વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : जगत्तत्त्वावलोकिन:
જગતને માત્ર જોતાં શીખી જાવ, તો તમે સાક્ષીભાવમાં આવી જશો. જગતમાં બે જ વસ્તુ મુખ્ય છે : દ્રવ્ય અને પર્યાય. જેમ કે આત્મદ્રવ્ય. આત્મદ્રવ્ય શાશ્વત જ છે. અનંતકાળથી આપણે હતા અને અનંતકાળ સુધી આપણે રહેવાના છીએ.
પર્યાયો બદલાયા કરે. અત્યારે મનુષ્ય જીવનમાં છીએ તો મનુષ્ય જીવનનો પર્યાય આપણા માટે ખુલેલો છે. એમાં ક્યારેક બાળપણનો પર્યાય ખૂલેલો. એ પછી યુવાનીનો પર્યાય ખૂલ્યો. પછી વૃદ્ધાવસ્થાનો. ક્યારેક રોગનો પર્યાય ખૂલે.
એક પણ પ્રતિકુળ પર્યાય તમારી સાધનાને ટસથી મસ કરી ન શકે. ક્રમબદ્ધ પર્યાયોની ધારા ચાલ્યા કરે; જે ક્ષણે જે ઘટના ઘટવાની હોય એ ઘટયા કરે. સાધક હોય માત્ર વર્તમાનયોગમાં; માત્ર સાક્ષીભાવમાં. દુનિયાની અંદર બધું જ થયા કરવાનું છે; તમારે માત્ર એના સાક્ષી રહેવાનું છે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૯
પરમતારક, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા.
પ્રભુએ દીક્ષા લીધી અને વિહાર કર્યો. પહેલું જ સૂત્ર પ્રભુની સાધનાનું અસંગદશાનું સૂત્ર છે. “अहूणा पव्वईए रिईत्था” પ્રભુએ હમણાં દીક્ષા લીધી અને તરત જ પ્રભુએ વિહાર કર્યો. બહારથી અને ભીતરથી સંગ આમ પણ ચાલી ગયેલો હતો. દીક્ષા પહેલાના બે વર્ષમાં પ્રભુએ લગભગ અસંગયાત્રા જ કરેલી. એ અસંગયાત્રાનું ચરમ શિખર. પ્રભુ વિહાર કરે છે. અસંગયાત્રા પ્રભુની શરૂ થઇ. ન કોઈ પદાર્થો જોડે પ્રભુને સંયોગ છે. ન કોઈ વ્યક્તિ જોડે પ્રભુને સંયોગ છે. ન કોઈ ઘટનામાં પ્રભુએ જવાનું છે. પ્રભુએ માત્ર અને માત્ર સ્વની અંદર જવાનું છે.
એક ઘટના પ્રભુના સાધના જીવનમાં આવે છે. પ્રભુને ગંગા નદીને પેલે જવાનું છે. પ્રભુ લગભગ મૌનમાં રહે છે. ગંગા નદીને કિનારે આવ્યા. એક હોડી તૈયાર હતી, સામે પાર જવા માટેની. હોડીવાળાએ પૂછ્યું: જવું છે તમારે પેલે પાર? તો બેસી જાવ. પ્રભુ અંદર બિરાજ્યા. હોડી સામે પાર પહોંચી. ભારતની અંદર, આપણા દેશમાં ક્યારેય પણ ન બની શકે એવી એક ઘટના ત્યાં ઘટે છે. ભારતનો સામાન્યમાં સામાન્ય માણસ સંતોનો પૂજક હોય, હોય ને હોય જ. આ હોડીવાળાએ પ્રભુને કહ્યું પૈસા લાવો. મારી હોડીમાં હું તમને નદીને આ પાર લઈને આવ્યો, પૈસા લાવો. પ્રભુ અકિંચન છે. એ હોડીવાળાએ કહ્યું જ્યાં સુધી તમે પૈસા નહિ આપી શકો ત્યાં સુધી તમને જવા નહિ દઉં. બપોરના ૧૨-૧ વાગેલા હશે. એ ગંગા નદીની બળબળતી રેતમાં નાવિકે કહ્યું બેસી જાવ. જ્યાં સુધી પૈસા તમે નહિ આપી શકો ત્યાં સુધી હું તમને જવા નહિ દઉં. એ બળબળતી રેતમાં પ્રભુ ઉભડક પગે બેસે છે. પલોઠી વાળીને તો પ્રભુ સાડા વર્ષમાં એક ક્ષણ માટે પણ બેઠા નથી. ઉનાળાનો સમય બપોરના ૧૨ વાગેલા. ગંગા નદીની રેતી અત્યંત ગરમ થયેલી. આપણે બે ડગલાં કે ચાર ડગલાં ચાલીએ આપણા પગે ફોડલા પડી જાય. એવી ગરમી અને એમાં પ્રભુને બે-બે કલાક સુધી બેસવાનું થાય છે. બે કલાક પછી એક પરિચિત વ્યક્તિ ત્યાંથી નીકળી. અરે આ તો સિદ્ધાર્થ રાજાના કુમાર – વર્ધમાન કુમાર. પૈસા આપી દીધા. પ્રભુ ત્યાંથી વિહાર કરે છે. બહુ જ મજાની વાત આચારાંગ સૂત્રમાં ભગવાન સુધર્માસ્વામીએ કહ્યું; કે પ્રભુ ગંગા નદીને પેલે પાર હતા. પ્રભુ હોડીમાં બિરાજમાન હતા. પ્રભુ બળબળતી રેતમાં બેસેલ હતા. અને અત્યારે પ્રભુ વિહાર કરી રહ્યા છે. ચારેય પરિસ્થિતિમાં પ્રભુની મનોદશામાં કોઈ જ ફરક નહોતો. પ્રભુ માત્ર અને માત્ર સાધનામાં હતા. ગંગા નદીને પેલે પાર પ્રભુ હતા ત્યારે પણ વર્તમાનયોગમાં હતા. હોડીમાં પ્રભુ બેઠેલા ત્યારે પણ વર્તમાનયોગમાં… બળબળતી રેતમાં બેઠેલા છે ત્યારે પણ વર્તમાન યોગની સાધના. અને વિહાર ચાલુ થયો, તો પણ વર્તમાનયોગની સાધના. એક પણ પર્યાય પ્રતિકુળ પર્યાય પ્રભુની સાધનાને ટસથી મસ કરી શકતો નથી. આપણને તો સહેજ તાવ આવ્યો એટલે પ્રતિક્રમણ બાજુમાં આવી જાય.
શું પ્રભુની એ ભાવદશા… એક ક્રમબદ્ધ પર્યાયની ધારા ચાલી રહેલી, જે ક્ષણે જે ઘટના ઘટવાની હોય એ ઘટે. પ્રભુ વર્તમાનયોગમાં. પ્રભુ સાક્ષીભાવમાં. સાડા બાર વર્ષની અંદર પ્રભુએ માત્ર અને માત્ર સાક્ષીભાવને પુષ્ટ કર્યો છે. પ્રભુ કહે છે; આપણને તમે પણ સાક્ષી બની જાવ. દુનિયાની અંદર બધું જ થયા કરવાનું છે. તમારે માત્ર સાક્ષી બનવાનું છે. અત્યારે હિમાલયની ગુફામાં એ સંત હોય, તમે એમની પાસે જાવ અને કહો; બાબા! યે ક્યાં હો રહા હૈ? યે કોરોના આ ગયા. એસા હો ગયા, એ એસા હો ગયા… બાબા યે ક્યા હો રહા હૈ? ત્યારે એ સંત તમને કહેશે, યે તો હોતા હી રહતા હૈ. યે તો હોતા હી રહતા હૈ. ડટ્ટન સે પટ્ટન બનતા હૈ. પટ્ટન સે ડટ્ટન બનતા હૈ… યે તો સબ હોતા હી રહતા હૈ. મત જાવ. તુમ્હારે સ્વયં મેં યાત્રા ખલકતી હૈ. બહાર તો યે સબ હો હી રહા હૈ. ઓર હોને હી વાલા હૈ. તુમ ક્યાં કરોગે? સાક્ષી બની જવાનું છે. બધું થયા કરશે. તમે માત્ર એને જોનાર છો.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે જ્ઞાનસારમાં કહ્યું; “સ્વભાવ સુખ મગ્નસ્ય, જગત્તત્તવાવ લોકીન: કર્તૃત્વં નાન્યભાવાનાં, સાક્ષીત્વમ્ અવશિષ્યતે” તમારે સાક્ષી બનવું છે? બોલો… બનાવી દઈએ. કર્તૃત્વમાં પીડા જ પીડા છે. સાક્ષીભાવમાં મજા. દીકરીના લગ્ન હોય એ વખતે દીકરીનો પિતા કેટલી ટેન્શનમાં હોય, કેટલા stress માં હોય. ક્યાંક જાનૈયાઓને હોટલમાં ઉતાર્યા છે. ફોન પર ફોન આવે છે, અહીં કોઈ વ્યવસ્થા નથી. બાથરૂમમાં પાણી આવતું નથી. અહીં કોઈ નાસ્તાની વ્યવસ્થા નથી. ચા બરોબર મળતી નથી. એ ફોન પૂરો થાય એટલે બીજી હોટલમાંથી ફોન આવે. તમે કઈ જગ્યાએ ઉતારો આપ્યો છે. કંઈ ઠેકાણું જ નથી અહીંયા. જાનૈયા જલસામાં હોય, એ કન્યાનો બાપ stress માં છે. કેમ? કર્તૃત્વ એની પાસે છે. હું એટલું સરસ દીકરીનું લગ્ન કરું કે લોકો પણ મોંમાં આંગળી નાંખી જાય. બસ આ કર્તૃત્વ, આ અહંકાર… પીડા જ પીડા. અને અમે લોકો હંમેશ માટે મજામાં. કેમ? કંઈ કરવું જ નથી. કશું જ કરવું નથી. માત્ર સાક્ષીભાવમાં રહેવું છે. તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે: કે તમે પણ સાક્ષી બની શકો છો. અને આપણે કોઈ એમાં પંચ વર્ષીય યોજના કાઢવાની નથી. Now and here. આજે જ. બનવું છે? સાક્ષી બનો. મજા જ મજા.
તો એમણે કહ્યું: જગત્તત્તવાવ લોકીન: – માત્ર જગતને જોતાં શીખી જાવ. તો તમે સાક્ષીભાવમાં આવી જશો. જગતમાં બે જ વસ્તુ મુખ્ય છે. દ્રવ્ય અને પર્યાય. જેમ કે આત્મદ્રવ્ય. આત્મદ્રવ્ય શાશ્વત જ છે. અનંતકાળથી આપણે હતા. અને અનંતકાળ સુધી આપણે રહેવાના છીએ. હા પર્યાયો બદલાયા. અત્યારે મનુષ્ય જીવનમાં છીએ તો મનુષ્ય જીવનનો પર્યાય આપણા માટે ખુલેલો છે. એમાં બાળક હતા આપણે ત્યારે બાળપણનો પર્યાય ખુલેલો. એ પછી યુવાનીનો પર્યાય ખુલ્યો. પછી વૃદ્ધાવસ્થાનો પર્યાય ખુલ્યો. ક્યારેક રોગનો પર્યાય ખુલે. હવે સાધના એક જ છે કે પર્યાયોને માત્ર જોવાના. આમ પણ તમે શું કરી શકો બોલો… જે ઘટના જે સમયે ઘટિત થવાની છે એ ઘટિત થવાની જ છે. અનંત કેવલજ્ઞાની ભગવંતોએ એ ઘટનાને એ સમયે ઘટિત થતી જોયેલી છે. તો અનંત કેવલજ્ઞાની ભગવંતોનું જ્ઞાન મિથ્યા થવાનું નથી. તો જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે. તો પર્યાયો એ પ્રમાણે બદલાવાના જ છે. તમે ઈચ્છો તો પણ, ન ઈચ્છો તો પણ… ઘણાની ઈચ્છા હોય યુવાન જ રહેવું છે. પણ વૃદ્ધાવસ્થા આવવાની જ છે. તું કદાચ hair dye કરી નાંખે બરોબર છે. પણ માત્ર વાળને કાળા કરવાથી વૃદ્ધાવસ્થાને છુપાવી શકાતી નથી. જે પર્યાય ખુલવાનો છે એ ખુલવાનો જ છે. તો એ ખુલવાનો જ છે તો એ ખુલે ત્યારે અફસોસ કરો એના બદલે સ્વીકારી લો તો મજા ન આવે? અને તમને કદાચ ખબર નહિ હોય, તમને માણતા આવડે ને, તો વૃદ્ધાવસ્થાનું પણ સૌંદર્ય છે.
લીલોછમ પહાડ હોય, એનું તો સૌંદર્ય છે જ, પણ રણનું પણ સૌંદર્ય છે. આપણે લોકો જેસલમેર સુધી જઈએ, ત્યાં સુધી અસલી રણ આપણને જોવા મળતું નથી. ગુજરાત સરકાર જે રણ festival યોજે છે એ જેસલમેરથી ૪૨ કિલોમીટર દૂર શામ નામની જગ્યા છે ત્યાં આગળ ઉજવે છે. અસલ રણ ત્યાં કણે તમને દેખાય. એની પહેલા ઢુવા, એવા ઢુવા કે આખો માણસનો માણસ નહિ, ઊંટનો ઊંટ આખો અંદર ગરકાવ થઇ જાય. અને રેત ઉપર આવી જાય ખબર ન પડે અંદર શું થયું. તો એ રણનું પણ એક સૌંદર્ય છે. માણતા આવડે તો… અને એટલે રણ festival ની અંદર હજારો લોકો જાય છે. રણને જોવા, રણના સૌંદર્યને માણવા. તો દરેક અવસ્થાનું સૌંદર્ય છે. તમને માણતા આવડે તો… તો પછી વૃદ્ધ થવાનું છે તો થવાનું છે. એ પર્યાય ખુલવાનો છે. મજાથી માણીશું. મૃત્યુની શય્યા પર શરીર સુતેલું છે. તો મૃત્યુના પર્યાયને પણ માણીશું.
તો બે સૂત્રો તમને આપું. પર્યાયોને, ઘટનાઓને માત્ર જોવાનું. અને આત્મદ્રવ્યની અંદર જેટલા બની શકો એટલા ઊંડાણથી જવાનું. આત્મદ્રવ્યમાં જવાનું. અને પર્યાયોને ઘટનાઓને જોવાની. તમે શું કરો છો અત્યારે? આત્મતત્વને જોઈ લો, સાંભળી લો, એમાં જવાની વાત નહિ. તમારું મન, તમારો ઉપયોગ સતત ક્યાં જાય છે? પર્યાયોમાં. અરે આવું થઇ ગયું. અમને લોકોને ક્યારેય પણ કોઈ ઘટના માટે આશ્ચર્ય ન થાય. એ પર્યાય ઘટવાનો હતો ઘટી ગયો. તો પ્રભુએ દીક્ષા લીધી. અસંગયાત્રા પ્રભુની ચાલુ થઇ. “अहूणा पव्वईए रिईत्था” હમણાં જ પ્રભુએ દીક્ષા લીધી. અને પ્રભુની અસંગયાત્રા ચાલુ થઇ ગઈ. કોઈ પદાર્થ જોડે સંબંધ નથી. કોઈ વ્યક્તિ જોડે સંબંધ નથી, કોઈ ઘટના જોડે સંબંધ નથી. અને એક સૂત્ર બરોબર યાદ રાખો. તમારું મન પરમાં ન હોય તો જ સ્વમાં હોય. અનંતા જન્મોથી મેં અને તમે મનને ક્યાં મુક્યું? માત્ર પરમાં… ફલાણો આમ છે ને ઢીકણો આમ છે. પણ એ ગમે તેમ હોય તારે એની જોડે શું નિસ્બત છે…
એક પ્યારી ઘટના આવે છે, એક સાધક હતો. હિંદુ સાધક ગુરુ પાસે આવ્યો. એને એક વાત કહેવી છે. પણ ગુરુ free પડતાં નથી. પાંચ, સાત, દસ જણા બેઠેલા હોય. સંગોષ્ઠી ચાલતી હોય. પેલો આમ આકુલ-વ્યાકુળ થઇ ગયો છે. એક વાત ગુરુને કહેવી છે. છેલ્લે એકાંત મળ્યું ત્યારે એણે કહ્યું: સાહેબ! એક વાત મારે આપને કહેવી છે, ગુરુએ પૂછ્યું શું કહેવું છે? તો એક સાધકનો માઈનસ પોઈન્ટ જે જોઇને આવેલો, એની વાત એને ગુરુ પાસે કરવી છે. ગુરુ બહુ મજાના હતા. ગુરુએ પહેલાં કહ્યું: તારે શું કહેવું છે એ પહેલાં કહી દે. તો એણે કહ્યું, કે પેલા સાધકની વાત મારે આપની પાસે કહેવી છે. હવે એ સાધક બહુ જ પ્રસિદ્ધ હતો. અને એના જીવનના એક માઈનસ point ની વાત આને ગુરુ પાસે કરવી છે. ગુરુએ એને ૩ સવાલ કર્યા. ગુરુ કહે છે તારી વાત સાંભળવા હું તૈયાર નથી. પહેલાં તું મારા ૩ પ્રશ્નોના જવાબ આપ. પહેલો પ્રશ્ન: તું એ સાધકના માઈનસ point ની વાત મારી પાસે કરવા માટે આવ્યો છે. મારે તને પૂછવું છે, કે તે એનો એ માઈન્સ point નજરે જોયો છે કે ખાલી સાંભળીને આવ્યો છે? સાંભળેલું ખોટું હોઈ શકે. અને નજરે જોયેલું પણ ખોટું હોઈ શકે. સાંભળેલું તો ખોટું હોય જ ઘણીવાર. નજરે જોયેલું પણ ખોટું હોય.
એક બીજા સાધક માટે વાત આવે છે. કે એ સાધક દરિયાકિનારે બેઠેલો. જોડે એક બેન હતી યુવાન. અને એક શીશો પડેલો હતો. દૂરથી એક માણસે આ દ્રશ્ય જોયું. જોઇને એણે વિચાર કર્યો. અરે આ સાધક આટલી ઉંચી કક્ષાએ પહોંચેલો એ આટલો હલકો. યુવાન બાઈની બાજુમાં બેઠેલો છે એકલો. અને શીશો પડ્યો છે બાજુમાં દારૂનો તો હશે બીજો શેનો હોય… પાછળથી એને ખબર પડી કે જે બેન હતી એ એની સગી બેન હતી. અને પેલા શીશામાં માત્ર પાણી જ હતું પીવાનું. નજરે જોયેલું પણ ખોટું હોય. નજરે જોયેલું ખોટું કેમ હોય છે તમને સમજાવું. તમારી બુદ્ધિ છે ને એ દોષને પકડનારી… કેટલા સદ્ગુરુઓ પાસે જઈ આવ્યા? કેટલા સાધકોને, અને કેટલા સાધર્મિકોને મળ્યા? સાચું બોલો કેટલાના plus point તમે જોયા? જેટલાના માઈનસ point જોયા? પહેલી વાત તો માઈન્સ point જોવાનો આપણને અધિકાર જ નથી. અને જોયા તો ખોટી રીતે જોયા. એ માણસ હતો ઉંચી કક્ષા ઉપર… તમે તમારી કલ્પનાનું લેવલ નીચું એના કારણે એને નીચી કક્ષાએ ઉતારીને જોયો.
તો ગુરુએ પેલા સાધકને પહેલો સવાલ કર્યો. કે તું જે વાત કરે છે એ જોયેલી છે કે સાંભળેલી? તો કહે: સાંભળેલી. તો ગુરુએ સામે પૂછ્યું સાંભળેલું ખોટું ન હોય? એને બીજા પાસે સાંભળેલું હોય. બીજાએ ત્રીજા પાસે સાંભળેલું હોય. અને માણસો બહુ ઉદાર હોય છે. ઘટના આટલી નાનકડી હોય અથવા ન પણ હોય. પણ મરી-મસાલો, મરી-મસાલો ભભરાવી- ભભરાવીને આગળ hand over કરતાં જાય. મારા તરફથી હું આટલું ઉમેરું… બીજો સવાલ ગુરુ કરે છે. તું જે વાત મને કહેવા જઈ રહ્યો છે એ મને કહેવાથી તને કોઈ લાભ ખરો? તું કોઈના માઈનસ point ની વાત કરે એકવાર નહિ, બેવાર નહિ, ચાર વાર અને મારી પાસે તું કદાચ પાંચમી વાર આવ્યો હશે. પણ મારે તને એ પૂછવું છે કે તું એના માઈનસ point ની વાત કરે, એથી તને કોઈ લાભ ખરો? આ એક બહુ મજાની વાત છે. પેલો ઉંચી કક્ષાનો સાધક છે. અને એના માઈનસ point ની વાત કરવી છે. તો એના કારણે શું થાય? કે ભાઈ આટલી ઉંચી કક્ષાનો માણસ એ આટલો ગુસ્સો કરતો હોય, તો આપણે ગુસ્સો કરીએ એમાં નવાઈ શું… મેળવ્યું શું આમાં? એટલે ગુરુએ બીજો સવાલ કર્યો, તું મને કહેવા જઈ રહ્યો છે, તું મને કહીશ પણ એથી તને શું લાભ થશે? ત્રીજો સવાલ: તું મને સંભળાવે કે કોઈને પણ સંભળાવે, એ સાંભળનારને આ ઘટના સાંભળ્યા પછી કોઈ લાભ થવાનો ખરો? પેલાને ત્રણેયમાં ના પાડવી પડી. ઘટના જોયેલી નથી. સાંભળેલી છે. ઘટના હું કહું એમાં મને કોઈ લાભ થઇ શકે નહિ. ઘટના બીજાને સંભળાવું તો સાંભળનારને કોઈ લાભ થવાનો નથી. તો ગુરુ કહે છે તને જેમાં ફાયદો નથી. સાંભળનારને જેમાં ફાયદો નથી. એમાં તારે time વેસ્ટ કરવો છે… અને તું સાધક છે? ઘર ભેગો થઇ જા. તું સાધના કરવા આવ્યો છે? આવી રીતે સાધના થઈ શકે? તો ઘટના એટલે પર્યાય. પછી એ તમારા જીવનમાં ઘટિત થઇ કે બીજાના જીવનમાં ઘટિત થઇ. પર્યાય એ પર્યાય છે એ વીતી ગયો. વીતી ગયેલા પર્યાય જોડે તમારે કરવાનું શું? કંઈ જ કરવાનું હોતું નથી. પર્યાય ગયો. ગયો તો એને કચરા ટોપલીમાં નાંખી દો. તો પ્રભુની અસંગયાત્રા ચાલી રહી છે. કદાચ પ્રભુને કોઈ પૂછે, કે પ્રભુ ત્યાં શું થયેલું? પ્રભુ કહેશે જે ત્યાં હાજર હોય એને પૂછ, મને કેમ પૂછે છે…
સાહેબ પેલી ઘટના ઘટી ને એ… આપ રેતમાં બેઠેલા ને બેઠેલા… બળબળતી રેતમાં, ત્યારે શું થયેલું? તો પ્રભુ કહે છે એ પર્યાય હતો. અને એ પર્યાયમાં હું ક્યાં હતો? હું તો મારા સ્વરૂપમાં હતો. તમને લાગે છે કે આ જન્મ પર્યાયો માટે નથી. સ્વરૂપદશામાં જવા માટે છે. આટલું જો તમે નક્કી કરી શકો. તો હવેની આપણી બધી જ વાચનાઓ સ્વરૂપદશામાં step by step કેમ આપણે આગળ વધી શકીએ એની છે. આટલું નક્કી કરી શકો એમ છો? કે પર્યાયોમાં જવું meaning less છે. બોલો જે ઘટના સવારે ૬ વાગે ઘટી ગઈ. તમે આખો દિવસ એને યાદ કરશો. આમ થઇ ગયું. આમ થઇ ગયું. પણ એ યાદ કરવાથી કર્મબંધ તમે કરવાના જરૂર, પણ ઘટના બદલાવાની ખરી? એ ઘટના replace થવાની ખરી? ઘટના તો ઘટી ગઈ. એ ઘટના જોડે તમે શું કરી શકો છો? કાંઈ જ કરી શકતા નથી. તો ઘટનાનો સ્વીકાર કરતાં શીખવું છે? જે પણ ઘટના ઘટે સારી કે નરસી, સ્વીકાર કરો ઘટનાનો… મને હમણાં પૂછવામાં આવ્યું હતું એકવાર કે પ્રભુની સાધનાને એક શબ્દમાં મુકવી હોય તો એ એક શબ્દ કયો હોય? તો મેં કહેલું કે સર્વસ્વીકાર. એ એક શબ્દ એવો છે જેમાં પ્રભુની સંપૂર્ણ સાધના સમાય જાય છે. ભગવાને અંતિમ દેશનામાં આ વાત કહી.
ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનો પ્રભુએ અંતિમ દેશનામાં ફરમાવ્યા. અને એમાં ૧૫માં અધ્યયનમાં પ્રભુ કહે છે “जो कसिणं अहिया सए स भिक्खु” જે બધે બધાનો સ્વીકાર કરે, એ જ મારો ભિક્ષુ. એ જ મારી સાધ્વી. એક પણ ઘટનાનો અસ્વીકાર કરે. પ્રભુ કહે છે એ મારો સાધુ નહિ, એ મારી સાધ્વી નહિ. તમારે પ્રભુના સાધુ કે સાધ્વી બનવું હોય, તો સર્વસ્વીકાર લાવવો જ પડશે. ભલે આ લોકો સાધુ અને સાધ્વી બની ગયા, તમારા પણ future planning માં તો આ જ છે ને ભાઈ… મારી ઉપધાનની વાચનામાં હું ઘણીવાર કહેતો હોઉ છું કે માળ પહેરાઈ ગઈ, પાંત્રીસું થઇ ગયું, અઠ્ઠાવીસુ થઇ ગયું. એટલે ચરવળો પરિપક્વ થઇ ગયો. ચરવળાનું કામ પૂરું થયું. અને પછી આ સીધું રજોહરણ.. એટલે તમારા બધાના future planning માં તો આ જ છે ને… એક વાત પૂછું, આમ સપનું શેનું આવે? સમૂહ દીક્ષા મહોત્સવમાં ગયેલા, વીસ એક મુમુક્ષુઓની દીક્ષા હતી. આઠ વર્ષના બાળકથી માંડીને ૬૦ વર્ષના વૃદ્ધ સુધીના બધા જ એમાં સામીલ હતા. યુવાનો પણ ૧૫-૧૭ હતા. તમે એ દીક્ષાનો મહોત્સવ માણ્યો. સાચું કહેજો. એ રાત્રે તમારા સ્વપ્નમાં એવું આવે, કે તમે તૈયાર થઇ ગયા છો, ગુરુ ભગવંત બિરાજમાન છે, નાણ બિરાજમાન છે. ચતુર્મુખ પરમાત્મા આવી ગયા છે. અને તમે ધોતી અને ખેસ પહેરી, ચરવળો લઇ અને નાણ ને ફેરા ફરી રહ્યા છો. તમારી દીક્ષાની વિધિ ચાલુ થઇ ગઈ છે… આવું સ્વપ્ન આવ્યું કે નહિ? સ્વપ્નમાં બિઝનેસની વાતો આવે છે, ઘરની વાતો આવે છે, આ કેમ ન આવે… આ જો તમારા મનમાં રટાઈ જાય તો સ્વપ્નમાં આ પણ આવશે. એક માણસ હતો, ૨૨, ૨૩, ૨૪, ૨૫ વર્ષની ઉંમર થઇ પણ લગ્નનું ઠેકાણું પડ્યું નહિ. એના બધા મિત્રો પરણી ગયા. હિંદુ માણસ છે. આપણે ત્યાં તો દીક્ષાનો option મજાનો છે. પણ એની પાસે એવો કોઈ option ન હતો. તો બધા મિત્રો એના પરણી ગયા. આનું ઠેકાણું પડતું નથી. હવે રાત-દિવસ વિચાર શેના આવે? લગ્નના. અને એમાં એક રાત્રે ઉનાળાની રાત. બહાર ખુલ્લામાં પથારી પાથરીને સૂતેલો. અને સ્વપ્ન ચાલુ થયું. અતૃપ્ત ઈચ્છા હોય એનું સ્વપ્ન આવે. ઘણીવાર તમારી અતૃપ્ત ઈચ્છા સ્વપ્ન દ્વારા તમે પુરી કરતાં હોવ. દીક્ષા લેવાની બહુ ઈચ્છા છે. અને દીક્ષા રજા મળતી નથી. તો ચોક્કસ તમારા સ્વપ્નમાં દીક્ષા આવવાની. હવે આનું સ્વપ્ન ચાલુ થયું. સ્વપ્નમાં એ જ ચાલે છે. લગ્નની વિધિ. પોતે ચોરીમાં બેઠેલ છે. કન્યા પણ સામે બેઠેલ છે. ગોર મહારાજ વિધિ કરાવી રહ્યા છે અને કહે છે લ્યો તમારો હાથ આપો. હાથ મુકો કન્યાના હાથ ઉપર. આ ભાઈ તો તૈયાર જ હતા. વર્ષોથી. હાથ લેનાર કોઈ ન હતું. આપનાર તો તૈયાર જ હતો. સપનામાં ચાલે છે. પણ આ real ચાલતું હોય એવું લાગે છે. જ્યાં ગોર મહારાજે કહ્યું હાથ આપો. પેલાએ હાથ ઉંચો કર્યો ખરેખર.. ખરેખર એણે હાથ ઉંચો કર્યો. અને પછી ધીરેથી હાથ મુકાયો. એ સપનામાં એમ માને છે કે જાણે કન્યાના હાથમાં મુકું છું. બન્યું શું ઉનાળાની રાત્રે એક વીંછી બહાર નીકળ્યો અંદર જવા માટે. અને પથારીની પાસે આવીને બેઠેલો. જ્યાં આમ હાથ મુક્યો સીધો વીંછીની ઉપર. વીંછીએ માર્યો ડંખ, રાડ પડી ગઈ. સપનું તો વિસર્જિત થઇ ગયું. હાથ થઇ ગયો સુજીને દડા જેવો. સવારે બેઠેલો, શું કરવું એ વિચારણા કરે છે, વૈદ્યને ત્યાં જવું, શું દવા કરવી? આવો હાથ થઇ ગયેલો. ત્યાં એનો એક મિત્ર આવ્યો. શું થયું? આ શું કર્યું? એને બિચારાએ સાચી વાત કહી, કે સ્વપ્નમાં લગ્ન કરવા ગયો તો આવું થયું. મિત્ર બહુ ભલો માણસ હતો. એ કહે કે કંઈક સમજી જા હવે… સ્વપ્નમાં લગ્ન કરવા ગયો તારી હાલત આ થઇ. તો સાચું લગ્ન કરવા જઈશ તો તારી હાલત શું થશે…
તો મારી વાત એ હતી કે તમને સ્વપ્નમાં તમારી દીક્ષા દેખાણી કે નહિ? તો સર્વસ્વીકાર. અનુકુળ ઘટનાનો પણ સ્વીકાર. પ્રતિકુળ ઘટનાનો પણ સ્વીકાર. તમે શું કરો છો? મનગમતી ઘટના ખુલી રતિભાવ. અણગમતી ઘટના ખુલી અરતિભાવ. રતિ અને અરતિ નું ચક્કર તમે ચલાવ્યા કરો છો. સંયોગને કારણે બહારની ઘટનાઓ ને કારણે જે મનની અંદર અનુકુળ કે પ્રતિકુળ વિચારો આવે, એને રતિ અને અરતિ કહેવાય છે. પણ તમારી ભીતરથી કોઈ વિશિષ્ટ દશા પ્રાપ્ત થાય અને જે સુખની અનુભૂતિ થાય એને આનંદ કહેવામાં આવે છે. એટલે અત્યારે તમારી પાસે આનંદ નથી. માત્ર રતિ અને અરતિ છે. હવે નક્કી ને કે ઘટનાઓમાં, પર્યાયોમાં જવું નથી. મારે મારા સ્વરૂપમાં જવું છે. તમે તમારાથી અજાણ રહો… તમે તમારાથી અપરિચિત હોવ… આ કેમ બની શકે… તો સ્વરૂપદશામાં ડગ ભરવા માટેનું પહેલું પગથિયું – અસંગયાત્રા.
તમે કદાચ બહારથી સંગ રાખો છો. ભીતરનો સંગ તૂટી જાય એવું કરવું છે. એક હિંદુ સંતની વાત આવે છે. બહુ જ નિઃસ્પુહી. એ ધોતી ને ખેસ પહેરેલું હોય, બે જ બીજું કંઈ જ નહિ. બીજો કોઈ જ પરિગ્રહ નહિ. ઠંડીમાં એક સાલ હોય. એક જ સાલ. એ સાલ વર્ષોથી વપરાતી હતી. સાવ જૂની થઇ ગયેલી. પણ સંતને એ વિચાર જ નથી આવતો. મેં ઉપવાસની વ્યાખ્યા કહેલી ને… ખાવાનો વિચાર જ ન આવે એ ઉપવાસ. કેમ? સાધુ મહાત્માને કપડાં મેલા છે એ ખ્યાલ જ આવતો નથી. કપડાં ફાટી ગયા છે. એ પણ વિચાર આવતો નથી. તો સાલ સાવ ફાટી ગયેલી. છતાં એને વાપરતાં. એક ભક્ત હતો એમનો, કાશ્મીર ગયેલો. કાશ્મીરમાં સરસ મજાની સાલ જોઈ. એને થયું ગુરુ માટે એક સાલ લેતો જાઉં. તમે કાશ્મીર જાવ તો તમને શું યાદ આવે? ડાલ લેકમાં બોટિંગ કરવાનું. કાશ્મીર જાવ તો યાદ સીધું શું આવે? ભગવાનની પૂજા માટે કેસર લાવવાનું યાદ આવે? દીકરા કે દીકરીના લગ્ન માટે ખરીદી કરવા નીકળો દાગીનાની… ત્યારે સૌથી પહેલા યાદ શું આવે? મારા પ્રભુ માટે એક નાનકડો મુગટ પહેલા લઇ લઉં. શરૂઆત શેનાથી કરો ખરીદીની? પ્રભુ ક્યારે ક્યારે યાદ આવે? મારે સતત તમને પ્રભુ યાદ આવે એ ભૂમિકા ઉપર મુકવા છે. કારણ પરમાત્માની નિર્મલ ચેતના અને આપણી વાસ્તવિક નિર્મલ ચેતના બેઉ સમાન છે. એટલે પરમાત્માની નિર્મળદશાને જેમ-જેમ જોઈશું. જેમ જેમ યાદ કરીશું. તેમ-તેમ આપણી નિર્મળદશાનો આપણને ખ્યાલ આવશે.
તો પેલા ભક્તને ગુરુ યાદ આવ્યા હતા. તમને પ્રભુ ક્યાં – ક્યાં યાદ આવે સાચું કહેજો? ક્યાં-ક્યાં યાદ આવે? ઓફીસે જાવ એટલે યાદ આવે. પહેલાં દીવો વિગેરે કરો, પ્રભુના ફોટાને બરોબર… ગુરુ મહારાજ હોય, તો એમને પણ વંદન કરો ને ફોટામાં… શેના માટે… શેના માટે? સાચો હેતુ એ છે કે ગમે એટલા પૈસા મને મળે, હું એમાં લપટાઈ ન જાઉં. મને મૂર્છા ન થાય. એના માટે સદ્ગુરુને હું પગે પડું બરોબર… પૈસા કમાવા માટે નહિ, પણ પૈસા મળી જાય… તો તમે એમાં લપટાઈ ન જાવ. એના માટે ગુરુદેવને યાદ કરું. પેલો ભક્ત ગામમાં આવ્યો, ગુરુ પાસે ગયો. અને ગુરુને કાશ્મીરી કામળી આપી. પેલી કામળી સાવ ફાટી ગયેલી. સાદી સાલ અને કાશ્મીરી સાલ બેય સાથે આવી હોય. તો એ ગુરુ સાદી સાલ જ પહેરેત. પણ બેય સાથે આવી છે. બેય સાથે છે નહિ. એક જ છે તો કાશ્મીરી સાલ લઇ લીધી. બીજી સવારે ભક્ત ગુરુને વંદન કરવા જાય છે. ત્યારે એના મનમાં એક અહોભાવ.. કે કાશ્મીર ગયો, ખરેખર મને ગુરુ મહારાજની યાદ આવી. કામળી આવી ગઈ. ગુરુદેવે વહોરી પણ લીધી કૃપા કરીને… અને એમણે વાપરી પણ ખરી. અત્યારે હું જઈશ ત્યારે એ જ કામળી પહેરીને ગુરુદેવ બેઠેલા હશે. ત્યાં ગયો, ગુરુને વંદન કરવા, કામળી એ જ હતી, સાલ એ જ હતી. પણ અહીંયા આટલો મોટો શાહી નો ધબ્બો. કેટલો આવડો નહિ, લગભગ ચારથી પાંચ ઇંચના ડાયામીટરનો. આવો શાહીનો ધબ્બો તો પડે જ નહિ. તમે ફાઉન્ટેન પેન આમ-આમ કરો તો પણ થોડાક છાંટા પડે. આ તો જાણી જોઇને ખડિયો આખો ઉંધો પાડ્યો હોય એ હાલત હતી. એણે વંદન કર્યા. પૂછ્યું સાહેબજી શું થયું આ? ગુરુ હસ્યા. ગુરુ કહે છે: તમારો નાનકડો દીકરો હોય ને બહુ રૂપાળો હોય ને તો એની માં શું કરે? મેશનું ટપકું કરે. કે એને કોઈની નજર ન લાગે. એમાં કાશ્મીરી સાલ તું આપી ગયો. સાદી સાલ હોત તો વધારે સારું હતું. પણ આ કાશ્મીરી સાલ છે, બહુ સારી છે તો મને એના ઉપર રાગ ન થઇ જાય, એટલા માટે આ ડાઘો પાડી દીધો. એવી જાગૃતિ એક સંતની. ખરેખર વિરાગી હતા. એમના માટે રાગનો સંભવ હતો નહિ છતાં એક જાગૃતિ કે સાદી સાલ હોય મને રાગ નથી થતો. તો આટલી ભારે કીમતી સાલ છે, એકદમ સરસ દેખાય છે, તો એના ઉપર કદાચ રાગ કોઈ ક્ષણે થઇ જાય તો? એ ન થવો જોઈએ.
તો અસંગયાત્રા એ પહેલું ચરણ. અને અસંગયાત્રામાં જવા માટે સતત જાગૃતિ આપણી હોય. એ એનું પેટાચરણ. સતત જાગૃતી… આમ જાગો છો ને? પરભાવમાં જાવ એને શાસ્ત્રો નિદ્રા કહે છે. એ ઊંઘવાની નથી. તમે સ્વમાં આવ્યા તો જાગ્યા કહેવાય. અમારી જાગવાની પરિભાષા અલગ છે. જાગૃતિ એટલે શું? જાગતા જ રહેવું. પણ અમે એને so called જાગૃતિ, તથા કથિત જાગૃતિ કહીએ છીએ. કારણ તમે સ્વપ્નમાં હોવ તો પણ વિકલ્પોની હારમાળા ચાલતી હોય. તમે જાગતા હોય તો પણ વિચારોની હારમાળા ચાલતી હોય. તો તમારા સ્વપ્ન કરતાં, તમારી આ જે જાગૃતિ છે એનું મૂલ્ય ઊંચું નથી. તો વાસ્તવિક જાગૃતિ એ છે, જ્યાં તમે સ્વરૂપને પોતાની સ્થિતિ સમજી બેઠા છો. અને સ્વરૂપમાં જવા માટે તમે કોશિશ કરી રહ્યા છો.
તો પ્રભુ પોતાની સાધનાયાત્રા દ્વારા બતાવે છે કે અસંગયાત્રા એ સાધનાનું સ્વ તરફ જવાનું સૌથી પહેલું ચરણ છે. અમારી પાસે પદાર્થો ઓછા છે. અને એટલે અમારા માટે અસંગયાત્રા સહેલી છે. એ જ રીતે વ્યક્તિઓનો સંપર્ક પણ બહુ ઓછો છે. જવાહરનગર ચાર મહિના રોકાણા. તમે વંદન કરવા આવ્યા, ધર્મલાભ આપી દીધો. પૂનમે જઇશું આમ… જવાહરનગર આમ. પ્રભુએ અમને અસંગયાત્રા આપી છે. એ જ અસંગયાત્રા તમારે પણ જોઈએ છે. તો પદાર્થોની વચ્ચે છો, વ્યક્તિઓની વચ્ચે છો. છતાં પણ એનો રાગ જેટલો બને એટલો ઓછો કરી શકો. તો તમે અસંગયાત્રામાં આવી શકો. એ રાગ ઓછો કેમ થાય. એની મજાની practical approaches ની વાત અવસરે.