વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પૂ. ૐકારસૂરિ મહારાજ સાહેબના ગુણાનુવાદ
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૬
હૃદયપ્રદીપ્ત ષડ્ત્રિંશિકા નામનો એક બહુ જ પ્યારો ગ્રંથ છે. ગ્રંથને અંતે રચયિતા મહાપુરુષનું નામ નથી. એટલે પરા કે પશ્યન્તિ માં એ ગ્રંથ આવેલો છે. એ ગ્રંથમાં પ્રારંભમાં શિષ્ય ગુરુદેવને એક પ્રશ્ન કરે છે. કે ગુરુદેવ! અમારી સાધના સિદ્ધિને સ્પર્શે એના માટે અમારી પાસે શું જોઈએ. ગુરુદેવ આપ મળ્યા, આપે કૃપા કરીને સાધના અમને આપી. એ સાધના સિદ્ધિને સ્પર્શવી જ જોઈએ. તો એના માટે કયા પરિબળો અમારી પાસે જોઈએ. એ વખતે ગુરુદેવે ત્રણ પરિબળો ની વાત કરી. “સમ્યગ્વિરક્તિર્ નનુયસ્ય ચિત્તે સમ્યગ્ગુરો: યસ્ય ચ તત્વવેત્તા, સદાનુભુત્યાદ્રઢ નિશ્ચયોયસ તસ્યેવ સિદ્ધિ: નહિ ચાપરસ્ય” પ્રબળ વૈરાગ્ય. તત્વવેત્તા – ગુરુનું શરણ મળવું. અને અનુભૂતિ પૂર્વકનો દ્રઢ નિશ્ચય. આ ત્રણ તત્વો જેને પણ મળી જાય, એની સાધના સિદ્ધિને સ્પર્શ્યા વગર રહે નહિ.
આજે પૂજ્યપાદ ગુરુ ભગવંત શ્રી ના ગુણાનુવાદ કરવા છે. આ ત્રણ ગુણો એ મહાપુરુષમાં કેટલા ઊંડાણથી ગયેલા હતા, એની થોડી વાતો કરવી છે. પહેલું પરિબળ: પ્રબળ વૈરાગ્ય. જન્માંતરથી ચાલી આવતી એક વૈરાગ્યની ધારા, એને જોતા જ તમને લાગે કે આ વ્યક્તિ સંસારમાં રહી શકે નહિ. સંસારની એક પણ ચીજનું, એક પણ વ્યક્તિનું આકર્ષણ એની આંખોમાં એના મનમાં ન હોય. ગુરુદેવ જન્માંતરીય વૈરાગ્યની ધારા લઈને અહીંયા આવ્યા હતા. ગુરુદેવ સાત વર્ષના હતા. એ વખતે એક ઘટના ઘટે. વૈરાગ્ય જન્મથી હતો પણ એની અભિવ્યક્તિ આ સાતમાં વર્ષે આપણને થાય છે.
અમારું ગામ ઝીંઝુવાડા. સિદ્ધરાજે એને વસાવેલું. એનો કિલ્લો આજે પણ વિશ્વ વિસૃત ગણાય છે. કિલ્લાની અંદર જ બાંધેલું મોટું તળાવ, કુવા, વાવડીઓ, તળાવ મોટું પગથિયાંઓથી બંધાયેલું. સાત વર્ષના ગુરુદેવ હતા. ફયબાની સાથે તળાવે જવાનું થયું. ફયબા કપડાં ધોવે છે. ગુરુદેવને તરતાં આવડતું નથી. ફયબાએ કહેલું બહાર રમજે. તળાવમાં તારે જવાનું નથી. પણ ફયબાની નજર બીજી બાજુ. અને ગુરુદેવ તળાવના પગથિયાં ઉતરવા માંડ્યા. પાંચ-સાત પગથિયાં તો બરોબર ઉતારાયા. પગથિયાં જ છે. અહીં સુધી પાણી આવ્યું, વાંધો ન આવ્યો. પણ એના પછીનું પગથિયું આવ્યું, લીલવાળું પગથિયું. પગ લપસી ગયો. અને ગુરુદેવ સીધા જ પાણીના અટલ ઊંડાણમાં. છૂટી ગયા પગથિયાં. તરતાં આવડતું નથી. કોઈને ખ્યાલ નથી કે આ દીકરો ડૂબવા ગયો છે. મૃત્યુ સામે દેખાઈ રહ્યું છે. તરતાં આવડતું નથી. પાણીનું અટલ ઊંડાણ છે. બહાર નીકળી શકાય એવી કોઈ શક્યતા નથી. એ ક્ષણોમાં એમને મૃત્યુ સામે દેખાતું નથી. પ્રભુની દીક્ષા દેખાય છે. એક જ વિચાર મનમાં આવે છે, મારે તો દીક્ષા લેવાની છે. શું હું દીક્ષા નહિ લઇ શકું? પ્રભુને પ્રાર્થના કરી, કે પ્રભુ! આ જન્મમાં તું મને લાવ્યો છે. તારી દીક્ષા મને આપવા માટે. તારા શાસ્ત્રમાં લખ્યું છે કે આઠ વર્ષ પહેલાં દીક્ષા મળેલી. નહીતર હું અત્યારે દીક્ષિત થઇ ગયો હોત. પણ તે જ કહેલું છે શાસ્ત્રોમાં કે આઠ વર્ષ પહેલા દીકરાની દીક્ષા થઇ શકે નહિ. માટે મારી દીક્ષા હજી સુધી થઇ નથી. પણ હવે તારી શું ઈચ્છા છે? મને દીક્ષા આપવી છે કે નથી આપવી? આ વિચાર, આ પ્રાર્થના સહેજ આમથી તેમ થાય છે ને પગથિયું પકડાઈ જાય છે. પગથિયે પગથિયે ઉપર આવતાં રહ્યા. પ્રબળ વૈરાગ્ય.
વિરાગ શબ્દ છે ને એના બે અર્થ થાય છે. એક તો વિરાગ એટલે વૈરાગ્ય. તમે રાગથી ઉપર ઉઠી ગયા. બીજો વિરાગ શબ્દનો અર્થ છે. વિશેષ રાગ. પ્રભુ પ્રત્યેનો, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો વિશેષ રાગ એ પણ વિરાગ છે. એ લયમાં પણ વિરાગ ગુરુદેવ પાસે અત્યંત હતો. ગુરુદેવનું આખું જીવન પ્રભુની આજ્ઞા પ્રત્યેના પ્રેમથી રાગથી ભરાયેલું હતું.
એક ઘટના યાદ આવે. લગભગ ૫૮ વર્ષનું સાહેબનું વય હશે. સાહેબજીની વાવ પ્રદેશમાં યાત્રા ચાલી રહી હતી. ત્યાંના લોકો વાવ પ્રદેશના એટલા બધા ભક્ત, અમે લોકો એક ગામથી નીકળીએ ને તો ચાર-પાંચ કિલોમીટર સુધી એ ગામવાળા વહોરાવવા માટે આવે. અને ચાર કિલોમીટર સામે ગામવાળા લેવા માટે આવે. પણ ધૂળિયા રસ્તા. સેંકડો લોકો સામે આવેલા હોય. એની ધૂળથી ગુરુદેવને ગળામાં infection થઇ ગયું. Infection થઇ ગયું પણ પ્રવચન આપવાનું હોય તૈયાર. એ ગામમાં અમે ગયા, ઝેલાણામાં. સવારે અડધો કલાક પ્રવચન આપ્યું. જૈનો તો બહુ થોડા. હિંદુ લોકોમાં ગામમાં કોઈ બાકી જ નહિ. પ્રવચન સાંભળવામાં. સામૈયામાં પણ બધી જ હિંદુ બહેનો બેડા લઈને આવેલી. બપોરે પ્રવચન રાખ્યું. બપોરે સવા કલાક ગુરુદેવ વરસ્યા. એ હિંદુ લોકોએ કહ્યું: સાહેબ! રાત્રે પણ પ્રવચન આપો અમને. કેટલા તો કરૂણામય, શરીર સાથે ક્યાં જોવાનું જ હતું એમને… હા, પાડી દીધી. પ્રતિક્રમણ પછી પ્રવચન હતું. પ્રતિક્રમણ પૂરું થયું. રોજના નિયમ પ્રમાણે મેં ગુરુદેવના ચરણનો સ્પર્શ કર્યો. પગ એકદમ તપેલા. પછી હાથે જોયું, આખું શરીર તાવની અંદર તરફડી રહ્યું છે. માપ્યું દોઢ ડીગ્રી તાવ. મેં સાહેબજીને વિનંતી કરી સાહેબજી! ઠંડી આટલી છે.. ગળામાં infection છે અને તાવ છે. આપ આરામ કરો હું વ્યાખ્યાન આપી દઈશ. મારી વિનંતી એમણે સ્વીકારી. સાહેબ સૂઈ ગયા. સંથારાપોરસી ભણાવીને… બે blanket સાહેબજીને ઓઢાડી દીધા. અમે લોકો જ્યાં ઉતરેલા એની બાજુમાં જ બહાર ઓટલો હતો. ત્યાં ઓટલા ઉપર બેસી અને પ્રવચન આપવાનું હતું. હું કામળી ઓઢી અને બહાર ગયો. ઓટલા ઉપર બેઠો. મારું મંગલાચરણ શરૂ થયું. નહિ, નહિ તો ૮૦૦-૧૦૦૦ હિંદુ ભાઈઓ આવેલા હશે. હું જ્યાં મંગલાચરણ કરતો હતો. હિંદુ લોકોમાં ઘૂસ – પુસ શરૂ થઇ ગઈ. આ બાપુ બદલાઈ ગયા કહે છે. સવાર અને બપોરવાળા બાપુ આ નથી. અમારે તો એ બાપુને સાંભળવાના છે. આ તો બાપુ બદલાઈ ગયા. ગુરુદેવ! સુતેલા. એમણે આ શબ્દો સાંભળ્યા. બે blanket એમણે ફગાવી દીધા. ઉભા થયા. કામળી ઓઢી. બહાર આવ્યા. મને કહે ઉઠ. ઉભો થા. તું પણ થાકેલો છે જઈને સૂઈ જા. અમારે ત્યાં guru is the supreme boss. સદ્ગુરુ બોલ્યા પછી કોઈ વિકલ્પ અમારી પાસે હોતો નથી. ગુરુદેવની આજ્ઞા જા, જઈને સૂઈ જા. અને એ રાત્રે દોઢ ડીગ્રી તાવમાં, ગળાના infection વચ્ચે એક કલાક ગુરુદેવ બોલ્યા. એક જ વાત હતી. મને જે મળ્યું છે એ મારે લોકોને આપવું છે. વિરાગ. પ્રભુના તત્વો પર પ્રભુની આજ્ઞા પર વિરાગ. અત્યંત રાગ હતો. બીજું પરિબળ છે: તત્વવેત્તા સદ્ગુરુના ચરણોની પ્રાપ્તિ.
ગુરુદેવને સદ્ગુરુ તરીકે આપણા યુગના શ્રેષ્ઠ ભક્તિયોગાચાર્ય, શ્રેષ્ઠ સાધનાચાર્ય. ભદ્રસૂરિદાદા મળેલા હતા. ભદ્રસૂરિદાદા આજના યુગના શ્રેષ્ઠ ભક્તિયોગાચાર્ય. શ્રેષ્ઠ સાધનાચાર્ય. અને શ્રેષ્ઠ યોગીપુરુષ. આપણે ત્યાં ધુરંધરવિજય મ.સા. બહુ જ જ્ઞાની તરીકે અત્યારે પ્રસિદ્ધ છે. એમના પિતા મહાયશવિજય મહારાજ. જે ઉપાધ્યાય હતા. એ જુના ડીસાના છે. એકવાર એ મહાયશવિજય મહારાજે કહેલું, કે હું જુના ડીસામાં જ્યારે હતો, ગ્રહસ્થપણામાં. ગુરુદેવ ભદ્રસૂરિ દાદા લગભગ જુના ડીસા વધુ રહેતાં. શિયાળાની અંદર સવારે પાંચ વાગે દાદા જે રૂમમાં સુતેલા હોય, અને દાદા રાતના બે વાગે ઉઠીને જ્યાં સાધના કરતાં હોય એ જ ખંડમાં અમે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જતાં. શિયાળાનો સમય હોય, બધા બારી-બારણાં બંધ હોય. એ મહાયશવિજય મહારાજ કહે છે, જે ક્ષણે અમે બારણું ખોલીએ એ વખતે એક દિવ્ય સુગંધ અમને મળે. એવી દિવ્ય સુગંધ જેની કલ્પના પણ ન થઇ શકે. એ પોતે પણ જ્ઞાની હતા. અને એથી એ કહેતાં: કે યોગી પુરુષના દેહમાંથી જે દિવ્ય સુગંધ વરસે છે એ દિવ્ય સુગંધનો અનુભવ મને ભદ્રસૂરિદાદામાંથી મળેલો છે.
By the way એક વાત કરું, કલાપૂર્ણસૂરિ દાદા વાવમાં ચાતુર્માસ માટે બિરાજમાન. સાહેબજી રાતના બે-અઢી વાગે જાપ માટે એક રૂમમાં પધાર્યા. છ-સાડા છ સુધી જાપ ચાલ્યા કરે. લોકો બધા બહાર રાહ જોઈને બેઠા હોય. સાહેબજી ની રૂમ ક્યારે ખુલે. અને વંદન કરીએ. સાહેબજીની રૂમ ખુલી. લોકો અંદર જાય. એક દિવ્ય સુગંધનો અનુભવ મળે. એક બુદ્ધિશાળી માણસ. લોકોએ કહેલું, કે સાહેબજી યોગી પુરુષ છે એટલે એમના શરીરમાંથી દિવ્ય સુગંધ નીકળે છે. પણ આ ખોપરી હતી. સીધી માને એવી નહોતી. એકવાર એ પહોંચ્યો. એ સુગંધ એણે અનુભવી. સુગંધ ખરેખર અદ્ભુત લાગી. પણ એણે વિચાર કર્યો. કે સાહેબજી જે વાસક્ષેપ વાપરે છે જાપનો, પટ્ટનું પૂજન કરતાં એ વાસક્ષેપની સુગંધ આ નહિ હોય. રૂમ બંધ હોય, રૂમ ખુલે તો વાસક્ષેપની સુગંધ પણ આવી શકે. એટલે એણે કલાપ્રભસૂરિ મ.સા. ને કહ્યું: કે સાહેબ! મારા એક સંબંધી સુરતમાં બહુ બીમાર છે. સીરીયસ છે. અને એમને સાહેબનો સૂરિમંત્રવાળો જ વાસક્ષેપ મોકલવો છે. એટલે આપ એક પડીકીમાં મને આપો. કલાપ્રભસૂરિ મ.સા. એ વાસક્ષેપ આપ્યો. એ લઈને પેલો ઘરે ગયો. સુંઘ્યો. પણ પેલી સુગંધ અને આ સુગંધ ઘણો બધો ફરક છે. છતાં એનું મન હજી માનતું નથી. બીજી સવારે એ વાસક્ષેપની પડીકી તિજોરીમાંથી કાઢી. તિજોરીમાં મૂકી રાખેલી. એ સુગંધ નીકળી ન જાય એટલે… એ સુગંધ બે-ત્રણ-ચાર વાર બરોબર સુંઘી. સીધો ઉપાશ્રયે ગયો. સાહેબની રૂમ ખુલેલી, અંદર ગયો. તરત જ પકડાયું સુગંધ બિલકુલ અલગ હતી. ત્યારે એણે માન્યું કે યોગી પુરુષના દેહમાંથી સુગંધ નીકળતી હોય છે.
એવી તો અતીન્દ્રિય સિદ્ધિઓ દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મ.સા. પાસે હતી. મારા જીવનનું એક પરમ સૌભાગ્ય એ રહ્યું: કે ૨૦ વર્ષ એમના ચરણોની સેવા કરવાનું મને મળ્યું. ૨૦૧૩ માં મારી દીક્ષા. ૨૦૩૩ માં દાદાનું મહાપ્રયાણ. ૨૦ વર્ષ એ દાદાના ચરણોમાં રહેવાનું સૌભાગ્ય મને મળ્યું. જે ભક્તિની ધારા મારી પાસે છે. કે જે સાધનાની ધારા મારી પાસે છે. એ મારી નથી. દાદા ગુરુદેવે મને આપેલી છે. માત્ર એમના ઉપનિષદમાં હું બેઠો છું. એમણે મને કશું જ કહ્યું નથી. પણ ૨૦ વર્ષના એમના ઉપનિષદે યશોવિજયને સંપૂર્ણતયા બદલી નાંખ્યો. ૧૩ વર્ષે – ૧૧ વર્ષે દીક્ષા લઈને આવેલો યશોવિજય અલગ હતો. ૨૦ વર્ષના દાદા ગુરુદેવના ઉપનિષદ પછીનો યશોવિજય અલગ હતો. સદ્ગુરુનું ઉપનિષદ તમને સંપૂર્ણતયા બદલી નાંખે છે. ગુરુદેવ શબ્દો આપશે. કેટલા આપશે… કલાક – દોઢ કલાક- બે કલાક. પણ એક શિષ્ય ગુરુનું ઉપનિષદ ૨૪ કલાક લઇ શકે છે.
દાદા ગુરુદેવનું વય ૧૦૩ વર્ષનું થયું. દાદાને ૧૦૦મું વર્ષ જ્યારે બેઠું એ ચાતુર્માસ રાધનપુરમાં હતું. અમદાવાદથી અમારે રાધનપુર જવાનું હતું. ૧૦૦ વર્ષની વયે પણ દાદા ડોળીમાં વિહાર કરતાં હતા. અમદાવાદથી અમે નીકળ્યા. વણોદ આવ્યા. વણોદ પછી એક પંચાસર નો hold બીજું શંખેશ્વર. દાદા તો યોગી હતા. સ્થિતપ્રજ્ઞ હતા. એ તો જાપ અને ધ્યાનમાં રહેતાં. બીજું બધું જ અમારે ગોઠવવાનું રહેતું. દાદાએ ત્યાં સુધી કહેલું, કે આ શરીર તમને ભળાવું છું. આ શરીર જોડે મારે કંઈ સંબંધ નથી. એને દવા આપવાની હોય કે ખોરાક આપવાનો હોય, જે આપવું હોય એ આપી દેજો. મારે માત્ર ને માત્ર મારામાં રહેવું છે. તો અમને લોકોને વિચાર થયો કે કાલે પંચાસર જઈએ, પરમદિવસે શંખેશ્વર, એને બદલે સાંજે ૭-૮ કિલોમીટર કાપી નાંખીએ, તો સવારે શંખેશ્વર પહોંચી જવાય. અને શંખેશ્વર વહેલાં પહોંચવાનો લોભ તો હોય જ. કે દાદાના ચરણોમાં પહોંચી જઈએ. તપાસ કરી, ૭-૮ કિલોમીટર એક ગામ આવતું હતું. ત્યાં એ બાજુ એ જમાનામાં ફોન પણ નહિ. લેન લાઈન ફોન પણ નહિ. માણસને મોકલીને તપાસ કરાવી. કે અમારો મોટો કાફલો છે તો રાત્રે સુવા માટે શું છે ત્યાં? તો સ્કુલ, પંચાયત ઘર આ બધું જ રાતના સંથારા માટે મળી ગયું. અમે લોકોએ નક્કી કર્યું કે સાંજે પાંચ વાગે નીકળશું, સાત વાગે ત્યાં પહોંચી જઈશું. ઉનાળો હતો. પાંચ વાગે વિહાર હતો, તો સાડા ચાર વાગે હું વહોરીને આવ્યો. અને ગુરુદેવને કહ્યું સાહેબ વાપરો! સાહેબને આંખોનો વિષય નહોતો. પણ inner watch એમની પાસે હતી. અંદર જૈવિક ઘડિયાળ હતી. એમણે પૂછ્યું મને, કેમ? આટલી વહેલા ગોચરી કેમ? સાડા ચાર વાગે? મેં કહ્યું ગુરુદેવ! આપણે વિહાર કરવાનો છે અત્યારે, પાંચ વાગે… આવતી કાલે આપણે શંખેશ્વર પહોંચવાનું છે. એ વખતે દાદાએ કહ્યું: આજે સાંજે વિહાર નહિ થાય. અમે બધા દાદાના એક-એક વાક્યને મંત્ર માનીને ચાલનારા. દાદાએ એટલું જ કહ્યું, આજે સાંજે વિહાર નહિ થાય. સમાચાર આપી દીધા સામે ગામ… અમે આવતાં નથી. અહીંયા પણ બધાને કહી દીધું. હવે દાદાને ગોચરી વહેલા વપરાવવાની જરૂર હતી નહિ. સાડા પાંચ- પોણા છ એ વપરાવશું. અમારી સાથે અમદાવાદથી એક મહાત્મા આવેલા. બીજા વૃંદના હતા. એમને શંખેશ્વરમાં એમના વૃંદના મહાત્માને ભેગા થવાનું હતું. એમની ઈચ્છા કે આજે સાંજે વિહાર થાય તો કાલે સવારે શંખેશ્વર પહોંચી જઈએ. એટલે એમણે મને કહ્યું, કે દાદાને સમજાવો ને…. સાંજે વિહારની હા પાડે…. મેં કહ્યું દાદાના મુખમાંથી જે વાક્ય નીકળી ગયું એ અમારા માટે મંત્ર છે. એટલે અમે લોકો ક્યારે પણ દાદાને કશું જ કહી શકીએ નહિ. પણ એ મહાત્માને થયું હું દાદાને સમજાવું. એ ગયા દાદા પાસે, દાદા! આજે સાંજે વિહાર કરી લઈએ, બહુ સારું રહેશે. કાલે સવારે શંખેશ્વર પહોંચાય ત્યાં એક દિવસ વધારે રોકાશું. દાદાએ સ્પષ્ટ કહ્યું, આજે સાંજે વિહાર નહિ. તમારે કાલે સવારે શંખેશ્વર પહોંચવું છે સવારે વધારે ચાલજો. મને વાંધો નથી. આજે સાંજે વિહાર નહિ. કેટલી નિર્ણાયકતા. એક નિર્ણય એટલે નિર્ણય. નહિ એટલે નહિ. એ સાંજની ઘટના આજે મને યાદ છે. ૪૮ વર્ષ થઇ ગયા એ ઘટનાને. આજે પણ મને યાદ છે. સાડા પાંચ વાગે દાદાની ગોચરી લઈને હું આવ્યો, અને દાદાને વપરાવવી છે. એ વખતે એવી તો આંધી ઉપડી… ચૈત્ર વદના દિવસો એવી આંધી ઉપડી. અમે જે ઉપાશ્રયમાં હતા. એ નળિયાવાળો ઉપાશ્રય હતો. નીચે કંતાનની છત હતી. ધૂળ એવી વરસે છે, નળિયા સોંસરવી, પેલી કંતાનની છત સોંસરવી નીચે રૂમમાં ધૂળનો વરસાદ પડે છે. બહાર તો કેવી આંધી હશે… કેવું તુફાન હશે… હવે દાદાને વપરાવવું કેમ… પછી એક જાડી કામળી લીધી. બે સાધુ ભગવંત બે છેડે ઉભા રહ્યા પકડીને દાદાના ઉપર એ કામળી રાખી અને દાદાને વપરાવ્યું. એ કામળી ઉપર પણ એટલી ધૂળ પડે. એ વખતે થયું કે દાદાને લઈને નીકળ્યા હોત તો શું થાત. પાંચ વાગે નીકળવાનું હતું. એટલે સાડા પાંચે આવી આંધી. ન આમ જઈ શકત. ન આમ જઈ શકત. અને એ અમારો શંખેશ્વર બાજુનો પ્રદેશ જ્યાં ઉનાળામાં એક પણ ખેતરમાં ખેતીવાડી ન હોય. ઉજ્જડ ખેતરો પડ્યા હોય. કોઈ આશ્રય જેવું ત્યાં મળી શકે નહિ. દાદાને લઈને ગયા હોત તો શું થાત. પછી તો એવું બન્યું, રોજ સાંજે આંધી આવે. હવે અમારે શંખેશ્વરથી ખાલી રાધનપુર ૫૦ કિલોમીટર જવાનું હતું એટલે નક્કી કર્યું કે ક્યારે પણ સાંજનો વિહાર કરવાનો નહિ. એમાં શંખેશ્વરથી નીકળ્યા, ચંદુલ, સમી, બાષ્પા… બાષ્પા પહોંચ્યા અને ગુરુદેવે પૂછ્યું રાધનપુર આપણે ક્યારે પહોંચશું? મેં કીધું સાહેબ આવતી કાલે ગોચનાથ ગામ આવશે. પરમદિવસે રાધનપુર.. તો કહે કે નહિ. કાલે જ રાધનપુર પહોંચવાનું છે. આજે સાંજે ગોચનાથ કાલે સવારે રાધનપુર. સાહેબજી બોલ્યા આજે સાંજે વિહાર કરો… રોજ જઈ રહ્યા છે રોજ સાંજે પાંચ- સવા પાંચ થાય ને આંધી ઉપડે. સાત- સાડા સાત, આઠ વાગ્યા સુધી ચાલે. શંખેશ્વરમાં હતા, દેરાસરે જવું હોય ને, તો પણ આંખો બંધ થઇ જાય એવી ધૂળ ઊડતી હોય. અને દાદા કહે છે આજે સાંજે વિહાર કરવાનો. દાદા બોલ્યા એટલે કરવાનું. એ સાંજે અમે નીકળ્યા, ન આંધી, ન ધૂળ, ઠંડો ઠંડો પવન અમે પહોંચી ગયા. એક યોગી પુરુષ પાસે ભવિષ્યદર્શનની અને આવી તો કેટલીયે સિદ્ધિ હોય છે. પણ સૌથી મોટી સિદ્ધિ એ હોય છે. કે આ સિદ્ધિઓ છે. એના ખ્યાલથી પણ એ બેપરવાહ હોય છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ?
સનત્કુમાર ચક્રવર્તી મુનિ બન્યા. શરીરમાં ભયંકર રોગો છે. એમની સાધનાથી ખેંચાઈને એક દેવ આવ્યો. એ દેવે મુનિરાજને કહ્યું, કે સાહેબ! મને આપની સેવાની તક આપો. આપના શરીરમાં આટલા બધા રોગ છે. કોઢને કારણે ચામડી આખો ધોળી થયેલી. લોહી અને પરૂ ક્યાંકથી ટપકતુ. સાહેબજી મને આપની સેવાની તક આપો. ના પાડી મુનિરાજે…સાહેબ પણ કેમ ના પાડો છો? તો કહે કે આમાં મને કંઈ વાંધો નથી. આ હોય ને મારી સાધનામાં કંઈ ગરબડ થતી હોય, તો આને દૂર કરવાની વાત કરું. મારી સાધના બહુ સરસ ચાલે છે. આ પીડા ચાલુ છે, એટલે આખી રાતની મારી સાધના ચાલે છે. આ પીડા મટી જાય, અને શરીર સ્વસ્થ બને, રાત્રે ઊંઘ આવી જાય અને સાધના ઓછી થાય તો જવાબદાર કોણ? એ સનત્કુમાર મુનિ પાસે લબ્ધિ કેવી હતી. પોતાનું થુંક લીધું, આમ અડાડ્યું, જેટલા ભાગમાં થુંક પહોંચ્યું ચામડી ઉપર, એ ચામડી સોનાવર્ણી થઇ ગઈ.
સિદ્ધચક્ર પૂજનની અંદર આપણે યોગી પુરુષોની અંદર જે લબ્ધિઓ હોય છે એનું પૂજન કરીએ છીએ. થૂંકમાં એટલી તાકાત, એમના મૂત્રમાં એટલી તાકાત હોય. એમના શરીરમાંથી કોઈ પણ મળ નીકળે એની પણ એટલી તાકાત હોય. પણ એ લબ્ધિ મોટી નથી. એ લબ્ધિ હોવા છતાં એનાથી બેપરવાહ હોવું. એ લબ્ધિનો ઉપયોગ પણ કરવો નથી. અને એ લબ્ધિ મારી પાસે છે એનો અહંકાર પણ આવતો નથી. આ મોટામાં મોટી લબ્ધિ છે. તો આવા જે યોગી પુરુષ આજના યુગના કે સદ્ગુરુ તરીકે ગુરુદેવને મળેલા હતા. ગુરુદેવનું સમર્પણ કેવું હતું? ગુરુદેવ આચાર્ય બન્યા. માત્ર આચાર્ય નહિ, એક શાસનપ્રભાવક શ્રેષ્ઠ આચાર્ય રૂપે બહાર આવ્યા અને એ અરસામાં પણ દાદા ગુરુદેવની શરીરની માલીસ પોતે કરતાં. અમે બધા શિષ્યો વિનંતી કરીએ, ગુરુદેવ અમને આ લાભ લેવા દો, તો કહે કે નહિ. આ લાભ તો હું જ લઈશ. દાદા ગુરુદેવની ચામડી સહેજ લુક્ખી થઇ જાય. થોડી તકલીફ થાય, દર અઠવાડિયે તલના તેલથી ગુરુદેવ પોતે માલીસ કરતાં.
એક જ વાત હતી, હું આચાર્ય નથી. હું પ્રભાવક આચાર્ય નથી. હું કોઈ ગુરુ પણ નથી. હું માત્ર મારા ગુરુનો શિષ્ય છું. આ જે સમર્પણ એમની પાસે હતું, એ સમર્પણે એમને બધું આપ્યું. શિલ્પ વિદ્યામાં, જ્યોતિષમાં એટલા બધા એ મેઘાવી હતા, કે મોટા મોટા સોમપુરા પણ એમના જ્ઞાનને જોઇને છકળ ખાઈ જતાં. ત્યારે સોમપુરાઓ પૂછતાં તમે કોની પાસે ભણ્યા? ત્યારે ગુરુદેવ કહેતાં: મારા ગુરુદેવની કૃપા એ જ મારી શિક્ષિકા છે. બાકી કોઈએ મને ભણાવ્યો નથી. તો આજના યુગના શ્રેષ્ઠ યોગી પુરુષ ગુરુ તરીકે ગુરુદેવને મળેલા. અને એ ગુરુ પ્રત્યેનું સમર્પણ એટલું બધું જોરદાર હતું, કે જેના કારણે ગુરુદેવ ઊંડાણમાં સાધનામાં પહોંચી ગયા.
એક પરંપરા આપણે ત્યાં છે. સિદ્ધિસૂરિમહારાજા, બાપજી મહારાજા એ પરમ યોગી હતા. યોગી નહિ, પરમયોગી. દાદા ગુરુદેવને સિદ્ધિસૂરિમહારાજાને પગની તકલીફ. અને એના કારણે અમદાવાદમાં વિદ્યાશાળામાં ૪૦ એક વર્ષ રહેવું પડ્યું. તો એક જગ્યાએ ૪૦ વર્ષ એ ગુરુદેવ રહ્યા. એ વિદ્યાશાળાનો કણ-કણ ઉર્જામય બની ગયો. છતાં પણ ઉર્જાને સંગ્રહી રાખવાનું એક વિજ્ઞાન હોય છે. બારી- બારણાં ખુલ્લા હોય ને ત્યાંથી ઉર્જા નીકળી જવાનો સમભાવ છે. પણ એ યોગી પુરુષ જે ભોંયરાની અંદર સૂરિમંત્રની સાધના કરતાં હતા. કલાકો સુધી એ ભોંયરૂ આજે એમનેમ છે. જેમાં બારી- બારણાં કશું જ નથી. આજે તમે એ ભોંયરામાં જાવ માત્ર પવિત્ર વિચારો લઈને,એટલી બધી ઉર્જા મળે કે દસ મિનિટમાં તમે કદાચ રૂપાંતરિત થઇ જાવ. એમના દેહની વિદાય પછી વર્ષો પછી પણ આ ઉર્જા ત્યાં જીવંત છે.
તો પ્રખર વૈરાગ્ય, પરમ સદ્ગુરુદેવની પ્રાપ્તિ અને અનુભૂતિપૂર્વકનો દ્રઢ નિશ્ચય. આ જેની પાસે હોય, એની સાધના – સિદ્ધિને જરૂર સ્પર્શે. તો ત્રીજી વાત અનુભૂતિ પૂર્વકનો દ્રઢ નિશ્ચય. જેમ-જેમ સાધનામાર્ગે તમે આગળ વધો એમ તમારી અનુભૂતિ પ્રબળ બનતી હોય છે. આત્માનુભૂતિ ચોથા ગુણઠાણે થાય. પાંચમે એનાથી પ્રબળ, છટ્ઠે એનાથી પ્રબળ, સાતમે એનાથી પ્રબળ. તો આત્માનુભૂતિ જે છે એ પણ દ્રઢ, દ્રઢતર આગળ ને આગળ થતી જાય છે. તો ગુરુદેવ અનુભૂતિ સંપન્ન મહાપુરુષ હતા. અને એથી એમના જે પણ નિર્ણયો હતા. એ અનુભૂતિ પૂર્વકના રહેતાં.
શ્રી સંઘ પરત્વે હોય, કે કોઈની સાધના પરત્વે હોય, સાહેબજીની અનુભૂતિ સીધી જ આપણને દેખાઈ આવે. મેઘા અલગ છે. અનુભૂતિ અલગ છે. શિલ્પમાં, જ્યોતિષમાં સાહેબ પારંગત હતા. એ પ્રજ્ઞાનો વિષય હતો. એ અનુભૂતિનો વિષય ન હતો. પણ કોઈ પણ સાધક સાહેબ પાસે આવે એની જન્માન્તરીય સાધના શું છે? અને એ જન્માન્તરીય સાધના એની જોઇને આ જન્મમાં એને કઈ સાધનામાં, કેવી રીતે push કરવો એ સેકંડોની અંદર ગુરુદેવ નક્કી કઈ શકે.
એટલે આત્માનુભૂતિ જ્યારે દ્રઢ બની ત્યારે અનુભૂતિના એક-એક પગથિયાં સ્પષ્ટ થઇ ગયા. અનુભૂતિવાન સદ્ગુરુ પાસે જયારે પણ તમે જાવ છો… ત્યારે તમારે તમારી સાધનાની કેફિયત વર્ણવવાની જરૂર નથી. કે સાહેબજી હું આ કરું… હું આ કરું… માત્ર તમારા ચહેરાને જોઇને તમારી અત્યારની સાધનાનું stand point સદ્ગુરુ નક્કી કરી દેશે. અને તમને કઈ રીતે ઉચકી શકાય એમ છે એ પણ સદ્ગુરુ નક્કી કરી દેશે. તો પ્રજ્ઞા હતી એના કારણે એટલા દેરાસરોને લાભ મળ્યો આજે પણ ઘણા દેરાસરના ટ્રસ્ટીઓ કહે છે. કે સાહેબજીને ખાલી મળવા ગયા, સાહેબજીએ એક સૂચના આપી, અને બે કરોડનો ખર્ચ અમારો ઓછો થઇ ગયો. સાહેબજી કહે: આટલું બધું ઘન ફૂટ તમે કેમ વાપરો છો? શિલ્પીઓ હોય, એમને એમાં રસ હોય. ઘન ફૂટ વધે એમનું કમીશન વધે. આટલા ઘન ફૂટથી ચાલે છે. આટલા ઘનફૂટ કેમ? અને શિલ્પીને કહે: શિલ્પીએ પણ ચાલની ફૂટ પકડવી પડે. હા, આટલા ઘનફૂટથી ચાલે તો ખરું જ કહે છે.
પણ એ પ્રજ્ઞા દ્વારા સાહેબે શ્રી સંઘના કાર્યો કર્યા. આ અનુભૂતિ પૂર્વકનો જે દ્રઢ નિશ્ચય હતો એના દ્વારા સેંકડો સાધકોને એમણે સાધનાનું ઊંડાણ આપ્યું. આવા સદ્ગુરુ આપણને મળેલા હતા. સાહેબજીની જન્મ શતાબ્દીનું વર્ષ આજથી ચાલુ થઇ રહ્યું છે. એક વર્ષ સુધી તપ અને જપની સાધના કરવી. ગુરુદેવને એ જ ગમતું હતું. એટલે એક કરોડ નવકાર લખાવવા, એક કરોડ નવકારનો જાપ કરાવવો, આવી બધી યોજનાઓ છે અને દરેક સંઘોની અંદર લોકો સ્વતંત્ર રીતે આ રીતે સાધના કરી પણ રહ્યા છે. તો ખુબ ખુબ સાધના કરી સાહેબજીના ચરણોમાં આપણે ભાવાંજલિ અર્પીએ.