વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અરિહંત પદ
તમે ભક્ત છો કે નહિ – એ તમારે જાણવું હોય, તો એના માટેના બે વિશેષણો. બુદ્ધિરહિત – બુદ્ધિ છે; પણ બુદ્ધિ પરની આસ્થા, બુદ્ધિ પરની શ્રદ્ધા ઊડી ગઈ છે. મારી બુદ્ધિ દ્વારા હું કંઈ કામ કરી શકું – આ વાત ભક્તના હૃદયમાં નથી. અને શક્તિવિકલ – ભક્ત કંઈ પણ કરવાને અસમર્થ છે; અસહાય છે.
અરિહંત પદ ધ્યાતો થકો. અરિહંત પદ સુણતો થકો નહિ, અરિહંત પદ વિચારતો થકો નહિ પણ અરિહંત પદ ધ્યાતો થકો. ધ્યાન કરીએ તો શું થાય? ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય. તમારી ચેતના અત્યારે, આ ક્ષણે જ અરિહંતમય બની જાય.
શબ્દ અને વિચાર એ initial stage ની વસ્તુ છે. જે શબ્દ અને જે વિચાર તમને ધ્યાન તરફ લઇ જાય, એ જ શબ્દો અને એ જ વિચારો કામના; બાકીના નકામા.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૦
શાશ્વતી ઓળીનો આજે પહેલો દિવસ.
અરિહંત પદ વિશે માત્ર ચિંતન નહિ, પણ એ પદની અનુભૂતિની ધારામાં સહેજ આજે વહેવું છે. પદ્મવિજય મ.સા. એ અરિહંત પદની પૂજાનો પ્રારંભ એટલો તો મજાથી કર્યો છે, કે લાગે આપણા ઉપર એ બરોબર કામ કરી રહ્યા છે. Initial સ્ટેજનું કામ પદ્મવિજય મ.સા. કરે છે. અને એ પછીનું કાર્ય ઉપાધ્યાય યશોવિજય મ.સા. શ્રીપાલ રાસમાં કરે છે. પદ્મવિજય મહારાજની પૂજાનો પ્રારંભ. “જિનગુણ અનંત અનંત છે, વાચ ક્રમ મિત દિહ, બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ જિહ” આપણને અહં શૂન્ય બનાવવાની આખી જ process પદ્મવિજય મ.સા. આપે છે. અને એ પછી અરિહંત પ્રભુની ચેતના સાથે આપણી ચેતનાનું અભેદ મિલન કેમ થાય એની process ઉપાધ્યાય યશોવિજય મહારાજ આપે છે.
જિનગુણ અનંત અનંત છે એની સામે વાચ ક્રમ મિત દિહ, શબ્દો ક્રમ પૂર્વક નીકળે છે. હાથથી લખીએ તો પણ, મોઢેથી બોલીએ તો પણ. એકસાથે હજારો શબ્દો ન મુખમાંથી નીકળી શકે. ન હાથ વડે લખી શકાય. જિનગુણ અનંત અનંત છે – પ્રભુના ગુણો અનંત નહિ, અનંતાનંત. એને વર્ણવવા માટે મારી પાસે થોડાક શબ્દો છે. પણ એ શબ્દોને પણ હું ક્રમ પૂર્વક વાપરી શકું છું, એટલે બહુ મોટી મર્યાદા આવી ગઈ. એક સેકંડે એક શબ્દ. બીજી સેકંડે બીજો.
અને બીજી તકલીફ એ છે, મિત દિહ – આયુષ્યના દિવસો મપાયેલા છે. નક્કી થયેલા છે. ખ્યાલ નથી કે ક્યારે આયુષ્ય પૂરું થઇ જશે. ચાલો આ મુશ્કેલીઓનો પણ પાર પામી શકાય. થોડા શબ્દો પણ સૌથી મોટી મુશ્કેલી તો પાછળ આવી.
બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ જિહ – ભક્ત અસહાય હોય છે. કોઈ પણ ભક્ત હોય એના માટેના આ બે વિશેષણો, તમે ભક્ત છો કે નહિ, એ તમારે જાણવું હોય, તો એના માટે આ બે વિશેષણો. પહેલું વિશેષણ – બુદ્ધિ રહિત, બુદ્ધિ છે પણ બુદ્ધિ પરની આસ્થા, બુદ્ધિ પરની શ્રદ્ધા ઉડી ગઈ છે. મારી બુદ્ધિ દ્વારા હું કંઈ કામ કરી શકું આ વાત ભક્તના હૃદયમાં નથી. અને actually જે શ્રેષ્ઠ રચનાઓ થઇ છે એ બુદ્ધિથી નથી થઇ. એ કૃપાથી થઇ છે. માત્ર પ્રભુની કૃપાનું અવતરણ અને રચના થઇ ગઈ.
વિનોબાજી એકવાર વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય પૂરો થયો. એક ભક્ત બાજુમાં બેઠલો. એણે વિનોબાજીને પૂછ્યું કે આપ નવું વિષ્ણુ સહસ્ત્ર નામ બનાવો તો એ કેવું બને? વિનોબાજીએ કહ્યું, કદાચ સારું બની પણ શકે. પ્રાચીનનો અનુભવ મારી પાસે છે. નવો ઉન્મેષ મારી પાસે છે. કદાચ એ વધુ સારું બની શકે પણ હું નહિ બનાવું. પેલાએ પૂછ્યું: કેમ? કેમ નહિ બનાવો? એ વખતે વિનોબાજી કહે છે કે આ વિષ્ણુ સહસ્ત્ર નામ કોઈ વ્યક્તિની બુદ્ધિથી નહિ, કોઈ વ્યક્તિની શક્તિથી નહિ. પ્રભુની કૃપાથી રચાયેલું છે. ભક્તની પાસે એકમાત્ર શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાની receptivity ઉપર એ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરે છે. You have not to do anything absolutely. તમારે કશું જ કરવાનું નથી. પ્રભુની કૃપા બધું જ કામ કરી આપે. એક શ્રદ્ધા એ બની જાય receptivity. અને એ receptivity માં, એ પાત્રતામાં, પ્રભુની કૃપાનું અવતરણ થાય. આપણું કામ શરું અને પૂરું. હું ક્યારેય પણ નહિ કહું કે મેં દીક્ષા લીધી. મારો શબ્દપ્રયોગ એક જ હશે. પ્રભુએ મને દીક્ષા આપી. મને તો ખ્યાલ પણ નહોતો. દીક્ષા એટલે શું? પ્રભુએ ધક્કો માર્યો, ગુરુદેવે હાથ પકડ્યો અને બંદા અહીંયા આવી ગયા. દીક્ષા મેં નથી લીધી. પ્રભુએ મને આપી છે.
તો વિનોબાજી કહે છે કે આવી રચના ક્યારેય પણ બુદ્ધિ દ્વારા થતી નથી. શક્તિ દ્વારા થતી નથી. એ માત્ર અને માત્ર કૃપા દ્વારા થાય છે. જ્યારે ભક્તનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ જાય છે, અને એ કહે છે, કે પ્રભુ મારે કાંઈ જ કરવું નથી. તું કરાવ. અને એ જ ક્ષણે પ્રભુ શક્તિ સક્રિય બને છે. પ્રભુ શક્તિને સક્રિય બનાવવા માટે એક જ ચીજ છે આપણે ત્યાં અને એ છે પ્રાર્થના. તમે માત્ર એને યાદ કરો એ શક્તિ સીધી જ કાર્યાન્વિત થઇ જશે. અને એટલે હું ઘણીવાર કહું છું કે પ્રાર્થના very fastestly work કરનારી ઘટના છે. તમે switch on કરો, અને પંખો ફરફરી ઉઠે, એ lamp જલી ઉઠે એમાં પણ વચ્ચે પ્રતિ-પ્રતિ-પ્રતિ સેકંડ લાગે છે. પણ પ્રાર્થના તમે કરી, એ પ્રાર્થનાને activate થતાં એક સેકંડ પણ લાગતી નથી. એક પ્રતિ સેકંડ પણ લાગતી નથી. On that very moment એ પ્રાર્થના activate બને છે. તો વિનોબાજી એ કહ્યું મારી પાસે શક્તિ છે, બુદ્ધિ છે, પણ માત્ર બુદ્ધિથી, માત્ર શક્તિથી ગ્રંથો લખાઈ શકાતા નથી. ગ્રંથો તો ન લખી શકાય, એક પણ કાર્ય આપણે આપણાથી કરી શકીએ નહિ.
એટલે લલિત વિસ્તરા પંજિકામાં બહુ જ પ્યારી વાત કહેવામાં આવી. એક પણ શુભ ભાવ તમારા મનમાં આવ્યો, ક્યારેય પણ એ શુભભાવની માલીકીયત કરીને ન બેસતાં. મને આ સારો વિચાર આવ્યો. ઘણીવાર તો રાખ અને ધૂળ જેવો વિચાર હોય, અને સત્તર જણાને કહેતાં ફરીએ મને આ વિચાર આવ્યો. એક વાત યાદ રાખો. સારા વિચારને create કરનારા તમે નથી. એને receive કરનારા તમે છો. ટી.વી નું box કોઈ પ્રોગ્રામ create કરતું નથી. Studio માં create થતાં પ્રોગ્રામોને એ receive કરે છે. Receptivity એની પાસે છે. તો એક પણ સારો ભાવ, એક પણ સારો વિચાર તમને આવ્યો એના ઉપર માલીકીયત તમારી નહિ, પ્રભુની. પ્રભુએ ગણધર ભગવંતોને ત્રિપદી આપી. એ ત્રિપદીમાંથી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. દુનિયાની અંદર જેટલા પણ શુભ વિચારો છે. એ બધા જ શુભ વિચારો દ્વાદશાંગીમાંથી નીકળેલા છે.
એક બહુ મજાની ચર્ચા ધર્મપરીક્ષા ગ્રંથમાં થઇ છે. ધર્મપરીક્ષા ગ્રંથ ઉપાધ્યાય યશોવિજય મહારાજે લખ્યો છે. એમાં એમણે એ વાત લખી, જે એમણે અમૃતવેલની સજ્ઝાયમાં કહી છે. “અન્યોમાં પણ જે દયાદીક ગુણો, તાસ અનુમોદવા લાગ રે” મિથ્યાદ્રષ્ટિની અંદર પણ જે ગુણો તમને દેખાય, એની અનુમોદના કરજો. તો ધર્મપરીક્ષામાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે મિથ્યાદ્રષ્ટિમાં રહેલો ગુણ એને ગુણ કહી શકાય ખરો? ઝેરના કુંડામાં અમૃતનું બિંદુ પડે તો પણ એ ઝેર થઇ જાય. મિથ્યાદ્રષ્ટિની અંદર જે ગુણ છે એની અનુમોદના શી રીતે કરી શકાય? એ વખતે ઉપાધ્યાય યશોવિજય મહારાજે હાથમાં દંડો ઉપાડ્યો છે. એમણે કહ્યું: દુનિયાની અંદર જે પણ સારા વિચારો છે, જે પણ સદ્ગુણો છે, એ બધા જ દ્વાદશાંગીમાંથી નીકળેલા છે. એટલે તમે કોઈ પણ શુભભાવની નિંદા કરો, કે કોઈનામાં પણ રહેલ શુભ ગુણોની નિંદા કરો, તો એ નિંદા એ વ્યક્તિની નહિ, દ્વાદશાંગીની નિંદા છે. અને એટલે જ ગઈ કાલે કહ્યું હતું એમ ગુણાનુરાગથી જ સાધનાનો પ્રારંભ આ મહાપુરુષો કરાવવા ઈચ્છે છે.
બુદ્ધિ રહિત શક્તિ વિકલ. તો ભક્તની આજે અસહાયતા છે. એ અસહાયતા જ એની તાકાત બની જાય છે. બાળક નથી ચાલી શકતું એ જ તો એની મોટામાં મોટી તાકાત છે. માં એને ઉચકીને ચાલે. આપણે ત્યાં એક સુભાષિત છે: ‘પંગુમ્ લંઘયતે ગિરિમ્’ પાંગળાને પ્રભુ સાધનાનો ગિરિ કુદાવી આપે છે. હું એમાં થોડો સુધારો કરું છું. ‘પંગુમ્ એવ લંઘયતે ગિરિમ્” તમે પાંગળા છો. અસહાય છો તો જ તમને પ્રભુ સાધનાનો ગિરિ કુદાવશે. તમે પરમપાવન શત્રુંજય ગિરિની યાત્રાએ ગયા, દીકરો જોડે છે, ચાર – પાંચ વર્ષનો, એ કહે છે મારે ચડવું છે. તમે એને ચડવા દો છો. જ્યારે એ કહે છે હું થાકી ગયો. તમે એને ઉચકી લો છો. એમ યાદ રાખો. અહીંયા સાધનામાર્ગમાં બિલકુલ અસહાય થયા, તો જલસો જ જલસો. આપણે આપણા પગ ઉપર કેટલું ચાલી શકશું?!
એક માં એના બાળક સાથે પોતાની બેનને ત્યાં ગયેલી. ચા-નાસ્તો થઇ ગયો. શિયાળાનો સમય. માસીએ દીકરા સામે ડ્રાયફ્રુટની ડીશ ધરી કે બેટા! આ લઇ લે. દીકરો લે નહિ. માસી કહે: હું તારી માસી એટલે માં ના ઠેકાણે જ ગણાવું. આ તારું જ ઘર છે બેટા… શરમાય છે કેમ…? તો ય દીકરો ન લે. પછી માસીએ મુટ્ઠો ભરી કાજુ અને બદામ એના ખિસ્સામાં નાંખી દીધા. પછી માં અને દીકરો બેય ચાલે છે. બસમાં બેઠા, માં એ કહ્યું બેટા! તું બહુ શાણો થઇ ગયો હો… માસીએ આટલું કીધું તો ય તે હાથ લંબાવ્યો નહિ. દીકરો માં થી ચાર ચાદરવા ચડે એવો હતો. એ કહે માં મેં કેમ ન લીધું તને ખબર છે? મારી મુટ્ઠીમાં કેટલું સમાય? અને માસીએ મુટ્ઠો ભરીને નાંખ્યું ને તો ત્રણ દિવસ સુધી કાજુ જ ઠોક ઠોક કરું તો ય વાંધો ન આવે. એટલા કાજુ આવી ગયા. તમારી મુટ્ઠીમાં કેટલું સમાશે? તમારા પગ કેટલું ચાલશે? પ્રાર્થના કરો ત્યારે પણ એ જ પ્રાર્થના કરો કે પ્રભુ મારા માટે તને જે સારામાં સારું લાગે એ તું મને આપી દે. તમે માંગશો, તમારી મુટ્ઠી નાનકડી છે. તમારી શાબ્દિક પ્રાર્થના તો એ હશે, ભગવાન: મોક્ષ આપી દે. પણ heartly પ્રાર્થના કઈ હશે? બધું બરોબર રહે. જલસામાં રહું… તમારી મુટ્ઠીમાં માત્ર તમારી સંસારની સુખ અને સુવિધા સમાયેલી છે. પ્રભુને કહી દો, પ્રભુ! મારા માટે જે સારું લાગે એ તું મને આપી દે.
તો પદ્મવિજય મ.સા. એ initial સ્ટેજપર કામ કર્યું. આપણા અહંકારને લાકડી મારીને કાઢી નાખ્યું. એમણે પ્રભુને આપણા વતી કહ્યું છે કે પ્રભુ! હું બુદ્ધિ વગરનો છું, શક્તિ વગરનો છું. એક પણ સારું કાર્ય હું કરી શકું એમ નથી. અને એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ હું કરી શકું એમ નથી. તું કૃપા કર. મને સારા વિચારો આપ, મને સારા ભાવો આપ, અને તું મને એવું નિમિત્ત રૂપ બનાવ કે મારા દ્વારા સારા કાર્યોનું પ્રગટીકરણ થાય.
તો પદ્મવિજય મહારાજે શું કર્યું? આપણા અહંકારને કેન્દ્રમાંથી પરિઘમાં ધકેલી દીધો. બોલો અમે લોકોએ દીક્ષા લીધી, દીક્ષા લીધી એટલે શું થયું… બહારથી જ તમને ખ્યાલ આવી ગયો, યુનિફોર્મ બદલાઈ ગયો. આ પરમપાવન રજોહરણ અમારી પાસે આવી ગયું. એ તો તમને ખ્યાલ છે. આંતરિક પરિવર્તન શું આવ્યું? બોલો, ભીતરનું પરિવર્તન શું? ભીતરનું પરિવર્તન એ થયું કે અનંતા જન્મોની અંદર કેન્દ્રમાં હું હતો. પ્રભુ શાસન અગણિત જન્મોમાં મળેલું. પ્રભુની ભક્તિ હતી આપણી પાસે. સદ્ગુરુની ભક્તિ હતી. પણ પ્રભુ પણ પરિઘમાં હતા. સદ્ગુરુ પણ પરિઘમાં હતા. કેન્દ્રમાં આપણું હું હતું. અને એટલે જ તો આપણે ચુકી ગયા. સદ્ગુરુ કેટલા બધા આપણને મળ્યા? હીરવિજયસૂરિ દાદા જેવા, હેમચંદ્રાચાર્ય જેવા, સદ્ગુરુ આપણને મળ્યા. આપણે ચુકી ગયા, કેમ? કે એવા સદ્ગુરુને પણ આપણે પરિઘમાં રાખ્યા. કેન્દ્રમાં તો આપણો હું જ હતું. મારી વાચનાઓમાં સાધુ-સાધ્વીઓની વાચનામાં ખાસ આ પ્રશ્ન એમને હું કરું છું કે કેન્દ્રમાંથી હું પરિઘમાં ગયો ખરો?
