વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સાધુ પદ
એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય, તો એ મુનિ જીવનમુક્ત દશામાં આવી જાય. પછી આત્મભાવમાં સતત જાગૃતિ છે. હું આત્મા છું એવું ત્યાં વિચારવાનું કે બોલવાનું નથી; અનુભવવાનું છે. બહિર્ભાવમાં સુષુપ્તિ છે; દુનિયાની કોઈ પણ ઘટનાથી મુનિ ક્યારેય પણ વિચલિત થતો નથી.
પરદ્રવ્યનો ઉપયોગ ઉદાસીનભાવે થયા કરે છે; એમાં ગમો-અણગમો કશું જ જોડાયેલું હોતું નથી. અને પછી સ્વગુણમાં લીનતા આવે છે; આનંદની ધારામાં, વીતરાગદશાની ધારામાં, જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવની ધારામાં એ સતત વહ્યા કરે છે.
ધ્યાનની પરાકાષ્ઠા સતત જાગૃતિ છે. એવી સ્વની અનુભૂતિમાં તમે આવી ગયા કે પછી પર છુટી ગયું. તમે માત્ર સ્વના આનંદમાં છો; આ જાગૃતિ. સદાને માટે જે જાગૃતિમાં હોય, અપ્રમત્ત હોય, એ પ્રભુનો મુનિ. એ જ પ્રભુની નિશ્ચયઆજ્ઞાની પાલના.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૪
સુરતમાં એક દહેરાસરમાં નવપદપૂજા ભણાતી હતી. મારે ત્યાં જવાનું થયું. પદ્મવિજય મ.સા ની નવપદપૂજા ભણાઈ રહી હતી. પાંચમી પૂજા પૂરી થયેલી. મને કહેવામાં આવ્યું કે, સાહેબ! થોડુક આના ઉપર વિવેચન આપો. મેં કહ્યું, પદ્મવિજય મહારાજ સાહેબે મુનિપદની પૂજાનો પ્રારંભ કેટલો તો મીઠડો કર્યો છે. “હવે પંચમ પદે મુનિવરા.” હવે… હવે પંચમ પદે મુનિવરા. “હવે” શબ્દ ક્યારે આવે? આખી દુનિયા રખડીને થાકેલો માણસ ઘર તરફનું પ્લેન પકડે ત્યારે બોલે, ‘ચાલો હવે ઘરે.’ એ લયમાં પદ્મવિજય મહારાજ સાહેબે કહ્યું: હવે પંચમ પદે મુનિવરા. વિભાવોની અંદર રખડી-રખડીને થાક્યાં. ચાલો હવે સ્વભાવની દુનિયામાં. મને કોઈ પૂછે ને સાહેબ શાતામાં છો? ત્યારે હું કહું, દેવ,ગુરુ પસાય. પણ એ જો મને આગળ પૂછે કે સાહેબ કેવો આનંદ તમે માણી રહ્યા છો? ત્યારે મારે કહેવું પડે કે ભાઈ! એ ઘટના Beyond the words, beyond the expectations છે. મારા આનંદને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી.
ઉપાધ્યાયજી ભગવંતે આ જ ઈશારો પહેલા સ્તવનમાં આપેલો. એકવાર એ સ્તવન ઉપર હું ભાષ્ય કરતો હતો. “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે”. એક ભાવુકે મને પૂછ્યું, કે ગુરુદેવ! પ્રભુનું દર્શન થાય ત્યારે તો અમે પણ કહી દઈએ કે પ્રભુનું દર્શન થયું, ખુબ ખુબ ખુબ આનંદ આવ્યો. તો ઉપાધ્યાય ભગવંતે અહીંયા એક જ વાર અતિહિ શબ્દ કેમ વાપર્યો? “દરિશને અતિહિ આનંદ લાલ રે”. મેં કહ્યું, કે પ્રભુના દર્શનથી એવો આનંદ એમને થયો છે કે અતિ શબ્દને સો વાર વાપરે તો પણ એ આનંદને પોતે વ્યાખ્યાયિત કરી શકે એમ નથી. અને એટલે શબ્દની અશક્તિ બતાવવા માટે એક જ વાર અતિ શબ્દ વાપરી અને એમણે વાતને છોડી દીધી.
તો અમે લોકો જે આનંદને માણી રહ્યા છીએ, એને શબ્દોમાં વર્ણવવો અમારા માટે પણ અશક્ય છે. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું. I can’t speak it but you can experience it. હું એને કહી શકતો નથી પણ તમે એને અનુભવી જરૂર શકો છો. કેવો એ આનંદ હશે!
ગુણસાગરની વાત આપણે ત્યાં આવે. ૧૭-૧૮ કે ૧૯ વરસની વયે જીવનમાં very first time મુનિરાજનું એણે દર્શન થયું. એ દર્શન થતા ભીતર ખલબલાટી મચી. આ! આ તો ક્યાંક અનુભવેલું છે. જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વજીવનના–મુનિજીવનના આનંદનો આસ્વાદ સ્મૃતિ દ્વારા અનુભવી રહ્યાં છે. આ જીવનમાં એ આનંદ મળ્યો નથી. ગયા જીવનમાં મુનિત્વની અંદર જે આનંદ માણેલો એ યાદ આવ્યો. એ સ્મરણ કેટલું તો જોરદાર હશે કે મુનિજીવનના આનંદના સ્મરણે સંસારના બધા જ તમારાં કહેવાતા સુખોને દુઃખની ટોપલીમાં ફેરવી નાંખ્યા! એ જમાનાનો કરોડોપતિનો દીકરો એ કહી દે છે હવે, “દીક્ષા”. સંસારમાં રહી શકાય એમ નથી. આઠ-આઠ દીકરીઓ સાથે સગપણ થયેલું છે. માં ની આંખના આંસુ. બેટા! અમારી ઈજ્જત સામે તો તું જો. આઠ – આઠ ઘરની સારી દીકરીઓ જોડે તારું સગપણ થયેલું છે લગ્ન તો કરવું જ પડશે. અને ગુણસાગરે સામે શરત મૂકી. માં તારા આંસુની ખાતર લગ્ન કરી લઈશ પણ લગ્ન પછીની બીજી સવારે હું દીક્ષા લેવા માટે નીકળું તારે મને રોકવાનો નહિ. માં એ કહ્યું ok. માં ને થયું આઠ પુત્રવધુ આવશે એ એને રોકશે, મારે પછી ક્યાં રોકવી છે? પણ એ લગ્નના વરઘોડામાં જે સ્મરણ ચાલે છે. આવતીકાલે દીક્ષા. સદ્ગુરુના ચરણોની અંદર જીવનને પૂરેપૂરું સમર્પી દઈશ. આહ! સમર્પણનો એ આનંદ! કેવો તો મને અનુભવવા મળશે! વરઘોડો લગ્નનો ચાલે. આનંદ મુનિત્વનો ભીતર સંવેદાયા કરે છે. અને લગ્નની ચોરીમા કેવલજ્ઞાન!
આ જે આનંદ છે એ વ્યવહાર આજ્ઞા પાલન અને નિશ્ચય આજ્ઞા પાલનથી આવે છે. એક વાત સ્પષ્ટ યાદ રાખવાની. અમારી પાસે જે પ્રભુની આજ્ઞાનું પાલન છે એમાં પણ વ્યવહાર અને નિશ્ચયનું પૂરેપૂરું combination છે. સદ્ગુરુ જયારે દીક્ષા આપે છે અમને અને અમને સાધના દીક્ષા આપે છે, એ જ વખતે અમારી વ્યવહારસાધના અને નિશ્ચયસાધનાનું combination પણ ભેગું પકડાવી દે છે. અમારો આ આનંદ પ્રભુની વ્યવહાર આજ્ઞાના પાલનથી અને નિશ્ચયઆજ્ઞાના પાલનથી આવેલો છે. વ્યવહાર આજ્ઞા પાલનનો આનંદ! એક-એક સામાચારીનું પાલન કરીએ અને આનંદ! તથાકાર સામાચારી – સદ્ગુરુની આજ્ઞા આવી તારે આ કરવાનું છે. કોઈ વિચાર નહિ! અસ્તિત્વના સ્તર ઉપર સદ્ગુરુની આજ્ઞાનો સ્વીકાર.
શાસ્ત્રમાં એક મજાની કથા આવે છે. એક સાંજે આચાર્ય ગુરુભગવંતે બે મુનિરાજોને બોલાવ્યા. અને કહ્યું કે કાલે સવારે તમારે પેલા ગામ જવાનું છે. ત્યાં બે મહાત્મા છે. એમાં એક મહાત્મા એકદમ બિમાર થઈ ગયા છે. તમારે એમની સેવા માટે કાલે સવારે નીકળવાનું છે. શિષ્યો માટે સીધો જ તથાકાર હતો. તહત્તિ ગુરુદેવ. બીજી સવારે …. ભેટ-બેટ બાંધીને, તૈયાર થઈને ગુરુદેવ પાસે આવ્યા, ગુરુદેવને વંદના કરી, પચ્ચક્ખાણ લીધું અને ગુરુદેવે કહ્યું, તમારે આજે જવાનું નથી. ભેટ છોડી, પોતાના આસન પર બેસી સ્વાધ્યાય કરવા માંડ્યા. એ જ વખતે ગુરુદેવે બીજા બે મુનિઓને બોલાવ્યા અને કહ્યું તૈયાર થઈ જાઓ, તમારે ત્યાં જવાનું છે. તમે હોવ તો શું થાય? કેમ ભાઈ! અમે શું ખોટા હતા?! અમે પણ આપની આજ્ઞાને સ્વીકારેલી, તૈયાર થઈને આવ્યા, અમને ના પાડો છો! બીજા બે ને કહો છો તૈયાર થાવ અને જાઓ. એ બે મુનિઓ જે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છે એ ગુરુઆજ્ઞા પાલનનો આનંદ કેમ માણી શક્યા? એમનું ‘હું’ નહોતું માટે. ‘હું’ હોત તો આ સવાલ આવત જ. અમે તૈયાર હતા. તૈયાર થઈને ગુરુની પાસે ગયા, અમને કહ્યું તમારે જવાનું નથી. બીજા બે ને મોકલે છે. શું કારણ? તમને થાય આવું? ‘હું’ જ નથી અને એના માટે આનંદ આવ્યો છે. સદ્ગુરુની જે આજ્ઞા જે વખતે મળે પ્રેમથી એને સ્વીકારવાની છે. ગુરુ કહે હા તો હા, ના તો ના. તો અમારી પાસે આ સામાચારી પાલનની આજ્ઞાનો આનંદ પણ છે. પંચાચારની પાલનાનો આનંદ પણ અમારી પાસે છે. અને એ રીતે વ્યવહાર આજ્ઞાના પાલનનો આનંદ અમારી પાસે છે. એ જ રીતે પ્રભુની નિશ્ચયઆજ્ઞાના પાલનનો આનંદ પણ અમારી પાસે છે.
પ્રભુની નિશ્ચય આજ્ઞાની વાત મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે શ્રીપાલરાસમાં બતાવી છે. “અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હર્ષે નવિ શોચે રે”. સદાને માટે જે જાગૃતિમાં હોય એ મારો મુનિ એમ પ્રભુ કહે છે. પ્રભુ કહે છે: મારો મુનિ-મારી સાધ્વી સતત જાગૃત હોય. એક ક્ષણ માટે એ પ્રમાદમાં ન હોય. આ અમારી નિશ્ચયઆજ્ઞાની પાલના છે. ધ્યાનની પરાકાષ્ઠા સતત જાગૃતિ છે. આખરે ધ્યાનનો બીજો અર્થ કોઈ છે જ નહિ. ધ્યાનનો અર્થ છે સ્વની અનુભૂતિ. એવી સ્વની અનુભૂતિમાં તમે આવી ગયા; પર છુટી ગયું. તમે માત્ર સ્વના આનંદમાં છો. આ જાગૃતિ.
ઉપાધ્યાયજી ભગવંતે એક વર્ષનો દીક્ષા પર્યાય થાય ત્યારે જીવનમુક્તિ દશાની વાત કરી છે. પંચવિશતિકામાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે. એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય તો એ મુનિ-એ સાધ્વી જીવનમુક્ત દશામાં આવી જાય. ત્યાં પૂછવામાં આવ્યું કે જીવનમુક્ત દશામાં શું થાય? ત્યારે એમણે કહ્યું: जाग्रत्यान्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते । उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ।। ચાર સાધના આપી છે. એક વરસનો નિશ્ચય દીક્ષા પર્યાય થયેલો હોય તો ચાર સાધના દ્વારા જીવનમુક્ત દશાને એ સાધક સ્પર્શે છે. ઘણીવાર સાધુ-સાધ્વીજીઓની વાચનામાં હું કહેતો હોઉં છું કે જો આ ચાર ચરણો તમને ન મળેલાં હોય તો એક વરસનો નિશ્ચય દીક્ષા પર્યાય નથી થયો એમ આપણે માની લઈએ. કારણ, પ્રભુનો વ્યવહાર નિશ્ચય વગરનો ક્યારેય પણ હોઈ ન શકે. તો એક વરસના દીક્ષા પર્યાયે તમારે ક્યાં પહોંચવાનું છે? ચાર વાત કહે છે.
પહેલી વાત, जाग्रत्यान्मनि ते नित्यं. આત્મભાવમાં સતત જાગૃતિ છે. હું આત્મા છું. એવું વિચારવાનું નથી. એવું બોલવાનું નથી. એવું અનુભવવાનું છે. હું આનંદઘન આત્મા છુ. મેં વચ્ચે તમને કહેલું ઉપાશ્રયમાં રાત્રે અગિયાર વાગે પણ તમને પુરુષોને આવવાની છૂટ હોય છે અમારા ઉપાશ્રયમાં. અગિયાર વાગે આવો કોઈ પણ સાધુ લમણે હાથ દઈને બેઠો હોય Red handed એને પકડજો. મહારાજ સાહેબ તમે ઉદાસ કેમ છો? જ્યાં આત્મભાવની જાગૃતિ સતત વાટે આવી ગઈ; આનંદઘન દશા ચોવીસ કલાક ચાલ્યા કરે છે. સતત આનંદ. એક મુનિનો-એક સાધ્વીનો આનંદ એવો હોય કે જ્યાં જાય ને ત્યાં પુરા atmosphere ને આનંદમય બનાવી દે. તો પહેલી વાત લખી. जाग्रत्यान्मनि ते नित्यं. આત્મભાવની અનુભૂતિ સતત થવી જોઈએ. એ થાય તો શું થાય.
બીજી સાધના આપી: बहिर्भावेषु शेरते. બહિર્ભાવમાં સુઈ જવાનું છે. કોઈ કહે આમ થયું ને કોઈ કહે તેમ થયું. જે થયું હોય તે થાય. દુનિયાની કોઈ પણ ઘટનાથી એક પણ મુનિ વિચલિત ક્યારેય પણ ન થાય. પોતાના જીવનની અંદર પણ કોઈ પણ પ્રતિકુળ ઘટના આવે, કોઈ પણ મુનિ એનાથી વિચલિત બને નહિ. बहिर्भावेषु शेरते.
આપણે ત્યાં પ્રભંજના રાજકુમારીની વાત આવે છે. ચાતુર્માસમાં સાધ્વીજી ભગવતી એ ગામમાં ચોમાસું. રાજકુમારી રોજ ભણવા માટે જાય. લગ્નની ઉંમર થયેલી. યોગ્ય મુરતિયો મળતો ન હતો. ત્યારે એના પિતાએ તે વખતની પરંપરા પ્રમાણે સ્વયંવર મહોત્સવ યોજ્યો. સેંકડો રાજાઓ-રાજકુમારો આવે. રાજકુમારીને જે યોગ્ય લાગે એના કંઠમાં વરમાળા આરોપે. એ સ્વયંવર મહોત્સવનો દિવસ નજીક આવવા લાગ્યો. ગામની બહાર મોટા-મોટા મંડપો બંધાઈ રહ્યા છે. એ નાનકડા નગરમાં રાજાના અને રાજકુમારના રથો ઘૂમી રહ્યા છે. એક પણ સાધ્વીજીને સવાલ નથી થતો કે આ શેના માટે છે. પરની દુનિયા, એમાં જે પણ થાય એની જોડે સાધકને કોઈ સંબંધ છે જ નહિ. बहिर्भावेषु शेरते
ત્રીજી સાધના બતાવી, उदासते परद्रव्ये. ચલો, બહિર્ભાવમાં ન જાય. પણ શરીર છે રોટલી દાળ તો આપવા પડશે. શરીર છે સંયમની મર્યાદા માટે વસ્ત્રો ઓઢવાના છે. તો પદાર્થોનો ઉપયોગ તો કરવાનો છે. પર-પદાર્થોનો ઉપયોગ મુનિ શી રીતે કરે? તો ત્રીજી સાધના આપી, ઉદાસતે પરદ્રવ્યે. પરદ્રવ્યનો ઉપયોગ કરે છે પણ એ ઉદાસભાવે. ઉદાસીનદશાથી. એમાં ગમો-અણગમો કશું જ એનું જોડાયેલુ હોતું નથી.
અને ચોથી સાધના આપી, लीयन्ते स्वगुणामृते. એ આનંદની ધારામાં, વિતરાગદશાની ધારામાં, એ જ્ઞાતાભાવની અને દ્રષ્ટાભાવની ધારામાં સતત વહ્યા કરે છે. કેવો આનંદ બોલો…! વ્યવહાર આજ્ઞાપાલનનો આનંદ કેવો? અદ્ભુત્ત સમર્પણ!તથાકાર સામાચારી. ગુરુએ કહ્યું કરવાનું છે તો કરવાનું છે. નથી કરવાનું તો નથી કરવાનું. એક વિકલ્પ-એક વિચાર તમારી પાસે ન હોય. તથાકાર સામાચારી શું કરે? તમને નિર્વિકલ્પ બનાવી દે.
તો નિર્વિકલ્પદશા એ foundation છે. એટલે વ્યવહારસાધનાએ foundation બનાવ્યું નિશ્ચયસાધનામાં સીધી જ આત્માનુભૂતિ તમને મળી ગઈ. આવો આત્માનુભૂતિનો આનંદ માણવાનો હોય. હવે એ આનંદ beyond the words હોય ને? Beyond the imaginations. તમારી કલ્પનામાં પણ એ નહિ આવે. આજના યુગના આપણા જે મહાપુરુષો થયા એમની સાધનામાં વ્યવહાર અને નિશ્ચયનું combination કેટલું મજાનું હતું. એની થોડીક વાતો કરું.
પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા. પરમસાધક. પંન્યાસ પ્રવર ચંદ્રશેખરવિજય મહારાજ સાહેબ સાહેબજી માટે કહેતા કે પ્રેમસૂરિદાદા મહાવિદેહમાંથી ભૂલા પડેલા કોઈ દિવ્ય મુનિરાજ છે. આવા આચાર્ય ભગવંત આપણા ભરતક્ષેત્રમાં હોઈ શકે ખરા?! આવું એમની નિકટ રહેનાર પંન્યાસ પ્રવરશ્રી આપણને કહેતા. કે એ ગુરુદેવ મહાવિદેહમાંથી અહીંયા ભૂલા પડીને આવી ગયા છે કે શું? એ ગુરુદેવ અમદાવાદમાં બિરાજમાન. વિજય દાનસુરિજ્ઞાનમંદિરમાં. સાહેબજીને રોજ એકાસણું ચાલે. અને એમનું એકાસણું એટલે. તમને કેટલી વાર લાગે એકાસણામાં? તમે તો શું કરો? ત્રણ ટાઇમનું ભેગું એકાસણું કરી નાંખો. પહેલા પણ ચા-નાસ્તો, છેલ્લે પણ ચા-નાસ્તો. વચ્ચે ઘુસાય એટલું ઘુસાડી દેવાનું. સાહેબજીનું એકાસણું પાંચ મિનિટનું. વધુમાં વધુ પાંચ મિનિટ. દ્રવ્ય બે કે ત્રણ. ફટાફટ વાપર્યું અને ઉભા થઈ ગયા.
એ પછી સાહેબજીને દેહચિંતા માટે બહાર જવાનું થતું. એ ત્રીસ-ચાલીસ-પચાસ વરસ પહેલા અમદાવાદ કોટ વિસ્તારમાં જ હતું. સાબરમતી નદી બિલકુલ કોરી અને બિલકુલ ખાલી. કોઈ પુલ પણ ન હતા ત્યાં. તો ગુરુદેવ ઉનાળામાં વૈશાખ અને જેઠ મહિને બપોરે એક વાગે સાબરમતી નદી પધાર્યા. એક કિલોમીટર થાય. એ રીલીફ રોડ ઉપર સાહેબજી ચાલતા હોય. એ દ્રશ્ય જોયેલું છે આમ. એટલી મસ્તીથી ચાલતા હોય કે ધારો કે કોઈ બગીચામાં ફરી રહેલો હોય. એ ડામરની સડક એવી ગરમ થયેલી હોય કે આપણા તો પગ ચોંટી જાય. આપણા પગે તો ફોડલા પડયા વગર રહે જ નહિ. અને એ મહાપુરુષ આરામથી ચાલતા હોય. એમની જોડે જે મુનિરાજ હોય એ તો જોરજોરથી ચાલે પંદર-વીસ ડગલાં આસન-બાસન પગ નીચે નાંખીને ઉભા રહે. સાહેબને કહે સાહેબજી આપને પગ નીચે કંઇક મૂકું, મોજા પહેરો. કશું જ નહિ. No compromisation. એ રીતે એક કિલોમીટર જવાનું. એક કિલોમીટર પાછા ફરવાનું. એક ભક્તે એકવાર પૂછ્યું, ગુરુદેવ આપના પગને કોઈ અસર થતી નથી. આપનું મન તો અમને ખબર છે. લોખંડી મન આપનું છે. પણ શરીર તો અમારા જેવુ જ છે આપનું. આપના પગ ચંપાતા નથી? અમારા તો બળી જાય એવી ગરમી છે. એ વખતે દાદાએ હસતા-હસતા કહ્યું, પગ શેના ચંપાય?! કર્મ ચંપાય છે! પગ બળતાં નથી; કર્મો બળી રહ્યા છે. નિશ્ચય સાધના એટલી ઊંડી, વ્યવહાર સાધના પણ એટલી જ ઊંડી.
આ યુગ પણ સાધનાનો શ્રેષ્ઠયુગ છે. આ યુગમાં પણ એટલા બધા મહામુનિઓ છે, એવી સાધ્વીજીઓ છે. ૯૮ કે ૯૯ મી ઓળી ઉનાળાની અંદર વિહારમાં ચાલતી હોય એવી સાધ્વીજી ભગવતીઓ એક-બે નહિ, ઘણી આપણે ત્યાં છે. વિહારમાં સામે ગામ જવાનું. કોઈ સમાચાર મોકલવાના નથી. ત્યાં ગયા પછી પાણી કોઈ પીતું હોય ને મળી જાય તો ભલે, નહીતર કાંઈ નહિ. આયંબિલશાળા છે નહિ. હોય તો પણ એકાદ આયંબિલ ચાલતું હોય તો ત્યાં વહોરવા જવાય નહિ. નિર્દોષ ન મળે. તો એ સાધ્વીજી ભગવતી શું કરે છે. અત્યારની આ ઘટના છે. કોઈને કશું કહેવાનું નહિ. ૧૨-૧૨.3૦ વહોરવા નીકળવાનું. આયંબિલ છે એવું કહેવાનું નહિ. તમે લુખ્ખી રોટલી જુદી કાઢો. જુદા વાસણમાં. એ વાસણ પાછળથી ધુઓ તો પણ દોષ લાગે અમને. એ સ્થાપના દોષ કહેવાય. તો વહોરવા માટે જાય. લુખ્ખી રોટલી કુદરતી મળી ગઈ તો લીધી, લુખ્ખા ખાખરા મળી ગયા તો લીધા. નહીતર ચપટી ચણા મળી ગયા તો એ લીધા. એવું પણ કંઈ ન મળ્યું તો સુરેઉગ્ગએ નું પચ્ચક્ખાણ આરામથી કરી દેવાનું. આવા સાધકો એક-બે નહી. અગણિત આપણે ત્યાં છે.
શહેરોમાં એક વાત હું ઘણી વાર કરું છું. કે તમે લોકો અમારી પાસે તો આવો જ છો. અમારી શાતા દિવસમાં ત્રણવાર પૂછવા આવો છો. પણ હવે એક કામ કરો. રવિવારે તમે ફ્રી હોવ છો. તમારાં ઘરના બે થી ચાર કિલોમીટરના diameter માં જેટલા શ્રાવિકા ઉપાશ્રયો છે, અથવા જે જે ફ્લેટોની અંદર સાધ્વીજી ભગવતીઓ બિરાજમાન છે એ બધે જ પહોંચી જાવ. એ બધાની શાતા પૂછો અને કોઈ પણ કાર્યસેવા એમની મળે તો હરખાઈ જાઓ. અમારી શાતા નહિ પૂછવા આવો તો ચાલશે. દર રવિવારે આજુબાજુના ઉપાશ્રયોમાં જે સાધ્વીજી ભગવતીઓ બિરાજમાન છે એમની શાતા પૂછવા માટે જજો. અને એમની શાતા પૂછવા જતા તમારી શાતા પુછાઈ જશે. કોઈ ચાર ડીગ્રી તાવમાં સાધ્વીજી શેકાતા હશે પણ તમે એમના ચહેરાને જોશો એમના ચહેરા પર એ જ આનંદ હશે. તમે પૂછશો, સાહેબજી શાતામાં? એ હસીને કહેશે, દેવ ગુરુ પસાય. ત્યારે તમને થશે કે શું આ શ્રામણ્ય છે! શરીર જોડેનો સંબંધ બિલકુલ છુટી ગયો, બિલકુલ તૂટી ગયો આ લોકોનો!
હિમાંશુસૂરિ મહારાજ સાહેબ આપણા યુગના એક ભીષ્મપ્રતિજ્ઞાધારી મહાપુરુષ. સાહેબજી વાવ પધારેલાં. ઉત્તરગુજરાતમાં. ત્યાંથી સાહેબજીને કચ્છમાં પધારવાનું હતું. એક શોર્ટકટ હતો. જેમાં કાચો રસ્તો આવતો પણ કિલોમીટરો ઘણા કપાઈ જતા. સાહેબજીએ એ રસ્તો લેવાનું નક્કી કર્યું. એ વખતે સાહેબજી પગે જ ચાલતા. બહુ જ ધીમે ધીમે ચાલી શકે. પાંચ થી છ કિલોમીટરે ગામ આવતું હોય તો ત્યાં જ પડાવ હોય. પણ એ છ કિલોમીટરે ત્યાં પહોંચતા બપોરના બે કે ત્રણ પણ વાગી શકે. સવારના નીકળવાનું છે. બધું જ થઈ ગયું ક્રિયાકાંડ. પછી દેરાસરે. વિહાર છે તો છે પણ પ્રભુ પહેલા છે. એ પ્રભુ પાસે ગયા. કલાક-દોઢકલાક ભક્તિ કરે છે. અમારે વિહાર હોય ને, અમે સુખશિલીયા માણસો થઈ ગયા છીએ થોડાક. દર્શન જરૂર કરીએ પણ ઉનાળો હોય ને.. તો મનમાં હોય, ગરમી થઈ જશે. એટલે ૧૦-૧૫ મિનિટમાં ચૈત્યવંદન-દેવવંદન પતાવીને નીકળી જઈએ. સાહેબજીને દોઢ-બે કલાક થયા. આરામથી ૯-૯.૩૦ એ વિહાર કરે. આયંબિલ ચાલે. લોકોના ત્યાંથી લાવેલો રોટલો. માત્ર રોટલો અને પાણી. એનાથી સાંજે ૪-૫ વાગે આયંબિલ કરે. ૧૨ વાગે સાધુભગવંતો જે ગોચરીમાં રોટલો લાવેલા હોય એને સાહેબજી પાંચ વાગે વાપરે. શિયાળાનો સમય હતો. અને એક કાચો રસ્તો શરૂ થયો ત્યારે માર્ગદર્શક ભોમિયાને જોડે લીધો. કારણ કે રસ્તા ઘણા ફાટતા હતા વચ્ચે, ક્યાંય ને ક્યાંય પહોંચી જવાય. તો એ ભોમિયાએ જોયું કે મહારાજ સાહેબ તો બહુ ધીમે ચાલે છે. એટલે એ શું કરે સીધો રસ્તો આવે કિલોમીટરનો એ કહે મહારાજ સાહેબ ચાલ્યા આવો, જ્યાં બે રસ્તા પડશે ત્યાં હું ઉભો રહું છું.
હવે એમાં એવું બન્યું પહેલો જ દિવસ અને એણે કહ્યું કે બે રસ્તા પડે છે ત્યાં હું ઉભો રહું છું. એ પહોંચી ગયો વહેલા, ઠંડીનો સમય, એને ઠંડી લાગતી હતી. બીજું તો કંઇ હતું નહિ તાપણા માટે. બાવળિયા ખુબ હતા, એની પાસે ધારિયું હતું. બાવળિયાનું ઝુંડ આખું કાપ્યું. સીધું એને સળગાવ્યું, તાપવા બેઠો. ત્યાં ગુરુદેવ પધાર્યા અને ગુરુદેવની નજર ગઈ. કકળી ઉઠ્યા. બાવળિયાનું ઝુંડ આણે સીધું કાપ્યું. બાવળિયામાં કેટલી જીવાતો હોય છે! એ જીવાતો સીધી આને દીવાસળી ચાંપી! વનસ્પતિકાયની વિરાધના! ત્રસકાયની વિરાધના! અને અમારા માટે! એમણે સામે ગામ પહોંચીને સાધુઓને કહી દીધું. રસ્તો ભૂલીશું તો ચાલશે પણ આ વિરાધના નહિ ચાલે. આવતીકાલથી માણસ નહિ જોઈએ.
મારું કહેવું એ છે કે નિશ્ચયમાં એ ઊંડે ઉતરેલા હતા પણ વ્યવહારસાધના એમની કેટલી તો સુક્ષ્મ હતી! એટલે અમારે પણ અને તમારે પણ પ્રભુની સાધનાને આ જ રીતે ઘૂંટવી છે. વ્યવહારસાધનામાં કયાંય કચાશ લાવવાની નથી. એ સામાયિક, એ પ્રતિક્રમણ એ પ્રભુએ કહેલા અમૃતઅનુષ્ઠાનો. એ અમૃતઅનુષ્ઠાનોને બરોબર કરવાના છે. અને એમાં નિશ્ચયદ્રષ્ટિ લાવો કે પ્રભુએ કહ્યું છે એ રીતે કરવું છે. સામાયિક કર્યું. શરીર કટાસણા ઉપર બેઠું છે. અને શરીરને ઉભા થવું હોય તો ચરવળો જોઈએ. એક સામયિકમાં તમે છો. તમારે તમારાં મનને સ્થિર રાખવાનું છે. અને મન કોઈ પણ વિચાર કરે એટલે જો મન ઉભું થાય તો એના માટે કયો ચરવળો? ચરવળા વિના શરીર ઉભું ન થઈ શકે. કારણ બેસતા-ઉઠતા પુંજના-પ્રમાર્જના ચરવળાથી જ થાય. ચરવળા વિના ઉભા થવાય નહિ. ઉભા થતા પણ પુંજના-બેઠતા પણ પુંજના કરવાની છે. તો શરીરને ઉભા થવા માટે ચરવળો રાખ્યો. મનને ઉભુ થવા માટે કયો ચરવળો રાખ્યો? તો ત્યાં ચરવળો છે જ નહિ, રાખી જ ન શકાય. મનને સ્થિર રાખવા. તો કોશિશ તો કરો કમસેકમ.
એક નવકારવાળી પહેલા એવી ગણો સામયિકમાં કે મન બહાર ન જ જાય. અને એના માટે છે ને ભાષ્યજાપ એ બહુ મજાની વસ્તુ છે. ભાષ્યજાપ એટલે સહેજ તમે loudly બોલો છો. એ ભાષ્યજાપ એ વિચારો માટે સ્પીડબ્રેકર છે. તો આ રીતે ભાષ્યજાપ કરો, નવકારવાળી ગણતા મન બહાર ગયું. ખ્યાલ આવી ગયો, ફરી લાવી દો. એ રીતે કોશિશ કરશો તો તમે જરૂર success જવાના. એટલે વ્યવહારસાધના કરવાની જરૂર પણ એમાં નિશ્ચયને ઉમેરવો પણ છે. માત્ર વ્યવહાર સાધનાથી ખુશ થઈ જવું નથી. તો આ બધા મહાપુરુષોએ પોતાની સાધનામાં વ્યવહાર અને નિશ્ચયનું મજાનું combination મુકેલું.
મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિદાદા. સાહેબને જયારે લગભગ ૮૪-૮૫ વરસ થયા. એ વખતે સાહેબજીની હોજરી બહુ જ નિષ્ક્રિય બનવા લાગી હતી, એટલે કંઈ પણ આહાર પચે નહિ. પ્રવાહી આપો, પ્રવાહી પણ પચે નહિ. પહેલા સાહેબજી એકાસણું જ કરતા. લગભગ ૬૦-૭૦ વરસની વય સુધી એકાસણું કર્યું. પછી ડોક્ટરોની સુચનાને કારણે બેસણું કરવું પડ્યું. કે એક ટાઇમ તમે વાપરો એ બરોબર નથી. છેલ્લે નવકારશી કરવી પડી. દુઃખાતા હૃદયે. પણ રોજ માંથી એકસણા કરનારાને નમન કરે.
તમે શું કરો? નવકારશીનું પચ્ચખાણ પાર્યું. ટુથબ્રશ હાથમાં લીધો, વોશ-બેસીન પાસે ગયા. કોને યાદ કરવાના?આયંબિલવાળાઓને યાદ કરવાના ને? કેટલા બધા લોકો. હજારો-લાખો સાધકો ભારતમાં આયંબિલની ઓળીમાં જોડાયેલા છે. મારે નવકારશી કરવી પડશે? એ ચા પીતી વખતે તમારી આંખમાંથી આંસુ જો ઝરે તો તમારી નવકારશી સાચી. કારણ, એ નવકારશીમાં પણ અનુમોદના ભળે છે.
તો ગુરુદેવને દૂધ આપતા. દુધ પણ પચે નહિ. શું કરવું? એમાં જુના ડીસા ગયેલા. ત્યાં માલચંદભાઈ વૈદ્ય છે જૈન. એમને પૂછ્યું કે સાહેબજીને શું આપવું? બહુ જ નિષ્ણાંત હતા. વૈદ્યકીય તો નિષ્ણાંત હતા જ જૈન ધર્મના પણ એટલે નિષ્ણાંત હતા. એમણે કહ્યું, આ ઉંમરે દૂધ હવે સાહેબજીને નહિ પચે. તમે સાદી ચા સાહેબજીને આપશો એનાથી પોષણ નહિ મળે. એટલે સાહેબજી માટે એકલા દુધની ચા બબ્બે-ત્રણ-ત્રણ કલાકે તમારે આપવી જોઈએ. પાછું એ જૈન ધર્મના નિષ્ણાંત. કે આવા ગુરુ માટે તમે આધાકર્મી આપો તો એ દુષિત નથી. અમને પણ એ ખ્યાલ હતો કે આ મહાગુરુ છે.
તો ઉપાશ્રય નજીકમાં એક ઘર એમને કહેલું કે તમારે ત્યાં આ વ્યવસ્થા રાખવાની છે. હું જ વહોરવા જતો. બબ્બે-ત્રણ-ત્રણ કલાકે ચા વહોરી લાવું, સાહેબજીને વપરાવું. એમાં એકવાર એવું બન્યું, અમે લોકો સ્વાધ્યાય કરવા બહાર બેઠેલાં, પણ જે ભાઈને ત્યાં ચા થતી એ ભાઈ બહુ ભોળા અને ભદ્રિક એ મોટા ગુરુદેવ પાસે બેઠેલાં. એમને ધર્મની કાંઈ સમજણ નહિ, માત્ર ભાવવાળા. એ કહે ગુરુદેવને, સાહેબ મારે તો લોટરી લાગી ગઈ! તમારાં માટે સ્પેશિયલ ચા જે બનાવવાની હોય ને એનો લાભ મને મળ્યો છે! એ વખતે ગુરુદેવને ખ્યાલ આવ્યો કે આ મારા માટે ચા બને છે! એ વખતે જુના ડીસામાં ચારસો ઘરો જૈનોના. અને બધા જ ઘરો ભરેલા અને મહેમાનો પુષ્કળ આવતા હોય તો ગુરુદેવને ખ્યાલ હતો કે સંસારી માણસો, આટલા વસ્તારી માણસો અને ચા તો એમના ત્યાં થતી જ હોય અને આ લોકો લાવતા હશે. આજે જ ગુરુદેવને ખ્યાલ આવ્યો કે મારા માટે ચા બને છે! ખ્યાલ છે મને હું વહોરીને બપોરે ત્રણ વાગે આવ્યો. પાત્રીમાં ચા કાઢી અને સાહેબજીને આપી. સાહેબજીની આંખમાં આંસુ આવ્યા. એ કહે કે તમે લોકોએ શું ધાર્યું છે? તમને મારા શરીર ઉપર પ્રેમ છે કે મારા આત્મા ઉપર? આ ઉંમરે તમારે મારા સંયમને દુષિત કરવું છે? આજે આ ઘટના યાદ આવે, આંખમાં આંસુ આવે કે કેવા સદ્ગુરુ આપણને મળેલા! નિશ્ચયના એટલાં ઊંડાણમાં ગયેલા, વ્યવહારની એટલી જ ઊંડી પાલના.
તો અમારો જે આનંદ છે એ નિશ્ચયસાધના અને વ્યવહારસાધનાના પાલનથી આવેલો છે. એ આનંદ એવો છે કે અમે એને કહી શકીએ નહિ. કારણ કે beyond the words, beyond the imaginations.