારું સૂત્ર આવ્યું, “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિ, અને જ્ઞાતા – દ્રષ્ટાભાવનું ઊંડાણ. આ ત્રણ સાધનાને પ્રભુએ ગ્રહસ્થપણામાં બે વર્ષ સુધી ઘૂંટી. આપણે આ સાધનાને કઈ રીતે જોઈશું…? બે રીતે… એક દ્રષ્ટિકોણ તો ભગવાન સુધર્માસ્વામીજીએ જ આપ્યો કે આવી સાધના કરવી એ પ્રભુ માટે કદાચ સુકર હતું. આપણે તો એને સાંભળી પણ ન શકીએ. એટલી દુષ્કર આ પ્રભુની સાધના હતી. પણ એ સાધનાને સાંભળ્યા પછી એ સાધનાનું નાનકડું edition આપણા જીવનમાં ચાલુ થાય એ પણ આપણે કરવાનું છે.

આખરે પ્રભુની ભક્તિ એટલે શું? અમે લોકો કેસરની વાટકી લઈને ગભારામાં ક્યારેય દેખાઈએ?! પણ અમે તમારા કરતાં પ્રભુના મોટા ભક્ત છીએ. કારણ અમે પ્રભુની આજ્ઞાને ક્ષણે ક્ષણે સ્વીકારીને બેઠા છીએ. તો પ્રભુએ આ જે સાધના જીવનની અંદર આચરીને બતાવી છે, એનું નાનકડું edition આપણા જીવનમાં કેમ ઉતરે એ પણ આપણે જોતાં જઈએ.

તો પહેલી સાધના ત્રિપદી. એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતાભાવ – દ્રષ્ટાભાવનું ઊંડાણ. એક્ત્વાનુભૂતિ એટલે આત્મનભૂતિ – સ્વાનુભૂતિ. પ્રભુ તો સ્વની અંદર જ હતા. આપણે સ્વાનુભૂતિની યાત્રા કરવી છે તો આપણા માટેનો માર્ગ કયો?

સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આત્માનુભૂતિ માટેનો એક મજાનો માર્ગ બતાવ્યો. “એકતા જ્ઞાન નિશ્ચયદયા, સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે”

આત્માનુભૂતિ માટે સૌથી પહેલી સાધના છે, નિર્વિકલ્પદશાના અભ્યાસની. તમારા વિચારો ઉપર તમારું નિયંત્રણ સ્થાપિત થાય એટલે આત્માનુભૂતિ માટેનું એક પહેલું અને મજાનું પગથિયું તમને મળી ગયું. અત્યારે વિચારો તમારા નિયંત્રણમાં નથી. તમે એના નિયંત્રણમાં છો. હવે આપણે એ કરવું પડે કે વિચારો ઉપર આપણું નિયંત્રણ સ્થાપિત થાય. એના માટે શું કરી શકાય…

ગુજરાતમાં નડિયાદ શહેરમાં એક મૌન મંદિર છે, એ મૌનમંદિરમાં જઈને આવેલા, કેટલાક સાધકોએ મજાની વાત ત્યાંની કરી. એ મૌન મંદિરમાં જવા માટેનો ધસારો એટલો બધો હોય છે કે આજે તમે registration કરાવો તો ચાર મહિને કે છ મહિને તમારો નંબર લાગે. હવે ધારો કે તમારે ૧૫ દિવસ માટે ત્યાં આગળ રહેવાનું છે, ત્યાં એવી મજાની વ્યવસ્થા છે. તમે ત્યાં ગયા, સવારે છ વાગે… તમને એક રૂમ આપવામાં આવશે, એ રૂમમાં તમે enter થયા, એટલે બહારથી એ રૂમ બંધ થઇ જશે. ૧૫ દિવસ સુધી બહારથી એ રૂમ ખુલવાનો નહિ, અંદરથી તમે બંધ રાખો કે ખુલ્લો રાખો. બહારથી એ lock થઇ ગયો. એ રૂમમાં નથી ટી.વી, નથી કોઈ પુસ્તક, તમારે મોબાઈલ સાથે લઈને જવાનું નથી. માત્ર તમારે એકલાએ જ ત્યાં જવાનું છે. સવારના નાસ્તાનો ટાઈમ થાય ત્યારે એવી વ્યવસ્થા છે કે એ રૂમમાં એક પણ બારી નથી. એસી રૂમ છે બારી એક પણ નથી. માત્ર એક નાનકડી ખિડકી છે. એ ખિડકી એવી છે કે પેલી બાજુથી વેઈટર ચા નો ગ્લાસ અને નાસ્તાની ડીશ મુકે અને પોતાની side બંધ કરે પછી જ તમે તમારી બાજુની ખિડકી ખોલી શકો. તમે ચા નો કપ લીધો, નાસ્તાની ડીશ લીધી, નાસ્તો કર્યો, ફરી એ tray ત્યાં આગળ મૂકી દીધી, તમારી બાજુની ખિડકી બંધ થઇ, પછી જ પેલી બાજુની ખિડકી ખુલશે. એટલે ૧૫ દિવસમાં એક પણ વ્યક્તિનું મોઢું તમારે જોવાનું નથી. વાંચવાનું કંઈ નથી. એ સાધકોએ અમને કહ્યું કે સાહેબ! અમારે તો કોઈ સાધના એવી હતી પણ નહિ, પણ વિચાર કરી – કરીને કેટલો કરીએ…!? નવી ઘટના તો કોઈ ઘટવાની નથી ૧૫ દિવસમાં… જૂની ઘટના વિચાર કરી – કરીને કેટલો કરીએ…?! વિચાર કરીને થાકી જઈએ. એકાંત, મૌન, એક પણ  વ્યક્તિનું દર્શન નહિ, આ બધી situation ના કારણે નિર્વિચારદશા આપોઆપ મળી જાય.

હવે એ તમને સમજાવું, કે નિર્વિચાર દશા, સ્વાનુભૂતિ માટે કેમ જરૂરી છે. તમારું મન એક જ છે. એ મન અનાદિના અભ્યાસને કારણે માત્ર ને માત્ર બહાર રહેવા માટે ટેવાયેલું છે. મારું પ્રવચન અત્યારે ચાલે છે, પણ પાછળ ધબાકો થાય તો તમારામાંથી કેટલા હોય જે પાછળ ન જોનારા ન હોય? એક નાનકડી ઘટના પરની દુનિયામાં ઘટે છે, અને વિચારોના વમળો તમારી ભીતર પેદા થાય છે. વિચાર અને વિભાવ એની સાંઠ ગાંઠ છે. એક નિમિત્ત મળ્યું, દ્વેષ થાય એવો છે, પણ એ વખતે જો વિચારો ઉપર નિયંત્રણ કરતાં તમને આવડે, તો તમે તમારા ક્રોધને બિલકુલ નાબુદ કરી શકો. ધારો કે તમે રૂમમાં બેઠા છો, સામાયિક લઈને બેઠા છો. એક વ્યક્તિ તમારા રૂમમાં enter થઇ. તમને એના પ્રત્યે અણગમો છે, એને જોતાંની સાથે તમારા મનમાં વિચાર આવ્યો, આ ક્યાંથી આવ્યો અહીંયા…! આ હરામખોર, નાલાયક અહીં કેમ આવ્યો…? શું થયું? ભીતર ક્રોધ જે પડેલો હતો, એ ઉદયમાં આવ્યો, એટલે ક્રોધનો એક અંગારો બહાર આવ્યો. હવે એ અંગારા પ્રત્યે બે કામ કરી શકાય. તમે એ અંગારાને ભડકામાં પણ ફેરવી શકો. અને એ અંગારા ઉપર રાખ નાંખી એને ઠારી પણ શકો. ધારો કે એ વખતે તમને વિચાર આવ્યો, આ માણસ નાલાયક! હરામખોર! એણે મારી કેટલી ખરાબ વાતો કેટલી જગ્યાએ કરેલી છે. શુવર, હરામખોર, નાલાયક. આ વિચારો તમારી ભીતર ચાલે, એટલે ક્રોધનો અંગારો સીધો જ ભડકામાં ફેરવાઈ જાય. પણ એ વખતે તમને ખ્યાલ આવે, કે હું સામાયિકમાં છું. સમભાવની મેં પ્રતિજ્ઞા લીધેલી છે. આ એક જાગૃતિ તમારી પાસે આવી જાય, તમે પેલા વિચારોમાં ન જાવ, અને તમને એક જ વિચાર આવે કે મારે માત્ર સમભાવમાં રહેવાનું છે. તો એ જાગૃતિ જે આવી એને રખિયાનું કામ કર્યું. અને અંગારા ઉપર રખિયા છવાઈ ગઈ.

તો વિચારો પરનું નિયંત્રણ એટલે કે સ્વાનુભૂતિ તરફ જવાનો રસ્તો ખુલ્યો. આ જન્મ શેના માટે બોલો… આ જન્મ શેના માટે…? તમે તમારો અનુભવ ન કરો! માત્ર દુનિયાનો અનુભવ કરી અને તમે એથી ચાલ્યા જાવ, તમારો જન્મ સાર્થક થયો એવું તમે કોઈ પણ રીતે માની શકો ખરા? તમે તમને જ ન ઓળખો!

