વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : નિષ્કારણ પ્રેમ
પ્રારંભિક કક્ષાએ પ્રભુ પ્રત્યેના સકારણ પ્રેમની ધારામાં વહેવાનું થાય; એ પ્રેમ અસ્તિત્વના પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત થાય, એટલે નિષ્કારણ પ્રેમની ધારા શરૂ થાય.
નિષ્કારણ પ્રેમ એ છે કે જ્યાં તમે એક ક્ષણ પણ પ્રભુ વિના, પ્રભુના પ્રરમપ્રેમ વિના રહી શકતા નથી.
સકારણ પ્રેમમાં મોક્ષ માટે ભક્તિ છે; મોક્ષ પહેલા નંબરે છે અને પ્રભુ બીજા નંબરે છે. નિષ્કારણ પ્રેમ એટલે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૪
પરમાત્માના પરમપ્રેમની ધારામાં ચાલવું છે, વહેવું છે. પરમપ્રેમ પરમાત્મા પ્રત્યેનો બે જાતનો છે – એક સકારણ પરમપ્રેમ, બીજો નિષ્કારણ પરમપ્રેમ. કોઈ પણ ભક્ત શરૂઆત સકારણ પરમપ્રેમથી કરશે. પરમાત્માના પ્રેમમાં ભક્ત ભીંજાયો અને એ કહેશે કે પ્રભુ! તે મને કેટલું બધું આપ્યું! “ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો” નરક અને નિગોદમાં હું રખડતો હતો, પ્રભુ તું જ મને ઉચકીને મનુષ્યગતિમાં લાવ્યો. તે જ તારું શાસન મને આપ્યું. તે જ પ્રભુ તારી સાધના મને આપી. પ્રારંભની અંદર આપણે સકારણ પરમપ્રેમની ધારામાં વહેશું પણ એ પછી પરમપ્રેમ એવો તો અસ્તિત્વના પ્રદેશે પ્રદેશે ગુંજી ઉઠશે કે એ પરમપ્રેમ વિના એક ક્ષણ આપણે રહી નહિ શકીએ અને એ વખતે નિષ્કારણ પરમપ્રેમની ધારા ચાલુ થશે.
કોઈ માણસ દૂધ પીએ ને, તો એની પાછળ કારણ છે. દૂધ પીવું, શક્તિ મળે, કેલરીસ મળે. પણ, ચા નો શોખીન માણસ બે-બે કલાકે, ત્રણ-ત્રણ કલાકે ચા પીતો હોય, એને તમે પૂછો; ચા શા માટે પીએ? એ કહેશે કે ચા પીધા વિના હું રહી શકતો નથી! નિષ્કારણ પરમપ્રેમ આ છે, જ્યાં તમે એક ક્ષણ પ્રભુ વિના, પ્રભુના પરમ પ્રેમ વિના રહી શકતાં નથી.
મારા જીવનમાં નિષ્કારણ પરમ પ્રેમનું પ્રારંભ, આબુ દેલવાડા તીર્થમાં થયેલું. બહુ મજાની એ ઘટના. આજે પણ મારી આંખોની સામે એ ઘટના ફીલમાઈ રહી છે. દીક્ષાને પંદરેક વર્ષ થયેલા. વિચરણ અમારું ડીસાની આજુબાજુ જ હતું, મુખ્યતયા જુના ડીસામાં, જ્યાંથી આબુ બહુ જ નજીક; પણ છતાં આબુ જવાયેલું નહિ. એ દિવસો યાદ આવે છે. ગુરુદેવની આજ્ઞાના પાલનમાં ઝુમવાના એ દિવસો હતા.. એ જે આનંદ માણ્યો છે… આજે પણ એનું સંસ્મરણ થાય અને રોમાંચ અનુભવું છું! કોઈ ઈચ્છા નહતી, એક જ વાત આજ્ઞા પાલનનો આનંદ! ગુરુદેવ કહે અહીંયા જવાનું છે, તહત્તિ.! અહીં જવાનું, તહત્તિ.!
એક વાત તમને કહું. શ્રામણ્યનો આનંદ ભરપુર તમે ક્યારે માણી શકો? Choicelessness – ઈચ્છાવિહીનતા. તમારી પાસે હોય તો જ તમે શ્રામણ્યના આનંદને ભરપુર માણી શકો. એક example આપું. ચોમાસું પૂરું થવાની તૈયારી હોય. ગુરુદેવ એક શિષ્યવૃંદને લઈને યાત્રા માટે જવાના હોય. એક ટુકડી ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે ત્યાં ને ત્યાં રહેવાની હોય. તમને ખ્યાલ નથી કે તમારો નંબર શેમાં આવશે? હવે તમે ઈચ્છા વિહીન હોવ, ગુરુદેવની જે પણ આજ્ઞા આવે, તમે પ્રેમથી એને enjoy કરી શકો. પણ તમારા મનમાં હોય, કે ગુરુદેવ જોડે જવાનું મળે તો સારું. એમનું ઉપનિષદ મળે, એમની વાચનાઓ મળે. એમના સત્સંગમાં રહેવાનું મળે. આ ઈચ્છા તમારી પાસે હોય, અને પછી ગુરુદેવની આજ્ઞા આવે, કે તારે અહીંયા રોકાવાનું છે. તમે આજ્ઞાને પાળો તો ખરા જ. પણ, એ આજ્ઞાપાલનનો આનંદ તમારી પાસે એ નથી હોતો! કારણ ઈચ્છા પેલી હતી, આજ્ઞા આ હતી. શ્રામણ્યના આનંદને ભરપુર માણવો હોય, તો શું જોઈએ? Choicelessness. અને તમારી પાસે પણ શું જોઈએ…? સદ્ગુરુ પાસે તમે આવ્યા, કોઈ ઈચ્છા લઈને આવવું નથી, કશું જ નહિ.! કોરી સ્લેટ જેવા થઈને આવો..
ઉપધાન તપ થવાના હોય ને, ત્યારે આયોજક પરિવારની ઈચ્છા એવી હોય, કે માળવાળા વધારે હોય તો સારું. આયોજક પરિવારની ઈચ્છા એટલા માટે એ હોય છે, કે ઠેઠ સુધી એ આરાધકો રહે, અને માળ ઉપર મહોત્સવની ચમક આવે. હું પોતે પણ માળવાળાઓને preference આપનારો માણસ છું. પણ, મારો ધ્યેય જુદો છે. હું એમ માનું કે કોરી સ્લેટ મારી પાસે આવી રહી છે અને એ કોરી સ્લેટ પર લખવાની અમને કેવી મજા આવે! એક અઢારીયું કરવા તમે આવી જાઓ. અમે લોકો તમારા ઉપર કેટલી મહેનત કરીશું.. એ નવકાર મંત્ર તમારા અસ્તિત્વ સુધી પહોંચે, એના માટે અમારી પુરી કોશિશ રહેશે. કોરી સ્લેટ લખવાની મજા આવી જાય!
તો કોઈ પણ સાધક કેવો હોવો જોઈએ? કોરી સ્લેટ જેવો. કોઈ ઈચ્છા નથી.! કઈ સાધના સદ્ગુરુ તમને આપશે, તમારે વિચારવાનું નથી. આજે ગુરુદેવ કયું પચ્ચક્ખાણ આપશે, એનો પણ વિચાર સાધુ કે સાધ્વીજી ન કરે.
પ્રેમસૂરિદાદાના શિષ્ય યશોદેવસૂરિ મહારાજા, એમના શિષ્ય ત્રિલોચનસૂરિ મહારાજ. એ જ્યારે મુનિ પદે હતાં. એકવાર રોજની જેમ ગુરુદેવ પાસે સવારે આવ્યાં. દ્વાદશાવર્ત વંદન કર્યું. અને કહ્યું, ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણ નો આદેશ આપશોજી’ રોજ ગુરુદેવ એકાસણાનું પચ્ચક્ખાણ એમને આપતાં, આજે ગુરુદેવે સીધું જ 16 ઉપવાસનું પચ્ચક્ખાણ એમને આપી દીધું! 16 થી વધારે આપણે ત્યાં એકસાથે અપાતાં નથી. નાચી ઉઠ્યા, ત્રિલોચનવિજય મહારાજ! એકાસણાનું પચ્ચક્ખાણ ધારેલું, ગુરુદેવની કેવી કૃપા વરસી! સીધું સોળભત્તું આપી દીધું! તમને નહિ આપીએ એમ, ગભરાતા નહિ..!
૧૬મો ઉપવાસ. પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય કરે છે. એ વખતે એક ભાવક આવ્યો. એણે પૂછ્યું, ગુરુદેવ! આવતી કાલે તો પારણું હશે ને તમારું? સોળભત્તું આજે પૂરું થયું. ત્યારે એમણે કહ્યું, પારણું ગુરુદેવના હાથમાં છે. કોઈ વિચાર મારે કરવાનો નથી. બીજી સવારે ગયા.. ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્છ્ક્ખાણનો આદેશ આપશોજી’; ગુરુદેવે 14 ઉપવાસનું પચ્ચક્ખાણ આપી દીધું, માસક્ષમણ કરાવી દીધું.! કોરી સ્લેટ…!
દીક્ષાને પંદર વર્ષ થઇ ગયેલા, આબુની યાત્રા નહિ થયેલી, પણ ઈચ્છા જ નહતી! માત્ર ને માત્ર ઈચ્છા એક જ હતી, ગુરુદેવના આજ્ઞા પાલનના આનંદમાં ઝૂમવાની.! ઝૂમો…! નાચો…! દીક્ષા વખતે નાચ્યા હતાં, રોજ નાચો છો કે નહિ? એ વખતે પહેલીવાર રજોહરણ મળેલું અને નાચેલા. રોજ સવારે આ રજોહરણને હાથમાં લો, મસ્તકે લગાવો, નાચો નહિ?
એકવાર ગુરુદેવે કહ્યું; કે તારે આબુની યાત્રા બાકી છે. આ બે મુનિરાજોને પણ યાત્રા બાકી છે, તમે ત્રણ જણા આબુ જઈ આવો. અમે લોકો જુના ડીસા જ છીએ. આબુ ગયા પછી અઠવાડિયું, દસ દિવસ, પંદર દિવસ ભક્તિમાં ડૂબાય એટલું ડુબજો..! પાછા વળવાની ઉતાવળ કરતાં નહિ.. સદ્ગુરુની આજ્ઞા અમે ત્રણ જણા આબુ ગયા. સવારે આઠ વાગે દેલવાડા પહોંચ્યા. ઉપાશ્રયમાં ગયા. બંને મુનિઓ કાજો લઇ રહ્યા છે. એ બંનેને એકાસણું હતું. મારે વાપરવાનું હતું. મેં એમને કહ્યું; કે તમે કાજો લઇ, ઉપધિ ગોઠવી, પાણી લઇ આવો, મારી ગોચરી લેતાં આવો. હું દર્શન-ચૈત્યવંદન કરી, પંદર મિનિટમાં આવું છું. પછી પાત્રા પોરસી ભણાવી, પાત્રાનું પડીલેહણ કરી આપણે જઈએ, ૧૨ વાગ્યા સુધી પ્રભુની ભક્તિ કરશું. ત્યાંની પેઢીએ એક સરસ નિયમ રાખ્યો છે, ૧૨ વાગ્યા સુધી કોઈ પણ visitor દેરાસરમાં આવી ન શકે, માત્ર ભક્તો જ ભક્તિ કરી શકે.! અને સાંજે 6 પછી પણ માત્ર ભક્તો જ હોય.. હું ગયો, વિમલવસહીમાં. પ્રદક્ષિણા પથમાં ફરવાનું હોય પહેલાં. પ્રદક્ષિણા પથમાં ફરવાની શરૂઆત કરી. પહેલી જ દેરી, પહેલા જ પરમાત્મા, શું ભુવન વિમોહન રૂપ..! પગ થંભી ગયા..! મન પણ થંભી ગયું..! પગ ચાલે જ નહિ.! માંડ માંડ પગને ચલાવ્યા.. બીજી દેરી પાસે ગયો. એ જ પરમાત્માનું રૂપ.! ફરી પગ થંભી ગયા..! મન થંભી ગયું..! એક પ્રદક્ષિણા ફરતાં અડધો કલાક મને લાગ્યો.! પછી બે પ્રદક્ષિણા તો નાની જ ફરી લીધી. ચૈત્યવંદન કર્યું. પોણો કલાકે ઉપાશ્રયમાં ગયો. આજે પણ આ ઘટના યાદ આવે છે. નિષ્કારણ પરમપ્રેમની ધારા પ્રભુએ ત્યાંથી ચાલુ કરી આપી. Love for love.. Devotion for devotion..
હું ઉપાશ્રય પહોંચ્યો. પેલા બંને મુનિરાજો કહે, આટલી બધી વાર.! મેં કહ્યું, હસતાં હસતાં કે પ્રભુ છોડે ત્યારે હું આવું ને! એ પછી પંદર દિવસ આબુ રોકાયા. એકવાર પણ મેં એ દેલવાડાના મંદિરોનું કોતરકામ જોયું નથી.! વિશ્વ પ્રસિદ્ધ એ કોતરણી, એને મેં એકેય વાર જોઈ નથી.! પ્રભુએ પોતાના પ્રેમમાં એવો તો ડુબાડી દીધો, કે માત્ર પ્રભુ.. પ્રભુ… અને પ્રભુ જ દેખાય…!
આવા પરમપ્રેમમાં ડૂબેલા મહોપાધ્યાય યશોવિજય મહારાજા હતાં. એમણે સ્તવનામાં કહ્યું, “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગ્યો; ચમક પાષાણ જિમ લોહને ખીંચશે, મુક્તિની સહજ તુજ ભક્તિ રાખો” પ્રભુ! મને માત્ર તારી ભક્તિ ગમે છે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી – મોક્ષ નંબર ટુ ઉપર છે, ભક્તિ નંબર એક ઉપર છે. સકારણ ભક્તિમાં શું થાય? મારો મોક્ષ થાય માટે હું ભક્તિ કરું તો ત્યાં તમારો મોક્ષ નંબર વન ઉપર આવશે, ભક્તિ નંબર ટુ ઉપર જશે. ઉપાધ્યાયજી ભગવંત કહે છે; “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી” પ્રભુ! મુક્તિ મળે યા ન મળે; મારે તો જન્મોજન્મમાં તારી ભક્તિ જોઈએ છે.! એ જ ઉપાધ્યાયજી ભગવંત – પ્રભુના પરમ પ્રેમમાં ડૂબેલા ઉપાધ્યાયજી ભગવંત, જીવનમુક્તદશાનું વર્ણન આપણને આપે છે. યાદ રહી ગયું વર્ણન? “जाग्रत्यात्मनी ते नित्यं, बहिर्भाविषु शेरते।” આત્મભાવમાં સતત જાગૃતિ આવી, પરભાવ છૂટી ગયો.!
હમણાંની એક ઘટના કહું. ગુર્જિયેફ આજના યુગના યોગાચાર્ય થયા. સેંકડો-હજારો સાધકોને એમણે સાધનાનું ઊંડાણ આપ્યું. એ એવી સાધના જ કરાવતાં કે જે સાધના પરભાવથી મુક્તિ આપે અને અંતરાત્મદશામાં તમને પ્રતિષ્ઠિત કરે. વિચાર તો કરો, પ્રભુએ આપણને શું આપ્યું છે! પભુએ કેટલી અદ્ભુત સાધના આપી! સાડા બાર વર્ષ સુધી સાધના પ્રભુએ કરી અને એના અંતે કૈવલ્ય પ્રભુને પ્રાપ્ત થયું.! એ કૈવલ્ય દ્વારા જોઇને પ્રભુએ સાધનાનો અમૃત કુંભ આપણને આપ્યો.! આપણે શું કરીએ? એ અમૃતકુંભનું પૂજન કરીએ.! એ અમૃતકુંભનું ઢાંકણ ખોલીને એક ચમચી અમૃત તમે પીધું ખરૂ?
એકવાત આજે તમને કરું. વિશ્વમાં આજે 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલે છે. 700 સાધના પદ્ધતિ.! અને દરેક સાધના પદ્ધતિ પાસે ધ્યાન તો છે જ.! ધ્યાન વિના એક પણ સાધના પદ્ધતિ હોઈ શકે નહિ.! પણ કાયોત્સર્ગ માત્ર આપણી પાસે છે. વિશ્વની કોઈ પણ સાધના પદ્ધતિ પાસે કાયોત્સર્ગ નથી.! એ કાયોત્સર્ગની સાધના આપણને મળેલી છે. એ કાયોત્સર્ગને બરોબર આત્મસાત્ ન કરીએ, અને બીજાને આપીએ નહિ, તો આપણે પ્રભુના અપરાધી બનીએ છીએ. આજે એવા લોકો marketing કરવા મંડી પડ્યા છે ધ્યાનનું, કે જેમની પાસે ધ્યાનની પરંપરા નહતી.
આપણી પાસે અનંત અનંત કાળથી ધ્યાનની પરંપરા આવેલી છે. પણ, આપણે ન તો એને આત્મસાત્ કરી રહ્યા છીએ, ન એનું marketing કરી રહ્યા છીએ. તો, ધ્યાન અને કાયોત્સર્ગને આત્મસાત્ કરવું પડશે અને પછી એને hand over કરવો પડશે. તમારી બધાની ઈચ્છા હશે તો આપણે ધ્યાન અને કાયોત્સર્ગના practical સત્રો રાખીશું. પ્રભુએ આપેલું ધ્યાન…! પ્રભુએ આપેલી કાયોત્સર્ગ સાધના…! એને આપણે ઘૂંટવી છે…
તો ગુર્જિયેફ સેંકડો-હજારો સાધકોને સાધના દીક્ષા આપતાં. એકવાર રશિયાના તીફનીસ શહેરમાં આવેલા પોતાના આશ્રમમાં એમણે 30 ચુનંદા સાધકોને એકઠા કર્યા. 30 સાધકો.. એક મહિનાની ધ્યાન સાધના હતી. ધ્યાન સાધના શરૂ થવાની હતી. એની આગળની સાંજે 30 એ 30 જણાને ગુર્જિયેફે બેસાડ્યા અને કહ્યું, કે આવતીકાલથી એક મહિના માટે તમારી સાધના શરૂ થાય છે. એ સાધના માત્ર અને માત્ર તમારી ભીતર ઉતરવાની સાધના છે. આપણી સાધના કઈ છે? પ્રભુએ કહ્યું; તું ભીતર ઉતર…
આચારાંગ સૂત્રમાં પ્રભુને પ્રશ્ન કરવામાં આવ્યો; “किं अत्थि उवाहि पासगस्स?” તો પ્રભુએ કહ્યું; “णत्थि त्तिबेमि” સવાલ એ કર્યો? કે દ્રષ્ટાને, સાક્ષીભાવમાં ગયેલાને કોઈ પીડા હોય છે ખરી? “किं अत्थि उवाहि पासगस्स?” દ્રષ્ટાને, સાક્ષીભાવમાં ગયેલાને, ધ્યાનમાં ઊંડા ઉતરેલા ને કોઈ પીડા હોય છે ખરી? પ્રભુએ કહ્યું; “णत्थि त्तिबेमि” જે વ્યક્તિ સાક્ષીભાવમાં ઊંડો ઉતરી ગયો, એને વળી પીડા કેવી? પીડાનો જન્મ ક્યાં થાય? ઘટના સાથે તમે જોડાવો ત્યારે.! એક ઘટનાને માત્ર તમારે જોવાની છે, એ ઘટનામાં તમારે ભળવાનું નથી તો પીડા ક્યાંથી આવે! આપણી સાધના સાક્ષીભાવની સાધના છે. આપણી સાધના દ્રષ્ટાભાવની સાધના છે. આપણી સાધના જ્ઞાતાભાવની સાધના છે. એ સાધના મળી જાય, પછી તમે પણ evergreen, ever fresh. મજામાં..! મજામાં આવવું છે એકદમ? એકમાત્ર સાક્ષીભાવ જોઈએ.! ઘટના, ઘટના છે; તમે, તમે છો.! ઘટના જોડેનો સંબંધ તોડી નાંખો.!
તો ગુર્જિયેફે કહ્યું, કે 30 દિવસ તમારે માત્ર તમારી ભીતર ઉતારવાનું છે. પહેલાં તો ગુર્જિયેફ શું કરતાં, અઠવાડિયાની સાધના હોય ત્યારે, રૂમ આપી દેતાં અને એક રૂમમાં એ સાધક સાધના કરે. આ વખતે કહે છે કે હોલમાં જ તમને 30 એ 30 ને રાખવાનાં છે. એક જ હોલમાં.. આંખો બંધ કરીને સાધના કરો કે ખુલ્લી આંખે સાધના કરો; પણ બીજી વ્યક્તિ આમ કરે છે, આવી નોંધ તમારા મનમાં આવે, એ જ ક્ષણે તમારે હોલને છોડી દેવાનો.! તમારી સાધના પુરી થઇ ગઈ.! તમે આવું કરી શકો?
એક જ હોલમાં 50 જણા હોય. તમારા સિવાયના 49 શું કરે છે, તમને ખબર ન હોય.! અને તમે તમારામાં ડૂબી ગયેલા હોવ.! મેં આ આનંદ માણ્યો છે, ભરપેટ માણ્યો છે.! 30 દિવસની સાધના શરૂ થઇ. 5-7 દિવસ થયા, 25 જણા નીકળી ગયા. 25 જણા.. જ્યાં બીજાની કોઈ ચેષ્ટા દેખાણી; તમે નીકળી જાવ.! અને ઈમાનદાર સાધકો હતાં, પ્રમાણિક સાધકો હતા. માત્ર 5 સાધકો બાકી રહ્યા, જેમણે 30 દિવસની સાધના પુરી કરી.
આપણો ભૂતકાળ આ જ હતો. ગુફામાં રહેતાં મુનિવરો, ઉદ્યાનમાં રહેતા મુનિવરો શું કરતાં હતા? આ જ કરતાં હતા. ધ્યાનના ઊંડાણમાં જતાં હતાં. આનંદ માત્ર તમારી ભીતર છે. એક વાત તમને પૂછું; તમારા પૂર્વજો પાસે લાખ રૂપિયા હોય ને તો ય એમને ઘણા ઘણા લાગતાં.. આજે તમારી પાસે 5 કરોડ, 10 કરોડ, 15 કરોડ હોય, તમને લાગે છે કે 15 કરોડ એટલે શું? એક ફ્લેટ લઈએ તો પણ 5-10 કરોડનો થઇ જાય. 25 કરોડ-50 કરોડ.. ક્યાંય તમને તૃપ્તિનો અહેસાસ થાય છે આમ.? કે બસ હવે નહિ, હવે ન જોઈએ કંઈ.! તૃપ્તિ, તૃપ્તિનો આનંદ માત્ર ભીતરથી જ આવી શકે, બહારથી આવી શકે નહિ.! કરોડો નહિ, અબજો જેને ભેગા કર્યા, ખરબ કે નિખર્વ ભેગા કર્યા, એને પણ અતૃપ્તિ જ છે.
આજે તો મીડિયાવાળા મુકેશ અંબાણી પાસે કેટલી રકમ છે? એના આંકડા મુકે! 25-50 કરોડવાળો કે સાલું આ તો બે લાખ કરોડ, કે પાંચ લાખ કરોડે પહોંચ્યો. આપણે તો હજુ 25 કરોડમાં જ રમીએ છીએ. તૃપ્તિ થઇ નથી, એ તમારો અનુભવ ખરો કે નહિ? બોલો. ક્યારેય વિચાર્યું? કે જીવન જરૂરિયાત માટે જોઈએ એના કરતાં વધારે મળી ગયું. છતાં તૃપ્તિ કેમ નથી થતી?
અમે વિહારમાં ક્યાંક જઈએ ને, ખરું પાણી હોય ને, પીધા કરીએ પણ તૃપ્તિ ન થાય. પણ એ વખતે ખ્યાલ આવી જાય કે આ ખારું પાણી છે. તમને અનુભવ તો થયો, કે તૃપ્તિ થતી નથી. કારણ સમજાયું? બોલો તો… કારણ સમજાયું? તૃપ્તિ કેમ નથી થતી? તૃપ્તિ તમારી ભીતરથી જ આવી શકે, બહારથી આવી શકે જ નહિ.! તમે જ આનંદઘન છો.
પાંચ જણાએ 30 દિવસની સાધના પુરી કરી. પાંચમાંથી પણ શ્રેષ્ઠ સાધક હતો, યુસ્પેસકી. ૩૧મી સવારે નાસ્તો કર્યા પછી ગુર્જિયેફ યુસ્પેસકીને લઈને, એ તીફનીસ શહેરની બજારોમાં ફરે છે. એ વખતે યુસ્પેસકી કહે છે; કે આખું નગર તો બદલાઈ ગયું લાગે છે. મહિના પહેલાં હું આવ્યો અને જે નગર હતું, એ નગર આજે નથી. દુકાનો ખુલ્લી છે. વેપારીઓ માલ વહેંચી રહ્યા છે. ઘરાકો માલ લઇ રહ્યા છે. યુસ્પેસકી બધું જોવે છે. પણ 30 દિવસની સાધના એવી ઊંડી ઉતરી ગઈ છે કે આ બધું એને meaningless લાગે છે. અંદરનો આનંદ એવો પકડાયો કે બહાર એને બધું જ meaningless લાગે છે અને એટલે એ કહે છે કે આખું નગર બદલાઈ ગયું લાગે છે. ગુર્જિયેફે કહ્યું; નગર બદલાયું નથી, તું બદલાઈ ગયો છે.! તારું ભીતર બદલાઈ ગયું.! અંદરનો આનંદ તને મળવા લાગ્યો; હવે તને આ બહારનું બધું જ ક્રિયા-કલાપ નકામો લાગે છે.!
આવી સરસ મજાની વાતો, ઉપાધ્યાયજી ભગવંત આપણી પાસે લઈને આવ્યા. એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય તમારો થયો એટલે જીવનમુક્તદશા તમને મળી ગઈ. એક વિચાર કરો; પ્રભુએ આપેલી સામાચારી કેટલી મજાની છે.! એક તથાકાર સામાચારી આપણી પાસે આવી ગઈ; વિકલ્પો કોઈ રહેવાના ખરા? સદ્ગુરુએ જે કહ્યું, એનો સ્વીકાર. આવતી ક્ષણે શું કરવાનું છે, મને ખબર નથી.
અમે લોકો એકવાર પાટણથી વિહાર કરી ચાણસ્મા ગયેલા, શંખેશ્વર જવાનું હતું. એ વખતે શંખેશ્વર બાજુથી યશોરત્નસૂરિજી, પુણ્યરત્નસૂરીજી એ બધા આવતાં હતાં. એમને પણ ખ્યાલ આવ્યો કે સાહેબ ચાણસ્મા આ દિવસે છે. એ લોકો પણ એ જ દિવસે ચાણસ્મા આવ્યાં. બહુ આનંદ આવ્યો. યશોરત્નસૂરીજીના એક શિષ્ય સાંજે મારી જોડે બેઠાં, થોડાક સાધનાકીય પ્રશ્નો હતાં, એ એમણે પૂછ્યા, મેં ઉત્તરો આપ્યાં. પછી મેં પૂછ્યું; કે આવતી કાલે તમારો વિહાર છે કે આવતી કાલે અહીંયા સ્થિરતા છે? સાંજના સમયે હું પૂછું છું, એ વખતે એ કહે છે; સાહેબજી મને કોઈ ખ્યાલ નથી. ગુરુદેવ જો 4 વાગે મને જગાડશે તો હું માનીશ કે વિહાર હશે; સાડા ચારે જગાડશે તો હું માનીશ કે વિહાર નથી. આવતી કાલે વિહાર છે કે નહિ, એનો વિચાર આગળની સાંજે એ મુનિરાજને નથી.! આ મજા ક્યાંથી આવે? આમાંથી આવે.. ચોમાસું ક્યાં કરવાનું? સદ્ગુરુ જાણે..!
મારી દીક્ષા થઇ, મારા ગામમાં ઝીંઝુવાડામાં, મહા મહિને. ફાગણ મહિને વડી દીક્ષા થઇ. દાદા ગુરુદેવ ભદ્રસૂરિદાદા અને ગુરુદેવ ૐકારસૂરિ દાદા. ચોમાસા માટે વિનંતીઓ ઉપર વિનંતી આવે. પણ, ૐકારસૂરિ દાદા સ્પષ્ટ કહે કે આ વિષય મારો નથી; આ વિષય ગુરુદેવનો છે, દાદાનો છે. ભદ્રસૂરિદાદા જ્યાં કહેશે ત્યાં ચોમાસું થશે. ચૈત્ર મહિનો આવ્યો. સંઘો ઉપર સંઘો આવે. દાદા ગુરુદેવ કોઈને હા પાડતા નથી. એ વખતે પણ ગુરુદેવ ૐકારસૂરિ મહારાજને સવાલ નથી થતો કે આટલા બધા સારા ક્ષેત્રોની વિનંતી આવે છે, ગુરુદેવ હા પાડતા નથી, ચૈત્ર મહિનો થઇ ગયો, કરશું ક્યાં ચોમાસું પછી? વિચાર નહિ.. ૐકારસૂરિ દાદા એ વખતે પણ બહુ સારા પ્રવચનકાર, બહુ જ મોટા વિદ્વાન, પણ એ કહેતાં કે મારા ગુરુનો હું શિષ્ય છું; અને શિષ્યે કોઈ પણ નિર્ણય ક્યારે પણ લેવાના હોય જ નહિ. ચૈત્ર મહિનો પૂરો થયો. વૈશાખ શરૂ થયો. ઝીંઝુવાડાવાળા તો માની બેઠેલા કે ગુરુદેવનું ચોમાસું આપણે અહીંયા કરાવી દઈશું આપણે.! અને એ વખતે જુના ડીસા સંઘવાળા આવ્યા. જુના ડીસા સંઘવાળાને ખબર હતી કે હુકમનું પાનું દાદા ગુરુદેવ પાસે જ છે. સીધા જ દાદા પાસે ગયા. વંદન કર્યું. સાહેબ! જુના ડીસા સંઘ આવ્યો છે, ચોમાસાની વિનંતી માટે. બોલાવો ૐકારવિજયને. ગુરુદેવ આવ્યાં. તરત જ દાદાએ આજ્ઞા કરી, ૐકારવિજય! જુના ડીસા સંઘ આવ્યો છે, ચોમાસાની જય બોલાવી દો.! અરવિંદસૂરિ દાદા હતાં, ત્યાં સુધી હું માનતો કે મારા ઉપર એક છત્ર છે. દાદાની નિશ્રામાં આપણને રહેવાનું મળે, અને એ દાદાની આજ્ઞા પ્રમાણે જીવવાનું મળે, એ આપણા સૌભાગ્યની નિશાની છે. તમારા ઘરોમાં દાદાઓ છે, એ દાદાની આજ્ઞા પ્રમાણે આખું કુટુંબ ચાલવું જોઈએ.
ક્યારેક એની મજાની વાતો કરીશ. એ દાદાની આજ્ઞામાં તમે જીવતાં હોવ, તમે નિશ્ચિત… નિર્ભાર… અત્યારે ઓપીનીયન ડીફરન્સીસ બહુ પડે છે, ભાઈઓ-ભાઈઓમાં, પત્ની-પત્નીઓમાં, પણ, એક દાદા હોય, હુકમનું પાનું, તો ઓપીનીયન ડીફરન્સ રહે જ નહિ.! એકવાર એક ભક્ત આવેલો મારી પાસે. મને કહે સાહેબ! એક આચાર્ય ભગવંત આમ કહે અને બીજા આચાર્ય ભગવંત આમ કહે. એટલે ઓપીનીયન ડીફરન્સ પડે છે. એટલે અમારે શું કરવું એની મૂંઝવણ થાય છે. મેં એને પૂછ્યું; કે અમારા ઓપીનીયન ડીફરન્સ ને કારણે તકલીફ પડે છે કે તારી પાસે સમર્પણ નથી માટે તકલીફ પડે છે. મેં એને પૂછ્યું; આગળ, કે તારા દીકરાને પેટમાં દુઃખાવો થયો. સોનોગ્રાફી થઇ. રિપોર્ટ આવી ગયો. એક ડોકટરે કહ્યું; કે મારો દીકરો હોય તો અત્યારે એને ઓપરેશનના ટેબલ ઉપર સુવાડી દઉં અને ઈમીજેટ ઓપરેશન કરી દઉં. બીજા ડોકટરે કહ્યું; કયો ગધેડો હતો એને ઓપરેશનનું કીધું. આ પાંચ ઇન્જેક્શનનો કોર્સ છે. મટી જશે દુઃખાવો. ત્રીજો કહેશે; ઇન્જેક્શનનું કોણે કહ્યું? ક્યાં ગધેડાએ કીધું? આના માટે આ દવાનો કોર્સ છે. મેં કહ્યું; તું સુરતમાં રહે છે. સુરતમાં ડોકટરો કેટલા? સ્પેશ્યાલીસ્ટો કેટલા? ક્યારેય મૂંઝવણ પડી? એક ડોક્ટર ઉપર શ્રદ્ધા છે, એને પૂછી લીધું, ચાલ્યા. તો અમારા ઓપીનીયન ડીફરન્સ ને કારણે તકલીફ નથી પડતી; તમારું સમર્પણ નથી માટે તકલીફ પડે છે.! એટલે ઘરમાં એક દાદા એવા હોવા જોઈએ, જેને આખા કુટુંબના બધા જ સભ્યો સમર્પિત હોય. દાદા બોલ્યા એટલે વાત પુરી થઇ ગઈ.
અમે લોકો બડભાગી છીએ આ સંદર્ભમાં કે અમારે ત્યાં આ યુગની અંદર પણ આ વ્યવસ્થા ચાલી રહી છે. આજે પણ સદ્ગુરુ કહે, એટલે વાત પુરી થઇ ગઈ.! પછી કોઈ શિષ્યના મનમાં કોઈ વિચાર પણ જાગતો નથી.!
તો એક તથાકાર સામાચારી આવી, આનંદ જ આનંદ..! પ્રભુની સાધના તમારી પાસે આવી જાય તમારું જીવન આનંદમય બની જાય.
