વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આચાર્ય પદ
આગમધર. સદ્ગુરુ આગમોના પારદૃષ્વા છે અને એટલે નિશ્ચય અને વ્યવહારના પણ પારદૃષ્વા છે. સાધકની જન્માંતરીય ધારાનું આકલન કરીને સદ્ગુરુ એની સાધના નક્કી કરે અને એ સાધનામાં વ્યવહાર અને નિશ્ચયનું combination કેવી રીતે રાખવાનું – એ પણ નક્કી કરે.
સમકિતી. સમ્યગ્દર્શન વ્યવહારનયથી ચોથા ગુણઠાણે; નિશ્ચયનયથી સાતમા ગુણઠાણે. નિશ્ચયનયની પરિભાષા એ છે કે એ સ્વની અનુભૂતિમાં પૂરેપૂરા ડૂબેલા છે; પરમાં જઇ જ ન શકે. માત્ર સ્વમાં ડૂબેલા સદ્ગુરુની એ અપાર કરુણા છે કે આપણા માટે આટલા બહાર આવે છે!
માત્ર સંવર ની ક્રિયામાં એ ડૂબેલા છે. પરંપરા ને ચુસ્ત વફાદાર છે. દુનિયાનું સર્વશ્રેષ્ઠ જે છે, એવું પરમધન મેળવીને એ નિઃસ્પૃહ થઈ ગયા છે. એવા માત્ર અનુભૂતિમાં ડૂબેલા સદ્ગુરુને સમર્પિત થઈ જઈએ, તો આપણને પણ એ અનુભૂતિ મળી શકે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૨
શાશ્વતી નવપદજી ઓળીનો આજે ત્રીજો દિવસ.
આજે આચાર્ય પદની ઉપાસના. આનંદઘનજી ભગવંતે પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં સદ્ગુરુ તત્વની બહુ મજાની વર્ણના આપી છે. ત્યાં એમણે સદ્ગુરુના, આચાર્ય ભગવંતના છ ગુણોની ચર્ચા કરી છે. આપણે આનંદઘનજી ભગવંતની આંગળી પકડીને આચાર્ય ભગવંતના ચરણો સુધી આજે જઈએ. બહુ જ પ્યારી કડી, “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ ધાર રે”
પહેલો જ ગુણ આગમધર – સદ્ગુરુ આગમોના પારદ્રશ્વા છે અને એટલે નિશ્ચય અને વ્યવહારના પણ પારદ્રશ્વા છે. આવા સદ્ગુરુદેવ આપણને સાધના આપતાં હોય છે. સદ્ગુરુદેવ આપણને સાધના આપે, ત્યારે એમાં બે મહત્વની વાતો હોય છે. પહેલી વાત તો એ કે કયા સાધકને કઈ સાધના આપવી છે, એ સદ્ગુરુ નક્કી કરે છે. અને એ સાધનામાં પણ વ્યવહાર અને નિશ્ચયનો combination કેવી રીતે રાખવાનું છે એ પણ સદ્ગુરુ નક્કી કરે છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું: ‘યોગ અસંખ્ય છે જિન કહ્યા’ યોગ એટલે સાધના પદ્ધતિ. પ્રભુએ કહેલી સાધના પદ્ધતિઓ કેટલી? એક નહિ, બે નહિ, ચાર નહિ, સો નહિ, બસો નહિ, અસંખ્ય. યોગ અસંખ્ય છે જિનવર કહ્યા – તો અગણિત સાધનાપદ્ધતિઓ શા માટે? Why? આટલી બધી સાધના પદ્ધતિઓ શા માટે? જવાબ એ અપાયો… સાધકોની પેટર્ન અગણિત છે માટે સાધના પદ્ધતિઓ પણ અગણિત રહેવાની.
એક વ્યક્તિને સાધના આપવાની છે. સદ્ગુરુ જોવે છે કે એની જન્માન્તરીય ધારાની સાધના કઈ છે? અને એ સાધનાને એણે કેવી રીતે ઘૂંટેલી છે. બની શકે કે જન્માન્તરીય એની ધારા સ્વાધ્યાય અને ભક્તિ બેવના base વાળી હોય. પૂર્વ જન્મમાં સદ્ગુરુએ સ્વાધ્યાય અને ભક્તિનું મિશ્રણ એની સાધનાપદ્ધતિમાં આપેલું હોય. હવે આ જન્મની અંદર સદ્ગુરુ જ્યારે સાધના આપવા માંગે છે ત્યારે જન્માન્તરીય સાધનાનું આકલન કર્યું. હવે એને એ જ સાધનાપદ્ધતિમાં સ્વાધ્યાય અને ભક્તિની ધારામાં મુકવાનો છે. યોગ આ રીતે નક્કી થયો. સાધનાપદ્ધતિ, જન્માન્તરીય ધારા ઉપર નક્કી થઈ.
હવે બીજી વાત આવી કે એ સાધનાપદ્ધતિમાં વ્યવહાર કેટલો ઘૂંટવાનો એણે? અને નિશ્ચય કેટલો ઘૂંટવાનો? પ્રારંભિક કક્ષાનો સાધક હોય, તો અમે લોકો એને ૯૦% વ્યવહાર અને ૧૦% નિશ્ચયનો combination આપતાં. ઉચકાયેલો સાધક છે તો ૫૦%- ૫૦% નો પણ base બની શકે. અને એકદમ ઉચકાયેલો સાધક હોય, તો ૮૦% કે ૯૦% નિશ્ચય અને ૨૦% કે ૧૦% વ્યવહારનું combination સદ્ગુરુ આપી શકે. આવા સદ્ગુરુ આપણને મળ્યા છે. બહુ મજાની વાત હું ઘણીવાર કહેતો હોઉં છું, કે સદ્ગુરુને ભીતર એટલી મજા આવે છે કે બહાર આવવાનું ગમી શકે નહિ.
હરીભદ્રાચાર્યના કે આનંદધનજી ભગવંતના શબ્દો આપણને મળ્યા, એ એમની આપણા માટેની કરૂણા હતી. અને બીજું પ્રભુની એમના તરફની આજ્ઞા હતી. પ્રભુની આજ્ઞા હતી, કે તને જે મળ્યું છે એ તું બીજાને આપ. સિદ્ધિ થઇ છે તો વિનિયોગ તું કર. અને બીજી એમની પાસે કરૂણા હતી. નહીતર અનુભૂતિની ટોચ પર ગયેલું વ્યક્તિત્વ શબ્દોની તલાટી ઉપર કઈ રીતે ઉતરી શકે?! એક સદ્ગુરુ તમને પ્રવચન આપે છે. એ પ્રવચન સાંભળતા, અને એ પ્રવચનને અંતે તમારી આંખો ભીંજાય… આ સદ્ગુરુ..! માત્ર અને માત્ર જેમને ભીતર રહેવું છે, એ અમારા માટે આટલા બહાર આવી ગયા!! એ એક-એક વ્યક્તિને સાધના આપે.
તો પહેલું વિશેષણ આપ્યું, આગમધર. સદ્ગુરુ આગમોના પારદ્રશ્વા છે. અને એથી વ્યવહાર અને નિશ્ચયના પૂરા-પૂરા પારગામી છે. અને એથી સાધકને સાધના પદ્ધતિ તો આપી પણ એની સાથે નિશ્ચય અને વ્યવહારનું combination કઈ રીતે આપવું એ પણ સદ્ગુરુ નક્કી કરે.
એક સાધકને હું સમાધિશતક ભણવાનું કહીશ, બીજો એક સાધક હશે થોડો ઉચકાયેલો એને હું જ્ઞાનસાર આપીશ, અને કહીશ કે વાંચવાનું ઓછું, અનુશીલન વધારે. સ્વાધ્યાય, અનુપ્રેક્ષા અને અનુભૂતિ આ આપણો ક્રમ છે. વાંચન કે શ્રવણ કર્યું પહેલા સ્તર પર. બીજા સ્તર પર એની અનુપ્રેક્ષા કરો. એક પંક્તિ કાફી હોય છે ક્યારેક ભીતર ઉતરવા માટે. સ્વાધ્યાય એટલે શું? ભીતર ઉતરવા માટેનું રો-મટીરીયલ. એક પંક્તિ મળી ગઈ. શ્રીપાલ રાસની એક નાનકડી પંક્તિ છે, ‘આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે સવિ આઈ રે’ પતી ગયું. આજના દિવસનો પૂરો ખોરાક તમારી પાસે આવી ગયો. ‘આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે સવિ આઈ રે’ જ્યાં તમે સ્વની અનુભૂતિમાં ગયા, તમારા આનંદગુણને, તમારી વીતરાગદશાને સહેજ પણ તમે અનુભવી; તમારી આત્મઋદ્ધિને તમે પ્રગટ કરી. તો બીજું ચરણ અનુપ્રેક્ષા.
અને ત્રીજું ચરણ અનુભૂતિ. તો સદ્ગુરુ સાધના આપે. એ સાધનાને ઘૂંટવી છે. એવી ઘૂંટીએ, એવી ઘૂંટીએ કે સાધના અસ્તિત્વના સ્તર પર આવી જાય. પછી આવતાં જનમની અંદર આપણે એ જ સાધનાને આગળ ને આગળ ચલાવવાની રહે. અસ્તિત્વના સ્તરની સાધના એટલે જન્મોના ખંડો ઉપર તરતી સાધના. રાત્રે તમે પત્ર લખવા માટે બેઠા. પાંચ લીટી લખાઈ. લાઈટ off થઇ. વિચાર્યું. કાલે સવારે લખીશું. બીજી સવારે પત્ર તમારા હાથમાં આવ્યો, રાત્રે પાંચ લીટી લખાઈ ગયેલી છે. તમે છટ્ઠી લીટીથી શરૂઆત કરો. સાધના જ્યારે અસ્તિત્વના સ્તર ઉપર આવી, ત્યારે એ જન્મોના ખંડો ઉપર તરતી સાધના થઇ ગઈ. એટલે આ જનમમાં જેટલી કરી, આવતાં જનમમાં તમારે એને repeat નહિ કરવી પડે. એનાથી આગળ વધો. એના પછીના જનમમાં એનાથી આગળ વધો. તો પહેલું વિશેષણ આચાર્ય ભગવંતનું આપ્યું. આગમધર.
બીજું વિશેષણ સમકિતી. તમને થશે સમ્યગ્દ્રષ્ટિ આ વિશેષણ આચાર્ય ભગવંતને આપ્યું?! સમ્યગ્દર્શન તો ચોથા ગુણઠાણે મળે. આચાર્ય ભગવંત છટ્ઠે કે સાતમે ગુણઠાણે છે. સમ્યગ્દર્શન વ્યવહારનયથી ચોથા ગુણઠાણે, નિશ્ચયનયથી સાતમા ગુણઠાણે. વ્યવહારનય એમ કહેશે કે ચોથા ગુણઠાણે પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં સમ્યગ્દર્શન તમને મળ્યું. આપણે વ્યવહાર અને નિશ્ચય બેય ને સ્વીકારીએ છીએ. પ્રભુનું વ્યવહાર નિશ્ચય વિનાનું નથી. અને પ્રભુનો નિશ્ચય વ્યવહાર વિનાનો નથી. અત્યારે નિશ્ચયાભાસ વાળા ઘણા નીકળી ગયા છે. આ ક્રિયાકાંડ તમે કર્યું. શું મળ્યું તમને? મૂકી દો બધું… સીધા આત્મજ્ઞાનમાં જતા રહો. એ નિશ્ચયનય નથી. નિશ્ચયનયાભાસ છે. આપણી પાસે વ્યવહાર અને નિશ્ચયનું combination છે. આપણી એક પણ વ્યવહાર ક્રિયા નિશ્ચય વિનાની નથી. આપણો એક પણ નિશ્ચય વ્યવહાર વિનાનો નથી.
એક નાનામાં નાની ક્રિયા, પ્રભુના દર્શનની એ પણ નિશ્ચય સાથે જોડાયેલી છે. પ્રભુનું દર્શન એટલે પ્રભુના ગુણોનું દર્શન. એ પ્રભુના મુખ ઉપર રહેલી વીતરાગદશાને આપણે જોઈએ… એ પ્રભુના મુખ ઉપર રહેલા પ્રશમરસને આપણે જોઈએ… અને એ જ વીતરાગદશા, એ જ પ્રશમરસ મારી ભીતર છે, એ વિચારીએ અને એની અનુભૂતિ તરફ જઈએ એટલે વ્યવહાર ક્રિયા નિશ્ચય સુધી આપણને લઇ ગઈ. એટલે ક્યારે પણ નિશ્ચયનયાભાસવાળાને સાંભળતા નહિ. એ લોકો સીધું જ ક્રિયાકાંડ છોડવાની વાતો કરે.
મુંબઈમાં એક પંડિતજી હતા, એ આ રીતે નિશ્ચયનયાભાસની વાતો કરતાં. એક મારો પરિચિત છોકરો ત્યાં જતો હતો. પંડિતજીએ એકવાર કહ્યું: દર્શન, પૂજા, સામાયિક બધું નકામું છે. પેલો ધ્રુજી ગયો કે આ માણસને હું સાંભળું છું! મારા ભગવાને કહેલી અમૃતક્રિયાને જે નકામી કહે એ માણસને મેં આટલા દિવસ સાંભળ્યો! એ ઉભો થયો અને એણે પંડિતજીને કહ્યું: પંડિતજી! આ તમારા શબ્દો એ પણ શું છે? તમે કહો છો જડથી કંઈ થાય નહિ. સીધું આત્મજ્ઞાનમાં જવું જોઈએ. તો તમારા શબ્દો જડ છે, આજથી તમારા શબ્દોને છોડીને જાઉં છું.
તો સાતમાં ગુણઠાણે જે સમ્યગ્દર્શન છે એ નિશ્ચયનય સંમત છે. નિશ્ચયનયની પરિભાષા એ છે, કે એ માણસ આત્મતત્વને જાણે છે. સમ્યગ્દ્રષ્ટિ આત્મતત્વને જાણે છે. આંશિક રૂપે એનો અનુભવ પણ કરે છે. અને છતાં એ પરમાં જાય તો એનું સમ્યગ્દર્શન કેવું?
ક્ષાયિક સમકિતી કૃષ્ણ મહારાજા હોય કે શ્રેણિક મહારાજા હોય, સંપૂર્ણતયા માને છે કે પરમાં જવાય જ નહિ. મારી ભીતર જ આનંદ છે. પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થયો નથી. અને એને કારણે એ કામભોગની અંદર ડૂબે પણ છે. શાસ્ત્રએ કહ્યું: ખરજવું કોઈને થયું છે, પ્રબુદ્ધ માણસ છે, એને ખ્યાલ છે કે હું ખણીસ તો પીડા મને જ થવાની છે. છતાં એટલી બધી ચળ ઉપડે છે એનાથી રહેવાતું નથી. એ ખણે છે. ખણતી વખતે એને સારું પણ લાગે છે. તો બે feelings સાથે છે. એક બાજુ એને સારું પણ લાગે છે બીજી બાજુ એ સ્પષ્ટ રૂપે માને છે કે આનાથી પીડા મને જ થવાની છે. થોડી વાર પછી જે બળતરા થશે હું એને સહન નહિ કરી શકું. આ વાત સમ્યગ્દ્રષ્ટિ ચોથા ગુણઠાણે છે એની પાસે છે. એ સમજે છે કે પરમાં જવાય જ નહિ. આનંદ જો મારી ભીતર છે. તો હું પરમાં શા માટે જાઉં?! પણ ચારિત્રમોહનીયનો ઉદય એને પરમાં લઇ જાય છે. પાંચમે ગુણઠાણે તમે આવ્યા, ઉદાસીનદશા થોડી આવી. છટ્ઠે ગુણઠાણે કોઈ સાધક આવ્યો. ઉદાસીનદશા વધી. અને સાતમે ગુણઠાણે પરમ ઉદાસીનદશા. હવે પરમાં જવાનું જ નથી. માત્ર સ્વમાં રહેવાનું છે.
એ સાતમા ગુણઠાણે રહેલ સાધક – એ મુનિરાજ, એ સાધ્વીજી કેવા હોય, એનું વર્ણન શાસ્ત્રોએ આપ્યું, કે દેહાધ્યાસથી એ બિલકુલ પર બનેલા હોય. શરીર છે એનો પણ એમને ખ્યાલ નથી. અઠવાડિયે દસ દિવસે લાગે કે શરીર અશક્ત બન્યું છે. એને કંઈક ખાવાનું આપવું પડશે. વહોરવા માટે જાય, વાપરે પણ ખરા… પણ એમની ગોચરી વાપરવાની ક્રિયાને પણ ધ્યાન કહેલ છે. કારણ એ સાતમે ગુણઠાણે માત્ર અને માત્ર સ્વની અનુભૂતિમાં ડૂબેલા છે.
તો આચાર્ય ભગવંત સમકિતી એટલે સ્વની અનુભૂતિમાં પુરેપુરા ડૂબેલા છે. અને છતાં તમારી આટલી કાળજી લે, કેવી feeling તમારી હોય!! માત્ર સ્વમાં ડૂબેલા સદ્ગુરુ! અમારા માટે આટલા બધા બહાર આવે છે!!
ત્રીજું વિશેષણ આપે છે, ‘ક્રિયા સંવર સાર’ આચાર્ય ભગવંતોને તમે તમારી આંખોથી જોયા છે. આજે આપણે આનંદઘનજી ભગવંતની આંખોથી, એમના vision થી, એમની દ્રષ્ટિથી, આચાર્ય ભગવંતનું દર્શન કરીએ. ત્રીજું વિશેષણ ‘ક્રિયા સંવર સાર’ માત્ર સંવરની ક્રિયામાં એ ડૂબેલા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની સાધના નિરંતર એ ચાલી રહી છે. ગુપ્તિ એટલે શું? સંવર. જે ક્રિયા દ્વારા કર્મો આવે, એને આશ્રવ કહેવાય. જે સાધના દ્વારા આવતાં કર્મો અટકી જાય એને સંવર કહેવાય. ત્રિગુપ્તિથી યુક્ત આપણા આચાર્ય ભગવંતો છે. અને એથી એ સંપૂર્ણ તયા સંવરમાં ડૂબેલા છે.
એક મુનિરાજની કથા શાસ્ત્રમાં આવે છે. કો’ક શ્રાવકે એમની સ્તુતિ કરી કે સાહેબ! આપ તો પાંચ સમિતિથી યુક્ત છો, ત્રણ ગુપ્તિથી યુક્ત છો. એ વખતે એ મુનિરાજ કહે છે, કે હું ત્રણ ગુપ્તિથી યુક્ત નથી. એકવાર મારી કાયગુપ્તિ ખંડિત થઇ ચુકી છે. કથા એટલી તો પ્યારી છે, કે સાંભળતા આપણા રૂવાડા ખડા થઇ જાય! કે આવા સાધકો આપણે ત્યાં હતા! આપણે ત્યાં છે…! એ મુનિરાજ કહે છે એકવાર મારી કાયગુપ્તિ ખંડિત થયેલી. શું થયેલું? એ મુનિરાજ ગીતાર્થ હતા. આગમોના જ્ઞાતા હતા.
એટલે આપણે ત્યાં બે જાતની સાધના બતાવી. ‘એગો ગીયત્થવિહારો, વિઓ ગીયત્થનિસીઓ ભણિઓ’ એક ગીતાર્થની સાધના યાત્રા, બીજી ગીતાર્થની નિશ્રાની સાધનાયાત્રા. પણ ગીતાર્થની નિશ્રાની સાધનાયાત્રા એટલે શું? માત્ર ગીતાર્થ ગુરુ જોડે રહ્યા એટલે એમની નિશ્રામાં આપણે આવી ગયા એવું કહેવાય નહિ. એ ગીતાર્થ ગુરુની આજ્ઞાને સંપૂર્ણતયા વફાદાર હોઈએ તો જ આપણે એ ગીતાર્થ ગુરુની નિશ્રામાં કહેવાઈએ. એટલે બે જ જાતની સાધના છે. એક ગીતાર્થની સાધના યાત્રા – એ પોતાની મેળે કરી શકે. બીજી ગીતાર્થની નિશ્રાની સાધનાયાત્રા. આપણી બધાની સાધનાયાત્રા ગીતાર્થ નિશ્રાની છે. પણ આજે તમારી જાતને પુછજો કે ગીતાર્થ ગુરુની નિશ્રા બહારની છે કે ભીતરની છે? બહારથી ગુરુ જોડે રહ્યા, એટલે નિશ્રામાં આવી ગયા એવું કહેવાતું નથી. ભીતરથી તમારું મન તમારું ચિત્ત, સંપૂર્ણ તયા એ સદ્ગુરુને સમર્પિત થયેલું હોય, તો જ તમે ભીતરથી ગુરુની નિશ્રામાં આવેલા કહેવાઓ.
‘આણાએ ધમ્મો’ પછી એક જ સૂત્ર. જ્યાં ગુરુની આજ્ઞા ત્યાં ધર્મ.
હું ત્યાં સુધી કહેતો હોઉં છું સો આયંબિલ કો’ક શિષ્યએ કર્યા, ગુરુને પૂછ્યું: સાહેબજી! ૧૦૦મી ઓળી શરૂ કરું? ગુરુએ હા પણ પાડી. રોજ આયંબિલનું પચ્ચક્ખાણ ગુરુ આપે છે. ૧૦૦ દિવસ થઇ ગયા. ૧૦૧માં દિવસે ઉપવાસ થાય તો ૧૦૦મી certify થાય ને… ૧૦૧માં દિવસે ગુરુએ એકાસણાનું પચ્ચક્ખાણ આપ્યું. એ શિષ્ય પ્રશ્ન નથી કરતો? કે સાહેબ આજે એકાસણું? તમે હોવ તો શું વિચારો? સાહેબજી મારી ૧૦૦મી ઓળીનું શું થાય? અરે ૧૦૦ ઓળી તો કેટલાય જન્મોમાં તે કરી, ભાઈ… તારી ગુરુ આજ્ઞાનું શું એ તો કહે…? ૧૦૦મી ઓળી મોટી કે સદ્ગુરુ આજ્ઞા પાલન મોટું? મેં અને તમે… અને તમે પણ.. કેટલાય જન્મોમાં આ પ્રભુની ચાદર પહેરી છે. તમે પણ તમારી અતિતની યાત્રામાં પ્રભુની ચાદર પહેરીને આવ્યા છો. યાદ નથી આવતું અત્યારે…? પહેરીને આવ્યા છો કારણ કે શાસ્ત્રો કહે છે. તો ચુંક ક્યાં થઇ? અહીંયા જ ચુક્યા. સાધના કરી પણ ઈચ્છાપૂર્વક કરી. મારે આયંબિલની ઓળી કરવી છે માટે હું કરી લઉં… મારે માસક્ષમણ કરવું છે માટે હું કરી લઉં. હરીભદ્રસૂરિ મ.સા. તો સ્પષ્ટ કહે છે: ‘મુત્તુણ આણપાણમ્’ એક શ્વાસોશ્વાસની ક્રિયા એના માટે તમે સદ્ગુરુને પૂછી ન શકો? શ્વાસ લેવો છે સાહેબજી લઉં? સાહેબજી શ્વાસ છોડું? એ વ્યવહારૂ નથી. એ કરી શકાતું નથી. પણ એના સિવાયનું બીજું કંઈ પણ તમારે કરવું છે? કોઈ પણ સાધુએ, કોઈ પણ સાધ્વીજીએ સદ્ગુરુને એણે પૂછવું જ પડે.
તો આ ગીતાર્થ સદ્ગુરુ હતા. એકાકી વિહાર કરતા હતા. પ્રભુ આજ્ઞા પ્રત્યેનો એટલો ચુસ્ત પક્ષપાત. એક સાંજે વિહાર શરૂ થયો. પહેલાં તો ધૂળિયા રસ્તા, બે-ચાર રસ્તા ફંટાતા હોય, ક્યાંના ક્યાં પહોંચી જવાય. સુર્યાસ્તનો સમય થયો. કોઈ ગામ દેખાતું નથી. અને એમનો નિર્ણય: સૂર્ય આથમે પછી એક પણ ડગલું ભરવાનું નહિ. સૂર્ય આથમે એવું લાગે છે. ખેતર હતું એમાં એક ખેડૂત હતો. રસ્તા ઉપર ઝાડ છે, ઓટલો છે, ખેડૂતને પૂછ્યું: ભાઈ આ ઓટલા ઉપર હું રાતવાસો કરી શકું? અરે મહારાજ આરામથી રહો.. એ મુનિરાજ ત્યાં કાજો લે છે. માંડલા કરે છે, પ્રતિક્રમણ કરે છે, એ પછી સ્વાધ્યાય, એ પછી ધ્યાન, લગભગ ૧૨- ૧ વાગ્યા સુધી ધ્યાન ચાલ્યું. એ પછી થોડી વાર માટે આરામ લે છે. સૂઈ ગયા છે.
એ વખતે એવું બન્યું, કે એ જે વૃક્ષ હતું, ત્યાંથી ત્રણેક રસ્તા છુટા પડતાં હતા. એ ત્રણે ગામથી આવતાં હોય લોકો ત્યાં બેસે, વાતચીત કરે, એમાં ૧૨-૧૨.૩૦ કો’ક આવ્યા માણસો બહારથી, ઠંડીનો સમય તાપણું સળગાવ્યું. અને બુઝાવ્યા વગર એ લોકો જતાં રહ્યા. એ અગ્નિ, એક લાકડું સળગતું હતું, ધીમે ધીમે મુનિરાજ તરફ આવે છે, મુનિરાજનો હાથ સહેજ સંથારાની બહાર હશે. આગ એકદમ નજીક આવી. મુનિરાજને ખ્યાલ આવી ગયો, સહસા એમણે હાથ પોતાનો આમથી આમ કરી દીધો. સંથારામાં લઇ લીધો. આગ આવી રહી છે એના માટે સહસા હાથ આમથી આમ કર્યો. પછી તો બેઠા થઇ ગયા. સંથારો લઈને બીજે જતાં પણ રહ્યા. એ મુનિરાજ કહે છે, મારી કાયગુપ્તિ ખંડિત થઇ ગઈ. મારી કાયા આમથી આમ, મારો હાથ આમથી આમ થયો. મેં પ્રતિલેખન કરેલું નહોતું. એટલે મારી ગુપ્તિ ખંડિત થઇ ગઈ. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તમને સામાયિકમાં અને પૌષધમાં મળે છે. ‘કિરિયા સંવર સાર રે’
ચોથું વિશેષણ સંપ્રદાયી. પરંપરાને ચુસ્ત વફાદાર. આપણે ત્યાં બે વસ્તુ છે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરા. કેટલીક વાતો શાસ્ત્રોમાં નથી હોતી. પણ આચાર્યો ભગવંતોની પરંપરાથી અમને મળેલી હોય છે. તો અમારે જે રીતે શાસ્ત્રોનો આદર કરવાનો છે, એ જ રીતે પરંપરાનો પણ આદર કરવાનો. હું પહેલા બુદ્ધિવાદી હતો Rationalist. પણ, પ્રભુની કૃપા વરસી. આજે હું ચુસ્ત traditionalist, ચુસ્ત emotionalist છું. ચુસ્ત પરંપરાવાદી. એક પણ પરંપરાને ક્યારેય પણ તોડવાનું પાપ નહિ કરતાં. આ પરંપરાએ તમને કેટલું બધું આપ્યું! જૈન કુળમાં જન્મ્યા..! આપણે બિલકુલ નાનકડા હોઈશું. માં ગુરુદેવ પાસે આપણને લઇ ગઈ હશે. વંદન કરાવ્યું હશે. વાસક્ષેપ અપાવ્યો હશે. અને ગુરુદેવને માં એ કહ્યું હશે, કે ગુરુદેવ એને નમસ્કાર મહામંત્ર આપો. એ નાની વયમાં એ માં એ આપણને નવકાર મંત્ર અપાવેલો. પરંપરા..! એ નાની વયમાં પ્રભુનું દર્શન આપણને થયેલું! એ નાની વયમાં સદ્ગુરુ આપણને મળી ગયેલા! કોણે આપ્યું આ..? પરંપરાએ આપેલું. એટલે આચાર્ય ભગવંતો તો ચુસ્ત પરંપરાવાદી હોય જ છે. તમારે બધાએ પણ પરંપરાવાદી જ રહેવાનું છે. શાસ્ત્રોમાં ઘણીવાર કંઈ જાણતા ન હોઈએ, આ આમ કેમ હશે? ઉપાધ્યાયજી ભગવંતે, બહુ જ સ્પષ્ટ કહ્યું, “શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ” શાસ્ત્રો ઘણા બધા છે, એ શાસ્ત્રોના સમુદ્રનો પાર આપણી બુદ્ધિથી આવે એમ નથી. એટલે શિષ્ટપુરુષો, મહાપુરુષો જે કહે એને પ્રમાણ રૂપે માની અને આપણે ચાલવાનું.
પાંચમું વિશેષણ આપે છે અવંચક. નિઃસ્પૃહ – જે આપે છે બહુ, જેમને જોઈતું કાંઈ નથી; એ આપણા સદ્ગુરુ. નિઃસ્પૃહ. એક મજાનો દ્વન્દ્વ. એક મજાનું સાયુજ્ય, આપણે ત્યાં છે. તમારી પાસે – એક શ્રાવકની પાસે પરમ ભક્તિ છે. મારા ગુરુદેવની હું સેવા કરું અને સદ્ગુરુ પરમ નિઃસ્પૃહ છે. ભક્તિ અને નિઃસ્પૃહતાનું એક મજાનું દ્વન્દ્વ આપણે ત્યાં છે. તમે સતત ગુરુદેવને પૂછતાં રહેશો, સાહેબજી કંઈ કામકાજ? સાહેબજી કંઈ ખપ? માત્ર ગુરુદેવ હસશે અને કહે છે… આરાધના કર ભાઈ. બધું આવી ગયું એમાં… ગુરુ નિઃસ્પૃહ કેમ છે? અને તમે સ્પૃહાવાળા કેમ છો? બહુ મજાની વાત કરું… ગુરુ નિઃસ્પૃહ એટલા માટે છે… કે ગુરુને પરમ ધન મળી ગયું છે. પરમાત્મા મળી ગયા. પ્રભુની આજ્ઞા મળી ગઈ. દુનિયાનું સર્વશ્રેષ્ઠ જે છે. એ સદ્ગુરુને મળી ગયું છે.
તમે સ્પૃહાવાળા, ઇચ્છાવાળા છો કેમ? તમને હજી સુધી આ પૂરેપૂરું મળ્યું નથી. હું વારંવાર કહેતો હોઉં છું. કરોડો રૂપિયા મળે તમને કે તમે અબજોપતિ થઇ જાવ. તમારી પ્યાસ છીપવાની નથી. વધુ ને વધુ મેળવું આ ભાવ તમારી ભીતર રહેવાનો છે. કારણ શું? કારણ એક જ કે અગણિત જન્મોથી પ્રભુ મિલનની પ્યાસ લઈને નીકળેલા આપણે છીએ. હવે પ્યાસ પ્રભુ મિલનની છે. તમે પૈસાને મેળવી રહ્યા છો. પ્યાસ છીપાઈ ક્યાંથી? અમારી પ્યાસ છીપાઈ ગઈ કારણ કે પ્રભુ મળી ગયા. તો સદ્ગુરુએ પ્રભુને પ્રાપ્ત કર્યા છે. અને સદ્ગુરુની ઈચ્છા છે કે તમને બધાને પ્રભુ આપવા. કોઈ પણ સદ્ગુરુ એટલું જ કહેશે, જોઈએ છે ભગવાન? લે આપી દઉં. મૂર્તિ પડેલી હોય એ આપી દઉં એમ નહિ, ભગવાન આપું…! સદ્ગુરુ પ્રભુથી ઓછું તમને કંઈ જ આપવા માંગતા નથી. પ્રભુ મળી ગયા છે. પ્રભુ મિલનનો માર્ગ ખ્યાલમાં છે. એ માર્ગ તમને આપી દે, પ્રભુ તમને મળી જાય. તો સદ્ગુરુ પરમ નિઃસ્પૃહ છે.
અને છેલ્લું વિશેષણ આપે છે, ‘શુચિ અનુભવ ધાર’ આવા સદ્ગુરુ માત્ર અનુભૂતિમાં ડૂબેલા હોય છે. એ અનુભૂતિવાન સદ્ગુરુના ચરણોમાં થોડીવાર આપણે બેસીએ, તો આપણને પણ એ અનુભૂતિ મળી શકે. પછી તમે કેવું grasp કરી શકો છો… એના ઉપર આધાર રહે. તમારી receptivity કેવી છે એના ઉપર આધાર રહે. પણ અનુભૂતિવાન જે સદ્ગુરુ છે. એમના ચરણોમાં જઈને તમે બેસો, તો થોડીક અનુભૂતિ તમને જરૂર મળે.
મારું ચોમાસું સૂઇગામમાં હતું. હિંદુ ભાઈઓ ઘણા બધા આવે. મેં એકવાર પ્રવચનમાં કહ્યું, કે મારા ગુરુદેવ અરવિંદસૂરિદાદા ઉપાશ્રયમાં બિરાજમાન છે, હિંદુ ભાઈઓને કહ્યું: કે તમારે ક્યારેક ૫-૧૦ મિનિટ એ ગુરુદેવની નજીક જઈને બેસવાનું. ગુરુદેવને disturb નહિ કરવાના. કે એ માળા ગણતા હોય, સ્વાધ્યાય કરતા હોય, કે જે કરતાં હોય એ કર્યા કરે. તમારે વંદન કરીને બાજુમાં બેસી જવાનું. અઠવાડિયા પછી એ હિંદુ લોકોએ મને કહ્યું: કે સાહેબ! બે મહિનાના તમારા પ્રવચનથી અમને જે ન મળ્યું એ દાદાની પાસે અઠવાડિયું બેઠા ને અમને મળી ગયું. કેટલાયે સિગરેટ છોડી. કેટલાયે બીડી છોડી. કેટલાયે કેટલા વ્યસનો છોડ્યા. દાદા એક શબ્દ બોલ્યા નથી. માત્ર દાદાની ઉર્જા…! જયઘોષસૂરિદાદા, હિમાંશુસૂરિદાદા, સિદ્ધિસૂરિદાદા, આવા જે મહાપુરુષો હતા. એમના શબ્દોની અપેક્ષા અમે લોકો પણ રાખતા નથી. માત્ર એમની ઉર્જામાં બેસવાનું.
હું પાટણ ગયેલો, પંન્યાસજી ગુરુ ભગવંત ભદ્રંકરવિજય મ.સા. ત્યાં બિરાજમાન, મારા તો એ પરમ ગુરુ! એમના ગ્રંથોને, એમના વચનોને, હું અમારા માટેનું આગમશાસ્ત્ર કહું છું. એમના દર્શન માટે હું ગયો. વજ્રસેનવિજય મ.સા. ને મેં પૂછ્યું: કે ગુરુદેવ જોડે ખાલી બેસવું છે. અડધો કલાક, કલાક એમની ઉર્જામાં, સાહેબજીને ક્યારે અનુકૂળતા રહે? મને કહે બપોરે ૪ વાગે આવો. હું ૪ વાગે ઉપર સાહેબજીના રૂમમાં ગયો. સાહેબજીની આંખો બંધ હતી. આરામમાં હતા, સુતેલા હતા. બાબુભાઈ કડીવાલા બાજુમાં બેઠેલા. સાર કર, સાર કર… સ્વામી શંખેશ્વરા ગાતા હતા … સાહેબજી સાંભળતા હતા. હું વંદન કરી અને થોડે દૂર બેસી ગયો. મારે તો માત્ર ગુરુદેવની ઉર્જા લેવી હતી. થોડીવાર પછી ગુરુદેવની આંખ ખુલી. મારા ઉપર નજર ગઈ. એ વખતે ગળાની તકલીફ, મહા મહેનતે મ બે શબ્દ બોલાયેલ. એટલે મને ઈશારો કર્યો હાથથી… હું તરત જ ગુરુદેવ પાસે ગયો. જઈને વંદના કરી, એ વખતે સાહેબજીએ ગળા પાસે હાથ ફેરવ્યો. એ બતાવવા કે બોલાતું નથી હવે. મેં કહ્યું, ગુરુદેવ! આપે તો શબ્દો આપવામાં બાકી ક્યાં રાખ્યું છે…?! આપના શબ્દો અમારા માટે આગમ છે. આપના શબ્દોનો લોભ હવે અમને છે પણ નહિ. માત્ર આપની ઓરામાં, ઉર્જામાં થોડીવાર બેસવું છે. થોડીવાર બેસવા દીધો.
પણ કેવી કરૂણા એમની! એક વાક્ય તો મને કહ્યું જ. મને એમણે કહ્યું, વૈખરીમાંથી પરામાં તું જજે. એક જ વચન. મારા માટે ગુરુ મંત્ર બની ગયો. ત્યાં સુધી હું વૈખરીમાં, એટલે કે માત્ર શાબ્દિક દુનિયામાં હતો. ગુરુદેવે કહ્યું: તું ઊંડે ઊંડે ઊંડે પરાવાણીની અંદર પહોંચી જા. એક વાક્ય એમણે કહ્યું, શબ્દ શક્તિપાત કર્યો. અને યશોવિજય વૈખરીમાંથી પરામાં પહોંચી ગયો.
‘શુચિ અનુભવ ધાર રે’ અનુભુતિવાન સદ્ગુરુના ચરણોમાં બેઠા, અનુભૂતિ મળી ગઈ. કોડિયું તૈયાર, વાટ તૈયાર, ઘી પુરેલું છે. જીવંત દીપની પાસે ગયા, કે વાટ touch કરી, આપણો દીવો પ્રગટી ગયો. આવા સદ્ગુરુ આપણને મળેલા છે. પણ એમના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ ન થાય ત્યાં સુધી એ આચાર્યો ભગવંતો પણ આપણા ઉપર કામ કરી શકતા નથી. જેમની ઈચ્છા આપણને ધડમૂળથી બદલી નાંખવાની છે, એ સદ્ગુરુઓ ઉપર પણ આપણું સમર્પણ ન હોય તો, આપણા ઉપર કશું જ કરી શકતા નથી! એટલે તમારી પાસે સમર્પણ છે તો ગુરુ કહેશે, મોક્ષ આ રહ્યો, લે તને આપી દઉં. તમારી પાસે સમર્પણ નથી, તો કોઈ પણ સમર્થ સદ્ગુરુ હોય એના હાથ બંધાયેલા છે. એ સદ્ગુરુ તમારા ઉપર કશું જ કરી શકતા નથી.
‘નમો આયરિયાણં’ નમો નો મતલબ આ જ છે સમર્પણ. કે સદ્ગુરુના ચરણોમાં એવું સમર્પણ કરો, કેવું? ૧+૧ =૧, ૧+૧ =૧ તમે ગયા, ગુરુ રહ્યા. સમર્પણ થઇ ગયું…