Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 43

87 Views
30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: સો હિ ભાવ નિર્ગ્રંથ

સ્વરૂપની અંદર જવું – એ નિશ્ચય મોક્ષમાર્ગ. અને એના માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે યોગોની સાધના કરવી – એ વ્યવહાર મોક્ષમાર્ગ. માત્ર આત્મજ્ઞાન અને આગળ જતાં આત્માનુભૂતિ – એ જ મોક્ષનો માર્ગ અને એમાં જે ડૂબી ગયો, સો હિ ભાવ નિર્ગ્રંથ.

આત્માનુભૂતિ માટેનો short cut છે નિર્વિકલ્પદશા.એક બાજુ વિભાવ છે; બીજી બાજુ વિચાર છે. વિભાવને તમે નિયંત્રિત નથી કરી શકતા, તો વિચારને નિયંત્રિત કરો. વિચાર જો બંધ હશે, તો રાગ અને દ્વેષને spread-out થવાની કોઈ શક્યતા જ નહિ રહે.

શ્વાસોચ્છવાસ પર નિયંત્રણ કરીને તમે વિચારોને control કરી શકો. ઈર્યાપૂર્વક થોડો સમય ચાલો, એનાથી પણ વિચારો stop થઇ જાય. અને विस्मयो योगभूमिकाः પ્રભુના નિર્મળ સ્વરૂપને જોઈને જે વિસ્મય થાય, આશ્ચર્ય થાય, એ પણ નિર્વિચાર દશા આપે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૩

દેવાધિદેવ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા.

ભાઈના આગ્રહથી બે વર્ષ પ્રભુને સંસારમાં રહેવું પડ્યું. ત્યારે એ બે વર્ષમાં  પ્રભુએ જે સાધના ત્રિપદી ઘૂંટેલી એની વાત ભગવાન સુધર્માસ્વામીએ પરમપાવન આચારાંગ સૂત્રમાં કરી. “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનું ઊંડાણ. આ ત્રણ સાધનાને પ્રભુએ બે વર્ષ સુધી લગાતાર ઘૂંટી.

આત્માનુભૂતિ. આપણે એક short cut જોતા હતા. નિર્વિકલ્પદશા જો આત્મસાત્ થઇ શકે, તો આપણે આપણા ઉપયોગને, આપણે આપણા મનને સ્વની અંદર સ્થિર કરી શકીએ. મન પરમાં કેમ જાય છે? પરમાં રસ છે માટે. પણ ધારો કે રસ છે, એક ઘટના ઘટી પણ ખરી પણ એ વખતે તમને જો વિચારો off કરતા આવડે તો તમે એ વિભાવોમાં નહિ જાવ. વિભાવ એ શેરીમાં પડેલું રજકણ છે. તમારા રૂમમાં એ શી રીતે આવે…? હવાની પાંખ ઉપર ઉડીને આવે. એમ કોઈ પણ વિભાવ રાગ, દ્વેષ કે અહંકાર તમારા મનમાં આવે શી રીતે? વિચાર દ્વારા… તમે વિચારને જો નિયંત્રિત કરી દો, તો વિભાવ ક્યાં છે…?!

કાયોત્સર્ગમાં પણ આપણે આ જ કરીએ છીએ. કાયોત્સર્ગમાં શું થાય… મન વિભાવમાં જવાનું હોય, કારણ શું? આવેગ. એક ઘટના ઘટી, એના કારણે મનની અંદર આવેગ આવ્યો. એ આવેગને કારણે તમે રાગ કે દ્વેષમાં જશો. કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ પર મનનું ધ્યાન કરવાનું કહ્યું. શાંત ચિત્તે તમે શ્વાસ લેતાં હોવ, તો આવેગ ઉભો રહી શકે જ નહિ. ધારો કે તમે આવેગને કાબુમાં નથી લઇ શકતા, શ્વાસને ધીરો પાડી દો. તમે જુઓ; ક્રોધ ચાલુ હશે મનમાં ત્યારે શ્વાસની ઝડપ વધી જશે. તમે ધારો કે ક્રોધને કાબુમાં નથી લઇ શકતા, શ્વાસને સ્થિર કરો. શ્વાસને ધીરો પાડી દો. આ છેડો કે આ છેડો…. છેડામાં કોઈ ફરક પડતો નથી. ગમે તે છેડેથી તમે કામ કરી શકો છો. એ જ વાત ધ્યાનમાં છે. આ બાજુ વિભાવ છે. આ બાજુ વિચાર છે. વિભાવને તમે નિયંત્રિત નથી કરી શકતા, માની લીધું. વિચારને નિયંત્રિત કરો. વિચાર બંધ હશે, તો રાગ અને દ્વેષ spread out શી રીતે થશે? એ રાગ અને દ્વેષને spread out થવાની કોઈ શક્યતા નહિ રહે.

એક નિર્વિકલ્પદશા આપણને મળે, એના માટે કેટલી નાનકડી વાતો પ્રભુએ આપણને કહી, ઈર્યાસમિતિનું પાલન. ૧૦ મિનિટ, ૧૫ મિનિટ બરોબર ઈર્યાપૂર્વક તમે ચાલો, વિચારો stop થઇ જાય. અને એ પ્રક્રિયા દ્વારા વિચારો પર નિયંત્રણ પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ તમારા હાથમાં આવી.

એ જ રીતે બીજી એક પદ્ધતિ: તમે વાચનામાં વહેલા તો આવી જાવ છો, સામાયિક લઇ લીધું, આંખો બંધ કરી, અને એક સાધના શરૂ કરો. આંખો બંધ, શરીર ટટ્ટાર, હાથ ધ્યાન મુદ્રામાં, હવે એક પ્રક્રિયા: વિચારોને માત્ર જોવાના. કદાચ વિચાર આવી ગયો તો વિચારમાં ભળવાનું નહિ. પ્રભુની ધ્યાન સાધના શ્રી સંઘમાં મેં પ્રસ્તુત કરી એ પહેલાં, દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓને theoretically મેં જાણી લીધી. કેટલીય સાધના પદ્ધતિઓને practically પણ મેં ઘૂંટી.

હું ભીલડીયાજી તીર્થમાં હતો, એક ધ્યાન પદ્ધતિને મારે સમજવી હતી. Theorically સમજી. મને લાગ્યું કે practically પણ આને ઘૂંટવા જેવી છે. એ ધ્યાનના નિષ્ણાંત પ્રોફેસરને ત્યાં બોલાવવામાં આવ્યા. એક અઠવાડિયાની સાધના હતી, કલાક – કલાકના sitting છ થી સાતવાર કરવાના હતા. મને એમણે કહ્યું; સાધનાની શરૂઆત પહેલાં કે અઠવાડિયાની આ સાધનામાં સંપૂર્ણ મૌન અમે કરાવીએ છીએ. કોઈ પણ સાધકને આ સાધના કરવી હોય, તો એણે સંપૂર્ણ મૌન કરવું પડે છે. પણ તમારા માટે હું એવું બંધન નહિ લાદુ… તમારી પાસે જવાબદારી છે, તમારી સાધનાની એક ઉંચાઈ પણ છે. એટલે સંપૂર્ણ મૌન તમે રાખો એવી ઈચ્છા મારી તમારા માટે નથી. પણ હા, એટલું જરૂર કે આપણે ૮ વાગે sitting શરૂ કરવાનું છે. તો ૧૫ મિનિટ પહેલાં તમારે સંપૂર્ણ મૌનમાં જતા રહેવાનું.

મેં એમને પૂછ્યું, કે સંપૂર્ણ મૌન મારા માટે જરૂરી નથી, એમ તમે માનો છો, બીજી બાજુ તમે કહો છો, કે સાધના પહેલા ૧૫ મિનિટ તમારે સંપૂર્ણ મૌનમાં જવું. શું કારણ? એ પણ અનુભૂતિવાન ગુરુ હતા. એમણે મને કહ્યું કે તમારી સાધનાની સજ્જતા એવી છે કે અડધો કલાક પહેલા, કલાક પહેલા તમે કંઈક બોલેલા હશો, ધારો કે સાત વાગે તમે કંઈક બોલ્યા, કે સવા સાત વાગે તમે કંઈક બોલ્યા… તો હું તમારા ચહેરાને જોઇને માની શકું છું કે ૮ વાગે એ બધી જ વાતો delete થઇ ગયેલી હશે. અને તમે ઈરિયાવહિયા કરી અને આ ધ્યાન સાધનામાં બેસશો. ત્યારે પુરેપુરા એ  સાધનામાં વહી શકશો. પણ તમારી સાધના એટલી height પર નથી પહોંચી, કે આઠ માં પાંચ મિનિટે તમે કોઈને કંઈક કહીને આવ્યા છો, આઠ વાગે તમે અહીંયા આવીને બેસી ગયા રૂમમાં, તમારી સજ્જતા હજુ એટલી નથી કે પાંચ મિનિટ પહેલા બોલેલું તમે delete કરી શકો. એ તમને યાદ રહેવાનું છે. અને એ જ્યાં સુધી યાદ રહેશે, ત્યાં સુધી સાધનાનો આનંદ, સાધનાનું ઊંડાણ તમને નહિ મળે.

કેટલી સરસ વાત! એ વખતે મને લાગ્યું કે આપણી ક્રિયાઓની અંદર આપણે આ આયામને જોડીએ તો કેટલું સરસ રહે! ઘણી જગ્યાએ જોયેલું છે, બહાર ઓટલા ઉપર કે બાંકડા ઉપર બધા બેઠેલા હોય, અલક – મલક ની વાતો ચાલતી હોય, અને એમાં monitor શ્રાવક કહે; ઈચ્છામિ ખમાસમણો… બધા કટાસણા ઉપર બેસી જાય. શરીર કટાસણા ઉપર બેસે, મન પેલી વાતોમાં હોય. આખું પ્રતિક્રમણ પૂરું થાય મનમાં એ જ ચાલતું હોય, પેલી વાતમાં આગળ શું થયું પછી… જ્યાં સામાયિક પારીને બહાર આવ્યા, સીધો જ પ્રશ્ન, હા, તમે પેલી વાત કરી હતી ને… એમાં આગળ શું થયું…? એટલે આખું પ્રતિક્રમણ ક્યાં ગયું…?!

એક નાનકડો approach, પ્રતિક્રમણ કરતાં પહેલાં સામાયિક લઇ લો, અને એક નવકારવાળી એકાગ્ર ચિત્તે ગણો. અને એક નવકારવાળી એકાગ્ર ચિત્તે ગણો મન શાંત… સ્થિર બની જાય, પછી તમે પ્રતિક્રમણ કરો. અને એ વખતે એ સૂત્રોના અર્થ તમારા ખ્યાલમાં હોય, એ નમુત્થુણં બોલાતું હોય. તમારી આંખમાંથી આંસુ ઝરતાં હોય. એ તમારી ક્રિયા અદ્ભુત બની જાય!

તો દસ મિનિટ વાચના પહેલાં આવી જાવ, સામાયિક લઇ લીધું અથવા ઈરિયાવહિયા કરી શાંત ચિત્તે બેસી ગયા. દસ મિનિટ મનને માત્ર શાંત રહેવા દો. એક પણ વિચાર તમારે કરવો નથી. વિચાર આવી ગયો, તો એને તમારે માત્ર જોવાનો છે. કેટલી મજાની વાત! દસ મિનિટની સાધના! તમારું પ્રવચન સેન્ડવીચ થઇ જાય! જો કે અહીંયા તો તમે outdoor patient છો એટલે સર્વમંગલ પહેલાં જ ભાગી જાવ છો. પણ મારી શિબિરો જે હોય છે, અહીંયા પણ શિબિર થવાની છે. એ શિબિરમાં લોકો એટલા સ્વયં શિસ્તવાળા હોય છે, કે સવારે નાસ્તો કરીને આવ્યા, ૮/૮.૧૫/૮.૩૦ એ, વાચનાનો સમય ૯.૩૦ નો હોય. ૮ – ૮.૧૫ થી એ લોકો આવીને બેસી જાય. વાચના હોલમાં આંખો બંધ કરે, શરીર ટટ્ટાર હોય, ધ્યાન મુદ્રામાં બેઠેલા હોય અને એકદમ ચિત્તને શાંત ધારામાં લઇ જવાની કોશિશ કરતાં હોય. પ્રવચન પૂરું થાય એ પછી પણ કોઈ લગભગ ઉઠે નહિ. અડધો – પોણો કલાક એ પ્રવચનને ભીતર લઇ જવાની કોશિશ કરે. આ જ શબ્દો વાચનાના… તમે અત્યારે સાંભળો છો. અને એ સાધના શિબિરમાં સાંભળો ઘણો બધો ફરક પડે.

અહીંયા તો તકલીફ કેવી થાય, ખબર છે… જે લોકો મંગલાચરણ પછી આવેલા હોય ને, એમના મનને, એમના મનના વિમાનને landing કરાવતાં ૧૦ – ૧૫ મિનિટ નીકળી જાય, એટલે ૧૫ મિનિટનું વ્યાખ્યાન તો ગયું. પછી આઠ ને દસ – પંદર થાય એટલે ઓહોહો take off નો time આવી ગયો. Landing અને take off માં તમારું આખું પ્રવચન પૂરું થઇ ગયું.

મેં તમને વચ્ચે કહેલું, ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ રાજગૃહીમાં પ્રભુનું સમવસરણ હોય ત્યારે અચૂક આવે. આવે, બેસી જાય ધ્યાન મુદ્રામાં, પ્રભુને પીએ.. એ પછી શું કરે? પ્રભુની દેશના પુરી થઇ, તરત જ નીકળી જાય. ઈરિયાસમિતિપૂર્વક. રસ્તાનું શોધન કરતાં, વૈભારગિરિની ગુફામાં… ગુફામાં ગયા પછી ઈરિયાવહિયા કર્યા પછી શું કરે… માત્ર બેસી જાય ધ્યાનની મુદ્રામાં, અને પ્રભુએ theorical form જે કહ્યું એને practical form માં કેમ ફેરવવું એની મથામણમાં પડી જાય. તો અડધું કામ તમે કરો છો. કે વાચના પહેલાં તમે આવી જાવ છો. પણ અડધું  કામ બાકી રહે છે. એ પછી દસ – પંદર મિનિટ બેસાય. બંધ આંખે તો શું થાય? theorical form માં જે વાતો થઇ છે એને practical form માં કેમ મુકવી એની આખી મથામણ ચાલુ થઇ જાય. તો બે માર્ગ આપણે જોયા. ઈરિયાસમિતિ અને દસ મિનિટવાળી આ સાધના.

એક ત્રીજી નાનકડી સાધના છે. આશ્ચર્યની. આશ્ચર્યની ક્ષણો એ તમારી નિર્વિકલ્પદશાને ઉભારનારી ક્ષણો બની જાય.

દેવચંદ્રજી મ.સા. એ પ્રભુના દર્શનની પ્રક્રિયાને વર્ણવતા પરમ પાવન સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પહેલું જ ચરણ આશ્ચર્યનું મુક્યું. “તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી” પ્રભુ તારું આ નિર્મલ સ્વરૂપ જોયું, આશ્ચર્યચકિત બની ગયું. આવી નિર્મળતા દુનિયામાં ક્યાંય નથી. એ મારા પ્રભુમાં છે. અને પછી ખ્યાલ આવે કે એ નિર્મળતા તો મારી ભીતર પણ છે. અને મારે આ જન્મની અંદર એક જ કામ કરવાનું છે. મારી એ નિર્મળતાને મારે ઉભારવાની છે. તો માત્ર આપણી જૈન પદ્ધતિમાં નહિ, હિંદુ પદ્ધતિમાં, અને બૌદ્ધ સાધના પદ્ધતિમાં પણ આશ્ચર્યનું સ્થાન બહુ મોટું છે.

હિંદુ સાધના સૂત્રોમાં એક સરસ સાધના સૂત્ર છે. શિવસૂત્ર. જેમાં પાર્વતીજી પ્રશ્નો પૂછે છે, મહાદેવજી જવાબ આપે છે. પાર્વતીજી એ એક પ્રશ્ન કર્યો; કે યોગમાં, સાધનામાં, ધ્યાનમાં, અમારે પ્રવેશવું હોય તો પ્રવેશદ્વાર કયો? કમ્પાઉન્ડ ગેટ જ બંધ હોય તો તમે મહેલમાં દાખલ કઈ રીતે થાવ….? તો પ્રવેશદ્વાર કયું? એ વખતે મહાદેવજીએ કહ્યું, ‘विस्मयो योगभूमिकाः’ વિસ્મય – આશ્ચર્ય એ જ યોગમાં, સાધનામાં, ધ્યાનમાં પ્રવેશવાનું દ્વાર છે. બૌદ્ધ સાધના પદ્ધતિઓમાં બહુ મોટા ગુરુઓએ પણ આ સાધના પદ્ધતિઓનો આશ્રય લીધો છે.

એક મજાની ઝેન કથા આવે છે. ઝેન પરંપરા એટલે બૌદ્ધોમાંથી નીકળેલી એક પરંપરા છે. આપણો શબ્દ ધ્યાન. ધ્યાનનો પ્રાકૃત કે પાલી માં થાય ઝાણ, ઝાણનું થયું ઝેન. આજે દુનિયાના best seller પુસ્તકોમાં દર ૧૦૦ પુસ્તકોએ બે થી ચાર પુસ્તકો ઝેન ઉપરના હોય છે. ઝેન કથાઓ બહુ નાનકડી હોય પણ એનું interpretation એટલું મજાનું હોય; આપણે ખુશ થઇ જઈએ.

તો એવી જ એક ઝેન કથા છે. એક બૌદ્ધ ભિક્ષુક ગુરુ પાસે આવ્યો. ગુરુને એણે વંદન કર્યું. અને વંદન કરીને પૂછ્યું; કે ગુરુદેવ! ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હશે? બુદ્ધ ભગવાન એ વખતે નથી. એ તો ગયા, આ શિષ્ય ગુરુને પૂછે છે કે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર પ્રશમરસ કેવો હશે? સદ્ગુરુ face reading ના master હોય, તમે તમારી સાધનાની કેફિયત કહો, એ તમારા તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ તો તમારા ચહેરાને જોઇને, તમે ક્યાં છો, એ નક્કી કરી દેશે. સદ્ગુરુ અત્યારની તમારી સાધનાનું stand point નક્કી કરી શકે. અને આ જન્મના છેવાડા સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે…. એ પણ સદ્ગુરુ નક્કી કરી શકે છે. અને તમે જો એ સદ્ગુરુને સમર્પિત થયા તો ગુરુની જવાબદારી છે, કે જન્મના છેવાડા સુધીમાં તમને એ સાધનાની ભૂમિકા સુધી પહોંચાડી દે. આટલું ઇઝીએશન સાધનાનું…! આટલું ઇઝીએશન…! તમે માત્ર સદ્ગુરુને સમર્પિત થયા, બધું સદ્ગુરુ કરી આપે, માત્ર એક સમર્પણ.

તો ગુરુ face reading ના master હતા. એમને જોયું કે આ પ્રશ્ન એના પોતાના અસ્તિત્વના સ્તરનો નથી. એની અંદરથી ઉગેલો આ પ્રશ્ન નથી. એ મને પ્રભાવિત કરવા માટે આ પ્રશ્ન પૂછી રહ્યો છે. કે વાહ શિષ્યની સાધના કેટલી ઉચકાઈ ગઈ કે આવા સવાલો કરે છે… તમે બીજા કોઈને છેતરી શકો, ગુરુને કેમ છેતરી શકો…?! બે વાત છે, ગુરુને તમે છેતરી ન શકો.  કારણ કે ગુરુ બધું જ જોવે છે. અને ગુરુને તમે ખુશ પણ ન કરી શકો. દુનિયાના કોઈ પણ માણસને ખુશ કરવો તમારા હાથમાં છે. કેટલાક માણસો પૈસાથી ખુશ થાય. જેને પૈસા નથી જોઈતા, એની પણ પ્રશંસા કરો કે વાહ! શું તમારું લેકચર અદ્ભુત! પેલો પાણી પાણી..! પણ સદ્ગુરુ એવી હસ્તી છે કે જેને તમે કોઈ પણ રીતે રાજી ન કરી શકો. હા, રાજી કરવાનો માર્ગ એક છે… પણ એ માર્ગ કયો? તમારું જીવન પરિવર્તન. તમે અમારી પ્રશંસા કરો, એથી શું થાય…? અંદર જવાની હોય પ્રશંસા તો કોઈ અસર થાય…? એક કાનમાંથી બીજા કાનમાંથી થઈને નીકળી જવાની. કારણ, તમારું સર્ટિફિકેટ કોઈ પણ સદ્ગુરુને જોઈએ નહિ. ગુરુને પણ સર્ટિફિકેટ પ્રભુનું જોઈએ છે. પ્રભુ હું તારા પથ ઉપર છું કે નહિ, તું મને કહી દે. રોજ પ્રભુની પાસે જાઉં, એક જ વાત પ્રભુને કહું, કે પ્રભુ! તારી ચાદર પહેરી છે. પણ તું જેવી રીતે તારા આજ્ઞા પથને બતાવે છે. એવી રીતે આજ્ઞા પથ ઉપર ચાલવાનું ખરેખર બનતું નથી.

આનંદઘનજી ભગવંતે બીજા સ્તવનમાં કહ્યું, “ચરણ ધરણ નહિ ઠાય, વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય” આગમોમાં કહ્યું છે એવી રીતની સંયમ સાધના… એ સંયમ સાધનાના માર્ગ પર એક ડગલું માંડવું એ પણ અઘરું છે. આનંદધનજી ભગવંત કહે છે ચરણ ધરણ નહિ ઠાય… એક ડગલું પ્રભુ તારા માર્ગ ઉપર મુકવું અઘરું છે. તો ગુરુને ન તમે છેતરી શકો. ન તમે ગુરુને ખુશ કરી શકો. પણ હા, ગુરુને ખુશ કરવા હોય તો એક જ માર્ગ: તમારા જીવનનું પરિવર્તન. અને એમાં પણ કોઈ ગુરુની ઈચ્છા નથી હોતી કે તમે એ ગુરુ વ્યક્તિને ઝૂકો. તમે પરમચેતનાને ઝૂકો. અને સદ્ગુરુ ચેતનાને ઝૂકો. એક પણ સદ્ગુરુ એવા નથી કે જેની ઈચ્છા હોય, કે તમે સતત એમની આંગળી પકડીને જાવ… ગુરુ કહે છે તું તૈયાર થયો હવે બસ, તું તારી મેળે ચાલવા માંડ. એક માં દીકરો એના પગ ઉપર ચાલે ત્યારે લાપસીનું આંધણ મુકે.

તો આપણે ત્યાં આખો ક્રમ પરમચેતના, ગુરુચેતના, ગુરુ વ્યક્તિ. Initial stage પર તમે ગુરુ વ્યક્તિને પકડી શકો. કે ભાઈ ચંદ્રશેખરવિજય મ.સા., જયઘોષસૂરિ દાદા, સિદ્ધિસૂરિદાદા, Initial stage ઉપર. પછી તમારી ચેતના જે છે, એ ગુરુ વ્યક્તિમાંથી ગુરુ ચેતનામાં, અને પરમ ચેતનામાં જતી રહેશે. પછી ગુરુ ચેતના અને પરમચેતના એકાકાર બની જાય છે. કારણ, ગુરુ ચેતના જેવું કંઈ રહેતું જ નથી. ગુરુનું હૃદય totally vacant બની ગયું. અને vacancy ની અંદર પ્રભુનું અવતરણ થઇ ગયું.

તિત્થયર સમોસૂરિનો એક અર્થ આ છે. આચાર્ય ભગવંતો, સદ્ગુરુઓ, તીર્થંકર જેવા, એનો મતલબ શું? એનો એક મતલબ આ છે: કોઈ પણ સદ્ગુરુ એવા નથી, કે જેમણે પોતાના હૃદયને totally vacant – સંપૂર્ણતયા ખાલી ન કર્યું હોય… સદ્ગુરુનું હૃદય બિલકુલ ખાલી છે. વિભાવ શૂન્ય છે. અને એ વિભાવ શૂન્યતાની અંદર પરમ ચેતનાનું અવતરણ થાય છે. બિલકુલ ખાલી છે. વિભાવ શૂન્ય છે. અને એ વિભાવ શૂન્યતાની અંદર પરમચેતનાનું અવતરણ થાય છે. અને શાસ્ત્રોએ ત્યાં સુધી વાત કરી કે માત્ર સદ્ગુરુમાં નહિ કોઈ પણ ભક્ત હોય પોતાના હૃદયને totally vacant કરી શકે, તો એના હૃદયમાં પણ પ્રભુ અવતરિત થવા માટે તૈયાર છે. તમારી સાધના કેટલી? રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા આ બધાને હૃદયમાંથી ધીરે ધીરે કાઢતા જાવ. સંસારમાં રહેવું પડે તો પણ એવી રીતે રહો કે રાગ, દ્વેષ, અહંકાર બધું ઓછું થઇ જાય.

મેં એવા શ્રાવકોને જોયા છે, ૫૦ – ૫૫ ની ઉંમર થઇ. હિંદુ સંસ્કૃતિમાં પણ ૫૫ વર્ષની વય થાય એટલે વાન પ્રસ્થાશ્રમ ગણાય છે. કે સંસારને મનથી છોડી દે. તો એ શ્રાવકજી એ એક townમાં રહેતા હતા. બહુ મોટો બંગલો હતો. બહુ સુખી હતા. ધંધો બહુ મોટો ચાલતો હતો. દીકરાઓને બોલાવીને કહી દીધું એક દિવસે, પોતાની જન્મતિથી હતી. ૫૬મી, ૫૫ પૂરા થયેલા. એ જ દિવસે દીકરાઓને બોલાવીને કહી દીધું. આજથી આ ધંધો તમારો, એ ધંધાની બધી જ care તમારે કરવાની. એ ધંધાની એક પણ વાત મને તમારે કહેવાની નહિ. તમે કમાયા કે તમે loss કર્યું, તમે જાણો, મારે એની જોડે કોઈ જ સંબંધ નથી. વિવેકી દીકરા હતા. રોજ ચરણ સ્પર્શ કરવા આવતાં માત -પિતાના… તો કહી દીધું ચરણ સ્પર્શ કરવા અમારી પાસે આવવાનું, પણ કોઈ પણ તમારા સંસારની વાત અમારી પાસે તમારે કરવાની નહિ. અમે દીક્ષા લઇ શકતા નથી. ઉંમર થઇ છે, વિહાર વગેરે થઇ શકે એમ નથી. અને એટલે દીક્ષા લઇ શકતા નથી. પણ અમે ભાવ સાધુ તો બની જ ગયા છીએ.

બોલો એક મજાની વાત કરું આજે. આ દ્રવ્ય સાધુત્વ એટલે પ્રભુની ચાદર ક્યારે મળે, ક્યારે મળે, એ તો મનમાં હોય જ. બરોબર ને…? બરોબર.? પણ ભાવ શ્રમણ બની જઉં છે? સ્થાનકવાસી પરંપરામાં એક મજાની વાત છે, આપણે ત્યાં કોઈ દીક્ષાર્થી હોય ને તો આપણે કહીએ મુમુક્ષુ છે. સાહેબ મુમુક્ષુ છે એને વાસક્ષેપ આપો. સ્થાનકવાસી પરંપરામાં મુમુક્ષુ માટે શબ્દ છે, ભાવદીક્ષિત. એ અમારી પાસે લઈને આવે ને તો પણ કહે સાહેબ આ ભાવદીક્ષિત બની ગયા છે. વાસક્ષેપ આપો. દ્રવ્ય દીક્ષા ગુરુ નક્કી કરશે ક્યારે આપવી… રજોહરણ ક્યારે આપવું ગુરુ નક્કી કરશે. પણ ભાવથી એ દીક્ષિત બની ગયા છે. અને કોઈ પણ સમ્યગ્દ્રષ્ટિ પાંચમાં ગુણઠાણે તો તમે છો. વ્યવહારથી.. ચોથા ગુણઠાણે રહેલો પણ ભાવદીક્ષિત હોય જ.

પદ્મવિજય મહારાજે સમ્યગ્દર્શન પદની પૂજાની કહ્યું; “સંયમ કબહું મિલે સસ્નેહી પ્યારા હો” પણ પછી સરસ પંક્તિ લખી “યું સમકિત ગુણઠાણગ વારા, આતમ સે કરત વિચારા હો” સમ્યક્ત્વ મળી ગયું, એ સતત પોતાની જાત સાથે વિચાર કરતો હોય છે. મને આ પ્રભુનું સંયમ ક્યારે મળશે, ક્યારે મળશે,ક્યારે મળશે… તો સંયમ ક્યારે મળશે આ  ભાવના તમારા હૃદયમાં આવી. એટલે તમે ભાવદીક્ષિત બન્યા.

એ ભાવદીક્ષા માટેની સાધના સમાધિશતકમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપી. તમે લોકો છે ને ઓફિસે કે ઘરે પંચસૂત્ર, આ સમાધિશતક, આવા પુસ્તકોને રાખી મુકો. થોડો પણ સમય મળે એટલે પંચસૂત્રમાંથી પસાર થાવ. સમાધિશતકની એકાદ કડી જોઈ લો. તો સમાધિશતકની એક કડી છે. “કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવ પંથ, તામે જિનકી મગનતા, સોહી ભાવ નિર્ગ્રંથ” સંયમ ક્યારે મળે, આવી વ્યક્તિને ભાવદીક્ષિત કહી એ વ્યવહાર થયો. નિશ્ચયથી ભાવ દીક્ષા ક્યારે મળે? એની વાત સમાધિશતકમાં કરેલી છે, “કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવ પંથ.”

મોક્ષના બે માર્ગ: વ્યવહાર માર્ગ અને નિશ્ચય માર્ગ. નિશ્ચયમાર્ગ એટલે શું? સ્વસ્વરૂપમાં ડૂબી જવું. પરની અંદર આપણા મનને મુકવું નહિ. શરીરના સ્તર પર ‘પર’ આવી ગયું… પણ મનના સ્તર ઉપર ‘પર’ ન આવે.

હું એક litmus test સાધકો માટે આપું છું. તમે પૂજા કરીને આવ્યા, હવે તમારે નાસ્તો કરવા માટે બેસવું છે. કપડાં બદલાવ્યા. તમે લેઘો અને ઝભ્ભો પહેરો છે. લેઘો તો white જ હોય – પાયજામો, ઝભ્ભાના કલર ઘણા બધા છે. તમે એ જ દિવસે પૂજા કરીને આવ્યા. Wardrobe માં જે ઝભ્ભો મુકાયેલો હતો એ પહેરી લીધો. લેઘો પહેરી લીધો. નાસ્તા માટે બેઠા, નાસ્તો પૂરો થઇ ગયો. હવે આંખ બંધ કરો. અને તમારી જાતને પૂછો, કે આજે ઝભ્ભો પહેર્યો છે કયા કલરનો? મરુન કલરનો, કોફી કલરનો એસ કલરનો, કયા કલરનો…? જવાબ સાચો મળે તો સાધક તરીકે તમે બરોબર નહિ. જવાબમાં ગુપચામણ થાય તો સાધક તરીકે તમે સાચા. જવાબ સાચો ક્યારે મળે…?સાચો ક્યારે મળે…? તમારા મને પણ ઝભ્ભો પહેર્યો હોય ત્યારે. આ મરુન કલરનો ઝભ્ભો બહુ સરસ લાગે છે હો… કે મનમાં ઝભ્ભો પહેરાઈ ગયો પાછળથી યાદ રહેશે. તો માત્ર શરીરે પહેર્યું હશે, તો શરીર પાસે કોઈ memory power છે નહિ. તો નાસ્તો કર્યા પછી, આંખ બંધ કર્યા પછી તમારી જાતને પૂછો કે મેં કયો ઝભ્ભો પહેર્યો છે? જો જવાબ સાચો મળે, તો સાધક તરીકે તમે બરોબર નહિ, માર્ક્સ તમને બરોબર નહિ મળ્યા અને જવાબમાં ગુપચામણ થાય, સાલું ખ્યાલ નથી આવતો કયો ઝભ્ભો પહેર્યો? તો તમે સાચા સાધક તરીકે… 

નાસ્તો થઇ ગયેલો, અને એમનો એક close ફ્રેન્ડ ગામડેથી આવ્યો, મુલ્લાજીને મળવા આવેલો. સાદા કપડાં પહેરેલા. મુલ્લાજી કહે નાસ્તો કરીને આવ્યો? તો કહે કે હા. ભલે નાસ્તો કરીને આવ્યો, ચા તો ચાલે જ… ચા પી લે ગરમાગરમ. ચા પીવડાવ્યો. મુલ્લાજી તૈયાર થઇ ગયેલા, બરોબર કપડાં – બપડાં બરોબર પહેરીને, પેલાએ પૂછ્યું ક્યાં જવાનું છે તમારે? તો કહે કે આજે તો ૩ – ૪ સારા ઓફિસરો જોડે appointment લીધેલી છે. તારે પણ આવવું હોય તો આવ. સારા ઓફિસરો છે. તારી પણ ઓળખાણ થઇ જાય. પેલો કહે વાત તો ખરી… પણ હું તો ગામડેથી માત્ર તારા ત્યાં આવવા માટે નીકળેલો. જો ને ઝભ્ભો પણ કેવો છે ફાટેલો ને એવો… મુલ્લાજી કહે એમાં શું છે? મારે એક નવો ઝભ્ભો છે. હમણાં જ બનાવેલો. મારું અને તારું શરીર સરખું છે. નવો ઝભ્ભો પહેરી લે, નવો પાયજામો પહેરી લે, પેલાએ નવા કપડાં પહેરી લીધા. નવો ઝભ્ભો પહેર્યો છે કોને? પેલા મિત્ર એ… અને મુલ્લાજીના મનમાં એ ઝભ્ભો આવી ગયો. કેટલો સરસ છે. કેટલો સરસ છે. પેલા ઓફિસરને ત્યાં ગયા, આજની પરંપરા છે, બાજુમાં હોય એને introduce તો કરાવવો પડે. તો મુલ્લ્લાજીએ કહ્યું આ મારા મિત્ર છે. ગામડે રહે છે, બહુ મોટી જમીન છે એમની, ગામડામાં પણ બહુ મોટો બંગલો છે. કરોડોપતિ છે. અને બીજી વાત મારા close ફ્રેન્ડ છે. એવા close ફ્રેન્ડ કે એમણે ઝભ્ભો પહેર્યો છે એ પણ મારો ઝભ્ભો પહેર્યો છે. મનમાં ઝભ્ભો હતો! બહાર નીકળ્યા વગર રહે શી રીતે..?! બહાર નીકળ્યા, પેલો મિત્ર તો બગડ્યો. હરામખોર! તારે મારો પરિચય આપવાનો હતો કે આજે તારા ઝભ્ભાનો પરિચય આપવાનો હતો…?! મુલ્લાજીએ કહ્યું હવે બીજી જગ્યાએ આવી ભૂલ નહિ થાય…

બીજી જગ્યાએ ગયા, ત્યાં પણ introduction ચાલ્યું, મારા મિત્ર છે, આમ છે, તેમ છે, મારા close ફ્રેન્ડ છે, બહુ સુખી છે અને એમણે ઝભ્ભો પહેર્યો છે એ એમનો જ છે મારો નથી. હવે આ કાંઈ પ્રસ્તુત કરાય? બહાર નીકળ્યા, પેલો ફ્રેન્ડ ફરી પાછો ગુસ્સે થઇ ગયો. તે શું માંડ્યું છે પણ, નહિ નહિ હવે નિયમ લઉં છું હવે ઝભ્ભા વાત કરવાની જ નહિ, કહે છે. ત્રીજી જગ્યાએ ગયા એ જ introduction ની વિધિ ચાલી. અને છેલ્લે કહ્યું બધી વાત એમના માટે કરી. રહી વાત એમના ઝભ્ભાની, પણ મેં નિયમ લીધો છે કે એમના ઝભ્ભાની વાત મારે કરવાની નથી!

તમારા મનમાં કપડાં છે કે શરીર ઉપર? આજે જે લોકો પૂજાના, સામાયિકના કપડાંમાં આવ્યા છે ને, જરા litmus test કરજો. તો કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવ પંથ – સ્વરૂપની અંદર જવું એ નિશ્ચય મોક્ષમાર્ગ. અને એના માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બીજા બધા જ યોગોની સાધના કરવી એ વ્યવહાર મોક્ષમાર્ગ.

તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે, કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવ પંથ – માત્ર આત્મજ્ઞાન. અને પાછળથી આત્માનુભૂતિ એ મોક્ષનો માર્ગ છે. તામે જિનકી મગનતા – એમાં જો ડૂબી ગયો. સો હી ભાવ નિર્ગ્રંથ – એ ‘જ’ ભાવ નિર્ગ્રંથ છે. ‘જ’ કાર સાથે વાત કરે છે. એટલે તમારે ભાવ દીક્ષિત બનવું હોય, તો પણ શું કરવું પડે, તમારા સ્વરૂપની અંદર તમારે ભીતર જવું પડે.

પેલો શિષ્ય ગુરુ પાસે આવ્યો. અને ગુરુને પૂછે છે. કે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હશે? ગુરુએ જોયું પ્રશ્ન જ નકામો છે. અંદરથી ઉગેલો છે નહિ. ખાલી મને પ્રભાવિત કરવા માટે કહે છે… અને ગુરુ કોઈનાથી પ્રભાવિત થાય…?! સદ્ગુરુની એક વ્યાખ્યા કહું, જે કોઈનાથી પ્રભાવિત ન થાય, અને જે કોઈને પ્રભાવિત કરવાની ઈચ્છા ન કરે એ સદ્ગુરુ. મીનીસ્ટર આવી ગયો તો આવી ગયો. એમાં અમારે શું…?! દેવચંદ્રજી મહારાજ પાસે સૌધર્મેન્દ્ર આવ્યા, સૌધર્મેન્દ્ર આવ્યો તો આવ્યો મારે શું…?! મારી dictionary માં મારા સાધના પથમાં કોઈને પ્રભાવિત કરવો એ વાત આવતી જ નથી. હું પ્રભુથી પ્રભાવિત હોઉં એટલે ઘણું થઇ ગયું. એટલે મેં સામાન્યતયા શિષ્યોને ના પાડી છે, કે મારા માટે કોઈ વિશેષણ વાપરવું નહિ. અને એમાં પણ શાસન પ્રભાવક વિશેષણ તો નહિ જ. કારણ હું શાસન પ્રભાવિત છું. પ્રભુના શાસનથી એટલી હદે હું પ્રભાવિત થયો છું કે દુનિયાની કોઈ ઘટના કે દુનિયાની કોઈ વ્યક્તિ મને પ્રભાવિત ન કરી શકે.

એટલે તમારે બધાએ પણ શાસન પ્રભાવક બનવાની કોશિશ નથી કરવી, કરોડો રૂપિયા ભલે ખર્ચાય, પણ એ કરોડો ખર્ચીને વ્રત – નિયમ લઈને કે બીજી સાધના કરીને આપણે બનવું છે- શાસનથી પ્રભાવિત. શાસન પ્રભાવક મહાપુરુષો થઇ ગયા. આપણી વાત એ નથી. આપણે માત્ર પ્રભુના શાસનથી પ્રભાવિત બનવું છે. તમે પણ પ્રભુ શાસનથી એ હદે પ્રભાવિત કરો કે સંસારમાં છો, ઘટનાઓ ઘટ્યા કરશે, સંપત્તિને પણ કમાશો, કદાચ એક વર્ષની અંદર કોરોના કાળ પછી એટલો બધો ધંધો ચાલ્યો કે ધાર્યા કરતાં પાંચ ગણું મળી ગયું. પણ એનાથી તમે પ્રભાવિત ન બનો. બરોબર ને…? મળી ગયું છે, ઠીક છે…. પ્રભાવિત તમે કોનાથી બનો? માત્ર અને માત્ર પ્રભુ શાસનથી.

શું આપણે સાધના કરી હશે, ગયા જનમમાં? ખ્યાલ નથી… આ પ્રભુનું શાસન આપણને મળી ગયું! હું ઘણીવાર કહેતો હોઉં છું, કે પ્રભુનું શાસન મળ્યું એ પછી આપણને શું મળ્યું, એનો ખ્યાલ કરવો હોય ને તો આંખો બંધ કરીને એક મિનિટ વિચારો કે સપોઝ મને પ્રભુ શાસન ન મળ્યું હોત તો મારી હાલત શું હોત? હું પણ ક્યાં હોત ને તમે પણ ક્યાં હોત..આપણે બધા જ રાગ અને દ્વેષની દુનિયામાં દોડતા વ્યક્તિત્વો હોત. પ્રભુએ પોતાના કરુણામયી હાથથી આપણને કેટલા ઉચક્યા! અમને તો ઉચક્યા એ ઉચક્યા. તમને પણ ઉચક્યા. કે બેટા! તું સંસાર અત્યારે છોડી શકતો નથી. મનમાં એક વસ્તુ રાખજે. સંસારમાં રહેવા જેવું નથી. દીક્ષા જ લેવા જેવી છે. જ્યારે અનુકુળતા મળે એ જ ક્ષણે દીક્ષા લઇ લેજે. પણ સંસારમાં રહે ત્યારે પણ જેમ બને એમ રાગ, દ્વેષ, અહંકાર, ઓછા કરજે. એક પ્રભુ શાસન પ્રભાવિતતા આવી જાય, એક પ્રભુ પ્રભાવિતતા આપણી પાસે આવી જાય, આપણે કેટલા બધા પાપોથી બચી જઈએ.

તો આજે તમને દીક્ષા, આપી શેની? ભાવ શ્રમણની. દ્રવ્ય દીક્ષા તો લેવાની જ છે. એ વખતે દ્રવ્ય – ભાવ બેઉ થશે, પણ પહેલાં ભાવ દીક્ષા, પછી દ્રવ્ય દીક્ષા, તો આજે બધાને આ દીક્ષા ગમી ગઈ ને આમ…? ગમી ગઈ ને?

સ્વરૂપનું ચિંતન કરવાનું. હું કોણ છું? હું એટલે શરીર નહિ, હું એટલે નામ નહિ, હું એટલે મન નહિ. I am the bodyless experience. I am the nameless experience. I am the mindless experience. આ રીતે વિચાર કરો અને હું એટલે આનંદઘન આત્મતત્વ છું. આવો વિચાર કરો. એટલે તમે ભાવ દીક્ષાની ધારામાં ચાલી શકો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *