Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 39

82 Views
31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: નિર્વિકલ્પ દશાનો અભ્યાસ

આત્માનુભૂતિ માટેનું મજાનું step છે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. છૂટો છવાયો આવે, એ વિચાર અને રાગ-દ્વેષ-અહંકારથી ખરડાયેલો હોય, એવો વિચાર એ વિકલ્પ. સાધનામાં અવરોધક વિકલ્પો છે. એટલે સૌથી પહેલા આપણે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરવાનો છે.

ઈર્યાસમિતિમાં ચાલતા-ચાલતા માત્ર જોવામાં તમારા ઉપયોગને કેન્દ્રિત કરવાનો છે. ન નવકારવાળી, ન ગાથા ગોખવાની. શુભ વિચાર પણ નહિ. પાંચે પ્રકારનો સ્વાધ્યાય બંધ કરીને ઈર્યાસમિતિમાં જવાય, તો નિર્વિકલ્પ દશા મળી જાય!

સાધક પાસે મારી સાધના અત્યારના પડાવથી આગળના પડાવે કેવી રીતે પહોંચે એ સિવાયનો બીજો કોઈ વિચાર, કોઈ પ્રશ્ન ન હોય. અને ભક્તે તો કંઈ વિચારવાનું જ નથી કારણ કે ભક્ત માટે તો જે કંઈ કરવાનું છે એ પ્રભુએ અને ગુરુએ કરવાનું છે! એટલે તમે સાધક હોવ કે ભક્ત હોવ, નિર્વિકલ્પ દશા કેટલી સરળ છે!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૩૯

પરમતારક દેવાધિદેવ પ્રભુ મહાવીરદેવની સાધનાનું રોમહર્ષક વર્ણન. પરમપાવન આચારાંગ સૂત્રના માધ્યમે. ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ માટે ગ્રહસ્થપણામાં વધુ રહ્યા. એ બે વર્ષમાં પ્રભુએ કઈ સાધના કરી… એની વાત પરમપાવન આચારાંગ સૂત્રમાં ભગવાન સુધર્માસ્વામીજીએ કહી.

‘एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते’

પ્રભુ આત્માનુભૂતિમાં ડૂબેલા હતા, પ્રભુ કાયગુપ્તિથી યુક્ત હતા અને પ્રભુ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવના ઊંડાણમાં પહોંચી ગયા હતા. પ્રભુની એક – એક સાધનાને જોઇને, એ સાધનાની નાનકડી આવૃત્તિ આપણા જીવનમાં કઈ રીતે પલ્પે, એની વાત પણ આપણે જોડે જોડે કરવી છે.

સાધનાની ત્રિપદી પ્રભુએ બે વર્ષમાં ઘૂંટી.

એ ત્રિપદીની પહેલી સાધના છે આત્માનુભૂતિ. આપણે પણ આત્માનુભૂતિ કરવી છે, એના માટેનું એક મજાનું step ઉપાધ્યાય યશોવિજય મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં બતાવ્યું અને એ step છે નિર્વિકલ્પદશાનો અભ્યાસ. આમ છે ને બે શબ્દો છે; વિચાર અને વિકલ્પ. થોડો થોડો ફરક બેઉમાં છે. જે વિચાર રાગ – દ્વેષ અને અહંકારથી ખરડાયેલો હોય, એને આપણે વિકલ્પ કહીએ છીએ. અને છૂટો છવાયો આવેલો વિચાર… આ ભાઈ કેમ આવ્યા? આ ભાઈએ શું કર્યું? આવો છૂટો છવાયો વિચાર એને આપણી પરંપરા વિચાર કહે છે. એટલે સાધનામાં અવરોધક વિકલ્પો છે. એટલે સૌથી પહેલા આપણે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરવાનો છે.

એના માટે ઘણા બધા આયામો આપણી પરંપરાએ આપ્યા છે. પહેલો જ આયામ છે ઈર્યાસમિતિ. વર્ષો પહેલા મુંબઈ ગોવાલિયા ટેંકમાં મારું ચાતુર્માસ. આ જ રીતે સવારે ચતુર્વિધ સંઘની વાચના ચાલે. એ વાચનામાં મેં એક દિવસ ઈર્યાસમિતિની વાત કરી. મેં કહ્યું કે ઈર્યાસમિતિનું પાલન તમે કરો, તો તમને કેટલા બધા લાભ થાય. પહેલો લાભ પ્રભુની આજ્ઞાના પાલનનો… પ્રભુએ અષ્ટપ્રવચન માતા આપણને આપી, અને એ અષ્ટપ્રવચન માતા પૈકીની પહેલી માતા એટલે એટલે ઈર્યાસમિતિ. તો ઈર્યાસમિતિપૂર્વક આપણે ચાલીએ તો પ્રભુની આજ્ઞાનું પાલન થાય. બીજી વાત એ છે કે તમે ઈર્યાપૂર્વક ચાલો ત્યારે તમારે એક પણ વિચાર કરવાનો હોતો નથી.

શત્રુંજય મહાતીર્થની ૯૯ યાત્રા તમે કરી રહ્યા છો, ગિરિરાજ ઉપર ચડો છો અને ઉતરો છો, જો તમે એ યાત્રા પ્રભુએ કહ્યું છે એ રીતે કરવા માંગો, તો ઈર્યાસમિતિ પૂર્વક તમારે કરવી જોઈએ. અને ઈર્યાસમિતિની શરત એ છે કે ‘મુત્તુણ પંચવિણ સજ્ઝાય’ તમે ચાલતા ચાલતા માત્ર જોવામાં તમારા ઉપયોગને કેન્દ્રિત કરી શકો. ન તમે નવકારવાળી ગણી શકો, ન તમે ગાથાઓ ગોખી શકો કે ન કોઈ શુભ વિચાર પણ કરી શકો. અનુપ્રેક્ષા, શુભ વિચાર એ પણ સ્વાધ્યાય છે. પાંચે પ્રકારનો સ્વાધ્યાય બંધ કરીને ઈર્યાસમિતિમાં આપણે જવાનું છે.

મેં એ વાત કરી, ૧૫ દિવસ પછી એક ભાઈ મને મળવા માટે આવ્યા. મને કહે સાહેબ! Excellent. અદ્ભુત. હું શબ્દોમાં કઈ રીતે કહું, એનો મને ખ્યાલ નથી આવતો. એ કહે સાહેબ, ઓફિસે તો કારમાં જ જાઉં છું. દૂર છે ઓફીસ. પણ ઈર્યાસમિતિવાળી આપની વાચના સાંભળ્યા પછી નક્કી કર્યું કે ઘરેથી સવારે દેરાસરે અને વાચના સાંભળવા માટે આવું ત્યારે ઈર્યાસમિતિપૂર્વક જ ચાલવું. વળતાં પણ ઈર્યાસમિતિપૂર્વક ચાલતાં ચાલતાં ઘરે જવું. સાહેબજી ૧૫ જ દિવસ થયા છે, પણ excellent experience. એવી તો એકાગ્રદશા સધાય છે, એ ભાઈએ કહ્યું કે મને સાધનામાં સૌથી મોટી સમસ્યા wavering mind ની હતી. મન સ્થિર રહે જ નહિ ક્યાંય… આ એક ઈર્યાસમિતિનું પાલન ૧૫ દિવસ થયું, ચિત્તની એકાગ્રદશા મને મળી ગઈ. હવે પૂજા કરું કે સામાયિક કરું, કે વાચના સાંભળું, એકાગ્ર ચિત્તે એ બધી જ ક્રિયા હું કરી શકું છું.

એક ઘટના મને યાદ આવે છે, ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરિદાદાની જન્મભૂમિ- કચ્છમાં મનફરા. ત્યાંના સંઘની બહુ જ વિનંતી કે ગુરુદેવનું ચોમાસું અમારે કરાવવું છે. ગુરુદેવની નિશ્રામાં પૂરું અમારું વૃંદ, ૧૦૦ થી પણ વધારે ઠાણા મનફરા તરફ જઈ રહ્યા હતા. વચ્ચે કટારિયાજી તીર્થમાં અમે ગયા, એના પછીના દિવસે સામખિયાળી જવાનું હતું. કટારિયાજી તીર્થમાં એક ભક્ત મળવા માટે આવ્યા, પાલનપુરના. એમની ફેક્ટરી સામખિયાળીથી એક કિલોમીટર દૂર રોડ ઉપર હતી. એમણે કહ્યું, સાહેબજી સામખિયાળીમાં આપની સ્વાગત યાત્રા છે, ૮.૩૦  – ૯ વાગે… ગામની બહાર ક્યાંક આપનું સ્થિરતાનું રાખેલું છે અને પછી સામૈયું થાય. પણ મેં સંઘવાળાને વિનંતી કરી અને ગુરુદેવ આપ મારી ફેકટરીમાં અડધો કલાક – કલાક સ્થિરતા કરો અને પછી આપ સામખિયાળી પધારો. ૧૦૦૦ કર્મચારીઓ મારે ત્યાં છે, અને બધાનું જમવાનું મારે ત્યાં જ બને છે. એટલે આપના માટે બધું જ નિર્દોષ છે. આપ પધારો. હા પાડી, અમે ત્યાં ગયા. એ વખતે એક યોગના ગુરુ ત્યાં લાવેલા, અને એ યોગ ગુરુ ૧૦૦૦ કર્મચારીઓને યોગ શીખવતા હતા. મેં નવકારશી વાપરી, બેઠેલો, સંઘવાળા આવવાના હતા, એ ભાઈ મારી જોડે બેઠેલા, મને કહે સાહેબ આપને તો બધો ખ્યાલ છે, દર વર્ષે આ યોગ ગુરુને હું અહીંયા લાવું છું અઠવાડિયા માટે. મારા આ કર્મચારીઓ યોગને શીખી લે, એ લોકો એકાગ્રતાથી કામ કરતાં થઇ જાય તો મને પણ લાભ ને એમને પણ લાભ. મારું કામ વધુ સારી રીતે એ લોકો કરશે, એટલે મને પણ લાભ થશે. અને એકાગ્રતા આવવાને કારણે એમના જીવનમાં પણ લાભ થશે.

આ સંદર્ભમાં એક મનોવૈજ્ઞાનિકે કહેલી વાત કરું; આજનો મનોવૈજ્ઞાનિક કહે છે, કે આજનો માણસ પુરેપુરી રીતે ક્યાંય હોતો જ નથી. તમારા માટે વાત કરે છે હો… આજનો એ માણસ ઘરેથી ઓફીસ જાય છે ને, જાય છે ઓફિસે, ખુરશી ઉપર બેસી જાય છે પણ ઘરની file ખોલીને બેસે છે. પત્નીએ આમ કહ્યું, દીકરાએ આમ કહ્યું, એટલે ઓફીસના કામમાં એ બરોબર નિષ્ઠાથી પ્રયત્ન કરી શકતો નથી. ઓફિસેથી ઘરે આવે છે, ઘરે આવ્યા પછી ઓફિસની file ખુલ્લી રાખે છે અને એટલે એ ઓફીસના ટેન્શનની વચ્ચે ન એના દીકરાઓ જોડે પ્રેમથી વાત કરી શકે છે, ન એની પત્ની જોડે કોઈ હળવી વાતો કરી શકે છે. તો આજનો મનોવૈજ્ઞાનિક કહે છે, કે યોગ વિના તમારે નહિ ચાલે. અમે તો કહેતાં જ હતા, પણ આ મનોવૈજ્ઞાનિક કહે છે, નહિતર એક પણ જગ્યાએ તમે પુરી નિષ્ઠાથી તમે કામ નહિ કરી શકો. તમે હાજર જ નથી પુરા, તો તમે કઈ રીતે કામ કરી શકશો?! તો નિર્વિકલ્પ દશા શું કરે…? તમને એકાગ્રતા આપે. કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ સાધનામાં તમારે એકાગ્ર થવું છે, સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરવો જોઈએ.

એ ગોવાલિયા ટેંકની વાચનામાં મને થોડું result મળેલું, કે એક ભાઈ આ રીતે મારી પાસે આવેલો. કે સાહેબ excellent experience થયો. જવાહરનગરમાં તો…? આ ઈર્યાસમિતિની વાચના સાંભળ્યા પછી અહીંથી તમે ઘરે જવાના, ઈર્યાસમિતિપૂર્વક બરોબર…? જેનું ઘર નજીકમાં હોય એ બાઈકનો ઉપયોગ ન કરે. પગે ચાલતાં જ આવે અને પગે ચાલતાં જાય. આમેય છે ને તમે કામ કરવાનું બંધ કર્યું ને એટલે ડોકટરે કહ્યું, morning walk શરૂ કરો. શરીરને થોડોક શ્રમ આમ પણ જોઈએ છે. તો ઈર્યાસમિતિનું પાલન થઇ જાય અને શરીરનું પણ કામ થઇ જાય.

બીજી વાત એ છે, કે તમે યા તો સાધક છો, યા તો ભક્ત. બરોબર…? સાધક અને ભક્તની dictionary માં વિકલ્પો છે જ નહિ. સાધકની વ્યાખ્યા તમારા ખ્યાલમાં છે. ૯૯%grace, ૧% effort. આવું composition સાધકની સાધનાનું છે. ૯૯% પ્રભુની કૃપા, ૧% પ્રતિશત તમારો પ્રયત્ન. એ પ્રભુની કૃપાથી જ એક ઇંચ, એક સેન્ટીમીટર તમે સાધનામાર્ગે તમે ચાલી શકો છો. પણ સાધક એમ કહે છે કે હું સાધના કરું, હું પ્રભુના માર્ગે ચાલુ, એટલે ૧%effort એનો બાકી રહે છે.

ભક્તની પાસે ૧% effort પણ નથી. ભક્તની ભક્તિનું composition એ છે, ૧૦૦% grace and I am effortless person. ૧૦૦% grace and I am effortless person. I have not to do anything absolutely. મારે કશું જ કરવાનું નથી. એટલે ભક્ત તો પ્રભુને પણ કહી દે, તારે મને મોક્ષમાં લઇ જવો હોય તો લઇ જજે. નહિતર બેઠો છું અહીંયા આરામથી… તું મને નહિ તારે તો તકલીફ તારે છે. આ ભક્ત કહે છે હો… કારણ સાધક તો સાધનામાર્ગે ચાલે પણ છે. ભક્ત કહે છે હું તો એક ડગલું પણ ચાલવાનો નથી. તારે જે કરવું હોય તે કર.

એટલે ભક્ત કહે છે કે પ્રભુ! જો તું મને ન તારે, તો તારું તારક તરીકેનું બિરુદ ભયમાં છે. તિન્નાણં બરોબર તું, તારયાણં કઈ રીતે પછી? સુલસાજીને તારી તે, રેવતીજી ને તારી, કે ચંદનાજી ને તારી… એમાં તે શું કર્યું પ્રભુ? એ તો તરે એવા જ હતા… મારા જેવાને તારે તો તું તારક. “મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો, જુઠું બિરુદ શું ધારે?” મને તારતો નથી તું, અને તારક તરીકેનું બિરુદ લઈને બેસી ગયો છે.

એટલે તમે જો ભક્ત હોવ, તો તમે effortless person છો. તમારે કાંઈ જ કરવું નથી. તમે પ્રભુને સમર્પિત થઇ ગયા છો. પ્રભુની આજ્ઞાને પૂર્ણતયા તમે તમારું જીવન સમર્પિત કરી દીધું છે. હવે જે કામ કરવાનું છે, એ પ્રભુ ચેતનાએ કરવાનું છે, અને ગુરુ ચેતનાએ કરવાનું છે. તો હવે વાત એ આવી, યા તો તમે સાધક છો, યા તો તમે ભક્ત છો. બરોબર…?

