વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: ઉદાસીન
સમ્યગ્દર્શન એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ. જ્ઞાતાભાવ એટલે શું? તમે કોઈ પદાર્થને જાણો, પણ એમાં રાગ-દ્વેષ ન કરો, એ સારો છે કે ખરાબ છે એવી બુદ્ધિ તમે ન કરો – તે જ્ઞાતાભાવ. જ્ઞાતાભાવ આવે, તો તમે કર્મથી લેપાતા નથી.
ચોથા ગુણઠાણે પણ જ્ઞાતા-દ્રષ્ટાભાવ છે. પાંચમે પણ છે. છટ્ઠે પણ અને સાતમે પણ. તો ફરક શું પડ્યો? ફરક sharpness નો પડ્યો. જેમ-જેમ ગુણઠાણું આગળ વધે, તેમ-તેમ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં ઉદાસીનતા ભળતી જાય અને એટલે એ જ્ઞાતા-દ્રષ્ટાભાવ એકદમ તીક્ષ્ણ બનતો જાય.
પછી એવો ઉદાસીનભાવ આવે કે ક્યાંય તમારી choice જ ન હોય. ઘટના આમ ઘટી તો પણ ઠીક અને તેમ ઘટી તો પણ ઠીક. ઘટનાઓથી સંપૂર્ણતયા અપ્રભાવિત. તમે જીવનની ધારામાં હોવ, રોગની ધારામાં હોવ, કે મૃત્યુની ધારામાં હોવ – એ બધું જ તમારા માટે એક સમાન થઇ જાય, તો તમે ઉદાસીનતાની ધારામાં આવેલા કહેવાઓ.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૭
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
દેવાધિદેવ પરમતારક ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા.
મોટાભાઈના આગ્રહથી બે વર્ષ વધુ ગ્રહસ્થપણામાં રહેવું પડ્યું ત્યારે પ્રભુએ એક સાધનાની ત્રિપદી ઘૂંટેલી. “एगत्तिगत्ते पिहितच्चे अभिण्णाय दंसणे संते” આત્માનુભૂતિ, કાયગુપ્તિ, અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનું ઊંડાણ. આ ત્રણ સાધના પ્રભુએ લગાતાર બે વર્ષ સુધી ઘૂંટી.
ગઈ કાલે કહેલું હતું, તીર્થંકર ભગવંત પાંચમાં ગુણસ્થાને નથી હોતા, ચોથા ગુણઠાણે હોય છે. પણ એમની દ્રષ્ટિ પાંચમી નહિ પણ છટ્ઠી, ગ્રહસ્થપણામાં પણ. કારણ તીર્થંકર ભગવંત જન્મથી જ ઉદાસીનદશામાં રહેલા છે. સમ્યગ્દર્શન એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ. એ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં જેટલી ઉદાસીનતા ભળે, એટલો જ એ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ તીક્ષ્ણ બને. જ્ઞાતાભાવ એટલે શું? તમે કોઈ પણ પદાર્થને જાણો, પણ એમાં રાગ-દ્વેષ ન કરો, એ સારો છે કે ખરાબ છે એવી તમે બુદ્ધિ ન કરો, તો તમે કર્મથી લેપાતા નથી. એક પદાર્થ સારો છે એમ માન્યું, એમાં રાગ બુદ્ધિ કરી, કર્મબંધ તમને લાગી ગયો. તમારી જમવાની સીસ્ટમ અને અમારી વાપરવાની સીસ્ટમ What’s the difference? ફરક ક્યાં છે? સહેજ દાળમાં મીઠું ઓછું હશે તમારું બોઈલર ગરમ થઇ જશે. તરત જ તમે શ્રાવિકાને કહેશો ભાન રાખે છે કે નહિ કંઈ. દાળમાં મીઠું જ નાંખ્યું જ નથી. એટલે તમારી જમવાની style માં જ્યાં જ્યાં તમને tasty આઈટમો લાગશે ત્યાં તમે રાગ કરશો. Untasty આઈટમ હશે ત્યાં તમે દ્વેષ કરશો. અમારી વાપરવાની સીસ્ટમ કેવી હશે? ત્યાં રાગ પણ નહિ હોય, દ્વેષ પણ નહિ હોય. માત્ર મોક્ષના સાધન રૂપ આ દેહને ચલાવવા માટે ભોજન લેવાનું છે.
અને એથી કરીને સ્વાદની કોઈ વાત મુનિની ભિક્ષાવૃત્તિમાં આવતી નથી. તો આ જ્ઞાતાભાવ થયો. ચા માં ખાંડ બિલકુલ ન હોય, અને એક મુનિરાજ એક ઘૂંટડો ભરે તો ખ્યાલ ન આવે એવું થોડું છે? ખ્યાલ તો આવવાનો જ છે. પણ એ સહેજ પણ મોઢું બગાડ્યા વગર પાત્રીમાં જેટલી ચા હશે એટલી વાપરી જશે. એ ઉપરથી ખાંડ અંદર નાંખી ચમચી દ્વારા એને હલાવવાની ચેષ્ટા નહિ કરે. કારણ ચા માં કે દુધમાં ટેસ્ટ માટે ખાંડ નાંખીએ અમે, તો અમને સંયોજના નામનો દોષ લાગે. શું પ્રભુએ મજાની સીસ્ટમ અમને આપી છે. અમે બધા તો પ્રભુએ આપેલી સાધના ઉપર અને પ્રભુએ આપેલી આ પરંપરાઓ ઉપર ઓવારી ગયેલા છીએ. જાણવાનું થાય છે, પણ ગમો કે અણગમો થતો નથી.
હેમચંદ્રસૂરિ મ.સા. વિહાર કરતાં કરતાં જુના ડીસા પધારેલા. એ વખતે ત્યાંના એક શ્રાવકને બહુ જ ભાવ થઇ ગયો. પોતે હાથે તૈયાર કરેલી ખાદીની જાડી ચાદર એણે ગુરુદેવને વહોરાવી. એ વખતે ગુરુદેવે એના ભાવને જોયો. કપડાંને નહિ, પછી મજાની ઘટના તો એ ઘટી કે જુના ડીસાથી વિહાર કરીને ગુરુદેવ પાટણ પધાર્યા. કુમારપાળ મહારાજા ગુરૂદેવનો પરમ ભક્ત. ગુરુદેવ પાટણમાં પધારી રહ્યા છે, ભવ્ય સ્વાગત યાત્રા કુમારપાળ મહારાજાએ કરાવી. અને એ સ્વાગત યાત્રામાં પેલો જાડી ખાદીનો કપડો ઓઢીને ગુરુદેવ ફરતાં હતા. જાડો કપડો. હાથે વણેલો એ ભાઈએ એટલે ખરબચડો પણ હતો. એ ખરાબ, અમુક વસ્ત્ર સારું આ કોઈ ભેદભાવ જ્ઞાતાભાવને કારણે હતો જ નહિ. કુમારપાળ રાજાએ સ્વાગત યાત્રા પછી, પ્રવચન પછી, ગુરુદેવને પૂછ્યું, કે ગુરુદેવ આપના ભક્તો તો હજારો-લાખો છે, અને આવું જાડું વસ્ત્ર ખરબચડું એ આપના દેહ ઉપર? એ વખતે ગુરુદેવે કહ્યું કે મારી નજર આ વસ્ત્ર તરફ છે નહિ, અને હોઈ શકે પણ નહિ. પણ એ વસ્ત્ર વહોરાવનારનો જે ભાવ હતો. એ ભાવ આજે પણ મારા હૃદયમાં બરોબર સ્મરણનો વિષય બની ગયો. એ ભાઈએ આ જાડી ખાદીની ચાદર મને વહોરાવી, ત્યારે એની આંખમાંથી આંસુ હતા, ગુરુદેવ કૃપા કરીને મને લાભ આપો. એ આંસુ આજે પણ મને યાદ આવે છે. અને પછી ગુરુદેવે કુમારપાળને કહ્યું; કે કુમારપાળ! તારા રાજ્યની અંદર કેટલા સાધર્મિકો ગરીબ હશે. તને ખ્યાલ છે? એ માણસે મને વહોરાવ્યું. એક આચાર્યને, એક મોટા ગુરુને એની પાસે સારામાં સારું જે હશે, એ એને વહોરાવ્યું હશે. વિચાર એ કર, કે એ માણસ શું પહેરતો હશે? તારો સાધર્મિક કેવા વસ્ત્ર પહેરતો હશે? તું રોજ કેટલીયે મીઠાઈ ખાતો હશે, તારા સાધર્મિકો સુકો રોટલો પણ નહિ પામતા હોય, તને ખ્યાલ છે ખરો? અને કુમારપાળ રાજાની આંખો આંસુથી ભીની થઇ ગઈ અને એમણે નક્કી કર્યું દર વર્ષે લાખો- કરોડો રૂપિયા સાધર્મિક ભક્તિમાં વાપરવા. તો જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ. તમે કંઈક જુઓ છો. એ દ્રશ્ય માત્ર દ્રશ્ય છે. એ નથી સારું, નથી ખરાબ. એને સારું અને ખરાબ તમે કહો છો એમાં સમાજે તમારા ઉપર કરેલું projection છે. એકવાર હું શત્રુંજય ગિરિરાજમાં નવ્વાણું યાત્રાના પ્રસંગે રહેલો. પછી ૧૨ ગાઉના સંઘની અંદર હસ્તગીરી અમે ગયેલા. રાજસ્થાનથી કેટલાક ભક્તો આવેલા. એમણે પાલીતાણા યાત્રા કરી. દાદાની પૂજા કરી. અને પછી એમને થયું કે સાહેબજી ક્યાં છે? સમાચાર મળ્યા કે આજે હસ્તગીરી હશે. એ લોકો ૧૧-૧૧.૩૦ વાગે હસ્તગીરી આવી ગયા. ઉપર જઈ આવ્યા, કાર દ્વારા, દર્શન કરી સવા બાર-સાડા બારે નીચે આવ્યા. મારી પાસે બેઠેલા. એ વખતે હસ્તગીરી તીર્થનું આખું જ કામ જે સંભાળતા અને એમણે પોતાનું તન-મન અને ધન એ તીર્થને સમર્પિત કરેલું. એ કાંતિભાઈ પટણી ત્યાં હતા. એમને ખ્યાલ આવ્યો કે ગુરુદેવ પાસે કોઈ સાધર્મિક આવેલા છે. એ તરત દોડતા આવ્યા અને મહેમાનોને વિનંતી કરી કે ભોજનશાળામાં જમવા માટે પધારો. આ લોકોએ કહ્યું કે અમે લોકો પાલીતાણા ઉતરીને આવ્યા છીએ. ત્યાં તખતગઢ ધર્મશાળામાં જમવાનું કહીને આવ્યા છીએ. એટલે ત્યાં અમે જમીશું. પેલા ભાઈ ગયા, મારી ગોચરી આવી ગઈ. મેં એમને કહ્યું, મારી ગોચરી આવી ગઈ છે, હું વાપરવા જઉં છું તમારે જામી લેવું હતું ને… એ કહે સાહેબ અમે સાવ ખોટું બોલ્યા, અમે કોઈ ધર્મશાળામાં પાલીતાણા જમવાનું કહીને આવ્યા નથી. વાત એ છે કે હસ્તગિરિની આ ધર્મશાળા ગુજરાતી ટેસ્ટ ની ધર્મશાળા. અહીંયા દાળ હશે તુવેરની અને એમાં ગોળ નાંખેલો હશે, શાક જો ટમેટા બમેટા નું હશે તો એમાંય ગોળ ઠોકેલો હશે. અમે રહ્યા રાજસ્થાની, એક રોટલીનો ટુકડો અમે દાળમાં નાંખીએ તો એ ટુકડો અમારા મોઢામાં ન જાય. અમારે મીઠી દાળ કે મીઠું શાક કોઈ પણ હિસાબે ચાલે નહિ. એ લોકોના ત્યાં કહેવત છે, રાજસ્થાનમાં “ગોળ ખાય ઘોડો, અને તેલ ખાય જોડો” એ લોકો તેલ ખાય જ નહિ ક્યાંય… રસોઈમાં તેલ હોય જ નહિ. ઘી જ હોય. અને ગોળ એમની રસોઈમાં ક્યાંય હોય જ નહિ. તો એ કહે સાહેબ અમે ના પાડી એનું કારણ આ હતું. એ મીઠી દાળ અને એ મીઠું શાક સાથે રોટલીનો ટુકડો અમને ગળે ઉતરે જ નહિ. એટલે અમે પાલીતાણા જઈ ગમે એમ વ્યવસ્થા કરશું પણ અમારા રાજસ્થાની ટેસ્ટની રસોઈ અમે ખાશું. હવે આ નક્કી કોણ કરે… કે તુવેરની દાળ મીઠી હોય તો ખરાબ. હવે ગુજરાતી માણસને તુવેરની દાળ… અને ગોળ નથી નાંખ્યો? ચાલે કેમ? કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ એ નક્કી કોણ કરે છે? સમાજથી પ્રભાવિત તમારું મન કરે છે. એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં જ્યારે તમે આવો છો ત્યારે તમે જાણો છો ખરા… જુઓ છો ખરા… પણ ક્યાંય તમે સારા કે ખરાબનું લેબલ લગાવતાં નથી. કોઈ સ્ટીકર તમે લગાવતાં નથી. હવે એ જ્ઞાતાભાવ ને દ્રષ્ટાભાવ તો મળી ગયો. હવે એમાં ઉદાસીનભાવ જેટલો ઊંડો ઉતરે એટલો જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ sharp -તીક્ષ્ણ બને. ચોથા ગુણઠાણે જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ હોય. પાંચમે ગુણઠાણે પણ છે. છટ્ઠેપણ છે, સાતમે પણ છે, ફરક શું પડ્યો? ફરક sharpness નો પડ્યો. જેમ-જેમ ગુણઠાણું આગળ વધે એમ – એમ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ ઉદાસીનભાવને કારણે એકદમ તીક્ષ્ણ બનતાં જાય. પછી એવો ઉદાસીનભાવ આવે કે તમે ક્યાંય choice જ ન હોય. ઘટના આમ ઘટી તો પણ ઠીક છે, આમ ઘટી તો પણ ઠીક છે. ઉદાસીન શબ્દ છે ને એ અલગ, અને ઉદાસ હોવું એ અલગ.. આમ મોઢું કરીને બેઠા હોવ, mood less થઈને તો તમે ઉદાસ કહેવાઓ. અને જે સાધક ઘટનાઓથી સંપૂર્ણતયા અપ્રભાવિત છે એ ઉદાસીન. ઉદાસીન શબ્દ બે શબ્દોના મિશ્રણથી બનેલો છે, ઉદ્ + આસીન ઉંચે બેઠેલ., તમે ખડક પર બેઠેલા હોવ, ભેખડ પર બેઠેલા હોવ, નીચેથી નદી પસાર થઇ રહી છે. તમે નદીને જુઓ છો. પણ એ નદીની અસર તમારા ઉપર થતી નથી. ઉદાસીન શબ્દનો અર્થ આ – કે એ સાધક, ઉદાસીન સાધક કોઈ પણ ઘટનાથી પ્રભાવિત ન હોય. જીવાય છે તો પણ વાંધો નથી. આવતી ક્ષણે મૃત્યુ આવે તો પણ વાંધો નહિ.
પૂનમની રાત ચાંદની ખીલેલી, એક હિંદુ ગુરુ એક નદીના કિનારા ઉપર આવેલી, મોટી ભેખડ ઉપર બેઠેલા. સામે શિષ્યો છે. સંગોષ્ઠી ચાલી રહી છે. એમાં ગુરુએ એક સવાલ કર્યો. ગુરુએ પૂછ્યું, કે ધારો કે આ માટીની ભેખડ એ ઘસી પડે તો શું થાય? નીચે ઘસમસતી નદી હતી. ગુરુ પૂછે છે કે જે માટીની ભેખડ ઉપર આપણે બેઠા છીએ, એ ભેખડ ઘસી પડે, તૂટી પડે તો શું થાય? તો જવાબ તો સીધો હતો… માટીની ભેખડ તૂટી પડે તો શું થાય? બધા નદીના પ્રવાહમાં તણાવા માંડે. શિષ્યોને લાગ્યું કે ગુરુ કંઈક અંતરંગ વાત કરવા માંગે છે. એટલે એક પણ શિષ્યએ જવાબ નહિ આપ્યો. માત્ર ગુરુના મુખ તરફ શિષ્યો જોઈ રહ્યા. એ વખતે ગુરુએ કહ્યું કે શું થાય? થાય શું? ભેખડ તૂટી પડે તો શું થાય? અત્યારે આપણે ભેખડ ઉપર છીએ. કિનારા ઉપર છીએ, પછી આપણે નદીમાં હોઈએ. આપણું હોવાનું તો એનું એ જ રહેવાનું. આપણું being, આપણું હોવાનું એ તો એકસરખું અખંડિત છે. તમે ભેખડ ઉપર હોવ કે નદીના પ્રવાહમાં હોવ ફરક શું પડે? એટલે એ ગુરુએ આટલી નાનકડી વાતમાં ઉદાસીનદશા એટલે શું? એનો ઉપદેશ આપ્યો. કે તમે ભેખડ ઉપર હોવ કે નદીના પ્રવાહમાં હોવ, તમે જીવનની ધારામાં હોવ, રોગની ધારામાં હોવ, કે મૃત્યુની ધારામાં હોવ બધું જ તમારા માટે એક સમાન થઇ જાય તો તમે ઉદાસીનતાની ધારામાં આવેલા કહેવાય.
આપણે ત્યાં સદીઓ જૂની એક મજાની કથા છે. આચાર્ય ભગવંત હેમવિમલસૂરિ મ.સા. એક ગામમાં પધાર્યા. ઉપાશ્રય નહોતો એ ગામમાં, પણ એક શ્રેષ્ઠીનું બહુ મોટું મહેલ જેવું ઘર. અને બધા જ મુનિ ભગવંતોને ત્યાં આગળ આગ્રહ કરી-કરીને એ શ્રેષ્ઠી ઉપાશ્રય તરીકે જમીન વાપરવા માટે આપતા. ઘર બહુ મોટું હતું. પોતે આગળના ભાગમાં રહે. પાછળનો બધો ભાગ ખાલી હતો. અને પાછળ મોટો બગીચો. અને સાધુ ભગવંતોને બધી જ અનુકુળતા પડે. આચાર્ય ભગવંત પધારવાના હતા. આગળના દિવસે શ્રેષ્ઠી સંઘની સાથે જઈ આવ્યા. વિનંતી કરી સંઘે અને પછી શ્રેષ્ઠીએ કહ્યું સાહેબજી મારે ત્યાં આપે પધારવાનું છે. મને લાભ આપજો. સાહેબજી પધાર્યા. ૨૫-૩૦ શિષ્યો જોડે હતા, પણ બહુ મોટું ઘર બધા ઉતરી ગયા, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં બધા લાગી ગયા. એવી એક દારૂણ પરિસ્થિતિ શ્રેષ્ઠી આટલો ભાવિક, એનો એકનો એક દીકરો યુવાન બિલકુલ નાસ્તિક. ન દેરાસરે જાય, ન કોઈ મુનિરાજ પાસે જાય, ન જાય ત્યાં સુધી ઠીક. એ એમ માનતો કે આ બધા સાધુઓ પાખંડી છે, દંભી છે. આમનામાં કંઈ છે જ નહિ. એમાં આચાર્ય ભગવંત સાથે એટલા બધા મુનિઓ, અને એમાં અમુક તો એટલા બધા તપસ્વી, અમુક એટલા બધા સાધક, એક મુનિરાજ રાતના સમયે પાછળ રહેલા ઉદ્યાનના એક વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાને ઉભા છે. પેલો છોકરો રાતના સમયે ત્યાં આવ્યો. આ મુનિરાજને જોયા. આ સાલા બધા દંભી છે. આમ ઢોંગ કરે છે. આ સાચું ધ્યાન કરે છે કે ખોટું હમણાં પરીક્ષા લઇ લઉં… એક તાપણું સળગતું હતું. ઠંડીનો સમય, તાપણું ક્યાંક સળગતું હતું. એમાંથી એક સળગતું લાકડું લઇ આવ્યો. જે લાકડાનો નીચેનો ભાગ સબુત હતો એ હાથમાં પકડ્યો. ઉપરનો ભાગ બળી રહ્યો છે. મુનિરાજની પાસે એ આવ્યો. મુનિરાજ કાઉસ્સગ ધ્યાનમાં છે. એણે શું કર્યું? મુનિરાજની દાઢી હતી, એ દાઢીને પેલું સળગતું લાકડું touch કર્યું. દાઢી સળગવા માંડી. દાઢીના બધા વાળ સળગી ગયા. ચામડી સળગવા માંડી. છતાં મુનિરાજ ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ કહીને કાયોત્સર્ગમાં ગયેલા એ સહેજ પણ બહાર આવતાં નથી. શરીરનું જે થવું હોય તે થાય. હું શરીરને સાચવવા માટે આ શ્રામણ્યમાં આવ્યો નથી. હું માત્ર અને માત્ર સાધના કરવા માટે આવ્યો છું. ૨૪ hours, 7 days, અમારી સાધના ચાલતી હોય છે. અને મારે તમને પણ આવા સાધક બનાવવા છે. ૨૪ hours, 7 days… શરીરના સ્તર પર કદાચ તમે સતત સાધના ન કરી શકો. એ સાધના પ્રત્યેના પ્રેમને કારણે એ સાધનાના આનંદને કારણે તમે સાધનાના વિચારોમાં ૨૪ કલાક રહી શકો. આ વાચના સાંભળીને ઘરે જશો, નાસ્તો કરવા માટે બેસશો. હું કહી શકું ને હવે, કે તમારું શરીર નાસ્તો કરશે, તમારું મન વાચનાના કોઈ પદાર્થમાં હશે. બની શકે ને? અત્યાર સુધી તમારું મન અનંત જન્મોથી માત્ર અને માત્ર પરમાં જ રહ્યું છે. એ પરમાં રહેલા મનને ઉચકીને આપણે સ્વમાં લઇ જવું છે. ૨૪ કલાક એ સ્વમાં રહે. એના માટે કોશિશ કરવી છે… શું પ્રભુની કૃપા… કેટલા યોગો આપણને આપ્યા. પ્રભુને એ ખ્યાલ હતો, કે આ વ્યક્તિ સાધના કરશે, પણ એની પાસે મન છે. Conscious mind તમારી પાસે છે. અને Conscious mind એવું છે જેને સતત નવીનતા જોઈએ છે. એક ને એક વાતમાં, એક ને એક વિષયમાં એ સતત લાંબો સમય રહી શકતું નથી.
એક ગીત પહેલી વાર આવ્યું. સાંભળીને માણસ પાગલ થઇ જતો હોય. અને પછી નવરાત્રિ ની રાત્રિ હોય, રાતના ૮ વાગે એક જણો એ ગીત શરૂ કરે, અને ૧૨-૧૨.૩૦, ૧, ૨ વાગ્યા સુધી એકનું એક ગીત સંભળાવ્યા કરે, અને જોર-જોરથી loud speaker ગરજતું હોય. કેટલું ગમે તમને? તમારું મન એક વિષયમાં સતત રહી શકતું નથી. આ તમારા મનની નબળાઈ છે. પ્રભુએ એ તમારા મનની નબળાઈને પારખીને કેટલા શુભ યોગો આપ્યા. સ્વાધ્યાય, ભક્તિ, વૈયાવચ્ચ… છોકરાને શું હોય છે? પિરિયડસ બદલાયા કરે. ઈતિહાસ, પછી ભૂગોળ, પછી વિજ્ઞાન, પછી ગણિત, એક ને એક subject હોય, તો દીકરો થાકી જવાનો. કારણ કે એની પાસે જે મન છે એ એક વિષયમાં સતત રહી શકતું નથી. એટલે પરની અંદર પણ તમારે વિષયો change કરવા જ પડે. એક જ subject માં તમે રહી શકતા નથી. ગુજરાતી menu માં બપોરનું menu શું હોય? રોટલી, દાળ, ભાત, શાક. રોટલી પણ ઘઉંની જ છે ને… તો હવે એ લોકોનો એક આગ્રહ રહે છે કે સવારે ખાખરા જોઈએ. અને સાંજે ભાખરી કે પરોઠા જોઈએ. તો ફરક શું પડ્યો આમાં? ઘઉંનો જ આટો છે. ખાખરામાં પણ ઘઉંનો આટો છે. રોટલીમાં ઘઉંનો આટો છે. ભાખરીમાં ઘઉંનો આટો છે. આ તમારું મન wavering છે. સવારના પહોરમાં રોટલી આપે તો તમે શું કરો સાચું કહેજો? ઠેકાણે છે કે નહિ તારું… સવારના પહોરમાં રોટલી? એટલે પરમાં પણ તમારે વિષયો change કરવા પડે છે. એ જ રીતે એ જ મન હોવાને કારણે પ્રભુએ શુભની અંદર તમને ઘણા બધા યોગો આપ્યા. કહ્યું, આ યોગ, પછી આ યોગને ઘૂંટ, પછી આ યોગને ઘૂંટ. યોગો બદલાયા કરે, મનને નવીનતા લાગ્યા કરે. પછી એક એવી ઘડી આવે છે કે જ્યારે conscious mind બાજુમાં જતું રહે છે અને સીધી જ અનુભૂતિની ધારામાં તમે હોવ છો. ત્યારે એક જ ધારામાં ૨૪ કલાક રહી શકો.
અમારે લોકોએ કોઈ વિષય change કરવા પડતા નથી. જાગૃતિ એટલે માત્ર જાગૃતિ. સતત જાગૃતિને કારણે સ્વની અંદર સતત રહી શકીએ. યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ.સા. એ આ સંદર્ભમાં એક મજાની સાધના આપી છે. શું મહાપુરુષોની કૃપા છે. કેટલા ગ્રંથો એમણે લખ્યા… હરિભદ્રસૂરિ મહારાજે તો પોતાનો દિવસ શાસન પ્રભાવનાની વ્યસ્તતામાં જતો હતો. રાત્રે ગ્રંથો લખ્યા છે. હમણાં ભુવનભાનુસૂરિ મ.સા. રાત્રે ચાંદનીની અંદર લખતાં હતા. એ મહાપુરુષોએ પોતાની ઊંઘને બાજુમાં મુકીને, પોતાના આરામને બાજુમાં મુકીને આપણી કરૂણા માટે ગ્રંથો લખ્યા. તમે તો બડભાગી છો. સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ આજે તમને મળે છે. તમે જો નક્કી કરો, રોજ એક કલાક સ્વાધ્યાય કરવો છે. એક પછી એક ગ્રંથ તમે વાંચ્યા કરશો. તો યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં એક મજાની સાધના આપી. “ઔદાસીન્ય નિમગ્ન:, પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા ભાવિત પરમાનંદ: ક્વચિદપિ મનો ન નિયોજયતિ”
ઔદાસીન્ય નિમગ્ન: – ઉદાસીનતા માં ડૂબેલો સાધક. હવે ક્યાં ડૂબવું છે? પરમાં તો બહુ ડૂબ્યા. એક વાત તમને પૂછું? પરમાં આટલું ડૂબ્યા એનો થાક લાગે છે ખરી? વિભાવોનો થાક લાગે તો જ તમે option શોધવાના. નહિતર અમે લોકો હજાર options બતાવીશું. એ અમારી પાસે જ રહેવાના. જ્યાં સુધી રાગ કે દ્વેષથી તમે થાકશો નહિ ત્યાં સુધી તમે ક્ષમાની ધારામાં જઈ શકવાના નથી. વૈરાગ્યની ધારામાં જઈ શકવાના નથી. ક્રોધનો થાક લાગ્યો? થાક લાગ્યો? તમે ક્રોધ કરતાં ક્યારે બંધ થાવ ખબર છે?
ડોકટર કહી દે ત્યારે… એક જગ્યાએ એક ભાઈ પેઈંગ ગેસ્ટ તરીકે ઉતરેલા, અને થોડા દૂરના સંબંધી પણ હતા એ ભાઈ… તો જ્યારે જ્યારે એમના ત્યાં આવે એમના ફ્લેટમાં, બાજુના ફ્લેટમાં પતિ – પત્ની બેય રહેતા હતા. પણ બાજા – ગાજા ૨૪ કલાક ચાલતા જ હોય. એક ગ્લાસ આમથી આમ મુકાયો એના માટે પતિનું એક કલાક ભાષણ ચાલે. અને એનું ભાષણ ચાલતું હોય ને પત્નીનું ચાલુ થઇ જાય. એટલે કોઈ કોઈનું સાંભળે નહિ. પણ બેયનું ભાષણ ચાલુ રહે. આવું સવારથી સાંજ સુધી ચાલ્યા જ કરતું હોય. પેલો પણ ટેવાઈ ગયેલો કે એકવાર આવ્યો. આમ કાન સરવા કરે, પણ બાજુના ફ્લેટમાં એકદમ શાંતિ. એણે પોતાના જજમાનને પૂછ્યું, કે બાજુવાળા ઘર ખાલી કરીને બીજે ગયા છે? નવા આવ્યા છે અહીંયા કોઈ? તો કહે ના, ના એ તો બેય જણા એ જ છે. તો કહે કે એ બેય જણા હોય અને આ એક કલાક થયો, અને આટલી શાંતિ હોય શી રીતે? ત્યારે આ ભાઈએ કહ્યું, કે આ ભાઈને સિવિયર એટેક આવેલો, આ તો શહેર છે તરત જ એમ્બ્યુલન્સ મળી ગઈ. હોસ્પિટલમાં પહોંચી ગયા. એન્જ્યોગ્રાફી થઇ ગઈ. તરત જ બાયપાસ સર્જરી કરવી પડી. અને બધું સારું થઇ ગયું. પણ ડોકટરે કહ્યું, કે હવે ઊંચા અવાજે બોલ્યા, તો મર્યા. બહેનને હાઇપર ટેન્શન હતું. એકવાર તો બીપી એટલું ઉચકાઈ ગયું… ઉપરનું સવા બસો અને નીચેનું દોઢસો ઉપર… હાઈ રિસ્કની મર્યાદાથી પણ ઉપર. તરત જ એમને હોસ્પિટલમાં લઇ ગયા. માંડ માંડ સાજા થયા. પણ ડોકટરે બરોબર ચીમકી આપી છે કે સહેજ ગુસ્સે થયા, અને સહેજ ઊચે અવાજે બોલ્યા ને તો હવે હોસ્પિટલ આવવાનું નહિ, ઘરે ને ઘરે મરી જજો. એટલે અત્યારે બેય જણા ડોક્ટરની આજ્ઞામાં છે. શરીરના પ્રેમની ખાતર તમે ક્રોધને છોડી શકો. તમારા આત્માના પ્રેમને કારણે તમે ક્રોધ છોડી ન શકો? અને ચાલો આત્માની વાત બાજુમાં મુકો. પ્રભુ પર તો આપણને પ્રેમ છે જ. મારા પ્રભુને જે ન ગમે એ હું ન કરું. આ વાત તો તમારા હૃદયમાં હોય જ ને… તો હું ક્રોધ કરું મારા ભગવાનને ગમે? ન ગમે… તો ક્રોધ આવું આવું થતો હોય ને breck લાગી જાય. બોલો લાગી જશે?
આપણા કવિ ઉશનસની એક મજાની પ્રાર્થના છે. એ પ્રાર્થનામાં કહે છે કે પ્રભુ! તને હું પુરેપુરો સમર્પિત તો થઇ શકતો નથી. કારણ કે સમર્પણ એટલે total Surrender. સંપૂર્ણ સમર્પણ. અને એ મારા માટે અત્યારે અઘરું છે. પણ પ્રભુ હું તારી ભક્તિ એટલી હદે તો કરવા જરૂર માંગું છું કે તને ન ગમે એવું હું ન કરું. અને મજાની પ્રાર્થના એમણે કરી; “તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ” પ્રભુ બીજી કોઈ ભક્તિ મારી પાસે નથી. Total surrender મારી પાસે નથી. પણ આટલી જરૂર વાત હું કરી શકું તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ. બોલો આટલું થઇ શકે? Can you do this? આટલું થઇ શકે? એને નથી ગમતું માટે નહિ કરવાનું.
એક દીકરી હોય, એના લગ્ન થાય, લગ્ન થયા પછી એને થાય કે મારા પતિને ગમે તે મારે કરવાનું. પતિને ન ગમે તે હું ન કરું. માટુંગામાં મારું ચોમાસું. એક દિવસ બપોરે એક શ્રાવિકા બેન કોક પ્રશ્નો પૂછવા માટે આવ્યા, એમના પ્રશ્નોના મેં ઉત્તરો આપ્યા. પછી વાતમાં ને વાતમાં એમણે એક સરસ વાત કરી. બહુ સરસ વાત. એમણે કહ્યું; સાહેબ! લગ્ન પહેલાં બહુ જ સુખી હતી. અને માતા અને પિતાની લાડલી બેટી હતી, એટલે એટલા બધા સારા કપડાં પહેરતી, ૫૦-૫૦ હજારનો, લાખ-લાખનો dress મારી પાસે હતો. પણ સાડી પહેરવી મને નહિ ગમતી. માત્ર dresses. અને એટલા મોંઘા ડ્રેસો પહેરું અને રાગની દશામાં વિચરું. લગ્ન થયા મારા, પતિએ ખાલી એટલું જ કહ્યું, કે તું સાડીમાં હોય ત્યારે મને ગમે છે. એક આર્ય નારીનો પોશાક, એક ભારતીય સ્ત્રીનો પોશાક તું પહેરે છે ત્યારે મને તું ગમે છે. સાહેબ! પતિનું એક જ વાક્ય. મારા પતિએ બીજીવાર મને કહ્યું પણ નથી. એ લાખ-લાખના, ૫૦-૫૦ હજારના બધા dresses પેટીમાં પુરાઈ ગયા, અને સાડી પહેરવાની મારી ચાલુ થઇ ગઈ. મારા પતિને નથી ગમતું, એ હું કરી શકું નહિ. સંસારની અંદર આટલું સમર્પણ હોઈ શકે.
તમે સાધક છો. ભક્ત છો, તમારું સમર્પણ કેટલું? મારા પ્રભુને ન ગમે એ હું નહિ કરું. આજે ખુમારીથી કહી દેશો… સાહેબ આજથી ગુસ્સો બંધ. કેમ? મારા પ્રભુને નથી ગમતું. મારા પ્રભુને ન ગમે એ હું કરી શકું જ નહિ. હા મારા પ્રભુને ગમે છે એ બધું હું કરી શકતો નથી એમ તમે કહી શકો. પ્રભુને તો એ જ ગમે કે તમે દીક્ષા લઇ લો એ… એટલે તમે એટલું કહી શકો, સાહેબ મારા પ્રભુને ગમે છે. એ બધું હું અત્યારે કરી શકતો નથી. પણ એટલું હું જરૂર કહી શકું, કે મારા ભગવાનને જે ન ગમે એ હું ક્યારે પણ ન કરું. બોલો બરોબર? એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો છે એની ખબર પડી જાય. એક સંસારી માણસનો પ્રેમ એ જો આટલી હાઈટ સુધી જઈ શકતો હોય, એ choice less બની શકતી હોય, પ્રેમને માટે તો તમે કેમ choice less ન બની શકો? મને આ ગમે છે પણ મારા ભગવાનને નથી ગમતું માટે નહિ કરું. ભાઈ આ કેમ છોડી દીધું? મને તો ગમતું હતું, પણ મારા ભગવાનને ગમતું નથી માટે મેં છોડી દીધું. આખી life style તમારી બદલાઈ જાય.
તો કલિકાલ સર્વજ્ઞ શ્રી મજાની સાધના આપે છે, “ઔદાસીન્ય નિમગ્ન: – ઉદાસીનતામાં ડૂબેલો સાધક હોય, થોડીક ક્ષણો ઉદાસીનભાવમાં રહેવું. એક મુનિરાજ, એક સાધ્વીજી ભગવતી, ૨૪ કલાક ઉદાસીનતાની ધારામાં રહે. Choicelessness ની ધારામાં. એમને કહો તમને આ ગમે છે? એ કહેશે કે અનંતા જન્મોથી મારો સંસાર મેં વધાર્યો એની પાછળ એક જ સૂત્ર હતું, મને આ ગમે, મને આ ફાવે, મને આ નહિ ગમે, મને આ નહિ ફાવે. એ મુનિ, એ સાધ્વીજી તમને કહેશે, કે હવે મારું સૂત્ર બદલાઈ ગયુ. અનંત જન્મોનો સંસાર ચાલુ રહ્યો. પાછળનું સૂત્ર કયું હતું? મને આ ગમે. મને આ ફાવે. એક પણ મુનિને પૂછો, એક પણ સાધ્વીજી ને પૂછો, કયું સૂત્ર હવે તમારી પાસે? માં ને આ ગમે, મારી પ્રભુ માં ને, મારી ગુરુમાં ને શું ગમે? માં ને ગમે તે કરવાનું, માં ને ન ગમે તે નહિ કરવાનું. મને ગમે તે કરવું આ સંસારનો માર્ગ છે. માં ને ગમે તે કરવું આ મોક્ષનો માર્ગ. એક કાનો ઉમેરવાનો છે. કેટલી નાનકડી સાધના બોલો…. મને ગમે તે કરવું તે સંસારનો માર્ગ. માં ને ગમે તે કરવું તે મોક્ષનો માર્ગ. અમે લોકો બધા મોક્ષના માર્ગ પર છીએ. એટલે અમારું સૂત્ર શું? મને ગમે તે કરવું? કે માં ને ગમે તે કરવું. એક સૂત્ર આ મને ગમે તે કરવું…એ સુત્રે અનંતા જન્મોમાં નરક અને નિગોદની યાત્રા કરાવી. હવે જો આપણે નરકમાં નથી જ જવું, નિગોદમાં નથી જવું, તો સુત્રને આપણે બદલી નાંખવું પડે. મને ગમે છે તે કરવું એને બદલે માં ને જે ગમે છે તે મારે કરવું. આટલું યાદ રહી જશે બરોબર? આજે ઘૂંટશો? કંઈ પણ થાય આમ મને ગમે છે માટે કરું છું? કે માં ને ગમે છે માટે? યાદ રાખશો બરોબર?