એક બૌદ્ધ ભિક્ષુક એકવાર રડતા હતા, કોકે પૂછ્યું, કેમ રડો છો તમે? ત્યારે એ બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે સાંજે બુદ્ધ ભગવાન પાસે જઈશ, એમના ચરણોમાં વંદન કરવા માટે, અને એ વખતે કદાચ બુદ્ધ ભગવાન પૂછશે કે તું આનંદ જેવો વિરાગી ભિક્ષુ કેમ ન બન્યો? મુદ્દગલાયન જેવો ત્યાગી ભિક્ષુ તું કેમ ન બન્યો.. તો તો મારી પાસે જવાબ હશો, કે પ્રભુ! તમે બનાવ્યો એવો હું બનું ને…!

એક વાત તમને કહું… તમારો જો કોરો cheque હોય ને તો અમારા તરફથી ગેરંટી તમને સ્વાનુભૂતિ આપી જ દઈએ. જકાર સાથે કહું છું. આપી જ દઈએ, માત્ર તમારો કોરો cheque જોઈએ. એ ભિક્ષુક પાસે કોરો cheque છે. એ કહે છે હું બુદ્ધ ભગવાનને કહીશ, મારા એ પરમ ગુરુને કહીશ, કે ગુરુદેવ! તમે જેવો બનાવો, એવો બનવા હું તૈયાર છું. તૈયાર…? તમે ભીની માટીના લોંદા, અમે શિલ્પી, મજા ન આવી જાય..! ભીની માટીનો લોંદો શિલ્પીના હાથમાં આવ્યો એને શિલ્પમાં બદલાતા વાર કેટલી લાગે..?! તો એ બૌદ્ધ ભિક્ષુ કહે છે, કે પ્રભુને હું કહીશ કે પ્રભુ! તમે જેવો બનાવો એવો હું બનું ને… પણ જો પ્રભુ પૂછશે કે તારું ચિત્ત સ્થિર કેમ નથી તો હું શું જવાબ આપીશ.. એ વિચારથી હું રડું છું. કારણ દીક્ષા વખતે પ્રભુએ મને નામ આપ્યું છે; સ્થિરચિત્ત. હવે મારું ચિત્ત સ્થિર ન હોય તો મારો વાંક. પ્રભુએ તો શક્તિપાત કરી દીધો છે. અમે દીક્ષા આપીએ, તમારા future planning માં તો એજ છે ને. future planning માં તો રજોહરણ જ છે ને… એ અમે તમને દીક્ષા આપીશું ને ત્યારે તમારું નામ બદલશું… પણ એ નામ કેવી રીતે બદલશું ખબર છે…? એ નામ એ જ તમારી સાધના બની જાય.

હરિભદ્રસૂરિ મ.સા. ષોડશક ગ્રંથમાં કહે છે, નામન્યાસ એવ શક્તિપાત:. ગુરુ જે નામ આપે છે એ ગુરુએ શિષ્ય ઉપર કરેલો શક્તિપાત છે. ગુરુ ‘પ્રશમરતિ’ નામ આપી દે, ગુરુ શક્તિપાત કરી દે, તમે એને ઝીલી લો, પછી તાકાત છે તમારી કે તમે ગુસ્સો કરી શકો?! કરી જ ન શકો… તો એ ભિક્ષુ કહે છે, કે મારું ચિત્ત હજુ સ્થિર બન્યું નથી. પ્રભુએ શક્તિપાત કર્યો પણ મેં એ શક્તિપાતને ઝીલ્યો નથી. તો પ્રભુ મને પૂછશે, કે તું સ્થિર ચિત્ત કેમ નથી… તો હું શું જવાબ આપીશ…! તો એ ભિક્ષુની વેદના એ હતી, હું, હું ન હોઉં તો શું હોઉં…!. એમ મારે તમે પૂછવું છે, તમે તમે ન હોવ તો શું હોવ…? તમે એટલે આનંદઘન આત્મા. આ વિષાદમાં તમને લઇ જનાર તમારું મન છે. તમે માત્ર અને માત્ર આનંદઘન છો. એ તમારી આનંદઘનતા મારે તમને આપવી છે. બોલો તૈયાર…? એકાંત, મૌન, મોબાઈલ પણ તમારી પાસે ના હોય, પુરી દુનિયા જોડે, તમે disconnect થઇ જાવ. અને સ્વની જોડે connectivity તમારી ચાલુ થઇ જાય. આ બાજુથી disconnect થાવ અને આ બાજુ connect થાવ.

ઇકહાર્ટ નામનો એક બહુ મોટો philosopher થયો. એકવાર શહેરથી થોડે દૂર જંગલમાં એ ગયેલો, એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલો. ધ્યાન એ આપણી પરંપરા છે. મારે તમને ધ્યાન પણ શીખવવાનું છે હો… આપણા લોકો ધ્યાન શીખવા માટે ક્યાં ના ક્યાં પહોંચી જાય! અરે પણ ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા જ તમને શીખવાડી દઈએ. વિદેશમાં તો એક યોગના સેશનની ફી ૫૦૦૦ ડોલર હોય છે. અને ત્યાં લોકો લાઈન લગાવીને registration માટે ઉભેલા હોય છે. અમે બહુ જ પ્રેમથી તમને એ જ ધ્યાન, એ જ યોગા આપવા માંગીએ છીએ. ઇકહાર્ટ ધ્યાનમાં બેઠેલ છે, થોડી વાર થઇ, એના ગામનો એક માણસ આવ્યો. પંચાતિયો માણસ. એણે જોયું અરે વાહ! આ સાહેબ તો એકલા અહીંયા બેસી ગયા છે. ત્યાં જઈને બેસી ગયો, અને વાત શરૂ કરી નાંખી એણે તો… હવે શિષ્ટાચાર એવી બલા છે કે તમારી ઈચ્છા ન હોય તો તમારે જોડાવું પડે. ઇકહાર્ટનો કિમતી એક કલાક પેલાએ નકામી વાતોમાં લઇ લીધો. એક કલાક પછી ઉભો થયો, અને ઉભો થતાં શું કહે છે, તમે એકલા હતા ને એટલે company આપવા માટે બેઠેલો. ઇકહાર્ટે મનમાં કહ્યું, કે ભાઈ! મારી company તે તોડાવી. હું મારી જાત જોડે બેઠેલો હતો, દુનિયા સાથે disconnect થઈને મારી જાત સાથેની connectivity માંડ માંડ સ્થપાયેલી, અને તે મારી company ને તોડી નાંખી.

યુરોપિયન પરંપરામાં એક સૂત્ર છે. Two is the company and three is the crowd. બે જણા હોય તો કંપની કહેવાય, ત્રણ હોય તો ટોળું. પણ આપણી ભારતીય પરંપરાનું સૂત્ર અલગ છે, આપણે ત્યાં સૂત્ર આ છે, one is the company and two is the crowd. તમે એકલા હોવ તો તમારી company માં. બે થયા, ટોળું ભેગું થઇ ગયું. one is the company. તમે એકલા ક્યારે બેસો છો બોલો…? તમે? માત્ર તમે એકલા ક્યારે બેસો છો? ખિસ્સામાં મોબાઈલ રાખીને જ બેસો છો. રીંગટોન વાગ્યો નથી, કોકની જોડે વાત ચાલુ થઇ નથી.

તો આજનું સૂત્ર પ્રભુની સાધનાનું આ છે કે નિર્વિચાર દશાથી સ્વાનુભૂતિમાં જવાય. કારણ વિચારો તમને માત્ર રાગ – દ્વેષ અહંકારમાં એટલે કે પરભાવમાં લઇ જશે. એ વિચારોને તમે રોકો અને સ્વની તરફ જવાની કોશિશ કરો… તમારો આનંદ એને તમે ન અનુભવો?! તમે ભાવુક લોકો રોજ મહાત્માની પાસે આવતાં હોવ, કેટલાય મહાત્માનું દર્શન – વંદન રોજ કરતાં હોવ, એ મહાત્માના મુખ ઉપર જે આનંદ છે એ આનંદ જોયા પછી તમે ક્યારેય પૂછ્યું કે સાહેબ આટલો બધો આનંદ ક્યાંથી આવ્યો? મારી પાસે ભૌતિક સામગ્રી વધુ છે, આ ઉપાશ્રય પણ તમારો નથી, શ્રી સંઘનો છે. અમારી પાસે તો ઘર છે, કાર છે, ઓફીસ છે, છતાં અમારી પાસે જે આનંદ નથી, એ તમારી પાસે છે શું કારણ? ક્યારેય પૂછ્યું? અને અમે જવાબમાં એ જ કહીએ તારી પાસે આ લફડું છે એટલે જ તું આનંદમાં નથી. જે મારું નથી એને મારું કરીને તું બેસી ગયો છે.

તો નિર્વિચારદશાનો અભ્યાસ કરવો છે. ભલે ૧૦ મિનિટ બેસી જાવ. વિચારો કરવા નથી. વિચાર આવી ગયો કોઈ તો પણ એમાં ભળવું નથી. આ એક વસ્તુ તમને સમજાવું… વિચારોને જોવા અને વિચારોમાં ભળવું, આ બે અલગ છે.

૫૦ કિલોમીટર દૂર એક પહાડ છે, રાતના ૧૨ વાગે એ પહાડથી ૫૦ ફૂટ દૂરના ગામડામાં રહેલ એક માણસ બાથરૂમ જવા માટે ઉઠ્યો. એની નજર પહાડ ઉપર ગઈ. પહાડ ઉપર જંગલમાં આગ લાગી છે, ૫૦ કિલોમીટર દૂર આગ છે. એ આગ એને અહીંથી દેખાય છે. પણ એ આગની અસર એને કંઈ થાય ખરી? એ આગની ગરમી એને લાગે ખરી? પણ બાજુમાં સગડી હોય તો…? બાજુમાં જ સગડી છે તો એની અસર થવાની. ગરમી લાગવાની. પેલામાં આગ જોવાય છે. બીજામાં આગની અસર થઇ. આગ દેખાય એનો મતલબ શું થયો? આગને જોઈ ખરી, પણ આગની કોઈ અસર એના ઉપર ન થઇ. પેલામાં આગ એટલી નજીક છે, કે એ આગની અસર એને થાય છે… ગરમી લાગે છે, પરસેવો વળે છે.

તો હવે practical સાધના આ કરવી છે; દસ મિનિટ આંખો બંધ કરીને બેસી જાવ, વિચારો કરવા નથી, વિચાર આવી ગયો એને જોઈ લો. કારણ કે વિચાર તમે નથી. યાદ રાખો, શબ્દ પૌદ્ગલિક ઘટના છે. અને એટલે શબ્દને પકડવામાં આવે છે. વિચાર એ પણ પૌદ્ગલિક ઘટના છે, વિચારોને પણ પકડી શકાય છે. આજે ટેલીપથીનો ઉપયોગ યોગીઓ કરે છે. એક યોગી અહીંયા છે, બીજા યોગી ૨૦૦ કિલોમીટર દૂર છે, વિચાર અહીંથી મુકશે, એ વિચાર ૨૦૦ કિલોમીટર દૂર રહેલા યોગી તરત જ પારખી જશે.

એટલે વિચારો જે છે એ પણ પૌદ્ગલિક છે. એને પકડી શકાય છે. તમે નથી શબ્દમય, નથી વિચારમય, તમે જયોતિર્મય છો. હવે વિચાર એટલે હું નહિ, શબ્દ એટલે હું નહિ. આ જો પહેલું lesson તમારે શીખવામાં આવી ગયું, તો વિચાર, વિચાર છે. તમે, તમે છો. એના માટે હું બે શબ્દ આપું છું. વિચારો ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો. તમે ક્યાં છો? અમે ક્યાં છીએ? અમે લોકો ચિદાકાશમાં છીએ, ચિદ્દ એટલે જ્ઞાન. અમારું જે આત્મજ્ઞાન, અમારી આત્માનુભૂતિ, એમાં જ અમે ૨૪ કલાક રહીએ છીએ. તો તમે રહો ચિદાકાશમાં, વિચારો હોય ચિત્તાકાશમાં, તો વિચાર હોય કે ન હોય તમને શો ફરક પડે? કોઈ જ ફરક ન પડે. વાદળાં આકાશમાં છે તમે છતની નીચે છો, વાદળાં છે કે નહિ, વરસે છે કે નહિ; તમને કોઈ ફરક પડતો નથી. તમે ચિદાકાશમાં છો, વિચારો ચિત્તાકાશમાં છે.

આજના યુગમાં એક બહુ મોટા યોગી થયા ગુર્જિયેફ. એ સાધના કરાવતાં, સેંકડો લોકોને એમણે સાધના ઘૂંટાવી. પહેલાં તો કેવી રીતે સાધના ઘૂંટાવે, કે એક કલાક સાધનાની સમજુતી આપે, પછી એને કહી દે એકાંતમાં એક રૂમમાં તું પહોંચી જા. વિચાર આવે તો જોવાનું, વિચારમાં જવાનું નહિ, તારે માત્ર તારી ભીતર જવાનું છે. એ પછી એમણે એક વિશિષ્ટ સાધનાનો પ્રયોગ એકવાર કરાવ્યો. રશિયામાં ગુર્જિયેફ રહેતાં હતાં. રશિયાના તીફનીસ નામના શહેરમાં ૩૦ ચુનંદા સાધકોને એમણે બોલાવ્યા. એક મહિના માટેની સાધના હતી. આનાથી પણ મોટો હોલ, એ હોલમાં જ ૨૪ કલાક ૩૦ એ સાધકોએ રહેવાનું. એક મહિના સુધી… ગુર્જિયેફે આગળની સાંજે પ્રવચન આપતાં કહ્યું કે આ ૩૦ દિવસમાં એક શબ્દ પણ મારે બોલવાનો નથી. શબ્દોની દુનિયામાં મારે કે તમારે જવાનું નથી. તમારે માત્ર અને માત્ર ભીતર જવું છે. પછી ગુર્જિયેફ કહે છે. કે અત્યાર સુધી તમે એકલા રૂમમાં હતા, અને તમે સાધનાને પ્રગાઢ બનાવી છે. આજે તમારા માટે કસોટી એ છે કે આ જ હોલમાં ૩૦ જણાએ રહેવાનું છે. આંખો ૨૪ કલાક તમે બંધ કરી શકવાના નથી. તમારી આંખ ખુલે અને એ વખતે બીજી કોઈ પણ વ્યક્તિ કંઈક કામ કરતી હોય અને એનો વિચાર જો તમારા મનમાં આવે કે ફલાણી વ્યક્તિ આમ કરે છે, એ જ વખતે તમારી સાધના પુરી થઇ ગઈ; તમારે હોલ છોડીને નીકળી જવાનું. બીજો શું કરે છે, એની નોંધ તમારું મન લે; તમારી સાધના પુરી થઇ, તમારે પછી આમાં આગળ વધવાનું નથી. મારે એવા સાધકો જોઈએ છે, ૩૦ દિવસ સુધી જે માત્ર ને માત્ર સ્વમાં જ ઉતરેલા હોય, પરનો વિચાર શુદ્ધા ન આવે.

આપણી ક્રિયાઓમાં આપણે એકદમ એકાગ્ર કેમ નથી બની શકતા…? ઉપાધ્યાય યશોવિજય મહારાજે યોગવિંશિકાની ટીકામાં શરૂઆતમાં જ પ્રણીધાનની વાત કરી. પ્રણીધાન એટલે તે તે ક્રિયામાં ચિત્તનું જોડાણ. તમે દર્શન કરો છો, તો એ ક્રિયામાં ચિત્તને પૂરેપૂરું મૂકી દો. તમે પ્રતિક્રમણ કરો છો તો એ ક્રિયામાં મનને પૂરેપૂરું જોડી દો. તો ચિત્તને તે – તે ક્રિયામાં પૂરેપૂરું જોડી દેવું એ પ્રણીધાન. ત્યાં સુધી એમણે કહ્યું કે જો તમારી ક્રિયા પ્રણીધાન વગરની હોય તો એ દ્રવ્યક્રિયા છે, તુચ્છ છે, નકામી છે; એનો કોઈ અર્થ નથી. આપણે ધ્યાન કરીએ એનું સીધું જ result એ છે કે આપણી બધી જ ક્રિયાઓ પ્રભુએ કહી છે એ રીતે થાય.

અત્યારે એક પણ ક્રિયા પ્રભુએ કહી છે એ રીતે થાય છે….? દેરાસરમાં તમે જાવ, ભાષ્યમાં, ચૈત્યવંદન ભાષ્યમાં સ્પષ્ટ લખ્યું, ‘તે દિશિ નિરિક્ખણ વિરઈ’ દેરાસરમાં તમે ગયા, પગથિયાં ચડી રહ્યા છો, તમારા માટે એક સૂત્ર આપ્યું, ત્રણે દિશાએ જોવાનું તમારું બંધ થઇ ગયું. માત્ર અને માત્ર પરમાત્માની દિશામાં જ તમારે જોવાનું છે.

લલિત વિસ્તરામાં હરિભદ્રસૂરિ મહારાજે સાધુ કે શ્રાવક જે દેરાસરમાં જાય અને ચૈત્યવંદના કરે, એ કેવો હોય એનું માર્મિક વર્ણન આપ્યું. બહુ જ મજાની ભાષામાં, પ્રાંજલ ભાષામાં વર્ણન આવ્યું. ‘ભુવન ગુણો વિનીવેષિત નયન માનસ:’ પ્રભુ પર જેની આંખો અને જેનું મન બિલકુલ સ્થિર થઇ ગયું છે, એવો સાધક ચૈત્યવંદન કરે. તો આપણા માટે તો ધ્યાન એ ગળથુંથીની વસ્તુ છે. એક પણ ક્રિયા એકાગ્ર થઈને તમે ન કરો તો ચાલી શકે જ નહિ. પ્રતિક્રમણ કોણ કરે છે? તમારું શરીર… તમે તો ક્યાંય ભાગેલા હોય. ચૈત્યવંદન આજે સવારે કર્યું, કોણે કર્યું? અને અત્યારે વ્યાખ્યાન કોણ સાંભળે છે? વ્યાખ્યાન કોણ સાંભળે છે….? એટલે મેં એક સૂત્ર તમને આપેલું – there should be the totality. There should be the totality. તમે અડધો કલાક કે પોણો કલાક પ્રવચનને સાંભળો, પણ એ સમગ્રતાથી સાંભળો. તમારું મન, તમારું ચિત્ત, તમારા કાન, તમારું શરીર, પૂરું એકાગ્ર થઇ ગયેલું હોય, તમે પ્રભુમય બની ગયેલા હોવ. એ ક્ષણોમાં તમારું અસ્તિત્વ પ્રભુમય બનેલું હોય.

ગુર્જિયેફે સાધના શરૂ કરાવી, શરૂઆતના પાંચ દિવસમાં ૨૫ સાધકો નીકળી ગયા, સાધકો નિષ્ઠાવાળા હતા, ગુરુ કહે એ રીતે જ સાધના થાય. અને ગુરુએ કહ્યું છે, કોઈ પણ વ્યક્તિને જોયા પછી સહેજ પણ કોઈ વિચાર આવ્યો તો તમારે બહાર ભાગી જવાનું. માત્ર પાંચ સાધકો રહ્યા અને એ પાંચ સાધકો ૩૦ દિવસની સાધના પુરેપુરી કરે છે. હવે ગુર્જિયેફને જાણવું છે કે ૩૦ દિવસની આ સાધનાનું result આ લોકોને શું મળ્યું. પાંચ સાધકો હતા એમાં પણ શ્રેષ્ઠ સાધક એક હતો ઓસ્પેન્સ્કી. ઓસ્પેન્સ્કીને લઈને ગુર્જિયેફ ૩૧મી સવારે નાસ્તો કરીને એ જ શહેરની બજારમાં ફરવા માટે નીકળે છે. ઓસ્પેન્સ્કી એ બજારને જુએ છે, વેપારીઓને જોવે છે, ઘરાકોને જોવે છે. એ ગુર્જિયેફને કહે છે આખું શહેર બદલાઈ ગયું લાગે છે. ઓસ્પેન્સ્કી ગુર્જિયેફને કહે છે, આખું શહેર બદલાઈ ગયું લાગે છે. મહિના પહેલાં હું આવ્યો ત્યારે તો આ શહેર અલગ હતું, આજે શહેર અલગ છે. ગુર્જિયેફ સમજી ગયા, કે સાધનાનો પ્રભાવ એના પર આવી ગયો છે. કારણ ૩૦ દિવસ પહેલા જ્યારે ઓસ્પેન્સ્કી આ શહેરમાં આવ્યો, ત્યારે એને પરની દુનિયા એને વાસ્તવિક લાગતી હતી. વેપારીઓ કંઈક આપી રહ્યા છે, ઘરાકો કંઈક લઇ રહ્યા છે. પૈસાની લેવડ – દેવડ થઇ રહી છે. આ બધું એને વાસ્તવિક લાગતું હતું. ૩૦ દિવસની સાધના પછી આ બધું જ એને વ્યર્થ, meaning less લાગે છે. અને એટલે કહે છે, બધું બદલાઈ ગયું છે. ગુર્જિયેફ કહે છે શહેર નથી બદલાયું, એ લોકો બદલાયા નથી; તું બદલાઈ ગયો છે. તને આ બધું વ્યર્થ, meaning less લાગે છે. અને એનું કારણ તારી ૩૦ દિવસની સાધના છે.

ઓસ્પેસ્કીને જે અનુભવ થયો ને એ અનુભવની વાત સમાધિશતકમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપી. ગુજરાતી ભાષામાં સમાધિશતક ગ્રંથ લખાયેલો છે. એની એક બહુ પ્યારી કડી આવી, ‘જંગમ જગ સ્થાવર પરે, જાકું ભાસે નિત્ત, સો ચાખે સમતા સુધા, અવર નહિ જડ ચિત્ત’ – ‘જંગમ જગ સ્થાવર પરે, જાકું ભાસે નિત્ત…’ પ્રશ્ન કરવામાં આવ્યો, કે સમભાવ અમારી ભીતર આવ્યો છે કે નહિ, એની પારાશીશી શું? સામાયિક કરો એટલે સમભાવ તો આવી જ જાય… બરોબર? કરેમિ ભંતે નું પચ્ચક્ખાણ એવું છે કે સમભાવમાં તમને લઇ જાય. તો પ્રશ્ન કરે છે શિષ્ય – કે સમભાવ અમારી ભીતર આવ્યો છે કે નથી આવ્યો? રાગ – દ્વેષ, અહંકાર અમારા શિથિલ બન્યા છે કે નથી બન્યા, એની પારાશીશી શું…? ત્યારે આ પારાશીશી આપી. ‘જંગમ જગ સ્થાવર પરે, જાકું ભાસે નિત્ત’ – હાલતું ચાલતું જગત, જેને સ્થિર લાગે, શું છે આ બધું..?! આ બધી ક્રિયાનો શો અર્થ?

અને આ જ વાતનું development, બીજી એક કડીમાં ઉપાધ્યાયજી ભગવંતે આપ્યું. ‘રૂપાદિક કો દેખવો, કહન, કહાવન કૂટ; ઇન્દ્રિય યોગાદિક બળે, એ સબ લૂટાલૂટ’ તમે છે ને બીજા ગ્રંથો વાંચો કે ન વાંચો, એક સમાધિશતક ગ્રંથ બરોબર વાંચી લો તો પ્રભુની સાધનાના હાર્દ સુધી તમે પહોંચી જશો.

બહુ પ્યારી કડી આવી, રૂપાદિક કો દેખવો – કંઈક તમે જોયું, કંઈક બોલ્યા તમે, તમે પોતે જ વિચાર કરો, તમે જે બોલી રહ્યા છો, એમાંથી સાર્થક કેટલું? અને નિરર્થક કેટલું? તમને ખ્યાલ છે એક નાનકડો દીકરો વંદિતુ બોલતો હોય, અને મ.સા. કહી દે કે આ દીકરો પહેલી વાર વંદિતુ બોલે છે, એના પિતાજી એની જોડે બેઠેલા છે, એની ભૂલ હશે તો એના પિતા કાઢશે. તમારે કોઈએ ભૂલ કાઢવાની નહિ. પણ એક ભૂલ આવે અને ૨૫ જણા ભૂલ કાઢે છે. કેમ? કારણ શું? મને આવડે છે, એ ત્યાં આગળ જે બોલવાનું થયું, એની પાછળનું કારણ મને આવડે છે.

કોઈ બે જણા વાત કરતાં હોય, કાશ્મીરની, દાલ – સરોવરની…. તમે કાશ્મીર જઈ આવેલા છો, તમે બેઠેલા છો, તમે મૌન રહો ને તો તમને ધન્યવાદ આપી દઉં. તમે મૌન રહી શકવાના જ નહિ. હું કાશ્મીર જઈ આવેલો છું, ખબર કેમ પડે પેલાને…! હા હો દાલ લેકમાં તો હું પણ ફરેલો છું. મેં તો આખી બોટ જે છે ને બે દિવસ માટે ભાડે રાખી દીધેલી અને દાલ સરોવરમાં આખું આમથી તેમ મેં ઘૂમી લીધું, બોલ્યા વગર તમે રહી શકો…?! કારણ હું ત્યાં ગયેલો છું. મારે બતાવું છે. એટલે ૯૫%, ૯૯% તમારા શબ્દોની પાછળ તમારો અહંકાર છે.

તો બહુ જ પ્યારા શબ્દો આવ્યા – રૂપાદિક કો દેખવો, કહન, કહાવન કૂટ; ઇન્દ્રિય યોગાદિક બળે, એ સબ લૂટાલૂટ – મનોયોગ અને આંખની યા જીભની ઇન્દ્રિય એ ભેગા થયા અને સત્યાનાશ વાળી નાંખ્યું.

તો પ્રભુની અમૃતમય સાધનાને આપણે સાંભળવી છે. અને એ સાંભળ્યા પછી એ સાધનાની નાનકડી પણ આવૃત્તિ આપણા જીવનમાં કેમ આવે, એના માટે વિચાર કરવો છે.

તો ગ્રહસ્થ અવસ્થામાં પ્રભુએ એક સાધના ત્રિપદી ઘૂંટી. આત્માનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતાભાવ – દ્રષ્ટાભાવનું ઊંડાણ. આજે આપણે પહેલું જ ચરણ લીધું આત્માનુભુતિ. અને એના માટે આપણે જોયું કે જો વિચારો ઉપર નિયંત્રણ કરતાં આપણને આવડે તો આપણે આપણા ઉપયોગને પરમાંથી સ્વમાં મૂકી શકીએ.

સેંકડો સાધના ગ્રંથોનો સાર એક જ વાક્યમાં તમને કહું; ઉપયોગને પરમાંથી સ્વમાં મુકવાનો છે.

બસ, એ પ્રભુની કૃપા આપણા બધા ઉપર ઉતરે અને પ્રભુની આ મંગળમય સાધનાનું શ્રવણ કરતાં આપણે પણ એ સાધનાનું એક નાનકડું સંસ્કરણ આપણા જીવનની અંદર ઝંકૃત કરી શકીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *