Anandghanji Na Sathvare – Vachana 05

1.9k Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સાધનાની પ્રભુકર્તૃક્તા

સાધના જગતના કર્તા કોણ? પ્રભુ અને સદ્ગુરુ. સાધકના જીવનની એક – એક ક્ષણ ઉપર પ્રભુના અને સદ્ગુરુના હસ્તાક્ષર જોઈએ!

પૂરા સાધના માર્ગ ઉપર પ્રભુનું અને સદ્ગુરુનું કર્તૃત્વ છે. એટલે તમારાથી કોઈ પણ શુભ કાર્ય થાય, તમારી આંખમાં આંસુ આવી જાય કે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.

વ્યવહાર અને નિશ્ચયનું જે balancing પ્રભુની સાધના પદ્ધતિમાં છે, એવું દુનિયામાં ક્યાંય નથી. પ્રભુએ આપેલી તમામ વ્યવહાર સાધના નિશ્ચય સાધનાને touch કરે જ. 

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૦૫

અરણીક મુનિ નાની વયમાં દીક્ષિત થાય છે. એટલો બધો ત્યાગ, તપ, સંયમ, એમની પાસે છે, જેની આપણે કલ્પના ન કરી શકીએ. આટલો શ્રેષ્ઠ તપ, ત્યાગ, સંયમ હોવા છતાં સાધના છૂટી કેમ ગઈ? આપણા માટે આ પ્રશ્ન બહુ જ મજાનો છે. આપણે સાધનાને જન્માન્તરના ખંડો પર લહેરાતી કરવી છે. આપણી ઈચ્છા શું છે…

રાત્રે તમે પત્ર લખવા માટે બેઠા. ચાર લીટી લખાઈ; લાઈટ off થઇ. તમે વિચારો કે કાલે સવારે લખીશું આમાં… બીજી સવારે પત્ર તમારા હાથમાં આવ્યો. તમે પાંચમી લીટીથી શરૂઆત કરો છો; કારણ કે ચાર લીટી કાલે રાત્રે લખાઈ ગયેલી છે.

જન્મોના ખંડો પર તરતી સાધના આ રીતે ચાલે છે. આ જન્મમાં સાધનાના જે પડાવ સુધી તમે પહોંચ્યા; આગલા જન્મમાં એ પડાવથી આગળના પડાવે યાત્રા કરવાની છે. એટલે સાધનાનો દૌર અણથંભ્યો, વણથંભ્યો ચાલુ રાખવાનો છે.

તો, એ ધારા છૂટવી તો ન જોઈએ. અરણીક મુનિ પાસે તપ, ત્યાગ, સંયમ શ્રેષ્ઠ કોટીના છે. અને છતાં એમની સાધના છૂટી જાય છે. કેમ છૂટી? એક જ minus point એમની પાસે હતો : “તપ હું કરું છું. ગુરુદેવ તો ખાલી પચ્ચક્ખાણ મને આપી દે. શું તપ કરવો એ તો મારે નક્કી કરવાનું હોય ને! કોઈ પણ બાબત હોય, નિર્ણય મારે કરવાનો; સદ્ગુરુ એના પર signature કરી આપે.”

એટલે સાધના જગતમાં જે કર્તા હતા, પ્રભુ અને સદ્ગુરુ – એમને સાક્ષી બનાવી દેવામાં આવ્યા. અને જેણે સાક્ષી તરીકે રહેવાનું હતું એ કર્તા બની ગયા.

આપણી સ્તવનોની એક મજાની ધારા છે – જેમાં સાધનાના પ્રભુ કર્તૃત્વની મજાની વાતો આવે. “આનંદ કી ઘડી આઈ” સ્તવન કદાચ તમને આવડતું હશે. “તીન વેદ કા છેદ કરાકર”… હું ત્રણ વેદોનો છેદ નહિ કરી શકું; એ કરાવશે. “ક્ષપકશ્રેણી મંડવાકર” – ક્ષપકશ્રેણી હું નહિ માંડી શકું; એ મંડાવશે. આખી જ આપણી સાધના પ્રભુ કર્તૃકતાની ધારામાં ચાલે. સદ્ગુરુ સાધના આપે. પ્રભુ સાધના આપે. સાધના જગતના કર્તા કોણ…? પ્રભુ. સદ્ગુરુ.

એકવાર બ્રાહ્મણવાડા તીર્થમાં – રાજસ્થાનમાં – પૂજ્યપાદ સાધનામનીષી પંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળી હતી. એ વખતે કલાપૂર્ણસૂરિદાદા પણ સાહેબ પાસે જ્ઞાન લેવા માટે આવેલા. જંબુવિજય મ.સા. પણ સાહેબ પાસે જ્ઞાન લેવા માટે આવેલા. પાટ પર આપણા યુગના ૩ દિગ્ગજ મહાપુરુષો બેઠેલા. એક આચાર્ય હતા, એક મુનિ હતા, વચ્ચે પંન્યાસજી ભગવંત હતા. ઓળીનો પહેલો દિવસ. અરિહંત પદની વાત કરવાની હતી. સાહેબજીએ કહ્યું : પ્રભુ જ આપણને અહીં સુધી લઈને આવ્યા છે. પ્રભુની કૃપા વિના, એના પરમપ્રેમ વિના, સાધનાના ક્ષેત્રમાં એક ઇંચ, એક સેન્ટીમીટર, એક ડગલું પણ તમે ચાલી શકતા નથી.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કહ્યું “તું ગતિ…” પ્રભુ! મારી સાધનામાં ગતિ તું છે. અને પછી શું કહ્યું? “તું મતિ…” હું જે બૌદ્ધિકતાથી વાતો કરું છું, એ બૌદ્ધિકતા મારી નથી. એ પણ તારી છે! ઉપનિષદો કહે છે : “यस्य भासा विभाति इदं सर्वं”. એ પ્રભુના તેજથી આખી દુનિયા પ્રકાશિત છે. તું ગતિ, તું મતિ… સુવિધિનાથ ભગવાનનું સ્તવન મહોપાધ્યાય યશોવિજય મહારાજે બનાવ્યું છે. એમાં એમણે પ્રભુ સાથે સીધી વાતો કરી છે. તમે પણ એવી સ્તવના પાકી કરો કે જે સ્તવનામાં પ્રભુ જોડે સીધો જ તમારો વાર્તાલાપ હોય.

અને by the way એક વાત પૂછું… કે મુનિસુવ્રતદાદા અહીંયા મૂળનાયક ભગવાન છે, તો મુનિસુવ્રતદાદાના ૩૬૦ સ્તવન આવડે ને?! બહેનોને આવડતા હશે! રોજ નવું!

ચાલો, ૩૦ તો આવડે ને… આપણે discount કરીએ!

રોજ એકનું એક સ્તવન સંભળાવો ભગવાનને?!

ઘાટકોપરમાં મહોત્સવ હોય અને બપોર સાંજનું જમણ હોય… પહેલા દિવસે બપોરે મોહનથાળ આવ્યો. સાંજે પણ મોહનથાળ. બીજા દિવસે મોહનથાળ. ત્રીજા દિવસે મોહનથાળ. તમે શું કહો? “કયા હરામખોર રસોઈયા ને પકડી લાવ્યા છો? સાલાને બીજું કંઈ આવડતું નથી.”!

તમારે રોજ નવી મીઠાઈ જોઈએ. અને ભગવાનને એકનું એક સ્તવન!

સુવિધિનાથ પ્રભુના સ્તવનમાં બહુ જ મજાની વાત કરી : “ લઘુ પર હું તુમ મન નવિ માઉં રે, જગગુરુ તુમને દિલમાં લાઉં રે”. પ્રભુને કહે છે કે પ્રભુ! તમે બહુ મોટા. ત્રિલોકેશ્વર, અખિલબ્રહ્માંડેશ્વર. અને છતાં તમને હું મારા હૃદયમાં લાવી શકું છું! અને તમારા હૃદયમાં મારું સ્થાન ન હોય, તો શાબાશી કોને આપવી?! Superior કોણ થયું?! મારી તાકાત કેટલી વધી ગઈ કે તમને હું મારા હૃદયમાં લાવી શકું છું અને તમે મારા જેવા નાનકડા ભક્તને હૃદયમાં લાવી શકતા નથી! તો પ્રભુ! superior કોણ? પણ પછી પત્તા ફેંકી દીધા : “જેહને તેને બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે” પ્રભુ! આ વિચાર પણ કોણે આપ્યો? તેં મને આપ્યો.

લલિતવિસ્તરાની પંજિકામાં એક બહુ જ સરસ વાક્ય છે : “एकोsपि शुभो विचारः, तीर्थकर लभ्य एव” એક પણ શુભ વિચાર તમને આવ્યો; કોની કૃપા? પ્રભુની કૃપા. જેટલા સારા વિચારો છે, એનું ઉત્પત્તિ સ્થાન શું? દ્વાદશાંગી. અને દ્વાદશાંગી અર્થથી પ્રભુએ આપી અને સૂત્રથી ગણધરોએ રચી. તો દુનિયાની અંદર જેટલા પણ શુભ વિચારો ચાલે છે, એ શુભ વિચારોનું કર્તૃત્વ પ્રભુનું છે. તમે કોઈ શુભ કાર્ય કરો… ઉપધાન તમે કરાવ્યા. સંઘ કઢાવ્યો. ત્યારે તમે શું માનશો? એક બહુ મજાનું thinking તમને આપું… એ વખતે એ વિચારવાનું કે આ ઉપધાન પ્રભુને અહીંયા કરાવવાના હતા; તો કોઈની પણ પાસે કરાવી લેત. પ્રભુએ મને પસંદ કર્યો, પ્રભુએ મને select કર્યો, પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.

નિમિત્ત શબ્દ આપણો પૂર્વનો અનોખો શબ્દ છે. નિમિત્ત એવો શબ્દ છે જે આપણા પૂર્વે, પશ્ચિમને ભેટમાં આપેલો છે.

નિમિત્ત. એક પણ પ્રવચન હું આપું અને પછી સુધર્મા પીઠ પરથી હું નીચે ઉતરું, ત્યારે મારી આંખો ભીની હોય છે. મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય છે, કે પ્રભુ! તારી પાસે તો અગણિત sound systems છે, છતાં તે મારી sound system નો ઉપયોગ કર્યો… પ્રભુ! હું તારો બહુ ઋણી છું. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.

એટલે કોઈ પણ શુભ કાર્ય થાય; શું કરવાનું? એને ભૂલી જવાનું. અનુમોદનાના લયમાં યાદ કરો, તો વાંધો નહિ. પણ એમાં અહંકાર ક્યાંય આવી જવો ન જોઈએ. આપણે તો…. ૫૦૦ આરાધકો હતા ઉપધાનમાં; આપણા ઉપધાન તો બહુ સરસ થયા. પેલા ત્યાં આગળ ૧૫૦૦ આરાધકો… એક દિવસ ત્યાં ગયો; કંઈ ઠેકાણું જ નહિ વ્યવસ્થાનું!

આ અહંકાર આવી ગયો. અનુમોદના આવે એનો વાંધો નથી કે પ્રભુની કૃપાથી આ થઇ ગયું. અહંકારને પેસવા દેવો નથી. આપણી સાધનામાં સૌથી મોટો અવરોધ કયો? અહંકાર. હું. રાગ અને દ્વેષ પણ by-product છે. હું Centre point છે. હું ને જ્યાં ગમો છે, ત્યાં રાગ થાય છે. હું ને જ્યાં અણગમો છે, ત્યાં દ્વેષ થાય છે. એ જે ‘હું’ છે, એ ‘હું’ ને કાઢવાનો છે.

પંન્યાસજી ભગવંત કહેતા કે નવકાર મંત્રમાં ‘નમો’ પહેલા છે, અરિહંતાણં, સિદ્ધાણં, આયરિયાણં પછી છે. ‘નમો’ પહેલા છે. નમો. ઝૂકો. ઝુકી જાવ. તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. ‘નમો સિદ્ધાણં’. એનું development નમુત્થુણં સૂત્રમાં આવ્યું : ‘જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિ અણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ’. ભૂતકાળમાં જે સિદ્ધો થઇ ગયા એ બધાને મારું વંદન. વર્તમાનકાળમાં મહાવિદેહમાંથી કોઈ સિદ્ધિપદને પામતું હોય, તો એને પણ મારા વંદન. અને ભવિષ્યના જે સિદ્ધો છે, એની જોડે શું?!

કોઈએ કંઈક roughly કહ્યું. કોઈ uncle; roughly બોલ્યા. ગુસ્સો આવે એવી શક્યતા હતી. ત્યાં તમને ‘નમો સિદ્ધાણં’ યાદ આવે : “ઓહ! આ પણ ભવિષ્યના સિદ્ધ ભગવંત છે; તમે એમના પગમાં પડી જાવ!” પેલા uncle નવાઈમાં ડૂબી જાય : “શું થયું!” અને તમે કહો : “નમો સિદ્ધાણં”.

ભવિષ્યકાળના આ બધા જ સિદ્ધો છે, એ સિદ્ધોને નમસ્કાર ખરો? આજથી ચાલુ? કોઈ ગમે તેમ કરે, આપણે ‘નમો સિદ્ધાણં’ યાદ રાખવાનું.

ભીલડીયાજી તીર્થમાં ઉપધાન હતા, ભાઈઓને તો ઉપાશ્રયમાં રાખવાના હતા.

ભાઈઓ ઓછા હોય ને; બહેનો જ વધારે હોય! ભાઈઓ તો સમજે કે આપણે મનુષ્ય જન્મમાં અને પુરુષના અવતારમાં આવી ગયા, એટલે હવે કંઈ બહુ (ધર્મ કરવાની) જરૂરત નથી. બહેનોને લાગે કે સ્ત્રીનો અવતાર મળ્યો છે; એટલે વધારે જરૂર લાગે.

તો, ભાઈઓને ઉપાશ્રયમાં રાખવાના હતા, બહેનોને ધર્મશાળાની રૂમોમાં. એ વખતે જૂની ધર્મશાળા. આરાધકો વધી ગયેલા. અને આયોજકોએ મેનેજમેન્ટવાળાને કહ્યું કે મારા પ્રદેશના કોઈ પણ આરાધકને પાછો નહિ જવા દઈએ; લેવો જ પડશે. બહેનોની સંખ્યા વધી ગઈ. એકેક રૂમમાં ૧૦ – ૧૦ બહેનોને રાખવામાં આવ્યા. બહાર lobby માં ઠંડી પણ હોય, લાઈટ પણ હોય એટલે સૂવાય નહિ; રૂમમાં દશ જણા સૂવે શી રીતે…? બહેનો મેનેજમેન્ટવાળા પાસે ગઈ કે તમે કઈ રીતે મેનેજમેન્ટ કરો છો? એક રૂમમાં દશ બહેનો? સૂવે કંઈ રીતે? મેનેજમેન્ટવાળાએ હાથ જોડીને કહ્યું કે રૂમો તો વધવાની નથી. પણ રૂમો જેવા જ V.V.I.P. tent બનાવી દઈએ. નીચે લાકડાની ફર્શ. ભીંતો પણ એવી મજબુત કે ઠંડી ન આવે. છાપરું પણ સરસ. એક – બે દિવસમાં V.V.I.P. tent બનાવી દઈએ. tent માં કેટલી બહેનોને જવું છે – નામ લખાવી દો. (પણ) tent માં જવા કોઈ તૈયાર નહોતા.

એ બહેનો બધી મારી પાસે આવી. સાહેબ! જોવો તો ખરા! આટલી નાની રૂમ; એમાં દશ જણાને મૂક્યા છે! tent વાળા મારી પાસે આવી ગયેલા. એટલે હું પણ સમજતો હતો કે કોઈ રસ્તો તો છે નહિ. આ લોકોને tent માં જવું નથી. (અને) રૂમ તો કંઈ રાતોરાત વધવાની નથી. એ જ દિવસે સવારે પ્રવચનમાં ‘નમો સિદ્ધાણં’ પદ પર પ્રવચન થયેલું. એટલે મેં બહેનોને કહ્યું કે આજનું પ્રવચન તમે સાંભળેલું?

તમે બધા તો સાંભળો છો ને! સાંભળો તો છો મજેથી… પણ (ખરેખરમાં) કોણ સાંભળે છે…? તમારા કાન? તમારું conscience mind? કે તમે પોતે? કોઈ પૂછે – ઘરે – કે હું વ્યાખ્યાનમાં નહોતો આવ્યો; આજે વ્યાખ્યાનમાં શું આવેલું? તો તમે શું કહો? “બહુ સરસ આવેલું.” પેલો કહે : “અરે! મ.સા. બોલે એ સરસ જ હોય; પણ શું આવ્યું હતું?” એટલે તમે માથું ખંજવાળો ને?!

અને નવકારશીમાં જમીને આવેલો હોય. કોઈને જમવા જવાનું બાકી છે, એ પૂછે આજનું મેનુ શું છે? તો માથું ખંજવાળવાનું ને? કે પછી બધું યાદ હોય?!

કેમ અહીંયા જ યાદ ન રહે? (કારણ કે) કાન સાંભળે છે, બહુ, બહુ તો conscience mind સાંભળે છે, તમે ક્યાં સાંભળો છો?

મેઘકુમાર very first time પ્રભુની દેશનામાં ગયા. પહેલી જ વાર દેશના સાંભળી પ્રભુની; મેઘકુમાર clean bowled થઇ ગયા. ઘરે આવ્યા. ધારિણી માઁ ને કહ્યું : માઁ! મારે દીક્ષા લેવી છે. પ્રભુનું સંમોહન, પ્રભુના શબ્દોનું સંમોહન એટલું બધું થઇ ગયું છે કે હવે પ્રભુ વિના હું એક ક્ષણ હું રહી શકું એમ નથી.

અમારી લોકો પાસે પણ એક સંમોહન હોય છે – વ્યક્તિત્વનું સંમોહન, શબ્દોનું સંમોહન. કારણ? દરિયાના કાંઠે તમે આવેલા હોય ને, તો તો એક ધક્કો મારી દઈએ ને તમે દરિયામાં પડી જાવ. પણ પહેલા દરિયા કાંઠે તો લાવવા પડે ને… મુંબઈમાં ક્યાંય ને ક્યાંય રહેતો હોય, તો દરિયાકાંઠે તો લાવવો પડે ને…. તો અમારા શબ્દો… એનું સંમોહન જાગે અને એ શબ્દો થોડા થોડા ભીતર ઉતરવા લાગે, તો તમે દરિયાકાંઠે આવી ગયા. અને દરિયાકાંઠે તમે આવી ગયા; એક જ ધક્કો લગાવીએ; (તમે સીધા) દરિયામાં!

પ્રભુના પ્રેમનો દરિયો. પ્રભુના પ્રેમનો સમુદ્ર. અમે લોકો એમાં તરીએ છીએ. સરીએ છીએ. વહીએ છીએ. ડૂબીએ છીએ. તમને અમારી ઈર્ષ્યા આવે છે? શું છે તમારી પાસે…? અમારી પાસે પ્રભુના પ્રેમનો સમુદ્ર છે. પ્રભુએ અમને કહ્યું : બેટા! આવી જા; હું તૈયાર છું. તમને પણ પ્રભુ કહે છે : બેટા! આવી જા; હું તૈયાર છું. તમારા માટે તો પ્રભુએ એક વિશેષ સુવિધા રાખેલી છે. બહુ મજાની સુવિધા રાખી. તમે સીધા પ્રભુના આમંત્રણને ન સ્વીકારી શકો. તો પ્રભુએ સદ્ગુરુને મોકલ્યા કે ભાઈ! આને સમજાવો થોડો; મારી પાસે આવે. અને સદ્ગુરુ જ્યારે કહે, ત્યારે સદ્ગુરુના ચહેરા ઉપર બરાબર ધ્યાન આપજો. સદ્ગુરુ જ્યારે કહે કે પરમના પ્રેમના સમુદ્રમાં હું પડેલો છું, ત્યારે એમના ચહેરા ઉપર જે આનંદ તરવરતો હોય છે, એ આનંદને જુઓ.

કેટલા મહાત્માનું દર્શન કર્યું? અને કેટલા મહાત્માઓનો આનંદ તમને સ્પર્શી ગયો?

તો, બહેનો આવી કે સાહેબ! દશ જણા કેવી રીતે સૂઈએ? મેં કહ્યું આજનું પ્રવચન સાંભળેલું ને… એમાં તો મેં એમ કહેલું કે ભવિષ્યના સિદ્ધોને વંદન કરવાનું. આ મેનેજમેન્ટવાળાએ તો એટલી બધી સુવિધા તમને કરી આપી કે એક રૂમમાં તમે દશ હોવ, તો તમારા સિવાયના નવે–નવ ભવિષ્યના સિદ્ધાત્મા! તમે કહો છો સંથારો આડો – અવળો થાય… આ તો કેટલી મજાની વાત થઇ કે સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને મળી ગયો! હું તો સિદ્ધ ભગવંતોને વંદનની વાત કરતો હતો, તમને તો સિદ્ધ ભગવંતોનો સ્પર્શ મળી ગયો! બહેનો રાજી થઇ ગઈ.

તો બ્રાહ્મણવાડામાં પંન્યાસજી ભગવંતે ચૈત્રી ઓળીના પહેલા દિવસે સાધનાની પ્રભુ કર્તૃકતાની વાત કરી. પ્રભુએ શાસન સ્થાપ્યું ન હોત, તો મને અને તમને સાધના ક્યાંથી મળત? સદ્ગુરુ દ્વારા એ સાધના ન મળી હોત, આપણી પાસે સાધના ક્યાંથી હોત?

અરણીક મુનિનો minus point આ જ રહ્યો. તપ કર્યો, ત્યાગ કર્યો, પણ મનમાં  એક વાત રહી ગઈ, કે હું બધું કરું છું, નિર્ણય પણ મારે કરવાનો, અને કાર્ય પણ મારે કરવાનું. સાધનાનો એક self confidence આવ્યો; હું જ કરું છું. એ સાધનાના self confidence એ એમને ડગાવી નાંખ્યા; એમની સાધના છૂટી ગઈ. પણ વેશ્યાને ત્યાં જવું એ વરદાન રૂપ બન્યું. વેશ્યાને ત્યાંથી પાછા ફરી રહ્યા છે – ગુરુદેવના ચરણોમાં – ત્યારે એક જ વિચાર આવે છે, કે સાધનાના કર્તા પ્રભુ હતા, સાધનાના કર્તા સદ્ગુરુ હતા; મેં સાધનાનું કર્તૃત્વ મારા માથે ઓઢી લીધું માટે આ તકલીફ થઇ. હવે પૂરું જીવન, જીવનની એક – એક ક્ષણ સદ્ગુરુના ચરણોમાં…

અમારે ત્યાં એક સરસ શબ્દ છે : ‘ગુરુઅદત્ત’. સાધકની પાસે – એક શિષ્ય કે શિષ્યાની પાસે – ગુરુઅદત્ત એક પણ ક્ષણ ન જોઈએ. એની એક – એક ક્ષણ ઉપર પ્રભુના અને સદ્ગુરુના signature જોઈએ. બોલો કેટલી મજા આવે! તમારી એક – એક ક્ષણ ઉપર પ્રભુ signature કરી આપે : well done! સદ્ગુરુ signature કરી આપે : well done! કેટલી મજા આવી જાય! તો અમારી પરંપરામાં આ શબ્દ છે કે સાધુ કે સાધ્વીની એક પણ ક્ષણ ગુરુઅદત્ત ન હોય.

કેટલી મજાની વાત છે! તમે ક્યાંય અતિચારોમાં ન જઈ શકો, સ્ખલનોમાં જઈ ન શકો – એના માટેની આ વાત છે. એકેક ક્ષણે તમે સદ્ગુરને પૂછીને બધું કાર્ય કરતા હોવ, સદ્ગુરુએ ભળાવ્યું છે એ કામ કરતા હોવ, તો તમારી એક – એક ક્ષણ સદ્ગુરુદત્ત થઇ જાય. બસ આ જીવન પ્રભુદત્ત બને, સદ્ગુરુદત્ત બને, તો જ એની કાંઈ વિશેષતા છે.

બાકી તો અનંતા જન્મો મળ્યા. નરક – નિગોદમાં જઈ આવ્યા. આ એક જ જન્મ એવો મળ્યો છે કે જેમાં તમે તમારી સાધનાને uplifted કરી શકો. અત્યાર સુધીના જન્મોમાં શું થયું? you had no option. તમારી પાસે પરમનો કોઈ વિકલ્પ નહોતો. પરની જ દુનિયા તમારી પાસે હતી. તો પરની જ દુનિયા હતી, તો તમે શું કર્યું? આ પરમાંથી પેલા પરમાં અને પેલા પરમાંથી આ પરમાં…

આપણું ગુજરાતી મેનુ કેવું હોય? સવારે ખાખરો, બપોરે રોટલી, સાંજે ભાખરી. તો સવારે રોટલી આપે તો ચાલે? ઘઉં નું ઘઉં જ છે ને! ત્રણેયમાં શું છે? ઘઉં! આટો એક જ છે; ખાલી format અલગ પડી ગયું. પણ આપણા મનમાં એક ગ્રંથી પડી ગઈ છે. સવારે આ; બપોરે આ; સાંજે આ…

તો, પરની અંદર તમે હેરાફેરી કરી. પાલીતાણામાં ડોળીવાળો હોય. આ ખભો એનો તપી જાય એટલે લાકડાને આ ખભા ઉપર મૂકે. સરસ લાગે. પણ સરસ કંઈ નથી! પાંચ મીનીટમાં પાછો આ ખભો બળશે. એમ, અનંતા જન્મોથી આપણે પરમાં ને પરમાં રહ્યા છીએ, આ એક જન્મ એવો છે જે તમે પરમને સોંપી શકો. છો તૈયાર….?

એક ઝૅન ગુરુ હતા. એના પ્રવચનોનું સંપાદન એક ભિક્ષુ કરતા હતા. એમાં એક વાક્ય આવ્યું. ભિક્ષુને લાગ્યું કે વાક્ય બરાબર નથી. recoding માં એણે સાંભળ્યું. અને recoding પરથી એણે editing કરવાનું છે. પણ એ શિષ્ય હતો, એટલે ગુરુને પૂછ્યા વગર કંઈ કરી શકે નહિ. એ ગુરુ પાસે આવ્યો. ગુરુને એણે પૂછ્યું : કે અહીંયા recoding માં એક વાક્ય સંભળાય છે “the things as it is.” આપણે સમજીએ છીએ કે (અંગ્રેજી વ્યાકરણ મુજબ) “the things as they are” જોઈએ. “as it is” કઈ રીતે ચાલે? things બહુવચન છે.

તો ભિક્ષુએ પૂછ્યું કે અહીંયા the things as they are એમ કરી શકાય? ગુરુએ ના પાડી. ગુરુએ કહ્યું જેમ છે તેમ જ રહેવા દે. શિષ્યની સમર્પિતતા કેવી હોય કે એ શિષ્ય જાણવાની પણ ઈચ્છા નથી રાખતો કે સાહેબ! આવું કઈ રીતે હોઈ શકે; વ્યાકરણ તો ના પાડે છે? નહિ… guru is the supreme boss. અને સદ્ગુરના જે વાક્યો નીકળ્યા એ સાધક માટે આજ્ઞારૂપ છે. ગુરુ કહે છે : “વાક્ય છે એમ રાખ; બદલવાનું નથી.” તહત્તિ.

તમનેય થયું હશે કે વાક્ય ખરેખર બદલવું જોઈએ. પણ ગુરુ એમ કહેવા માંગતા હતા કે બધા જ પદાર્થોને એ meaninglessness ના એક ખાનામાં હું નાંખું. The things બહુવચન છે; પણ as it is. as they are નહિ. કારણ? બધા જ પરની વ્યાખ્યા એક જ છે કે એ meaningless છે.

તાવ આવેલો હોય. ઠંડી લાગતી હોય. એક blanket ઓઢાડે તો સારું લાગે; બે માં પણ કદાચ સારું લાગે. હવે કોઈ અડબંગ નોકર હોય અને એની બુદ્ધિ ચલાવે કે શેઠ ઉપર બે ધાબળા નાંખ્યા ને શેઠને આટલું સારું લાગે છે; તો દશ ધાબળા નાંખું તો કેટલો આનંદ આવે!

ભૂખ લાગી છે. ખાવા બેઠા. ગરમ – ગરમ રોટલી, શાક ભાણામાં આવ્યું. એ રોટલી કેવી લાગે છે? સારી લાગે છે. છ રોટલી ખવાઈ ગઈ. દાળ – ભાત ખવાઈ ગયા. પછી કોઈ કહે કે હવે રોટલી? “નહિ; હવે રોટલી નહિ.” કેમ? એ જ રોટલી પહેલા સારી લાગતી હતી; કેમ હવે સારી નથી લાગતી? જો રોટલી સારી હોય, તો સારી જ રહે. Blanket સારો હોય, તો સારો જ રહે.

નક્કી શું થયું? કે ભૂખનું જે દુઃખ હતું એ દુઃખ રોટલી દ્વારા ગયું એટલે તમને સુખની ભ્રમણા થઇ.

માથું દુખતું હોય. એક Saridon લઇ લો, તો શું થાય? માથું ઉતરી જાય. એક બાબાને માથું દુખતું હતું; મમ્મીએ એને Saridon ની ટીકડી આપી. એક ટીકડી આપી ને થોડીવાર માથું એકદમ સરસ! સારું કર્યું કે બાબાએ મમ્મીને પૂછ્યું, કે મમ્મી! આ એક ટીકડી લીધી તો આટલી મજા આવે, તો દશ ટીકડીની આખી સ્ટ્રીપ છે એ ખાઈએ તો કેટલી મજા આવે!

ટીકડી સુખ નથી આપતી; માથાના દુખાવાને ગાયબ કરે છે. અને ગાયબ પણ કેવી રીતે કરે છે? જે nervous system આપણા મગજમાં જતી હતી, એને થોડીક કુંઠિત કરી નાંખે. જે નસ દ્વારા ત્યાં સંદેશ મળતો હતો કે અહીંયા દુખાવો થાય છે, એ નસને થોડીક નિષ્ક્રિય કરી નાંખે.

તો રોટલીથી સુખ મળે? blanket થી સુખ મળે? saridon થી સુખ મળે? દુઃખ ટળે એટલું થાય, બરોબર? તો પૈસા જે છે, એનાથી શું થાય એ મને કહો! એમાં કોઈ લિમિટ ખરી કે નહિ? કે આટલા જોઈએ; આનાથી વધારે નહિ… blanket ૨, saridon ૧, પૈસા કેટલા…?

અબજોપતિઓ અમારી પાસે આવતાં હોય છે, વાસક્ષેપ લેવા. હું એને પૂછું આ વાસક્ષેપ શેના માટે લે છે? તારું છે એમાં વધારો કરવા? કે દાન કરવા? એ અબજોપતિ રાત્રે આરામથી સૂઈ ન શકે. doorbell વાગે તો શું થાય? IT વાળા આવ્યા કે ED વાળા આવ્યા? જે પૈસા તમને આટલી તકલીફ આપે, એને તમે રાખો?

તમે સંસારમાં છો. અમુક હદ સુધી જોઈએ; માની લઈએ. પણ એનાથી વધારે ન હોય. સરકારની ચોરી કરેલી હશે; રેડ પડશે; કેટલા હેરાન થઇ જશો? નીતિપૂર્વક જેટલું જોઈએ છે એટલું કમાઈ લેવાનું. ઘણાને તો એટલા પૈસા છે કે વ્યાજમાં મૂકે ને તો વ્યાજ પણ ખાઈ ન શકે; વ્યાજ પણ વધે. તો પણ એનો ધંધો ચાલુ, એને પૂછીએ કે હવે તું કોના માટે ધંધો કરે છે…? તારું પેટ ભરાઈ ગયું, પટારો ભરાઈ ગયો, હવે કોના માટે?!

પ્રભુ જ આપણને આ સમજણ આપી શકે. દુનિયામાં એક જ નાદ છે : ભેગું કરો, વધુ ભેગું કરો, વધુ ભેગું કરો…. પ્રભુનો માર્ગ છે કે : છોડો. તમે ભેગું કરો છો; અમે લોકોએ છોડી દીધું. સુખી કોણ, બોલો? બેમાંથી સુખી કોણ? બોલો… અમે સુખી એવું વાસ્તવમાં લાગે છે?! એટલે મનમાં તો દીક્ષાની ઈચ્છા તો ખરી જ… પરિસ્થિતિ એવી હોય ને લઇ ન શકાય – એ અલગ બાબત છે. પણ મનમાં તો દીક્ષા આવી જ ગઈ છે, બરાબર?

તો પૂરા સાધના માર્ગ ઉપર પ્રભુનું અને સદ્ગુરુનું કર્તૃત્વ છે. એટલે કોઈ પણ કાર્ય થયું; આંખમાં આંસુ આવી જાય. માસક્ષમણ થયું; ૩૦માં દિવસે આંખમાંથી આંસુ આવી જાય કે ગુરુદેવ! કેવી તમારી કૃપા કે તમે માસક્ષમણ કરાવ્યું.

એકવાર અમારું ચોમાસું ડીસા પાસે નાનકડા નામના ગામમાં હતું, ૨૦ -૨૫ ઘરોનું નાનકડું ગામ. એમની સ્મૃતિમાં પચાસ-સો વર્ષમાં ક્યારે પણ ચાતુર્માસ થયેલું નહોતું. પહેલું ચાતુર્માસ. એટલો બધો ઉત્સાહ એ લોકોનો… કે જય બોલાઈ ગઈ, પછી એક વર્ષથી એમની તૈયારી ચાલવા મંડી… બધાના ઘર નવા થવા માંડ્યા… કોઈ પૂછે કે શું છે? તો કે અમારા ત્યાં ચાતુર્માસ આવવાનું છે. ચોમાસાનો પ્રવેશ થયો.

એક બહેન… મુંબઈ જ  રહેતા હતા પણ ઘર બહુ ઉપરના માળ ઉપર હતું એટલે લાભ મળતો નહિ. અને એમને જ્યાં સમાચાર મળ્યા કે ગામમાં આચાર્ય ભગવંતનું ચોમાસું છે… એ પોતે આવી ગયા. પતિ ધંધો કરતા હતા, દીકરાઓ નાના ભણતા હતા. આખું ઘર ઘાટીઓને, નોકર – ચાકરોને સોંપી એ બહેન ચોમાસા માટે આવી ગયા.

પ્રવેશનો ત્રીજો દિવસ… સાંજનો સમય અને એ બહેન મારી પાસે આવ્યા, કે સાહેબ! કાલે સવારે હું જાઉં છું મુંબઈ. આપણને સામાન્ય શંકા એ થાય કે સંઘના કોઈ સાથે બોલચાલ થઇ હશે. મેં પૂછ્યું : શું કારણ? ત્યારે એમણે કહ્યું સાહેબ! આખું મારું મુંબઈનું ઘર ઘાટીઓને અને નોકરચાકરોને સોંપીને એટલા માટે હું આવી છું કે મને સાધુ – સાધ્વીજીઓનો લાભ મળે. તમે લોકો એવું કરો છો કે એક મ.સા. આ શેરીમાં જાય, બીજા મ.સા. આ શેરીમાં, ત્રીજા મ.સા. આ શેરીમાં… એટલે બધાનો લાભ મને મળે નહિ! મારે એ ચાલી શકે નહિ…

આપ આચાર્ય છો. આપ જો બધા સાધુ – સાધ્વીજીઓને આજ્ઞા કરી શકતા હોવ, કે મારે ત્યાં – જેટલા પણ વહોરવા નીકળે – એ બધાએ ફરજીયાત ત્રણેય ટાઇમ આવવાનું; તો હું રોકાવું!

તમારા લોકોની ભક્તિ પણ કંઈ કમ નથી! મુંબઈનો અહોભાવ જબરદસ્ત છે.

તો મેં કહ્યું કહી દઈશ. તો કહે કે હું નહિ જાઉં! બીજી સવારે બધા વંદન માટે ભેગા થયા ત્યારે મેં કહ્યું કે ત્રણેય ટાઇમ જેટલા સાધુ – સાધ્વી વહોરવા માટે જાય એમને આ બેનના ત્યાં તો જવાનું જ છે. કેટલું લેવું, કેટલું નહિ – એ તમારો વિવેક છે પણ એમના ત્યાં પગલાં તમારે કરવાના જ છે. પછી એ બેન રહ્યા. રહ્યા પછી માસક્ષમણ કર્યું!

પર્યુષણ નજીક આવ્યા, એટલે આખું ગામ ઉભરાઈ ગયું. બધા આવી ગયા… એમનું ઘર તો બહુ ભરાઈ ગયું. કારણ કે માસક્ષમણની તપશ્ચર્યા… સગાં – વ્હાલા, બેન – બનેવી, દીકરી બધા આવી ગયા. પણ માસક્ષમણના છેલ્લા દિવસ સુધી વહોરાવાનું કામ એ બેને જ રાખ્યું. એ કહે કે વહોરાવીશ તો હું જ; બીજા બધા કામ તમે કરજો, આ કામ હું કોઈને નહિ આપું.

એક રેવતી શ્રાવિકાજી પાંચ સેકંડ વહોરાવે અને તીર્થંકર પદ બાંધે. આપણને વિચાર થાય કે આ શ્રાવિકાએ કેટલા તો સરસ મજાના પુણ્ય કર્મો બાંધ્યા હશે, કેટલી સરસ નિર્જરા કરી હશે!

શું પ્રભુએ શાસન આપ્યું છે… હું તો પ્રભુની સાધના પદ્ધતિ ઉપર ઓવારી ગયેલો માણસ છું. મેં દુનિયાની તમામ સાધના પદ્ધતિઓને જોઈ. અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ પરનો મારો પ્રેમ ખુબ વધી ગયો. કારણ? વ્યવહાર અને નિશ્ચયનો જે balancing પ્રભુની સાધના પદ્ધતિમાં છે, એવું દુનિયામાં ક્યાંય નથી. ક્યાંક વ્યવહારનું format હોય, નિશ્ચયની સાધના જ ન હોય. ક્યાંક નિશ્ચયની વાત હોય, વ્યવહારનું format ન હોય,

આ પ્રભુની સાધના જ્યાં વ્યવહાર અને નિશ્ચયનું અદ્ભુત માળખું છે. અને હવે પછીના પ્રવચનોમાં મારે આ જ વાત કહેવી છે કે વ્યવહારથી નિશ્ચય તરફ તમે કઈ રીતે જઈ શકો? અને જે સાધના – જે વ્યવહાર સાધના – તમને નિશ્ચય સુધી ન લઇ જાય, એ વ્યવહારાભાસ થયો. એટલે પ્રભુએ એટલી મજાની સાધના આપી છે કે પ્રભુએ આપેલી તમામ વ્યવહાર સાધના નિશ્ચય સાધનાને touch કરે. ક્યાંય બીજે જવાની જરૂર નથી. કોઈ અમુક સાધના પદ્ધતિમાં જાય, કોઈ અમુક સાધના પદ્ધતિમાં જાય… પ્રભુએ અદ્ભુત સાધના પદ્ધતિ આપી છે. એક પૂજા કરો, એક દર્શન કરો, પ્રભુની વીતરાગતાના દર્શન કરો… તમારી અંદર રહેલી વીતરાગતાનો આછો સો અણસાર આવે; તમારી સાધના વ્યવહારમાંથી નિશ્ચયમાં પહોંચે.

તો પંન્યાસજી ભગવંત પ્રભુના સાધના કર્તૃત્વની વાત કરી રહ્યા છે. એમાં પંન્યાસજી ભગવંત શું કહે છે, એની વાત કાલે કરીશું.

Share This Article
1 Comment
  • પ્રણામ ,
    સાહેબજી ની અદભુત શૈલી માણીએ છીએ .
    ભક્તિ રસ માં પ્રભુ અને સદ્દગુરુ માં કર્તુત્વ ભાવ આપ્યો , તે નિશ્ચય થી તો અકર્તા છે તે સિદ્ધાંત અને નિમિત્ત – ઉપાદાન ના મર્મ ને વધુ ગહેરાઈ થી જાણવા હવે ના પ્રવચનો નો ઇન્તજાર રહેશે
    ગુરુદેવ શ્રી ને મત્થેણમ વંદામિ
    🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *