વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આજ્ઞા મધુરમ્
પ્રભુનો પરમપ્રેમ જ્યારે આપણને મળી જાય, આપણું મન સંપૂર્ણતયા બદલાઈ જાય છે. પછી પ્રભુની જે પણ આજ્ઞા હોય, એ મજાની મજાની લાગે છે. પ્રભુની આજ્ઞાને સાંભળવાની પણ મજા. અને એ આજ્ઞાને પાળવાની તો ઔર મજા!
મોહનીયના ક્ષયોપશમ માટે સૌથી વધુ જરૂરી હોય, તો બે ચીજ છે: પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. એક અહોભાવ તીવ્રતાથી તમારી પાસે આવ્યો, તો બીજું બધું જ પ્રભુ અને ગુરુ તરફથી તમને મળી જશે અને મોક્ષની યાત્રા તમારી ચાલુ થઇ જશે.
આ જન્મને હું પાયાનો જન્મ કહું છું. ભૂતકાળમાં સાધના થઇ કે નહિ – ખબર નથી. પણ આ જન્મમાં એવી સાધના કરો, જે અસ્તિત્વના સ્તર ઉપર જાય. અને અસ્તિત્વના સ્તર ઉપર ગયેલી એ સાધના આવતા જન્મે તમારી સાથે આવે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૮
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે” જે ક્ષણે પ્રભુના પરમ પ્રેમમાં આપણે ડૂબીએ છીએ, એ જ ક્ષણે આપણી મનોસ્થિતિ પુરી ની પુરી બદલાઈ જાય છે.
ભક્તિ સ્તોત્રોની દુનિયામાં એક શિરમોહ સ્તોત્ર છે, મધુરાષ્ટક. એનું ધ્રુવ પદ છે, “મધુરાધિપતેરખિલં મધુરમ્” માધુર્યના અધિપતિ જે પરમાત્મા છે, એમનું બધું જ મધુરું હોય. ચલનમ્ મધુરમ્, વચનમ્ મધુરમ્, મધુરાધિપતેરખિલં મધુરમ્. પ્રભુ સોનાના કમળ ઉપર ચાલતાં હોય, એ જોવાનું કેટલું તો મજાનું લાગે! અને પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપતાં હોય ત્યારે તો આપણે clean bold જ થઇ જઈએ…પ્રભુ માધુર્યના અધિપતિ છે અને એથી પ્રભુના જીવનની એક – એક ક્ષણ મધુરી છે. આપણે પાંચ કલ્યાણકો કહીએ છીએ, પણ એ તો બહુ મોટી – મોટી મધુરી ક્ષણોને પકડવામાં આવી છે, બાકી પ્રભુનું પૂરું જીવન, જીવનની એક – એક ક્ષણ કલ્યાણક છે.
તો પ્રભુનો પરમ પ્રેમ જ્યારે આપણને મળી જાય, આપણું મન સંપૂર્ણ તયા બદલાઈ જાય છે. પછી પ્રભુનું હોય એટલું જ મજાનું લાગે, કોઈ વાત કરતું હોય તો તમે વચ્ચે કહી દો કે મારા ભગવાનની વાત કરો છો ને… મારા ભગવાનની વાત કરતાં હોય તો કરો, બાકી બીજી કોઈ વાત મારે સાંભળવી નથી. એ પ્રભુની આજ્ઞાને સાંભળવાની પણ મજા. એ આજ્ઞાને પાળવાની તો ઓર મજા. અમારા બધાના ચહેરા ઉપર જે આનંદ દેખાય છે, એ આનંદ આજ્ઞાપાલનનો આનંદ છે.
૧૦૦ એક વર્ષ પહેલાંની એક ઘટના કહું: આઠ વર્ષનો એક દીકરો, જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમીને આવેલું વ્યક્તિત્વ. આચાર્ય ભગવંત ગામમાં પધાર્યા, થોડા દિવસનો સત્સંગ. અને એની વૈરાગ્યની ધારા પુનઃ પ્રવાહિત થઇ ગઈ. હું ઘણીવાર કહું છું કે તમારી બધાની સાધના કેવી છે, વૈરાગ્યનો, ત્યાગનો, ભક્તિનો અંગારો તમારા બધાના હૃદયમાં, અસ્તિત્વમાં ધબકી રહ્યો છે. માત્ર ઉપર થોડીક મોહની રખિયા વળી ગઈ છે. એટલે અમારે ખાલી રખિયા જ દૂર કરવાની છે, અંદર અંગારા ધગધગી રહ્યા છે. એ આઠ વર્ષનો દીકરો માત – પિતાને કહી દે કે હું હવે દીક્ષા વગર રહી નહિ શકું. માત – પિતા પણ પ્રભુ શાસનને સમર્પણ શીલ, એ દીકરાની દીક્ષા થઇ ગઈ. બાલમુનિ તરીકે છે પણ પ્રભુની એક પણ આજ્ઞામાં Compromisation નહિ. આજ્ઞા એટલે આજ્ઞા… there should be no compromisation. કોઈ સમાધાન, કોઈ છૂટછાટ એમાં હોઈ શકે નહિ.
દીક્ષાને ૬ મહિના થયેલા, લોચનો સમય આવ્યો, બધા જ મુનિઓના લોચ એક પછી એક થઇ રહ્યા છે, બાલમુનિ ગુરુદેવ પાસે આવે, મારો લોચ ક્યારે છે? શું એ શબ્દો વાપરે છે, આ બધા મહાત્મા કર્મોના ફટાકડા ફોડી રહ્યા છે, મારે મારા કર્મોના ફટાકડા ક્યારે ફોડવાના છે…? ગુરુદેવે કહ્યું: તારો પહેલો લોચ છે એટલે મુહુર્તનો દિવસ આવશે, ત્યારે તારો લોચ થશે. ગુરુ આજ્ઞામાં તહત્તિ જ હતું પછી. કોઈ વિચાર નહિ, અને એમાં બે દિવસ પછીની રાત્રિ, પ્રતિક્રમણ પછી બાલમુનિ ગુરુદેવના ચરણોમાં બેઠેલા છે, સહેજ ઊંઘ આવી ગઈ, ગુરુદેવે પ્રેમથી એને પોતાના પગ પર ઊંઘાડી દીધો, બાલમુનિ સૂઈ ગયા.
થોડીવારમાં પંન્યાસજી ભગવંત આવ્યા, તો આચાર્ય ગુરુ ભગવંતે પંન્યાસજીને કહ્યું કે આવતી કાલનો દિવસ સારો છે, એટલે કાલે આને લોચ માટે બેસાડજો, એનું મનોબળ બહુ જ મજબુત છે, પણ એનું શરીર એકદમ ડેલીકેટ છે, મન એકદમ મજબુત છે, પણ શરીર અત્યંત ડેલીકેટ છે, લોચ શરૂ કરાવજો, તમને એમ લાગે કે એનું શરીર, body tolerate કરી શકે એમ નથી, સહન કરી શકે એમ નથી, તો તમે મુંડન નો ઉપાય અજમાવી લેજો. આ વાતચીત શરૂ થઇ અને એ વખતે બાલમુનિ જાગી ગયેલા, બાલમુનિને એક બાજુ આનંદ થયો કે કાલે લોચ મારો થશે, બીજી બાજુ ધ્રાસકો પડ્યો કે કદાચ મારું શરીર સહન ન કરે અને ગુરુદેવ કહી દે, કે મુંડન કરાવવાનું છે, તો ગુરુની આજ્ઞા એટલે આજ્ઞા… એમાં તો કોઈ વિચાર પણ કરી શકાય નહિ, પણ મારે તો લોચ જ કરવો છે અને ગુરુ આજ્ઞાની વિરાધના કરવી નથી.
પંન્યાસજી ભગવંતને લાગ્યું બાલમુનિ સુતેલા છે, ઉચકીને એમના સંથારામાં મૂકી દીધા, પણ બાલમુનિ તો જાગે છે. હવે ઊંઘ આવતી નથી, ૯ – ૧૦ – ૧૧ બધા જ મહાત્મા સૂઈ ગયા. એ વખતે બાલમુનિ તો જાગતા જ હતા, ઉઠ્યા, દંડાસન હાથમાં અને જ્યાં લોચ થતો હતો એ ઓરડી પાસે ગયા, રખિયા તૈયાર હતી, થાળ તૈયાર હતો, લોચ પહેલાની વિધી કરી લીધી… અને ફટાફટ લોચ કરવા મંડી પડ્યા, લોચ કરાવવો અઘરો છે, કરવો પણ અઘરો છે, બાવડાં રહી જાય, મૂળમાંથી વાળ કાઢવાના… પણ આત્મશક્તિ, પ્રભુશક્તિ.. એ નાનકડા હાથમાં પ્રભુની શક્તિ ઉભરાયેલી હતી, અત્યારે નાના – નાના બાળકો સિદ્ધિતપ કરે, અટ્ઠાઈ કરે… કોની શક્તિ… માત્ર પ્રભુની શક્તિ.
અમારી સંયમ યાત્રા સારી રીતે ચાલે તો એની પાછળ માત્ર અને માત્ર પ્રભુની કૃપા છે. અને એટલે જ રોજ સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં આ રજોહરણ ને અમે મસ્તકે લગાવીએ છીએ, અને એ વખતે અમારી આંખો આંસુથી ભીંજાઈ જાય કે પ્રભુ! મારી કોઈ સજ્જતા નહિ, મારી કોઈ લાયકાત નહિ, મારી કોઈ પાત્રતા નહિ, અને તારું અદ્ભુત વરદાન તે મને આપી દીધું! તમારી આંખમાં આંસુ ક્યારે આવે? રોજ સવારે પ્રતિક્રમણ કરતાં હોવ, એ ચરવળો અને મુહપત્તિ તમે હાથમાં લો, આંખમાં આંસુ આવે કે ન આવે…? તમને તો ખરેખર અમારા કરતા વધારે આંસુ આવવા જોઈએ. અને એનું કારણ શું.. તમને એમ થાય કે પ્રભુની કેટલી કરૂણા કે પ્રભુએ પોતાના ચતુર્વિધ સંઘમાં મને સ્થાન આપ્યું, પ્રભુએ એમ ન કહ્યું કે જે સાધુ બને, સાધ્વી બને, સંસારને છોડી દે, મારી આજ્ઞાને સંપૂર્ણતયા પાળે એને હું મારા ધર્મ સંઘમાં સ્થાન આપુ, જેને સંસારમાં રહેવું છે એને મારા ધર્મ સંઘમાં સ્થાન કેમ આપું…? એમ પ્રભુએ કહ્યું નથી. પ્રભુએ તમને પણ પોતાના ધર્મ સંઘમાં સ્થાન આપ્યું છે, કે જે શ્રાવક, જે શ્રાવિકા સંસારમાં રહે છે, પણ જેનું મન મારી આજ્ઞા તરફ જ કેન્દ્રિત થયેલું છે, એને મારા ધર્મ સંઘમાં હું સ્થાન આપું છું. પ્રભુએ તમને પોતાના ધર્મ સંઘમાં સ્થાન આપ્યું છે આનાથી મોટી કઈ ઘટના હોઈ શકે!
હવે તમે ચરવળો અને મુહપત્તિ હાથમાં લો, તમારી આંખો ભીની ન બને તો નવાઈ…
અને પ્રભુની પાસે જાવ ત્યારે શું થાય….? આદિનાથ દાદાની પાસે, ધર્મનાથ દાદાની પાસે તમે જાવ ત્યારે શું થાય? દર્શન પ્રભુના ત્રણ રીતે થાય છે, એક રીત તો બરોબર નથી. કોરી કોરી આંખોએ થતું દર્શન એ તો પ્રભુને પણ સ્વીકાર્ય નથી. બીજું દર્શન એ છે જે ભીની ભીની આંખે થઇ રહ્યું છે. એ બહુ મજાની ઘટના છે, આંખોમાંથી આંસુની ધાર નીકળતી હોય, એના કારણે સામે રહેલા પ્રભુનું દર્શન સ્પષ્ટ ન થતું હોય, અને એ વખતે ભીતરની અંદર પ્રભુનું દર્શન ચાલુ થશે. તો બીજું દર્શન છે ભીની ભીની આંખે થયેલું દર્શન.
અને એક ત્રીજું દર્શન છે, એ દર્શન વળી ઓર મજાનું છે. તમારી આંખો કોરી છે, અને તમારે પ્રભુના ભીના રૂપનું દર્શન કરવું છે, તો હવે શું કરશો…? એના માટે એક મજાની વિધિ બતાવી… સદ્ગુરુની આંખમાં જોવાનું….. સદ્ગુરુની આંખોમાં ભીનાશની પૃષ્ઠભૂ ઉપર તરવરતા પ્રભુનું દર્શન તમને થશે, સદ્ગુરુની આંખો, સદ્ગુરુનું હૃદય, માત્ર પરમાત્માથી છલોછલ થયેલું છે.
હું સદ્ગુરુને બારી જેવા કહું છું. એક બારીની identity શું હોય? જેને લોખંડની ગ્રીલ છે કે સ્ટીલની ગ્રીલ છે, એ બારી આવી કોઈ identity હોતી નથી. બારીની identity એક જ છે, તમે જ્યારે છતની નીચે છો, ભીંતોની વચ્ચે છો, ત્યારે અસીમ અવકાશ જોડે તમને જોડી આપે એ બારી. સદ્ગુરુ આ બારી જેવા છે. ઘણીવાર કબાટ અને બારી બહારથી તમને સરખા લાગતા હોય, તમે ખોલો અને ભીંત; તો કબાટ, ખોલો અને કાંઈ જ નહિ; તો બારી… ગુરુ એટલે પરમ રીતાપન… પરમ ખાલીપન… પરમ વિભાવ શૂન્યતા… અને એ વિભાવ શૂન્યતાની અંદર પરમ ચેતનાનો અવકાશ ઉતરે છે. એટલે ઘણીવાર ગુરુ ચેતના અને પરમ ચેતનાને એકાકાર થયેલી સંઘટના તરીકે વર્ણવવામાં આવેલ છે. ક્રમ એવો છે, ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના અને પરમ ચેતના… તમે સાધનામાં પ્રવેશ કરશો, એ initial સ્ટેજ પર જશો, એ ગુરુ વ્યક્તિ દ્વારા જશો. પણ એ પછી ગુરુ ચેતના પકડાશે. જ્યાં જ્યાં ગુરુ તત્વ છે ત્યાં ગુરુ ચેતના છે. એટલે ગુરુ વ્યક્તિથી તમે શરૂઆત કરો છો. ગુરુ ચેતનામાં તમે ડૂબી જાવ છો. તમે જે ઘટનાને ગુરુ વ્યક્તિ કહો છો, એ ઘટના ભીતરથી ગુરુ ચેતના છે. તમારા ગુરુ ચન્દ્રશેખરવિજય મ.સા., જયઘોષસૂરિ દાદા, રાજેન્દ્રસૂરિ દાદા એ ગુરુદેવ જે છે, તમારી તરફ ગુરુ વ્યક્તિ રૂપે છે, પણ એમના તરફ એ ગુરુ ચેતના છે. કારણ? એમની ચેતનામાં પ્રભુ ચેતના ઉતરેલી છે. એટલે પ્રભુ ચેતના અને ગુરુ ચેતના બેઉ એકાકાર થયેલા છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં એક મજાનો ઈશારો કર્યો, ‘જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’ ઈશારો ક્યાં છે? સદ્ગુરુ આજ્ઞાચક્રને દબાવે. યોગિક દુનિયામાં આજ્ઞાચક્રની નીચે સંસાર છે, આજ્ઞાચક્રની ઉપર મોક્ષ છે. સદ્ગુરુ તમારા આજ્ઞાચક્રને push કરે અને તમે સાધના માર્ગમાં વેગથી દોડવા મંડો. કેવા વેગથી દોડો… ૧૫માં સ્તવનમાં આનંદધનજી ભગવંતે કહ્યું, દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, આ વેગ સાધનાનો આવે ક્યારે..? સદ્ગુરુ શક્તિપાત કરે ત્યારે… તો હવે સ્તવનામાં શબ્દો શું આવ્યા, “જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” પ્રભુએ મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. કારણ કે પ્રભુએ આજ્ઞાચક્રને દબાવ્યું, actually પ્રભુએ દબાવ્યું નથી. ગુરુએ દબાવ્યો છે પણ ત્યાં ગુરુ ચેતના અને પ્રભુ ચેતના બેઉને એકાકાર થયેલી સંઘટના તરીકે વર્ણવી દીધી છે.
તો સદ્ગુરુ પરમ શૂન્ય બનેલી ઘટના અને એ પછી પરમ પૂર્ણ બનેલી ઘટના. તમે પણ વિભાવ શૂન્ય બની જા;, સ્વભાવ પૂર્ણ બની જવાના. વિભાવ શૂન્ય તમે બનશો કે અમારે તમને બનવાના…? ગુરુ પૂર્ણિમા ગઈ ને ઘણા લોકો આવેલા. ગુરુ પૂર્ણિમાનું હિંદુ વિઝન બહુ જ પ્યારું છે. ભક્ત એમ માને છે કે રોજ સદ્ગુરુ મારા ઉપર વરસી રહ્યા છે, રોજ વરસી રહ્યા છે, પણ મારે ઋણ મુક્તિ કઈ રીતે કરવી… તો હિંદુ પરંપરાએ એક મજાની આ પદ્ધતિ રાખી, કે ૩૫૯ દિવસ ગુરુ તમને આપ્યા કરશે, ગુરુ તમારા ઉપર વરસ્યા કરશે. એક દિવસ એવો છે જ્યારે તમે સદ્ગુરુને કંઈક આપી શકો. હવે સવાલ એ થાય કે સદ્ગુરુને આપવું શું? જે પણ સારું તમારી પાસે છે એ કોણે આપેલું? જે પણ સારું તમારી પાસે છે એ સદ્ગુરુએ આપેલું છે, તો એના ઉપર તો તમારી માલીકીયત જ નથી. તો હવે વિમાસણ થાય શું આપવું ગુરુને…? ત્યારે રસ્તો કાઢ્યો, કે તમારો કચરો આપી દો. તકલીફ ત્યાં છે, કે કચરો તમને કચરા જેવો લાગે છે? આ રાગ, આ દ્વેષ, આ અહંકાર તમને કચરા જેવા લાગે છે? કચરા જેવા લાગ્યા આપી દો, સદ્ગુરુને અમે લેવા માટે તૈયાર છીએ… અને હું તો છે ને ગુરુ પૂર્ણિમા રોજ માટે કરી આપું બોલો તમને… રોજ તમારે કચરો આપવો હોય, આપણે રોજ ગુરુ પૂર્ણિમા. આવી જાવ.
આમ પણ જૈન સદ્ગુરુ એને કંઈ તમારું જોઈતું નથી. સદ્ગુણો ગુરુના જ છે એટલે એ તો ગુરુને અપાય નહિ. સંપત્તિ ગુરુને જોઈતી નથી. તો રસ્તો શું? રસ્તો આ જ. તમારો કચરો આપી દો. આજે તો આશીર્વાદ એ આપવો છે કે તમારો કચરો તમને કચરા જેવો લાગે. જુના જમાનામાં તેજંતુરી આવતું. આમ બહારથી ધૂળ જેવી લાગે પણ એના રસાયણિક ગુણો એવા હોય, કે લોઢાને સોનામાં એ ફેરવી નાંખે. તો કોઈને એમ ખ્યાલ હોય કે અમારે ત્યાં પરંપરાથી આ રીત ચાલી આવી છે. છે ધૂળ પણ તેજંતુરી હોવી જોઈએ. અને તો જ અમારા પૂર્વજોએ એને તિજોરીમાં રાખેલી હોય, હવે તમે એને તેજંતુરી માનતા હોવ, એ થેલી આઘી પાછી થાય તો ચલાવી લેશો…? કબાટ સાફ કરવા કદાચ શ્રાવિકાએ એ થેલીને લીધી, મુકવાની ભુલી ગઈ, તો એ ચલાવશો…? ક્યાં ગઈ પેલી થેલી? તેજંતુરી છે. પણ કોઈ જાણકાર આવે, અને એ કહી દે, કે તમે ભલે માનતા હોવ તેજંતુરી, આ ધૂળ જ છે, નદીની ચોખ્ખી રેત છે, આમાં બીજું કંઈ જ નથી, અખતરો કરવો હોય તો કરી લો, લોઢું લાવો ધૂળનો ઉપયોગ કરો. કશું જ થયું નહિ, પેલાને ખ્યાલ આવ્યો કે ધૂળ જ છે, હવે શું કરો..? તો તમે શું માનો છો, તો આજનો મારો આશીર્વાદ એક જ છે, આ રાગ – દ્વેષ અને અહંકારનો કચરો તમને કચરા જેવો લાગે.
બાલમુનિ લોચ શરૂ કરી દીધો. ૧૧ થી ૨, ત્રણ કલાકમાં લોચ પૂરો. સંથારામાં જઈને સૂઈ ગયા. સવારે ૫ વાગે રોજના નિયમ પ્રમાણે, ગુરુદેવના ચરણોમાં આવ્યા, અંધારું હતું, ગુરુદેવના ચરણોમાં માથું મુક્યું બાલમુનિએ, ગુરુદેવે માથા ઉપર હાથ ફેરવ્યો, અને ચમકી ગયા, અરે! તારા વાળ ક્યાં ગયા? કાલે રાત્રે તું મારી જોડે સુતો હતો, રાત્રિના વાળ તારા, હું તારા વાળમાં હાથ ફેરવતો હતો, અત્યારે વાળ નથી, શું થયું…? એ વખતે બાલમુનિ જે બોલે છે ને એ શબ્દો યાદ રાખજો. તમને લાગે કે જન્માન્તરીય ધારા વિના આ શક્ય નથી.
અને એના માટે મારો એક ખાસ શબ્દ છે, foundation birth. આ જ જન્મને જ હું પાયાનો જન્મ કહું છું. ભૂતકાળમાં સાધના થઇ કે નહિ, ખબર નથી, આ જન્મમાં એવી સાધના કરો, જે અસ્તિત્વના સ્તર ઉપર જાય, અને અસ્તિત્વના સ્તર ઉપર ગયેલી એ સાધના આવતાં જન્મે તમારી સાથે આવે.
નાનકડો પાંચ વર્ષનો વજ્રકુમાર અને એને ઓઘો ગમી જાય, કારણ શું… ગત જન્મની સાધના… વજ્રકુમાર ગત જન્મમાં દેવલોકમાં હતા, અષ્ટાપદની યાત્રાએ ગયેલા. ગૌતમસ્વામી ભગવાન મળ્યા. ગૌતમસ્વામી ભગવાને આશીર્વાદ આપ્યો ધર્મલાભ… દેવ પૂછે છે કે ગુરુદેવ! ધર્મ એટલે શું? અને ગુરુદેવે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની વાત કરી. એ દેવના આત્માને સાધુ ધર્મ ગમી ગયો. દેવના જન્મમાં તો સાધુ થવાતું નથી. એ કહે છે ગુરુદેવ! આવતાં જન્મમાં હું કદાચ મનુષ્ય બનું અને ત્યાં નાનપણમાં મને દીક્ષા મળી જાય, એના માટેનો માર્ગ બતાવો… એ વખતે ગૌતમસ્વામી ભગવાને એક સૂત્ર એમને આપ્યું, પુંડરિક કંડરિક અધ્યયન. અને કહ્યું આનો સ્વાધ્યાય તું કરજે. એ અધ્યયનમાં દીક્ષાનું માહાત્મ્ય હોય છે. એ દેવનો આત્મા રોજ ૫૦૦ વાર એ સૂત્રનો સ્વાધ્યાય કરતો હતો. તમારો સ્વાધ્યાય કેવો ચાલે…?
કુમારપાળ રાજા ૩૨ દાંતોને સાફ કરવા માટે ૩૨ સ્તોત્રનો સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય આપણે ત્યાં લુપ્ત થયો છે. પણ મને લગે છે કે તમે ચાલુ કરી શકશો. જ્યારે સમય મળે સારા પુસ્તકો રાખી મુકો. ઓફિસે પણ બેઠેલા છો, એક ભાઈ ગયો, બીજો આવવાનો છે, વચ્ચે ૧૦ મિનિટ મળી, પુસ્તક લઇ એને વાંચવા માંડો.
એક ખાસ મારો આગ્રહ છે, કે બે પ્રતિક્રમણ સૂત્રો તમે કરેલા હોય, તો એનો અર્થ વહેલામાં વહેલી તકે તમે જાણી લેજો. તમે ચૈત્યવંદન કરશો, નમુત્થુણં બોલશો, પણ તમારી આંખો કોરી હશે. કેમ… નમુત્થુણં ની અંદર શું વાત કહેવાય છે એનો તમને ખ્યાલ નથી. પણ એ જો તમે નમુત્થુણં નો અર્થ જાણો, તમને ચેલેન્જ સાથે કહું એ પછી તમે નમુત્થુણં બોલો અને તમારી આંખમાં આંસુ ન આવે તો જ નવાઈ. આવા પ્રભુ મને મળ્યા છે! આવા પ્રભુ…! કેવા પ્રભુ…?
એક વિશેષણ છે, ‘લોગનાહાણં’ પ્રભુ લોકના નાથ છે, નાથ શું કરે…? બે ચીજ કરે: યોગ અને ક્ષેમ જે સાધના તમને નથી મળી એની પ્રાપ્તિ કરાવવી એ યોગ. જે સાધના મળેલી છે પણ થોડીક શિથિલ બની ગઈ છે એને ઉદ્દીપ્ત કરવી એ ક્ષેમ. તો સદ્ગુરુ જ યોગક્ષેમ કરે એમ નહિ, પ્રભુ કહે છે હું તારું યોગ અને ક્ષેમ કરી દઉં.તમને સાધના આપવાનું કામ પ્રભુ કરે, તમારી એ સાધના યાવજ્જીવ સુધી ટકે, એના માટે પ્રભુ કામ કરે, બોલો તમારે શું કરવાનું રહ્યું? આવા પ્રભુ આપણને મળ્યા હોય, આપણે ઓવારી ન જઈએ…?! ખરેખર જે પ્રભુની ભક્તિ આપણે આ જન્મમાં માણવી છે, એ નમુત્થુણં સ્તોત્ર દ્વારા તમે મેળવી શકશો. જ્યાં તમને એ પ્રભુના મહિમાનો ખ્યાલ આવશે. ઓહો આવા પરમાત્મા છે… મધુરાધિપતેરખિલં મધુરમ્. આ મારા ભગવાન એનું બધું જ મધુરું, મધુરું… બધું જ પ્યારું, પ્યારું…
અમે લોકો પહેલાં પ્રભુના સંમોહનમાં પડ્યા, અને પછી અમને રજોહરણ મળ્યું. સૌથી પહેલા પ્રભુનું સંમોહન, અને એમ લાગે કે પ્રભુ વિના, પ્રભુની આજ્ઞાધર્મ વિના એક ક્ષણ નહિ રહેવાય, તો શું કરવું…. રજોહરણ સ્વીકારીએ તો પ્રભુની સાથે ૨૪ કલાક રહી શકાય… એટલે જ મેં પૂછેલું કે અમારી ઈર્ષ્યા આવે છે? આવે છે ઈર્ષ્યા? એકદમ આનંદમાં, એકદમ મજામાં છીએ… અમારો એ આનંદ તમને ગમી ગયો….? હવે એટલી તો વાત કરો… ઈર્ષ્યાની વાત બાજુમાં મૂકી દો, અમારો આનંદ તમને ગમી ગયો ભાઈ…? તો ક્યારેય પૂછવા તો આવો, કે સાહેબ તમારી પાસે બહારથી તો કંઈ જ નથી. અમને ખબર છે… તમે પરમ ત્યાગી છો, વિરાગી છો, તો આટલો બધો આનંદ તમારી પાસે ક્યાંથી આવ્યો…? અને ત્યારે અમે કહીશું કે પ્રભુ અમને મળ્યા; બસ આનંદ જ આનંદ છે. પ્રભુ મળ્યા પછી એક પણ ક્ષણ વિષાદમાં, પીડામાં ગઈ નથી, અને જવાની નથી. આ જાણ્યા પછી તમને પણ પ્રભુનું સંમોહન લાગે, ભલે દીક્ષા કદાચ ન પણ મળી શકે, પણ શ્રાવકપણાની અંદર પ્રભુની જે ભક્તિમાં extreme point આવે એ તમે મેળવી શકો.
આપણે ત્યાં ત્રણ યોગ કહ્યા: જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. જ્ઞાનયોગમાં તમારે આગળ જવું હોય, સેકંડો ગ્રંથો તમારે ભણવાનું હોય. કર્મયોગમાં ખુબ સેવા, ખુબ વૈયાવચ્ચ કરવાની, ભક્તિયોગ સરળમાં સરળ છે… પ્રભુની ભક્તિ કરતા જાવ, નાચતા જાવ, ગાતા જાવ, અને રાવણ રાજાની જેમ તીર્થંકર પદને નિકાચિત કરતાં જાવ… પ્રભુ શું ન આપે, મારે તમને એ પૂછવું છે…. પ્રભુ તીર્થંકર થઇ અને સિદ્ધ બની ગયા, એ તીર્થંકર પદ પ્રભુ તમને આપવા તૈયાર… પણ મને લાગે છે તમે લોકો આમ નિઃસ્પૃહી માણસો છો. ત્યાગી ને… સંપત્તિની બાબતમાં નહિ… આ બાજુ….?
આપણે ત્યાં એક લોકકથા આવે છે; એક યતિજી એક ગામમાં ગયેલા, એમનું વ્યાખ્યાન બહુ સારું, આખું ગામ વ્યાખ્યાનમાં આવે. એક શેઠ, આમ નગરશેઠ… પણ વ્યાખ્યાન – બાખ્યાનમાં આવે નહિ, એમને તો પૈસો એટલે પરમેશ્વર. શેઠાણી જે હતા એ ધર્મિષ્ઠ હતા, એમણે ગોળજી મહારાજને કહ્યું; કે અમારા શેઠ છે આવતાં જ નથી વ્યાખ્યાનમાં, આવતી કાલે હું પરાણે એમને મોકલીશ. લાલ પાઘડી પહેરીને આવશે. બીજા કોઈને એવી પાઘડી નહિ હોય. તો તમે એમને જરાક આગળ બોલાવજો, જરા થોડું માન – સન્માન આપજો એટલે આવતાં થઇ જાય. જૈન સાધુ તો કોઈને માન – સન્માન આપે જ નહિ. કરોડોપતિ હોવ તો બેસો પાછળ… પાછળ આવ્યા તો… હું તો સ્પષ્ટ કહું છું આ ધર્મસભા પ્રભુની ધર્મસભા છે. અહીંયા માત્ર વિરતિધરોની જ કિંમત છે, સામાયિકવાળા આગળ આવી જાઓ, પૌષધવાળા આગળ આવી જાવ. તમે કરોડોપતિ છો પાછળ આવ્યા તો પાછળ બેસો. અહીંયા પૈસાની કોઈ વેલ્યુ નથી. પણ આ ગોળજી મહારાજ હતા, બીજા દિવસે શેઠાણીએ કહ્યું આજે વ્યાખ્યાનમાં જવું પડશે, નહિ જાવ તો રસોડામાં હડતાલ. શેઠ કમને પણ વ્યાખ્યાનમાં આવ્યા, શેઠ આવ્યા, ખબર પડી ગઈ, ગોળ મહારાજે આગળ બોલાવ્યા, શેઠે વંદન કર્યુ. ગોળ મહારાજે સામે હાથ જોડ્યા, શેઠ કહે મ.સા. તમે શું કરો છો? તમે મને પગે લાગો છો? તો ગોળ મહારાજ કહે તમે મને પગે કેમ લાગ્યા એ કહો… અરે તમે તો ત્યાગી છો, ત્યારે યતિજીએ કહ્યું કે મેં તો ત્યાગ કચરાનો કર્યો, સંપત્તિનો, ઘરનો… તમે પ્રભુનો ત્યાગ કર્યો, તમે મોટા ત્યાગી છો.
તમારી એક ભક્તિધારા ખરેખર સરસ છે. મેં પહેલા પણ કહેલું કે, પ્રભુએ મને એવું positive thinking આપ્યું છે, એવું positive attitude આપેલો છે કે કોઈ પણ સાધકની અંદર ક્યારે પણ કોઈક ક્ષતિ મને દેખાતી નથી. માત્ર ગુરુ તરીકે બેઠેલો છું. અને શિષ્ય કે સાધક આંખમાં આંસુ સાથે આવે અને એ એના દોષની વાત પૂછે ત્યારે એના દોષની વાત કરું. બાકી પ્રભુએ મને એવો તો positive attitude આપેલો છે કે મને બધે જ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ લાગે.
મુંબઈમાં આવ્યો પછી એક મહિનો લગભગ મુંબઈમાં દર્શન માટે પરિભ્રમણ થયું, પણ એ વખતે મારા શબ્દો એ જ રહેતા, કે શું મુંબઈ નગરનો પણ અહોભાવ છે! અહીંયા પણ લોકોનો અહોભાવ ખરેખર સીમા ઉપર પહોચેલો છે, એટલે તમારા અહોભાવને તો હું ખરેખર પ્રેમથી જોનારો માણસ છું. પણ તમારા ઉપર પ્રેમ પણ ઘણો છે પાછો… એટલે તમને ઉંચે ચડાવવા એવી ઈચ્છા પણ છે. તમે જ્યાં છો એ સાધનાના stand point માટે તમને અભિનંદન આપું છું. અને એનાથી આગળ ને આગળ તમે ચાલો એના માટે મારે તમને આશીર્વાદ આપવા છે.
બાલમુનિ ગુરુદેવને શું કહે છે: ગુરુદેવ રાત્રે હું જાગતો હતો. આપ પંન્યાસજી ભગવંતને કહેતાં હતાં એ હું સાંભળી ગયેલો, મને વિચાર થયો કે મારે તો લોચ કરવો જ છે, એટલે રાત્રે ૧૧ થી ૨ માં મેં મારા હાથે લોચ કર્યો. પણ ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો. સાધુ જીવનની અંદર સદ્ગુરુને પૂછ્યા વિના કશું જ કરી શકાતું નથી, મેં આપને પૂછ્યા વિના લોચ કરી દીધો, એનું મને પ્રાયશ્ચિત આપો.
હરિભદ્રસૂરિ મહારાજ કહે છે, ‘મુત્તુણ આણ પાણમ્’ એક શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા જે વારંવાર કરવાની છે, એમાં તમે ગુરુને વારંવાર પૂછી શકતા નથી, પણ એ સિવાયની બધી ક્રિયામાં તમારે, શિષ્ય હોય તો એણે, સદ્ગુરુને પૂછવું જ જોઈએ. તો બાલમુનિને સાડા આઠ વર્ષની ઉંમરે આટલો ખ્યાલ છે, કે ગુરુદેવ! આપને પૂછ્યા વિના હું કશું જ કરી શકું નહિ, પરંતુ આપને પૂછ્યા વિના લોચ લારી લીધો એનું પ્રાયશ્ચિત મને આપો. શું હતું આ … મધુરાધિપતેરખિલં મધુરમ્. આજ્ઞા મધુરમ્. પ્રભુની જે પણ આજ્ઞા હોય એ મજાની મજાની લાગે. પ્રભુની એક પણ આજ્ઞા એવી નથી કે જે આપણું કલ્યાણ ન કરે… તો પ્રભુની દરેક આજ્ઞા પ્રત્યે આદર.
મારી દ્રષ્ટિએ મોહનીયના ક્ષયોપશમ માટે સૌથી વધુ જરૂરી હોય તો બે ચીજ છે, પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર, અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. એ સાધુ ભગવંત, એ સાધ્વીજી ભગવતી, એ શ્રાવક મહાશય, એ શ્રાવિકાજી કોઈ પણ હોય જે પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે, ત્યાં તમારું માથું ઝુકી જવું જોઈએ. આ એકદમ short cut. એક અહોભાવ તમારી પાસે આવ્યો, એક અહોભાવ તીવ્રતાથી તમારી પાસે આવ્યો, બીજું બધું જ પ્રભુ અને ગુરુ તરફથી તમને મળી જશે. અને મોક્ષની યાત્રા તમારી ચાલુ થઇ જશે.