વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શ્રદ્ધા
અહંકાર શિથિલ બનાવવા માટે, નમસ્કાર ભાવ પ્રગાઢ બનાવવા માટે બે ચરણો: બુદ્ધિરહિત શક્તિવિકલ. બુદ્ધિરહિતતા એટલે શ્રદ્ધા. શક્તિવિકલતા એટલે અસહાય દશા. શ્રદ્ધા અને અસહાય દશા – આ બે તમારી પાસે હોય, તો નમસ્કાર ભાવની ધારામાં જવું તમારા માટે સરળ છે.
કોઈ સામાન્ય વિષયમાં કોઈ સામાન્ય વ્યક્તિની વાતને સ્વીકારવી, તે વિશ્વાસ. આપ્તપુરુષો (મહાપુરુષો) ના શબ્દો પર વિશ્વાસ રાખવો, તે આસ્થા. અને એમણે જે શબ્દો આપ્યાં, એના ઉપર આપણી સામાન્ય અનુભૂતિ થાય, તે શ્રદ્ધા.
આત્મતત્ત્વની શ્રદ્ધા એટલે આંશિકરૂપે પણ આત્મતત્ત્વની અનુભૂતિ. “હું એટલે આનંદઘન આત્મા” – આ વાત માત્ર બોલવા કે વિચારવા સુધી આવી? કે ખરેખર અનુભવ માં આવી?
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૩
પહેલા અઢારિયાવાળાને નમસ્કાર મંત્રની દીક્ષા મળશે. એ દીક્ષાની પૂર્વે નમસ્કારભાવ તમારી ભીતર ઘૂંટાઈ જવો જોઈએ. અહંકાર શિથિલ બને. નમસ્કારભાવ પ્રદાન બને એના માટે પૂજ્યપાદ પદ્મવિજય મહારાજ સાહેબે બે ચરણોની વાત કરી: શ્રદ્ધા અને અસહાયદશા. બહુ પ્યારી એમની નવપદ પૂજાની કડી છે ‘અરિહંત પ્રભુના ગુણોને ગાવા માટે સજ્જ બન્યા છે પદ્મવિજય મહારાજ સાહેબ”. પણ એ વખતે એ પોતાની અશક્તિને પ્રદર્શિત કરે છે. “જિનગુણ અનંત અનંત છે વાચક્રમ મિતદીહ, બુદ્ધિ રહિત શક્તિ વિકળ કેમ કહું એકણ જીહ”. જિનગુણ અનંત અનંત છે. પ્રભુના ગુણો અનંતા પણ એ ગુણોને વર્ણવવા માટે કેટલી બધી અશક્તિઓ મારી પાસે છે. પહેલી અશક્તિ વાચક્રમ. શબ્દોને ક્રમ છે. એક પછી એક શબ્દ નીકળે છે. એક સાથે સેંકડો-હજારો શબ્દો લખી શકાતા નથી કે બોલી શકાતા નથી.“વાચક્રમ મિતદીહ”. મારું આયુષ્ય નાનકડું છે. બુદ્ધિ રહિત-શક્તિ વિકળ. હું બુદ્ધિ વગરનો, શક્તિ વગરનો. “કીમ કહું એકણ જીહ”. એક જીહવા દ્વારા, એક જીભ દ્વારા પ્રભુના આ ગુણોનું આ વર્ણન હું શી રીતે કરું? તો સાધનાના સ્તર ઉપર બેસજ્જતા સાધકની આવી.. સાધક બુદ્ધિ રહિત અને શક્તિ વિકલ જોઈએ. બુદ્ધિ રહિત એટલે બુદ્ધિ પરની આસ્થાથી જે પર હોય છે એટલે કે શ્રદ્ધાની દુનિયામાં જેનો પ્રવેશ થયેલો છે. એક શ્રદ્ધા અને બીજી ભક્તની અસહાયદશા. શક્તિ વિકલ. પ્રભુ સાધના માર્ગમાં એક ઇંચ કે એક સેન્ટિમીટર ચાલવું એ પણ મારા વશની વાત નથી. તું ચલાવે તો હું ચાલુ, તું ગતિ સાધનામાર્ગમાં મારી ગતિ પ્રભુ તું જ છે, તો બુદ્ધિ રહિતતા એટલે શ્રદ્ધા. શક્તિ વિકલતા એટલે અસહાયદશા. આ બે તમારી પાસે હોય તો નમસ્કારભાવની ધારામાં જવું તમારા માટે સહેલું છે. પહેલું શ્રદ્ધા. આ બાજુ બુદ્ધિ. આ બાજુ શ્રદ્ધા. બુદ્ધિ દ્વારા તમે શું કરી શકો? પ્રયાસ કરી શકો. શ્રદ્ધા તમારી પાસે આવે ત્યારે પ્રભુનો પ્રસાદ તમારા ઉપર ઉતરે. આપડે નાનકડા, વેતીયા માણસો. આપડો પ્રયાસ કેટલો રહેવાનો? આપડે નાના આપડો પ્રયાસ, એથી પણ નાનો રહેવાનો. અનંત જન્મોની અંદર પ્રયાસો કર્યા પણ કશી જ ઉપલબ્ધિ ન થઈ. ઉપલબ્ધિ આધ્યાત્મિક જગતની માત્ર અને માત્ર પ્રસાદથી જ થાય.
અજીતસેન અજીતશાંતિની રચના નંદિષેણ મુનિએ કરી. કથા જાણીતી છે. નવ ટૂંકમાં નંદિષેણ મુનિ ગયા, એક બાજુ અજિતનાથ પ્રભુનુ દેરાસર સામે શાંતિનાથ પ્રભુનું દેરાસર. એક જગ્યાએ ભક્તિ કરવા તમે જાવ સામી બાજુ આશાતનાનું પાપ લાગે. ભક્ત હૃદય કકળી ઉઠ્યું. નંદિષેણ મુનિ બંને મંદિરોના ચોકની વચ્ચે બેસી ગયા અને એમણે પ્રભુને કહ્યું કે પ્રભુ મારી કોઈ શક્તિ નથી. સાધનામાર્ગમાં એક સાવરણીની સળી ભાગી શકું એટલી શક્તિ પણ મારી નથી પણ તારી શક્તિનો કોઈ પાર નથી, તો હું ઈચ્છું છું કે તારી અપાર શક્તિથી આમને-સામને રહેલા મંદિરો આજુ-બાજુ આવી જાય, એમને ખ્યાલ હતો કે મારા પ્રયાસથી કશું જ થવાનું નથી. પ્રસાદથી જ આ કામ થશે. એ જ પ્રભુની કૃપા એવી ઉતરી એક ક્ષણની અંદર આમને-સામને રહેલા મંદિરો આજુ-બાજુમાં આવી ગયા.
વિનોબાજી “વિષ્ણુ સહસ્ત્ર” નામને રટી રહ્યા હતા. સ્વાધ્યાય કરતા હતા. એમનો સ્વાધ્યાય પૂરો થયો ત્યારે એક ભક્તે પૂછ્યું વિનોબાજીને કે તમે નવું “વિષ્ણુ સહસ્ત્રનામ” બનાવો તો એ કેવું બને? વિનોબાજીએ કહ્યું કે સામાન્ય બુદ્ધિથી આપડે એમ માની શકીએ કે સારું બની શકે’. પ્રાચીનનો અનુભવ, નવો ઉન્મેષ એ બે ભેગું થાય, એટલે રચના સારી થાય, એવું આપડે સામાન્ય બુદ્ધિથી માની શકીએ, પણ હું ક્યારેય પણ નવું વિષ્ણુ સહસ્ત્ર નામ બનાવીશ નહીં. ભક્તે પૂછ્યું કે કેમ ન બનાવો? જો સારું બની શકે એમ હોય તો શા માટે ન બનાવો? ત્યારે વિનોબાજીએ કહ્યું કે પ્રયાસથી ક્યારેય પણ આવા સૂત્રો બની શકતા નથી. પ્રાચીનનો અનુભવ મારી પાસે છે. નવો બૌદ્ધિક ઉન્મેષ મારી પાસે છે પણ મારા પ્રયાસથી આ સૂત્ર બની શકે નહીં એ માત્ર પ્રસાદથી જ બની શકે.
શંકરાચાર્યજી ઉપર પ્રભુનો પ્રસાદ વરસેલો. સંપૂર્ણ એ ભક્તદશામા આવેલા એમનું કર્તૃત્વ બિલકુલ ઢળી પડેલું અને એ ક્ષણોમાં રચના થઈ છે. તો હું ક્યારેય પણ આવો પ્રયાસ નહીં કરું. આપણને જે પ્રાચીન સૂત્રો મળ્યા છે, એ બધા જ પ્રસાદની ધારામાં આવેલા છે, એનો સ્વાધ્યાય પણ તમારે પ્રસાદની ધારામાં જઈને કરવો જોઈએ. સાધનામાર્ગમાં બુદ્ધિનું કોઈ કામ નથી. શંકરાચાર્યજીએ કહ્યું “તર્ક હો અપ્રતિષ્ઠિતમ્” સાધનામાર્ગમાં તર્કનુ કોઈ મૂલ્યાંકન નથી. બુદ્ધિની શું વાત? બુદ્ધિથી પૈસા મળે. પ્રભુ મળે? પ્રભુ તો શ્રદ્ધાથી જ મળે. પ્રસાદીની ધારામાં જ મળે.
સિકંદર ગુરુ ડાયોજીનીસનો ભક્ત હતો. સવારે ઊઠે, સૌથી પહેલું કામ ગુરુના ચરણોમાં વંદન કરવાનું. એકવાર આશ્રમમાં ગયો, ગુરુ નથી, પૂછ્યું ગુરુદેવ ક્યાં છે? ક્યાં ગયા? કહેવામાં આવ્યું કે ગુરુદેવ પરોઢિયે સાડા ચાર વાગે ધ્યાન માટે સમુદ્ર કિનારે ગયા છે. સિકંદરે એ બાજુ જાય છે. એકવાત નક્કી હતી કે સવારના પહોરમાં ગુરુને વંદના કરવાની અને પછી જ કોઈપણ કાર્ય કરવાનું. ખ્યાલ હતો એણે કે સદ્દગુરુએ મને શું આપ્યું છે?
સદ્દગુરુ તમને શું આપે? પ્રભુ આપે. કોઈપણ સદ્દગુરુ પાસે જાવ, તમે કહો સાહેબ, પ્રભુ ક્યારે મળશે? સદ્દગુરુ કહી દે લે આ પ્રભુ તને આપી દઉં. Are you ready? અમે લોકો પ્રભુને આપવા તમને તૈયાર! તમે તૈયાર છો? બસ, આ બે સજ્જતાને ઉભારો. બુદ્ધિરહિત શક્તિ વિકલ. માત્ર શ્રદ્ધા, માત્ર અસહાયદશા. પ્રભુ હું કશું જ કરી શકું નહીં જે પણ કરે છે એ તું કરે છે.
દીક્ષા કોણે આપી? ક્યારેય કહેતા નહીં કે દીક્ષા મળતી ન હતી. છ વિગઈનો મેં ત્યાગ કર્યો, સગા-વ્હાલા સહેજ ઢીલા પડ્યા અને અનુમતિ મળી. આવું ક્યારેય કહેતા નહીં. તમારા પ્રયાસથી આ શ્રામણ્ય મળી શકે? દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવનપદ્ધતિ એ પ્રયાસથી ક્યારે મળી શકે? પ્રસાદથી જ મળી શકે. તમારી શ્રદ્ધા અને એ શ્રદ્ધા ઉપર પ્રભુનો પ્રસાદ વરસ્યો. દીક્ષા કોણે આપી? પ્રભુએ આપી.
મારા દાદા ગુરુદેવ ભદ્રસુરિદાદા. હું બાલ મુનિ હતો. તેર-ચૌદ વર્ષનો. મેં દાદાને પૂછેલું કે દાદા આપની દીક્ષા શી રીતે થઇ? તો મને કહે કે દીકરા મને પ્રભુએ દીક્ષા આપેલી. હું ચૌદ વર્ષનો દીકરો. વિચારમાં પડી ગયો હું. ગુરુ દીક્ષા આપે, ગુરુ રજોહરણ આપે, પ્રભુ ક્યાંથી આપે? મે પૂછ્યું કે દાદા શું થયેલું? તો મને કહે કે રાધનપુરમાં હું રહેતો, લગ્ન પણ થઈ ગયેલા. ૨૮ વર્ષની વય. રોજની જેમ મધ્યાહને ચિંતામણી દાદાની પૂજા માટે હું ગયો. ફૂલ મારા હાથમાં હતું, પુષ્પ પૂજા મારે કરવાની હતી, અચાનક એક વિચાર મારા મનમાં આવ્યો, અને એ વિચારને પ્રાર્થનાના રૂપમાં પ્રભુની સમક્ષ મેં મૂક્યો, કે પ્રભુ એકેન્દ્રીય એવું આ ફૂલ એણે તું તારા ચરણોમાં સ્વીકારી લઇશ, પંચેન્દ્રિય એવો હું મને તું સ્વીકારે કે ન સ્વીકારે? એ જ ક્ષણે દાદાના મુગટમાં એક ફૂલ હતું ફિટ થયેલું, નીકળે નહીં એવું, નીકળી ગયું અને ગુરુદેવના હાથમાં પડ્યું. ગુરુદેવ સમજી ગયા કે પ્રભુ મારો સ્વીકાર કરે છે. પ્રભુ મારો સ્વીકાર કરતા હોય તો આજે જ દીક્ષા થવી જોઈએ, પણ બીજી બાજુ લાગે છે કે સંબંધીઓની રજા મળવી મુશ્કેલ છે. પ્રભુએ જ વિચાર આપ્યો અને ત્યાં ને ત્યાં એમને પ્રતિજ્ઞા લીધી કે દીક્ષાનું મુહર્ત ન નીકળે ત્યાં સુધી ઘઉં, ચોખા, ઘી, ગોળ આ બધાનો ત્યાગ. ઘરે ગયા સાડાબાર વાગે, કપડાં બદલ્યા. કહેવામાં આવ્યું ચાલો જમવા. પાટલે બેઠા. ઘઉંની રોટલી આવી. ઘી થી લથબથથી. મારે ઘઉંનો ત્યાગ છે. દીક્ષાનું મુહર્ત ન નીકળે ત્યાં સુધી ઘઉંનો ત્યાગ છે. બાજરીનો રોટલો બનાવવામાં આવ્યો, કેમ કે ભાત પણ ચાલે એમ નથી. લુખ્ખો બાજરીનો રોટલો દાળ સાથે ખાઈ લીધો. મહિનો, બે મહિના થયા. ઘરવાળા કંટાળી ગયા કે તારે આવું જ કરવું હોય તો એના કરતાં દીક્ષા લઈ લે અને દીક્ષા થઈ ગઈ.
એ વખતે મને દાદા ગુરુએ પૂછ્યું કે ‘તે લલિત વિસ્તરા વાંચેલું છે એની પંજીકામાં શું આવે છે ‘એગોબી શુભ ભાવ, તીર્થકર પ્રદત્ત એવ.’ એક પણ સારો ભાવ, એક પણ સારો વિચાર તમને આવે તો એ પ્રભુએ આપેલો છે.
તો રોજ પુષ્પ પૂજા હું કરતો ક્યારે પણ ભાવ નહીં આવેલો એ દિવસે ભાવ આવ્યો એ પ્રભુએ આપ્યો અને એના કારણે દીક્ષા થઈ એટલે પ્રભુએ મને દીક્ષા આપી, તો બહુ સરસ આ વાત એકપણ સરસ વિચાર તમને આવે, એક પણ સરસ ભાવ તમને આવે, કોણે આપ્યો? તમે. ટેલિવિઝનનું setup બોક્સ હોય એ પ્રોગ્રામ really કરે પણ create કરતું નથી. એ creation ક્યાં થાય પ્રોગ્રામોનું? ટીવી સ્ટેશનોમાં. એ નાનકડા બોક્સની અંદર કોઈ પ્રોગ્રામો create થતા નથી, એમ સારા વિચારો તમને જે આવે છે એનું કારણ શું? પ્રભુએ આપેલા આ ભાવો એને કોઈ મહાપુરુષે ઝીલ્યા અને એ મહાપુરુષે એ ભાવોને છોડ્યા. એ વિચારના આંદોલનો જે એમને છોડેલા એ તમારી પાસે આવ્યા. તમે ન્યુટ્રલ હતા, શાંત હતા. તમે એ આંદોલનોને પકડી લીધા. આંદોલનો કોના? એ મહાપુરુષના, અને તમે એના ઉપર મારી ખ્યાતિ છાપ મારો મને આ વિચાર આવ્યો. સારા વિચારો તમારા છે જ નહીં. આ તો એક રાખ ને ધૂળ જેવો વિચાર આવ્યો હોય તો હતર જણાને કહેતો હોત. મને આવો વિચાર આવ્યો અરે! તેં એને ખાલી ઝડપ્યો છે, ઝીલ્યો છે તે વિચારને create નથી કર્યો. એ વિચારનું creation મૂળ પ્રભુ ધ્વારા થયું. અત્યારે એક મહાપુરુષે એ ભાવોને ઝીલ્યા ઝીલીને છોડ્યા અને એ વિચારોના આંદોલનોને તારી પાસે આવ્યા, તો આંદોલનોને create કરનારા આપડે કે આંદોલનોને જ ઝીલનારા આપડે? તો એકપણ સારો વિચાર, એકપણ સારો ભાવ પ્રભુએ આપ્યો.
ઉપધાન કરવા આવવાનો વિચાર કોણે આપ્યો? પ્રભુએ આપ્યો અને એ પછી એ વિચારને આધારે જે કાર્ય થયું એમાં પણ તમે નિમિત્ત અને પ્રભુ જે છે તે કર્તા છે. કારણ એ વિચારને આધારે એ વિચાર સઘન બનવાને કારણે કાર્ય થયું. “સુની રે મૈંને પ્રભુ આવન કી આવાજ” એને કાંઈ બીજું સંભળાતું જ ન હતું. તમને સંભળાય? આજુ-બાજુવાળા વાતો કરતા હોય એનો અવાજ સંભળાય? એ સંભળાતો હોય તો પ્રભુનો પગરવ પછી સંભળાય નહીં. બે સાથે ન બને. બહાર ભી પગ રાખવો અને અંદર બી પગ રાખવો. બેવ સાથે ન બને. યા તો બહાર જાવ યા તો અંદર જાવ.
તો આ મળ્યું ત્યારે શું થયેલું? કેમ નાચ્યા હતા? ‘હું’નું વિસર્જન થયું માટે નાચ્યા હતા. અનંતકાળથી જે ‘હું’ અસ્તિત્વના કેન્દ્રમાં બેસી ગયેલ સદ્દગુરુની પ્રસાદી અને સદ્દગુરુ પણ પોતાના હાથથી ક્યાં આપે છે. સદ્દગુરુ પાસે પોતાનો હાથ હોતો નથી એમનું પોતાનું કર્તૃત્વ હોતું નથી.
હું ઘણીવાર કહું કે યશોવિજય વાસક્ષેપ આપે તો કંઈ જ કામ નહીં થાય એ ખાલી ચંદનની ભૂકી જ ખરે કે કપૂરની ભૂકી જ ખરે. યશોવિજય હાજર હોય, યશોવિજય ન હોય અને પ્રભુ આપે તો energy જ energy. Energy પ્રભુ દ્વારા મળે, સદ્દગુરુ દ્વારા મળે. મારા દ્વારા નહીં. એટલે હું totally vacant બની ગયેલો હોઉં (બિલકુલ ખાલી બની ગયેલો હોવ) અહં શૂન્ય બનેલો હોઉં તો જ પ્રભુની શક્તિ મારા માટે કામ કરી શકે.
એટલે આ રજોહરણ જ્યારે મળ્યું એ વખતે નાચ્યા હતા? એટલા માટે કે અગણિત જન્મોમાં જે ઘટના નહતી ઘટી એ ઘટના આજે ઘટી છે કે પ્રભુ કેન્દ્રમાં આવી ગયા. કેવી રીતે જીવવાનું? કેવી રીતે ખાવાનું? કેવી રીતે પીવાનું?
પચાસ વર્ષનો કોઈ ભાઈ હોય અને દીક્ષા લે. પછી દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ ચાલતો હોય. ‘કહં ચરે? કહં ચિટઠે?, કહં માસે, કહં સએ” અને એનો અર્થ કરતા હોય. કેવી રીતે ચાલવું ગુરુદેવ, કેવી રીતે બેસવું? કોઈ ભાઈ હોય તો વિચારમા પડી જાય. આ પચાસ વર્ષે દીક્ષા લીધી છે અને પૂછે છે કે કેમ ચાલવું? અરે ભાઈ બે પગથી ચાલવાનું, કઈ રીતે ખાવું? હાથનો કોળિયો મોઢામાં ઠાલવો એટલે ખાઈ લેવું પણ છેલ્લે પ્રશ્નનો ઉદ્દેશ ખ્યાલમાં આવે ‘પાવં કંમ્મં ન બન્ધઈ?’ કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે સુઈ જવું. કે પ્રભુની આજ્ઞાનું પાલન બરોબર થાય. આજ્ઞાને જ ખાવાની છે, આજ્ઞાને જ પીવાની છે. “આણા હી હોવીસ પરમ મંતો” મોહના ઝેર માટે પરમમંત્ર કોઈ હોય તો પ્રભુની આજ્ઞા છે.
તો હવે એક ક્ષણે કદાચ ‘હું’ નીકળી ગયું કેન્દ્રમાંથી પાછું આવી ગયું છે ને આમ કેન્દ્રમાં. ‘હું’ બધાના કેન્દ્રમાં છે ને? હું આમ કરું, મે આમ કર્યું. એ વ્યવહારની ભાષામાં બોલો ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ કર્તૃત્વની ભાષામાં તમે બોલો કે મેં આમ કર્યું, મે આમ કર્યું તો વાંધો છે. ગુરુ કહે તો કરવાનું, ગુરુ ના પાડે નહીં કરવાનું. તમારું કર્તૃત્વ કેમ આવે છે?
ગુરુની નાનકડી વાત આવે છે. બેઠેલા, એક ભક્ત આવ્યો. ગુરુદેવ કાંઈ કામકાજ? કે આ પેલી જગ્યા છે ત્યાં એક ધ્યાન માટે કુટીર બનાવવી છે. ગુરુની આજ્ઞા. માટી લાવ્યો, પાણી લાવ્યો, ઈંટ લાવ્યો ધોમધખતા તડકામાં બપોરનું જમ્યો પણ નહીં. દસ વાગ્યાથી મંડી પડ્યો સાંજના છ વાગ્યા સુધી. ભીંત સુધી. ભીંત જમીન એટલે ખભા સુધી આવી ગઈ, પછી ગુરૂ પાસે આવ્યો સાહેબ આટલી ભીંત ચણાઈ છે. બીજો એક ભક્ત બેઠેલો એ કે સાહેબ કામકાજ? કે હા. પેલી ભીંત છે ને ઉડાવી દે. આને શું થાય? એણે ગુરુને સોપી દીધું. હવે શું?
કોઈપણ કાર્ય કર્યા પછી ગુરુને નિવેદન કરવાનું એનું કારણ શું? કે એ કાર્ય પરનું કર્તુત્વ તમારું ગયું. કલ્પસૂત્રમાં સાંભળો “હરિનૈગમેષી ગર્ભ પરાવર્તન કર્યું પણ એ કાર્ય કર્યા પછી પોતાના દેવલોકમાં જતા નથી. ઇન્દ્ર મહારાજ પાસે આવ્યા હાથ જોડીને કહ્યું કે આપે કહેલું કાર્ય પૂરું થયું છે. એનો મતલબ એ કે એ કાર્ય પરથી મારો અધિકાર ઉઠી ગયો.
તમે કોઈને લાખ રૂપિયા આપ્યા. પછી એ લાખનું શું કરવું એ જાણે. એ તમે હિસાબ માંગવા જાવ મેં તને લાખ રૂપિયા આપ્યા હતા presentમાં કે giftમાં એનું શું કર્યું બોલ? પણ આ બહુ મુશ્કેલ છે.
મેં એક વાચનામાં કહેલું કે હું એક શિષ્યને કહું આ એક પુસ્તક જરા લઈ આવજે ને. એનો ખ્યાલ આવે કે ગુરુજીને કોઈ reference માટે જોઈતું હશે. લખતા હશે ને કઈ reference જોવો હશે. એ libraryમાં જાય અને પુસ્તકો આડા-અવળા હોય register પ્રમાણે પુસ્તકો મળતા ન હોય. એક કલાક મહેનત કરીને એ પુસ્તક લઈને આવે મારા ટેબલ ઉપર મૂકે. હું એને ઉથલાવું પણ નહીં જોવું પણ નહીં. બીજો એક શિષ્ય આવ્યો. સાહેબ કઈ કામકાજ? હા ભાઈ આને ઉપર મૂકી આવ. તો પેલા શિષ્યને શું થાય? શું કરવા મંગાવ્યું? આ કર્તૃત્વ રહેલું છે.
એટલે બે વાત કહે છે: “બુદ્ધિ રહિત શક્તિ વિકલ”. શ્રદ્ધા હોય અને અસહાયદશા હોય તો જ તમે નમસ્કારભાવને પ્રાપ્ત કરી શકો. શ્રદ્ધા છે ને બહુ જ દુર્લભ છે. શ્રદ્ધા ‘પરમ દુલ્લહા’ કહ્યું. ત્રણ ચરણો છે: વિશ્વાસ, આસ્થા અને શ્રદ્ધા.
રસ્તા ઉપર આપડે ચાલતા હોઈએ. કાચો રસ્તો છે: બે રસ્તા ફાટયા. તો એ વખતે કયા રસ્તે મારે જવું? મેં ભલે સેંકડો પુસ્તકો વાંચ્યા હોય પણ એ વખતે કામ નહીં આવે. બાજુના ખેતરમાં હળ હાંકતા ખેડૂતને મારે પૂછવું પડે કે ભઈલા મારે આ ગામ જવું છે. ડાબા માર્ગે જવું કે જમણા માર્ગે જવું? એ કહે મહારાજ ડાબા રસ્તે જાવ તો તમને મળી જશે. મળી જાય. આ વિશ્વાસ.
સામાન્ય કોઈપણ માણસ ઉપર અમુક બાબત પરત્વે આપડે વિશ્વાસ રાખીએ એનું નામ વિશ્વાસ. આપડા જે આપ્ત પુરુષો છે (મહાપુરુષો) ઉમાસ્વાતી ભગવાન, હેમચંદ્રાચાર્ય, હરીભદ્રાચાર્ય એમના શબ્દો ઉપર આપડે વિશ્વાસ રાખીએ. એ છે આસ્થા અને એમણે જે શબ્દો આપ્યા એના ઉપર આપડી સામાન્ય અનુભૂતિ થાય ત્યારે એ શ્રદ્ધા કહેવાય છે અને એટલે જ શ્રદ્ધા એટલે અનુભૂતિ. આત્મતત્વની શ્રદ્ધા એટલે શું? આંશિકરૂપે પણ આત્મતત્વની અનુભૂતિ તમને થવી જોઈએ કારણકે આત્મતત્વનું જ્ઞાન તો અભવીના આત્માને પણ છે એ અભવીનો આત્મા હોય, વિદ્વાન હોય, નવ પૂર્વનો જ્ઞાતા હોય અને એ આત્મતત્વની વાત કરે ને અમારા જેવા માણસો હાલી જાય. આટલી ઊંડી વાતો આત્મતત્વની પણ એ કોરો ધાકડ હોય આ મૂર્ખાઓ છે બધા આત્મા-આત્મા કરે છે ઠીક છે આપણે લોલીપોપ આપી દેવાની. તો આત્મતત્વનું શાબ્દિક જ્ઞાન એની પાસે છે પણ આત્મતત્વની અનુભૂતિ એની પાસે નથી.
‘હું’ એટલે શરીર. એ અનુભૂતિ તમારી અનંતા જન્મોથી હતી. હવે કઈ અનુભૂતિ છે, ‘હું’ એટલે આત્મા. પણ એ બોલવામાં, વિચારવામાં કે ખરેખર અનુભવો. ‘હું’ એટલે આત્મા. ‘હું’ આનંદઘન આત્મા છું. આ વાત બોલવા સુધી આવી, વિચારવા સુધી આવી કે અનુભૂતિ સુધી આવી? યાદ રાખો અગણિત એવા જન્મો પછી આ જન્મ મળ્યો છે જ્યાં આપડે પ્રભુના વચનોની અનુભૂતિ કરી શકીએ એમ છે અને એ અનુભૂતિ આ જન્મમાં નહીં થાય તો ક્યારે થશે? આટલા સરસ યોગો મળ્યા, પ્રભુની સાધના મળી, પ્રભુનુ શાસન મળ્યું, પ્રભુનું શ્રામણ્ય મળી ગયું, સદ્દગુરુઓનો યોગ મળ્યો. આટલું બધું મળ્યા પછી પણ જો પ્રભુના વચનો માત્ર શબ્દો સુધી રહી ગયા, માત્ર વિચાર સુધી રહી ગયા તો શું થશે? પછી વિચાર થાય ઊંડેથી વિચાર થાય તો શા માટે? કે પ્રવચનમાં આપડે આ રીતે એને develop કરીશું તો એ અજ્ઞાન તમારા માટે, તમારા માટે એ જ્ઞાન નથી. તમારા માટે એ જ્ઞાન ક્યારે? તમારા ઉપયોગમાં આવે ત્યારે.
ઉપવાસ છે ને ગોચરી ઘણી આવી તમારા માટે નકામી છે એમ આત્મતત્વ માટે બધા ઉપવાસી છો ને? કે ગમે એટલી વાતો સરસ ચાલતી હોય, વાતો ને વાતો સુધી જ રાખશું અનુભૂતિમાં નહીં લઈ જઈએ.
તો પદ્મવિજય મહારાજ બહુ સરસ રીતે ચર્ચા કરી રહ્યા છે. “બુદ્ધિ રહિત શક્તિ વિકલ”. મારી ઈચ્છા છે કે આવતીકાલે તમને બનાવી દઉં અને દીક્ષા આપી દઉં. બરાબર!
