વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : તુજ નામ સુણ્યું જબ કાને
તમારા પૂરા વ્યક્તિત્વનો અર્થ ક્યારે? જ્યારે પ્રભુ એમાં અવતરે, ત્યારે. અનંત જન્મો મળ્યા – મને અને તમને – બધા જ વ્યર્થ ગયા. કારણ? પ્રભુનું પ્રાગટ્ય ન થયું. આ જન્મનો એક જ હેતુ છે કે આપણી નાનકડી કાયામાં પ્રભુનું પ્રાગટ્ય થવું જોઈએ.
જેમાંથી હર પળે ગંદકી છલકાઈ રહી છે, એવું તમારું શરીર અને રાગ-દ્વેષ-અહંકાર જેમાંથી હર ક્ષણે છલકાઈ રહ્યા છે, એવું મન અને ચિત્ત તમે પ્રભુને સોંપો અને સામે પ્રભુ પૂરેપૂરા મળી જતા હોય, તો સોદો સસ્તામાં નથી?!
મૂર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે. શ્રવણેન્દ્રિયને પ્રભુના ચરણોમાં એવી સમર્પિત કરવી છે કે બસ પ્રભુનું નામ માત્ર સાંભળો અને બધી મૂર્ચ્છા ઊતરી જાય; સભાન દશામાં આવી જવાય!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
પ્રભુ એમના માટે પરમ પ્રિય બનેલા, તો આપણા માટે પરમ પ્રિય કેમ ન બને…? બને જ… એના માટેની એક જે process છે એણે આપણે જોઈ રહ્યા છે.
“ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નીરખવા, દ્યો દરિશન મહારાજ”
ચિત્ત, મન અને ઇન્દ્રિય એ ત્રણેય પ્રભુ પરાયણ થઇ જાય, એટલે પ્રભુ આપણા પરમ પ્રિય બની ગયા. ઇન્દ્રિયો પ્રભુમય બનાવવી છે એવું એક નક્કી કરો. કોઈ પણ સાધનાને સિદ્ધિમાં ફેરવવી હોય તો એના માટે ૩ પરિબળો જોઈએ છે: પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને સાધકનો સંકલ્પ. પ્રભુની કૃપા અનરાધાર વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવો નથી, કે પ્રભુની કૃપા ન વરસતી હોય. સદ્ગુરુનો આશીર્વાદ પણ તમારા પર વરસી રહ્યો છે, હવે જોઈએ તમારો સંકલ્પ. જેમ એક સંકલ્પ છે કે વાચનાને miss ન કરવી તો વહેલા વહેલા આવીને બેસી જાવ છો… એક સંકલ્પ કેટલાક લોકોને ૫ વાગે દોડાવતો હશે, કેટલાક ને ૫.૩૦ વાગે ઘરેથી દોડાવતો હશે. એક સંકલ્પ આજે લાવો, કે મારી ઇન્દ્રિયો, મારું મન, અને મારું ચિત્ત મારે પ્રભુને સમર્પિત કરવું છે. પ્રભુ જો પુરા ને પુરા આપણને મળી જતા હોય તો સોદો સસ્તામાં નથી…?
કબીરજી કહ્યું: “યે તન વિષ કી વેલડી, ગુરુ અમૃતકી ખાણ, શીશ દિયે ગુરુ જો મિલે, તો ભી સસ્તા જાય.” યે તન વિષ કી વેલડી… આ શરીરમાં શું છે..? ગુરુ, પ્રભુ અમૃતકી ખાણ. શીશ દિયે પ્રભુ જો મિલે, ગુરુ જો મિલે; તો ભી સસ્તો જાય. માથું ઉતારી દઈએ અને પ્રભુ મળે તો પણ સોદો સસ્તો છે. આપણે તો માથું ઉતારવું નથી. મન સમર્પિત કરવું છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું: ‘તું તારું મન મને આપી દે’ અર્જુન પૂછે છે: હું તમને મન આપી પણ દઉં. તમને પૂછવાની છૂટ હો… અર્જુન પૂછે છે: તમને મન આપી દઉં પણ સામે મને શું મળશે…? એ વખતે શ્રીકૃષ્ણ ચેતનાએ અર્જુનને વચન આપ્યું છે – “निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः” શ્રીકૃષ્ણ કહે છે અર્જુન: જો તું તારું મન મને આપી દે તો હું તારો છું.
પ્રભુ તમારા થવા માટે તૈયાર છે. He is ever ready but are you ready? શું સોંપવાનું છે? શરીર … જેમાંથી હર પળે ગંદકી છલકાઈ રહી છે. Lux અને liril થી તમે નવડાવી નવડાવીને તમે થાકી જાવ તો પણ પરસેવાની બદબૂ વહાવે એવું શરીર છે. રાગ અને દ્વેષ અને અહંકાર જેમાંથી હર ક્ષણે છલકાઈ રહ્યા છે, એવું મન અને ચિત્ત તમારી પાસે છે. એ પ્રભુને સોંપો અને પ્રભુ મળતાં હોય, તમે તૈયાર ન થાવ એવું બને…! વાચના સાંભળવા માટે સવારે ૫ વાગે ઘરેથી દોડનારો માણસ, પ્રભુ મેળવવા માટે શરીર, મન અને ચિત્ત આપવા માટે તૈયાર ન હોય એ હું તો માની ન શકું… તમારા માટે છે ને મારી અપેક્ષા બહુ ઊંચી છે, અને મારે રાખવી જ પડે ને…..
એક પ્રોફેસર છે એની credit આખરે તો students પર જ રહેવાની ને… તમે અહીંથી સાંભળીને જાવ અને તમારી જીવનચર્યા ન બદલાય તો ચાલી શકે ખરું..? તો હવે તૈયાર? તો ઇન્દ્રિયોમાં સૌથી પહેલા આંખને લીધી, આંખ શા માટે? માત્ર પ્રભુને જોવા માટે.
સુરદાસજી એક પદમાં કહે છે, “જિન આંખે નમે નવી રૂપ વસ્યો, ઉન આંખીન સે અબ દેખ્યો ક્યાં? જે આંખોની અંદર પ્રભુનું રૂપ છલકાયું નથી, એ આંખોથી તમે શું જોશો…? ક્યારેક દેશ અને કાળના સીમાડાને વીંધીને ભક્તોની વાણી એકસરખી આવતી હોય છે. સુરદાસજીએ જે વાત કરી એવી જ વાત જર્મન કવિ રિલ્કે કરે છે. એ જ લય: put out my eyes if that can see you. Rilke કહે છે put out my eyes if that can see you.
આપણા કવિ હરિન્દ્ર દવે એ એક કાવ્યનું રસળતી ગુજરાતીમાં અનુવાદ કર્યો, અનુવાદ પણ બહુ મજાનો થયો છે, તું ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ જો કાચ નથી આ ખપના” ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ કાચ નથી આ ખપના.. પ્રભુ આ આંખો દ્વારા તારું દર્શન ન થઇ શકે તો આ આંખોનો કોઈ અર્થ નથી. તમારા પુરા વ્યક્તિત્વનો પણ અર્થ ક્યારે…? જ્યારે પ્રભુ એમાં અવતરે ત્યારે… અનંત જન્મો મળ્યા, મને અને તમને બધા જ વ્યર્થ ગયા. કારણ પ્રભુનું પ્રાગટ્ય ન થયું. આ જન્મનો એક જ હેતુ છે કે આપણી નાનકડી કાયામાં પ્રભુનું પ્રાગટ્ય થવું જોઈએ.
સંત કબીરે બે સૂત્રોનો સેટ આપ્યો, પહેલું સૂત્ર આપ્યું: ‘બુંદ સમાના સમુંદ મેં’ જીવનના બુંદ ને, તમારા વ્યક્તિત્વના બુંદ ને પરમ ચેતનાના સમંદર માં સમાવવું છે. એ જ આપણું અવતારકૃત્ય. એ જ આપણું life mission. બુંદ સમાના સમુંદ મેં. જીવનના બુંદ ને પરમચેતનાના સમંદરમાં આપણે વિલીન કરી દઈએ. વિક્ષિપ્ત કરી દઈએ. પછી બીજું સૂત્ર તો બહુ જ મજાનું આપ્યું. બીજું સૂત્ર એવું છે, ‘સમુંદ સમાના બુંદ મેં’ જ્યારે તમારા જીવનનું બુંદ પરમ ચેતનાના સમુદ્રમાં વિલીન થાય છે, ત્યારે કંઈ ઘટના ઘટે છે: તમારી નાનકડી કાયામાં પરમ ચેતનાનો સમુંદર લહેરાય છે.
કલાપૂર્ણસૂરિદાદાની નાનકડી કાયામાં આપણે પરમ ચેતનાના સમંદરને લહેરાતો જોયો છે, પણ એનું કારણ એક જ હતું, એમણે પોતાનું પૂરું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું. બુંદ સમાના સમુંદ મેં – તો સામે પ્રભુ ચેતનાનો કોલ – ‘સમુંદ સમાના બુંદ મેં’ તમારી નાનકડી કાયામાં પરમ ચેતનાનું અવતરણ થાય આનાથી મોટી ઉપલબ્ધિ, આનાથી મોટું achievement કયું હોઈ શકે…? તો જીવન આના માટે જ છે. પરમ ચેતનાનું અવતરણ આપણી ચેતનામાં થાય. આખી જ ભક્તિધારા આના માટે જ છે. આનંદધનજી ભગવંતના ૨૪ સ્તવનોનો સાર આ છે કે મેં મારા જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું. અને પ્રભુ મારામાં આવી ગયા. આંખ; જો પ્રભુ એનાથી ન દેખાય તો આંખનો કોઈ અર્થ નહિ, હૃદય એમાં પ્રભુનું જો અવતરણ ન થાય તો હૃદયનો પણ કોઈ અર્થ નહિ.
ભક્તની આંખ તો એવી હોય છે, જેમાં સતત પ્રભુ દેખાતા હોય. રહીમની એક પંક્તિ હું ઘણીવાર કોટ કરતો હોઉં છું, “પ્રીતમ છબી નયનન બસી, પર છબી કહાં સમાય, ભરિસરાય રહીમ લખી, પથિક આય ફિર જાય” પ્રીતમ છબી નયનન બસી, પર છબી કહાં સમાય – પ્રિયતમની છબી એ ધર્મનાથ દાદાની છબી તમારી આંખોમાં વસી ગઈ તો એ આંખોની અંદર બીજું શું ઝલકી શકે!
મહાભારતની કથા છે: ઉદ્ધવજી વૃંદાવન આવ્યા, રથમાં બેસીને આવ્યા છે. રથને દૂરથી આવતો જોયો, ગોપીઓને થયું: શ્રીકૃષ્ણ આવતાં લાગે છે… રથમાં બેસીને બીજું કોણ આવે…? ૫૦ – ૬૦ ગોપીઓ ભેગી થઇ ગઈ. રથનો દરવાજો ખુલ્યો પણ શ્રીકૃષ્ણ તો અંદર હતા જ નહિ, એમના મિત્ર ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી નીચે ઉતર્યા, એમણે જોયું બધી જ ગોપીઓ શ્રીકૃષ્ણના દર્શન માટે આતુર થઈને ઉભી છે. ઉદ્ધવજીએ કહ્યું આ વખતે શ્રીકૃષ્ણ આવી શક્યા નથી, નિરાશ નહિ થતાં, આવતી વખતે હું જરૂર એમને સાથે લઈને આવીશ. એ વખતે ગોપીઓએ કહ્યું, ઉદ્ધવજી નિરાશ થવાની કોઈ વાત નથી. તમે હમણાં જ શ્રીકૃષ્ણનું દર્શન કરીને ચાલ્યા આવો છો. તમારી આંખોમાં અમે શ્રીકૃષ્ણને જોઈ લઈશું. તમે દેરાસરમાંથી દર્શન કરીને નીચે ઉતરો, ત્યારે તમારી આંખમાં પ્રભુ દેખાય. પ્રભુ તૈયાર છે તમારી આંખોમાં આવવા. આંખ સાર્થક ત્યારે જ જ્યારે પ્રભુ એમાં ઝલકે.
એ પછી કાનની વાત કરે છે, શ્રવણેન્દ્રીય… એ પણ પ્રભુને અર્પણ કરવું છે. બહુ પ્યારી કડી છે, “તુજ નામ સુણ્યું જબ કાને, હૈયું હુવું તબ શાને, મુર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે” તુજ નામ સુણ્યું જબ કાને – પ્રભુ તારું નામ સાંભળ્યું અને મારી મૂર્છા ઉતારી ગઈ. હું સભાન દશામાં આવ્યો. એનું નામ સાંભળો, શું થાય…? ચૈતન્ય જેને શિક્ષા અષ્ટકમાં કહ્યું “ नयनं गलदश्रुधारया वदनं गदगदरुद्धया गिरा। पुलकैर्निचितं वपुः कदा तव नाम–ग्रहणे भविष्यति” પ્રભુ તારું નામ લઉં, અને આંખોમાંથી આંસુનો વરસાદ વરસે, તારું નામ લઉં અને ગળે ડૂસકાં બાઝે… તારું નામ લઉં અને એકેક રૂંવાળું ખડું થઇ જાય. નામ લઈએ કે નામ સાંભળીએ આંખોની આ હાલત, ગળાની આ હાલત, શરીરની આ હાલત…!
આપણા ભક્તિયોગાચાર્ય રામવિજય મહારાજ એથી પણ એક ડગલું આગળ વધ્યા છે. એમણે કહ્યું: સુણતાં જ્ન્મુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ઘાત” પ્રભુ તારું નામ સાંભળું, તારી વાત સાંભળું અને લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધી તું સુખની મને થાય….
આપણે તો ઈર્ષ્યા આવે ને, આવા ભક્તોની ઈર્ષ્યા આવે કે નહિ…? by the way પુછુ… તમને ઈર્ષ્યા કોની આવે…? ઈર્ષ્યાનો સિદ્ધાંત એ છે, જે વસ્તુ તમને ગમે છે, એ વસ્તુ તમને મળી નથી, પણ બીજાને મળેલી છે. તો તમને એ વ્યક્તિ ઉપર ઈર્ષ્યા આવશે. કોઈનો Luxurious flat જોયો, ઈર્ષ્યા આવે? આવે. અને મુનિ ભગવંતને જોવો ત્યારે શું…? સાધ્વીજી ભગવતીજીઓને જોવો ત્યારે શું થાય તમને…? અહોભાવ તો છે જ તમારી પાસે, no doubt.. તમારી આંખોનો અહોભાવ અમને ભીંજવતો હોય છે.
સુરતમાં સાધુ – સાધ્વીજીઓની વાચના ચાલતી હતી. મેં એકવાર પૂછ્યું કે તમે લોકો વહોરવા જાવ ત્યારે તમારી feeling શું હોય છે? એ બધાનો જવાબ એક જ હતો, કે સાહેબ! વહોરવા જઈએ છીએ અને એ માતાઓ, એ બહેનો જે ભાવથી વહોરાવે છે, એ ભાવને જોઇને અમારી આંખો ભીની બને છે. તમારો અહોભાવ no doubt શ્રેષ્ઠ છે, પણ એક ડગલું આપણે આગળ જવું છે. મુનિ ભગવંતોને જોઇને ઈર્ષ્યા થાય…?
કોઈ બાલમુનિને જુઓ ને તો શું થાય? મારો પણ ૧૦ વર્ષનો બાળક છે, એ ક્યારે બાલમુનિ બને… આવો વિચાર આવે ને…? એક હિસાબ હું માતાઓ જોડે પતાવું છું, તમારી જોડે નહિ… માતાઓને પૂછતો હોઉં છું, એક દીકરો હોય તો તમારો જાવ, બે હોય તો ૫૦ – ૫૦? એક તમારો, એક પ્રભુ શાસનનો. એવી માતાઓ આજે છે, જે પોતાના એકના એક દીકરાને પ્રભુ શાસનને સમર્પિત કરવા માટે તૈયાર હોય.
૫૦ વર્ષ પહેલાંની એક ઘટના કહું…. એક નાનકડું ગામ, ૫૦ – ૬૦ જૈનોના ઘર, ત્યાં ગુરુદેવ પધાર્યા, શેષ કાળમાં, લોકોએ ખુબ આગ્રહ કર્યો, અને સાહેબજીએ માસકલ્પ ત્યાં રહેવાનું સ્વીકાર્યું. એક નાનકડો આઠ વર્ષનો દીકરો, એ ગુરુદેવ પાસે ધાર્મિક ભણવા માટે આવે. એના ગત જન્મના સંસ્કારો વૈરાગ્યના એવા હશે કે એને મ.સા. જ ગમવા માંડ્યા. ઘરે તો માત્ર જમવા માટે જાય, બાકી ૨૪ કલાક મ.સા. જોડે જ રહે. મહિનો પૂરો થયો, સાહેબના વિહારનો દિવસ આવ્યો, પેલો દીકરો રડી પડ્યો કે સાહેબ તમારા વિના હું રહી નહી શકું. તમે મને સાથે લઇ જાવ વિહારમાં કાં તો તમે અહીંયા રહો… કાં તો મને સાથે લઇ જાવ. ત્યારે ગુરુદેવે કહ્યું, ભાઈ! તારા માત – પિતાની રજા હોય તો અમે સાથે લઇ જઈ શકીએ.. દીકરો માત – પિતાને લઈને આવ્યો. કેવા એ સમર્પણશીલ માતા અને પિતા હશે, એમણે કહ્યું સાહેબ! દીકરાને લઇ જાવ… એક વર્ષ આપની સાથે રાખો. આપને લાગે કે વૈરાગ્યના સંસ્કારો તીવ્ર એનામાં આવે એમ છે, તો દીકરાને બાલમુનિ બનાવવા માટે અમે તૈયાર છીએ. અને આપને એમ લાગે કે દીક્ષા માટે યોગ્ય નથી તો કાંઈ નહિ સ્કુલનું એક વર્ષ બગડ્યું. કોઈ વાંધો નહિ… દીક્ષિત થનાર વ્યક્તિ તો ગત જન્મના સંસ્કારો ને કારણે દીક્ષિત થાય છે. પણ એના માત – પિતાનું સમર્પણ ખરેખર અદ્ભુત છે.
લાખો કે કરોડો રૂપિયા સોંપી દેવા સહેલી વસ્તુ છે, પણ પોતાના ક્લેજાના ટુકડાને પ્રભુ શાસનને સમર્પિત કરી દેવું એ અઘરી બાબત છે. તમારી પાસે જે સમર્પણ છે લાગે છે કે પ્રભુ શાસન તમારા અસ્તિત્વની અંદર ઉતરી ગયું છે. તમારા રોમ -રોમમાં પ્રભુ શાસન વસે છે. દીકરો તો જન્માન્તરીય વૈરાગ્યની ધારા લઈને આવેલો હતો. સાહેબ સાથે વિહારમાં… લોકો એને જમવા માટે લઇ જાય. દરેક લોકોની, દરેક ગામમાં સાહેબ પાસે ફરિયાદ આવે, સાહેબ દીકરો તો કંઈ જમતો જ નથી. રોટલી અને શાક બે વસ્તુ ખાઈને ઉઠી જાય છે. એટલે નાનકડો દીકરો હોય એટલે લોકોના ભાવ પણ એટલા જ હોય. શીરો ખવડાવો, આ ખવડાવો, મીઠાઈ ખવડાવી… કોઈ મીઠાઈ નહિ, કોઈ નમકીન નહિ, કોઈ ફરસાણ નહિ. રોટલી અને શાક. ૬ મહિનામાં દીકરાનો અભ્યાસ પણ એટલો થઇ ગયો, વૈરાગ્ય પણ પ્રદીપ્ત થઇ ગયો, ગુરુદેવે માત – પિતાને કહ્યું દીકરો તૈયાર છે, તમે તૈયાર હોવ ત્યારે દીક્ષા આપી દઈએ. એ દીક્ષા થઇ ગઈ. દીક્ષા પછીનું સાહેબજીનું પહેલું ચોમાસું પાલીતાણામાં હતું. આ હમણાંની જ ઘટના છે ૫૦ વર્ષ પહેલાંની…
તો માત – પિતાને વિચાર થયો કે આમ તો સાહેબ ચોમાસું હોય, ત્યાં આપણે ૨ – ૪ દિવસ ચોમાસામાં જઈ શકાય… પાલીતાણા ચોમાસું કરવું એ તો શ્રાવકનું કર્તવ્ય છે, તો આપણે પાલીતાણા રોકાઈએ, તો સાહેબની ભક્તિનો લાભ મળે એ તો બરોબર, આપણા બાલમુનિ જોડે ૪ મહિના આપણે રોકાઈ શકીએ… સાહેબનું ચોમાસું ઓસવાલ યાત્રિક ભવનમાં હતું, એ લોકોએ પણ ત્યાં જ એક રૂમ નોંધાઈ લીધી. ઉપાશ્રયની નજીકમાં, સાહેબનો પ્રવેશ થઇ ગયો, એ લોકો પણ આવી ગયા, રસોડું ખોલી નાંખ્યું. શ્રાવિકા માતા જ્યારે જ્યારે ઉપાશ્રયમાં આવે ગુરુમહારાજને વંદન કરવા, ત્યારે ગુરુ મહારાજનું વંદન કર્યા પછી નજર ક્યાં જાય..? પોતાના બાળ રાજા ઉપર… મારા દીકરા મહારાજ શું કરે છે…
પણ બનેલું એવું કે ઉનાળામાં સખત વિહાર કરી, અને સાહેબજી પાલીતાણા આવેલા. અને ચોમાસી ચૌદસ પહેલાં યાત્રા કરી શકાય. એટલે થોડી યાત્રાઓ પણ કરવાની હતી. એટલે સાહેબે નક્કી કરેલું કે અષાઢ વદ બીજથી બધા જ પાઠો નિયમિત શરૂ થશે. એટલે ત્યાં સુધી એક પણ પાઠ ગોઠવાયેલો નહિ, યાત્રા કરો અને થોડા રીવીઝન વિગેરે કરો. તો જ્યારે માતા ઉપાશ્રયમાં આવે, બાળમુનિને જોવે ત્યારે કોઈની જોડે વાતો કરતાં હોય, કાં તો વાર્તાનું પુસ્તક હાથમાં હોય, શ્રાવિકા માતાને ચિંતા થઇ, દીકરા મહારાજ ભણે નહિ તો એ હુનહાર શી રીતે થાય…? એકવાર બાળમુનિ નહોતા ઉપાશ્રયમાં, ગુરુદેવ હતા, માતા રડી પડી કે સાહેબજી! મેં તો બે – ચાર – પાંચવાર જોયું કે બાલમુનિના હાથમાં ભણવાનું પુસ્તક હોતું જ નથી. એ ભણશે નહિ તો કેમ આગળ વધશે. ગુરુદેવે કહ્યું, તમે ચિંતા નહિ કરો, તમારો દીકરો કેટલો ટેલેન્ટેડ છે તમને ખબર નથી? સ્કુલમાં પહેલાં નંબરે આવતો હતો કે નહિ…? તો કહે આવતો હતો. ગુરુદેવે કહ્યું અત્યારે યાત્રા કરવાની છે ચૌદસ સુધી, અને વદી બીજથી બધાના પાઠો ગોઠવાઈ જવાના છે, પછી સવારથી સાંજ સુધી તમારા બાલમુનિ તમને એક મિનિટ free નહિ દેખાય.
છતાં પણ માં નું હૃદય છે ને માં એ એ જ વખતે મનોમન નક્કી કર્યું કે મારા બાળમુનિરાજ ૩૦૦૦ ગાથા નવી કંઠસ્થ ન કરે ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. એકાસણું તો કરતાં જ હતા, એમાં છ વિગઈનો ત્યાગ કર્યો. આ નિયમ લીધો મનોમન અને હજુ તો એકાદ દિવસ થયો હશે, અને આઠમ હતી, બપોરે બધા વાપરવા બેઠેલા, થોડીક ગોચરી ખૂટી, આમ તો બાલમુનિને બહાર મોકલાય નહિ, પણ એમની માતુશ્રીના ઘરે જ અને બિલકુલ બાજુમાં મોકલવાના હતા. ગુરુદેવે કહ્યું: તૈયાર થાવ… આટલી ગોચરી તમારા માતુશ્રીના ત્યાંથી લેતા આવો. બાલ મુનિ તૈયાર થયા. માં ની રૂમે ગયા, ધર્મલાભ શબ્દ ઉચ્ચાર્યો, માં તો નવાઈમાં ડૂબી ગઈ, ઓહોહો મારા બાલમુનિ. માં એકાસણું કરવા માટે બેઠેલી, પિતાજી બહાર ગયેલા કોઈ કામ માટે, બધા જ તપેલા બાજુમાં લઈને માં બેઠેલી, કોઈ પણ સાધુ – સાધ્વીજી ભગવંત આવે તો વહોરાવી શકાય. એમાં પોતાના બાલમુનિ આવી ગયા, પધારો પધારો… બાલમુનિ અંદર ગયા, કેટલા એ ટેલેન્ટેડ છે એ… હજી તો અંદર આવ્યા ને અડધી મિનિટ નથી થઇ, માં ની થાળી ઉપર નજર ગઈ… રોટલી લુક્ખી છે કારણ કે છ વિગઈનો ત્યાગ છે. માં એ કહ્યું પાત્રું નીચે મુકો હું વહોરાવું, બાલમુનિ કહે વહોરવાની વાત પછી… પહેલા એ કહો તમારે એકાસણું છે કે આયંબિલ છે? માં કહે કે એકાસણું છે.. એકાસણું છે તો લુખ્ખું લુખ્ખું કેમ છે બોલો? માં ને થયું આમના માટે તો નિયમ લીધેલો છે, હવે પત્તા ખોલવામાં વાંધો નથી.
માં એ કહ્યું મેં ગઈ કાલે ગુરુદેવ પાસે, ગુરુદેવને ખબર ન પડે એ રીતે મનોમન નિયમ લીધો છે, કે તમે નવી ૩૦૦૦ ગાથા ન કરો ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ છે. અને છે એકાસણું પણ છ વિગઈનો ત્યાગ છે. બાલમુનિ કહે છે ઓહો ૩૦૦૦ ગાથા જ ને…? તો એમાં તો કંઈ મોટી વાત છે… વહોરી લીધું અને જઈને જે ધૂણી ધપાવી… ૬ દિવસમાં ૩૦૦૦ ગાથા પુરી. છટ્ઠા દિવસે પણ સવારે ૧૦ વાગે ૩૦૦૦ ગાથા પુરી કરી દીધી…. અને માં ને ત્યાં ગયા, માં ને કહે ચાલો ગુરુદેવ પાસે… ગુરુદેવને પૂછી લો, કે તમે કહ્યું એ પછી મેં નવી ૩૦૦૦ ગાથા કરી છે કે નથી કરી… ગુરુદેવે કહ્યું: તમારે ત્યાંથી વહોરીને આવ્યો, અને એણે મને વાત કરી, કે માં એ આ નિયમ લીધો છે અને ગુરુદેવ મારે ગાથા કરવી છે, મેં કહ્યું આની – આની ગાથા તું કર.. નવી ૩૦૦૦ ગાથા તમારા ત્યાંથી વહોરીને આવ્યા પછી તમારા દીકરાએ કરી છે. એ માં ને કેટલો આનંદ થયો હશે, મારો દીકરો…
તો આપણી વાત એ હતી, અહોભાવ તો બહુ જ છે તમારી પાસે… ઈર્ષ્યા નથી જ તો કારણ શું? બંગલો ગમે છે, એવો બંગલો હજુ થઇ શક્યો નથી, તો ઈર્ષ્યા થાય છે, આવો મને ક્યારે મળશે… સાધુપણું ગમે છે બરોબર ને…? સાધુ બનાતું નથી તો ઈર્ષ્યા આવે કે ન આવે…? તો ભક્તોની ઈર્ષ્યા આપણને આવે, કેવા ભક્તો થયા, એ કહે છે પ્રભુ! તારું નામ સાંભળું અને લોહી, માંસ, હાડકાં અને ચરબી સુધી સુખની અનુભૂતિ થાય છે.
રામકૃષ્ણ પરમહંસ હમણાં જ થયા. બહુ જ મોટા પ્રભુના ભક્ત. સવારના પહોરમાં એ સ્નાન કરી અને મંદિરમાં જતાં હોય. મંદિરમાં જાય… જવાનો સમય નક્કી, નીકળવાનો સમય નક્કી નહોતો એમનો. તમારે નીકળવાનો સમય નક્કી હોય ને…? દેરાસરમાં ઘડિયાળ રાખે, કેમ ભાઈ…? ત્યાં ઘડિયાળની જરૂર શું? ત્યાં તો પ્રભુના ચરણોમાં ગયા પછી, દેહથી પર થવું છે. સમયથી પર થવું છે, સ્થળથી પર થવું છે, તમે ક્યાં છો તમને ખ્યાલ ન હોય, એટલા ડૂબી જાવ તમે… એટલા ડૂબી જાવ…..
પ્રેમસૂરિ દાદાના શિષ્ય યશોદેવસૂરિ મ.સા. નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, પ્રભુભક્ત. સાહેબજી ખંભાતમાં બિરાજમાન, રોજ સવારે સ્થંભન પાર્શ્વનાથના દર્શને જાય. સાહેબજી મોટા આચાર્ય ભગવંત હતા, એટલે એક શિષ્ય એમની જોડે આસન વિગેરે ઉપાડીને એમની સાથે જાય. એકવાર એવું બન્યું કે જે મુનિરાજ રોજ જતા હતા સાહેબ જોડે, એમને થયું, સાહેબને હજુ પટ્ટ ગણે છે થોડી વાર છે. હું બે ઘડા પાણી લેતો આવું.. એ પાણી લેવા ગયા ને સાહેબ થઇ ગયા તૈયાર. કપડો ઓઢીને… રત્નસુંદરજી મુનિપણામાં એ વખતે ત્યાં, રત્ન સુંદરજીને થયું, સાહેબ તૈયાર થઇ ગયા છે ને પેલા મહાત્મા નથી, ચાલો હું જાઉં સાહેબ જોડે, આટલા મોટા ભક્તિયોગાચાર્ય કહેવાય છે, તો એમની જોડે એકવાર પ્રભુ ભક્તિનો લહાવો લઇ લઉં.. સાહેબનું આસન પકડ્યું રત્નસુંદરજી જોડે ગયા, સાહેબ તો દેરાસર માં ગયા, અડધો કલાક સ્તુતિઓ ચાલી, પછી દેવવંદન શરૂ થયું… સ્તવનો સાહેબ પોતે બોલે, એક – બે – ત્રણ રત્નસુંદરજી પહેલી વાર સાહેબજી જોડે આવેલા, એમને થયું કે સાહેબજી ૩ સ્તવનો બોલતાં હશે…. એટલે ઉવસગ્ગહરં તૈયાર કરીને બેઠેલા. છેલ્લું ત્રીજું સ્તવન એમાં પેલા રચયિતાનું નામ આવે, એટલે ઉવસગ્ગહરં શરુ કરી દેવાનું… પણ જ્યાં ત્રીજું સ્તવન પૂરું થયું, સાહેબજીનું ચોથું સ્તવન ચાલુ, પછી પાંચમું ચાલુ, સત્તર સ્તવન સાહેબજીએ ગાયા, તમે કેટલા ગાવ?
હું ધણીવાર કહેતો હોઉં છું સંઘની અંદર મોસમ છે અને ત્રણેય ટાઈમનો જમણવાર છે, સવારે નાસ્તા માટે તમે હોલમાં કે પંડાલ ગયા, તો તમે નક્કી કરીને જાવ? કે હું પંડાલમાં જાઉં ૧૧મી મિનિટે પાછો નાસ્તો કરીને. ત્યાં ગયા, ખુરશી એકેય ખાલી નથી, પાંચ મિનિટ ઉભા રહ્યા, ખુરશી ખાલી થઇ, ટેબલ સાફ થયું, બેઠા… એ પછી પણ નક્કી ખરું કે બે ઈડલી કે બે મેંદુવડા ખાઈને ઉભા થઇ જવાનું…? ત્યાં તમારો નિયમ એ હોય છે, પેટ ભરાય ને ત્યાં સુધી ખાવું, તો અહિયાં આપણે રાખો ને, મન ભરાય નહિ ત્યાં સુધી સ્તવન ગાવું… બરોબર ને.. સત્તર સ્તવન, પછી સંતિકરં, ઉવસગ્ગહરં, દેવવંદન પૂરું થયા પછી અડધો – પોણો કલાક પાછી સ્તવના. સાત વાગે ગયેલા સાહેબજી, ૧૧ વાગે દેરાસરમાંથી બહાર નીકળેલા. સાહેબજી દેરાસરમાંથી બહાર નીકળ્યા ત્યારે એમની નજર રત્નસુંદરજી ઉપર પડી… અલ્યા રત્નસુંદર તું મારી જોડે હતો આજે..? તારી નવકારશીનું શું થયું..? રત્નસુંદર કહે: સાહેબ નવકારશીની ક્યાં માંડો છો? પોરસી પણ ગઈ. સાહેબ પણ હસ્યા, કે આજ તો સત્તર સ્તવન જ હતા. બાકી તો ૨૧ પણ ગાવું… ૨૫ પણ ગાવું.. તારે પુરિમુટ્ઠ થઇ જાય… અને રત્નસુંદર જે યાદ કરે કે ખરેખર એ જે ભક્તિ માણી હતી સાહેબની, એ અસ્તિત્વમાં વસી ગઈ હતી.
તો રામકૃષ્ણ પરમહંસ, મંદિરમાં જાય પછી બહાર નીકળવાનો કોઈ સમય નક્કી નથી. બપોરના ૨ પણ વાગે, પછી ૪ વાગે કે સાંજના ૬ વાગે. તો જે લોકો રાતની ગાડીમાં આવેલા, હોય, સંતના દર્શન માટે, જેમણે સવારની ગાડીમાં જવું હોય. એ લોકો બધા આશ્રમની અંદર હારબંધ બેઠેલા હોય, એમના એમના દર્શન થઇ જાય એટલે રવાના. તો બધા જ લોકો રોજ સેકડો લોકો દર્શન માટે ઉભેલા હોય, હાર બદ્ધ એ વખતે આશ્રમના લાઉડ સ્પીકર ઉપરથી એક સુચના વહેતી આવી. કે સંત તમારી બાજુમાંથી પસાર થાય. ત્યારે તમારે પ્રભુનો જયઘોષ ઉચ્ચારવાનો રહે… સંતે પોતાના જયઘોષ ઉપર પ્રતિબંધ મુકેલો. કે મારી કોઈ જય તમારે બોલવાની નહિ.
પણ હવે આશ્રમના માઈક્રોફોન પરથી સુચના આવે છે, કે સંત તમારી બાજુમાંથી પસાર થાય, ત્યારે પ્રભુનો જયઘોષ પણ તમારે ઉચ્ચારવાનો નહિ. સંત તો પસાર પણ થઇ ગયા, લોકોએ દર્શન પણ કર્યા. એક જણો આશ્રમમાં ગયો, ઓફિસમાં… ઓફીસ મેડમને એણે પૂછ્યું: કે કેમ તમે આવી સુચના વહેતી કરો છો…? સંત અમારી બાજુએથી પસાર થાય, અને અમને ઉમળકો આવે, અને પ્રભુની જયઘોષણા અમે કરીએ, એમાં તમને શું વાંધો…? ત્યારે એ ઓફીસ મેડમે કહ્યું, કે તમને આ સંતની મનોદશાનો ખ્યાલ ક્યાં છે…? ભાવદશાનો ખ્યાલ ક્યાં છે? એ પ્રભુનું નામ સાંભળે ત્યાં ને ત્યાં એમને સમાધિ લાગે. સમાધિ લાગે એટલે શરીરનું ભાન રહે નહિ. એકવાર તો એક ભેખડ ઉપર ચાલતા હતા, નદીએ, અને એક ભક્તે જોરથી કહ્યું: પ્રભુની જયઘોષણા ઉચ્ચારી, સંતને સમાધિ લાગી, એ સીધા જ પત્થર ઉપર પટકાઈ પડત, સારું થયું ૩ – ૪ ભક્તો બાજુમાં હતા, એમણે સંતને ઝીલી લીધા. નહીતર એ દિવસે સંતની ખોપરી તૂટી જાત. પ્રભુનું નામ સાંભળે અને એવી સમાધિ લાગે કે શરીરના ભાનને એ ભુલી જાય છે. આ શું થયું…? શ્રવણેન્દ્રિય પ્રભુના ચરણોમાં આપણે સમર્પિત કરીએ એવું કહેવાય.
તો શરીર, મન અને ચિત્ત પ્રભુને સમર્પિત કરીએ, પ્રભુ આખા ને આખા આપણને મળી જાય. પુરા હો…
કબીરજીને કોકે પૂછેલું કે પ્રભુ મળ્યા? શું મજાની એમની કેફિયત હતી, “કહે કબીર મેં પૂરો પાયો” “કહે કબીર મેં પૂરો પાયો…” પ્રભુ પુરેપુરા મળી ગયા છે. અને પ્રભુ પુરેપુરા ન મળે, ત્યાં સુધી આપણા જીવનનો અર્થ આપણને મળ્યો નથી. આપણું જીવન સાર્થક ત્યારે જ બને કે જ્યારે પ્રભુ આપણને મળે. જ્યારે પ્રભુનું અવતરણ, પરમ ચેતનાનું અવતરણ આપણી ચેતનામાં થાય.