વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: औदासीन्यनिमग्नः
સાધક પરરસથી મુક્ત થયેલો હોય. જો કે આમ જુઓ, તો પરરસ શબ્દ જ ખોટો છે! કારણ કે એક પણ પર પદાર્થ એવો નથી, જેમાંથી રસ મળી શકે. જો સુખ મળતું હોય, તો જ રસ મળે એવું કહેવાય. પણ એક પણ પર પદાર્થમાં તમને સુખ આપવાની શક્તિ નથી.
ઉદાસીનભાવમાં ડૂબેલા સાધકને પરપદાર્થોમાં રસ નથી, પર વ્યક્તિમાં રસ નથી. કોઈને મળવાની પણ ઈચ્છા નથી અને કોઈ મળવા આવે એવી પણ ઈચ્છા નથી. એના બધા જ કાર્યો છૂટી જાય છે. કારણ કે જો રસ જ સ્વમાં છે, તો પરના કાર્યો ક્યાંથી ચાલુ રહેવાના?
અને જે સ્વના રસમાં ડૂબી ગયો, કાર્યો જેના છૂટી ગયા, એ કેવો હોય? भावितपरमानन्दः પરમ આનંદમાં એ ડૂબેલો હોય. અને क्वचिदपि न मनो नियोजयति હવે એને મન બહાર ક્યાંય મુકવાની જરૂર નથી. એનું મન, એનું ચિત્ત, એનો ઉપયોગ બધું જ અંતર્મુખ બની ગયું છે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૮
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
દેવાધિદેવ પરમતારક, અખિલ બ્રહ્માંડેશ્વર, ત્રિલોકેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા. ભાઈના આગ્રહથી બે વર્ષ પ્રભુને ગ્રહસ્થપણામાં વધુ રહેવું પડ્યું. એ સમયે પ્રભુએ એક સાધનાની ત્રિપદી ઘૂંટેલી. “एगत्तिगत्ते पिहितच्चे अभिण्णाय दंसणे संते” આત્માનુભૂતિ, કાયગુપ્તિ, અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનું ઊંડાણ.
જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં ઊંડાણ આવે છે ઉદાસીનદશાને કારણે. ઉદાસીનદશા એટલે પરરસ માંથી મુક્તિ. અનંત અનંત જન્મોથી પરના રસની ધારામાં આપણે બધા વહીને આવ્યા છીએ. પણ તમને ગેરંટી સાથે કહું, થોડો સમય તમે તમારા રસને ચાખો, પરરસમાં જવાની તમને ઈચ્છા પણ નહિ થાય. અમારા લોકોની વાત કરીએ તો અમે પણ એ જ પરરસની ધારામાં વહીને આવેલા હતા, અને તો જ સંસાર રહે. જ્યાં પરરસમાંથી મુક્તિ મળી, સંસારમાંથી પણ મુક્તિ મળી જાય. પણ પ્રભુની કૃપા વરસી. વરસી એટલું નહિ, એ ઝીલાઈ. એવી રીતે પ્રભુની કૃપા ઝીલાઈ ભીતર જવાનું થયું. ભીતરનો આનંદ મળ્યો અને ત્યારે થયું, કે મારી ભીતર આટલો અપાર આનંદ છે. અને હું ચપટી સુખ માટે બહાર ફરું છું. એટલે પ્રભુએ શું કામ કર્યું? અનંતા જન્મોથી એક ભ્રમણા આપણા ઉપર સવાર થયેલી, પરમાંથી સુખ મળે છે. એ ભ્રમણાનો છેદ પ્રભુની કૃપાએ ઉડાડી દીધો. પરમાંથી સુખ મળે? બોલો…
બે શબ્દ છે સુખ અને સુવિધા. સુવિધા એટલે સગવડ. સુખ એટલે આંતરિક રાજીપો. સંપત્તિ શું કરે? સારો ફ્લેટ તમને અપાવી શકે. તો એ સારો ફ્લેટ શું કરે? સુવિધા આપે રહેવાની, સુખ નહિ. કારણ તમારી જોડે રહેનારો બહુ જ સારા એરિયામાં તમારાથી ચાર-પાંચ ગણો મોટો ફ્લેટ લઈને બેસી જાય અને તમે એ જુઓ ત્યારે તમારી પાસે જે ફ્લેટ છે… એનું સુખ રહેનારો, બહુ જ સારા એરિયામાં તમારાથી ચાર – પાંચ ગણો મોટો ફ્લેટ લઈ ને બેસી જાય અને તમે એ જુઓ ત્યારે તમારી પાસે જે ફ્લેટ છે એનું સુખ તમારી પાસે રહે ખરું? વાલકેશ્વર ગયો, ત્યાં એક જગ્યાએ પગલાં કરવા જવું પડ્યું. એટલો મોટો ફ્લેટ ૧૦૦ કરોડ-સવાસો કરોડનો રહેનાર બે જણા. કારણ કે એટલો શ્રીમંત માણસ હોય, એના છોકરા કંઈ ભારતમાં ભણે? તો તો નાક કપાઈ જાય. એને અમેરિકા કે ઓસ્ટ્રેલીયા જ ભણવા માટે મોકલવા પડે. અને ત્યાં એ ગયો. ત્યાંની કોઈ છોકરી જોડે અફેર થઇ ગયું. ત્યાં job મળી ગઈ. તો એ કહી દે પપ્પાને કે પપ્પા! ભારતમાં મારે આવવું નથી. તો તમારો ફ્લેટ તમને સુવિધા આપે. સુખ ન આપે. સુખ તો માત્ર અને માત્ર તમારી ભીતરથી જ આવી શકે.
શાસ્ત્રો એ વાત લખી છે કે કુતરું હોય ને એ સૂકાં હાડકાંના ટુકડાને મોઢામાં પકડે, એને દબાવે, ચબાવે, અને એ વખતે એ કુતરાના દાંતના પેઢામાંથી લોહી નીકળે, કુતરું એમ માને કે આમાંથી રસ ઝરે… સુખ તે આનંદ. તમારા સિવાય બીજે ક્યાંય છે જ નહિ, પ્રભુની કૃપા અમારા ઉપર એ હદે વરસી, અને એ જ પ્રભુની કૃપાથી એમની કૃપા ઝીલાઈ. આજે એક clarity, એક vision સ્પષ્ટ થઇ ગયું કે પરથી સુખ કોઈ પણ સંયોગોમાં ક્યારે પણ મળી શકે નહિ. અને એટલે જ દેવચંદ્રજી મ.સા. એ મુનિને ઉદાસીનનું વિશેષણ આપ્યું છે. કોઈ પણ મુનિ, કોઈ પણ પ્રભુની સાધ્વી એ માત્ર ને માત્ર ઉદાસીન હોય. એટલે કે પરના રસમાંથી એ મુક્ત થઇ ગયો.
યોગ સૂત્રોમાં અધ્યાત્મસાર જેવામાં, સાતમા ગુણઠાણે રહેલા મુનિઓની જીવનચર્યા અને દિનચર્યાની વાત આવે, અમને લોકોને ઈર્ષ્યા થાય કે આવી દિનચર્યા, આવી જીવનચર્યા અમારી ક્યારે હશે? ત્યાં લખ્યું મહોપાધ્યાય યશોવિજય મહારાજે કે એક ગીતાર્થ બનેલા મુનિ હોય, ગુરુએ આજ્ઞા આપેલી હોય, અને એકાકી વિચારતાં હોય. તમને કદાચ ખ્યાલ નહિ હોય, ઈલોરાની ગુફામાં જૈન મંદિરો છે. જૈન મંદિરો શા માટે? જૈન ગુફાઓ હોય. ગુફાઓ શા માટે? મુનિવરોને એકાંતમાં સાધના કરવા માટે. તો એવી ગુફાઓને જોઉં ને ત્યારે પણ મને એ પૂર્વ મુનિઓની ઈર્ષ્યા આવે. કે નગરથી દૂર, જંગલમાં આવેલી એ ગુફા, અને એમાં એકાંતમાં રહીને કેવી મજાની સાધનાને એ ઘૂંટતા હશે.
તો અધ્યાત્મસારમાં લખ્યું કે એ મુનિરાજ સતત સ્વના આનંદમાં ડૂબેલા હોય, ખાવાનું પણ યાદ ન આવે. વાપરવાનું યાદ ન આવે. એક જગ્યાએ એક ફિલોસોફરે ઉપવાસની વ્યાખ્યા કરી, એક ઉપવાસની વ્યાખ્યા તમારા ખ્યાલમાં છે. ઉપ એટલે નજીક. વાસ એટલે રહેવું, પ્રભુની કે સદ્ગુરુની નજીક રહેવું એનું નામ ઉપવાસ. પણ પેલા ફિલોસોફરે બહુ મજાનો અર્થ આપ્યો. તમને જ્યારે ખાવાની યાદ ન આવે આટલા દિવસમાં એનું નામ ઉપવાસ. ભીતર એટલા ડૂબી ગયેલા હોવ, ખાવાની યાદ ક્યાંથી આવે. એટલે ખાવાની યાદ જ ન આવી, ઉપવાસ. તો એ મુનિઓને વાપરવાનું યાદ પણ આવતું નથી. ૧૦-૧૨ દિવસે એમ લાગે કે શરીર ઈર્યાસમિતિના ઉપયોગ માટે થોડુક થાકી ગયું છે. આંખોની રોશની થોડીક ઓછી થઇ છે. શરીર ચાલતા થોડું ધ્રુજે છે. ત્યારે ગામમાં જઈ આવે નજીકના… ગોચરી લઇ આવે. અને એ ગોચરી વાપરે. પણ ત્યાં સ્પષ્ટ લખ્યું કે એ ગોચરી વહોરવા માટે જાય કે ગોચરી વાપરતા હોય એમની ધ્યાનદશા ચાલુ હોય. ધ્યાનનો મતલબ આ કે ઉપયોગ સ્વમાં હોવો. ધ્યાનની બીજી કોઈ વ્યાખ્યા નથી. આંખો બંધ કરવી, શરીરને ટટ્ટાર રાખવું. આ બધું તો પ્રાણાયામ છે. ધ્યાન શું છે? તમારો ઉપયોગ તમારામાં રહે. તમે તમારામાં હોવ એનું નામ ધ્યાન. તમે પરમાં હોવ એનું નામ સંસાર. તો એ મુનિરાજ વાપરતી વખતે પણ સ્વની અંદર જ ઉપયોગવાળા છે. તો આપણને એમની ઈર્ષ્યા આવે. કે કેવો સ્વનો આનંદ લખલૂટ એ મેળવતાં હશે. કે પરની અંદર એક ક્ષણ માટે પણ એ જઈ શકતા નથી.
તો ગઈ કાલે આપણે યોગશાસ્ત્રનો ૧૨માં પ્રકાશનો એક શ્લોક જોતા હતા. બહુ મજાની સાધના એમાં આપી. અને એમાં પહેલી જ સાધના આપી, “ઔદાસીન્ય નિમગ્ન:” – સાધક કેવો હોય? ઉદાસીનભાવમાં ડૂબેલો હોય. પરરસથી મુક્ત થયેલો. એક સવાલ તમને કરું? પરરસ આ શબ્દ જ ખોટો નથી? પરમાંથી રસ ઝરે ખરો? કેરીમાંથી રસ આવે પણ થાંભલામાંથી શું રસ આવે? પરમાંથી રસ શું આવે? આ પાટ એ મને શું સુખ આપે? સુવિધા આપે. સુખ શું આપે? એક પણ પરપદાર્થ એવો નથી જેમાંથી રસ મળી શકે. સુખ મળતું હોય તો જ રસ મળે એવું કહેવાય. તો એનામાં સુખ આપવાની શક્તિ નથી. એનામાં રસ જેવું કંઈ છે નહિ, તો તમને રસ ક્યાંથી આવે? પણ માત્ર એક ભ્રમણા અને એ ભ્રમણાને આ જન્મમાં આપણે દૂર કરવી છે. ભલે તમે સંસારમાં હોવ, પરની સાથે તમારું જીવન સંકળાયેલું છે. પરનો ઉપયોગ પણ કરશો, પણ એક માન્યતા સ્પષ્ટ થયેલી હોય કે પરમાંથી સુખ મળી શકે નહિ.
તો ઔદાસીન્ય નિમગ્ન: – ઉદાસીનભાવમાં ડૂબેલો સાધક. નથી એને પરપદાર્થોમાં રસ. નથી પર વ્યક્તિમાં રસ. કોઈને મળવાની ઈચ્છા નથી, કોઈ મને મળવા આવે એવી પણ ઈચ્છા નથી.
અમેરિકામાં ક્યોટો નામનું એક રાજ્ય. અમેરિકાના ૫૦ રાજ્યો. એ પૈકીનું ક્યોટો નામનું રાજ્ય. એના ગવર્નર તરીકે કિએટોમી નામના એક વિદ્વાન આવ્યા. એ વિદ્વાન તો હતા. પણ સાધનાના પ્રેમી હતા. એટલે શ્રેષ્ઠ સાધકો જ્યાં હોય, ત્યાં મળવા જવાની એમની ઈચ્છા. ગવર્નર તરીકે નિમાઈને આવ્યા, શપથ વિધિ થઇ પછી પહેલું કામ એમણે શું કર્યું? પોતાના ઓફિસર – પ્રોટોકોલ ઓફિસરને order કર્યો કે આપણા રાજ્યમાં જેટલા પણ એકદમ ઉંચી કક્ષાએ ગયેલા યોગીઓ છે એમનું લીસ્ટ બનાવીને મને આપો. ગવર્નર ને આમ પણ કામ તો કંઈ હોતું નથી. તો કહે કે બસ મારા કાર્ય કાળમાં સંતોનો સત્સંગ કરી લઉં. એક ગવર્નર post હતી. બધી સુવિધા હતી. બે દિવસમાં લીસ્ટ બનીને આવી ગયું. પહેલો જ નંબર એક યોગીનો હતો. જે ૫૦ એક કિલોમીટર દૂર આવેલ એક પહાડની ટોચ ઉપર આવેલી ગુફામાં રહેતા હતા. અને એમનું વર્ણન લખવામાં આવ્યું,કે ‘એમની ગુફાના દરવાજા બંધ જ હોય છે. એ કોઈને મળવા માટે તૈયાર હોતા નથી. ક્યારેક કોઇક સાધક જતો હોય, જઈ આવે અને કદાચ એને મળી પણ લે. બાકી એ ધ્યાનદશામાં જ રહેતા હોય છે. અને કોઈને મળવા માટે એ બહાર આવતાં પણ નથી. તો કીઓટોમીને થયું, કે સૌથી પહેલા આ યોગી પાસે હું જાઉં. બીજી સવારે ઉપડ્યા નાસ્તો કરીને… ગાડીઓનો કાફલો જોડે હતો. પહોંચે ત્યાં પર્વત ઉપર, રોડ હતો ઠેઠ સુધી. ગુફા પાસે પહોંચ્યા. ત્યાં કહેવામાં આવ્યું, કે ગુફા તો બંધ જ રહે છે. યોગી શું ખાય છે, એ પણ ખબર પડતી નથી. એક સેવક એમની ખબર રાખે છે. પણ બીજા કોઈને કાંઈ ખબર નથી. કે યોગી શું જમે છે, કે જમતાં નથી. બાકી એ ગુફામાં જ રહે છે, બહાર આવતાં જ નથી. અને કોઈને મળવાનો એમને રસ હોતો પણ નથી. ગવર્નરે પોતાનું visiting card અંદર નાંખ્યું. ઉપર લખેલું હતું. ‘I want to meet you’ મારે તમને માત્ર સાધનાકીય બાબતો માટે મળવું છે. અંદર card ગયું. થોડી જ વારમાં card ઉપર ચોકડી થઇ અને બહાર આવ્યું. એટલે કે યોગી મળવા માંગતા નથી. ગવર્નર તરીકે તો એ હમણાં આવ્યો. તો સાધક તો એ હતો જ. એટલે એને ખ્યાલ આવી ગયો. કે ક્યાં મારી ભૂલ થઇ છે. એને ખ્યાલ આવી ગયો કે મારા visiting card માં મારું નામ તો લખેલું છે. પણ ક્યોટોના ગવર્નર એમ પણ છપાયેલું છે. તો બની શકે કે યોગી કોઈ સત્તાધીશને મળવા ન પણ માંગતા હોય. રાજકારણીઓને મળવા ન પણ માંગતા હોય. એટલે બીજું visiting card લીધું એમણે અને એમાં ક્યોટોના ગવર્નર લખેલું હતું એ છેકી નાંખ્યું. પછી visiting card અંદર નાંખ્યું. દરવાજો ખોલ્યો. કિઓટોમી અંદર ગયા. એક સાધક પાસે. શ્રેષ્ઠ યોગીઓ પ્રત્યેનો પ્રેમ કેટલો? એણે માત્ર visiting card ની અંદર ગવર્નર છેકી નાંખ્યું એમ નહિ, પણ એ ગવર્નરનું પદ બહાર મુકીને અંદર જાય છે. અને જઈને સીધું જ યોગીને ઝુકે છે અને નીચે જમીન ઉપર બેસી જાય છે. યોગી આસન ઉપર બિરાજમાન છે. એ ગવર્નર નીચે બેસી જાય છે. કારણ અત્યારે હું ગવર્નર તરીકે નથી. હું સંતના એક સેવક તરીકે છું.
તમે લોકો બધા દેરાસરે જાવ ત્યારે ભક્ત હોવ ને? મને કેવા ભક્તો ગમે કહું? સ્નાત્રપૂજામાં તમે બોલો અષ્ટસંવર્ત વાયુથી કચરો હરે. પણ ક્યારેય એવું જોવા મળે. કે તમે બધા જ શ્રીમંતો દેરાસરમાં કચરો કાઢતાં હોવ… ઉપાશ્રયમાં તમે કચરો કાઢતાં હોવ. બની શકે?
શીખોની પાસે એક સરસ પરંપરા છે. ‘કરસેવા’. ઇન્દિરા ગાંધીએ અકાલતખ્ત ઉડાવી દીધેલું. ફરી ભારત સરકારે અકાલતખ્ત નવું બનાવી આપ્યું, કરોડોના ખર્ચે. શીખ ભક્તોએ કહી દીધું આ અકાલતખ્ત અમારે નહિ ચાલે. આ અમારે નહિ ચાલે. અમારા ભગવાનનું, અમારા ગુરુનું મંદિર તો એ જ હોય જે અમે લોકોએ અમારા હાથની સેવા દ્વારા ઉભું કરેલું હોય. ત્યાં કરોડોપતિ માટીનું તગારું ઉપાડે, સિમેન્ટનું તગારું ઉપાડે. સિમેન્ટનું તગારું ઉપાડે તો તમને ખબર ન પડે કે આ અબજોપતિ માણસ છે. ક્યારેક તો શીખ ધર્મગુરુ સજા કરે છે. વચમાં યુનિયન મીનીસ્ટર એક હતો, કેન્દ્રીય મંત્રી શીખ હતો. એને કંઈક ભૂલ કરી નાંખી. તો શીખ ગુરુએ એને સજા કરી. કે બે દિવસ તારે ગુરુદ્વારા માં આવી લોકોના જૂત્તા સાફ કરવાના. અને યુનિયન મીનીસ્ટર જૂત્તા સાફ કરવા માટે બેસી ગયો. કારણ કે શીખ હતો.
તો એ લોકોએ કહી દીધું ભારત સરકારને, આ અકાલતખ્ત અમારે નહિ ચાલે. આને પાછું ફરીથી તોડી પાડશું અમે… એકવાર તમે તોડ્યું. બીજીવાર અમે તોડશું. અને નવું અમે તૈયાર કરીશું. અમારી કરસેવા દ્વારા, અમારી મજુરી દ્વારા, એ જ અમારા પ્રભુને, એ જ અમારા ગુરુને કામ આવશે. કદાચ ખ્યાલ નહિ હોય, શીખોના ગુરુદ્વારામાં શું હોય? કેન્દ્રસ્થાને ગ્રંથસાહિબ હોય છે. કોઈ મૂર્તિ હોતી નથી. ગ્રંથસાહિબ. ગુરુ ગોવિંદસિંહે જે ગ્રંથ લખેલો એને એ લોકો ગ્રંથસાહિબ કહે છે. એમની પરંપરા જુઓ… બધી જગ્યાએ સાહિબ આવશે. આનંદપુર નામનું એમનું ગુરુદ્વારા છે. તો આનંદપુરા નહિ કહે, આનંદપુરાસાહિબ કહેશે. કોઈ પણ ગુરુદ્વારા માટે પાછળ સાહિબ વિશેષણ લગાવે. તો ગ્રંથ સાહિબ.
હમણાં પાકિસ્તાનથી એક ગ્રંથને લાવવામાં આવ્યો. તો વિમાનમાંથી ઉતર્યું ત્યારે હજારો લોકો એ ગ્રંથનું સ્વાગત કરવા માટે ગયા. તો એવી કરસેવા આપણે ત્યાં કેમ ન આવે? કેમ ઉપાશ્રયનો કચરો તમારાથી ન કઢાય? માણસને જ રાખવા પડે? અને ભગવાનના અંગલુંછણા એ પુજારી સાફ કરે કે બહેનો લઇ જાય? હું ખંભાતમાં ગયેલો, ખંભાતમાં લગભગ ૬૦ થી ૬૫ મંદિરો. અત્યારે શું પરિસ્થિતિ મને ખબર નથી. પણ હું જ્યારે ગયેલો ૩૦ એક વર્ષ પહેલા ત્યારે મને કહેવામાં આવેલું કે મોટું દેરાસર હોય તો પણ આજુબાજુના ઘરવાળા જે છે એ લોકો વારાફરતી પ્રભુની પૂજા, પ્રક્ષાલ, અને અંગલુંછણા ધોવા સુધીની બધી જ પ્રક્રિયામાં રોકાયેલા હોય છે. કોઈ પુજારી કોઈ પણ દેરાસરમાં ક્યાંય નથી. આ ખંભાતની વાત. બસ અમારા પ્રભુ અને અમારા પ્રભુની સેવા કોણ કરે?
મારી દ્રષ્ટિએ તો ગભારાની અંદર પ્રવેશ એ વ્યક્તિનો જ થઇ શકે જેને પરમાત્મા ઉપર અનહદ શ્રદ્ધા છે. અમે લોકોએ અંજનશલાકા કરી. પ્રાણપ્રતિષ્ઠા કરી. એટલે વૈશ્વિક પરમ ચેતનાને મૂર્તિમાં અમે લોકોએ કેન્દ્રિત કરી. એ અંજનશલાકા, એ પ્રાણપ્રતિષ્ઠા ટકે ક્યાં સુધી? જ્યાં સુધી ગભારાની અંદર અત્યંત ભાવવાળા માણસો જાય ત્યાં સુધી. એટલે મારી દ્રષ્ટિએ તો ગભારાની અંદર એવી વ્યક્તિનો પ્રવેશ વર્જ્ય હોવો જોઈએ જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી. તમારો પુજારી એને તો પૈસા જોડે સંબંધ છે. પહેલાં એક પરંપરા હતી. કે પેઢી દર પેઢીએ પુજારીઓ આવતાં. અને એમનામાં એક ભક્તિ ભાવના પણ હતી. અત્યારે એવી કોઈ શક્યતા દેખાતી નથી. ઘણીવાર તો કેવું બને ધાતુના ભગવાન હોય, પેલાને કરવું ન હોય કંઈ, સીધા કુંડીમાં નાંખ્યા, ડબોળ્યા, ને આમ આમ કરીને પતાવી દીધું. કોઈ આશાતનાનો ભીરુ હોય, એ ટ્રસ્ટીઓને વાત કરે, તો ટ્રસ્ટીઓ શું કહે હા, વાત તો ખરી છે. અમને ય ખબર છે બધું આશાતના થાય છે. પણ બીજો પુજારી મળતો નથી શું કરીએ… પણ આપણામાં એક ખુમારી હોય પછી કે આ પુજારી જો આશાતના કરે તો ન જ ચાલે. ભક્તિ કરતો હોય તો ઠીક છે. આશાતના કરતો હોય તો ન જ ચાલે. એને રજા આપી દો. નહિ મળે ભક્તિવાળો ત્યાં સુધી અમે બધા પૂજા કરશું. ભક્તિવાળા પુજારીઓ તો એવા હતા અને એ પુજારીને સંઘો સાચવતા પણ એટલું. એ જ જમાનામાં પગાર એટલો કે માંડ રોટલી – દાળ એ ખાઈ શકે. હવે એનો દીકરો કે દીકરી એને સારો પ્રસંગ આવ્યો, લગ્ન વિગેરેનો પુજારીને કોઈ ચિંતા નથી. એ ગામના વેપારીઓ બહાર રહેતા હોય. મુંબઈ, સુરત, અમદાવાદ, ત્યાં એ પુજારી પહોંચી જાય. એનો દીકરો ત્યાં ઘરે સેવા કરતો હોય. આ પહોંચી જાય ત્યાં. એને રહેવા-કરવાની બધી વ્યવસ્થા એ ગામવાળા વેપારીઓ ઉપાડી લે. અને ટીપ લઈને પહોંચી જાય, ૨૫,૦૦૦-૫૦,૦૦૦ જોઈએ. એ ગામના વેપારીઓ ૫૦,૦૦૦- ૫૧,૦૦૦ કરીને મોકલી દે. અમારા ભગવાનનો પુજારી, અમારે એને બરોબર સાચવવો છે. અરસ-પરસ આ ભાવ હતો. તો મારા પ્રભુની ભક્તિ મારે કરવી છે. આ એક ભાવ આપણી ભીતર હોય.
તો કિઓટોમી ગવર્નર છે. નીચે બેસી ગયો. જમીન ઉપર. કારણ એ ગુરુની પાસે આવ્યો છું. હું ગવર્નર નથી. અને એણે સાધનાની વાતો પૂછી. ગુરુ ઊંડા ઉતરેલા હતા. અનુભૂતિવાન હતા. એમણે જે ઉત્તરો આપ્યા, કિઓટોમીને લાગ્યું. હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે પણ મારી સાધનામાં કંઈ પણ મને માર્ગદર્શનની જરૂરિયાત પડે, આ ગુરુ પાસે મારે આવી જવાનું. તો એવા ગુરુ હતા, સ્વમાં ડૂબેલા… કે જેને ગવર્નરને પણ મળવાની ઈચ્છા નથી. ગવર્નર હોય તો એના ઘરનો… મારે કાંઈ નહિ. ઠીક છે કોઈ સાધક છે તો મારે મારો સમય આપવો પણ જોઈએ. તો “ઔદાસીન્ય નિમગ્ન: એ પછી કહ્યું: પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા – ઉદાસીનતાની અંદર જે મુનિ પડી ગયો. એણે પછી માત્ર સ્વાધ્યાયમાં, માત્ર શુભયોગોમાં ડૂબી જવાનું છે. સાંજના અમારા મુનિની સંગોષ્ઠી ચાલે છે. ગઈ કાલે પણ મેં એમને એક જ વાત કરેલી. કે તમારું મિશન એક જ છે સ્વમાં ડૂબવાનું. એક પણ ગ્રહસ્થ જોડે પરિચય તમારો જોઈતો નથી મારે. અમારી પાસે લોકો આવે છે, અમે એમને ધર્મલાભ આપી પણ દઈએ છીએ પણ તમારે એક પણ ગ્રહસ્થનો પરિચય ક્યારે પણ કરવો નથી. તમારે માત્ર ભીતર ડૂબવું છે. અને એ વખતે શ્રી સંઘ જે અમને VVIP treatment આપે છે. એની વાત પણ હું કરતો હોઉં છું. કે આવો ગુણીયલ સંઘ, એક સાધુ કે એક સાધ્વી પાસેથી સંઘની કોઈ અપેક્ષા નથી. ૧૦૦ સાધ્વીજીઓ છે. એ એમનામાં ડૂબી જાય. સંઘ રાજી રાજી… ત્રણ ટાઈમ વહોરવા આવે, તમે ભક્તિથી વહોરાવો. શરીર છે માંડું પડ્યું, ઔષધ માટેની જે જરૂરિયાત હોય, સંઘ હોંશે હોંશે પુરી પાડે છે. અમને VIP નહિ પણ VVIP treatment શ્રી સંઘ આપે છે. અને પછી હું એ લોકોને કહું છું કે શ્રી સંઘ જે VVIP treatment આપે છે. એનો અનુવાદ આપણે સાધનાની ઊંડાણમાં કરવાનો. બોલો તમારી ઈચ્છા શું હોય? તમે વહોરાવો, ભક્તિ કરો. તમારી ઈચ્છા એક જ હોય કે આ મહાત્માઓ જે અત્યંત પ્રભુએ કહેલી સાધના કરી રહ્યા છે. બસ એ સાધનામાં એ આગળ ને આગળ વધે, એવી ભાવનાથી તમે વહોરાવો. અને એનાથી જ તમારું ચારિત્ર મોહનીય કર્મ ખપવા માંડે અને તમે પણ દિક્ષાના પથ પર આવી જાઓ.
શું સુવર્ણયુગ આવ્યો છે, પરિવારોના પરિવારો, family ના family પ્રભુના માર્ગ પર આવી રહ્યા છે. ૫૦ વર્ષનો પતિ છે, એની પત્ની, દીકરા-દીકરીઓ બધા એક સાથે દીક્ષા. ક્યારેક તો ૭૦ વર્ષના માજી કહે છે મારે દીક્ષા લેવી છે. એમને પૂછ્યું કે માજી હવે શું પણ દીક્ષા? નહિ સાહેબ! આ પ્રભુની ચાદરમાં જ મરવું છે. મારી દ્રષ્ટિએ આ સુવર્ણ યુગ છે. વચલા ૩૦૦ વર્ષની અંદર શ્રી પૂજ્યોનું અને ગોરજીઓનું આક્રમણ થયું. અને સંવિગ્ન સાધુઓને પડદા પાછળ જતા રહેવું પડેલું. વચ્ચે તો એવું થયેલું કે સંઘો ઉપર શ્રાવક સંઘો ઉપર એ ગોરજી ભગવંતોનું જ પ્રભુત્વ. કારણ કે કામણ- ટુમણ, દવા બધું જ આપે. પૂજાની અંદર તમે ક્યારેક જોવો છો. શ્રી ધરણેન્દ્રસૂરિ રાજ્યે, એ ધરણેન્દ્રસૂરિ એ કોઈ સંવિગ્ન આચાર્ય નહોતા. ગોરજીઓના શ્રી પૂજ્ય જ હતા. સામાન્ય ગોરજી હોય મુનિ એને ગોરજી કહેવાય. આચાર્ય હોય એમના એને શ્રી પૂજ્ય કહેવાય. પહેલા શ્રીપૂજ્યો હતા. પણ એમનું નામ તમે ન લખો ને તો તમારી પૂજા સર્ટિફાઈડ ન કહેવાય. બોલવા ન દે. એટલું એમનું પ્રભુત્વ હતું.
ઉપાધ્યાય યશોવિજય મ.સા. અને એ તો છડે ચોક શુદ્ધ સાધુતાની વાત કરે. શુદ્ધ સાધુ આવા હોય. લોકો સમજી જાય કે પેલા તો ગરબડિયા સાધુ છે. એ પેલા શ્રીપુજ્યોને ખબર પડી, એકવાર તો મહોપાધ્યાય યશોવિજય મહારાજને નજરકેદ કર્યા છે. કારણ કે શ્રાવક સંઘ ઉપર એમનું પ્રભુત્વ હતું. એક બંગલાની અંદર એમને રાખી દીધા. ગોચરી-પાણી બધું વહોરાવે. ભગવાનને પર્સમાં રાખે. પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું, કે તમે તમારા હાથે લખીને આપો. કે હું આ લોકો ની ટીકા-ટિપ્પણ ક્યારે પણ નહિ કરું. તમારી સહી સાથે તો જ તમને અહીંથી મુક્ત કરીએ. ઉપાધ્યાયજી ભગવંત આગમોના ઉત્સર્ગ – અપવાદ બધાના જાણકાર. લખીને આપ્યું કે ગોરજીઓની ટીકા હું નહિ કરું. સહી સાથે. પેલા લોકો ખુશ થઇ ગયા કે હવે બોલશે નહિ. મોઢું સિવાઈ ગયું. બોલે તો આપણે એમનો કાગળિયો ધરશું કે જુઓ ભાઈ આ કેવો જુટ્ઠો માણસ છે. એટલે આપણને તો બેય બાજુ લાડવા મળી ગયા. મુક્ત થયા ઉપાધ્યાયજી ભગવંત. મુક્ત થયા એ જ દિવસે સભા. હજારો માણસોની… અને પહેલી સભામાં પ્રવચન શુદ્ધ સાધુ આવા હોય. આવું જે ન પાળે તે સાધુ નહિ, નહિ ને નહિ. અને પેલા લોકો ઉકળ્યા. તમે લખીને આપ્યું છે. આમ છે તેમ છે… હવે સામાન્ય લોકોને પણ થયું. કે સાલું આમને લખી આપ્યું છે પછી કેમ બોલાય… આપણે સંસારમાં હોઈએ તો પણ આપણે લખી આપેલું હોય, તો આપણે તો કંઈ ફોગ કરી શકીએ છીએ. ઉપાધ્યાયજી ભગવંતે બીજી સભા બોલાવી એના માટે જ… એની સમજુતી માટે. એમણે કહ્યું તમે કાયોત્સર્ગ કરો તો પણ આગાર હોય છે. અમે સમ્યગ્દર્શન ઉચરીએ તો પણ આગાર હોય છે. છીંક આવી ગઈ કાઉસ્સગમાં છીએણં આગાર છે ખબર છે… બગાસું આવે તો મુહપત્તિ આમ કરવાની. આગાર છે છૂટ. તો બલાગારેણં આગાર છે. ટોળું આવી ગયું અને ફોર્સ કરે આમ કરવું પડશે. તો લખી આપ્યું. લખી આપ્યું એટલે શું? હું પ્રભુને બંધાયેલો છું બીજા કોઈને બંધાયેલો નથી. સિંહ હતા એ તો. હું માત્ર મારા પ્રભુને વફાદાર છું. બીજા કોઈને પણ વફાદાર હું નથી. અને પેલા લોકોના મોઢા સિવાઈ ગયા. તો આ ૩૦૦ વર્ષના વચલા ગાળામાં પ્રભુત્વ એ લોકોનું રહ્યું. અને એના કારણે થોડી શિથિલતા આવેલી. પણ અત્યારે તો લાગે છે કે ખરેખર લોકોનો અહોભાવ એટલો વધ્યો છે. સાધના એટલી વધી છે. મારે માત્ર એક જ કામ કરવું છે. કે તમારી સાધનાને સપ્રાણ બનાવવી છે.
એકવાર એક બહુ જ મજાના સાધકે મને પૂછ્યું કે સાહેબ તમે એમ કહો છો કે દુનિયાની બધી જ સાધનાઓમાં શ્રેષ્ઠ સાધના પ્રભુએ આપેલી સાધના છે. તો એ સાધના જેમણે મળેલી છે એ લોકોના ચહેરા ઉપર કોઈ દિવ્ય તેજ તો દેખાતું નથી. પ્રશ્ન એનો બરોબર હતો. આ સાધના જેમને મળેલી. એમના ચહેરા કેવા હોય? દિવ્ય તેજથી છલકાતા. પણ મને કહે આવું તો દેખાતું નથી. ત્યારે મારે એકરાર કરવો પડ્યો કે પ્રભુની સાધના સર્વશ્રેષ્ઠ. No doubt પણ એને અમે લોકો સપ્રાણ, જીવંત રાખી શક્યા નહિ. જ્યાં સુધી સાધનાના હાર્દમાં, ઊંડાણમાં તમે ન જાવ, ત્યાં સુધી તમે સાધનાના મર્મને કઈ રીતે પામી શકો?
અને આવતીકાલથી શિબિરના પ્રવચનોમાં પણ હું એક વિષય લઉં છું. સાધનાના ઊંડાણનો. પંચસૂત્રમાં સાધનાની ત્રિપદી આપી. શરણ સ્વીકાર, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના. એ ત્રણ સાધના ઊંડાણમાં જાય ત્યારે શું થાય… શું થવું જોઈએ… અને એ બહુ જ મહત્વનું શા માટે છે… પંચસુત્રનો પ્રથમ સૂત્ર એનો પાઠ આજે હજારો નહિ, લાખો જૈનો કરે છે. કોઈ પણ મહાપુરુષ પાસે જાવ તમને કહેશે પંચસૂત્રનું પહેલું સૂત્ર એનો અર્થ સાથેનો સ્વાધ્યાય કરો. તો એ પંચસુત્રના પ્રથમ સૂત્રની સાધના ત્રિપદીમાં શું ઊંડાણ છે? એની વાતો શિબિરના પ્રવચનોમાં થશે. અને આપણી આ જે સાધનાની યાત્રા છે એ ૧૯ તારીખે ફરીથી આ જ સમયે ચાલુ થશે. કાલથી ત્રણ દિવસ શિબિરના પ્રવચનો મારા ચાલશે અને ૧૯મી તારીખથી કઈ સાધના ચાલુ થશે? પ્રભુની દીક્ષા પછીની… દીક્ષા પહેલાંની સાધના ત્રિપદીની વાત આપણે કરી લીધી. પણ એ દીક્ષા પછી સાડા બાર વર્ષ પ્રભુએ કઈ સાધના ઘૂંટી? એની વાત આપણે ૧૯ તારીખથી પાછી જે સાધનાની વાચના શ્રેણી ચાલુ થાય છે એમાં કરીશું.
એટલે સાધનાનો વ્યાપ વિસ્તર્યો છે પણ મારી વાત એ છે કે there should be the depth. ઊંડાણ જોઈશે. એકલા વિસ્તારનો કોઈ અર્થ નહિ રહે. એક-એક ફૂટન ખાડા એને ૧૦૦ તમે કરી નાંખો એનાથી શું થાય? ધૂળ અને કાંકરા જ મળે. એક ખાડો ૧૦૦ ફૂટ સુધી તમે લઇ જાવ તો પાણી મળે. તો સાધનામાં પણ ઊંડાણ જોઈએ છે. અને એ જ ઊંડાણની વાતો હવે આપણે સતત ચર્ચવાની છે. તો યોગશાસ્ત્રનો આ મજાનો શ્લોક – “ઔદાસીન્ય નિમગ્ન:, પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા” બધા કાર્ય છૂટી જાય છે કારણ રસ જ સ્વમાં છે. તો પરના કાર્યો ક્યાંથી ચાલુ રહેવાના. તમારા માટે discount માં વાત કરી શકીએ. કે રસ સ્વનો છે. છતાં એક ફરજના ભાગ રૂપે ઓફિસે જવું પડે. ધંધો કરવો પડે. પણ રસ ત્યાંનો નહિ બરોબર ને? રસ ક્યાંનો? પણ ચોમાસું પૂરું થાય અને હું વિહાર કરું એ પહેલાં મારી કોશિશ રહેવાની કે સ્વનો રસ તમને ચખાડી જ દઉં. અને એ સ્વનો રસ ચાખી જાવ પછી પરનો રસ છોડવો નહિ પડે, છૂટી જશે. અને પછી કહ્યું ભાવિત પરમાનંદ: – સ્વના રસમાં જે ડૂબી ગયો, કાર્યો જેના છૂટી ગયા, એ કેવો હોય… ભાવિત પરમાનંદ: પરમ આનંદમાં એ ડૂબેલો હોય. ક્વચિદપિ મનો ન નિયોજયતિ – હવે એને મન બહાર ક્યાંય મુકવાની જરૂર નથી. એનું મન, એનું ચિત્ત, એનો ઉપયોગ બધું જ અંતર્મુખ બની ગયું છે. તો આ પ્રભુની ગ્રહસ્થપણાની સાધના ત્રિપદીની વાત આજે આપણે પરીપૂર્ણ કરી.