Anandghanji Na Sathvare – Vachana 03

2.2k Views 29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુ શરણાગતિ

ગુરુ નક્કી કરતાં પહેલા બુદ્ધિ રાખજો પણ એકવાર ગુરુ નિશ્ચિત થઇ ગયા, પછી બુદ્ધિને resign કરી દેજો. પછી બુદ્ધિ જોઈએ જ નહિ. પછી ન બુદ્ધિ, ન અહંકાર, માત્ર સમર્પણ.

ઊંચી કક્ષાના અનેક સદ્ગુરુઓ હોય, પણ એમાંથી તમારા સદ્ગુરુ કયા? – એનો સરસ માપદંડ આપ્યો છે. જે સદ્ગુરુ પાસે તમે જાવ અને જતાંની સાથે જ તમારું હૃદય આનંદમગ્ન થઇ જાય; ખીલી ઊઠે – તે તમારા જન્માંન્તરીય ધારાના સદ્ગુરુ…

સદ્ગુરુના શબ્દો એ તો સ્થૂળની યાત્રા છે. સૂક્ષ્મની યાત્રામાં જવા માટે સદ્ગુરુની ઊર્જામાં બેસવું જોઈએ. આંખો બંધ અને મનમાં સદ્ગુરુ પ્રત્યેનો અપાર બહુમાનભાવ… સદ્ગુરુની ઊર્જા તમારા તરફ વહેવા લાગશે અને તમે એ ઊર્જાને બરાબર સ્વીકારી શકશો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૦૩

એક મજાની ઘટના યાદ આવે. તિબેટમાં રાતોરાત ચીનનું આધિપત્ય છવાઈ ગયું. એ વખતે ચીનના લોકોએ જે ભિક્ષુઓ રહેલા, એમને પકડી લીધા. તિબેટના સર્વોચ્ચ ગુરુ દલાઈ લામા રાતોરાત નીકળી ગયા; ભારત આવી ગયા અને ભારતમાં એમને રાજ્યાશ્રય આપવામાં આવ્યો. જે ભિક્ષુઓ પકડાઈ ગયા, એમને અપાર યાતનાઓ આપવામાં આવી. મચ્છરથી ભરેલી બેરેકમાં રહેવાનું. અપૂરતું ભોજન. અને સહેજ ભૂલ થાય, તો હન્ટર નો વરસાદ. ૧૮ વર્ષ લાગલાગટ જેલમાં ભિક્ષુઓને રહેવું પડ્યું, કોઈ પણ અપરાધ વિના. માત્ર એ બૌદ્ધ ભિક્ષુઓ હતા – એ કારણસર જ એમને પકડવામાં આવેલા. ૧૮ વર્ષે ચીનનો બહુ મોટો ઉત્સવ આવ્યો. બધા જ કેદીઓને છોડવામાં આવ્યા અને એમાં આ બૌદ્ધ ભિક્ષુઓને પણ છોડવામાં આવ્યા.

એક ભિક્ષુ તિબેટથી સીધો ભારત આવ્યો. પોતાના ગુરુના ચરણોમાં… ગુરુની પાસે આવ્યો, સદ્ગુરુને જોયા, ચરણોમાં પડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પીડાના આંસુ નહોતા. આંસુ આનંદના હતા કે ગુરુદેવ! ૧૮ – ૧૮ વર્ષે પણ તમારું દર્શન મને મળી ગયું. સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ એક જ જો તમારી પાસે છે, તમારે કશું જ કરવાની જરૂર નથી. પ્રભુની આજ્ઞા તમારી પાસે કઈ રીતે આવે? વાયા સદ્ગુરુ જ આવે. આ મુનિવરો સંસ્કૃત અને પ્રાકૃત ભણેલા છે. આ સાધ્વીજીઓ બધી જ ભણેલી છે. પણ એમને એ અધિકાર નથી કે શાસ્ત્રો વાંચીને કે આગમ ગ્રંથો વાંચીને પોતાના માટે કોઈ સિદ્ધાંત એ નક્કી કરી શકે. એમને જે પણ આજ્ઞા આપવામાં આવશે એ સદ્ગુરુ દ્વારા જ આપવામાં આવશે.

(પેલો ભિક્ષુ) સદ્ગુરુના ચરણોમાં ધ્રુસકે ધ્રુસકે રડે છે. બસ, ગુરુદેવ! આપ મળી ગયા, હવે કંઈ બાકી રહેતું નથી. સીડી મળી ગઈ; first floor ક્યાં દૂર છે! પગથિયાં ચડાઈ ગયા, first floor મળી ગયો. થોડીવાર સદ્ગુરુના ચરણોમાં એ બેસી જ રહ્યો.

એક બહુ મજાની વાત તમને કરું. સદ્ગુરુના શબ્દો એ તો સ્થૂળની યાત્રા છે. સૂક્ષ્મની યાત્રામાં તમારે જવું હોય, તો સદ્ગુરુની ઉર્જામાં બેસવું જોઈએ. સદ્ગુરુ બેઠેલા છે; ધ્યાન કરે છે, જાપ કરે છે, સ્વાધ્યાય કરે છે… તમે બેસી જાઓ, આંખો બંધ છે તમારી. મનમાં સદ્ગુરુ પ્રત્યેનો અપાર બહુમાનભાવ ભરેલો છે. બસ સદ્ગુરુની ઉર્જા તમારા તરફ આવશે અને તમે એ ઉર્જાને બરાબર સ્વીકારી શકશો. ૭૫ વર્ષનું સંયમી જીવન જેમનું હોય એવા ગુરુદેવ – ગચ્છાધિપતિ રાજેન્દ્રસૂરી મહારાજ જેવા ગુરુદેવ – તમે એમના ચરણોમાં બેઠા… ૭૫ વર્ષની એમની દીક્ષાની જે સાધના હતી, અને એ સાધના દ્વારા એમણે જે ઉર્જા પ્રાપ્ત કરેલી, એ ઉર્જા તમને આપી દે.

ગુરુદેવ અરવિંદસૂરિ મ.સા. ની નિશ્રામાં અમારું ચાતુર્માસ સૂઇગામમાં હતું; કચ્છની બનાસકાંઠા ની બોર્ડર ઉપર. હિંદુ ભાઈઓ પ્રવચનમાં ઘણા બધા આવતા. એક વાર એ હિંદુ ભાઈઓને મેં કહ્યું કે ઉપાશ્રયમાં ગુરુદેવ અરવિંદસૂરિ દાદા બિરાજમાન છે. ક્યારેક તમે ત્યાં જજો. દાદા જે કરતા હોય તે કરે; તમારે એમને disturb નહિ કરવાના. માત્ર બેસી જવાનું. અઠવાડિયા પછી એ લોકોએ મને કહ્યું – હિંદુ લોકોએ… કે સાહેબ! એક મહિનાના પ્રવચન દ્વારા જે નથી મળ્યું એ દાદાની પાસે એક દિવસ બેસવાથી મળ્યું! કેટલાંયના વ્યસનો છૂટી ગયા! દાદાએ કશું જ નથી કહ્યું નથી, પણ દાદાની ઉર્જા જ્યાં તમે સ્વીકારી, જીવન પરિવર્તન થયા વગર રહે જ નહિ. સદ્ગુરુ કેટલું બધું તમને આપે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ જ વાત કરવી છે કે સદ્ગુરુએ આપણને શું આપ્યું? એ ન હોત, તો આપણે ન હોત. સદ્ગુરુ ન હોત તો યશોવિજય ક્યાંથી હોત.

યશોવિજય પાસે દીક્ષાની કોઈ સજ્જતા નહોતી. હું કેમ આવી ગયો… બહુ મજાની ઘટના છે. ૭ વર્ષની વયમાં મને ટાઈફોઈડ થઇ ગયો. અમારું ગામ ઝીંઝુવાડા નાનકડું; મેડીકલ સર્વિસ એટલી સારી નહિ. બાજુમાં town ખારા–ગોડાની હોસ્પીટલમાં મને એડમીટ કરવામાં આવ્યો. એ વખતે Chloramphenicol drugs હતી નહિ. એટલે આડી – અવળી દવાઓ અપાતી. સાત અઠવાડિયા હોસ્પીટલમાં થયા. તાવ મચક ન આપે. શરીર હાડપિંજર જેવું થઇ ગયું. માઁ ની આંખમાં આંસુ – મારો દીકરો જીવશે કે નહિ જીવે? અને એ વખતે ભક્તિમતિ માઁએ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ! દીકરો રહે એવું લાગતું નથી; પણ દીકરો જીવી ગયો, તો તારો. દીકરો જીવી ગયો, તો તારો!

પ્રાર્થના કેટલી તો fastest work કરે છે. હું ઘણીવાર કહું કે તમે switch on કરો, અને પંખો ફરફરી ઉઠે, કે લેમ્પ જલી ઉઠે, એમાં પણ વચ્ચે પ્રતિ – પ્રતિ સેકંડ લાગે છે. પ્રાર્થના on that very moment, activate થાય છે. હૃદયના ઊંડાણથી તમે પ્રાર્થના કરી; તમારી પ્રાર્થના એ જ ક્ષણે સ્વીકારવામાં આવશે. પ્રાર્થનાનું વાવાઝોડું આજે ભારત કરતા અમેરિકા અને આફ્રિકાના અંધારઘેરા ખંડમાં વધુ છે. પાર્થના પ્રભુને કરો અને સર્વ શક્તિશાળી પ્રભુ તરત જ એ કાર્યને સાકાર બનાવી દેશે. મારા જીવનનો તો અનુભવ છે. 69 years દિક્ષાના થયા. એક ક્ષણ એવી નથી આવી, કે ક્યારેક મૂંઝવણ થઇ હોય! અને એટલે જ હું ઘણીવાર કહેતો હોઉં છું, કે પ્રભુએ પોતાની air conditioner હથેળીમાં મને રાખ્યો છે. પણ તમને ય રાખે, હોં! માત્ર મને જ રાખે એમ નહિ, તમને પણ રાખે. પ્રભુ તૈયાર છે.

પહેલાં પણ મેં કહેલું કે પ્રભુ તમને ઉત્કટ કક્ષાનો પ્રેમ આપવા તૈયાર છે. પ્રભુ તમારી ભીતર અવતરિત થવા તૈયાર છે. અને એટલે પ્રભુ જ સદ્ગુરુ ચેતનાને મોકલે છે. સદ્ગુરુ ચેતના તમારા સુધી કેમ આવે? કોઈ પણ અનુભૂતિવાન વ્યક્તિ હોય, એને શબ્દોની દુનિયામાં આવવું કેટલું તો અઘરું પડે! તમે અનુભૂતિની દુનિયામાં ખોવાઈ ગયા, આનંદની દુનિયામાં – પછી શબ્દોની દુનિયામાં શી રીતે આવી શકાય? પણ પ્રભુની આજ્ઞા કે મારે આ લોકોના હૃદયમાં અવતરિત થવું છે. મારો જે દિવ્ય પ્રેમ છે, એની અનુભૂતિ મારે આ લોકોને કરાવવી છે. તમે જાઓ અને એ initial સ્ટેજનું કામ કરી આવો. પ્રભુએ અમને મોકલ્યા છે.

હવે મારું કામ તો રોજ ચાલુ જ રહેવાનું! તમે આવો – ન આવો એ તમારા તરફ ખુલતી વાત છે; મારું કામ તો રોજ ચાલુ રહેવાનું. અને તમારા બધાના ચહેરાઓને જોતા લાગે કે મારું કામ ૧૦૦% નહિ, ૧૦૫% success જવાનું. જે જિજ્ઞાસા, જે ઝંખના, તમારા ચહેરા ઉપર છે કે બસ આ જીવન બીજા બધા જીવન કરતાં અલગ પડી જાય…

માનવિજય મ.સા. ને પૂછવામાં આવેલું કે “સાહેબ! તમે કેવો આનંદ માણી રહ્યા છો?”

તમે તો ‘સ્વામી શાતા છે જી’ કરીને રવાના થઇ જાઓ છો! ક્યારેક બેસો… નાના મહાત્મા જોડે બેસો… “સાહેબ! તમારી દીક્ષા કેમ થઇ? દીક્ષામાં તમને કેવું રહ્યું?” – અનુભવ પૂછો…

તો, માનવિજય મ.સા. ને એક ભક્તે પૂછ્યું કે ‘સાહેબ! આપ કેવો આનંદ માણી રહ્યા છો?’ શું મજાની અભિવ્યક્તિ એમની હતી! ‘કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો,’ અગણિત જન્મોની અંદર જે રસ ચાખવા ન મળ્યો હોય, એ રસ આ જન્મમાં ચાખવા મળ્યો છે.

આનંદઘનજી ભગવંતે એક સરસ વાત કરી : ‘સગરા હોય, સો ભર ભર પીવે, નગરા જાય પ્યાસા,પરમ રસ કોને મળે?

પીવો છે ને? મારે શબ્દો નથી આપવા… શબ્દો તો તમને ખેંચવાનું બહાનું છે. મારે તમને પરમ રસ પીવડાવવો છે; જે મેં પીધો છે! તો શી રીતે પી શકાય…? બે શબ્દો આપ્યા, સગરો અને નગરો. નગરો એટલે શું? જેના માથે ગુરુ નથી. અને સગરો એટલે? જેણે ગુરુના ચરણોની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવું વ્યક્તિત્વ.

આપણા ભારતમાં ગાળ નો extreme point શું? નગરા હોવું તે. બે જણા લડતા હોય અને એક જણો પહોંચી ન વળે, તો કહી દે – હવે એ તો નગરો છે એની જોડે કોણ લડે!

નગરા તો રહેવાય જ નહિ… સદ્ગુરુ તો માથે જોઈએ જ. પણ સવાલ હવે એ છે કે તમે સદ્ગુરુની શોધ કઈ રીતે કરશો?

એક બિલાડી હતી. ભારતની જ રહી હશે! અને એટલે એને ગુરુ કરવાનો વિચાર આવ્યો કે મારે પણ ગુરુ હોવા જોઈએ. બિલાડી ચાલી ગુરુ કરવા; વચ્ચે તળાવ આવ્યું. થાકેલી એટલે તળાવને પાળ પાર થોડી વાર બેઠી. એમાં એણે બગલાને જોયો. બગલા મહારાજ બરાબર ધ્યાનમાં બેઠેલા – ક્યારે માછલું આવે અને ક્યારે પકડું! તો બિલાડીની બુદ્ધિએ કહ્યું “વાહ! ગુરુ હો તો એસા!”

તમે સદ્ગુરુની શોધ બુદ્ધિથી કરવાના??? બુદ્ધિથી સદ્ગુરુની શોધ થઇ શકે નહિ. સદ્ગુરની પ્રાપ્તિ થઇ શકે નહિ.

શરણાગતિ. બીજો કોઈ ઉપાય નથી; માત્ર શરણાગતિ. શાસ્ત્રોએ કહ્યું છે, કે ઉંચી કક્ષાના એક રેંજના સદ્ગુરુઓ હોય, પણ એમાંથી તમારા સદ્ગુરુ કયા? તો એક સરસ માપદંડ આપ્યો છે. એવા ઉંચી કક્ષાના સદ્ગુરુ પાસે તમે જાવ અને જતાંની સાથે તમારું હૃદય આનંદમગ્ન થઇ જાય; હૃદય કોળી ઉઠે – ત્યારે તમને થાય કે જન્માંન્તરીય ધારાના આ મારા સદ્ગુરુ છે. કદાચ બે – ચાર જન્મથી એ સદ્ગુરુ મારા સદ્ગુરુ છે. અને તમે એમના ચરણોમાં ઢળી પડો છો. તમારી બુદ્ધિ રાખવી હોય ને કદાચ, તો એટલી છૂટ આપું કે ગુરુ નક્કી કરતાં પહેલા બુદ્ધિ રાખજો – આ ગુરુ કરવા કે આ ગુરુ કરવા… પણ એકવાર ગુરુ નિશ્ચિત થઇ ગયા, પછી બુદ્ધિને resign કરી દેજો. પછી બુદ્ધિ જોઈએ જ નહિ. પછી સમર્પણ. ન બુદ્ધિ, ન અહંકાર, માત્ર સમર્પણ.

તમે સગરા છો ને બધા? જે પણ સદ્ગુરુ પ્રત્યે તમારી શ્રદ્ધા છે, એ સદ્ગુરુના ચરણોમાં ઝૂકેલા છો ને? એ કહે એ જ કરવાનું – આ નક્કી છે ને? તમારે (સાધુ-સાધ્વીઓને) તો હોય જ; સવાલ જ નથી. તમારે તો વિચાર જ ન હોય! સદ્ગુરુની આજ્ઞા આવી એટલે સ્વીકાર.

આ બધા છે ને, બુદ્ધિને ઘરે મુકીને આવ્યા છે. બે શબ્દો છે – બુદ્ધિ અને મેધા. અરિહંત ચેઇઆણં માં આપણે કહીએ સદ્ધાએ, મેહાએ. શ્રદ્ધાપૂર્વકની વિચારસરણી એ મેધા. અને અહંકારપૂર્વકની વિચારસરણી એ બુદ્ધિ. એટલે તમે બુદ્ધિ વગરના હોય, એવું હું ઈચ્છું. મેધાવાળા બધા બની જાવ; પ્રજ્ઞાવાળા બની જાઓ. કારણ કે બુદ્ધિથી તમે પ્રભુશાસનમાં પ્રવેશ જ નહિ કરી શકો. પ્રભુશાસનમાં પ્રવેશવાનું દ્વાર સમર્પણ છે અને એની શીખરાનુંભૂતિ પણ સમર્પણ છે. પ્રારંભ સમર્પણથી. અંતિમ બિંદુ પણ સમર્પણનું છે.

અંતિમ બિંદુમાં શું આવે? પ્રભુના વચન પ્રત્યેનું સમર્પણ. પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે : તું તારા સ્વરૂપમાં સ્થિર થઇ જા. આખો પહાડ ચડી ગયા પછી શું કરવાનું…? શત્રુંજય ગિરિરાજ ગયા, રામપોળ પહોંચી ગયા. પછી શું કરવાનું? નીચે ઉતરી જવાનું? પછી દાદાની ભક્તિ કરવાની, દાદાની પૂજા કરવાની. એમ સાધનાનો પર્વત તમે ચડી જાવ પછી શિખર શું? દાદા શું? દાદા આ છે કે તું તારા સ્વરૂપમાં સ્થિર થા.

તમે અત્યારે મજામાં નથી. Stress age માં હોવ છો, આજના યુગને મનોવૈજ્ઞાનિકો stress age કહે છે. તણાવ નો યુગ. માણસ સવારથી સાંજ તણાવમાં રહેતો હોય છે. એ તણાવ દૂર થાય; સમર્પણ થાય ત્યારે. આ લોકોને પૂછો : કોઈને તણાવ થાય છે ભાઈ? તણાવ થાય છે? No stress. જે કંઈ કરવાનું છે; સદ્ગુરુ કહે એ કરવાનું છે. એક સમર્પણને કારણે એ લોકો બધા મજામાં છે. હું એ લોકોને કહુ કે તમારા ચહેરા ઉપર એવી મસ્તી દેખાવી જોઈએ કે તમને શાતા પૂછવા આવેલો શરમાઈ જાય! શાતા પૂછવા આવનારને થાય કે આ તો પરમ શાતામાં ડૂબેલા છે, આમને શાતા વળી શું પૂછવી? એ પરમ શાતા અમારી પાસે છે.

વચ્ચે એક સવાલ કરું… મુંબઈનો અહોભાવ અદ્ભુત છે. હું મુંબઈમાં ૩ દરિયાની વાત કરું છું – એક તો અરબી સમુદ્ર, બીજો તમારી આંખમાં લહેરાતો અહોભાવનો દરિયો, અને ત્રીજો આ સફેદ વસ્ત્રનો દરિયો. 3 દરિયા મુંબઇમાં છે.

અહોભાવ no doubt તમારી પાસે છે અને ખૂબ છે. એક મુનિરાજને જોતા તમે આમ હર્ષ ઘેલા બની જાઓ છો. એક સાધ્વીજી ભગવતીએ મને કહેલું કે આ કામાગલીમાં જઈએ એટલા બધા લોકો નીચે ઉભેલા હોય કે તાણમતાણ થાય : પેલી બેન કહે મારે ત્યાં અને પેલી બહેન કહે મારે ત્યાં…. આ અહોભાવ તમારી પાસે છે. પ્રભુની ચાદર ઉપર. પણ આ જ પ્રભુની ચાદરની ઈર્ષ્યા આવે છે કે તમને બધાને મળી ગયું, મને નહિ મળ્યું?!

હું તો ઘણીવાર કહું છું કે દુનિયામાં ઝઘડો કરવાની જગ્યા બે જ છે – એક પ્રભુનું દેરાસર અને એક અમારો ઉપાશ્રય. ઘરે ઝઘડો નહિ કરવાનો હવે! ભગવાન સાથે ઝઘડો કેમ કરવો -એ વીરવિજય મહારાજે પૂજામાં બતાવ્યું “સુલસાદિક નવ જણને, જિન પદ દીધું રે” પ્રભુ! તમે પણ પક્ષપાતી છો ને! ચંદનાએ અડદના બાકુળા વહોરાવ્યા; તમે એને કેવલજ્ઞાન અને મોક્ષ આપી દીધો. સુલસાજી ને તીર્થંકર પદ આપી દીધું. તો અમને શું?!

પેલો છોકરો સ્કુલેથી આવે ને….  જુવે કે મોટી બેન સ્વીન્ગમ ચબાવી રહી છે. બીજીને મોઢામાં કંઈક toffee છે, તરત જ મમ્મીને કહેશે, લાવ! મારો ભાગ લાવો… એમ પ્રભુને કહ્યું? કે સુલસાજીને તીર્થંકર પદ તમે આપી શકો, શ્રેણિક મહારાજાને આપી શકો…. તો મને કેમ નહિ…? લાવો! મને પણ આપો!

કરો ઝઘડો. અને પછી અમારી જોડે ઝઘડો કરો કે આટલા બધાને દીક્ષા આપી દીધી, રજોહરણ આપી દીધું, મને કેમ બાકી રાખ્યો?

પેલો ભિક્ષુક ગુરુના ચરણોમાં પડ્યો છે. કોઈ વાર્તાલાપ નથી; માત્ર આંસુ ઝર્યા કરે છે.

તમને ખબર છે? પ્રભુનું દર્શન તમે કોરી કોરી આંખોએ કરો અને આંસુ વરસતી આંખોએ કરો – કેટલો બધો ફરક પડે? કોરી આંખે તમે કરો ત્યારે પ્રભુ સ્પષ્ટ દેખાય. અને આંસુ જ્યારે ઝરી રહ્યા હોય ત્યારે પ્રભુનું સ્વરૂપ અસ્પષ્ટ દેખાય. પણ એ આંસુ ઝરતી આંખો કામ એ કરે કે તમારા હૃદયમાં પ્રભુને પધરાવી દે!

થોડીવાર ચરણોમાં બેઠો. શાંત થયો. ગુરુએ એને પૂછ્યું : “તું ૧૮ વર્ષ જેલમાં રહ્યો. ૧૮ વર્ષની અંદર તારા માટે કસોટીની પળ કંઈ હતી?” અપૂરતું ભોજન મળતું, મચ્છરવાળી બેરેક, દિવસે અને રાત્રે મચ્છર શરીર ફોલી ખાય… અને સહેજ ભૂલ થાય એટલે હન્ટરનો વરસાદ વરસે. કેટલી બધી તકલીફ હતી… તો ગુરુ પૂછે છે કે ૧૮ વર્ષમાં કસોટીનો કાળ કયો હતો..? તને એકદમ અસહ્ય લાગે એવી કઈ ક્ષણો હતી..? એ ભિક્ષુએ જે જવાબ આપ્યો ને… અદ્ભુત જવાબ છે. પ્રભુનો પ્રેમ હૃદયમાં ઉતરેલો હોય, ત્યારે જ આ જવાબ નીકળે. ભિક્ષુએ કહ્યું : “સાહેબ! એક જ અઘરું કામ મારી પાસે આવેલું… એક જ.. અને એ કે ચીની સત્તાવાળા ઉપર કે જેલના સત્તાવાળા ઉપર મને સહેજ પણ દ્વેષ – તિરસ્કાર ન આવે.”

૧૮ વર્ષ યાતનાઓનો કોઈ પાર નહિ. અને એ યાતનાઓની વચ્ચે એ લોકો પ્રત્યે પ્રેમ રાખવાનો. છે શક્ય? અશક્ય નથી. તમારા માટે પણ કહું છું. You can do this, if you desire.”

પભુનો પ્રેમ મળે, પ્રભુની શક્તિ મળે; અઘરું શું છે? પાંચ વર્ષની દીકરી સિદ્ધિતપ કરે, શું એના શરીરની તાકાતથી એ કરે છે? એ નાનું બાળક બિયાસણું કરે તો ખાઈ ન શકે. સિદ્ધિતપમાં બિયાસણા આવે પણ એકેય બિયાસણામાં એ ખાઈ ન શકે. ગઈ સાલ વેસુમાં સિદ્ધિતપ હતો. એટલા બધા નાના બાળકોએ સિદ્ધિતપ કરેલો, એના મમ્મી – પપ્પા જોડે આવેલા હોય, વાસક્ષેપ લેવા માટે આવે, સાહેબ! બિયાસણામાં બેઠી છોકરી, અને ઉભી થઇ ગઈ છે. કશું જ ખાઈ શકી નથી. અને છતાં સિદ્ધિતપ કરવો જ છે.

ચોમાસામાં ઉપધાન હતા, આસો સુદ ૧૦ થી… ઘણા બધા બાળકો જોડાયેલા – લગભગ ૨૫૦. એક દીકરો એવો હતો, એણે પહેલી નીવિ કરી; vomit કરી બધું નીકળી ગયું. બીજી કરી; vomit; બધું નીકળી ગયું. ત્રીજી નીવિ; vomit; બધું નીકળી ગયું. ઘણી દવા આપી ડોકટરે… પણ કંઈ થયું નહિ. ચાર – પાંચ – છ નીવિ સુધી તો ચલાવ્યું. પછી તો મેં પણ એના પપ્પાને કહ્યું કે હવે એને પરાવી લઈએ. છ- છ નીવિ સુધી ખાઈ શક્યો નથી; એટલે બાર ઉપવાસ એને થઇ ગયા. પણ દીકરો એટલો મક્કમ કે સાહેબ! તમારા હાથે જ માળ પહેરવાની છે, અને હું પહેરવાનો જ છું!

મેં કહ્યું : કઈ રીતે બોલે છે તું!

મને કહે : સાહેબ! તમે તો કહો છો કે પ્રભુની શક્તિથી બધું થાય છે!

મને મારા શબ્દો આપી દીધા! ને આ બનેલી ઘટના… ૪૭ દિવસમાં કદાચ એકાદ દિવસ એ ખાઈ શક્યો હોય – કોળિયા, બે કોળિયા જેટલું. જે મુનિરાજો ક્રિયા કરાવતા હતા એમણે મને કહ્યું કે સાહેબ! આને ૪૭ દિવસના ઉપવાસ કહીએ તો પણ વાંધો નથી. પણ એ દીકરાએ મોક્ષની માળ પહેરી. અને નવાઈ એ કે કશું ખાતો નહોતો તો પણ Weight સહેજ પણ loss નહોતું થયું; શરીર એવું ને એવું!

પ્રભુની કૃપા હોય તો શું ન થાય!

તો ભિક્ષુ કહે છે સાહેબ! અઘરામાં અઘરું કામ આ હતું કે એક સેકંડ માટે પણ એ લોકો પ્રત્યે તિરસ્કાર ન થાય. ગુરુએ પૂછ્યું : result શું?

એક સાધકની બોલવાની Pattern પણ અલગ હોય છે. સાધક ક્યારેય પણ કહેતો નથી કે મેં આમ કર્યું. એ ભિક્ષુ એમ નથી કહેતો કે સાહેબ! ૧૮ વર્ષમાં એક ક્ષણ પણ મેં તિરસ્કાર નથી કર્યો. સાધકના શબ્દોમાં અહંકાર ક્યારેય પણ ઝલકી શકે નહિ. અને જો અહંકાર તમારી પાસે છે તો તમારી સાધના નથી.

એ ભિક્ષુએ કહ્યું સાહેબ! પ્રભુની કૃપા… આપના જેવા સદ્ગુરુનો પ્રેમ… ૧૮ વર્ષમાં એક સેકંડ એવી નથી આવી કે કોઈના પ્રત્યે તિરસ્કાર થયેલો હોય!

આપણી પરિભાષામાં આ સાધકને મૈત્રયોગી કહેવાય છે. પહેલી દ્રષ્ટિમાં આવેલો સાધક. કોઈના પણ પ્રત્યે તિરસ્કાર નહી. અને સીધું ગણિત છે… પ્રભુનો પ્રેમ તમે સ્વીકારો, પ્રભુનો પ્રેમ તમે ઝીલો, પછી તમારામાંથી નીકળે શું?

આ જન્મમાં શું કરવું છે તમને સમજાવું… અગણિત જન્મોમાં શું કર્યું? કચરાથી, પર પદાર્થો અને પર વ્યક્તિઓ પ્રત્યેના રાગથી હૃદયને ભરી નાંખેલું. પછી પ્રભુ માટે બોર્ડ લગાડેલું કે no vacancy for you. આ જન્મમાં પ્રભુથી, પ્રભુના પ્રેમથી, પ્રભુની આજ્ઞાથી, પૂરેપૂરું હૃદય ભરી દેવું છે. અને બોર્ડ લગાડવાનું no vacancy for others!

એ જ સંદર્ભમાં મારે તમને કહેવું છે, કે તમે (કદાચ) શરીર પ્રભુને ન સોંપી શકો, (પણ) મન પ્રભુને સોંપી શકો કે નહિ? મન પ્રભુને સોંપવું એટલે શું – તમને સમજાવું…. અહીંથી ઘરે જશો; ગરમી હોય એટલે સીધો પંખો ચાલુ થશે. Ac માં તમારું શરીર બેસશે. એ વખતે જો એમ થાય હું કેટલો સુખશેલિયો માણસ છું કે મારા શરીર દ્વારા અત્યારે વાયુકાયના જીવોની વિરાધના થઇ રહી છે. હું પ્રભુની આજ્ઞાનો અત્યારે વિરાધક બન્યો છું. આ રીતે જ્યાં જ્યાં વિરાધના થાય, ત્યાં હૃદયમાં દર્દ પેદા થાય અને જ્યાં પ્રભુની આજ્ઞા પ્રમાણે આરાધના થાય ત્યાં આનંદ ઉછળે. આરાધના તમારી પાસે છે; આરાધનાનો આનંદ તમારી પાસે છે? વિરાધના છે; પણ વિરાધનાની વેદના તમારી પાસે છે?

સિંહ અણગાર પ્રભુને જોવે. પ્રભુને જોતા આનંદ થઇ ગયો – પ્રભુ છે. પણ શરીર કૃશ થયેલું છે, દુબળું થયેલું છે. મારા પ્રભુનું શરીર આવું…?! એક મમત્વ પ્રભુ સાથે બંધી દીધેલું….

જૈનશાસનમાં આપણે જન્મ્યા છીએ. એક જ કામ જો તમે કરી શકો ને, તો શાસન મળેલું સાર્થક થઇ જાય. ક્રિયા ભલે ઓછી થઇ શકે, ભલે પ્રવચન સાંભળવા ન આવી શકો, એક જ કામ કરવું છે, મારા પ્રભુ… મારા સદ્ગુરુ… મારા પ્રભુનું શાસન… પછી એ શાસન પર કોઈ પણ આક્રમણ આવે, આપણા પૂજનીય સાધુ – સાધ્વીજી ભગવંતોને કોઈ આંગળી પણ અડાડે, આપણે સીધા તૈયાર થઇ જઈએ; નહિ ચાલે આ… એક મારાપણું…. તમારી પાસે આવી ગયું, પ્રભુનું શાસન તમે પામ્યા, સાર્થક થઇ ગયા.

તો, મારા પ્રભુનું શરીર આવું દુબળું!

વિતરાગ પ્રભુ. શાસ્ત્રોએ પ્રભુને વિતરાગ કહ્યા અને સ્તવનાકારોએ પ્રભુને ભક્તવત્સલ કહ્યા. પ્રભુ કેવા છે? ભક્તો ઉપર પ્રેમ રાખનારા… ભક્તો ઉપર પ્રેમ વરસાવનારા… તો આ સ્તવનાકારોનો પ્રવાહ છે કે પ્રભુ ભક્તવત્સલ છે. પ્રભુનો પ્રેમ વરસ્યા જ કરે, વરસ્યા જ કરે.

તો, પ્રભુ કહે છે મારું શરીર દુબળું થઇ ગયું એમ તું કહે છે. રેવતી શ્રાવિકાને ત્યાં જા. એણે પોતાના માટે ઔષધી બનાવી છે એ વહોરીને લાવ. હું વાપરીશ; સરસ થઇ જશે બધું…

કેટલો પ્રેમ પ્રભુનો! પ્રભુનો પ્રેમ ભક્ત ઉપર. ભક્તની ભક્તિ… ભક્તનો એક પરમ પ્રેમ પ્રભુની ઉપર.

ભક્તિની વ્યાખ્યા શું? નારદઋષિનું ભક્તિસૂત્ર ભક્તિયોગના ક્ષેત્રે milestone કૃતિ ગણાય છે. એમાં નારદઋષિને પૂછવામાં આવ્યું કે ભક્તિ એટલે શું? તો એમણે કહ્યું “સા ત્વસ્મિન પરમ પ્રેમરૂપા અમૃતસ્વરૂપા ચ” સંસ્કૃત છે પણ બહુ મજાનું છે. પ્રાંજલ. એનો ગુજરાતી અનુવાદ મારે કરવો પડશે – તમારા માટે… પણ ગુજરાતી અનુવાદ કરતા એ ભાષાનો ચાર્મ છૂટી જાય. નારદ ઋષિ કહે છે, કે પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ એ ભક્તિ. પ્રેમની જેટલી પણ ઉંચાઈ હોય, જેટલી height હોય, એ height પર તું પહોચી જા. અને એ તારો જે પરમ પ્રેમ છે, એ ભક્તિ છે. મેં અનુવાદ કર્યો : પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ તે ભક્તિ. પણ નારદઋષિએ શું લખ્યું છે, “સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા” તે ના વિશેનો પરમ પ્રેમ. તે… તે એટલે પ્રભુ. દુનિયામાં બીજા બધા હોય કે ન હોય – કોઈ અર્થ નથી. ભક્તની નજર માત્ર ને માત્ર પ્રભુ તરફ છે.

આચારાંગ સૂત્રમાં આપણા માટે એક સરસ વિશેષણ આવ્યું, તદ્દદિટ્ઠીએ. તમે કેવા હોવ? ‘તદ્દદ્રષ્ટિક’. પ્રભુ તરફ જ તમારી નજર હોય; લોકો તરફ નહિ. કોઈ કહે સાહેબ! તમે આવું પ્રવચન આપો… સામાજિક સ્તરનું… હું કહી દઉં ના, મારા પ્રભુની આજ્ઞા હોય એ પ્રમાણે જ હું વરી શકું. મારી સામે મારા ભગવાન છે. એક મજાની વાત કહું તમારી નજર અમારી સામે હોય, પણ અમારી નજર તમારી સામે નહી હોં! અમારી નજર પ્રભુની સામે છે. અમારી નજર જો તમારી સામે હોય, કે આ લોકોને ખુશ કરી નાંખો… નહિ. અમારી નજર પ્રભુની સામે છે. મારા પ્રભુ શું કહે છે… અને મારા પ્રભુએ જે કીધું છે કે એ જ મારે inverted comma માં કહેવાનું છે. એક પણ શબ્દ મારે ઉમેરવાનો નથી.

અમેરિકામાં એક બહુ સારા પ્રવચનકાર થયા. એટલું મોટું એનું નામ હતું, કે એ ભાષણ કરવાના છે એ ખબર પડે એટલે auditorium છલકાઈ જાય. પ્રવચનકાર આવે એ પહેલા બહાર લોકોના ટોળેટોળા હોય. પછી આયોજકો સ્ક્રીન મૂકે અને બહાર લોકોને પ્રવચન સંભળાવે. એ પ્રવચનકાર જ્યારે પ્રવચન શરુ કરે, ત્યારે ડાબા હાથને હવામાં આમ ઝુલાવે. પ્રવચન પૂરું થાય; જમણા હાથને હલાવે આમ… એક મિત્રે પૂછ્યું કે તમે આ શું કરો છો? ત્યારે એ પ્રવચનકારે કહ્યું : inverted comma (“”) ને હું દોરું છું. મારે મારા ઘરનું કંઈ કહેવાનું નથી. પ્રભુએ જે કહ્યું છે એ જ મારે કહેવું છે.

તો હું વારંવાર એક વાત તો કહેવાનો કે પ્રભુનો પ્રેમ મેં કેવી રીતે enjoy કર્યો છે.

તો માઁ એ પ્રાર્થના કરી મારા માટે કે પ્રભુ! દીકરો જીવી જાય, તો તારો. પ્રાર્થના કરી એ જ દિવસથી મારું શરીર સુધરવા માંડ્યું. અઠવાડિયામાં તો ડોકટરોએ discharge આપી દીધો. ડોકટરો કહે આ શું miracle થયું! હું ઘરે આવ્યો; સ્કુલે જવાનું ચાલુ થઇ ગયું. એ પછી એકવાર માઁ એ મને કહ્યું, કે બેટા! તું આ રીતે માંદો પડેલો, ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે પ્રભુ! મારો દીકરો જીવી જાય, તો તારો. એટલે હવે તું મારો નથી; પ્રભુનો છે.

તો મેં કહ્યું : “માઁ! શું કરવાનું મારે?”

તો કહે : “તારે દીક્ષા લેવાની.”

“ok માઁ”!

ખરેખર દીક્ષા એટલે શું – મને ખબર નહોતી. ખાલી બે – ચાર મહિના ગુરુદેવ ૐકારસૂરિ મ. સા. જે સંસારી સંબંધે  કાકા થતાં, એમની પાસે રહેલો. બાકી કોઈ training નહિ, કંઈ કશું જ નહિ. એટલે હું ઘણીવાર કહું છું કે પ્રભુએ મને ખેંચ્યો. સદ્ગુરુએ પાછળથી ધક્કો માર્યો અને હું આવી ગયો. તમને ધક્કો મારવાની જરૂર છે. પ્રભુ તો ખેંચે છે. હવે એક ધક્કો મારું હું…. એટલે….

સિંહ અણગારે પ્રભુના પ્રેમને કેવો enjoy કર્યો. મારા પ્રભુ મારા માટે આટલી હદે નીચે ઉતરી શકે! મારા પ્રેમને સાચવવા, મારી ભક્તિને સાચવવા… એ રેવતી શ્રાવિકાને ત્યાં ગયા, અને કહ્યું : “પ્રભુ માટે તમે બનાવેલ ઔષધિનો ખપ છે.”

રેવતીજી નાચવા લાગ્યા! આમ તો મ.સા. વહોરી જાય, પણ પ્રભુ વાપરશે કે કેમ – એ તો ખબર પડે નહિ… પણ આ તો સ્પષ્ટ કહે છે કે પ્રભુને માટે ઔષધી વહોરવા આવ્યો છું. એ ઔષધી એવી હતી, કે એક દિવસમાં એક ચમચીથી વધારે લઇ ન શકાય. એટલા ભારે દ્રવ્યો અંદર હતા; પચી ન શકે વધારે. એક ચમચી ઔષધી વહોરાવતા કેટલી સેકંડ થાય, બોલો… ચાર સેકંડ – પાંચ સેકંડ.x રેવતીજી ની ભાવધારા એટલી ઉચકાઈ કે એ પાંચ સેકન્ડમાં એમણે તીર્થંકર નામકર્મ અંકિત કર્યું!

આ બહેનો, માતાઓ, વહોરાવે છે જે ભાવથી…. સુરતમાં સાધુ – સાધ્વીજીઓની વાચના હતી. ઘણા બધા સાધુ -સાધ્વીજીઓ આવેલા. મેં એકવાર એમને પૂછ્યું, કે તમે લોકો વહોરવા જાઓ છો ત્યારે તમારી feeling શું હોય છે? ત્યારે બધાનો જવાબ એક જ હતો, કે સાહેબ વહોરવા જઈએ છીએ… એ ભાઈઓના, એ બહેનોના એ માતાઓના ભાવને જોઈએ છે… અમારી આંખો ભીની બને છે. તમે પણ એ વહોરાવાની ક્ષણોમાં કેટલું પુણ્ય, કેટલી નિર્જરા કરતા હશો, એ જ્ઞાની જ કહી શકે; પણ તમારા ભાવોને જોતા માની શકાય કે ખરેખર તમે બહુ જ ઉંચી કક્ષાનું પુણ્ય અને નિર્જરા બાંધી લો છો.

એક મુનિરાજે મને વાત કરેલી; મુંબઈની જ. એ વહોરવા ગયેલા. હું રૂમમાં બેઠેલો. મને કહે કે સાહેબ! આ રૂમથી અડધી રૂમ જેટલું એ બહેનનું ઘર છે. પણ વહોરવા જઈએ અને જો આપણે ખબર ન રાખીએ તો પાત્રું ભરી કાઢે. એટલી નાનકડી રૂમ કદાચ પોતાની પણ હોય અને કદાચ ભાડાની પણ હોય. એ શું કમાતા હોય, શું ખાતા હોય, પણ વહોરાવાની વાત આવે ત્યારે બસ મારા ગુરુદેવ… આ મારાપણું.

એટલે shortest cut આ છે. પ્રભુશાસનને આત્મસાત કરવાનો, પ્રભુના પ્રેમને ઝીલવાનો, shortest cut આ છે. પ્રભુ મારા… સદ્ગુરુ મારા… આ પ્રભુનું શાસન એ મારું. બસ, આ મમત્વ પ્રસ્થાપિત થઇ જાય, પ્રભુનું શાસન એવું તો અસ્તિત્વમાં રોમે – રોમેમાં વસી જાય કે આવતાં જન્મમાં આ જ પ્રભુનું શાસન તમને મળે. તો આવી રીતે પ્રભુના પ્રેમને પામી ખૂબ ખૂબ આગળ વધો.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *