વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વિસ્મય
વર્તમાનકાળની અંદર વિચારોની કોઈ ઉપયુક્તતા જ નથી. વિચારો યા તો તમને ભૂતકાળમાં લઇ જાય યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. અને બીજું, કે વિચારો તમને પરમાં જ ખેચી જશે. સ્વમાં તમારે આવવું હોય, તો વિચારોને બહાર મૂકીને જ આવવું પડશે.
અનંતકાળથી વિચારો તમને માત્ર અને માત્ર પરમાં ખેંચી ગયા છે. જયારે પણ તમે સ્વના અનુભવની દશામાં છો, ત્યારે વિચારો નથી. સ્વનો માત્ર અનુભવ કરવાનો છે. તમારા આનંદની વાતો તમે કરો – એ સ્વાનુભૂતિ નથી. તમારા આનંદ વિશે તમે વિચારો – એ પણ સ્વાનુભૂતિ નથી. તમે તમારા આનંદને માણો, enjoy કરો એ જ સ્વાનુભૂતિ છે.
નિર્વિચાર દશા માટે એક મજાની વાત આશ્ચર્યની (વિસ્મયની) બતાવી. આશ્ચર્ય શું કરે? તમારા conscious-mind ને થોડી વાર માટે નિષ્ક્રિય બનાવી દે. અને conscious-mind બાજુમાં ખસે, ત્યારે ત્યાં તમે પોતે હાજર હોવ. તમારું મન નહિ, તમે પોતે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૫
દેવાધિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા.
ભાઈના આગ્રહથી પ્રભુ બે વરસ વધુ ગ્રહસ્થ પણામાં રહ્યા. એ વખતે પ્રભુએ જે સાધના ત્રિપદી ઘૂંટી એની વાત ભગવાન સુધર્માસ્વામીએ પરમપાવન આચારાંગસૂત્રમાં કરી. “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતા-દ્રષ્ટા ભાવનું ઊંડાણ. આ સાધના ત્રિપદી પ્રભુએ બે વરસ સુધી લગાતાર ઘૂંટેલી.
આપણે આત્માનુભૂતિ શી રીતે થાય? એની વાત જોઈ રહ્યા છીએ. અને એમાં એક વાત પકડાઈ કે નિર્વિચારદશા, નિર્વિકલ્પદશા એ ફાઉન્ડેશન છે. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી સ્વની દુનિયામાં જવું એ અઘરું જ નહિ અશક્ય પણ છે.
ગુર્જિએફ આજના યુગના યોગાચાર્ય. એમની પાસે જે સાધકો આવતા એમને ગુર્જિએફ સેકન્ડ કાંટાવાળી એક ઘડિયાળ આપતા. અને કહેતા કે એક મિનિટ સુધી કાંટાની પાછળ-પાછળ સેકંડ ટુ સેકંડ તું ચાલ. એક – એક સેકંડની નોંધ તું રાખ. બધા જ સાધકો એ કામ કરી શકતા. એક મિનિટ સુધી કાંટાની પાછળ સેકંડ ટુ સેકંડ જવું અઘરું કઈ હતું નહિ. એ પછી ગુર્જિએફ બીજું લેસન આપતા કે હવે સેકંડ કાંટાને જોનારને તું જો. સેકંડ કાંટાને તે બરોબર જોયો. એક મિનિટ સુધી એની journey ચાલી. તારી પણ journey જોડે જોડે ચાલી. હવે નું લેસન એ છે કે સેકંડ કાંટાના જોનારને તું જો. લગભગ સાધકો એમાં fail ગયા. ત્યારે ગુર્જિએફ સમજાવતા કે સેકંડ કાંટાને તું બરોબર જોઈ શક્યો તો પછી સેકંડ કાંટાના જોનારને તું કેમ ન જોઈ શક્યો? સીધી વાત આવી સેકન્ડ કાંટાનો જોનારો આત્મા. અને એ આત્માની અનુભૂતિ કરવી હોય તો તમારે નિર્વિચાર બનવું જ પડે.
વિચારો તમને બે બાજુ લઇ જાય છે. વિચારોને બે નબળાઈ છે. પહેલી નબળાઈ તો મેં કહેલી તમને કે વિચારો યા તો તમને ભૂતકાળમાં લઇ જાય યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. વર્તમાનકાળની અંદર વિચારોની કોઈ જ ઉપયુક્તતા નથી આજે તમે દેરાસરે જશો પૂજા કરવા અથવા જઈને આવ્યા છો. પ્રભુનો સ્પર્શ થાય એ વખતે ભીતર જે રણઝણાટી રેલાય. ભીતર જે ખલબલાટી મચે એનો અનુભવ તમને નથી થતો. કારણ શું? કારણ- તમારાં વિચારો. વિચારો તમને વર્તમાનક્ષણનો અનુભવ નહિ થવા દે. યા તો એ તમને ભૂતકાળમાં લઇ જશે યા ભવિષ્યકાળમાં. જો તમે ગભારામાં પ્રવેશતી વખતે બરોબર નિસીહી બોલો અને વિચારોને stop કરીને ગભારામાં જાવ તો ગેરંટી સાથે કહું કે પ્રભુનો સ્પર્શ થતાની સાથે અંદર એક રણઝણાટી, એક ખલબલાટી મચશે. અને તમે એનો અનુભવ કરશો.
તો વિચારોની બે નબળાઈ છે. પહેલી નબળાઈ તો આ કે એ તમને યા તો ભૂતકાળમાં, યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. જમવા માટે બેસવાની તૈયારી કરો છો તમે એ વખતે ફોન આવ્યો. સમાચાર લીધા. સમાચાર બહુ જ ખરાબ હતા. કરોડો રૂપિયાનું નુકસાન તમને થઈ જાય એવા સમાચાર હતા. શેરબજારમાં કડાકો બોલી ગયેલો. એ સમાચાર તમે સાંભળ્યા. થાળી પીરસાઈ ગયેલી. તમે જમવા બેસી પણ ગયા. જમ્યા પછી તમને પૂછવામાં આવે શાક શેનું હતું? તમે કહેશો મને કંઇ ખબર નથી. હું પેલા વિચારોમાં હતો. તો એ વિચારોમાં તમે જતા રહ્યા. ભવિષ્યકાળમાં શું થશે? એની વિચારણામાં તમે જતા રહ્યા. તો વર્તમાનક્ષણોમાં તમે હજાર રહી શકતા નથી. કયું શાક ખાધું, તમને ખ્યાલ નથી. તો વિચારોની એક નબળાઈ તો આ, કે એ યા તો તમને ભૂતકાળમાં લઇ જાય યા તો ભવિષ્યકાળમાં લઇ જાય, વર્તમાનકાળમાં તમને જવા જ ન દે. કારણ, એ સમજે છે વિચાર પણ કે આ વ્યક્તિ વર્તમાનકાળમાં રહેશે તો વિચારોનું મૃત્યુ થઈ જશે. અમારા લોકોની વાત અમે કરીએ તો અમને વિચારો આવતા જ નથી હોતા. જ્યાં સ્વની અનુભૂતિની ક્ષણો ચાલી એ આનંદની ધારામાં અસ્તિત્વ વહેવા લાગ્યું ત્યાં વિચારો હોતા જ નથી.
તો વર્તમાનક્ષણમાં વિચાર નથી. બીજી વાત, વિચારની એ નબળાઈ છે કે એ તમને પરમાં જ ખેચી જશે. સ્વમાં તમારે આવવું હોય તો વિચારોને તમારે બહાર મુકીને જ આવવું પડશે. અનંતકાળથી આ વિચારો તમને માત્ર અને માત્ર પરમાં ખેંચી ગયા છે. બહુ મજાની વાત કહું. જે ક્ષણે અનુભૂતિ છે એ ક્ષણે વિચાર નથી. તમે જ્યાં સુધી ભાણા પર બેઠાં છો. તમારાં ભાણામાં કશું આવ્યું નથી. પીરસાયું નથી ત્યાં સુધી વિચારો આવશે. આજે શું બનેલું હશે? શાક શેનું હશે? ફરસાણમાં શું હશે? મીઠાઈમાં શું હશે? પણ જે ક્ષણે પીરસાઈ ગયું, તમે ખાવાનું ચાલુ કર્યું; કોઈ વિચાર નથી. કારણ? ખાવાની વાત, ખાવાની ક્રિયા અનુભૂતિના સ્તર પર ચાલુ થઈ.
રામકૃષ્ણ પરમહંસ કહેતા, બ્રાહ્મણો ભેગા થયા હોય જમણવાર માટે. લાડુ, દાળ, ભજીયા. બુમો પડતી હોય. પણ બધું પીરસાઈ જાય અને હર હર મહાદેવ થાય પછી બધા જમવાનું ચાલુ કરે ત્યારે આખા પંડાલમાં ગહન ચુપ્પી છવાય જાય. તો જયારે પણ તમે અનુભવની દશામાં છો ત્યારે વિચારો નથી. સ્વનો માત્ર અનુભવ કરવાનો છે. તમારાં આનંદની વાતો તમે કરો એ સ્વાનુભૂતિ નથી. તમારાં આનંદ વિશે તમે વિચારો એ પણ કોઈ સ્વાનુભૂતિ નથી. તમે તમારાં આનંદને માણો, enjoy કરો એ સ્વાનુભૂતિ છે.
તો વિચાર તમને પરમાં લઇ જઈ શકે છે. સ્વમાં લઇ જઈ શકતો નથી કારણ વિચારને સ્વનો અનુભવ જ નથી. તમે એકવાર સ્વનો અનુભવ કર્યો હોય તો પાછળથી સ્વના વિચારો આવી શકે. તો હવે આપણે શરૂ કરવું છે. નિર્વિકલ્પદશા જોઈએ છે. એવી ક્ષણો થોડીક મળી જાય. જયારે વિકલ્પો, વિચારો બિલકુલ નથી. એ ક્ષણોમાં તમે તમારી ભીતર ઉતરી શકો. એના માટે એક મજાની વાત આશ્ચર્યની, વિસ્મયની બતાવી. આશ્ચર્ય શું કરે? તમારાં conscious mind ને થોડી વાર માટે નિષ્ક્રિય બનાવી દે.
એક બૌદ્ધ ભિક્ષુ ગુરુની પાસે ગયો. ગુરુના ચરણોમાં વંદના કરી, એણે કહ્યું, ગુરુદેવ બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવો તો પ્રશમરસ છવાયેલો હશે. ગુરુ એના પ્રશ્ન સામે નહિ, એના ચહેરા સામે જુવે છે અને એનો ચહેરો જોતા ગુરુને લાગ્યું કે એનો પ્રશ્ન conscious mind ના લેવલનો છે એટલે એ પ્રશ્નનો કોઈ અર્થ નથી અને એને જવાબ આપવાનો પણ કોઈ અર્થ નથી. એ પછી ગુરુએ શું કર્યું? ગુરુ પાટ પર બેઠેલા હતા. પાછળ મોટી બારી હતી. સળિયા વગરની. ખુલ્લી બારી. ગુરુએ શિષ્યને બોચીથી પકડ્યો. અને સીધો જ બારી વાટે નીચે ફેંક્યો. ગુરુને ખ્યાલ હતો, આઠેક ફૂટ નીચે ધરતી આવે છે અને ત્યાં રેત બહુ છે એટલે વાગે એમ નથી. બોચીથી પકડ્યો, બારી વાટે નીચે નાંખ્યો. હવે આ તો કેવી ઘટના કહેવાય?! ગુરુને પ્રશ્ન પૂછવા ગયો છું હું. ગુરુ ઉત્તર આપે પણ ખરા, ન પણ આપે. એ ગુરુની મરજીની વાત છે. પણ આવા સદ્ગુરુ પ્રશ્ન પૂછવા જનારને નીચે પટકે એવું બને ખરું? એકદમ આશ્ચર્યકારક ઘટના બની. પેલો રેતમાં ચત્તોપાત પડ્યો છે. એકદમ આઘાત… આશ્ચર્ય…. સદ્ગુરુ આવું કામ કરી શકે! એ આશ્ચર્યની ક્ષણોમાં conscious mind બાજુમાં ખસી ગયેલું.
Conscious mind બાજુમાં ખસે એ અમારા માટે ઓચ્છવ છે. તમારું conscious mind બાજુમાં ખસ્યું એનો મતલબ એ થયો કે અત્યારે હું તમારી જોડે વાત કરું છું, નહિ કે તમારાં મન સાથે, કે તમારાં કાન સાથે. લગભગ આમારી વાત કોની સાથે હોય? કોની સાથે હોય? યા તો તમારાં કાન સાથે, યા તો તમારાં conscious mind સાથે. પ્રવચનકાર મહાત્મા અસ્ખલિત ગતિએ બોલતા હોય, તમારાં કાનને ઓચ્છવ થઈ જાય. પ્રવચનકાર મહાત્માએ એવા પદાર્થો આપ્યા, જે તમે ક્યારેય પણ સાંભળ્યા નહોતા. તમારાં મનને ઓચ્છવ થઈ ગયો. But where are you? આમાં તમે ક્યાં?
તો conscious mind સહેજ બાજુમાં ખસ્યું થોડીક સેકન્ડો માટે, અમારા માટે એ સેકન્ડો મુલ્યવાન છે. કારણ, એ વખતે conscious mind નથી, તમે પોતે છો. એટલે અમારા શબ્દો. પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો સીધા તમને મળવાના. પાંચ-સાત સેકન્ડ થઈ, ગુરુ પાટ ઉપરથી ઉભા થયા. બારીએથી ડોકિયું કર્યું. પેલા ભાઈ તો ચત્તાપાટ પડ્યા છે. ગુરુએ ડોકિયું કર્યું. પૂછ્યું? કેમ ભાઈ! ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હોય એનો ખ્યાલ આવ્યો હવે? પેલો કહે છે જી, આવી ગયો. ગુરુ પાટ પર બેસી ગયા. પેલો બેઠો થઈને, ઉભો થઈને ગુરુની ચેમ્બરમાં આવ્યો. ફરી ગુરુને વંદના કરી અને બહુ જ આભાર માન્યો. શું થયું? conscious mind ખસી ગયેલું બાજુમાં અને ગુરુએ ડોકિયું કર્યું. એણે એ વખતે ગુરુના ચહેરાને જોયો. ગુરુના ચહેરા ઉપર એટલો બધો પ્રશમરસ છવાયેલો. પેલાને થયું ગુરુનો આ ચહેરો હજુ સુધી મેં જોયો નથી. આટલો બધો પ્રશમરસ સદ્ગુરુના મુખ ઉપર છે તો ભગવાન બુદ્ધના મુખ ઉપર તો કેવો પ્રશમરસ હોય?! એણે calculation લગાવ્યું. જવાબ મળી ગયો. અને આભાર માનવા માટે ગુરુ પાસે આવી ગયો.
હવે તમારી વાત કરું. પ્રભુ પાસે જઈ આવ્યા. કેટલા બધા સદ્ગુરુઓ પાસે જઈ આવ્યા. પણ એ સદ્ગુરુઓના મુખ ઉપર તમે શું જોયું? તમે સદ્ગુરુની આજુબાજુની કંઇક હશે જોયું હશે. કોણ બેઠું છે બાજુમાં? ઓહોહો આટલા બધા ભક્તો સાહેબ પાસે આવે છે. તમે સદ્ગુરુના દર્શન માટે આવો છો કે આજુબાજુવાળાના..? આ ભૂલ આજની નથી અનંતકાળની છે. પ્રભુના સમવસરણમાં આપણે ગયા પણ એ સમવસરણમાં ગયા પછી પ્રભુના મુખ ઉપર રહેલી પરમ ઉદાસીનદશાને આપણે ક્યારેય પણ જોઈ નહિ. જોયું શું? ચોસઠ ઇન્દ્રો પ્રભુના ચરણોમાં ઝૂકેલા છે. અલ્યા ભાઈ! તું ઇન્દ્રોના દર્શન કરવા આવેલો? પ્રભુનું? કેટલી વાર સમવસરણમાં આપણે ગયા; માત્ર અને માત્ર પ્રતિહાર્યોનો દર્શન કરી અને પછી પાછા ફર્યા.
આજે પણ શું કરો છો? પર્યુષણના દિવસો છે. આજ તો ભગવાનને હીરાની આંગી છે! આજ તો પ્રભુને બહુ મજાની સોનેરી વરખની આંગી છે! ભાઈ! તું શેના દર્શન માટે જાય છે? એ હીરાની આંગી છે, હીરાનો મુગટ છે પણ આપણે જોવા છે પરમાત્માને. હીરાનો મુગટ ભક્ત ધરાવે, એ ભક્તની ભક્તિની વાત છે પણ એ અપાર વૈભવની વચ્ચે પ્રભુના મુખ ઉપર જે પરમ ઉદાસીનદશા છે એને આપણે જોવાની છે. ચાલો ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ. હવે? હવે પ્રભુને કઈ રીતે જોવાના? હવે સદ્ગુરુને કઈ રીતે જોવાના?
સિદ્ધજુગારીયો ઉપાશ્રયમાં આવે. પહેલી જ વાર ઉપાશ્રયમાં આવેલો એ માણસ ચારથી-પાંચ કલાક આચાર્ય ભગવંતને અને મુનિવરોને જુએ છે અને પાંચ કલાકને અંતે ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરે છે. એ કહે છે ગુરુદેવ હજારો લોકોને જોયા પણ તમારાં બધાના મુખ ઉપર જે પરમ આનંદ છે એવો આનંદ દુનિયામાં ક્યાંય જોયો નથી. મારે આનંદમય જીવન જીવવું છે. આપના ચરણોની અંદર મારા જીવનને હું સમર્પિત કરું છું. પાંચ કલાક. માત્ર ગુરુદેવોના સાનિધ્યમાં રહ્યો અને ગુરુદેવોના મુખ ઉપર જે આનંદ હતો એને એણે જોયો. અને સીધું જ સમર્પણ થઈ ગયું. શું કર્યું એણે? એક-એક ગુરુભગવંતોના ચહેરા ઉપર રહેલાં દિવ્ય આનંદને એણે જોયો. પહેલા તો એને નવાઈ લાગી. આવો આનંદ દુનિયામાં હોઈ શકે ખરો? પણ જોયું કે વાસ્તવિક રૂપે છે. હજારો લોકોને જોયા, આવો આનંદ કોઈના ચહેરા ઉપર જોયો નથી, એ આ ગુરુદેવોના ચહેરા ઉપર છે. મારે પણ મુનિ બની જવું છે. મારે પણ આવો આનંદ જોઈએ છે.
તમારે શું જોઈએ બોલો? તમારે શું જોઈએ? પેલો વેપારી હોય ને. સેલ્સમેન. એ શું કરે? સેમ્પલ લઈને નીકળે. અત્તરનો વેપારી હોય તો શું કરે? તમને છાંટી આપે થોડું. કહે જુઓ કેવું મજાનું છે! એમ પ્રભુએ અમને લોકોને સેમ્પલ તરીકે રાખ્યા. કે તમે મારી વાત સાંભળી કે મુનિપણામાં પરમઆનંદ હોય છે. પણ જોઇ લો મારા મુનિઓને એમના ચહેરા ઉપર કેવો આનંદ છે. હું કહેતો હોઉં છું ઘણીવાર. કે રાત્રે બાર વાગે અમારા ઉપાશ્રયમાં પુરુષોને આવવાની છૂટ હોય છે. તમે આવી શકો. અને એક પણ મુનિ ઉદાસ થઈને બેઠેલો હોય તો રંગે હાથે પકડજો. મહારાજ સાહેબ તમે ઉદાસ કેમ? ગેરંટી સાથે કહું એક પણ મુનિ, એક પણ સાધ્વી ક્યારેય પણ ઉદાસ ના હોય. પ્રભુ મળ્યા, પ્રભુનું શ્રામણ્ય મળ્યું. દુનિયાની અંદર જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે એ મળી ગયું હવે તો એ બાદશાહ છે.
હિરવિજયસૂરી મહારાજ સાહેબના એક શિષ્ય હતા. ભાનુચંદ્ર વિજય. બહુ જ પ્રબુદ્ધ. બહુ મોટા વિરાગી. ગુરુદેવને-હીરસુરીદાદાને દિલ્હીથી વિહાર કરવાનો થયો. અકબર બાદશાહે વિનંતી કરી કે સાહેબ આપ તો બહુ મોટા ગુરુ છો અને આપને તો ઘણા બધા બોલાવે અને આપે જવું પણ પડે. પણ મારું શું? રોજ આપની દેશના સાંભળતો હતો અને એટલે ચોવીસ કલાક મારા એકદમ સરસ જતા. આપ જશો પછી મારું શું થશે? ભલે આપ પધારો. આપણે જવું જ પડે એમ છે. કેવી પ્રતિષ્ઠા છે પ્રભુની કે આવા ગુરુ વિના એ પ્રતિષ્ઠા થાય એવી નથી. તો ગુરુદેવ આપને ભલે જવું પડે. આપ જાવ. પણ આપના કોઈ શિષ્યને મુકીને જાઓ. અને એ વખતે ગુરુદેવે કહ્યું ભાનુચંદ્ર તારે આ પાંચ જણા જોડે અહીંયા રોકાવાનું છે. અને બાદશાહને રોજ ઉપદેશ તારે આપવાનો છે. ગુરુની આજ્ઞા. વિચારવાનો સવાલ હોતો જ નથી. તમે બોલો અતિચારમાં કેમ? અમે તો બોલીએ, તમે પણ બોલો ને? ગુરુવચન તહત્તી કરી પડીવજ્યું નહિ. સદ્ગુરુ આજ્ઞા આપે એનો સ્વીકાર.
પણ સદ્ગુરુ બે રીતે આજ્ઞા આપે છે. જે અમારા મુનિઓ છે, જે અમારી સાધ્વીજીઓ છે. એને ગચ્છાધિપતિ ગુરુ આજ્ઞા આપે ત્યારે સીધી જ આજ્ઞા આપે છે, તારે આમ કરવાનું છે. અને સામે એવી સમર્પિતતા છે કે ગુરુની આજ્ઞા આવી એટલે સીધુ જ તથાકાર. પણ એ તો ઇન્ડોર પેશન્ટ છે. તમે આઉટડોર પેશન્ટ છો. તમારાં માટે વ્યવસ્થા અલગ રાખી છે. એમને આજ્ઞા અમારે કરવાની છે, ઇન્ડોર પેશન્ટને ત્યારે અમે કોઈ જ વિચાર નથી કરતા. એનું કલ્યાણ થાય એવી આજ્ઞા આપી જ દઈએ. અને ખાત્રી છે કે એ વ્યક્તિ સ્વીકારી જ લેવાની છે. પણ તમને આજ્ઞા આપવાની હોય ને ત્યારે અમે વિચારીને આપશું. સામાયિક પારવાનું છે. તમે આદેશ માંગ્યો. ઈચ્છાકારેણ સંદીસહ ભગવાન સામાયિક પારુ? ચલો અમે હા ન પડી શકીએ, ના કેમ નથી પાડતા?
બહુ મજાની આ વાત છે. તમે જયારે કહો છો, સાહેબજી, સામાયિક પારુ? ત્યારે કોઇ પણ મુનિ, કોઈ પણ સાધ્વીજી હા ન પાડી શકે. કારણ, તમે સંસારમાં જાઓ, તમે જે કરો એની અનુમોદનાનું પાપ લાગે છે. તમે અમને વંદન કરવા માટે આવો એ તમારાં તરફ ખુલતી વાત. કોઈ પણ મુનિ જો માની લે કે આ ભાઈ વંદન કરવા આવ્યા એ સારું થયું તો એને અનુમોદનાનું પાપ ચોંટી જાય છે. તમે જેટલી વિરાધના કરીને આવ્યા છો એની અનુમોદનાનું પાપ એને લાગી ગયું. એ ક્યારેય પણ વિચારી ન શકે કે એક શ્રાવક આવ્યો તે સારું થયું. તમારાં તરફ એ વાત ખુલે છે કે થોડો સમય થયો સદ્ગુરુ પાસે જઈ આવું. ચાર્જ થઈ જાઉં. પણ એ તમારાં તરફની વાત છે. અમે ક્યારેય પણ આને સારું માની શકીએ નહિ. માત્ર મૌન.
તો તમે પૂછ્યું, સાહેબજી સામાયિક પારુ? અમે હા તો ન કહીએ. ના કેમ ન કહીએ? આ જ કારણ. તમે આઉટડોર પેશન્ટ છો. ધારો, કે કોઈ ગુરુ કહી દે કોઈ કે ના નથી પારવાનું. પેલો કહે મારે તો પારવું છે. એ ગુરુની આજ્ઞાનો ભંગ કરે તો એમાં માત્ર એ જ આજ્ઞાભંગના પાપનો ભાગીદાર થાય એમ નહિ, ગુરુ પણ થાય. કારણ, ગુરુએ વિચાર્યા વગર આઉટડોર પેશન્ટને આજ્ઞા આપી.
એટલે આ લોકોને આજ્ઞા આપીએ, ઇન્ડોર પેશન્ટને ત્યારે અમારે કાંઈ વિચારવાનું નથી. બરોબર ને? આજ્ઞા એટલે આજ્ઞા. એમાં પણ ફરક પાડ્યો છે. અમારે ત્યાં પણ. ગીતાર્થગુરુની આજ્ઞા છે એને નિર્વિકલ્પ સ્વીકારવાની છે. કોઈ વિચાર નહિ. ગીતાર્થગુરુ છે, એ કહે આમ કરવાનું એટલે કરવાનું. સાહેબ, આમ તો કેમ થાય? એવો પ્રશ્ન પણ ન આવે… પણ અગીતાર્થગુરુ હોય અને એ કોઈ આજ્ઞા આપે તો એ આજ્ઞામાં વિચાર એ કરી શકાય કે આ આજ્ઞા પ્રભુ આજ્ઞાને સમંત છે ને? મારો શિષ્ય છે અને કોઈ યુવાન એનો શિષ્ય થઈ રહ્યો છે તો હું મારા શિષ્યને કહી દઉં તું ગુરુ બને છે પણ વ્યવહાર ગુરુ તું છે. નિશ્ચયગુરુ નહિ. નિશ્ચયગુરુ તો માત્ર ગીતાર્થ ગુરુ જ હોય. અને બેઉના કામ અલગ છે.
નિશ્ચયગુરુ શું કરે? તમારી સાધનાને આકાર આપે. એક શિષ્યને સ્વાધ્યાય કેટલો કરવાનો?, ભક્તિ કેટલી કરવાની? સ્વાધ્યાયમાં કયા ગ્રંથો વાંચવાના? એની જીવનવ્યાપિની સાધનાની ધારા કઈ હોય, આ બધુ જ નિશ્ચયગુરુ નક્કી કરે. વ્યવહાર ગુરુ શું કરે? નિશ્ચયગુરુ એ એના માટે જે આજ્ઞા આપેલી છે એને follow up કરાવે. અત્યારે હોસ્પિટલમાં જે તંત્ર છે, એવુ જ તંત્ર અમારે ત્યાં છે. હોસ્પિટલમાં મોટા ડોક્ટર સવારે રાઉન્ડ પર નીકળે. એક – એક જગ્યાએ એક-એક પેશન્ટને જોતા જાય. જોડે નર્સીસ હોય, હાઉસ ડોક્ટર હોય. એ મોટા ડોક્ટર સુચના લખાવતા જાય અને એ પ્રમાણે એ હોસ્પિટલનું તંત્ર ચોવીસ કલાક એને follow up કરે. અમારે ત્યાં આટલી મજાની વ્યવસ્થા છે. નિશ્ચયગુરુ આજ્ઞા આપે. વ્યવહાર ગુરુ એને follow up કરાવે. શું અદ્ભુત્ત જિનશાસન છે! એકવાર ઊંડાણથી પ્રભુશાસનને તમે જુઓ.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું પ્રભુની સ્તવનામાં “શાસન તાહરું અતિ ભલું, જગ નહિ કોઈ તસ સરીખું રે, તિમ તિમ રાગ વધે ઘણો જિમ જિમ જુગતે શું પરખું રે”. પ્રભુ જેમ-જેમ તારા શાસનના ઊંડાણમાં જાઉં છું, એમ તારા પ્રત્યેનો મારો રાગ અત્યંત વધતો જાય છે કે વાહ! પ્રભુ કેવી કૃપા તે કરી કે આવું અદ્ભુત્ત શાસન અમને આપ્યું. અને વિતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું, “श्राद्ध: श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत्! त्वच्छासनस्य साभ्राज्यमेकच्छत्रे कलावपि” અને એનું ગુજરાતી ભાષામાં અનુવાદ જિનવિજય મહારાજ સાહેબે પ્રભુ મહાવીરદેવની સ્તવનામાં કરી “જિન આગમ વક્તાને શ્રોતા, સ્યાદ્વાદ સૂચી બોધજી, કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધજી” પ્રભુ આ તારું શાસન એને કલિકાલની પણ કોઈ અસર થાય એમ નથી. કાળ વિજેતા તારું શાસન છે
પણ હરિભદ્રસૂરિ મહારાજે અને હેમચંદ્રસૂરિ મહારાજે પ્રભુનું શાસન કલિકાલમાં પણ જયવંતુ છે એની પાછળનું કારણ શ્રદ્ધા મૂકી છે. શ્રાદ્ધ શ્રોતા… પ્રવચનકાર મહાત્મા પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બોલી રહ્યા છે અને સાંભળનાર શ્રદ્ધાથી યુક્ત છે. બૌધિકતા ઓછી હોય તો ચાલી શકે, શ્રદ્ધા ઓછી હોય તો ચાલે નહિ. એક પ્રવચન સાંભળો, આંસુ કેટલા ટપકે બોલો? આંસુ કેટલા ટપકે? વાહ! અદ્ભુત્ત! આ તો મારા પ્રભુ જ કહી શકે! અને મારા પ્રભુએ personally FOR ME આટલી સરસ વાતો કરી છે!
તો ઇન્ડોર પેશન્ટ માટેનો નિયમ આ, કે નિશ્ચયગુરુ સાધના આપે. કારણ, એક એક વ્યક્તિની જન્માંન્તરીય ધારા અલગ છે. ગીતાર્થ ગુરુ એક-એક વ્યક્તિની જન્માંન્તરીય ધારાને જુવે છે અને એટલે જ તમારાં માટેની સાધના છે એ આમના માટે નથી, આમના માટેની સાધના એમના માટે નથી. સાધના માટે સમુહમાં, માસમાં તમને લલચાવી શકાય પણ સાધના તો personally જ આપી શકાય.
તો ગુરુ એક-એક સાધકને જુવે અને એ સાધકની જન્માંન્તરીય ધારા પ્રમાણે એને સાધના આપે. નિશ્ચય ગુરુ સાધના આપી દે. વ્યવહાર ગુરુ એને follow up કરાવે. આ ઇન્ડોર પેશન્ટ માટેનો નિયમ. તમારાં માટે શું? તમને ગુરુ આજ્ઞા પણ આપશે અને એ પહેલા આજ્ઞાને ઝીલવા માટે તૈયાર કરશે. તમે જયારે પૂછો છો. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક પારુ? ગુરુને ખ્યાલ આવે છે કે આને સામાયિક પારવું જ છે. હવે હા પણ ના કહેવાય, ના પણ ના કહેવાય. ના કેમ ના કહેવાય? ગુરુ ના પાડે અને તમે પારી જ લો; ગુરુ આજ્ઞાનો ભંગ થાય, એનું પાપ તમને લાગે એમ ગુરુને પણ લાગે કે ગુરુએ વિચાર્યા વગર આજ્ઞા આપી.
તો ગુરુદેવ એ વખતે શું કહે? ‘પુણોવિ કાયવ્વ’ ન હા ન હા. વચલો રસ્તો. ભાઈ, ફરીથી કરવા જેવું છે. આદેશ નહિ માત્ર પ્રેરણા. ફરીથી કરવા જેવું છે. અને જો તમને લાગે કે ગુરુદેવ કહે છે ફરીથી કરવા જેવું છે અને મને પણ એનો આસ્વાદ તો લાગ્યો જ છે. તો હમણાં કલાક સુધી કામ ન હોય તો ફરીથી સામયિકમાં બેસી જાઉં. એ ગુરુદેવની આજ્ઞા નહિ પણ માત્ર પ્રેરણા, એને ઝીલી લો તમે તો બની શકે કે તમારો આદેશ આખો બદલાઈ જાય. કે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહું? સમાયિક લેવાનું શરૂ થઈ જાય. પણ એમ થાય સામાયિક પારવું જ પડે એમ છે તો બીજો આદેશ તમે માંગો ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક પાર્યું? એ વખતે આંખમાં આંસુ હોય આમ?
પર્યુષણા મહાપર્વની પારણા પાંચમના દિવસે કેટલાય ગામોમાં કેટલીય વાર એક ઘટના રિપીટ થતી જોઈ છે. ચોસઠપહોરી પૌસધ જેણે કરેલા છે એ સાધક પાંચમની સવારે પૌસધ પારતો હોય છે ત્યારે એના ગળે ડૂમો હોય છે. એની આંખમાં આંસુ હોય છે. આઠ દિવસ સર્વવિરતીનો આનંદ માણ્યો અને હવે આરંભ-સમારંભની – વિરાધનાની દુનિયામાં મારે જવાનું? એની આંખમાં આંસુ હોય છે. અને એ આંસુ બતાવે છે કે એને આરાધનાનો આનંદ કેટલો મજાનો માણ્યો છે.
તો તમે કહો છો, સામાયિક પાર્યું, ત્યારે પણ ગુરુદેવ શું કહે છે? ‘આયરો ન મુત્તવો’ આયારો ન મુત્તવો. ભાઈ તારે જવું પડે છે તું જઈ રહ્યો છે પણ આ ક્રિયા પરનો આદર તું છોડતો નહિ, જયારે સમય મળે ફરીથી આવી જજે અથવા તો તને જે આચરણા મજાની મળી છે એ આચરણાને તું છોડતો નહિ. મુહપત્તિ કટાસણામાં પેક થઈ જાય, ચરવળો ખીટી એ લટકાઈ જાય, પણ જયણાનો ભાવ તમારી પાસે છે. સામાયિક કર્યા પછી, સામાયિક પાર્યા પછી જયણાનો ભાવ તમારી પાસે છે. ગેસની શરૂઆત કરો રસોઈ વખતે ત્યારે બર્નરને પૂંજો ખરા? ઘણીવાર આલોચના લેવા બહેનો આવે ત્યારે લખતાં હોય છે. બર્નર ને જોયું નહિ, ત્રસજીવો અંદર હતા ખતમ થઈ ગયા. સામાયિક ભલે પરાઈ ગયું, એનો આનંદ – એનો કેફ તમારી પાસે છે મનની અંદર અને શરીરના સ્તર ઉપર જયણા છે.
આવી રીતની આરાધના તમને શુભમાંથી શુદ્ધમાં લઇ જશે અને ત્યારે આત્માનુભૂતિ તમારી પાસે આવશે.