વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : રહત વિકાર સ્વરૂપ નિહારી
આજની બે સાધના: એક, આસક્તિ તૂટે, તો બહુ સરસ; ન તૂટે, તો આસક્તિને જોવી. બીજું, અહંકાર ઓછો કરવો છે એની સભાનતા મનમાં રાખવી.
જો તમે આસક્તિને જોઈ શકો છો, તો આસક્તિ દ્રશ્ય છે અને તમે દ્રષ્ટા છો. અને આ જે જોવાનું થઇ રહ્યું છે, તે જ દ્રષ્ટાભાવ; તે જ તમારો પોતાનો દર્શન ગુણ.
અહોભાવના લયના હું ની મદદથી અહંકારના લયના હું ને તોડવું છે. અહોભાવથી ભીના ભીના મનમાં અહંકારની કઠોરતા કેવી રીતે પ્રવેશી શકે?!
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૭
સાધકને એની સાધના નાનકડી લાગે. કારણ? સાધના પ્રભુ કર્તૃત છે, સદગુરુ કર્તૃત છે. સદગુરુ Appropriate સાધના આપે, સદગુરુ સાધનાને ઘુંટવાની ટેક્નિક બતાવે, સદગુરુ એ સાધના માટેનું Appropriate Atmosphere (યોગ્ય વાતાવરણ) આપે, અને એ સાધનામાં કોઈ અવરોધ આવે તો એ અવરોધને સદગુરુ હટાવે. સદગુરુ સાધના તો આપે જ. આપ્યા પછી ડગલેને પગલે એ તમારી સાથે હોય છે. તમને સાધનાને ઘૂંટવાની રીતો બતાવે. પણ બતાવ્યા પછી સદગુરુ બેસી જતા નથી. એ સતત તમને જોયા કરે છે અને એ રીત દ્વારા તમારી સાધના કેટલી ઊંચકાય છે એ જોતા રહે છે.
અમે લોકો ગુરુદેવ અરવિંદસૂરી દાદાની નિશ્રામાં આબુ-દેલવાડા હતા. ભક્તિ માટે થોડા દિવસો રહેલા. એમાં એક સમાચાર મળ્યા કે માઉન્ટ આબુમાં એક બંગલામાં એક જૈન સાધક વર્ષોથી એકાંતમાં સાધનાને ઘૂંટી રહ્યા છે. સદગુરુએ એ રીતે સાધનાને ઘૂંટવાનું કહેલું હશે. મને થયું કે મારે એ સાધકને મળવું જોઈએ. એક સવારે પ્રભુની ભક્તિ કરી, નવકારશી વાપરી, હું, ભાગ્યેશવિજયસૂરી, ધુરંધરવિજયજી બધા માઉન્ટ આબુ તરફ ચાલ્યા. એ બંગલા પાસે આવ્યા. એક જ વોચમેન બહાર હતો. બીજું કોઈ બંગલામાં નહીં, માત્ર એ સાધક! વોચમેનને પૂછ્યું, કે અમારે સાધકને મળવું છે, તો કઈ રીતે મળાશે? એણે કહ્યું કે તમે શા માટે મળવા માંગો છો એ આ કાગળની સ્લીપ પર લખીને આપો. હું એમના રૂમના બારણાની નીચેથી એ સ્લીપ અંદર સરકાવી દઈશ. હવે જો એ ધ્યાનમાં નહીં હોય અને તમારી ચિઠ્ઠી વાંચશે, પછી એમને મળવા જેવું લાગશે તો એ દ્વાર ખોલશે. એ વોચમેને કહ્યું કે એ સાધક સવારે 1 લીટર દૂધ અને સાંજે 1 લીટર દૂધ! માત્ર દિવસ દરમિયાન બે લીટર દૂધ પીવે છે, અને થોડું પાણી. બાકી કશું જ નહીં! પણ ઘણીવાર સવારે થોડું દૂધ હું એમને આપવા માટે જાઉં, ગ્લાસ મારા હાથમાં જ છે પણ દ્વાર હોય બંધ! એ ધ્યાનમાં હોય તો બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક દ્વાર ખુલે જ નહીં! મારું દૂધ ગ્લાસમાં જ રહી જાય. મેં કહ્યું, અમે લોકો પૂરી તૈયારી સાથે આવ્યા છીએ. સાંજ સુધી રોકાવું પડે તો પણ અમને વાંધો નથી. અને આવતીકાલે ફરીથી આવવું પડે તોયે વાંધો નથી. સ્લીપમાં મેં લખ્યું, અમે શ્વેતાંબર જૈન સાધુ છીએ અને કોઈ જ ચર્ચા તમારી જોડે કરવી નથી. માત્ર તમારી સાધના કેવી રીતે ઉચકાઈ રહી છે એની વાતો જાણવી છે. સ્લીપ અંદર ગઈ. સદભાગ્યે એ ધ્યાનમાં નહોતા. એમણે સ્લીપ જોઈ તરત દ્વાર ખોલ્યા. અમે અંદર ગયા, બેઠા. દ્વાર ફરી બંધ થઈ ગયો. એમને સંપૂર્ણ મૌન હતું. ગુરુએ સંપૂર્ણ મૌન અને એકાંત એમને આપેલું હતું. અમે લોકો પૂછતા હતા મોઢેથી, એ સ્લેટમાં લખીને જવાબ આપતા હતા. છેલ્લે પૂછ્યું મેં के, आपने वर्षों तक साधना की, उपलब्धि क्या हुई? કેટલી એમની નમ્રતા! એમણે કહ્યું, अभी तक कुछ भी उपलब्ध नहीं हुआ है! अभी तक अनुभूति नहीं हुई है. लेकिन मुझे लगता है की अनुभूति की कगार पर हूं| अनुभूति की बिल्कुल नजदीक में हूं| और जब अनुभूति हो जाएगी, द्वार खुल जाएंगे, मैं बाहर आ जाऊंगा।
એકાંત-મૌન-સાધના! નિખાલસતા તો હતી જ. ચહેરા પર એક દિવ્ય દિપ્તિ પણ હતી. અને મેં પણ અનુમાન કર્યું કે અનુભૂતિની ખરેખર એ નજીક પહોંચી ગયા છે.
આપણા બધાના જીવનનો હેતુ એક જ છે, આપણે આપણી અનુભૂતિ કરવી છે. તમે તમને ન ઓળખો, ચાલે ખરું? એક બૌદ્ધ સાધુ રડતા હોય. કોકે પૂછ્યું કેમ રડો છો? ત્યારે એમણે કહ્યું કે સાંજે ભગવાન બુદ્ધ પાસે હું જઈશ,વંદના કરીશ એમના ચરણોમાં. કદાચ ભગવાન પૂછશે મને કે તું આનંદ જેવો વિરાગી સાધુ કેમ ન બન્યો? મુદગલાયન જેવો પરમ જ્ઞાની તું કેમ ના બન્યો? તો મારી પાસે જવાબ છે, હું કહીશ કે પ્રભુ તમે જેવો બનાવો એવો હું બનું. શિષ્ય એટલે ભીના માટીનો પીંડલો! ગુરુને જે આકાર આપવા હોય આપી શકે છે. પણ એ ભિક્ષુ કહે છે કે, કદાચ મને બુદ્ધ ભગવાન પૂછે કે તારું ચિત્ત સ્થિર કેમ નથી તો હું શું જવાબ આપીશ? કારણ, દીક્ષા વખતે મને પ્રભુએ થીરચિત્ત નામ આપેલું છે. વેદના એ હતી કે હું, હું ના હોઉં તો શું હોઉં? તમારી પણ એ વેદના થઈ જાય કે હું, હું ના હોઉં તો શું હોઉં?
હું એટલે શરીર નહિ. You Are Beyond The Body, You Are Beyond The Mind, You Are Beyond The Name! એનો અનુભવ કરવો છે. હું, હું ન હોઉં તો શું હોઉં?
હરિભદ્રસૂરી મહારાજ સાહેબે ષોડષકમાં આ વાત મજાથી લખી છે, नाम न्याश एव शक्ति पात: દીક્ષા વખતે તમને જે નવું નામ આપવામાં આવે – એ શક્તિપાત છે. સદગુરુનો એ શક્તિપાત ઝીલાઈગયો, બેડો પાર! ભલેને ક્રોધનો અવતાર હોય દુર્વાસા મુનિ જેવો! ગુરુ એની સજ્જતાને પારખી લે, દીક્ષા આપે, અને નામ આપે પ્રશમરતિવિજય! એની તાકાત છે કે ક્રોધ કરી શકે?
કરેમિ ભંતે એ પણ તમારા પર થયેલો શબ્દ શક્તિપાત છે. તમારા ઉપર પણ, આમના ઉપર પણ! શક્તિપાત ઝીલાઈ જાય તો તમે વિભાવમાં નહીં જાઓ એમ નહીં કહું, વિભાવમાં જઈ ન શકો.
તો હવે મૂળ વાત પર આવીએ. હું, હું ન હોઉં તો શું હોઉં? તો મારે મારા ‘હું’ને પ્રગટ કરવો છે. હું Nameless Experience છું. Bodyless Experience છું.Mindless Experience છું. તો મારે અનુભૂતિને પ્રગટ કરવી છે.
શ્રીપાળ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ ગુજરાતી ભાષામાં એક જ કડીમાં આત્માનુભૂતિ માટેની સાધના આપી છે. આમ જોવો તો અડધી કડીમાં જ. “આગમ નોઆગમ તણો ભાવ તે જાણો સાચો રે , આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે!” પૂર્વાર્ધમાં તો એટલું જ કહ્યું કે 45 આગમગ્રંથોમાં જે પ્રભુની આજ્ઞા રહેલી છે એનો નિચોડ અને પૂરી સાધના પરંપરાનો નિચોડ તમને આપ્યો છે. ઉત્તરાર્ધમાં અડધી કડીમાં એ નિચોડ આપ્યો છે: આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે! આત્મભાવમાં સ્થિર રહેવું છે, પરભાવમાં જવું નથી.
અનુભૂતિ માટેના 3 સ્તરો છે. There Are 3 Stages: શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ. બહુ સરળતાથી સમજાવું છું. પહેલું સ્તર શબ્દાનુપ્રેક્ષા. ઉતરાર્ધનો અર્થ શું થયો? આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં ન જવું. હવે અર્થાનુપ્રેક્ષા. અર્થાનુપ્રેક્ષા એ છે જે અનુભૂતિની પૂર્વભૂમિકા છે. જે અનુપ્રેક્ષા, જે વિચાર અનુભૂતિ તરફ તમને ન લઈ જાય એ વિચાર તમારે માટે નકામો છે. thinking એવું જ જોઈએ કે જે સીધું જ અનુભૂતિમાં પલટાય. ચા પીવી છે, રસ્તામાં છો, હોટલ ક્યાં હશે – જોતા જાવ છો. હોટલ આવી. બેસી ગયા અંદર! અનુપ્રેક્ષા કોરી કોરી ક્યારે પણ ન જોઈએ.
તો હવે અર્થાનુપ્રેક્ષા જાળવવી છે. કે ઉત્તરાર્ધમાં જે ચરણ આવ્યા: આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે! એમાં કારણ શું અને કાર્ય શું? તો પરભાવમાં ન જવું એ કારણ અને સ્વભાવમાં જવું એ કાર્ય. તમારું મન સતત પરભાવમાં ડૂબેલું હોય તો એ સ્વભાવમાં જશે શી રીતે? એટલે પરભાવમાં જતા મનને પહેલા રોકવું પડશે. પારિભાષિક શબ્દનો ઉપયોગ હમણાં નથી કરતો. તમારી ભાષામાં જ વાત કરું છું.
હવે વાત એ થઈ કે પરભાવમાં મન જાય છે ક્યાં? રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં- મન કેમ જાય છે? રસ છે! સારી વસ્તુ, Tasty વસ્તુ ખાધી; મજા આવે છે, આસક્તિ થાય છે. એ જે પરભાવનો રસ છે એ તમને સ્વભાવમાં જતા રોકે છે.
તો હવે પ્રશ્ન એ થાય છે કે પરભાવના રસને તોડવો છે. અહીંથી તમે જશો. નવકારશી બાકી છે. ગરમાગરમ મસાલાવાળી તમારા ટેસ્ટને અનુરૂપ ચા તમે પીશો. બની શકે કે તમે સાધક છો, છતાં એ ચા પીતા તમને આસક્તિ થશે. મજા આવે છે. આ આસક્તિને તોડવા માટે એક જ સાધના લાવવી છે અને એ છે દ્રષ્ટાભાવ! આસક્તિ થઈ રહી છે એ વાસ્તવિક ઘટના છે. પણ મને ચા પીતા રાગ થઈ રહ્યો છે એને જોવું એ દ્રષ્ટાભાવ! તો બે ક્રિયાઓ સાથે થશે. એક મન આસક્તિમાં ડૂબેલું છે. બીજું મન એ આસક્તિને જુએ છે. બરોબર? આવું બને? અનંત જન્મમાં આવું ન પણ થયું હોય. કારણ કે આપણે આસક્તિમાં ભળી જતા હતા. પણ આજે તમને ખ્યાલ છે જિનવાણી શ્રવણથી કે, રાગ-દ્વેષ દ્વારા કર્મ બંધ થાય છે. મારે રાગ-દ્વેષ કરવા નથી. આટલી સભાનતા હોવાને કારણે રાગ કરવો નથી. છતાં થાય છે તો તમને ખ્યાલ આવે છે, બરોબર? હવે તમને થાય કે આમાં કઈ મોટી વસ્તુ થઈ? બહુ મોટી વસ્તુ થઇ. શું થયું? આસક્તિ દ્રશ્ય બની, તમે દ્રષ્ટા બન્યા. આ દ્રશ્ય અને દ્રષ્ટા ક્યારેય એક હોઈ શકે? હું ટેબલને જોઉં છું. ખુરશીને જોઉં છું. હું દ્રષ્ટા છું. ટેબલ, ખુરશી દ્રશ્ય છે. તો હું અને ખુરશી-ટેબલ એક થવાના ક્યારેય? દ્રશ્ય અલગ રહેશે અને દ્રષ્ટા અલગ રહે. આ પ્રક્રિયાને ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાન કહેલું છે. સ્વરોદય વિજ્ઞાનમાં એમણે કહ્યું આપણી જ ભાષામાં: “રહતવિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય”.
રૂપસ્થ ધ્યાન એ ચિદાનંદજી મહારાજની ધ્યાન પ્રક્રિયામાં પહેલો પ્રકાર છે.
તો, એમણે રૂપસ્થ ધ્યાનની વ્યાખ્યા આપી. એટલી સરસ વ્યાખ્યા છે. સરસ એટલા માટે કહું છું કે સરળ છે. હજી પ્રભુનું દર્શન અઘરું પડે, પણ તમારી ભીતર ગુસ્સો ઉઠ્યો એને જોવાનું અઘરું ન પડે. તમારી અંદર આસક્તિ ઉઠી, તમે એને જોઈ શકો. તમારી અંદર અહંકાર ઉછળ્યો, તમે એને જોઈ શકો. અહંકારની તો વાત જ ન્યારી છે. તમે જો પ્રબુદ્ધ સાધક હોવ ને, તો આજે રાત્રે સુતા પહેલા આખા દિવસના વિચારોની ટેપને જરા જોઈ લો. દર અડધો-પોણો કલાકે ‘હું’ આવશે. મેં પેલાને આમ કહ્યું, પેલો Impress થઈ ગયો. મેં આમ કર્યું અને પેલો તો તાજુક થઈ ગયો. એ તો Impress થયો કે ન થયો, તું ઇમ્પ્રેસ થયો એમ બોલ.
તો, તમારી ભીતર જે વિકાર ઉઠે એને તમે જોઈ શકો? તો ચિદાનંદજી મહારાજ કહે છે, ‘રહતવિકાર સ્વરૂપ નિહારી’. તારી ભીતર જ્યારે-જ્યારે જે વિકાર ઉઠે એને તું જો. તો પૂછ્યું, જોવાથી શું થાય? ત્યારે એમણે કહ્યું કે આ જે જોવાનું જે છે, એ જ દ્રષ્ટા ભાવ અને એ જ દર્શનગુણ! ‘નિજ ગુણ અંશ લહે જબ કોઈ’. ધ્યાન, દર્શન અને આનંદ એ આપણા ગુણો છે. એ દર્શન ગુણનો સ્પર્શ દ્રષ્ટાભાવ રૂપે તમને થાય છે.
તો, કેટલી મજાની વાત! કેટલી સરળ વાત! રાગને જુવો, રાગ બંધ થઈ જશે. તમારા અહંકારને પણ ખાલી જુઓ. એકવાર મેં કહેલું, ‘હું’ના ત્રણ રૂપ છે: એક અહંકારના લયનો ‘ હું’, બીજુ અહોભાવના લયનો ‘ હું’ અને ત્રીજુ શુદ્ધ લયનો ‘ હું’. આપણને તો પ્રભુએ એવું મજાનું વરદાન આપ્યું છે કે જન્મતાની સાથે અહોભાવનું વાતાવરણ આપ્યું છે. હું પ્રવચન સભામાં બેસું છું ને એનું મહત્વનું કારણ એક જ છે, તમારી આંખોમાં રહેલી શ્રદ્ધાને, અહોભાવને મારે જોવા હોય છે. આમ મારા પાટ પર હું બેઠેલો હોઉં, બે-ચાર ભક્તો આવે. એમની આંખોમાં રહેલા અહોભાવને હું જોઉં. અત્યારે એકસાથે સેંકડો આંખોમાં રહેલ શ્રદ્ધાને, અહોભાવને હું જોઈ શકું છું.
એક વાત હમણાં હું વારંવાર કહું છું કે તમારો અહોભાવ, શ્રાવક-શ્રાવિકા વર્ગનો અહોભાવ શિખરાનુભૂતિએ પહોંચે છે. Peak Experience પર, શું તમારો અહોભાવ છે!
સુરત પાલમાં મારી વાચના ચાલતી હતી. એકવાર મેં વાંચનામાં મુનિવરોને પૂછ્યું, કે તમે વહોરવા જાઓ ત્યારે તમારી Feelings શું હોય છે? એ વખતે એક મુનિરાજે કહ્યું, કે સાહેબ એ માતાઓનો, એ બહેનોનો, એ ભાઈઓનો જે ભાવ હોય છે વહોરાવવાનો; એટલો તો અદભુત હોય છે કે અમારી આંખો ભીંજાય છે. તમારો અહોભાવ અમને ભીંજવી દે છે.
અને એક બીજી મજાની વાત કરું, હું નાનો હતો ને ત્યારે ગોચરી નિયામક હતો. એટલે કયા મુનિએ કેટલી ગોચરી લાવવી, ક્યાં જવું બધું હું નક્કી કરતો. ભક્તિ સભર ગામો જ્યાં હોય ત્યાં ગોચરી વધી પડતી. પાછળથી નોંધ લઉં તો સૂચના પ્રમાણે જ બધા લાવેલા હોય, ત્યારે હું વિચારમાં પડતો કે સૂચના પ્રમાણે બધા લાવેલા છે, તો ગોચરી વધે કેમ? પછી ખ્યાલ આવ્યો કે રોટલી અને દાળનું વજન તો કરેલું પણ તમારા અહોભાવનું વજન ક્યાં કરેલું? એ તમારો જે અહોભાવ છે, મૂલ્યવાન છે! ખરેખર, એક અહોભાવ દ્વારા, તમે મોક્ષ સુધી પહોંચી શકો છો! અને એટલે જ વારંવાર કહું છું 99% Grace, 1% Effort. આ એક પ્રતિશત પ્રયત્ન તમારો આવ્યો. 99% તમને સીધા અને સીધા મળી ગયા. તમારે કોઈ જ આયાસ કરવાની જરૂર નથી. બધું જ તમને અનાયાસે મળી જાય.
મને તો હવે અહોભાવ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. એક બાલ મુનિને જોઉં, મારી આંખો ભીની બની જાય. એક નાનકડી સાધ્વીજીને જોઉં અને મારી આંખો ભીની બની જાય કે કેવા આ સંસ્કારી આત્માઓ! એમના માતા-પિતાએ સરસ સંસ્કારો આપ્યા, જન્માંતરીય સંસ્કારોને બરાબર પ્રગટ કર્યા અને પ્રભુ શાસનને આ બાળકો સમર્પિત કર્યા. તમારું આ સમર્પણ ખરેખર બહુ જ ઊંચુ છે.
તો, સાધના આપણે બરોબર ઘૂંટવી છે. ઘૂંટી શકાય. કોઈ સવાલ નથી, માત્ર એના માટેનો સંકલ્પ જોઈએ. એક બહુ મજાની વાત તમને કહું. પહેલા પ્રવચન સભા એ માત્ર સાંભળવા માટેનું સાધન નહોતું. It Was The Workshop. અને મારે પણ Workshop ની રીતે ચાલવું છે. ધીરે-ધીરે તમને એક વસ્તુમાં આગળ લઈ જવા છે.
તો, આપણે જોયું કે પર રસ તુટવો જોઈએ. તો અહંકારના લયનું ‘ હું’ થોડું ઓછું થાય. શેના કારણે? અહોભાવના લયના ‘ હું’ ને કારણે! એ અહોભાવ પ્રભુએ તમને આપી દીધો. અહોભાવ હૃદયમાં છલોછલ ભરાયેલો હોય ત્યારે અહંકાર આવે ખરો? અહીંયા તમે બેઠા છો, પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો તમારા કાન સુધી જાય છે, કે મન સુધી? કોણ સાંભળે? તમારા કાન સાંભળે, તમારું Conscious Mind સાંભળે કે તમે સાંભળો? કોણ સાંભળે? વક્તા Fluently સરસ બોલતા હોય, કાનને ઓચ્છવ થઈ જાય. વક્તાએ, પ્રવચનકાર મહાત્માએ એવા પદાર્થો આપ્યા જે ક્યારેય પણ તમે સાંભળ્યા નહોતા, તો મનને ઓચ્છવ થઈ જાય. પણ આમાં તમે ક્યાં? Where Are You? હું મનોરંજનનો આદમી નથી, હું મનોભંજનનો આદમી છું.
ઉપનિષદનું એક સૂત્ર છે, आचार्यो हि मृत्यु:। સદગુરુ એટલે શું? વિભાવોનું મૃત્યુ! તમારા વિભાવોને ખતમ ન કરીએ તો સ્વભાવની દીક્ષા તમને કઈ રીતે આપી શકાય? એટલે અમે લોકો છીણી, હથોડી બધું લઈને જ બેઠા હોઈએ છીએ. તમારી બુદ્ધિને, તમારા અહંકારને ખતમ કરવો હોય છે. અત્યાર સુધીમાં આ જન્મમાં નહીં, અગણિત જન્મોમાં પ્રભુના પ્યારા શબ્દો કેટલી વાર સાંભળ્યા? અગણિત વાર ભીતર ન ઉતાર્યા, કેમ કારણ શું? બુદ્ધિ અને અહંકાર વચ્ચે આવ્યા. એ બુદ્ધિ અને અહંકાર જાય, શ્રદ્ધા આવે.
આપણે ત્યાં બે શબ્દો છે, બુદ્ધિ અને મેધા. જે વિચારસરણી અહંકારને પુષ્ટ કરે એ બુદ્ધિ અને જે વિચારસરણી શ્રદ્ધાને પુષ્ટ કરે એ મેધા કે પ્રજ્ઞા. એટલે આપણે અરિહંત ચેઈયાણંમાં પણ ‘ મેહાએ ‘ કહીએ છીએ. બુદ્ધિ નહીં, બુદ્ધિનું કોઈ પ્રયોજન નથી અહીંયા. બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારે પણ સાધના માર્ગને મપાય નહીં. ઘણીવાર લોકો બુદ્ધિની ફ્રેમમાં સદગુરુના ફોટાને મૂકવા ચાહે. પછી બુદ્ધિની ફ્રેમ હોય નાનકડી, ફોટો હોય મોટો, થોડો ફોટો કાપી નાખે. બુદ્ધિનું સાધના માર્ગમાં કોઈ કામ નથી.
હું ગમે એટલો વિદ્વાન હોઉં, કાચા માર્ગ પર વિહાર કરતો હોઉં. બે રસ્તા ફાટ્યા. Sign Board નથી. મારી બુદ્ધિ ત્યાં શું કામ આવશે? બોલો! સેંકડો-હજારો શાસ્ત્રો મેં વાંચ્યા છે, પણ આ બે માર્ગમાંથી મારે ડાબું જવું કે જમણે જવું? મારી બુદ્ધિ કામ નહીં આવે. બાજુના ખેતરમાં હળ હાંકતા ખેડૂતને મારે પૂછવું પડે, મારે આ ગામ જવું છે કયા રસ્તે જાઉં? તો કહે જમણે રસ્તે ચાલ્યા જાઓ. એમ સાધના માર્ગ તમારા માટે અનઅભ્યસ્ત છે, તો એ સાધના માર્ગ પર તમે નહીં ચાલી શકો. સદગુરુ એક-એક ડગલે તમારી જોડે જોઈશે. સદગુરુનું વચન છે, સદગુરુ નો Call છે, હું તૈયાર છું.
ભગવદ્-ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, योगक्षेम वहाम्यहम्।। આ એક સદગુરુનો કોલ છે. ભગવદ્-ગીતાના બે પાત્રો – શ્રીકૃષ્ણ અને અર્જુન. કૃષ્ણ, ગુરુચેતના છે, અર્જુન શિષ્યચેતના છે. કૃષ્ણ: શું અર્થ થાય એનો? કૃષ ધાતુ ખેંચવાના અર્થમાં વપરાય છે. જે તમારા Conscious Mind ને લઈ લે, ખેંચી લે. છીનવી લે એ ગુરુ. બોલો તૈયાર? અને શિષ્ય-અર્જુનચેતના. અર્જુન શબ્દ ઋજુ પરથી આવ્યો. છે જે ઋજુ-ઋજુ – સરળ, નિષ્કપટ, Crystal Clean Hearted છે, એ શિષ્ય છે અને એટલે જ આવો શિષ્ય મળ્યો ત્યારે જ ભગવદ્-ગીતાના 18 અધ્યાય બોલાયા. સદગુરુ તૈયાર હોય છે, પણ એ પાત્રતાને જરૂર ચકાસે છે.
તો, સદગુરુ એક-એક ડગલે તમારી સાથે રહેવા તૈયાર છે. એટલે સાધનાને ઘૂંટવી છે. ઓફિસમાં જશો, Buyer નથી આવ્યો, એકલા પડ્યા છો. આજે જે સાંભળ્યું એને ઘૂંટશો કે મારે પરના રસને તોડવો છે. મારે મારા અહોભાવ દ્વારા મારા અહંકારને તોડવો છે. અહોભાવ No Doubt મારી પાસે ઘણો છે પણ અહોભાવ દ્વારા મારો અહંકાર ઓછો થયો કે નહીં, એ જોઈ લો. અહોભાવ દ્વારા તમને પુણ્ય અચૂક મળવાનું, No Doubt. પણ આપણે અહંકારને ઓછો કરવો છે. અહોભાવ દ્વારા જે મન એકદમ ભીનું-ભીનું બની ગયેલું હોય એ મન કઠોર બની શકે ખરું?
અહોભાવ એટલે શું? હું પ્રભુની ચરણરજ છું. પ્રભુએ કૃપા કરીને લાભ આપ્યો. ભગવાનની પ્રતિષ્ઠા હોય, મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ મળે. 2 કરોડ, 5 કરોડ કે 10 કરોડમાં એની જય બોલાય અને એ ભાઈ વાસક્ષેપ લેવા કુટુંબ સાથે આવે, બધાની આંખોમાં હર્ષના આંસુ હોય. અહંકાર નથી ત્યાં હર્ષના આસું છે. પ્રભુએ કૃપા કરી અને અમને લાભ આપ્યો. આ અહોભાવ જેમને ગળથુંથિમાંથી મળ્યો છે એવા આપણે. આપણામાં અહંકાર હોય તો નવાઈ કે ન હોય તો નવાઇ?
આજની પ્રેક્ટીકલ સાધના બે થઈ: પહેલા તો અહંકાર ઓછો કરવો છે એવી સભાનતા મનમાં જોઈશે કે આટલું ભીનું મન બનાવીને આવ્યો છું, હવે એને કઠોર કેમ બનાવી શકું? તાજા બાથરૂમમાંથી નાહીને આવેલા હોય અને તરત જ ગંદા પાણીમાં જઈને કોઈકને ત્યાં જવું પડે એવું હોય તો ગમે ખરું? નાહેલા ન હોય, ગંદા કપડાં હોય; ચાલો જઈ આવીએ, પતી જાય કામ. તો બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ, નવા કપડા પહેરીને બહાર નીકળ્યા હોવ અને ત્યાં જવું પડે એમ હોય તો શું થાય? એમ સવારના પહોરમાં પ્રભુના દર્શન, પ્રભુની પૂજા અને જિનવાણી શ્રવણ આ બધું થઈ ગયું. મન Fresh-Fresh થઈ ગયું. ભીનું ભીનું થઈ ગયું. હવે કઠોર કેમ થઇ શકે? અને બીજી વાત આસક્તિ ટુટે એ તો બહુ સારી વાત પણ આસક્તિને જોતા શીખવાનું. ક્રોધ ઉઠ્યો તો ક્રોધને જોતા શીખો. એટલે તે જ ક્ષણે બે મન તૈયાર થવા જોઈએ. બે મન; એક ક્રોધની અંદર ડૂબેલ હોય અને એક ક્રોધને જોનાર હોય. આપણી ભાષામાં એક મન છે, એક ઉપયોગ છે. જે દ્રષ્ટા છે, જે જોનાર છે તે તમે છો. ક્રોધમાં વહેનાર અનાદિની સંજ્ઞાથી વાસિત મન છે. એ ક્રોધને જોનાર કોણ? તમે માત્ર ને માત્ર દ્રષ્ટા છો.
ધીરે ધીરે વાત ખોલીશું. વૈભાવિક કર્તૃત્વ આપણી પાસે છે જ નહિં. જ્યાં દ્રષ્ટાભાવ આવ્યો, સાક્ષીભાવ આવ્યો. કર્તૃત્વ ગયું. જ્ઞાનસારના મગ્નાષ્ટકમાં મહોપાધ્યાયજી મહારાજ કહે છે, “स्वभावसुखमग्नस्य जगतत्वावलोकिन:। कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते।।” અને સાક્ષી બન્યા એટલે મજા જ મજા. જે તકલીફ છે ને એ કર્તા હોવાની છે. મેં કર્યું એવો જશ લેવા જાય તો, અપજશ મળવાનો છે. 5 જણા કહેશે કે બહુ સરસ કર્યું અને 25 જણા કહેશે શું કર્યું? કોઈ શક્કરવાર જ નથી. જ્યાં કર્તૃત્વ, ત્યાં પીડા; જ્યાં દ્રષ્ટાભાવ, જ્યાં સાક્ષીભાવ, ત્યાં આનંદ! અમારી પાસે જે આનંદ છે એ દ્રષ્ટાભાવનો છે, એ સાક્ષીભાવનો છે. તો આ પ્રેક્ટીકલ હોમવર્ક તમને આપ્યું, આજે એને ઘુંટજો.