વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પૂરન મન પૂરન સબ દીસે
જે ક્ષણે પ્રભુનો પરમપ્રેમ તમને મળ્યો, એ ક્ષણે તમારું મન પૂર્ણ બની જાય છે. અને એ પૂર્ણ મન દ્વારા જે દર્શન થાય છે એ પણ પૂર્ણ દર્શન હોય છે. પછી એક પણ વ્યક્તિ તમને દોષયુક્ત લાગતી નથી. બીજી વ્યક્તિઓ અપૂર્ણ છે – આવું જે આપણને લાગે છે, એનું કારણ એ વ્યક્તિ નથી; આપણી અપૂર્ણતા છે, આપણી દોષદ્રષ્ટિ છે.
આપણે પ્રભુના બે અપરાધો કર્યા છે: જડ પ્રત્યેનો રાગ અને ચેતના પ્રત્યેનો દ્વેષ. એ અપરાધ વૃત્તિમાંથી છૂટવું હોય તો શું કરવાનું? જડ પ્રત્યે વૈરાગ્ય / ઉદાસીનદશા અને ચેતના પ્રત્યે પ્રેમ / સમાદર. Reverence for life.
Action ની સામે Reaction – આ દુનિયાનો નિયમ છે. પણ પ્રભુ શાસનમાં તમે છો, તો તમારો નિયમ આ ન હોઈ શકે. Action ની સામે Non–action – આ પ્રભુ શાસનનો નિયમ. કોઈએ કંઈક કહ્યું અને તમે સીધી જ પ્રતિક્રિયા / Reaction આપી દો, તો નિશ્ચયથી તમે પ્રભુશાસનમાં નથી.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૭
પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
પ્રભુનો પરમપ્રેમ જ્યારે આપણને મળે ત્યારે આપણી ભાવદશા કેવી હોય એની વાત મહોપાધ્યાય યશોવિજય મહારાજે એક સ્તવનામાં કરી. “પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” જે ક્ષણે પ્રભુનો પરમ પ્રેમ તમને મળ્યો, એ ક્ષણે તમારું મન પૂર્ણ બની જાય છે, અને એ પૂર્ણ મન દ્વારા જે દર્શન થાય છે એ પણ પૂર્ણ દર્શન હોય છે.
એક પણ વ્યક્તિ તમને દોષયુક્ત લાગતી નથી. મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ હોય મને ફર્સ પર ડાઘ દેખાશે,ભીંત પર ડાઘ દેખાશે, પણ મને ખ્યાલ આવી જાય કે મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ છે તો ગ્લાસ સાફ કરી નાંખું. એ જ રીતે બીજી વ્યક્તિઓ અપૂર્ણ છે આવું જે આપણને લાગે છે, એનું કારણ એ વ્યક્તિ નથી; આપણે છીએ. આપણી દોષ દ્રષ્ટિ છે.
શ્રીપાળ રાસની એક બહુ જ પ્યારી ઘટના છે, શ્રીપાળ કુમાર એક જગ્યાએ ગયા છે, ધવલ શેઠ બંદર ઉપર ધંધો કરતાં હોય છે અને એમાં ય એમના સ્વભાવ પ્રમાણે દાણચોરી વિગેરે કર્યું, પકડાઈ ગયા, રાજાના સિપાઈઓ એમને પકડીને જેલમાં પૂરવા માટે લઇ જાય છે. શ્રીપાળ કુમારની નજર પડી, એમણે એ સિપાઈઓને કહ્યું અરે છોડી દો, આ તો મારા ઉપકારી છે. શ્રીપાળ તો ત્યાં રાજાના જમાઈ તરીકે બેઠેલા હતા, આ મારા ઉપકારી છે છોડી દો એમને. સિપાઈઓએ એમને છોડી દીધા. હું વારંવાર ઓળીના પ્રવચનોમાં એક સવાલ કરતો હોઉં, કે ધવલશેઠ શ્રીપાળજી માટે ઉપકારી કઈ રીતે? અત્યાર સુધીમાં જવાબ એક જ મળ્યો છે, કે સાહેબજી! એમના વહાણમાં બેસીને ગયો ને… હું કહું છું ok, accepted. તમારી વાત સ્વીકારી લીધી. એથી વધુ બીજો કોઈ ઉપકાર ખ્યાલામાં આવે છે, બહુ જ ઊંડી અને બહુ જ મજાની વાત છે, શ્રીપાળજીના મનમાં હતું કે આ જન્મમાં સમ્યગ્દર્શન મને મળવું જ જોઈએ. સ્વાનુભૂતિ મને થવી જ જોઈએ… પણ હું સમ્યગ્દર્શનની નજીક છું કે નહિ, એ પણ મને ખબર શી રીતે પડે…? જ્ઞાની ગુરુને ખબર પડે… પણ શ્રીપાળ જ્ઞાની પણ હતા, એમને ખ્યાલ હતો કે સમભાવ પુષ્ટ રીતે આપણા હૃદયની અંદર હોય તો માની શકાય કે સમ્યગ્દર્શન મળેલું હશે અથવા એની નજીકમાં હોઈશું.
હવે વાત એ આવી કે સમભાવ મારી ભીતર કેટલો છે એનો ખ્યાલ તો ક્યારે આવે? બધા આવો પધારો કરતાં હોય ત્યાં ક્રોધ ક્યાં આવવાનો છે…! પણ એવું નિમિત્ત મળે જ્યાં તમારા અહંકાર ઉપર સીધો જ હુમલો થાય ત્યારે તમારો ક્રોધ છંછેડાય જાય, તો શ્રીપાળજી વિચારે છે કે મારી ભીતર સમભાવ છે કે નહિ એની પરીક્ષા કોણ કરશે…? એ અરસામાં પેલી ઘટના ઘટી. કે ધવલશેઠે મધરાતે એમને દરિયામાં ફેંકી દીધા. દરિયામાં ગયા તો પુણ્ય જોડે હતું, વિમલવાહન દેવ આવી ગયા, કિનારે પહોંચાડી દીધા, ત્યાં પણ એક રાજાને ત્યાં અધિકારી થઈને બેસી પણ ગયા, અને ધવલશેઠ ફરતાં ફરતાં ફરતાં ત્યાં આવ્યા. એ રાજ્યના બંદરમાં વ્યાપાર કરવો હતો, તો રાજાની પાસે આવવું પડે, ભેટણું લઈને અને રાજાની પરવાનગી લેવી પડે. ધવલશેઠ જ્યાં રાજા પાસે આવ્યા, ત્યાં બાજુની જ ખુરશી ઉપર શ્રીપાળને બેઠેલા જોયા, એના પેટમાં તેલ રેડાયું, આ..? આ ક્યાંથી આવી ગયો અહીંયા? દરિયામાં ફેંક્યો હતો તોય સાલો માર્યો નહિ?! અને એ વખતે શ્રીપાળજીને ધવલને જોતાં એક ક્રોધનો અંશ પણ આવતો નથી. એક જ વસ્તુ થઇ એ મારા પરીક્ષક બન્યા. દરિયામાં મને ફેંક્યો, એ મને મળે છે અત્યારે, અને છતાં મને એમના ઉપર ગુસ્સો નથી આવતો, મતલબ એ થયો, મારા સમભાવની પરીક્ષા ધવલ શેઠે કરી, તો એ ધવલશેઠ મારા પરીક્ષક બન્યા, મારા ગુરુ બન્યા. by the way તમને પૂછું, તમારે ગુરુ કેટલા હોવાના? તમારા ગુરુ કેટલા? ઘરમાં જ ગુરુઓ મળી જાય હો, બહાર જવાની જરૂરત જ ન રહે.
હિંદુ પરંપરામાં ગુરુ દત્તાત્રય માટે કહેવાયું કે એમને ૨૪ ગુરુઓ હતા, અચ્છા તો પહેલા ગુરુ કોણ હતા? ગુરુ દત્તાત્રયના પહેલા ગુરુ તરીકે એક ચોર છે. દત્તાત્રય અત્યંત શ્રીમંત ઘરમાં જન્મેલા છે, પંડિતો એમને ભણાવવા માટે ઘરે આવે છે, બહાર એમને ક્યાંય જવાનું નથી. એકવાર એવું બન્યું કે ચોર રંગેલા હાથે પકડાઈ ગયો, રાજાએ સજા કરી, એને ફાંસીના માંચડે ચડાવી દીધો. તો એ જમાનાના નિયમ પ્રમાણે એને ગધેડા ઉપર બેસાડવામાં આવ્યો, માથે મુંડન કરવામાં આવ્યું, મોઢું કાળું કરી નાંખ્યું, આગળ ફૂટેલો ઢોલ વાગે, અને એ રીતે સરઘસ ગામની બહાર જાય અને ત્યાં એને ફાંસી આપવામાં આવે. દત્તાત્રય સંસારમાં છે, બાલ્કનીમાં બેઠેલા છે, અને એમણે આ સરઘસ જોયું. દુનિયાના વ્યવહારથી બિલકુલ અજાણ છે, એમણે પોતાના એક સેવકને બોલાવ્યો, અને પૂછ્યું કે આ શેનો વરઘોડો છે? પેલો કહે સાહેબ આ વરઘોડો નથી, આ માણસે ચોરી કરેલી, રાજાનો અપરાધ કરેલો અને એટલે રાજાએ એને ફાંસીની સજા ફરમાવી છે, તો એને ફાંસીના માંચડે ચડાવવા માટે લઇ જાય છે. પણ લોકોને ખબર પડે કે ચોરી કરનારને આવી સજા થાય છે, એ બતાવવા માટે આ સરઘસ નીકળી રહ્યું છે.
એ ચોરને જોતાં દત્તાત્રય વિચારમાં પડી ગયા, એક રાજા એનો કોઈ ગુનો કરે, અપરાધ કરે એને ફાંસીની સજા મળે… હું આ જન્મમાં આવ્યો છું… મને પ્રભુએ શા માટે મોકલ્યો છે…? અને હું શું કરું છું…! “તિલ તિલ કાં મેં અપરાધી હું, રતિ રતિ કાં ચોર” પ્રભુનો હું અપરાધી છું, પ્રભુએ મને મોકલ્યો છે અહીંયા સાધના કરવા માટે, અને હું સંસારના ભોગ – વિલાસમાં ડૂબી ગયો છું. એક રાજાનો નાનકડો અપરાધ કરે, એને ફાંસીની સજા મળે, તો પ્રભુનો અપરાધ કરે એને કેવી સજા મળે…? એક ચોરને જોયો વિરાગી થયા, માતા – પિતાની રજા લીધી. સંન્યાસી થઇ ગયા. ૨૪ ગુરુમાં પહેલો ગુરુ ચોર. જેનાથી પણ સહેજ બોધ પાઠ મળે એ ગુરુ. તો શ્રીપાળજી કહે છે કે ધવલ મારા પરીક્ષક છે, સમભાવના એટલે મારા ગુરુ છે, મારા ઉપકારી છે. આ વાત તો મજાની હતી, પણ શ્રીપાળજીની મનોધારા જોતાં લાગે કે શ્રીપાળજી આનાથી પણ આગળ વધેલા હતા. ધવલ શેઠે કામ કર્યું, દરિયામાં ફેંકવાનું કામ તો કર્યું, અને સમભાવની પરીક્ષા થઇ, અને ધવલશેઠને શ્રીપાળ ગુરુ માને, એમાં બહુ મોટી વાત નથી. શ્રીપાળની મનોદશા એ હતી, જ્યાં ચૈતન્ય પ્રત્યે સમાદર હતો. Reverence for the life. જ્યાં ચેતના ત્યાં આદર.
આપણા યુગના સાધના મહિષી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા કહેતાં, કે આપણે લોકોએ પ્રભુના બે અપરાધો કર્યા છે, કયા બે અપરાધો? સાહેબજી કહેતાં જડ પ્રત્યેનો રાગ, અને ચેતના પ્રત્યેનો દ્વેષ , આ બે અપરાધ આપણે એટલા તો ભયંકર કર્યા છે, કે આપણે પ્રભુના મહાન અપરાધી છીએ. એ અપરાધ વૃત્તિમાંથી છૂટવું હોય તો શું કરવાનું…? જડ પ્રત્યે વૈરાગ્ય, ઉદાસીનદશા. અને ચેતના પ્રત્યે પ્રેમ. એક બહુ ઊંડી વાત તમને આજે કહું, ચેતના પ્રત્યેનો દ્વેષ આપણા અસ્તિત્વમાં ઊંડે સુધી પહોંચેલો છે,
એક ઘટના તમને કહું, એક ભાઈ એક તીર્થમાં ગયેલા, પૂજા કરી નાસ્તો કર્યો, નીચે એમને રૂમ લીધેલી હતી. થોડીવાર પછી એમના બીજા એક મિત્ર આવ્યા, નીચે રૂમ નહોતી, ઉપર લીધી first floor ઉપર… થોડીવાર પછી ઉપરવાળા મિત્રનો નીચેવાળા પર ફોન આવ્યો કે એક કોન્ફરન્સ મીટીંગ કરવી છે તો જલ્દી ઉપર આવી જા. ધંધામાં બધા એકસરખા હતા, પેલો ઉપર જાય છે નીચેથી… તો ધર્મશાળાની કોરીડોરમાં એ ઝડપથી ચાલી રહ્યો છે, બે બાજુ રૂમો, આગળ કોરીડોર, અને વચ્ચે સીડી આ જોશથી જાય છે અને એ વખતે એક બીજો માણસ સીડી પરથી ઝડપથી નીચે ઉતરે છે, ખૂણા ઉપર બે જણા ભટકાણા, આ નીચેની રૂમવાળો ગરમ થઇ ગયો, જુઓ છો કે નહિ, કંઈ ભાન છે કે નહિ, હવે એકેય ને દેખાય એવું હતું નહિ… ન એને સીડી દેખાય એવી હતી, ન પેલાને પરસાણ દેખાય એવી હતી. સીડી અંદર હતી, ગુસ્સો આવી ગયો, પછી ઉપર પણ ગયો, મીટીંગ પણ કરી, બધું થઇ ગયું, રાતનો સમય, એ ધર્મશાળાની રૂમમાં toilet અંદર નહોતું. રાત્રે એને બાથરૂમ જવું હતું, તો દિવસે એ ગયેલો એટલે ખ્યાલ હતો કે બાથરૂમ આ બાજુ છે, પણ બન્યું એવું ૧૦ વાગે electricity થઇ ગઈ fail, ઘોર અંધારું, અને અંધારામાં બાથરૂમ તરફ જાય છે. વચ્ચે એક થાંભલો આવ્યો, અંધારામાં દેખાયો નહિ, જોરથી એ થાંભલા જોડે ભટકાયો. હવે બોલો સવારે પેલા જોડે ભટકાયો ને ત્યારે વાગ્યું એના કરતા વધારે વાગ્યું છે. ગુસ્સો કેટલો આવે થાંભલા ઉપર…? લાકડી લઈને થાંભલા ઉપર તૂટી પડે ને…? કેમ…? અહીંયા દ્વેષ કેમ નથી આવતો…? આ જ આપણા મનનું આપણી સાથેનું ચીટીંગ છે. પેલો માણસ સામે હતો; ગુસ્સો આવી ગયો. તો ચૈતન્ય પ્રત્યેનો દ્વેષ અનંત જન્મોથી સંગ્રહીને આપણે બેઠા છીએ. અને એટલે જ તમે જુઓ સાધના કરવા આવો, સામાયિક લઈને બેઠેલા હોવ, અને કોઈકનું કંઈક જુઓ ને તો તરત જ મનની અંદર તો ગુસ્સો આવી જ જાય છે, આ કેમ આમ કરે છે… પણ ભાઈ તને કોને જજ બનાવ્યો છે…? તું તારું સંભાળ ને…
એક ઝેન કથા આવે છે, લીચી નામના એક ગુરુ હતા, બૌદ્ધ ગુરુ. સવારના પહોરમાં એકવાર ઉઠ્યા છે, નદીના કિનારે ગયા, અને એમને ધ્યાન કરવું છે, સવારનો પહોર… તમને ખબર છે? અમારે ત્યાં બ્રહ્મ મુહુર્ત જે છે ને એ સાધના માટે ગોલ્ડન પીરીયડ કહેવાય. નરસિંહ મહેતાએ ગાયું ‘પાછળની રહે ષટગણી બાકી જ્યાં રહે, સાધુ પુરુષે સૂઈ ન રહેવું” સૂર્યોદય પહેલાંની ૬ ઘડી એટલે કે લગભગ સવા બે કલાક, સૂર્યોદય પહેલાના સવા બે કલાક એ સમય બ્રહ્મ મુહુર્ત છે, એ સાધના માટે ગોલ્ડન પીરીયડ છે. હજારો યોગીઓ એ વખતે યોગ સાધના કરતાં હોય, લોકો બધા સુતેલા હોય, અને એ યોગીઓના યોગ સાધનાના vibrations એ વખતે તમને મળે, અને એ vibrations તમારી સાધના ને upgrade કરી નાંખે. શિયાળામાં ૬ વાગ્યા સુધી, ૭ વાગ્યા સુધી, માણસ પથારી જોડે દોસ્તી કરતો હોય, પછી કહે શિયાળામાં તો ગુલાબી નીંદર આવે. અરે ગુલાબી નીંદર નહિ, હરામની નીંદર… તમે આખું schedule ફેરવી નાંખ્યું. ૯ – ૯.૩૦ વાગે સૂઈ જવાનું હતું, ૫ વાગે ઉઠી જવાનું હતું, આખું જ ચક્કર તમે ખોરવી નાંખ્યું છે…
તો લીચી સવારના પહોરમાં ઉઠ્યા, નદીના કિનારે ગયા, ધ્યાન કરવું છે, એમાં એક નાવ હતી એ નાવ કિનારા જોડે લંગરાયેલી અને સ્થિર પડેલી હતી, તો એ નાવમાં લીચી બેસી ગયા. થોડી વાર થઇ અને લંગર ખુલી ગયું કોઈ પણ કારણસર, અને હોડી ચાલવા મંડી પ્રવાહમાં… તો હોડી ચાલે તો પણ લીચીને કોઈ વાંધો નથી. એમનું ધ્યાન ચાલુ છે. એમાં એવું બન્યું કે એક બીજી હોડીનો ધક્કો જોરથી આ હોડીને લાગ્યો. એટલો જોરથી ધક્કો લાગ્યો કે આ હોડી ઉંધી પડી જતાં રોકાઈ ગઈ. લીચી સંત છે, ધ્યાનમાં બેઠેલા છે, છતાં પણ એમના મનમાં વિચાર આવી ગયો કે મારી તો આંખો બંધ છે હું ધ્યાનમાં છું એટલે. શું સામે વાળાની આંખ પણ બંધ હશે..? એણે મારી હોડી સાથે એની હોડી અથડાવી. ગુસ્સો આવી ગયો, આંખ ખોલી, જોયું તો હસી પડ્યા. વાત આખી જુદી હતી, સામેથી કોઈ હોડી આવી નહોતી. પાછળથી એક હોડી આવી રહી હતી. એ હોડીને પણ લંગર નાંખેલું હતું, ને લંગર છૂટી ગયું, નાવિક એ હોડીમાં હતો નહિ, એ હોડી હતી મોટી, ને પાછળથી એ હોડી આવતી હતી, અને નાવિક વગરની એ હોડીએ આ હોડીને ટક્કર મારેલી. હવે લીચી હસવા માંડ્યા, પણ એ સંત તો હતા જ… એમને વિચાર કર્યો, એ નાવમાં કોઈ નાવિક બેઠેલો હોત તો મને ગુસ્સો આવત. સાલા તું જોતો નથી, મારી તો આંખો બંધ હતી, તને ખ્યાલ નહિ આવ્યો. અને માણસ નથી તો મને ગુસ્સો આવતો નહિ… એ ઊંડા ઉતર્યા, કે મારી ભીતરનો જે ચેતના પ્રત્યેનો દ્વેષ છે એના કારણે મને ગુસ્સો આવે છે. નાવ હલી, કે નાવ ધ્રુજી… એ કોઈ ઘટના નથી. ઘટના આ છે કે મને ચેતના પ્રત્યે દ્વેષ છે.
તો પંન્યાસજી ભગવંત બહુ ઊંડા, વૈજ્ઞાનિક આયામના મહાપ્રુરૂષ હતા. એમણે જોયું કે આપણી સાધના અટકે છે ક્યાં? અહીંયા અટકે છે. જડના રાગમાં અને જીવના દ્વેષમાં. તમે નમો સિદ્ધાણં બોલો ને, નમુત્થુણં માં એનો વિસ્તાર આવે, જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્સંતી ણગએ કાલે, સંપઈઅ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ. ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા, ભાઈ તમારો નમસ્કાર ને? વર્તમાનકાળમાં મહાવિદેહમાંથી સિદ્ધિ પદને કોઈ મહાત્મા પામે, તમારો નમસ્કાર ને… અને ભવિષ્યમાં જે સિદ્ધ થવાના આ બધા જ… એમને નમસ્કાર ને…? કોઈએ ગાળ કીધી… તમે શું કહેશો? નમસ્કાર…
કોઈ અંકલ હોય, વિના કારણે તમારા ઉપર તૂટી પડે, તું આવો છે ને… તું આવો છે… તમે એના પગમાં પડો, એ અંકલ નવાઈમાં ડૂબી જાય, સાલું થયું શું આ..? સામાન્યતયા નિયમ એવો છે, action ની સામે reaction. તમારો નિયમ આ છે ને…? પણ પ્રભુ શાસનમાં તમે છો, તો તમારો નિયમ આ ન હોઈ શકે. Action ની સામે reaction એ દુનિયાનો નિયમ, action ની સામે non – action એ પ્રભુ શાસનનો નિયમ. કોઈએ કહ્યું, તમે સીધી જ પ્રતિક્રિયા આપો. reaction. તો તમે નિશ્ચયથી પ્રભુ શાસનમાં ખરા? વ્યવહારથી જરૂર છો. કારણ? action ની સામે reaction જેની પાસે છે, એ પ્રભુ શાસનમાં નથી. action સામે non – action છે, એ જ પ્રભુ શાસનમાં છે. Action પેલી વ્યક્તિએ કરી, બરોબર…? તમે છે ને સીધા એ વ્યક્તિને જુઓ છો. એને ગાળ આપી, એને આમ કર્યું… આપણે જૈન છીએ, કર્મની philosophy નાનપણથી આપણે જાણીએ છીએ. એને ગાળ આપી, એનું કારણ શું? તમારું કર્મ… પાર્ટનર તમને નવડાવી ગયો, પણ એનું કારણ શું….? તમારું કર્મ ખરું? જો તમને તમારું કર્મ દેખાય તો પેલી વ્યક્તિ ઉપર ગુસ્સો કેમ આવે…? પોલીસ પણ શું કરે ખબર છે….? કોઈ ગુંડાએ કોઈને માર્યો, હવે એ ગુંડાએ સોપારી ખાધેલી છે, કોણે સોપારી આપી એ લીંક શોધે છે, અને આખરે પેલી વ્યક્તિ સુધી પહોંચશે પોલીસ… એમ તમને ગાળો દેનાર સામો માણસ છે પણ એ તો બિચારો કુટાઈ ગયો ખોટો, કર્મ તમારું, નિમિત્ત એ બની ગયો. વાંક કોનો તમારો? અપરાધ કોનો તમારો? નિમિત્ત કોણ બન્યું? પેલો બન્યો…
એટલે મારી તો અપેક્ષા એવી અડધો કલાક એકદમ રફલી non – stop ખરાબ શબ્દો કોઈ બોલે, તમે reaction ન આપો, non – action માં હોવ, આખરે અડધો કલાકે પેલો બંધ થવાનો જ છે, કારણ કે reaction મળે તો વરઘોડો આગળ ચાલે. નહીતર ક્યાંથી ચાલે? non – action માં… એ બોલતો બંધ થાય ત્યારે તમે પ્રેમથી કહી શકો કે અંકલ તમે મને સુધારવા માટે કેટલી બધી મહેનત કરી, આ થોડો જ્યુસ પીઓ, તમારા ગળાને ઘણો બધો શોષ પડ્યો હશે… તમારા પાસે મારી અપેક્ષા આ છે, action ની સામે reaction. હું કહું છું પ્રભુ શાસન ક્યાં આવ્યું આમાં…! action ની સામે non – action. અને non – action નું કારણ છે, કે action કરનાર એ વ્યક્તિ નથી, action કરનાર મારું કર્મ છે.
અંજના મહાસતીને પૌરંજય ઉપર ગુસ્સો આવેલો? જે પતિ ૨૨ વર્ષ સુધી લગ્ન પછી એની સામે જોતો નથી. એ પતિ પ્રત્યે એટલો ભાવ છે, કે એ પતિ યુદ્ધના મેદાનમાં જવા માટે તૈયાર થયો, ત્યારે અંજના મહાસતીને થયું કે પત્ની તરીકે મારો ધર્મ છે, કે મારે મારા પતિનું મંગળ ઇચ્છવું જોઈએ. અને એ અંજના મહાસતી કંકુવટી લઇ, ચોખા લઇ, પતિનું સ્વાગત કરવા માટે જાય, એ પૌરંજય ઘોડા ઉપર બેઠેલો, નાનામાં નાનો માણસ એક ખેડૂત ગળાનો ફૂલનો હાર નાંખે, તો પૌરંજય હાથ જોડીને એને સ્વીકારે, એ જ પૌરંજય અંજના મહાસતીને જોઈ, સીધી જ પાટું લગાવી અંજના ને… હજારો લોકોની વચ્ચે… અંજના બેભાન થઇ ગયા, એમને મહેલમાં લઇ જવામાં આવ્યા.
ભાનમાં આવ્યા પછી સખીઓએ કહ્યું, આવો માણસ હોય? પત્થર દિલ. એક તો એનું મંગલ ઇચ્છવા ગઈ, અને એણે પાટું માર્યું! ત્યારે અંજના મહાસતી એક લોજીક આપે છે, એ પળોમાં બીજું કંઈ યાદ આવે..? પણ કેવી કર્મની philosophy અસ્તિત્વના સ્તર પર ગઈ હશે, અંજના મહાસતી કહે છે કે મારા પતિ માટે તમે ખરાબ નહિ બોલો, મારા પતિ ખરાબ છે જ નહિ. લોજીક આપે છે, જો મારા પતિ ખરાબ હોય તો બધાની જોડે ખરાબ behave કરે. એક નાનામાં નાનો માણસ આવે, એનો પણ પ્રેમથી સન્માન સ્વીકારે છે, માત્ર હું ગઈ અને પાટું મારે છે, મતલબ મારું કર્મ ખરાબ છે, નહિ કે મારા પતિ ખરાબ છે… આ અંજના મહાસતીને કેટલી વાર સાંભળી ચુકેલી માતાઓ? એ અંજના… નાનકડા સ્તર ઉપર એક અંજનાજી નું નાનકડું edition તમારા ચિત્તમાં કેમ ન હોય…?
આજે તો વાત એવી થઇ, કે નામમાં પણ આ ગયું. ૨૫ – ૩૦ વર્ષ પહેલા અંજના, ચંદના, છોકરાઓના કુમારપાળ, વસ્તુપાળ, આવા નામ રહેતા, અને એવું નામ હોય ને, તો એ દીકરી પૂછે કે માં ચંદના મારું નામ છે, તો આ ચંદના કોણ હતા….? અને પછી એ ચંદનાજીની વાત કરે માં ત્યારે નાનકડી દીકરીના મનમાં એક બીજ રોપાય, એક સપનું રોપાય કે મારે પણ ચંદનાજી જેવા બનવું છે. શું બનવું છે તમારે? રોલ મોડલ શું છે તમારું…? બહારની દુનિયામાં રોલ મોડલ લઈને બેઠેલા છો, અંદરની દુનિયામાં કોણ છે?
ભરહેસર બાહુબલીની આખી સજ્ઝાય બોલી જાવ એમાંથી તમારા માટે રોલ મોડલ કોણ..? કાલે નક્કી કરીને આવશો…? ચિટ્ઠીમાં લખીને મને આપશો…? તમારા માટે રોલ મોડલ કોણ છે? ભરત ચક્રવર્તી છે…? એક વીંટી પડી, અને શુક્લ ધ્યાનની ધારા… સહેલી વસ્તુ નથી, ઉદાસીનતાની ધારા એવી ઘૂંટેલી, એવી ઘૂંટેલી, એવી ઘૂંટેલી કે એક ધક્કો મળ્યો કે ભરતજી પહોંચી ગયા. માત્ર એક ધક્કો… એક ધક્કાની જરૂરિયાત હતી. તમને ભરત ચક્રવર્તીનો ખ્યાલ છે, એ છ ખંડના વિજેતા ચક્રવર્તી હતા અને હજારો મુગટ બંધ રાજાઓ રોજ એમની પ્રશંસા કરતા હોય, પણ ભરત ચક્રવર્તીને લાગ્યું કે આમાં તો હું ડૂબી જઈશ. એટલે એમણે થોડા શ્રાવકો રાખેલા, કલ્યાણમિત્રો અને કહેલું કે સભાની અંદર હજારો લોકો બેઠેલા હોય ત્યારે તમારે આવવાનું. બધાએ ભેગા થઈને અને કહેવાનું, શું કહેવાનું…? કે ચક્રવર્તી તમે ષટખંડના વિજેતા ભલે હો, પણ તમારી ઇન્દ્રિયોથી તમે પરાજિત થયેલા છો. તમે બાહ્ય જગતમાં વિજેતા છો. આંતરિક જગતમાં તમે પરાજિત થયેલા માણસ છો. આવું હજારો લોકોની વચ્ચે રોજ ભરત ચક્રવર્તી સાંભળતા. એ કેવી લગન હશે. હું આમાં ક્યાંય ડૂબી ના જાઉં… એવી જે તીવ્ર લગન હતી એના કારણે આ વ્યવસ્થા થઇ. તમે રાખી છે આવી કોઈ વ્યવસ્થા…? ભાઈ! તે આટલું બધું ભેગું કર્યું, પરલોકમાં કેટલું કામ આવશે? આવું કહેનાર કોઈ રાખ્યા છે…? તો શ્રીપાળની પાસે reverence for life હતી. જ્યાં ચેતના ત્યાં સમાદર.
ધવલશેઠમાં બીજું કંઈ જ જોવાનું નહોતું. એ ચેતના છે, અનંત ગુણોથી યુક્ત છે. એક સરસ દ્રષ્ટિકોણ છે આમાં… બહુ સરસ.. તમે પણ apply કરી શકો એવો છે. કોલસાની ખાણ હોય અને કર્મચારી હોય એમાં રોજ ઊંડે જવાનું હોય, એ સાંજે નીકળે ત્યારે કોલસાથી આખું શરીર રગદોળાયેલું હોય, જ્યાં કપડું ન પહેરેલું હોય, ત્યાં આખો ભાગ કાળો કાળો થઇ ગયેલો હોય. હવે એક કર્મચારી બહાર નીકળે છે, એની સિકલ ઉપરથી ખબર પડી જાય છે કે આ ચીમન છે, અને એને ઓળખનાર બહાર બેઠેલો છે ને… આ ચીમન છે, ચીમન એકદમ ગોરી ગોરી કાયાવાળો છે. એકદમ ગોરી ચામડીવાળો… પણ જયારે ખાણમાંથી નીકળે ત્યારે કેવો છે? એકદમ કાળો કાળો કાળો… તો એ વખતે એને જાણનાર કોઈ નહિ એના પ્રત્યે ગુસ્સો આવે, સાલો હબસી જેવો કાળો.. ખબર છે… હમણાં નળ નીચે બેસશે અને કોલસાની રજ જતી રહેશે તો એકદમ ગોરો ગોરો એ લાગવાનો. આ દ્રષ્ટિકોણ શ્રીપાળજી પાસે હતો. ધવલ અત્યારે દેખાય છે ક્રોધ, અહંકાર, સ્વાર્થ વિગેરેથી ભરાયેલ, પણ એમનું મૂળ સ્વરૂપ કયું છે…? મૂળ સ્વરૂપમાં એ અનંત ગુણોથી યુક્ત છે. આમાં પણ છે ને તમારું મન તમારી જોડે ચીટીંગ કરે છે. કોઈ પણ વ્યક્તિમાં સહેજ દોષ જોયો, તમે શું કહેશો…? ફલાણાનું નામ ના લો, એ તો અહંકારનું પુતળું છે…
હવે તમને પુછુ? રોગ અને રોગી… તાવ કોકને આવ્યો છે એ રોગી થયો, તાવ રોગ છે, તો બેમાંથી ખરાબ શું? તાવવાળાને ઘરમાંથી કાઢી મુકવાનો…? રોગી ખરાબ કે રોગ ખરાબ..? કોણ ખરાબ…? રોગને કાઢી નાંખો રોગી તો સારો છે જ.. એમ દોષી ખરાબ કે દોષ ખરાબ? ત્યાં તમારું મન બરોબર સમજે છે રોગી તો સારો જ છે ને… એ તો માણસ છે, રોગ ખરાબ છે… અહીંયા કેમ આખું સૂત્ર ઊંધું થઇ જાય છે, અહીંયા દોષ ખરાબ નથી રહેતો, દોષી ખરાબ થઇ જાય છે. ખ્યાલ આવ્યો…? એ દોષ જેના કારણે તમે એ વ્યક્તિને ખરાબ કહો છો, એ દોષ તમારામાં લઈને બેઠા હોવ પાછા આરામથી… દોષ ખરાબ નહિ, દોષી ખરાબ… અને પેલામાં રોગી ખરાબ નહિ પણ રોગ ખરાબ. હવે ખ્યાલ આવશે… આ મનની ચીટીંગમાંથી બહાર નીકળવું છે? કારણ કે આમાં પણ અનાદીની ધારા આવી… જીવધ્વેષ. કોઈને સારો માનવો, એમાં તમારે સાધનાની જરૂર પડશે. ખરાબ માનવામાં સાધનાની જરૂર જ નથી. બિલકુલ અનપઢ માણસ હોય, એને પણ કહી દઉં આ માણસ ખરાબ છે, અરે એનું નામ ન લો..
એક બીજી વાત તમને પૂછું, તમે આખી મનુષ્ય સૃષ્ટિને બે ભાગમાં વહેંચી નાંખી. સારા અને ખરાબ. તો સારાની વ્યાખ્યા શું, ને ખરાબની વ્યાખ્યા શું? આ માણસ સારો એની વ્યાખ્યા શું…? અને આ માણસ ખરાબ એની વ્યાખ્યા શું? વ્યાખ્યા કઈ? તમારી વ્યાખ્યા એ છે કે જે તમારા હું ને પંપાળે એ સારો. તમારા હું ને ખોતરે એ ખરાબ. આ વ્યાખ્યા છે ને તમારી…? તમારી વ્યાખ્યા આ છે ને…? હું ઘણીવાર હસતાં હસતાં કહું તમે સૃષ્ટિનું કેન્દ્રબિંદુ થઇ ગયા? કે તમારા કારણે આખી મનુષ્યસૃષ્ટિનું વિભાજન થઇ જાય! આ સારા અને આ ખરાબ. તમે કેન્દ્રબિંદુમાં હોવ તો થઇ શકે. મને સારા એ સારા, મને ખરાબ એ બધા ખરાબ.
તમારા જેવા બૌદ્ધિક માણસો.. આવી માન્યતા, આવી વિચારણા તમારી પાસે ચાલે ખરી? એ માણસ સારો જ છે. મારું તો એક સૂત્ર છે યાદ રાખો… બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું. આ વાત જે હૃદયથી, મનથી માનતો હોય એનો જ નિશ્ચયથી પ્રભુ શાસનમાં પ્રવેશ થયો. બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું. કારણ? બીજાના ગુણ જોવાના છે, આપણા દોષ જોવાના છે, આપણા દોષ જોઈએ એટલે આપણી જાત આપણને ખરાબ લાગે. બીજાના ગુણ તમે જૂઓ એટલે સારા લાગે બધા… અને actually આ જ પ્રાયશ્ચિત છે, અનંત જન્મોથી એક જ વાત આપણે કરી છે. બીજા ખરાબ હું સારો, બીજા ખરાબ હું સારો… અને બીજો સારો પણ ક્યારે? મને સારો માને તો સારો… આનું પ્રાયશ્ચિત આ…. શિર્ષાસનમાં આવી જાવ, બીજા બધા જ સારા, ખરાબ હોય તો એક હું. અને આ વાત હૃદયને સ્પર્શે, તો શું થાય…
ઉપાધ્યાયજી ભગવંત કહે છે, પૂરન મન, પૂરન સબ દિશે, પછી આખું જગત તમને પૂર્ણ દેખાશે, કોઈ અપૂર્ણ છે જ નહિ, વિચાર કરો, તમને કોઈને ધવલ શેઠ જેવો મૂરતિયો મળ્યો હશે? તો શ્રીપાળજી તમારા માટે રોલ મોડલ ન બની શકે..? કે દરિયામાં પાડવા માટે તૈયાર થયેલો માણસ, છેલ્લે છેલ્લે તો કટારી લઈને મારવા આવેલો માણસ. ભલે એ મરી ગયો પછી.. પણ શ્રીપાળને મારવા માટે આવેલો કટારી લઈને, એ મરી ગયો ધવલ… અને એ વખતે શ્રીપાળ એમના ગુણોને યાદ કરીને રડે છે, પોતાને મારવા આવેલો માણસ શરત ચૂકતી ઠેસ લાગી, પડી ગયો એની કટારી એને વાગી અને મરી ગયો, અને શ્રીપાળ એના ગુણોને યાદ કરી… અને રડે છે. આ શ્રીપાળને રોલ મોડલ બનાવો, તો શું થાય ખબર છે… તમે એકદમ આનંદમય. Ever fresh, ever green. અત્યારે પીડા કેમ થાય છે? તમને બધા અધૂરા જ દેખાય છે, તમને બધા જ અધૂરા દેખાય છે.
પહેલાંના યુગમાં અને આજે ફરક શું પડ્યો ખબર છે… પહેલા દરેક વ્યક્તિ પોતાની ફરજને સમજતી, પતિ સમજતો કે પત્ની માટે મારે શું કરવું જોઈએ… એ પણ મારી કલ્યાણમિત્ર છે, તો એને પણ વધુ સમય આરાધનાનો મળે.. એના માટે કોઈ વ્યવસ્થા કરી આપો… એ જ પતિ પોતાના દીકરાઓ માટે વિચારતો, કે મારા ત્યાં આવેલ સંતાન એ અગણિત પુણ્ય લઈને આવ્યા છે જૈન કૂળમાં, તો એ પુણ્ય લઈને આવ્યા છે એમને હું સાર્થક બનાવું…. પાઠશાળાએ મોકલું, ગુરુદેવો પાસે મોકલું, સારા સંસ્કારો આપું, પત્ની વિચારતી પતિ એ જ મારા પરમેશ્વર. અને એમની અનુકુળતા સાધનાની જે રીતે હોય, એ રીતે મારે વર્તવું. દીકરાઓ કહેતાં, કે માતા અને પિતાની અમારે ભક્તિ કરવી જોઈએ. આજે દરેક વિચાર કરે છે કે બીજાની ફરજ શું….? પતિ કહે છે પત્નીએ આમ કરવું જોઈએ ને દીકરાએ આમ કરવું જોઈએ.. પત્ની કહે છે પતિએ આમ કરવું જોઈએ. અને દીકરા કહે છે કે માત – પિતાએ આમ કરવું જોઈએ. અને એટલું જો ફરી જાય તો શું થાય… તમારા ઘરમાં આનંદ જ આનંદ હોય.
તો પૂરન મન, પૂરન સબ દિશે.