વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ઉપાધ્યાય પદ
ધ્યાનમાં જવું અઘરું પડતું હોય છે. પણ એના માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ એ છે કે જાપમાં એકાગ્ર બનવું. કોઈ પણ એક નાનકડું પદ લો અને એના જાપમાં તમે એકાગ્ર બની જાવ. જાપમાં આવેલી એકાગ્રતા તમને ધ્યાનમાં લઇ જઇ શકે.
એકાગ્રતાના બે પ્રકાર. સાધન એકાગ્રતા અને સાધ્ય એકાગ્રતા. કોઈ પણ શુભ વિષયમાં ચિત્તને એકાગ્ર બનાવવું – એ સાધન એકાગ્રતા. અને પોતાની ભીતર ચિત્તને એકાગ્ર બનાવવું – એ સાધ્ય એકાગ્રતા.
જ્યાં ધ્યાનમાં ગયા અને ભીતરી આનંદનો અનુભવ થયો, બહારથી મને સુખ મળે છે – એ ભ્રમણા ટળી ગઈ. પોતાના સમભાવનો, પોતાના આનંદનો આવો અનુભવ થાય, એટલે તમારા રાગ અને દ્વેષ શિથિલ થવાના જ છે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૩
ઉપાધ્યાય પદની પૂજાનો પ્રારંભ પૂજ્યપાદ પદ્મવિજય મ.સા. એ બહુ જ સરસ રીતે કર્યો. ‘નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા.’ હે મિત્ર! તું ‘નમો ઉવજ્ઝાયાણં’ પદનો જાપ કર. આટલા મોટા સદ્ગુરુ આપણને મિત્ર કહીને સંબોધે છે! સદ્ગુરુની ઘણી બધી લાક્ષણિકતાઓ છે. એ પૈકીની એક લાક્ષણિકતા આ છે. બહુ જ મજાનો અભિગમ. સદ્ગુરુ તમારા હૃદયને પ્રેમથી ભરી દેવા માંગે છે.
વિજ્ઞાનમાં આપણે ભણેલા છે કે આપણું હૃદય બંધ મુઠ્ઠીના આકાર જેટલું નાનકડું છે. સદ્ગુરુએ એ વિચાર કર્યો, કે આ હૃદયમાં તિરસ્કાર છે. કોકના પ્રત્યેનો દ્વેષ પણ છે. ઈર્ષ્યા પણ છે. અહંકાર પણ છે. આ બધાને એકસાથે હું કાઢી દઉં. કઈ રીતે…? મારો પ્રેમ એટલો બધો વરસાવું, એટલો બધો વરસાવું એના પર કે એનું પૂરું હૃદય મારા પ્રેમથી છલોછલ. પછી એ હૃદયમાં વિદ્વેષને રહેવાની જગ્યા ક્યાં? તિરસ્કારને રહેવાની જગ્યા ક્યાં? ઈર્ષ્યાને રહેવાની જગ્યા ક્યાં? કેટલો મજાનો અભિગમ. સદ્ગુરુ એક જ કામ કરવા માંગે છે. તમારા બધાના હૃદયને પ્રેમથી ભરી દેવા માંગે છે. માત્ર પ્રેમ… માત્ર પ્રભુ પરનો પ્રેમ તમારા હૃદયમાં હોય એવી ઘટના સદ્ગુરુ ઉભારવા ચાહે છે. અને એટલે મજાનો પ્રારંભ કર્યો. ‘નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા.’ ભાગ્યશાળી પણ નહિ, મહાનુભાવ વિશેષણ પણ નહિ, એક જ વિશેષણ: મિત્ર. આટલા મોટા સદ્ગુરુ આપણને મિત્ર કહીને બોલાવે આપણા માટે તો ઓચ્છવ થઇ ગયો.
તો તમારી પણ સાધના કેટલી નાનકડી થઇ. દરેક સદ્ગુરુઓનો પ્રેમ, અપાર પ્રેમ, વાત્સલ્ય તમારા ઉપર વહેતું જ રહ્યું છે. એ પ્રેમને, એ વાત્સલ્યને તમે ઝીલી લો. તમારા હૃદયને સદ્ગુરુના પ્રેમથી ભરી દો. પ્રભુ પ્રત્યેના પ્રેમથી ભરી દો. તમારી સાધના પુરી. હૃદયનું નિર્મલીકરણ એ જ સાધના છે. કોઈ પણ સાધના દ્વારા આખરે આપણે પામવું છે શું? હૃદયની નિર્મળતા.
પૂજાની પહેલી કડીના ચાર ચરણો. એ ચાર ચરણોમાં ચાર સાધના આપણને આપવામાં આવી છે. પહેલી કડી પહેલું ચરણ ‘નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા’. બીજું ચરણ, ‘જેહના ગુણ પચવીશ રે, એકાગ્ર ચિત્તા.’ ત્રીજું ચરણ, ‘એ પદ ધ્યાવો ધ્યાનમાં હો મિત્તા.’ ચોથું ચરણ, ‘મૂકી રાગ ને રિષ.’….
…..સાધના આપણને આપવામાં આવી. પહેલા ચરણમાં કહ્યું, જાપ કરવાનો. બીજા ચરણમાં કહ્યું, એકાગ્રતા પૂર્વક જાપ કરવાનો. ત્રીજા ચરણમાં કહ્યું, ધ્યાન કરવાનું. અને ચોથા ચરણમાં કહ્યું. રાગ અને દ્વેષ તારા શિથિલ બન્યા કે નહિ એ તું જોઈ લે. ધ્યાનમાં જવું અઘરું પડતું હોય છે. પણ એના માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ એ છે કે જાપમાં એકાગ્ર બનવું. એક નાનાક્ડું પદ તમે લો ‘નમો ઉવજ્ઝાયાણં’ નમો અરિહંતાણં’ કોઈ પણ પદ એક નાનકડું પદ લો. અને એમાં તમે એકાગ્ર બની જાવ. જાપમાં આવેલી એકાગ્રતા તમને ધ્યાનમાં લઇ જઈ શકે છે. એકાગ્રતાના બે પ્રકાર સાધન એકાગ્રતા અને સાધ્ય એકાગ્રતા. કોઈ પણ શુભ વિષયમાં ચિત્તને એકાગ્ર બનાવવું એ સાધન એકાગ્રતા. અને પોતાની ભીતર એ ચિત્તને એકાગ્ર બનાવવું એ સાધ્ય એકાગ્રતા.
પહેલા સાધન એકાગ્રતા અને એ પછી સાધ્ય એકાગ્રતા. નાનકડું પદ છે અને એમાં તમે તમારા ચિત્તને સ્થિર કરો છો. પાંચ મિનિટ આપણે પ્રયોગ કરીએ કે જાપમાંથી ધ્યાનમાં શી રીતે જવાય છે? આંખો બંધ, પહેલા નમો અરિહંતાણં પદનો ભાષ્ય જાપ આપણે કરીએ છીએ. અહીંથી બોલાવવામાં આવે એ પ્રમાણે તમારે બોલવાનું. નમો અરિહંતાણં… નમો અરિહંતાણં… નમો અરિહંતાણં … …. ….. ……
હવે આ જ પદનો મનમાં જાપ કરવો છે. એક જ પદ તમારી સામે છે: નમો અરિહંતાણં. તમારે તમારા મનને પૂરેપૂરું એ પદમાં ડુબાડી દેવાનું છે. તમારી સામે કોઈ ઘટના અત્યારે નથી. એક જ ઘટના છે: નમો અરિહંતાણં અને એમાં તમે તમારા મનને પૂરેપૂરું ડુબાડી રહ્યા છો. કોઈ વિચાર ન આવે એની બરોબર સાવધાની રાખો. ન વિચાર, ન નિદ્રા, માત્ર જાગૃતિ. Total awareness. બે મિનિટ માટે પુરેપુરા નમો અરિહંતાણં માં આપણે ડૂબી જવું છે… …કોઈ વિચાર નહિ. (સાધકો મૌન માં છે ) જો જપમાં એકાગ્રતા બરોબર આવેલી હશે. તો આમાંથી સીધું ધ્યાનમાં તમે છલાંગી શકશો. માત્ર એકાગ્રતા. એક માત્ર પદ નમો અરિહંતાણં તમારી સામે છે તમે એમાં ડૂબેલા છો. આ જપમાં જે એકાગ્રતા આવી છે એને આપણે સાધન એકાગ્રતા કહીએ છીએ. અને એના દ્વારા આપણે સાધ્ય એકાગ્રતામાં જવાનું છે. આપણી ભીતર આપણા ઉપયોગને, આપણા મનને આપણે હવે લઇ જવાનું છે. તમારી ભીતર સમભાવની ધારા સતત વહી રહી છે. એવી એક ક્ષણ નથી કે તમારી ભીતર સમભાવની ધારા વહેતી ન હોય. પણ તમારું મન સતત બહાર રહેતું હતું, એટલે અંદર રહેલા સમભાવનું પણ તમે અનુભવ કર્યો નથી. અત્યારે તમારું મન શાંત બન્યું છે. એકાગ્ર બન્યું છે તો તમારી અંદર જે સમભાવ છે એનો અનુભવ કરવો છે. પોતાના સ્વરૂપનો અનુભવ કે પોતાના ગુણનો અનુભવ એ જ ધ્યાન છે. એક દિવ્ય શાંતિ તમારી ભીતર છે. એક આનંદની ધારા તમારી ભીતર સતત લહેરાઈ રહી છે. તમારે એનો અનુભવ કરવાનો છે. એક દિવ્ય શાંતિ તમારી ભીતર છે. એક દિવ્ય આનંદ તમારી ભીતર છે. જો મન પરમાંથી છુટેલું છે. અને જાપની એકાગ્રતા દ્વારા સ્વમાં ગયેલું છે તો તમે તમારી શાંતિનો અનુભવ કરી શકશો. શાંતિ તમારી પોતાની જ છે. આનંદ તમારો પોતાનો જ છે. અત્યાર સુધી તમે એનો અનુભવ નથી કર્યો. આજે તમારે એનો અનુભવ કરવાનો છે. માત્ર બે મિનિટ. મન ક્યાંય બહાર ન જાય વિચારોમાં એની પુરેપુરી સાવધાની રાખો. જો મન બહાર નથી તો અંદર જ છે અને જો અંદર છે તો તમારી શાંતિનો અનુભવ તમને થશે જ. એકવાર એ અનુભવ થયા પછી તમે એને વારંવાર repeat પણ કરી શકશો. ઉપયોગને સઘન બનાવો. મનને એકદમ સ્થિર બનાવો. સમભાવ તમારી ભીતર છે. શાંતિ તમારી ભીતર છે. આનંદ તમારી ભીતર છે એનો અનુભવ તમને થશે. આંખ ખોલી શકો છો. નમો અરિહંતાણં…નમો અરિહંતાણં.. … …. …
આ સમભાવનો અનુભવ થાય તો શું થાય? ચોથા ચરણમાં એની વાત કરી. મૂકી રાગ અને રિષ. તમે રાગમાં કે દ્વેષમાં શા માટે જાવ છો? તમારા સમભાવનો અનુભવ તમને નથી માટે. તમને જ્યાં ખ્યાલ આવી ગયો કે તમે સ્વયં સંપૂર્ણ છો. આનંદ તમારી ભીતર ભરેલો છે. ત્યારે તમે બહાર જવાના જ નથી. તો ધ્યાનની આ પ્રક્રિયા તમારી અંદર રહેલ આનંદની અનુભૂતિ કરાવે.
કલાપૂર્ણસૂરિ દાદા વારંવાર કહેતાં, કે ધ્યાન તમે કરો અને તમારું હૃદય નિર્મળ ન થાય તો તમે ધ્યાન નથી કર્યું. માત્ર પ્રાણાયામ કર્યું છે. શરીરની કસરત ખાલી કરી છે. ધ્યાન થાય તો હૃદય નિર્મળ થાય, થાય ને થાય. શ્રીપાલ મહારાજાને ગુરુદેવે નવપદની જે સાધના આપેલી, એ નવપદની સાધનામાં જાપ અને ધ્યાન બેય આપેલું. અને એ ધ્યાન નવપદજી નું શ્રીપાલ મહારાજાએ કરેલું માટે રાગ અને દ્વેષ એમનો ઓછો થઇ ગયો. ધવલ પ્રત્યે પણ દ્વેષ નહિ!! અપાર સંપત્તિ મળે છતાં પણ રાગ નહિ! કારણ શું હતું…? ધ્યાન. જ્યાં ધ્યાનમાં ગયા ભીતરી આનંદનો અનુભવ થયો. બહારથી મને સુખ મળે છે એ ભ્રમણા ટળી ગઈ.
શ્રીપાલરાસની એક મજાની ઘટના છે. એક બંદર ઉપર ધવલશેઠના અને શ્રીપાલના વહાણો થોભ્યા. શ્રીપાલ કુમારે ધવલશેઠને કહ્યું: કાકા વહાણો મારા છે, માલ એમાં ભરેલો છે પણ લે-વેચ શું કરવી એ તમે જાણો. મને આમાં વચ્ચે કંઈ પાડતાં નહિ. ખબર છે કે ધવલ શેઠ અડધું કમીશન લઇ પણ લેશે વચ્ચેથી, ભલે લઇ લે. પણ મારે ધંધાની કડાકૂટમાં પડવું નથી. માત્ર અને માત્ર પ્રભુની ભક્તિ અને સાધના એમને ગમે છે.
એ અરસામાં એક ઘટના સાંભળવામાં આવી. જ્યાં બંદર ઉપર એ લોકો રહેલા એનાથી થોડે દૂર એક પહાડ હતો. પર્વત પર વિદ્યાધરોનું એક નગર. નગરના રાજાની એક કુમારી. એ કુમારી પ્રભુભક્તિમાં ખુબ જ ડૂબેલી. એકવાર એ રાજકુમારી દેરાસરે ગયેલી. એ દેરાસરે જાય ને એનો જવાનો સમય નક્કી હોય, પણ પાછા ફરવાનો સમય નક્કી નહિ. બે કલાક થાય, ત્રણ કલાક થાય, ચાર કલાક પણ થઇ જાય. તમારે પાછા ફરવાનો સમય નક્કી હોય કેમ…? એ રાજકુમારી પ્રભુની પાસે જાય ત્યારે સમયને ભુલી જાય છે. અરે પોતાના શરીરને પણ ભુલી જાય છે!
ભક્તિ સાચી ક્યારે થાય? જ્યારે તમે બધું જ ભુલી જાવ. માત્ર એક જ પ્રભુ તમારી સામે હોય. પ્રભુ સિવાયનું બીજું કશું જ તમારી સામે નથી. ત્યારે તમે ભક્તિમાં ડૂબી શકો.
એ રાજકુમારી બે, ત્રણ, ચાર કલાક સુધી પ્રભુની ભક્તિમાં ડૂબેલી હોય છે. એકવાર પૂજા કરી, એ ગભારામાંથી બહાર નીકળે છે. કેવી રીતે બહાર નીકળે છે? રાસની અંદર બહુ જ પ્યારા શબ્દો આવ્યા. “ઓસરતી પાછે પગેજી, જિનમુખ જોતી સાર.” ઓસરતી પાછે પગેજી, જિનમુખ જોતી સાર… એ કેવી રીતે ડગલાં ભરે છે…? પ્રભુને જોતી જાય છે અને ધીરે ધીરે એક- એક ડગલું પાછળ ખસતી જાય છે. પણ એટલી જ ધીમે- ધીમે ખસે છે, આપણને રીતસર લાગે કે પ્રભુના સંમોહનમાંથી એ બહાર જઈ શકતી નથી. એ પ્રભુને જોયા કરે છે, જોયા કરે છે, જોયા કરે છે. એક ડગલું પાછળ ફરતાં પાંચ મિનિટ લાગે છે. ફરી બીજું ડગલું, ફરી પાંચ મિનિટ, પ્રભુને જોયા જ કરે છે, જોયા જ કરે છે.
એ ગભારાની બહાર નીકળી અને અચાનક ગભારાના દરવાજા બંધ થઇ ગયા. Automatically. ઘણી મહેનત કરી દરવાજા ખુલતાં નથી. સ્પષ્ટ લાગે કોઈ દૈવી શક્તિએ દરવાજા બંધ કર્યા છે. એ વખતે એ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૂસકાંમાંથી ચળાઈને આવતાં એના શબ્દો હતા, દાદા! દરિસન દીજીએ, એ દુઃખ મેં ન ખમાય. પ્રભુ દર્શન આપ! તારા અદર્શનને હું સહી નહિ શકું!
ભક્તે એક મોટી હરણ ફાળ ભરી છે. સેંકડો- હજારો વેદનાઓને એક વેદનામાં ભક્તે સંક્રાંત કરી છે. સામાન્ય મનુષ્ય પાસે સેંકડો વેદનાઓ છે, હજારો વેદનાઓ છે. આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ બરોબર નથી. ભક્તની પાસે એક જ વેદના છે. કઈ વેદના છે ? પ્રભુ નથી મળતાં એ… પ્રભુનો વિરહ… એ એક જ વેદનાની અંદર એણે બધી જ વેદનાઓને ડુબાડી દીધી છે. સામાન્ય મનુષ્યો પાસે સેંકડો- હજારો વેદનાઓ છે. ભક્તની પાસે માત્ર અને માત્ર એક જ વેદના છે. પ્રભુ મળે આનંદ જ આનંદ. પ્રભુ નથી મળતાં પીડા જ પીડા.
એ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડે છે. દાદા દરિસન દીજિયેજી એ દુઃખ મેં ન ખમાય. પભુ હું બધા જ દુઃખોને સહન કરી શકું. જો કે બીજા કોઈ દુઃખ મારી પાસે છે પણ નહિ. પરંતુ તું ન મળે. તારા વિરહની વ્યથામાં મારે રહેવાનું હોય, તો પ્રભુ એ વેદનાને હું ક્યારે પણ સહન નહિ કરી શકું. એ વખતે આકાશવાણી થાય છે કે કોઈ ચિંતા નહિ કરો, થોડાક જ સમયમાં એક પુણ્યશાળી વ્યક્તિ એવી આવશે, જેની નજર પડતાં ગભારાના દરવાજા ખુલી જશે. અને એ જ વ્યક્તિ, આ દીકરીનો, આ રાજકુમારીનો પતિ બનશે.
આ વાત શ્રીપાલ કુમારના કાન પર આવી. શ્રીપાલ કુમારને થયું, નજીકમાં જિનાલય હોય, દર્શન કરવા માટે જાઉં. એ જ્યાં પણ જાય નજીકમાં દેરાસર હોય, અચૂક ત્યાં જવાનું. ધવલશેઠને કહ્યું, કાકા આવવું છે દર્શન કરવા? ધવલશેઠ કહે છે તમે છો ભક્તાણું. જાવ દર્શન કરવા તમે, મને તો ધંધો એવો ફાવી ગયો છે અને એવો ધમધોકાર ધંધો ચાલે છે કે જમવાનો સમય મળતો નથી. બોલો એક સવાલ તમને વચ્ચે પૂછું? તમને શ્રીપાલજી ગમે કે ધવલ ગમે? કોણ ગમે? આજે એક વ્યાખ્યા આપું, જેને માત્ર અને માત્ર ધર્મ ગમે એ શ્રીપાલ. અને જેને માત્ર ધંધો ગમે એ ધવલ. વ્યાખ્યા બરોબર? જેને માત્ર પ્રભુ ગમે છે, માત્ર સદ્ગુરુ ગમે છે, માત્ર પ્રભુની સાધના ગમે છે એ શ્રીપાલજી. અને જેને માત્ર ધંધો ગમે છે એ ધવલ. મારે આજે તમને બધાને શ્રીપાલ બનાવી દેવાના. તમે કહેશો, સાહેબજી ઓફીસ તો અમે જવાના જ છીએ. ધંધો તો અમે કરશું જ. પણ મને વિશ્વાસ છે કે શરીર ઓફીસે તમારું હશે, મન પ્રભુમાં હશે.
એક શ્રાવકની વ્યાખ્યા શું? જેનું શરીર સંસારમાં છે અને જેનું મન પ્રભુમાં – પ્રભુની આજ્ઞામાં છે એ શ્રાવક. મને તમારા પર વિશ્વાસ છે. તમે ઓફિસે જવાના, પ્રભુના ફોટાને પગે લાગશો. સદ્ગુરુના ફોટાને પગે લાગશો. શું કહેશો? એ વખતે કહેજો કે પ્રભુ! સદ્ગુરુદેવ! તમે અહીંયા છો એટલે આ ઓફીસ પણ મંદિર છે. અને ઉપાશ્રય છે. અને આપની નિશ્રામાં હું બેઠો છું. એટલે મારા મનમાં ક્યારેય પણ અનીતિ ન આવે. મારા મનની અંદર પ્રભુ શાસનના એક પણ નિયમોનો છેદ ઉડાડવાની વાત ન આવે. એવી કૃપા આપો કરજો. તમે આ કામ કરી શકો છો.
બે વાત આજે કહું, ધંધો તમે કરવાના, ક્યાં સુધી? જરૂરત હશે ત્યાં સુધી. બરોબર ને? આ વાત નક્કી ને? એક ભાઈ મને મળેલા, સુરતમાં, ૫૦ એક વરસની વય એમની હશે. એમણે મને કહ્યું કે સાહેબ! પ્રવચનો સાંભળી – સાંભળીને એક નિર્ધાર ઉપર હું આવી ગયો છું કે બે વરસની અંદર હું સંપૂર્ણ તયા બીઝનેસને છોડી રહ્યો છું અને માત્ર આરાધનાના માર્ગે આવી રહ્યો છું. મારો દીકરો તૈયાર થઇ રહ્યો છે. બે વરસમાં એ બિલકુલ તૈયાર થઇ જવાનો છે. જે ક્ષણે એ પૂરો તૈયાર થઇ ગયો, એ ક્ષણે બધી જ ચાવીઓ એને સોંપી અને હું નિર્વૃત્ત થઇ જવાનો છું. તમે પણ આવું નક્કી કરી શકો. જ્યાં સુધી જરૂરિયાત છે બીઝનેસ કરવો પડે. કરી લો. તમને લાગે છે, બે રીતે કે દીકરો ધંધો ચલાવે એમ છે, દીકરાને સોંપી દો. અથવા એટલી સંપત્તિ થઇ છે કે વ્યાજમાંથી ખાવું તો પણ વધે એમ છે. હવે ધંધો બંધ કરી દો. આટલો વિશ્વાસ મને તમારા ઉપર છે. કે જે ક્ષણે જરૂરિયાત નહિ હોય, એ ક્ષણે તમે ધંધાને wind up કરી દેવાના છો. બરોબર? અને બીજી વાત જ્યાં સુધી ધંધો કરવો પડે એમ છે, ત્યાં સુધી પણ પ્રભુને મનમાં રાખીને ધંધો કરવો છે.
એક ભાઈની વાત કરું તમને… આંખો ભીની બને એવી વાત છે. એ ભાઈ ઓફિસમાં બેઠેલા, ધંધો ચાલતો નથી. ખર્ચો પણ નીકળતો નથી. અને એમાં દીકરાને પેટમાં દુઃખાવો ઉપડ્યો. ડોક્ટરને બતાવ્યું. ઓપરેશન કરવું પડે એમ છે નક્કી થયું. અઢી લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચ છે. હવે રોટલી-દાળ તો મળતી નથી. અઢી લાખ ક્યાંથી લાવવા? વ્યાજે લેવા જાય તો વ્યાજનું ચક્કર બહુ મોટું ચડી જાય. શું કરવું એની મૂંઝવણમાં છે. ત્યાં એની સામે એક offer આવી. એક કાગળિયા ઉપર ખોટી signature કરવાની છે. અને એ ખોટી signature કરો સામે ત્રણ લાખ સીધા મળે. છતાં એ offer ને એ સીધી સ્વીકારી શકતો નથી. એના મનમાં અવઢવ થાય છે. શું કરવું? અત્યાર સુધી અનીતિ બિલકુલ આચરી નથી. પ્રભુએ કહ્યું છે એ જ શ્રાવકત્વની મર્યાદામાં હું રહ્યો છું શું કરવું…? બીજી બાજુ એને લાગે છે કે આ પૈસા ન લઉં તો મોટી મુશ્કેલી છે. ઓપરેશન કરાવવું જ પડશે. વ્યાજે પૈસા લાવીશ. વ્યાજના ચક્કરમાં ડૂબી જવાનો છું. શું કરું? પેલો પણ સમજે છે કે આ ધાર્મિક માણસ છે. અને સીધે સીધી સહી એ નહિ કરી શકે. તમને દસ મિનિટ આપું છું વિચાર કરવા માટે…
દસ મિનિટ વિચાર કર્યો આખરે એને થયું. પૈસા તો લઇ લઉં. સહી કરવા માટે એ તૈયાર થયો. પણ પેનને હાથમાં પકડતાં પહેલાં wash basin પાસે એ ગયો. કપાળ ધોઈ નાંખ્યું, નેપકીનથી લુછ્યું. આવ્યો, આંખમાં આંસુ, ધ્રુજતા હાથે એણે signature કરી. અને ત્રણ લાખ રૂપિયા લઇ પણ લીધા. પેલા ભાઈએ પૂછ્યું: કે તમારી આંખમાં આંસુ આવ્યા. એ તો મને ખબર જ હતી. કે તમે આટલા ધાર્મિક માણસ અને આવું કરી જ ન શકો, વિવશતા ને કારણે જ તમે કરો. એટલે તમારી આંખમાં આંસુ આવ્યા, એ તો મને સહજ લાગ્યું. પણ પેનને હાથમાં પકડતાં પહેલાં wash basin પાસે જવાનું કારણ શું હતું? મોઢું ધોવાનું કારણ શું હતું? એ વખતે એ કહે છે કે હું સવારે પૂજા કરીને આવ્યો. મારા કપાળની અંદર મેં તિલક કરેલું હતું. અને એ તિલક કરતી વખતે પ્રભુને મેં કહેલું કે પ્રભુ! તારી આજ્ઞાને હું મસ્તકે ચડાવું છું. જ્યાં સુધી મારા કપાળની અંદર એ તિલક હોય, હું કઈ રીતે આ signature કરી શકું…?! એટલે wash basin પાસે એટલા માટે ગયેલો કપાળના તિલકને ભૂંસવા માટે. મારા કપાળમાં જ્યાં સુધી પ્રભુની આજ્ઞાના સ્વીકારના પ્રતિક સમૂહ તિલક હોય ત્યાં સુધી મારા હાથે કોઈ અકાર્ય થઇ શકે નહિ. આ ખુમારી છે ને તમારી પાસે…! આટલી જ ખુમારી મારે તમારી પાસે જોઈએ છે.
તો બે વાત આજે કરી. જરૂરત નહિ હોય ત્યારે તમે ધંધાને wind up કરવાના. Job હશે તો પણ તમે એને resign કરી દેવાના. અને જરૂરત હશે અને તમે બીઝનેસ કે job કરશો ત્યાં પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કરશો. અને આ રીતે તમે કરો તમે શ્રીપાલ બની ગયા. ધંધો કરવો એ જુદી વાત છે. ધંધામાં રસ હોવો એ અલગ બાબત છે. શ્રીપાલની વ્યાખ્યા મેં શું કરી? જેને માત્ર ધંધામાં રસ નથી. તમારા માટે હું કહી શકું ને કે તમને એ રસ નથી. સંસારમાં બેઠા છો. કુટુંબનો નિર્વાહ કરવાનો છે માટે તમે કમાવો છો. બરોબર? તમારા માટે મને આ શ્રદ્ધા છે કે તમે પૈસા કમાવો છો એ ભોગ સુખોને વધારવા માટે નહિ, તમારા કુટુંબના નિર્વાહ માટે. શાસ્ત્રોએ તો ક્યાં સુધી કહ્યું..
શાસ્ત્રોએ કહ્યું: એક માણસ વિચાર કરે. જોઈએ એટલું મળી ગયું છે. બે-ચાર કરોડ વધારે કમાઈ લઉં, અને પછી સંઘ કઢાવું, ઉપધાન કરાવું. શાસ્ત્રોએ ના પાડી. કે ભાઈ તારા આવા પૈસાની અમારે જરૂરિયાત નથી. તમે ધર્મમાં પૈસા ખર્ચો એ ક્યારે અમને ગમશે, પૈસા કમાવવાની ચળ ઉપડે નહિ. એના કારણે જરૂરિયાત કરતાં વધુ તમે ભેગું કરીને બેસી ગયા. અને તમને ચિંતા થાય કે વધારાનું ભેગું થઇ ગયું શું કરવું? અને સદ્ગુરુ પાસે આવો… ત્યારે સદ્ગુરુ કહેશે કે સારા માર્ગમાં તું વાપરી લે. પણ મારે ધર્મ ક્રિયા કરાવવી છે. એના માટે હું પૈસા કમાવું. શાસ્ત્રોએ સ્પષ્ટ ના પાડી દીધી કે આવા અનુષ્ઠાનો તમારે કરાવવા નથી. તમે સાદગીથી પ્રભુની ભક્તિ કરશો એ પણ પ્રભુને સ્વીકાર્ય છે.
તો જેને માત્ર પ્રભુમાં અને પ્રભુની આજ્ઞામાં રસ છે એ શ્રીપાલ. જેને માત્ર ધંધામાં રસ છે એ ધવલ. તમે બધા આજે શ્રીપાલ બની ગયા આજે બરોબર…?
એ શ્રીપાલ કુમાર ત્યાં ગયા, અને ગયા ને ગભારાના દરવાજા ખુલી ગયા. આ શ્રીપાલ: શ્રી એટલે લક્ષ્મી. અને એ લક્ષ્મી જેની પાસે હતી એ શ્રીપાલ. લક્ષ્મીની વ્યાખ્યા મેં વચ્ચે કરેલી. તમારી પાસે હોય, અને માત્ર તમારા માટે કે તમારા કુટુંબ માટે કામમાં આવે એ પૈસો. અને તમારી પાસે છે અને સમાજને, સંઘને, રાષ્ટ્રને કામમાં આવે તે લક્ષ્મી.
તો તમને આજે શ્રીપાલ બનાવ્યા બે રીતે. સમજી ગયા? એક તો તમે પ્રભુની આજ્ઞાને સમર્પિત છો. એ રીતે શ્રીપાલ છો. અને બીજું તમારી પાસે જે પૈસો છે એ પૈસો નથી પણ લક્ષ્મી છે.