હવે સાધક પાસે કયા વિચારો હોય: બહુ મજાની વાત છે. તમે સાધક તરીકે કેટલા કલાક પાછુ કહેજો…? કોમર્સિયલ મેન તરીકે કેટલા કલાક? ૧૦ કલાક, ૧૨ કલાક કે ૨૪ કલાક? તમારું કોમર્સિયલ mind ૨૪ કલાકનું કે ઓફિસમાં જાવ એટલા જ સમયનું…? બોલો..? તો totally કોમર્સિયલ mind તો તમારી પાસે નથી. partially છે. partiallyમાં આપણે એવું કરીએ, કે ઉપરનું થોડું મન ધંધાની care કરી લે, નીચેનું મન જે છે એ સાધનામાં રહેલું હોય.

મેં પણ આ કામ કર્યું છે, ૩૦ વર્ષ એકાંતમાં ગુરુદેવની કૃપાથી રહેવાનું થયું. નાના – નાના ગામોમાં રહેતાં હતા. મોટા ઉપાશ્રયો, ગુરુદેવની આજ્ઞાથી કોઈ પણ ઉપાશ્રયમાં જાઉં, એક રૂમ મારો study રૂમ બની જાય. Study રૂમ કહો, meditation રૂમ કહો, સવારથી સાંજ સુધી હું એમાં જ હોઉં. મારું કામ હોય ત્યારે બહાર આવી જાઉં. ગુરુદેવે મને અનુજ્ઞા આપી, ૩૦ વર્ષ આ રીતે હું એકાંતમાં રહ્યો. અને સાધના ઘૂંટાઈ.

અચાનક ગુરૂદેવનો દેહ વિલય થયો, અને મારે સીધું જ આ post પર આવવાનું થયું. પણ એકાંત એવું તો ગમી ગયેલું કે ભીડની વચ્ચે હું કેમ રહી શકીશ, એની મને ચિંતા હતી… એટલે શરૂઆતમાં મેં એક વાત કરી, કે ભાઈ, હું ચોમાસું કરીશ સંઘમાં, એક કલાક પ્રવચન આપીશ, એક કલાક વાચના આપીશ. પણ ૨૨ કલાક નિતાંત મારા જ રહેવા જોઈએ. એમાં કોઈ disturbance કરી શકે નહિ. આ રીતે રહેતો હતો. એમાં પછી ભીડ અને એકાંત એ બે સરખા થઇ ગયા. આજે હું ભીડમાં રહું છું. ૨૪ કલાક હોલમાં રહું છું. લોકો આવે – જાય, વાસક્ષેપ આપ્યા કરું અને હું મારામાં રહું. પહેલા એકાંતનું સેવન. એ પછી થોડું – થોડું ભીડથી હું ટેવાયો અને આજે ભીડ અને એકાંત બે માં કોઈ ફરક રહ્યો નહિ.

અમેરિકામાં હમણાં એક બહુ સારા લેખક થયા, સિદ્ધાર્થ નામની એક best seller કથા એમને લખી, જે વિશ્વની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થયેલી છે. તો એ સિદ્ધાર્થના લેખક હરમાન હેસ. લેખક તરીકે પણ બહુ સારા, સમાજસેવક તરીકે પણ એટલા સરળ. ૬૦ વર્ષે એમને વિચાર થયો કે શબ્દોની દુનિયામાં ઘણું ગયો, લોકોનો સંપર્ક બહુ કર્યો, પણ મારો સંપર્ક તો મેં કર્યો જ નહિ. એક સમુદ્ર કાંઠે સરસ મજાની જગ્યાએ એમનો બંગલો હતો, તો અહીંનું બધું જ સમેટીને પોતે ત્યાં જતાં રહ્યા. એ દરિયા કાંઠે મજાની વસાહત હતી, અને એમાં સરસ મજાનો બંગલો. એ બંગલામાં પોતે એકલા જ જાય છે, કુટુંબ બધું new York માં. એક ઘાટી અને એક સાફ – સુફીવાળો માણસ, બે જણા રાખેલા. બંગલાની બહાર એમણે notice લગાવેલી. કે ૬૦ વર્ષ સુધી જે માણસે સમાજસેવાનું કામ કરેલું છે, એને એકાંત માણવાનો અધિકાર છે અને એથી મારા એકાંતને કોઈએ disturb કરવો નહિ.

અમેરિકાનો વિખ્યાત પત્ર new York fabular એના editor ને એકવાર વિચાર થયો, કે સાહેબ ગયા કયા? હરમાન હેસ ક્યાંય દેખાતા નથી? તપાસ કરતાં ખબર પડી કે આ તો ત્યાં પહોંચી ગયો દરિયાકાંઠે, special હેલીકોપ્ટર કરીને એ editor, એક – બે પત્રકારો, એક – બે photographer, આખો કાફલો ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચ્યા, એક five star hotel માં ત્યાં રોકાયા, પછી તપાસ કરી કે હરમાન હેસ નામના કોઈ સજ્જન અહીંયા રહે છે આ ટાપુ ઉપર… અને એકાંતમાં રહેનારા હરમાન હેસ, કોણ જાણે?! પાડોશી એ ઓળખતો નથી એને.. બધાએ કહ્યું, we don’t know. તપાસ કરતાં કરતાં ખબર પડી, કે છેવાડેના એક બંગલામાં હરમાન હેસ રહે છે. Editor ત્યાં પહોંચી ગયો, એની ટીમ સાથે… પછી આ બંગલાની બહાર વાંચ્યું કે ૬૦ વર્ષ જે માણસે સમાજસેવા કરી છે, એ માણસને એકાંતમાં રહેવાનો અધિકાર છે. મારા એકાંતને કોઈએ પણ disturb કરવું નહિ. એ અમેરિકન માણસ હતો, new York fabular નો editor, અમેરિકન માણસ છે, અને અમેરિકન લોકો પાસે એક discipline તો છે જ. એ માણસ કહે છે મારે એકાંતમાં રહેવું છે. તો આપણે એના એકાંતનો ભંગ કરી શકતા નથી. એ લોકો પાછા ફરે છે. એણે ૬૦ વર્ષે કર્યું, તમારે ક્યારે કરવાનું? એને એમ થયું કે દુનિયાને હું મળ્યો, મારી જાતને તો હું મળ્યો નથી. મારી જાતને મારે મળવું છે.

દિવ્ય આનંદ, અનંત આનંદ ક્યાં સમાયો છે? તમારી ભીતર… તમે તમને મળો ને એકવાર, આખી દુનિયાને મળી – મળી ને થાકી ગયા, પણ તમે જો તમને મળશો ને તરો-તાજા થઇ જશો. અમે લોકો ever fresh કેમ? અમે અમને મળીએ છીએ માટે, અને એટલે મેં એકવાર કહેલું કે અમારી સામે તમે નથી. બાહ્ય રૂપે દેખાય, કે તમે મારી સામે બેઠેલા છો. Actually મારી સામે તમે નથી, મારી સામે અત્યારે પણ પ્રભુ જ છે. અને એ પ્રભુને પૂર્ણતયા વફાદાર રહીને મારે એક – એક શબ્દ બોલવાનો. તો મારી સામે પ્રભુ છે. તમારી સામે દુનિયા છે, આટલો જ ફરક છે…

તમે કહો સાહેબ આ તકલીફ છે, પણ તકલીફ ન હોય તો શું હોય…?! પેલું ગળે સગડી બાંધેલી હોય, પછી કહે ગરમી લાગે છે, તો ગરમી ન લાગે તો હોય શું બીજું..! શું હોય…?! દુનિયા તરફ જ તમારી નજર છે. તમે રતિ અને અરતિના ઝૂલે જ ઝુલવાના છો. પ્રભુ સામે નજર ગઈ અને એ પ્રભુના ગુણો જોયા, એ જ પ્રભુના ગુણો તમારી ભીતર છે. તમે તમારી ભીતર આવ્યા, આનંદ જ આનંદ.

તો હવે વાત એ છે, તમે સાધક હોવ તો પણ તમારી dictionary માં બહુ વિકલ્પો છે જ નહિ, ભલે સાધક તમે ૫ કલાક કે ૬ કલાક હોય બરોબર…? અને મારે તો એવી વ્યવસ્થા કરવી છે, કે ઓફિસે ગયેલા પણ તમે સાધક જ હોવ. ઉપર – ઉપર commercial mind ચાલે, નીચે – નીચે devotion, સાધના આ બધું ચાલ્યા કરે.

પેલા એક સરદારજી મહેસાણાના station પર ઉભેલા, એમને અમદાવાદ જવાનું હતું, ટિકિટ લીધેલી હતી, ત્યાં એક ગાડી આવી. જતી હતી દીલ્લું બાજુ, એક જણાને પૂછ્યું કે ટ્રેન કહાં જા રહી હે? પેલો ઉતાવળમાં હતો કે અમદાવાદ. સરદારજી બેસી ગયા. Compartment માં જગ્યા પણ મળી ગઈ સારી… બેસી ગયા, થોડી વાર પછી ઉપર જોયું, ઉપરની સીટમાં પણ એક સરદારજી હતા. નીચેવાળાએ પૂછ્યું? અજી કૈસે હો? કહાં જા રહે હો? ઉપરવાળો કહે છે હમ તો દિલ્લી જા રહે હે. ગાડી દિલ્લી જતી હતી. હમ તો દિલ્લી જા રહે હૈ. નીચેવાળો સરદારજી કહે દેખો તો, વિજ્ઞાન કિતની તરક્કી કર ગયા હૈ..! કે ઉપરવાલી berth તો દિલ્લી જાતી હૈ, ઓર નીચેવાલી berth અમદાવાદ જાતી હૈ! વિજ્ઞાને ભલે એટલો વિકાસ નથી કર્યો, આપણે એ વિકાસ કરવો છે. કે ઉપર ઉપરનું મન બીઝનેસમાં જાય અને નીચેનું – નીચેનું સાધનામાં જાય. એટલે મારી ઈચ્છા એવી કે તમે ૨૪ કલાકના સાધક બની જાવ. પછી તમારી ઓફિસમાં સારા – સારા પુસ્તકો રાખો. જ્યારે પણ સમય મળ્યો, તરત જ પુસ્તક ઉથલાવો.

તો સાધક તરીકે તમે આવ્યા, તો સાધકને પ્રશ્ન કયો હોય? કે વિચાર કયો હોય? એને એક જ પ્રશ્ન હોય… કે સાધનાના આ પડાવ ઉપર હું છું, અને એનાથી આગળના પડાવે મારે જવું છે. તો ગુરુદેવને પૂછીને લે; આગળનો પડાવ કયો અને આગળના પડાવનો રસ્તો કયો? તમે મુંબઈની બહાર નીકળો, તમારે જ્યાં જવું છે, એને google map માં તમે જોઈ લો અને road ઉપર તમે ચાલ્યા જાવ. હવે google ના map તો હજારો રોડ છે પણ હજારો road જોઇને તમે મૂંઝાતા નથી. કેમ? તમારે જવાનું નિશ્ચિત ગામ છે. અને એ નિશ્ચય સ્થાન ને pin point કરીને જોઈ લો, એનો માર્ગ કયો…? તો સાધક તરીકે તમે છો, તો તમારો માર્ગ નક્કી છે, આ પડાવે અત્યારે છો, આવતો પડાવ આ છે. તો આ પડાવથી આવતાં પડાવે જવાનો માર્ગ કયો? ગુરુદેવ તમને કહી દે તમે એ માર્ગ ઉપર ચાલ્યા કરો, હવે કયો વિચાર હોય! અને કયો પ્રશ્ન હોય…! એટલે સાધકને એવો એક પ્રશ્ન ન આવે કે જે એની સાધનાને પુષ્ટ ન કરતું હોય.

એક ઝેન કથા છે બહુ પ્યારી. ૧૦૦ એક વર્ષ પહેલાંની છે. ૧૦૦ વર્ષ પહેલા એક બૌદ્ધ ભિક્ષુ થયા. એ બૌદ્ધ ભિક્ષુએ એકવાર એમના એક ગ્રંથમાં એક ગુરુની કથા વાંચી. બોધિધર્મ નામના ગુરુ ૯૦૦ વર્ષ પહેલા થયેલા, એ ગુરુ ચીનમાં ગયેલા, અને ચીનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો એમણે બહુ જ કરેલો. છેલ્લે સમયે ભારતમાં આવ્યા, અને ભારતમાં આવીને એમણે દેહને છોડ્યો. આ વાત પેલા ભિક્ષુએ વાંચી. વાંચ્યા પછી એના મનમાં એક સવાલ થયો કે આટલા મોટા ગુરુ એમણે બૌદ્ધ ધર્મનો ફેલાવો ચીનમાં આટલો બધો કર્યો, એ ભારત આવી અને દેહને કેમ છોડે છે? ચીનમાં જ એમણે દેહને છોડ્યો હોત, તો જ્યાં દેહ છોડ્યો હોત ત્યાં સમાધિતીર્થ રચાત, ત્યાં હજારો લોકો જતાં – આવતાં થઇ જાય. અમે એ રીતે એમના ગયા પછી પણ ધર્મનો પ્રભાવ અને પ્રસાર ચાલતો રહેત. તો એને સવાલ એ થયો કે એ ગુરુએ ચીનમાં દેહ છોડવાને બદલે ભારત આવીને દેહ કેમ છોડ્યો…

ઘણીવાર છે ને પ્રશ્ન છે ને મનમાં આવે, પછી તમારો પ્રશ્ન તમને બહુ મોટો લાગે. કારણ શું? એમાં મુમુક્ષા તો બહુ થોડી હોય છે, અહંકાર વધારે હોય. તમે અહંકારનું મિશ્રણ ક્યાં નહિ કરો એ સવાલ છે! તમારો હું ૨૪ કલાક એવું તૈયાર છે ને, ક્યાંય પણ હું નાંખી દેશો. મેં આમ કીધું ને પેલો impress થઇ ગયો. મેં આમ કર્યું ને પેલા રાજી થઇ ગયા. તમારી વિચારોની ટેપ ઉથલાવો, તમારા હું સિવાય બીજું કંઈ દેખાય છે તમને…? હું, હું ને હું…

તો તમારા પ્રશ્નમાં પણ હું હોય છે. મારી સભામાં તો હું પ્રશ્ન પૂછવાની ના જ પાડું છું. NO QUESTION. પણ ક્યારેક કોક સભામાં તમે જોજો, કોઈ માણસ પ્રશ્ન કરે ને પછી પ્રશ્ન કર્યા પછી શું કરવું જોઈએ… એને ગુરુ સામે જોવું જોઈએ કે ગુરુ શું ઉત્તર આપે છે. પણ તમે જોજો typically, એ માણસ પ્રશ્ન પૂછ્યા પછી આજુબાજુ જોશે, કેમ? મેં પ્રશ્ન પૂછ્યો… કેટલો તો બૌદ્ધિક સ્તરનો હતો અને આ બધાને કેવી અસર થઇ…! એટલે પ્રશ્ન પુછ્યો શેના માટે…? પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે.

પ્રશ્ન પૂછવાના ત્રણ સ્તરો છે. કુતુહલથી પણ પ્રશ્ન પુછાય. એક બાળક પાસે કુતુહલ હોય, આ વિમાન ઉડે આકાશમાં, પંખી ઉડે તો આપણે કેમ ઉડતા નથી..? કુતુહલ હોય… તમને જિજ્ઞાસા હોય, ચાલો આત્મતત્વનું સ્વરૂપ સાંભળી લઈએ, જિજ્ઞાસા. પણ અમને લોકોને ન તો કુતુહલપ્રેરક પ્રશ્નોનો જવાબ આપવાની ઈચ્છા હોય છે, ન જિજ્ઞાસા મૂલક પ્રશ્નોના ઉત્તર આપવાની ઈચ્છા હોય છે. જે પ્રશ્ન તમારી મુમુક્ષામાંથી – તમારી વેદનામાંથી ઉભો થયો છે. એનો જ જવાબ આપવાની અમને ઈચ્છા હોય છે. આમ આંખમાં આંસુ હોય, ગુરુદેવ! ગુરુદેવ! ૬૦ – ૬૦ વર્ષ થઇ ગયા, હું એટલે આ શરીર. હું એટલે આત્મતત્વ, એનો મને ખ્યાલ પણ આવતો નથી. ગુરુદેવ મારો જન્મ વ્યર્થ તો નહિ જાય ને..? આ મુમુક્ષા. એક વેદનાની છટપટાહટ.

તો આ ભિક્ષુને પોતાનો પ્રશ્ન એકદમ મોટો લાગ્યો, કેટલો બૌદ્ધિક પ્રશ્ન…! ગુરુને જઈને પૂછે… ગુરુ મનમાં હસે કે હરામખોર! એ ગુરુ ચીનમાં કાળધર્મ પામ્યા હોત તો તારી સાધના ક્યાં વધવાની હતી આગળ…! તારી સાધના જોડે આ પ્રશ્નને કોઈ સંબંધ ખરો? એ ગુરુએ દેહ ભારતમાં છોડ્યો કે ચીનમાં છોડ્યો… તારી સાધનામાં શું ફરક પડવાનો છે…? તો તારી સાધનામાં જરા પણ ફરક પડવાનો નથી, એવા વિચારોમાં તું જાય છે શા માટે…?! પણ ગુરુ મહારાજ એવા હતા, flexible. એટલે કોઈને સીધી ના તો પાડે નહિ, એટલે ગુરુએ કહ્યું કે એકાંતમાં હું હોઉં ને ત્યારે મને આ સવાલ કરજે. હવે બહુ મોટા ગુરુ અને એટલા બધા વ્યસ્ત હોય, એકાંતમાં તો મળે નહિ અને દિવસમાં ૧૦ – ૧૨ કલાક ધ્યાનમાં જતાં હોય, ધ્યાનમાં હોય ત્યારે તો રૂમ અંદરથી બંધ હોય ત્યારે પણ જવાનો અવકાશ નહિ. બહાર હોય ત્યારે ચેમ્બર ભરાયેલી હોય. પેલાના મનમાં પ્રશ્ન સળવળે… મારો પ્રશ્ન..! આમાં છે ને પ્રશ્ન નહિ, ‘મારો…’ તકલીફ ‘મારા’ ની છે. ઘર હોય એની ચિંતા નથી, મારાપણું આવે છે ત્યાં ઉભું થાય છે. હવે એને થયું ગુરુ તો એકલા મળતા નથી. પ્રશ્ન પૂછવો ક્યારે? પછી એને થયું કે હા, ગુરુ morning walk માટે જાય છે, આશ્રમની પાછળ વાંસનું જંગલ હતું, ત્યાં ગુરુ જતાં હતા, એને થયું કે આ મોકો સારો છે.

એટલે એક સાંજે એણે ગુરુને પૂછ્યું કે સાહેબ કાલે સવારે morning walk માં તમારી સાથે આવું? ગુરુ કહે, આવજે. પેલો ગુરુ જોડે જાય છે, સવારે. હવે એને તો પ્રશ્ન જ પૂછવો છે, ગુરુ એકલા છે. એણે ગુરુને પૂછ્યું સાહેબ! મારો પેલો પ્રશ્ન? કે બોધિધર્મ ગુરુ ચીનમાં કાળધર્મ પામવાને બદલે ભારતમાં આવીને દેહ કેમ છોડ્યો? એટલે ગુરુ હસે છે, ગુરુ કહે છે… કે આપણે અત્યારે વાંસના જંગલમાં ફરીએ છીએ, કેટલા બધા વાંસ ઉગેલા છે અહીંયા, ગુરુ શિષ્યને પૂછે છે, કે કેટલા વાંસને સવાલ થતો હશે કે આ બે જણા સવારના પહોરમાં શું નીકળી પડ્યા છે આમ… આપણે બે જણા અત્યારના પહોરમાં નીકળી પડ્યા છીએ, કેટલા વાંસને આ સવાલ થતો હશે…? તો શિષ્ય કહે કે સાહેબ વાંસને તો વિચાર ક્યાંથી આવે?! એની પાસે ચૈતન્ય છે પણ એટલું વ્યક્ત ચૈતન્ય નથી. એને વિચાર ક્યાંથી આવે….?! તો ગુરુ કહે છે જો તને એક મંત્ર આપું કે તું પણ આ વાંસ જેવો થઇ જાય. એ ગુરુ ચીનમાં દેહ છોડે કે ભારતમાં દેહ છોડે, ૯૦૦ વર્ષ પહેલાંની આ ઘટના છે… એ ઘટનાથી તારી સાધનામાં શું ફરક પડે…? એટલે એટલું નક્કી કર કે તારી સાધના જેનાથી ઉચકાતી હોય, એવો જ વિચાર, એવો જ સવાલ તને આવવો જોઈએ. બીજો પ્રશ્ન તને આવવો ન જોઈએ. બોલો તમે કેટલી આસનીથી નિર્વિકલ્પ બની જાવ. તમે તો હોવ જ. બરોબર…? તમે તો ૨૪ કલાકના સાધક છો જ. વિચાર શેનો આવે…?!

તો સાધક તરીકે તમે છો તો પણ વિચાર નથી. ભક્ત તરીકે છો ત્યારે તો કંઈ જ વિચારવું નથી. મારે કંઈ કરવાનું જ નથી. જે કંઈ કરવાનું છે એ પ્રભુએ અને ગુરુએ કરવાનું છે.

તમે હોસ્પિટલમાં admit થયા, બેડમાં તમે સુતા, તમારે શું કરવાનું છે..? જે કરવાનું છે એ ત્યાંના તંત્રે કરવાનું છે. તમને કઈ દવા કયારે આપવી એ, એ લોકો નક્કી કરશે. તમને કયો ખોરાક આપવો, એ લોકો નક્કી કરશે. ઓપરેશન માટે તમને થીયેટરમાં ક્યારે લઇ જવાના એ, એ લોકો નક્કી કરશે. તમારે તો ખાલી બેડ ઉપર સૂઈ જ જવાનું. એમ ભક્ત તરીકે તમે આવી ગયા એટલે, આરામ. પ્રભુ અને ગુરુ ક્ષણે ક્ષણે મારી care રાખે છે, પછી મારે શું કરવાનું…?!

અમારા બધાનો એક અનુભવ છે કે જે ક્ષણથી પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કર્યું એ ક્ષણથી પ્રભુ અમારી એક – એક ક્ષણની care કરે છે. બે જાતની care. બાહ્ય અને અભ્યંતર. અભ્યંતર care એવી કે એક ક્ષણ માટે અમે વિભાવમાં ન જઈએ. અમારો નાનકડો મુનિ એક વર્ષના દીક્ષા પર્યાયવાળો હોય, કદાચ એ તમારા ત્યાં વહોરવા માટે પણ આવી જાય, ગમે તેવા નિમિત્તોને જોવે, છતાં એ નિમિત્તોની અસર નથી થતી. કારણ એ પ્રભુના સુરક્ષાચક્રમાં એ છે. એટલે અભ્યંતર care પ્રભુ એ કરે છે, કે એક ક્ષણ માટે પણ અમને વિભાવમાં ન જવા દે. અને બાહ્ય care એ કરે છે કે અમારું સ્વાસ્થ્ય વિગેરે પણ સાધનાને અનુરૂપ ચાલે, એના માટેની બધી વ્યવસ્થા પ્રભુ કરે છે. અને આ care પ્રભુ અમારી જ કરે એમ નહિ, તમારી પણ કરી શકે.

એટલે સૂત્ર એ છે: surrender ની સામે care.

Surrender ની સામે care! તમે જેટલા સમર્પિત એટલું પ્રભુનું સુરક્ષાચક્ર તમને મળી જાય. તો અમને પ્રભુનું સુરક્ષા ચક્ર મળી ગયું. અમે એકદમ ever fresh, ever green. આ ever freshness ની ઈર્ષ્યા આવે છે? ઈર્ષ્યા આવે તો આજથી સમર્પિત થઇ જાવ… તો ન તો સાધકને કોઈ વિચારો છે, ન ભક્ત પાસે કોઈ વિચારો છે.

તો આપણું પહેલું સૂત્ર આ છે કે નિર્વિકલ્પદશાનો અભ્યાસ. નિર્વિકલ્પદશનો અભ્યાસ થાય એટલે શું થાય કે તમે તમારા વિચારો ઉપર એક નિયંત્રણ સ્થાપિત કરી શકો. એક મોનીટર… કયો વિચાર આવવો જોઈએ અંદર, કયો વિચાર ન આવવો જોઈએ… એનું નિયંત્રણ તમારે કરવાનું… શુભ વિચાર આવી રહ્યો છે તમે આવવા દો. અશુભ વિચાર જે ક્ષણે આવવાનું તૈયાર થયો તમે તરત જ switch off કરી દો. આખું switch board તમને આપી દઈએ. અત્યારે તમારી પાસે switch board નથી, એટલે on કે off કરવું એ તમારા હાથમાં નથી, બીજાના હાથમાં છે. બીજાના હાથમાં ને…?

હું ઘણીવાર કહેતો હોઉં છું કે public meeting સ્થાન હોય, કોઈ હોલ હોય, ત્યાં switch boards હોય પણ એના ઉપર ઢાંકણ હોય અને lock કરેલું હોય એ; અને એની ચાવી પટ્ટાવાળા પાસે હોય. કારણ હોલમાં ૫૦ એક જણા જ આવ્યા છે, થોડીક જ ખુરશીઓ ભરાઈ છે, તો બધા જ પંખા એ ચાલુ ન કરે, એટલી જ હરોળના પંખા ચાલુ કરે. Switch board ઉપર ઢાંકણ ન હોય, નાના છોકરાઓ આવે સમારોહમાં અને ખોટી ખોટી લાઈટો ચલાવ્યા કરે, પંખા ખોટા ખોટા ફેરવ્યા કરે, અને લાઈટનું બીલ સંસ્થાને ભોગવવું પડે. એટલે ત્યાં વ્યવસ્થા હોય, switch board ઉપર ઢાંકણ અને lock કરી દીધેલું હોય.

મારે પણ આ વ્યવસ્થા તમને આપવી છે. અત્યારે તમારી તકલીફ આ છે, switch board તમારું, on , off તમારે નહિ કરવાનું, બીજો કરે. બીજો કહે વાહ બહુ સરસ સ્તવન ગાયું એટલે on થઇ ગયું! અને બીજો માણસ આવે કેમ આજે શરદી – બરદી થઇ ગઈ હતી, રોજ તો તમે ગાઓ છો, બહુ મજા આવે છે આજે કંઈ મજા જ નહિ આવી… off. Switch board તમારું; on અને off બીજો કરે…?!

તો તમારું switch board તમારા હાથમાં હોય, તમારા વિચારો પણ તમારા નિયંત્રણમાં આવે, તો આત્માનુભૂતિના સ્તર ઉપર આપણે જઈ શકીએ. થોડી practical વાતો છે આવતી કાલે જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *