Namaskar Bhaav Ni Sadhna – Vachana 13

34 Views
15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિશ્ચય જાગૃતિ

શરીર સૂતેલું હોય અને સાથે તમારું મન, તમારું વ્યક્તિત્વ મોહની ઘેરી અસરમાં હોય – તે નિંદ્રાવસ્થા. દિવસે જે જોયેલું, સાંભળેલું, વિચારેલું હોય, એની tape આડી-અવળી રાત્રે ઉથલી પડે, વિકલ્પોની ભરમાર ચાલે, તે સ્વપ્નાવસ્થા. જાગૃત અવસ્થાના બે પ્રકાર પડે: વ્યવહાર જાગૃતિ અને નિશ્ચય જાગૃતિ.

અત્યારે તમે જે જાગેલા છો, તે વ્યવહાર જાગૃતિ. વ્યવહાર જાગૃતિનું મૂલ્ય તમારી સ્વપ્ન દશાથી વધારે નથી. સ્વપ્નમાં જેમ વિકલ્પો આડા-અવળા ચાલ્યા કરે છે, તેમ તમારી જાગૃતિમાં પણ વિકલ્પોની કોઈ શૃંખલા નથી; જે સામે આવી જાય, એના વિચારો ચાલ્યા કરે.

નિશ્ચય જાગૃતિ માં સ્વ અને પરનું વિભાજન બિલકુલ સ્પષ્ટ રીતે અંકિત થયેલ હોય છે. નિશ્ચય જાગૃતિ મળે, ત્યારે તમે માત્ર જોનાર હોવ છો. માત્ર જોવાનું. અને એટલે દ્રશ્ય અલગ થયું; દ્રષ્ટા અલગ થઇ ગયો. આવી નિશ્ચય જાગૃતિ સાતમા ગુણસ્થાનકે હોય અને છઠ્ઠાની ટોચ પર એની આંશિક અનુભૂતિ થાય. સાતમા ગુણસ્થાનકની આવી નિશ્ચય જાગૃતિ મેળવવી – એ જ આ જીવનનું ultimate goal.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૧૩

ભક્તિયોગના ઉદ્ગાતા પૂજ્યપાદ જિનવિજય મ.સા.એ પ્રભુ પરમતારક મહાવીર પ્રભુની સ્તવનામાં એક મજાની પંક્તિ મૂકી. “દુષમ કાલ જિનબિંબ જિનાગમ ભવિયણ કો આધારા” આ દુષમકાળમાં આપણા માટે આધાર સ્તંભ કોઈ હોય તો એ બે છે. પ્રભુનું પ્યારું પ્યારું રૂપ અને પ્રભુના પ્યારા શબ્દો. અમે લોકોએ દીક્ષા લીધી. કોઈ જ્ઞાની પુરુષ અત્યારે છે? અમે લોકોએ દીક્ષા લીધી એની પાછળનું બળ માત્ર અને માત્ર આ જિનાગમ. માત્ર પ્રભુના પ્યારા શબ્દો. તમે જે સાધના કરો છો. એની પાછળ પણ માત્ર અને માત્ર કોઈ બળ હોય તો એ બળ છે પ્રભુના પ્યારા શબ્દો.

હરીભદ્રસૂરિ મ.સા. એ તો ત્યાં સુધી કહ્યું; “हा अणाहा कहं हुंता, न हुंतो जइ जिणागमो” જો આ પ્રભુના પ્યારા શબ્દો ન હોત તો અમે શું કરત ! એ પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને બરોબર જીવનમાં ઉતારવા માટેનો આ દિવસ. પહેલા તમે વાંચન કે શ્રવણ કરો. એ પછી ચિંતન કરો. અને એ પછીનું ચરણ છે : અનુભૂતિ.

પાલનપુરમાં વર્ષો પહેલાં મારું ચોમાસું હતું. કારતક સુદી ચોથની વાચનામાં મેં એ સાધુ-સાધ્વીજીઓને કહ્યું; કે આવતીકાલે જ્ઞાનપાંચમ. નવી ગાથા કોણ વધારે કરે છે? આપણે જોઈએ! તો એક સાધ્વીજી ભગવતીએ ૧૪૫ ગાથા એક દિવસમાં નવી કરેલી. Highest score એ જ હતો. કોઈ ૧૨૫ એ અટકેલા. કોઈ ૧૦૦ એ અટકેલા. Highest score ૧૪૫ નો હતો. એ સાધ્વીજી ભગવતી મારી પાસે આવ્યાં. મને કહે હું first નંબર ઉપર આવી મને ગીફ્ટ શું આપશો? મેં હસતાં હસતાં કહ્યું; કે ગીફ્ટ તો તમારી નક્કી. પણ દંડ શું કરવો એ પણ તમારે કહેવું પડશે. એ ચમક્યા. દંડ? દંડ શેનો? મેં કહ્યું; આજે જ્ઞાનપાંચમી હતી. તમે ઉપવાસ કર્યો હશે. તો કહે; હા. જ્ઞાનપંચમીના દેવવંદન કર્યા હશે! 51 લોગસ્સનો કાઉસ્સગ કર્યો હશે! માળાઓ ગણી હશે! અને છતાં તમે ૧૪૫ ગાથા એક દિવસમાં કરી શક્યા. એટલે કે તમારી કેપેસીટી ૧૪૫ ની રોજની છે. હવે ૩૦૦ દિવસની અંદર, ૩૬૦ દિવસની અંદર કેટલી ગાથાનો score થાય? ચાલો આપણે મેં કીધું ૧૦૦ ગાથાનો score લઈએ. તો પણ મહીને ૩૦૦૦. ૧૨ મહીને ૩૬,૦૦૦. મેં પૂછ્યું; એક વર્ષમાં કેટલી ગાથા કરી? કરેલી જ નહતી. મેં કહ્યું; ગીફ્ટ નક્કી. દંડ નહિ કરીએ. પણ આજથી નક્કી કરો કે રોજની કેટલી ગાથા તમે કરશો? ભલે ૧૦-૧૫-૨૦…! પણ સતત એ ગાથાઓ થવી જોઈએ.

આજે બપોરે વિજયલક્ષ્મીસૂરિ મહારાજ કૃત દેવવંદન આપણે કરીશું. એમાં પહેલા દેવવંદનના ચૈત્યવંદનમાં એક મજાની પંક્તિ આવે છે. “મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચન કળશ સંયોગ” સોનું એ સાધન. એમાંથી અલંકારો બન્યા એ સાધ્ય. એ જ રીતે “મતિ સાધન શ્રુત સાધ્ય છે” તમારી બુદ્ધિ તીવ્ર હોય તો તમે શું કરશો? વધારે-વધારે ગ્રંથોનો અભ્યાસ કરશો. એક અભ્યાસની નિષ્ઠા તમારી પાસે હશે ને ૧૦-૨૦ વર્ષ પછી તમે અમને પૂછવા આવશો કે ગુરુદેવ! હવે શું ભણવું? હવે કયા ગ્રંથો બાકી રહ્યા?

પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવંત ગુણરત્નસૂરિ મ.સા. ના શિષ્યરત્ન હતા મોક્ષરત્ન વિજયજી. કોલકાતામાં રહેનારા. શરીર અંગ્રેજ જેવું ગોરું. અત્યંત brilliant. દીક્ષા લીધી. દીક્ષા લીધી એ જ દિવસથી ખૂણામાં છુપાઈ ગયા. ક્યાંય બહાર આવવાનું નહિ. ગુરુદેવ સાથે વિચરવાનું. એક ખૂણો શોધી લેવાનો કે એક રૂમ શોધી લેવાની. ત્યાં પુસ્તકો લઈને જતા રહેવાનું. સુર્યાસ્ત સુધી એમની સ્વાધ્યાય યાત્રા ચાલતી હોય.

મારે રાજસ્થાન જવાનું થયેલું. બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ છે. ત્યાં સાહેબજીની નિશ્રામાં શિબિર ચાલતી હતી. એ વખતે મોક્ષરત્નવિજય મહારાજને પહેલી જ વાર મેં જોયા. પહેલીવાર જોતાં લાગ્યું; કે આ તો કોઈ મહાન યોગી છે. પરમ વૈરાગ્ય એમના અસ્તિત્વના એક-એક પ્રદેશમાંથી નીકળી રહ્યો હતો. મારી પાસે બેઠા. મને કહે સાહેબ! આટલા-આટલા ગ્રંથો ભણાઈ ગયા છે. હવે હું શું ભણું? હરીભદ્રસૂરિ મ.સા. ના, ઉપાધ્યાયજી ભગવંતના, સિદ્ધસેન દિવાકરસૂરીજીના બધા જ ગ્રંથો એમણે જોઈ લીધેલા. મેં એમને કહ્યું; કે તમારા ગુરુદેવ ગીતાર્થ છે. ગીતાર્થને અમુક છૂટ હોય છે. તમે બધા યોગ કરેલા નથી. પણ, તમારા ગુરુદેવ જો આજ્ઞા આપે, તો 45 આગમ ગ્રંથો ટીકા ચૂર્ણી-ભાષ્ય સાથે વાંચી લો. બે વર્ષ પછી ફરી મારે રાજસ્થાન આવવાનું થયું. ફરી એ મળ્યા. મને કહે સાહેબ! 45 ગ્રંથો વંચાઈ ગયા. 45 એ 45 આગમગ્રંથો, ટીકા, ચુર્ણી, ભાષ્ય સાથે વંચાઈ ગયા. તો આ શું હતું? “મતિ સાધન શ્રુત સાધ્ય છે” આ દેવવંદન જે છે ને આજનું, એ બહુ જ ટફ છે.

પાંચમાં દેવવંદનમાં પરાથી, વૈખરી થી પરા સુધીની ભાષાનું વર્ણન આવે છે. જે એકવાર વાચનામાં કહેલું. એકસાથે ચાર દશાનું વર્ણન પણ એ જ દેવવંદનમાં આવે છે. પ્રભુ કેવલજ્ઞાની બન્યા. તો શું થયું? તો ત્યાં કડી આવી; ‘નિદ્રા સ્વપ્ન જાગરદશા, તે સવિ દૂરે હોવે; ચોથી ઉજાગરદશા તેહનો અનુભવ હોવે” આપણી પાસે અત્યારે ત્રણ દશા છે. નિદ્રા, સ્વપ્ન, અને જાગૃતિ. નિદ્રા એટલે શું? ખાલી શરીર ઊંઘી જાય એનું નામ નિદ્રા નથી. પણ તમારું મન, તમારું વ્યક્તિત્વ, મોહની ઘેરી અસરમાં હોય એ નિદ્રા. પછી સ્વપ્ન. જ્યાં વિકલ્પોની ભરમાર સતત ચાલુ છે એ સ્વપ્ન. સ્વપ્ન એટલે શું? દિવસે જોયેલું હોય, સાંભળેલું હોય, વિચારેલું હોય, એની ટેપ આડી અને અવળી રાત્રે ઉથલી પડે એનું નામ સ્વપ્ન. તો સ્વપ્નની અંદર વિકલ્પોની ભરમાર હોય છે. હવે જાગૃતિ. જાગૃતિના આપણે બે પ્રકાર પાડીએ. વ્યવહાર જાગૃતિ અને નિશ્ચય જાગૃતિ. અત્યારે તમે બધા જાગતા છો. જાગો છો ને? આ તમારી જાગૃતિ એ વ્યવહાર જાગૃતિ છે. નિશ્ચય જાગૃતિ સાતમાં ગુણઠાણે આવે. અને છટ્ઠાની ટોચ પર તમને એની આંશિક અનુભૂતિ થાય. તો વ્યવહાર જાગૃતિ જે છે ને, એનું મૂલ્ય સ્વપ્ન કરતાં વધારે નથી. તમારા સ્વપ્નમાં વિકલ્પો સતત ચાલ્યા કરે. તો તમારી જાગૃતિમાં શું છે? એક પ્રશ્ન કરું? તમારી આ કહેવાતી જાગૃતિ એમાં વિકલ્પવાળો સમય કેટલો? અને વિકલ્પ વગરનો સમય કેટલો? સ્વાધ્યાયમાં, ભક્તિમાં, ઊંડાણથી તમે પહોંચી ગયા છો. તો એને આપણે વિકલ્પ વગરનો સમય કહીશું.

તો તમારા ૨૪ કલાકની અંદર વિકલ્પ વગરનો સમય કેટલો? મારી વાચનામાં હું ઘણીવાર પૂછતો હોઉં, સાધકોને…! કે ૯૯% વિકલ્પો નકામા કે ૧૦૦% વિકલ્પો નકામા? જવાબ એ મળે કે ૧૦૦% વિકલ્પો નકામા છે. ૧૦૦% વિકલ્પો નકામા. એ વિકલ્પો તમારો કેટલો સમય બગાડે? તમારી કેટલી એનર્જી ખતમ થાય? તમે વિચાર કરો; એમાં આત્મ-શક્તિ ભળે તો જ વિચાર કરી શકાય. તો નકામા વિકલ્પોની પાછળ કેટલી આત્મ-શક્તિ વપરાય છે.

અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં દેવચંદ્રજી મ.સા.એ બહુ સરસ વાત કરી; “ભાષા વર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાદ; કરવા આતમ વીર્યને, શાને પ્રેરે સાદ” તમે બોલો છો; પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલો એની છૂટ. સ્વાધ્યાય કરો દસ કલાક એનો વાંધો નથી. બિનજરૂરી તમે બોલો ત્યારે શું થાય? ભાષાવર્ગણાના પુદ્ગલોને તમે પકડ્યા. આત્મસાત્ કર્યા અને છોડ્યા. “ભાષા વર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાદ” ઉપાધિ કહી એને. આ પુદ્ગલોને પકડવા અને પુદ્ગલોને છોડવા અને એના માટે આત્મ-શક્તિ વાપરવી. આ કડી બરોબર note-down કરજો. “ભાષા વર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાદ; કરવા આતમ વીર્યને, શાને પ્રેરે સાદ” એ પુદ્ગલોને પકડવા માટે અને પુદ્ગલોને છોડવા માટે આત્મ-શક્તિ વપરાય? ડાહ્યો માણસ કરે આવું? એ જ રીતે વિચારોના પુદ્ગલો પકડવાના અને એને છોડવાના એના માટે આત્મ-શક્તિ વાપરવાની…! ડાહ્યો માણસ આવું કરે ! તમે બધા ડાહ્યા છો. પ્રબુદ્ધ. તો વ્યવહાર જાગૃતિ જે છે એનું મૂલ્ય સ્વપ્નદશાથી વધારે નથી. સ્વપ્નમાં વિકલ્પો આડા-અવળા ચાલે છે. તમારી જાગૃતિમાં પણ વિકલ્પોની કોઈ શ્રુંખલા નથી. પેલો આવ્યો એટલે પેલાના વિચાર. તે આમ ગયો ને બીજો આવ્યો એટલે બીજાના વિચાર. Why? શા માટે? એ વ્યવહાર જાગૃતિ પછી નિશ્ચય જાગૃતિ. એ વાસ્તવિક જાગૃતિ.

નિશ્ચય જાગૃતિમાં શું છે? સ્વ અને પરનું વિભાજન બિલકુલ સ્પષ્ટ રીતે અંકિત થયેલું છે. સાતમા ગુણઠાણે રહેલ મુનિ વહોરવા માટે જાય છે. વહોરવાની ક્રિયા ચાલી રહી છે. મુકામમાં આવ્યા પછી વાપરવાની ક્રિયા ચાલી રહી છે. પણ વાપરનાર અલગ છે. સાતમા ગુણઠાણાવાળો માત્ર જોનાર છે. નિશ્ચય જાગૃતિ મળે ત્યારે તમે માત્ર જોનાર હોવ. ખાય છે શરીર. શરીરને જરૂર છે ને, તમને જરૂર છે રોટલી-દાળની, કે શરીરને જરૂર છે? શરીર ખાઈ લે. નોકરને કહ્યું; પાણી લઇ આવ. એ પાણી લેવા માટે ફ્રીજ તરફ જાય. તમે પાછળ જવાના? નોકર નોકરનું કામ કરે. એમ જેને જે કામ ભળાવો એ કરે. શરીરનું કામ શરીરને કરવા દો. તમારા ઉપયોગને, તમારા મનને ત્યાં તમે મુકો નહિ. તમે કરનાર નથી. જોનાર છો. કોઈ પણ યોગી પુરુષ હોય, એનામાં આ જ વસ્તુ હોય છે. એ બધું જોઈ રહ્યા હોય છે બસ.

કલાપૂર્ણસૂરિ દાદા શું કરે? જોયા કરે. પણ માત્ર જોવાનું. એટલે શું થયું, દ્રશ્ય અલગ થયું. દ્રષ્ટા અલગ થયો. તમે જ્યારે કરનાર તરીકે આવો છો, ત્યારે દ્રશ્ય સાથે એકાકાર થઇ જાઓ છો. એ રોટલી અને દાળ સાથે તમે એકાકાર થઇ જાઓ છો. પણ જે ક્ષણે તમે જોનાર તરીકે આવ્યાં, દ્રશ્ય અલગ છે. દ્રષ્ટા અલગ છે. તો આ છે નિશ્ચય-જાગૃતિ. ભલે આપણને અત્યારે આ નિશ્ચય-જાગૃતિ ન મળે, પણ એનું નાનું નાનું addition તો મળી શકે ને…!

મુલ્લાજીએ છુંદો બનાવેલો. છુંદો બહુ ટેસ્ટી. કેરીનો છુંદો. એ જવાનો કે માણસ જ્યારે પોતે માત્ર ખાતો નહિ, બીજાને વહેંચતો. તો સગાં-વ્હાલા બધાને વાટકીમાં છુંદો આપેલો. જેણે જેણે ખાધો એ બધા કહે વાહ! આવો છૂંદો તો ક્યારેય ખાધો નથી કહે છે. અદ્ભુત. આખા ગામમાં વાત ફેલાણી. હવે તો છુંદો લેવા લોકોની લાઈન લાગી. હવે એક બરણી જેટલો છુંદો હતો. મુલ્લાએ પોતાના માટે અડધી બરણી કે પોણી બરણી રાખી દીધું. બીજી બરણીમાં આટલો છુંદો નાંખ્યો. બે-ત્રણ લોટા પાણી નાંખ્યું. એક ભાઈ આવ્યો પછી. તમારા પેલા વેવાઈ નહિ, એ વેવાઈના પેલા વેવાઈ નહિ, એ વેવાઈ મારા વેવાઈ થાય. વેવાઈના વેવાઈનો વેવાઈ એટલે મુલ્લાજીને કહે કે છુંદો આપો. હવે મુલ્લાજીએ ચમચો નાંખ્યો અંદર બે પાંખડા છુંદાના આવ્યા. અને આખો ચમચો પાણીથી ભરાયેલો. તો મુલ્લાજીએ એની વાટકીમાં નાંખ્યો. પેલો કહે આ છુંદો છે? તો કહે; ના અસલી છુંદાના છુંદાનો છુંદો છે. તું મારા વેવાઈના વેવાઈનો વેવાઈ છે, તો આ છુંદાના છુંદાનો છુંદો છે. એમ નિશ્ચય જાગૃતિ આપણને ન મળે એનું નાનકડું addition આપણા જીવનમાં આપણે કેમ ન લાવીએ !

ચોથા ગુણઠાણે થોડી, પાંચમાં ગુણઠાણે વધુ, છટ્ઠા ગુણઠાણે એથી વધુ, અને સાતમા ગુણઠાણે તીવ્ર જાગૃતિ આવી જાય છે. અને એ જાગૃતિને મેળવવી એ જ આપણા આ જન્મનો goal છે. Ultimate goal. ઉજાગરદશા તો તેરમે મળવાની છે. પ્રભુ તેરમે ગુણઠાણે જાય ત્યારે ઉજાગર છે.

હિંદુ પરંપરામાં યોગીઓ ‘ઉજાગર’ નામ બોલતાં નથી. તુરિયા, તુરીયા, ચતુર્થી, the forth, આ રીતે એ લોકો સંબોધે છે. કેમ? તો કહે ‘ઉજાગર’ યોગીઓની લાડલી બેટી છે. એટલે લાડલી બેટી હોય એટલે નામથી સંબોધાય નહિ. એ નાની, એ લાડલી અહીં આવ. તો હિંદુ પરંપરામાં ઉજાગર ને તુરિયા કહે છે. આપણે ત્યાં પણ તુરિયા જ કહીએ છીએ. થોડો ફરક પરંપરામાં આવે છે. આપણે જેને નિશ્ચય જાગૃતિ કહીએ. એને હિંદુ પરંપરા ઉજાગર કહે છે. અને આપણે જેને વ્યવહાર જાગૃતિ કહી, એને હિંદુ પરંપરા જાગૃતિ કહે છે. એટલે હિંદુ પરંપરા પ્રમાણે તમને અત્યારે ઉજાગર પણ મળી શકે. કારણ કે નિશ્ચય જાગૃતિ એ જ ઉજાગર છે.

એ પછી શિવસૂત્રનો એક સરસ સૂત્ર આવે છે; શિવસૂત્ર સાધનાનો એક અદ્ભુત ગ્રંથ છે. પાર્વતીજીએ પ્રશ્નો પૂછ્યા છે. મહાદેવજીએ જવાબ આપ્યા છે. તો પૂછવામાં આવ્યું; કે ઉજાગર મળે ગઈ, થોડી થોડી હવે શું કરવું? તો ત્યાં સૂત્ર આવ્યું; “ત્રિષુ ચતુર્થં તૈલવત્ આસેચ્યં  (त्रिषु चतुर्थं तैलवदासेच्यम्)” ઉજાગર છે તમારી પાસે અને ત્રણ દશા પણ છે. તો તમારા નિદ્રામાં, તમારા સ્વપ્નમાં અને તમારી જાગૃતિમાં ઉજગરને નાંખો. ક્યારેક આની ઊંડાણમાં વાતો કરીશું. પણ આવી વાતો આ જ્ઞાનપંચમીના દેવવંદનમાં આવેલી છે. આપણે તો શું, દેવવંદન કરી લેવાના. એ મહાપુરુષે કેટલો બધો શ્રમ લઈને, કેટલી બધી મજાની વાતો કરી છે. એના ઊંડાણમાં આપણે જતા નથી.

તો આજે આપણે નક્કી કરીએ કે શ્રુતજ્ઞાનને સાંભળીએ, વાંચીએ, એ પછી એના ઉપર ચિંતન કરીએ. ભલે અડધું પાનું જ વાંચો. વધારે જરૂર નથી. અડધું પાનું વંચાયું. એક સરસ point મળી ગયો. એના ઉપર ચિંતન કરો. ચિંતન એ રીતે કરો, કે આ જે વાત કહેવાઈ છે, એનો અમલ હું કરી શકું કે ન કરી શકું? હું કરી શકું એમ છું, તો અનુભૂતિમાં આવી ગયા તમે. એટલે શ્રવણ, ચિંતન, અનુભૂતિ આ ક્રમ છે. આ ક્રમથી આપણે ચાલીએ, અને જ્ઞાનપંચમીની આરાધના કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *