વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સિદ્ધ પદ
સિદ્ધ ભગવંતો પૂર્ણાનંદી છે; પોતાના પૂર્ણ આનંદમાં ડૂબેલા. એ સિદ્ધ ભગવંતોનું ધ્યાન તમે કરો એટલે તમારું મન પણ પૂર્ણ બની જાય. અને પૂરન મન પૂરન સબ દિસે – પછી તમને ક્યાંય અધૂરપ / ઉણપ દેખાતી નથી; બધા જ આત્માઓ તમને પૂર્ણ દેખાય છે.
કોઈ વ્યક્તિમાં આપણને દોષ દેખાયો એનું કારણ એ નથી કે એનામાં દોષ છે; તકલીફ આપણી દ્રષ્ટિમાં છે! આપણી દ્રષ્ટિ અપૂર્ણ છે માટે આપણે જગતને અપૂર્ણ જોઈએ છીએ. સિદ્ધ ભગવંતો આપણને બધાને પૂર્ણ જુએ છે અને આપણે બીજાને અપૂર્ણ જોઈએ છીએ!
ભેદજ્ઞાનના અભ્યાસથી તમારા હું ને થોડું નબળું બનાવો. એ પછી તમને બીજામાં પણ ગુણ દેખાશે. એ ગુણ જોયા પછી એ ગુણ મેળવવાની ઝંખના થાય. અને એ ઝંખના તમારી દ્રઢ થાય, એટલે એ ગુણ તમને મળી જાય. આ રીતે તમે પણ પૂર્ણ આનંદમય બનવાની દિશામાં આગળ વધી શકો.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૧
શાશ્વતી નવપદની ઓળીની આરાધનાનો આજે બીજો દિવસ.
સિદ્ધ પદની આરાધના આજે કરવાની છે. પદ્મવિજય મ.સા.એ સિદ્ધ પદની પૂજાનો પ્રારંભ કરતાં કહ્યું, “સિદ્ધ ભજો ભગવંત, પ્રાણી પૂર્ણાનંદ” સિદ્ધ ભગવંતો પોતાના પૂર્ણ આનંદમાં ડૂબેલા છે. એ સિદ્ધ ભગવંતોનું ધ્યાન આપણે કરીએ, આપણી ચેતના પણ આનંદમય બની જાય. મહોપાધ્યાય યશોવિજય મહારાજે સિદ્ધ ભગવંતોના ધ્યાન પછી ભીતર કઈ ઘટના ઘટે, એનું વર્ણન કરતાં કહ્યું, “પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” એક પ્રભુનું દર્શન થયું, એક પ્રભુનું ધ્યાન થયું. તમારું મન પૂર્ણ બની જાય. પૂરન મન પછી શું થાય… પૂરન સબ દિશે.. પછી તમને ક્યાંય અધૂરપ – ઉણપ દેખાતી નથી. બધા જ આત્માઓ તમને પૂર્ણ દેખાય છે. કોઈ વ્યક્તિમાં આપણને દોષ દેખાયો એનું કારણ એ નથી કે એનામાં દોષ છે. તકલીફ આપણી દ્રષ્ટિમાં છે. આપણી દ્રષ્ટિ અપૂર્ણ છે માટે આપણે જગતને અપૂર્ણ જોઈએ છીએ.
જ્ઞાનસારના પ્રારંભમાં મહોપાધ્યાયજીએ કહ્યું: ‘સચ્ચિદાનંદ પૂર્ણેન, પૂર્ણમ્ જગદ્ વેક્ષ્યતે’ સિદ્ધ ભગવંતો આપણને બધાને પૂર્ણ જોવે છે. અને આપણે બીજાને અપૂર્ણ જોઈએ છીએ! સિદ્ધ ભગવંતો, અનંતા સિદ્ધ ભગવંતો મને અને તમને પૂર્ણ સ્વરૂપે જોવે છે. એટલે જે પૂર્ણ બની ગયો, એને બધા જ પૂર્ણ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં અપૂર્ણતા છે માટે આપણને બધે અપૂર્ણતા દેખાય છે. આપણે પણ આનંદમય બની જઈએ એવી ઈચ્છા તમારી ખરી ને ભાઈ? ખરી? એના માટે એક મજાનો ક્રમ પદ્મવિજય મ.સા. એ, ઉપાધ્યાય યશોવિજય મ.સા.એ અને બીજા મહાપુરુષોએ આપેલો છે. આપણી દ્રષ્ટિ પૂર્ણ થઇ જાય. અને બધા જ આપણને પૂર્ણ લાગે. હું ઘણીવાર કહેતો હોઉં છું, કે પ્રભુ મને જે ક્ષણે મળ્યા એ ક્ષણે પ્રભુએ મારી ચેતનાને મારી દ્રષ્ટિને બદલી નાંખી. પ્રભુ મળ્યા પછી એક ક્ષણ એવી નથી આવી, કે મને કોઈ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ ફરિયાદ રહે. બધા જ આત્માઓ મને માત્ર અને માત્ર પૂર્ણ તરીકે જ દેખાયા છે. તમારે આ ભૂમિકા ઉપર જવું છે? આજે આપણે એ ક્રમમાં ચાલીએ, કે જે ક્રમ તમને પણ આનંદમય બનાવી દે.
પહેલુ જ ચરણ છે, ભેદજ્ઞાનનો અભ્યાસ. આપણે ત્યાં એક મજાનો ગ્રંથ છે અધ્યાત્મ બિંદુ. એમાં હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે: “યૈ યાવન્તો ધ્વસ્ત બંધા અભુવન્, ભેદજ્ઞાનાધ્યાસએવાત્ર બીજં” જે પણ મહાપુરુષો સિદ્ધિપદને પામ્યા, સિદ્ધ ભગવંત તરીકે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયા. એ બધા જ મહાપુરુષોના મૂળની અંદર ભેદજ્ઞાનના અભ્યાસની સાધના હતી. ભેદજ્ઞાનનો અભ્યાસ એટલે શું? હું એટલે શરીર નહિ. અહીંથી શરૂઆત કરવાની છે. એક વાત તમને પૂછું? હું એટલે શરીર આ વાત જો તમારા મનમાં દ્રઢ થયેલી હોય, તો સાધનાનો પ્રારંભ શી રીતે થઇ શકે? કોઈ પણ સાધના આપણે કરીએ, શા માટે કરીએ? મારો આત્મા નિર્મળ બને માટે. મારો આત્મા સત્તા રૂપે નિર્મળ છે. પણ અત્યારે રાગ-દ્વેષ આદિને કારણે કર્મોથી લેપાયેલો છે. એ કર્મોની લીપ્તતામાંથી મારે નિર્મળતામાં જવું છે માટે હું સાધના કરું છું. એક પણ સાધના તમે કરો, આયંબિલની ઓળી કરો, સામાયિક કરો કે પ્રતિક્રમણ કરો કે પ્રભુની પૂજા કરો, બધાની પાછળ ઉદ્દેશ માત્ર એક છે. મારે મારા આત્માને નિર્મળ બનાવવો છે. હવે તમે એટલે શરીર આ માન્યતા તમારી પાસે હોય, તો તમારા માટે સાધનાનો પ્રારંભ કઈ રીતે થઇ શકે? પછી તો માનવું પડે કે જૈન કુળમાં જન્મ્યા છીએ માટે સાધના કરીએ છીએ.
તમે સાધના કરો છો. બહુ સરસ. but why? શા માટે કરો છો? ગંગાને કિનારે જોઈ જાય, કિનારે ગયો, ગંગા માતાનું દર્શન કર્યું અને પાછો આવ્યો. ગંદો ને ગંદો. એ કહે છે, હું ગંગાને કિનારે જઈ આવ્યો, પણ તે મેળવ્યું શું? તારું શરીર તો ગંદુ છે. ગંગામાં તારે તારી જાતને પખાળવવાની હતી. અને તારે શુદ્ધિને પ્રાપ્ત કરવાની હતી. તમે સાધના કરો છો. એનો હેતુ આજે બરોબર સમજાઈ ગયો? માત્ર અને માત્ર તમારા આત્માની નિર્મળતાને માટે તમે સાધના કરો છો. એટલે, હું એટલે આત્મા. હું એટલે શરીર નહિ. શરીર તમારું ઘર.
સંત રવિદાસને કોકે પૂછેલું. કે સદ્ગુરુ કોને કહેવાય? ત્યારે એમણે કહેલું: ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’ ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’ આ શરીરના ઘરમાં રહેલ આત્મા રૂપી વાસ્તવિક ઘરને જે બતાવી આપે એ સદ્ગુરુ. આજે તમને ખ્યાલ આવી ગયો ને બરોબર? હું એટલે કોણ? નિલેશ નહિ. નિલેશ આને આપવામાં આવેલું નામ છે. હું તો અનામી છું. તમે કોઈ nameless experience નથી. તમે એના પરની ઘટના છે.
તો સૌથી પહેલું ચરણ છે ભેદજ્ઞાન અભ્યાસ. ઉપાધ્યાયજી ભગવંતે ભેદજ્ઞાનના અભ્યાસ માટે એક બહુ જ પ્યારું સૂત્ર આપ્યું. અમૃતવેલની સજ્ઝાયમાં: “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” તમે આ બધાથી પર છો. નિર્મલ આત્મચેતના છો. આ ભેદજ્ઞાનનો અભ્યાસ થાય તો શું થાય? રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બને. શરીર ઉપર રાગ થાય છે. પછી શરીરને જે અનુકુળ છે એના ઉપર રાગ થાય છે. શરીરને જે પ્રતિકૂળ છે ત્યાં દ્વેષ થાય છે. અને આ શરીરની કોઈ પ્રશંસા કરે છે તમને અહંકાર આવે છે. ભેદજ્ઞાનનો અભ્યાસ રાગ, દ્વેષ અને અહંકાર ને શિથિલ બનાવે છે. જો કે તમે તો ગઈ કાલે ‘હું’ આપી દીધેલું ને? પછી સીડી ઉતરતાં પાછું લઇ લીધેલું? કેન્દ્રમાં માત્ર અને માત્ર પ્રભુ. માત્ર સદ્ગુરુ. માત્ર પ્રભુની આજ્ઞા.
મયણાસુંદરીજીના કેન્દ્રમાંથી ‘હું’ ચાલ્યું ગયું. લગ્ન પછીની સવાર. મયણાસુંદરી શ્રીપાલ કુમાર સાથે દેરાસરે જઈ રહ્યા છે. એ વખતે અજ્ઞાની લોકો જેમ-તેમ બોલે છે. કેટલાક લોકો કહે છે જોયું, આ ધર્મનું પુંછડું…! ગઈ કાલે રાજાની સભામાં ધર્મનું પુંછડું થયેલું. એના બાપે એને કોઢીયો વર આપી દીધો! આ ધર્મનું પુંછડું… મયણાસુંદરી અને શ્રીપાલકુમાર દેરાસરે જાય, પ્રભુની ભક્તિ થાય, ઉપાશ્રય આવે, સદ્ગુરુને વંદના કરે. એ વંદના કર્યા પછી મયણાસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડે છે. લગ્નની ચોરીમાં શ્રીપાલનો હાથ પકડીને બેઠેલી મયણા સહેજ પણ ખિન્ન બની નથી. લગ્નની ચોરીમાં મયણાસુંદરી બેઠેલા છે.
એ વખતે રાસકાર ભગવંતે મયણાના ચહેરા ઉપર કેમેરાને ફેરવી મજાનું સ્લેબ આપણને આપ્યું. “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ” ક્યાં મયણા.. ક્યાં શ્રીપાલ…. રૂપ-રૂપનો અંબાર મયણા! કોઢની દુર્ગંધ જેના શરીરના અણુ-અણુમાંથી ફેલાઈ રહી છે એવા શ્રીપાલ. જેની સાથે એક સેકંડ બેસી શકાય નહિ, એને પૂરું જીવન સોંપવાનું છે. અને છતાં મયણાના ચહેરા ઉપર વિષાદની રેખા નહિ. કેમ? ‘જ્ઞાનીએ દીઠું હોવે રે’ જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એ પ્રમાણે બન્યા કરે.
તો લગ્નની ચોરીમાં જે મયણા આનંદપૂર્વક બેઠેલી, એ મયણા ગુરુદેવ પાસે આવ્યા પછી ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને એ વખતે એના મુખમાંથી શબ્દો નીકળે છે: “પણ જિનશાસન હિલના, સાલે લોગ અબૂઝ” ગુરુદેવ! મને કોઈ કુળ કલંકીની કહે ને, મને વાંધો નથી. મયણા ખરાબમાં ખરાબ છે. એમ કોઈ કહે મને કોઈ વાંધો નથી. પણ મારા નિમિત્તે મારા પ્રભુના શાસન ઉપર લોકો આંગળી ચીંધે મારાથી સહન થતું નથી. પણ જિનશાસન હિલના. સાલે- મને બીજું કાંઈ સાલતું નથી. બીજી કોઈ જ પીડા નથી. બધું જ સ્વીકારી શકું છું. પણ લોકો મારા નિમિત્તે પ્રભુ શાસનની નિંદા કરે એને હું સહન કરી શકતી નથી. કેવું પ્રભુશાસન એના હૃદયમાં વસેલું હશે!
તમારે બધાને નક્કી ખરું કે કોઈ પણ સંયોગોમાં જિનશાસનના કોઈ પણ અંગની તમે નિંદા કરો નહિ અને સાંભળો નહિ. છે નક્કી? જે શાસન આપણો પ્રાણ છે? એ શાસન ન મળ્યું હોત, હું અને તમે ક્યાં હોત? એ શાસન એની નિંદા કરી શકાય? સાંભળી શકાય? આજથી નક્કી કરો, જિનશાસનના કોઈ પણ અંગની ક્યાંય પણ નિંદા થતી હોય, તમે એને સાંભળશો નહિ, તમે એને કરશો નહિ. એક મહાત્મા કદાચ એમના આચારમાં એ બરોબર નથી. તો તમે શું કરી શકો? તમે એમના ગુરુદેવને કહી શકો. ગુરુદેવની આજ્ઞામાં એ નથી એવું લાગે, તો તમે એકાંતમાં પ્રેમથી એમને સમજાવી શકો. કે ગુરુદેવ લોકોત્તર શાસન મળ્યું, લોકોત્તર શ્રામણ્ય મળ્યું, આપ તો અમારા પૂજ્ય છો. આપને અમે શું કહી શકીએ?! પણ આપ ખરેખર પ્રભુની આજ્ઞાના પથ પર દોડો. એવી અમારા બધાની ભાવના છે.
પણ જિનશાસન હિલના, સાલે ગુરુદેવ મને બીજી કોઈ પીડા નથી. લોકો પ્રભુશાસનની નિંદા કરે મારા નિમિત્તે, એ મને ખટકે છે. ગુરુદેવે શ્રીપાલને નવપદ સાધના આપી. શ્રીપાલજી કોઢ મુક્ત થયા. એની પાછળ પણ ગુરુદેવની દ્રષ્ટિ એક વ્યક્તિને રોગમુક્ત કરવાની ન હતી. પ્રભુ શાસનની નિંદા કોઈ ન કરે એ દ્રષ્ટિ હતી. નવપદજી ની આરાધના શ્રીપાલ મહારાજાએ કરી. એ આરાધનાએ શરીરનો રોગ કાઢ્યો એ તો બરોબર. મનના રોગોને પણ કાઢી નાંખ્યા.
શ્રીપાલ રાજાનું ‘હું’ પણ એકદમ શિથિલ બની ગયું. શ્રીપાલકુમાર સ્વસ્થ બની ગયા. નખમાં પણ રોગ નથી. અને દેરાસરની અંદર માં નો ભેટો થાય છે. માં પોતાના દીકરાને જોઇને રાજી-રાજી થઇ ગઈ. કેવો મારો એ દીકરો જેની કાયા કોઢથી વ્યાપ્ત થયેલી હતી. ક્યાં આજે મારો દીકરો કેવો શોભે છે! દેરાસરની બહાર બેઠા. શ્રીપાલ અને મયણા માં ના ચરણોમાં પડ્યા. માં એ આશીર્વાદ આપ્યો. માં એ પૂછ્યું: આ ચમત્કાર કઈ રીતે થયો? અને એ વખતે શ્રીપાલકુમાર શું કહે છે: ‘એ પસાય તુમ વહુ તણો’ માં મેં કાંઈ નથી કર્યું. આ તમારી પુત્રવધુ એવી ગુણિયલ મળી ગઈ. જેના કારણે ગુરૂદેવનો ભેટો થયો. મારો રોગ ટળી ગયો. શ્રીપાલકુમારે ઉપકારનું પોટલું મયણાસુંદરી ઉપર મુક્યું. મયણા રાખવા તૈયાર નથી હો… તમને કોઈ કહે ને કે આ ભાઈએ આટલું કર્યું અને તમે આખું બચકું રાખી લો તમારી પાસે કેમ? કોઈનો ભાગ એ ન પાડો. કે ભાઈ હું એકલો નથી, અમારી ટીમે કામ કર્યું છે. મયણાસુંદરી એ ઉપકારના બોજને પોતાની પાસે રાખવા તૈયાર નથી. એ કહે છે “ગુરુ સમ હેતુ લોગ” સદ્ગુરુની કૃપા મેં શું કર્યું છે? અને કોઈ પણ સદ્ગુરુને પૂછો, સદ્ગુરુ શું કહે: પ્રભુની કૃપા. મેં કાંઈ કર્યું નથી. અને એ જ લયમાં હું કહેતો હોઉં છું. કે પરમ ચેતના પરમ સક્રિય અને સદ્ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. અમારે સમારી ઈચ્છાથી કશું જ કરવું નથી. પ્રભુની આજ્ઞા હોય, એ પ્રમાણે જ અમારે ચાલવાનું છે.
એક મુનીમ શેઠે કહ્યું: બેંકમાં જા. ચેક પર સહી કરીને આપી દીધો. લાખ રૂપિયા મુનીમ બેંકમાંથી લઇ લે, રિક્ષામાં બેસીને ઓફિસે આવતો હોય. લાખ રૂપિયા એની પાસે છે. મુનીમ એમ માને કે લાખ મારા છે? પૈસા મારી પાસે છે, પણ કોના? શેઠના. એમ ગુરુના હાથેથી કોઈ પણ કામ થાય, ગુરુ ક્યારે પણ માને નહિ કે મેં કર્યું. હું તો બહુ સ્પષ્ટ કહું છું. જે ક્ષણે હું માનું કે યશોવિજયનો હાથ પડે ને કામ થઇ જાય. એ ક્ષણથી યશોવિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂક્કી ખરે. એનર્જી-બેનર્જી હોય જ નહિ. આ હાથમાંથી પણ એનર્જી ખરી શકે પણ એ એનર્જી પરમાત્માની હોય. હું બિલકુલ નિર્ભાર હોઉં. હું સ્પષ્ટ તયા માનતો હોઉં કે I am not to do anything absolutely. તો જ એ એનર્જી મારા હાથમાંથી વહી શકે. જે ક્ષણે મને લાગે કે હું વાસક્ષેપ આપું અને કામ થઇ જાય. એ ક્ષણે મારા હાથમાંથી વાસક્ષેપ નહિ, એનર્જી નહિ, માત્ર ચંદનની ભૂક્કી ખરે.
તો શ્રીપાલ કુમારનો હું કેટલો ક્ષીણ થયેલો?! આયંબિલ કોણે કર્યા? શ્રીપાલે કર્યા, વિધિ કોણે કરી? શ્રીપાલે કરી, પણ ઉપકારનું પોટલું એ ઉપર મુકે છે. માસક્ષમણ તમારે કરવાનું. Credit ક્યાં જાય? અહીંયા કે અહીંયા…ક્યાં જાય? માસક્ષમણ મેં કર્યું નથી. પ્રભુની અને સદ્ગુરુની કૃપાથી થયું છે.
તો પૂર્ણ આનંદ પ્રાપ્તિની આપણી યાત્રામાં પહેલું ચરણ ભેદજ્ઞાનનો અભ્યાસ. હું એટલે શરીર નહિ. હું એટલે નામ નહિ, હું એટલે મન નહિ, you are the bodyless experience. you are the mindless experience. you are the nameless experience. આના કારણે શું થયું… રાગ, અને દ્વેષ અને અહંકાર તમારા શિથિલ બને. આ પહેલું ચરણ છે. પહેલું ચરણ થાય પછી બીજું ચરણ આવે છે ગુણ દર્શન.
યાદ રાખો, જ્યાં સુધી તમારો ‘હું’ મજબુત છે ત્યાં સુધી તમે બીજાના ગુણોને જોઈ શકતા પણ નથી. ઘણીવાર છે ને તમે કહેતાં હોવ છો, સાહેબ! ફલાણા ભાઈમાં તો એટલા બધા ગુણો કે શું વાત કરું…! તમે પણ ભ્રમમાં હોવ, કે તમને ગુણાનુરાગ થયેલો છે. ઊંડાણથી જોવો તો ખબર પડે કે એ ગુણાનુરાગ ન હતો. એવા જ ગુણો બીજામાં છે. તમને દેખાતા નથી. તમને એ વ્યક્તિના ગુણો જ દેખાયા.. કેમ કે એ વ્યક્તિ તમારા ગુણોને પંપાળે. એ તમને બહુ સારા કહે છે એટલે તમને એના ગુણો દેખાયા. તો ગુણાનું રાગની પાછળ વ્યક્તિ રાગ છે. અને વ્યક્તિ રાગની પાછળ તમારા અહં પરનો તમારો રાગ છે. એટલે જ્યાં સુધી અહંકાર શિથિલ નહિ બને ત્યાં સુધી ગુણોનું દર્શન એ પણ શક્ય નથી. શ્રીપાલ કુમારનો અહંકાર ક્ષીણ થયો. માટે જ ધવલના ગુણો એમને દેખાય છે.
શ્રીપાલ રાસની એક મજાની ઘટના છે. કે ધવલ શેઠે રાજાને જે ટેક્ષ આપવાનો હોય, એ પુરેપુરો નહિ આપ્યો, એમાં પણ ચોરી કરી. રંગાયેલા હાથે પકડાઈ ગયા ધવલ શેઠ અને રાજ્યનો પોલીસ તંત્ર એને પકડીને જેલમાં પુરવા લઇ જાય છે. શ્રીપાલ તો એ નગરમાં રાજાના જમાઈ થઈને બેઠા છે. શ્રીપાલની નજર ગઈ, ધવલ શેઠને બંદી બનાવીને લઇ જાય છે. શ્રીપાલ ત્યાં જાય છે. પોલીસો પણ ઓળખે છે, આપણા રાજાના જમાઈ છે આ તો. અને શ્રીપાલજી કહે છે: છોડી દો. આ તો મારા ઉપકારી છે. મારા ઓળીના પ્રવચનોમાં હું દર વખતે પૂછતો હોઉં છું કે ધવલ શેઠે શ્રીપાલ ઉપર શું ઉપકાર કર્યો? અત્યાર સુધી મને એક જ જવાબ મળ્યો છે કે સાહેબ! ધવલ શેઠના વહાણમાં બેસીને શ્રીપાલજી ગયા. અને તો એમને રિદ્ધિ સિદ્ધિ મળી. હું કહું છું. Ok. Accepted. તમારી વાત સ્વીકારી લીધી. પણ એ સિવાયનો બીજો કોઈ ઉપકાર ધવલશેઠે કરેલો શ્રીપાલ પરનો તમને દેખાય છે? દેખાય છે…?
શ્રીપાલના મનમાં એક વાત હતી, ધર્મ પામ્યા પછી કે સમ્યગ્દર્શન આ જન્મમાં મને મળવું જ જોઈએ. તમારા બધાની શું ઈચ્છા છે બોલો…? રાત્રે ઊંઘ ન આવે આમ, સમ્યગ્દર્શન ક્યારે મળશે? શ્રીપાલકુમારના મનમાં આ એક ઝંખના હતી, મને સમ્યગ્દર્શન મળવું જ જોઈએ. પણ મને મળ્યું છે નથી મળ્યું અથવા હું સમ્યગ્દર્શન પ્રાપ્તિની નજીક છું. એ તો જ્ઞાની પુરુષ જ કહી શકે. પણ શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિના લક્ષણો આપ્યા છે. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. સમભાવ તમારો પ્રગાઢ હોય, તો તમે માની શકો કે તમે સમ્યગ્દર્શનની નજીક છો. અને એ અરસામાં ધવલશેઠે વહાણમાંથી શ્રીપાલને દરિયામાં ફેંકી દીધો. શ્રીપાલનું પુણ્ય હતું, વિમલવાહન આવી ગયા. સામે કાંઠે પહોંચી ગયા. રાજાને ત્યાં એક અધિકારી થઈને બેસી ગયા. અને ધવલ શેઠ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. વહાણ ઉપર ધંધો કરવો હતો તો રાજાની અનુમતિ લેવી પડે. જ્યાં રાજાની પાસે આવ્યા, શ્રીપાલને બાજુની ખુરશી ઉપર બેઠેલો જોયો. અને પેટમાં તેલ રેડાયું, આ માણસ અહીંયા! પણ એ વખતે શ્રીપાલજીને ધવલને જોતા આંખની અંદર / હૃદયમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટ્યો નહિ. એ વખતે શ્રીપાલજીએ માન્યું: કે ધવલજી મારા સમભાવના પરીક્ષક છે. મારા ગુરુ છે. મારા ઉપકારી છે. તમારા ઉપકારી કેટલા આવે બોલો….? તમને ગુસ્સાનું નિમિત્ત આપે, તમે ગુસ્સો ન કરો, એ બધા તમારા ઉપકારી. બરોબર…? તો શ્રીપાલજી માને છે કે મારામાં સમભાવ છે. એની પરીક્ષા ધવલશેઠે કરી. માટે એ મારા ગુરુ છે, ઉપકારી છે. તો એ રીતે શ્રીપાલજીએ ધવલને ઉપકારી માન્યા છે.
કલ્પસૂત્ર વર્ષમાં એકવાર, શ્રીપાલરાસ વર્ષમાં બે વાર. એ શ્રીપાલનો રાસ સાંભળતા ચિત્તવૃત્તિ શ્રીપાલ જેવી, મયણા જેવી આપણે કરવી છે. માત્ર પ્રભુમય ચેતના એ બેઉની હતી. પછી શ્રીપાલજી એનાથી પણ આગળ વધ્યા છે. શ્રીપાલમાં શું દ્રષ્ટિ હતી! ધવલશેઠે સમભાવની પરીક્ષા કરી, મારા ઉપકારી ગુરુ એ તો બરોબર. પણ એ તો એમણે કામ કર્યું. કોઈ મારું કામ કરી આપે. હું એને ઉપકારી માનું એમાં મેં શું મહત્તા કરી! શ્રીપાલજી એનાથી પણ આગળ વધ્યા છે અને એમના હૃદયમાં reverence for the life પ્રગટ્યું છે. ચેતના પ્રત્યેનો સમાદર. જ્યાં જ્યાં ચેતના ત્યાં પ્રેમ, ત્યાં આદર.
હું તમને પૂછું.. પ્રભુ તમને ગમે ને ભાઈ? પ્રભુ ગમે? પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમતાં હતાં એ બધા તમને ગમે ને…? બોલો… પ્રભુએ શું કહેલું, ‘સવિ જીવ કરું શાસન રસી’ પેલા ગોવાળિયાને બાકી રાખેલો….? કે આ કાનમાં ખીલા ઠોકનાર ગોવાળિયો છે ને એને બાજુમાં રાખો…! પ્રભુએ આખા જગતના પ્રાણીઓને ચાહ્યા છે! પ્રભુ તમને ગમે છે. પ્રભુને જે ગમતા હતા, એ તમને ગમે છે કે નહિ? આ એક દ્રષ્ટિબિંદુ આજે તમને મળી જાય ને કોઈના ઉપર ગુસ્સો તમને ન આવે. કોઈએ રફ્લી કંઈક કહ્યું, તરત વિચાર આવે કે આ માણસ ઉપર પ્રભુએ શું કરેલું…? પ્રભુએ આ માણસને ચાહેલો. મારા પ્રભુએ જેને ચાહેલ હોય એને હું ધિક્કારી શકું ખરો? તો શ્રીપાલજી માં ગુણદર્શન કેમ આવ્યું? ભેદજ્ઞાનનો અભ્યાસ થયો. રાગ, દ્વેષ અને અહંકાર શિથિલ બન્યા, અને જ્યાં હું શિથિલ બન્યો. ત્યાં બીજાના ગુણો દેખાઈ રહ્યા છે.
તો ભેદજ્ઞાનનો અભ્યાસ, એ પહેલું ચરણ. ગુણ દર્શન એ બીજું ચરણ. પછી ગુણ મેળવવાની ઝંખના એ ત્રીજું ચરણ. અને ગુણની પ્રાપ્તિ એ ચોથું ચરણ. બહુ જ મજાથી આ ચાર ચરણો ખોલી રહ્યા છે. અહંકાર શિથિલ નહિ બને તો બીજાના ગુણો દેખાશે નહિ. આપણા દરેક કુટુંબની અંદર તમે જુઓ. દસ સભ્યોનું કુટુંબ હોય, એમાં દરેક વ્યક્તિની બીજા નવના plus point નો ખ્યાલ હશે કે minus point નો? દેરાણી એનું નામ મુકો. જેઠાણી એમનામાં કંઈ કહેવા જેવું નથી. સાસુજી આમ પૂજનીય ગણાય પણ કાંઈ નહિ. બરોબર ને… પાંચનું કુટુંબ હોય તો પોતાના સિવાયના ચારના minus point બરોબર ખ્યાલમાં છે. હવે જુઓ હું છે ને તમારી આ શક્તિને પણ બિરદાવું છું. બિરદાવું ને?
બોલો બીજાના માઈનસ point તમને જોતાં આવડે, તો પોતાના minus point જોવામાં તકલીફ શું પડે?! બીજામાં તો ગોટાળો થઇ શકે. બહાર કંઈક દેખાતું હોય, અંદર. કંઈક હોય. તો બીજાના minus point તમે જોઈ શકો… તો પોતાના તો જોઈ જ શકો ને… તો minus point જોતા આવડે છે ને એ પણ તમારી કળા છે. હવે માત્ર કેમેરા આમ છે, એને બદલે કેમેરાને આમ લાવવો છે. કેમેરાના લેંસને ફેરવવાનો છે. બીજું કંઈ જ કરવાનું નથી. તમારા minas point ને જોવો. બીજાના plus point ને જોવો.. એક કુટુંબ તમે જુઓ, જેમાં દરેક વ્યક્તિ બીજાના plus point ને જોતો હોય, તો એ કુટુંબ સ્વર્ગ જેવું હોય કે ન હોય..? ઘણીવાર કહું છું, પહેલાં શું હતું, દરેક વ્યક્તિ કુટુંબમાં માનતો, કે મારી બીજાઓ માટે શું ફરજ છે? પતિ માનતો કે પત્ની આટલું બધું ઘરનું કામ કરે છે. હું ક્યાંક મદદ કરાવું કે એ જેથી એ થોડી આરાધના કરી શકે. પત્ની માનતી, કે પતિ આટલું બધું કામ કરે છે હું એમને સહાયક બનું. દીકરાઓ માતા અને પિતાની ભક્તિ કરતાં. આજે શું થયું, પતિ એમ કહે છે કે પત્નીએ આમ કરવું જોઈએ અને દીકરાઓએ આમ કરવું જોઈએ. પત્ની એમ કહે છે પતિએ આમ કરવું જોઈએ અને દીકરાઓએ આમ કરવું જોઈએ. અને દીકરાઓ કહે છે માં-બાપે આમ કરવું જોઈએ. કોઈ એમ નથી કહેતું કે મારે શું કરવું જોઈએ…
તો ગુણદર્શન જો તમારી પાસે આવી જાય તો આધ્યાત્મિક રૂપે તો ઘણો બધો લાભ થાય, ભૌતિક રૂપે પણ કેટલો લાભ થાય! તમારા ઘરના બધા જ સંઘર્ષો ટળી જાય. અને ઘરની અંદર અપાર શાંતિ પથરાઈ જાય.
તો સિદ્ધ ભગવંતો પૂર્ણાનંદી છે. અને એ સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરતાં, એમનો જાપ કરતાં આપણે પણ આનંદમય બનવું છે. એ આનંદમય બનવા માટેનો રસ્તો આ: ભેદજ્ઞાનના અભ્યાસથી ‘હું’ ને થોડુક નબળું બનાવો. બીજાના ગુણને જોવો. એ ગુણ જોયા પછી, એ ગુણ મને મળે એવી ઝંખનામાં આવો. અને એ ઝંખના તમારી દ્રઢ થઇ. એ ગુણ તમને મળી જાય. અને એ ગુણોને મેળવી તમે પણ પૂર્ણ આનંદમય બનવાની દિશામાં આગળ વધો.