અત્યાર સુધી એવું બન્યું, સદ્ગુરુ પ્રખર અને પ્રબળ બન્યા. પણ તમારું સમીકરણ એક જ હતું. ગુરુ મારી પીઠ થાબડે. ગુરુ મને સારું કરે એ ગુરુ સારા. ગુરુ સારા છે. એને તમારી પરીક્ષા આટલી જ હતી. ગુરુ મારા હું ને થાબડે, ગુરુ મારા હું ને પંપાળે. અને કોઈ પણ ગુરુ તમારા હું ને પંપાળી શકે? હું નું ગુબડું અગણિત જન્મોથી લઈને તમે ફર્યા કરો છો, એ ગુબડાને સદ્ગુરુ તરીકે અમારે વધારવાનું કે ગુબડા ને ચીરી નાંખવાનું…? આ જનમમાં શું કરવાનું બોલો હવે? તમારા હું ના ગુબડાને ચીરી નાંખવાનું કે એને વધારવાનું? તો આ દીક્ષા અસ્તિત્વના સ્તર પર ઉતરી ગઈ. કારણ પ્રભુ કેન્દ્રમાં આવ્યા. સદ્ગુરુ કેન્દ્રમાં આવ્યા, પ્રભુની આજ્ઞા કેન્દ્રમાં આવી ગઈ. કદાચ એ આજ્ઞાનું પાલન ન થાય. તો પણ એનો ભારેભાર ડંખ છે. એટલે શક્ય એટલું આજ્ઞાનું પાલન થાય છે. જ્યાં આજ્ઞાનું પાલન શક્ય નથી ત્યાં તીવ્ર વેદના થાય છે. આ ક્યારે થાય? કેન્દ્રમાં પ્રભુ આવે ત્યારે.
બોલો પદ્મવિજય મહારાજની ઈચ્છા છે કે આજના દિવસે તમારા બધાનો ‘હું’ બાજુમાં જતું રહે. He is ready. પદ્મવિજય મહારાજ is ready. I am also ready. But are you ready? તૈયાર…? બધા મને ‘હું’ આપી દેશો આજે…? પછી ‘હું’ રહે ને અહોભાવના લયનું રહી શકે. મેં આજે ભક્તિ કરી. ગુરુદેવ મને બહુ જ આનંદ આવ્યો. ગુરુદેવ! આજે સ્વાધ્યાય કર્યો, એવો તો હું તન્મય બની ગયો. કે આનંદ જ આનંદ. અહોભાવના લયનો ‘હું’ રહે તો વાંધો નહિ. અહંકારના લયના ‘હું’ ને આજે આપી દો. આમેય ગુરુને કંઈક તો આપવું પડે.
આપણે ત્યાં એક બહુ મજાનો શબ્દ છે, ઋણમુક્તિ. અને એવો જ પ્યારો શબ્દ છે ગુરુદક્ષિણા. ભારતીય સંસ્કૃતિક પરંપરાનો આ શબ્દ ગુરુદક્ષિણા. જે સદ્ગુરુએ જીવન આપ્યું, સંસ્કારો આપ્યા, પુરેપુરા જીવનનું ઘડતર કર્યું, પુરા જીવનને બદલી કાઢ્યું. એ ગુરુના ચરણોમાં તમે તમારો કચરો ન આપી શકો? મારે બીજું કાંઈ જોઈતું નથી. ખાલી તમારું ‘હું’ જોઈએ છે. અને એ ‘હું’ એટલે શું? ગંદુ શરીર, રાગ-દ્વેષથી છલકાતું ગંદુ મન, અને સોસાયટીએ આપેલું નામ. આ ત્રણેયના સમીકરણોથી બનેલું ‘હું’, જેમાં કંઈ જ સાજુ નથી. એ ‘હું’ આજે આપવા તૈયાર? મારી અઢી- ત્રણ મહિનાની વાચના આજે success થઇ જાય. Are you ready? તૈયાર? ‘હું’ હવે રહેવાનો જ નહિ.
તો દીક્ષાનો મતલબ આ છે, કેન્દ્રમાં પ્રભુ છે, કેન્દ્રમાં સદ્ગુરુ છે. અમે ક્યાંય પરિઘમાં ગોઠવાઈ ગયા છીએ, સદ્ગુરુએ કૃપા કરી. કેન્દ્રમાંથી ઉખેડી – ઉચકીને બાજુમાં અમને ફેંકી દીધા, આમાં તકલીફ શું થાય તમને સમજાવું. સદ્ગુરુ તો કૃપાવતાર જ હોય છે. અને દરેક સદ્ગુરુએ અતિતની અંદર તમારા હું ને કેન્દ્રમાંથી ઉખેડ્યું, ઉચક્યું, હાથમાં લીધું અને બાજુમાં મૂકી પણ દીધું. જ્યાં ગુરુની નજર આમ ગઈ, તમે પરિઘમાં કે પાછા કેન્દ્રમાં આવી ગયા. આજે જો નક્કી કરી શકો, કે મારા અસ્તિત્વના કેન્દ્રમાં, મારા હ્રદયના કેન્દ્રમાં માત્ર પ્રભુ, માત્ર સદ્ગુરુ. અને પ્રભુ અને સદ્ગુરુ આવ્યા, એટલે એમની આજ્ઞા પણ કેન્દ્રમાં આવી જ ગઈ. હું પરિઘમાં ખૂણે-ખાંચડે, કેન્દ્રમાં પ્રભુ અને સદ્ગુરુ. આટલું તમે પણ નક્કી કરી શકો છો. શ્રાવકપણાની સાધના પણ શરૂ ક્યારે થાય? હું કેન્દ્રમાંથી પરિઘમાં જાય ત્યારે. નહીતર તકલીફ શું થાય? સાધનામાર્ગમાં આવ્યા, હું તમારું અકબંધ છે, તમે શ્રાવક છો, તમે સાધના કેવી રીતે કરવાના.. તમને ગમે તે રીતે કરવાના.
તમે કેમીસ્ટ હોવ, મેડીકલ સ્ટોર તમારો છે. જે દવા એકદમ મીઠી હોય, મજાની હોય, એ તમે ખાવા મંડી પડો તો શું થાય? ડોક્ટર prescribe કરે, એ દવા લેવાય કે prescription વગર એમનેમ દવા લઇ શકાય? તો તમે આજ સુધી સાધના કરી ને એમાં પણ તમારો હું હતું. તમારી ઈચ્છા હતી. મારી ઈચ્છા હતી માટે આમ કરું. ઈચ્છાપૂર્વકનું માસક્ષમણ એને અધર્મ કહ્યો છે. અને ગુરુની આજ્ઞાપૂર્વકનું નવકારશીનું પચ્ચક્ખાણ એ ધર્મ છે.. આ આપણું શાસન છે. પ્રભુના શાસનને પામવું એ કોઈ સરળ વાત નથી. તમે તમારી રીતે પ્રભુશાસનને પામી લો, impossible. Totally quite impossible. સદ્ગુરુ દ્વારા જ પ્રભુ શાસનના નિયમો તમને મળે. તો સંસારમાં તમે એ કર્યું. મને આ ગમે છે માટે આ કરું. સાધનામાર્ગમાં આવ્યા તો પણ એ જ વાત આવી. મને આ ગમે છે માટે આ કરું. એટલે જ સ્વાધ્યાય ગમતો હોય કોઈ શિષ્યને અને વૈયાવચ્ચ ઓછી ગમતી હોય. ત્યારે એને હું પૂછું કે બેટા! તને સ્વાધ્યાય વધુ ગમે છે, એની પાછળ શું છે જરા જોઈ લે… હું વિદ્વાન બનું, લોકો મને જાણે, લોકો મને ઓળખે. એટલા માટે તને જો સ્વાધ્યાયમાં રસ હોય, તો તારો સ્વાધ્યાય પ્રભુની સાધના નથી. એ અધર્મ છે. સદ્ગુરુ વિના સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર, તમે ચાલી શકતા નથી. તો આજે આપણે પાકું ‘હું’ આપી દેવાનું… કે સીડી ઉતરો એટલે લઈને જવાનું?!
તો પદ્મવિજય મ.સા.એ એ initial સ્ટેજ પર આપણા ‘હું’ ને લેવાની વાત કરી. ‘બુદ્ધિ રહિત શક્તિ વિકલ’ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ initial સ્ટેજનું કામ થઇ ગયું પછીનું કામ કરે છે. એ તમને સીધા જ ધ્યાનદશામાં લઇ જવા તૈયાર થયા છે. પણ ધ્યાન કરશે કોણ? તમે હશો તો ધ્યાન થશે ને… તમે જ નહિ હોવ, તમારું સાચું હું નહિ હોય, તો ધ્યાન કરશે કોણ? એટલે અહંકારવાળું હું ગયું. નક્કી? ભાઈ નક્કી? જો મને આપી દો છો તમે હો અત્યારે… પછી લેવાશે નહિ પાછું… ‘હું’ આપી દીધું? અપાઈ ગયું? પૂરેપૂરું? કે થોડું બાકી રાખ્યું? પૂરેપૂરું.
તો હવે ઉપાધ્યાયજી ભગવંતની સાધના ચાલુ થાય છે. કેવી એ મહાપુરુષોની કૃપા! સંસ્કૃત અને પ્રાકૃતમાં તો અગણિત ગ્રંથો એમણે લખ્યા. આપણા ગુજરાતીની અંદર પણ એટલી શ્રેષ્ઠ રચનાઓ એમણે આપી છે, એક સમાધિશતક, એક શ્રીપાલ રાસ, સવાસો ગાથાનું સ્તવન, સાડા ત્રણસો ગાથાનું સ્તવન આ તમે ગુજરાતીમાં છે એ તમે વાંચી લો તો પણ તમને જિનશાસન એટલે શું એનો ખ્યાલ આવે.
તો બહુ પ્યારી ગુજરાતી ભાષામાં આવેલી કડી છે. અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજ્ઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપે થાય રે” અરિહંત પદ ધ્યાતો થકો – પહેલું જ ચરણ અરિહંત પદ સુણતો થકો નહિ, અરિહંત પદ વિચારતો થકો નહિ, અરિહંત પદ ધ્યાતો થકો. શબ્દ અને વિચાર એ initial સ્ટેજની વસ્તુ છે. જે શબ્દ અને જે વિચાર તમને ધ્યાન તરફ લઇ જાય, એ જ શબ્દો અને એ જ વિચારો કામના બાકીના નકામા.
કબીરજીએ એક મજાની વાત કરી, શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે, એમણે કહ્યું એક શબ્દ અને બીજો શબ્દ ઘણું બધું અંતર છે. એક શબ્દ સાર છે. એક અસાર છે. સાર શબ્દ ગ્રહી લે, સાર શબ્દને પકડી લે તું. જિજ્ઞાસુએ પૂછ્યું: સાર શબ્દની વ્યાખ્યા શું? મજાની વ્યાખ્યા આપી, “જો શબ્દે સાહિબ મિલે.” જે શબ્દ દ્વારા પ્રભુ મળે. એ સાર શબ્દ. કોઈ પણ પુસ્તક હાથમાં લો, બે પાનાં ફેરવો, તમારી જાતને પુછજો કે આ પુસ્તક વાંચવાથી પ્રભુ મળશે? જો પ્રભુ મળે એમ હોય, એ પુસ્તક દ્વારા તો એ પુસ્તક વાંચજો. નહીતર એ પુસ્તકને book shelf પર પધરાવી દેજો.
જો શબ્દે સાહિબ મિલે – આપણી તકલીફ ક્યાં થઇ? અરિહંત પદનું શ્રવણ આપણે કર્યું. બહુ, બહુ તો અરિહંત પદ વિશે ક્યારેક ચિંતન પણ કર્યું. પણ અરિહંત પદનું ધ્યાન ક્યારે કર્યું? આજે આપણે ધ્યાન કરવું છે. એ ધ્યાન કરીએ તો શું થાય? ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય – તમારી ચેતના અત્યારે અરિહંતમય બની જાય. તમે અરિહંત બની જાવ અત્યારે. સીમંધર પ્રભુનું ધ્યાન તમે એ રીતે અત્યારે કરી શકો, કે તમારી ચેતના અર્હન્મય બની જાય. કરવું છે આ? એના માટે વાત એ કરે છે કે માત્ર પ્રભુના ગુણો સાંભળવાથી નહિ ચાલે. વિચારવાથી પણ નહિ ચાલે. અનુભવ જોઇશે.
તો અનુભવ એ રીતે થાય કે સમભાવ તમારી ભીતર પડેલો જ છે. વિકલ્પો ચાલ્યા કરે છે, વિચારો સતત ચાલ્યા કરે છે. માટે તમે રાગ અને દ્વેષમાં જાવ છો. બાકી સમભાવ એ જ તમારું સ્વરૂપ છે. એક સમભાવનું ઝરણું તમારી ભીતર સતત વહી રહ્યું છે. તો થોડીક ક્ષણો માટે શાંત ચિત્તે બેસો. કોઈ વિચાર કરવો નથી. કદાચ કોઈ વિચાર આવી ગયો, તો પણ એ વિચારને જોવો છે. એ વિચારમાં જવું નથી. વિચારને જોવો એ અલગ છે. વિચારમાં જવું, ભળવું એ અલગ છે.
એક ગામડું એક પહાડથી ૫૦ કિલોમીટર દૂર છે. એ ગામમાં એક માણસ રાત્રે ૧૨ વાગે ઉઠ્યો. પહાડ પર આગ લાગેલી છે. પહાડ કેટલો દૂર? ૫૦ કિલોમીટર દૂર. ત્યાં આગ લાગેલી છે. ૫૦ કિલોમીટર દૂર રહેલા ગામડાવાળા આ માણસને એ આગ દેખાય છે. પણ એ આગની અસર થશે ખરી? ગરમી લાગશે જ નહિ. પણ સગડી બાજુમાં હોય તો… fire place બાજુમાં હોય તો અસર થશે. એમ શાંત ચિત્તે એવા બેસો કે વિચારોને જોવાના, વિચારોમાં જવું નથી. વિચાર આવ્યો, ગયો. વિચાર આવ્યો, ગયો.
હવે તમારી કોશિશ શું છે? સમભાવનો અનુભવ કરવો. તો શું થયું? સમભાવનું ઝરણું તમારી ભીતર ચાલુ થયું. હવે, પ્રભુ તો સમભાવમય છે. એક સમભાવનો દરિયો ત્યાં લહેરાઈ રહ્યો છે. તો આ સમભાવનું તમારું ઝરણું એ પ્રભુના સમભાવના દરિયાની અંદર જશે એટલે મિલન થઇ જશે. શબ્દ પત્થર. વિચાર પત્થર. પત્થરને દરિયામાં કે નદીમાં નાંખો શું થાય? ઓગળે? એકાકાર બને? ન બને. પણ તમે પાણીને નાંખો તો? ઝરણું નદીમાં જાય કે નદી દરિયામાં જાય. એકાકાર થઇ જશે. એ ઝરણું દરિયામાં ગયું. કોઈ કહે કે ઝરણાંને પાછું બોલાવો. ઝરણું તો એકાકાર થઇ ગયું. દરિયામય થઇ ગયું. હવે એ નીકળે નહિ. તો તમે થોડીક ક્ષણો માટે તમારી ચેતનાને સમભાવમય બનાવી દો, તો એ સમભાવનું ઝરણું અને પ્રભુના સમભાવનો દરિયો આ બેય એકાકાર થઇ જાય. અને એ રીતે એકાકાર થાય ત્યારે તમારી ચેતના સમભાવમય તો બની જ. પણ અર્હન્મય બની ગઈ. ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
પાંચ મિનિટ આંખો બંધ કરી દો. શરીર ટટ્ટાર, આંખો બંધ. ચિત્ત તમારું એકદમ શાંત છે. કોઈ વિચારોમાં જવાનું નથી. વિચાર એ તમારું સ્વરૂપ નથી. સમભાવનું ઝરણું તમારી ભીતર સતત વહી રહ્યું છે. અને એના કારણે એક દિવ્ય શાંતિનો અનુભવ સતત તમને થઇ શકતો હોય છે. પણ જે મન એ શાંતિનો અનુભવ કરનારું છે. એ મન વિચારોમાં ગુંથાઈ ગયેલું હતું. માટે અનુભવ થતો ન હતો. અત્યારે જો તમે તમારા મનને બધા જ વિચારોમાંથી છુટું કર્યું છે. અને એ મન માત્ર સમભાવમાં ડૂબેલું છે. તો એની શાંતિનો એક અનુભવ તમને થશે. એક દિવ્ય આનંદનો અનુભવ. તમે આનંદઘન છો. એ આનંદનો અનુભવ અત્યારે તમને થશે. આ જો શાંતિનો અનુભવ તમને થાય અને બે, ચાર મિનિટ પણ તમે એ લયમાં વહો તો શાંતિનું, સમભાવનું એક ઝરણું અંદર વહેવા લાગ્યું. એ ઝરણું વહી રહ્યું છે. વહી રહ્યું છે, વહી રહ્યું છે. સામે જ પરમાત્મા છે. અને એ પરમાત્માનો સમભાવનો દરિયો તમારી સામે હિલોળાઈ રહ્યો છે. તમારું ઝરણું ધીરે, ધીરે ધીરે પરમાત્માના એ સમભાવમય સમુદ્રની તરફ ચાલે છે. અને એક ક્ષણ આવે છે તમારા સમભાવનું ઝરણું પ્રભુના સમભાવના દરિયામાં mix થઇ જાય છે. વિલીન થઇ જાય છે. એકાકાર થઇ જાય છે. એટલો તો આનંદ આ ક્ષણોનો હોય છે. તમારી ચેતના પ્રભુમય બને એટલે કે દિવ્ય આનંદમય બની ગઈ.
આ દિવ્ય આનંદમયી જે ચેતના છે એનો અનુભવ બરોબર કરો. આવતી કાલે પણ આપણે આજ પ્રક્રિયા ફરીથી કરવાની છે. આંખ ખોલી શકો છો. કાલે થોડો વધુ આ પ્રયોગ કરાવીશું. અને આવતી કાલે સિદ્ધ ભગવાનની ચેતના સાથે આપણી ચેતનાને એકાકાર કરવાનો આપણે એક પ્રયોગ કરીશું.