Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 6

139 Views
28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ઉદાસીનદશા

અભિવ્રજ્યા એટલે પરમાત્માનું પરમ સંમોહન. એવું સંમોહન કે તમે એક ક્ષણ એના વિના રહી ન શકો. પરમાત્મા એ હદે ગમી જાય કે બીજું બધું છૂટી જાય. સંસાર છોડવાનો નથી; છૂટી જવો જોઈએ. જે ક્ષણે પરમાત્માનું પરમ સંમોહન લાગ્યું, સંસાર છૂટી ગયો. પહેલા અભિવ્રજ્યા. પછી પ્રવ્રજ્યા.

ઉદાસીનતા એટલે શું? ઉત્ + આસીન. ઊંચે બેઠેલો. નદી વહ્યા કરે છે અને તમે કિનારા ઉપર બાંકડે બેઠેલા છો. તમે નદીને જોઈ શકો છો પણ એ નદીનું પાણી તમને કોઈ અસર ઉપજાવી શકતું નથી. એમ ઘટનાઓની જે નદી છે, એને પણ કિનારે આપણે બેસવું છે.

તમારા જીવનમાં ઘટિત થતી એક પણ ઘટના એવી નથી જે તમને પીડિત બનાવી શકે. પણ એ ઘટના પ્રત્યેનો વિચાર જે છે, એ જ તમને પીડિત બનાવે છે. ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે, પણ એ ઘટનાનું અર્થઘટન કેમ કરવું – એ તમારા હાથમાં છે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬

પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

સાચું કહેજો આ કડી પ્રભુની પાસે ગાતા આંખમાંથી આંસુની ધારા વહી ખરી? પ્રભુ આનંદઘનજી ભગવંત માટે તું પરમ પ્રિય હોય તો મારા માટે કેમ નહિ? શું ખૂટે છે મારામાં…? મેં કહ્યું હતું ને પહેલાં… પ્રભુને ગુરુ કલ્પવા, પ્રભુ, પ્રભુ તરીકે દૂરની ઘટના લાગે, સદ્ગુરુ તરીકે પ્રભુને કલ્પીએ ત્યારે એકદમ નજીક લાગે. તો પ્રભુ સાથે વાત કરો… કે પ્રભુ આનંદધનજી ભગવંત માટે તમે પરમ પ્રિય બની ગયા, મારા માટે કેમ નહિ? પ્રભુ કહેશે કે બેટા! હું તો તૈયાર જ છું. પણ તારા મનમાં, તારા ચિત્તમાં કેટલા બધા પદાર્થો પરનો રાગ છે, કેટલી બધી વ્યક્તિઓ પરનો રાગ છે, કે તું મને રાખીશ ક્યાં?

બાઈબલમાં એક વાક્ય આવે છે, “Empty thy vessel and I’ll fill it”. ઈશ્વરીય ચેતના કહે છે, તારા હૃદયને તું ખાલી કરી નાંખ; પછી એ ભરાઈ જશે. I fill it… તો સૌથી પહેલું કામ એ કરવું છે, કે આપણા મનમાં, આપણા ચિત્તમાં એક પણ પદાર્થ પ્રત્યેનું આકર્ષણ ન હોય. નારદઋષિએ કહ્યું ‘तस्मिन् अनन्यता तद् विरोधेषु उदासीनता च’ પ્રભુ વિશે તમારું ચિત્ત જે ક્ષણે એકાકાર થઇ ગયું; એ ક્ષણે પ્રભુ તમારા… સમાધિ થાય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અસ્તિત્વ એટલે પ્રભુ. આપણને બીજા બધા પદાર્થો ગમે, બીજી બધી વ્યક્તિઓ ગમે, પ્રભુ ન ગમે એનું કારણ શું…? એકવાર પ્રભુને મન આપી દો, પછી તમે પ્રભુના પ્રેમમાં એવા પડી જશો કે પ્રભુ વિના બીજું કંઈ ગમશે નહિ.

એક પરમાત્માનું સંમોહન. ચોથા પંચસૂત્રમાં હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું: પહેલા અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એટલે પરમાત્માનું પરમ સંમોહન. એવું સંમોહન કે તમે એક ક્ષણ એના વિના રહી ન શકો. આનંદધનજી ભગવંતે એક પદમાં કહ્યું, “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી દીજીએ” પ્રભુ હું કરોડો ઉપાય કરું તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. અભિવ્રજ્યા – પરમાત્માનું પરમ સંમોહન. એ હદે એ ગમી જાય કે બીજું બધું છૂટી જાય.

મારી પાસે મુમુક્ષુ દીકરાઓ હોય, એમને હું ઘણીવાર કહું કે બેટા! સંસારને છોડવાની પળોજણમાં પડવાનું નથી. તું કહીશ મેં સંસાર છોડ્યો. મેં છોડ્યો…..! એટલે છોડનાર તરીકે તું બાકી રહી જવાનો! મારે દંડો લઈને પાછું તને હાંકવો પડશે. સંસાર છોડવાનો નથી; છૂટી જવો જોઈએ. જે ક્ષણે પરમાત્માનું પરમ સંમોહન લાગ્યું; સંસાર છૂટી ગયો. પરમાત્મા એટલા વ્હાલા લાગી  જાય, કે એમના સિવાયનું બીજું કંઈ જ તમને ગમે નહિ.

તો “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” એ અત્યારનું આપણું ultimate goal છે. અને એના માટે સાધના સૂત્ર આવ્યું, “ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા, દ્યો દરિશન મહારાજ” ઇન્દ્રિયો, મન અને ચિત્ત એ ત્રણેયને પ્રભુ પરાયણ કરી દઈએ એટલે પ્રભુ આપણા પરમ પ્રિય બની ગયા. પ્રભુનો પરમ પ્રેમ આપણને મળી ગયો. આંખ અને કાનની વાત જોઈ.

હવે આવે છે નાક, ધ્રાણેન્દ્રિય. બહુ પ્યારી કડી આવી. ‘શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હોઈ ભોગે, તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મીટી રહત ઉદાસે’ દુનિયાના જે પદાર્થોની શુભ ગંધો હતી, એણે લીધી નાક દ્વારા પણ થયું શું…? માત્ર ભોગોને વિશે આકુળતા જન્મે. શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હોઈ ભોગે – અત્તરની સુગંધ લીધી કે ફૂલની સુગંધ લીધી, પરિણામ શું…? ભોગોની અંદર આકુળતા. એક જ સુગંધ એવી છે જે ઉદાસીનદશાને આપે છે. તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મીટી રહત ઉદાસે – પ્રભુના દેહની સુવાસ થોડીક ક્ષણો માટે માણી લેવાઈ હોત તો આપણે બધા ઉદાસીનદશાની ધારામાં હોત.

ત્રણ વાત આજે થઇ… પ્રભુનું દર્શન, પ્રભુના રૂપનું દર્શન; ઉદાસીનદશા આપણને આપે. પ્રભુના પ્યારા શબ્દોનું શ્રવણ; આપણને ઉદાસીનદશાની ધારામાં લઇ જાય. અને સમવસરણમાં આપણે બેઠેલા હોઈએ, અને પ્રભુના અદ્ભુત દેહની સુવાસને માણીએ તો એ સુવાસ દ્વારા પણ આપણે ઉદાસીન દશાની ધારામાં જઈએ. ઉદાસીનતા એટલે શું…? બે શબ્દોના જોડાણથી ઉદાસીન શબ્દ બન્યો. ઉદ્ + આસીન; ઉંચે બેઠેલો… ઘટનાની નદી વહ્યા કરે છે, તમે કિનારા ઉપર બાકડા ઉપર બેઠેલા છો. તમે નદીને જોઈ શકો છો પણ એ નદીનું પાણી તમને કોઈ અસર ઉપજાવી શકતું નથી. તો ઘટનાઓની જે નદી છે, એને પણ કિનારે આપણે બેસવું છે.

એક વાત તમને કહું આજે… એક પણ ઘટના એવી નથી; જે તમને પીડિત કરી શકે. તમારા જીવનમાં ઘટિત થતી એક પણ ઘટના એવી નથી જે તમને પીડિત બનાવી શકે, પણ એ ઘટના પ્રત્યેનો વિચાર જે છે એ જ તમને પીડિત બનાવે છે. મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ દાદા. સાહેબજીની એક આંખ મીઠા ઝાબરામાં જતી રહેલી, ખ્યાલ પણ આવેલો નહિ, એકવાર ડોક્ટર આંખ check કરવા આવ્યા, એક આંખ બંધ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એક આંખની રોશની તો બિલકુલ ખતમ થઇ ગયેલી છે, બીજી આંખે મોતિયો હતો, સાહેબજી એ વખતે પાટણમાં. ભક્તો એ વખતે મુંબઈના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરને પાટણ લઇ આવ્યા. એણે મોતિયાનું ઓપરેશન કર્યું. એ જમાનામાં આજના જેટલું સહેલું ઓપરેશન નહોતું. અઠવાડિયા સુધી તો પાટો રહે, પાટો ખુલે પછી ખબર પડે, result શું મળ્યું….  ડોક્ટર ઓપરેશન કરીને મુંબઈ જતા રહ્યા. પાટણના સ્થાનિક ડોકટરે પાટો ખોલ્યો, ત્યારે ખબર પડી કે ઓપરેશન totally fail ગયું. બીજી આંખની રોશની પણ ખતમ થઇ ગઈ. ભક્તો વિહ્વળ, શિષ્યો વિહ્વળ… ગુરુદેવ મજામાં… એ વખતે હસતાં હોય, તો એક ગુરુદેવ હતા. ગુરુદેવે કહ્યું: કે આ તો પ્રભુનો એક સંકેત છે, અત્યાર સુધી હું સ્વાધ્યાયમાં હતો, હવે પ્રભુ મને કહે છે, કે તારે જાપ અને ધ્યાનમાં જવાનું છે. હવે હું ધ્યાનમાં જઈશ. આંખો હતી; સ્વાધ્યાય સરસ કર્યો, આંખો ગઈ છે તો શું છે? મજાથી ધ્યાન કરીશ.. એક પણ ઘટના નથી જે તમને પીડિત કરી શકે.

આ ઉદાસીનદશા તમને મળે તો બધી જ ઘટનાની પીડાઓથી તમે પર થઇ જાવ. પ્રભુ કેટલું આપે છે તમને બોલો… અમે લોકો ever fresh.. ever green… કારણ શું…? મારા શરીરમાં રોગો ઘણા બધા છે, ઓપરેશન પગથી માથા સુધી બધે થઇ ગયું છે. છતાં હું એકદમ મજામાં છું. કારણ? એક પણ ઘટનાની અસર પ્રભુ મને થવા દેતાં નથી. પ્રભુએ પોતાની air – condition હથેળીમાં મને રાખ્યો છે. તો તમને કેમ ન રાખે…? મારે તમને એ પૂછવું છે. એ પ્રભુની air – condition હથેળી તમને પણ મળી જાય. આજે જ મળી જાય.

એક હિંદુ સંત હતા, બહુ જ મોટું એમનું નામ, એકવાર એ ગામના લોકોને થયું આપણે સંતને આપણા ત્યાં લાવીએ… અને અઠવાડિયું એમનો ઉપદેશ સાંભળીએ… સંતને આમંત્રણ આપ્યું, સંતે હા પાડી, દિવસ નક્કી થઇ ગયો, એ દિવસે સંત એ ગામમાં આવ્યા. આખું ગામ સંત પ્રત્યે પ્રેમવાળું, ગલીએ ગલીએ લોકો ચોખાથી એમને વધાવે, ફૂલનો હાર એમના ગળામાં લાદે. પણ એક માણસ ગામમાં વિરોધી હતો, એણે આખી રાત માથે લઈને જુત્તાનો હાર બનાવેલો, એના ઘર પાસે સંત આવ્યા, ત્યારે એને જુતાનો હાર સંતના ગળામાં પહેરાવ્યો. સંત એટલા જ પ્રસન્ન છે, ગામના લોકો નિરાશ થઇ ગયા, આટલા મોટા સંત આપણા ગામમાં આવ્યા, અને આપણા જ ગામના એક માણસે સંતનું આવું અપમાન કર્યું, પછી પ્રવચન શરૂ થયું, સંતે કહ્યું આજે તો બહુ મજા આવી ગઈ. આજે તો બહુ મજા આવી ગઈ… હું ઘણા બધા ગામોમાં ગયો, પણ બધા જ લોકો ફૂલના હારથી મને લાદી દે. થોડી મને નિરાશા થાય કે બધા જ માળીઓ છે, હવે માળીઓના ગામમાં ફૂલની ઈજ્જત શું હોય? પણ આજે એક ચમાર મળ્યો, મને આનંદ થયો, કે વાહ! ગામમાં ચમાર પણ છે… તો આ ગામમાં ફૂલની કિંમત છે. ઘટના ઘટે છે, પણ એ ઘટનાને કેમ અર્થઘટિત કરવી એ તમારા હાથમાં છે, બોલો ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે ને? તો એનું અર્થઘટન કેમ કરવું એની સ્વતંત્રતા તમારી પાસે નહિ…?

એક ઉદાસીનદશા પ્રભુ પાસેથી મળી જાય, મજા જ મજા… તો સમવસરણમાં આપણે ગયેલા. ચુકી ક્યાં ગયા? પ્રભુના પ્રાતિહાર્યો આપણે જોયા, ચામરો વીંઝાઇ રહ્યા હતા એ આપણે જોયા, ૬૪ ઇન્દ્રો પ્રભુના ચરણોમાં ઝૂકેલા હતા, એ આપણે જોયું, પણ પ્રભુના મુખ ઉપર રહેલી જે ઉદાસીનદશાને જોવાની હતી એ ઉદાસીનદશાને આપણે જોઈ શક્યા નહિ.

શંખેશ્વર જાવ, હીરાનો મુગટ પ્રભુને પહેરાવામાં આવ્યો છે, સોનાની આંગી છે. તમે સોનાની આંગી જોશો, હીરાનો મુગટ જોશો કે પ્રભુના મુખ ઉપર રહેલી ઉદાસીનદશાને જોશો? પ્રભુ કહી રહ્યા છે કે હીરાનો મુગટ તારી બાજુ છે, સોનાની આંગી તારી બાજુ છે, મારી બાજુ તો હું પરમ ઉદાસીનદશામાં બેઠેલો છું. પ્રભુની એ ઉદાસીનદશા જે સમવસરણમાં જોવાની હતી એ આપણે જોઈ શક્યા નહિ, પ્રભુના પ્યારા પ્યારા શબ્દો દ્વારા પણ એ ઉદાસીનદશાની ધારામાં જવાનું હતું, ત્યાં આપણે જઈ શક્યા નહિ. અને પ્રભુની દેહની સુવાસ દ્વારા પણ ઉદાસીનદશાની ધારામાં જઈ શકાય છે. ચુકી ગયા છીએ, પણ હજુ આપણા માટે ઉપલબ્ધિની તકો ઘણી બધી છે. તમે ઘણું કરી શકો એમ છો. આ જન્મની અંદર સ્વાનુભૂતિ તમારે મેળવવી છે; તમે મેળવી શકો છો. પ્રભુ તમારે જોઈએ છે; પ્રભુ મળી જાય.

ખરેખર તમારી તડપન તીવ્ર બની જશે ને ત્યારે આનંદધનજી ભગવંત આવીને કહેશે કે લે તને પ્રભુ આપી દઉં. એક બહુ પ્યારી વાત આજે કરું: પ્રભુના દેહમાંથી એવી એક સુગંધ નીકળતી હતી, જે સુગંધ આપણને ઉદાસીનદશામાં લઇ જાય. અત્યારે પ્રભુ નથી, પ્રભુની મૂર્તિ છે.

એક સવાલ પૂછું? દેરાસરમાં જાવ છો તમે, પ્રભુની મૂર્તિ છે કે પ્રભુ છે? દેરાસરમાં પ્રભુની મૂર્તિ છે કે પ્રભુ છે? મૂર્તિ ત્યાં સુધી જ્યાં સુધી તમે જયપુરથી લઈને આવ્યા, જે ક્ષણે પ્રાણ પ્રતિષ્ઠા થઇ એ વખતે એ પ્રભુ થઇ ગયા. મહાવિદેહમાં રહેલા સીમંધર દાદા અને અહીંયા દેરાસરમાં રહેલા સીમંધર દાદા બંને એકસરખું કામ કરી શકે છે. મહાવિદેહમાં આપણે જઈએ, અને સીમંધર દાદા પાસેથી આપણને જે મળી શકે એ દેરાસરમાં રહેલા સીમંધર દાદા પાસેથી તમને મળી શકે. કારણ? એ પ્રાણ પ્રતિષ્ઠામાં શું થાય છે… અંજનશલાકા વખતે અમે તમને પ્રવેશ તો આપતા નથી, પણ અમે શું કરીએ છીએ… પરમ ચેતના વિશ્વ વ્યાપી છે.

અરિહંત અને આર્હન્ત્ય. અરિહંત પ્રભુ સિદ્ધ બનીને સિદ્ધશિલા ઉપર પહોંચી ગયા, પણ એમનું આર્હન્ત્ય અત્યારે સક્રિય છે. પ્રભુ મહાવીર દેવનું આર્હન્ત્ય અત્યારે સક્રિય છે, પ્રભુ મહાવીરનું શાસન એટલે શું…? કઈ શક્તિ એ આર્હન્ત્ય શક્તિ છે….? એ આર્હન્ત્ય બ્રહ્માંડ વ્યાપી છે. બ્રહ્માંડનું એક ટીનીયેસ્ટ પોર્શન એવું નથી જ્યાં પરમ ચેતનાના હસ્તાક્ષર ન હોય. તમે વિજ્ઞાન ભણેલા છો, તમને ખ્યાલ છે કે તમે ઓક્સિજનના મહાસાગરમાં છો. પણ આજે એક વાત જોડી લો, કે તમે માત્ર ઓક્સિજનના મહાસાગરમાં જ નથી, પરમ ચેતનાના મહાસાગરનું આપણું એક નાનકડું તરંગ છે.

બેક્લુહન બહુ સારા philosopher થયા, એમને એક રૂપક કથા લખી છે, બહુ જ પ્યારી રૂપક કથા છે, દરિયામાં રહેનારી એક નાનકડી માછલી મોટી માછલીને પૂછે છે કે બેન! દરિયો કેવો હોય? દરિયાની વાત કદી સાંભળી છે, આરોહ હોય, અવરોહ હોય, ગર્જના હોય, સંગીત હોય… તું મને દરિયાની વાત તો કર. જે નાની માછલી દરિયામાં રહેલી છે, એ મોટી માછલીને પૂછે છે. ત્યારે મોટી માછલી કહે છે, દરિયો… દરિયો વળી કેવો… આપણે જેમાં છીએ એ તો દરિયો જ છે ને…. ત્યારે નાની માછલી ની comment હતી, આ દરિયો છે કે આ પાણી છે…? એ નાની માછલી દરિયામાં રહેતી હતી કે પાણીમાં એ, એ જાણે, આપણે ક્યાં છીએ…?

આપણે પરમ ચેતનાના મહાસાગરનું એક નાનકડું તરંગ છીએ. પણ એ પરમ ચેતના જે છે ને એ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ હોવાને કારણે બધી જ વ્યક્તિઓ એને લઇ શકે એવું શક્ય હોતું નથી. તો એના માટે આપણે ત્યાં વ્યવસ્થા થઇ કે એ જે સૂક્ષ્મ પરમ ચેતના બ્રહ્માંડ વ્યાપી છે, એને મૂર્તિની અંદર આચાર્ય ભગવંતો દાખલ કરે. પછી એ ઝરણું થઇ જાય. એ સૂક્ષ્મ પરમ ચેતના મૂર્તિમાં દાખલ થાય અને એ મૂર્તિમાંથી બહાર નીકળે. તો પ્રભુની એ મૂર્તિમાંથી, પ્રભુના દેહમાંથી ક્ષણે ક્ષણે ઉર્જા નીકળી રહી છે, નવ અંગે પૂજા કેમ? એ નવ ચૈતન્ય કેન્દ્રો છે અને નવ ચૈતન્ય કેન્દ્રો દ્વારા ઉર્જા સરી રહી છે.

અમે લોકો એકવાર પાલીતાણામાં હતા ગુરુદેવની નિશ્રામાં… એ વખતે એક જર્મન વિદ્વાન પાલીતાણા આવેલો. એમણે ઉપર યાત્રા કરી, પછી એમણે વિચાર્યું કે બહુ મોટા આચાર્યો અહીંયા બિરાજમાન છે તો સત્સંગ પણ કરી લઉં…. રોજ એક – એક આચાર્ય ભગવંત જોડે જાય, એકવાર મારા ગુરુદેવ જોડે આવ્યા, પ્રણામ કરીને બેઠા. પહેલો જ પ્રશ્ન એમણે કર્યો કે તમારી પૂજા પદ્ધતિ મેં જોઈ, તમે લોકો પૂજા કરો છો ત્યારે ચરણથી શરૂઆત કરો છો, તો મારો સવાલ એ છે કે મસ્તિસ્ક એ પણ તમારી ભારતીય સંસ્કૃતિમાં ઉત્તમ અંગ છે, તો તમે મસ્તિસ્ક થી પૂજાની શરૂઆત કેમ નથી કરતા? ગુરુદેવ જોડે હું બેઠેલો, મને ગુરુદેવ કહે છે યશોવિજય! આપણા સેંકડો હજારો ભક્તો છે, એકેય ભક્તે પૂછ્યું હશે કે ચરણથી પૂજાનો પ્રારંભ કેમ? એ વખતે ગુરુદેવે સમજાવ્યું કે અમે લોકો મૂર્તિ નથી માનતા. સાક્ષાત્ પ્રભુ માનીએ છીએ. એ પ્રભુના નવ અંગમાંથી ઉર્જા નીકળી રહી છે પણ ચરણમાંથી એ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. આજનો માણસ તકલાદી એનું શરીર, પૂજા કરવા ગયો અને છાતીમાં દુઃખવા આવ્યું… અડધી પૂજા થઇ ન થઇ બહાર નીકળવું પડ્યું. તો એ વખતે પ્રભુના ચરણનો સ્પર્શ થઇ ગયેલો હોય, તો maximum ઉર્જા એને મળી જાય, અને એ રીતે એને પ્રભુની ઉર્જા વધુ પ્રમાણમાં મળે. કદાચ અડધી પૂજા થાય તો પણ એના માટે અમે લોકોએ ચરણથી પૂજાનો પ્રારંભ કરાવ્યો છે. શંખેશ્વર તમે ગયા, ભક્તો વધી ગયા, નવ અંગની પૂજાને ને બદલે એક અંગની પૂજા કરશે. એ એક અંગ કયું હશે…? ચરણ…

તો પ્રભુના દેહમાંથી સતત ઉર્જા નીકળી રહી છે. એ ઉર્જાને આપણે ઝીલવાની છે. માત્ર તમે ખાલી થઈને ગયા, અહોભાવની ધારામાં દેરાસરમાં તમે ગયા; પ્રભુની ઉર્જા તમને ભરી કાઢશે.

અને આ સંદર્ભમાં મંદિરની તંત્ર પણ જાણવા જેવું છે. ભોંયરાના મંદિરો આના માટે શ્રેષ્ઠ ટેકનીક છે. હું અમદાવાદમાં હતો, વાઘણપોળના એક દેરાસરમાં હું ગયો, ભોંયરામાં… મેં માર્ક કરીને જોયું, ૪૦ પગથિયા નીચે હું ગયો ત્યારે ભોંયરાની ફર્સ આવી. અને પગથિયા પણ ૬ – ૬ ઇંચના નહિ, ૮ – ૮ ઇંચના ૯ – ૯ ઇંચના… ત્યાં હું ગયો. સીધી જ ધારા મારી પકડાઈ ગઈ. આપણા પૂર્વજોને આ ઉર્જાનું જ્ઞાન હતું કે પ્રભુના દેહમાંથી સતત ઉર્જા નીકળી રહી છે. તો એ ઉર્જાને સંગ્રહિત કેમ કરવી… એના માટે ભોંયરું એ શ્રેષ્ઠ વિકલ્પ. પછી મેં ભોંયરાની રચના જોઈ…  ૫ થી ૬ ફીટ જાડી ભીંત….5 થી 6 ફીટ.. સીડીમાં એક વેન્ટીલેશન હતું પણ એ વેન્ટીલેશન સીધું મંદિરમાં, ભોયરામાં ન પડે એ દીવાલમાં પડે. એ દીવાલમાં થોડો આગળ જાય ત્યાં બીજો વેન્ટીલેશન હોય, ચોથા કે પાંચમાં વેન્ટીલેશને શેરીની હવા અંદર આવે… વિચાર એક જ હતો કે અંદર જે ઉર્જા create થઇ છે, એ ઉર્જા બહાર ન નીકળે.

તો સતત પ્રભુના દેહમાંથી ઉર્જા નીકળી રહી છે. હવે એ ઉર્જાને બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. અને એ ઉર્જા ત્યાં આગળ સઘન બને. આપણા માટે તો આ એક શ્રેષ્ઠ લહાવો છે આ… અહોભાવની ધારામાં તમે ભોંયરામાં જાવ અને બેસી જાવ; પ્રભુ તમને ભરી દે. પહેલાના તમે મંદિરો જુઓ, ભોંયરું ન હોય, ઉપર દેરાસર હોય તો પણ ગભારામાં અંધારું હોય, એનું નામ જ ગર્ભગૃહ. There should only one door. તમે વેન્ટીલેશન રાખી શકો નહિ. અને કાચની ઇંટોથી પણ પ્રકાશ લાવવાની કોશિશ કરતા નહિ. ગર્ભગૃહ. There should be only one door. એક જ દ્વાર હોય. એ દ્વાર પાસે ભક્ત ઉભેલો છે, પ્રભુના દેહમાંથી જે ઉર્જા નીકળે છે; એ ઉર્જા સીધી એને મળે.

આપણે પ્રદક્ષિણા દઈએ છીએ ને… પ્રદક્ષિણા શેના માટે…? પ્રદક્ષિણાના બે હેતુ છે… એક હેતુ કદાચ તમારા ખ્યાલમાં હશે, કે પ્રભુ કેન્દ્રમાં છે, હું પરિધમાં છું. મારે મારા કેન્દ્રમાં માત્ર પ્રભુને રાખવાના છે અને મારે માત્ર પરિઘમાં રહેવાનું છે. એક વિભાવના તો એ છે. બીજી વિભાવના એ છે કે પ્રભુના દેહમાંથી આગળથી, બાજુથી, પાછળથી બધેથી ઉર્જા નીકળી રહી છે. એટલે બધી જ ઉર્જાનો મને સ્પર્શ થાય એના માટે હું પ્રદક્ષિણા દઉં.

આ વખતે પાલીતાણા શિયાળામાં હતો, ત્રણ સંઘ હતા ૧૨ ગાઉંના… એ ૧૨ ગાઉના સંઘમાં મેં કહેલું કે આપણે શત્રુંજય ગિરિની પરિક્રમા શા માટે કરીએ છીએ? શત્રુંજય ગિરિરાજ ઉર્જાથી ભરપૂર છે. કાંકરે કાંકરે અનંતા સીધ્યા. એક – એક કાંકરો એક – એક ટીનીયેસ્ટ પોર્શન અને એમાંથી અનંતી ઉર્જા નીકળી રહી છે. તો આપણે ઘેટીપાગથી ચડીએ કે આ બાજુથી ચડીએ તો એક બાજુની ઉર્જા આપણને મળે, પણ ગિરિરાજની ચારેય બાજુની ઉર્જા આપણને શી રીતે મળે…? એના માટે ૧૨ ગાઉંનો સંઘ છે. કે ગિરિરાજને તમે ચારેય બાજુથી સ્પર્શો. ગિરિરાજની ઉર્જાને તમે બરોબર લો. ઉર્જાનું આખું શાસ્ત્ર છે, એટલે આપણે એટલું બધું અદ્ભુત પામેલા છે, જેની કોઈ સીમા નથી.

એટલે હવે મંદિરમાં જાવ ત્યારે પ્રભુને પ્રભુ તરીકે જોવાના છે, સાક્ષાત્ પ્રભુ જ બેઠેલા છે, સમવસરણમાં બિરાજમાન પ્રભુ સામે છે અને હું એમના સમવસરણમાં બેસીને દેશના સાંભળી રહ્યો છું.

એક ઘટના યાદ આવે, પાલનપુરમાં મારું ચોમાસું, ભાદરવો મહિનો, ગરમી ખુબ, બપોરના ૪ વાગેલા, એક સાત વર્ષની બેબી ઉપાશ્રયમાં આવી, પરિચિત ભક્તની બેબી હતી, એને વંદન કર્યું. પછી પૂછ્યું મ.સા. ગરમી કેવી છે? મેં જરા philosophical answer આપ્યો. કે બેટા! ગરમી ગરમીનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું… જો હું સ્વાધ્યાય કરું છું ને…? પણ કોન્વેન્ટનું કીડ હતું, એમ મારા philosophical answer થી પ્રભાવિત નહિ થયુ. મને કહે એમ નહિ મ.સા. સીધો જવાબ આપો. ગરમી છે કે નહિ…? મેં કીધું ગરમી છે, બેટા. બીજો સવાલ એણે કર્યો તમને ગરમી લાગે છે કે નહિ? મેં વિચાર્યું આમાં ય philosophical answer કામ નહિ આવે કે મારા દેહને ગરમી લાગે છે મને નથી લાગતી… આ જવાબ આની પાસે નહિ ચાલે. એટલે મેં કહ્યું બેટા! ગરમી લાગે છે. અને એણે ત્રીજો સવાલ કર્યો મ.સા. ઉપાશ્રયના ચારેય બાજુના બારી – બારણાં ખુલ્લા છે તો ય તમને ગરમી લાગે છે તો દેરાસરમાં ભગવાનને ગરમી કેટલી લાગતી હશે..? મેં કહ્યું આ બપોરે ૪ વાગે એને આ પ્રશ્ન કઈ રીતે થયો…? તો મને કહે મારી મોટી બહેન એની બહેનપણીઓ સાથે ભગવાનની આંગી કરવા માટે આવી રહી હતી. હું પણ જોડે હતી દેરાસરમાં, તો ચાંદીના ખોખા ઉપર એમને આંગી તો તૈયાર કરી નાંખી. અને ભગવાનને ચડાવા માટે એ લોકો જવાના છે. તો મને સવાલ થયો કે પ્રભુ ગભારામાં છે, કોઈ વેન્ટીલેશન, કોઈ બારી અંદર છે નહિ…. આમેય ભગવાનને ગરમી તો લાગતી હશે. અને એમાં આ ચાંદીનું ખોખું પહેરાવશે, તો ભગવાનને કેટલી ગરમી લાગશે? એટલે હું તમને પૂછવા આવી કે તમને ગરમી લાગે, મને ગરમી લાગે તો ભગવાનને ગરમી લાગે કે નહિ…? હું એટલો ખુશ થઇ ગયો એના પ્રશ્નથી કે એણે પ્રભુને સપ્રાણ માન્યા! જીવંત માન્યા! મને ગરમી લાગે તો પ્રભુને ગરમી કેમ ન લાગે…? આ ભાવ ક્યારેય સ્પર્શ્યો છે? પ્રભુ સપ્રાણ છે… હજુ ઊંડે ઊંડે મૂર્તિ જ જે છે એ મનમાં રોપાયેલી છે. મૂર્તિ બહુ સોહામણી… અરે! મૂર્તિ નથી સાક્ષાત્ પ્રભુ છે!

અને સમવસરણમાં રહેલા પ્રભુના દેહમાંથી જે સુગંધ, જે ઉર્જા નીકળતી હતી એ જ ઉર્જા આ મૂર્તિમાંથી નીકળી રહી છે. હું ખુશ થઇ ગયો પ્રશ્નથી… પછી મેં એ દીકરીને પૂછ્યું કે બેટા! તારું બેડરૂમ એ.સી. છે કે નોન એ.સી. ? મને કહે સાહેબ તમને તો ખબર છે તમે વહોરવા આવો છો મારા ત્યાં… અમારા ત્યાં તો બધા બેડરૂમ એ.સી. છે. મેં કહ્યું રાત્રે ૮.૩૦ વાગે તું તારા બેડરૂમમાં જાય, અને તું સૂઈ જાય તો કેટલા બારી – બારણાં તારે ખુલ્લા કરવા પડે…? સાહેબ એ.સી. રૂમ છે પછી બારી – બારણા ખુલ્લા શાના કરવાના હોય? એ.સી. ઓન કરીએ તો રૂમ chilled…. ત્યારે મેં  એનેકહ્યું બેટા! આખી દુનિયાને ઠંડકનો પુરવઠો જે પૂરો પાડે એ ભગવાનનો ગભારો કેવો હોય…? મેં કીધું… મને કહે હા, તમારી વાત બિલકુલ સાચી હો… એ તો સેન્ટ્રલી એર કંડીશન હોય. આખી દુનિયાને ઠંડકનો પુરવઠો જે પૂરો પાડે એ પ્રભુનો ગભારો એ તો સેન્ટ્રલી એર કંડીશન જ હોય. એટલે ભગવાનને ગરમી ના લાગે… ચાલો હું જાઉં છું…

“શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ, આત્મ શીતલ કરવા ભણી પૂજો અરિહા અંગ” પ્રભુ તો શીતલ છે જ… એ શીતલ પ્રભુના શીતલ દેહને શા માટે હું સ્પર્શું છું. મારી ભીતર શીતલતા આવે. શીતલતા કેટલી આવી…?

એક પ્રવચનમાં મેં પ્રશ્ન કર્યો, કે વીજળીનો વાયર હોય, સહેજ લીક થયેલો હોય, કોઈ એને touch કરે તો શું થાય? ઝાટકો લાગે…? મેં કહ્યું તમે મારા પ્રવચનો સાંભળેલા છે. પ્રભુના દેહમાં ઉર્જા ભરેલી છે, અને એ ઉર્જા પ્રતિક્ષણે નીકળ્યા કરે છે. એ ઉર્જાથી સભર દેહ એને તમે touch કરો ત્યારે કંઈક ખળભળાટી, રણઝણાટી તમને થાય છે…? એક ભાઈ મારી સામે બેઠેલો, વિચારમાં પડી ગયો, મને કહે સાહેબ થતી નથી, પણ થવી જોઈએ… તમારા પ્રવચનો સાંભળ્યા, ખ્યાલ આવી ગયો, કે પ્રભુનો દેહ ઉર્જાથી સભર છે કે એ વૈશ્વિક ઉર્જા અંદર દાખલ થાય છે, અને દેહમાંથી બહાર નીકળે છે. તો એ ઉર્જાનો અમે સ્પર્શ કરીએ તો કંઈક ખળભળાટી થવી જ જોઈએ. કેમ થતી નથી? ત્યારે મેં કહ્યું ઇલેક્ટ્રિક ટેકનીકશીયન હોય, એને વીજળીના વાયર જોડે જ કામ પડતું હોય, એ લીક થયેલા વાયરને પણ અડે જ, પણ એ હાથમાં કે પગમાં લાકડાનું અવરોધક પહેરીને કામ કરે તો એને કંઈ અસર થવાની નથી. એમ લીકેજ થયેલો વાયર અને એનો હાથ વચ્ચે અવરોધક તત્વ આવી ગયું, એમ મેં કહ્યું તમે પ્રભુનો સ્પર્શ કરો છો, કે તમારી આંગળી સ્પર્શ કરે છે? પ્રભુનો સ્પર્શ કોણ કરે છે…? તમારી આંગળી… તમારું મન તો કયાંય હોય છે. એટલે જે વિચારો આવી ગયા, એ અવરોધક બની ગયા, એક બાજુ પ્રભુ, એક બાજુ તમારું શરીર… વચ્ચે વિચારો આવી ગયા, અને વિચારો આવી ગયા, મન બહાર ભાગ્યું, અને પ્રભુ સાથે તમારું જોડાણ થયું નહિ, તો જોડાણ જ થયું નહિ, તો ખળભળાટી થાય કેવી રીતે…?

એના માટે એક practically approach આપું… નાનકડું… કે દેરાસરે ગયા, પૂજાના કપડા પહેરીને ગભારા પાસે ઉભા છો, તો એ વખતે વિચાર એ કરવાનો કે આ ધર્મનાથ દાદા કયા છે, જયપુરથી આવેલા નથી સિદ્ધશિલા પરથી આવેલા છે. સિદ્ધશિલા પરથી personally for us. જવાહરનગરવાળાઓ માટે આ ધર્મનાથદાદા અહીંયા આવ્યા. કેવો તો અહોભાવ છલકાશે… આ પ્રભુ મારા માટે સિદ્ધશિલા પરથી અહીંયા આવી ગયા, અને એ પ્રભુનો સ્પર્શ મારે કરવાનો છે! જેમનું દર્શન પણ દુર્લભ! એમનો સ્પર્શ મને મળી જશે! એકદમ અહોભાવ છલકાયેલો હોય! અને તમે સ્પર્શ કરો; તમને feelings થવાની જ, અનુભૂતિ થવાની જ… તમને જેના ઉપર વધુ શ્રદ્ધા છે, એ ગુરુદેવ અમદાવાદ તરફ હોય, અને તમારે મુંબઈમાં પોતાનું સ્થાન કરાવવું છે, તમે ગુરુદેવ પાસે ગયા, સાહેબ આ અનુષ્ઠાન છે આપ નિશ્રા આપો. ગુરુદેવે કહ્યું, ભાઈ હું અમદાવાદ છું, આવતું ચોમાસું પણ મારું આ બાજુ છે, તો અમે એક અનુષ્ઠાન માટે સાડા ત્રણસો કિલોમીટર આવવું અને સાડા ત્રણસો કિલોમીટર પાછા આવવું. ૭૦૦ કિલોમીટરનો ધક્કો શા માટે ખાવો…..? કોઈ પણ મહાત્મા હોય એમની પાસે અનુષ્ઠાન કરાવી લો… પણ તમે આગ્રહ રાખો, નહિ સાહેબ આપ જ પધારો, મારી બહુ જ ઈચ્છા છે, અને ગુરુદેવ પધારી પણ જાય, તો તમને શું થાય…? મારા ગુરુદેવ… મારા માટે ૭૦૦ કિલોમીટરનો વિહાર કર્યો! ગુરુદેવે તો ૭૦૦ કિલોમીટરનો વિહાર કર્યો, ભગવાને તો સાત રાજલોકનો વિહાર કર્યો. અને એ પ્રભુ અહીંયા આવ્યા, એ પ્રભુનો સ્પર્શ કરવાનો, તો શું થાય? એ પ્રભુની ઉર્જા એની નજીક જઈએ ને તો પણ ન્યાલ થઇ જઈએ… એનો સ્પર્શ કરીએ ત્યારે તો આપણી આખી જ ધારા બદલાઈ જાય. વિભાવની ધારા સ્વભાવની ધારામાં આવી જાય. ઉર્જાનું બહુ જ મજાનું રહસ્ય છે ઉર્જાનું આખું શાસ્ત્ર છે એની વાતો આપણે કાલે જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *