Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 58

45 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તપ પદ

અભ્યંતર તપના છ પ્રકાર. એમાં બે ત્રિપદી છે. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ – એ સાધન ત્રિપદી. પ્રાયશ્ચિત દ્વારા રાગ અને દ્વેષ શિથિલ બને. વિનય અને વૈયાવચ્ચ આપ્યા અહંકારને શિથિલ બનાવવા માટે. આ સાધન ત્રિપદી મોહનીયનો ક્ષયોપશમ કરાવીને એક foundation તૈયાર કરે.

સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ – એ સાધ્ય ત્રિપદી. આ સાધ્ય ત્રિપદીમાં તમે તમારી ભીતર ઊતરી જાઓ. સ્વાધ્યાય એટલે સ્વનું જ્ઞાન; હું કોણ છું – એનું જ્ઞાન. અને ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા એ સ્વની અનુભૂતિ મળે.

જો પ્રભુએ કહેલી સાધનાને સમ્યક્ રીતે આરાધવી હશે, તો મોહનીયના ક્ષયોપશમ વિના ચાલશે નહિ. પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર – આ બે તમારી પાસે આવી જાય, તો મોહનીયનો ક્ષયોપશમ બહુ ઝડપથી થઈ જાય.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૮

શાશ્વતી ઓળીનો આજે નવમો અને છેલ્લો દિવસ. આજે તપપદની ઉપાસના.

એક ઘટના યાદ આવે. મુંબઈમાં એક યુવાને સોળભત્તું કર્યું. પારણું પારણા પાંચમે જ આવતું હતું. પત્રિકાઓ છપાઈ ગઈ પારણાની. સંબંધીઓને મોકલાઈ પણ ગઈ. એક સંબંધી પાલનપુરમાં રહેતા હતા. પર્યુષણની અંદર એમને પત્રિકા મળી પણ એ પોતે જ ચોસઠપ્રહરી પૌષધમાં હતા. પછી પણ સંઘના અગ્રણી હોવાના કારણે તપસ્વીઓના પારણા, તપસ્વીઓનું બહુમાન, રથયાત્રા, ચૈત્યપરિપાર્ટી આ બધા જ કાર્યક્રમો અઠવાડિયા સુધી ચાલવાના હતા. એટલે એ ભાઈએ વિચાર્યું કે પર્યુષણ પછી અઠવાડિયા-દસ દિવસે મુંબઈ જઈને એની શાતા જરૂર પૂછી આવીશ. દસને બદલે બાર દિવસ થઈ ગયા, પર્યુષણ પછી.

એ પાલનપુરવાળા ભાઈ બોમ્બે સેન્ટ્રલ રાત્રે ૯-૯.૧૫ એ પહોંચ્યા. ટેક્ષી કરી પેલા ભાઈને ઘરે ગયા. દસ વાગે એ ઘરમાં એ પ્રવેશ્યા. પેલો યુવાન સોળભત્તાના પારણા પછી ઓફિસે જતો ચાલુ થઈ ગયેલો. રોજના નિયમ પ્રમાણે રાત્રે પોણા દસે આવેલો ઘરે, હાથ મોઢું ધોઈ અને એ ડાઈનિંગ ટેબલ ઉપર જમવા માટે બેઠેલો. પેલો ભાઈ એ સોળભત્તાવાળાની શાતા પૂછવા આવે છે અને એ સોળભત્તાનો આરાધક રાતના દસ વાગે ડાઈનિંગ ટેબલ પર બેસીને ગરમાગરમ ભાખરી અને શાક ખાય રહ્યો છે. એ ભાઈએ શું કર્યું, એ પછી કહું. તમે હોવ તો શું થાય? ભલે બોલો નહિ. મનમાં વિચાર તો આવે… કે આ સોળભત્તું કર્યું! આ સોળભત્તું કર્યું કે લજવ્યું! સાલા સોળ-સોળ દિવસ તું ભૂખ્યો રહી શક્યો! આખો દિવસ ઠોક-ઠોક કર્યું હશે. રાત્રે દસ વાગે તું ખાવાનું છોડી શકતો નથી?! આ જ વિચાર આવે ને તમને?

એ ઘટના એટલી મજાની છે…! એ પાલનપુરવાળો ભાઈ Literally પેલાના પગમાં પડે છે! પેલો રાતના દસ વાગે ગરમાગરમ જમી રહ્યો છે. પેલો એના પગમાં પડે છે! પેલાનું જમવાનું પૂરું થયું. બેઉ બેઠાં. એ વખતે આ પાલનપુરવાળા ભાઈએ કહ્યું, શું પ્રભુની કૃપા..! શું ગુરુદેવના પચ્ચક્ખાણની કૃપા…! તમે સોળભત્તું કરી શકેલા! વાહ! ધન્યવાદ છે તમને! પ્રભુની કૃપા તો હોય જ છે. સદ્ગુરુની કૃપા પણ વરસતી હોય છે તમે એને ઝીલી લીધી અને સોળભત્તું કરી લીધું! એ પાલનપુરવાળો ભાઈ કહે છે, તમે સવારે નાસ્તો કર્યો હશે, પછી ટીફીનમાં ગરમાગરમ રોટલી શાક બધું લઇ અને ઓફિસે ગયા હશો, ઓફિસે બાર વાગે તમે જમ્યા હશો, અને ત્રણ વાગે ચા પણ પીધી હશે, પાંચ વાગે હળવો નાસ્તો-સ્નેક્સ લીધા હશે. અને છતાં તમારે રાત્રે દસ વાગે જમવું પડે છે અને એ તમે સોળભત્તું કરી શક્યા?! વાહ! આ અનુમોદના શી રીતે થઈ શકે?

કાંટા અને ગુલાબ બેઉ સાથે જ હોય છે. હવે તમારી દ્રષ્ટિ ઉપર આધાર રહે છે. તમે જો કાંટામાં ગુલાબ જુઓ તમને આનંદ થાય. વાહ! કેવી સર્જનહારની લીલા કે તીક્ષ્ણ કાંટામાં પણ કોમળ-કોમળ ગુલાબોને મુક્યા! અને ગુલાબોની પાંદડીને વીંધતા કાંટા ને જુઓ તો શું થાય? કે આટલા સરસ મજાના ગુલાબ અને એને કાંટાથી વીંધાવું પડે છે! વાત એક જ છે. ફરક તમારાં દ્રષ્ટિકોણનો છે. પાલનપુરવાળા ભાઈનો દ્રષ્ટિકોણ અનુમોદનાનો હતો. તમે અને સોળભત્તું કરી શક્યા?! કેવી પ્રભુની કૃપા! આ અનુમોદનાનો લય શી રીતે આવે? મોહનીયના ક્ષયોપશમ વિના અનુમોદના તમે કરી શકશો નહિ. અત્યાર સુધી અનંતા જન્મોમાં આપણે એક જ કામ કર્યું છે. આપણા જે ગુણો નથી, એને પણ મોટા કરીને બતાવ્યા છે અને બીજાના બહુ મોટા ગુણોને પણ નજરઅંદાજ કરીને આપણે રહ્યા છીએ. જ્યાં સુધી મોહનીયનો ક્ષયોપશમ ન થાય ત્યાં સુધી તમે અનુમોદના નહિ કરી શકો, બીજાના ગુણોને જોઈ નહિ શકો.

એકવાર અમારું ચાતુર્માસ પરમપાવન પાલીતાણામાં હતું. ગુરુદેવની નિશ્રામાં. એ વખતે અભયસાગરજી મહારાજ સાહેબનું પણ ચોમાસું પાલીતાણામાં હતું. એ સાહેબની વાચના સાંભળવી એક જીવનનો લ્હાવો ગણાતો. અમે લોકો પૂરું ચોમાસું સાહેબને પીતા રહ્યાં! સાહેબજી મિશનરીમેન હતા. આવા જે મહાપુરુષો હોય છે ને એ એક દ્રષ્ટિબિંદુ લઈને ચાલે છે. અને એ એક જ દ્રષ્ટિબિંદુની વાત સતત કર્યા કરે છે જેથી તમારી ભીતર એ દ્રષ્ટિબિંદુ ઉગવા લાગે.

કલાપૂર્ણસૂરિદાદા માત્ર પ્રભુની વાતો કરે. પન્યાસજી ભગવંત સાધનાના મર્મોને ઉઘાડી આપે. પૂ.પા.અભયસાગરજી મહારાજ સાહેબ મોહનીયના ક્ષયોપશમ માટે બહુ જ ભાર મુકતા. કેટલી સરળતાથી એ સમજાવતાં. એ અમને કહેતા પ્રેમથી કે તમે લોકો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ માટે બહુ મહેનત કરો છો. બે કલાક, ચાર કલાક, પાંચ કલાક ભણો છો. એકવાર એમણે મજાનું example આપ્યું કે તમે કુશાગ્ર બુદ્ધિવાળા છો. Memory તમારી બહુ સારી છે. એક કલાકમાં તમે પચ્ચીસ ગાથા નવી કરી શકો. સરસ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો. પણ એ વખતે એક કલાકમાં પચ્ચીસ ગાથા નવી કરી એનો અહંકાર આવે તો શું થયું? સાહેબજી કહેતાં, જ્ઞાનાવરણીયનો તમે ક્ષયોપશમ કર્યો, મોહનીયનો ઉદય કર્યો! સાધનામાર્ગમાં આપણે આગળ જવું છે. અને એટલે યાદ રાખો કે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ બહુ જ થોડો હશે તો પણ ચાલશે મોહનીયના ક્ષયોપશમ વિના નહિ ચાલે. અહંકાર તમારો ચૂરેચુરા નહિ થાય તો સાધનામાર્ગમાં તમારી ગતિ શક્ય જ નથી.

શાસ્ત્રમાં એક સરસ પ્રશ્ન કરવામાં આવ્યો છે. એક યુવાન છે. એને દીક્ષા લેવી છે. પંચ પ્રતિક્રમણ ને એ બધું ભણેલો છે. હવે સવાલ કરવામાં આવ્યો કે એને દીક્ષા લેવી છે તો દીક્ષા લેતા પહેલા એને કેટલા શાસ્ત્રો વાંચવા પડે? જવાબ એ આપવામાં આવ્યો કે આવશ્યક ક્રિયાનું જ્ઞાન એની પાસે છે. હવે એને એક પણ ગ્રંથ ભણવાની જરૂર નથી. કારણ, એ દીક્ષા લે છે. સદ્ગુરુને સંપૂર્ણતયા સમર્પિત થાય છે. અને જ્યાં એ સદ્ગુરુને સંપૂર્ણતયા સમર્પિત થયો. સદ્ગુરુનું બધું જ્ઞાન એને મળી જાય! તમારાં શરીરમાં તકલીફ થઈ. તમારાં ફેમીલી ડોકટરે કહ્યું કે મોટી હોસ્પિટલમાં એડમિટ થવું પડશે અને કદાચ ઓપરેશન પણ કરવું પડશે. તમે બ્રીચકેન્ડી કે જસલોકમાં એડમિટ થાવ. તો એટલી મોટી હોસ્પિટલમાં એડમિટ થતા પહેલા તમારી પાસે કેટલું મેડિકલ નોલેજ હોવું જરૂરી છે? તમારી પાસે બિલકુલ મેડિકલ નોલેજ નથી. કોઈ વાંધો નથી. તમે સ્વીકાર્ય છો. You are accepted. માત્ર તમારે હોસ્પિટલમાં એડમિટ થયા પછી મેડિકલ સુપરવિઝન તમને જે કહે એ પ્રમાણે તમારે કરવાનું છે. આ જ વાત અહિયાં છે. સાધુ માટે પણ એ છે, તમારાં માટે પણ એ છે. સદ્ગુરુને તમે સમર્પિત થઈ ગયા પછી તમારે શું કરવું- શું ન કરવું, એ બધુ જ સદ્ગુરુ તમને to the point વારંવાર જણાવ્યા કરશે.

પણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તમારી પાસે નથી તો ચાલી શકશે પણ મોહનીયનો ક્ષયોપશમ નહિ હોય તો નહિ ચાલે. જ્ઞાન તો સદ્ગુરુ આપશે. કે બેટા! તારે આ રીતે ચાલવાનું છે, આ રીતે તારે સાધના કરવાની છે, પણ એ સાધનામાર્ગે તમે એક ઇંચ-એક સેન્ટીમીટર તમે ક્યારે ચાલી શકો? તમે અહોભાવથી છલોછલ ભરાયેલા હોવ ત્યારે. એક-એક ડગલું ચાલો છો સાધનામાર્ગે; તમારી આંખમાંથી આંસુની ધારા વહે છે. કેવી પ્રભુની કૃપા! કેવી સદ્ગુરુની કૃપા! નરક અને નિગોદમાં રખડતા એવા મને મનુષ્ય જન્મમાં પ્રભુ લઈને આવ્યા, એનું શાસન પ્રભુએ મને આપ્યું. એની સાધના સદ્ગુરુ દ્વારા પ્રભુએ મને અપાવી અને એક-એક ડગલું ચાલુ છું એ માત્ર અને માત્ર પ્રભુની કૃપાથી, સદ્ગુરુની કૃપાથી. આ કૃપાનો સ્વીકાર ક્યારે થઈ શકે? જયારે મોહનીયનો ક્ષયોપશમ થાય ત્યારે.

અગણિત જન્મોમાં સાધના કરી. મેં અને તમે. આપણી અતિતની યાત્રામાં સાધના નહિ કરી એમ નહિ માનતા. પ્રભુનું શાસન મને અને તમને મળેલું. મેં અને તમે પ્રભુશાસનની સાધનાઓને ઘૂંટેલી. ગરબડ ક્યાં થઈ? ક્યાં ગરબડ થઈ..? પ્રભુનું શાસન મળ્યું. પ્રભુની સાધના મળી. એ પ્રભુની સાધના મેં અને તમે કરી અને છતાં મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો. Where was the fault? તકલીફ ક્યા હતી? તકલીફ ત્યાં થઈ કે સાધનાની પસંદગીમાં પણ આપણે આપણી બુદ્ધિને મહત્વપૂર્ણ બનાવી અને સાધનામાર્ગે ચાલ્યાં. ત્યાં પણ આપણા કર્તૃત્વને આપણે મહત્વપૂર્ણ માન્યું! કઈ સાધના કરવી? ગુરુએ નક્કી નહોતું કર્યું, તમે નક્કી કરેલું. એટલે તમારી બુદ્ધિ દ્વારા તમે તમારી સાધના પસંદ કરેલી આ પહેલી ભૂલ થઈ. અને પછી તમે પસંદ કરેલી સાધનામાર્ગ ઉપર ચાલ્યા. અને એમાં પણ પાછું તમારું કર્તૃત્વ આવ્યું..! હું આ સાધનામાર્ગ ઉપર ચાલુ છું!

એક અહંકારને કારણે અગણિત જન્મોમાં થયેલી આપણી સાધના વ્યર્થ થઈ. Totally meaningless થઈ. આપણને એનો કોઈ જ લાભ મળી શક્યો નહિ. એટલે આજથી નક્કી કરો કે જો મારે પ્રભુએ કહેલી સાધનાને સમ્યગ્ રીતે આરાધવી છે તો મોહનીયના ક્ષયોપશમ વિના ચાલશે નહિ.

શક્રસ્તવમાં છેડે એક સરસ પંક્તિ આવે છે. ‘गृहाणाऽस्मत्कृतं जपम्’ શક્રસ્તવનો પાઠ કર્યા પછી, ‘ૐ હ્રીં શ્રીં અર્હમ નમઃ’ નો જાપ કરવાનો હોય છે. એ જાપ કર્યા પછી ભક્ત શું કહે છે? ‘गृहाणाऽस्मत्कृतं जपम्’ પ્રભુ મેં આ જે જપ હમણાં કર્યો એને તું સ્વીકારી લે. બહુ મજાની વાત છે. જપનું પુણ્ય કે જપ દ્વારા થયેલી નિર્જરા ભલે મારી પાસે રહે પણ જપનું કર્તૃત્વ પ્રભુ તું લઇ લે. મારી પાસે જો જપનું કર્તૃત્વ આવ્યું તો અહંકારને કારણે મારી એ જપની સાધના સંપૂર્ણતયા વ્યર્થ જવાની છે. મેં એક કરોડનો જાપ કર્યો. ખલાસ.. ગયા… પ્રભુની કૃપા! એ જાપ થયો! આજે કહેતા નહિ મેં ઓળી કરી. પ્રભુની કૃપા! ઓળી થઈ! તમારાં ‘હું’ ને પડદા પાછળ રાખો, પ્રભુને આગળ રાખો, પછી જોઇ લો સાધના કેવી મજાથી દોડે છે.

તો આજે તમે નક્કી કરી શકો છો કે મોહનીયનો ક્ષયોપશમ મારે જોઈશે જ? હવે એક મહિનો જ બાકી રહ્યો છે મારે. એટલે મારે તકલીફ. જેટલું અપાય એટલું આપી દેવું છે. આવતી કાલે તો પારણું છે ને તમારે. આવતી કાલે રજા બરોબરને.. પરમદિવસથી આપણે ચાલુ. પરમદિવસથી પ્રભુ મહાવીરદેવની જે લોકોત્તર સાધનાની આંતરકથા ચાલતી હતી એમાં આપણે ફરી પાછા આગળ જઈશું. આવતીકાલે તમને રજા આપી દઈએ બરોબર. શેના માટે રજા? આજે જે લેશન આપું છું ને, એનું હોમવર્ક કરવા માટે રજા.

તો આટલું નક્કી થાય છે તમારાં મનમાં? કે મોહનીયના ક્ષયોપશમ વિના ચાલશે જ નહિ. જવાહરનગરને આંગણે શ્રેષ્ઠ પંડિતો, આપણા જૈનશાસનના ટોચના પંડિતો વાચના માટે આવ્યા છે. જે પંડિતવર્યો આપણા પૂજનીય સાધુ ભગવંતોને અને સાધ્વીજી ભગવતીઓને આ બાજુ કર્મગ્રંથ, પંચસંગ્રહ અને કમ્મપયડી ભણાવે છે. આ બાજુ હરિભદ્રસૂરી મ. સા. અને ઉપાધ્યાયજી ભગવંતના ગ્રંથો ભણાવે છે. એવા બધા ૨૫ થી ૩૦ પંડિતજીઓ જવાહરનગરના આંગણે આવ્યા છે. માત્ર સદ્ગુરુ પાસેથી વાચના લેવા માટે. તો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ એ પણ મહત્વનો છે પણ વધુ મહત્વનો મોહનીયનો ક્ષયોપશમ છે. તો હવે આપણે એ વિચારીએ કે મોહનીયનો ક્ષયોપશમ શી રીતે કરવો? બરોબર.?

એના માટે પહેલા બે માર્ગ આપું. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. આ બે તમારી પાસે આવી જાય તો મોહનીયનો ક્ષયોપશમ બહુ ઝડપથી થઈ જાય. પહેલુ પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર. ભલે પ્રભુની બધી આજ્ઞાનું પાલન હું પણ નથી કરી શકતો તમે પણ નથી કરી શકતા. શારીરીક નબળાઈ છે, માનસિક નબળાઈ છે. પણ એકવાત મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર છે. સાધુ ભગવંતોની માટે જે આજ્ઞાઓ આપેલી છે શાસ્ત્રોએ એના પ્રત્યે અમને તીવ્ર આદર હોય. શ્રાવકોને માટે જે આજ્ઞાઓ પ્રભુએ આપેલી છે એના પ્રત્યે તમને તીવ્ર આદર હોય.

અને એ પછી બીજું ચરણ છે, એ આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. ઘણીવાર છે ને તમારું મન તમારી જોડે ચીટીંગ કરતુ હોય છે. તમને એમ થાય કે પ્રભુની આજ્ઞા પ્રત્યે મને આદર તો છે જ. પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે તમને આદર છે કે નહિ? એની પારાશીશી શું? પારાશીશી આ છે કે પ્રભુની આજ્ઞાના એક-એક પાલક પ્રત્યે તમને બહુમાનભાવ થાય છે? નહિતર અનાદિની રીત આપણી પાસે એ જ છે કે મનુષ્યોમાં બે ભાગ પાડી નાંખવા, સારા અને ખરાબ. સારા કયા? મને સારો માને એ સારા. મારા અહંકારને થાબડે એ સારા. ખરાબ કોણ? મારા અહંકારને ખોતરે એ ખરાબ.  મને ખરાબ કહે એ બધા ખરાબ. મને સારો કહે એ બધા સારા. આ દ્રષ્ટિકોણ લઈને આપણે અનંતા જન્મો ચાલ્યા. કોણ સારું લાગે છે? તમને બધા ગુણવાન ગમે છે કે તમને સારા માને એ તમને ગમે છે? તમારાં ‘હું’ ને થાબડે છે એ તમને ગમે છે તો મોહનીયના ઉદયમાં તમે આવ્યા. અને પ્રભુની આજ્ઞાનું જે પાલન કરે છે એ તમને ગમે છે તો મોહનીયના ક્ષયોપશમમાં તમે આવ્યા. તો અત્યારસુધી તમારી સારાની અને ખરાબની વ્યાખ્યા આ હતી. અત્યારે પણ આ જ છે ને? સારું કોણ? સીધીવાત, તમને સારો માને એ… તમારી પ્રશંસા કરે એ સારો માણસ. તમારી નિંદા કરે તે ખરાબ માણસ.

તો આ વર્તુળમાંથી આપણે બહાર નીકળવાનું છે અને પ્રભુની આજ્ઞાના જે પણ  પાલકો છે એ બધાયને આપણે સારા માનવાના છે. એક માર્ગાનુસારી હિંદુ માણસ છે. એનામાં morality-નૈતિકતા બહુ સારી છે. તમને એના પ્રત્યે પણ આદર થાય. કોઈપણ વ્યક્તિની અંદર ગુણ હોય ત્યાં તમને આદર થવો જોઈએ. અને એ જો આદર તમને થાય છે તો માનજો કે મોહનીયના ક્ષયોપશમના માર્ગ ઉપર તમે છો. માત્ર મનને આમથી આમ twist કરવાનું છે. મન તમારાં હાથમાં કે તમે મનના હાથમાં?

આજે તમે બધા તમારાં મનના હાથમાં છો. શું કરીએ સાહેબ થતું નથી. કેમ નથી થતું? તારા મનને ફેરવી નાંખ, ઘુમાવી નાખ. વ્યાખ્યા બદલી નાંખ. પણ અનાદિ જન્મોથી તમારાં મનના કમ્પ્યુટરે ખોટું ગણિત તમને આપ્યું છે. કમ્પ્યુટર છે ને મોટામાં મોટા દાખલા ગણી આપે. પણ એને જો તમે પાયો ખોટો આપ્યો તો શું થાય? 2+2=5. હવે આ તમે એકમ આપી દીધો કોમ્પ્યુટરને. બધા દાખલા ખોટા આવવાના છે. 2+2=5, હવે બધા જ દાખલા ખોટા આવવાના છે. પાયો જ ખોટો આપ્યો છે. તમારાં મનના કોમ્પ્યુટરને પાયો જ તમે ખોટો આપ્યો છે. પછી બધા જ સમીકરણો ખોટા આવે છે. અહિયાં આવ્યા પછી પણ ક્યારેક તો મન બદલી શકાતું નથી. કારણ, એટલી તીવ્ર ઈચ્છાશક્તિ હોતી નથી. ભૂતકાળમાં આ ચાદર પ્રભુની મેં અને તમે પહેરેલી છે. પણ એ ભૂતકાળમાં આ ચાદર મળી તો પણ ખોટું સમીકરણ ગયું નહિ. એટલે મનને આપણે બદલી શક્યા નહોતા. આ જન્મમાં મનને બદલી શકો એમ છો? એક તમારી ઈચ્છાશક્તિ; બધા જ સમીકરણો સાચા થઈ જાય. જ્યાં જ્યાં ગુણ દેખો ત્યાં ઝુકી જાઓ. પ્રભુની આજ્ઞાનું પાલન જ્યાં જ્યાં તમે જુઓ ત્યાં તમને આદર આવી જાય. તો શું થયું? તમને સમજાવું. બીજાના ગુણો દેખાય, તમારાં દોષો દેખાય. તો બીજાના ગુણો દેખાય એને કારણે એના પ્રત્યે અનુમોદના ભાવ થાય. આ બહુ સારો, આ બહુ સારો, આ બહુ સારો. અને એની સામે પોતાના દોષ દેખાય. એટલે હું ખરાબ છું એ વાત આવે. એક સૂત્ર આજે યાદ રાખો. પ્રભુશાસનમાં તમારે પ્રવેશ કરવો હોય તો એક સૂત્ર હૃદયમાં કોરાઈ જવું જોઈએ. હોઠ ઉપર નહિ. દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે. ખરાબ હોય તો માત્ર એક હું છું. આ સૂત્ર તમારાં હૃદયમાં કોરાઈ જાય તો જ નિશ્ચયનયથી તમે પ્રભુશાસનમાં પ્રવેશ કર્યો એમ કહી શકાય.

તો હવે તમે નક્કી કરો.. વ્યવહારથી પ્રભુ શાસન મળી ગયું. વ્યવહારથી તમને શ્રાવકપણું પણ મળી ગયું. પાંચમું ગુણઠાણે. નવાઈની વાત ચોથું ગુણઠાણુ નથી કદાચ, સમ્યગ્દર્શન નથી કદાચ પણ વ્યવહારથી તમને શ્રાવક કહી શકાય. વ્યવહારની  ભાષામાં. પણ નિશ્ચયથી તો પ્રભુશાસનમાં પ્રવેશ થયો છે કે કેમ એ પણ જાણવું મુશ્કેલ છે. એટલે કે દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું. આ ભાવ હૃદયમાં કોરાઈ જાય અને સતત એનું ઘમ્મરવલોણું ચાલતું હોય તો તમે નિશ્ચયથી પ્રભુશાસનમાં આવેલા કહેવાઓ. તો મોહનીયનો ક્ષયોપશમ કરવો છે એ નક્કી.

અભ્યંતરતપ છે ને એના છ પ્રકાર. એમાં બે ત્રિપદી છે. એક સાધન ત્રિપદી,એક સાધ્ય ત્રિપદી. સાધન ત્રિપદી foundation તૈયાર કરે. સાધ્ય ત્રિપદીમાં તમે તમારી ભીતર ઉતરી જાઓ. તો સાધન ત્રિપદીમાં પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ આવે. એ શું કરે.. મોહનીયનો ક્ષયોપશમ કરે. પહેલું આવ્યું પ્રાયશ્ચિત. રાગ અને દ્વેષના કારણે કોઈ અકાર્ય થઈ ગયું, તમે ગુરુદેવ પાસે ગયા અને તમારી આંખમાં આંસુ છે. ધ્રુસકે-ધ્રુસકે તમે રડો છો. ગુરુદેવ આ પાપ મારાથી થઈ ગયું, મને એનું પ્રાયશ્ચિત આપો. તો એ વખતે તમારાં હૃદયમાં એ રાગ અને દ્વેષના કારણે જે પાપ કાર્ય થયું એની ગ્લાની છે અને એના કારણે તમારો રાગ અને દ્વેષ થોડો ઓછો થશે.

સદ્ગુરુ કેવું કામ કરે. એક મુનિરાજ ગુરુદેવ પાસે આવ્યા. ફાગણ મહિનો ચાલતો હતો. સમુહ વર્ષીતપ ઠેક-ઠેકાણે લેવાવાના હતા. એ મહાત્માએ ગુરુદેવને વંદન કરીને પૂછ્યું, કે ગુરુદેવ હું વર્ષીતપ કરી શકું? અમારે ત્યાં કોઈ પણ શુભકાર્ય પણ સદ્ગુરુની આજ્ઞા વગર થઈ શકતું નથી. એ વખતે ગુરુ એ મુનિરાજને પૂછે છે, કે વર્ષીતપ માટેની તારી ધારણા શું છે? બે ઉપવાસ વચ્ચે બેસણું કે બે બેસણા વચ્ચે ઉપવાસ? તારી ધારણા શું છે? સવાલ ઊંડો હતો. પણ મુનિરાજ પ્રબુદ્ધ હતા. સમજી ગયા ગુરુદેવના પ્રશ્નના હાર્દને. ગુરુ એ પૂછવા માંગે છે કે તારી પાસે વર્ષીતપ દ્વારા આસક્તિ વિજયનો હેતુ ખરો? આજે પણ ઉપવાસ, પરમદિવસે પણ ઉપવાસ બસ એક દિવસ વચ્ચે શરીરને થોડુક ભાડું આપી દઈશું. અમારે ત્યાં તો એવા મહાત્માઓ હોય છે, જે બેસણાથી નહિ એકાસણાથી વર્ષીતપ કરે. આપણે ત્યાં જ અત્યારે સાધ્વીજીઓ છે એ એકાસણાથી વર્ષીતપ કરે છે. તો વચ્ચે એક દિવસ રોટલી-દાળ થોડુક ભાડું શરીરને આપી દઈએ. તો આ અવધારણા હોય તો આસક્તિ વિજયની અવધારણા થઈ. આજે પણ ઉપવાસ. પરમદિવસે પણ ઉપવાસ. વચ્ચે ઠીક છે ઋષભદેવદાદાની જેમ આપણે કરી શકતા નથી. ઋષભદેવદાદાનું સ્મરણ કરીશું આંખમાં આંસુ આવશે અને એ આંસુ સાથે ભોજન કરીશું અને એમાં પણ બને એટલી આસક્તિ ઓછી થાય એવો પ્રયત્ન કરીશું. આ એક અવધારણા હોય. બીજી અવધારણા એ હોય, આજે પણ બેસણું પરમદિવસે બેસણું. અને ઠીક છે વચ્ચે એક ઉપવાસ. ઉપવાસ આવે ને પેટ પણ સરખું થઈ જાય પાછું. બેસણામાં બરાબર વપરાય પણ ખરું.

તો ગુરુ પૂછે છે કે તારી વર્ષીતપની અવધારણા શું? શિષ્યને એકદમ ખ્યાલ આવી ગયો. એ કહે કે ગુરુદેવ આપની પરીક્ષામાં હું નાપાસ થયો. આસક્તિ વિજય માટેની આપ જે વર્ષીતપની વાત કરો છો એ વાત અત્યારે મારી પાસે નથી. તો ગુરુદેવ મારે શું કરવું જોઈએ? ગુરુદેવ કહે છે, આયંબિલની ઓળી કેટલી થઈ તારે? સાડત્રીસ. તો આડત્રીસમી શરૂ કરી દે આજથી. લક્ષ્ય શું છે? વર્ષીતપ નહિ. લક્ષ્ય આસક્તિ વિજય છે. નવ દિવસ આયંબિલની મજા માણી. કાલે પારણામાં રાબડી અને શીરો ખાતા આંખમાંથી આંસુ આવવા જોઈએ. બરોબરને? બરોબર. જેની આંખમાં રાબડીને શીપ કરતા આંખમાંથી આંસુ આવે એ પ્રભુની પરીક્ષામાંથી પાસ. નવ નવ દિવસ આ જ શરીર મજાથી સાધના કરી શક્યું. ઘણા સાધકોનો અનુભવ છે કે આયંબિલની અંદર જે ઉણોદરી રાખેલી હોય એ આયંબિલમાં જે સાધના થાય છે એ એકાસણામાં કે બેસણામાં નથી થતી. થોડું વધારે ખવાઈ જાય આસક્તિને કારણે. આયંબિલમાં માપસરનું ખવાય અને એને કારણે સાધના પૂરો દિવસ ચાલતી રહે. આયંબિલ કર્યું એની પરીક્ષા પારણામાં થાય. પારણામાં આંસુ આવે તો માનવાનું કે આયંબિલનો આનંદ અંદર ઘુસી ગયો છે. હવે આઠમ આવશે, ચૌદસ આવશે આયંબિલમાં પાછા આવી જવાનું. તો પ્રાયશ્ચિત દ્વારા રાગને દ્વેષ શિથિલ બન્યા.

વિનય અને વૈયાવચ્ચ આપ્યા અહંકારને શિથિલ બનાવવા માટે. રાગ અને દ્વેષ તો શિથિલ બની જાય ક્યારેક. અહંકાર બહુ મોટી માયા છે. હું…..

તો પહેલા વિનય આપ્યો, કે વડીલોની સેવા કરો વડીલોની ભક્તિ કરો. પણ તમારો ‘હું’ એટલું ચાલાક છે કે તમારાં લોહીમાં વડીલોની ભક્તિ કરવી આવેલું છે, એટલે ભક્તિ પણ થતી જાય, અહંકાર એમનો એમ રહે. ઘણીવાર તો વૈયાવચ્ચ કરે ને અહંકાર આવે, વિનય કરે ને અહંકાર આવે. ગુરુની સેવા હું કેવી કરું છું! અરે ગુરુએ કૃપા કરીને તને સેવા આપી. તું ગુરુની સેવા કરે છે?! એટલે વિનયની અંદર કદાચ એવું બને કે આપણા લોહીમાં વડીલોને પ્રત્યે ઝૂકવાના સંસ્કારો છે અને એટલે વિનય થાય પણ ખરો અને અહંકારને ઘસરકો ન પણ પડે. એટલે વૈયાવચ્ચ આપ્યું.

એક સાધુ હોય નાના સાધુની સેવા કરે. આજના નવદિક્ષિતની સેવા કરે. માંદા પડયા છે મુનિરાજ કોઈ પણ પચ્ચીસ વરસના દીક્ષાપર્યાયવાળો મુનિ હમણાના દીક્ષાપર્યાયવાળા મુનિના પગ દબાવે. આ જિનશાસન છે. એ વૈયાવચ્ચ તમારી પાસે આવે એટલે અહંકાર જે છે તે ઘસાય. એટલે અભ્યંતરતપની પહેલી ત્રિપદી જે છે.

એ મોહનીયનો ક્ષયોપશમ કરે છે. અને એ મોહનીયનો ક્ષયોપશમ થાય એ પછી તમે સ્વાધ્યાયને લઈને તમારી ભીતર ઉતરો. સ્વાધ્યાય એટલે સ્વનું જ્ઞાન. હું કોણ છું? અને ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા એ સ્વની અનુભૂતિ આપણે કરીએ.

તો કેટલી મજાની સાધના પ્રભુએ આપણને આપી છે. બાહ્યતપ પણ એટલો મજાનો છે. ઉણોદરી. તમે ત્રણ ટાઇમ જમો છો. જમવાની અંદર તમે ઓછું જમો બપોરે; તમે સરસ સાધના વિગેરે કરી શકશો. અમે લોકો પહેલા રાજસ્થાન ગયા ને ત્યારે રાજસ્થાની ભોજનની system અમને બહુ ગમી ગયેલી. હવે તો ત્યાં પણ બદલાવ આવી ગયો છે, અહીંના કારણે.

પણ લગભગ ચાલીસ વરસ પહેલાંની વાત કરું છું કે અમે જસવંતપુરા ગયેલા પહેલીવાર. એકદમ રાજસ્થાની પૂરી system ત્યાં. સવારે નાસ્તો હોય જ નહિ. નાસ્તો બનાવવાનો જ નહિ ત્યાં. છોકરા દૂધ પી લે. વડીલો ચા પી લે. સાડા નવ વાગે ગરમાગરમ રોટલી શાક તૈયાર થઈ જાય. એ દસ વાગે રોટલી-શાક એ લોકો ખાઈ લે. એમના લંચમાં બે જ વસ્તુ. રોટલી અને શાક. બે જ. ત્રણ-ચાર રોટલી ખાય ને થોડું શાક. શાક પણ બહુ થોડું. એટલે એકદમ relaxation રહે. અને સાંજનું ભોજન પાછું પાંચ વાગે કરે. એ પણ લગભગ રોટલી-શાક હોય. ક્યારેક દાળ-ભાત કરે સાંજે. તો મને લાગ્યું કે સાધનાને અનુરૂપ આ ભોજન system છે.

તો બાહ્યતપમાં ઉણોદરી. એ ઉણોદરી તમે કરો તો એકાસણું કર્યું કે છુટું વાપર્યું. તમે ખાધા પછી તરત સ્વાધ્યાય વિગેરે કરી શકશો. પણ જો ભરપેટ ખાધું હશે તો ઊંઘ આવવાની જ. આવી તપધર્મની વાતો પ્રભુએ કરી. અને એ તપ આપણી પરંપરામાં કેટલો વણાયેલો છે! પર્યુષણની અંદર આ જ મુંબઈમાં હજારથી વધુ માસક્ષમણ થયા. એક જ મુંબઈ નગરમાં. લાગે કે તપધર્મમાં તમે લોકો કેટલા આગળ વધેલા છો. એ જ રીતે એ સાધનામાં આગળ વધતા રહો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *