વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વિસોગે અદક્ખુ
પ્રભુ ધ્યાન પૂરું થયા પછી ઊભા છે, ત્યારે આંખ ખુલ્લી છે, કાન પણ ખુલ્લાં છે. આસપાસમાં સેંકડો લોકો ગપ્પાં મારી રહ્યા છે. પણ પ્રભુની ઇન્દ્રિયો એવી કહ્યાગરી હતી કે એક પણ ઇન્દ્રિય પરમાં જતી નથી. પ્રભુ માત્ર જોતા હતા. મધ્યસ્થભાવે. ન રતિભાવ; ન અરતિભાવ.
આપણે જે કરીએ છીએ, એ ચેષ્ટા કાયોત્સર્ગ. પ્રભુ જે કરતા હતા, એ અભિભવ કાયોત્સર્ગ. અભિભવ કાયોત્સર્ગમાં લોગસ્સ કે નમસ્કાર મહામંત્રનું chanting નથી; માત્ર આત્માનુભૂતિમાં, સ્વરૂપદશામાં સાધક એ ક્ષણોમાં ઊંડો ઊતરી જાય છે.
ધ્યાનની પહેલા નિર્વિકલ્પદશા જરૂરી છે. એના માટેની સરળ પ્રક્રિયા છે કે દસ મિનિટ શાંત ચિત્તે બેસો. આંખો બંધ કરી, શરીર ટટ્ટાર રાખવું. કોશિશ એ કરવી કે વિચારો બિલકુલ ન આવે. અને જો કોઈ વિચાર આવી જાય, તો એને જોઈ લેવો; એ વિચારમાં ભળવું નહિ.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૪
દેવાધિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વરસની સાધનાની આંતરકથા.
પ્રભુ લગભગ કાયોત્સર્ગની મુદ્રામાં જ રહ્યા છે. થોડો વિહાર કર્યો, ક્યાંક ગયા, સીધું જ કાયોત્સર્ગ ધ્યાન પ્રભુનું ચાલુ થઈ જાય. પણ પ્રભુનો કાયોત્સર્ગ અલગ છે. બે જાતના કાયોત્સર્ગ છે. એક ચેષ્ટા કાયોત્સર્ગ, જે આપણે પ્રતિક્રમણ આદિમાં કરીએ છીએ. પ્રભુ જે કરતા હતા એને અભિભવ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. આપણો જે ચેષ્ટા કાયોત્સર્ગ છે. એમાં પણ ત્રિગુપ્તિ સાધના તો છે જ. ઠાણેણં, મોણેણં, ઝાણેણં.
સ્થાન એટલે કાયગુપ્તિ, મૌન એટલે વચન ગુપ્તિ, અને ધ્યાન એટલે મનોગુપ્તિ. એના દ્વારા કરવાનું શું? અપ્પાણં વોસિરામિ. બહિરાત્મભાવનો ત્યાગ કરવાનો અને અંતરાત્મભાવમાં સ્થિર થવાનું. તો આપણો જે કાયોત્સર્ગ છે એમાં મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુભના છે. કારણ, વચનયોગ, લોગસ્સ કે નમસ્કાર મહામંત્ર ના Chanting માં જાય છે. અને મન એ એના ઉપર નિયંત્રણ રાખે છે કે બરોબર chanting થાય છે કે નહિ. એટલે મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુભના થયા. કાયગુપ્તિ શુદ્ધની થઈ.
પ્રભુએ જે કાયોત્સર્ગ કર્યો અને જે મહામુનિઓ પણ કરતા હતા, અને કરે છે. એ બીજા કાયોત્સર્ગનું નામ છે અભિભવ કાયોત્સર્ગ. એ અભિભવ કાયોત્સર્ગમાં લોગસ્સ કે નમસ્કાર મહામંત્રનું chanting નથી. માત્ર આત્માનુભૂતિમાં, સ્વરૂપદશામાં સાધક એ ક્ષણોમાં ઊંડો ઉતરી જાય છે. શું મજા આવે છે! આનંદ તમારી ભીતર જ છે હો. બહાર તો માત્ર રતિ અને અરતિ છે. અને એમાં પણ રતિ કેટલા ટકા? પાંચ ટકા- દશ ટકા. જ્યાં તમારું અણગમતું થયું. સીધું જ અરતિભાવ.
તો રતિ અને અરતિના ચક્કરમાંથી નીકળી આનંદની યાત્રામાં જવું હોય તો એના માટે આ કાયોત્સર્ગ છે. ભીતર ઉતરી ગયા. અને એક વાત ગેરંટી સાથે કહું કે ભીતર ઉતરવાનો આનંદ જેણે પણ માણ્યો એ બહાર રહી શકે નહિ.
તમે કહેશો, સાહેબ તમે તો બહાર રહો છો. ત્રીસ વરસ સુધી ગુરુદેવની એવી કૃપા થઈ, એવી અનુકુળતા મને કરી આપી કે માત્ર એકાંતમાં હું રહી શક્યો. કામકાજ માટે બહાર આવું. બાકી ગુરુદેવે કહેલું, તારા સ્વાધ્યાય રૂમમાં તું સ્વાધ્યાય અને ધ્યાન કરતો રહેજે. ત્રીસ વરસ મારા ઇનર વર્લ્ડમાં હું રહ્યો. હવે ઇનર સ્પેસની મજા માણી, આઉટર સ્પેસમાં આવી કેમ શકાય?! પણ અચાનક જ ગુરુદેવ ગયા. સીધું જ મારે પાટ ઉપર આવી જવું પડ્યું. પણ ભીતરનો આનંદ એટલો બધો ગમતો હતો કે હું બહાર લોકોની સાથે adjust કેમ થઈ શકીશ એની વિમાસણ હતી.
ગુરુદેવ ગયા પછીનું પહેલું જ મારું ચોમાસું સુરત અઠવાલાઈન્સમાં હતું. સુરતનો બહુ જ પ્રસિદ્ધ અને ધાર્મિક સંઘ. મેં ત્યાં ગયા પછી અગ્રણીઓને કહ્યું, કે તમને બધું આપવા તૈયાર છું પણ મારી સાધનાના ભોગે નહિ. એક કલાક તમને પ્રવચન આપીશ. સાધકો છે તો એક કલાક વાચના પણ આપી દઈશ. પણ બે કલાક સંઘના, બાવીસ કલાક મારા. હું ત્રીસ વરસ સુધી માત્ર એકાંતમાં રહેલો છું એટલે ભીડ સાથે સીધો adjust હું થઈ શકીશ નહિ…
શ્રી સંઘ તો ખરેખર બહુ જ મજાનો છે. સાધુ-સાધ્વીજીઓની વાચનામાં વારંવાર એકવાત હું કરું છું. કે આવો શ્રી સંઘ, કલ્યાણકારી સંઘ દુનિયાની કોઈ જ સાધના સીસ્ટમમાં મળશે નહિ. અમે લોકો ચોવીસ કલાક સાધના કરીએ. અમારા શરીર માટે જે પણ જોઈએ એ બધું જ હાજર કરવા તમે તૈયાર. તમે લોકો અમારી vip treatment નહિ, vvip treatment કરો છો. મેં હમણાં એક વાચનામાં કહેલું કે શ્રીસંઘ આપણી vvip treatment કરે છે એનો અનુવાદ આપણે શેમાં કરીશું? મેં સાધુ-સાધ્વીજીઓને કહેલું કે શ્રીસંઘની vvip treatment નો અનુવાદ આપણે માત્ર અને માત્ર સાધનાની સઘનતામાં જઈને કરવાની છે. તમારી અપેક્ષા શું? કોઈ તમારી અપેક્ષા નથી. શ્રી સંઘની અપેક્ષા એક જ છે, અમે વહોરાવીએ સાધુ ભગવંતો સાધના કરે. એટલે આપણે ત્યાં શ્રાવકને “મુધાદાયી” કહ્યો છે. એ આપે છે. લાખો-કરોડો રૂપિયાનો ઉપાશ્રય તમે બનાવો છો. વિહારધામોની ચેનલો આજે ચાલુ થઈ ગઈ છે પણ તમારી અપેક્ષા એટલી જ છે સાધુ ભગવંતો-સાધ્વીજી ભગવતીઓ સાધના સારી રીતે કરી શકે. બીજી કોઈ અપેક્ષા તમારી નથી.
દશવૈકાલિકસૂત્રની હરીભદ્રસૂરિ મહારાજ સાહેબની ટીકામાં એક સરસ વાત આવે છે. કે શ્રાવક કેવો નિરપેક્ષ હોય છે…. ત્યાં એક મજાની કથા આપી છે. એક વૈષ્ણવને ત્યાં એમના ગુરુની પધરામણી થાય છે. દરેક વ્યક્તિના હૃદયમાં, કોઈ પણ હિંદુ હોય ગુરુ પ્રત્યે તો અહોભાવ રહેવાનો જ છે. એ વૈષ્ણવ ભક્ત નો સદ્ગુરુ પ્રત્યે ખુબ જ અહોભાવ. પણ એણે એકવાર કહેલું કે ગુરુદેવ હું બિલકુલ નિરપેક્ષ રીતે આપની સેવા કરવા માંગું છું. એટલે આડકતરી રીતે પણ મને લાભ થાય એવું કશું જ આપ કહેતા નહિ. સીધી રીતે તો નહિ, આડકતરી રીતે પણ મને લાભ થાય સાંસારિક, એવું આપ કંઈ કહેશો નહિ એવી મારી ઈચ્છા છે. દિવસો વીત્યા.
એકવાર એવું થયું એ ભક્તને ત્યાં પંચકલ્યાણી ઘોડી હતી. જેની એ જમાનામાં કિંમત લાખો રૂપિયાની હતી. આવી ઘોડી rarest ઉપર rare રહે. ચોરોની નજર એના ઉપર. કે આ જો લઇ જવાય અને દુર દેશમાં જઈને એને વહેંચી આવીએ તો લાખો રૂપિયા આપણને મળે. પણ ચોરી કરવી શી રીતે? અઠવાડિયા સુધી રેકી કરી. અને એક રાત્રે જ્યાં ઘોડો બંધાયેલો રહેતો તેની પાછળની દીવાલમાં ખાતર પાડ્યું. અને ઘોડાને લીધો. ઘોડાને બહાર કાઢ્યો પણ ઘોડો જાતવાન છે એ સમજી ગયો કે મારો માલિક આ નથી. આ બીજા લોકો છે. ડગલું ભરે જ નહિ. મારી-મારીને એકેક ડગલું ભરાવતાં, ગામની બહાર જે તળાવ છે એ તળાવની પેલે પાર લઇ જતા અજવાળું થઈ ગયું. સુરજ ઉગી ગયો. હવે આ ઘોડી લઈને અજવાળામાં તો જવાય નહિ. કોઈ પણ વ્યક્તિ જોઇ લે બધાને ખબર છે આ પેલા શેઠની ઘોડી. તો તળાવની પેલી બાજુ એક ઝાડ સાથે એ ઘોડાને બાંધી દીધો. ઘાસ વિગેરે થોડું નાખી દીધું. સવારે ખબર પડી, ઘોડો ચોરાઈ ગયો છે. પગીઓને બોલાવ્યા. પગેરું શોધાય છે. પણ પગીઓ એટલાં પાક્કા નથી. જ્યાં પાક્કા રસ્તા આવે છે અને ઘોડાના પગલાં પડતા નથી ત્યાં એ લોકો મૂંઝાઈ જાય છે.
એવામાં સવારે સાત વાગે પેલા ગુરુ રોજની જેમ તળાવે સ્નાન માટે ઉપડે છે. એ તળાવની પેલી બાજુ સ્નાન કરતા જ્યાં કોઈ ન હોય. એ ત્યાં ગયા. ઘોડાને જોઈ લીધો. ખ્યાલ આવી ગયો કે મારા ભક્તની ઘોડી છે. અને એ પણ ખ્યાલ છે કે હું જો ઘરે જઈને એને કહીશ કે તારી ઘોડી અહિયાં બંધાયેલી છે તો એને નહિ ગમે. લાખો રૂપિયાની ઘોડી હોવા છતાં ગુરુ મારા સંસારની વૃદ્ધિનું કોઈ કાર્ય કરે એ બને નહિ. તો શું કરવું? ગુરુએ સ્નાન કર્યું. પોતાનો એક વધારાનો ખેસ હતો એ ત્યાં ઘોડાની બાજુમાં મૂકી દીધો. ઘરે આવ્યા પછી ભક્તને કહ્યું કે મારો ખેસ રહી ગયો છે. નોકરને કહ્યું, જા, રોજ સાહેબ તળાવે સ્નાન કરે છે ત્યાંથી ખેસ લઇ આવ. પેલાને ખબર હતી કે સાહેબ તળાવની પેલી બાજુ જાય છે ન્હાવા માટે. એ ત્યાં ગયો ખેસ પણ મળી ગયો અને ઘોડી પણ મળી ગઈ. ઘોડી લઈને આવી ગયો. ભક્તને ખ્યાલ આવી ગયો કે ગુરુએ ખેસ આના માટે મુકેલો કે મારી ઘોડી મને મળી જાય. એ સહેજ નારાજ થયો છે કે ગુરુદેવ આ રીતે આપે કામ કર્યું એ મને ગમ્યું નહિ.
તો શ્રી સંઘ બિલકુલ નિરપેક્ષ છે. મેં દુનિયાની સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે. અત્યારની જેટલી સાધના પદ્ધતિઓ છે એ બધાનો મેં થીયરીકલી અભ્યાસ કર્યો. વિપશ્યના જેવી ઘણી બધી સાધનાઓને પ્રેક્ટીકલી પણ મેં ઘૂંટી છે. કારણ પ્રભુની ધ્યાનસાધના મારે શ્રી સંઘની સામે મુકવાની હતી ત્યારે મારી પાસે સંપૂર્ણ સાધનાપદ્ધતિઓનું જ્ઞાન હોય એ જરૂરી હતું. સૌથી પહેલી ધ્યાનસાધના પાલીતાણામાં મેં કરાવી. પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદાના સાનિધ્યમાં. એ પહેલી જ ધ્યાનસાધનામાં લગભગ ૮૦૦ થી ૯૦૦ સાધુ-સાધ્વીજીઓઓ હતા.
તો દુનિયાની બધી જ સાધનાપદ્ધતિઓ જોયા પછી પ્રભુની સાધનાપદ્ધતિને ઊંડાણથી જોઈ અને હું ખરેખર ઓવારી ગયો છું. આટલી અદ્ભુત્ત વ્યવહાર અને નિશ્ચયના બેલેન્સીંગવાળી પ્રભુની સાધના. એ જ રીતે દુનિયાની સામાજિક સંરચનાઓનો પણ મેં અભ્યાસ કર્યો છે. અને એ અભ્યાસ કર્યા પછી હું કહી શકું કે જૈનોની પાસે જે શ્રદ્ધા, જે ભક્તિ અને જે સમર્પણ છે એ દુનિયામાં બીજે મળવું મુશ્કેલ પડશે. શું તમને મળી ગયું છે? અદ્ભુત્ત થી પણ અદ્ભુત્ત તમને મળી ગયું છે.
એક પાંચ વરસનો આપણો દીકરો દેરાસરે જશે તો કંઇક ત્યાં મુકવાનું હોય. એ ભંડાર ઉપર પેંડો જોશે, એ પાંચ વરસના આપણા દીકરાને એ પેંડો લેવાનું મન નહિ થાય. ગળથુંથીમાં આપણને આ સંસ્કાર મળ્યા છે. તો તમારી પાસે જે શ્રદ્ધા, જે ભક્તિ, જે સમર્પણ છે અદ્ભુત. અને એટલે જ અમારા મુનિવરો-અમારી સાધ્વીજીઓ તમારાં ત્યાં વહોરવા આવે છે ત્યારે બધાની આંખમાં આંસુ હોય છે. ક્યારેક જોજો તમારાં ત્યાં વહોરવા આવે મુનિરાજની આંખો ભીની હશે અને એ ભીનાશ તમારી ભક્તિને કારણે આવે છે. કે માત્ર આ ચાદર. અને એ ચાદર ઉપર આટલો બધો ભક્તિભાવ! તો શ્રી સંઘ નિરપેક્ષ હૃદયે vvip treatment કરે છે અને એનો અનુવાદ અમે લોકો સાધનામાં કરીએ છીએ.
તો એ પહેલા ચોમાસામાં મેં કહી દીધું કે બે કલાક સંઘને આપીશ. બાવીસ કલાક મારા. ધીરે ધીરે ધીરે એવી એક ભૂમિકા આવી કે ભીડમાં અને એકાંતમાં કોઈ ફરક ન રહ્યો. ભીડમાં પણ મારું એકાંત બિલકુલ સુરક્ષિત હતું. અત્યારે હોલમાં જ બેસું છું. ભીડમાં. સતત લોકોની આવન-જાવન ચાલુ હોય છે. પણ મારું એકાંત સુરક્ષિત છે. હું મારી ભીતર હોઉં છું. એટલે આ એક વાત કરી શકાય છે. તમે કોઈ પણ કામ કરતા હોવ છો અને છતાં તમે ભીતર રહી શકો. હું સવારથી સાંજ સુધી હોલમાં રહું છું, લગભગ. આરામ કરવા ભીતર જાઉં છું, રૂમમાં. અને છતાં મારી સાધના સવારથી સાંજ સુધી ચાલે છે એમ નહિ ચોવીસ કલાક ચાલે છે. હવે મારી સાધનાને ભીડના કારણે કોઈ અવરોધ નથી આવતો. કારણ, એક મન જે છે એ પ્રેક્ટીસને કારણે લોકો જોડે વાતો કર્યા કરે અને મારું અંતરસ્તર મારી ભીતર હોય.
આ આનંદનો અનુભવ કર્યો છે. અને એટલે જયારે પ્રભુની સાધનાની વાત હું કરતો હોઉં ત્યારે મને થાય કે પ્રભુનો આનંદ કેવો હોય! કહેવું જ પડે કે, beyond the words, beyond the imaginations. એ આનંદ શબ્દોને પેલે પારનો, કલ્પનાને પણ પેલે પારનો. હા, એની નાનકડી edition હું અનુભવી શકું છું. કે ભીતર જવાથી કેવો આનંદ મળી શકે છે. પણ પ્રભુ ઉપયોગને સોએ સો ટકા ભીતર મૂકી દેતા. મારે હજુ એ કળા શીખવી છે કે મારો ઉપયોગ નિતાંત ભીતર હોય.
મારા ડોક્ટર છે, family ડોક્ટર. M.d છે. એ પોતે પણ સાધક છે. ખરેખર, મારી પાસે આવે ને એટલે પહેલા એ નીચે બેસી જાય. એ કહે શિષ્ય તરીકે બેસુ છું. સાધનાની વાતો કરે. પછી શરીરને તપાસવાનું હોય ત્યારે ખુરશી ઉપર બેસી જાય. એ ડોકટરે મને એકવાર કહેલું કે તમે અમને ઉપલબ્ધ થયા છો એ અમારું સૌભાગ્ય છે. તમારી ધારા જોતા તમે હરિદ્વાર અને બદ્રિ જ પહોંચી ગયેલા હોવ.. તમે એમાં ને એમાં જ હોવ. તમે અહીંયા મળો નહિ. તો મેં કહ્યું કે અંદર તો હિમાલય જ છે, બહારના હિમાલયની જરૂર નથી.
તો પ્રભુ સતત આ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેતા હતા. એકવારની એક ઘટના. વરસાદ ચાલી રહ્યો છે. આમ તો પ્રભુ જંગલમાં વૃક્ષની નીચે રહે છે. પણ વરસાદ ચાલુ થયો છે. બાજુમાં એક મુસાફરખાનું છે. ખુલ્લો ચોરો. પ્રભુ એમાં પધારે છે. વરસાદ ચાલુ છે. એક ગામથી બીજા ગામ જનારા ઘણા બધા મુસાફરો અટવાઈ ગયા છે એ બધા ચોરામાં બેઠેલા છે. સેંકડો માણસો ત્યાં બેઠેલા છે. પ્રભુ પણ બેઠેલા છે. ફરક કેટલો? કે સેંકડો માણસો બહારની દુનિયાના યાત્રિકો છે. પ્રભુ ભીતરની દુનિયાના યાત્રિક છે.
એ ચોરામાં ગયા પછી પ્રભુ ધ્યાનદશામાં ડૂબી જાય છે. ધ્યાનમાં ડૂબી ગયા. Total introvert થઈ ગયા. અંતર્મુખ થઈ ગયા, અંતર્લીન થઈ ગયા. બહાર ગમે એટલી વાતો થાય, શું થાય? આંખો તો બંધ, કાન પણ બંધ.
એક વાત by the way કહું. તમારી એક પણ ઈન્દ્રિયો ગુનેગાર નથી. તમે પરભાવમાં જાઓ છો. Tasty ખાઈને રાગમાં જાઓ છો. એમાં તમારી કોઈ પણ ઇન્દ્રિય જવાબદાર નથી. તમારું મન જ જવાબદાર છે. આંખ છે, તો આંખ શું કામ કરશે? આંખ માત્ર કેમેરાના લેન્સ જેટલુ જ કામ કરે છે. કેમેરાનો લેન્સ ખુલ્લો છે તો પ્રતિબિંબ અંદર પડશે. એમ આંખ ખુલ્લી છે તો પ્રતિબિંબ અંદર પડશે. પણ એ પ્રતિબિંબ સારું કે ખરાબ. જે વ્યક્તિને જોઈ તે રૂપાળી છે કે કુરૂપ એ આંખ નક્કી નથી કરતી એ તમારું મન નક્કી કરે છે. એટલે તમને પરભાવમાં લઇ જનાર મોટામાં મોટો અપરાધી હોય એ તમારું મન છે.
હવે એ મનને સહેજ તમે divert કરી નાંખો. આખી સાધના પૂરી થઈ ગઈ. ‘મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી’ આનંદઘનજી ભગવંત આમ તો પાછા વણિક જ કહેવાય ને. અને વાણિયો એટલે કોમર્શીયલ mind વાળા તો હોય જ ને. છેલ્લે એમણે શું કહ્યું? “આનંદઘન કહે માહરું આણો તો સાચું કરી જાણું.” તમે મનને સ્થિર કર્યું છે એવું જ્ઞાનીઓ કહે છે પણ મારા મનને તો સ્થિર કરી આપો તો હું માનું ખરેખર, તમારું પણ સ્થિર થયું. અને તમે એમાં શક્તિશાળી છો કે બધાના મનને તમે સ્થિર કરી શકો. આનંદઘન કહે “માહરું આણો તો સાચું કરી જાણું” આ કોમર્શીયલ માઈન્ડ આવી ગયું. તમારું તો નિર્મળ મન થઈ ગયું. મારું શું? મારુ પણ કરી આપો.
એ જ રીતે tasty છે વસ્તુ કે un tasty એ જીભ નક્કી નથી કરતુ. એ તમારું મન નક્કી કરે છે. ભારતમાં જન્મેલો માણસ કડક મીઠી ચા સવારે પીએ છે. ચાઈના કે તિબેટનો ક્યાંય નો હોય તો ત્યાં મીઠું નાખે, salt નાંખેલી ચા અપાય છે. અને એ એમને મીઠી લાગે છે, સારી લાગે છે. નાનપણથી પીતા આવ્યા, મન એ રીતે ટ્રીટ થઈ ગયું. બસ વાત પૂરી થઈ ગઈ.
તો તમારી ઇન્દ્રિયો ગુનેગાર નથી, તમારું મન ગુનેગાર છે. ઇન્દ્રિયો તો અમારી પાસે પણ તમારાં જેવી જ છે. મનને અમે બદલી નાંખ્યું એટલે એ જ ઇન્દ્રિયો અમારા માટે જે છે તે નિર્જરા રૂપ છે. ભગવાને આચારાંગસૂત્રમાં કહ્યું, जे आसया ते परिसया, जे परिसवा ते आसया। જે આશ્રવના કેન્દ્ર રૂપ છે એ જ નિર્જરાના કેન્દ્ર રૂપ બની શકે છે. એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા, આ જ શરીર દ્વારા સાધના કરી શકાય છે. અને મેતાર્યમુનિ જેવા, ગજસુકુમાલમુનિ જેવા આ જ શરીર દ્વારા સાધના કરી અને મોક્ષે પહોંચ્યા છે.
તો પ્રભુ ચોરામાં ઉભેલા છે. ભગવાને બેસવાનું તો છે જ નહિ. “સાડા બાર વરસ જિન ઉત્તમ જિનજી ભૂમિ ન ઠાયા હો…” જમીન ઉપર બેસવાનું તો છે જ નહિ. પછી ધ્યાન પૂરું થયું. હવે ધ્યાન પૂરું થયું અને વરસાદ અટકી ગયેલો હોત તો પ્રભુ વિહાર કરી દેત. પણ ધ્યાન અટક્યું અને વરસાદ અટક્યો નથી. એટલે પ્રભુને ચોરામાં ઉભા રહેવું પડે છે. તો એ વખતે પ્રભુની આંખ ખુલ્લી છે, કાન પણ ખુલ્લાં છે સેંકડો લોકો ગપ્પા મારી રહ્યા છે એ દ્રશ્ય આંખમાં પડે છે. પણ પ્રભુની ઇન્દ્રિયો એવી કહ્યાગરી હતી કે એક પણ ઇન્દ્રિયો પરમાં જતી નથી. એટલે એ વખતની સાધનાનું બહુ જ પ્યારું સૂત્ર આચારાંગસૂત્રમાં આવ્યું. “विसोगे अदक्खु”. પ્રભુ માત્ર જોતા હતા. મધ્યસ્થભાવે. ન રતિભાવ છે ન અરતિભાવ.
આપણી છે ને તકલીફ ક્યાં થાય ખબર છે? થોડીક પણ સાધના કરતા હોઈએ. ધારો કે તમે નવકારવાળી ગણો છો પૌષધમાં, સ્વાધ્યાય જ કરો છો. તમે નક્કી કર્યું મૌનમાં જ રહેવું છે. તમે મૌનમાં રહો બહુ સરસ વાત તમને ધન્યવાદ આપું. પણ બાજુમાં જ પૌષધમાં રહેલાં એક શ્રાવકજી બોલે છે. ન બોલવું જોઈએ. કદાચ સાવદ્ય વાતો પણ એમના મોઢેથી નીકળી જાય છે. એ વખતે તમારાં મનમાં શું થશે? લ્યો, આ પૌષધ કર્યો! આવી રીતે પૌષધ થતા હશે?! એક વાત યાદ રાખો. બીજાની અંદર જે પણ ગુણ છે એ ગુણને તમારે જોવા છે. કોઈના પણ દોષને તમારે જોવાના નથી.
એક હિંદુ ગુરુ હતા. ૨૦ થી ૨૫ એમના શિષ્ય. એક શિષ્ય સવારે સાડા ત્રણ વાગે ઉઠી જાય. ગુરુ તો ધ્યાન કરતા જ હોય ત્રણ વાગે ઉઠીને. પેલો સાડા ત્રણે ઉઠી જાય છે ને ધ્યાન કરે છે. પણ એનું ધ્યાન કેવું? ગુરુનું ધ્યાન કેવું? અંદર ઉતરી જાય. પેલાનું ધ્યાન કેવું? બધાનું ધ્યાન રાખે. પેલાં મહાત્મા પાંચ વાગે ઉઠ્યા. કાંઈ ભાન પડે છે?! સાધુપણું છે પાંચ-પાંચ વાગ્યા સુધી ઘોરવાનું હોય?! પેલા તો સાડા પાંચ વાગ્યા સુધી ઊંઘે છે! આ રીતે ઊંઘવાનું હોય?! રોજ જોયા કરે. ધ્યાનમાં કામ આ કરે! સ્વનું ધ્યાનને બદલે પરનું ધ્યાન કરે.
એકવાર ગુરુને કહ્યું સાહેબ નામ સાથે કહ્યું, પેલા મહાત્મા પાંચ વાગે ઉઠે, પેલા સાડા પાંચે ઉઠે, પેલા પોણા છ એ ઉઠે છે. પેલા આમ કરે છે ને પેલા આમ કરે છે. ગુરુ બહુ જ મજાના માણસ. ગુરુએ પ્રેમથી એને કહ્યું કે એ સાડા ચારે, પાંચે કે સાડા પાંચે ઉઠે છે એ મને ખબર નથી?! મને બધી જ ખબર છે પણ તું મને એક વાત કહે, કે તે સાડા ત્રણ વાગે ઉઠીને ઉકાળ્યું શું?! આના કરતા તું છ વાગ્યા સુધી ઊંઘી રહે ને તો તારા માટે સારું છે. કમસેકમ તું બીજાના દોષો તો નહિ જુએ. એટલે તારી સાધના એ છે કે છ વાગ્યા સુધી તારે સુઈ જવું જોઈએ. કારણ કે ઉઠીને આ જ ધંધો તારે કરવાનો હોય, બીજાના દોષો જ તારે જોવાના હોય આ વસ્તુ બરાબર નથી.
તો સૂત્ર એ આવ્યું કે, “विसोगे अदक्खु.” પ્રભુ માત્ર જોતા હતા.
આજનો મનોવૈજ્ઞાનિક કહે છે કે આજનો માણસ ‘only’ કોઈ ક્રિયા કરતો નથી. તમે ‘only’ કોઈ ક્રિયા કરતા નથી. ઓફિસે જવું છે ને જમવા બેઠા એટલે ઓફિસના વિચારો. તમારી એક ક્ષણ એવી હોય છે કે તમે એ ક્રિયામાં હોવ? પ્રતિક્રમણમાં તો નહિ, સામાયિકમાં તો નહિ પણ ખાવાની કે પીવાની ક્રિયામાં પણ તમે સ્વસ્થ હોવ છો ખરા? એ તમારું ખાધેલું બરોબર લોહીમાં પરિણત થતું નથી તો મનોવૈજ્ઞાનિક સ્પષ્ટ કહે છે કે તમે માત્ર ચાવીને ખાઓ એટલું પુરતું નથી, શાંત ચિત્તે ખાઓ એ પણ જરૂરી છે. પણ આજનો માણસ ઓફિસે ગયો; ઘરની ફાઈલ ખોલશે. પત્નીએ આમ કહેલું છે ને દીકરાએ આમ કહેલું છે. રાત્રે ઘરે આવશે; ઘરે આવ્યા પછી, દીકરા જોડે કે એની શ્રાવિકા જોડે પ્રેમથી વાત નહિ કરી શકે. ઓફિસની ફાઈલ ખોલીને બેસી જશે. ઓફિસનું ટેન્શન. ‘Only’, કઈ ક્રિયા તમારી પાસે છે?
એટલે ધ્યાનની પહેલા નિર્વિકલ્પદશા જરૂરી છે. તમે એવી દશાનો અભ્યાસ કરો કે વિચારો બિલકુલ ન આવે. ખરેખર, જો અભ્યાસ થાય ને તો સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવા જેવું જ છે. રાત્રે ઊંઘી જવું છે, લાઈટ ઓફ કરી. એમ જયારે વિચારોની જરૂર નથી; વિચારોને ઓફ કરી દો, એટલે ઓફ થઈ જાય. અને મારા લોકોના વિચારો તો ઓફ જ રહે છે. ઓન કરવાની કોઈ જરૂર પડતી જ નથી. કારણ કે અનુભૂતિની ધારામાં રહેવું છે ને. સ્વનો અનુભવ કરવો છે ને. જ્યાં અનુભવ કરવો છે ત્યાં વિચારોની કોઈ આવશ્યકતા નથી. વિચાર તમારી સાથે તમને મળતાં તમને અટકાવે છે. તમારી સાથે તમે appointment કેમ નથી કરી શકતા?! વિચાર આવે છે માટે. દસ મિનીટ તમે તમારી સાથે એકલા બેઠાં? એકલા બેઠા? વિચારો જ વિચારો. તો નિર્વિચાર તમારે બનવું હોય તો પ્રક્રિયાઓ બહુ સરળ છે. એકદમ સરળ પ્રક્રિયાઓ.
પહેલી પ્રક્રિયા એ છે કે દસ મિનિટ શાંત ચિત્તે બેસો. દસ મિનિટ શાંત ચિત્તે બેસો. કોશિશ એ કરજો. આંખો બંધ કરી, શરીર ટટ્ટાર રાખવું. કોશિશ એ કરવી કે વિચારો બિલકુલ ન આવે. પણ કોઈ વિચાર આવી જાય તો પણ એને જોઈ લેવો એ વિચારમાં ભળવું નહિ. ભલે, શરૂઆતમાં તમે નાપાસ પણ થાઓ. પણ દસ મિનિટ છે ને. અને દસ મિનિટ એટલાં માટે કહું છું કે પછીનો સમય તો તમારું મન તમારી ઉપર હાવી થઈ જ જવાનું છે. પણ દસ મિનિટ તમે સંકલ્પ સાથે બેઠેલા હોવ કે મારે વિચાર કરવા નથી જ. તો જરૂર તમે વિચાર વગર રહી શકો. હવે જો શક્ય હોય તો એ દસ મિનિટ વાળી સાધના દિવસમાં 3 વાર, ૪ વાર, ૫ વાર કરો.
હજુ પચ્ચીસેક દીવસ હજુ હું અહિયાં છું. તમે અનુભવ કરીને મને કહો. નહીતર શાહપુર આવજો વાંધો નથી. કે આ સાધનાથી તમને શું મળ્યું? કારણ કે વિચારો તમારી બધી જ સાધનાને disturb કરે છે. તમારું સામાયિક બરોબર ન થયું. કેમ? વિચારો. પ્રતિક્રમણ બરોબર ન થયું. કેમ? વિચારો. એ ગણધર ભગવંતો એ આપેલા સુત્રો… એ એક નમુત્થુણં તમે બોલતા હોવ અને પ્રભુની ભક્તિ તમારાં હૃદયમાં એવી ઉભરાય કે એ નમુત્થુણં બોલતા અને સાંભળતા તમારી આંખો આંસુ વગરની હોઈ શકે નહિ.
એ તમે ગુરૂવંદન સૂત્ર બોલો. કેટલી મજાની પ્રક્રિયા આપી. એ તમારી મુહપત્તિ, એમાં તમે ગુરુના ચરણોની કલ્પના કરો. કારણ તમે ૧૦૦-૨૦૦ જણા પ્રતિક્રમણ કરો છો ત્યારે બધા ગુરુના ચરણે આવી શકો નહિ. તો મુહપત્તિમાં તમે ગુરુના ચરણોની કલ્પના કરો છો. અમે લોકો ઓઘામાં કરીએ છીએ. ‘અહો કાયમકાય સંફાસં’ એ ગુરુના ચરણે અડેલો હાથ મસ્તકે અડાડીએ છીએ. તમારે શું થાય? હવામાં બેટિંગ થતી હોય! તમારો દીકરો આવેલો હોયને સંવત્સરીના દિવસે. સંવત્સરીએ તો પ્રકાશ ઘણો હોય. તમે આમ-આમ કરતા હોવ. તો કહે પપ્પા શું કરો છો આમ? મચ્છર હલાવો છો? શું કરો છો? આ બેટિંગ કરો છો હવામાં? ન અહિયાં અડે હાથ, ગુરુના ચરણોને. ન મસ્તકે હાથ અડે.
તો કેટલી મજાની પ્રક્રિયા! ગુરુના ચરણે જે હાથને અડાડો છો એ જ હાથ મારા મસ્તકે અડે છે. એટલે ગુરુ ચરણના સ્પર્શનો લાભ તમને મળે છે! અને એ પણ એકેક વાર નહિ બાર વાર! બે વાંદણા સૂત્ર બોલો એટલે બાર વાર ગુરુચરણોનો સ્પર્શ તમને મળે. વિચાર તો કરો આટલી અદ્ભુત્ત સાધના! પણ એ સાધનાના બળમાંથી, હાર્દથી વંચિત રહ્યા.
આ જવાહરનગરની સભા. શ્રેષ્ઠકોટિના મહાત્માઓ અહીં પધારે છે. પ્રતિક્રમણ સુત્રોના અર્થ તમે જાણેલા પણ હોવ. તમે એમાં ઊંડા ઉતરેલા પણ હોવ. માત્ર તમારે આ જો વિચારોની ચુંગાલમાંથી મુક્તિ મળી જાય તો તમારી ક્રિયા અમૃતઅનુષ્ઠાન બની જાય.
તો આ નિર્વિચારદશાના અભ્યાસ માટે નાનકડી સાધના છે. દસ જ મિનિટ. મને એટલાં બધા સાધકો મળ્યા છે પાછળથી. સેંકડો. જેમણે કહ્યું કે સાહેબ આંખો બંધ કરી હાથને આમ ધ્યાન મુદ્રામાં રાખી અને જ્યાં અમે ચિત્તને શાંત કરીને બેસીએ છીએ એના કારણે અમને એટલો બધો બેનીફીટ મળ્યો કે સામે નિમિત્ત આવી રહ્યું છે. રાગ અને દ્વેષમાં ઢસળાઈ જઈએ એવું થાય એવું છે. પણ જ્યાં આમ બેસી જઈએ, બસ નિમિત્તથી, રાગ-દ્વેષથી અમે totally cut off થઈ જઈએ છીએ. એક કે બે મહિનાની સાધના આવી જેમણે કરેલી છે એવા એક-બે નહિ સેંકડો સાધકોનો આ અનુભવ છે કે એ લોકો નિમિત્ત મળે ત્યારે નિમિત્તમાં ન જતા પ્રભુમાં રહી શકે છે. કારણ વિચારોને એ નિમિત્તો તરફ જતા રોકી શકે છે. આટલી નાનકડી! આટલી સરસ સાધના તમને મળેલી હોય, આજથી શરુ કરી દો. મુહુર્ત સારું છે આજે હો. ઓળીની સાધના થઈ ગઈ છે. પારણું પણ થઈ ગયું છે. એટલે હવે પાછી સાધનાની ધારા આપણી ચાલુ છે.
તો પ્રભુની અમૃતસાધના આપણે ભીની-ભીની આંખે જોવી છે. હજુ તો થોડીક સાધના જ થઈ છે. ત્રણ-ચાર સુત્રો જ થયા છે. આગળ-આગળ-આગળ એટલું બધું ઊંડાણ છે. મેં પણ પહેલી વાર વાંચ્યું ને ત્યારે હું પણ આશ્ચર્યચકિત થયો કે આચારાંગસૂત્રના પહેલા શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં પ્રભુની સાધનાનું આટલું ઊંડું વર્ણન ભગવાન સુધર્માએ આપેલું છે. તો આપણા માટે તો એક ઓચ્છવ થઈને આ એક આચારાંગસૂત્ર આવી ગયું છે આપણે એના ઊંડાણમાં જઈએ.