Anandghanji Na Sathvare – Vachana 01

475 Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : You can do this; if you desire!

પ્રભુ તમારી ભીતર અવતરિત થવા ઈચ્છે છે અને એટલે શરૂઆતનું કામ કરવા માટે પ્રભુ સદ્ગુરુને મોકલે છે. સદ્ગુરુ તમારા હૃદયના પાત્રમાંથી રાગ, દ્વેષ, અહંકારરૂપી કચરો દૂર કરીને એને ખાલી કરે છે. અને એ ખાલીપામાં પરમચેતના અવતરિત થાય છે.

વ્યક્તિત્વનું અસ્તિત્વમાં રૂપાંતરણ – એ જ આપણું અવતાર કૃત્ય છે. અગણિત જન્મોમાં આ ઘટના ઘટી નથી, પણ આ જન્મમાં એ ઘટિત થઇ શકે એમ છે!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૦૧

દેવાધિદેવ પરમતારક મહાવીર પ્રભુના એક શિષ્ય હતા, સિંહ અણગાર. પ્રભુની આજ્ઞા લઈને સિંહ અણગાર જંગલમાં સાધના કરવા માટે જાય છે.

પ્રારંભિક સાધક પોતાની સાધનાને એકાંતમાં ઘૂંટતો હોય છે. પછી, તમારી સાધના સ્થિર થઇ ગઈ (પછી) તમે ગમે ત્યાં હોવ, તમારી સાધના એવી ને એવી જ રહે છે. મેં ૩૦ વર્ષ સુધી એકાંત સેવ્યું. સદ્ગુરુ દેવોની અપાર કૃપા… ઉત્તર ગુજરાતના નાનકડા ગામોમાં અમે રહેતા. વિશાળ ઉપાશ્રયો… સવારથી સાંજ સુધી એક રૂમની અંદર બેસીને હું સ્વાધ્યાય, ભક્તિ કર્યા કરતો. ૩૦ વર્ષના એ એકાંતવાસે મારી સાધનાને સઘન બનાવી. આજે ૨૪ કલાક લોકોથી ઘેરાયેલો હોઉં છું, છતાં મારી સાધનામાં કોઈ ફરક પડતો નથી.

તો, પ્રારંભિક સાધક એકાંતમાં જઈને સાધનાને ઘૂંટે છે. અમે લોકો આબુ હતા, દેલવાડા.. એ વખતે સમાચાર મળ્યા કે માઉન્ટ આબુમાં એક બંગલામાં એક સાધક સાધના કરે છે. બંધ ઓરડામાં રહે છે. સંપૂર્ણ મૌન, એકાંતવાસ અને એ પણ વર્ષોનો… મને થયું કે મારે એ સાધકને મળવું જોઈએ. હું દેલવાડાથી સવારે ૮ – ૮.૩૦ વાગ્યે નીકળ્યો. એવી ગણતરી સાથે, કે સાંજ સુધી ત્યાં રોકાવું પડે તો પણ વાંધો નથી; પણ મળવું તો છે જ. હું ત્યાં ગયો. વૉચમૅનને પૂછ્યું કે સાધકને મળવા માટેની ટૅક નિક કઈ? તો એણે કહ્યું કે કોઈ પણ સાધકને એ સાધક મળવા માટે તૈયાર હોય છે. તમે તમારું નામ અને શા માટે તમે આવ્યા છો, એ લખીને મને આપો. બારણાં નીચેથી હું એ સ્લીપ સરકાવીશ. જો એ (સાધક) ધ્યાનમાં નહિ હોય, અને તમારી સ્લીપ વાંચશે, તો તરત બારણું ખોલશે. પણ ધ્યાનમાં હોય, તો કલાકોના કલાકો નીકળી શકે. મેં કહ્યું વાંધો નહિ; હું તૈયારી સાથે જ આવ્યો છું. એ વૉચમૅને કહ્યું કે સવાર અને સાંજ એ સાધક માત્ર એક – એક લીટર દૂધ લે છે. હું દૂધ ગરમ કરીને એમને આપવા માટે જાઉં; બારણું બંધ હોય. હું ટકોરા મારું. ઘણીવાર એવું બન્યું છે કે કલાકોના કલાકો સુધી સાધક સાધનામાં અને મારું દૂધ ગ્લાસમાં જ રહી જાય. મેં કહ્યું સ્લીપ કે સરકાવો. સ્લીપ સરકાવવામાં આવી. સાધક ધ્યાનમાં ન હતા. એમણે અમારી સ્લીપ વાંચી; તરત જ બારણું ખોલ્યું. હું અંદર ગયો; ફરી બારણું બંધ થઇ ગયું. એમને તો સંપૂર્ણ મૌન હતું. પણ હું પૂછું એનો જવાબ સ્લેટમાં લખીને આપતા. છેલ્લે મેં એમને પૂછ્યું, કે વર્ષોથી તમે આ સાધના કરી રહ્યા છો; what’s your achievements? શું પ્રાપ્તિ તમને થઇ? કેટલી એમની નિખાલસતા… એમણે સ્લેટમાં લખ્યું “अभी तक कुछ भी प्राप्त नहीं हुआ है, लेकिन मुझे लगता है की में उपलब्धि की कगार पर हूँ। ओर प्रभु की कृपा से आत्मानुभूति मुझे शीघ्र ही हो जाएगी। लेकिन अभी तक कुछ भी प्राप्त नहीं हुआ है।” એમના ચહેરા ઉપર એક દિવ્ય તેજ હતું. પ્રાપ્તિની નજીક પહોંચી ગયા હોય અને ચહેરા ઉપર જે તેજ આવે, એ તેજ મેં એમના ચહેરા ઉપર જોયું. અને મેં પણ નક્કી કર્યું કે એ પ્રાપ્તિની નજીક પહોંચી ગયા છે.

સિંહ અણગાર પ્રભુની આજ્ઞા લઈને જંગલમાં એકાંતવાસમાં જાય છે.

ઈલોરા અને અજંતાની જે ગુફાઓ છે, એમાં આપણી જૈન ગુફાઓ પણ છે. અંતરિક્ષ દાદાની યાત્રાએ અમે ગયા, ત્યારે ઈલોરા વચ્ચે આવેલું. એ ઇલોરાના ગુફા સમુહને અમે જોયો. બૌદ્ધ ગુફાઓનો સમૂહ, હિંદુ ગુફાઓનો સમૂહ, અને જૈન ગુફાઓનો સમૂહ. એ ગુફાઓ જોતા એક ઈર્ષ્યા થઇ. ગામથી દૂર – દૂર પહાડની અંદર કોરાયેલ એ ગુફામાં રહેનાર મુનિઓની સાધના કેવી તો સઘન બની હશે. બે – પાંચ – દશ દિવસે બહુ જરૂરત લાગે તો ભિક્ષા માટે નજીકના ગામમાં જાય, બાકી પૂરો દિવસ ધ્યાનની અંદર ખોવાઈ જવાનું.

તો, આપણા પૂર્વના મુનિઓ જંગલમાં જઈને સાધનાને ઘૂંટતા. ગુફાઓમાં જઈને સાધનાને ઘૂંટતા. સિંહ અણગાર સાધનાને ઘૂંટવા માટે જંગલમાં ગયા, એ અરસામાં ગોશા લકે કરેલા ઉપસર્ગને કારણે પ્રભુની કાયા થોડી શિથિલ બની. એ સમાચાર આગળ વધતા વધતા વિકૃત રૂપે સિંહ અણગાર પાસે પહોંચ્યા. રસ્તામાં જતાં કોઈ વટેમાર્ગુ પરસ્પર વાત કરતા હતા, કે ભગવાન મહાવીર તો ગયા. જ્યાં એ શબ્દો સાંભળ્યા, સિંહ અણગાર પહેલી ક્ષણે તો બિલકુલ હતપ્રભ થઇ ગયા. શૂન્યમનસ્ક. પ્રભુ! પ્રભુ ગયા?! અને પ્રભુ ગયા તો અમે શી રીતે જીવશું? આપણા પ્રાણનો આધાર પ્રભુ…

બહુ મજાની એક કાવ્યપંક્તિ છે, ‘તમારા વિનાના પ્રભુ! અમે અમારા વિનાના’ પ્રભુ અમારા અસ્તિત્વમાં તમે ન પ્રગટો, અમારી બાજુમાં તમે ન હો, તો અમારા જીવનનો કોઈ અર્થ નથી. જર્મન કવિ ‘Rilke’ રિલ્કે એ પ્રાર્થનામાં કહ્યું, કે put out my eyes, if that can see you. આપણા કવિ હરીન્દ્ર દવે એ રસળતી ગુજરાતીમાં એનો અનુવાદ આપ્યો : ‘ઠારી દે આ દીપ નયનના તવ દરિશનને કાજ, કાચ નથી જો ખપના’ પ્રભુ! તારું દર્શન આ આંખોથી ન થવાનું હોય, ન થતું હોય, તો આ કાચનો મારા માટે કોઈ મતલબ નથી. દુનિયાને મારે જોવી નથી; પ્રભુ! આ જન્મમાં મારે માત્ર તને જોવો છો.

સુરદાસજી એક પ્રાર્થનામાં કહે છે, जिन आँखिन में नवि रूप बस्यो उन आँखिन से अब देखियो क्या જે આંખોમાં પ્રભુનું રૂપ ઝલક્યું નથી, એ આંખોથી તમે શું જોશો? બહુ મજાની વાત એ છે, કે કાવ્યપંક્તિમાં ભક્તકવિ સુરદાસજીએ પરમરૂપ શબ્દ નથી આપ્યો : जिन आँखिन में नवि परमरूप बस्यो” આ શબ્દો નથી! પણ… जिन आँखिन में नवि रूप बस्यो… એટલે, સુરદાસજીના લયમાં પ્રભુનું રૂપ એ જ રૂપ બાકીનું યા તો કુરૂપ યા અરૂપ. जिन आँखिन में नवि रूप बस्यो उन आँखिन से अब देखियो क्या

અને રહિમે બહુ સરસ વાત લખી : प्रीतम छबि नैनन बसी, परछबि कहां समाय। भरी सराय रहीम लखि, पथिक आप फिर जाय

प्रीतम छबि नैनन बसी, पर-छबि कहां समाय? – પ્રિયતમની છબી… એ પરમ પ્યારા મુનિસુવ્રત દાદાની છબી તમારી આંખોમાં છલકી ગઈ, એ આંખોમાં બીજું રૂપ ક્યાંથી ઝલકશે? ઉપમા પણ મજાની આપી : भरी सराय रहीम लखि, पथिक आप फिर जाय

કોઈ યાત્રિક કોઈ ધર્મશાળામાં જાય છે. મેનેજર પાસે ગયો : બે દિવસ રોકાવું છે ભક્તિ કરવા; એક રૂમ આપો. મનેજર કહે છે કે બધી રૂમો full છે. એક પણ રૂમ તમને આપી શકું એમ નથી. રૂમો બધી ભરાયેલી છે; તો યાત્રિક પાછો જશે. એમ તમારું હૃદય અને તમારી આંખો, તમારું મન પ્રભુથી ભરાયેલું હશે, તો એમાં પરનો સમાવેશ ક્યાંથી થશે?!

અમારી life style આ છે. હૃદયમાં, મનમાં, આંખોમાં, માત્ર ને માત્ર પ્રભુ છે, માત્ર ને માત્ર પ્રભુની આજ્ઞા છે. અને એથી પરનો પ્રવેશ એક મુનિની, એક સાધ્વીની જીવન યાત્રામાં છે જ નહિ.

પાંચમું મહાવ્રત અપરિગ્રહ. પરિગ્રહની બહુ સરસ વ્યાખ્યા થઇ : ‘તમારી ચેતનાનું પરમાં ન જવું એ અપરિગ્રહ.’ અને તમારી ચેતના, તમારું મન પરમાં જાય એ પરિગ્રહ. વસ્ત્ર તો હું પણ પહેરું છું. હું વાપરું છું પાત્રમાં. વસ્ત્ર હોવા છતાં, પાત્ર હોવા છતાં હું અપરિગ્રહી. કેમ? મારા હૃદયમાં, મારી ચેતનામાં, મારા મનમાં, મારી આંખોમાં બીજા કોઈનો પ્રવેશ નથી. Can you do this?

હું જ જવાબ આપું… you can do this but if you desire. અને ઝંખના તો છે જ; તમારી આંખોમાં દેખાય છે. વહેલી સવારે આવી ગયા છો. એક ઝંખના… એક વાત ખ્યાલમાં રાખો. યશોવિજય નામની ઘટનાને પ્રભુએ લુપ્ત કરી નાંખી છે; વર્ષો પહેલાં. મારા વ્યક્તિત્વને પ્રભુએ લઇ લીધું અને અસ્તિત્વની દુનિયામાં મારો પ્રવેશ કરાવ્યો. એટલે યશોવિજય નામની સંઘટના તો હવે છે જ નહિ. અને યશોવિજય નથી; તો બોલે કોણ?!

એટલે હું વારંવાર કહું છું I have not to speak a single word; he has to speak. અને એ બોલે તો કેટલી મજા આવે! He has to speak. એ બોલે તો કેટલી મજા આવે! સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ. એટલે યશોવિજયને સાંભળવા આવતાં નહિ.

પ્રભુના પ્યારા પ્યારા શબ્દોથી હૃદયને ભીંજવવું છે. પહેલાં ભીનાશ પછી વિતરાગદશા. આ ક્રમમાં આપણે ચાતુર્માસમાં ચાલવું છે. પહેલા અહોભાવથી હૃદયને, મનને, અસ્તિત્વને ભરી દેવું છે. અને એ પછી વિતરાગદશાથી, પરમસમભાવથી પરમઉદાસીનદશાથી વ્યક્તિત્વને ભરી દેવું છે. વ્યક્તિત્વનું અસ્તિત્વમાં રૂપાંતરણ એ આપણું અવતાર કૃત્ય છે.

વ્યક્તિત્વ એટલે શું? વરસાદનો એક પોરુ, એક જલબિંદુ. એનું ભવિષ્ય કેટલું? એ ધૂળમાં પડે, શોષાઈ જાય, ચુસાઈ જાય, ખતમ થઇ જાય. પણ એ જલબિંદુ દરિયા ઉપર પડે તો? એ એના વ્યક્તિત્વને ગુમાવશે. પણ અસ્તિત્વને પામશે.

કોઈ કહે કે હમણાં પેલું વરસાદનું બિંદુ દરિયામાં પડ્યું, એને પાછું લાવો તો… it is impossible. કારણ એ વર્ષાના બિંદુએ સમુદ્રમાં પડતાની સાથે પોતાની identity ખતમ કરી દીધી. વ્યક્તિત્વનું અસ્તિત્વમાં રૂપાંતરણ ત્યારે થાય કે જ્યારે તમે identity less થઇ જાઓ. You are the bodyless experience, you are the nameless experience, you are the mindless experience. You are the identity less experience. સ્થૂળ ની identity ખતમ કરો; પરમ ચેતનામાં તમારું મિલન થશે. યશોવિજયે પોતાની identity ખતમ કરી. એટલે પરમ ચેતના એને મળી.

સદ્ગુરુને હું બારી જેવા કહું છું. એક બારીની identity શું? લોખંડ ની grill છે કે સ્ટીલની grill છે – એ કંઈ બારીની ઓળખ નથી. તમે છત ની નીચે છો, ભીંતોની વચ્ચે છો, ત્યારે અસીમ અવકાશ જોડે તમને જોડી આપે તે બારી. ક્યારેક કબાટ અને બારી બહારથી સરખા લાગતા હોય. તમે ખોલો અને ભીંત, તો કબાટ. તમે ખોલો અને કાંઈ જ નથી, તો બારી! બારી એટલે ખાલીપન. સદ્ગુરુ એટલે પરમ ખાલીપન. પરમ રીતાપન. પરમ વિભાવશૂન્યતા. એ વિભાવશૂન્યતાના અવકાશમાં પરમચેતનાનો અવકાશ ઉતરે છે. એ જ લયમાં આપણે સદ્ગુરુને પરમાત્મા કહીએ છીએ. કારણ? એમના હૃદયમાં એ છે જ નહિ. એમને હૃદયને totally vacant કરી નાંખ્યું. એ vacancy માં પ્રભુનું અવતરણ થયું, તમારી ભીતર પણ પ્રભુનું અવતરણ શક્ય છે.

જોઈએ ભાઈ?! પ્રભુ તમારી ભીતર અવતરે! પ્રભુનું પ્રાગટ્ય તમારી ભીતર… કેટલી મજા આવી જાય બોલો… પછી તમને અહીં બેસાડી દઉં! પ્રભુનું પ્રાગટ્ય તમારી ભીતર બહુ જ શક્ય છે. કારણ? ઈચ્છે છે.

પ્રભુ તમારી ભીતર અવતરિત થવા ઈચ્છે છે. અને એટલે પ્રભુ સદ્ગુરુને મોકલે છે. કે મારે આ ઘાટકોપરવાળાના હૃદયમાં અવતરિત થવું છે. એટલે initial સ્ટેજનું કામ તું કરી નાંખ. પરમચેતના અને ગુરુચેતનામાં કામો વહેંચાયેલા છે. initial સ્ટેજનું કામ ગુરુચેતના કરશે. પછીનું કામ પરમચેતના કરશે. ગુરુ ચેતના શું કરશે? તમને ખાલી બનાવશે. તમારો રાગ, તમારો દ્વેષ, તમારો અહંકાર શિથિલ કેમ બને એની ગુરુ તમારા ઉપર બહુ જ મોટી કૃપા કરશે.

એક ગ્લાસ ટોચ સુધી ધૂળથી ભરાયેલો છે, એમાં પાણી નાંખો તો શું થાય? સિવાય કે કીચડ. એમ હૃદય રાગ, દ્વેષ અને અહંકારની ધૂળથી ભરાયેલું હોય… પ્રભુ તો સતત વરસ્યા કરે છે, પ્રભુની કૃપાનું, પ્રભુના પ્રેમનું એ જળ એ હૃદયમાં કદાચ આવશે તો પણ શું થશે? એટલે સદ્ગુરુ તમારા હૃદયના પાત્રને ખાલી કરે છે. એ ગ્લાસ અમારે સાફ કરવાનો. મારું ચોમાસાનું આખું કામ તમને ખ્યાલમાં આવી ગયું ને! મારે તમારા હૃદયને ખાલી કરવાનું છે. એક વચન આવ્યું; પરમચેતનાનું : empty thy vessel and I will fill it. તારા હૃદયના પાત્રને ખાલી કરી નાંખ; હું એને ભરી આપીશ. પણ અહીં તો એથી પણ વધારે આગળની પ્રક્રિયા થઇ. ગુરુ કહે છે કે તું ખાલી નથી થઇ શકતો, હું તને ખાલી કરી દઉં ચાલ!

ખાલી તમને અમે કરી દઈએ, પરમાત્મા તમને ભરી દે, બોલો જલસો ખરો કે નહિ તમારે! તૈયાર એના માટે? તો સદ્ગુરુ ચેતના આપણને ખાલી કરવા મથે છે. અને એ ખાલીપો થાય, પરમ ચેતના તમારી ભીતર અવતરે એટલે તમારા વ્યક્તિત્વનું અસ્તિત્વમાં રૂપાંતરણ થઇ જાય. હવે તમે હાડમાંસનું શરીર ન રહ્યા; તમે દિવ્ય જ્યોતિ સ્વરૂપ બની ગયા. તમે આનંદઘન બની ગયા! આનંદઘનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલા થયા. પણ તમે બધા કોણ છો? તમે બધા આનંદઘન છો. બોલો અત્યારે આનંદઘન કે પીડાઘન?

મારું પ્રવચન આ જ રીતે ચાલશે. તમારી જોડે મારે વાતો કરવી છે. એક કલાક માટે મળી જાઓ તમે તો મજાની વાતો કરી લઈએ અને તમારા હૃદયમાં કંઈક મૂકી શકાય તો મૂકી દઈએ. તો તમે આના માટે તૈયાર છો? આટલી મોટી ઘટના આ જન્મમાં થવાની છે. અગણિત જન્મોની અંદર જે ઘટના ઘટી નથી એ ઘટના આ જન્મમાં ઘટિત થઇ શકે એમ છે. તૈયાર?

એક વિરાટ ઘટના… વિરાટનું તમારી ભીતર અવતરણ… તમે પછી સામાન્ય મનુષ્ય રહેતા નથી. તમે આનંદઘન છો, તમે દિવ્ય જયોતિ છો, હું સંપૂર્ણતયા પૂર્ણ છું. પૂર્ણ છું.

પૂર્ણતાની વ્યાખ્યા શું? જેને કશું જ ન જોઈએ – એ પૂર્ણ છે. મારા શરીરને રોટલી – દાળ જોઈએ છે. શ્રી સંઘ એને આપે છે. પણ આને જોઈએ છે, મને નહિ. મને કશું જ નથી જોઈતું. જે ક્ષણે પ્રભુ મળ્યા – મારું life-mission પૂરું થઇ ગયું. વ્યક્તિત્વનું અસ્તિત્વમાં રૂપાંતરણ થઇ ગયું. અને જ્યારે તમે અસ્તિત્વમાં ફેરવાઓ છો ત્યારે તમે totally choiceless થઇ જાઓ છો. પછી કોઈ ઈચ્છા રહેતી નથી. તમે વ્યક્તિત્વના રૂપમાં છો – અપૂર્ણના રૂપમાં – ત્યાં સુધી ઘણી બધી ઈચ્છાઓ થવાની… આ જોઈએ… આ જોઇએ.. આ મળે તો હું પૂર્ણ થાઉં…. પણ અમે લોકો સંપૂર્ણતયા પૂર્ણ છીએ, કશું જ જોઈતું નથી. બસ પ્રભુએ કહ્યું છે કે મારી આજ્ઞા છે તને સિદ્ધિ થઇ તારે વિનિયોગ કરવાનો છે. એટલે હું બોલું છું એ પણ પ્રભુની આજ્ઞાને કારણે… There is no other reason. તો અમે લોકો પૂર્ણ છીએ, એ પૂર્ણતાનો અનુભવ આછેરો અમારા ચહેરા ઉપરથી થશે. સતત પ્રસન્નતા હોય છે. ever fresh, ever green.

(તમારે) કંઈક જોઈએ છે; મળતું નથી (તો) mood less થઇ ગયા, મળી ગયું (તો) સાચવવાની ચિંતા… ઘણા અબજોપતિ મારી પાસે આવે છે. એમને રાત્રે ઊંઘ નથી આવતી. Call bell વાગે અને હૃદયની ધડકન વધી જાય – IT વાળા આવ્યા કે ED વાળા આવ્યા? કોણ આવ્યું!

તમને બધાને પૂર્ણ બનાવીને મારે અહીંથી નીકળવું છે. જો કે મારે નીકળવાનો સમય નક્કી છે પાછો…. હું કાર્તિક સુદિ ૧૫ પછી એક દિવસ રોકાવાનો નથી. પણ ત્યાં સુધીમાં મારી ઈચ્છા છે કે તમને બધાને પૂર્ણ બનાવી દઉં. કારણ કે તમારી ભીતર પૂર્ણતા છે જ… હું જોઈ રહ્યો છું. તમારી ભીતર આનંદઘનતા છે જ… હું જોઈ રહ્યો છું. પીડાઘન કેમ થયા? ઇચ્છાઓના કારણે. જ્યાં ઈચ્છાઓ ગઈ, તમે આનંદઘન! અમારી પાસે તમે આવો… સાહેબજી કામકાજ? સાહેબજી સેવા? ભાઈ કઈ સેવા! કંઈ કામ જ નથી… અંદર બેઠેલા છીએ; તારે અંદર બેસવું હોય, તો આવી જા!

તો, સિંહ અણગાર જ્યાં સમાચાર સાંભળે છે, કે પ્રભુ ગયા… છાતીફાટ રડે છે. મારા પ્રભુ ગયા?! અને મારા પ્રભુ ગયા તો હું જીવીશ કઈ રીતે? મારો પ્રાણ ગયો. હવે ખાલી ખોખા જેવું શરીર રહ્યું મારું… મારો પ્રાણ પ્રભુ છે. પ્રભુ પોતાના કેવલજ્ઞાનમાં આ દ્રશ્યને જોવે છે. પ્રભુએ તરત જ ગૌતમસ્વામીને બોલાવ્યા…. ગૌતમ! અહીં આવ. સિંહ અણગાર સાધના કરવા ગયો છે ત્યાં બે મુનિરાજો ને તરત મોકલો. અને મુનિરાજો એ કહેવાનું – સિંહ અણગારને – કે પ્રભુ તમને યાદ કરે છે; ચાલો જલ્દી. એને સમાચાર એવા મળ્યા છે, કે હું હવે નથી. જલ્દી મોકલો. બે મુનિઓ સિંહ અણગારને ત્યાં જાય છે, સિંહ અણગાર દૂરથી મુનિઓને આવતાં જોવે ત્યાં તો ધ્રાસકો પૂરો પડ્યો, આ સમાચાર આપવા અને મને લેવા આવ્યા છે કે પ્રભુ નથી. ત્યાં જ બે મહાત્મા આવી ગયા. સિંહ અણગાર ને વંદન કર્યું, અને કહ્યું કે પ્રભુ આપને બોલાવે છે.

“પ્રભુ બોલાવે છે?! એટલે પ્રભુ છે?!”

“અરે છે એમ નહી; દેશના આપી રહ્યા છે પ્રભુ.”

“એમ! મારા પ્રભુ છે! બસ તો મારું જીવન છે…”

ભક્તની આ ભૂમિકા. પહેલા આપણે ભક્તની ભૂમિકાને પ્રાપ્ત કરી સાધકની ભૂમિકામાં જઈ, સાધનાના ઊંડાણને પામવું છે. ભક્તના હૃદયની આ ભૂમિકા. પ્રભુ છે તો હું છું. એ છે તો હું છું. ભક્તની dictionary માં, ભકતના વ્યાકરણમાં હું અને તે બે જ છે. બીજું કાંઈ નથી. ત્રીજો પુરુષ એકવચન ‘તે’ અને પહેલો પુરુષ એકવચન ‘હું’. તે એટલે પરમાત્મા અને હું, ‘હું’ નું બિંદુ ‘તે’ ના મહાસાગરમાં ભળી જાય, વ્યાકરણ પૂરું. ભક્તિ પૂરી! આટલું જ તો નાનકડું કામ કરવાનું છે. જીવનનું આ બિંદુ અગણિત વાર સંસારની રેત ઉપર પડ્યું અને ખતમ થઇ ગયું. આજે પહેલીવાર તમને એવો એક અવસર મળ્યો છે કે જીવનના બિંદુને તમે પરમના સિંધુમાં મેળવી શકો.

સંત કબીરજી ને એક ભક્તે પૂછેલું, કે અમારું life mission શું હોઈ શકે? ત્યારે કબીરજીએ બહુ મજાનું સૂત્ર આપ્યું : बुंद समाना समुंद में. કબીરજી પેલા ભક્તને આખું જે એનું life mission સમજાવી રહ્યા છે. बुंद समाना समुंद में. જીવનના બુંદને પરમાત્માના સમુદ્રમાં સમાવવું એ અવતાર કૃત્ય. बुंद समाना समुंद में.

પછી શું થાય? તમે તમારા જીવનના બુંદને પરમાત્માના સમંદરમાં ભેળવી દો, વિલીન કરી દો, પછી શું થાય? બીજું સૂત્ર આપ્યું : समुंद समाना बुंद में . પછી બિંદુ એ બિંદુ નથી રહેતું, એ સમુદ્ર બની જાય છે. સમુદ્રના તમામ ગુણધર્મો એ બિંદુમાં હોય છે. એટલે समुंद समाना बुंद में. તમે તમારા જીવનનું બિંદુ પરમાત્માને આપો. પરમાત્મા આખા ને આખા તમારામાં આવે છે.

કલાપૂર્ણસૂરિ દાદાને આપણે જોયેલા. એમની નાનકડી કાયામાં પરમચેતનાને લહેરાતી આપણે જોઈ છે. શું થયેલું? પહેલા बुंद समाना समुंद में. જીવનનું બિંદુ પરમાત્માની આજ્ઞા ને પરમાત્માને સોંપી દીધું. પ્રભુ! તારી ઈચ્છા હોય ત્યાં…

દાદાએ એક જગ્યાએ લખ્યું છે કે પ્રવચન આપવા જવાનું હોય, ત્યારે હું કોઈ પુસ્તક વાંચીને જતો નથી. કોઈ નોટ વાંચીને જતો નથી. પ્રભુને પ્રાર્થના કરીને જાઉં છું કે પ્રભુ જેવું શ્રોતાવૃંદ હોય એવી જ વાણી આ કંઠેથી નીકળે એવું તું કરજે. અને પછી દાદા કહેતા મારે ક્યાં બોલવું છે પ્રભુ! તારે જ બોલવાનું છે. તો દાદાએ જીવનનું બિંદુ પરમાત્માને સોંપ્યું તો શું થયું? समुंद समाना बुंद में . પરમચેતનાનો સમંદર એ નાનકડી કાયામાં લહેરાવા લાગ્યો.

એકવાર એક મહાત્માએ મને પૂછેલું કે કલાપૂર્ણસૂરિ દાદા મુંબઈ નહોતા ગયા, બહારથી જ નીકળી ગયેલા. અમારો સિદ્ધિસૂરિ મ.સા નો સમુદાય, કલાપૂર્ણસૂરિ દાદાનો સમુદાય – અમે લોકો મુંબઈ નહોતા આવતાં. પરંપરાથી…. પણ પાલીતાણામાં જયારે હું હતો, ત્યારે અમે દાદાને વિનંતી કરી કે સાહેબ હવે તો એવું કંઈ કારણ નથી કે મુંબઈ ન જવું. મુંબઈ તો અહોભાવની નગરી છે. દાદાએ છૂટ આપી કે મુંબઈ જાઓ હવે. અને પછી મુંબઈ અમારું ચાલુ થયું. તો દાદા મુંબઈ આવેલા નહી. બહારથી નીકળ્યા. દોઢ લાખ માણસ સડકો ઉપર સાહેબને જોવા માટે એકઠું થયું. પોલીસ ઇન્સ્પેક્ટર વિચારમાં પડી ગયો આ કોણ છે?

એક મહાત્માએ મને કહ્યું કે દાદાનું mission કેટલું સરસ ચાલતું હતું અને દાદા mission ને અધવચ્ચેથી છોડીને ચાલ્યા ગયા. ત્યારે મેં કહ્યું દાદાનું mission તો ક્યારનું એ પૂરું થઇ ગયું. જે ક્ષણે પરમાત્મા મળ્યા, ‘સમુંદ સમાના બુંદ મેં’ થયું, એ સમયે દાદાનું અવતારકૃત્ય પૂરું થઇ ગયું. પછી તો પ્રભુનું mission ચાલતું હતું. પ્રભુ કહેતાં હતા કે જે મને મળે, જે મારામાં પોતાની ચેતનાને વિલીન કરી દે – એને બહારથી અને ભીતરથી કેવો ચમકાવું છું જોઈ લો તમે…

તમે વેપારી sample રાખો ને બધા! એમ પ્રભુએ આ sample રજુ કર્યું! કે જે મને મળે છે એને બહારથી અને ભીતરથી કેવો ચમકાવું દઉં છું! ભીતરથી ગુરુદેવ સ્વમાં પહોંચી ગયેલા; સ્વ પ્રતિષ્ઠિત મહાપુરુષ હતા. અને બહારથી એમનો પ્રભાવ એક શ્રેષ્ઠ મહાપુરુષ જેવો હતો. તો પ્રભુનું mission ચાલતું હતું. કારણ? સદ્ગુરુ પાસે એક સંમોહન હોય એ જરૂરી છે. તમને પહેલા ખેંચવાના ને, પહેલા દરિયાકાંઠે લાવવા પડે, તમે આવી ગયા, પછી એક ધક્કો મારીને દરિયામાં પાડી દઈએ! પણ પહેલા દરિયાકાંઠે લાવવા પડે ને, એના માટે સદ્ગુરુનું વ્યક્તિત્વનું સંમોહન અને સદ્ગુરુના શબ્દોનું સંમોહન. અમારું વ્યક્તિત્વ નિર્મળ હોવાને કારણે તમારું ખેંચાણ થવાનું. અને શબ્દોમાં અનુભૂતિ ઉતરેલી હોવાને કારણે શબ્દોનું પણ એક સંમોહન રહે છે. અનુભૂતિ વગરના શબ્દો ખાલી ખાલી શબ્દો લાગે. અને અનુભૂતિવાન મહાપુરુષ જયારે બોલે ને ત્યારે આપણને જલસો થઇ જાય.

આનંદઘનજી ભગવંતે સ્તવનો આપ્યા – આપણા માટે જલસો થઇ ગયો. આનંદઘનજી ભગવંતે સ્તવનો લખ્યા નથી, લખાવ્યા નથી. તો આપણી પાસે શી રીતે આવ્યા? એક નિર્જન જંગલમાં દેરાસર આવેલું, ત્યાં આનંદધનજી ભગવંત ગયા. આમ પણ સાહેબજી જંગલમાં જ રહેતા. આદેશ્વર દાદાની મૂર્તિ. અને પરાવાણી શરુ થઇ. ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો’ આપણું સદ્ભાગ્ય એ રહ્યું કે એ જ વખતે એક મહાપુરુષ ત્યાં આવી ગયા. એ તો ચમકી ગયા કે આ તો પરાવાણી છે! એમણે એ પરાવાણી note કરી લીધી. અને પછી આપણને મળી.

તો, અનુભૂતિવાન મહાપુરુષના શબ્દો મળે એટલે સાધકને જલસો જ જલસો. તો, સદ્ગુરુ પાસે બે સંમોહન છે. અમારો ચહેરો છે ને હસતો જ રહેવાનો, એનું પણ કારણ છે.

કોઈ છોકરાને ગુમડું થયેલું હોય અને ઓપરેશનના નામથી ગભરાતો હોય… એના uncle જ ડોક્ટર છે, uncle એ એના ગુમડાને જોયું કે આને ચીર્યા વગર તો ચાલે એમ નથી. પણ આ છોકરો ચીરાવે એમ નથી. Uncle છે… હાથમાં ખુલ્લું ચપ્પુ લઇ દીકરાની પાસે ગયા, કેમ છે? શું ભણે છે? અને એમ કરતા કરતા એકદમ હસતો ચહેરો, પેલાને કંઈ ખબર પણ ન પડે સીધું ચપ્પુ કાઢીને આમ ચેકો મારી દીધો. ગુમડું ફૂટી ગયું.

એમ અમારે પણ તમારું ઓપરેશન કરવાનું છે! મારે તો છે ને heart transplantation અને mind transplantation કરવું છે – હું એનો નિષ્ણાત છું! સમાજે આપેલું હૃદય, સમાજે આપેલું મન તમારી પાસે છે. પ્રભુએ આપેલું મન, પ્રભુએ આપેલું હૃદય તમને મળી જાય એના માટે mind transplantation operation અને heart transplantation operation પણ હું કરું. નહીતર એક કેમ્પ રાખી દઈશું જાહેરમાં!

તો, ગુરુના વ્યક્તિત્વનું એક સંમોહન હોય છે, અને શબ્દોનું સંમોહન હોય છે. ગુરુને શબ્દો કહેવા નથી. શબ્દો મારી વિવશતા છે. હું એમ કહું કે ૭.૩૦ થી ૮.૩૦ તમે આવજો. હું સુધર્મા પીઠ ઉપર બેસીશ તમે સામે બેસજો…. તમે એકેય આવવાના નથી. હું કહું કે હું વ્યાખ્યાન આપીશ, વાચના આપીશ – તો તમે આવશો. ચાલો, અમને વાંધો નથી… સંમોહન પણ ગુરુનું છે ને દરિયાના કાંઠે તો આવી ગયા ને!

તમને ખ્યાલ છે તમે નજીક આવો એટલે ગુરુ શું કરે? તમે આંગળી આપો ને, તો પહોંચો પકડે. પહોંચો આપો તો હાથ પકડે. અને તમે હાથ આપો ને તો આખા ને આખા ગયા! કેવી મજા આવે પછી… એકવાર અનુભવ તો કરવો જ છે… ચેતનાને પ્રભુમય, સદ્ગુરુમય બનાવવી જ છે.

સિંહ અણગાર કહે છે કે પ્રભુ છે! પ્રભુ પાસે આવ્યા… પ્રભુનું દર્શન કરે… વંદન કરે… ધ્રુસકે ધ્રુસકે રડે… તીર્થંકર ભગવંતોનું શરીર એવું ને એવું કાયમ માટે રહે. શરીરમાં શિથિલતા આવે નહિ. પણ આ એક અચ્છેરૂ થયું કે ગોશાલકના ઉપસર્ગના કારણે પ્રભુને તકલીફ વધારે થઇ અને થોડું શરીર કૃશ પણ થયું. તો પ્રભુને જોઇને આનંદ થયો. પણ પ્રભુનું સહેજ દુબળું થયેલું શરીર જોયું; આંખમાંથી પાછી આંસુની ધાર… મારા પ્રભુ! એમનું શરીર આવું!

મારા પ્રભુ… નવરોજી લેનવાળાને કોઈ પૂછે તમારા ત્યાં કયા ભગવાન છે તો કહે કે મુનિસુવ્રત દાદા… પણ તમારા મનમાં શું હોય… મારા દાદા…. મુનિસુવ્રત દાદા નહિ, મારા દાદા. પ્રભુ સાથે એક attachment તમારું કરવું છે, મારા પ્રભુ… મારા સદ્ગુરુ…. મારા પ્રભુનું શાસન… આ એક shortest cut છે.

તમને તો એ જ ગમે ને… shortcut હોય તો ગમે… પણ shortest cut હોય તો? તો તો બહુ જ ગમે….. મારું ઘર, મારો પરિવાર, મારો કારોબાર – આ ધારા અનંતા જન્મોથી ચાલી આવી છે. એનો છેદ કેવી રીતે ઉડાડવો? shortest cut આ. મારા પ્રભુ… મારા સદ્ગુરુ… મારા પ્રભુનું શાસન…. તો મારાપણાને બદલી નાંખો…

તો સિંહ અણગાર પ્રભુના ચરણોમાં છે, પ્રભુ પ્રેમભરી નજરથી સિંહ અણગારને જોવે છે. સાંભળેલી કથા છે; પણ એ સાંભળેલી કથાના unknow angle ને ખુલ્લા કરવા છે. આવતી કાલે આપણે જોઈશું કે પ્રભુની ભક્તવત્સલતા, ભક્તો પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે…. વિતરાગ પરમાત્મા, અને ભક્તો પ્રત્યે પ્રેમવાળા! કઈ રીતે હોઈ શકે? આવતી કાલે જવાબ મળશે…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *