Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 9

159 Views
30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : દરિશને અતિ હી આનંદ

સુખ અને આનંદ એ બેમાં ફરક છે. ઇન્દ્રિયોના સ્તર પર કે conscious mind ના સ્તર પર જે અનુભૂતિ થાય છે, એને આપણે સુખ કહીએ છીએ. અને ઇન્દ્રિયો અને મનની સહાય વિના ભીતરથી જે અનુભૂતિ પ્રગટે છે, એને આપણે ત્યાં આનંદ કહેવાયો છે.

તમે મન પ્રભુને આપો ને, તો ગૅરંટી સાથે કહું કે તમે આનંદમય જ હોવ. પ્રભુએ એવા સિદ્ધાંતો આપ્યાં છે કે પછી તમારા જીવનમાં પીડા આવવાની કોઈ સંભાવના જ નથી.

વર્તમાનયોગ. મને વર્તમાનની એક ક્ષણ જોડે જ સંબંધ છે. ભૂતકાળ ગયો એ ગયો. ભવિષ્યકાળ આવશે ત્યારે આવશે. મને માત્ર વર્તમાનની એક ક્ષણ જોડે સંબંધ છે. આવું જેનું જીવન હોય, એને પીડા આવે ક્યાંથી?!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૯

પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી – “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંત કહે છે, કે પ્રભુ સાથે પરમ પ્રેમ મારો થઇ ગયો છે, એ પરમપ્રેમ પ્રભુ સાથે થાય, એ પછીની મનોદશા કેવી હોય. મહોપાધ્યાય માનવિજય મ.સા. એ એની મજાની પ્રસ્તુતિ આપી, ‘કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો’ કોકે પૂછ્યું ગુરુદેવ! પ્રભુનો પરમ પ્રેમ આપને મળી ગયો, હવે શું થયું? શું પ્યારા શબ્દો વહ્યા છે, કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો – અગણિત જન્મોની અંદર જે રસનો છાંટો પણ આસ્વાદવા મળ્યો નહોતો, એ પરમરસ આજે પ્યાલા ને પ્યાલા ભરીને હું પી રહ્યો છું. અને એ પછી કહે છે, “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો, માનવિજય વાચક એમ જંપે, હુઓ મુજ મન કામે”  એ પરમરસ મને મળ્યો, એ પરમપ્રેમ મને મળ્યો, અને પ્રભુએ આપ્યો છે.  પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો – ભીતરી આનંદ, ભીતરી સુખ એનો આસ્વાદ લીધો. એ પરમ પ્રેમ મળતાં ભીતર આનંદ જ આનંદ છવાઈ જાય છે.

આનંદધનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલાં થયા, તમે બધા કોણ છો… બોલો… તમે બધા આનંદઘન છો, એકવાર પ્રભુના આ પરમ પ્રેમને ચાખી લો, તમે પણ આનંદઘન. ધર્મધુરંધરસૂરિ મ.સા. હમણાં જ થયા, પૂજ્યપાદ નેમિસૂરિ મ.સા ના સમુદાયના. સાહેબ અમદાવાદ બિરાજમાન હતા, સાહેબજીને કેન્સર detect થયેલું, એટલી બધી પીડા જેની કોઈ સીમા નહિ, એ સમયે pain killer પણ એટલા સારા શોધાયેલા નહિ. pain killer સાંજે છેલ્લું ચૌવિહાર વખતે લે, બે – ત્રણ કલાક એની અસર રહે, પછી જે પીડા શરૂ થાય, એ અરસામાં મારે અમદાવાદ જવાનું થયું, હું સૌથી પહેલો પાંજરાપોળ ગયો. સાહેબના ચરણોમાં, સાહેબજીને પૂછ્યું, શાતામાં છો સાહેબ? એટલી જ ચહેરા પર મુસ્કાન, એવું જ પ્યારું સ્મિત, મને કહે હું તો પરમશાતામાં છું. હું આ લોકોને ઘણીવાર કહું છું કે સાધુ – સાધ્વીજીઓને કે તમારા ચહેરા ઉપર એવી પરમ શાતા દેખાતી હોય, કે શાતા પૂછવા આવેલો શરમાઈ જાય. સાચું બોલો તો, તમે અમારી શાતા પૂછો છો એ વ્યવહાર છે, એ આપણી પરંપરા છે, પણ ખરેખર એવું નથી લાગતું, કે તમારી શાતા અમારે પૂછવી જોઈએ… શું લાગે બોલો…? અમે વધુ શાતામાં કે તમે વધુ શાતામાં…? બોલો…

મને કહે પરમશાતામાં છું, મેં કહ્યું સાહેબજી! આ કેન્સર આપને થઇ ગયું. મને એમને ઝાડ્યો, મને કહે યશોવિજય તું બોલે છે? કેન્સર મને થયું છે કે મારા શરીરને થયું છે…? હું તો એ જ મસ્તીમાં છું, હું તો એ જ શાતામાં છું. મારી શાતામાં રજ માત્ર ફરક પડ્યો નથી. અને કોઈ પણ ઘટના મારી શાતામાં રજ માત્ર ફરક પાડી શકશે નહિ. એટલે જ વારંવાર હું કહું છું, કે તમને સુખ કોણ આપી શકે? તમને આનંદ કોણ આપી શકે? માત્ર ને માત્ર પરમાત્મા.

મહોપાધ્યાય યશોવિજય મહારાજનું પહેલું સ્તવન – “જગજીવન જગવાલહો” એમાં એમણે બે પ્યારી વાત કરી, “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે” સુખ નામની ઘટના કે આનંદ નામની ઘટના આવે ક્યાંથી? માત્ર અને માત્ર પ્રભુમાંથી…  મુખ દીઠે સુખ ઉપજે – સુખ અને આનંદ આ બે માં ફરક છે. ઇન્દ્રિયોના સ્તર પર કે conscious mind ના સ્તર પર જે સુખની અનુભૂતિ થાય છે, એને આપણે સુખ કહીએ છીએ, અને ઇન્દ્રિયો અને મનની સહાય વિના ભીતરથી જે સુખની અનુભૂતિ પ્રગટે છે, એને આપણે ત્યાં આનંદ કહેવાયો છે, એટલે અસંયોગજન્ય એ આનંદ છે.

તો મુખ દીઠે સુખ ઉપજે – ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાયા, સુખ નામની સંઘટના નો જન્મ થાય. એ પછી કહ્યું, દરિશન અતિહિ આનંદ લાલ રે – પણ જ્યાં પ્રભુનું દર્શન થયું, વિતરાગદશાનું દર્શન થયું; આનંદ જ આનંદ.

તો યાદ રાખો, તમારી આંખો કે તમારું મન પ્રભુના બાહ્ય સ્વરૂપને જોઈ શકશે. પણ પ્રભુનું અંતરંગ સ્વરૂપ જોવું હશે તો માત્ર ને માત્ર તમારી અનુભૂતિ જ કામ આવશે. પ્રભુને જોવા છે, કેવી રીતે જોવાના…? ચક્ખુદયાણં કરીને… પ્રભુ આપણી આંખો ખોલી આપે, એ આંખ દ્વારા આપણે પ્રભુને જોઈ શકીએ, સદ્ગુરુ આપણી એ આંખોને ખોલી શકે, જે આંખો દ્વારા આપણે પ્રભુને જોઈ શકીએ, આપણે ત્યાં એક મજાની પ્રાર્થના છે, તમને નીરખું નાથ નિરંજન એવી આપો આંખો… બહુ મજાની પ્રાર્થના છે, પ્રભુ મારી પાસે આંખો છે પણ એ outer  space ને જોઈ શકે એવી આંખો છે, બાહ્ય જગતને જોઈ શકે એવી આંખો છે. હવે મારે એવી આંખો જોઈએ, જે તને જોઈ શકે. બોલો જોઈએ છે…? સદ્ગુરુ શક્તિપાત કરે, આંખ ખુલી જાય.

આનંદધનજી ભગવંતે જ ૧૫માં સ્તવનમાં કહ્યું, “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેંખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી” તો ઇન્દ્રિયો અને મનની તાકાત કેટલી? એ પ્રભુને જોઈ શકશે પણ પ્રભુની વિતરાગદશાનું દર્શન એ તો તમારે કરવાનું છે. તમે એટલે શરીર નહિ ને…? તમે એટલે કોણ ભાઈ બોલો…? તમે એટલે કોણ? આ શરીર એ તમે? કે શરીરને પેલે પાર રહેલ આત્મતત્વ એ તમે..? તમે કોણ..? હું એટલે આત્મા આ વાત ગોખાઈ ગઈ છે…? તો એક practical approach આજે આપું, તમે રોજ સવારે દર્શન માટે જાવ, પૂજા માટે પણ જાવ.. દર્શન કરવા જાવ કે પૂજા કરવા જાવ.. વિધિ બધી જ કરવાની, સંપૂર્ણતયા બધી જ વિધિ કરવાની. પણ એ વિધિ કર્યા પછી ૫ – ૧૦ કે ૧૫ મિનિટ માત્ર પ્રભુને જોતા બેસી રહેવાનું. એ વખતે તમને પ્રભુનું અંતરંગ સ્વરૂપ દેખાય છે? એ પ્રભુના મુખ ઉપર જે પરમ પ્રશાંતિ છે એનું દર્શન તમને થાય છે? મેં તો વચ્ચે પૂછેલું કે મુંબઈમાં છો, મહાત્માઓનું દર્શન તમને બહુ જ સરળતાથી તમને મળે છે, કેટલા મોટા દિગ્ગજ આચાર્ય ભગવંતોનું દર્શન તમે કર્યું, પણ ખરેખર કર્યું…? સાચું કહો… મહાત્માઓનું દર્શન ખરેખર થયું? એક શ્રીમંતનું દર્શન અને એક મહાત્માનું દર્શન…

તમે નાના ગામમાં હોવ, તમારા જ ગામનો એક માણસ મુંબઈ આવ્યો, ડાયમંડમાં એનું નસીબ ઝલકી ઉઠ્યું, કરોડોપતિ થઇ ગયો, એ ગામમાં આવે, લાંબી, મોટી , પહોળી કાર લઈને, એના કપડાં પણ એકદમ અપ્તુડેટ હોય, તમે એ શ્રીમંતનું દર્શન કરો, તમને શું વિચાર આવે બોલો…? હું આવો ક્યારે થઈશ એમ…!

અને મહાત્માના દર્શન કરતાં કયો વિચાર આવે? એટલે શું થયું, તમે શ્રીમંતને જોયો પણ એને ઠાઠ – ઠઠારા ને જોયો. તમે મહાત્માનું દર્શન કર્યું પણ મહાત્માના ચહેરા પરના આનંદને તમે જોયો નહિ. એ આનંદ તમે જુઓ ને તો તમને થાય કે દુનિયાની અંદર આવો આનંદ ક્યાંય નથી.

સિદ્ધ જુગાડિયાની વાત આપણે ત્યાં આવે, ખાનદાન ઘરનો નવિરો, જુગારના બરોબર રંગમાં લાગી ગયો, રાત્રે ૧૦ વાગે, ૧૧ વાગે, ૧૨ વાગે, ૧ વાગે ઘરે આવે… પત્ની એવી સુશીલ હતી, ખાનદાન કે ઘરના બારણાને ખુલ્લું રાખીને માથું ટેકવીને બેસી રહે. પતિ ૧૨ વાગે આવે, ૧ વાગે આવે, એ પતિને ઘરમાં લે, અને પતિની ઈચ્છા હોય તો ભોજન ગરમ કરીને જમાડી પણ લે, એકવાર માં ને ખબર પડી. માં ને થયું આ ન ચાલે, મારો દીકરો અને જુગારના અડ્ડામાં જાય, એને પોતાની પુત્રવધુને કહી દીધું. આજે તું તારા બેડરૂમમાં જઈને સૂઈ જા, એ વખતે માં નું ચરણ સાર્વભૌમ હતું. રત્નસુંદરસૂરીએ એકવાર પ્રવચનમાં પૂછેલું કે તમારા ઘરમાં કોનું ચાલે? એક જણો કહે માંનું… ફરી પૂછ્યું કોનું ચાલે તમારા ઘરમાં? તો કહે માંનું… ત્રીજી વાર પૂછ્યું કોનું ચાલે તો કહે કે મારા દીકરાની માનું… એ યુગમાં માં એટલે કુટુંબમાં સાર્વભૌમ વ્યક્તિત્વ. માં બેસી ગઈ બારણાં પાસે,  પેલો આવ્યો ૧૨ વાગે, રોજ તો બારણું ખુલ્લું હોય, આજે બારણું અંદરથી બંધ છે, કહ્યું બારણું ખોલો, માં નો અવાજ આવ્યો. આજે બારણું નહિ ખુલે, ચમકી ગયો માં… સીધી રીતે માં ને ખબર પડી નથી એ પણ એને ખ્યાલ હતો, માં ને ખ્યાલ આવી ગયો, એને કહ્યું માં ! મારી ભૂલ થઇ ગઈ હવે વહેલો સમયસર આવી જઈશ. આજે બારણું ખોલી આપ, માં એ કહ્યું આ ઘરનું બારણું આજે તારા મારે બંધ છે, પણ માં રાત ગળવા લાગી છે, ઠંડી પડવા લાગી છે, ઓટલા ઉપર હું કંઈ રીતે બેસું? માં એ કહ્યું જે ઘરના દરવાજા ખુલ્લા હોય ત્યાં પહોંચી જા, પણ આ ઘરના દરવાજા તારા માટે બંધ છે. રાતના ૧૨ – ૧૨.૩૦ કોના દરવાજા ખુલ્લા હોય? ઉપાશ્રયના…

ઉપાશ્રયમાં ગયો, પણ ખાનદાન ઘરનો નબીરો તો હતો જ. એણે જોયું ૧૨ અને ૧૨.૩૦ એ આચાર્ય ભગવંત જાપ કરી રહ્યા છે, કેટલાક મુનિઓ કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા છે, કેટલાક બેઠા બેઠા કંઈક આંતર નિરીક્ષણ કરી રહ્યા છે…એક જ હોલ.. એને થયું કે આ મહાત્મા પુરુષો જાગે છે, કોઈ ઉભા છે, કોઈ બેઠા છે, મારાથી સુવાય કેમ…? ઊંઘ આવે છે પણ મારાથી સુવાય કેમ? બેઠો રહ્યો… રાતના ૧૨.૩૦ થી ૫.૩૦ બેઠો જ રહ્યો. ચંદ્રમાંનો પ્રકાશ અંદર આવતો હતો, બેઠા બેઠા એણે કામ શું કર્યું? બધા જ મહાત્માઓના ચહેરાને જોયા કર્યા. જૈન હતો પણ સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા આવનારો નહોતો. ક્યારે કોઈ મહાત્મા ને એણે જોયા નથી. Very first time મહાપુરુષોને જોઈ રહ્યો છે. અને એણે એક વાત માર્ક કરી, કે આવો આનંદ મેં દુનિયામાં ક્યાંય જોયો નથી. એના કરોડોપતિ ભાઈબંધો પણ હતા, અબજોપતિ ભાઈબંધો પણ હતા. બધાને ત્યાં જઈ આવેલો, પણ એને માર્ક કરીને જોયું કે એક – એક મુનિરાજ ના ચહેરા ઉપર, આચાર્ય ભગવંત ના મુખ ઉપર જે આનંદ છે,  જે શાંતિ છે એ દુનિયમાં ક્યાંય જોઈ નથી. હજારો ચહેરા જોયા, પણ આવી શાંતિ ક્યાંય જોઈ નથી. ૫.૩૦ ના સવારે આચાર્ય ભગવંતના ચરણોમાં એણે પોતાનું જીવન સમર્પિત કર્યું, એને થયું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવનશૈલી હોય તો આ શૈલી છે. એને કહ્યું ગુરુદેવ! યોગ્ય લાગતો હોઉં તો મારો સ્વીકાર કરો. હું આપને સમર્પિત થાઉં છું. જીંદગીમાં પહેલીવાર ૫ કલાક માટે ઉપાશ્રયમાં રહેલો એ યુવાન, મુનિરાજો ને પહેલી વાર જોનારો એ યુવાન, ગુરુદેવના ચરણોમાં સમર્પિત થઇ જવા તૈયાર થયો. હવે તમારી વાત કે એ મહાત્માઓના આનંદને જોયો છે? ચાલો નથી જોયો, હવેથી જોજો, અને તમને સ્પષ્ટ લાગશે કે આ મહાત્મા પાસે જે આનંદ છે એ દુનિયામાં ક્યાંય નથી. પછી તમે બેસો, એ મહાત્માની જોડે… સાહેબ શું થયેલું, તમે કેમ વિરાગી બન્યા… વૈરાગ્યનું નિમિત્ત શું મળેલું, પૂછો…

ઉપમિતિની અંદર એક મજાનો પ્રસંગ આવે છે, એ ઉપમિતિભવપ્રપંચકથા આ સિદ્ધર્ષી એ લખી, જે જુગારના અડ્ડામાં રહેનારો માણસ હતો, મુનિ થયો, સિદ્ધર્ષી બન્યો. આજે હજારો મુનિવરો અને સાધ્વીજી ભગવતીઓમાંથી ૫ – ૧૦% એવા કદાચ મળે કે જેમણે ઉપમિતિભવપ્રપંચાકથા ન વાંચી હોય.

તો એમાં એક મજાની નાનકડી કથા આવે છે, કે એક યુવાન રાજા, એ યુગમાં ઉદ્યાનની અંદર આચાર્ય ભગવંતો વિહરતા, તો એક જ્ઞાની આચાર્ય ભગવંત ઉદ્યાનમાં પધાર્યા. રાજાને ખબર પડી, રાજા ઠાઠ – માઠથી ગુરુના દર્શન માટે નીકળ્યો. ગુરુ મહારાજને વંદન કર્યું, દેશના સાંભળી. બધા વિખેરાયા, પછી એ યુવાન રાજા ગુરુ મહારાજ પાસે બેઠો રહ્યો, ગુરુ મહારાજના દેહની કાંતિ જોતા લાગતું હતું, કે એકદમ ઉચ્ચ ઘરાનામાંથી સાહેબ આવી રહ્યા છે. યા તો કોઈ રાજકુમાર હોય, યા તો કોઈ શ્રેષ્ઠીપુત્ર હોય. તો રાજાએ પૂછ્યું સાહેબ! આપ બહુ જ ઉચ્ચ ઘરાનામાંથી આવી રહ્યા છો એવું આપની દેહની કાંતિ કહે છે, આપ યુવાન પણ છો, તો યુવાવયમાં, અને આટલી સમૃદ્ધિની વચ્ચે એવું કયું નિમિત્ત મળ્યું કે જે નિમિત્તે આપને વિરાગી બનાવ્યા… એ વખતે એ આચાર્ય ભગવંતે જે કહ્યું ને એને બરોબર યાદ રાખજો. એ આચાર્ય ભગવંતે કહ્યું, રાજન્! સંસારમાં એવી કઈ ઘટના છે જે તમને વૈરાગ્ય તરફ ન લઇ જાય…! તમને પૂછું ખરેખર તમે તમારા સંસારને પણ જુઓ, તમને લાગે કે હું જીવી રહ્યો છું, પણ મારી પાસે પણ શ્રેષ્ઠ જીવન શૈલી નથી. જો તમે વિચાર કરો તો…

તો ધર્મધુરંધરસૂરિ મ.સા. કહે છે, શરીરને કેન્સર થયું છે, મને શું થયું છે… હું તો મજામાં છું. આ શું હતું… મન પ્રભુને અપાઈ ગયેલું હતું… તમે મન પ્રભુને આપો ને તો ગેરંટી સાથે કહું કે તમે આનંદમય જ હોવ, સવાલ જ નહિ… પ્રભુએ એવા સિદ્ધાંતો અમને આપ્યા છે કે અમારા જીવનમાં પીડા આવવાની કોઈ સંભાવના જ નથી.

એક સિદ્ધાંત છે… વર્તમાનયોગનો… બહુ સરસ છે, તમારા માટે પણ એ બહુ કામનો છે. તમે એ શબ્દ કદાચ સાંભળેલો છે. વર્તમાનયોગ. મ.સા. વહોરીને ઉપાશ્રય આવતાં હોય, તમારું ઘર ઉપાશ્રયની બાજુમાં હોય, તમે ઉભેલા હોવ બહાર, તમે કહો સાહેબ પધારો, એ વખતે મુનિરાજને લાગે, કે ગોચરી આવી ગઈ છે, કદાચ ખૂટે તો આવી શકાય, ન ખૂટે તો આવવાની જરૂર પણ ન પડે. તો એ વખતે એ મુનિરાજ કોઈ commitment નથી આપતાં, હું નહિ આવું એમ પણ નથી કહેતાં. હમણાં હું આવું એમ પણ કહેતા નથી, તો શું કહે છે? વર્તમાનયોગ. એનો મતલબ એ થયો કે મને વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. અત્યારે મને લાગે છે કે મને ખપ નથી માટે હું આવતો નથી. આવતી ક્ષણ મને લાગે કે ખપ છે તો હું આવી પણ શકું.

તો વર્તમાનયોગનો અર્થ શું થયો કે મને વર્તમાનની એક ક્ષણ જોડે જ સંબંધ છે, ભૂતકાળ ગયો તો ગયો. ભવિષ્યકાળ આવશે ત્યારે આવશે. મને માત્ર વર્તમાનની એક ક્ષણ જોડે સંબંધ છે, હવે આવું જેનું જીવન હોય, એને પીડા આવે ક્યાંથી? તમે તો પીડાને કંકોત્રી લખો… હો… ગઈ કાલે કોકે કંઈ કહેલું હતું રફ્લી આજે એને યાદ કરો, પેલાએ મને આમ કીધેલું, પેલાએ મને આમ કીધેલું.

એક માણસ હતો, એ પડી ગયો, તો એને ક્રેક આવી, ડોકટરે પ્લાસ્ટર માર્યું અને કહ્યું કે ૧૫ દિવસ બેડરેસ્ટ કરવાનો. દશેક દિવસ થઇ ગયેલા, બેડરેસ્ટ કરવાનો ચાલુ છે. એના એક ભાઈબંધ દૂર રહેતો હતો એને ખબર પડી કે મારા મિત્રને આ રીતે પગે તકલીફ થઇ છે, એ ખબર પૂછવા માટે આવ્યો, એને પૂછ્યું પેલાને કેમ કરતાં પડી ગયો હતો… પેલો ઉભો થયો, બેડરેસ્ટ વાળો ઉભો થયો. Rehearsal કરીને બતાવ્યું. આમ પડ્યો… શું થાય બોલો… ક્રેક પાછી પહોળી થઇ, પીડા વધી ગઈ, ડોક્ટર પાસે ગયો, ડોક્ટર કહે આવા ધંધા કરાય… ફરીથી પ્લાસ્ટર મારી આપ્યું. બેડરેસ્ટ કરવાનો. ફરી ૧૦ – ૧૨ દિવસ થયા ને કોઈ ભાઈબંધ આવ્યો, કેમ કરતાં પડ્યા, આમ કરતાં… તમે આવું ન કરો ને…? તમે આવું કરો…? કોકે કંઈક કહ્યું બરોબર છે. અને ૨ – ૪ દિવસ થયાને ઘા રૂઝાવા માંડ્યો, અઠવાડિયામાં ઘા એકદમ રુઝાઈ જાય. એ અઠવાડિયું થયું હોય, પેલાએ કહ્યું એનો ઘા રુઝાઈ ગયો હોય, અને તમારો કોઈ સંબંધી આવે, અરે! મેં તો હમણાં સાંભળ્યું તમારા જેવું સજ્જન અને પેલો માણસ આવું બોલી ગયો. હું તો સળગી ગયો કહે છે, અલ્યા તું સળગ્યો ત્યાં સુધી તો ઠીક છે, આને શું કરવા સળગાવે છે…!

એટલે થાય શું પછી, પણ by the way પુછુ તમને, એ તમારો ઘા રુઝાઈ ગયો છે, અથવા રૂઝાવાની અણી ઉપર છે. એ વખતે તમને ગમે કોણ? અમારા જેવા ગમે કે સામાન્ય મિત્રો ગમે? અમે કહીએ કે ભાઈ! જે ઘટના ઘટી એ ઘટી… એ ઘટના અનંત કેવળજ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયેલી હતી, અમે કહીએ. જે ઘટના આજે તમને ખ્યાલ નથી સમજો કે આજે સાંજે તમારા જીવનમાં ઘટે, સારી હોય કે ખરાબ હોય, તમને ખ્યાલ નથી, પણ અનંત કેવળજ્ઞાની ભગવંતોએ આ ઘટનાને પોતાના જ્ઞાનમાં જોયેલી ખરી કે નહિ? તો તમે કેવળજ્ઞાની ભગવંતના જ્ઞાનને સ્વીકારો કે ઘટનાને સ્વીકારો? તમે ઘટનાની અંદર involve થાવ, તમારા મનને ઘટનામાં મુકો, અને કહો કે આમ કેમ થયું… આવું થવું જોઈતું નહોતું… તમને નથી લાગતું અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનની તમે આશાતના કરી રહ્યા છો…. કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાં જે જોવાયું છે એ મિથ્યા થવાનું હતું? તો અમે કહીએ આ વખતે આવું એ ગમે કે પેલો કોઈ આવે ઘાવ ઉખેડનારો એ ગમે તમને? ગમે કોણ?

શ્રીપાળરાસના પ્રારંભમાં એક સરસ ઘટના આવી, મયણાસુંદરીના લગ્ન શ્રીપાળ જોડે થઇ રહ્યા છે, ક્યાં મયણા રૂપ – રૂપનો અંબાર, ક્યાં શ્રીપાળ… એ વખતે એમની કાયા કોઢથી છલકાઈ રહી છે, લોહી અને પરું બહાર નીકળી રહ્યું છે, માખીઓ બણબણી રહી છે શરીર ઉપર, જેની જોડે એક સેકંડ, કે એક મિનિટ બેસી ન શકાય એની સાથે લગ્ન કરવાના, પણ એ વખતે મયણાસુંદરીના મનનો ભાવ શું હશે. શ્રીપાળરાસકાર વિનયવિજય મહારાજે મયણાસુંદરીના ચહેરા ઉપર કેમેરો ફેરવ્યો, મયણાના હૃદય ઉપર કેમેરો ફેરવ્યો, અને મજાનો સ્લેબ આપણને આપ્યો. “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ” મયણાના મુખની રેખા બદલાતી નથી. એ જ પ્રસન્નતા એના ચહેરા ઉપર છે, હ્રદયની અંદર સહેજ પણ વિષાદ, પીડા નથી, શું કારણ, “જ્ઞાનીએ દીઠુ હુએ રે” જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે જોયું છે એ બની ગયું. હવે બોલો દરેક ભૂતકાળની ઘટના માટે આ વિચાર તમારી પાસે આવી જાય, કે જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું છે એ બની ગયું. હવે તમને પીડા કઈ ઘટના કરી શકે બોલો? ધંધામાં નુકશાન પણ આવી ગયું થોડું, દશ – વીશ લાખ ગયા પણ ખરા… પણ તમે એ વિચારી શકો કે આ પણ એક પર્યાય હતો, અને એ પર્યાય ઘટવાનો હતો. તો ઘટિત થઇ ગયો.

મુંબઈની જ એક ઘટના તમને કહું, એક યુવાન ૩૦ એક વર્ષનું એનું વય, ડાયમંડમાં એ ધંધો કરતો હતો, પાર્ટનરશીપમાં… પાર્ટનર પણ બહુ જ વિશ્વાસુ, એ પણ યુવાન અને જૈન હતો, બંને જૈન. એકવાર એવું બન્યું આ યુવાનના પાર્ટનરની બુદ્ધિ બગડી, ઓફિસની ચાવી તો બેય પાસે હોય, રાત્રે એને ઓફીસ ખોલી, પોતાના ભાગના પૈસા તો લઇ લીધા, ઉપરથી ૪૦ લાખ રૂપિયા લઇ લીધા. સવારે યુવાન આવ્યો ઓફીસ ખોલી ત્યારે એને ખબર પડી ગઈ, અને એ પણ ખ્યાલ આવી ગયો કે પેલાનું જ કર્તૃત લાગે છે, ચોરી – બોરી તો કઈ થઇ જ હતી, કારણ કે બારી – બારણાંમાં ક્યાંય કોઈ ખાતર પડેલું નથી… તરત એને ફોન લગાવ્યો, પાર્ટનરને… તો ફોન લાગે જ નહિ, ફોન off કરીને ક્યાંય પહોંચી ગયેલો, એના ઘરે ગયો તો કહે ઘરે પણ નથી. મહિના સુધી ક્યાંય ગુમ થઇ ગયો, પછી પાછો આવી પણ ગયો, આવી ગયો અને યુવાને સીધું કહ્યું ભાઈ! તું મારા ૪૦ લાખ વધારાના લઇ ગયો છે એ તો આપી દે, પેલો કહે, નથી આપવા જા. શું કરીશ… બે નંબરનો ધંધો છે… શું કરીશ તું…

હવે કરવાનું તો શું હતું, બન્યું એવું કે બંને એક એરિયામાં રહે, બંને ને દેરાસર એક, અને બે જણા સવારે પૂજા કરવા માટે આવે. સવારે ૭ – ૭.૧૫ એ બેયને પૂજા કરવા માટે આવવાનું. હવે યુવાન પૂજા કરવા આવેલો અને પેલો ભાઈ આવે, લાંબી પહોળી ગાડી લઈને આવે પાછો, અને આ યુવાન પેલાને જોવે એટલે શું થાય… સાલો હરામખોર નીચ, મારા પૈસા એને આપવા નથી. અને ભગવાનની ભક્તિ કરવા આવ્યો છે કે ભગવાનને ઠગવા આવ્યો છે. સતત એને આર્તધ્યાન થાય એની પૂજા એક પણ સારી થાય નહિ, અને એમાં રત્નસુંદરસૂરિ એમના સંઘમાં આવ્યા, પ્રવચનો એક – બે સાંભળ્યા, બપોરે એમની પાસે ગયો. સાહેબ! મારી એક સમસ્યા છે, કેવો વિવેકી યુવાન છે, ૪૦ લાખ ગયા એની વાત નથી કરતો, એ કહે છે ફરિયાદ મારી એ છે, કે મારી પૂજા બરોબર થતી નથી, આના કારણે. હું બીજી કોઈ ધર્મ કિરિયા તો કરતો નથી, એક માત્ર પૂજા કરું છું પણ આના કારણે મારી પૂજા આખી બગડી જાય છે. સાહેબ કોઈ રસ્તો બતાવો?

રત્નસુંદરસૂરિએ પૂછ્યું કે ધારો કે એના ૪૦ લાખ ન આવે તારું અત્યારે કેમ કેમ ગાડું ગબળે છે, સાહેબ પાસે તો ચોખ્ખી જ વાત કરે, એને કહ્યું સાહેબ એકદમ ok છું. મારી ઓફીસ નવી ચાલુ થઇ ગઈ છે. સરસ રીતે પૈસા કમાવું છું, આ luxurious એરિયામાં, luxurious એપાર્ટમેન્ટમાં હું રહું છું. એક નહિ પણ બે ગાડી છે, એક દીકરાઓને સ્કુલે મોકલવા માટે, દીકરાઓને સારામાં સારી સ્કુલમાં ભણાવું છું. અને એ રીતે હું સારામાં સારી આર્થિક સ્થિતિમાં છું. હવે બીજો સવાલ પૂછ્યો આચાર્યશ્રીએ: કે એના ૪૦ લાખ ન આવે તો તને કંઈ વાંધો ખરો? તું કહે છે મારું જીવન બરોબર ચાલે છે, તો ૪૦ લાખ ન આવે તો કંઈ વાંધો ખરો…? તારી પૂજા બરોબર કરી આપું… જો તું ૪૦ લાખ છોડવા તૈયાર હોય તો…. આ બનેલી ઘટના હમણાંની… એ યુવાન તૈયાર થઇ ગયો, સાહેબ બોલો શું કરવાનું? તો કહે કે એ માણસ આપવા માટે આવે તો પણ તારે લેવાના ખરા, પણ એમાંથી એક પૈસો તારે વાપરવાનો નહિ, એ ૪૦ લાખ એનું વ્યાજ પણ આપે, એક પૈસા ઉપર તારી માલીકીયત તારે રાખવાની નહિ. મને પૂછવા આવજે, સાત ક્ષેત્રમાં સારી જગ્યાએ એ રકમ વાપરી નાંખવાની છે. તૈયાર થઇ ગયો યુવાન, એક પૂજા પોતાની સારી થાય, એના માટે ૪૦ લાખ છોડવા તૈયાર થઇ ગયો. ચડાવામાં ૪૦ લાખ બોલવાના એ સહેલું છે. નિયમ લીધો કે ૪૦ લાખ માંથી એક પણ પૈસો મારે હવે ખપે નહિ. અને શું એ નિયમનો પ્રભાવ… 

બીજી સવારે એ યુવાન દેરાસરે પહોંચેલો, પેલા ભાઈ આવે, હવે ૪૦ લાખનું પૂછતો પણ નથી. હવે પેલા જોડે ક્યાં વાંધો છે, ન આપે તો કંઈ વાંધો નથી. યુવાન સામે જાય, પેલો કારમાંથી નીચે ઉતરે, આ સામે જાય, હાથમાં હાથ લઇ લે, કેમ છો મજામાં? કંઈ કામકાજ હોય તો કહેજો… કહે છે… પેલો નવાઈમાં ડૂબી ગયો.. આ શું કહે… બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ… પૈસાની કોઈ વાત નહિ.. રોજ કેમ છો.. મજામાં છો ને… શાતામાં… કંઈ કામકાજ હોય તો કહેજો… પેલો પીગળી ગયો, પીગળે જ ને… મેં કહ્યું હતું ને action સામે reaction નહિ, action સામે non – action. આ non – action હતું, તારે પૈસા આપવા નથી ને, પણ મારે જોઈતા જ નથી એનું શું… તું કહે મારે આપવા નથી. પણ મારે જોઈતા જ નથી, મહાન કોણ? મારે જોઈતા જ નથી. તું આપે યા ન આપે મારે ક્યાં ફરક પડે, પેલો પીગળી ગયો. રવિવારે જરા ઘરે આવો ને… આપણે હિસાબ સમજી લઈએ.. રવિવારે યુવાન ગયો એના ત્યાં, પેલાએ ૪૦ લાખ અને આ દોઢ મહિનાનું વ્યાજ આ બધું ગણીને પૈસા તૈયાર રાખેલા. લો કહે કે આ લઇ જાવ. ત્યારે યુવાને કહ્યું કે રકમ તમે મને આપો છો, હું લઇ પણ લઉં છું અત્યારે, પણ આના ઉપર મારી માલીકીયત નથી, આના ઉપર ગુરુદેવની માલીકીયત છે. ગુરુદેવ પાસે લઈને જઈશ, અને ગુરુદેવ જે ખાતામાં કહેશે, એ ખાતામાં ખર્ચી નાંખીશ…

આ શું હતું? આમ જુઓ તો એની પાસે જ્ઞાન એટલું નહોતું, એવો ઊંડો જ્ઞાની નહોતો. એક જ વાત  એના હૃદયમાં આવી કે જૈન છું, બીજી કોઈ ક્રિયા હું કરતો નથી. એક પૂજા કરું છું, પણ મારી પૂજા પણ સમ્યગ્ ન હોય, એ કેમ ચાલે…? તો શું કર્યું પ્રભુને એણે મન આપ્યું. એણે પૈસા આપ્યા એમ નહિ, પ્રભુને મન આપ્યું. પ્રભુની આજ્ઞા સ્વીકારી. તો મહાપુરુષો, દરેક સાધુ અને સાધ્વીઓ આનંદમાં, કારણ સમજી ગયા, વર્તમાનયોગ. ભૂતકાળ ગયો, છેડો ફાડી નાંખ્યો છે, ભવિષ્યકાળ આવશે ત્યારે, અત્યારે મજામાં છીએ.

એક હિંદુ સંતની વાત આવે છે, સાંજનો સમય, અંધારું થવા આવેલું, એ ગામની શેરીમાં ચાલતા હોય છે, પાછળથી એક ગુંડા જેવો માણસ આવે છે, જોરથી લાકડી લગાવે છે પાછળથી… સંતના માથા ઉપર લાકડી વાગી, સંત બેભાન થઈને નીચે ઢળી પડ્યા, પેલા ગુંડાને ખ્યાલ આવી ગયો કે આ તો ખોટી જગ્યાએ લાકડી વાગી ગઈ છે. મારે મારવાનું હતું બીજાને હતું, અને આ તો સંત છે. એ ભાગી ગયો, બાજુમાં દુકાન હતી, વેપારીએ જોયું સંત છે, એને ઉચક્યા, પોતાની દુકાન પર લાવ્યા… થોડી પાટા – પિંડી કરી, દૂધ વિગેરે પાયું, સંત સ્વસ્થ બની ગયા…

એક વાત યાદ રાખો કે જેનું મન પ્રસન્ન હોય, એના શરીરને સ્વસ્થ થતાં વાર લાગતી નથી. શરીરમાં માંદગી ભલે ને આવે, મન તમારું પ્રસન્ન છે, અને મન ઉપર એ માંદગીની અસર નથી તમે ever fresh, ever green થઇ ગયા.

તો સંત માનસિક રીતે એકદમ પ્રસન્ન હતા, લાકડી વાગેલી કોઈ અસર ન થઇ, થોડી વારમાં fresh થઇ ગયા. એ વેપારી સંતને પૂછે છે કે સાહેબ! તમને ખ્યાલ આવે છે કે એવો કોણ માણસ હશે કે તમારા જેવા પ્રત્યે પણ જેને દુશ્મનાવટ હોય, એ વખતે એ સંતે કહ્યું કે જે ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ, જે ઘટના ઘટી ગઈ એનો વિચાર હું ક્યારે પણ કરતો નથી. હું માત્ર વર્તમાનકાળમાં જ રહું છું, અને માટે મજામાં છું. હું ઘણીવાર તો વાગ્યું ન હોય કોઈ ગાળો આપે તો વાગવાનું ક્યાંથી… પણ અસર કેટલી રહે..

હું ઘણીવાર પૂછું કે ભાઈ કોઈ લાફો ઠોકે ને તો પાંચ આંગળાની છાપ ઉપસી જાય ગાલ ઉપર… ગાલ સૂજી પણ જાય, પણ કોઈ ગાળોનો વરસાદ વરસાવે તો શું થાય? કાનમાં સોજો આવે? શું થાય શું આમ… શું થાય…? તો મને કહે સાહેબ કાનમાં સોજો ન આવે, મનમાં સોજો આવે… પણ તમે મન પ્રભુને આપ્યું હોય તો સોજો ક્યાંથી આવે પછી, પછી તમે એક જ વાત કહો, મારું કર્મ છે, એ તો ખાલી નિમિત્ત રૂપ છે. આ પ્રભુનું શાસન આ પ્રભુ તમને જે આનંદ આપી શકે એ દુનિયામાં કોઈ ન આપી શકે.

અને પેલી કડીમાં શું કહ્યું, “દરિશન અતિહિ આનંદ રે” એકવાર એક કડી ઉપર હું ભાષ્ય કરતો હતો કે એક ભાવકે મને પૂછ્યું કે સાહેબ! પ્રભુની વિતરાગ દશાનું દર્શન થાય, તો એટલો બધો આનંદ થાય કે આપણે પણ કહીએ કે ખુબ ખુબ ખુબ આનંદ થયો. તો ઉપાધ્યાયજી ભગવંતે એક જ વાર અતિહિ શબ્દ કેમ વાપર્યો…? દરિશન અતિહિ આનંદ લાલ રે આપણે પણ કહીએ ખુબ ખુબ આનંદ આવ્યો… તો એકવાર અતિ શબ્દ કેમ વાપર્યો…? મેં એને કહ્યુ એ આનંદ એટલો બધો હોય છે. કે તમે અતિ ના ૧૦૦ ડબ્બા લગાડો ને તો પણ એ આનંદને તમે વ્યાખ્યાહિત કરી શકો નહિ. અને એટલે શબ્દની અશક્તિ બતાવવા માટે એક જ વાર અતિ શબ્દનો ઉપયોગ કર્યો છે.

તો સુખ અને આનંદ ક્યાંથી મળે, પ્રભુની પાસેથી, “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે”

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *