વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ચારિત્ર પદ
પહેલા અભિવ્રજ્યા, પછી પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એટલે પરમાત્માનું એક પરમ સંમોહન; તમે પ્રભુ વિના એક ક્ષણ પણ રહી ન શકો. એ પછી પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યા એટલે પ્રભુના માર્ગ પર દોડવાનું.
પ્રવ્રજ્યા મળે, એટલે સદ્ગુરુ પ્રભુની વ્યવહાર અને નિશ્ચય સાધના આપે. પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે: તું તારા સ્વરૂપમાં સ્થિર થા. આપણને એ શુદ્ધ સ્વરૂપ તરફ જવામાં અવરોધરૂપ કોણ? રાગ, દ્વેષ અને અહંકાર. એને શિથિલ કરવા માટે વ્યવહાર સાધના દેહ નિર્મમ નિર્મદા.
તમે અહંકારના લયમાં હોવ ત્યારે હું તરીકે કોને પકડો? શરીરને. માટે પહેલી સાધના આપી : દેહ નિર્મમ; Body attachment છૂટી જવું જોઈએ. અને બીજી સાધના આપી : નિર્મદા; અહંકારથી તમે પર બની જાવ. હું એટલે શરીર, મન, નામ નહિ, પણ આ બધાથી પર એવું નિર્મળ આત્મસ્વરૂપ.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૭
શાશ્વતી ઓળીની આરાધનાનો આજે આઠમો દિવસ. આજે ચારિત્ર પદની ઉપાસના. ચોથા પંચસૂત્રમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મ.સા. એ બે પ્યારા શબ્દો આપ્યા. અભિવ્રજ્યા, પ્રવ્રજ્યા. પહેલા અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા પરમાત્માનું એક પરમ સંમોહન. તમે એ પ્રભુ વિના એક ક્ષણ રહી ન શકો. એ પરમ સંમોહન પ્રભુનું અનુભવાય પછી પ્રવ્રજ્યા – પ્રભુના માર્ગ પર દોડવાનું.
મેઘકુમાર પહેલી જ વાર પ્રભુના સમવસરણમાં ગયા. પહેલીવાર પ્રભુનું દર્શન થયું. પહેલીવાર પ્રભુની વાણીને પીધી. એટલા clean bowled થઇ ગયા, એ જ વખતે હૃદયમાં નક્કી થઇ ગયું, કે આ શ્રી ચરણો વિના એક ક્ષણ રહેવું હવે શક્ય નથી. ઘરે આવીને માં ને કહી દીધું, માં! પ્રભુનું સંમોહન પુરા અસ્તિત્વ પર એવું લાગી ગયું છે કે એ પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. અને મેઘકુમાર પ્રવ્રજ્યાના પથ પર આવ્યા. પ્રભુના આજ્ઞા પથ ઉપર એ દોડ્યા. કેવું દોડ્યા?! એમણે પ્રભુને કહ્યું, પ્રભુ! આંખ સંયમની સાધના માટે જરૂરી છે. એટલે એક આંખમાં કંઈક તકલીફ થાય તો એની ચિકિત્સાની મને છૂટ આપો. બાકી શરીરના કોઈ પણ અંગમાં, કોઈ પણ વ્યાધિ આવે, કોઈ પણ તકલીફ આવે ચિકિત્સા મારે નહિ કરવાની. એની સામે મારે જોવાનું પણ નહિ. પહેલા અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા.
એકવાર પરમાત્માનું પરમ સંમોહન લાગી ગયું, પછી પ્રભુના પથ ઉપર દોડવું એ બહુ જ સરળ વાત છે. અને પ્રવ્રજ્યા મળ્યા પછી, પછી તો જલસો! પ્રવ્રજ્યા મળ્યા પછી સદ્ગુરુ તમને સાધના આપે. તમે એ સાધનાને ઘૂંટો, અને એ સાધનાને આત્મસાત્ કરો. પહેલા સદ્ગુરુદેવ તમને સાધના આપશે. એ સાધના વ્યવહાર અને નિશ્ચયના મિશ્રણવાળી હશે.
દેવચંદ્રજી મ.સા. એ એક મજાની સાધના આપી. આપણે આજે દેવચંદ્રજી મ.સા. પાસેથી એ સાધનાને મેળવવી છે, એ સાધનાને ઘૂંટવી છે અને એ સાધનાને આત્મસાત્ કરવી છે.
બહુ જ પ્યારી સાધના દેવચંદ્રજી મ.સા. આપે છે: ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા’ મુનિ પદની પૂજામાં એમણે આ સાધના આપી. નિશ્ચય અને વ્યવહારનું બહુ જ મજાનું balancing આ સાધનામાં એમણે આપ્યું. નાનકડી કડી યાદ રહી ગઈ? ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા’ પહેલા નિશ્ચય સાધના પકડાઈ. એક વ્યક્તિએ પ્રભુના ચરણોની અંદર જીવન સમર્પિત કર્યું. પ્રભુ, સદ્ગુરુ એને શું આપે? અગણિત જન્મોમાં તમને જે નથી મળ્યું, એ આ જન્મમાં પ્રભુ અને સદ્ગુરુ તમને આપી રહ્યા છે. આપણે માનીએ, કે very first time આપણે સાધના દીક્ષા લેવા માટે બેઠા છીએ.
તો કેટલી મજાની સાધના આપે છે. તું, શુદ્ધ સ્વરૂપદશામાં સ્થિર થઇ જા! પ્રભુની આ નિશ્ચય આજ્ઞા એને નિશ્ચય સાધના રૂપે દેવચંદ્રજી મ.સા. એ આપી. પ્રભુની નિશ્ચય આજ્ઞા શું? વ્યવહાર આજ્ઞા ઘણી બધી: સામાચારી પાલન, પંચાચાર પાલન. પણ પ્રભુની નિશ્ચય આજ્ઞા કઈ? પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે, તું તારા સ્વરૂપ સ્થિર થા. દેવચંદ્રજી મ.સા. એ જ સાધના આપણને આપે છે. ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે – પ્રભુની સાધનાની એક વિશેષતા કહું, બીજી જગ્યાએ પણ નિશ્ચય સાધના સીધી આપી દેવામાં આવતી હોય છે. પણ માત્ર નિશ્ચય સાધના આપવાનો કોઈ અર્થ નથી. એ નિશ્ચય સાધના સુધી કેમ પહોંચાય… એનો માર્ગ પણ આપવો જોઈએ.
વ્યવહાર એ માર્ગ છે , નિશ્ચય એ મંઝિલ છે. પ્રભુની સાધનાની આ વિશેષતા છે. અને એટલે દુનિયાની સેંકડો સાધના પદ્ધતિઓને જોયા પછી પ્રભુની આ સાધના પદ્ધતિ ઉપર ઓવારી ગયેલો હું છું. કે વાહ! આટલી અદ્ભુત સાધના ક્યાંય નથી. તો સ્વરૂપદશામાં સ્થિર થવું. એ પ્રભુની નિશ્ચય આજ્ઞા. અને એને જ દેવચંદ્રજી મ.સા. નિશ્ચય સાધના રૂપે આપે છે. તે દીક્ષા લીધી, હવે તારે શું કરવાનું? તારે તારા સ્વરૂપમાં સ્થિર થવાનું.
એ નિશ્ચય સાધના આપ્યા પછી તરત જ વ્યવહાર સાધના આપે છે. ‘દેહ નિર્મમ નિર્મદા’ વ્યવહાર સાધના બે આપે છે:
આપણને આપણા શુદ્ધ સ્વરૂપ તરફ જવામાં અવરોધ રૂપ કોણ? કોઈ પણ સાધનામાં આપણા માટે અવરોધક તત્વો ત્રણ છ રાગ, દ્વેષ અને અહંકાર. એ ત્રણ શિથિલ બની જાય પછી સાધનાનો માર્ગ સરળ છે. આયંબિલની ઓળી કરવી હતી પણ શરીરનો રાગ આવી ગયો એટલે ઓળી ન થઇ. રાગ, દ્વેષ આવે અને અહંકાર આવે. તમારી સાધના ખોળંગાઈ જવાની. અને એમાં પણ અહંકાર તો મુખ્ય અવરોધક છે. ‘હું’ એટલે શરીર. તમે અહંકારના લયમાં હોવ ત્યારે ‘હું’ તરીકે કોને પકડો શરીરને પકડો? શરીર એટલે ‘હું.’ હવે ભાઈ શરીર એટલે તું છે. તો તું સાધના શરૂ જ શી રીતે કરી શકીશ…? પહેલાં મેં કહેલું: કે મારો આત્મા વાસ્તવિક રૂપે નિર્મળ છે. સત્તા રૂપે નિર્મળ છે, પણ અત્યારે કર્મોથી ઘેરાઈ ગયેલ છે. એ મારી સ્વરૂપદશાને મારે નિર્મળ બનાવવી છે, પણ હું એટલે શરીર હોય, અને હું એટલે આત્મા હોય જ નહિ, તો સાધના શરૂ જ ક્યાંથી થવાની…?! એટલે રાગ અને દ્વેષને શિથિલ બનાવવા છે. અહંકારને શિથિલ બનાવવો છે. શું મજાની વ્યવહાર સાધના છે!
તો રાગ અને દ્વેષને શિથિલ બનાવવા માટે પહેલી સાધના આપી, દેહ નિર્મમ. Body attachment છુટી જવું જોઈએ. રાગ પદાર્થો ઉપર છે. વ્યક્તિઓ ઉપર છે. પણ સૌથી વધારે રાગ શરીર ઉપર છે. એ શરીર પરનો રાગ શિથિલ બની ગયો. તો એક અવરોધ દૂર થયો. અને દ્વેષ જે છે ને એ તો by product છે. રાગ ને કારણે લગભગ દ્વેષ થતો હોય છે. એક વસ્તુ તમને ગમે છે, કોઈએ એને લઇ લીધી. તમને એ વ્યક્તિ ઉપર ગુસ્સો આવ્યો. ગુસ્સો કેમ આવ્યો? રાગ ને કારણે. તો body attachment ખરે એટલે રાગ શિથિલ બને. દ્વેષ શિથિલ બને.
અને બીજી સાધના આપે છે નીર્મદા. અહંકારથી પર બની જાવ. હું એટલે શરીર નહિ, હું એટલે મન નહિ, હું એટલે નામ નહિ. હું આ બધાથી પર નિર્મળ આત્મસ્વરૂપ છું. કેટલી મજાની સાધના આપવામાં આવી! આ સાધનાને તમારે ઘૂંટવાની. અને એ સાધનાને તમે ઘૂંટો એ સાધના આત્મસાત્ થઇ જાય. પછી તમારો ઉપયોગ સતત તમારા નિર્મળ સ્વરૂપમાં હશે.
એક મજાની ઘટના સદીઓ પહેલાંની છે. બહુ જ જ્ઞાની આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરિ મહારાજા. પરમજ્ઞાની, પરમચારિત્ર્યવાન, સેંકડો એમના શિષ્યો. એ બધા જ શિષ્યોની સારણા, વારણા કરવાની અને છતાં પોતાની ભીતર સ્થિર રહેવાનું!
પદ્મવિજય મ.સા. એ નવપદ પૂજામાં આ એક સાધના આપી છે. આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો સ્વમાં સ્થિર હોય છે. બહુ પ્યારી કડી આપી: ‘સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો’ એક શિષ્યને યાદ કરાવ્યું, બેટા! તારો સ્વાધ્યાય થઇ ગયો? બીજાને કોઈ વસ્તુની ના પાડી. કે બેટા! તારે આ કરવાનું નથી. ત્રીજાને કહ્યું: કેમ? કાલે તને ના પાડેલી આજે કેમ કર્યું તે? સહેજ ઠપકાના લયમાં બે શબ્દો આપે છે. આ રીતે સારણા, વારણા, ચોયણા, પડિચોયણા બધું જ કરવા છતાં એ આચાર્ય ભગવંતો, એ ઉપાધ્યાય ભગવંતો પોતાની ભીતર રહે છે. તમારા માટે આ મજાનું સૂત્ર નથી?! તમારા દીકરાઓ છે, દીકરીઓ છે, એના સંસ્કારોની કાળજી તમે રાખો. તમે પ્રેમથી એને સૂચના આપો. માને તો ઠીક. ન માને તો પણ તમારી સમાધિ તૂટવી ન જોઈએ. સેંકડો શિષ્યો છે, એ બધાનું યોગક્ષેમ થઇ રહ્યું છે અને છતાં આચાર્ય ભગવંત પોતાની ભીતર છે. એકવાર છે ને અંદરનો રસ માણી લો, તમે બહાર જશો નહિ, એમ નહિ કહું, બહાર જઈ શકશો જ નહિ. ભીતરનો રસ માણ્યો; બહારની દુનિયા છૂટી ગઈ. અને એટલે જ વારંવાર આ રસની વાત કરું છું. મેં માણ્યો છે. મજા આવી ગઈ. અને તમે ન માણો તો ચાલે ખરું?
તો એ આચાર્ય ભગવંતને એકવાર સાપ કરડે છે. સાંજનો સમય, ઉપાશ્રયની પાછળ જંગલ જેવું હતું. એક સાપ આવ્યો અને આચાર્ય ભગવંતના ચરણે એણે ડંખ માર્યો. સાપે ડંખ માર્યો, એ ઘટના છે અને એ ઘટનાને આચાર્ય ભગવંત માત્ર જોઈ રહ્યા છે! એ ઘટનામાં પણ સાહેબજીનો ઉપયોગ involve થતો નથી! આપણે કહીએ કે સામાન્ય ઘટનામાં તો આપણો ઉપયોગ ન જાય. પણ આવી વિશિષ્ટ ઘટના બની હોય તો? તો પણ જ્યારે ઉપયોગ સ્વમાં સ્થિર થઇ ગયો ત્યારે આટલી મોટી કહેવાતી ઘટના એ પણ માત્ર ઘટના છે. એથી વિશેષ કાંઈ જ નહિ. ક્રમબદ્ધ પર્યાય. એ સમયે એ પર્યાય ખુલવાનો હતો, ખુલી ગયો. આચાર્ય ભગવંતની દ્રષ્ટિ આ છે. કે સાપ કરડી ગયો. એક ઘટના ઘટી ગઈ. એક પર્યાય ખુલી ગયો. અનંત જ્ઞાની ભગવંતોએ આ પર્યાયને આ સમયે ખુલતો જોયેલો હતો. તો એ સમયે એ પર્યાય ખુલી ગયો. આથી વધુ એમની દ્રષ્ટિ આગળ ક્યાંય જતી નથી. પણ શિષ્યો બેબાકળા બની ગયા. ગુરુદેવને સાપ કરડ્યો, શું કરવું જોઈએ? ઝેરને ઉતારવા માટે શું કરવું જોઈએ? શ્રાવકો આવ્યા, દોડાદોડ શરૂ થઇ ગઈ.
બે દ્રષ્ટિકોણ આમને-સામને છે. આચાર્ય ભગવંતનો દ્રષ્ટિકોણ માત્ર ક્રમબદ્ધ પર્યાયનો છે. જે વખતે જે ઘટના ઘટવાની હોય એ ઘટ્યા કરે. ઘટના એ સમયે ઘટવાની જ છે અને ઘટી પણ ગઈ. હવે ઘટવાની હતી, ઘટી પણ ગઈ. તો તમારા ઉપયોગને એમાં શા માટે લઇ જવો?!
એક સૂત્ર હું વારંવાર કહું છું, તમારો ઉપયોગ પરમાં જાય, બહારની કોઈ ઘટનામાં જાય, એ તમે કરેલી પ્રભુની આશાતના છે. આ જન્મમાં ચોવીસે ચોવીસ કલાક તમારો ઉપયોગ પ્રભુમય જ હોવો જોઈએ. એક ક્ષણ માટે પણ તમારો ઉપયોગ પરમાં જાય તો એ તમે કરેલી પ્રભુની આશાતના છે. તમારો ઉપયોગ પરમાં ન જાય, એના માટે પ્રભુએ આખી આ સાધના આપી.
તો આચાર્ય ભગવંત માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ હતો. ઘટના ઘટી ગઈ છે. એને સ્વીકારવાની છે. પણ શિષ્યોનો દ્રષ્ટિકોણ અલગ છે. શિષ્યો માટે ગુરૂદેવનો દેહ પરમ કલ્યાણમય છે. એ દેહમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા પોતાને purify કરી દે છે. સદ્ગુરુના ચરણમાંથી નીકળતી ઉર્જા એને જો બરોબર લેવામાં આવે ને તો તમે totally purify થઇ જાવ.
અરણીક મુનિ વેશ્યાને ત્યાંથી ગુરુદેવ પાસે આવ્યા. શું કર્યું એમણે? બીજું કંઈ જ કર્યું નથી. ગુરુદેવના ચરણ ઉપર પોતાનું મસ્તક એમને ટેકવ્યું છે. અને સદ્ગુરુના ચરણમાંથી નીકળતી ઉર્જા એ અરણીક મુનિને purify બનાવી દીધા છે. શિષ્યો માટે સદ્ગુરુનું હોવું, સદ્ગુરુના દેહનું હોવું એ પણ મહત્વપૂર્ણ ઘટના છે. જરૂર, ગુરુ વિદેહ થાય, ગુરુદેવ કાળધર્મને પામે, એ પછી પણ એમની ઉર્જાને લઇ શકાય છે પણ એના માટે આપણો પ્રયાસ એકદમ સૂક્ષ્મ બનવો જોઈએ. જ્યારે સદ્ગુરુ વિદ્યમાન છે ત્યારે, માત્ર એમના ચરણોનો સ્પર્શ કરીએ, એમના ચરણે મસ્તક લગાવીએ, અને આપણે એ વખતે અહોભાવથી છલોછલ ભરાયેલા હોઈએ; આપણે totally purify થઇ જઈએ. સદ્ગુરુની એક ક્ષણ… સદ્ગુરુના ચરણના સ્પર્શની એક ક્ષણ અને તમારા સેંકડો, હજારો પાપોથી તમને મુક્તિ મળી જાય! પણ, બે વાત છે. સદ્ગુરુના ચરણોમાંથી તો ઉર્જા મળ્યા જ કરે છે, પણ એ ઉર્જાને receive કેમ કરવી?
પરમાત્મા પાસે તમે જાવ છો. પ્રભુના નવે અંગમાંથી ઉર્જા નીકળી રહી છે. અમે લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને એ વખતે વિશ્વ વ્યાપી પરમચેતનાને મૂર્તિમાં અવતરિત કરી. પછી એક ઝરણું થયું. વિશ્વ વ્યાપી પરમચેતના મૂર્તિમાં દાખલ થાય, અને બહાર નીકળે. પણ, નવ ચૈતન્ય કેન્દ્રો દ્વારા, એ ઉર્જા બહાર નીકળે છે. તમે રોજ પ્રભુના નવે અંગોનો સ્પર્શ કરો છો. કેટલી ઝણઝણાતી- કેટલી ખલબલાટી એ વખતે થાય છે બોલો તો…? આવી ઉર્જા…! એ તમને મળે..! કેટલી ખલબલાટી થાય?! પૂરું શરીર રણઝણી ઉઠે! પણ બે વાત છે: ત્યાંથી ઉર્જા નીકળે છે? એ ઉર્જાને receive કેમ કરવી એ તમારે જોવું પડશે? બીજું કાંઈ જ નહિ, એકમાત્ર, માત્ર અહોભાવ. અહોભાવથી, ભક્તિથી તમારું હૃદય છલોછલ ભરાયેલું છે. પ્રભુની ઉર્જા તમને મળી ગઈ!
તો શિષ્યોનો દ્રષ્ટિકોણ એ છે કે સદ્ગુરુના દેહમાંથી, એમના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે, એ અમને પવિત્ર બનાવી દે છે. એ ઉર્જા ન હોય તો અમારું થાય શું? વિહ્વળ બની ગયા છે શિષ્યો, આકુળ-વ્યાકુળ બની ગયા છે. આ ગુરુદેવ ન હોય તો અમારું શું થાય? આ સદ્ગુરુ એ જ જીવન. આ પ્રભુ એ જ જીવન. પ્રભુ ન હોય, સદ્ગુરુ ન હોય, અમે જીવીએ શી રીતે? તો શિષ્યો ધ્રુસકે ધ્રુસકે રડે છે. જો ઝેર શરીરમાંથી લેવાઈ ગયું, તો તો બરોબર. નહીતર શું થશે? અને ગુરુદેવ ન હોય તો અમારું જીવન કેવું? અમારું સંયમ કેવું? અમારા સંયમી જીવનની એક – એક ક્ષણની ધ્યાન રાખનાર ગુરુદેવ એ ન હોય તો સંયમ કેવું અમારી પાસે?!
સદ્ગુરુ ચેતનાનું એક વચન છે. તમને પણ મળે, અને આમને પણ મળે. સદ્ગુરુ ચેતનાનું એક વચન છે, ભક્તો પ્રત્યેનું, શિષ્યો પ્રત્યેનું: ‘યોગક્ષેમં વહામ્યહમ્’ ભાઈ! તું જો મારી આજ્ઞામાં આવું ગયો છે, તું જો મને સમર્પિત થઇ ગયો છે. તો તારું યોગ અને ક્ષેમ એની જવાબદારી મારી છે. ગુરુ ચેતનાએ તમને આપેલો આ કૉલ. કોઈ પણ સાધનાની પ્રાપ્તિ તમારે કરવાની જરૂર નહિ. ગુરુદેવ એ સાધના તમને આપશે. એ સાધના આપ્યા પછી એ સાધના વધ્યા જ કરે. વધ્યા જ કરે. વધ્યા જ કરે. સહેજ પણ ઘટે નહિ. એને જોવાનું કામ પણ સદ્ગુરુ કરે. સદ્ગુરુનો આ કૉલ. પણ એની સામે શિષ્યનો, સાધકનો પણ એક કૉલ છે. ‘કરિષ્યે વચનં તવ’ ગુરુદેવ તમારી આજ્ઞા એ જ મારું જીવન.
યાદ રાખો! અમારા શિષ્યોને – સાધ્વીજીઓને સીધી આજ્ઞા અમે કરી નહિ શકીએ. બેટા આમ કરવાનું જ છે. તમને એવી આજ્ઞા આપીશું, કે તમે કરી શકશો. તમને જોઇને – તમારી સંસારની પરિસ્થિતિને જોઇને અમે તમને આજ્ઞા આપીશું. અને એટલે જ, તમે સામાયિક પારો, આદેશ માંગો, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક પારું? અમે હા તો ન કહી શકીએ. કારણ હા કહીએ તો તમે સંસારમાં જાવ, અનુમોદનાનું પાપ અમને લાગે. પણ અમે ના પણ કહેતાં નથી. અમને લાગે કે એને જવું જ પડે એમ છે તો અમે એવી આજ્ઞા નહિ આપીએ. અમે નહિ કહીએ કે નહિ સામાયિક પારવાનું નથી. ક્યારેય પણ કોઈ ગુરુએ તમને કહ્યું ખરું? નહિ, બીજું સામાયિક લઇ લે, પારવાનું નથી. તો તમારો યોગક્ષેમ આટલા પ્રેમથી અમે કરીએ છીએ. તમારી સાંસારિક પરિસ્થિતિને સામે રાખીને તમે જેટલી આરાધના કરી શકો એમ છો, એટલી આરાધનામાં તમને બરોબર જોડવા એ કામ અમારું છે. તો તમારા માટે પણ અમારો આ કૉલ છે. ‘યોગક્ષેમં વહામ્યહમ્’ યોગ અને ક્ષેમ બેઉ અમારે કરવા છે. તમારે માત્ર સદ્ગુરુને સમર્પિત થઇ જવું છે.
આજે આપણે સાધના આપવાની વાત કરીએ. તમારા તરફ પણ આ વાત છે. તમારી પાસે અભિવ્રજ્યા આવી. પ્રભુની ભક્તિ આવી. હવે તમારે પ્રભુના માર્ગ ઉપર દોડવું છે. શ્રાવકત્વના માર્ગ ઉપર દોડવું છે. તો તમને પણ સાધના અમે આપશું. એ સાધના કેમ ઘૂંટવી. એ પણ અમે તમને બતાવશું. અને એ સાધના આત્મસાત્ કેમ થાય એ પણ અમે કરી આપશું.
વચ્ચે એક ઘટના કહું. મુંબઈની જ ઘટના છે. એક યુવાન એક મ.સા.ને ગોચરી માટે પોતાને ત્યાં લઇ ગયો. એ યુવાનની માં બે-ત્રણ વર્ષથી પેરેલાઈસસમાં માં હતી. બિલકુલ પથારીમાં.. એક પણ અંગ બરોબર વ્યવસ્થિત નહિ. લકવો મારી ગયેલો. જીભ પણ લકવાવાળી. બરોબર બોલી શકાય નહિ. એ યુવાને કહ્યું: સાહેબજી! મારી માં ને માંગલિક સંભળાવો. પછી એણે કહ્યું કે સાહેબજી! એક વસ્તુ આપ જોશો ને તો આપને પણ આનંદ થશે. ગુરુદેવે પૂછ્યું: શું? તો કહે કે બે મિનિટ સાહેબ આપ જોવો. એ યુવાને પોતાની માં ને કહ્યું, માં! મારું નામ બોલ તો. એ દીકરાનું નામ નયન હતું. કોઈ કાનો માત્ર નહિ, કોઈ જોડાક્ષર નહિ. પણ એ નામ બોલતાં બોલતાં એની જીભ અચકાય છે. દીકરાનું નામ એ પૂરું બોલી શકતી નથી. પછી દીકરાએ કહ્યું, માં! નવકાર મંત્ર બોલ તો, એ માં પૂરો નવકાર મંત્ર સ્પષ્ટ રીતે ઉચ્ચારે છે! ગુરુદેવ! પણ આ દ્રશ્ય જોઇને ચોંકી ગયા. એમણે કહ્યું, આ નવકાર મંત્ર કેટલો આત્મસાત્ થયો હશે, કે આ પરિસ્થિતિમાં પણ એનો ઉચ્ચાર એ બરોબર કરી શકે છે! દીકરાના નામનો ઉચ્ચાર એ બરોબર કરી શકતા નથી. અને નવકાર મંત્રનો ઉચ્ચાર perfectly કરી શકે છે!
આ શું હતું? ગુરુદેવ પાસે ઉપધાન કરેલા. નવકાર મંત્ર લીધેલો. એ સાધના લીધી, એ સાધનાને ઘૂંટી, નવ લાખ નવકારમંત્રનો જાપ કર્યો. ઘૂંટાઈ ગઈ સાધના. અને આત્મસાત્ થઇ. અમારે તમારા ઉપર પણ આ કામ કરવું છે. એક-એક સાધના અમે આપીએ, એ સાધના ઘૂંટાય, અને એ સાધના એવી આત્મસાત્ થાય કે તમે બીજું બધું ભુલી શકો, એ સાધના ભુલી ન શકો.
કેવું મજાનું શાસન છે બોલો… એક-એક સદ્ગુરુ ચેતના તમારા ઉપર યોગ અને ક્ષેમ કરવા માટે તૈયાર છે. હવે તમારે નક્કી કરવું છે. કે પ્રભુની આ સાધના મળેલી છે. મારા માટેની proper સાધના કઈ એ ગુરુદેવ નક્કી કરે. એટલે ગુરુદેવ પાસે આવું. સાહેબજી મને ૩ કલાક – ૪ કલાક મળે એમ છે, એમાં અત્યારે આ સાધના કરું છું. પણ હવે મારે મારી સાધનાને ગુરુદત્ત બનાવવી છે. આપ મને સાધના આપો. એ સાધનાને કેમ ઘૂંટવી એ બતાવો. અને એ સાધના એવી આત્મસાત્ બને કે શરીર છૂટી જશે, સાધના જોડે આવશે. આવતાં જન્મની અંદર આ સાધના આપણી સાથે આવશે. તો સદ્ગુરુ ચેતના યોગ અને ક્ષેમ કરવા માટે તૈયાર છે. તમે તૈયાર? અમે તૈયાર… તમે તૈયાર?
પેલા શિષ્યો ધ્રુસકે ધ્રુસકે રડે છે, ગુરુદેવ ન હોય તો અમારું જીવન કેવું? જીવન એટલે શું? શ્વાસ લેવો એ કોઈ જીવન નથી. શરીરનું હોવું એ એક જીવન નથી. સાધકની જીવન માટેની પરિભાષા અલગ છે. સાધનાનું હોવું એ જીવન. તો ગુરુદેવ ન હોય તો સાધના કેવી? સાધના નહિ તો જીવન કેવું? શિષ્યો ધ્રુસકે ધ્રુસકે રડે છે. શ્રાવકો અહીંથી તહી દોડે છે. કોઈ માંત્રિકને લાઈએ, કોઈ તાંત્રિકને લાવીએ. ગુરુદેવને થયું, આ લોકો બહુ દોડાદોડી કરશે અને વિરાધના કરશે. એ વખતે વિચાર પોતાના માટે થતી વિરાધનાનો આવે છે. મારા માટે દોડાદોડી કરશે. વિરાધના કરશે. એવા જ્ઞાની હતા કે જ્ઞાનનો ઉપયોગ મુકે એટલે ભવિષ્યના પર્યાયો બધા જાણી શકે એમ હતા. છતાં અત્યાર સુધી શું થવાનું છે એ જાણવાની એમની ઈચ્છા નહોતી. જે પર્યાય ખુલવાનો હશે એ ખુલી જશે. દેહ જવાનો હશે તો જશે. પણ જોયું, કે એક બાજુ શિષ્યોની વેદના, બીજી બાજુ શ્રાવકો દ્વારા થતી વિરાધના. હવે જ્ઞાનનો ઉપયોગ મુક્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે પોતાનું આ ઝેર કંઈ રીતે દૂર થવાનું છે. ધ્યાનથી જોયા પછી અગ્રણી શ્રાવકોને સાહેબે બોલાવ્યા. એટલા જ સ્વસ્થ છે હો…! ઝેર ફેલાઈ રહ્યું છે. સાપ કરડ્યો ન હોય ને ખાલી આમ ફૂંફાળો સંભળાયો હોય ને તો પણ માણસ ગભરાઈ જાય. સાલું શું થયું હશે? સાપ કરડ્યો છે. જે ઘટના ઘટી એ ઘટી. અને ઘટવાની છે એને ઘટવા દો. હવે આવી વ્યક્તિને કોણ પીડિત કરી શકે બોલો….? પરમ આનંદમાં જ હોય.
તો સાહેબજીએ અગ્રણી શ્રાવકોને કહ્યું: તમે દોડાદોડ નહિ કરો, વિરાધના નહિ કરો મારા માટે. કાલે સવારે નગરના પૂર્વ દિશાના દરવાજે તમે ઉભા રહેજો. એક કઠિયારણ આવશે. આવા રૂપ રંગની, આટલા વાગે. એ જંગલમાંથી લાકડાનો ભારો લઈને આવશે. એનો લાકડાનો ભારો ઈંઢોણી સાથે લઇ લેજો તમે. એની ઈંઢોણી સામાન્ય ઈંઢોણી નથી પણ જંગલની અંદર એક વિષહર વેલડી થાય છે. એવી વેલડી કે જેનો સહેજ રસ ડંખના સ્થાને લગાડીએ તો ઝેર ચુસાઈ જાય. એવી વિષહર વેલડી જે છે. એની એને ઈંઢોણી બનાવી છે. તો તમે લાકડાની ભારી ઈંઢોણી સાથે ખરીદી લેજો. અને એ વેલડી સહેજ ઘસી એનો રસ મારા પગે ચોપડવામાં આવશે. એટલે ઝેર નીકળી જશે.
શ્રાવકો નિશ્ચિંત રૂપે સૂઈ ગયા હવે સવારે જ વાત. સવારે એ રીતે ગયા. કઠિયારણ આવી. ભારો લઇ લીધો. ઈંઢોણી પણ લઇ લીધી. અને એ વિષહર વલ્લી સહેજ એને ઘૂંટી, રસ કાઢ્યો, અને એ રસ ગુરુદેવના પગે લગાડ્યો, ઝેર ચુંસાઈ ગયું. અને ગુરુદેવનું શરીર સ્વસ્થ! ગુરુદેવ તો સ્વસ્થ જ હતા. શરીર પણ સ્વસ્થ બન્યું.
હવે વિચાર કરો, આટલા મોટા જ્ઞાની ગુરુ હતા. જે સેંકડો શિષ્યોનું યોગ અને ક્ષેમ કરનારા હતા. એમના શરીરના દર્દ માટે વિરાધના કેટલી થઇ? વનસ્પતિકાયની વિરાધના થઇ. એક વેલડી જે સચિત હતી, એનો રસ કાઢી અને ગુરુદેવને પગે લગાડવામાં આવેલો હતો. આટલી વિરાધનાનું પ્રાયશ્ચિત્ત ગુરુદેવને પોતાને જ કરવાનું હતું. શિષ્યોની આલોચના હોય તો ગુરુદેવ પ્રાયશ્ચિત્ત આપે. આ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત ગુરુદેવે કરવાનું હતું. તમે સાંભળીને નવાઈમાં પામશો, આટલી નાનકડી વિરાધના અને એ ગુરુદેવે એ જ વખતે નક્કી કર્યું કે પ્રાયશ્ચિત્તમાં યાવજજીવન છ વિગઈનો ત્યાગ.
તો આવા સદ્ગુરુ હતા, જેમણે પ્રભુ પાસેથી, સદ્ગુરુ પાસેથી, સાધના મેળવેલી, ઘૂંટેલી. આત્મસાત્ કરેલી. અને એ આત્મસાત્ સાધના જેમણે કરેલી છે એવા ગુરુઓ પાસેથી આપણને સાધના મળે છે. કેટલા બડભાગી છીએ આપણે!
તો પ્રવ્રજ્યા પછી સાધના સદ્ગુરુદેવ દ્વારા મળે. એને તમે ઘૂંટો અને એને તમે આત્મસાત કરો. તમારે પણ એ જ કામ કરવાનું છે. એક વિશેષ સાધના લેવાની છે, ભલે ગુરુદેવ એક નવકારવાળી ગણવાની તમને સાધના આપે. પણ એ સાધના તમારા માટે એક વિશિષ્ટ સાધના બની જાય. કારણ ગુરુદેવે તમને આપેલી છે. એ સાધના ગુરુદેવ આપે. તમે એને સ્વીકારો. એ સાધનાને બરોબર ઘૂંટો. એને તમે આત્મસાત કરો. તો તમારું જીવન સાધનામય બની જાય.