Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 41

80 Views
26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: કિમ હોવે પરનો આશી

અત્યારે એક-એક ઘટના ઘટે એની અસર તમને થાય છે કારણ કે તમે પર્યાયોમાં involve થાઓ છો. પર્યાયોમાં ઊંડાણથી જાઓ છો અને આત્મદ્રવ્યને ખાલી શબ્દોથી જોઈ લો છો; એની માત્ર વાતો સાંભળી લો છો. હવે સાધક તરીકેનું તમારું સૂત્ર આ : પર્યાયોને માત્ર જોવાના અને આત્મદ્રવ્યના ઊંડાણમાં જવાનું.

એ માટે પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત. પુદ્ગલનો ત્યાગ નહિ; પુદ્ગલ અનુભવ નો ત્યાગ. શરીરરૂપી મોટું પુદ્ગલ જ્યાં સુધી છે, ત્યાં સુધી એના માટે આહાર, વસ્ત્રો વગેરેના નાના નાના પુદ્ગલો પણ જોઇશે. એટલે પુદ્ગલનો ત્યાગ નથી કહેતા; પણ પુદ્ગલ અનુભવનો ત્યાગ.

એ માટે મનના બે division પાડવા છે. સામાન્ય માણસના મનમાં કોઈ division નથી; એ સંપૂર્ણતયા પોતાના મનને આસક્તિમાં લઇ જાય છે. પણ સાધક તરીકે તમારી પાસે મનના બે division હોય : એક મન આસક્તિમાં જતું હોય પણ બીજું મન એ આસક્તિને જોતું હોય. એક મન દ્વેષ કરતુ હોય પણ બીજું મન એ દ્વેષને જોનારું હોય.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૧

દેવાધિદેવ, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની આંતરકથા.

ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગ્રહસ્થપણામાં રહ્યા, ત્યારે પ્રભુએ કઈ સાધના કરી… પરમપાવન આચારાંગ સૂત્રમાં ભગવાન સુધર્માસ્વામી કહે છે, “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” એ વખતે પ્રભુએ બે વર્ષ સુધી લગાતાર સાધના ત્રિપદીને ઘૂંટી. આત્માનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતા – દ્રષ્ટાભાવનું ઊંડાણ. આ સાધના ત્રિપદી બે વર્ષ સુધી પ્રભુએ ઘૂંટી.

પહેલી સાધના આત્માનુભૂતિ.

એ વખતે પ્રભુને જેમણે પણ જોયા હશે એ ધન્ય હશે. કદાચ આપણને એ સમયે પ્રભુના દર્શનનો મોકો ન પણ મળ્યો હોય, પણ આપણે બડભાગી છીએ, કે આપણા યુગમાં સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો ઘણા બધા છે. જયઘોષસૂરિ દાદા સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ હતા. ઘણીવાર સાહેબના દર્શને જવાયું. સાહેબની પવિત્ર ઉર્જાને માણી. સ્વાનુભૂતિ કેવી હોય. એનો અણસાર સાહેબજીના સાનિધ્યથી મળ્યો.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે આઠ દ્રષ્ટિની સજ્ઝાયમાં સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષની દશાનું વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષામાં… હો… તમને તો ગુજરાતી આવડે છે. તમારા દીકરાઓને નથી આવડતું. ગુજરાતીની અંદર કેટલા સરસ મજાના સાધના સૂત્રો આપણી પાસે છે.

તો આઠ દ્રષ્ટિની સજ્ઝાયમાં મહોપાધ્યાયજી સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષની ભીતરી દશાનું વર્ણન કરતાં કહે છે, “અંશી હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાશી રે, ચિદાનંદ ઘન સુજશ વિલાસી, કિમ હોવે પરનો આશી રે” જ્યાં સ્વાનુભૂતિની એક ઝલક મળી, તમે અવિનાશી બની ગયા, અમર બની ગયા. ભેદજ્ઞાન સ્પષ્ટ થઇ ગયું. શરીર તે હું નથી. મારી ભીતર રહેલ જયોતિર્મય ચૈતન્ય એ જ હું છું.

અને એટલે જ આનંદઘનજી ભગવંતે કહ્યું, ‘નાસી જાસી હમ થિરવાસી’ મૃત્યુની ક્ષણોમાં શું થાય… નાસી જાસી હમ થિરવાસી – નાશવંત શરીર પડ્યું રહેશે. હું તો જ્યોતિર્મય, નિત્યનૂતન ચૈતન્ય છું. મારો વિહાર તો ચાલુ જ રહેવાનો છે. નાસી જાસી હમ થિરવાસી. જે ક્ષણે આ અનુભૂતિ થઇ ગઈ એ ક્ષણે શું થાય એની વાત આગળ કરે છે, આપણી પાસે શાબ્દિક જ્ઞાન છે. તમે આનંદઘન આત્મા છો. આ જ્ઞાન શાબ્દિક સ્તરનું તમારી પાસે છે. આ મહાપુરુષ પાસે અનુભુત્યાત્મક બોધ હતો. હું શરીર નથી જ. હું માત્ર જયોતિર્મય ચૈતન્ય છું. અંશી હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાશી રે – પછી પરની સંપૂર્ણ દુનિયા એને માત્ર જોવાની છે. એમાં જવાનું નથી.

સાધક માટેનું એક સૂત્ર તમને આજે આપું, સાધક પર્યાયોને માત્ર જોવે, આત્મદ્રવ્યમાં એ જાય. અત્યારે તમે શું કરો છો? પર્યાયોમાં જાવ છો. એક – એક ઘટના ઘટે છે. એની અસર તમને થાય છે. અસર કેમ થાય છે? તમે પર્યાયોમાં involve થાવ છો. અને આત્મદ્રવ્યની ખાલી વાતો સાંભળો છો. હવે તમે સાધક તો બની ગયા ને…?

તો સાધક તરીકેનું તમારું સૂત્ર આ- પર્યાયોને માત્ર જોવાના છે. અને આત્મદ્રવ્ય જે છે એના ઊંડાણમાં મારે જવાનું છે. આ જન્મ મને મળ્યો છે માત્ર અને માત્ર સ્વની અનુભૂતિ માટે. એક જો લક્ષ્ય આ મહાપુરુષને જોતાં આજે તમારી ભીતર આવી જાય ને, તો માર્ગ સરળ છે. ભગવાને આપેલો માર્ગ બહુ જ મજાનો મજાનો. Six lane road. પ્રભુએ આપેલી સાધનાની કાર અને સોફર તરીકે આવા સદ્ગુરુ. તમારે ખાલી back seat journey કરવાની છે. કેટલા મહાપુરુષો તૈયાર છે, તમને back seat journey કરાવવા. પણ એ ક્યારે થશે? એક લક્ષ્ય નક્કી થઇ જશે ત્યારે… આજે આ મહાપુરુષ આપણે આંગણે પધાર્યા છે. ત્યારે એક લક્ષ્ય નક્કી કરો કે એ ગુરુદેવ! સ્વાનુભૂતિ સંપન્ન હતા, તો મારું પણ લક્ષ્ય એક જ છે મારે સ્વનો અનુભવ કરવો છે. અનંતા જન્મો મારા અને તમારા meaning less ગયા. વ્યર્થ ગયા, શું કારણ? કારણ એક જ. પરની જ અનુભૂતિ આપણે કરી. પરની અનુભૂતિ કરી, રાગ અને દ્વેષમાં ગયા, કર્મનું બંધન કર્યું. દુર્ગતિમાં ગયા.

દેવચંદ્રજી મ.સા. એ ચોથા સ્તવનના પ્રારંભમાં એક બહુ જ પ્યારી વાત લખી. “કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત” એમણે આપણા વતી પ્રભુના ચરણોમાં એક પ્રાર્થના મૂકી છે. પ્રભુ મને પરમ રસ ક્યારે મળશે…? પરનો રસ અનંત અનંત જન્મોથી પીધો. શું મળ્યું…? તૃપ્તિ મળી? જ્યાં સુધી પરમનો રસ નહિ મળે ત્યાં સુધી તૃપ્તિ મળવાની નથી.

તૈતરીય ઉપનિષદમાં ઋષિ એક બહુ પ્યારો મંત્ર આપે છે. ઋષિ કહે છે, “રસો વૈ શ:” “રસો વૈ સઃ” દુનિયામાં રસ માત્ર એક છે- પરમાત્મા. અને પરમાત્માની સંપદા જેને મળી છે એવા સદ્ગુરુ. દુનિયામાં બીજે ક્યાંય રસ છે જ નહિ. આપણે તો રસના બે ભાગ પાડ્યા. પર રસ અને પરમ રસ. ઉપનિષદના ઋષિએ કહ્યું બે રસ છે જ નહિ. રસ એક જ છે. પરમ રસ. બાકીનું બધું કુચ્ચા. તો હવે વાત એ થઇ, અનંત જન્મોની અંદર જે પરમરસને ચાખ્યો નથી. એ પરમરસ આ જન્મમાં ચાખવો છે? અમારા ચહેરા ઉપર આનંદ છે ને… એ પરમરસને કારણે છે. તમારે એ પરમરસ જોઈએ…? નવકારશી કરીને નથી આવ્યા એ મને ખબર છે. પરમરસ જોઈએ…?

તો એ પરમ રસ શી રીતે મળે, એની વાત દેવચંદ્રજી મ.સા. એ કરી. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત” પેલા ભાવકે પૂછ્યું ગુરુદેવ! મારે પરમરસનો આસ્વાદ કરવો છે. બેસી જા, તને હમણાં કરાવી દઉં. અને દેવચંદ્રજી મ.સા. જેવા શ્રેષ્ઠ સાધકો પ્રતીતિની – અનુભૂતિની દુનિયાના માણસો છે. એ કહે છે બેસી જા! પરમરસ તને પીવડાવી દઉં! આટલી મોટી offer! ગ્લાસ તમારે લઈને આવવાનું નથી. ખાલી એમનેમ શરીર લઈને આવો. અને તમને પરમરસ પીવડાવી દઈએ. હવે આમાં તૈયાર કોણ ન હોય…?!

એ પરમરસનો આસ્વાદ કર્યા પછી માનવિજય મ.સા. એ કહેલું; “કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલિયો” અનંત જન્મોની અંદર જેવો રસ ચાખવા ન મળ્યો હોય, એવો રસ આ જન્મમાં મને ચાખવા મળ્યો. પછી કહે છે “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો, માનવિજય વાચક એમ જંપે, હુઓ મુજ મન કામ્યો” પ્રભુની કૃપા થઇ ગઈ, સદ્ગુરુની કૃપા થઇ ગઈ. અને પરમરસ આસ્વાદવા મળ્યો.

દેવચંદ્રજી મ.સા. કહે છે, “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત” બહુ એમણે પ્યારો શબ્દ વાપર્યો. પુદ્ગલ અનુભવ ત્યાગ – પુદ્ગલ ત્યાગ નહિ, આ મોટું પુદ્ગલ તો પડેલું જ છે. અને એ મોટા પુદ્ગલ માટે નાના નાના પુદ્ગલો પણ જોઇશે. આહારના પુદ્ગલો જોઇશે. વસ્ત્રના પુદ્ગલો જોઇશે. એટલે પુદ્ગલ ત્યાગ નથી કહેતા, પણ પુદ્ગલ અનુભવ ત્યાગથી… આ બહુ મજાની વાત છે. ચા પીધી, નાસ્તો કર્યો, હવે અહીંયા પુદ્ગલ અનુભવ ત્યાગ એટલે શું? પુદ્ગલ ત્યાગની વાત તો કરી જ નથી. ચા પીધી, નાસ્તો કર્યો, હવે સાધકનો નાસ્તો કેવો હોય અને સામાન્ય માણસનો નાસ્તો કેવો હોય. સામાન્ય માણસનો નાસ્તો એવો હશે… જેમાં tasty ચા હશે તો એમાં એ આસક્તિ કરશે. પૌઆ કે ઉપમા એકદમ tasty હશે તો એમાં એ આસક્તિ કરશે. એટલે પુદ્ગલનો રાગાત્મક અનુભવ એણે કર્યો.

એક મુનિ વાપરશે, તો એ શું કરશે? દૂધ પી પણ લેશે, ખાખરો ખાઈ પણ લેશે. એવા મુનિઓ આજે છે તમે એમને પાછળથી પૂછો શું વાપર્યું હતું… એમને ખ્યાલ નથી હોતો, એ કહે છે પાત્રામાં મુકાયેલું એ વપરાઈ ગયું. મારું મન એ વખતે ભોજનની ક્રિયામાં નહોતું. અને એથી કરીને મેં શું વાપર્યું એનો મને ખ્યાલ નથી. હવે શું ખાધું એનો જ ખ્યાલ નથી તો આસક્તિની વાત ક્યાં આવી…?! તો આજનો તમારો ચા અને નાસ્તો તમારો ભવ્ય બનવાનો. બરોબર… કઈ રીતે ભવ્ય? Items વધારે હશે માટે નહિ, પણ ચા પીવાશે, નાસ્તો લેવાશે, પણ એ ચા પીનાર, નાસ્તો ખાનાર શરીર હશે, તમે નહિ. You are only the observer. તમે માત્ર દ્રષ્ટા છો. ચા પીવાઈ રહ્યો છે, ધારો કે સારી ચા છે. આસક્તિ થઇ રહી છે. તો એ આસક્તિને પણ જુઓ. ચા ને જુઓ, ચા પીવાની ક્રિયાને જુઓ, અને એ વખતે મનમાં ઉઠતી આસક્તિને પણ જૂઓ. તમે માત્ર જોનાર છો. તમે ચા પીનાર નથી. તમે ચા પીતા આસક્તિ કરનાર નથી. શું પ્રભુએ સાધના આપી છે! પ્રભુએ કહ્યું મોટું પુદ્ગલ તારી પાસે છે. ભલે એકાસણું કરે કે વર્ષીતપ કરે કે સિદ્ધિતપ કરે, વચ્ચે વચ્ચે તારે ખોરાક જોઇશે. ખોરાક લઇ લેજે. પણ ક્યાંય આસક્તિ ન થાય એનું ધ્યાન રાખજે.

એટલે મનના બે division પાડવા છે. મનના બે division. એક મન આસક્તિને કરનારું. બીજું મન આસક્તિને જોનારું. એક મન દ્વેષ કરનારું, બીજું મન દ્વેષને જોનારું. તમારો અનુભવ છે, કોઈ પણ tasty આઈટમ તમે ખાઈ રહ્યા છો; એ ખાતા ખાતા આસક્તિ થાય છે તમને એનો ખ્યાલ આવે છે….? એક સાધક તરીકે જો તમે જો છો, તો તમારા મનમાં division પડેલું જ છે. સામાન્ય માણસ જે છે એના મનમાં division નથી. એ સંપૂર્ણતયા પોતાના મનને આસક્તિમાં લઇ જાય છે. Tasty ચા, tasty નાસ્તો. બહુ મજા આવી. બહુ મજા આવી. એની પાસે એક જ એંગલ છે. you have two angles. એક મન આસક્તિમાં જાય પણ છે, બીજું મન એ આસક્તિને જુએ છે. પછી બે મનમાં fighting કરાવવાની. Fighting તો ફાવે છે આમેય…? ફાવે છે…? practice બહુ છે, કેમ?

પણ વચ્ચે ભક્તનો એક angle તમને આપું, કે ભક્ત ઝઘડો કરે ને તો બે જ જગ્યાએ કરે. એક પ્રભુ પાસે, એક સદ્ગુરુ પાસે. ન ઘરમાં ઝઘડે, ન ઓફિસે ઝઘડે. ઝઘડવાના ઠેકાણા બે જ, એક દેરાસર, એક ઉપાશ્રય. દેરાસરમાં પ્રભુ સાથે લડવાનું, કેમ લડવું? એ વીરવિજય મહારાજે પૂજામાં બતાવ્યું, “સુલસાદિક નવ જણને જિનપદ દીધું રે લોલ” પ્રભુ તે સુલસાને તીર્થંકર પદ આપ્યું. રેવતીને તીર્થંકર પદ આપ્યું. શ્રેણિકજીને તીર્થંકર પદ આપ્યું. મને કેમ નહિ…?! લાવ, મારો ભાગ લાવ…! ભગવાનની જોડે ઝઘડ્યા, કે તું પણ ભેદભાવ કરે છે એમ?! વધારે ભક્તિ કરી એટલે ખાનગીમાં આપી દીધું એમ…?! અને અમને કોરા-ધાકોર રાખ્યા.

અને બીજી લડાઈ આવા ગુરુદેવ સાથે… જયઘોષસૂરિદાદાનો ઉપકાર તો બહુ જ છે અહીંયા, જયઘોષસૂરિદાદની ભક્તિ તો બહુ કરી હશે. પણ સાહેબ જોડે લડેલા ખરા ક્યારેય? નહિ લડેલા…?! સાહેબ તમારા ૭૦૦ શિષ્યો છે. ૭૦૦ જણાને તમે રજોહરણ આપ્યું, મને બાકી રાખી રાખ્યો…? લડ્યા હતા કે નહિ? આજે લડી લેજો. હું તો ક્યારેય મૂર્તિ શબ્દ વાપરતો જ નથી. પ્રભુની મૂર્તિ નહિ, પ્રભુ સાક્ષાત્ હોય છે. જ્યાં સાહેબનો અંતિમ સંસ્કાર થયો, એ અમદાવાદનો આંબલી વિસ્તાર જે છે એ સદ્ગુરુની મૂર્તિવાળો નહિ બને. સદ્ગુરુની પધરામણી ત્યાં થવાની છે. મૂર્તિ શબ્દ તો આપણે વાપરીએ છીએ. સદ્ગુરુની ઉર્જા ત્યાં આગળ સ્થાપિત થવાની છે. અને ત્યાં તમે જાવ એટલે એ સદ્ગુરુની ઉર્જા તમને મળ્યા જ કરે. તો હવે વાત એ આવી, કે બે મનમાં fighting કરાવવાની છે. પછી આસક્તિ કરનારું મન ધીરે ધીરે દબાતું જાય. અને આસક્તિને જોનારું મન powerful બનતું જાય. તમે સાધક બની ગયા બોલો… હવે હું કહું કે it is so easy. તો તમને બરોબર લાગે ને…?

જેટલા જેટલા મહાપુરુષોએ સ્વાનુભૂતિને પ્રાપ્ત કરી, એ દરેક મહાપુરુષનું statement એક જ હતું. It was so easy. બહુ જ સરળ હતું. આમાં કરવાનું શું હતું…?! કચરો ફેંકી દેવાનો હતો. હીરાને પોતાની પાસે રાખવાના હતા. આમાં અઘરું કામ શેનું આવ્યું…? લાકડાનું કબાટ હોય અને ધૂળ ભરાઈ ગઈ, ધૂળ કાઢી નાંખવાની. દાગીના અંદર રાખી દેવાના. બોલો આમાં કંઈ અઘરું કામ છે? પરનો કચરો કાઢી નાંખવાનો, સ્વનો હીરો જે છે એને અંદર રાખવાનો, કામ પૂરું થઇ ગયું. સ્વાનુભૂતિ મળી ગઈ.

મુક્તિદર્શનસૂરિ મ.સા. ને પણ તમારા પૈકીના ઘણાએ સાંભળ્યા છે, પીધા છે. એ પણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ હતા. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે આપણે બડભાગી છીએ કે આપણા યુગમાં કેટલાય સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન આપણને મળ્યું. પણ એ દર્શન વાસ્તવિક બન્યું ખરું? તમે કોઈ શ્રીમંતને જુઓ, એ શ્રીમંતના બંગલાને તમે જુઓ, કે એના luxurious apartment ને તમે જુઓ, એ જોયા પછી તમને એ ગમી જાય છે. અને તમારા મનમાં એક ઝંખનાનું એક બીજ રોપાય છે કે મને પણ આવી શ્રીમંતાઈ ક્યારે મળે, મારો પણ આવો બંગલો ક્યારે હોય, મારી પાસે પણ આવી મજાની વસ્તુઓ ક્યારે હોય. તો એ દર્શન વાસ્તવિક થયું. સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષનું દર્શન થયું એ પછી તમારા મનમાં કઈ ઝંખના ઉત્પન્ન થઇ…? મહિનાઓ સુધી નહિ, વર્ષો સુધી જયઘોષસૂરિદાદા મુંબઈમાં રહ્યા, મુક્તિદર્શનસૂરિ મહારાજ પણ મુંબઈમાં વર્ષો સુધી વિચર્યા, તમે એ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન કર્યું, પણ એ દર્શન વાસ્તવિક હતું એમ લાગે છે? એ દર્શન કર્યા પછી શું થયું..? એમની જે સ્વાનુભૂતિ હતી, એ તમને ગમી?

પદ્મવિજય મ.સા. એ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચહેરાની વાત કરી, કે એમનું મુખ કેવું હોય, ‘ગુરુ નિરંતર ખેલા’ ‘ગુરુ નિરંતર ખેલા’ નિરંતર ખેલની ભૂમિકામાં છે. તમને પરની દુનિયા વાસ્તવિક લાગે છે. આને આમ કીધું ને.. આને આમ કીધું ને.. આને આમ કીધું… પણ પરની દુનિયા જ નિરર્થક લાગે, પછી બધો ખેલ લાગે. પેલો દીકરો આવે મેં પેલાને હરાવી નાંખ્યો. મને આટલા run મળ્યા, મેં આટલા run કર્યા, મેં સેન્ચુરી કરી. બાપ બેઠો બેઠો હસતો હોય કે તારી થોડી કઈ international cricket match છે. છોકરાઓ જોડેની cricket match છે. હાર્યો તો યે શું?! જીત્યો તો યે શું…?! તો ગુરુ નિરંતર ખેલા. સદ્ગુરુ હંમેશ માટે ખેલની ભૂમિકામાં હોય છે. અને એ જ વાતનું પછી development આપ્યું. “સારણાદિક ગચ્છ માંહી કરતાં, પણ રમતાં નિજ ઘર હો” જયઘોષસૂરિદાદા ગચ્છાધિપતિ હતા, આટલા મોટા ગચ્છને સંભાળતા હતા, સારણા, વારણા બધું કરતાં હતા. પણ પોતાના ઘરમાં રમવાનું ચાલુ હતું. કોઈને કંઈક કહી પણ દીધું, ફરી પોતાના ઘરમાં આવી ગયા. અને એટલે ૨૪ કલાક આનંદની ભૂમિકામાં એ સદ્ગુરુ રહી શકે. એવા સદ્ગુરુ મળે પછી આપણું કર્તવ્ય શું?

આપણા બે કર્તવ્યોની વાત જયવીયરાય સૂત્રમાં આવી. પહેલું કર્તવ્ય ‘સુહગુરુજોગો’ બીજું ‘તવ્વયણસેવણા’ પહેલું કર્તવ્ય એ સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણતયા સમર્પિત થઇ જવાનું. અને એ તમે સમર્પિત થયા પછી તમારી સાધના કેટલી નાનકડી…! ગુરુ કહે તેમ કરવાનું. હોસ્પિટલમાં ગયા, બેડ પર આરામથી સૂઈ જાવ, નર્સ આવશે દવા આપવા માટે, તમે આરામથી જલસાથી સૂઈ રહો. એમ તમારી સાધના આટલી મજાની થઇ જાય. જે વખતે જે કરવાનું છે, એની આજ્ઞા સદ્ગુરુ તરફથી તમને મળશે. ‘તવ્વયણસેવણા’

એક બહુ મજાની વાત કરું, ૧૦૦ – ૨૦૦ વર્ષ પહેલાંના યુગમાં આપણે જન્મ્યા હોત ને તો આ સમર્પણ આપણા માટે બહુ જ સહેલું બન્યું હોત. કારણ ૨૦૦ વર્ષ પહેલાં કે ૪૦૦ વર્ષ પહેલાં બુદ્ધિવાદ નહોતો. બુદ્ધિવાદનો યુગ નહોતો. માત્ર સમર્પણનો યુગ હતો. આખી હવા જ સમર્પણની હતી. અને એ હવાને કારણે, એ atmosphere ને કારણે સમર્પિત થવામાં તમને મુશ્કેલી પડતી નહોતી. આજે થોડી મુશ્કેલી પડે છે. બુદ્ધિ આવી જાય છે. અહંકાર આવી જાય છે. હું ઘણીવાર કહું, કોઈ ભક્ત હોય ને પત્ર લખે ગુરુને, છેલ્લે શું લખે, આપનો ચરણરજ ફલાણો… ફલાણો… હવે ગુરુ એને ઓળખતા હોય, એનો અહંકાર કેટલો વ્યાપક છે ગુરુને ખબર હોય. લખવામાં લખે ચરણરજ. એ વાંચીને ગુરુ હસે, કે સાલું ચરણરજ તો ખરી… પણ રજ બહુ લાંબી અને પહોળી છે. આ ધૂળ ખાલી આટલી ટપકાં જેવી નહિ, છ / દોઢની રજ, આ ચરણરજ બધી કેવી…? છ / દોઢની. પગમાં આવે તો અમે પડી જઈએ એવી…

તો ૨૦૦ – ૪૦૦ વર્ષ પહેલા એક સમર્પણની હવા હતી. તમારા ત્યાં પણ સમર્પણ હતું. દીકરો હોય પિતા પ્રત્યે, માતા પ્રત્યે સમર્પિત હોય, પત્ની હોય પતિ પ્રત્યે સમર્પિત હોય, આ સમર્પણની એક હવા હતી. અને માત્ર અમારે ત્યાં જૈન પરંપરામાં જ નહિ, હિંદુ પરંપરામાં, બૌદ્ધ પરંપરામાં બધે જ સમર્પણની હવા આવેલી. કારણ કે વાતાવરણ જ સમર્પણમય હતું.

એક મજાની ઘટના ૨૦૦ વર્ષ પહેલાંની છે. એક ગુરુ, હિંદુ ગુરુ નદીના કાંઠે એમનો આશ્રમ. એ ગુરુના લગભગ ૨૦૦ – ૩૦૦ શિષ્યો. અને ૪૦૦ – ૫૦૦ મુમુક્ષુઓ સતત એમની જોડે રહેતાં હોય. ભક્તો પણ એટલા આવે વંદન વિગેરે કરવા માટે. બે – ત્રણ વખત એમની વાચના ચાલતી હોય, સતત પાઠ વિગેરે ચાલતાં હોય. આખું જ વાતાવરણ જ્ઞાનમય. વૈરાગ્યમય.

એક સાધક એકવાર એ નદીકાંઠાના આશ્રમે ગયો. જોયું પ્રભાવિત થઇ ગયો. ગુરુ ખરેખર વિરાગી, પરમ વિરાગી, ઉદાસીનભાવમાં રહેલા, એમને કશું જ જોઈતું નથી. તમને કેવા ગુરુ મળ્યા બોલો…? સોનામહોર તમે મુકો એટલે પછી ડબ્બામાં નાંખી દેવાની. ગુરુ તો જોવા ય તૈયાર નથી, શું મુક્યું ઉપર… આવા ઉદાસીન સદ્ગુરુ તમને મળેલા હોય, એ સદ્ગુરુનો ભક્ત કેવો ઉદાસીન હોય, બોલો..? એ પૈસાની પાછળ દોટ મુકનારો હોય ખરો…? એક મહિના સુધી પેલો સાધક ત્યાં રહ્યો. એટલે ખુબ સરસ વાતાવરણ લાગ્યું. ગુરુની ત્રણ સમયની વાચના, બધી જ વાચના એ follow up કરે, અંદર ઉતરવાની કોશિશ કરે. એને લાગ્યું કે મારો જન્મ સફળ થઇ ગયો. ત્યાં એને સમાચાર મળ્યા કે અહીંથી ૧૫ એક કિલોમીટર દૂર એક પહાડ છે. અને પહાડની તળેટીમાં એક આશ્રમ છે. એમાં પણ એક ગુરુ છે. અને એ ગુરુ તો top most છે. તો આને વિચાર થયો કે હું નીકળ્યો જ છું તો ત્યાં પણ જઈ આવું. ૧૫ કિલોમીટર દૂર છે. સવારે નીકળું તો સાંજે પહોંચી જાઉં. એટલે એણે આ નદી કાંઠાવાળા આશ્રમના ગુરુને પૂછ્યું કે સાહેબ! મને હમણાં સમાચાર મળ્યા, કે પહાડની તળેટીમાં પણ આશ્રમ છે અને ત્યાં પણ એક ગુરુ મહારાજ છે તો હું ત્યાં જઈ આવું? આ ગુરુએ ના પાડી. તમારે ત્યાં જવાનું કોઈ કામ નથી. ત્યાં જવાનું નહિ.

હવે પેલાના મનમાં દ્વન્દ્વ પેદા થયો. આ ગુરુ ના પાડે છે, પણ મને સમાચાર એવા મળ્યા છે, કે એ ગુરુ top most છે. ૨૦૦ વર્ષ પહેલાંની આ ઘટના, સમર્પણનું હવામાન એ વખતે હતું. ૮૦% એ માણસ સમર્પિત થઇ શકે એવો હતો. પણ ૨૦% બુદ્ધિ અને અહંકાર હતો. એટલે એણે ગુરુને પણ અહંકારના ચશ્માથી જોવાની કોશિશ કરી. કે ભાઈ ગુરુ ના કેમ પાડે છે? આ તમારી તકલીફ આ જ થઇ ગઈ છે. કેટલાય ગુરુઓને જોયા, પણ શ્રદ્ધાથી કેટલા ગુરુને જોયા? બુદ્ધિ અને અહંકારના ચશ્માથી જોયા છે.

તો એ માણસે વિચાર કર્યો, કે ભાઈ ગુરુ છે ને, આખરે એમના મનમાં થોડો અહંકાર તો હોય જ. હું ત્યાં જઉં અને પેલા ગુરુનો ભક્ત બની જાઉં, આમને કેમ પાલવે..?! એટલે ના પાડે છે. આ એક મહિનાની વાચનાની ફળશ્રુતિ થઇ બોલો..?! પછી એના મનમાં દ્વન્દ્વ પેદા થયો. ઈચ્છા અને આજ્ઞા બેયનો એક દ્વન્દ્વ છે. એમાં કોનો વિજય થાય ભાઈ…? કોનો વિજય…? ઈચ્છા અને આજ્ઞા વિજય કોનો થાય? આજે જોજો.. દસ ઇચ્છાઓ પેદા થાય, દસે – દસ ઇચ્છાઓ આજ્ઞા વિરુદ્ધની હોય. તો એ વખતે આજ્ઞા જ વિજયી બને. ઈચ્છા પરાજિત બને આવું થાય છે? તમે આજ્ઞાજીવી કે ઈચ્છાજીવી? તમે ઈચ્છાજીવી કે આજ્ઞાજીવી ?પેલાના મનમાં દ્વન્દ્વ પેદા થયો, વિજય ઈચ્છાનો થયો, જઈ આવું…

વહેલી સવારે ૪ વાગે આશ્રમમાંથી નીકળ્યો. ૧૨ – ૧૨.૩૦ એ પહોંચી ગયો સામે… ત્યાં વૃદ્ધ ગુરુ હતા, ખાલી પાંચ શિષ્યો, મુમુક્ષુ એક પણ નહિ, ભક્ત પણ એક પણ નહિ. ગુરુ એક પણ વાચના આપતા નથી. ગુરુ પોતે ધ્યાનમાં – સ્વાનુભૂતિ રહે છે, શિષ્યોને પણ કોઈ ગુરુના શબ્દોની જરૂર નથી. એ પણ ધ્યાનદશામાં રહે છે. ત્યાનું જે atmosphere, ત્યાનું જે વાયુમંડળ, aura field એક દિવસમાં પેલો તો clean bold થઇ ગયો. આટલું અદ્ભુત વાતાવરણ! એક મહિનો ત્યાં રોકાયો. અને ખરેખર એને લાગ્યું કે આ ગુરુ, આવા ગુરુ મેં જોયા જ નથી. માત્ર ભીતર ઉતરેલા છે. બહારની દુનિયા જોડે એમને કોઈ સંપર્ક જ નથી. મહિના પછી એણે જવું પડે એવું હતું. એ ગુરુ પાસે એ બેઠો કે સાહેબ! પાંચ મિનિટ મને કંઈ હિતોપદેશ આપશો? ગુરુ કહે છે કે શબ્દોથી શું મળે તને?! તું એક મહિનો અહીંયા રહ્યો, તને જે મળ્યું એટલું જ સાચું.

હવે એણે પેલો સવાલ કર્યો કે સાહેબ! હું નદીકાંઠાના આશ્રમમાં પણ રહેલો, એક મહિનો ત્યાં રોકાયેલો. ત્યાનું પણ atmosphere બહુ જ સરસ. માત્ર જ્ઞાન, માત્ર ધ્યાન, વૈરાગ્ય. પણ એ ગુરુએ મેં પૂછ્યું ત્યારે અહીંયા આવવાની ના પાડેલી, તો સાહેબ! એમને ના કેમ પાડી હશે? ગુરુ હસ્યા; ગુરુએ કહ્યું કે તારે જવાનું છે ને, તારો રસ્તો તો એ જ છે, અહીંથી તારે બહાર જવું હોય તો રસ્તો એક જ છે. તો આવતી કાલે સવારે તું નીકળી જઈશ, તો પહેલો જ પડાવ તારો એ આશ્રમ આવવાનો છે, ત્યાં જઈ અને એ ગુરુને પૂછી લેજે. એટલું જ કહેજે કે હું તમે ના પાડવા છતાં પહાડની તળેટીના આશ્રમે જઈ આવ્યો છું, બહુ આનંદ આવ્યો, પણ તમે ના કેમ પાડેલી? મેં ત્યાં ગુરુને પૂછ્યું પણ ગુરુએ એટલું જ કહ્યું કે તું એને પૂછજે. પેલો કહે તહત્તિ.

બીજે દિવસે સવારે આવ્યો નદીકાંઠાના આશ્રમે.. ગુરુને મળ્યો, કે સાહેબ મહિનો હું ત્યાં જઈ આવ્યો, બહુ આનંદ આવ્યો. મેં ગુરુને ત્યાં પૂછેલું કે નદીકાંઠાના આશ્રમવાળા ગુરુ ખરેખર ઉંચી કક્ષાના હતા પણ મને અહીંયા આવવાની એમણે ના કેમ પાડી…? તો એમણે કહ્યું તું એને જ પૂછી લેજે. તો સાહેબ આપને મારે પૂછવું છે કે આપે ના કેમ પાડી? એ ગુરુએ જે જવાબ આપ્યો ને ત્યારે આને થયું કે ખરેખર સદ્ગુરુ શું હોય છે! મેં માત્ર મારી બુદ્ધિ અને અહંકારના ચશ્માથી ગુરુને જોયેલા હતા.

એ ગુરુ કહે છે, નદીકાંઠાવાળા કે ભાઈ! મને પણ ખબર નથી કે હું કેમ ના પાડું છું. એ મારા ગુરુ છે. પહાડની તળેટીમાં રહેલા ગુરુ, એ મારા ગુરુ છે. એ ગુરુએ મને આજ્ઞા કરી, કે તારે અહીંયા આશ્રમ કરીને રહેવાનું, કોઈ પણ વ્યક્તિ પૂછે કે પહાડની તળેટીના આશ્રમે જાઉં? તારે ના પાડવાની. મને ખબર નથી કે હું કેમ ના પાડું છું? માત્ર એક ગુરુની આજ્ઞા છે. પાછો પેલો બુદ્ધિશાળી હતો. તો સાહેબ ગુરુએ એટલા માટે ના પાડી હશે ને… કે ત્યાં જમેલો બહુ થઇ જાય, એ ગુરુને ભીડ જોઈતી નથી. એકાંતમાં એમને રહેવું છે. એટલા માટે ના પાડી હશે. એ વખતે આ ગુરુ કહે છે. કે ગુરુએ કેમ ના પાડી, એનું post-mortem શિષ્યએ કરવાનું હોતું નથી. I have not to think absolutely. ગુરુની આજ્ઞા એટલે આજ્ઞા. એ આજ્ઞા ગુરુએ કેમ આપી, એ વિચારવાનું કામ શિષ્યોનું હોતું નથી. એટલે અમારા ત્યાં એક સૂત્ર છે, ‘આજ્ઞા ગુરુણામ્ ન વિચારણીયં’ સદ્ગુરુની આજ્ઞા મળે ત્યારે વિચાર નહિ કરવાનો.

તો આવા સદ્ગુરુ આપણા આંગણે આવ્યા છે. એ સદ્ગુરુની આજ્ઞા એમના ગ્રંથોમાં લખાયેલી પણ છે. તો આપણે બે જ કામ કરવાના રહ્યા. એ સદ્ગુરુના ચરણોમાં ઝુકી જવાનું રહ્યું અને એ સદ્ગુરુની આજ્ઞા જે છે એને આપણે follow up કરવાનું રહ્યું.

તમારી સાધના કેટલી નાનકડી અને અને કેટલી મજાની…! વાચના હમણાં પુરી થાય એટલે આપણે અહીંથી બધા જ દાદાનો રથ જ્યાં છે ત્યાં જઈશું, અને ત્યાં પ્રદક્ષિણા આપી અને સમુહમાં વંદન કરીશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *