વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : તુજ મુખ સન્મુખ નીરખંતા
ચિત્ત, મન અને ઇન્દ્રિયો – આ ત્રણેય પ્રભુના દર્શન માટે અત્યંત લાલાયિત બનેલા હોય, તો પ્રભુનું દર્શન દૂર નથી. ભક્તની એ સજ્જતા કે ચિત્ત, મન અને ઇન્દ્રિયો – આ ત્રણેય પરમાત્મા તરફ ઝૂકેલા હોય.
બીજી ઇન્દ્રિયો એટલી sensitive નથી, જેટલી આંખ sensitive છે. એક પદાર્થને કે એક વ્યક્તિને તમે ધારીને જુઓ, તો એ પદાર્થ કે એ વ્યક્તિ રાગાત્મક લયમાં કે દ્વેષાત્મક લયમાં તમારા ચિત્તમાં પ્રવેશી શકે છે.
ઇન્દ્રિયોનો સંબંધ મનની સાથે છે. આંખ બંધ કરો, એટલે બહારની દુનિયા જોડેનો તમારો સંબંધ ઘણા અંશે cut-off થઈ જાય. આંખ ખુલ્લી હોય પણ મન બીજે હોય, તો ખુલ્લી આંખમાં પ્રતિબિંબ પડશે પણ એ પ્રતિબિંબનું નિર્વાચન નહિ થાય.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
પ્રભુ જ મારા પરમપ્રિય. એમના માટે તો એ ઘટના ઘટિત થઇ ચુકી હતી. આપણે એ ઘટનાને ઘટિત કરવી છે.
તો એના માટેના steps કયા? ગઈ કાલે એક મજાનું સૂત્ર આપણે જોયુંલું, ભક્તિયોગચાર્ય મોહનવિજય મ.સા. એ પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં એક સૂત્ર આપ્યું. બહુ પ્યારું છે. “ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવાને, દ્યો દરિશન મહારાજ” ખ્યાલ છે કે પ્રભુ દર્શન આપવા તૈયાર છે. પણ મારી સજ્જતા ઓછી પડે છે અને એટલે એમણે ભક્તની સજ્જતાની ત્રણ વાતો કરી. ચિત્ત, મન અને નયન એટલે કે ચિત્ત, મન અને ઇન્દ્રિય. આ ત્રણે પ્રભુના દર્શન માટે અત્યંત લાલાયિત બનેલા હોય તો પ્રભુનું દર્શન દૂર નથી.
આ જ વાત ઉદયરત્નજી મ.સા. એ કરેલી. સાહેબજી ખેડાથી શંખેશ્વર તીર્થનો સંઘ લઈને આવી રહ્યા છે. શંખેશ્વરના પરિસરમાં આવી ગયા, એ વખતે શંખેશ્વર દાદા એક વ્યક્તિના ત્યાં, એ વ્યક્તિ પેટીમાં દાદાને પુરી નાંખે છે. અને એની ઈચ્છા થાય ત્યારે દાદાનું દર્શન કરાવે. આ સંયોગો માં ઉદયરત્નજી મ.સા. શંખેશ્વર જઈ રહ્યા છે. એક ભક્તે પૂછ્યું કે સાહેબ! પ્રભુનું દર્શન આપણે થશે…? એ વખતે ઉદયરત્નજી મ.સા. એ કહ્યું, થશે એમ નહિ, થશે જ. અને એમણે આ જ વાત કરી કે પ્રભુ તો દર્શન આપવા માટે તૈયાર જ બેઠેલા છે, હું તૈયાર નહોતો, આજે હું તૈયાર છું. અને એટલે મારા પ્રભુએ દર્શન આપવું જ પડશે. ગયા પેલા ભાઈને ત્યાં, પેલા ભાઈને સમાચાર મળી ગયા, આજે મોટા મ.સા. આવવાના છે. મોટા મ.સા. ભલે ને આવે, આપણે એમ કાંઈ દર્શન – બર્શન કરાવવાના નથી. આવે એટલે કહી દેવાનું હમણાં નહિ અડધો કલાક પછી આવો… મારે નાસ્તો કરવાનો છે. અડધો કલાક પછી આવે ત્યારે ફરી કહેવાનું… હવે તો મારે સ્નાન કરવાનો સમય થયો, કલાક પછી આવજો.
ઉદયરત્નજી મ.સા. એ ભાઈના ઘરમાં પ્રવેશ્યા, સીધું જોયું, પેટી ક્યાં છે? સીધા પેટી પાસે જઈને બેસી ગયા પેલો ભાઈ વિચારમાં પડી ગયો. મ.સા. ને ખબર છે કે નહિ… પેટીને ખંભાતી તાળું ઠોકેલું છે, ચાવી મારી પાસે છે. પણ ઉદયરત્નજી ભગવંત, પ્રભુ સાથે એમનું direct dialing… સીધી જ એમને સ્તવના શરૂ કરી… “સાર કર, સાર કર, સ્વામી શંખેશ્વરા… દેવ કાં એટલી વાર લાગે.” શું મજાનો લય પકડ્યો… “દેવ કાં એટલી વાર લાગે” નાનકડું બાળક બહારથી આવેલું હોય, ૧૨ ના ૧૨.૧૫ થઇ ગયા છે, ભૂખ કકડીને લાગી છે. એ જમવા માટે બેસી જાય, મમ્મી થાળી ન પીરસે તો એ રાડ પાડે, મમ્મી, જલ્દી ખાવાનું આપ ને, ભૂખ લાગી છે, એ જ લયમાં ઉદયરત્નજી ભગવંત કહે છે, દેવ કાં એટલી વાર લાગે – હું આટલે દૂરથી તારા દર્શન માટે આવી ગયો છું. અને તું અવઢવમાં છે. દર્શન આપવું કે ન આપવું… અને પછી કહ્યું, “કોડી કર જોડી દરબાર આગે ખડા, ખાટુંરા ચાકરાં માન માંગે” તું ભાવ પુછાવે છે એમ…! હું તારા દર્શન માટે આટલી તડપન લઈને આવ્યો છું. તું ભાવ પુછાવે છે…?! દર્શન આપવું કે ન આપવું… હમણાં આપવું કે પછી આપવું. બસ આ કડી પુરી થઇ, તાળું તૂટી ગયું, પેટીનું ઢાંકણ ખુલી ગયું, પરમાત્મા સ્વયં ઉપર આવી ગયા. આપણે તૈયાર છીએ તો પ્રભુ તૈયાર જ છે.
આપણે ત્યાં જેવી ઉદયરત્નજી ભગવંતની વાર્તા છે એવી જ કથા હિંદુ પરંપરામાં ઉદયનાચાર્યની છે. ઉદયનાચાર્ય બહુ જ મોટા દાર્શનિક, બહુ જ મોટા તાર્કિક. અને પછી બહુ જ મોટા ભક્ત બની ગયા. યાદ રાખો જેટલો પ્રખર તાર્કિક એટલો જ પ્રખર એ ભક્ત બની જાય. કારણ? લાગે કે તર્કમાં, વિચારમાં તો કાંઈ જ નથી. શંકરાચાર્ય એ એક સૂત્ર આપ્યું ‘તર્ક: અપ્રતિષ્ઠિત:’ સાધના જગતમાં તમારા તર્કનું, તમારા વિચારનું, તમારી બુદ્ધિનું કોઈ જ મૂલ્ય નથી. અહીં તો માત્ર સમર્પણ, માત્ર શરણાગતિ, માત્ર શ્રદ્ધા.
તો ઉદયનાચાર્ય બહુ જ મોટા તાર્કિક. બૌદ્ધ સંસ્કૃતિએ હિંદુ સંસ્કૃતિ ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે બૌદ્ધોની સામે લડનાર એ એકલવીર હતા. અને બૌદ્ધો ને ભારતમાંથી ઉખેડીને જાપાન અને ચીનમાં મોકલી આપ્યા. એ ઉદયનાચાર્ય એકવાર વિહાર કરતાં કરતાં એક ગામમાં આવે છે, શિષ્યવૃંદ પણ મોટું છે. અને લોકોને પણ ખ્યાલ હતો, ઉદયનાચાર્ય જેવી બહુ મોટી પ્રતિભા આપણા ગામમાં આજે આવી રહી છે. એ ગામમાં એવું થયું, મહાદેવજીનું મંદિર, સવારે ૧૧ વાગે પુજારી પૂજા કરીને બહાર નીકળ્યો, automatic દરવાજા બંધ થઇ ગયા. એવા બંધ થઇ ગયા કે દરવાજા કે કોઈ રીતે ખુલે જ નહિ. કેટલાય ભક્તો આવ્યા, કેટલાય બીજા લોકો આવ્યા, પણ દરવાજા ખુલે જ નહિ. અને એમાં ઉદયનાચાર્યને આવવાનું થયું. લોકોને શ્રદ્ધા બેસી, આટલા મોટા ભક્ત પ્રભુના આવે છે, તો આજ તો પ્રભુ દર્શન આપશે જ..
ઉદયનાચાર્ય ગામમાં પ્રવેશ્યા. લોકોએ સ્વાગત કર્યું. ઉદયનાચાર્યએ કહ્યું, મંદિર ક્યાં છે? ચાલો ત્યાં… મંદિરે ગયા, દ્વાર બંધ. પૂછ્યું, અત્યારે સવારના પહોરમાં દ્વાર બંધ કેમ છે? ત્યારે એક અગ્રણી સામે આવ્યો, એને હાથ જોડીને કહ્યું, ગુરુદેવ! કેટલાય મહિનાથી આ દ્વાર automatic બંધ થઇ ગયા છે, એ ખુલતાં જ નથી. પ્રભુ અમને દર્શન આપતાં જ નથી. પણ આજે આપ પધાર્યા છો, જરૂર પ્રભુ આપને દર્શન આપશે. ઉદયનાચાર્યને પણ થયું કે પ્રભુ મને દર્શન આપે જ… કેમ ન આપે? તમને આવી શ્રદ્ધા ખરી ને…? એ દરવાજા પાસે ગયા, દ્વાર ખુલ્યું નહિ.
ભક્ત છે, ભક્તની પાસે એક વિશેષાધિકાર છે. જેમ બાળક પાસે માં માટે એક વિશેષાધિકાર છે. બાળક માં ને ગમે તે કહી શકે. કારણ? બાળક પાસે પ્રેમ છે, અને પ્રેમનો વિશેષાધિકાર એની પાસે છે. ભક્તની પાસે પણ ભગવાન પ્રત્યેનો જે અસીમ પ્રેમ છે એ પ્રેમને કારણે એક વિશેષાધિકાર આવેલો છે. ઉદયનાચાર્ય એ વખતે પ્રભુને કહે છે કે તું મને દર્શન નથી આપતો, તને ખ્યાલ છે પ્રભુ! બૌદ્ધોનું આક્રમણ થયું ત્યારે હું ન હોત ને તો તારે બહાર જવું પડત. તારે બિસ્તરા પોટલા ઉપાડીને ભારતની બહાર જવું પડત. તું મને દર્શન નથી આપતો. ફટાક કરતાં દરવાજા ખુલી ગયા. ભક્તની સજ્જતા આ. ચિત્ત, મન અને ઇન્દ્રિય આ ત્રણેય પરમાત્મા તરફ ઝૂકેલા હોય.
અનંત જન્મોથી આપણી ઇન્દ્રિયો, આપણું મન અને આપણું ચિત્ત સંસાર તરફ ઢળેલું છે. એ ઇન્દ્રિયોને, એ મનને, એ ચિત્ત ને પ્રભુ તરફ ઝુકેલું કરવાનું છે. માનવિજય મ.સા.એ શીતલનાથ પ્રભુના સ્તવનમાં એક practical approach આપ્યો છે. આપણી ઇન્દ્રિયોને પ્રભુ સન્મુખ ઢાળવી કેમ, એના માટેનો બહુ જ મજાનો practical approach એમણે આપ્યો છે. મારે છે ને માત્ર પ્રવચન આપવું નથી, તમને સાથે રાખવા છે, આપણી આ એક સહ યાત્રા છે.
ઉપનિષદનો બહુ પ્યારો મંત્ર છે, “सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै।“ ગુરુની પ્રભુના ચરણોમાં આવેલી બહુ જ મજાની પ્રાર્થના. ગુરુ પ્રભુને કહે છે, સહ નાવવતુ – પ્રભુ! મારી અને મારા શિષ્યની વિભાવમાંથી રક્ષા તમે કરો. એટલે સદ્ગુરુ પાસે ગુરુ ડમ નથી, હું મારા શિષ્યની રક્ષા કરું એ વાત ગુરુ પાસે નથી. ગુરુ પ્રભુને કહે છે પ્રભુ! મારી અને મારી નિશ્રામાં રહેલા શિષ્યોની, સાધકોની વિભાવોમાંથી રક્ષા તમે કરો. પછી કહે છે – સહ નૌ ભુનક્તુ – પ્રભુ! હું અને મારો શિષ્ય બેઉ સાથે સ્વાધ્યાય કરીએ. ગુરુ પ્રવચનકારના રૂપમાં આવવા તૈયાર નથી. એ કહે છે પ્રભુને કે પ્રભુ! મારે તો માત્ર સ્વાધ્યાય કરવો છે. હું પણ અત્યારે શું કરી રહ્યો છું… સ્વાધ્યાય… ઉપર બેઠેલો હોઉં બીજા માળે પાટ પર, હરિભદ્રાચાર્ય જોડે કે હેમચંદ્રાચાર્ય જોડે સંગોષ્ઠી કરતો હોઉં.. અત્યારે તમારી જોડે સ્વાધ્યાય કરું છું. સહ નૌ ભુનક્તુ. પછી તો અદ્ભુત વાત કરી: સહ વીર્યમ્ કરવાવહૈ – અમે બંને, હું અને મારો શિષ્ય સાધનામાર્ગે સાથે ચાલીએ છીએ. ગુરુની એક ferry સર્વિસ ચાલે છે. તમે તળેટીમાં હોય ને તો ગુરુ તમને આંગળીએ વળગાળી શિખર ઉપર લઇ જાય. ગુરુએ શિખર ઉપર, તમે પણ શિખર ઉપર પણ પછી પ્રભુ ચેતના ગુરુ ચેતનાને કહે છે કે ભાઈ! હવે તું નીચે ઉતર. અને નવા મુરતિયાને લઇને પાછો ઉપર આવ. એટલે તમે તો ઉપર ને ઉપર રહેવાના. ગુરુને પાછું નીચે આવવાનું તમારા માટે.
ક્યારેક તમને ગુરુના કાર્યનું, એક સદ્ગુરુની વેદનાનો ખ્યાલ આવે ખરો? ગઈ કાલે મેં કહેલું, સદ્ગુરુ કેવા હોય… સદ્ગુરુ ચેતના કેવી હોય… “વાસિત હૈ જિન ગુણ મુજ દિલકો, જૈસે સુરતરુ બાગ, ઓર વાસના લગે ન તાકો” પ્રભુના ગુણોની અંદર એમનું અસ્તિત્વ પૂરેપૂરું ડૂબેલું હોય, અને છતાં એ સદ્ગુરુ એ ફરજના ભાગ રૂપે તમારા દોષોમાં ડોક્યું કરવું પડે છે. આ સદ્ગુરુની વેદનાનો ખ્યાલ તમને આવે…?
સાધુ – સાધ્વીજીઓની વાચનામાં હું ઘણીવાર કહેતો હોઉં કે એક સદ્ગુરુ પ્રભુના ગુણોમાં જ જે ડૂબી ગયા છે, જે સ્વરૂપાનુભૂતિ કરી રહ્યા છે, એને પણ ફરજના એક ભાગ રૂપે તમારા દોષોમાં ડોક્યું કરવું પડે, કેટલી વેદના થતી હશે…. એ ગુરુની પીડાનો તમને ખ્યાલ આવે છે…? હું ઘણીવાર એ લોકોને કહું કે તમે બધા આમ નિષ્ક્રિય હોય, ગુણ મળે કે ન મળે, દોષ જાય કે ન જાય પણ સદ્ગુરુની વેદનાનો તમને ખ્યાલ આવે તો પણ તમે દોષમુક્ત બની જાવ.
હું ઘણીવાર એક example આપું છું, મ્યુનીસીપલ કર્મચારી છે, એના સર્વિસના ટાઈમે એ મ્યુનિસિપલ જનરલ ઓફિસમાં બેઠેલો છે, એને ક્યારે ફોન આવે કે અમુક જગ્યાએ ગટર ચોક અપ થઇ છે ત્યારે એને ત્યાં દોડવાનું હોય છે, અને એને ગટરને વ્યવસ્થિત કરવાની હોય છે, તો એ કર્મચારી ફોન ન આવે ત્યાં સુધી ઓફિસમાં બેઠેલો છે. પંખો ઉપર ફરી રહ્યો છે, એ ચા sip કરી રહ્યો છે, એ છાપું વાંચી રહ્યો છે. અચાનક એનો મોબાઈલ રણકે, અને એને સમાચાર મળે, અમુક જગ્યાએ ગટર ચોક અપ થઇ તમે જાવ.. એટલે એ તરત બાઈક લઈને દોડે, અને કદાચ ગટરને સાફ કરવા માટે એ અંદર પણ ઉતરી જાય, કાદવની અંદર, કીચડની અંદર, ગંદકીની અંદર ત્યાં ૫ મિનિટ પહેલા સાફ સુતરા કપડાં પહેરીને મ્યુનિસિપલ ઓફિસમાં બેઠેલો એ કર્મચારી, અને ક્યાં ૫ મિનિટ પછી કાદવ અને કીચડમાં નાહી ગયેલો એ કર્મચારી.
સદ્ગુરુ માત્ર અને માત્ર પ્રભુના ગુણોની અનુભૂતિમાં રહેતા હોય છે. એને તમારા દોષોમાં ડોક્યું કરવું પડે, તમારા દોષોને સાફ કરવા માટે, એ તમારા દોષ સુધી આવવું પડે, એ કેટલું તો વેદના જનક બની જતું હશે! તો સહ વીર્યમ્ કરવાવહૈ – પ્રભુ હું અને મારો શિષ્ય બેઉ સાથે સાધના કરીએ. એટલે આપણી આ એક સહ ચિંતન યાત્રા. સહ સ્વાધ્યાય યાત્રા. મારી સાથે છો ને…? ૪૫ – ૫૦ મિનિટ તો મારી સાથે ને…? એ વખતે તો નક્કી ને કે તમારું મન totally સદ્ગુરુના ચરણોમાં… અને ગુરુ જોડે હોય તો કેટલી મજા આવે ખબર છે…? કેટલી મજા આવે…?
એક ગુરુ અને શિષ્ય જંગલમાં જતા હતા, સાંજનો સમય થયો, સૂર્યાસ્ત થયો, એટલે ગુરુ રોજના નિયમ પ્રમાણે પ્રાર્થના માટે બેસી ગયા, ઘોર જંગલ છે, ગામ ક્યાંય દેખાતું નથી, અત્યારે ખરેખર પગ ઉપાડવા જોઈએ, પણ નહિ, જે સમયે જે કરવાનું છે એ કરવાનું જ છે. ગુરુ પ્રાર્થનામાં ડૂબી ગયા, શિષ્ય બાજુમાં બેઠેલો. ગુરુએ તો મન, ચિત્ત અને ઇન્દ્રિયો બધું જ પ્રભુને સોંપી દીધું. પણ શિષ્યનું બધું પોતાની પાસે જ હતું એને પ્રભુને કંઈ સોંપેલું નહિ…
એમાં અડધો કલાક થયો હશે, અને વાઘની એક ગર્જના સંભળાઈ, અને ગર્જના પરથી લાગ્યું કે વાઘ આ બાજુ આવી રહ્યો છે, શિષ્ય તો ગભરાઈ ગયો, એને ગુરુના કાનમાં ફૂંક મારી. ગુરુદેવ! ગુરુદેવ! વાઘ આવે છે ઝાડ ઉપર ચડી જઈએ. પણ ગુરુએ તો મન પ્રભુને આપી દીધેલું. ઇન્દ્રિયો પ્રભુને આપી દીધેલી કોણ સાંભળે…? વાઘ એકદમ નજીક આવવા લાગ્યો, શિષ્ય ગભરાયો અને એ તો ઊંચા ઝાડ ઉપર ચડી ગયો. વાઘ આવ્યો, ગુરુની પાસે આવ્યો. પણ ગુરુની body માંથી જે મૈત્રીભાવની ઉર્જા નીકળી રહેલી હતી, એ ઉર્જાની અસર વાઘ ઉપર પડી. એ હિંસક વાઘ અહિંસક બની ગયો, અને ત્યાંથી ચાલ્યો ગયો. શિષ્ય એ કહ્યું હવે મેદાન સાફ છે એ નીચે ઉતરી ગયો. ગુરુની પ્રાર્થના પુરી થઇ. હવે તો ત્યાં જ સુઈ જવાનું હતું, સુવાની તૈયારી કરી. મચ્છર બહુ હતા, ગુરુએ કહ્યું શિષ્યને કે મચ્છર બહુ છે ઊંઘ નહિ આવે… શિષ્ય કહે છે ગુરુદેવ! તમે વાઘથી ન ગભરાયા, અને મચ્છરથી ગભરાયા…? ત્યારે ગુરુ કહે છે, વાઘથી નહિ ગભરાયો કારણ કે એ વખતે પ્રભુની સાથે હતો, મચ્છરથી ગભરાવું છું કારણ કે તારી સાથે છું. તમે કોની સાથે…?
તો ઇન્દ્રિયો, મન અને ચિત્ત એ ત્રણેયને પ્રભુમય બનાવવા છે. બહુ જ પ્યારી એ સ્તવના છે, પહેલી જ આંખને લીધી, આપણી આંખ સૌથી વધુ sensitive છે, અત્યારે એમ કહેવામાં આવે છે કે ૧૦ – ૧૫ સેકંડ એક પદાર્થને કે એક વ્યક્તિને તમે ધારીને જોવો તો એ પદાર્થ કે એ વ્યક્તિ રાગાત્મક લયમાં કે દ્વેષાત્મક લયમાં તમારા ચિત્તમાં પ્રવેશી શકે છે. બીજી ઇન્દ્રિયો એટલી sensitive નથી, આંખ સૌથી વધુ sensitive છે. અને એટલે જ અમે લોકો ધ્યાન કરાવીએ ત્યારે સૌથી પહેલા કહીએ આંખો બંધ કરી દો, આંખ બંધ કરી એટલે બહારની દુનિયા જોડેનો તમારો ૮૦% સંબંધ કટ ઓફ થઇ ગયો.
તો પહેલી આંખને લે છે, “તુજ મુખ સન્મુખ નીરખંતા, મુજ લોચન અમીય ઠરંતા” તુજ મુખ સન્મુખ નિરખંતા – પ્રભુ હું તારા મુખની સામે જોઉં છું. ત્યારે શું થાય છે…? મુજ લોચન અમીય ઠરંતા – મારી આંખના આંસુ ઠરી જાય છે. ફ્રીજ થઇ જાય છે. પહેલી વાર દેરાસરમાં આ સ્તવના ગાતો હતો, પણ હું મૂંઝાયો, તુજ મુખ સન્મુખ નીરખંતા, મુજ લોચન અમીય ઠરંતા – અમીય એટલે આંસુ. મને થયું, પ્રભુને જોઈએ ત્યારે શું થાય…? આંખોમાંથી આંસુ છલકાય. તો પંક્તિ શું હોવી જોઈએ, ‘મુજ લોચન અમીય છલકંતા, મુજ લોચન અમીય વરસંતા’ પણ એને બદલે પંક્તિ એવી હતી – મુજ લોચન અમીય ઠરંતા… મેં પ્રભુને જ પૂછ્યું કે પ્રભુ આનો શું અર્થ?
આપણે ત્યાં એક મજાની વિભાવના છે, જે શક્રસ્તવમાં પણ છે, ઉપમિતિમાં પણ છે. શક્રસ્તવમાં છેડે કહ્યું ત્વં ચ મે ગુરુ, પ્રભુને ગુરુ બનાવવા, આ એક અદ્ભુત વિભાવના છે… પ્રભુ માતા પણ છે, પિતા પણ છે, ગુરુ પણ છે. પ્રભુ, પ્રભુ તરીકે દૂરની ઘટના લાગે. સાત રાજ લોક દૂર જઈને બેઠેલા, દેરાસરમાં હોય તો પણ પબાસન ઉપર જઈને ઉંચે ઉંચે સ્થિર થઈને બેસેલા. પણ પ્રભુને ગુરુ તરીકે કલ્પીએ તો દૂરી સામીપ્યમાં આવી જાય. ગુરુ બેઠા છે પાટ ઉપર – ખુરશી પર, આપણે એમના ચરણોમાં જઈને બેઠા છીએ. મેં પણ પ્રભુને ગુરુ બનાવી દીધા. પ્રભુને પૂછ્યું, કે પ્રભુ! આ પંક્તિ શું હોવી જોઈએ…? મુજ લોચન અમીય છલકંતા હોય, વરસંતા હોય, કે ઠરંતા હોય…? બસ, પ્રભુની કોટમાં પ્રશ્નનો બોલ ફેંકી દીધો. પછી એ ઉત્તર ક્યારે આપે… અથવા આપે કે ન આપે એ એના હાથની વાત છે.
મારી પાસે ઘણા બધા મુમુક્ષુઓ હોય, ઘણા મુમુક્ષુઓ અવઢવમાં હોય, ૨૨ – ૨૩ ની વય થઇ ગઈ હોય, ઘરેથી કહેવામાં આવતું હોય કે કંઈક નક્કી કરી લે તું કે તારે દીક્ષા લેવી છે કે નથી લેવી… પેલો અવઢવમાં હોય… મને પૂછે તો હું એને કહી દઉં પ્રભુને પૂછી લે. પ્રભુની કોટમાં બોલ ફેંકી દે, પ્રભુ મજાનો જવાબ આપશે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ તમારા ભૌતિક જીવનની પણ સમસ્યા હોય, પ્રભુ આપણને મળ્યા છે, આપણે ક્યારેય મુંઝાવાનું નથી. એ સમસ્યાનો બોલ પ્રભુની કોટમાં ફેંકી દેવાનો, પ્રભુ આમ છે શું કરું? પછી એની જવાબદારી થાય છે, તમે એને ન સોંપો ત્યાં સુધી તમારી જવાબદારી. તમે એને સોંપી દીધું એ જગન્નીયંતા છે, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર છે એની જવાબદારી થાય છે.
મેં પ્રભુની કોટમાં બોલ ફેંકી દીધો. ઉપાશ્રય આવ્યો, ઈરિયાવહિયા કરી મારા આસન ઉપર બેઠો. એ જ વખતે એક ઘટના ઘટી. એક શ્રાવિકા માતા પોતાના બે – અઢી વર્ષના બાળકને લઇ વંદન કરવા માટે આવી. માં ને વંદન કરવું હતું એટલે દીકરાને નીચે ફર્સ પર મુક્યો. દીકરાને તો મોટી ઉપાધિ આવી ગઈ, જાણે સિંહાસન ઉપરથી રાજા પદભ્રષ્ટ થઇ ગયો હોય… ક્યાં માં ની હુંફાળી ગોદ! ક્યાં ઠંડી ફર્સ…! જ્યાં ફર્સ પર મુક્યો બાબાને, એને તો પીડા થઇ ગઈ. હૃદયમાં દુઃખ ઉભરાયું. આંખમાં આંસુ આવી ગયા. બંને આંખમાં એક – એક આંસુ મેં જોયું. ત્યાં જ માં નું વંદન પૂરું થયું, માં એ બાળકને તેડી લીધું, બાળક હસવા માંડ્યું… અને મજાની વાત એ થઇ બાળક હશે છે અને એની આંખમાં આંસુ છે. હવે આંસુના રેલા ઉતરવાના નથી. કેમ? કે પાછળથી ફોર્સ આવવાનો જ નથી. પીડા જ નથી તો ફોર્સ ક્યાંથી આવે? પણ જે બે આંસુ આવેલા એ તો ઠરીને ફ્રીજ થઈને બેસી ગયા છે, મને જવાબ મળી ગયો… મેં કહ્યું, વાહ! પ્રભુ! આટલી ઝડપથી તે જવાબ આપી દીધો. એટલે શું થાય… આ એક મજાની ભૂમિકાની વાત કરી.
પ્રભુ પાસે ગયા, તમે તો પ્રભુ પાસે જતાં જ નથી. બરોબર… ખોટું લાગ્યું..? શરીરને મોકલી દો ને… કોને મોકલો…? એક ભાઈ દર્શન કરીને અને ઘરે આવ્યા, શ્રાવિકાએ પૂછ્યું દર્શન કરીને આવ્યા? અરે દર્શન કર્યું અને ચૈત્યવંદન પણ કર્યું. તો શ્રાવિકા આગળ પૂછે છે, આજે ભગવાનને આંગી કેવી હતી? મહોત્સવ ચાલતો હતો. ભગવાનને આંગી સવારે ૭ વાગ્યા સુધી હોય જ. આજે આંગી કેવી હતી..? પેલો માથું ખંજવાળે… હવે એને આંગી જોઈ નથી પ્રભુની… તો એણે શું દર્શન કર્યું…!
આપણે તો આંગીના દર્શનની વાત નથી કરતાં. પ્રભુના મૂર્તિના દર્શનની વાત નથી કરતાં. પ્રભુના દર્શનની વાત કરીએ છીએ… તમે કહો શું…? પ્રભુનું દર્શન કરી આવ્યા કે મૂર્તિનું દર્શન કરી આવ્યા એમ બોલો…? ખરેખર પ્રભુનું દર્શન થયું છે…? એ પ્રભુની વિતરાગદશા તમને ક્યારેય દેખાઈ છે? એ પ્રભુના મુખ ઉપર જે પ્રશમરસ રેલાયો છે, એ તમને ક્યારેય દેખાયો..? કેમ નથી દેખાયો…? મન બહાર હોય છે. ઇન્દ્રિયોનો સંબંધ મનની સાથે છે, આંખ ખુલી હોય પણ મન બીજે હોય, તો ખુલી આંખમાં પ્રતિબિંબ પડશે પણ એ પ્રતિબિંબનું પાછળ ગયા પછી જેને નિર્વાચન કરવાનું છે, એ યંત્ર ચૂક છે. આંખ તો માત્ર કેમેરાનું કામ કરે, કેમેરો માત્ર છબી પાડે અને અંદર મોકલે. પછી અંદર ગયા પછી એ છબીનું શું કરવું એ કેમેરામેન નક્કી કરે. એમ તમારો ઉપયોગ જે છે એ નક્કી કરે કે આ દ્રશ્ય જે ઝડપાયું એ સારું કે ખરાબ? આંખનું કામ માત્ર દ્રશ્યને ઝડપવાનું છે. આંખ ખુલી પણ હતી, પ્રભુ જોવાયા પણ ખરા.. મન બહાર હતું, તો આંગી કઈ હતી, ખબર પણ ન પડી.
તો પ્રભુનું દર્શન કરવા તમે ગયા. પ્રભુનું દર્શન થયું, અને પછી મનમાં એક ભાવના થાય કે પ્રભુ! તું આટલો બધો દૂર…! ‘સાત રાજ અળગા જઈ બેઠા’ પ્રભુ! તું સાત રાજલોક દૂર સિદ્ધશિલા ઉપર જઈને બેઠેલો છે! પ્રભુ મારે તને મળવું શી રીતે..? એક વેદના.. એ વેદનાને કારણે આંખમાં આંસુ ઝળકે, અને ત્યાં જ સદ્ગુરુએ કહેલી વાત યાદ આવી, કે પ્રભુ અને દૂરી! પ્રભુ તો અંતર્યામી છે. પ્રભુ અંતર્યામી છે. એક ભક્તે કહેલું He is closer to me than my self. કેવો અનુભવ હશે… He is closer to me than my self. પ્રભુ મારી જાત કરતાં પણ વધુ નજીક છે. પ્રભુ અંતર્યામી છે.
અંતર્યામી શબ્દના બે અર્થ થાય. એક તો અંતર્યામી એટલે આપણા અંતઃસ્તરને જાણનાર. અને એટલે એ અર્થમાં ઉપાધ્યાયજી ભગવંતે પ્રભુને કહ્યું “અંતર્યામી સવિ લહો, અમ મનના જે છે ભાવ હો, મા આગળ મોસાળના, શા વર્ણવવા અવદાત હો” પ્રભુ તું અંતર્યામી છે, તને શું વાત કરું મારા હૃદયની, તું બધું જાણે જ છે. કેવું મજાનું example આપ્યું: કે દીકરો માં ની સાથે મોસાળ ગયો છે, હવે એને ખબર પડી કે આ મામા કહેવાય, આ માસી કહેવાય. એટલે માં ને કહેશે માં માં આ મારા મામા. માં મનમાં હસે તારો તો મામો છે મારો માની જાય એવો ભાઈ છે. એમ પ્રભુ તું અંતર્યામી છે, તો તને મારા હૃદયની વાતો શા માટે કહું? પણ છતાં સ્તવનો લખાય છે, બોલો નવાઈ ન લાગે.. એક બાજુ કહે છે કે પ્રભુ તુ અંતર્યામી છે, તું મારા મનની વાત જાણે છે, તો સ્તવનો રચો છો શા માટે? જવાબ એમણે બીજી જગ્યાએ આપ્યો કે બોલવાની ઈચ્છા થાય તો પ્રભુ વિના બીજા કોઈની સાથે બોલવાની ઈચ્છા થતી નથી.
ડાયાબીટીક પેસન્ટ હોય ને ડોક્ટર કહી દે કશું સ્વીટ તમારે ખાવાનું નહિ. તો સાહેબને કહે કે ક્યારેક તો ખાવાની ઈચ્છા થઇ જાય ને… હવે એનું ડાયાબીટીસ બહુ વધારે નથી. તો ડોક્ટર કહી દે કે એકાદ apple તમે ખાઈ શકો છો…. ફ્રુટની શર્કરા એટલી બધી નુકશાન નથી કરતી. એમ બોલવાની ઈચ્છા થાય તો પ્રભુ સાથે બોલીશ બાકી બીજા કોઈની સાથે બોલીશ જ નહિ, એક અંતર્યામી શબ્દનો અર્થ આ.
બીજો અંતર્યામી શબ્દનો અર્થ છે અંદર રહેલ. તમારી અંદર કોણ છે? તમે કે પ્રભુ…? બેઉ… હું ઘણીવાર કહું છું- ‘પ્રેમ ગલી અતિ સાંકરી , તામે દો ન સમાય’ પ્રેમની ગલી, ભક્તિની ગલી સાંકળી છે, એમાં બે નો સમાવેશ શક્ય નથી. બોલો તમારે રહેવું છે અંદર કે ભગવાનને રાખવા છે? બોલો ભાઈ….. તમે રહો કેન્દ્રમાં, તમારો હું કેન્દ્રમાં રહે તો નરક અને નિગોદ નક્કી, દુર્ગતિ નક્કી. પ્રભુ કેન્દ્રમાં આવે તો મોક્ષ નક્કી. હવે બોલો તમારી choice શું? બોલો ભાઈ…. કેન્દ્રમાં કોને રાખવા છે? અમારું કામ શું ખબર છે…? ગુરુ તરીકેનું? એક જ કામ તમારા હું ને કેન્દ્રમાંથી ગબડાવી દેવું. અને તમને ખ્યાલ નહિ હોય, આ ઘટના એક જનમથી નહિ કેટલાય જન્મોથી ચાલે છે. ગુરુ તમારા હું ને ઉખેડીને બાજુમાં ફેંકે, તમે પાછું પ્રતિષ્ઠા કરીને પાછું ત્યાં લાવો.
મને એકવાર એક ભાઈએ પૂછેલું કે સાહેબ! તમારી ઈચ્છા શું છે અમારા ખ્યાલમાં આવી ગયો, તમારે અમારા હું ને કેન્દ્રમાંથી ઉખેડીને પરિઘમાં મૂકી દેવું છે, અને પ્રભુને કેન્દ્રમાં લાવવા છે. તમે રોજ કહો છો, અમે રોજ સાંભળીએ પણ છે, અને છતાં અમે અમારા કેન્દ્રમાં જ રહીએ છીએ, પ્રભુને લાવતાં નથી. તો મને એણે બહુ સરસ મજાનો સવાલ કર્યો, તો મને કહે આટલી બધી વાર તમે મહેનત કરી તમને result ન મળે, તો તમને થાક લાગે કે ન લાગે? એ કહે વર્ષોથી વાચના આપ્યા કરો, એ ના એ ચહેરા ઘણીવાર હોય, અને એ જ હું ને બરોબર આમ સાચવીને બેઠેલા હોય, જરાય હું ને ઘસરકો પણ પહોંચાડવા ન દે. અને તમે મજાથી બોલ્યા કરો… તમને થાક લાગે કે ન લાગે…? ત્યારે મેં કહ્યું જ્યાં doing છે ત્યાં થાક છે. જ્યાં being છે ત્યાં થાક નથી. કર્તૃત્વ હોય ત્યાં થાક છે. અમારી પાસે કર્તૃત્વ નથી. પ્રભુની આજ્ઞા છે, તું સ્વાધ્યાય કર. હું સ્વાધ્યાય કરું છું. અને એટલી જ પ્રાર્થના કરું કે પ્રભુની કૃપા તમારા બધામાં ઉતરો.
એટલે જ આનંદધનજી ભગવંતે એક બહુ સરસ પદ કહ્યું આપણી ભાષામાં: “તરૂવર એક પંખી દો બેઠે, એક ગુરુ એક ચેલા, ચેલે ને જુગ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેલા” આ ઉપનિષદનું સૂત્ર છે, અને ઉપનિષદના સૂત્રને આનંદધનજી ભગવંત આપણી ભાષામાં લઈને આવ્યા છે. તરૂવર એક પંખી દો બેઠે – આ સંસારનું વૃક્ષ એના ઉપર બે પંખી છે, એક ગુરુ, એક ચેલા… બે ની જ વાત કરે છે. એક ગુરુ છે જેની ઈચ્છા પ્રભુ તમને આપવાની છે. બીજો શિષ્ય છે, જેની ઈચ્છા ગુરુ પાસેથી પ્રભુ લેવાની છે. તરૂવર એક પંખી દો બેઠે, એક ગુરુ એક ચેલા, પછી કહે છે – ચેલે ને જુગ ચુન ચુન ખાયા – શિષ્ય જે છે એ માત્ર કર્તૃત્વમાં છે. હજુ એ સાક્ષીભાવમાં આવ્યો નથી. પણ સારું એટલું છે કે ગુરુ પાસે આવ્યો છે. તમે કેવા છો એની જોડે વાંધો નથી. પણ તમે કોઈની જોડે છો. ગુરુ નિરંતર ખેલા – ગુરુ નિરંતર ખેલની ભૂમિકામાં છે. કશું જ કરવાનું નથી. being.. હોવાનું છે…. કરવાનું છૂટી ગયું. અને કરવાનું છૂટી ગયું માટે પીડા છૂટી ગઈ. જ્યાં સુધી કર્તૃત્વ ત્યાં સુધી પીડા.
દીકરીના લગ્ન હોય ત્યારે સૌથી પીડિત કોણ? દીકરીનો બાપ.. જાનૈયાઓ જલસા કરતાં હોય, હોટલમાં ઉતરેલા હોય, તો પછી ફોન આવે આ હોટલ શું તમે પસંદ કરી, કંઈ ઠેકાણું નથી આમાં, ન એ.સી. ચાલુ છે, ન પંખો ચાલુ છે, ન આમ છે ન તેમ છે… બીજાની ફરિયાદ ખાવાની આવે, ત્રીજાની પાણીની આવે, ચોથની આની આવે. કારણ? દીકરીના બાપની ઈચ્છા છે એવું લગ્ન થવું જોઈએ મારી દીકરીનું કે લોકો આમ જોઈ રહે. કે બરોબર છે ને …આ કર્તૃત્વની ભાવના જે છે એ એને પીડિત કરે. જ્યાં કર્તૃત્વ….
શાસનપ્રભાવનાના કોઈ પણ કાર્યો કરો, પણ કર્તૃત્વને ફેલાવતાં નહિ. અરે હું તો આખી નવી જ વિભાવના વાળો માણસ છું. હું પોતે મને ક્યારેય પણ શાસનપ્રભાવક માનતો નથી. હું મારા શિષ્યોને કહી દઉં છું: કે ભગવાને મને આચાર્ય પદ આપેલું છે, પછી બીજા કોઈ વિશેષણોની જરૂરિયાત છે જ નહિ. પણ શિષ્યોને અભરખો થાય તો હું કહું છું કે હું શાસનપ્રભાવિત છું, પ્રભાવક નહિ. પ્રભુના શાસનની એ હદે હું પ્રભાવિત થયો છું કે દુનિયાની કોઈ ઘટના, દુનિયાની કોઈ વ્યક્તિ, દુનિયાનો કોઈ પદાર્થ મને પ્રભાવિત ન કરી શકે. એ જ રીતે શાસનરક્ષા, તીર્થરક્ષા માટે તમે કાર્યોત્સર્ગ કરો, પણ એને વિભાવના અલગ સમજવી છે. તીર્થની હું રક્ષા કરું માટે કાર્યોત્સર્ગ નહિ સમજતા… પ્રભુનું શાસન સાડા ૧૮,૦૦૦ હજાર વર્ષ રહેવાનું છે. હું હોઉં કે ન હોઉં… તમે હોવ કે ન હોવ… પ્રભુનું શાસન રહેવાનું જ છે. શાસન દ્વારા મારી રક્ષા થાય એના માટે કાર્યોત્સર્ગ છે. શાસનની રક્ષા માટે નહિ, આપણા જેવા વેતિયા માણસો શાસનની રક્ષા શું કરી શકે! શાસન દ્વારા આપણી રક્ષા.
અને એ કોન્સેપ્ટ વીરવિજય મ.સા. એ નવ્વાણું પ્રકારની પૂજામાં આપ્યો છે. આપણે કહીએ, જાવડશા એ, સોમાસા એ તીર્થ ઉદ્ધાર કર્યો… પણ એ જાવડશા ની ભૂમિકા કઈ હતી, એ વીરવિજય મહારાજ પૂજામાં લઈને આવ્યા, “સંવત એક અઠલંત રે, જાવડશા નો ઉદ્ધાર, ઉદ્ધરજો મુજ સાહિબા રે,” જાવડશા કહે છે પ્રભુ! આ એક નાનકડું ભક્તિનું કાર્ય તારા ચરણોમાં એટલા માટે મુક્યું તું મારો ઉદ્ધાર કર.! મેં તારા તીર્થનો ઉદ્ધાર કર્યો એમ નહિ.. તું મારો ઉદ્ધાર કર એવી મારી વિનંતી છે અને વિનંતી માટે આ એક નાનકડી પ્રાર્થના તારા ચરણોમાં મુકું છું.
તો “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે” આનંદધનજી ભગવંત માટે પ્રભુ પરમ પ્રિય હતા, આપણા માટે પણ પ્રભુ પરમ પ્રિય બને એના માટે આપણી ઇન્દ્રિયો, આપણું મન, અને આપણું ચિત્ત આપણે પ્રભુ સન્મુખ બનાવવું છે. એ કેવી રીતે કરવું એની વાત હવે કાલે જોઈશું.